‘મરણ સ્મરણની દુનિયા ખોલે છે’, તેમ આચાર્ય જયેન્દ્ર ત્રિવેદીએ એક દા લખેલું. વાત ખરી લાગે છે. રતિલાલ ચંદરિયાની એકાણુમે વરસે લીધી આ વિદાયને હવે આ કેડે જ મુલવવી રહી.
એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. આ મુલાકાતોના સિલસિલામાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં વિધવિધ કામો કેન્દ્રસ્થ રહેતાં. એક દિવસે, કપૂરભાઈની સાથે હતો અને રતિભાઈ આવી ચડ્યા. કહે : તમારું કામ પતે, તે પછી, થોડોક વખત મને મળી શકશો ? અને આમ હું મળવા ગયો.
તે દિવસોમાં, ટાઇપરાઇટરના ઉપયોગમાંથી રતિભાઈ કમ્પ્યૂટર યુગમાં ફેરવાઈ રહ્યા હતા. એમણે ગુજરાતીનું એમનું કામ વિગતે દેખાડ્યું. પોતાના મનનો નકશો ચીતરી દેખાડ્યો. ક્યાં ક્યાં ધા નાખી છે અને કેવડું ગંજાવર કામ છે તે બતાડી દીધું. મારો અભિપ્રાય જાણ્યો અને પછી એમને બનતી સહાય કરવા એમણે મને વિનંતી કરી.
બસ, ત્યારથી એમના આ કામોને પોરસાવતો રહ્યો. મળવાહળવાનું થાય ત્યારે પ્રગતિ બાબત તરતપાસ કરતો રહું. અને આમ અમારું મળવાનું વધતું ચાલ્યું. તે દરિમયાન, 1995ના અરસામાં, “ઓપિનિયન” સામયિક શરૂ કર્યું. તે તદ્દન સીધાં ચઢાણ જ હતાં તેની પાકી સમજણ. પણ સતત મંડ્યા રહેવાનું થયું. તેમાં રતિભાઈ ગ્રાહકરૂપે જોડાયા અને સાથેસાથે એમના સમગ્ર પરિવારને ય એમણે જોતરી આણ્યાં. “ઓપિનિયન”ના મુદ્રિત અંકના પંદર વરસ દરમિયાન એમણે સામૂકી હૂંફ જ આપી. “ઓપિનિયન”ના અંકોના દરેક લેખ વાંચે, અને પાછા મન મેલીને આનંદ વ્યક્ત કરતા રહે. એમને મળવા જવાનું થાય, ત્યારે ત્યારે “ઓપિનિયન”ની એમણે જાળવી ફાઇલ બતાવે અને રાજીપો વ્યક્ત કરતા રહે.
દરમિયાન, “ઓપિનિયન”નો, 1998ના ઑક્ટોબર માસનો અંક, ‘જોડણી અને ભાષાશુદ્ધિ અંક’ તરીકે પ્રગટ કર્યો. અંકને છેલ્લે પાને, ‘કમ્પ્યૂટર પર ગુજરાતી ભાષા ને જોડણીનો શબ્દકોશ’ નામે રતિલાલ ચંદરિયાનો એક લેખ પણ પ્રગટ થાય છે. જાન્યુઆરી 1999 વેળા, ઊંઝા ખાતે જોડણી પરિષદ મળી રહી હતી, તેને ધ્યાનમાં રાખી આ ખાસ અંક પ્રકાશિત કરેલો. આ પરિષદના એક આગેવાન એટલે ભારે નિષ્ઠાવાન તેમ જ વિદ્વાન રામજીભાઈ પટેલ. રામજીભાઈ તથા તેમના સાથીસહોદરોને આને કારણે રતિભાઈનાં કામોમાં ય રસ પડ્યો. રામજીભાઈ પટેલના સાથીસહોદરોમાંથી ઉત્તમભાઈ ગજ્જર અને પાછળથી બળવંતભાઈ પટેલ પણ રતિભાઈની ત્રિજ્યામાં ગોઠવાઈ ગયા.
રતિભાઈ આમ તપેશરી. દેવચંદભાઈ પાછા થયા પછી એ જ ચંદરિયા ફાઉન્ડેશનના મુખી. તેની જબ્બર જવાબદારીઓ, પરંતુ દેશદેશાવરમાં પથરાઈ પેઢીને ભાઈઓ, નાનેરાંઓ વિકસાવતા રહેતાં. તેથી હળવાશે ધંધાધાપા પર નજરઅંદાજ થયા વિના, એમણે કમ્પ્યૂટર ક્ષેત્રે ગુજરાતી લિપિને ઢાળવાનું કામ જારી રાખ્યું. તેના વિવિધ શબ્દકોશોને ડિજિટલ રૂપ આપવામાં પરોવાયેલા રહ્યા. આને સારુ એમણે અનેકોની સહાય લીધી છે.
કહે છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માંધાતાઓએ એક દા આ કામની જવાબદારી લેવાની તૈયારીઓ દર્શાવેલી, પણ તેની સફળતા સાંપડી નહોતી; એથી એમણે નજર અન્યત્ર કરી લીધી. તેવાકમાં અશોક કરણિયા અને તેમના સાથીદારો કાંદિવલીમાં ગુજરાતી લિપિ સાથે કામ પાડતાં પાડતાં ભાષાશિક્ષણના ઓજારો બનાવવામાં મચેલા હોય તેમ જણાતા, રતિભાઈએ, 2005ના અરસામાં, તેમનો સંપર્ક કર્યો. ‘અૅ બ્લૉગ લેસ ઑર્ડિનરી’ નામે પોતીકા બ્લૉગમાં અશોક કરણિયા, ‘માઈ લાઈફ વીથ રતિકાકા’ને નામે લેખમાં, લખે છે તેમ, જુલાઈ 2005માં રતિભાઈ આ યુવાનોને મળ્યા, અને પછી, ઈન્ટરનેટની દુનિયામાં ગુજરાતીનું સ્થાન અદકેરું બનવા બાબતનું સોનેરી પૃષ્ઠ કંડારવાનું આરંભાયું.
તત્કાલીન ‘મેગનેટ ટેકનૉલોજીસ પ્રાઇવેટ લિ.’ના આ યુવાનોએ, પોતાની મસે આ કામ જોયું, તપાસ્યું. અશોકભાઈ તેમ જ સાથીમિત્રોને તેના વ્યાપનું સુખદ આશ્ચર્ય થયું. આ યુવાનોએ તે દિવસોમાં, ‘ઉત્કર્ષ’ નામે એક ‘સરળ-સુરક્ષિત-સ્વતંત્ર’ પ્રૉગ્રામ વિન્ડોસ કમ્પ્યૂટર માટે ગુજરાતીમાં જાહેર કરેલો. તેમને રતિભાઈના ગંજાવર કામથી પુષ્ટિ જ નહોતી મળતી, તેમને જબ્બર ચાલક બળ પણ પ્રાપ્ત થતું હતું. એક બાજુ અનુભવ તો બીજી તરફ યુવાનીનું આ સાયુજ્ય હતું.
તે સાલ ડિસેમ્બરમાં, ભારત જવાનો અવસર થયો. આ યુવાન મિત્રોને ય મળવાનું બન્યું. તેમની નિષ્ઠા, દૂરંદેશી જોઈ તપાસી અને રતિભાઈને આ સમૂળો પ્રકલ્પ જાહેર જનતાને સારુ અર્પણ કરવાને તૈયાર કર્યા. લંબાણભરી બેઠકો કરી. વરિષ્ટ સાહિત્યકાર ધીરુબહેન પટેલને જોડવાનો નિર્ધાર કર્યો. અને 13 જાન્યુઆરી 2006ના રોજ ગુજરાતી ભાષા સાહિત્યને ક્ષેત્રે એક ભગીરથ કામ મુકાયું. મુંબઈના ‘ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર’ના સભાખંડમાં ઠેરઠેરથી માનવમેદની હાજર રહી હતી. ચંદરિયા પરિવારના અગ્રેસરો હતા, વાણિજ્ય-ઉદ્યોગના આગેવાનો ય હતા. ભાષા સાહિત્ય ક્ષેત્રનાં ધુરીણો ય હતાં. અતિથિ વિશેષ ધીરુબહેન પટેલે આ ઉદ્દાત કામને જાહેર મુક્યું. ધીરુબહેનને જે સમજાતું હતું, જે દેખાતું હતું તો જો, તે વેળા, સાબરમતીના કાંઠાળ વિસ્તારનાં ભાષા-સાહિત્યનાં અગ્રેસરોને વર્તાતું હોત તો ! … ખેર. આ અવસરનું સંચાલન કરવાનો સુભગ સંયોગ મારે શિરે હતો, તેનું મને ભારે ગૌરવ છે.
મુંબઈના આ ઐતિહાસિક અવસરની પૂંઠેપૂંઠે, લંડનમાં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 09 જુલાઈ 2006ના ‘ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ’નું જાહેર સ્વાગત થયું. ગુજરાતી ડિજિટલ ડિક્શનરીના સર્જક આધુનિક એકલવ્ય રતિલાલ ચંદરિયાનું જાહેર સન્માન કરવાનો ય યોગ અમને થયો હતો. એ ભાતીગળ અવસરે પ્યારઅલી રતનશી અને ભીખુભાઈ પારેખ સરીખા વિદ્વાનોએ પોરસાવતાં વક્તવ્યો આપ્યા હતા. જ્યારે ધીરુભાઈ ઠાકર સરીખા વરિષ્ટ કર્મઠ સાહિત્યકારની પોરસાવતી ઉપસ્થિતિ ય હતી. તત્કાલીન ‘મેગનેટ ટેક્નોલોજીસ’ના તે વેળાના આગેવાન અશોક કરણિયા ખાસ હાજર હતા. આ અવસરને ધ્યાનમાં રાખી, “ઓપિનિયન”નો એક ખાસ અંક પ્રગટ થયો હતો, જેમાં આ સઘળાં પ્રવચનો આમેજ કરાયા હતાં. બીજી પાસ, ‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઇટ પરે આ અવસરની વિગતે વીડિયો જોવા ય પામીએ છીએ.
‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને આ ડિજિટલ શબ્દકોશમાં અધિકૃતપણે સામેલ કરી શકાય તે સારુ વરસોથી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના કુલસચિવ તેમ જ કુલનાયક જોડે ચર્ચાવિચારણા કરતો રહેતો. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને ડિજિટલ કરવાનો આ અવસર છે અને આ તક ઝડપવા સારુ એમને સમજાવી શકાયા તેનો મને ભારે સંતોષ છે. ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં દફતર ખડું કરી, ગુજરાતીલેક્સિકૉને‘ યજ્ઞ માંડેલો અને આ કોશને ડિજિટલસ્વરૂપ આપવાનો ઉપક્રમ આટોપી શકાયો. અશોક કરણિયા સાથે રહીને, અનેકવિધ પ્રવાહોને ખાળતા રહી, રતિભાઈની આશાનિરાશાને સમજી સાંચવી લઈ, મહા મહેનતે, આ ભાતીગળ પ્રકલ્પ આટોપાયો જ આટોપાયો. આ કામને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના ગાંધીનગર અધિવેશન ટાંકણે, વિધિવત્ લોકઅર્પિત કરાયો તેનું સ્મરણ પણ એવું ને એવુ તાજું છે.
સને 1940માં, પહેલી વાર, પ્રકાશિત થયેલા ભગવદ્ગોમંડળના કુલ નવ ગ્રંથોમાં 2.82લાખ શબ્દોની, કુલ 8.22લાખ શબ્દોમાં, અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે. હિમાંશુ કીકાણીએ ‘સાયબરસફર – અરાઉન્ડ ધ વેબ’માં, તાજેતરમાં, લખ્યું છે તે મુજબ, ‘ગોંડલના મહારાજાને ગ્રંથ તૈયાર કરતાં 26 વર્ષ લાગ્યાં હતાં. રતિકાકાને ગુજરાતી લેક્સિકૉનની પહેલી આવૃત્તિ તૈયાર કરવામાં 20 વર્ષ લાગ્યાં હતાં અને એ અનુભવ પછી, ભગવદ્ગોમંડલનું કામ 11મહિનામાં પૂર્ણ કરી શકાયું! તેમના પ્રયાસોએ હવે ગુજરાતી ભાષાને ડિજિટલ દુનિયામાં વિશ્વની પ્રમુખ ભાષાઓની હરોળમાં મૂકી દીધી છે.’
‘અક્ષરની આરાધના’ નામે “ગુજરાતમિત્ર” માંહેની પોતાની સાપ્તાહિકી કટારમાં આપણા વરિષ્ટ સાહિત્યિક પત્રકાર દીપક મહેતાએ લખ્યું છે, ‘નહોતા એ સર્જક, નહોતા વિવેચક, નહોતા અધ્યાપક, અરે ! એ પત્રકાર પણ નહોતા. અને છતાં ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં લઈ જવા માટે તેમણે એ સૌ કરતાં વધુ પુરુષાર્થ કર્યો.’ બીજી પાસ, િહમાંશુભાઈએ ‘સાયબરસફર – અરાઉન્ડ ધ વેબ’માં લખ્યું છે તે મુજબ,‘જ્યારે ગુજરાતીમાં કમ્પ્યુિટંગ માટે યુનિકોડ શબ્દ તો હજી જન્મ્યો જ નહોતો, અને ગુજરાતી ઇલેક્ટ્રોનિક ટાઇપરાઇટરનું પણ અસ્તિત્વ નહોતું, છેક ત્યારે, એક વ્યક્તિએ આવનારી પેઢી માટે, જમાનાને અનુરૂપ એવી કોઈક રીતે, અત્યંત સમૃદ્ધ ગુજરાતી ભાષાના અગણિત શબ્દોને સુલભ કરી આપવાનું સ્વપ્ન જોયું. જે એણે વીસ વર્ષની મહેનત પછી પાર પાડ્યું.’ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કમ્પ્યૂટર સાથ, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતીલેક્સિકૉન’ શા સૂત્ર સાથે શબ્દકોશ, સ્પેલચેકર, ભગવદ્ગોમંડળવાળી કૉમ્પેટ્ક્ટ ડિસ્ક બહાર પડાઈ. હજારોની સંખ્યામાં તેની જગતભરમાં વહેંચણી કરવામાં આવી છે. આટલું કમ હોય તેમ, યુનિકૉડ ફોન્ટ પોતાના કમ્પ્યૂટરમાં ઊતારી લેવાની પણ સગવડ આપવામાં આવી. મધુ રાય “દિવ્ય ભાસ્કર” માંહેની ‘કળશ’ પૂર્તિમાં લખે છે તેમ, ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ, અને તે પછી ક્રમશ: સ્પેલચેકર, ભગવદ્દગોમંડળ કોશ, લોકકોશ જેવાં ભાષાકીય ઉપકરણોએ આકાર લીધો, તેની પાછળ પ્રેરકબળ હતા શ્રેષ્ઠી રતિલાલ ચંદરિયા.
‘ભગવદ્ગોમંડળ’નું કામ હાથ ધરાય ત્યાં સુધીમાં તો તાનસા, સાબરમતી અને ટૅમ્સમાં પારાવાર પાણી વહી ચૂક્યાં હતાં. વિપરીત સંજોગોમાં, ‘ગુજરાતીલેક્સિકૉન’ જૂથને અમદાવાદ જવાનું અને સ્થાયી થવાનું આવ્યું. આ ડામાડોળ દિવસોમાં રતિભાઈની ટાઢક, દૂરંદેશી તેમ જ સમજણ સરાણે હતાં. તે દરેકનો જયવારો થયો અને ધીમેધીમે ફરી એક વાર ગાડું રાંગમાં આવ્યું. આરંભથી જ આ જૂથમાં મારી સક્રિયતા રહી હતી. હજારો જોજનો દૂર હોવાને કારણે રોજ-બ-રોજની સક્રિયતા નિભાવી શકાઈ નથી. પરંતુ રતિલાલ ચંદરિયા, અશોક કરણિયા, ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ તથા મનસુખભાઈ શાહના બનેલા વડીલ સલાહકાર મંડળમાં સક્રિયપણે સામેલ રહ્યો છું.
રતિભાઈના દૂરંદેશ પરિઘમાં યૂનિકૉડ ફૉન્ટની વાત હંમેશ રહેવા પામી છે. ગુજરાતી ફૉન્ટના સર્વત્ર થતા રહેતા ઉપયોગમાં મોટે ભાગે આજે અરાજકતા જોવા પામીએ છીએ. મોટા ભાગના વપરાતા ફૉન્ટ ‘નૉન-યૂનિકૉડ’ ઘરાણાના છે. તેમાં એકરૂપતા આણવા માટે ‘ગુજરાતીલેક્સિકૉન’ હેઠળ મથવાનું થયું છે. તેને સારુ કાર્યક્રમ ઘડાયો છે, અમલબજાવણી ય થઈ છે. અને છતાં, તે કામ ત્યાંનું ત્યાં ઊભું છે ! ગુજરાતીના આપણા પ્રકાશનગૃહો, આપણા સમસામયિકોના માલિકો – સંચાલકો તેમ જ ભાષા-સાહિત્યના રખેવાળો આ યૂનિકૉડને આરેઓવારે પોતાનું કામ પાર પાડે તે જોવાનું ય એમનું સ્વપ્ન હતું. તેને પાર પાડવું જ રહ્યું. આપણે સૌ કોઈ આ ક્ષેત્રે હાથ બટાવી શકીશું ખરા કે ?!
વરસો પહેલાં, સન 2008 દરમિયાન, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ નામે એક ઇતિહાસમૂલક ગ્રંથ તૈયાર કરવાને સારુ સંશોધનકામ કરવા શિરીનબહેન તથા મકરન્દભાઈ મહેતા શી ઇતિહાસકારબેલડી વિલાયત આવેલી. આ કામ “ઓપિનિયન” વિચારપત્ર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ ‘ચંદરિયા ફાઉન્ડેશન’ના સંયુક્ત નેજા હેઠળ થઈ રહ્યું હતું. આરંભથી જ રતિભાઈએ આ કામમાં સક્રિયતા જાળવેલી અને ડગલે ને પગલે કામનો અંદાજ જાણતા અને ઉચિત સલાહસૂચન પણ કરતા રહેતા. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ થાય તેવા તેમને ભારે ઓરતા હતા. આ ઇતિહાસકાર દંપતીએ તેનો વાયદો રતિભાઈને આપ્યો છે તે હવે એમણે પરિપૂર્ણ કરવો જોઇએ, એમ લાગી રહ્યું છે.
‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ તેના ત્રીસ વરસના અસ્તિત્વ ટાંકણે, દશા અને દિશા બાબત ઝીણવટે તપાસ આદરવા, તળ ગુજરાતે, અમદાવાદમાં, જાન્યુઆરી 2009માં બે દિવસની બેઠક યોજી હતી. તેનો સઘળો ભાર રતિલાલ ચંદરિયાની નિગાહબાની હેઠળ, ‘ગુજરાતીલૅક્સિકૉન’ હેઠળ પાર પાડવામાં આવેલો. તે દ્વિ-દિવસીય બેઠક ફળીભૂત બને તેને સારુ રતિભાઈ સતત કાર્યપ્રવૃત્ત રહ્યા હતા. તે સઘળી બેઠકમાં ખુદ હાજર ને હાજર હતા.
રતિલાલ ચંદરિયા સતત પ્રગતિને પંથે રહ્યા. એમનો વિકાસ ઊર્ધ્વગામી જ રહ્યો. એમનું નામ સાંભળતો થયો તે દિવસોમાં એ વીસા ઓસવાળ સમાજમાં સેવારત હતા. સર્વોપરી સ્થાને પણ ગયા અને પારાવાર સુવાસ પાથરતા ગયા. એમણે ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જૈનોલોજી’ની રચના જ ન કરી, તેમાં છેવટ લગી ખૂંપી ગયા અને માતબર કામ અંકે કરતા ગયા. લંડનના ‘ભારતીય વિદ્યા ભવન‘ માંહેનું એમનું યોગદાન આજે ય ચમકારા મારે છે. ગુજરાતી આલમનું સંગઠન કરવામાં ય અગ્રગામી રહ્યા. ‘નેશનલ કૉન્ગ્રેસ ઑવ્ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં પણ અગ્રેસર હતા. કેટલાકોની ‘આત્મમુગ્ધતા’ સામે ટકવું સહેલું નહીં લાગ્યું હોય, અને કદાચ, ત્યાંથી રતિભાઈ ફંટાઈ ગયા હોય તેમ પણ બને. અને પછી ગુજરાતી લેક્સિકૉન ક્ષેત્રે એ તનમનધન સાથે પૂરેપૂરા છવાઈ ગયા. ગુજરાત અને ગુજરાતીઓ કલ્પી ન શકે એવું આ વામને વિરાટ કામ આપણને અને આપણી વિરાસતને આપ્યું છે. અને તેથી જ એ સર્વત્ર આદરભેર પોંખાતા રહ્યા અને રહેવાના.
અંગત જીવનમાં, રતિકાકા, અમારે મન પિતાતૂલ્ય વડીલ રહ્યા. લંડન આવ્યા હોય ત્યારે વખત કાઢીને ઘેર આવે અને ખબરઅંતર પૂછે. કુન્તલના લગ્નપ્રસંગે મુંબઈથી ખાસ હાજર રહેવા આવી પહોંચેલા ! આવા આવા અનેક નિજી પ્રસંગોને અંગત અંગત રહેવા દઈ, મિત્ર દીપક મહેતાએ “ગુજરાતમિત્ર” માંહેની, 21 ઑક્ટોબર 2013ની ‘અક્ષરની આરાધના’ નામે સાપ્તાહિકીમાં યોગ્યપણે લખ્યું છે, તેને વાગોળતાં વાગોળતાં કલમને વિરામ આપીએ :
‘આપણી સાહિત્યની સંસ્થાઓ, તેનાં સત્તાસ્થાનો પર બેઠેલાઓ, હજી ગઈ કાલ સુધી કમ્પ્યૂટર માટે સૂગ ધરાવતા હતા, આજે ય ખુલ્લા દિલે ને હાથે તેને આવકારનારા બહુ ઓછા. એટલે તેમનો સાથ-સહકાર ધારેલો તેટલો મળ્યો નહીં. ઘણા તો ભોળા ભાવે પૂછતા : પણ કમ્પ્યૂટરના સ્ક્રીન પર કાંઈ પુસ્તકો ઓછાં જ વાંચવા બેસવાનું છે કોઈ ? આવડું મોટું પી.સી. સાથે કોઈ રાખવાનું છે ? ચોપડી તો બગલ થેલામાં લઈ જવાય. આજે એ જ બગલથેલામાં એક ડિવાઈસમાં લોડ કરીને ૨૦૦ પુસ્તકો સાથે ફેરવી શકાય છે ! આ બધી શક્યતાઓ રતિભાઈએ વર્ષો પહેલાં પારખી લીધેલી. એ વખતે હજી ઇન્ટરનેટ તવંગરોની મોજશોખની વસ્તુ હતી. પણ આવતી કાલે નાનું છોકરું પણ નેટ સેવી હશે એ તેમણે જોઈ લીધું હતું. અને ૨૧મી સદીના નાગરિકો સાથે જો વાત કરવી હોય તો જમાનાઓ જૂનાં સાધનોથી નહીં, તેમનાં સાધનોથી જ કરવી જોઇએ એ વાત રતિભાઈ સમજી શક્યા હતા. તેમના જવાથી આપણને એક નિત્ય યુવાન ભાષાના ભેખધારીની ખોટ પડી છે. તેમના કામને આગળ ને આગળ ધપાવતા રહીએ એ જ તેમને સાચી અંજલી હોઈ શકે.’
પાનબીડું :
મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો,
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો −
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને,
એક મંજિલની લગન આંખે ઊતરવા દઈને,
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,
દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
— હરીન્દ્ર દવે
(હૅરો, 24 ઑક્ટોબર 2013)