ડો. નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ (6 માર્ચ 2021)

યુનાઈટેડ કિંગડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત ઝૂમ એપ દ્વારા અવકાશી મિલન મેળો ..

આનંદ આશ્રમ, ઘોઘાવદર નિવાસી સંતસાહિત્યના મરમી ને અભ્યાસી
ડો.નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ

માંડણી, પરિચય અને સમાપન –
જામજોધપુર સ્થિત અધ્યાપક અને સંતસાહિત્યના મરમી તેમ જ લેખક ડો. મનોજભાઈ રાવલ
તારીખ – સમય – શનિવાર, ૦૬ માર્ચ ર૦ર૧.
ભારતના સમયે સાંજના ૭-૩૦, લંડનમાં બપોરના ર-૦૦

મનોજ રાવલ

ડૉ. મનોજકુમાર ભાનુશંકર રાવલ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, સંશોધક, વિવેચક, અવલોકનકાર, વિદ્યા ઉપાસક, લોકવિદ્યામરમી, અભ્યાસી છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, સંશોધન અભ્યાસના ફળસ્વરૂપે ‘લોકવાણી – વસ્તુ અને વિચાર’ તથા ‘સંતવાણી – વસ્તુ અને વિચાર’ જેવાં પારિતોષિક પ્રાપ્ત પુસ્તકો પ્રકાશિત થયાં છે.

બારાડી વિસ્તારના ગાગા ગામે તા. રર-૧૧-૧૯પ૧ના રોજ જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ જામનગર જિલ્લાના વિવિધ ગામડાંઓ તથા ઊનામાં, માધ્યમિક શિક્ષણ જામજોધપુરમાં, સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ઉપલેટામાં અને ગ્રંથાલય વિજ્ઞાન અને પીએચ.ડી. કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે પૂર્ણ કયો. વતન જામજોધપુરમાં જ તેર વરસ સુધી કોલેજના ગ્રંથપાલ તરીકે ફરજ બજાવી. પચીસ વરસ ઉપલેટાની પટેલ મહિલા કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે. ‘ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓ’ વિષયે ડો. હસમુખ દોશીના માર્ગદર્શનમાં ઈ.સ. ૧૯૮૧-૮ર માં તૈયાર કરેલો મહાનિબંધ નવલકથાના અભ્યાસ સંશોધન ક્ષેત્રે અનન્ય ગણાયો છે. ગુજરાતી વિષયના પીએચ.ડી. માર્ગદર્શક – પરીક્ષક – રેફરી તરીકે પણ સેવાઓ આપી. લોકવિદ્યા તથા સાહિત્ય ક્ષેત્રની વિશ્વની યુનિવર્સિટીઓ ગ્રંથાલયો અને સંસ્થાઓ સાથેનો જીવંત સંપર્ક, લોકવિદ્યાના અન્ય સંશોધકોથી એમને જુદા પાડે છે. ‘સમીપે’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કવિલોક’, ‘લોકગુર્જરી, ‘શબ્દસૃષ્ટિ’, ‘શબ્દસર’, મુદ્રાંકન’ … જેવાં વિવિધ સાહિત્ય સામયિકોમાં અભ્યાસલેખો પ્રકાશિત થતા રહ્યા છે. ‘અભીદ્રષ્ટિ’ નામના ઉચ્ચ શિક્ષણના સામયિક સાથે વર્ષોથી જોડાયેલા છે.

પહેલાં પ્રગતિશીલ અભિગમવાળા ભારતીય અને વિશ્વસાહિત્યમાં વિશેષ રુચિ. મિત્ર નિરંજન રાજ્યગુરુ દ્વારા ૧૯૮૮માં મરમી સાધક કવિ મકરન્દ દવેનો પરિચય થયો અને દિશા બદલાઈ. ડો. હસુ યાજ્ઞિકે પ્રોત્સાહન આપી મેઘાણી કેન્દ્ર, અમદાવાદ મારફત ‘ભુવા પરંપરા’ ઉપર ક્ષેત્રકાર્ય – સંશોધન – લેખન કરાવ્યું. સંતસાહિત્યમાં ઊંડો રસ હોઈ આ ક્ષેત્રના લાભશંકર પુરોહિત, નરોત્તમ પલાણ, બળવંત જાની જેવા ગુણીજનો પાસેથી શીખવાનું બનતું રહ્યું. નિરંજન અને નાથાલાલ ગોહિલ આવાં સંશોધનકાર્યોમાં નિમિત્ત શોધીને જોતરતા રહે. એ બહાને સાહિત્યની તથા શિક્ષણની અનેક સંસ્થાઓ માટે નૈમિત્તિક અભ્યાસલેખો – વ્યાખ્યાનો જેવાં કાર્યો થતાં રહ્યાં.

સમાજ સેવા અને સાંસ્કૃતિક સાહિત્યિક ક્ષેત્રે પ્રદાન : –

૧. ગુજરાત તથા ભારતભરની અનેક સંસ્થાઓમાં તથા પ્રાથમિકથી શરૂ કરીને મહાવિદ્યાલયો વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચનો .. સાહિત્યિક પરિસંવાદોમાં વક્તા, ચર્ચક, સંચાલક તરીકે હાજરી.

ર. નિરંજન રાજ્યગુરુ સ્થાપિત સત્ નિર્વાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, આનંદ આશ્રમ, ઘોઘાવદર સંતસાહિત્ય સંદર્ભ ગ્રંથાલય – સંસ્થાના પ્રમુખ, અને ડો. નાથાલાલ ગોહિલ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ દ્વારા ભારતીય સંતસાહિત્ય, લોકસાહિત્ય, લોકસંગીત તથા ભક્તિસંગીતના ક્ષેત્રે સંશોધન – સંપાદન – પ્રકાશન, જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણસહાય, ગરીબ દરદીઓને આરોગ્યસહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

૩ રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, ધાર્મિક સંસ્થાઓ સાથે અનુસંધાન.

* * *

 

લોકવિદ્યાવિદ્, સંશોધક, ભજનિક – ડૉ. નિરંજન રાજ્યગુરુ

આલેખ – ડો. મનોજ રાવલ, જામજોધપુર

 

સમગ્ર સમાજને અને રાષ્ટ્રને ગુજરાત પ્રદેશનાં ભાષા સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંત સાહિત્ય, સંત પરંપરાઓ, તેનાં સાધના સિદ્ધાંતો, સંત સ્થાનકો, લોકકલાઓ, લોકસંગીત, ભક્તિ સંગીત તથા સમગ્ર લોક જીવનનો પરિચય કરાવવાનો ભેખ લઈને રાજકોટ જિલ્લામાં, ગોંડલથી સાત કિલોમીટર દૂર આવેલા ઘોઘાવદર ગામે ‘સત્ નિર્વાણ ફાઉન્ડેશન, આનંદ આશ્રમ, ઘોઘાવદર’ નામની સંસ્થા સ્થાપીને બેઠેલા ડૉ. નિરંજન રાજ્યગુરુ શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેન, ઝવેરચંદ મેઘાણી તથા મકરન્દ દવેની પરંપરાના સંશોધક અભ્યાસી છે.

ડૉ. નિરંજન રાજ્યગુરુનો જન્મ તા.ર૪-૧ર-૧૯પ૪ના રોજ માગશર વદી ૧૪, શુક્રવાર વિ.સં. ર૦૧૧, રાત્રે ૯ કલાકે જૂનાગઢ જિલ્લાના બિલખા પાસેના ‘મંડલીકપુર’ ગામે, મોસાળમાં માતા વિજ્યાબહેનની કૂખે થયો હતો. નાના મોહનલાલ આત્મારામ વ્યાસ શિક્ષક હતા તો નિરંજનભાઈના પિતા વલ્લભભાઈ રાજ્યગુરુ પણ ઘોઘાવદર તાલુકા ગોંડલ, જિલ્લા રાજકોટની પ્રાથમિક શાળામાં આચાર્ય હતા. ર૮,૦૦૦ દોહરાઓ અને ૭,૦૦૦ જેટલાં કાવ્યો ભજનોના સર્જક તેમ જ આંતર બાહ્ય રીતે સાધુ એવા આજીવન શિક્ષક પિતા પાસેથી નિરંજનભાઈને લોકસાહિત્ય અને સંતસાહિત્યના ભાથા ઉપરાંત સાહિત્ય, સંગીત અને કલાનો વારસો ગળથૂથીમાં મળ્યો.

મરમી કવિશ્રી મકરન્દ દવેના પરમ મિત્ર એવા પિતાના આવા વ્યક્તિત્વથી અનુસંધિત થઈને ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, મનુભાઈ ત્રિવેદી ‘સરોદ-ગાફિલ’, અમૃત ‘ઘાયલ’, પ્રજારામ રાવળ, જયમલ્લ પરમાર જેવા અનેક સર્જકો ઘોઘાવદર આવતા. ઘોઘાવદર આ સાહિત્યકારો માટે, એ રીતે પણ આકર્ષણનું કેન્દ્ર હતું કે આ ગામ તે રવિભાણ સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત કવિ ‘દાસી જીવણ’નું જન્મ અને સમાધિ સ્થળ.

આ સ્થાન પર બાળક નિરંજને એ મહાનુભાવો સમક્ષ અનેક વાર ભજનો ગાયેલાં. આમ બાળપણથી જ જાણે નિરંજનભાઈના જીવનની દિશા નિશ્ચિત થઈ ચૂકી હતી. પ્રાથમિક શિક્ષણ ઘોઘાવદરમાં, માધ્યમિક અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ગોંડલમાં મરમી કવિશ્રી મકરન્દ દવેને ત્યાં રહીને, તથા અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રહીને પૂર્ણ કયો. ભજનિક સંત કવિ દાસી જીવણના જીવન અને કવન વિષયે ડો. નાગજીભાઈ ભટૃીના માર્ગદર્શનમાં ઈ.સ. ૧૯૮રમાં તૈયાર કરેલ મહાનિબંધ ભજનસાહિત્યના સંશોધન ક્ષેત્રે અનન્ય ગણાયો છે. મહામહોપાધ્યાય કે.કા. શાસ્ત્રી, ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રો. જયંત કોઠારી, પ્રો. જશવંત શેખડીવાળા, પ્રો. શિવલાલ જેસલપુરા, પ્રો. રમણલાલ જોશી, પ્રો. ચિમનલાલ ત્રિવેદી, પ્રો. ચિનુભાઈ નાયક, મેઘનાદ ભટૃ, આચાર્ય નરોત્તમ પલાણ, ડો. હસુ યાજ્ઞિક જેવા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓએ નિરંજન રાજ્યગુરુ દ્વારા આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનકાર્યને વારંવાર બિરદાવ્યું છે.

