ભાષાન્તરનીઅવળી જાજમ – મધુ રાય (શનિવાર, 06 નવેમ્બર 2021)

ભાષાન્તરની ઊંધી જાજમ

– મધુ રાય

તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડઝો સાથે લાઇક–લાઇક રમો! ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે અને હવે નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટૂમચ 👍લાઇક કરીએ છીએ ને ટૂમચ હાર્ટ ❤ કરીએ છીએ, કેમકે તે ‘ઇતર પ્રવૃત્તિ’ છે, પિતા ઝવેરચંદની નવકલથાઓનો અંગ્રેજી અનુવાદ! પાઠમાળાબ્રાન્ડ કર્તાકર્મક્રિયાપદ સ્ટાઇલ રૂખુંસૂકું ઇસ્ત્રીટાઇટ અંગ્રેજી નહીં, પણ વિલાયતમાં જન્મેલો અંગ્રેજી માડૂ સડસડાટ વાંચી શકે તેવું ડિક્શન!ઝવેરચંદની લખેલી નવલકથા વેવિશાળ રાઇટ? તેના શીર્ષક વેવિશાળનું અંગ્રેજી શું? બિટ્રોથલ? ફિયાન્સ–ફિયાન્સી? એન્ગેજમેન્ટ?

નહીં, ‘ધ પ્રોમિસ્ડ હેન્ડ!’

આ બધું તમને શા માટે કહીએ છીએ? એટલા માટે કે ટિહુ ટિહુ અમારું મન મોર બની ટહુકાર કરે છે, મનમાં ને મનમાં અમે સ્વર્ગે ચડીને નર્મદ ને પ્રેમાનંદ ને મુનશી ને જોષી સાથે રાસડા લઈએ છીએ, મિસ્તર! કે ગયા મહિને તે પ્રોમિસ્ડ હેન્ડના રશિયન ને મેન્ડરીન ચાઇનીઝ ભાષાઓમાં પણ અનુવાદ પ્રગટ થયા છે. રશિયન! અને ચાઇનીઝ!

ગુજરાતી નવલકથા વેવિશાળ! વાયા ઇંગ્લિશ ટ્રાન્સલેશન ‘The Promised Hand’ બાય અશોકકુમાર! એક ઇન્ડિયન તરીકે, ગુજરાતી તરીકે, અમેરિકન ભારતીય તરીકે, ગુજરાતી રાઇટર તરીકે અમે ગગનવાલા ચાંદ ઉપર ચડીને ડાન્સ કરવા માગીએ અને કોઈ રશિયન કુમારિકા ભેરા, યુનો, રોમાન્સ કરવા માગીએ છીએ, લ્યુબ્લ્યુ તેબ્યા! દાસવેદાનિયા!

ગઈ સદીમાં હું હજી જુવાન હતો ને ઇંગ્લેન્ડ રહેતો હતો ત્યારે અકાદમીના એક સત્રમાં મહામંત્રીશ્રીએ મને આદેશ આપેલો કે મારે અનુવાદ વિશે બોલવું. હું સમજેલો કે મારે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર વિશે બોલવાનું છે, પણ ફરી જ્યારે વાતમાંથી વાત નીકળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારે ગુજરાતી સાહિત્યિક કૃતિઓના અંગ્રેજી ભાષાંતર વિશે બોલવાનું છે. આ ગેરસમજનું કારણ ભાષાંતર. અમે બંને ગુસ્મુજરાતીમાં જ બોલતા હતા પરંતુ કલયાણી સાહેબ પંચકલ્યાણી ઘોડા જેવી જે પાણીદાર ભાષા પ્રયોજે છે તેનું આપણી વર્નાક્યુલરમાં મનોમન ટ્રાન્સલેશન કરીએ ત્યારે મહામંત્રીના મહાવિધાનનો મરમ લાધે. વિપુલભાઈ માને છે કે ગુજરાતી સાહિત્યનું અંગ્રેજી ભાષાંતર કરાવી વિદેશોમાં આપણી પ્રજાની મુદ્રા સુધારવાની જરૂર છે. જે વડે બહારની દુનિયાને ખ્યાલ આવે કે આપણે ગુજરાતીઓ ફક્ત કોર્નર શોપવાળા, ડબલ મજૂરી કરીને કમાવાવાળા તેમ જ સાડી ને માથે ચાંદલાવાળાં ગોદડિયાં બૈરાવાળા, ને હાસ્યાસ્પદ ઉચ્ચારે વાસી અંગ્રેજી બોલનારા વિદેશી કે “બ્લડી પાકી” જ નથી, આપણું પણ સાહિત્ય છે.

