કાર્યવાહી સમિતિ

100_3457_2

 

વારપરબ : રવિવાર, 28 અૅપ્રિલ 2013. સ્થળ : બૃહદ્દ લંડનના એક આથમણા વિસ્તાર, સ્ટેનમૉરમાં આવ્યું ભંડેરી નિવાસ. અવસર : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાંપ્રત કાર્યવાહી સમિતિમાં બીરાજનારાંઓની સમૂહ છબિ.

બેઠેલી હરોળમાં (ડાબેથી) મહામંત્રી ભદ્રાબહેન વડગામા, કાર્યવાહી સભાસદ ચંપાબહેન પટેલ, કાર્યવાહી સભાસદ સુષમાબહેન સંઘવી, સહમંત્રી વિજ્યાબહેન ભંડેરી, કાર્યવાહી સભાસદ ઘનશ્યામભાઈ પટેલ તથા ખજાનચી લાલજીભાઈ ભંડેરી છે. પાછળી હરોળે, ડાબેથી, કાર્યવાહી સભાસદ અનિલભાઈ વ્યાસ, પ્રમુખ વિપુલભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ પંચમભાઈ શુક્લ તેમ જ કાર્યવાહી સભાસદ નીરજભાઈ શાહ દૃષ્ટિમાન છે. કુલ 11 સભાસદોની બનેલી આ કાર્યવાહી સમિતિની આ સમૂહ છબિમાં કાર્યવાહી સભાસદ ફારુકભાઈ ઘાંચી ઉપસ્થિત રહી શક્યા નહોતા.

આફ્રિકાથી વિલાયત આવી વસેલાં મૂળ શિક્ષક, ભદ્રાબહેન પાયાગત કુશળ ગ્રંથપાલ. ગુજરાતી સહિત હિન્દવી જબાન ક્ષેત્રે એમણે ધ્યાનાર્હ કામ આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વે તથા ઝામ્બીઆના મૂળ વસવાટી ચંપાબહેન શિક્ષિકા રહ્યાં છે. ગુજરાતીનું શિક્ષણ આપનારાંઓની હરોળમાં તે અગ્રેસર છે. વળી એ ચિત્રકાર પણ છે. સુષમાબહેન વ્યવસાયે કન્સલટન્ટ ફિઝિયૉથેરપિસ્ટ છે; વળી, ગુજરાતી સાહિત્યના આ અનુસ્નાતકને પત્રકારત્વ, શિક્ષણનો ય અનુભવ ગૂંજે છે. ગુજરાતી ભાષા શિક્ષણક્ષેત્રે તજજ્ઞ લેખાતાં ને લાંબા અરસાથી શિક્ષણકામ કરનાર વિજ્યાબહેન વ્યવસાયે સનંદી સેવાઓમાં વ્યસ્ત રહ્યાં. ઘનશ્યામભાઈ વ્યવસાયે મુલકી ઇજનેર; ગંજાવર વાંચનનો શોખ તેમ જ લેખનકાર્ય એમના મજબૂત પાસાઓ. એક કર્મઠ સમાજસેવક અને વ્યવસાયે નાણાકીય નિષ્ણાત લાલજીભાઈને સંસ્થાઓની માવજતનો તથા વ્યવસ્થાઓનો બહોળો અનુભવ છે. આયુર્વેદના નિષ્ણાત તેમ જ નેશનલ હૅલ્થ સર્વિસીસમાં વ્યાવસાયિક સેવાઓ આપતા અનિલભાઈ ગણમાન્ય ગુજરાતી વાર્તાકાર છે. પત્રકાર તરીકે જાણીતા અને “ઓપિનિયન” સામયિકના તંત્રી વિપુલભાઈને અકાદમીના સ્થાપનકાળથી સંસ્થાનો સર્વાંગી, બહોળો અનુભવ છે. લંડન મેટૃોપોલિટન યુનિવર્સિટીની ઇજનેરી શાખામાં અધ્યાપનકામ કરતા પંચમભાઈ ગુજરાતીના ગણમાન્ય કવિ છે તેમ જ એક અચ્છા અનુવાદક પણ. વેબ ડિઝાઇન તેમ જ પ્રૉગ્રામની દુનિયામાં વ્યસ્ત નીરજભાઈ વ્યવસાયે આઈ.ટી. સપૉર્ટ ઇજનેર છે અને વળી, ગુજરાતી કવિતા – ગીત – સંગીતની ઉમદા વેબસાઇટ, ‘રણકાર’નું સુપેરે સંચાલન કરે છે.

આ છબિમાં અનુપસ્થિત ફારૂકભાઈ નેત્રવિદ્યાશાસ્ત્રના ઉચ્ચ નિષ્ણાત છે તેમ જ એમણે ગુજરાતી કવિતા ક્ષેત્રે ધ્યાનાર્હ ખેડાણ કર્યું છે.