ઈ.સ.૧૯૮૪માં કેશોદની કોલેજમાં તેમની અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. એક વર્ષ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં સંશોધક સહાયક તરીકે જોડાયા. આ સંશોધન નિમિત્તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને સર્જક કવિઓ વિશે ઊંડાણથી વાંચવા વિચારવાનું બન્યું, તથા દેશના જુદા જુદા પુસ્તકાલયો, હસ્તપ્રત ભંડારો, અને વિવિધ ક્ષેત્રોના વિદ્વાનોનો નિકટથી સંપર્ક થયો. જેનાથી સંશોધક તરીકેનું તેમનું વ્યક્તિત્વ ઘડાતું ગયું. આ સમયગાળામાં વિવિધ સાહિત્ય સામયિકોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય, લોકવિદ્યા, લોકકલાઓ, લોકસંગીત, ભક્તિસંગીત વિષયે સંશોધનલેખો પ્રકાશિત થતા રહ્યા. અનેક યુનિવર્સિટી કક્ષાના, રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદોમાં સંશોધન વ્યાખ્યાનો અપાયાં. એ પછીના સમયમાં તેમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં અધ્યાપક તરીકે પસંદગી થઈ. ઈ.સ.૧૯૮૮થી ૧૯૯૦નાં બે વર્ષો દરમ્યાન ગુજરાતી ભાષા સાહિત્ય તથા લોકસાહિત્ય વિષયના અનુસ્નાતક શિક્ષક તરીકે ફરજ બજાવી, અનેક એમ.ફિલ., પીએચ.ડી.ના સંશોધક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. અને ‘ભજનમીમાંસા’ સહિત ત્રણેક પુસ્તકો પ્રકાશિત કર્યા. પણ યુનિવર્સિટીના છીછરા રાજકારણમાં નિરંજનભાઈ પોતાના સ્વમાનશીલ વ્યક્તિત્વને ફીટ કરી શકે તેમ નહોતા. એ દરમ્યાન ગુજરાત સાહિત્ય અકાદમીની સંશોધન ફેલોશીપ મળી. એ અન્વયે ‘બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના’ જેવું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પુસ્તક પ્રકાશિત થયું, યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ના પરીક્ષક – રેફરી બનાવાયા પણ આજીવન નોકરી નહીં કરવાનો અને પિતાજીના મામૂલી પેન્શન તથા પોતાના રેડિયો, ટી.વી.ના કલાકાર તરીકેના કંગાળ પુરસ્કારના સહારે જીવતર વ્યતીત કરવાનો તેમણે નિર્ણય લઈ લીધો.

આજ સમયગાળામાં તેમનાં લગ્ન અને બાળકોની જવાબદારી પણ આવી પડી. જીવનના આ કપરા કસોટી કાળમાં કોઈપણ પ્રકારના ખચકાટ અનુભવ્યા વિના એમનું સંશોધનકાર્ય અવિરતપણે ચાલતું રહ્યું. ફક્ત સામયિકોમાં જ નહીં, રેડિયો ટેલિવિઝન તથા અખબારી કોલમ લેખન ઉપરાંત લેખમાળાઓ અને વિજાણુ માધ્યમો દ્વારા સક્રિયતા દાખવી ભારતીય જીવનમૂલ્યોને ઉજાગર કરતા રહ્યા, પરિણામ સ્વરૂપે તેમના પ્રદાનની ભારતીય અને ગુજરાત કક્ષાએ નોંધ લેવાતી રહી.

ઈ.સ.૧૯૯૦માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાંથી અધ્યાપક પદેથી છૂટા થયા બાદ નિરંજનભાઈએ સંશોધનાથે રાષ્ટ્રીય કક્ષાની, પીએચ.ડી. પદવી મળ્યા પછીના વિશિષ્ટ પ્રકારનાં સંશોધન કાર્ય માટે અપાતી ડૉ. હોમી ભાભા રાષ્ટ્રીય ફેલોશીપ માટે અરજી કરી. સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં સર્વ પ્રથમવાર આ ફેલોશીપ મંજૂર થતાં, ઈ.સ.૧૯૯૩થી ૧૯૯પ દરમિયાન સૌરાષ્ટ્રના ગામડાંઓમાં મોટર સાઈકલ દ્વારા સિત્તેર હજાર કિલોમીટરની મુસાફરી કરી, સાઠ વર્ષની ઉંમરના જૂની પેઢીના, ભજનિક – લોકગાયકોની રૂબરૂ મુલાકાત લઈ, લોક કંઠે વહેતા આવતા પાંચેક હજાર ભજનો, લોકગીતો, લોકવાર્તાઓનું સાતસો કલાકનું ધ્વનિમુદ્રણ કર્યું. વિસરાતી જતી આ બહુમૂલી સંપદાનું, તેના મૂળ ઢાળમાં જીવંત વાણી રૂપે, સમયસર થયેલું ધ્વનિમુદ્રણ નિરંજનભાઈનું સંશોધન ક્ષેત્રનું ચિરંજીવ પ્રદાન છે.

નિરંજનભાઈનું આજ પ્રકારનું અતિ મહત્ત્વનું સંશોધન કાર્ય છે. ‘બીજ મારગી ગુપ્તપાટ ઉપાસના’ ગ્રંથ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી ઈ.સ. ૧૯૯રમાં મળેલી સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર કરેલો અને અકાદમીએ પ્રકાશિત કરેલો આ સંશોધન ગ્રંથ ગુપ્ત એવા લોક ધર્મોની અંધારી કેડીઓ અજવાળે છે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ‘ધૂનાધરમ’ કે ‘મહાધરમ’ તરીકે વર્તમાન પંથ પરંપરાની અનેક શાખાઓમાં થતી પાટ ઉપાસના, તેનાં વિધિ વિધાનો, ક્રિયાકાંડો, તેના મંત્રો, તેનું સાહિત્ય આજ સુધી અત્યંત ગુપ્ત હતું. આ પરંપરાના ઉપાસકો, સંવાહકો અને અનુયાયીઓમાં એટલી જડ પ્રતિબધ્ધતા કે મરી જાય પણ મુખ ન ખોલે. આ પરિસ્થિતિમાં આ સાહિત્યને ધ્વનિમુદ્રિત અને લિપિબધ્ધ કરવા નિરંજનભાઈએ સાચે જ ભેખ ધારણ કર્યો. સંશોધન ખાતર આ પરંપરાના અનુયાયીના અંતરતમ સુધી પહોંચીને આજ સુધી જે અત્યંત ગુપ્ત હતું તેને આ પંથના કેટલાક અનુયાયીઓના આક્રોશનો ભોગ બનીને પણ ઉજાગર કર્યું. સંશોધનાર્થે તેમણે કરેલો આ પુરૂષાર્થ, સંશોધનની દિશામાં કામ કરનારા નવી પેઢીના સંશોધકો માટે પથપ્રદર્શકની ગરજ સારે તેવો છે. ત્રેવીસ વરસે આ પુસ્તક સંશોધિત-સંવર્ધિત-સચિત્ર આવૃત્તિ રૂપે તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા નિર્મિત ‘ગુજરાતી સાહિત્ય કોશ’ના કાર્યમાં જોડાઈ, મધ્યકાલીન સંતોના જીવનની શક્ય તેટલી તથ્યપરક વિગતો સંશોધિત કરી, ઇતિહાસમાં નહીં નોંધાયેલા સંત-કવિઓના જીવનનો આલેખ આપ્યો. તો ભો.જે. સંશોધન અધ્યયન ભવન, અમદાવાદની ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અન્વયે શ્રી કે.કા. શાસ્ત્રીની અધ્યક્ષતામાં અપાયેલાં વ્યાખ્યાન ‘સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય’ નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયાં. જેમાં તેમણે સૌરાષ્ટ્રની સંત પરંપરાઓ, સાધનાધારા અને સિદ્ધાંતો તેમ જ સૌરાષ્ટ્રના ૩પ૬ જેટલા સંત ભક્ત કવિઓનો સંક્ષીપ્ત પરિચય આપ્યો. આ ઉપરાંત સતની સરવાણી, ‘દુધઈ વડવાળા ધામના દેવીસંતો’, ‘સંતવાણીનું સત્વ અનેસૌન્દર્ય’, ‘સંધ્યા સુમિરન’, ‘આનંદનું ઝરણું’, ‘રંગ શરદની રાતડી’, ‘કૃષ્ણગાન’, ‘મૂળદાસજીનાં કાવ્યો’, ‘પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ કાવ્યો’, ‘મરમ જાણે મકરન્દા’, ‘મરમી શબદનો મેળો’, ‘ગુજરાતનો સમૃદ્ધ વાંગ્મય વારસો’, ‘મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા સંચય’, ‘સ્વાતિનાં સરવડાં’, ‘આનંદ પારાવાર’, ‘પરાપારની ભજનવાણી’, ‘અવસર બોત ભલેરો આયો’ જેવાં દ્રષ્ટિપૂત સંપાદનો અને સંશોધન ગ્રંથો ડૉ. નિરંજન રાજ્યગુરુ દ્વારા ગુજરાતને પ્રાપ્ત થયા છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ પ્રકાશક ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને ‘ગુજરાતી વિશ્વકોશ’માં પણ સંતસાહિત્ય – મધ્યકાલીન સાહિત્ય વિષયક કેટલાંક અધિકરણો તેમના દ્વારા લખાયાં છે.

નિરંજનભાઈએ રઝળપાટ કરીને એકત્રિત કરેલી અત્યંત મૂલ્યવાન ઢગલાબંધ સામગ્રીના પ્રમાણમાં તેમના દ્વારા પ્રાપ્ત થયેલાં પુસ્તકોની સંખ્યા હર કોઈને અલ્પ લાગે. તેમનો દાસી જીવણના જીવન-કવન વિષયનો પીએચ.ડી.નો મહાનિબંધ તેમ જ ફાર્બસ ત્રૈમાસિક, શબ્દસૃષ્ટિ, પરબ, બુદ્ધિપ્રકાશ વગેરે સામયિકોમાં પ્રકાશિત થયેલા તેમના પ૦૦ જેટલાં સંશોધન લેખો, પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થવાની રાહ જોઈને બેઠા છે. તેઓએ ‘ મેના ગુર્જરી’ નવસંસ્કરણ નાટકના નાટય લેખન દ્વારા નાટક બુડેટ્રીનું પ્રથમ પારિતોષિક મેળવેલ તો જીવનમાં અરધી સદી પસાર કર્યા પછી પ્રગટતી કાવ્યધારાનો સંગ્રહ ‘ખૂલ્યાં અવકાશી તાળાં’ આપ્યો.