હું વાર્તાઓ લખતો થયો તેની પહેલાંથી ભાષાંતર એટલે કે અનુવાદ કરતો થયેલો. અમારા કલકત્તાના ઘરની નજીક એક મેદાનમાં હું હુતુતુ રમવા જતો ત્યાં એક બજરિયા બાબરીવાળા બંગાળી ભાઈ આવેલા ને એમણે મને પૂછ્યું કે તું ગુજરાતી છે? મેં હા પાડી. એમણે પૂછ્યુ તારા બાપા ગુજરાતીના માસ્તર છે, સાચી વાત? મેં હા પાડી. અને એમણે એક કાગળ મારા હાથમાં આપ્યો, કહ્યું કે આટલા અંગ્રેજીનું ગુજરાતી કરાવી લાવજે તારા બાપા પાસે તો તને હું પાંચ રૂપિયા આપીશ. તે લખાણ વાંચી મેં કહ્યું કે હું કરી આપું. અને ઊભાં ઊભાં મેં ગુજરાતી કરી આપ્યું, બંગાળી ભાઈ તે લઈ ગયા ને બીજા અઠવાડિયે પાછા આવ્યા, લે આ પાંચ રૂપિયા ને આ નવું મેટર, ગુજરાતી કરી લાવજે.

અને તે પછી તો જાહેર ખબરની એજેન્સીઓમાંથી મને કામ મળવા માંડેલું, અને મારી ખિસ્સાખર્ચી એમાંથી નીકળી જતી. અને એમ મને સચોટ ગુજરાતી અનુવાદ કરવાનો મહાવરો થવા માંડ્યો. દાખલા તરીકે બાટાની એક જાxખ હતી Step into Style તેનું ગુજરાતી “સ્ટાઇલમાં ચાલો”? બિલકુલ નહીં. મેં તેનું ગુજરાતી કરેલું, “ડગલે ડગલે ઊડે ગુલાલ”. સાગર ઘી એક હેડલાઇન લખેલી “જીભે જીભે છે સા–ગ–ર–ની સ–ર–ગ–મ”. મતલબ કે મૂળ લખાણના શબ્દોનો તરજુમો સાચો અનુવાદ નથી, મૂળ લખાણનો હેતુ સમજી તેને અનુરૂપ અવાદ તે સાચો અનુવાદ છે.

તે પછી સંયોગથી શિવકુમાર જોષીની વાર્તાઓના હિન્દી અનુવાદો ‘ધર્મયુગ’ નામે હિન્દી સાપ્તાહિકમાં છપાયા ને અનુવાદક હોવાનો નશો ચડ્યો દિમાગમાં. તે પછી યુરોપીયન નાટકોના અંગ્રેજીમાંથી તખતાલાયક ગુજરાતી રૂપાંતર, છાપાંના તારના તરજુમા, અમેરિકન નવલકથાઓના ગુજરાતી અનુવાદ અને સરકારી સાહિત્યના તેમ જ કાનૂની કાગજાતના અને મશીનરીની હેન્ડબુક વગેરેના ટ્રાન્સલેશન કરવાનું આવેલું જેમાંથી મારી રોજી નીકળતી હતી. હાલ અમેરિકામાં મેડિકલ, લીગલ, તેમ જ બિઝનેસ ઇન્ટરપ્રિટર તરીકે ફ્રીલાન્સ કામ કરું છું જેમાં તત્ક્ષણ દરેક વાક્યના ભાવાર્થનો તાત્કાલિક અનુવાદ કરવાનું આવે છે. અનુવાદની કારકિર્દીમાં તેમાં કોઈવાર કમાલો કરી કોઈવાર કાચો પડ્યો. પરંતુ આટલા દાયકાઓના તરજુમા કરવાના અનુભવના સાગરમાંથી મને સમજાયું છે કે અનુવાદ માતૃભાષામાં જ કરાય. બીજી ભાષામાં કરવા જાઓ તો મૂળ લખાણનું હીર અનુવાદમાં લાવી શકાતું નથી. માતૃભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવા જાઓ તો તેમાંથી કુદરતી ખુશબૂના બદલે પસીનાની બદબૂ આવે છે.

