એક વિહંગાવલોકન : – વિપુલ કલ્યાણી ગુજરાતી સાહિત્ય અકાદમીના અસ્તિત્વને 46 સાલ થયા; ખરેખર ! … કોણ માનશે ? અકાદમીની ચાળીસી ટાંકણે, એક લેખ કરેલો. તેમાંથી લીધા આ ફકરાઓથી જ આદર કરીએ : આ ચાર દાયકાના પટનો વિસ્તાર જેમ જેમ સ્મરણપટે ફિલ્માયા કરે છે, તેમ તેમ કેટકેટલાં સ્મરણો ને અવસરોનો ગંજ ખડકાતો અનુભવાય છે. ગુજરાતી જબાનમાં આ દેશે લખનારાં કેટકેટલાં નામો સાંભરી આવે છે. કવિતાઓ કરતાં કવિમિત્રો, વાર્તા લખતાં વાર્તાકારોનું એક જૂથ હતું. માસિકી બેઠકોનો એ સિલસિલો હતો. આદાનપ્રદાન તેમ જ ભોજનવાળી મિજલસ બેસતી, જામતી. ‘ગુજરાતી પ્રકાશન લિમિટેડ’ની કેડીએ, ‘ગુજરાતી સાહિત્ય મંડળ’, અને પછી તેની પછીતે, 12 ફેબ્રુઆરી 1977ની એક સુભગ ઘડીએ, આપણી આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો શુભારંભ. કાન્તિ નાગડા, કુસુમબહેન શાહ, ટી.પી. સૂચક, ડાહ્યાભાઈ પટેલ, પંકજ વોરા, પોપટલાલ જરીવાળા, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, નિરંજના દેસાઈ, યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી, હીરાલાલ શાહ − શાં અનેક અગ્રસૂરિઓએ અકાદમીનું સુપેરે ઘડતર ને ચણતર કરેલું છે. … પછી, અકાદમીનો વ્યાપ વધતો ગયો, ફાલતો રહ્યો, ફૂલતો રહ્યો. સાહિત્ય સર્જન ઉપરાંત ગુજરાતી ભાષા સંવર્ધન તેમ જ વિવિધ લલિત કળાઓ સમેતનો સાંસ્કૃતિક વારસો અકાદમીના કાર્યવ્યાપમાં સમાવેશ થયો. આ લંબાયા પટે અકાદમીએ નવ ભાષા-સાહિત્ય પરિષદો આપી. અનેક સ્તરે પાંચસો ઉપરાંત ગુજરાતી શિક્ષકોને તાલીમબદ્ધ કર્યાં. ગુજરાતી ભાષાશિક્ષણને સારુ અભ્યાસક્રમ ઘડીને આપ્યો. પાઠ્યપુસ્તકો તૈયાર કરાયાં. અઢાર અઢાર સાલ …
ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ … – કેતન રુપેરા “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત”… — કવિ અરદેશર ફરામજી ખબરદાર તળ ગુજરાતથી લઈને ગુજરાત બહાર અને દેશ-વિદેશ તથા યુનાઈટેડ કિંગ્ડમમાં વસતાં સૌ ગુજરાતી ભાઈઓ-બહેનો …, દિલ ગુજરાતી ગુજરાતી કરી દેતી, કવિ અરદેશર ફરામજી ખબરદારની આ કવિતાને યાદ કરીને કહેવાનું મન થાય કે ભાગ્યે જ કોઈ એ મુદ્દે અજાણ હશે અથવા અસહમત થશે કે સાહિત્ય હંમેશાં તેના ભૌગોલિક, સામાજિક, મનોવૈજ્ઞાનિકથી લઈને સાંસ્કૃતિક ને કંઈ કેટલાંય પરિવેશો ને પરિબળોની પયદાઈશ હોય છે. જે દેશ-પ્રદેશમાં જે ભાષા સૌથી વધુ લખાતી-બોલાતી-વંચાતી હોય એ પ્રદેશમાં રહીને એ ભાષા સિવાયની અન્ય કોઈ ભાષામાં સર્જન કરવું એ જે તે પ્રદેશની પોતાની ભાષામાં લખવા કરતાં વધુ પડકારભર્યું હોય છે. પછી એ વારસાની કહેવાતી ભાષા કેમ ન હોય, પણ કેમ કે હવે એ ભાષા અને પ્રદેશ સાથે પોતીકાપણાની લાગણી અનુભવવાનાં ગણ્યાંગાંઠ્યાં જ માધ્યમો રહ્યાં હોઈ અને એ માધ્યમો થકી જ પોતાનું એક અલગ વિશ્વ પણ આકાર પામતું હોઈ તે વિશ્વ જ કોઈ પણ સર્જકની ભાષાભિવ્યક્તિ કે સાહિત્ય-સર્જનનો આધાર બની રહેતું હોય છે. વારસાની એ ભાષા અને વારસાના એ પ્રદેશ સાથે સર્જકનો નાતો ચોક્કસપણે જળવાયેલો રહે છે, પણ એ તળ કે મૂળ પ્રદેશ પોતાની રોજબરોજની ઘટમાળ થકી …
સાહિત્યત્વ – કેતન રુપેરા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016) સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ પ્રકાશન વર્ષ : 2022 તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય Ø વર્ષ 1991થી 2016 દરમિયાન સાહિત્યક્ષેત્રે નોબેલ પારિતોષિક-પ્રાપ્ત વિજેતાઓનાં વક્તવ્યોનાં ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદના સંચયનું આ સંપાદિત પુસ્તક છે. 21 અનુવાદકો દ્વારા અનુવાદ થયેલાં 26 વક્તવ્યોનું —એટલે કે આટલી માત્રામાં નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો સમાવતું ગુજરાતી ભાષાનું આ સંભવત: પહેલું પુસ્તક છે. Ø કુલ મળીને 432 પૃષ્ઠનું આ પુસ્તક છે. પાકા પૂઠાંનું છે, પાનાંની સંખ્યાની તુલનાએ વજનમાં હળવુંફૂલ છે. Ø મુખપૃષ્ઠ પર આપ જે જુઓ છો તે સ્વીડનની નોબેલ અકેડેમીનું મુખ્ય મકાન- હેડ ક્વાર્ટર છે. અહીં જ નોબેલ પારિતોષિક વિજેતાનું સન્માન થાય છે, ને અહીં જ તેઓ સૌ પોતાનું પ્રતિભાવ પ્રવચન આપે છે. Ø મુખપૃષ્ઠ પર જોવા મળતો ચંદ્રક આપણામાંથી કોઈને જો અને જ્યારે ખરેખર જોવા-સ્પર્શવાનો થાય તો ત્યારનો આનંદ ત્યારે પણ અત્યારે આંશિક અનુભૂતિ માટે તેને મુખપૃષ્ઠ પર ઉપસાવવામાં આવ્યો છે. ટેકનિકલી તેને UV Varnish કરેલું કહેવામાં આવે છે. Ø સંપાદકોએ પુસ્તક “બ્રિટિશ ગુજરાતીઓ ગુજરાતી સાંભળે બોલે વાંચે લખે જીવે તે માટે એમણે કરેલ અથાગ પુરુષાર્થની કદર રૂપે” અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીને અર્પણ …
અદમ ટંકારવી અને પંચમ શુકલ સંપાદિત નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોની ૧૯૯૧-૨૦૧૬ સુધીની શ્રેણીને આવરી લેતું સંપાદન એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના છે. એનું પ્રકાશન વિપુલ કલ્યાણીની સાહિત્યિક સેવાઓને બિરદાવવા માટે થયું છે, એ વધારે સંતર્પક છે. સ્વીડીશ એકેડેમી દ્વારા અપાતું નોબેલ પારિતોષિક વિશ્વસ્તરે અદ્વિતીય અને અણમોલ ગણાય છે. નોબેલ પછી કોઈ મહોરની જરૂરત રહેતી નથી એટલે દરેક સર્જકનું એ જાગતિક-અજાગતિક સપનું બની રહે છે. છવ્વીસ પ્રકરણોમાં વિશ્વ ભરના વિજેતાઓએ પોતાની કેફિયત વર્ણવી છે અને એ સીમાચિહ્નરૂપ છે. બ્રિટન, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં એકવીસ જેટલાં સ્ત્રી-પુરુષ અનુવાદકોએ પોતાનો કસબ દર્શાવીને પુસ્તકને આસ્વાદ્ય બનાવવાની મહેનત કરી છે, જેમાં નવ લેખિકાઓ અને બાર લેખકો છે. સંપાદકીય ચીવટ અને સૂઝસમજનો ધ્યાનાકર્ષક વિનિયોગ થયો છે. અદમ ટંકારવીથી એમનાં નામ-કામનાં કારણે પરિચિત તો પંચમ શુકલ “મા પાસે શીખ્યો છું હું “ કાવ્યનાં કારણે મને પોતીકા લાગ્યા છે. વિપુલભાઈ તો ખાસ્સા નજીક લાગે, કારણ કે એકાદ અછડતી મુલાકાત છતાં એમણે મને વખતોવખત યાદ કરીને સાહિત્યક્ષેત્રે વિશાળ વર્તુળનો પરિચય કરાવ્યો છે. સૌથી વધારે યાદ રહી ગયો છે એ કાર્યક્રમ જે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલના સંદર્ભે હતો. અહીં વિજેતાઓમાં સાત લેખિકાઓ અને ઓગણીસ લેખકો છે. વિશ્વભરના સર્જકોની કેફિયત મૂળસોતી, પારદર્શક, વિચારવંત અને સહજ અનુભૂતિની અભિવ્યક્તિ છે. આ પુસ્તક એક બેઠકે વાંચી શકાય એવું નથી, કારણ કે એક …
પ્રકાશકીય યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.” આના અનુસંધાને, આ પરિષદે ઠરાવેલું કે સાહિત્ય ક્ષેત્રે ચુનંદા નૉબેલ પારિતોષિક વિજેતાઓનાં પ્રવચનોના ગુજરાતી અનુવાદોનો એક સંચય તૈયાર કરવો; આ કામનું સંપાદન અદમ ટંકારવી અને પંચમ શુક્લને સોંપવું; તેમ જ અકાદમીના ચાર-સાડા ચાર દાયકાના પડાવે આ સંચયને સાંપ્રત અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીના ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયાસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદર રૂપે પ્રગટ કરવો. આ પુસ્તક માટે સંપાદકોએ સહસ્રાબ્દીના સંધિકાળની આસપાસના વર્ષો(૧૯૯૧થી ર૦૧૬)ની પસંદગી કરી હતી. નૉબેલ પ્રવચનોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ માટે યોગ્ય અનુવાદકોની પસંદગી અનૌપચારિક રીતે સંપાદકો અને અકાદમીના સંપર્કો દ્વારા સર્વસમાવેશક અભિગમને અનુસરીને કરવામાં આવી હતી. અલબત્ત, વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; સંપાદકો અને અકાદમી સાથે નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે એવી દેશ-પરદેશની (બ્રિટન, નૉર્થ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત) વ્યક્તિઓને નિમંત્રણ મોકલવામાં આવ્યા …