નિરંજન રાજ્યગુરુનો નાળસંબંધ ખાસ કરીને સંતસાધના અને સંતવાણી સાથે રહ્યો છે. શ્રી ઝવેરચંદ મેઘાણી પછી સૌરાષ્ટ્ર પ્રદેશમાં ક્ષેત્રકાર્ય દ્વારા સંતસાહિત્ય તથા લોકવિદ્યાનું સંશોધન કરનાર પ્રથમ પંક્તિના સંશોધક છે. નિરંજનની વિશિષ્ટતા એ છે કે તેઓ સૌરાષ્ટ્રમાં લોકકંઠે સચવાયેલા લોકસંગીત તથા ભક્તિસંગીતના તમામ રાગ-લોકઢાળોનો પરિચય ધરાવવા ઉપરાંત બુલંદ કંઠે ગાઈ શકે છે. એકનું એક ભજન, લોકગીત કે છંદ ગુજરાતના વિધવિધ પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિ પરંપરાઓમાં કેમ ગવાય છે તેની સગાન રજૂઆત પણ કરી શકે છે.

લોકવિદ્યા ક્ષેત્રની વિશ્વની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથેનો જીવંત સંપર્ક, લોકવિદ્યા સંશોધનની આધુનિક સંશોધન પ્રવિધિઓની જાણકારી, શિસ્ત, મધ્યકાલીન હસ્તપ્રતોની પ્રાચીન લિપિની વાચનાની તાલીમ ઉપરાંત કુદરતી રીતે જ ગાયન પ્રસ્તુતિ માટે કેળવાયેલો કંઠ અને સંગીતની સૂઝ એમાં ભળતાં એક એવું વ્યક્તિત્વ ઘડાયું છે કે લોકવિદ્યાના અન્ય સંશોધકોથી એમને જુદા પાડે છે. ગુજરાત પ્રદેશના લોકસાહિત્ય, સંતસાહિત્ય અને ચારણી-બારોટી-ડિંગળી-સાહિત્યનાં વિવિધ અંગો જેવાં કે – રાસ, રાસડા, ગરબા, ગરબી, કથાગીતો, ગીતકથાઓ, વિવાહગીતો, પદ, ભજન, કીર્તન, ધોળ, સાખી, ભવાઈગીતો, દુહા, છંદ, કવિત, લોકવારતાની વિવિધ શૈલી તથા કહેણી ઉપરાંત ભારતના અન્ય પ્રાંતોના લોકસાહિત્ય, સંતસાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીતની વિધવિધ ધારાઓના પરિચય તથા અભ્યાસના કારણે આકાશવાણી, દૂરદર્શન અને વિવિધ ચેનલોમાં ઊંચા ગજાના તજ્જ્ઞ વિદ્વાન કલાકાર તરીકે જીવંત પ્રસારણોમાં લાઈવ કોમેન્ટ્રી, સંચાલન, લેખન, પ્રસ્તુતિ, માર્ગદર્શન, રજૂઆત, ગાન, વક્તવ્ય, મુલાકાત એમ અનેકવિધ ભૂમિકાએ છેલ્લા ચાળીશ વર્ષોથી એક લોકવિદ્યાવિદ્ તરીકે સ્થાન અને માનના અધિકારી બનતા રહ્યા છે.

સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય સાહિત્ય અકાદમીના સભ્ય સલાહકાર તરીકે કામ કર્યું, ગુજરાતી સાહિત્ય પરિષદમાં ત્રણ ટર્મ સુધી મધ્યસ્થ સમિતિમાં રહીને કામ કર્યું તે અંતર્ગત અનેક શાળા-મહાશાળા-વિશ્વવિદ્યાલયો, સાંસ્કૃતિક અને કલાસંસ્થાનોમાં પરિસંવાદ, કાર્ય શાળા નિમત્તે પ્રવચનો, ગોષ્ઠિથી લઈ દેશી, ઢાળ, રાગ, તાલ, લયની સમજણ પ્રસ્તુત કરી. જેમાં સૈદ્ધાંતિક અને સર્જનાત્મક વલણો સામેલ છે. જો કે વિવિધ સાહિત્યિક ઉપક્રમ હોવા છતાં તેમની કેન્દ્રગામી એકાગ્રતા ‘ભજન-સંતવાણી’ તરફની. આ ભજન ફક્ત એમની સાહિત્યયાત્રાનો મુકામ નહીં, વનયાત્રાનો પણ પડાવ. પરિણામે ગુજરાતની ધર્મધારાના વાહકોના આશીર્વાદ પામતા રહ્યા.

શૈવ, શાક્ત, વૈષ્ણવ, સૂફી, નાથ, પ્રણામી, કબીર, જૈન, સ્વામિનારાયણ, દેહાણ્ય જગ્યાઓ, પ્રાચીન – અર્વાચીન ધર્મસંસ્થાઓ જેવાં સંતસ્થાનો તેમને આવકારતા રહ્યા તેના કારણમાં નિરંજનભાઈની ભારતીય જીવનમૂલ્યોને આત્મસાત કરતી જીવન પદ્ધતિ. આ તમામ પ્રવૃત્તિમાં વ્યવસાય નહીં પણ નિષ્ઠા અને પ્રેમાળ અભિગમથી વર્તવા ઉપરાંત તેમના અન્ય ત્રણ ચાર પ્રદાન નોંધવા જેવાં છે. પ્રથમ સંપ્રદાયમુક્ત રીતે ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમી ગૌસેવા. પ્રારંભમાં તો દુષ્કાળથી પીડિત નધણિયાતી ભટકતી મળેલી બે ગાયોથી આરંભાયેલી તેમની આ પ્રવૃત્તિ આજે સાઠ ગાયોની એક વ્યવસ્થિત ગોસંવર્ધન ગૌશાળામાં પરિવર્તન પામેલ છે, અને ગોદ્રવ્યનો લાભ આસપાસના જરૂરિયાતમંદો પ્રાપ્ત કરે છે. મનુષ્ય ઉપરાંત પશુ પ્રાણીના કલ્યાણની ભાવના ચરિતાર્થ કરવા જીવનપક્ષ આરંભ્યો, જે માટે નગર જીવન કે ગ્રામ જીવન ત્યજતા હોય અને સ્વેચ્છાએ અરણ્ય જીવન સ્વીકારતા હોય તેમ ગામથી દૂર ‘આનંદ આશ્રમ’ને રહેઠાણ બનાવી પોતાના કવન અને જીવનને આકાર આપતા રહ્યા. સામાજિક વનીકરણના ભાગરૂપ પર્યાવરણની ખેવના એ પરિવેશમાં પ્રગટ કરી મૈત્રી, પ્રેમ, કરુણા, મુદિતા એ ચાર આર્ય સત્ય આત્મસાત કરી સિદ્ધ તરીકે નહીં પણ જીવન સાધક તરીકે મૂલ્યબોધના સ્થાપનમાં રસ લેવા લાગ્યા.

સંતસાહિત્યના ભેખધારી સંશોધક, સંપાદક અને વાહક એવા ડૉ. નિરંજન રાજ્યગુરુએ મકરન્દભાઈના આદેશથી ઈ.સ. ૧૯૯૦માં ઘોઘાવદર મુકામે ‘આનંદ આશ્રમ’માં રહેવાનું પસંદ કરી ‘સત્ નિર્વાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ નામની સંસ્થા સ્થાપી. જેમાં તેમની સંશોધન યાત્રા દરમ્યાન ખરીદેલાં અઢારેક હજાર જેટલાં પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, અલભ્ય હસ્તપ્રતોના ભંડાર અને ધ્વનિમુદ્રિત ઓડિયો વીડિયો કેસેટસની જાળવણી સાથે લોકસાહિત્ય, સંતસાહિત્ય, લોકસંગીત, ભક્તિ સંગીત, લોકકલા વગેરેના દેશવિદેશના અભ્યાસુઓને સંદર્ભ સામગ્રી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત આમ સમાજના શિક્ષકો એવા લોકકલાકારોના ઘડતરનું કામ પણ આ સંસ્થા કરે છે. સંતવાણીને અસ્તિત્વનો હિસ્સો બનાવી દેનારા આ સંશોધકને પોતાના અંગત જીવનની અનિશ્ચિતતાની ચિંતા નથી, પરંતુ પોતે સંશોધિત કરેલા સૌરાષ્ટ્ર ગુજરાતની સંતવાણી તથા લોકવાણીના ભવ્ય વારસાને સુરક્ષિત રાખવાની ચિંતા કરી રહ્યા છે. એમની નિષ્ફિકર જીવનયાત્રામાં આદરણીયા રક્ષાબહેન તથા ચિ. હરિ ઓમ, ભાર્ગવ, પુત્રવધૂ રિદ્ધિ અને પૌત્રી દેવાંશીનો ફાળો નાનોસૂનો નથી.

ઈ.સ.૧૯૮૦થી ગુજરાત પ્રદેશના પરંપરિત લોકસંગીત તથા ભક્તિસંગીતના તજ્જ્ઞ વિદ્વાન સંશોધક કલાકાર તરીકે આકાશવાણીની બી હાઈ ગ્રેડની માન્યતા મેળવી લોકગીતો, ભજનો તથા દુહા છંદના કલાકાર તરીકે તથા પ્રસાર ભારતી આકાશવાણીના જાહેર કાર્યક્રમોમાં વક્તા અને કાર્યક્રમ સંચાલક તરીકે સેવાઓ આપતા નિરંજનભાઈ છેલ્લાં ચાળીસેક વરસોથી આકાશવાણીના લોકસંગીતના કલાકાર તરીકે દૂરદર્શનના ગુજરાતી લોકસંગીત તથા ભક્તિસંગીતના અનેક કાર્યક્રમોની વ્યક્તિગત રજૂઆત, કાર્યક્રમ સંચાલન, મુલાકાત, જીવંત પ્રસારણોમાં વક્તા તરીકે લાઈવ કોમેન્ટ્રી આપે છે. આકાશવાણી રાજકોટના સંગીત વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ‘રામસાગરના રણકારે’ નામની પરંપરિત સંતવાણીને રજૂ કરતી ૩પ૦થી વધુ કાર્યક્રમ ધરાવતી શ્રેણીમાં તજ્જ્ઞ માર્ગદર્શક તરીકે તમામ એપિસોડના લેખન, ધ્વનિમુદ્રણ અને રજૂઆતમાં માર્ગદર્શન આપેલું, દૂરદર્શન અમદાવાદ તથા રાજકોટના કેન્દ્રો પરથી પૂરા અઢાર વર્ષ સુધી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ દ્વારકાનો આંખે દેખ્યો અહેવાલ – લાઈવ કોમેન્ટ્રી આપનારા નિરંજનભાઈએ અનેક ડાયરાઓના સંચાલક તરીકે પણ સેવાઓ આપી છે. ભારતના અન્ય પ્રાંતોના લોકસાહિત્ય, સંતસાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીતની વિધવિધ ધારાઓના પરિચય તથા અભ્યાસના કારણે આકાશવાણી, દૂરદર્શન અને વિવિધ ચેનલોમાં ઊંચા ગજાના તજ્જ્ઞ વિદ્વાન કલાકાર તરીકે અનેકવિધ ભૂમિકાએ છેલ્લાં ચાળીશ વર્ષથી એક લોકવિદ્યાવિદ્ તરીકે સ્થાન અને માનના અધિકારી બનતા રહ્યા છે. ‘મુંબઈ સમાચાર’માં દર સોમવારે ધર્મતેજ પૂર્તિમાં ‘અલખને ઓટલે’ કોલમમાં સંતપરંપરાઓ વિશે અને ‘ફૂલછાબ’ માં દર ગુરુવારે ધર્મલોક પૂર્તિમાં ‘ભજન ભેદ હે ન્યારા’ નામે કોલમમાં સંતવાણી-ભજનરચનાઓ વિશેના લેખો પ્રકાશિત થાય છે.

૧. બળવંતભાઈ પારેખ ફાઉન્ડેશન મુંબઈ ફેલોશીપ ર.ગુજરાત સાહિત્ય અકાદમી ફેલોશીપ ૩. ડૉ. હોમી ભાભા ફેલોશીપ, મુંબઈ ઈ.સ.૧૯૯૩થી ૧૯૯પ રાષ્ટ્રીય કક્ષાની, માત્ર પીએચ.ડી. પદવી પ્રાપ્ત સંશોધકોને જ મળતી આ ફેલોશિપ ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં પ્રથમવાર એમને મળેલી. આ સંશોધન ફેલોશિપ અન્વયે ત્રણ વર્ષ દરમ્યાન સિત્તેર હજાર કિલોમિટરનો મોટરસાઈકલ પર પ્રવાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં ગામડાંઓમાં ફરીને ૬૦ વર્ષથી મોટી ઉંમરના દેશી ભજનિકો પાસે કંઠસ્થ પરંપરામાં જળવાયેલાં સંતસાહિત્ય લોકસાહિત્ય ભજનોનું આશરે ૬૦૦ કલાકનું ધ્વનિમુદ્રણ કરેલું. જે સામગ્રી આજે દેશ વિદેશના સંશોધકો માટે અણમોલ ખજાનારૂપ છે. ૪. દાસી જીવણ એવોર્ડ પ. મોરારિ બાપુ પ્રેરિત કવિશ્રી કાગ બાપુ લોકસાહિત્ય એવોર્ડ ૬. શિવમ એવોર્ડ ૭. ફૂલછાબ કલા સાહિત્ય એવોર્ડ ૮. ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર ૯. ૬ર ગૌરવવંતા ગુજરાતી ચિત્રલેખા ૧૦. ગ્રામરત્ન એવોર્ડ ૧૧. વિરલ વ્યક્તિસન્માન, જળક્રાન્તિ ટ્રસ્ટ રાજકોટ ૧ર. મોજદાનબાપુ લોકસાહિત્ય એવોર્ડ ૧૩. પૂ. દયાળુશ્રી બાબુભાઈ રાણપુરા એવોર્ડ ૧૪. મુઠ્ઠી ઊંચેરા ૧૦૦ માનવ રત્નો ૧પ. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ (એક લાખની ધનરાશિ સાથે સૌરાષ્ટૃ યુનિવર્સિટી, રાજકોટ દ્વારા.) ૧૬. ગુજરાતના ગવર્નરશ્રીના હસ્તે સંસ્કારભારતી ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ ૧૭. ગુજરાત વિશ્વકોશ દ્વારા ‘પદ્મ ભૂષણ ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ ૧૮. ગુજરાત લોકકલા ફાઉન્ડેશન રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર- લોકસંસ્કૃતિ એવોર્ડ. ૧૯. સંગીત નાટક અકાદમી દિલ્હી રાષ્ટ્રીય લોકસંગીત ગૌરવ પુરસ્કાર ર૦૧૮, મહામહિમ રાષ્ટ્રપ્રતિશ્રીના હસ્તે તામ્રપત્ર,અંગવસ્ત્ર તથા એક લાખની ધનરાશિ સાથે જાહેર થયેલ છે. ર૦. ‘શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર’નું બિરૂદ પટૃાભિષેક અભિવાદન.’ રાષ્ટ્રીય સનાતન ધર્મસભા દ્વારા માર્ચ ર૦ર૦ ‘જગત ગુરુ રામાનંદાચાય સ્વામી શ્રી રાજેશ્વરાનંદ સ્વામી મહારાજના હસ્તે, ભારતભરમાંથી પધારેલા અનેક ધર્મસ્થાનકોના અધ્યક્ષ મહંત સંતોની વિશેષ ઉપસ્થિતિમાં, મોરારિબાપુના માર્ગદર્શનમાં. ર૧. ડો. પ્રતાપભાઈ પંડ્યા માતૃભાષા સંવર્ધન પારિતોષિક ર૦ર૧ શિશુવિહાર ભાવનગર દ્વારા. જેવાં અનેક સન્માનો તેમને મળ્યાં છે.

ગોંડલથી સાત કિલોમિટરના અંતરે ગોંડલ આટકોટ સ્ટેટ હાઈવે પર આવેલા આનંદ આશ્રમ, ઘોઘાવદરમાં [ANAND ASHRAM, GHOGHAVADAR, Taluka GONDAL, Districrt RAJKOT 360 311, – Mo. 98243 71904 – Email : satnirvanfoundation@gmail.com – Website : www.ramsagar.org] અઢાર હજાર અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રતભંડાર, અને પરંપરિત ભક્તિસંગીત તથા લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયાં છે.

છેલ્લાં વીશેક વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવૃત્તિઓ તથા અન્ય સેવાકાર્યો થાય છે. બાંસઠ જેટલી ગાયોની ગૌશાળા છે. રોજના પિસ્તાળીશ કુટુંબોને મફત છાશ તથા રાહતભાવે દૂધ અપાય છે. કોઈ શિષ્ય, સેવક, અનુયાયી, ધર્મ, પંથ, સંપ્રદાય, ફંડફાળા, દાન, સરકારી કે ખાનગી સહાય અનુદાન કે જાહેરાત વિના જ કેટલાક અંગત સ્નેહીજનોના સહકારથી આ સંસ્થાની ગોસેવા તથા માનવસેવાની પ્રવૃત્તિઓ થાય છે. એમના દ્વારા તૈયાર થયેલ વેબસાઈટ રામસાગર ડોટ ઓ.આર.જી. ઉપર વિનામૂલ્યે તમામ પ્રકારની પરંપરિત લોકસંગીત ભક્તિસંગીત પ્રાચીન સંતવાણીની ઓડિયો વીડિયો સામગ્રી તથા પુસ્તકો વાંચી જોઈ ડાઉનલોડ કરી શકાય છે.

કોઈ જ ધર્મ, સંપ્રદાય, પંથપરંપરા કે ગુરુની કંઠી બંધાવ્યા વિના, કોઈ જ ધર્મ જિજ્ઞાસુ કે અધ્યાત્મના પંથે ચાલવા માગતા સાધકને પોતાની કંઠી બાંધવાના પ્રપંચને ત્યાગીને, કશી જ જાહેરાત, ફંડફાળા, સરકારી બિનસરકારી સહાય, દાન અનુદાન માટેના પ્રયાસો કર્યા વિના માત્ર આકાશી રોજીથી, પરમાત્મા જેમ ચલાવે તેમ એક જ આધાર કે ભરોંસા ઉપર ત્રીશ ત્રીશ વર્ષથી દિવાલ કે દરવાજા વિનાના આશ્રમને ચલાવવો, બાંસઠ જેટલા ગોવંશની એકલ પંડે પરિવારજનોની સહાયથી સેવા કરવી, ધરમની ધજા બાંધ્યા વિના અન્નક્ષેત્રનું બોર્ડ માર્યા વિના આંગણે આવનાર અતિથિની નાત જાત, નામ, વ્યવસાય, ગામ .. કશું જ પૂછ્યા વિના અંતરનો આવકાર આપી તરસ્યાંને પાણી, ચાના સમયે ચા અને ભોજનના સમયે પોતાની સાથે બેસાડીને પરિતૃપ્ત કરવા ઉપરાંત (૧) ભારતીય સંતસાહિત્યમાં રાષ્ટ્રીય એકતા યુનિટી ઈન ડાયવરસિટી વિશે પ્રાથમિકથી શરૂ કરીને મહાવિદ્યાલયો વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચનો .. (ર) જ્ઞાતિ, જાતિ, ધર્મ, પ્રદેશ ભાષાના ભેદ ભૂલીને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા માટે પ્રવાસો, વ્યાખ્યાનો, પ્રવચનો, લેખો, પુસ્તકોનું પ્રકાશન. જૈન પર્યુષણ વ્યાખ્યાનો, પ્રણામી, સ્વામિનારાયણ, નાથપંથ, કબીરસંપ્રદાય, સંતસ્થાનો અને તમામ ધર્મની સંસ્થાઓ સાથે આત્મીય નાતો. (૩) ગોંડલની સબ જેલના કેદીઓ સમક્ષ અવારનવાર સદ્ભાવના પ્રવચનો. (૪) પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, કલાઓ વિશે વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત પરિસંવાદોમાં વક્તવ્યો. (પ) ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ, કલાઓ વિશેના ૧૮,૦૦૦થી વધુ સંદર્ભ ગ્રંથોનું ગ્રંથાલય. જેનો ઉપયોગ ગુજરાતની, ભારતના જુદાજુદા પ્રાન્તોની અને વિશ્વની વિદેશી યુનિવર્સિટીઓના સંશોધકો વિદ્યાર્થીઓ વિનામૂલ્યે કરી શકે છે. (૬) પ્રાચીન ગોવિદ્યાના સંશોધન સંમાર્જન માટે ગોસંવર્ધન ગૌશાળાની સ્થાપના, અને શુદ્ધ ગીર ગોવંશની ગાયોની સંભાળ તથા જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ગાયનાં દૂધ, છાશ, ઘીનું વિતરણ. (૭) સત્ નિર્વાણ ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના અને આ ટ્રસ્ટ દ્વારા ભારતીય સંતસાહિત્ય, લોકસાહિત્ય, લોકસંગીત તથા ભક્તિસંગીતનાં ક્ષેત્રે સંશોધન, સંપાદન, પ્રકાશન, જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણસહાય, ગરીબ દરદીઓને આરોગ્યસહાય. (૮) રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, ધાર્મિક સંસ્થાઓ સાથે અનુસંધાન એ જ જેમની જીવનસાધના છે એવા નિરંજન રાજ્યગુરુ આ સમયમાં વિરલ વ્યક્તિત્વ છે.