કહેવાની જરૂર નથી કે આ માતૃભાષાની વાત કેવળ ક્રિયેટિવ રાઇટિંગ યાને લલિત લેખનને જ લાગુ પડે છે. લલિત લેખન યાને વાર્તા, કવિતા, નાટક આદિની શબ્દાવલિ અલગ હોય છે. તે લખતી વખતે લેખક પોતાના ખોળિયામાં ખાખાંખોળાં કરીને પોતાના બાળપણના, કિશોરવયના, યુવાનીના કાળાધોળા સંસ્કારોના ગંજમાંથી સારાનરસા અનુભવો તારવીને; તેને લેખનના કસબની ચતુરાઈથી ફૂંકીઝાપટીને, ફિક્શનનું, ફેન્ટેસીનું ષડ્રસનું ગુલાબજળ છાંટીને; પોતાના અંગત શબ્દોના જરીજામા અને અલંકારોનાં સુશોભન પહેરાવીને; નિરાળા દેહે જન્મ આપે છે. ભાષાની ઇલાયદી ખૂબીઓને નિચોવીને પોતાની ઇલાયદી વાત કહે છે. અને તે વાત કહેતાં પોતાની ભાષાની ખૂબીઓમાં તેજસ્વી ઉમેરો કરે છે. મારું માનવું છે કે વાર્તા કે કાવ્ય કે નાટક લખવા માટે નૈસર્ગિક માધ્યમ છે, માતૃ ભાષા! અને ભાષાંતર માટે પણ નૈસર્ગિક માધ્યમ છે, માતૃભાષા!

***

દરેક વ્યક્તિની ભાષાની લઢણ અલગ છે. દરેક ભાષાની લઢણ અલગ છે. બંગાળીમાં “જાતીય” એટલે રાષ્ટ્રીય, ગુજરાતીમાં “જાતીય” એટલે નર–નારીનાં લિંગ સંબંધી; બંગાળીમાં “સાધારણ” એટલે સાર્વજનિક, ગુજરાતીમાં સાધારણ એટલે સાધારણ. સંસ્કૃતમાં “કમળ” માટે અસંખ્ય શબ્દો છે, લાલ કમળ, સફેદ કમળ, વાદળી કમળ, નાનું કમળ, રાતનું કમળ, નદીનું કમળ, કાદવનું કમળ. હવાઇયન ભાષામાં નાળિયેર માટે અસંખ્ય શબ્દો છે, લીલું નાળિયેર, સુક્કું, પાણીવાળું, પાણી વિનાનું, તાજું ને સડેલું એમ દરેક જાતના નાળિયેર માટે અલગ અલગ શબ્દ છે.

દરેક ભાષામાં દરેક શબ્દની સાથે લક્ષણાર્થ, વ્યજનાર્થ અને અભિધાર્થની અનેક આભાઓ સંકળાયેલી હોય છે. “ગમન” એટલે જવું પણ પરસ્ત્રીગમન કે વેશ્યાગમન શબ્દોનો અનુવાદ કેમ કરવો? પરસ્ત્રીની સાથે કે વેશ્યાની સાથે જવું? બસ, સાદું જવું? કે સ્ત્રી સાથે સંવનન કે વેશ્યા સાથે શયન? મૂળ ભાષામાં “ગમન” કહેતાં જે અલ્પોક્તિ છે, જે ગર્ભિત અર્થ છે, જે ભદ્રતા છે, તેનો પણ અનુવાદ થવો જોઈએ. તેમ કરતાં વળી અનુવાદની ભાષાના શબ્દની અન્ય આભાઓ પેસી જાય તેનું શું કરવું? આ મહત્ત્વના નિર્ણય ભાષાન્તરકાર કરે છે. તે નિર્ણયો માતૃભાષા સિવાય કરી શકાય નહીં. ભાષાન્તર તે પણ લેખન જેટલું જ ક્રિયેટિવ કર્મ છે. કેમકે લેખક વાર્તા લખવા બેઠો છે. તો તે પોતાના અનુભવોનું “ભાષાન્તર” શબ્દોમાં કરે છે. લેખક પોતે અનુભવની ભાષામાં સોચે છે અને પોતાને થતી અનુભૂતિને વ્યક્ત કરે છે શબ્દોમાં –– તે એક પ્રકારનો અનુવાદ નથી?

દરેક ભાષાના શબ્દોમાં તેના બોલનારાંઓની રહેણી કરણી, ખાદ્યપેય, આબોહવા, અને ઉત્સવો છલછલે છે. બીજી ભાષામાં તેના તે જ ભાવ ઉપજાવવા સંભવ નથી. જયન્તી પટેલે એકવાર મને ચેલેન્જ આપેલી કે ધારોકે તારે એક ગુજરાતી નવલકથાનું અંગ્રેજી કરવાનું છે, ને ગુજરાતી નવલકથાનો પહેલો ફકરો છે :

મારો જન્મ અમદાવાદની છીપા પોળમાં માનીમાતાની દહેરી પાસે બહેરા વૈદના ખાંચામાં, જીવણ ઓઝાના વિલાયતી નળિયાંવાળા એક માળના મકાનમાં થયેલો. પોળના નાકે કૂવાના ઓટલે બેઠેલી ગોધુ લુવાણાની માંજરી દીકરીએ મારી માને કહેલું કે મુઈ, તારો દીકરો તો રાજાના પુત્તર જેવો ફૂટડો છે, ગાલે કાજળનું ટપકું કરજે નહીંતર કોક વાંઝણી વણજારણની નજર લાગી જશે! મારી ફોઈએ મને દૂધદહીંથી નવડાવી મારુ નામ રાખેલું “વહાલાભઈ”. તે રાત્રે ઇન્દ્રરાજાએ બારે મેઘ વરસાવેલા. ને નળિયાંમાંથી અમરતના ફુવારા છૂટેલા. –– લો કરો ટ્રાન્સલેસન.

આ છટાનો કદાચ ભારતની બીજી ભાષાઓમાં રસ નિતારી શકાય પણ અંગ્રેજીમાં? એક ઇંગિત આપી શકાય. અસલના મિજાજનો અનુવાદ એટલે અસલની અનુકૃતિ, પ્રતિકૃતિ નહીં. અનુવાદ એટલે ઇન્વર્ટેડ કારપેટ. અનુવાદ એટલે ઊંધી જાજમ. મૂળ લખાણનો અનુવાદ વાંચીએ ત્યારે વેલબુટા ભરેલી રમ્ય જાજમને ઊંધી કરીને જોતા હોઈએ એવું લાગે. સવળી બાજુનો નયનરમ્ય ભાગ ઊંધો કરતાં ભરતનો બરછટ ભાગ દેખાય, મૂળ ડિઝાઇન કેવી હશે તેનો અંદાજ આવે પરંતુ મૂળનું સૌંદર્ય ન દેખાય. ઊંધી કારપેટની આ ઉપમા મૂળ તોલ્સતોયની છે, એમણે રશિયનમાં લખ્યું હશે, મેં અંગ્રેજીમાં વાંચ્યું હશે ને તેને આપની સમક્ષ હું ગુજરાતીમાં રજૂ કરું છું, ને તેમ કરતાં આંખે ભૂ આવી જાય છે.

ઉપર ઉદાહરણમાં દર્શાવેલી ગુજરાતી નવલકથાનું આ લલિત લખાણ વાંચીને, તે સઘળું અંગ્રેજીમાં વ્યક્ત કરવા માટે અનુવાદકના માથામાં પણ અંગ્રેજીનું તેવડું પ્રચંડ શબ્દભંડોળ હોવું જરૂરી છે. જે માતૃભાષા સિવાય સંભવ નથી. મગજની ગડીઓમાં પડેલા, વિસરાયેલા ભાવ, શબ્દો, માતૃભાષામાં જ શક્ય છે, તે પાઠશાળામાં પાઠમાળાની મદદથી શીખેલા અંગ્રેજીમાં ઠાવકાઈ. ચતુરાઈ ને શૈલી આવી શકે પરંતુ સર્જનાત્મક લેખન માટે જરૂરી પ્રાકૃતિક સંવેગો ન આવે. કોઈએ કહ્યું છે કે જ્યારે કોઈ ભાષાનો લોપ થાય છે ત્યારે સંસ્કૃતિનો એક સાગર સુકાઈ જાય છે.

***

અનુવાદનો મારો સૌથી વધુ સંતર્પક અનુભવ છે, અલબત્ત ‘સંતુ રંગીલી’ નાટકમાં નાયિકાની એકોક્તિ એલેન જેય લર્નર લિખિત એકોક્તિ જસ્ટ યુ વેઇટ એન્રી ઇગિન્સ જસ્ટ યુ વેઇટ. પ્રવીણ જોષી ધરાર આ એકોક્તિ નાટકમાં લાવવા માગતા હતા હાલાંકિ બર્નાર્ડ શોના મૂળ નાટક પિગ્મેલિયનમાં આ કે બીજું કોઈ ગીત નથી. નાટકના સંવાદોનો અનુવાદ તો હું કરી ચૂક્યો હતો અને પ્રવીણ જોષી આ ગીતના અનુવાદ માટે કોઈ ગીતકારની કે કવિની શોધમાં હતા. ત્રણચાર લોકોએ પ્રયત્ન કીધા પણ એમના પ્રયત્નો જોષી સાહેબને નાટક માટે અનુકૂળ ન લાગ્યા. ત્યારે મારી સ્મૃતિ મુજબ વેણીભાઈએ પ્રવીણને કહ્યું કે મધુ પાસે જ લખાવ ને! અને દરમિયાન હું પણ ખાલી ખાલી મનોયત્ન કરતો હતો કે મૂળ નાટકની ફલવાળી બોલે તેવી એકોક્તિ એલેન જેય લર્નરે તો બનાવી કાઢી પણ એવી જ ભોળી, ને એવી જ મિજાજી ને છતાં મિષ્ટ છોકરી ખિજવાય તોય શું બોલે? તે સમયે નવનીતલાલ એન્ડ કંપનીમાં હું કામ કરતો હતો જાહેર ખબર લખવાનું ને બહારથી આવતી જાહેર ખબરોનો તરજુમો કરવાનું. ત્યાં અચાનક પ્રવીણ જોષીનો ફોન આવ્યો, “તું પોતે ટ્રાય કરી જો!” મૂળમાં છે,

Just you wait, ‘enry ‘iggins, just you wait!
You’ll be sorry, but your tears’ll be too late!
You’ll be broke, and I’ll have money;
Will I help you? Don’t be funny!
Just you wait, ‘enry ‘iggins, just you wait!

અને તે જ વખતે મારા મોંમાં આવ્યું,

“તારોયે વારો આવસે હિમાદરી, મારોયે ડંકો વાગસે
તારા ખિચ્ચામાં નૈં હોય પૈ, ને હું ચેકુંમાં કરતી હઈસ સૈ
ને કગરીને માગીસ તું આસરો
ને હું હસી પડીને કૈસ નૈ!”

અને પછી આપોઆપ મૂળને સામે રાખીને મગજમાં જે આવ્યું તે સીધું કાગળમાં ઊતર્યું, છેક અંત સુધી. વચ્ચે ક્યાં લર્નર સાહેબ અંતર્ધ્યાન થઈ ગયા ને ક્યાં ઇલિઝાના સ્થાને સંતુ સવાર થઈ ગઈ ને પછી તો સંતુના નામના સિક્કા પડાવો ને સંતુની ભેરા અસવારી જોડાવો, ઘોડા દોડાવો ને હાથી ડોલાવો, ને સંતુનો ડંકો વાગ્યો.

સંતુનું આ ભોળપણ અને બાલસુલભ કિન્નાખોરીનો ઇશારો મળે છે મૂળ અંગ્રેજીની ઇલિઝા રાજાને કહે છે, “હેય કિંગ!” તેના ઉપરથી. અને ફક્ત તેટલા પરથી ગુજરાતીની સંતુ કહે છે કે “સુધરેલી બોલીમાં ટૌકો કરીને કઇસ, રાજાના વાંહામાં ઘુંબો મારીને કઇસ” અને તે પછી તેને ઇલિઝાની કોઈ પરવા રહેતી નથી, સંતુ કોઈની અનુકૃતિના સ્થાને સ્વતંત્ર નાયિકા તરીકે પેશ આવે છે.

દરેક અનુવાદનું કામ પોતપોતાની ડિમાન્ડ સાથે આવે છે, કોઈ શબ્દસ: તરજુમો માગે છે, ને કોઈ સંતુના કિસ્સામાં બનેલું તેમ ભાવાનુવાદ માગે છે. શબ્દસ: તરજુમામાં અનુવાદકની દખલ બિલકુલ નથી હોતી, ભાવાનુવાદમાં અનુવાદક પણ પોતાનો હિસ્સો આપે છે. સંતુના અનુવાદ વખતે, અથવા કોઈપણ ક્રિયેટીવ કૃતિના ભાવાનુવાદ વખતે હું એવા આડમ્બરથી હાથમાં ચોપડી લઉ છું કે જોર્જ બર્નાડ શોને ગુજરાતી નથી આવડતું, તેથી તેણે ગુજરાતીમાં લખવું હોય તો કેમ લખે?

***

માતૃભાષા એટલે આપણા બાળપણની ભાષા. માતાના ઉદરમાંથી ઉવાં ઉવાં કરતાં, પ્રાવાયુનો પ્રથમ ગ્રાસ કરતાં અવચેતન મનથી જે શીખીએ તે ભાષા. આપણી ઇંદ્રિયો જે જે અનુભવે તે તે આપણી મગજની બેન્કમાં જમા કરીએ તે ભાષા. આપણો જન્મ કરાવનાર દાયણના તંબોળી રંગના દાંત, માળિયાના નળિયાંમાંથી ચૂતો ભેજ, પોળની નીકોમાં દોડતા પાણીનો કોલાહલ અને આપણા પ્રથમ રુદનનો નિનાદ આપણા મનમાં જે ભાષામાં અંકિત થાય તે ભાષા.
હાલ ગુજરાતીઓના મોટા મોટા કબીલા પરદેશ વસે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ગુજરાતી ટાબરો ત્યાંની ભાષામાં મોટાં થાય છે, વાંચે છે, બોલે છે ને લખે છે. અલબત્ત એમની માતૃભાષા ગુજરાતી નહીં પણ તે તે દેશની ભાષા છે, તેમને અંગ્રેજીમાં અનુભૂતિ થાય છે. તે લોકો અંગ્રેજી કે અમેરિકન આબોહવા, ખાણીપીણી અને રીતરસમથી પરિચિત છે. તે લોકો મોટાં થાય અને તેમાંથી કોઈ લેખક બને ને એને કુતૂહલ થાય કે અમારા ગુજરાતી અંકલો ને આન્ટીઓ કેવું સાહિત્ય રચતાં હતાં કે રચે છે, અને તેનો અનુવાદ અંગ્રેજીમાં કરી બતાવે ત્યારે જ તે અંગ્રેજ કે અમેરિકન વાચકોને ભોગ્ય થશે, ત્યાં સુધી આપણે માંહોમાંહે જે કરીશું કે કરાવડાવીશું તે મૂળ લેખનના ઝાંખા પડછાયા હશે.

હાલ જે ભારતીય લેખકો અંગ્રેજીમાં લખે છે તેમની પણ માતૃભાષા અંગ્રેજી છે કેમકે તે અંગ્રેજીમાં ભણ્યા છે, અંગ્રેજીમાં વિચારે છે અને અંગ્રેજી સાહિત્યમાં સ્નાન કરીને ઉત્તીર્ણ થયા છે. એમની શબ્દાવલિ અંગ્રેજી છે. તેમનાં લખાણો અંગ્રેજીની છટાઓનોયથેચ્છ ઉપયોગ કરે છે. એ લોકો કદાચ ભારતીય ભાષાના સાહિત્યનો સંતોષકારક અંગ્રેજી અનુવાદ કરી શકે.

***

આ ઉપરથી સવાલ ઊભા થાય છે કે તો પછી રવીન્દ્રનાથનું શું? એમણે પોતે કરેલા પોતાની કવિતાના અનુવાદ “ગીતાંજલિ”ને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો તેનું શું? એવો જ યશ મળ્યો આઇરિશ નાટ્યકાર સેમ્યુઅલ બેકેટને જે પોતાની માતૃભાષા અંગ્રેજીમાં નહીં પણ ફ્રેન્ચમાં લખતા તેનું શું? અને અનુવાદની લઢણ કેવી રાખવી? ગુજરાતી “નમસ્તે”નો અનુવાદ “નામાસ્ટે” કરવો? કે લખવું, “આઈ બાઉ ટુ યુ”? કે લખવું “ગુડ મોર્નિંગ” કે પછી “ગ્રીટિંગ્ઝ”?

અને ગુજરાતી એટલે કયું ગુજરાતી? ગોવર્ધનરામનું? નવલરામનું? ઉમાશંકરનું? લાભશંકરનું? સુરેશ જોષીનું? શિવકુમાર જોષીનું? ચંદ્રકાંત બક્ષીનું? રામપ્રસાદ બક્ષીનું? રમેશનું, સિતાંશુનું? આદિલનું? પન્ના નાયકનું? પ્રીતિનું? અને કયા પ્રકાશનનું ગુજરાતી શિષ્ટ કહેવાય? મુંબઈ સમાચાર? જન્મભૂમિ? ગુજરાત સમાચાર? દિવ્ય ભાસ્કર? ગુજરાત મિત્ર? કયા સ્થળનું ગુજરાતી શુદ્ધ? ભૂલેશ્વરનું? લાલા વસાની પોળનું? ભવાનીપુરનું? મ્વાંઝાનું? વેમ્બલીનું? ન્યુ જર્સીનું? સંસ્કૃતની છાંટવાળું? હિન્દીની અણસારનું, ઇંગ્લિશની અદાવાળું?

આપણી ભાષા આજે દારૂ પીધેલા વાંદરાની જેમ છાકટી બનીને હિન્દી ડાયલોગ અને બાબુછાપ અંગ્રેજીના બાટલા ચડાવી બેડોળ બની બેઠી છે. એક ગુજરાતી દૈનિકની Ad Free આવૃત્તિનો ગુજરાતી અનુવાદ “જાહેરખબર મુક્ત”ને બદલે થાય છે, “જાહેરખબર મફત”. આપણી રોજિંદી બોલચાલની ભાષા પણ જાણે મિનિટે મિનટે બદલી રહી છે, હિન્દી સિરિયલોના ડાયલોગ અને અધકચરા અંગ્રેજીની બોમ્બવર્ષાવાળું ગુજરાતી આજે સુધરેલું ગુજરાતી ગણાય છે. એક વિજ્ઞાપનનું હેડિંગ હતું, “વ્હોટઇઝ રોન્ગ વિથ મી” ને કોઈ ટ્રાન્સલેટરે તેનું ગુજરાતી કરેલું, મારી સાથે ખોટું શું છે?”

ધરતી ફરે છે તેની જેમ જ અને જિન્દગીની લઢણ પલકે પલકે પલટાઈ રહી છે, ને આજે તાડપત્રમાં કખગ લખાતું તેના સ્થાને કમ્યુટર સ્ક્રીન ઉપર કે મોબાઇલની સ્ક્રીન ઉપર આપણે અંગૂઠો ઊંચો કરીને કોઈની બેબીના ભરતનાટ્યમ્‌ને “લાઈક” કરીએ છીએ ને કોઈના લગ્નના વિડિયોને હાર્ટ શેઇપથી લવ કરીએ છીએ. ભાષા ને લિપિ ને લખાણની પૃષ્ટભૂ સતત બદલાતી રહે છે. ત્યારે અદ્દલ અનુવાદ કેમ કરવો? અસલ લખાણની અનુભૂતિ બીજી ભાષામાં ક્થી પેદા કરવી?

ત્યારે કોઈ સીનિક કહી શકે કે જવા દો જવા દો અનુવાદની વાત. મુઠ્ઠી બંધ છે ત્યાં સુધી કાંઈ આબરૂ છે, એને છતી કરશો તો બેઆબરૂ થશો. હજી હમણાં તો આપણો માન્ય જોડણીકોશ બન્યો છે, ને કોઈપણ બે લેખકો એકસરખી જોડણી કરતા નથી. આપણા પ્રશિષ્ટ ગુજરાતી સાહિત્ય ઉપર સંસ્કૃતનો પ્રચંડ પ્રભાવ છે, અને આધુનિક ગુજરાતી સાહિત્ય તે જગતના આધુનિક સાહિત્યની વાનરનકલથી વિશેષ કાંઈ નથી. આપણાં નાટકો નિર્માલ્ય છે, ને ઇતર સાહિત્ય નામશેષ છે. શાની વાત કરો છો મિસ્ટર? સાહિત્ય કેવું ને વાત કેવી? જ્ઞાતિપત્રકો જેવાં લખાણોનું અંગ્રેજી કરીને અમુક વૃદ્ધોના અહંકારને છકાવવાથી કયા શિખરો સિદ્ધ કરવાના છો? આપણી જોડકણા જેવી કવિતા, ટૂચકા જેવી વાર્તાઓ, ને સોપઓપેરા જેવી નવલકથાઓ અંગ્રેજીમાં નથી આવી ત્યાં સુધી કાંઈ આબરૂ છે. તેનું અંગ્રેજી કરીને દુનિયાની સામે મૂકવાથી આપણે કેવા અભણ છીએ તે છતું થઈ જશે.

એથી આગળ વધીને કોઈ કહેશે કે મૂકો પૂળો ગુજરાતી ઉપર! આવતી કાલની દુનિયાની માતૃભાષા અંગ્રેજી છે, અંગ્રેજી ભણનારને વહેલી નોકરી મળે છે, અંગ્રેજી ભારતની રાજભાષા છે, વેપારની ભાષા છે, ઇન્ટરનેશનલ ભાષા છે, કમ્પ્યુટરની ભાષા છે. કચ્છીઓએ જે કચ્છી છાંડીને ગુજરાતીમાં લખવાનું સ્વીકારી લીધું છે તેમ હવે ગુજરાતીઓએ ગુજરાતી ત્યાગીને અંગ્રેજીમાં લખવાની રિયાલિટી સ્વીકારી લેવી જોઈએ. ગુજરાતીમાં લખીને તેનું અંગ્રેજી કરાવવાની માથાફોડી મૂકીને સીધું અંગ્રેજીમાં જ લખો ને! જેવું આવડે એવું ચીંથરેહાલ અંગ્રેજી લખો, ને ગુજરાતી કૃષ્ણાર્પણ કરો. આવતી કાલના વાચકો અંગ્રેજી જ વાંચશે; આજે સંસ્કૃત કે પાલી કે લેટિનની જે દશા છે તેનાથી અધમ દશા તમારી ગુજરાતીની થવાની છે. વગેરે.

***

ત્યારે સંભવ છે કે કોઈ ગર્વિષ્ઠ શ્રોતા ઊભો થઈને કહેશે કે મારી ભાષા કંગાળ હોય કે તવંગર તે મહત્ત્વનું નથી. મહત્ત્વનું તે છે કે મારી ભાષા મારી છે. કોઈના મહેલ જોઈને હું મારી ઝૂંપડી સળગાવી નહીં નાખું. મારે મારા બાળકનો ફોટો પાડવો છે. મારું બાળક રૂપાળું છે નથી તે વાત જ ખોટી છે. મારા બાળકના રૂપના કારણે નહીં પણ તે બાળક મારું છે તેથી તેનો ફોટો પાડવો છે. તે મારું છે એટલે તે સૌથી સવાયું છે ને સવાયું રૂપાળું છે.

ત્યારે વળી કોઈ સવાઈ ગર્વિષ્ઠ શ્રોતા ઊભું થઈને કહેશે કે કોણે કહ્યું કે મારી ભાષા કંગાળ છે? કે મારું બાળક રૂપાળું નથી? ગુજરાતી લેખકો તેનું રૂપ છતું ન કરી શકે તેથી શું? મારી ભાષા બોલતા લોકોની જીભે તો તેનો જુસ્સો બરકરાર છે. લેખકો તો ખબરપત્રીઓ છે. તેઓ લોકોની વાણી હેવાલ પોતાની કૃતિઓમાં આપે છે. રિપોર્ટરોની કમજોરી કાંઈ લોકોની કમજોરી નથી. મારાં ભાષાજનોએ સૈકાઓથી પ્રભુને ભજ્યા છે. અને પ્રિયજન સાથે શૃંગાર કીધા છે. મારી ભાષામાં મારા વીરપુરુષોએ ધીંગાણાં ખેલ્યાં છે, વિશ્વવાણિજ્યના વેપલા કીધા છે ને દુનિયાના સાગર ઉપર સવારી કરી છે. મારી ભાષાને દેવભાષાનો વારસો છે. ને દુનિયાના અઢારે વરણની બોલીઓનો તેજાનો છે. મારી ભાષાનું કૌવત, મારી બાનીની મીઠાશ, મારી બોલીના ફૂંફાડાના નાગ જેને ડસે તે જાણે કે મારી ભાષા કોઈ બી ભાષા જેટલી બલિષ્ઠ છે.

***

ઓકે, ઓકે, ગગનવાલો ભાષાની સ્તુતિમાં ઘેલો થઈ જાય તે પહેલાં અચાનક તેને ખયાલ આવે છે કે અશોક મેઘાણીએ ઝવેરચંદના સુપુત્ર અશોકકુમારે કરેલા અદભુત અનુવાદનું શું? જે અનુવાદ પાછો તોલ્સતોયની ભાષામાંયે છપાયો છે! અશોકકુમારની વાત જ જુદી છે, માણારાજ, તેમના બ્લડમાં છે અફલાતૂન અનુવાદ, કેમકે પિતાશ્રી હતા ગુજરાતીના ઓલટાઇમ ગ્રેઇટ અનુવાદક!

ગગનવાલાના પિતા સાદા ટીચર હતા, ને પોતાને એવી કોઈ મોટાઈ નથી, પણ કોઈ સુપુત્ર ન હોવાથી એમણે પોતે પોતાની એક નવલકથાનો ઇંગ્લિસ્તાનીમાં અનુવાદ કરેલો છે, જેની ટીવી સીરિયલ બી ઊતરી છે ને ફિલ્મ બી બની છે. કાલે સવારે કોને ખબર માઇ વેરી ગુડ ફ્રેન્ડની લાગવગથી યુનો, અમારી બી લ્યુબ્લ્યુ તેબ્યા બને!*

––––––

*લંડનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત એક ઝૂમ વાર્તાલાપનો (શનિવાર, 06 નવેમ્બર 2021) આ મુસદ્દો મારા અગાઉ પ્રકાશિત લેખોનો સંચય છે. લાઇવ ઝૂમ પ્રસંગે આ લખાણ કેટલાક ફેરફાર ઉમેરા અને બાદબાકી સાથે વંચાયેલો.

લ્યુબ્લ્યુ તેબ્યા એટલે રશિયન ભાષામાં આઇ લવ યુ.

e.mail : madhuthaker@yahoo.com

 

વીડિયો: