“ગાંધી ઈન બૉમ્બે”; “કૉન્ગ્રેસ રેડિયો − ઉષા મહેતા ઍન્ડ ધ અન્ડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન ઑવ્‌ 1942” અને બીજી આનુષંગિક વાતો

ગાંધી અને મુંબઈ

• ઉષા ઠક્કર

મુંબઈના મણિ ભવનથી નમસ્કાર.

સૌ પ્રથમ સંધ્યા (મહેતા) અને મારા તરફથી આ આમંત્રણ માટે યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો આભાર, અને વિપુલભાઈ – કુંજબહેન, પંચમભાઈ અને નીરજભાઈનો વિશેષ આભાર.

મને અને સંધ્યાને ‘ગાંધી અને મુંબઈ’ વિશે વાંચવાનું ગમે, તે વિશે સંશોધન કરવું ગમે. અને તેમાંથી ઉદ્દભવ્યું આ પુસ્તક – ‘ગાંધી ઈન બૉમ્બે – ટૉવર્ડ્ઝ સ્વરાજ’.

મુંબઈ એવું મહાનગર છે જે સદા પ્રગૃત્તિમય રહે છે, નથી જંપતું આ મહાનગર જે અર્થવ્યવસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને તે સાથે ઊંચી ઈમારતો અને ચમકદમકવાળી આ અલબેલી મોહમયી નગરી રાજકીય ચેતનાથી પણ ભરપૂર રહી છે. સ્વાતંત્ર્ય આંદોલનમાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. અને મહાત્મા તથા મુંબઈનો સંબંધ તો અનોખો છે.

આમ તો ગાંધીજી ઇંગ્લાંડ અહીંથી જ ગયા. વકીલાત શરૂ કરવાનો અસફળ પ્રયત્ન પણ અહીં જ કર્યો. તે પછી તે દક્ષિણ આફ્રિકા પણ અહીંથી જ ગયા વિદેશી પોષાકમાં અને પોતાના કાર્યથી પ્રસિદ્ધિ પામી કાઠિયાવાડી પોષાકમાં પાછા ફર્યા 1915માં. ચોક્કસ કહું તો 09 જાન્યુઆરી 1915માં.

હું અહીં ગાંધી અને મુંબઈના સંબંધની આ સમયથી રજૂઆત કરવા માગું છું. 1915 સુધીમાં તો મુંબઈ વ્યાપારધંધાનું કેન્દ્ર બની ગયેલું. આ શહેરમાં ઉર્જા હતી − આર્થિક પરિબળોની, શિક્ષણની સંસ્થાઓ તથા મંડળોની અને નવજાગરણની. ગાંધીમાં શક્તિ હતી − સત્યાગ્રહની, પોતાના અનુભવોની, મૂલ્યોની અને દેશભક્તિની.

મગનલાલ ગાંધી પરના 11 જાન્યુઆરી 1915ના પત્રમાં ગાંધીએ લખ્યું કે, ‘મુંબઈ પહોંચતા જ્યારે કિનારો જોયો ત્યારે હર્ષના આંસુ આવેલાં. હજુ હર્ષઘેલો છું. છતાં મુંબઈ નથી ગમતું. મુંબઈ લંડનનો ઉતાર લાગે છે. તેમાં લંડનની બધી એબો અનુભવું છું, પણ ત્યાંની સગવડોનો મને લાભ નથી મળ્યો, એ પણ હિંદમાં રહેવાનો લાભ છે.’

આ સમયે ગાંધીમાં આત્મવિશ્વાસ અને દેશ માટે કંઈ કરવાની તમન્ના છલોછલ ભરેલા હતા. તેમના માનમાં ઘણા મેળાવડાઓ અને સભાઓનું આયોજન થયું. લોકોને લાગ્યું કે આ વ્યક્તિ કંઈ જુદા પ્રકારની છે. અને ગાંધીજી પોતાની આગવી દૃષ્ટિથી પરિસ્થિતિનું અવલોકન કરવા લાગ્યા. આર્થિક રીતે વિકસિત, બૌદ્ધિક સાધનોથી ભરપૂર અને સામાજિક – સાંસ્કૃતિક વિવિધતાઓથી ભરેલા મુંબઈ શહેરમાં તેમને પોતાનાં કાર્યો માટે કંઈક શક્યતાઓ દેખાઈ અને તેમને આ શહેરનો સુદૃઢ અને સુદીર્ઘ સાથ મળ્યો.

આમ તો ગાંધીજીને શહેરો નહોતા ગમતાં. એક ઠેકાણે તો તેમણે મુંબઈ અને કલકત્તા જેવા શહેરોને real plague spots – મહામારી ફેલાવનારા – ગણાવ્યા છે. 1919 પહેલાં તેમણે સત્યાગ્રહ માટે ચંપારણ, ખેડા અને બારડોલી જેવાં સ્થળો પસંદ કરેલાં. જો કે સત્યાગ્રહનો તખ્તો અમદાવાદ પણ હતો. પણ 1919માં રોલેટ કાયદાના પ્રતિકારમાં થયેલ સત્યાગ્રહનું સ્થળ બન્યું મુંબઈ. અહીં સામાજિક, આર્થિક અને બૌદ્ધિક પરિબળો (તેને કારણે ઉદ્દભવતા પરિબળો) મોજૂદ હતા. રોલેટ કાયદો પ્રજાની સ્વતંત્રતા અને અધિકારો પર ઘણી મર્યાદા લાવતો હતો. આવા કાયદાનો વિરોધ કરવો એટલે બ્રિટિશ સામ્રાજ્ય સાથે સીધો સંઘર્ષ. પણ ગાંધી અને તેમના સાથીઓએ વિચારપૂર્વક સત્યાગ્રહનું આયોજન કર્યું અને સક્રિય થયા.

1919ની 6 ઍપ્રિલે મુંબઈમાં ચોપાટી તટ પર રોલેટ સત્યાગ્રહ છેડાયો. ત્યારે ગાંધી મણિ ભવનમાં તેમના સાથી રેવાશંકર ઝવેરીના મકાનમાં હતા. અહીં મણિ ભવનમાં 1917થી 1934 સુધી ગાંધી આવતાજતા વસવાટ હતો. આ સત્યાગ્રહનું સચોટ વર્ણન 07 ઍપ્રિલના “બૉમ્બે ક્રૉનિકલ”માં અપાયું છે. લોકો સવારથી જ ભેગા થવા લાગેલા. ચોપાટીથી સેન્ડહર્સ્ટ પુલ સુધી લગભગ દોઢેક લાખ લોકો ભેગા થયા. સભા પૂરી થતાં લોકો ચોપાટીથી માધવભાગ ગયા. લોકોમાં એક અદમ્ય શક્તિનો આવિર્ભાવ થયો.

સરકારે ‘હિંદ સ્વરાજ’, રસ્કિનના Unto the Last, અને Defence of Socratesના ગાંધીજીએ કરેલા અનુવાદ અને મુસ્તફા કમાલ પાશાના પુસ્તક The Life and Address of Mustafa Kamal પર પ્રતબંધ મૂકેલો. પ્રતિકારના દિવસે સ્વયંસેવકો તો આવાં પુસ્તકો વેચવાં નીકળેલાં. એક ગાડીમાં ગાંધીજી અને સરોજિની નાયડુ નીકળી પડ્યાં. ચાર ચાર આનાનાં પુસ્તકો 5 – 10 રૂપિયામાં વેચાયાં. એક પુસ્તક તો 50 રૂપિયામાં વેચાયું એવું ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે.

•••

આ સમયે ગાંધીજીને શંકરલાલ બેંકર, ઉમર સોબાની, બેન્જામિન હોર્નિમન અને સરોજિની નાયડુ જેવાં નેતાઓનો સાથ હતો.

07 ઍપ્રિલ 1919ના દિવસે ગાંધીજીએ ‘ઇન્ડિયન પ્રેસ એક્ટ’ના વિરોધમાં અડધા પાનાની, ‘સત્યાગ્રહી’ નામની, એક પત્રિકા પ્રગટ કરી. તેમાં સંપાદક તરીકે ગાંધીજીનું નામ હતું. અને લેબરનમ રોડનું સરનામું હતું. તેમાં જણાવાયેલું કે આ પત્રિકાની કાયદેસર નોધણી (registered) નથી થઈ. માટે તેનું લવાજમ નથી.

આ સત્યાગ્રહ પછી ગાંધીજી સશક્ત નેતા તરીકે રાષ્ટૃના રાજકારણમાં ઉપસી આવ્યા. રાજકારણ વિશેનો તેમનો આગવો દૃષ્ટિકોણ, જુદા જ પ્રકારની રણનીતિ અને જુદા જુદા વૈચારિક પ્રવાહોને એક સાથે લાવવાની ક્ષમતા લોકપ્રિય બન્યા. ફિરોજશાહ મહેતા ને ગોપાળકૃષ્ણ ગોખલેનું નિધન 1915માં થયું. દાદાભાઈ નવરોજીનું મૃત્યુ 1917માં અને બાળ ગંગાધર તિલકનું 1920માં. દેશના રાજકારણમાં શૂન્યાવકાશ થયો ત્યારે ગાંધીજીનો તેમાં પ્રવેશ થયો. 12 ઍપ્રિલ 1919ના પત્રમાં તો ટાગોરે ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધ્યા.