NYAYALAY PATH, Near SONI VADI, JAMJODHPUR 360 530

Email. mbrav2283@yahoo.com

* * *

 

ભજન ભેદ હે ન્યારા

મધ્યકાલીન ગુજરાતી ભક્તિસાહિત્ય અને સંતસાહિત્યની વિહંગમ યાત્રા

– નિરંજન રાજ્યગુરુ

 

મધ્યકાલીન ગુજરાતી ભાષાના પાંચ પ્રવાહો – ૧ ,જૈન પ્રશિષ્ટ સર્જકોની રચનાઓ. ર, જૈનેતર પ્રશિષ્ટ સર્જકોની રચનાઓ. નરસિંહ મહેતાથી દયારામ સુધીના સર્જકો. ૩, લોકસંતકવિઓની ભજન રચનાઓ. ૪, વિવિધ છંદોમાં રચાયેલું ચારણી ડિંગળી બારોટી સાહિત્ય. પ. અજ્ઞાત સર્જકો દ્વારા રચાયેલું લોકસાહિત્ય. દુહા, રાસ, રાસડા, ગરબા, ગરબી, લગ્નગીતો, ધોળ, કીર્તનો વગેરે.

આપણે આજે આ અવકાશી મિલનમાં મુખ્ય તો સંતસાહિત્ય ભક્તિસાહિત્યનું ગાન કરવું છે પણ એ પહેલાં ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો ખ્યાલ આવે એટલે લોકસાહિત્ય અને ચારણીસાહિત્યનો આછો પરિચય પણ મેળવી લઈએ ..

સૌ પ્રથમ કરીએ કેટલાક ચારણી છંદોનું ગાન –

સર સર પર સધર અમર તર અનુસર, કર કર વર ધર મેળ કરે
હરિ હર સુર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે
નિરખત નર પ્રવર પ્રબર ગણ નિરજર, નિકટ મુકુટ શીર સવર નમે
ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે …… જી ય … રંગભર સુંદર શ્યામ રમે …
૦૦૦૦૦
કડડડ બ્રહ્માંડ એકિ સહ કડકત, અડડ અડડ દધિ જલ ઉછલં,
ધડ ધડ ધર ધમક થડડ ભટ ભૂધર, ખડડ મેરૂ શિવ ધ્યાન ખૂલં,
તડ તડ સુર દુંદ ધડક અસુરાં તન, ગડડ હાસ્ય અટ હડડ ગણે,
ભટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજણ, બિકટ રૂપ નરસિંઘ બણે … જી ય … બિકટ રૂપ નરસિંઘ બણે.
મહા માસ
મા મહિના આયે, લગન લખાયે, મંગલ ગાયે, રંગ છાયે,
બહુ રેન બઢાયે, દિવસ ઘટાયે, કપટ કહાયે વરતાયે
વ્રજકી વનરાયે, ખાવા ધાયે, વાત ન જાયે વિસ્તારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરધારી …. જી રે .. ગોકુલ આવો ગિરધારી ….

હવે લઈએ અજ્ઞાત સર્જકો દ્વારા રચાયેલું લોકસાહિત્ય. રાસ, રાસડા, ગરબા, ગરબી, લગ્નગીતો –

ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં, લીલી નાઘેરમાં ને હરિ વનરાઈમાં …
૦૦૦૦૦
મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયરનો, મારા મૈયરનો રે મારા રે પિયરનો ..
૦૦૦૦૦
મારા હિરાગર મોરલા ઊડી જાજે …
૦૦૦૦૦
ઢોલીડા ઢોલ રે વગાડ્ય મારે હિંચ લેવી છે …
૦૦૦૦૦
કે મું ને ઝાંપે રમવા મેલ્ય ભરવાડિયા, ઝાલાવાડી ઢોલ તારો જાંજડ વાગે …
૦૦૦૦૦
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ … ચાંદો ઊગ્યો ચોકમાં …
૦૦૦૦૦
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા …
૦૦૦૦૦
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં રે …
૦૦૦૦૦
માડી ! હું તો બાર બાર વરસે આવીયો, માડી નો દીઠી મારી પ રમાર રે જાડેજી મા,
મોલ્યુંમાં દીવડૉ શગે રે બળે.
૦૦૦૦૦
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી નૈં રે જાવા દઉં વેરણ ચાકરી રે …
૦૦૦૦૦
વેલ્યું છૂટિયું વાડીના વડ હેઠ, એવા ધોરીડા બાંધ્યા રે વડને વાંકિયે ….
૦૦૦૦૦
સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી …
૦૦૦૦૦
વા વાયા ને વાદળ ઊમટયાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદર વર શામળિયા …
૦૦૦૦૦
હું તો ઢોલે રમું હરિ સાંભરે રે …
૦૦૦૦૦
ચંદન તલાવડી રોકી કાનુડે, જળ ભરવા નો દિયે કાનુડો મારી ખેધે પડ્યો છે …
૦૦૦૦૦
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ … મીઠુડી મોરલી વગાડતા રે લોલ …
૦૦૦૦૦
રાધાજીના ઊંચા મંદિર નીચાં મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ …
૦૦૦૦૦
આવી રૂડી અંજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રે માણાંરાજ …
૦૦૦૦૦
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, માતા રમવા મેલો રે રંગ ડોલરિયો …
૦૦૦૦૦
દાદા હો દીકરી વાગડમાં નવ દેજો રે સઈ, વાગડની વઢિયારી સાસુ દોયલી રે સૈયર લ્યો હમચી ..

માતૃસ્તવનો ગરબા

હે રૂડે ગરબે રમે છે દેવી અંબીકા રે, પાય વાગે છે ઘૂઘરીના ઘમકા રે ..
૦૦૦૦૦
મારો ગરબો રે રમે રાજને દરબાર, માનો ગરબો રે રમે રાજને દરબાર ..
૦૦૦૦૦
રંગમાં રંગમાં રંગમાં રે બાળી બહુચરમા ખેલે છે રંગમાં ..
૦૦૦૦૦
રંગે રમે આનંદે રમે, આજ નવદુર્ગા રંગે રમે ..
૦૦૦૦૦
માજી , તું તો પાવાની પટરાણી, ભવાની મા કાળકા રે લોલ.

વિવાહગીતો

માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠ કે ફરતી મેલો ને કંકાવટી,
તેડાવો રે કાંઈ પાટણ શેરના જોશી, કે આજ મારે લખવી છે કંકોતરી …
૦૦૦૦૦
મોર જાજે ઊગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વર તું જાજે રે વેવાયું ને માંડવે હો રાજ …
૦૦૦૦૦
એસા ને અલબેલા … મનોજભાઈ ઊભા ર્યો એકવાર,
ચતુર ને ચાગલડા, મનોજભાઈ, ઊભા ર્યો એકવાર,
વિદ્યાનગર શેરના ચોકમાં વીરા ! શેણે લાગી વાર ?
ઢોલીડા રીઝવતા બેની ! અમને એણે લાગી વાર ..
૦૦૦૦૦
તારા નખના પરવાળા જેવી ચૂંદડી રે,
તારી ચૂંદડીનો રંગ રાતો હો લાડડી ! ઓઢો ને સાયબજાદી ચૂંદડી રે …
૦૦૦૦૦
પેલું પેલું મંગળિયું વરતાય, કે પેલે મંગળ ગાયુંના દાન દેવાય …
૦૦૦૦૦
કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે … માણાં રાજ ..
હોંશીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દેશ ..
૦૦૦૦૦
કન્યા વિદાય

એક આવ્યો તો પરદેશી પોપટો, બેની રમતા’તાં માંડવ હેઠ ધૂતારો ધૂતી ગિયો …

મધ્યકાલીન પ્રશિષ્ટ ગુજરાતી સર્જકોની લોકપ્રિય રચનાઓ –

નરસિંહ મહેતા (ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ )

પંદરમી સદીમાં નરસિહ મહેતાનો જન્મ થયો. એમણે પ્રેમલક્ષણા ભકિતના કવિ તરીકે ગૌરવભર્યું બિરુદ પ્રાપ્ત કર્યું છે નરસિંહ મહેતા પહેલાં પ્રેમલક્ષણા ભક્તિને ગાનારો કોઈ મોટો કે સમર્થ કવિ થયો હોય એવું દેખાતું નથી.

મેં તો વારી રે ગિરધરલાલ તમારાં લટકાંને.
લટકે ગોકુળ ગાયો ચારી, લટકે વાયો વંસ રે
લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ … તમારાં …
૦૦૦૦૦
ધન્ય આજની ઘડી તે રળિયામણી,
હાં રે વ્હાલા, આજની ઘડી તે રળિયામણી ..
હે મારો વ્હાલો આવ્યાની વધામણી રે .. આજની …
હાં રે મેં તો તરિયા તે તોરણ બંધાવિયા,
હે મારા વ્હાલા ને મોતીડે વધાવિયા રે. આજની …
૦૦૦૦૦
મેં કાનુડા તેરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે …મેં કાનુડા …
હરખે મેં તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે,
ગાગર વરાહેં મેં તો ગોળી લીધી, આરાની હું અજાણી રે … મેં કાનુડા …
ગાય વરાહેં મેં તો ગોધાને બાંધ્યો, દોયાની હું અજાણી રે,
વાછરું વરાહેં મેં છોકરાંને બાંધ્યા, બાંધ્યા છે બહુ તાણી રે … મેં કાનુડા …
રવાઈ વરાહેં મેં ધોંસરૂં લીધું, વલોવાની અજાણી રે,
નેંતરાં વરાહેં સાડી લીધી, દૂધમાં રેડયાં પાણી રે .. .મેં કાનુડા …
ઘેલી ઘેલી મને સૌ કહે છે, ઘેલી હું રંગમાં રેલી રે,
ભલે મળ્યા મેતા નરસીના સ્વામી પૂરણ પ્રીત બંધાણી રે … મેં કાનુડા ..

