‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદ્દન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે અને પુરુષાર્થ ખોઈ બેસે છે. ધર્મમાં જે તેજ હતું તે સંસ્કૃતિમાં હજી પ્રગટ નથી થયું. જો માણસ જાતનો આપણે ઉદ્ધાર ચાહતા હોઈએ તો ધર્મનું તેજ, માનવતાની સંસ્કારિતા, ચારિત્ર્યનિષ્ટોની વીરતા અને મહેનત મજૂરીની નિષ્પાપતા એ બધી વસ્તુઓનો આપણે સમન્વય સાધવો જોઈએ. પ્રેમ અને તેજસ્વિતા, ત્યાગ અને ઉદ્યોગિતા એ સૌથી મોટી વસ્તુઓ છે.’
− આચાર્ય કાકાસાહેબ કાલેલકર
• • •
‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ અનુસાર, ‘સંસ્કૃતિ’ એટલે સભ્યતા; સુધારો; સામાજિક પ્રગતિ; ‘સિવિલિઝેશન’. આની પીઠિકાએ યુનાઇટેડ કિંગ્ડમ સમેતના યુરોપમાં ગુજરાતી સંસ્કૃતિની વિધવિધ અભિવ્યક્તિઓ તપાસવાની રાખીએ. પહેલો ગુજરાતી વિલાયતમાં ક્યારે આવ્યો હશે, તેની સ્પષ્ટ ઐતિહાસિક નોંધ મળતી નથી, પરંતુ, તેને ઓછામાં ઓછું દોઢસો વરસનો સમયગાળો થયો હોવો જ જોઈએ. આજે ગુજરાતી વિશ્વભ્રમણ કરતો થઈ ગયો છે. જગતના મોટા ભાગના દેશોમાં તેની જમાત પથરાઈ પણ છે. વિલાયતની જ વાત કરીએ તો તેની દાસ્તાં છેક ડોસાભાઈ કરાકાકૃત ‘ગ્રેટ બ્રિટનની મુસાફરી’ (૧૮૬૧)થી માંડીને, ૧૮૬૪માં પ્રકાશિત મહિપતરામ રૂપરામકૃત ‘ઇંગ્લૅન્ડની મુસાફરીનું વર્ણન’માં અને વળી, ૧૮૮૬માં બહાર પડેલી કરસનદાસ મૂળજીની ચોપડી ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’માં ય જોવાની સાંપડે છે. ખાન બહાદુર શેખે ૧૮૭૪માં ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’ નામે ચોપડી આપી છે, તેમ ફરામજી ડી. પિટીટની ૧૮૯૧માં પ્રગટ થયેલી ‘ફરામજી દિનશાજીની મુસાફરી’, હાજી સુલેમાન લિખિત ‘પૃથ્વીની પ્રદક્ષિણા’ (૧૮૯૫) તેમ જ આદરજી દાદાભાઈકૃત ‘ઇંગ્લૅન્ડ અને આફ્રિકાનો જળપ્રવાસ’ પુસ્તકોમાં ય તેની ઝાંખી પ્રાપ્ત થઈ શકે છે. જો કે ગુજરાતી વસાહતની સાદી સરળ સમજણ કેળવવા, છેલ્લા એકાદ સૈકાનો સમયગાળો ચકાસાય તે જ પર્યાપ્ત લેખાવું જોઈએ.
હિંદની સ્વતંત્રતાની લડતના આરંભના સમયગાળામાં, મોહનદાસ ગાંધી તથા વલ્લભભાઈ પટેલના વિલાયતવાસ પહેલાં, અહીં શ્યામજી કૃષ્ણવર્મા, માદામ ભિખાયજી કામા તેમ જ સરદાર સિંહ રાણાનો સૂરજ તપતો હતો. હિંદની સ્વતંત્રતા માટે એ સૌએ જે તપ કર્યું તેની સિલિસલાબંધ વાત લગીર પણ અહીં છેડવી નથી. પરંતુ એમની પ્રવૃત્તિઓને કારણે જે સાંસ્કૃતિક ચેતના જાગૃત થયેલી તેની જ વાત અહીં લેવા મનસૂબો છે. શ્યામજીએ ઉત્તર લંડનના મઝવેલ હિલ વિસ્તારમાં, ૬૫ ક્રૉમવેલ રોડ પરેના ‘ઇન્ડિયા હાઉસ’ નામક મકાનમાંથી, બડભાગી કામો આદરેલાં. તેને કારણે સાંસ્કૃતિક ચેતના ઊભી થયેલી. સન ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામની સુવર્ણ જયંતીનું વર્ષ ૧૯૦૭માં હતું. સન ૧૯૦૮માં આ ‘ઇન્ડિયા હાઉસ’માં આ અર્ધ શતાબ્દીનો જે પ્રકારનો અવસર સમ્પન થયો હતો, તેની અસર ચોમેર જોવા મળતી રહી છે. વિષ્ણુ પંડયાએ લખ્યું છે તેમ, ભવનને ઉચિત શણગારવામાં આવેલું. સન સત્તાવનના સેનાનીઓનાં ચિત્રોથી રંગીન પરદાઓ અંકિત હતા. ઇંગ્લૅન્ડ ભરમાંથી ભારતીય િવદ્યાર્થીઓ આ અવસરે હાજર હતા. સભાખંડ ચિક્કાર હતો, આથી ઘણાને ઊભા રહેવા વારો આવેલો. આ પ્રસંગની સદારત સરદાર સિંહ રાણાએ કરી હતી. સન સત્તાવનની સ્મૃતિમાં જાણીતી રોટીનો પ્રસાદ દરેકને ટાંકણે વિતરિત કરવામાં આવેલો.
આ સમયગાળામાં ભાનુમતી કૃષ્ણવર્મા, નીતિસેન દ્વારકાદાસ, જે. એમ. પારેખ, મંચેરશા બરજોરજી ગોદરેજ, મુકુન્દ દેસાઈ વગેરે વગેરે જેવાં ગુજરાતીઓ પણ વત્તેઓછે સક્રિય રહેલાં. તે ગાળામાં કેટકેટલાંક સામયિકો પણ અહીંથી ચલાવાયેલાં. વળી, ભિખાયજી કામાએ ગુજરાતી ભાષાની અગત્યતા વિશે તત્કાલીન ગુજરાતી ભાષી વિદ્યાર્થીઓમાં ચેતના જગવેલી, એવી વાત પણ વાંચવા મળી છે.
શ્યામજી અને ભાનુમતી કૃષ્ણવર્માને પરિસ્થિતિવસાત્, પહેલાં પારિસ, અને પછી, જિનેવામાં વસવાટ કરવાનો પ્રસંગ પડેલો. સરદાર સિંહ રાણાએ પારિસમાં વરસો કાઢેલાં. તેમ ભિખાયજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટની સભાઓ ગજવેલી. સ્વરાજ પક્ષના એક અગ્રેસર બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ, એમના છેલ્લા દિવસોમાં જિનેવા હતા, તેવી નોંધો સાંપડે છે. આ દરેકની ચોપાસ સ્વાભાવિક એક આભામંડળ રહેતું અને પરિણામસ્વરૂપે એમણે કરેલી પ્રવૃત્તિઓની છાપ ચોમેરે વિસ્તરતી હતી.
નારાયણ હેમચંદ્ર અને તેમનાં કામોની નોંધ જેમ ગાંધીજીની આત્મકથામાંથી મળે છે તેમ, નરસિંહરાવ દીવેટિયાની પોથીમાંથી ય મળે છે. આ નારાયણ હેમચંદ્રએ વિલાયતવાસ વેળા જે અનુવાદનાં, લેખોનાં લખાણનાં કામો આપ્યાં છે, તે ય આપણી મંજૂષાએ પડી વિરાસત છે.
બીજી પાસ, “જન્મભૂમિ પ્રવાસી”માંના પોતાના સ્થંભમાં, સન ૧૯૯૩ના અરસામાં લખતા, તત્કાલીન મુખ્ય તંત્રી હરીન્દ્ર દવેએ લખ્યું હતું : ‘… પરંતુ એ (બળવંતરાય કલ્યાણરાય ઠાકોર) રાજકોટમાં ૧૯૦૯માં મળેલી ત્રીજી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના મંત્રી હતા. મંત્રી તરીકે તેમણે એક નવું અભિયાન આરંભ્યું. હિન્દની બહારની દુનિયાના પ્રદેશોમાં કાયમ કે થોડા વખત માટે વસતા ગુજરાતીઓને અને ગુજરાતી ભાષા તથા સાહિત્યના અનુરાગીઓને ખબર પહોંચાડવાના હેતુથી રંગૂન, સિંગાપોર, હોંગકોંગ, સિયામ, શેન્ગહાય, જાપાન, મન્ચુિરયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લૅન્ડ, આફ્રિકા, મોરિશ્યસ, એડન, બગદાદ વગેરે સ્થળે એક અંગ્રેજી વિનંતીપત્ર ઠાકોરે મોકલ્યો. આ પત્ર વાંચી કોબે(જપાન)માં ગુજરાતી ભાષા બોલનારાઓની સભા ૧.૧૦.૧૯૦૯ના ‘ધ ઓરિએન્ટલ ક્લબ’માં મળી અને તેના પ્રમુખ અમરજી કાનજી જોશીએ શુભેચ્છા અને અભિનંદનનો પત્ર બળવંતરાયને મોકલાવ્યો.
‘લંડનમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૦૯ના એક હિન્દુ (જેઠાલાલ મોતીલાલ પારેખ), એક પારસી (રૂસ્તમ દેસાઈ) અને એક મુસલમાન (હુસેન દાઉદ મહમદ) એમ ત્રણ ગૃહસ્થોની સહીથી ‘વિલાયતમાંના ગુજરાતીઓને’ એક પત્ર પાઠવવામાં આવેલો, તેમ હરીન્દ્ર દવેના એ લેખમાં જોવા મળે છે. તેના પ્રતિસાદ રૂપે ૫ ઑક્ટોબર ૧૯૦૯ના રોજ, વેસ્ટમિનસ્ટર પૅલેસ હૉટેલમાં, લંડનમાંના ગુજરાતીઓની એક સભા મળી હતી. આ સભામાં સર મંચેરજી ભાવનગરી, રા. રા. મોહનલાલ કરમચંદ ગાંધી, ફતેહચંદ કપૂરચંદ લાલન, લે. કુમાર જોરાવરસિંહજી વગેરે મળીને ત્રીસેક જણા હાજર હતા. એમાં પાછળથી મહાત્મા બનેલા મોહનદાસ ક. ગાંધીએ ઠરાવ મૂકીને ‘રાજકોટમાં બેસનારી પરિષદને દીન વિનંતી કરી હતી કે તેના આગેવાનોએ ભાષાના જાણકાર હિંદુ, મુસલમાન અને પારસીની એક જાથુક કમિટી નીમવી અને તે કમિટીનું કામ ગુજરાતી ભાષાના ઉપર ત્રણે કોમમાં લખાણો ઉપર દેખરેખ રાખવાનું અને સલાહ આપવાનું રાખવું. વિચારશીલ લેખકો પોતાના લેખો આ કમિટીની આગળ વગર પૈસે સુધરાવી શકે એમ પણ બનવું જોઈએ. વિલાયતમાં વસતા હિંદીને હું એટલું કહું કે વિલાયતમાં આવી બાપુકી ભાષા આપણે ભૂલવાની નથી. પણ ભાષાની ઉપર અંગ્રેજનો દાખલો લઈ આપણે વધારે પ્રીતિ રાખવાની છે.’
‘ગાંધીના ઠરાવને મિ. નસરવાનજી કૂપર અને મિ. નગીનદાસ સેતલવડે ટેકો આપ્યો. આ ઠરાવમાં ગુજરાતી થેસોરસ તૈયાર કરવાનો અનુરોધ પણ કરાયો હતો. લંડનની આ સભાએ સર્વાનુમતે પસાર કરેલા અને બળવંતરાય ઠાકોરને મોકલી આપેલા ઠરાવોમાં સંસ્કૃત ભાષાના મેદની કોશ જેવા ગુજરાતી કોશની રચના કરવાનો, ગુજરાતી પુસ્તકો છાપવામાં દેવનાગરી લિપિનો ઉપયોગ કરવાનો, પુસ્તકો ઓછી કિંમતે મળે એવું ગોઠવવાનો, પારિભાષિક કોશ કરવાનો અને જૂના સાહિત્યનો ઉદ્ધાર થાય એવું કરવાનો અનુરોધ કરાયો હતો.’
હરીન્દ્ર દવેનો આ લેખ કેટલો દૂરંદેશ છે તે કહેવાની જરૂર જ નથી. દીર્ઘ દૃષ્ટિએ ઘડાયેલા આ ઠરાવ પાછળ, એક સૈકા પહેલાં, દક્ષિણ આફ્રિકે વસવાટ કરતા અને તે સમયે માત્ર ચાળીસે પહોંચેલા, મો. ક. ગાંધીની કેવડી મોટી સમજણ છે તેનો ચોખ્ખોચટ્ટ અંદાજ મળે છે. ૧૯૧૫ પછી, હિન્દમાં સ્થાયી થયા કેડે એમણે આવાં કામોને પણ વખત આપેલો તે હવે ઇિતહાસનાં સોનેરી પૃષ્ટો છે.
ગોળમેજી પરિષદ મળી તેની ચોપાસ, લંડનમાં જ ઇન્દુલાલ યાજ્ઞિક ૧૯૩૦ની આસપાસ પહોંચ્યા ત્યારે ભાષાનુવાદના વર્ગો લઈને થોડી ઘણી રકમ મેળવતા. સ્વભાવે ફકીર અને ખુદ્દાર એટલે ટકી રહ્યા. વિષ્ણુ પંડયાની બીજી નોંધ અનુસાર, ગાંધીજી ગોળમેજી પરિષદ માટે આવ્યા ત્યારે આપણા બે ગુજરાતીઓ અમૃતલાલ શેઠ અને પોપટલાલ ચુડગર પણ ત્યાં પહોંચ્યા હતા. ઇન્દુલાલે તેમને ‘આર્યભુવન’માં રહેવા આમંત્રણ આપ્યું અને પછી તો મહેફિલ જામી – સાર્વજનિક પ્રશ્નોનાં ચિંતનની! ઇન્દુલાલ યાજ્ઞિકના લંડનનિવાસ દરમિયાન જ આપણા ગુજરાતને માટે એક ગૌરવપ્રદ ઘટના ઘટી તે તેમણે લખેલા શ્યામજી કૃષ્ણવર્માનાં સર્વ પ્રથમ અધિકૃત જીવનચરિત્રની છે. ઇંગ્લેન્ડના ગુજરાતીઓની સ્મૃતિ તે ‘ડાયોસ્પોરા’ની મોટી ઘટના ના ગણાય ?
• • •
‘મારી સમજણ પ્રમાણે નગર, વન અને ગ્રામ એ ત્રિવેણી આપણી સંસ્કૃતિનું મૂળ છે.’ એમ આચાર્ય આનંદશંકર ધ્રુવે ક્યાંક લખ્યું છે. અને પછી એ ઉમેરે છે : ‘આપણા ઉત્તમ તત્ત્વવિચારો જેમ તપોવનમાં થયા છે તેમ રાજમહેલમાં અને યજ્ઞવાટમાં પણ થયા છે.’
આ પશ્ચિમિયા તપોવન અને યજ્ઞવાટમાંનાં, ગુજરાતી સંસ્કૃતિની અભિવ્યક્તિના જે કેટલાંક અગત્યનાં સાધનો છે, તેમાં અનેક વ્યક્તિઓનો સમાવેશ તો છે જ, પરંતુ ગુજરાતી સમસામિયકો અને આપણી કેટલીક સંસ્થાઓનું સ્થાનમાન પણ અદકેરું છે. “અસ્મિતા”, “ઓપિનિયન”, “ગુજરાત સમાચાર”, “ગરવી ગુજરાત”, “કિરણ” ટૉકિંગ બૂક, સરીખાં સમસામિયકોનો જેમ ફાળો છે, તેમ લેન્કેશર, લંડન, લેસ્ટર તથા બર્મિંગમમાંથી વખતોવખત પ્રસારિત થતાં રેડિયો પરના ગુજરાતી પ્રસારણોનું યોગદાન લગીર પણ વિસારે પાડવા જેવું નથી. તેવી જ રીતે ‘બ્રિટિશ લાયબ્રેરી’ સેવાઓનો ફાળો અગત્યનો સાબિત થયેલો છે. ગુજરાતી ગ્રંથપાલો – અરુણા શાહ, પ્રવીણ લુક્કા, ભદ્રા પટેલ, મેહરૂ ફીટર અને શૈફાલી પટેલ સરીખાંઓએ જે કામ આપ્યું છે તેની સગૌરવ નોંધ લેવી રહી. સંસ્થાઓમાં, ‘ફેડરેશન ઑફ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સ’, ‘નેશનલ કૉન્ગ્રેસ ઑવ્ ગુજરાતી ઓર્ગનાઇઝેશન્સ’ જેવી સંસ્થાઓનો ફાળો નોંધપાત્ર છે તેમ, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ઉપરાંત, ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’, ‘ગુજરાતી રાઇટર્સ સર્કલ’, ‘શ્રુતિ આર્ટ્સ’, ‘શિશુ કુંજ’, ‘એકેડમી ઑવ્ વૈદિક હેરિટેજ’, ‘કલા નિકેતન’, ‘હિન્દુ સ્વયંસેવક સંઘ’, ‘ભારતીય વિદ્યા ભવન’, ‘ફેડરેશન ઑવ્ પાટીદાર એસોસિયેશન્સ’, ‘મિલાપ’, આગાખાન ફાઉન્ડેશન, ‘ગુજરાત સ્ટડીસ એસોસિયેશન’, કમ્યુિનદાદ હિન્દુ દ પોર્ટુગલ, જૈન સમાજ (બેલ્જિયમ), ઇત્યાદિ ઇત્યાદિનો સમાવેશ આ અદકેરા ફાળામાં રહેલો છે. વ્યક્તિઓમાં અદમ ટંકારવી, અહમદ ‘ગુલ’, ઇન્દુભાઈ દવે, ઉષાબહેન પટેલ, કદમ પટેલ, કિરણ પુરોહિત, કાન્તિ શાહ, ચંદુભાઈ મટાણી, જ્યોતિબહેન કામત, દિનેશ દવે, નટુભાઈ સી. પટેલ, નિરંજનાબહેન દેસાઈ, પોપટલાલ જરીવાળા, પ્રદ્યુમ્ન તન્ના, પ્રફુલ્લ પટેલ, પ્રવીણ આચાર્ય, પ્રશાન્ત નાયક, પ્રીતમ પંડ્યા, ભાસ્કર પટેલ, મહેક ટંકારવી, મીનુબહેન પટેલ, યોગેશ પટેલ, રમેશ બા. પટેલ ‘પ્રેમોર્મિ’, વિનય કવિ, સમીરાબહેન શેખ, સિરાજ પટેલ વગેરે વગેરે આદરભેર ધ્યાનાર્હ છે.
વિલાયત અને યુરોપના વિવિધ ક્ષેત્રોમાં, નગર તેમ જ ગ્રામ વિસ્તારોમાં, આ ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ થયો છે અને વ્યાપ પણ થયો છે. આ ઉપર દર્શાવી વ્યક્તિઓ અને સંસ્થાઓએ તે ભણીનો ઉચિત ફાળો આપ્યો છે. તેમાંની કેટલીકને વિગતે તપાસવાનો પ્રયાસ કરીએ.
આ સૌમાં એક જાજરમાન નામ તો નટુભાઈ ચતુરભાઈ પટેલનું જ કહેવાય. આ એક માણસ પાસે ઊંડી દૃષ્ટિ રહી છે, અરે, દૂરંદેશી જ એમનામાં ભરી પડી છે અને એમને લગીર સ્વાર્થ નથી. એમણે સતત સમાજનું જ હિત ચાહ્યું છે અને તેવો જ વર્તનવ્યવહાર કર્યો છે. લલિત કળાને ક્ષેત્રે એમની બરોબરી કરી શકે તેવાં નામો ભાગ્યે જ મળે. ગુજરાતી ફિલ્મોનાં નિર્માણકામોમાં જેમ એમને રસ તેમ ગુજરાતી તખ્તામાં ય કામયાબી. એમણે નાટકો આપ્યાં છે, નૃત્યનાટિકાઓ ય આપી છે. કહે છે કે આજ સુધી વિલાયતમાં ૨૦ જેટલી નૃત્યનાટિકાઓનું નિર્માણ થયું છે. અને આ કામોમાં નટુભાઈ પટેલ ઉપરાંત મીનુબહેન પટેલનું યોગદાન અગત્યનું રહ્યું છે. મીનુબહેને ખુદ સાત જેટલી નૃત્યનાટિકાનું નિર્માણ કરેલું છે. આ દરેકમાં સ્થાનિક કળાકારોને લેવામાં આવેલાં અને તેમાંની કેટલીક તો અમેિરકા, પૉર્ટુગલ, હૉલૅન્ડ ખાતે રજૂઆત પામી છે. અને એક નૃત્યનાટિકાને હૉલૅન્ડની ટી.વી. પેઢીએ વીડિયોકરણ કરવાનું રાખેલું. આ નૃત્યનાટિકાઓનું જે કામ અહીં થયું છે તેની જેટલી નોંધ લેવાવી જોઈએ તેટલી અન્યત્ર લેવાઈ નથી. નૃત્ય નાટિકાઓની વાત કરીએ તો આપણને સહજ ‘રામાયણ’ નૃત્યનાટિકા સાંભરી આવે છે. ‘ઇન્ડો બ્રિટિશ કલચરલ એક્સચેન્જ’ હેઠળ તેનું મંડાણ થયું હતું. પ્રફુલ્લ પટેલ જોડાજોડ તેમાં ય નટુભાઈ પટેલ પૂરેવચ્ચ રહેલા. ભારતમાં ય તેના પ્રયોગો થયા હોવાનું ય નોંધાયું છે. વળી, ‘શિશુ કુંજ’ હેઠળ, ઇન્દુભાઈ દવે લિખીત અને દિગ્દર્શિત કેટલીક નૃત્યનાટિકાઓનું પણ અહીં નિર્માણ થયું હતું.
‘ભારતીય વિદ્યા ભવન’માં નાટકોનો િવભાગ શરૂ કરવાનો યશ પણ નટુભાઈ પટેલને જ ફાળે જાય છે. અને એમણે આ પ્રવૃત્તિને પારાવાર યશ અપાવ્યો છે. કાન્તિભાઈ મડિયા, વિષ્ણુભાઈ વ્યાસ સરીખા દિગ્દર્શકોને નોતરીને એકમેકથી ચઢિયાતાં નાટકોનો ફાલ એમણે આપેલો. કિરણ પુરોહિત આરંભે અહીં ભારતીય વિદ્યા ભવનમાં જ સેવા માટે આવ્યા, પરંતુ વ્યવસાયી ગુજરાતી નાટકોને ક્ષેત્રે આજ પર્યન્ત તે પ્રવૃત્ત રહ્યા છે. નટુભાઈ પટેલ ભવનમાંથી ખસી ગયા તે પછી, આ નાટક-પ્રવૃત્તિનો ગઢ પ્રીતમ પંડ્યાએ સાંચવેલો. અને હવે તેમની નિવૃત્તિ પછી સુરેન્દ્રભાઈ પટેલ અને ભાનુપ્રસાદ પંડ્યાની જોડી સાંચવે છે. ગુજરાતી સાહિત્યના જાણીતા નાટ્યલેખક મધુ રાયના ત્રણ નાટકો, તેમના જ દિગ્દર્શન હેઠળ, અહીં રજૂ કરવાનો યશ, નવમા દાયકા દરમિયાન, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને સાંપડેલો. બીજી પાસ, પેલા નટુભાઈ પટેલે તો એમની ભાતીગળ લલિત કળા પ્રવૃત્તિઓને પોર્ટુગલમાં ય ખીલવી જાણી છે. આ ત્રીજે દાયકે પણ તેનાં ફળ ચાખવા મળતાં રહ્યાં છે.
સંગીત ક્ષેત્રે ત્રણેક દાયકાઓથી ચંદુભાઈ મટાણી અવ્વલ છે. એમની ‘શ્રુતિ આર્ટ્સ’ સંસ્થાએ ભારે સરસ સંગીતના કાર્યક્રમો આપ્યા છે. નવરાત્રી દરમિયાન હેમાંગિની અને આસિત દેસાઈ દંપતી વરસોથી લેસ્ટરને ગરબે ઘૂમાવતું આવ્યું છે. નવરાત્રીની વાત કરીએ તો સહજ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ સાંભરે. એક અંદાજ અનુસાર, આ દેશમાં નવરાત્રીનો સામાજિક પ્રયોગ આરંભનાર તરીકે તેમનું નામ સહજ બોલાય છે. મધ્ય ઇંગ્લૅન્ડમાં શરૂ કરીને તેમણે તેમની લંડનમાં આવી ‘મંદિર’ રેસ્ટોરાંમાં પણ આ પ્રવૃત્તિ વરસો સુધી ચલાવી હતી. ‘મંદિર’ રેસ્ટોરાંનો રવિશંકર હૉલ લાંબા સમયગાળા સુધી મઘમઘતો અને ધમધમતો રહેલો. આજે તેની સ્વાભાવિક ખોટ વર્તાય છે. સુગમ સંગીત ક્ષેત્રે ચંદુભાઈ મટાણી, જ્યોતિબહેન કામત પણ અગ્રેસર રહ્યાં છે. ભારતીય સંગીતની આમ સમાજમાં ખિદમત કરવાનો યશ રમેશ પટેલ, કાન્તિ શાહ, ચંદુભાઈ મટાણી તેમ જ પ્રશાન્ત નાયકને પણ ફાળે જાય છે.
દેશ્ય સંગીતમાં ભજનોની રમઝટ આવે જ અને તેમાં પૂર્વ આફ્રિકાના પ્રખ્યાત હીરજીબાપાના અંતેવાસીઓ મગનભાઈ ભીમજિયાણી, દેવજીભાઈ પટ્ટણી તથા પ્રાગજીભાઈ લાડવા સહજ સાંભરે. તો બીજી પાસ, દ્વારકાવાળા પ્રખ્યાત ભજની કાનદાસબાપુના એક અંતેવાસી સામન્ત સિસોદિયાનું નામ લીધા વગર ચાલે નહીં. આફ્રિકાના જંગલમાં ભજનો અને ભજનમંડળીઓ મનોરંજન માટેનું પણ મહત્ત્વનું સ્થાન સાંચવતાં હતાં. એ પરંપરા હજુ અહીંના સમાજે સાંચવી છે. ઠેરઠેર ભજનમંડળીઓ જોવા મળે છે અને તેની સાથે સત્યનારાયણની કથા, હનુમાન ચાલીસાના તેમ જ રામાયણના અખંડ પાઠોના કાર્યક્રમો વિસ્તરતા રહ્યા છે.
આ ભજનો, આવાં સત્સંગો વાટે ય સાંસ્કૃતિક અભિવ્યક્તિને મહદ્દ વાચા મળતી રહી છે. તે જ રીતે યુરોપ ભરની વિધવિધ ધાર્મિક સંસ્થાઓની દેણગી પણ ગણમાન્ય રહેવા પામી છે. તેમાં જમાતખાનાઓ, મસ્જિદો, જૈન દેરાસરો, સ્વામીનારાયણ મંદિરો, સનાતની મંદિરોનો તેમ જ ઈસાઈ દેવળોનો સમાવેશ છે જ. ભાષા-શિક્ષણના જેમ વર્ગો ત્યાં ચાલે છે તેમ, ધાર્મિક અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનાં અનેક પ્રકારનાં સાધનોની સતત િખલવણી થતી આવી છે.
બાળ પ્રવૃત્તિઓમાં એક તરફ ‘શિશુ કુંજ’ અને ઇન્દુભાઈ દવેને યાદ કરવામાં આવે છે તેમ, ‘એકેડમી ઑવ્ વૈદિક હેરિટેજ’ અને તેના સંસ્થાપક દિનેશ દવેને સંભારવા જોઈએ. સૂઝબૂઝ સાથે સંગીતમઢી ‘પ્રાર્થનાપોથી’ જેવું સરસ મજાનું સાધન ઉપલબ્ધ કરી આપવાનું યોગદાન દિનેશભાઈનું અને તેમની આ સંસ્થાનું જ છે. દિનેશ દવે જેવા ઉદ્દાત શિક્ષકોની વિલાયતમાં સતત ખામી વર્તાતી આવી છે. બાળસંગીત ક્ષેત્રે નીમાબહેન શાહ તેમ જ તેમની પ્રવૃત્તિની પણ નોંધ લીધા વગર ન જ ચાલે. ગુજરાતી ભાષા શિક્ષણના વિધવિધ વર્ગો દેશ ભરમાં સન ૧૯૬૪થી પ્રવર્તમાન છે. ધનજીભાઈ આટવાળાની નેતાગીરી હેઠળ તેની શરૂઆત થયેલી અને નવમા દાયકા સુધીમાં તો તે ઠેરઠેર મોહરતી જોવા મળતી હતી. બ્રિટનમાંની કેટલીક િનશાળો તેમાં આજે ય અગ્રેસર રહી છે. આવી ગુજરાતી ભાષા શીખવવાની જુદી જુદી પ્રવૃત્તિ સ્વીડન, બેલ્જિયમ ઉપરાંત પોર્ટુગલમાં ય થતી આવી છે.
ભાષા શિક્ષણમાં એકવાક્યતા આણવા, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ, પોપટલાલ જરીવાળાના માર્ગદર્શન હેઠળ, અભ્યાસક્રમ તૈયારી કરી આપેલો. વળી, પાઠ્યક્રમને આધારિત પાઠ્યપુસ્તકો, શિક્ષક તાલીમ અને પરીક્ષા તંત્રની જબ્બર પ્રવૃત્તિઓ કરેલી. આશરે બે દાયકાઓ દરમિયાન પથરાયેલી આ પરીક્ષાતંત્રની અદ્વિતીય કાર્યવાહી, કોઈને પણ પોરસાવે તેવી બની. દેશ ભરના છૂટાછવાયા ચાલતા વર્ગોને સાંકળવાનો એક જબ્બર પ્રયાસ અકાદમી વાટે થયો. તેથી અનેક શહેરોને, ગામોને તેમ જ કસબાઓને સાંકળી શકાયાં. વળી, મનઘડત શિક્ષણપદ્ધતિને ઠેકાણે એકવાક્યતા તથા તાલીમ જોડાતાં નવું ચેતન ઊભું થઈ શક્યું હતું. અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, તેને આધારિત છ પાઠ્યપુસ્તકોની શ્રેણી, શિક્ષક તાલીમવર્ગો તેમ જ પાંચ સ્તરીય પરીક્ષાઓનું આયોજન − આ તેની સશક્તિકરણવાળી ભૂજાઓ બની રહી.. આ સઘળું કોઈ પણ જાતના સરકારી માળખાં વિના, જનઆધારિત આંદોલનમાં જ સમ્પન થયું છે. ભારત બહાર ક્યાં ય પણ આવું મજબૂત કામ થયાનો જોટો મળી શકે તેમ નથી.
વિલાયતમાં સાહિત્ય ક્ષેત્રે રમતી થયેલી સંસ્થાઓમાં, ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’નું સ્થાન પહેલવહેલું જ આવે. ઇંગ્લૅન્ડના ઉત્તરીય પરગણા, લૅન્કેશરમાં પ્રવૃત્ત રહેલી આ સંસ્થાનાં બીજ પ્રેસ્ટનમાં રોપાયેલાં. આજે આ સંસ્થા તેમ જ યૉર્કશરના બાટલી ગામે ચાલતી, ‘ગુજરાતી રાઈટર્સ સર્કલ’ સંસ્થાએ ઉત્તરમાં ઠીકઠીક કામો નિભાવી જાણ્યાં છે. આ બંન્ને સ્થળોમાં ગઝલનો પ્રકાર સવિશેષ ખીલ્યો છે. તેમની અનેકવિધ મુશાયરા પ્રવૃત્તિને કારણે વાતાવરણ ધમધમતું રહ્યું છે. તેને કારણે નીવડેલા શાયરોએ પુસ્તકપ્રકાશનનાં ય કામો આપેલાં છે. આ ત્રણચાર દાયકાઓથી ચાલી આવતી મુશાયરા-પ્રવૃત્તિઓમાં, અકડેઠઠ માનવમેદની જોવા મળી છે. જ્યાં જ્યાં આવી મજિલસો થઈ છે ત્યાં ત્યાં અલાયદી તેમ જ પોરસાવતી સાંસ્કૃતિક ચેતના ય ઉપસ્થિત થઈ છે.
બીજી પાસ, પાટનગર લંડન વિસ્તારમાં, ગુજરાતી સાહિત્યની જબ્બર ધૂણી ધખાવતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ હેઠળ. આશરે સાડાત્રણ દાયકાઓની પોતીકી મજલ વેળા, મોટાં સ્તરની આઠ ભાષા-સાહિત્ય પરિષદો ય મળી છે. તદુપરાંત, આશરે બે દાયકા દરમિયાન, તેના વરસોવરસના ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ના મેળાઓમાં માનવમહેરામણ ઊભરાતો રહ્યો. તેમાં દેશ ભરમાંથી અનેક સાહિત્યરસિક, ભાષાપ્રિય તથા સંસ્કૃતિ ચાહક ગુજરાતીઓએ સક્રિય ભાગ લીધો છે. વળી, તળ ગુજરાતમાંથી તેમ જ ગુજરાતી ડાયસ્પોરા જગતના અમેરિકા, યુરોપ અને ઑસ્ટૃલિયા સરીખા દેશોમાંથી પણ ગણનાપાત્ર મશાલચીઓએ હાજર રહી, તપોવન તેમ જ યજ્ઞવાટને ઊજાગર કર્યાં છે. અકાદમીને ઉપક્રમે સાહિત્યસર્જન માટેનું ય વાતાવરણ ઊભું કરી શકાયું છે. અનેક નાનીમોટી બેઠકો ઉપરાંત તેની વરસોથી સતત ચાલતી માસિકી વાચકસભાઓમાં આજે ય આવું વાતવરણ જોવા મળી શકે છે. કેટલાંક નવાં લેખકોની કલમ આ ઉપક્રમોમાં અહીં ઘડી શકાઈ છે.
અકાદમી દ્વારા ચલાવાયેલું “અસ્મિતા” ઘણી બધી રીતે અગત્યનું પ્રકાશન છે. તેના પ્રકાશિત આઠેય અંકો મજબૂત વિરાસત સમા છે. આફ્રિકાથી ઉખડીને વિલાયતમાં રોપાયેલી ગુજરાતી જમાતની કેટલીક વાતો અને સામગ્રીઓ જેમ જોવાની તેમાં સાંપડે છે તેમ, વિલાયતમાંની ભાષા, સાહિત્ય તેમ જ સંસ્કૃતિ મૂલક પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પણ તેમાં સુપેરે ઝીલાયું છે. આવું આવું “ઓપિનિયન” સામિયકનું ય છે. અઢારઅઢાર વરસથી ચાલતાં આ પ્રકાશનમાં ડાયસ્પોરિક ગુજરાતી સમાજની છબિ સતત ઉપસતી આવી છે. અનેક લેખકોને સાંકળતો અને અરસપરસ સંપર્કમાં રહેતો એક સમૂહ આ સામયિકે કંડારી આપ્યો છે. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વેપારવણજ, ઇતિહાસ, જનજીવન, રાજકારણ વગેરેની સિલસિલાબંધ વિગતમાહિતીઓ પણ આ સામયિકમાંથી મળી રહી છે. ટૂંકામાં કહીએ તો, અનેક અભ્યાસીઓ માટે મજબૂત કાચી સામગ્રી, અહીં, આ બંને પ્રકાશનોમાં, સુપેરે ખડકાયેલી છે.
• • •
આ સઘળી સાંસ્કૃતિક ચેતનાનો આતસ લાંબો સમય પ્રજ્ળવિત રહી શકશે કે ? કોને ખબર છે ! ઇતિહાસની ગબ્બરગોખમાં કેટલું બચ્યું હશે, કેટલું ટક્યું હશે, તે, ભલા, કોણ કહી શકશે ? એ કામ કોઈક સોજ્જા નજૂમીને સોંપી, આ સમયગાળાનાં વહેણોને તપાસવાનાં રાખીએ.
ઇતિહાસની તવારીખો જણાવે છે કે દાદાભાઈ નવરોજી, મંચેરજી મેરવાનજી ભાવનગરી તેમ જ શાપુરજી સકલાતવાલા શા પૂર્વસૂરિઓ વાટે ગુજરાતીઓનું પ્રભુત્વ વિલાયતમાં પ્રગટ થયેલું છે. દાદાભાઈ નવરોજી ‘હાઉસ ઑવ્ કૉમન્સ’માં ૧૮૯૨થી ૧૮૯૫ વેળા સાંસદ હતા. લિબરલ પક્ષના ઉમેદવાર તરીકે ફિન્સબરી વિસ્તારમાંથી એ ચૂંટાઈ આવેલા. એમના પછી, કન્સરવેટિવ પક્ષના ઉમેદવાર તરીકે, મંચેરજી મેરવાનજી ભાવનગરી ૧૯૯૫ – ૧૯૦૫ વેળા સાંસદ રહેલા. અને ત્યાર બાદ, પહેલાં લેબર પક્ષના અને પછી સામ્યવાદી પક્ષના સાંસદ તરીકે શાપુરજી સકલાતવાલા, અનુક્રમે ૧૯૨૨માં અને ૧૯૨૪માં, ચૂંટાઈ આવેલા. આટઆટલાં વરસે, છેક આજે, ગુજરાતી નસ્સલના બે’ક નબીરા, સૈલેશ વારા તથા પ્રીતિ પટેલ, કન્સરવેટિવ પક્ષના સાંસદ તરીકે, ‘હાઉસ ઑવ્ કૉમન્સ’માં આજે બીરાજે છે. બીજી પાસ, ‘હાઉસ ઑવ્ લૉર્ડ્સ’માં બધું મળીને દસ જેટલાં નબીરાંઓ − અમીરઅલી ભાટિયા, આદમ પટેલ, કરણ બીલીમોરિયા, કમલેશ પટેલ, ડોલર પોપટ, નરેન પટેલ, નવનીત ધોળકિયા, ભીખુ પારેખ, મેઘનાદ દેસાઈ તેમ જ શ્રુતિ વડેરા − બિરાજમાન છે.
જેમ મેઘનાદ દેસાઈ લેબર પક્ષની છાયા સરકારમાં, જૉન સ્મિથના ગાળામાં, થોડોક વખત જવાબદારીપૂવર્ક સક્રિય રહ્યા હતા, તેમ ગૉર્ડન બ્રાઉનની સરકારમાં શ્રુતિ વડેરાએ પ્રધાન બની મજબૂત યોગદાન આપેલું છે. બીજી પાસ, લિબરલ પક્ષના પ્રમુખપદ સુધી, તાજેતરમાં, નવનીત ધોળકિયા પહોંચી શકેલા છે. તે પછી પણ, પેલી ત્રિપૂટીની હેસિયત હતી તેવી આજે, ભલા, કેમ રાજકારણને ક્ષેત્રે નહીં વર્તાતી હોય ? વિલાયતની ગુજરાતી આલમ પરે આ સાંસદોની ઝાઝેરી આભાઅસર પહોંચતી હોય, તેમ ઝાઝું જોવા મળતું નથી. જો કે અમુકતમુક વતૃળોમાં ક્યારેક આ સાંસદો જરૂર દેખા દે છે, તે નોખી વાત છે.
શ્યામજી કૃષ્ણવર્મા, ભિખાયજી કામા, સરદારસિંહ રાણા જેવાંનાં કામોની અસર પણ આજે જોવા સાંપડતી નથી. વિષ્ણુ પંડયા તાજેતરમાં બ્રિટનની મુલાકાતે આવેલા. “દિવ્ય ભાસ્કર”માંના ૧૧ ડિસેમ્બર ૨૦૦૯ના તેમના એક લેખ અનુસાર, ‘પાંચમી ડિસેમ્બરની વાદળછાયી બપોરે આ ઇમારતનાં પગથિયે પહોંચતાં એક દસ્તાવેજી ફિલ્મકારની ઘટના યાદ આવી ગઈ. ભાઈ વૈધ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ અધિકારી હતા. ‘સાવરકર ઈન લંડન’ પર ફિલ્મ બનાવી રહ્યા હતા. ચાળીસ વર્ષ પહેલાં, તેને માટેની સામગ્રીની ખોજમાં ઇંગ્લેન્ડ આવ્યા. ‘ઇન્ડિયા હાઉસ’ પહોંચવું હતું, પણ કોઈને કશી જાણ નહીં. બધા દૂતાવાસનું મકાન બતાવે. ભારે રઝળપાટ પછી અંતે આ મકાન શોધી કાઢયું. તેમણે એ ક્ષણને આવી રીતે વર્ણવી હતી : ‘આ ઇમારત જોતાંવેત આંખમાં આંસુ આવી ગયાં, હૈયું ભરાઈ આવ્યું … જાણે મહામુશ્કેલીએ રત્ન પ્રાપ્ત થયું હતું.’ … આમ તો “ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ”ના તે સમયના અંકોમાં શ્યામજી કૃષ્ણવર્માના નિવાસસ્થાનનું સરનામું ૯, કિવન્સ વૂડ એવેન્યુ છપાયેલું છે, પણ તે કયાંથી મળે ? સો વર્ષમાં લંડનમાં થયેલા ફેરફારો પછી હવે તે મઝવેલ હિલ રોડ પરની એક શેરી બની ગયું છે. ઉત્તર લંડનના આ મકાનને શોધતાં ઠીક ઠીક સમય લાગ્યો. … હા, ૬૦, મઝવેલ હિલ રોડ, એટલે શ્યામજી કૃષ્ણવર્માનું નિવાસસ્થાન, સમય વીતી ગયો છે પણ કોઈ પરિવર્તન નહીં: એટલું જ સુંદર – સુઘડ શાંત મકાન. રોઇટર સમાચાર સંસ્થામાં વર્ષોથી સક્રિય સંવાદદાતા ફ્રોનિઝ અહીં રહે છે, તેમણે શ્યામજી કૃષ્ણવર્માના વાંચનાલય સાથેનો દીવાનખંડ પણ બતાવ્યો. … એવું લાગે છે, એટલે તેમનામાં પડેલી ખુમારીને જો એક ગઝલ પંકિતમાં બદલાવીએ તો – કુછ યાદેં, કુછ લમ્હેં, યે કહાની મેરી ભી, તેરી ભી. છુ લો યે અપના આસમાં, યે જમીં મેરી ભી, તેરી ભી!’
ભિખાયજી કામા અંગે કોઈ એક જણ સામગ્રી એકઠી કરી રહ્યું છે, અને તે સઘળું પ્રગટ થાય તેની રાહ છે. બીજી પાસ, સરદારસિંહ રાણા અંગેની માહિતીસામગ્રી તેમના બાપીકા વતનમાં, ક્યાંક ભંડકિયામાં, પડી રહી છે, તેમ જાણવા મળ્યું છે. તેનો યોગક્ષેમ ક્યારેક થાય તેમ પણ ઈચ્છીએ. ટૂંકામાં, વિલાયતની તેમ જ યુરોપની ગુજરાતી આલમ માંહેની સાંસ્કૃતિક અભિવ્યક્તિનો આતસ તે દિવસે હતો, તેવો આજના નાનામોટા રાજકીય આગેવાનો લગીર પ્રજ્ળવિત રાખી શક્યા નથી.
ગાંધીજીની આભા-પ્રતિભા હજુ આજે ય ખરી. એમનાં નામનાં મંડળો આજે ય પ્રવૃત્ત છે. રિચર્ડ એટિનબરૉની ‘ગાંધી ફાઉન્ડેશન’ સંસ્થા એકાદ વાર્ષિક વ્યાખ્યાન આપી જે ગરિમા જાળવે છે, તેવું કામ, દેશી કમઠાણવાળી ‘મહાત્મા ગાંધી ફાઉન્ડેશન’માં ક્યારે ય બન્યું નથી. આરંભના વીસપચીસ વરસો દરમિયાન, દર મહિને જાહેર પ્રાર્થનાસભાઓ થતી. મહેરામણ ઉમટતો અને આગેવાનો લોકો પાસે ભક્તિભાવે ગાંધીને પ્રસ્તુત કરતા રહેતા. જાણે કે એકાદ સત્સંગ મંડળીનો જ માહોલ. મહામાનવ ગાંધીને ત્યાં ‘સત્યેશ્વર’ મહાપ્રભુ બનાવી દેવાયા છે. તેમ છતાં, તે સમયની જે ચેતના તે દિવસોમાં હતી, તેના કોઈ લિસોટા સુદ્ધાં ય આજના આગેવાનો દાખવી શક્યા નથી. આવું બીજાંત્રીજાં મંડળોમાં ય બનતું રહ્યું છે.
‘સંસ્થાઓ નારાયણ-પરાયણ બને’ની ઠોસબદ્ધ દલીલ રજૂઆત કરતાં, આચાર્ય વિનોબાજીએ, એક વાર, જે કહેલું તે “ગાંધી-માર્ગ”ના જાન્યુઆરી – ફેબ્રુઆરી ૨૦૧૦ના અંકના સદ્દભાવે, ફેર વાંચવા મળ્યું : ‘સંસ્થાઓની મર્યાદા હોય છે. વ્યક્તિમાં જે પ્રેરક શક્તિ હોય છે, તેવી સંસ્થામાં હોતી નથી. આપણે ક્યારેક કહેતા રહીએ છીએ કે સંસ્થાઓએ ‘પાવર-હાઉસ’ જેવા થવાની આવશ્યક્તા છે. પરંતુ જો ‘કરન્ટ’ જ ન હોય તો આ પાવર-હાઉસથી શું કામ બને ? સંસ્થાઓમાં આવી શક્તિ ભરવાનું કામ તો વ્યક્તિ જ કરી શકે છે. સૂર્ય ક્યારે ય ઘરમાં વસતો નથી. તેમ છતાં પોતાનાં પ્રકાશકિરણોને તે ઘરમાં પ્રવેશ અપાવે જ છે. આવી સૂર્યવત્ વ્યક્તિ સંસ્થાની બહાર હોય અને તેનું માર્ગદર્શન કરે.’ વળી, વિનોબાજી આગળ કહે છે : ‘આપણે સંસ્થાઓ ઊભી કરી દઈએ છીએ. અને તે આપણી આંખોની સામે જ નિસ્તેજ પણ બનતી જાય છે. તેનો જીવનરસ સુકાઈ જતો હોય છે. આવું કેમ ? નિત્ય નવો જીવનરસ તેને કેમ મળતો નહીં હોય ? તેને માટેના કારણોની ખોજતપાસ કરતો રહું છું તો દેખાય છે, अंगुष्ठोदकमात्रेण शफरी फर्फरायते – અંગૂઠા જેવડાં ઊંડાં પાણીમાં જ આપણે રમતા રહીએ છીએ. આપણાં દર્શનમાં કોઈ ઊંડાઈ પછી રહેતી નથી.’
નટુભાઈ પટેલ, ચંદુભાઈ મટાણી, કદમ ટંકારવી, વિલાસબહેન ધનાણી, નિરંજનાબહેન દેસાઈ, રમેશભાઈ પટેલ ‘પ્રેમોર્મિ’ જેવાં જેવાં આગેવાનો અને મશાલચીઓ વૃદ્ધત્વને કારણે પણ શિથિલ બન્યાં છે. પોપટલાલ જરીવાળા, કાન્તિ શાહ, જયાબહેન દેસાઈ, દિનેશ દવે, ઇન્દુભાઈ દવે શા કર્મશીલ આગેવાનો, હયાતીને પેલે પાર, પેલે કિનારે, સ્થિર બની બેઠાં છે. સમીરા શેખ જેવાં કેટલાંક, વળી, પરદેશમાં અન્યત્ર ગોઠવાયાં છે.
ગુજરાતી સુગમ સંગીતને ક્ષેત્રે નવા કલાકારો તૈયાર થયા હોય તેમ વર્તાતું જ નથી. જ્યોતિબહેન કામત, ચંદુભાઈ મટાણી જેવાં ગાયકોએ એક દિવસ સરસ સભર વાતાવરણ ઊભું કરી આપેલું. તે બંનેએ પોતાનો ચાહક વર્ગ પણ ઊભો કરેલો. પરંતુ આ બંને કલાકાર ગાયકો ય થાક્યાં હોય તેમ દેખાય છે. જ્યોતિબહેનનાં કાર્યક્રમોએ લગભગ વિદાય લીધી છે અને એ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયાં હોય તેમ લાગે છે. તે સિવાય નીમાબહેન શાહે, એક દા, બાળગીતો અને બાળસંગીત ક્ષેત્રે જે વાતાવરણ ઊભું કરેલું તે ય તેમની અવસ્થાને કારણે હવે ઓસરી રહ્યું હોય તેમ દીસે છે. દેશી ભજન ગાયકો અને ભજનિકોમાં વધારો જરૂર દેખાય છે. પરંતુ ફરી ફરી સાંભળવાનું મન થાય તેવા ભજનિકોની સંખ્યા તૂટતી રહી છે, જ્યારે બીજી પાસ, આ ક્ષેત્રે, રાગડા તાણનારાઓની બોલબાલા ય વધવા માંડી છે.
ગુજરાતી માહોલમાં નવરાત્રી અને તેની ઉજવણીનો માહોલ વિસ્તર્યો હોય તેમ જરૂર લાગે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે, ત્યાં ત્યાં તેમનાં નાનાંમોટાં મંડળોમાં રાસ, ગરબા, ગરબી વગેરે વિશેષપણે જોવા પામીએ. પરંતુ આ ક્ષેત્રે ય વ્યાપારીકરણ વધતું ગયું છે. કેટલાક દાખલાઓમાં વળી ગુજરાતથી, ભારતથી નિમ્ન કક્ષાનાં કલાકારો અહીં આવતા રહ્યાં છે અને પાઉન્ડ ઉસેડતા રહ્યાં છે.
ગુજરાતી તખ્તો મુખ્ય પ્રવાહની જેમ અહીં પણ ચકડોળે ચડેલો છે. અબીહાલ ઝાઝી ભલીવાર જોવા સાંપડતી નથી. વચ્ચે વચ્ચે વ્યાપારી ધોરણે નાટકવાળાઓનાં જૂથ મુખ્ય પ્રવાહમાંથી આવે છે ખરાં; પરંતુ લગભગ માહોલ નિમ્ન કક્ષાનો હોય તેમ અનુભવવા મળે છે. સ્થાનિક સ્તરે કિરણ પુરોહિતે, અમુક ગાળા સુધી, સારા પ્રયોગ કરેલા. કેટલાંક સારાં નાટકો ય તેમણે આપ્યાં છે. તેમાં અત્યારે ઓટ આવી હોય તેમ સ્વાભાવિક દેખાય. નટુભાઈ પટેલની દેખરેખ હેઠળ ‘ફેડરેશન ઑવ્ પાટીદાર એસોસિયેશન્સ’ હેઠળ કેટલાંક સારા નાટ્યપ્રયોગો થયાં. નવાં કલાકારો તૈયાર કરી શકાયાં. પરંતુ સંસ્થામાંની દેખીતી કેટલીક આંતરિક સાઠમારીમાં આ પ્રવૃત્તિ પણ હવે સરિયામ ઠપ્પ થઈ પડી છે. તેની વચ્ચે ‘ભારતીય વિદ્યા ભવન’ના નાટ્ય વિભાગમાં આજકાલ નવો સળવળાટ દેખાય છે. નવા સંચાલક સુરેન્દ્રભાઈ પટેલની રાહબારી હેઠળ યુવાન નીવડેલાં કલાકારોને સ્થાન મળતું હોય, અને નવા નવા પ્રયોગો ત્યાં થવાના હોય, તેવી આછેરી છાપ ઉપસે છે. અહીં, આથીસ્તો, થોડોક ભ્રામક આશાવાદ જોવા મળે ખરો.
રેડિયો અને ટેલિવિઝનમાં ગુજરાતીની બોલબાલા વધવા છતાં આજકાલ સ્તરનું કોઈ જ ઠેકાણું નથી. આ બંને ઠેકાણે કોઈ ખૂલી હવાની સુરખી સુધ્ધાં નથી, સરિયામ બંધિયારપણું છે.
ગુજરાતી ભાષાશિક્ષણને ક્ષેત્રે, બીજી પાસ, હવે વળતાં પાણી ભાળીએ છીએ. અને આમ જોવા જઈએ તો કોઈ પણ વસાહતની આવી આવી સ્વાભાવિક પ્રક્રિયા રહેવાની છે. ઇતિહાસમાં આની અનેક દાખલા-નોંધો જડી આવશે. વારુ, નસીબ હોય તો કેટલાક કર્મઠ યોગીઓને કારણે નક્કર કામો થતાં રહે છે; પરંતુ ધીમે ધીમે તેમની પણ ક્ષિતિજ ઢૂંકાતી રહેતી હોય, તેમ બને છે. આ કુદરતનો ક્રમ હોવાનું અનુભવાયું છે. આવું આવું આ દાખલામાં ય બનતું દેખાય છે. વળી, ક્યાંક ક્યાંક ચલતા પૂર્જાઓ દાણા ચરી જતા હોય તેમ દેખાય અને પરિણામે ધ્યેયલક્ષી કામોની અવધિ વહેલી આવતી હોય તેમ લાગે. આ હરનારાઓ, ફરનારાઓ અને ચણનારાઓ પોતાના સ્વાર્થમાં વીંટાયેલા રહેતા હોવાથી તેમને સમાજનું, સર્વનું ભલું ઝાઝું ન પણ વર્તાય. … અને આવું આવું કંઈક ધૂંધળું ચિત્ર ગુજરાતી ભાષાશિક્ષણ કામને ક્ષેત્રે આજે ઉપસી રહ્યું હોવાનું લાગે છે.
આપણે આ પહેલાં જોયું તેમ, ૧૯૬૪થી આ દેશમાં ગુજરાતી ભાષાશિક્ષણનું કામ આરંભાયું છે. તેનો સુવર્ણકાળ, ઘણું કરીને, ગઈ સદીનો નેવુંમો દાયકો રહ્યો. બ્રિટનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ અભ્યાસક્રમ આપ્યો, પાઠ્યક્રમ પણ કરી આપ્યો. તેને આધારે પાઠ્યપુસ્તકોનો સંપુટ કર્યો, વરસો લગી શિક્ષક તાલીમની અનેક શિબિરો દેશભરમાં કામયાબ કરી. આશરે બે દાયકા લગી સ્તરબદ્ધ પરીક્ષાઓનું આયોજન કર્યું. ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ના ભાતીગળ અવસરો વરસોવરસ બબ્બે દાયકા સુધી કર્યા. પણ આ બધું ઐચ્છિક ધોરણે, સમાજને સ્તરે ચાલ્યું અને નભ્યું. આજે જેમ ધનજીભાઈ આંટવાળા નથી, લલ્લુભાઈ લાડ નથી, દિનેશ દવે નથી, જયંતીભાઈ પટેલ નથી, દુર્ગેશ દવે ય નથી; તેમ પોપટલાલ જરીવાળા પણ નથી. ગુજરાતી ભણાવી શકે તેવાં સાખરખાનુબહેન દેવજી, ચન્દ્રકળાબહેન પટેલ, રમણભાઈ પરમાર, નિરંજનાબહેન દેસાઈ, ગોવિંદભાઈ યાદવ, સુશીલાબહેન પટેલ સરીખાં સરીખાં શિક્ષકો વયને કારણે નિવૃત્ત થયાં છે. સુષમા સંઘવી સરીખાં અન્ય વ્યવસાયમાં પરોવાયાં છે. રેણુકા માલદે, રમણભાઈ પટેલ અને તેમનાં જેવાં અન્યો શ્રેણીબંધ અકેકી વ્યક્તિને શિક્ષણકામ આપવામાં સમય આપતાં થયાં છે.
યુરોપ ખંડને ઉત્તરે સ્કેિન્ડનેવિયા પ્રદેશ છે, જેમાં સ્વીડન, હૉલૅન્ડ જેવા દેશો છે. ત્યાં પણ ગુજરાતી સમાજ પથરાયેલો છે. અન્ય વસાહતીઓની પેઠે, ગુજરાતી વસાહતને માટે પણ તેમની વારસાની ભાષા જે તે મુખ્ય પ્રવાહમાંની નિશાળોમાં શીખવવાની જોગવાઈ શાસને સ્વીડનમાં આપેલી છે. આવી સગવડ અન્યત્ર પણ થઈ શકે છે. પણ વિલાયત સહિતના બીજા દેશોમાં ગુજરાતી સમાજમાં આ વિશે કોઈ સ્પષ્ટતા ભરી આગેવાની નથી. બ્રિટનમાં તો અંગ્રેજી ઉપરાંત કેટકેટલી નાનીમોટી ભાષાઓનું ચલણ છે. અને તેની સંખ્યા સેંકડો ઉપરની સહજ થઈ જાય છે. સરકારની નીતિરીતિ પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વલણ પણ અસરકર્તા બનતી હોય છે. પ્રાથમિક શિક્ષણની તંત્રવ્યવસ્થાનો ભાર આવી સ્થાનિક સંસ્થાઓ પર અવલંબે છે.
એક જમાનામાં લંડન યુનિવર્સિટીના ‘સ્કૂલ ઑવ ઑરિયેન્ટલ અૅન્ડ આફ્રિકન સ્ટડીઝ’ વિભાગમાં ગુજરાતી ભણાવાતું. તેનો ય એક ભવ્ય ઇતિહાસ છે. આજે ત્યાં એક પણ વિદ્યાર્થી નથી અને લાંબા સમયથી, અધ્યાપક હવે બીજાત્રીજા વિષયો ભણાવવામાં રસ લેતાં થયાં છે ! કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ એક વખત ગુજરાતીનો િવભાગ ધમધમતો હતો. આજે ત્યાં કાગડા વાસની રાહે તડપે છે. હા, શાળાંતની ‘ઓ-લેવલ’ તેમ જ ‘એ-લેવલ’ની પરીક્ષાઓમાં ગુજરાતીનો એક વિષય અપાતો આવ્યો છે, તે ખરું. પરંતુ આ વિષયનું સ્તર સતત ઘટતું આવ્યું છે અને પરિણામે હવે પોત પણ તદ્દન પાતળું બની ગયું છે. અને ઉપરાંત, વરસોવરસ વિદ્યાર્થીઓની સંખ્યા તૂટી રહી છે. એજન્સીઓ વાટે ચાલતું આ તંત્ર સ્વનિર્ભર નહીં હોય તો શું બનશે ? તેની કલ્પના કરવી જરા પણ અઘરી નથી. છેવટે સમાજને તેનો ખપ હશે ત્યાં સુધી આ પણ ટકશે, નભશે; નહીં તો સમયની કોઈક ગબ્બર ગોખમાં તે ય ગાયબ થાય !
રહી, છેવટે, સાહિત્યની, સાહિત્યસર્જનની તેમ જ તેની વાહક સંસ્થાઓની. ભારત બહાર, વિલાયતમાં અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં નક્કર ગણમાન્ય કામો આ સંદર્ભે થયાં છે. અને આપણા આ ફલકમાં યુરોપનું જ ક્ષેત્ર અગત્યનું ઠરે છે. માટે તેની જ વાત કરવાની છે. ઇટલી ખાતે પ્રદ્યુમ્ન તન્નાનો દીપક હમણાં સુધી દેદિપ્યમાન રહ્યો. એ ચળકતા સૂરજ જેવો હતો. બીજી પાસ, વિલાયતમાં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના નેજા હેઠળ ત્રણસાડાત્રણ દાયકાના પટે સોજ્જાં અને નકકર કામો થયાં છે.
ઉત્તર ઇંગલૅન્ડમાં પ્રેસ્ટનસ્થિત ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ’ તેમ જ બાટલીસ્થિત ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ’ હેઠળ નાનીમોટી સાહિત્યિક પ્રવૃત્તિઓ થયાં કરી છે. આથી, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, મહેક ટંકારવી, અહમદ ‘ગુલ’, સૂફી મનુબરી, કદમ ટંકારવી, િસરાજ પટેલ, પ્રેમી દયાદરવી, હારૂન પટેલ, ફારૂક ઘાંચી સરીખા સર્જકોને મોકળું મેદાન ત્યાં પણ મળેલું છે. જ્યારે લેસ્ટરમાં, એક દા, ભાનુશંકર ઓધવજી વ્યાસ, રજનીકાન્ત ભટ્ટ, વિનય કવિનો સિક્કો ખણખણતો હતો. આજે વનુ જીવરાજ, બેદાર લાજપુરીની કલમ ક્યારેક ચમકારા મારે છે. આવું બૃહદ્દ લંડન વિસ્તારનું છે. શાંતશીલા ગજ્જર, ડાહ્યાભાઈ પટેલ, ભાનુબહેન કોટેચા, ટી. પી. સૂચક, પોપટલાલ પંચાલ, મનેશચંદ્ર કંસારા, ‘જય મંગલ’, અંજુમ વાલોડી જેવાં જેવાંનો ગજ, એક સમે, વાગતો હતો. ત્યારે બીજી પાસ, બળવંત નાયક, નિરંજના દેસાઈ, યોગેશ પટેલ, ‘ખય્યામ’, પંકજ વોરા, ભારતી વોરા, જગદીશ દવે, રજનીકાન્ત મહેતા, રમેશ પટેલ, વલ્લભ નાંઢા, કુસુમ પોપટ, રમણભાઈ પટેલ, ગુલાબ મિસ્ત્રી, જિગર નબીપુરી, ઉપેન્દ્ર ગોર, રમણીકલાલ કાશીનાથ ભટ્ટ, ભદ્રા વડગામા જેવાં જેવાંની કલમ ચાલતી અનુભવી છે. બર્મિંગમના પ્રફુલ્લ અમીન અને ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી પણ ક્વચિત ખીલી જાણ્યા છે. તેની વચ્ચે ગુજરાતથી તાજાતર આવેલા અનિલ વ્યાસ અને પંચમ શુક્લે ખુશનુમા વાતાવરણ ઊભું કરી આપ્યું છે.
વરસોથી આ વિસ્તારોમાં અનેક પુસ્તકો ય પ્રકાશિત થયાં છે. વ્યક્તિગત રૂપે થયાં છે તો સંસ્થાગત રૂપે પણ થયાં છે. આ સઘળાં પ્રકાશનો વાટે ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યસર્જનની ઝાંખી પણ ક્યાંક ક્યાંક ઝબુક્યા કરી છે. ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ’નાં પ્રકાશનો ધ્યાનાર્હ જરૂર છે. અને તેની પાછળ અદમ ટંકારવી અને અહમદ ‘ગુલ’ જેવાની દીર્ઘ દૃષ્ટિ કામ કરતી હોય તેમ પણ બને. મુખ્ય પ્રવાહમાં ‘ઈમેજ પબ્લિકેશન’ વાટે કેટલુંક સાહિત્ય જેમ પ્રગટ થયું છે, તેમ બળવંત જાનીની કુનેહથી, ‘પાર્શ્વ પબ્લિકેશન’ હેઠળ શ્રેણીબધ્ધ પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં છે. પરદેશના માહોલમાં લખતાં સર્જકોનું લખાણ તેમાં જરૂર ભાળીએ છીએ. આ પ્રકાશન કામનું છે; તેનું સ્વાગત પણ છે. ડાયસ્પોરાની ગવાહી દઈને તેને જ માંડવે આ પુસ્તકો થયાં છે, તેમ જોરશોરથી કહેવાય છે, અને છતાં, તેમાંથી નહીંવત્ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય સાંપડે છે, તે ય નર્યું સ્પષ્ટ છે.
અત્યારે ગુજરાતી સાહિત્યને નામે ઉત્તરમાં ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ’ અને પાટનગર લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સક્રિય સંસ્થા સ્વરૂપે પ્રવૃત્ત છે. દીર્ઘ દ્રષ્ટિ હશે અને રહેશે ત્યાં સુધી આજનું વાતાવરણ આવી સંસ્થા હેઠળ નભશે અને રહેશે અને જોમ હશે તો વિસ્તરશે.
પ્રત્યાયનનાં અન્ય સાધનોમાં, અહીંથી પ્રગટ થતાં સમસામયિકો વિશે થોડુંક જોઈ જોવું જરૂરી છે. શુધ્ધ સાહિત્યનાં “અસ્મિતા” સરીખાં સામયિકો, વિપરિત સંજોગોને કારણે અબીહાલ પ્રગટ થતાં નથી, એ ખરું; પરંતુ “ઓપિનિયન” સરીખા માસિક પત્ર વાટે મથામણ થયા કરી છે. સત્તરેક વરસોનું તપ તેથીસ્તો પ્રગટ પણ થયું છે. હવે તે છપાઈમાંથી ખસી જઈ, ‘ડિજિટલ’ અવતારમાં ઉપસવાની આશા બંધાઈ છે. અદમ ટંકારવી “ઓપિનિયન” તંત્રીને નામ લખતા હતા : ‘સંસ્કૃતિની કટોકટીના કાળે એક બળૂકું વિચારપત્ર સંકેલાય છે તે વાતે વિષાદ – અને પંદરપંદર વરસ તમે બ્રિટનના ગુજરાતી સમાજમાં સ્વસ્થ માનસિક્તા કેળવવા જે મથામણ કરી તે પુરુષાર્થનો રાજીપો – એવી મિશ્ર લાગણી ‘સંકેલો’ અવસર ટાણે અનુભવું છું. આપણા આછકલા સમાજના નઘરોળપણા વચ્ચે “ઓપિનિયન” ચલાવવું એ એક તપ હતું. તમે તપોભંગ થયા નથી. ચૌદ વરસ અને ઉપર બાર મહિના છોગામાં, આમ આ તપ પૂરું થાય છે ત્યારે એનું પુણ્ય તમને, તમને ટેકો દેનારા સૌને અને આપણા અવઢવિયા સમાજને પણ ફળશે એવી આશા વ્યક્ત કરું છું.’
વારુ, … આરંભથી અહીં લગી, દર્પણના દેશમાં જાણે ભટકતો હોઉં તેવો અનુભવ થયા કર્યો છે. આયનાને પ્રતાપે વિલાયતના અને યુરોપના સાંસ્કૃતિક માહોલને નીરખતો રહ્યો છું અને મૂલ મૂકતો રહ્યો છું. ભેદની ભીંત્યુંને ભેદીને, વળી, વિધવિધ છડીદારોને આહ્વાનતો અહી સુધી પહોંચ્યો છું. તેથીસ્તો, હવે લલિત વર્માની એક ગઝલ આ અગાઉ સાંભળી છે તેને અહીં સાદર કરી લઉં. તે ગઝલકૃતિ ટાંકીને પોરો ખાઈશ :
ભટકી રહ્યો છું ક્યારનો દર્પણના દેશમાં
નીરખી રહ્યો છું નિજને હું દર્પણના વેશમાં.
આવી ગયું’તું બિંબ જે દર્પણની ઠેસમાં.
ચહેરા અનાથ જોઉં છું દર્પણ પ્રદેશમાં.
ખુદને જુએ છે સૌ અહીં દર્પણ નરેશમાં.
દર્પણને એક સાંપડ્યું દર્પણ વિશેષમાં.
દર્પણ વિદેશમાં જુઓ દર્પણ સ્વદેશમાં.
કેવળ ફરક છે દર્પણોના સંનિવેશમાં.
દેતો નથી હું હાજરી દર્પણ પ્રવેશમાં.
પાનબીડું :
काश ! जीवन में मेरे सुख-दुख का कोई एक अवलम्ब होता ।
मेरा कोई साथी होता ।
में अपने दुख-सुख का एक भाग उसे दे, उसकी अनुभूति का भाग ग्रहण कर सकता ।
में अपने इस निस्सार यश को दूर फेंक संसार का जीव बन जाता ।
– यशपाल [1903 – 1976]
(૧૦.૦૩.૨૦૧૦ / ૦૧.૦૧.૨૦૧૧/૦૪.૦૭.૨૦૧૨)
e.mail : vipoolkalyani.opinion@btinternet.com