ગાંધીજીના દેશવ્યાપી અસહકાર આંદોલનનો આરંભ થયો મુંબઈમાં 1920માં.ગાંધીજીએ મણિ ભવનથી જ 22 જૂન 1920ના વાઇસરોયને પત્ર લખ્યો કે ‘બધા મુસ્લિમો અને હિંદુઓ બ્રિટિશ શાસનના ન્યાય અને પ્રતિષ્ઠામાંથી વિશ્વાસ ગુમાવી બેઠા છે. એટલે હવે અસહકાર એ જ એક માત્ર બંધારણીય માર્ગ રહે છે.’

•••

01 ઑગસ્ટ 1920ના ખિલાફતના મુદ્દા સાથે સંકળાયેલ આ આંદોલનનો ઔપચારિક આરંભ થયો. ઉપવાસ, હડતાળ અને તિલકના મૃત્યુને દિવસે કાઢેલી શાંતિયાત્રા તેનો ભાગ હતા. મહમ્મદઅલી અને શૌકતઅલી પણ સાથે હતા. અસહકાર સમિતિઓ લોકોને માર્ગદર્શન આપેલું કે હોદ્દા અને માનપત્રો – ચાંદો છોડવા, સરકારી લોન યોજનાઓમાં ભાગીદાર ન થવું, સરકારી વકીલોએ વકીલાત છોડવી, લોકોએ પોતાની તકરારો પોતાની મેળે પતાવવી. સરકારી મિજલસોમાં ન જવું, મેસોપોટેમિયામાં નાગરિક કે લશ્કરી સેવા આપવા ન જવું, સૈન્યમાં અને ખાસ તો તુર્કી ક્ષેત્રોમાં ન જવું, અને સ્વદેશીનો પ્રચાર કરવો.

01 ઑગસ્ટના ગાંધીજીએ વાઇસરોય પર પત્ર લખી પોતાને મળેલા કેસર-એ-હિંદનો ખિતાબ અને સુવર્ણચંદ્રક પાછા આપ્યા.

પ્રોફેસર ભીખુ પારેખના શબ્દોમાં ગાંધીજીની અહિંસક લડતે લોકોનું સશક્તિકરણ કર્યું. એક તરફ તેમનું સંગઠન કરી સામૂહિક પગલાં લેવાનાં નવા માર્ગો ખોલ્યા. અને બીજી તરફ નૈતિક કે ભૌતિક મદદ સ્વીકારવાનો ઈન્કાર કરી દમનકારી શાસનને નબળું પાડ્યું. શાસનનો આત્મવિશ્વાસ હલાવી નાખ્યો અને તેની નિર્બળતા ખુલ્લી કરી.

આંદોલન સાથે વિદેશી કાપડનો બહિષ્કાર અને ખાદી પ્રચાર ગાંધીજીના પ્રમુખ રચનાત્મક કાર્યો રહ્યાં. તેમણે મુંબઈના વેપારીઓ અને નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરી. શહેરમાં પત્રિકાઓ વહેંચાઈ, લોકોને વિદેશી કાપડનો ત્યાગ કરવા અને ખાદી પહેરવા માટે સમજાવાયા. અને વિદેશી કપડાંની પ્રથમ હોળીનું આયોજન પરેલમાં આવેલી સોબાનીની એલ્ફિન્સ્ટન મિલ પાસે 31 જુલાઈ 1921ના રોજ થયું. ગાંધીજીના શબ્દોમાં ‘આજે આપણે આપણા શરીર પરથી એક પાપ દૂર કરી રહ્યા છીએ. પરદેશી કાપડ આપણી ગુલામીની નિશાની છે. એનો ત્યાગ કરીને આપણે આપણી જાતને પવિત્ર બનાવી રહ્યા છીએ … … પરદેશી કાપડ બાળવાની વિધિને હું એક પવિત્ર યજ્ઞ ગણું છું. અને આજે આ પવિત્ર વિધિ મારે હાથે થવાની છે એને હું મારું અહોભાગ્ય સમજું છું.’

લોકો તો સમાતા નહોતા. 10,000 થી 12,000 લોકો ભેગા થયેલા.

વિદેશી કાપડની બીજી હોળી 09 ઑક્ટોબરના તે જ સ્થળે પ્રગટાવવામાં આવી. સરોજિની નાયડુ, લાલા લાજપતરાય, મૌલાના આઝાદ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ઉમર સોબાની જેવાં નેતાઓ હાજર હતાં. 17 નવેમ્બરના ફરી એલ્ફિન્સ્ટન મિલના કમ્પાઉન્ડમાં હોળી થઈ. તે જ દિવસે પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ આવેલા. તેમને આવકારવા ગયેલા લોકો કાઁગ્રેસ અને ખિલાફતના સ્વયંસેવકો સામસામા થયા. તારદેવથી ગિરગામ અને પરેલ રોડના પશ્ચિમ સુધી અશાંતિ વ્યાપી, રમખાણ થયું. વ્યથિત થઈને ગાંધીજીએ 19 નવેમ્બરથી ઉપવાસ શરૂ કર્યા. બધા સાથીઓએ, હિંદુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ તથા પારસીઓએ શાંતિ જાળવવાની ખાતરી આપી, ત્યારે ગાંધીજીએ 21 નવેમ્બરના ઉપવાસ છોડ્યા. આ ઉપવાસ પણ મણિ ભવનમાં થયેલા.

06 ઍપ્રિલ 1919ના રોલેટ સત્યાગ્રહ શરૂ થયેલો અને 13 ઍપ્રિલ 1919માં જલિયાવાલા બાગમાં નિર્દોષોના લોહીની નદી વહેલી. ગાંધીજીએ સૂચવેલું કે આ સપ્તાહને રાષ્ટૃીય સપ્તાહ ગણી આ દિવસો દરમિયાન સત્યાગ્રહ, હિંદુ-મુસ્લિમ એકતા ને સ્વદેશી સંબંધી કાર્યક્રમો યોજાવા જોઈએ. અને મુંબઈના લોકોએ તેમ જ કર્યું.

પછી તો 12 માર્ચ 1930ના દાંડીકૂચનો આરંભ થયો.ગાંધીજીએ દાંડીના તટ પર મીઠું ઉપાડ્યું અને મુંબઈ સક્રિય બન્યું. આ સમયે ગાંધીજી સદેહે મુંબઈમાં હાજર નહોતા. પણ મુંબઈનો પ્રતિસાદ અપૂર્વ હતો. વિલે પાર્લે અને ગિરગામ પ્રતિકારના કેન્દ્રો બન્યાં. જમનાલાલ બજાજ, કિશોરલાલ મશરૂવાળા, ગોકુળદાસ ભટ્ટ, શંકરરાવ દેવ, એસ.ડી. જાવડેકર, કેતકર અને કે.એફ. નરીમાન જેવા નેતાઓ મોખરે હતા.

વરલી, ચોપાટી અને અન્ય સ્થળોએ મીઠું પકવવાના કાર્યક્રમો થયા. 08મી ઍપ્રિલે કાઁગ્રેસ હાઉસની અગાસીમાં ખાસ સિમેન્ટની ચોકીઓમાં મીઠું પકાવાયું.

•••

અવંતિકાબાઈ અને કમલાદેવી આગળ રહેલાં. નરીમાન અને બજાજની ધરપકડ ઉજવવા પછી તો સભાઓ અને સરઘસોની કતાર થઈ. માટે ચોપાટી પર 3૦,૦૦૦ લોકોની સભા ભરાઈ. 13 ઍપ્રિલના રાષ્ટૃીય સપ્તાહના છેલ્લે દિવસે ચોપાટી પર સરઘસ કાઢી 50,000 લોકો ભેગા થયા. ભૂલાભાઈ દેસાઈ, કે.એમ. મુનશી અને મંગળદાસ પકવાસા જેવા વકીલોએ સ્વદેશી આંદોલનને જાહેર સમર્થન આપ્યું. અને 20 ઍપ્રિલના તો ચોપાટી પર જંગી સભા ભરાઈ. સરકારી આંકડા મુજબ 8,000 લોકો હતા, ‘બૉમ્બે ક્રોનિકલ’ના હેવાલ મુજબ એક લાખ હતા. સરોજિની નાયડુ, અવંતિકાબાઈ ગોખલે, કમલાદેવી, કે.એમ. મુનશી અને લીલાવતી મુનશી જેવાં વક્તાઓ હતાં. વડાલામાં સત્યાગ્રહે દેશનું ધ્યાન ખેંચ્યું. 15,000 લોકોએ તેમાં ભાગ લીધેલો.

ગણપતિ ઉત્સવમાં કાઁગ્રસનો ધ્વજ દેખાતો. તો ક્યાંક ગણપતિની મૂર્તિ પર ગાંધી ટોપી પણ દેખાતી.

