આદરણીય રેખાબહેન,
માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી એસોસિયેશન, વેમ્બલીનું નામ પડતાં જ ચારપાંચ દાયકાનો ઇતિહાસ ગડીબંધ સામે ખડકાઈ જાય છે. અને જોતજોતામાં કેટકેટલાં અવસરો, માંધતા સમાજનાં કર્મશીલ આગેવાનો નજરે તરવા માંડે છે. આ દેશની એક ભારે અગત્યની માતબર વસાહતી સંસ્થા તરીકે તેની ઓળખ જળવાતી ગૌરવભેર અનુભવું છું. દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાંથી આવેલી આ મૂળ પ્રજાએ અહીં પણ એ જ સંસ્કૃતિ, એ જ વિચારધારાને, એ જ ઊંચાઈને અહીં વિસ્તારી જાણી છે.
હીરાભાઈ પટેલ, કેશવભાઈ જે. પટેલ, નારણભાઈ એમ. પટેલ, છીતુભાઈ પટેલ એ વેળાના સમાજના આગેવાનો અને અકાદમીના હામી સાથીસહોદરો. તેમાં ચન્દ્રકળાબહેન પટેલ, ચંપાબહેન પટેલ, કુસુમબહેન પટેલ તેમ જ અનેકોએ આજ લગી અમર્યાદ યોગદાન દીધાં જ કર્યું છે. અકાદમીનું માન્ધતા જોડે સહયોગનું જીવન ઘડાતું ગયું તેમ ગોવિંદભાઈ પટેલ સરીખાએ તેમ જ અન્યજનોએ પણ આપણી આ પોઠને આગળ ધપાવ્યા જ કરી.
માન્ધાતા સમાજની ગુજરાતી શાળાએ આરંભથી અકાદમીના ભાષાશિક્ષણ પ્રકલ્પમાં સામેલ થવાનું જોયું. શિક્ષકોને તાલીમબદ્ધ કરવા તાલીમશિબિરોમાં ય જોડાવાનું રાખ્યું. પાઠ્યક્રમથી માંડી પરીક્ષાઓ સુધી એકરૂપ થવાની સક્રિયતા સાંચવી જાણી.
બાકી હોય, તેમ અકાદમીને સારુ માન્ધાતા સમાજનો હૉલ પણ વિનામૂલ્યે વપરાશ માટે ખૂલો મૂક્યો. આ સમૂળો ઓશિંગણભાવ શેં ભુલાય ?
માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી એસોસિયેશન, વેમ્બલીની સુવર્ણજયંતીએ તેથીતો અમે ય હરખભેર પોરસાઈએ છીએ અને તમને સહ્રદય વધાવીએ છીએ.
− વિપુલ કલ્યાણી
29 માર્ચ 2022