કોઇ એક સમાજ કે દેશના લોકો પોતાના મનોગત ભાવ કે વિચાર એકબીજાને પ્રકટ કરી શકે તેવો વ્યક્તનાદનો સમુદાય; જબાન; વાણી; બ્રાહ્મી; ભારીત; સરસ્વતી; ગિરા; બોલી. મનના વિચાર બોલીને કે લખીને જણાવાય છે. ભાષાશાસ્ત્રમાં ભાષા અને બોલી એવા બે ભેદ ગણવામાં આવે છે. અંત:કરણના વ્યાપારને ભાષા કહે છે અને તેનું ઉચ્ચારરૂપ સાધન પરસ્પરના પરિણામને જણાવી શકે છે. ભાષા કાઢવા સંબંધમાં વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે કે, ભાષા એ કાંઈ જમીનમાંથી નીકળતી માટી નથી કે બસ ઉપાડી અને ફેંકી. તે વચન નહિ પણ રત્ન છે, ભાષા નહિ પણ હીરા છે. હજારો લાખો રૂપિયાનાં રત્ન, ઝવેરાત મોતી, માણેક વગેરેને તિજોરીમાં ડબામાં રખાય છે, પરંતુ ભાષા તેનાથી હજારો લાખો ગણી કીમતવાળી છે. ભાષાની કીમત સમજનારે બહુ જ થોડી ભાષ તેની જરૂર પડ્યે કાઢવી. વળી તેઓ આઠ ગુણવાળી ભાષા બોલવાનું જણાવે છે. તે આઠ ગુણ આ પ્રમાણે છે: (૧) મધુર એટલે કર્કશતા, કઠોરતા, તુચ્છતા તથા હલકાપણું જેમાં ન હોય એવી. (૨) નિપુણ એટલે રામબાણ. ભાષાવલિ એવી હોય કે જે કામ માટે ભાષા નીકળી હોય તે કામ અવશ્ય પૂરું થાય. (૩) થોડી. બહુ થોડા શબ્દ બોલવા. ભાષા કાંઈ જમીનમાંથી નીકળતી માટી નથી કે બસ ઉપાડી અને ફેંકી. તે વચન નથી પણ રત્ન છે, ભાષા નહિ તે હીરા છે. (૪) કાર્યાપતિત એટલે કામ પડે ત્યારે બોલવું. વિના પ્રયોજન ભાષાનું ઉચ્ચારણ ન કરવું જોઈએ. (૫) અભિમાન વગરની. જે ભાષા બોલવામાં આવે તે અભિમાનવાળી ન હોવી જોઈએ. (૬) અતુચ્છ હલકી વાણી, હલકા શબ્દ મુખમાંથી કાઢવા ન જોઈએ. માતાઓ બાળક ઉપર ખીજાય છે, ત્યારે ગાળો કાઢે છે અને હલકા શબ્દો સંભળાવે છે. આની અસર બાળક ઉપર માઠી પડે છે. (૭) વિચારીને બોલવું. બોલતાં પહેલાં વિચારવું કે આ શબ્દ બોલવાની મારે જરૂર છે કે નહિ. કોઇ ઉપર બૂરી અસર તો નહિ થાય ને ? વાત સારી લાગે તો મુખમાંથી ભાષા કાઢવી. (૮) ધર્મયુક્ત. ભાષા ધર્મયુક્ત હોવી જોઈએ. પોતાની ઇજ્જત આબરૂ રાખવી હોય તો આત્માની સાક્ષીઓ સત્ય બોલવું. ભાષાની ઉત્પત્તિ વિષે વિચાર કરતાં સામાન્ય રીતે નીચે પ્રમાણે કલ્પના થઈ શકે છે: સૃષ્ટિના આરંભ કાળમાં જ્યારે મનુષ્ય, ગિરિગહ્વર કે એવા કોઈ નિર્જન સ્થાનમાં દિગંબર અવસ્થામાં એકલો વિચરતો હતો, ત્યારે તેને વ્યક્ત ભાષાની કંઈ એવી બહુ જરૂર સ્વાભવિક રીતે જ નહોતી. તે વખતે તેનામાં હર્ષ કે શોકનો આવેશ આવતો, ત્યારે તે તરત જ કુદરતની પ્રેરણાથી હર્ષશોકના કોઈ અવ્યક્ત ઉદ્દગાર કાઢી તે આવેશ દર્શાવતો. ભાષા જ્યારે અવ્યક્ત એટલે સ્પષ્ટતા અને વિકાસ વગરની તેમ જ અપૂર્ણ હોય, ત્યારે ચેષ્ટાની મદદની જરૂર પડે છે. એ સમયે ભિન્ન ભિન્ન લાગણીઓ દર્શાવવા તેને વ્યવસ્થિત ભાષાની જરૂર ન હતી, પરંતુ જેમ જેમ તેની અવસ્થા વિકસતી ગઈ અને પરિસ્થિતિમાં પરિવર્તન થતું ગયું, તેમ તેમ તેને વ્યક્ત ભાષાની વધારે જરૂર પડી. પ્રથમ તેનો ધ્વનિ જે ગૂંચવણ ભરેલો હતો, તે ધીમે ધીમે સુધરતો ગયો, એટલે કે મનુષ્યના વિકાસની સાથે તેની સમજશક્તિ અને ઉચ્ચારના અવયવોનો પણ વિકાસ થતો ગયો અને તેના પરિણામે તેની ભાષામાં પણ એટલે જ અંશે સુધારો થતો ગયો. પછી તો ઘર, કુટુંબ અને સમાજના બંધારણને પરિણામે, આરંભમાં ભાષા ગૂંચવણ ભરેલી, બદલાતી અને અનિશ્ચિત હતી, તે ક્રમે ક્રમે સ્પષ્ટ, સ્થિર અને વિકસિત થતી ગઈ. આરંભમાં એ ધ્વનિ કેવળ કેવળપ્રયોગી અવયવના સ્વરૂપમાં હતો, તેને બદલે તેમાં અક્ષરો ઉમેરાઈ મોટા શબ્દો બન્યા. ભાષા માત્રાનું મૂળ ધ્વનિમાં છે અને એ અવ્યક્ત ધ્વનિમાંથી વિકાસ પામી મનુષ્યની ભાષા બંધાઈ છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનાં ઉચ્ચારસ્થાન ને મગજ વધારે વિકાસ ને સંસ્કાર પામી શકે તેવાં છે; તેથી ધ્વનિમાં ભાર મૂકીને, દ્વિર્ભાવ કરીને, ઘાંટા અને અનેક રીતના ફેરફાર કરીને ધ્વનિના વિચિત્ર પ્રકાર ઉત્પન્ન કર્યા છે. ચેતવવાના અને બોલવાના ધ્વનિમાં દર્શક ધાતુનું બીજ રહેલું છે; તેમાંથી સંખ્યાવાચક, જાતિવાચક અને અંતરવાચક શબ્દ બન્યા છે. ભાવવાચક ધ્વનિ અને દર્શક શબ્દ ભેળા થઇ સાદાં વાક્યો બન્યાં છે અને એ ધ્વનિમાંથી ક્રિયાપદ ઉદ્દભવ્યાં છે. અચેતન કુદરત તેમ જ પ્રાણીના ધ્વનિના અનુકરણથી પદાર્થનાં નામ, ખાસ ક્રિયાપદ અને કૃદંત બન્યાં છે. સાદશ્ય જોઇ શબ્દ વાપરવાથી, આખા વર્ગને લાગુ પડે એવા જાતિવાચક શબ્દ બનાવવાથી અને બુદ્ધિનો ઉપયોગ કરી, કેટલાંક શબ્દો પ્રત્યયો જેવા ગણી તે વડે અને ઉપસર્ગો વડે અનેક નવા શબ્દો ઘડાઈ ભાષા ઉત્પન્ન થઇ છે. શબ્દના બે પ્રકાર છે: ધ્વનિમય અને વર્ણમય. પશુઓનો શબ્દ ધ્વનિમય અને મનુષ્યનો શબ્દ વર્ણમય છે. કૂતરાં, બિલાડી, ઘોડાં, બળદ, ઘેટાં, દેડકાં, કાચબા અને કાગડાના બોલવામાં સ્વરો શુદ્ધ કે સંકીર્ણ, હ્રસ્વ કે દીર્ધ અનુનાસિક કે અનુનાસિક ઓળખી શકાય છે. એમના શબ્દોમાંથી બધા સ્વરો એકઠા કરી શકાય છે. વળી પ્રાણીઓના શબ્દોમાં કેટલાક સુસવાટ અને ધ્રુજારાના અવાજ ઘણા સામાન્ય છે. એકલાં મનુષ્યો જ વ્યંજનનો ઉચ્ચાર કરી શકે છે. ઘણાં પ્રાણીઓ અને પક્ષીઓના ઉચ્ચારમાં જે વ્યંજન જોવામાં આવે છે એ ઉચ્ચારમાં વ્યંજન નથી, પરંતુ તે વ્યંજનને મળતા વર્ણ તેઓ ઉચ્ચારે છે. તેઓ વ્યક્ત ધ્વનિને એટલે વર્ણને મળતો અવાજ કરે છે, પણ વર્ણનો ઉચ્ચાર કરી શકતાં નથી. વ્યક્ત ભાષા બોલવાનું અને તેવી શક્તિ કેળવવી એ મનુષ્યત્વનું એક ખાસ લક્ષણ છે. ઇતર પ્રાણીઓ પોતાની લાગણી અનેક પ્રકારના અવાજોથી દર્શાવી શકે છે, પરંતુ એ અવાજ મનુષ્યના શબ્દો જેવા સ્પષ્ટ નથી. માત્ર મનુષ્ય જ પોતાના વિચારો ભાષા દ્વારા એકબીજાને દર્શાવી શકે છે. દંડી કવિ તો એટલે સુધી કહે છે કે: શબ્દબ્રહ્મના પ્રકાશ વગર જગતમાં સર્વત્ર અજ્ઞાનરૂપ અંધકાર પ્રસરત. બંધારણ પ્રમાણે ભાષાના ચાર પ્રકાર થાય છે: (૧) પ્રત્યયરહિતા (૨) સમાસાત્મિકા, (૩) પ્રત્યયાત્મિકા અને (૪) પ્રત્યયલુપ્તા. આ સમયે દુનિયામાં હજારો પ્રકારની ભાષા બોલવામાં આવે છે, જે સાધારણ રીતે બોલનારના સિવાય બીજાની સમજમાં નથી આવતી. આપણા સમાજ કે દેશની ભાષા તો લોકો ¬ચપણથી જ અભ્યાસ હોવાથી સારી રીતે જાણે છે, પરંતુ બીજા દેશો કે સમાજની ભાષા સારી રીતે નથી શિખાતી. ભાષાવિજ્ઞાનના જાણકારોએ ભાષાઓના આર્ય, સેમેટિક, હેમેટિક વગેરે કેટલાય વર્ગ સ્થાપીને તેમાંથી દરેકની જુદી જુદી શાખા સ્થાપેલી છે અને તે શાખાઓના પણ અનેક વર્ગ, ઉપવર્ગ બનાવીને તેમાં મોટી મોટી ભાષાઓ અને તેના પ્રાંતીય ભેદો, ઉપભાષાઓ અથવા બોલીઓ રાખી છે. જેમકે, હિંદી ભાષા ભાષાવિજ્ઞાનની દૃષ્ટિથી ભાષઓના આર્ય વર્ગની ભારતીય આર્ય શાખાની એક ભાષા છે અને વ્રજ ભાષા, અવધી, બુદેલખંડી વગેરે ઉપભાષા કે બોલીઓ છે આસપાસ બોલનારી અને ઉપભાષાઓ કે બોલીઓમાં થોડું ઝાઝું સામ્ય હોય છે અને તે સામ્યના આધાર ઉપર તેના વર્ગ કે કુળ સ્થાપવામાં આવે છે. આવો ભેદ મોટી ભાષાઓમાં પણ કેટલેક અંશે જોવામાં આવે છે. દુનિયાની બધી વાતોની જેમ ભાષાનો પણ મનુષ્યની આદિમ અવસ્થાના અવ્યક્ત નાદથી આજ સુધી બરાબર વિકાસ થતો અને આવ્યો છે અને આ વિકાસને કારણે ભાષાઓમાં સદા પરિવર્તન થતું રહે છે. ભારતીય આર્યોની વૈદિક ભાષાથી સંસ્કૃત અને પ્રકૃતનો, પ્રાકૃતથી અપભ્રંશનો અને એ અપભ્રંશથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયેલો છે. ભાષાના મુખ્ય ચાર પ્રકાર છે: (૧) આર્ય ભાષા, (૨) દ્રાવિડી ભાષા, (૩) ઇંડો-યરપિયન ગોત્રની ભાષા અને (૪) બીજા ગોત્રની ભાષા. અત્યારે જગતમાં જુદી જુદી ૨,૮૦૦ ભાષાનો પ્રચાર છે એમ ફ્રેંચ એકેડેમિનો અંદાજ છે. એકલા યરપમાં જ ૬૦૦ ભાષાઓ છે. અત્યારે હિંદુસ્તાનમાં બોલાતી મુખ્ય મુખ્ય ભાષાઓ નીચે પ્રમાણે છે: (૧) હિંદી, (૨) બંગાળી, (૩) તેલુગુ અથવા આંધ્ર, (૪) મરાઠી, (૫) પંજાબી, (૬) તામિલ, (૭) રાજસ્થાની, (૮) કાનડી, (૯) ગુજરાતી, (૧૦) ઉરિયા, (૧૧) સિંધી, (૧૨) આસામી, (૧૩) અંગ્રેજી. તેમાં ગુજરાતીનો જન્મ ક્યારે થયો ? એ પ્રશ્નનો જવાબ નીચે પ્રમાણે છે: માણસના જન્મમરણને માટે આપણે ચોકસ તિથિ વાર આપી શકીએ, પરંતુ ભાષાનો જન્મ કંઇ પ્રાણીઓના જન્મની માફક એક જ દિવસે અને તે દિવસની અમુક ઘડીએ ને અમુક પળે થતો નથી. તેનો જન્મ તો જમાના સુધી કે વખતે સૈકાઓ સુધી લંબાયો હોય છે. ભાષામાં તાકાત ભરવા માટે એમાં નવા શબ્દો ઉમેરાતા જાય છે. જીવનનો ઘાટ જેમ જેમ બદલાતો જાય છે. તેમ તેમ એ ઘાટને બંધ બેસે તેવા નવા નવા શબ્દોનો પ્રયોગ થતો રહે છે. ભાષામાં વ્યાકરણ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, પણ શુદ્ધ વ્યાકરણ માત્રથી શૈલીનું રૂપ ચમકતું નથી. લેખકના સ્વભાવ અને શૈલી વચ્ચે ખાસ સંબંધ છે અને માનવસ્વભાવના ચટાપટા ફરતા રહે છે, એ પ્રમાણે શૈલીનો રંગ પણ પલટાયા કરે છે. ભાષાના નવનોખા પ્રયોગોને આમ પલટાતા જીવન સાથે સંબંધ છે. આજની ગુજરાતી ભાષામાં પત્રકારત્વમાં સાહિત્ય ભળ્યું છે. પરિણામે વેગવાન શૈલી ભાષામાં પ્રવેશ પામી છે. આ માટે નવાનોખા શબ્દો ગુજરાતી ભાષામાં સામેલ થયા છે. આજની ગુજરાતી ભાષામાં ગામઠી બોલીના કેટલાક શબ્દો ભળ્યા છે. બોલચાલના એ શબ્દોને પહેલાં સાહિત્યકારો પાનાંથી આઘા રાખી દેતા. એને લઇને એવું સાહિત્ય શબ્દોનાં ઘરેણાં જવું લાગતું, પણ એ એક નર્યું સાહિત્ય હતું. એમાં જીવનની જબાન નહોતી. ત્યારે ભાષા અજવાળાની જ આરતી ઉતારતી. પણ અજવાળાં ઉપરાંત અંધારાં હતાં. એને સાહિત્યમાં ઉદાસ કરવામાં આવતાં. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે સંસ્કૃત શબ્દો ઉછીના લેવામાં આવતા અને ગામઠી શબ્દો વધુ બંધબેસતા હોય તો એ શબ્દોને જાકારો મળતો એમાં સાહિત્યનું રૂપ નહોતું, એમ તેઓને લાગતું અને સંસ્કૃત ઉપરાંત ગુજરાતી ભાષામાં શક્તિ ભરેલા કેટલાક ઉર્દૂ ભાષાના શબ્દો પણ સામેલ થયા. પ્રેમાનંદે જે ગુજરાતી ભાષા આપણને આપી છે, એમાં ગજબનાક રૂપ છે અને છતાં એની કાયા સાવ ગુજરાતની છે. પણ એવા કલાકારો ઓછા જ મળવાના. વળી ભાષામાં નવીનતા સંબંધે વિજ્ઞાનવિચારમાં લખ્યું છે કે: ભાષામાં નવીનતા માટે ખાસ સંસ્કૃત જ શબ્દો શોધવા જોઇએ અને ફારસી કે અંગ્રેજી ભાષાના શબ્દોનો તદ્દન જ ત્યાગ કરવો જોઇએ, એ અભિપ્રાય મને માન્ય નથી. પરિભાષા સરળ અને અર્થસૂચક હોવી જોઇએ, એ દૃષ્ટિબિંદુ સર્વોપરી રાખીને બીજી ભાષાના શબ્દોને સ્વીકારતાં અચકાવું જોઇએ નહિ. ભાષા વિષે પોતાના વિચારો દર્શાવતાં ગાંધીજી લખે છે કે: હવે તો હું એવું માનું છું કે, ભારતવર્ષના ઉચ્ચ શિક્ષણક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા, હિંદી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઇએ. આટલી ભાષાની સંખ્યાથી કોઇએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો કે વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી, એટલું જ નહિ પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે, તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરૂં જોતાં તો હિંદી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય: તેમ જ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રૂને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા ગણી નથી, કેમકે તેના વ્યાકરણનો સમાવેશ હિંદીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિંદી, બંગાલી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. ભાષાનો ફેલાવો કેવળ પ્રચારથી નથી થતો. એમ થતું હોત તો વોલાપુક કે એસ્પેરેન્ટોને પશ્ચિમના મુલકોની જનતામાં સ્થાન મળ્યું હોત. પણ એમ બન્યું નથી. કેવળ થોડા લોકોના આગ્રહથી જ કોઇ ભાષાને જનતામાં સ્થાન નથી મળતું. પરંતુ જે લોકો શક્તિશાળી, મહેનતુ, કળાશીલ અને સાહસિક વેપારી છે તેમની ભાષા ચાલે છે, પરાક્રમી બને છે. આપણું કામ પ્રયત્ન કરવાનું છે. લોકો જે ભાષાને અપનાવે તે જ તેમની ભાષા બની શકે. હલામાં આપણા દેશમાં ભાષાવાર પ્રાંતોની રચનાનો પ્રશ્ન ચર્ચાય છે, તે સંબંધે ગાંધીજી લખે છે કે: કોંગ્રેસે આજે વીશ વર્ષથી ઠરાવ કરી રાખ્યો છે કે, દેશની જેટલી મુખ્ય મુખ્ય મોટી મોટી ભાષાઓ છે તેટલા પ્રાંત રચવા જોઇએ. કોંગ્રેસ એવું પણ ઠરાવેલું છે કે, રાજવહીવટ અમારા હાથમાં આવશે તેની સાથે એવા પ્રાંતો રચીશું. અલગ અલગ પ્રાંતો રચાઇ જાય પછી તેમનામાંથી મુંબઇને એમ ન થવું જોઇએ કે મહારાષ્ટ્ર સાથે મારે હવે કશી લેવાદેવા નથી. મહારાષ્ટ્રને એમ ન લાગવું જોઇએ કે મારે ને કર્ણાટકને હવે શું ? અને કર્ણાટક એવું ન માને કે મારે હવે આંધ્ર સાથે કશું સ્નાનસૂતક નથી, એ રીતે આપણું બધું કામ બગડી જશે. તેથી બધા પ્રાંતોના લોકો એકબીજાને પોતાના ભાઇ માને. આવી ભાવના રાખી આપણે ભાષાવાર પ્રાંતો બનાવીશું તો તેથી પ્રાંતિક ભાષાઓની પણ પ્રગતિ થશે. એ પ્રાંતોના લોકોને હિંદુસ્તાનીના માધ્યમ દ્વારા કેળવણી આપવાની વાત વાહિયાત છે અંગ્રેજીમાં આપવાની વાત તો વળી તેથી યે વધારે વાહિયાત છે વળી ભાષાવાર પ્રાંતરચનાના વિરોધમાં બંધારણી પંડિત મરહૂમ વિજય રાઘવાચાર્યે ૧૯૩૫ની સાલમાં કરેલ વિરોધ બાબત હરિજન બંધુ લખે છે કે: બંધારણી પંડિત મરહૂમ શ્રી વિજય રાઘવાચાર્યે ૧૯૩૫ની સાલમાં બીજી એક દૃષ્ટિથી ભાષાવાર પ્રાંતોની રચનાની વાતને વિષે પોતાની સૂગ બતાવી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે, ભાષાવાર પ્રાંતોની રચના થશે તો આપણી એક્તાનો તંતુ છે તેનાથી વધારે નબળો થશે, તેનાથી આપણે ઢીલા સમવાય રાજ્યસંઘના સ્વરૂપના રાજબંધારણને રસ્તે પાછા વળીશું અને આપણા ઉપર ચડી આવનારા પહેલા જ કાવાદાવાખોર શત્રુના પ્રપંચમાં સહેજમાં ફસાઈ જઇશું. મુલકની અને પ્રજાની એક્તાની આજે જે ઘડીએ સૌથી વિશેષ જરૂર છે ત્યારે આવું બનતું અટકાવવું જ જોઇએ. વળી હરિજન બંધુમાં તે જ બાબત વિષે કિશોરલાલ મશરૂવાળા લખે છે કે: ટૂંકમાં, આપણે (૧) પ્રાંતો રદ કરવા જોઇએ, (૨) જિલ્લાઓને રાજવહીવટને માટેનાં એકમો તથા અખિલ ભારત ધારાસભાની ચૂંટણી કરનારા મતદાર ઘટકો બનાવવા જોઇએ, (૩) કેળવણી તેમ જ સાહિત્યને અંગેની અનુકૂળ સંસ્થાઓ દ્વારા દેશની સર્વ મુખ્ય ભાષાઓને વિકાસને માટે તેમ જ ફાલીફૂલીને આબાદ થવાને માટે છૂટ રાખવી જોઇએ અને (૪) ખાસ કામો પૂરતી અંગ્રેજીને એક ફરજિયાત બીજી ભાષા રાખી હિંદી અથવા હિંદુસ્તાનીને આખા હિંદની ભાષા બનાવવી જોઇએ. શીખધર્મની રૂપરેખામાં જણાવ્યું છે કે, આપણા દેશમાં એક સમયે એવો વિચાર પ્રચલિત થયો હતો કે ઈશ્વર અમુક ખાસ ભાષામાં થયેલી વાત જ સાંભળે છે. પણ શીખ ગુરુ અંગદ સાહેબે એવો પ્રકાશ ફેલાવ્યો કે લોકો પરમેશ્વરને માતા તુલ્ય ગણવા લાગ્યા. માતા જેમ પોતાના બાળકની કાલીઘેલી ગમે તેવી બોલીને સાંભળે છે અને તેને બરાબર સમજી શકે છે, તેવી રીતે ઈશ્વર પણ પોતાની સૃષ્ટિનાં કોઇ પણ જીવની ગમે તે ભાષા સમજી જાય છે. તેની પ્રાર્થના અને સ્તુિત માટે કોઇ પણ જાતની ખાસ ભાષાની જરૂર રહેતી નથી.
(‘ભગવદ્ગોમંડળ’ ભાગ – ૭, પૃ. 6698-6700)
સૌજન્ય : ‘ગુજરાતી લેક્સિકૉન’ વૃંદ