આ સમય દરમિયાન પ્રભાત ફેરીઓ અને તે સમયે ગવાતાં ગીતો લોકપ્રિય થયાં.’નહીં નમશે, નહીં નમશે નિશાન ! ભૂમિ ભારતનું …’; ‘ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે, શૂરા જાગજો રે, કાયર ભાગજો રે … ડંકો વાગ્યો …’

1930ની હજુ એક વાત કહેવી બાકી છે. વિદેશી કાપડના બહિષ્કાર માટે લોકો પ્રતિબદ્ધ હતા. 12 ડિસેમ્બર 1930ના કાલબાદેવી વિસ્તારમાં બાબુ ગેનુ નામના એક કામદારે વિદેશી કાપડ ભરેલી ટૃકને અટકાવી અને તેને રોકવા માટે આે ઊભો રહ્યો. પણ ટૃક તેને કચડી ચાલી ગઈ. મુંબઈ આ શહાદતથી વ્યથિત બન્યું. શાંતિપૂર્ણ દેખાવો થયા અને તેમાં સ્ત્રીઓ અગળ રહી. દેશ સેવિકા સંઘના એક દુર્લભ અહેવાલમાં જણાવાયું છે કે સ્ત્રીઓએ નિષ્ઠાપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું. પરંપરાઓ તોડી. તેમણે શહીદની અંતિમયાત્રામાં ભાગ લીધો ને શહીદની ચિતાને અગ્નિદાહ આપ્યો.

રાજકીય પ્રવાહો બદલાયા. ગાંધીજી મુંબઈથી 29 ઑગસ્ટ 1931ના ‘એસ.એસ. રાજપૂતાના’ નામની સ્ટીમરમાં ગેળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા. અને ડિસેમ્બરના પાછા ફર્યા. મુંબઈની જનતાએ તેમનું ઉષ્મામભર્યું સ્વાગત કર્યું. ગાંધીજી મણિ ભવનમાં રહ્યા. 04 જાન્યુઆરી 1932ની વહેલી સવારે 03 વાગે અહીંથી તેમની ધરપકડ થઈ. પોલિસ કમિશ્નર જી.એસ. વિલ્સન તેમની ટુકડી સાથે આવેલા.

•••

તેમણે આ ઘટનાનું તાદૃશ વર્ણન કર્યું છે. કેવી રીતે મણિ ભવનના દરવાના ખુલ્લા હતા. નાના જૂથમાં લોકો ઊભા હતા. કેવી રીતે દેવદાસ ગાંધી સાથે તેઓ અગાસી પર ગયા અને ગાંધીને જગાડ્યા. પોલિસ કમિશ્નરે તેમના ખભાને સ્પર્શ કરી તેમને કહ્યું કે તેમની ધરપકડ કરવામાં આવે છે અને તૈયારી માટે અડધો કલાક આપ્યો. મૌન હોવાથી ગાંધીજીએ લખ્યું, બરાબર અડધા કલાકમાં હું તૈયાર થઈ જઈશ. મીરાંબહેને સામાન તૈયાર કર્યો અને સામાનમાં તો શું હોય ? એક શેતરંજી, બે થેલી, ફળોની ટપલી, પગની ચાખડી અને દૂધની શીશી. પ્રાર્થના થઈ. ‘વૈષ્ણવજન તો તેને કહીએ રે …’ ગવાયું અને ગાંધીજી વિદાય થયા.

અને હવે વાત કરીએ 1942ની લડતની − ‘ક્વીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ની, ત્યારે મુંબઈ રાજકીય ચેતનાથી ધમધમતું શહેર હતું. 07 અને 08 ઑગસ્ટના ગોવાળિયા ટેંકના મેદાનમાં − આજના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં − અખિલ હિંદ કાઁગ્રેસ મહાસમિતિનું અધિવેશન ભરાયેલું, જ્યાં ‘ક્વીટ ઇન્ડિયા’નો ઐતિહાસિક ઠરાવ પસાર થયેલો. જવાહરલાલ નહેરુએ તેને મૂકેલો અને સરદાર પટેલે તેને અનુમોદન આપેલું. ગાંધીજીના શબ્દોએ પ્રજામાં નવચેતનાનો સંચાર કર્યો. તેમણે કહેલું કે ‘જે ઘડીએ ગુલામ એમ માને કે હું સ્વાધીન છું, તે જ ઘડીએ તેની જંજીર તૂટી જાણવી.’

અને તેમના ન ભૂલી શકાય તેવા શબ્દો −

‘હું તમને ટૂંકો મંત્ર આપું છું. તેને તમારા હૈયે કોતરી રાખજો અને શ્વાસે શ્વાસે તેનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે – Do or Die – કરેંગે યા મરેંગે. હિંદને કાં તો આઝાદ કરીશું નહીં તો મરી ફીટશું.’ 09 ઑગસ્ટના ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. હવે લોકો પોતે જ પોતાના નેતા બન્યા, નિર્ણયો લેવા લાગ્યા. અને લડત આગળ વધવા લાગી. મુંબઈમાં હડતાળ, સરઘસ અને દેખાવો યોજાવા લાગ્યા. એલ્ફિન્સ્ટન કૉલેજ, રૂઈઆ કૉલેજ, ખાલસા કૉલેજ, વિલ્સન કૉલેજ તથા અન્ય શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉતસાહપૂર્વક લડતમાં ભાગ લીધો. સરકારી ઈમારતોમાં તોડફોડ થઈ, ટેલિફોન – તારનાં દોરડાં કપાયાં, વાહનવ્યવહારમાં અવરોધો મૂકાયા. રેલ માર્ગોની પટ્ટીઓ ઉખાડવામાં આવી. શહેરમાં ગોળીબાર થયો અને થોડી જગ્યાએ બોમ્બ પણ ફૂટ્યા. મુંબઈ પર ઑગસ્ટ ક્રાન્તિનું પૂર ફરી વળેલું. તે સાથે ગાંધીજી પ્રત્યેનો પ્રેમ પણ અકબંધ રહ્યો. ઑક્ટોબરમાં ગાંધીજીના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગાંધી સપ્તાહનું આયોજન કરવામાં આવેલું.

02 ઑક્ટોબર − સંપૂર્ણ હડતાળ
03 ઑક્ટોબર − ત્રિરંગી દિવસ – ધ્વજના રંગ પહેરવાના
04 ઑક્ટોબર − Do or Die દિવસ – પ્રભાત ફેરીઓ
05 ઑક્ટોબર − Quit India દિવસ
06 ઑક્ટોબર − આઝાદ દિવસ
07 ઑક્ટોબર − ધ્વજ વંદન
08 ઑક્ટોબર − સંપૂર્ણ હડતાળ અને પાંચ વાગે પ્રાર્થના
09 ઑક્ટોબર − પ્રજાના પ્રતિસાદ પર આધારિત. ગાંધિજીની ધરપકડને બે મહિના પૂરા

•••

30 જાન્યુઆરી 1948ના દિવસે ગાંધીજીની હત્યા થઈ અને મુંબઈ શોકમાં ડૂબી ગયું. તેમની ચિતા દિલ્હીમાં પ્રગટી ત્યારે મુંબઈના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ સ્નાન કર્યું. ફેબ્રુઆરી 1948માં તેમના અસ્થિકુંભને દર્શન માટે ટાઉન હૉલમાં ખાદીથી આચ્છાદિત સ્થળ પર રાખવામાં આવ્યો. લોકોએ અશ્રુભરી અંજલિ પોતાના લાડકા નેતાને આપી. લોકોના ઘરોમાં રસોઈ ન થઈ. 12 ફેબ્રુઆરીના તેમના અસ્થિને ચોપાટીના દરિયામાં પધરાવવામાં આવ્યા, ત્યારે પાંચ લાખથી વધુ લોકો ભેગા થયેલા. વાતાવરણ મહાત્માના પ્રિય ભજનો, ગીતા અને કુરાનના પાઠ અને અવેસ્તાની પંક્તિઓથી ભરાઈ ગયું.

રચનાત્મક કાર્યો માટે અને ખાદી પ્રચાર માટે મુંબઈ ગાંધી સાથે રહ્યું. અહીં સ્વદેશી અને રાષ્ટૃભાષાને લગતા ઘણા કાર્યક્રમો થયા. બનતા સુધી દેશનો પહેલો ખાદી ભંડાર 1920માં ખૂલ્યો મોરારજી ગોકુલદાસ મારકેટમાં. તેનું ઉદ્દઘાટન ગાંધીજીએ કરેલું.

સ્ત્રીઓનું ગાંધીપ્રેરિત કાર્યોમાં અપૂર્વ યોગદાન રહ્યું. તેમણે ખાદી અપનાવી અને પોતાના ઘરમાં જ ગાંધીવિચારની જ્યોત જલાવી. નાનામોટા વેપારીઓ, દુકાનદારો, દલાલો અને તેમના સંગઠનોએ ગાંધીને સમર્થન આપ્યું. બી.આર. નંદાએ નોંધ્યું છે કે પૈસાદાર કરતાં ગાંધી નાના માણસો પાસેથી વધુ આશા રાખતા અને તેમની આ આશા સફળ થતી. (યુવા પેઢીએ ગાંધીને સાથ આપ્યો. કૉલેજ છોડી, સલામત ભવિષ્યનો વિચાર છોડ્યો, પરિણામની પરવા ન કરી.)