સતી તોરલ અને જેસલપીરની રચનાઓ –

જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર, સપના જેવો આ સંસાર …
૦૦૦૦૦
પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે,
તારી બેડલીને બુડવા નહીં દિયે, તારી નાવડીને ડૂબવા નૈ દિયે જાડેજા ! રે, એમ તોરલ કહે છે ..

મીરાંબાઈ [ઈ.સ.૧૪૯૮ – ૧પ૬પ આશરે]

જનમ જોગણ મીરાં તો પ્રેમલક્ષણા ભકિતધારામાં અદ્વિતીય આરત અને ઝંખના લઈ આવે છે. સમસ્ત ભારતીય પ્રેમલક્ષણા ભકિતમાર્ગમાં મીરાનાં પદોનું સ્થાન પ્રથમ પંક્તિનું છે.

વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે,
તેનો નાદ ગગનમાં ગાજે છે. વનરાવન મોરલી …
૦૦૦૦૦
બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળી રે … જંગલ બીચમેં રે ખડી હો …
૦૦૦૦૦
ભાળેલ રે બાયું ! દેખેલ રે બેની ! ગોકુળ ગામડાનો ગારુડી …
એવા કાનુડાને કોયેં … ભાળેલ રે બેની …
કાનુડો બતાવે એને નવનિધિ આપું રે બેની ! આલું મારા હૈયા કેરી હારડી રે … કાનુડાને કોયેં …

જ્ઞાનમાગી તથા ભક્તિમાર્ગી કવિઓની વાણી

બેલીડા બેદલનો સંગ ના કરીએ. (રતનદાસ)
૦૦૦૦૦
જાવું છે નિરવાણી … આતમાની કરી લે ને ઓળખાણી રામ … (રતનદાસ)
૦૦૦૦૦
હે હીરો ખો માં તું … હાથથી, આવો અવસર. પાછો નૈં મળે હો … (તિલકદાસ)
૦૦૦૦૦
આ પલ જાવે રે કરી લે ને બંદગી … ( કલ્યાણદાસ)
૦૦૦૦૦
મળ્યો મનુષ જનમ અવતાર … (ગંગાદાસ)
૦૦૦૦૦
દિલ કેરા દાગ … મિટા દે મેરે ભાઈ … મન કેરા મેલ તમે ધોઈ કરી ડાલો વીરા મારા …
શબદુરા સાબુ લગાઈ … સુરતિ શીલા પર ઝાટકી પછાડો … વધ વધ હોશે ઉજળાઈ… (કંથડનાથ)
૦૦૦૦૦
હે જીવને શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ … (ભોજા ભગત )
૦૦૦૦૦
એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે … (લીળલબાઈ )
૦૦૦૦૦
એ જી રે એનો વણનારો વિશંભર નાથ પટોળી આ પ્રેમની … (દાસ દયો)
૦૦૦૦૦
એ જી એના ઘડનારાને તમે પરખો. જીવે રામ ! નુરતે સુરતે નીરખો,
કોણે બનાવ્યો પવન ચરખો …(રવિસાહેબ)
૦૦૦૦૦
સુંદર વરની ચૂંદડી રે મહાસંતો ઓઢવાને મળિયા રે … (મૂળદાસજી)
૦૦૦૦૦
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને, પરથમ પહેલું મસ્તક મૂકી,
વળતાં લેવું નામ જો ને … (પ્રીતમ)
૦૦૦૦૦
સંત મળે સાચા રે, અગમની તે ખબર કરે, ભાવે ભેટું એને, સરવે મારું કારજ સરે … એવા સંત …
ઊલટી સરિતા ચડે ગગન પર, વિણ વાદળ વરસાય, વિના આભ વીજળી ચમકે, ગેબી ગરજના થાય
ધીરે ધીરે વરસે રે, વરસીને ઈ અભર ભરે … એવા સંત … (ધીરો ભગત)
૦૦૦૦૦
શાંતિ પમાડે તેને સંત કહીએ, હે જી તેના દાસના તે દાસ થઈને રહીએ … (બાપુસાહેબ ગાયકવાડ)
૦૦૦૦૦
ઓધા ! શું રે થયું છે વ્રજનારને રે, મહી સાટે વેચે છે મોરારને રે … ઓધા ! શું રે …
ગોપી પ્રેમે મંદિરમાંથી નીસર્યાં રે, એના પંડની સૂધ બૂધ વિસર્યા રે … ઓધા ! શું રે … (નરભેરામ)
૦૦૦૦૦
રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ … રે શિર સાટે …
રે અંતરદષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું, એ હરિ સારુ માથું ઘોળ્યું … રે શિર સાટે …
રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ,
ત્યાં મુખ પાણી રાખીને મરીએ … રે શિર સાટે … (બ્રહ્માનંદ સ્વામી)
૦૦૦૦૦
એ ઓધાજી ! એમ મારા વાલાને વઢીને કેજો રે … માને તો મનાવી લેજો રે, મારા …
મથુરાના રાજા થ્યા છો, ગોવાળુંને ભૂલી ગ્યા છો, માનેતીને મોલે ગ્યા છો રે … મારા …
જમુનાને તીરે જાતાં, માખણ લૂંટી ખાતાં, ભૂલી ગ્યા ઈ જૂના નાતા રે … મારા …
એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો, ગાયુંને સંભારી જાવો રે … મારા …
તમારી મરજી માં રે શું, જે જોઈએ તે લાવી દેશું, કુબજાને પટરાણી કે શું રે … મારા …
દાસ રે મીઠાના સ્વામી, પડીશું અમારી ખામી, આવો હવે અંતરજામી રે … મારા … (મીઠો ઢાઢી)
૦૦૦૦૦
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે,
જેની સુરતા શામળિયા સાથ, વદે વદે વાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે …
વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે ધ્રુવને આપ્યું અવિચળ રાજ,
પોતાનો કરી સ્થાપ્યો રે.
વહાલે મીરાં તે બાઈનાં ઝેર, હળાહળ પીધાં રે પાંચાલીનાં પૂર્યાં ચીર,
પાંડવનાં કામ કીધાં રે …
વહાલે આગે સંતોનાં કામ, પરિપૂરણ કરિયાં રે ગુણ ગાય ગેમલદાસ,
ભક્તોનાં દુઃખ હરિયાં રે … (ગેમલદાસ)

ભાણસાહેબ, રવિસાહેબ, મોરારસાહેબ, ખીમસાહેબ, ભીમસાહેબ અને ત્રિકમસાહેબ પાસેથી ગુજરાતી સાહિત્યને પ્રેમલક્ષણા ભક્તિને પુષ્ટિ આપે તેવી કવિતાધારા મળતી રહી છે.

લાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે
એવો શિયો રે અમારલો દોષ, પાછો ફેરો ન આવ્યા ફરીને રે …
વ્હાલા દૂધ ને સાકરડી પાઈ, ઉછેર્યાં અમને રે
હવે વખડાં ઘોળો મા મહારાજ, ઘટે નહીં તમને રે … (મોરારસાહેબ)
૦૦૦૦૦
હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ, પ્યાલો દૂજો કોણ પીવે.
સત કેરી કુંડી મારા સંતો, શબદ લીલાગર, એક તૂં હિ મારા સતગુરુ ઘૂંટણહાર …
પ્યાલો દૂજો કોણ પીવે …
શ્રવણે રેડ્યો મારા સંતો, મારે રૂદિયે ઠેરાણો રે, હે મારી દેયુંમાં હુવો રણુંકાર …
પ્યાલો દૂજો કોણ પીવે …
ચડતે પિયાલે મારા સંતો, ગગન દરશાણાં રે, એક જમીં આસમાન એકતાર …
પ્યાલો દૂજો કોણ પીવે …
નામ અને રૂપ નહીં મારા ગુરુજીના દેશમાં રે … હે એમ બોલ્યા છે ત્રિકમદાસ …
પ્યાલો દૂજો કોણ પીવે … (ત્રિકમસાહેબ)
૦૦૦૦૦
આવી આવી અલખ જગાયો, બેની ! અમારે મોલે,
ઓતર દિશાથી એક રમતો જોગી આયો રે હો … જી …
વાલીડા મારા ! સત કેરી સૂઈ ને શબદુંના ધાગા રે હો,
ખલકો રે ખૂબ બનાયો, બેની ! અમારે મોલે,
ઓતર દિશાથી એક રમતો જોગી આયો રે હો … જી … (ત્રિકમસાહેબ)
૦૦૦૦૦
તારો રે ભરોસો મું ને ભારી, એવો ગરવો દાતાર, ગિરનારી રે, ગિરનારી રે. .. (ત્રિકમસાહેબ)

પ્રેમલક્ષણા ભક્તિનું ઉત્તુંગ શિખર – દાસી જીવણ

દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસ : જન્મ – ઈ. ૧૭પ્ર૦ વિ.સં.૧૮૦૬ જીવતાં સમાધિ – ઈ.સ. ૧૮રપ, વિ.સં. ૧૮૮૧ આસો વદ અમાસ, દિવાળી. ઘોઘાવદર ગોંડલ પાસે. કબીરપંથમાંથી ઊતરી આવેલી રવિ-ભાણ પરંપરામાં, ગુજરાતી ભાષાના સમર્થ ભજનકવિ. ભાણસાહેબ – ખીમસાહેબ – ત્રિકમસાહેબ – ભીમસાહેબ (આમરણ) અને દાસી જીવણ એ મુજબ ગુરુ-શિષ્ય પરંપરા.

ગોંડલ પાસેના ઘોઘાવદર ગામના હરિજન ચમાર જ્ઞાતિમાં જન્મેલા સંત કવિ દાસી જીવણે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર એમ બંને અધ્યાત્મ સાધના પ્રવાહોનો સમન્વય સાધીને પુરુષ હોવા છતાં દાસીભાવે રાધાભાવે પરમ તત્ત્વની ઉપાસના કરી છે. એટલે તો નિર્ગુણ-સાકાર કે સગુણ-નિરાકાર પરમ ચેતના આ સંતકવિની વાણીમાં નિરનિરાળાં રૂપો ધારણ કરે છે. યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા, બોધ-ઉપદેશ, તત્ત્વચિંતન, ભક્તિ અને ભક્ત મહિમા અને વિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિનાં ‘કટારી’નાં વિરહપદો તથા હરિમિલનનો કેફ વર્ણવતાં ‘પ્યાલા’ પ્રકારની મસ્તી દર્શાવતી પોણાબસો જેટલી ભજનરચનાઓ લોકભજનિકોને કંઠે આજે પણ જીવંત પ્રવાહ રૂપે કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે.

પ્યાલો, કટારી, હાટડી, બંસરી, ઝાલરી, મોરલો, બંગલો વગેરે પરંપરિત રૂપકો લઈને દાસીજીવણ તળપદી લોકવાણીમાં અને કેટલાંક ભજનોમાં સધુક્કડી હિન્દી-ગુજરાતીમાં અપાર ભાવવૈવિધ્ય ધરાવતાં ભાવગીતો ભક્તિપદોનું સર્જન કરે છે. દાસીજીવણની શિષ્ય પરંપરામાં થયેલા કોટડા સાંગાણીના કડિયા ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ અને અરજણદાસની વાણી પણ રવિ ભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે. એમાં દાસી જીવણનાં ભજનો અનોખું સ્થાન ધરાવે છે. લોકકંઠે સચવાતાં રહીને આજ સુધી ગવાતાં આવેલાં એમનાં ભજનોની સંખ્યા નાનીસૂની નથી. દાસી જીવણનું જીવન વિ.સં. ૧૮૦૬થી વિ.સં. ૧૮૮૧ સુધીના પંચોતેર વર્ષ જેટલા સમયગાળામાં વિસ્તરેલું છે.

દાસી જીવણે એક પછી એક સત્તર ગુરુ પાસે ‘કંઠી બંધાવી’, પણ મમતાવાળું મન સ્થિર થતું નથી. વિચારે છે કે – શું કરું ? ક્યાં જાઉં ? એવામાં, મોરબી પાસેના ‘આમરણ’ ગામે રહેતા, રવિભાણ સંપ્રદાયના સંત કવિ ‘ભીમસાહેબ’ની ખ્યાતિ સાંભળી. જીવણદાસે ભીમસાહેબને એક પત્ર લખ્યો, જેમાં પોતાના મનની વ્યથા વર્ણવી હતી –

સહેજે રે, સાંયાંજી ! મારું દિલડું ન માને દુબજાળું. મારું મનડું ન માને મમતાળું …
વારી વારી મનને હું તો વાડલે પૂરું રે, વા’લા
પતળેલ જાય પરબારું , ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું …
ઘડીકમાં મનડું મારું કીડી અને કુંજર, વા’લા
ઘડીક ઘોડે ‘ને ઘડીક પાળું … ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું.

ભીમસાહેબે પત્ર વાંચીને જીવણને પ્રત્યુત્તરમાં એક પદ મોકલાવ્યું. જે વહેલી સવારના પાંચ વાગ્યે, સૂર્યોદય પહેલાં અરુણોદયની તૈયારી હોય ત્યારે જે પ્રકારનાં પદ ભજનો ગવાય એ ‘રામગરી’ પ્રકારનું હતું.

હે જી વ્હાલા ! જીવણ ! જીવને ન્યાં રાખીએ, વાગે અનહદ તૂરા,
ઝળહળ જ્યોતું ઝળહળે, વરસે નિરમળ નૂરા …
હે જી વ્હાલા ! પાંચ તત્ત્વ ને ત્રણ ગુણ છે, પચવીસાં લેજો રે વિચારી
મંથન કરી લ્યો મૂળનાં, તત્ત્વ લેજો એમાંથી તારી ..
હે જી વ્હાલા ! ગંગા જમના ને સરસ્વતી રે, તરવેણીને રે ઘાટે
સુખમન સુરતા રાખીએ, વળગી રહીએ ઈ વાટે … હે જી વ્હાલા ! જીવણ જીવને ન્યાં રાખીએ ….૦
હે જી વ્હાલા ! અણી અગર પર એક છે, હેરો રમતા રામા રે
નિશ દિન નીરખો નેનમાં, સત્ત પુરુષ ઊભા સામા … હે જી વ્હાલા ! જીવણ જીવને ન્યાં રાખીએ ….૦
હે જી વ્હાલા ! અધર ઝણકારા હુઈ રિયા, કર વિણ વાજાં વાગે રે
સુરતા ધરીને તમે સાંભળો, ધૂન ગગનુંમાં ગાજે .. હે જી વ્હાલા ! જીવણ જીવને ન્યાં રાખીએ ….૦
હે જી વ્હાલા ! નુરત સૂરતની રે સાધના, પ્રેમી જન કોક પાવે રે
અંધારું ટળે એનાં ઉરનું, નૂર એની નજરુંમાં આવે .. હે જી વ્હાલા ! જીવણ જીવને ન્યાં રાખીએ ….૦
હે જી વ્હાલા ! આ રે સંદેશો સતલોકનો રે, ભીમદાસે ભેજ્યો રે
પત્ર લખ્યો છે રે પ્રેમથી, જીવણ તમે લગનેથી લેજો .. હે જી વ્હાલા ! જીવણ જીવને ન્યાં રાખીએ ..૦

આમ જીવણને ભીમગુરુએ ‘શબદ સૂરત યોગ’ની સાધના બતાવી. જીવણે ગુરુનો એક એક શબ્દ હૈયામાં ઉતારી લીધો અને સાધના કરી. આખરે અંતરમાં ‘આનંદની હેલી’ ઉભરાણી, પછી એ અખંડ આનંદનો અનુભવ એણે પોતાની પદ રચનામાં આમ ગાયો –

અજવાળું રે મારે અજવાળું, ગુરુજી ! તમ આવ્યે મારે અજવાળું
સતનો શબદ જ્યારે શ્રવણે સુણાયો, ભીમ ભેટ્યા ને ભાંગ્યું ભ્રમણાનું તાળું
ગુરુજી ! તમ આવ્યે મારે અજવાળું …૦

ગુરુની કૃપા થઈ, ભીમ ભેટયા ને ભ્રમણા ભાંગી ને દાસી જીવણે ગુરુ મહિમા ગાયો …

અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે
ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય ….
અમારામાં અવગુણ રે ….૦

દાસી જીવણનાં અત્યંત જાણીતાં, કેટલાંક લોકપ્રિય ભજનોની ટેકપંક્તિઓ પ્રથમ પંક્તિઓ –

૧ ગુરુ માહાત્મ્યનું ગાન કરતાં ભજનો –

અમારા રે અવગુણ રે, ગુરુજીના ગુણ તો ઘણા હો જી …
૦૦૦૦૦
સતગુરુએ મુંને ચોરી શિખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાયો રે …
૦૦૦૦૦
મારા ગુરુજીની બલિહારી, મેં તો સત્ય નામ પર વારી …
૦૦૦૦૦
કહો ને ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું …
૦૦૦૦૦
અજવાળું રે હવે અંજવાળું, ગુરુજી ! તમ આવ્યે મારે અંજવાળું …

ર અનાહત નાદ અને સાધના અનુભવ વર્ણવતાં ભજનો –

દેખંદા કોઈ, નિરખંદા કોઈ, પરખંદા કોઈ, આ દલ માંય, ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે …
૦૦૦૦૦
અબધૂ રણ રણ રણ રણ વાગે …
૦૦૦૦૦
જા, સોહાગણ જા રે, ગગનમાં જ્યોત જલત હૈ જા …
૦૦૦૦૦
આ જો ને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની …

૩ વૈરાગ્ય ઉપ્રદેશનાં ચેતવણી પદો –

ભૂલ્યા ભટકો છો બારે, મારા હંસલા ! કેમ ઊતરશો પારે ?…
૦૦૦૦૦
શું કરવાં સુખ પારકાં, સુખ માંડેલ હોય તે થાય …
૦૦૦૦૦
શાને માટે ભજતો નથી, સહેજે સીતારામ …
૦૦૦૦૦
એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ …
રામભજન બિન નહીં નિસ્તારા, જાગ, જાગ, મન યૂં સોતા …
૦૦૦૦૦
વેડીશ મા રે ફૂલડાં તોડીશ મા … મારી વાડીના ભમરલા વાડી …

૪ અવધૂત દશાનાં મસ્તી પદો –

મેં મસ્તાના, મસ્તી ખેલૂં, મેં દીવાના દરશન કા …
૦૦૦૦૦
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર …
૦૦૦૦૦
એ જી ઈ તો જીવણની નજરુ માં આયો રે, આ મોરલો ગગન મંડળ ઘર આયો …

પ તીવ્ર વિરહ વ્યથાનાં, દાસીભાવનાં, સુકોમળ નારી હૃદયની વેદનાનો અનુભવ કરાવનારાં પ્રેમ લક્ષણા ભક્તિનાં ભજનો –

સાયાંજી ને કે’જો રે, આટલી મારી વિનતી રે …
૦૦૦૦૦
પ્રેમ કટારી આરંપાર નીકસી મેરે નાથકી …
૦૦૦૦૦
કલેજા કટારી રે, રુદિયા કટારી રે, માડી ! મું ને માવે લૈ ને મારી …
૦૦૦૦૦
મીઠાજી ! મેં જાણ્યો તારો મરમ …
૦૦૦૦૦
મેં પણ દાસી, રામ ! તોરી દાસી …
૦૦૦૦૦
એવાં રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે …
૦૦૦૦૦
પ્રેમ ચંદણનાં ઝાડવાં, બાયું ! અગર ચંદણનાં ઝાડવાં, મારી દેઈમાં રોપ્યાં રે … માવાની મોરલીયે.
મારા મનડાં હેર્યાં રે … માવાની મોરલીયે …
દલડાં હેર્યાં, ચિતડાં ચોયા મનડાં હેર્યાં રે … રે …
વાલમની વાંસળિયે મારાં મનડાં હેર્યાં રે … માવાની …
આંસુડે ભીજાંય કંચવો બાયું ! આંસુડે ભીંજાય કંચવો,
ભીંજાય આછાં ચીર રે … માવાની મોરલીયે …
દલડું મારું તલખે બાયું ! જીવડો મારો તલખે,
ઘરબાર ઘોળ્યાં જાય રે … માવાની મોરલીયે …
માવો માવો શું કરો બાયું ! માવો માવો શું કરો
માવો મોરી માંય રે … માવાની મોરલીયે …
દાસી જીવણ ભીમ પ્રતાપે, પૂરણ પાયો પ્રિતની પાંખે,
આજ લ્હેરમલ્હેરાં રે … માવાની મોરલીયે …
૦૦૦૦૦
જશોદા ! જીવનને રે, માતાજી ! મોહનને રે, કે’ જે તારા કાનને …
૦૦૦૦૦
શામળિયે કરી છે ચકચૂર …

‘પ્યાલો’, ‘કટારી’, ‘હાટડી’, ‘બંસરી’, ‘ઝાલરી’, ‘મોરલો’, ‘બંગલો’ …. વગેરે પરંપરિત રૂપકો લઈને દાસી જીવણ પોતાનાં ભજનોમાં મુખ્યત્વે તળપદી લોકવાણીમાં, તો કેટલાંકમાં ‘સધુક્કડી’ હિન્દી-ગુજરાતી મિશ્રિત ભાષામાં અપાર ભાવ વૈવિધ્ય ધરાવતાં ભાવગીતો કે ભક્તિપદોનું સર્જન કરે છે. દાસી જીવણની શિષ્ય પરંપરામાં ખ્યાતિ પ્રાપ્ત થયેલા કોટડા સાંગાણીના કડિયા જ્ઞાતિના ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ અને અરજણદાસની વાણી પણ રવિભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે. એમાં દાસી જીવણનાં ભજનો અનોખું સ્થાન ધરાવે છે. જે લોક કંઠે સચવાતાં રહીને આજ સુધી ગવાતાં આવ્યા છે. એમનાં આવાં ખૂબ જ લોકપ્રિય બનેલાં ભજનોની સંખ્યા કંઈ નાનીસૂની નથી.

સતલોક ગમન –

જ્ઞાન, ભક્તિ, યોગ, સેવા, સત્સંગ અને સાધનાના વિવિધ માર્ગોનો ઉપદેશ આપતાં આપતાં દાસી જીવણનું બરોબર ૭પ વર્ષનું આયુષ્ય થયું. પોતાને પરમ ધામ પધારવાનું થયું ત્યારે પોતાના પ્યારા પુત્ર દેશળને સર્વ સેવકો તથા સાધુ સમાજને તેડાવી પોતાને સ્વધામ જવાની ઇચ્છા હોવાની વાત કહી. ભક્ત સમાજ આ વાત સાંભળી દીન બની ગયો, ત્યારે જીવણસાહેબે માનવધર્મનો બોધ આપી સૌને સાંત્વન આપ્યું. વિક્રમ સંવત ૧૮૮૧ની એટલે કે ઈ.સ. ૧૮રપની સાલ આવી. આસો વદ અમાસ- દિવાળીના દિવસે પોતે જીવતાં સમાધિ લેશે .. એવી કંકોત્રી લખી. સંત મંડળ ભેળું થયું ને દાસી જીવણે સમાધિ લીધી. ત્યારે એમણે બે ભજનો પણ ગાયેલાં –

વહાલા રે સંતોને મારા, જે જે સીતારામ …. મારી હાલતી વેળાના રામે રામ …
વહાલા રે સંતોને મારા જે જે સીતારામ ..
૦૦૦૦૦
હાટડીએ કેમ રે’વાશે ભઈ ! મારા રામની રજા નંઈ ..
રામની રજા નંઈ, મારી દેયનું સૂઝે નંઈ …
હાટડીએ કેમ રે’વાશે ભઈ મારા રામની રજા નંઈ ..૦

આત્મજ્ઞાની સંત કવયિત્રી – ગંગાસતી

આજથી માત્ર ૧ર૭ વર્ષ પહેલાં, વિક્રમ સંવત ૧૯પ૦ના ફાગણ સુદી ૮ ગુરુવાર તારીખ ૧પ માર્ચ ૧૮૯૪ના દિવસે જેમણે આત્મત્યાગ કરેલો એવાં અર્વાચીન સમયના સંત કવયિત્રી ગંગાસતી.

જેમનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલા રાજપરા ગામે ભાઈજીભી જેસાજી સરવૈયા નામના રાજપૂત ગરાસદારને ત્યાં માતા રૂપાળીબાની કુખે સંભવત – ઈ.સ. ૧૮૪૬ વિ.સં. ૧૯૦રમાં થયેલો. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ધોળા જંકશનથી નવ કિલોમિટર દૂર આવેલા સમઢિયાળા ગામના રાજપુત ગિરાસદાર શ્રી કહળસંગ કલભા ગોહિલ સાથે વિવાહ થયા.

ગંગાબા પોતાની સાથે પાનબાઈ નામની પંદર સોળ વર્ષની ખવાસ કન્યાને વડારણ તરીકે સાસરે લઈ ગયેલાં, જે બહેનપણી કમ શિષ્યા બની રહી. ગંગાસતીને બે દીકરીઓ હતી, મોટાં પુત્રી બાઈરાજબા અને નાનાં પુત્રી હરિબા. સંતસાધનાના માર્ગે ચડેલાં આ ભક્ત દંપતી કહળસંગ તથા ગંગાબાએ કાળુભાર નદીને કાંઠે આવેલી પોતાની વાડીમાં હનુમાનજીની સ્થાપના કરીને ઝૂંપડી બાંધી વસવાટ કરેલો. બાજુના પીપરાળી ગામના ભજનિક હરિજન સાધુ ભૂધરદાસને પોતાની બાજુમાં ઝૂંપડી બાંધી આપેલી. ગંગાસતીને ત્યાં પુત્ર નહોતો.

એકાવન વર્ષની વયે કહળુભાએ પોતાના સંતત્વની કસોટીનો પ્રસંગ ઊભો થતાં જીવતાં સમાધિ લેવાનું નક્કી કર્યું . ગંગાબાએ પણ પતિની સાથે જ પ્રયાણ કરવા તૈયારી કરી પરંતુ પતિ આજ્ઞાએ પોતાનાં બહેનપણી વડારણ શિષ્યા પાનબાઈને આત્મસાધનાના માર્ગે ચડાવવા માટે બાવન દિવસ સુધી ભજનવાણી દ્વારા ઉપદેશ આપ્યો અને સાક્ષાત્કાર સુધી પહોંચાડ્યા બાદ માત્ર અડતાલીશ વર્ષની ઉંમરે પતિ પાછળ આત્મત્યાગ કર્યો.

ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સમાધિ અવસ્થામાં જ દેહત્યાગ કરેલો. સમઢિયાળા ગામે કહળસંગભગત, ગંગાસતી અને પાનબાઈની જગ્યા નામે ઓળખાતું સંત સ્થાનક કાળુભાર નદીને કાંઠે આવેલું છે, જ્યાં દર પૂર્ણિમાના દિવસે ભજનો થાય છે. ગંગાસતીને નામે પંચાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્ગુરુમહિમા, નવધા ભક્તિ, યોગસાધના, નામ અને વચનની સાધના, ક્રિયાયોગ, શીલવંત સાધુના લક્ષણો, સંતના લક્ષણો, આત્મસમર્પણ, ભક્તિનો મારગ, નાડીશુદ્ધિ, મનની સ્થિરતા, સાધુની સંગત, વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ, જ્ઞાન અને યોગનો ત્રિવેણી સંગમ થયેલો જોવા મળે છે.

સદ્ગુરુ વચનના થાવ અધિકારી, મેલી દેજો અંતરનું માન
આળસ મેલીને આવો મેદાનમાં, સમજો સતગુરુની સાન …
સદ્ગુરુ વચનના થાવ અધિકારી …
૦૦૦૦૦
મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે …
વિપદ પડે પણ વણસે નહિ, ઈ તો હરિજનનાં પરમાણ રે …
મેરુ રે ડગે પણ જેનાં …
૦૦૦૦૦
શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહિ વ્રતમાન રે
ચિત્તની વરતી જેની સદાય નિરમળી, જેને મા’રાજ થયા મેરબાન રે …
શીલવંત સાધુને …
૦૦૦૦૦
લાભ લેવો હોય તો બેસો એકાંતમાં, બતાવું કૂંચી અપાર રે
ઈ રે કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઊઘડે ને, લાગે ભજનમાં એક તાર રે …
લાભ લેવો હોય તો …
૦૦૦૦૦
વચન વિવેકી જે નરનારી પાનબાઈ ! તેને બ્રહ્માદિક લાગે પાય
જથારથ વચનની સાન જેણે જાણી, તેણે કરવું પડે નૈં બીજું કાંય …
વચન વિવેકી જે નર નારી …

૦૦૦૦૦
વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ ! અચાનક અંધારાં થાશે
જોત રે જોતામાં દિવસો વયા જાશે, એકવીશ હજાર છસોને કાળ ખાશે …
વીજળીને ચમકારે …
જાણ્યા જેવી આ તો અજાણ છે, ઈ તો અધૂરિયાંને નો કહેવાય
ગુપ રસનો ખેલ છે આ અટપટો ને, આંટી મેલો તો પૂરણ સમજાય …
વીજળીને ચમકારે …
નિરમળ થઈને આવો મેદાનમાં પાનબાઈ ! જાણી લિયો જીવની જાત
સજાતિ વિજાતિની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત…
વીજળીને ચમકારે …
પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ ! તેનો રે દેખાડું તમને દેશ,
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં નહિ માયાનો જરીએ લેશ …
વીજળીને ચમકારે …
૦૦૦૦૦
કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને, સમજી ને રહીએ ચૂપ રે
મરને આવીને ધનનો ઢગલો કરે ને, ભલે હોય મોટો ભૂપ રે …
કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ …
ભજની પુરુષે બેપરવા રહેવું ને, રાખવી નહિ કોઈની પરવાહ રે
મોટાની આગળ નવ ઉચ્ચારવું ને, બાંધવો સુરતાનો એકતાર રે …
કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ …
ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી ને, ગાળી દેવો તેનો મોહ રે
દયા કરવી તેની ઉપરે ને, રાખવો ઘણો કરીને સોહ રે …
કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ …
સંશય ટળે ને મનડું ગળે ને, રાખે નહિ કોઈ પર દ્વેશ રે
ગંગાસતી એમ બોલિયાં રે, એવાને દેખાડવો હરિનો દેશ રે …
કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ …

ANAND ASHRAM, GHOGHAVADAR, Taluka GONDAL, District RAJKOT 360 311 — Mo.94848 30370
Email : satnirvanfoundation@gmail.com
Website : www.ramsagar.org — Face book : niranjan rajyaguru — You Tube : niranjan rajyaguru

છબીઝલક: