અદમ ટંકારવી અને પંચમ શુકલ સંપાદિત નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોની ૧૯૯૧-૨૦૧૬ સુધીની શ્રેણીને આવરી લેતું સંપાદન એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના છે. એનું પ્રકાશન વિપુલ કલ્યાણીની સાહિત્યિક સેવાઓને બિરદાવવા માટે થયું છે, એ વધારે સંતર્પક છે.
સ્વીડીશ એકેડેમી દ્વારા અપાતું નોબેલ પારિતોષિક વિશ્વસ્તરે અદ્વિતીય અને અણમોલ ગણાય છે. નોબેલ પછી કોઈ મહોરની જરૂરત રહેતી નથી એટલે દરેક સર્જકનું એ જાગતિક-અજાગતિક સપનું બની રહે છે. છવ્વીસ પ્રકરણોમાં વિશ્વ ભરના વિજેતાઓએ પોતાની કેફિયત વર્ણવી છે અને એ સીમાચિહ્નરૂપ છે. બ્રિટન, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં એકવીસ જેટલાં સ્ત્રી-પુરુષ અનુવાદકોએ પોતાનો કસબ દર્શાવીને પુસ્તકને આસ્વાદ્ય બનાવવાની મહેનત કરી છે, જેમાં નવ લેખિકાઓ અને બાર લેખકો છે. સંપાદકીય ચીવટ અને સૂઝસમજનો ધ્યાનાકર્ષક વિનિયોગ થયો છે. અદમ ટંકારવીથી એમનાં નામ-કામનાં કારણે પરિચિત તો પંચમ શુકલ “મા પાસે શીખ્યો છું હું “ કાવ્યનાં કારણે મને પોતીકા લાગ્યા છે. વિપુલભાઈ તો ખાસ્સા નજીક લાગે, કારણ કે એકાદ અછડતી મુલાકાત છતાં એમણે મને વખતોવખત યાદ કરીને સાહિત્યક્ષેત્રે વિશાળ વર્તુળનો પરિચય કરાવ્યો છે. સૌથી વધારે યાદ રહી ગયો છે એ કાર્યક્રમ જે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલના સંદર્ભે હતો.
અહીં વિજેતાઓમાં સાત લેખિકાઓ અને ઓગણીસ લેખકો છે. વિશ્વભરના સર્જકોની કેફિયત મૂળસોતી, પારદર્શક, વિચારવંત અને સહજ અનુભૂતિની અભિવ્યક્તિ છે. આ પુસ્તક એક બેઠકે વાંચી શકાય એવું નથી, કારણ કે એક એક પ્રકરણમાંથી પસાર થઈએ એટલે જે તે સર્જક અને તેના વસવાટના દેશની વાસ્તવિક સ્થિતિમાં વાચક તરીકે સહયાત્રા માણવાનું ચૂકી શકાય એમ નથી. અભ્યાસપૂર્ણ સંપાદકીય લેખ જ ધ્યાનાકર્ષક છે, જે ચારસો છવ્વીસ પાનાનાં ફલક પર ફેલાયેલી કેફિયતોનું પ્રતિબિંબ છે. વિવિધ ભાષાના સર્જકોએ પોતાની કેફિયત માતૃભાષામાં આપી હોય તો તેનાં અંગ્રેજી અનુવાદના આધારે એનું ગુજરાતીકરણ થયું છે. પુસ્તક વાંચતા મૂળ ગુજરાતીમાં લખાયું હોય એવી છાપ પડે છે. બે સર્જક જાતે ઈનામ સ્વીકારવા હાજર રહી શક્યા નહીં, એટલે ટોમસ ટ્રાન્સ્ટ્રોમર વતી એમના જીવનસંગિની મોનિકાએ સંક્ષિપ્તમાં એમની કેફિયત આપી છે અને બીજી અભિવ્યક્તિ એલિસ મુનરોની છે તે મુલાકાતરૂપે છે.
મારા પર પડેલી પ્રથમ છાપ એ છે કે દરેક સર્જક માટે Personal is Political – यथा पिंडे तथा ब्रह्मांडे – જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં કે વૈશ્વિક છે તે ભાવના બરકરાર છે. લગભગ દરેકના લેખનનાં મૂળિયાં બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, અનુભવો પર વિસ્તરેલાં છે. આમ નકરી વાસ્તવિકતાની ભોંય પર એમની સર્જકતા વિસ્તરેલી છે. સાહિત્યનાં કોઈ ધારાધોરણોની કે માળખાગત નિયમો આધારિત સર્જનની બોલબાલા અહીં નથી દેખાઈ. પોતાના વાસ્તવિક અનુભવોની નિર્ભેળ અનુભૂતિ જ લેખનશૈલીને વિશ્વસનીય, ધારદાર, મંજાયેલી રાખે છે તે મુખ્ય સૂર સ્ફુટ થતો રહે છે. બીજી આંખે ઊડીને વળગે એવી વાત એ છે કે માણસજાત અત્ર તત્ર સર્વત્ર કોઈ પણ ભેદભાવ વગર સરખી જ છે એટલે કે એનાં વૃત્તિ-વલણમાં પ્રગટતી સારીનરસી તમામ લાગણીઓમાં કોઈ ફરક નથી. ખાસ કરીને હિંસક મનોવૃત્તિ તો સાર્વત્રિક જણાય. युद्धस्य कथा रम्या:॥ ભલે કહેવાયું હોય પરંતુ યુદ્ધ ક્યારે ય કોઈને માટે આશીર્વાદ નથી ને નથી જ તે અહીં વારંવાર દોહરાતું જણાયું છે. દુનિયાના તમામ પ્રદેશોમાં વર્ણ, વર્ગ, જાતિ, લિંગનો પ્રભાવ એકરસ કે સમરસ છે. આદિવાસીઓ, વિસ્થાપિતો, દલિતો, સ્ત્રીઓ, ગરીબોની સ્થિતિમાં કોઈ ફરક નથી.
નામોના ઉચ્ચાર કરતા ન આવડે અને અર્થ યાદ ન રહે તેવી અભિવ્યક્તિમાં પણ સરેરાશ-સામાન્ય સ્ત્રી પુરુષોનો દરજ્જો, કસોટી, વિટંબણા, પડકારો જગતભરમાં સરખા છે તે મને સમજાયું છે. ઘર-વર-છોકરાંને સાચવીને લખતી લેખિકાઓ સાર્વત્રિક છે. પોતે કેમ લખે છે, ક્યારથી લખે છે, શું અનુભવે છે, કદરદાનીની મોહતાજી વગર લખે છે ઉપરાંત બોલી કે ભાષાના ભવિષ્યથી લઈ ગરીબી, ભૂખ, અપમાન, અવગણના અને સ્થાપિત હિતો સામે સામે પૂરે તરનારી પ્રજાનો અવાજ બુલંદ કરવા મથતાં સર્જકો એક નાતના છે તે અહીં સુપેરે આલેખાયું છે. સત્તાધારીઓ કેવી રીતે તમામ સંશાધનો પર પ્રભાવક બને છે અને વખત આવે એમની ખાલ ઊતરી જાય છે અને તેમનો અહંકાર, સ્વાર્થ, સ્વકેન્દ્રિતતા, કહેવાતો રાષ્ટ્રપ્રેમ, પરિવારપ્રેમ, ઓળખની કટોકટી અને અન્ય પરિબળો મુખર થઈ સર્વનાશ વેરે છે તે સમજાતાં વાર નથી લાગતી એટલી હદે એ જગતભરમાં પોતાનો પંજો ફેલાવીને બેઠા છે. આવી નકારાત્મકતાઓ વચ્ચે પોતાની અભિવ્યક્તિ દ્વારા પોતાનો નગરખાનામાં તતૂડી જેવો અવાજ દુનિયાભરમાં સંભળાયો તેનું કારણ એમની સર્જન કે લેખિત અભિવ્યક્તિને વિવિધ ભાષાના અનુવાદકોએ પોતાના અવાજમાં તબદિલ કરી છે, વૈશ્વિક મંચ પર પોંખાવાનાં કારણે સર્જકો પોતાની વાત કેન્દ્રમાં આવી કહી શકે છે તે માટે દરેક વક્તા કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
પોતાની અભિવ્યક્તિને સાહિત્ય થકી ઉજાગર કરનારાં કંઈકેટલા સર્જકોને મોતને ઘાટ ઉતરવું પડ્યું કે જેલોમાં સબડવું પડ્યું, દેશપાર થવું પડ્યું તેની દાસ્તાન પણ સરખી છે. તાકાતવર, સંપન્ન, સત્તાધારી લોકો કેવી રીતે વર્તે છે છતાં કલમનો એક ઝટકો એમને કેટલી અસલામતી અને અનિશ્ચિતતાનો અહેસાસ કરાવે છે તે અહીં બુલંદ અવાજે કહેવાયું હોય એમ લાગે છે કારણ કે અહીં આપણે જે દુનિયામાં જીવ્યાં છીએ કે જીવી રહ્યાં છીએ તેનો પડઘો પડે છે અને દર્શન સુપેરે થાય છે કારણ કે હવે એક અવાજ અંતહિન અવાજોમાં પલટાઈ ગયો છે, પરંતુ એ કર્કશ નથી એમાં આક્રંદ, આક્રોશ, ચુપકીદીનો પ્રભાવ, નીડરતા, હિંમત, સરફરોશીની તમન્ના સમેત સઘળું વણાઈ ગયું છે. આ સર્જકોનું સર્જન કે વક્તવ્યો ફક્ત નિરાશા, દુ:ખ, હોંસાતોંશી, ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેરનું જ વમન કરે છે એવું નથી. આશા, ઉત્સાહ, આનંદ, ગૌરવ, પ્રેમની સકારાત્મકતાને પણ ઘૂંટે છે.
મને જે સત્યદર્શન થયું તે આ : અંતે તો પ્રેમ જ દુનિયાને જિવાડે છે અને જિવાડશે.
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર
સાહિત્યત્વ – સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016); સંપાદક : અદમ ટંકારવી – પંચમ શુક્લ; સંવર્ધક : કેતન રુપેરા; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી – યુનાઇટેડ કિંગ્ડમ; પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022; પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”; પૃ. 432 (30 + 402); રૂ. 675 • £ 8 • $ 10