દેશહિત માટે રચનાત્મક કાર્યો માટે ગાંધીજીને જ્યારે પણ ધનરાશિની જરૂર પડી, ત્યારે મુંબઈએ સરસ પ્રતિસાદ આપ્યો. તિલક સ્વરાજ ફંડ માટે ગાંધીજીએ એક કરોડ રૂપિયાની રકમ નક્કી કરેલી, અને સમય હતો 1921ના જૂન મહિનાના અંત સુધી. મુંબઈમાં 1921નું રાષ્ટૃીય સપ્તાહ (06 થી 13 ઍપ્રિલ) આ કાર્ય માટે સમર્પિત રહ્યું. ગાંધીજીને મુંબઈની પ્રજા પાસેથી મોટી આશા હતી અને લોકોએ પણ તેમને નિરાશ ન કર્યા. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કામદારો, કલાકારો, સ્ત્રીઓ અને પુરુષો − બધાંએ યથાશક્તિ ફાળો આપ્યો, જે કુલ 37,50,000 રૂપિયાનો થયો. ગાંધીજીએ 06 જુલાઈ 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખ્યું કે :

‘Bombay is beautiful, not for its big buildings for most of them hide squalid poverty and dirt, not for its wealth for most of it is derived from the blood of the masses, but for its world renowned generosity … Bombay’s charity has covered a multitude of her sins. In respect of the Tilak Swaraj Fund, Bombay has beaten her past records …. She enabled India to keep her promise.’

મુંબઈની જનતાએ જલિયાવાલા મેમોરિયલ માટે, હરિજન ફંડ માટે અને કસ્તૂરબા ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ માટે પણ સારું યોગદાન કરેલું.

મુંબઈ ગાંધીજીના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ સ્થળ બનેલું. 1918ના અંતમાં અને 1919ના આરંભમાં મણિ ભવનમાં રહેલા અને 1944માં ગાંધીગ્રામ જૂહુમાં નરોત્તમ મોરારજીના પ્રાંગણમાં જહાંગીર પટેલે બાંધેલી કુટિરમાં.

29 ઑગસ્ટ 1924 અને 18 ઑપ્રિલ 1931ના બૉમ્બે મ્યુનિસિપલ કોરપોરેશને ગાંધીજીને માનપત્ર આપેલ.

ગાંધી અને મુંબઈનો સંબંધ અર્થપૂર્ણ રહ્યો, સ્નેહપૂર્ણ રહ્યો, મહત્ત્વપૂર્ણ રહ્યો. મુંબઈએ તેમના નેતૃત્વને સ્વીકાર્યું અને યોગ્ય પ્રતિસાદ આપ્યો. મુંબઈના નામી – અનામી દેશપ્રેમીઓનું અનેરું યોગદાન હતું. સત્યાગ્રહમાં સભાઓ યોજવામાં, સરઘસ કાઢવામાં, રચનાત્મક કાર્યોમાં, પ્રભાત ફેરીઓ અને મિટિંગો યોજવામાં અને દૈનિક જીવનમાં ગાંધીવિચારનાં તત્ત્વોનો સમાવેશ કરવામાં.

ગાંધીએ મુંબઈને નવી દિશા આપી, નવી ઉર્જા આપી.

ગાંધી અને મુંબઈને એકબીજાને સાથ હતો. આઝાદી મેળવવા માટે તેઓ રાહ શોધતા ગયા, પામતા ગયા અને ધ્યેય માટે આગળ વધતા ગયા.

મણિ ભવનનો અને ગાંધીનો ખાસ સંબંધ રહ્યો. 1917થી 1934 સુધી, જ્યારે પણ મુંબઈ આવ્યા ત્યારે અહીં જ રહ્યા. અને અહીંથી રાજકીય પ્રવૃત્તિઓ કરી.

અને આ ઇતિહાસની − આ સંબંધની થોડીક ઝલક હવે બતાવશે સંધ્યાબહેન મહેતા સ્લાઇડ્ઝ દ્વારા. ગાંધીજીને મુંબઈમાં આપણે જોયું તેમ ઘણા નેતાઓનો સાથ મળ્યો. અને તે સાથે રસપ્રદ વાત તો એ છે કે ઘણાં સ્થળોને તથા ખૂલી જગ્યાઓને તેમણે રાજકીય રંગ આપ્યો, – જેમ કે મોરારજી ગોકલદાસ હૉલ, મુઝફરાબાદ હૉલ, કાઁગ્રેસ હાઉસ, મણિ ભવન અને ચોપાટી તટ, જૂહુ તટ, શાંતારામ ચાલ અને ફ્રેન્ચ બ્રિજ પાસેની જગ્યાઓ, ગોવાળિયા ટેંક મેદાન, વગેરે.

Mani Bhavan Gandhi Sangrahalaya, Mani Bhavan, 19 Laburnum Road, Gamdevi, MUMBAI – 400 007

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની શનિવાર, 02 ઑક્ટોબર 2021ની વર્ચૂઅલ બેઠકમાં રજૂ કરાયેલું વક્તવ્ય.]

મુદ્રાંકન : વિપુલ કલ્યાણી

 

* * * * *

 

કાઁગ્રેસ રેડિયો

• ઉષા ઠક્કર

આપણે હમણાં જે તસવીર જોઈ તે 1942ની લડતની એક તેજસ્વી ક્રાતિશીખા ઉષાબહેન મહેતાની હતી. તેમણે અને તેમના સાથીઓએ મુંબઈમાં 1942માં ભૂગર્ભ રેડિયો ચલાવેલો.

હું તેમને મળી 1966ની આસપાસ. મુંબઈ મારા માટે નવું હતું, અને હું મુંબઈ માટે. પીએચ.ડી. કરવાની મને ઘણી ઇચ્છા અને પ્રૉફેસર તરીકે ઉષાબહેન પ્રખ્યાત હતાં. હું તેમને મળી, અને મેં પીએચ.ડીનું કામ શરૂ કર્યું. ત્યારે મને કોઈક લોકો પૂછતા કે તમારા પીએચ.ડી. માટેના ગાઈડ કોણ છે ? અને હું ઉષાબહેનનું નામ કહેતી. પ્રત્યુત્તરમાં મને કેટલા ય લોકોએ કહ્યું છે કે ‘ઉષાબહેન ! રેડિયોબહેન ! બહુ સરસ !’ અને મને સમજાતું ગયું કે આ સૌમ્ય અને મૃદુ સ્વભાવનાં પ્રૉફેસર એક પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની પણ છે. પછી તો અમારો સંબંધ ઘનિષ્ટ થયો. મને તેમનો દાયકાઓ સુધી સ્નેહભર્યો સાથ મળ્યો.

હું તેમને કાઁગ્રેસ રેડિયો વિશે પ્રશ્નો પૂછતી અને આ વિશે તેમને લખવા કહેતી. તેમનો શાંત પ્રતિભાવ રહેતો − મારે જે કરવાનું હતું, મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. અને તે દિવસોની યાદમાં તે ખોવાઈ જતાં. પછી પોતાની પ્રિય પંક્તિઓ – કવિ વર્ડ્ઝવર્થની − ગણગણતાં :

Bliss it was in that dawn to be alive
But to be young was very heaven.

અને પછી મેઘાણીની પણ :

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે.

નાનપણથી જ ઉષાબહેન દેશપ્રેમના રંગમાં રંગાયેલાં. નાની ઉંમરે ગાંધીજીના પ્રભાવમાં આવી ખાદી પહેરવાની શરૂ કરી અને આજીવન પહેરી. પત્રિકાઓ વહેંચી. સૂત્રો પોકાર્યાં. અને પ્રભાત ફેરીઓમાં ભાગ લીધો. તે પછી મુંબઈમાં રચનાત્મક કાર્યો તથા રાષ્ટૃભાષા પ્રચારનાં કામમાં જોડાયેલાં. વિલ્સન કૉલેજમાં તો તેમના રાષ્ટૃપ્રેમને સમર્થન આપતું વાતાવરણ મળ્યું.

અને પછી 1942નો ઑગસ્ટ મહિનો અને મુંબઈનું રાજકીય ઉત્તેજના અને રાષ્ટૃપ્રેમથી ભરપૂર વાતાવરણ. મિટિંગો અને સભાઓની તો કતાર લાગી હતી. ઉષાબહેન અને તેમનાં મિત્રો 02 ઑગસ્ટના સરદાર પટેલનું ચોપાટી પર થયેલું ભાષણ સાંભળવા ગયેલાં. પચાસ હજારની મેદનીને સરદારે કહેલું કે આ ગાંધીજીની છેલ્લી લડત છે. આ ભાષણે ઊષાબહેનના મન પર ઊંડી અસર કરેલી. અને તે પછી ઉષાબહેન અને સાથીઓ 07 અને 08 ઑગસ્ટના ઑલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીના અધિવેશનમાં ગયેલાં. તેમના મનમાં દેશભક્તિની જ્યોત તો હતી જ, હવે વધુ પ્રજ્વળિત થઈ. ગાંધીજીના શબ્દો અને તેમનો Do or Die-નો સંદેશ તેમનાં હૃદય પર કોતરાઈ ગયો.

તે સમયે સમાચારોના પ્રસારણ પર અનેક પ્રતિબંધ હતા. Press Ordinances લાગુ હતા અને સરકારને મદદ કરવા National War Frontની પણ સ્થાપના થઈ ચૂકેલી. ઉષાબહેન અને તેમના સાથીઓએ નક્કી કરેલું કે કંઈક તો કરવું જ છે. તેમણે વિચાર કર્યો કે માહોલ તો રાષ્ટૃીયતાથી ભરેલો છે. લોકો લડતના સમાચાર જાણવા આતુર છે. જરૂર છે લોકો સુધી વિશ્વસનીય સમાચાર પહોંચાડવાની. બ્રિટિશ શાસન તરફથી અપાતા સમાચાર પર લોકોને વિશ્વાસ નહોતો. આવા સંજોગોમાં આ જૂથને થયું કે આપણો જ એક રેડિયો શરૂ કરીએ જે લોકોને સાચા સમાચાર આપી શકે. આજે રેડિયોનું એટલું મહત્ત્વ ન લાગે, પણ 1942માં અને ખાસ તો બીજા વિશ્વયુદ્ધ સમયે રેડિયો મહત્ત્વપૂર્ન સંચાર માધ્યમ બની ગયેલો.

વિચાર તો અવનવો અને આકર્ષક હતો. પણ તેને મૂર્ત સ્વરૂપ કેવી રીતે આપવું ? રેડિયો કેવી રીતે શરૂ કરવો ? કયા સાધનો જોઈએ ? અને નજર સમક્ષ આવ્યા આવા પ્રશ્નો અને પડકારો. વિઠ્ઠલદાસ ઉર્ફે બાબુભાઈ ખખ્ખર, ઉષાબહેન મહેતા, રવીન્દ્ર મહેતા અને અન્ય સાથીઓ આ બાબતમાં વિચારવા લાગ્યાં. સૌથી મોટો અવરોધ હતો ટેકનિકલ સહાયનો. ભૂગર્ભ રીતે સરકારથી વિરુદ્ધ રેડિયો બનાવવામાં કોણ મદદ કરે ? બાબુભાઈ અને રવીન્દ્ર મહેતા નરીમાન આદરબાદ પ્રિન્ટર નામના એક ટેકનિશિયનને ઓળખતા હતા. તે ભાયખલા પરના બૉમ્બે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલો હતો. તેની સામે થોડાઘણા કેસ પણ હતા. તેની પાસે ટૃાન્સમિટરના થોડા પાર્ટ્સ હતા જે તેણે સરકારથી છુપાવીને પોતાની પાસે રાખી મૂકેલા. બાબુભાઈએ તેનો સંપર્ક કર્યો. બન્નેએ અન્ય આવશ્યક પાર્ટ્સ ખરીદ્યા. અમે પ્રિન્ટરે રેડિયો બનાવવાની શરૂઆત કરી.

પ્રિન્ટરના ઘરમાં જ એ અંગેના થોડા અખતરા થયા, અને સફળ થયા. થોડા દિવસો પછી પ્રિન્ટરે પોતાના ઘરમાં ટૃાન્સમિટર રાખવાની અનિચ્છા દર્શાવી.

•••

અને હવે શરૂ થાય છે કાઁગ્રેસ રેડિયોની યાત્રા – તેની દિલધડક દાસ્તાન. તેમાં સાહસ છે. ગુપ્ત બાતમી છે. રોમાંચ છે. અને બધાને આવરી લેતી દેશભક્તિ છે. સ્વતંત્રતાની અદમ્ય ઇચ્છા છે.

ઉષાબહેન, બાબુભાઈ અને સાથીઓ સામે અનેક પ્રશ્નો હતા. રેડિયો માટે એવું સ્થળ જોઈએ જેના પર લોકોને કોઈ સંદેહ ન થાય કારણ કે સરકારને પડકાર આપતો આ રેડિયો ગુપ્ત રખાવો જોઈએ. તે સાથે વિશ્વસનીય સમાચાર મેળવીને લોકો સુધી પહોંચાડવા આવશ્યક હતા, માટે આ કામ તો કરવું જ જોઈએ.

આ જૂથે એક જગ્યા શોધી – ચોપાટી પર Sea View બિલ્ડિંગ. મકાનમાલિક પાસે બાબુભાઈ, ઉષાબહેન અને પ્રિન્ટર ગયેલાં. તેમને ભાડૂત તરીકે એક બનાવટી નામ આપ્યું − કેશવલાલ છગનલાલ અને જણાવ્યું કે આ જગ્યા જામનગરથી આવનાર તેમના કાકા માટે જોઈતી હતી. અને 26 ઑગસ્ટથી આ જગ્યા ભાડે લીધી.

‘સી વ્યૂ’થી કાઁગ્રેસ રેડિયો 10 સપ્ટેમ્બરના વાલકેશ્વર વિસ્તારમાં ‘રતન મહાલ’માં ખસેડાયો, અને 25 સપ્ટેમ્બરના ગામદેવી વિસ્તારમાં ‘અજીત વીલા’માં. 02 ઑક્ટોબરના કાઁગ્રેસ રેડિયોના જૂથે જગ્યા શોધી સેન્ડહર્સ્ટ રોડ પર ‘લક્ષ્મી ભુવન’માં. ફરી સી.આર. ઠાકોર જેવું બનાવટી નામ અપાયું. સાચાં નામે જગ્યા ભાડે લેવામાં જોખમ હતું. કારણ તેમ કરવાથી પોલિસ માટે તેમને પકડવાનું આસાન થાય.

અને આ બધી વાતો પાછળથી પોલિસની તપાસમાં, આ જગ્યાઓ સંબંધી સાક્ષીઓની જુબાનીમાં અને છેવટે ચુકાદામાં પ્રગટ થઈ.

‘લક્ષ્મી ભુવન’થી કાઁગ્રેસ રેડિયોના પ્રસારણનો મહત્ત્વપૂર્ન તબક્કો શરૂ થયો. આ સમયથી કાઁગ્રેસ રેડિયોને ડૉ. રામ મનોહર લોહિયા અને અન્ય નેતાઓનું સમર્થન મળેલું. ઉષાબહેને કહેલું કે ડૉ. લોહિયાએ આ જૂથનો સંપર્ક કર્યો, તેનાં સભ્યોને મળ્યા, તેમનાં કામને વખાણ્યું અને આર્થિક જવાબદારી તેમ જ સમાચાર બુલેટિન તથા તેમના અને જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન જેવા નેતાઓનાં ભાષણો આપવાની જવાબદારી પણ લઈ લીધી. હવે બ્રૉડકાસ્ટિંગનું કામ રેકોર્ડિંગનાં કામથી છૂટું કરવામાં આવ્યું. ‘હિંન્દુસ્તાન હમારા …’ અને ‘વંદે માતરમ્‌’ની રેકર્ડનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. પણ સમાચાર એટલી સ્પષ્ટ રીતે નહોતા સાંભળી શકાતા. આ સમયથી વિઠ્ઠલભાઈ ઝવેરીની અગત્યની ભૂમિકા રહી. તે પ્રોગ્રામની રેકર્ડ કરીને આપવા લાગ્યા.

આ સમયથી ટૃાન્સમિટર સબળ બનવાને કારણે મિટર બદલાયું. ઉષાબહેન આનંદભેર ગૌરવથી કહેતાં કે ‘This is Congress Radio calling on 42.34 meters from somewhere in India. ઍનાઉન્સ કરવામં જુદી જ મજા હતી. અને સુચેતા કૃપલાણીનાં સંપર્કમાં રહેતાં. તેઓ મુંબઈના એ.આઈ.સી.સી.ના ચાર્જમાં હતાં. ઘણી વાર ડૉ. લોહિયા ભાષણો લખતા. અચ્યુત પટવર્ધન પણ લખતા અને ક્યારેક હું પણ લખતી. સમાચાર સાથે ભાષણો તો રહેતા જ. તે સાથે સમાજના જુદાજુદા વર્ગો માટેની ખાસ અપીલ અને માર્ગદર્શન પણ રહેતાં. લખનારાઓ અને બોલનારાઓમાં મુખ્ય હતા – ડૉ. લોહિયા, અચ્યુત પટવર્ધન, મોઈનુદ્દીન હેરિસ, કુમી દસ્તૂર (જે પાછળથી કમલ વૂડ બન્યાં), કે.એ. અબ્બાસ અને હું.’

ઉષાબહેન, બાબુભાઈ અને સાથીઓની તીવ્ર ઇચ્છા હતી કે ટૃાન્સમિટરને વધુ શક્તિશાળી બનાવવામાં આવે. બાબુભાઈએ આ માટે ઘણો પ્રયત્ન કર્યો અને શિકાગો રેડિયો કંપનીના નાનક મોટવાની સાથે સંપર્ક થયો. થોડા નવા પાર્ટ્સ મળ્યા. પ્રિન્ટરે તેમને બરાબર બેસાડ્યા અને બ્રૉડકાસ્ટિંગ વધુ સારું થવા લાગ્યું.

ત્યાં તો ફરી પાછો રેડિયો સ્ટેશન બદલવાનો સમય થયો. એક જ જગ્યાએ વધુ સમય રહેવામાં જોખમ. પોલિસ તો પાછળ જ હતી. રખે ક્યાંક પકડી પાડે. હવે ગિરગામ બેક રોડ પર પારેખવાડીના પાંચમે માળે 103-106 નંબરના રૂમવાળી જગ્યા પસંદ થઈ. મહેતાએ મોહનલાલ દેસાઈના ખોટા નામથી જગ્યા 15 ઑક્ટોબરથી ભાડે લીધી અને કહેવાયું કે તેમના કાકા જામનગરથી 8-10 દિવસ પછી આવવાના હતા.

27 ઑગસ્ટથી 12 નવેમ્બર સુધી કાઁગ્રેસ રેડિયોનું પ્રસારણ ચાલેલું. ફક્ત 15-16-17 ઑક્ટોબરના તે બંધ રહેલું. કારણ ટૃાન્સમિટરને વધુ અસરકારક બનાવવાનું હતું.

આ સમયમાં કાઁગ્રેસ રેડિયોના જૂથે પાંચ સ્થળોએથી તેનું પ્રસારણ કર્યું અને છઠ્ઠી જગ્યાએ જાય તે પહેલાં પોલિસે તેમને પકડી પાડ્યા.

પ્રિન્ટર, મિરઝા અને મહેતાએ એક બિસ્તરો, એક હેટ બોક્સ, બે સૂટકેસ અને પાણીની બોટલ ખરીદીને રાખેલ. જેથી આ સામાન બધી જગ્યાએ લઈ જવાય અને બહારગામથી આવતા મુસાફરો જેવો દેખાવ લાગે. ટૃાન્સમિટર અને અન્ય વસ્તુઓ તો બાબુભાઈની ગાડીમાં લઈ જવાતાં.

પારેખવાડીમાંના થોડા દિવસો પછી મહાલક્ષ્મી મંદિર પાસે વોર્ડન રોડ પર ‘પેરેડાઇઝ બંગલો’ (23 ઑક્ટોબરથી) ભાડે લેવાયેલો, એસ.બી. પંડ્યાના ખોટા નામે. (કબજો 03 નવેમ્બરના લેવાયેલો.) પણ ત્યાં જવા પહેલાં જ પોલિસ પારેખવાડી પહોંચી અને 12 નવેમ્બરના ઉષાબહેન અને ચન્દ્રકાન્તભાઈ ઝવેરી કાર્યક્રમ ચલાવતા હતાં, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી.

આમ જોઈએ તો આ ધરપકડ ઓચિંતી જ થઈ તેમ નહોતું. ઇન્સ્પેક્ટર ઑફ પોલિસ, સીઆઈ.ડી., સ્પેશિયલ બ્રાન્ચ ગણેશ કેશવ કોકજે આ ભૂગર્ભ રેડિયો પકડવા પાછળ પડેલા. તેમણે આ રેડિયો સંબંધિત થોડાંઘણાં સૂત્રોનું સંધાન કરેલું. ઑક્ટોબરના મધ્ય ભાગમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મેન્યુઅલ ફર્ગ્યુસને કોકજેને કહેલું કે કાઁગ્રેસ રેડિયો ચોપાટીથી સી.પી. ટેન્ક સુધીના ક્ષેત્રમાં છે.

12 નવેમ્બરના દિવસે ઉષાબહેન અને ચન્દ્રકાન્તભાઈ બાબુભાઈની ઓફિસે હતાં. ત્યારે જ બાબુભાઈની ધરપકડ કરવા કોકજેએ મોકલેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑફ પોલિસ, સી.આઈ.ડી. દીનાનાથ કૃષ્ણરાવ પેડનેકર અને પોલિસ આવેલા. તે સમયે પ્રિન્ટર પણ ત્યાં જ મોજૂદ હતા. તેમને પણ પકડી લેવાયા. ત્યારે ઉષાબહેને બાબુભાઈને પૂછ્યું કે ‘હું ડૉક્ટરને માની તબિયત વિશે શું કહું ?’ અહીં સમજવાનું કે ડૉક્ટર એટલે ડૉક્ટર લોહિયા અને મા એટલે ટૃાન્સમિટર. બાબુભાઈએ પણ ચતુરાઈથી જવાબ આપ્યો, ‘મને ખબર છે કે મા સિરિયસ છે, પણ મારાથી તો આજે નહીં આવી શકાય. ડૉક્ટર જ નક્કી કરી લે કે પ્રિસ્ક્રિપ્શન બદલવાનું છે કે એ જ દવા ચાલુ રાખવાની છે. બાબુભાઈએ પોલિસને સમજાવ્યું કે આ પાડોશીની દીકરી છે, કોઈ વાર મદદ માટે આવે છે.

ઉષાબહેન અને ચન્દ્રકાન્તભાઈ સિફતથી ત્યાંથી નીકળી ગયાં. ઉષાબહેન જ્યાં રેકોર્ડિંગ થતું ત્યાં ગયાં. ડૉ. લોહિયા સાથે વાતો કરી અને નક્કી થયું કે ‘શૉ મસ્ટ ગો ઑન’. તે પછી ઉષાબહેન ઘેર ગયાં. માને કહી નીકળી પડ્યાં પારેખવાડી જવા, રેડિયો કાર્યક્રમ આપવા − કર્તવ્ય પથ પર અગ્રસર.

ઉષાબહેનના શબ્દોમાં તો ‘અમે disciplined soldiers જેવાં હતાં.’ જ્યારે તે બ્રૉડકાસ્ટિંગ માટે જતાં હતાં ત્યારે તેમના ભાઈ, ચન્દ્રકાન્તભાઈ બોલ્યા : હું તમને વાઘના મોઢામાં એકલાં કેમ જવા દઉં ?અને તે પણ સાથે આવ્યા. આખો પ્રોગ્રામ પૂરો કરી જ્યારે ઉષાબહેન ‘વંદે માતરમ્‌’ની રેકર્ડ મૂકી ત્યારે પોલિસની મોટી ટૂકડી આવી પહોંચી. તેમની સાથે તેમનો ટેકનિશિયન પ્રિન્ટર હતો. તેણે જ આ જગ્યા બતાવી, તે પોલિસ સાથે થઈ ગયેલા. ઉષાબહેનને પોલિસે ‘વંદે માતરમ્‌’ બંધ કરવા કહ્યું. પણ ઉષાબહેને કહ્યું કે આ અમારું રાષ્ટૃગીત છે. બંધ નહીં થાય. બધા અટેન્શનમાં ઊભા રહો. અને માનશો ? બધા ઊભા રહ્યા. ત્યાં તો ફ્યૂઝ ગયો. વીજળી ગઈ. લાલટેન મંગાવવા પડ્યા. પંચ બોલાવવામાં આવ્યા. ધરપકડની કાર્યવાહી પૂરી થઈ. જ્યારે ઉષાબહેન ચન્દ્રકાન્તભાઈ સાથે સીડી ઊતરતાં હતાં, ત્યારે દરેક પગથિયે એકએક પોલિસ ઊભો હતો. શાંતિથી ઉષાબહેને ચન્દ્રકાન્તભાઈને કહ્યું કે, ‘ભાઈ, આજે તો આપણને ‘ગાર્ડ ઑફ ઓનર’ મળે છે, અને તે પણ રાયફલવાળા પોલિસો પાસેથી !’ ચન્દ્રકાન્તભાઈએ પણ સ્વસ્થતાથી કહ્યું, ‘હા, આજનો દિવસ યાદગાર છે.’

પોલિસે ત્યાંથી ચાલુ સ્થિતિમાં ટૃાન્સમિટર, ફિલિપ્સ વાયરલેસ સેટ, 120 ગ્રામોફોન રેકર્ડ્સ, એક બેડીંગ, એક હેટ બોક્સ અને એક સૂટકેસ કબજે કર્યાં.

પછી તો સરકાર દ્વારા ‘સ્પેશિયલ ક્રિમિનલ કોર્ટ ઍર્ડિનન્સ, 1942’ હેઠળ નિમાયેલી સ્પેશિયલ જજની કોર્ટમાં કેસ દાખલ કરાયો. સ્પેશિયલ જજ એન.એસ. લોકુર હતા. 22 ઍપ્રિલ 1943ના વિઠ્ઠલદાસ ઉર્ફે બાબુભાઈ ખખ્ખર, વિઠ્ઠલદાસ ઝવેરી, ઉષા મહેતા, ચન્દ્રકાન્ત ઝવેરી અને નાનક મોટવાની સામે આરોપ મુકાયો, સરકાર સામે ક્રિમિનલ કૉન્સ્પીરસી કરવાનો. ઇન્ડિયન પીનલ કૉડ, ટેલિગ્રાફ એક્ટ અને ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ્સના સંદર્ભો અપાયા. ગંભીર ગુનાઓની યાદી બની − ગેરકાયદે વાયરલેસ ટૃાન્સમિટર રાખવું અને ચલાવવું, સરકાર વિરુદ્ધ સમાચાર પ્રસારણ કરવા અને સરકાર સામે અસંતોષ ફેલાવવો, યુદ્ધ માટેનાં કાર્યોમાં ખલેલ પાડતી કામગીરી કરવી, લોકોને સરકારના કર અને જમીન મહેસૂલ ન આપવા માટે પ્રેરિત કરવા, લોકોનો રાષ્ટૃીય ધીરાણ અને સરકારી ચલણી નોટ પરથી વિશ્વાસ ઓછો કરવો અને બ્રિટિશ હિંદની અને પ્રજાની સુરક્ષા અંગેની કાર્યવાહી પર વિપરીત અસર કરવી.

બન્ને પક્ષે પ્રખ્યાત વકીલો હતા. સરકાર તરફથી હતા સોહરાબ ડી. વીમાદલાલ અને સી.બી વેલકર, instructed by Public Prosecutor N.K. Petigara. બચાવ પક્ષે પણ પ્રખ્યાત નામો હતા. ઉષાબહેન તરફથી એસ.આર. તેંડોલકર અને એમ.એમ. જપે હતા. વિઠ્ઠલભાઈ ઝવેરી તરફથી કે.એમ. મુનશી હતા અને નાનક મોટવાની તરફથી એમ.સી. સેતલવડ. બીજા કાનૂનવિદ્દો પણ હતા.

બચાવ પક્ષના વકીલોએ તર્કબદ્ધ દલીલો કરી. એવું દર્શાવવા પ્રયત્નો કર્યા કે પોલિસ જેના સમાચાર સાંભળતી અને રિપોર્ટ્સ લખતી હતી તે આ ટૃાન્સમિટર નહોતું. વળી, ટૃાન્સમિટર પર લગાડેલા ‘ક્રિસ્ટલ’ની ફ્રિક્વન્સી પણ જુદી હતી, [7075] જે શાહીથી લખવામાં આવેલી. અને રેકર્ડ્સ તો પાછળથી પણ મૂકી દેવાઈ હોય. પણ ન્યાયાધીશને આ દલીલો માન્ય નહોતી. એટલું જ નહીં પારેખવાડીમાંથી જે 120 રેકોર્ડ્સ મળેલી, તેમાંથી 35 તો પોલિસે મોનિટર કરેલા રેડિયો બુલેટિનના રિપોર્ટ સાથે મેળ ખાતી હતી. પોલિસે 09 ઑક્ટોબરથી 02 નવેમ્બર સુધીના કાઁગ્રેસ રેડિયોના પ્રસારિત કાર્યક્રમોની ખાસ માણસો દ્વારા પૂરી નોંધ બનાવેલી.

પોલિસે અને ઇન્સ્પેક્ટર કોકજેએ કાઁગ્રસ રેડિયોના ઉપયોગ માટે ભાડે લેવાયેલી બધી જગ્યાઓનું પગેરું શોધી માહિતી ભેગી કરી લીધેલી.

માઇક્રોફોન – એમ્પલિફાયર તથા ફિલિપ્સ રેડિયો પણ ક્યારે લેવાયા તેની વિગતો ભેગી કરી લીધેલી. અને પ્રિન્ટર તો તાજનો સાક્ષી બની ગયેલો. તેણે (તથા તેના સાથીદાર મિરઝા) કાઁગ્રેસ રેડિયોના બધા રહસ્યો ખોલી દીધેલા. રવીન્દ્ર મહેતા, બિપીન ઈનામદારની જુબાનીમાં પણ થોડા તથ્યો બહાર આવ્યા. બાબુભાઈ સામે સજ્જડ પુરાવા મળ્યા. અને ઉષાબહેન તથા ચન્દ્રકાન્તભાઈ ઝવેરી તો સમાચાર પ્રસારણ કરતાં જ પકડાયેલા.

ચુકાદામાં નોંધાયું છે કે ઉષાબહેન તો આરંભથી જ આ કોન્સ્પિરસીમાં − ષડયંત્રમાં − જોડાયેલાં અને તેમાં તેમણે સક્રિય ભાગ લીધેલો. ઉષાબહેને પણ જાતને બચાવવા કશું ન કહ્યું. તેમને પૂછવામાં આવેલું કે તમારી વિરુદ્ધ જે પુરાવા ભેગા થયેલ છે, તે માટે તમારે કંઈ કહેવું છે ? ઉષાબહેનનો જવાબ રહ્યો, કશું નહીં. પ્રશ્ન પૂછાયેલો – So do you want to make any statement in your own defence ? ફરી શાંત અને દૃઢ જવાબ હતો, No. વર્ષો પછી તેમણે કહેલું કે દેશની સ્વતંત્રતા પ્રાપ્તિ માટેનું કાર્ય ક્યારે ય ગુનો ન કહી શકાય.

જે 35 રેકોર્ડ્સ પોલિસ મોનિટરીંગ રિપોર્ટ્સ સાથે મેળ ખાતી હતી, તેમાંથી બે તો ઉષાબહેનના અવાજમાં ઓળખવામાં આવી. તત્કાલીન મધ્ય પ્રદેશના ચિમુર ગામમાં બ્રિટિશ સૈનિકોએ ગામના માણસો પર અત્યાચાર કર્યો અને સ્ત્રીઓ પર બળાત્કાર કરેલો. આ સમાચાર સૌથી પહેલાં કાઁગ્રેસ રેડિયોએ આપેલા એવું ઉષાબહેન કહેલું અને આ બનાવની વિગતો આપતી રેકોર્ડ પણ ઉષાબહેનના અવાજમાં હતી. સ્ત્રીઓ પર થતા અન્યાય સામે ઉષાબહેનનો અવાજ સદાય બુલંદ રહ્યો. અમે તેમને કેટલી ય મિટિંગો અને સભાઓમાં જુસ્સાથી બોલતાં સાંભળ્યાં છે.

ન્યાયાધીશે સ્વીકારેલું કે ઉષાબહેન રેડયો માટે માઇક્રોફોન પર તો અવારનવાર બોલતાં. તેમણે એમ નોંધ્યું કે ઉષાબહેને જાતને બચાવવા માટે કોઈ અસત્યનો સહારો નથી લીધો. અને તે માટે ‘She desereves all the credit for refusing to state a falsehood to save herself.’

બાબુભાઈ તો આ સાહસમાં પહેલેથી જ જોડાયેલા હતા. અને તેના પુરાવાઓ મળ્યા. બે રેકોર્ડ પરના લેબલ પણ તેમના અક્ષરોમાં લખેલા હતા. કેસની સુનાવણી જલદી થઈ અને ચુકાદો પણ 14 મે 1943ના આવી ગયો. બાબુભાઈને પાંચ વર્ષની સખત કેદ થઈ અને ઉષાબહેનને ચાર વર્ષની સખત કેદ. ચન્દ્રકાન્તભાઈને એક વર્ષની સખત કેદની સજા થઈ.

વિઠ્ઠલભાઈ ઝવેરી પર એ.આઈ.સી.સી. સમયે ગવાયેલા ‘હિન્દુસ્તાન હમારા …’ ગીતની રેકોર્ડ બનાવવાનો આરોપ અને રેકોર્ડ પર લેબલ લખવાના આરોપ સાબિત ન થયા. તે ટૃાન્સમિટર બનાવતા હતા તેવું પણ કહેવાયેલું, પર તેના પુરાવા ન મળ્યા. માટે છૂટી ગયા.

નાનકભાઈ પરના કાઁગ્રેસ રેડિયો માટે ‘ક્રિસ્ટલ’ આપવાના, રેકોર્ડિંગ મશીન કે રેકોર્ડ આપવાના આરોપ સાબિત ન થયા. તે પણ છૂટી ગયા.

ઉષાબહેનના કહેવા મુજબ ટૃાયલ સમયે પાંચે જણ શાંતિથી વકીલોની દલીલો સાંભળતાં − ખાસ તો કે.એમ. મુનશીની દલીલો જે આરોપીઓની દેશભક્તિને બિરદાવતી હતી. વિઠ્ઠલભાઈ પાસે સુંદર સ્કેચ બનાવવાની કળા હતી. તે બેસીને બધાના સ્કેચ બનાવતા, અને છેવટે, તેમણે તે બધા ન્યાયાધીશ અને વકીલોને ભેટ આપેલા.

જેલમાં ઉષાબહેનનું સ્વાસ્થ્ય બગડેલું. તેમને પાચનક્રિયાની તકલીફ થઈ તે આજીવન રહી. પણ તેમને જેલમાં મણિબહેન પટેલ, સફિયા ખાન, પૂર્ણિમા બેનરજી, પ્રેમા કંટક, કમલા અષ્ટપુત્રે અને સાવિત્રી મદન જેવી બહેનોનો ભરપૂર સ્નેહ મળ્યો.

ઉષાબહેનના જેલવાસ દરમિયાનની એક વાત કહેવાનું મન થાય છે. તેમની માને કોઈએ ખોટા ખબર આપ્યા કે તમારી દીકરી ઉષા માફી માગીને જેલમાંથી છૂટવાની છે. માએ જેલરને આજીજી કરી ઉષાબહેનને સારુ ઘરનું ખાવાનું મોકલ્યું. એને એક રોટલીની અંદર નાની ચબરખી મૂકી, ‘માફી માગીને ઘરે આવશે તો મારા ઘરના દરવાજા બંધ હશે’. આ વાતને યાદ કરતાં ઉષાબહેન ગદ્દગદ્દ થઈ જતાં. તેમનો માતૃપ્રેમ અને માતૃભૂમિ પ્રેમ અનન્ય હતો.

ડૉ. રામમનોહ લોહિયાએ આગ્રાની સેન્ટૃલ જેલથી લંડન સ્કૂલ ઑફ એકોનોમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સના પ્રૉફેસર હેરાલ્ડ લાસ્કીને એક પત્ર લખેલ તેમાં ઉષાબહેન વિશે લખેલું,

‘There is a young woman in a Bombay jail, Miss Usha Mehta, perhaps the only woman political in the jails of that province, who is doing a term of four years for running a freedom radio. I am not quarrelling with her sentence, although, had this young woman of rare attainment and rare courage been Spanish or Russian, your countrymen would have glamorised her into a heroine …. I might add that her trial and that of her colleagues was banned from the newspapers.’

•••

જેલમાંથી છૂટ્યા પછી ઉષાબહેને The Social and Political Thought of Mahatma Gandhi પર પીએચ.ડી. કર્યું અને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું. વર્ષો સુધી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રૉફેસર રહ્યાં, જાહેર ક્ષેત્રમાં અને રચનાત્મક કાર્યોમાં તથા ગાંધીવિચાર પ્રસારનાં કાર્યોમાં સક્રિય રહ્યાં. 1998માં તેમને પદ્મવિભૂષણના સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યાં.

પાંચેયમાંથી કોઈએ પણ પોતાના કાર્ય માટે પ્રસિદ્ધિની ચાહ ન રાખી. વિઠ્ઠલભાઈ ઝવેરીએ ગાંધીજીના ફોટોગ્રાફ્સ અને ફિલ્મ ફૂટેજ મેળવી, − Mahatma નામની સુંદર ડોક્યુમેન્ટરી બનાવી. તેમને પદ્મભૂષણનું સન્માન મળેલું.

હવે થોડી વાત કરીએ પ્રસારિત થતા સમાચાર વિશે. તે સમયે સમાચારો ભેગા કરવા માટે કોઈ ઔપચારિક સાધનો નહોતા, નહોતી કોઈ ઓફિસ કે નહોતા કોઈ પગારદાર કર્મચારી. તેમ છતાં દેશમાં બનતી અગત્યની ઘટનાઓ, 1942ની લડતના વ્યાપના અને લોકોના પ્રતિકારના દૈનિક સમાચાર અપાતા. બ્રિટિશ સરકારના અત્યાચાર સામે લોકોના હૃદયમાં ભભૂકતો રોષ – વિરોધ અને સ્વતંત્રતાની અદમ્ય ઇચ્છા આ સમાચારોમાં વ્યક્ત થતા હતા.

રાષ્ટૃીય ભાવનાથી પ્રેરિત સ્વયંસેવકો અને કાર્યકરો દેશના વિભિન્ન ભાગોમાંથી સમાચાર ભેગા કરીને તેમને ડૉ. લોહિયા કે સુચેતા કૃપલાણી જેવાં નેતા સુધી પહોંચાડતા અને તેઓ આ સમાચારોને કાઁગ્રેસ જૂથ સુધી પહોંચાડતાં. આ નેટવર્ક ઘણું જ અસરકારક પ્રભાવી રહ્યું. સમાચાર તો તરત જ આપવાના હોય એટલે આ જૂથ પાસે તેમને ગોઠવવાનો બહુ સમય ન રહેતો. લગભગ દરેક બ્રૉડકાસ્ટ એક એકમ બની રહેલું. બ્રિટિશ સરકાર જે સમાચાર દબાવવાનો પ્રયત્ન કરતી, તે સમચાર કાઁગ્રેસ રેડિયો સુધી પહોંચી જતા. અને નિર્ભયપણે તેવા સમાચાર પ્રસારિત કરવામાં આવતા.

ઘણીવાર ઉષાબહેન મળેલી બાતમીને ગોઠવીને એક કાગળ પર લખતાં અને પ્રસારણ માટે તૈયાર કરતાં. તેમના અક્ષરોમાં લખાયેલ બ્રૉડકાસ્ટના થોડા કાગળ આ વાતની મૂક સાક્ષી છે. ઉષાબહેન કહેતાં, સાચા સમાચાર – correct news – આપવાનું અમારું ધ્યેય હતું. જમશેદપુરની હડતાળ, ચિત્તાગોંગ પરની બૉમ્બરેઇડ ને બલિયાની ઘટના − આ બધાના સમાચાર અમે જ સૌ પ્રથમ રેડિયો પર આપેલા.

કાઁગ્રેસ રેડિયો પર સમાચાર અપાતા દેશના અશાંત વાતાવરણના, લોકોના આક્રોશના અને તેને વ્યક્ત કરતા બનાવોના જેમ કે ટેૃનના પાટા ઉખાડવા, ટેલિફોનના તાર કાપવા, રસ્તાઓમાં અવરોધ નાખવા, સરકારી ઈમારતોને નુકસાન પહોંચાડવું, સરકારના શાસન અને અર્થવ્યવસ્થાને ખોરવી નાખવું.

તે સાથે કાઁગ્રેસ રેડિયો પર લોકોને, તથા વેપારીઓ અને વિદ્યાર્થીઓ જેવા ખાસ જૂથોને અપીલ કરવામાં આવતી – સલાહ આપવામાં આવતી કે શહેરો છોડો, ગામડાંઓમાં જાઓ, તેમને સ્વાશ્રયી બનાવો અને બ્રિટિશ શાસનના પાયા હલાવી નાખો. રેલવે સંબંધી કામ અને ફેક્ટરીઓ છોડો. સરકારી બેંકોમાંથી નાણાં લઈ લો. વિદેશી સામાનની ઓફિસો અને ફેક્ટરીઓ સામે પિકેટીંગ કરો. ચરખો કાંતો, રાષ્ટૃીય કામો માટે ફાળો ઉઘરાવો અને હિંદુ – મુસ્લિમ એકતા માટે કામ કરો.

દેશના જુદા જુદા ભાગોથી સમાચાર આવતા અને કાઁગ્રેસ રેડિયો પર પ્રસારિત થતા, જેમ કે બિહારમાં ડેહરી – ઑન – સોન પર 4,000 લોકોએ હલ્લો કર્યો. કલકત્તા પોર્ટ ટૃસ્ટના 6,000 કામદારો હડતાળ પર ગયા. ઓરિસ્સામાં કટક જિલ્લામાં લોકોએ સરકારી કામકાજ ખોરવી કાઢ્યું. મહારાષ્ટૃમાં કિર્લોસ્કરવાડીના આયર્ન ઍન્ડ સ્ટીલ વર્ક્‌સના 2,000 કામદારોએ હડતાળ પાડી. ગુજરાતમાં આઝાદ દિનની ઉજવણી માટે મોટું સરઘસ નીકળ્યું, જેમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને મુસ્લિમો સામેલ હતા.

કાઁગ્રેસ રેડિયોમાં ઘોષણા થયેલી કે આ રેડિયો મનોરંજન માટે નથી, પ્રોપેગન્ડા માટે પણ નથી. તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશના લોકોને થોડી માર્ગદર્શક સૂચના આપવા માટે છે.

સરકારને અંદેશો હતો કે કાઁગ્રેસ રેડિયોમાં ‘ફિફ્થ કૉલમ’ અંગે વિગતો અપાય છે. પણ બધા બુલેટિન અને બ્રૉડકાસ્ટ વંચાતાં તે આશંકા દૂર થઈ. તેમાં રાષ્ટૃીય દૃષ્ટિકોણ છે, સમાજવાદી નેતાઓની વિચારસરણી છે અને તે સાથે ગાંધીજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. તેમાં કહેવાયેલું, ‘There is only one family in the country today, the big family of the Indian nation struggling to form the Free State of India.’

પ્રજાની શક્તિમાં તેનો વિશ્વાસ અટલ હતો. ‘Without us no government can prevail and no army can march to victory. Let us make our strength felt. Let us Do or Die.’

ઉષાબહેનના હિન્દી બુલેટીનની એક ઝલક આ પુસ્તકમાં ઝિલાઈ છે. ‘ઈન્કલાબ કે મહામંત્ર’ નામક આ પ્રસારણ 20-21 ઑક્ટોબર 1942ના કરાયેલું.

કાઁગ્રેસ રેડિયોએ પોતાની શક્તિનો – પ્રજાની શક્તિનો − આઝાદીની ઇચ્છાની શક્તિનો એહસાસ કરાવ્યો. કડક બંધનો હોવા છતાં લગભગ અઢી મહિના સુધી તેણે સ્વતંત્રતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડ્યો. અને દર્શાવ્યું કે યુવા પેઢીમાં સાહસ છે, સ્વતંત્રતા પામવાનો નિર્ધાર છે અને દેશ માટે મરી ફીટવાની તમન્ના છે.

•••

રાજકીય આકાશમાં 1942ની લડત સમયે કાઁગ્રેસ રેડિયો વીજળીની જેમ ચમક્યો અને આઝાદીનાં મૂલ્યોનો પ્રકાશ ફેલાવી ગયો. અને તેની જ એક તેજરેખા ઉષાબહેન, જેમની જન્મશતાબ્દી ગયા વર્ષે હતી. તેમનામાં અસંભવ લાગતાં સ્વપ્નોને સાકાર કરવાના પ્રયત્ન કરવાની હિમ્મત હતી.

Mani Bhavan Gandhi Sangrahalaya, Mani Bhavan, 19 Laburnum Road, Gamdevi, MUMBAI – 400 007

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની શનિવાર, 02 ઑક્ટોબર 2021ની વર્ચૂઅલ બેઠકમાં રજૂ કરાયેલું વક્તવ્ય.]

મુદ્રાંકન : વિપુલ કલ્યાણી

વીડિયો:

છબીઝલક: