શાંતશીલા ગજ્જર સ્મૃતિ પારિતોષિક 2014 – નયના પટેલ

ઓડિયો:

નયનાબહેન પટેલનો પરિચય:

 

નયનાબહેન પટેલ દ્વારા વાર્તાપઠન:

 

છબીઝલક:

 

વાર્તા: આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ?

– નયના પટેલ

ભરયુવાનીમાં અજય, સાથે ભણતી રીતુને પૂછી બેઠો હતો, ‘વૃધ્ધાવસ્થામાં સાંજે મારી સાથે સૂર્યાસ્ત જોવાનું પસંદ કરો ખરાં ?’ અને તેનો પ્રતિભાવ હકારમાં મળવા છતાં ય તેમ ન બની શક્યું.

વૃધ્ધાવસ્થાને આરે આવીને ઊભેલા અજયે લગભગ રોજ સાંજે પોતાની પ્રિય અગાશીમાં આરામખુરશીમાં બેસીને સૂર્યાસ્તને જોતાંજોતાં એને યાદ કરી છે અને સાથેસાથે પત્નીનો રોજનો ડાયલૉગ, “ખબર નહીં, એ જ સૂરજ ને એ જ આકાશ છતાં રોજ એને જોતાં ધરાતા જ નથી ! સૂરજ જોયા કરવાથી સંસાર નથી ચાલતો; ‘ઘરમાં કંઈ ધ્યાન આપો’. કહીકહીને મોં દુઃખી ગયું, પણ પથ્થર પર પાણી !”- પચાવ્યા કર્યો છે!

આંખ આડે કાન રાખે પણ કાન આડે શું રાખે ?

વિધવા માને ખુશ રાખવા મન તો માર્યું અને ન્યાતની જ એક છોકરી સાથે સગાઈ થવા દીધી, માએ આશ્વાસન આપ્યું, ‘તને ભણેલી જોઈતી હતી ને ! જો આ ક્રીશ્ના ભણેલી ય છે અને વળી આપણી ન્યાતની તો છે – ભલેને થોડી શ્યામ છે ! આ તો બેટા, તું સમજે છે ને ! તારા બાપુ ય નથી ને લોક આપણને …’

એને ક્રીશ્નાનાં રંગ સામે કે દેખાવ સામે કોઈ વાંધો જ ક્યાં હતો ? પરંતુ એને જોઈતું હતું કે તેની પત્નીની અને એની બૌદ્ધિક કક્ષા સરખી હોય; પ્રેમ થઈ જાય એવી કોઈ વાત તેનામાં હોય, જેમ કે રીતુમાં હતી!

જે હોય તે અજયે અસહાય બની સંજોગોને જીતવા દીધા ! પરંતુ સુરતમાં મળેલી લેક્ચરરની નોકરી ન સ્વીકારી, વડોદરા નોકરી લઈ લીધી; તો ક્રીશ્નાએ પણ બી.એડ. કરવા વડોદરા પસંદ કર્યું !

અજયની અલિપ્તતા ક્રીશ્ના ન સમજે એવી બુદ્ધુ નહોતી અને છતાં ન સમજ્યાનો ડોળ કરી અજય સાથે મનમેળ કરવા ક્યારેક ‘સુરસાગર’ પર મળવા બોલાવે, તો ક્યારેક તેની રૂમ પર જઈ ચઢી આશ્ચર્ય આપે, તો ક્યારેક એને પૂછ્યા વગર જ પિક્ચરની ટિકિટ લઈ આવે … જાણે પરિસ્થિતિને તાબે ન થવા કમ્મર કસી છે !

અજય ધીમેધીમે ક્રીશ્ના તરફ જોતો થયો અને માત્ર સહાનુભૂતિ બતાવવા એની આ બાલિશ રમતમાં અજાણ થઈને જોડાતો ગયો અને છતાં સુરસાગરને કિનારે સૂર્યાસ્ત જોઈને એ અચૂક ગમગીન બની જાય છે, તે ક્રીશ્નાએ નોંધ્યું છે.

ક્યારેક મા પણ વડોદરા રહેવા આવે છે અને ક્રીશ્નાને પસંદ કરીને ભૂલ નથી કરી એવું ગૌરવ લે છે.

અજય ધીમેધીમે ખુલતો ગયો. ક્યારેક પૉલિટિક્સની તો ક્યારેક બેમાંથી કોઈએ સારી ચોપડી વાંચી હોય તો તેની, તો ક્યારેક ભવિષ્યની વાતો કર્યા પછી એકલો પડેલો અજય સાચ્ચે જ એક બૌદ્ધિક સહચરી મળ્યાનો આનંદ અનુભવવા માંડ્યો …. ને એક દિવસ ગામથી આવેલા એક સગાએ ‘દૂધપાકમાં ટીપું કેરોસિન’ નાંખવાનું કામ કર્યું !

‘મામી, જરા આ ક્રીશ્નાની ઉંમરની તપાસ કરાવો ને !’ એણે એક કડવી સચ્ચાઈને તપાસવા કહ્યું.

પહેલાં તો એ વાતને ‘ન સાંભળી’ કરી પણ પછી માથી ન રહેવાયું. સુરત જઈને એમના મોટાભાઈને વાત કરી અને ‘કુશળતા’થી એનું બર્થ સર્ટિફિકેટ મેળવાયું અને સાચે જ ક્રીશ્ના અજયથી ચાર વર્ષ મોટી હતી.

‘તો શું થયું, ઘણા કિસ્સામાં એવું બને છે અને એ લોકો સુખી છે, ચાલે એ તો !’ પહેલાં તો માએ મન મનાવ્યું, પણ પછી અજંપો ઓછો કરવા અને ભવિષ્યમાં અજયને એમ તો ન થાયને કે માને ખબર હતી તો ય કહ્યું નહીં; એટલે અજયને સુરત બોલાવીને માએ બીતાંબીતાં કોઈ પણ પૂર્વભૂમિકા બાંધ્યા વિના ક્રીશ્નાનું બર્થસર્ટિફિકેટ બતાવ્યું. અજય તો પહેલાં કાંઈ સમજ્યો નહીં.

‘આ બતાવવા મને કોલેજમાં એક દિવસ પાડીને છેક વડોદરાથી અહીં બોલાવ્યો ?’ આશ્ચર્ય અને ગુસ્સાથી બોલતાંબોલતાં સર્ટિફિકેટમાં લખેલી તારીખે જાણે એના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો !

‘ન હોય મા, કાંઈ ભૂલ થઈ લાગે છે.’

મા ચૂપચાપ બેસી રહી. શું કરવું તે બન્નેમાંથી કોઈને સૂઝ્યું નહીં.

સાંજ પડવા આવી હતી. હંમેશની જગ્યાએ જઈને બેઠો.

પાણીની પાઈપ ઉપર એ અને રીતુ જે જગ્યાએ હંમેશાં બેસતાં તે જગ્યાએ જઈને બેઠો.

રૅશનલિસ્ટ છે, એટલે ‘ભગવાન’ સામાન્ય માણસો માટે એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત જ છે એમ એ પ્રામાણિકતાથી માને છે; અને એટલે આજે ઢળતા સૂર્યને પૂછી બેઠો, ‘મારી સાથે જ કેમ આમ થાય છે, કેમ ?’ અને જવાબ ન આપવો પડે એ બીકે સૂરજ પણ જલદી જલદી ક્ષિતિજે ઢળી ગયો.

રીતુ સાથે હંમેશાં ઢળતો સૂર્ય જોવાની એની કુંવારી લાગણીનું મોં દબાવીને, ગૂંગળાવીને મનના એક ખૂણે માંડ દફનાવી શક્યો છે અને હજુ ક્રીશ્ના સાથે મનમેળ સાધવા ધરખમ પ્રયત્ન કરે છે ત્યાં ….

મોડેથી ઘરે આવ્યો અને જમ્યા વગર જ સૂઈ ગયો.

‘હવે ?-’ મોટું પ્રશ્નાર્થ બનીને ઘરમાં આખી રાત અટવાતુંઅટવાતું વમળ બની ગયું. વમળમાં એનો મૂંઝાતો જીવ ડૂબી ગયો અને સવારે માંડમાંડ આંખ ખોલી !

મનને મજબૂત કરી અજય વડોદરા પહોંચ્યો.

ક્રીશ્નાને કારેલીબાગની એમની નિર્ધારિત જગ્યાએ એ જ ઘડીએ મળવા બોલાવી.

‘પણ અજુ, કોલેજ પછી મળીયે તો !’ થોડી લજ્જા ઉમેરી બોલી, ‘એટલી અધિરાઈ …’

ત્યાં જ અજયે ફોન કાપી નાંખ્યો.

ફફડતે મને એ કારેલીબાગ પહોંચી.

અજય એ પહોંચે તે પહેલા પહોંચી ગયો હતો.

હજુ તો ક્રીશ્ના શ્વાસ લે, તે પહેલા તો બ્રીફકેસમાંથી એનું સર્ટિફિકેટ કાઢીને ધરી દીધું !

જેની એને બીક હતી તે જ થયું ! એનાં માબાપે તો એ વાત છૂપાવવા જ એને કહ્યું હતું, પણ અજયને મળ્યા પછી એને થયું કે થોડી નિક્ટતા થયા પછી હું જરૂર કહીશ …. હવે એ અજયને કહેશે કે ‘એ કહેવાની જ હતી’ તો ય એ માનવાનો નહોતો એની એને ખાતરી થઈ ગઈ એટલે જમીન તરફ જોતી બેસી રહી.

સખત હારેલા યોદ્ધા જેવા સ્વરે અજય તરફડતા સ્વરે બોલ્યો, ‘દુ:ખ એ વાતનું થયું, ક્રીશ્ના, કે આટલી મોટી વાત તમે લોકોએ છુપાવી. પ્રામાણિકતાથી કહી દીધું હોત તો …..’

પછી એક ઊંડો શ્વાસ કે નિશ્વાસ લઈ બોલ્યો, ‘હું ઉંમરના આટલા તફાવતમાં નથી માનતો પણ જે વ્યક્તિ પ્રથમ પગથિયે જ દગો દે તે આગળ જતાં ….’

ન કહેવાનું નક્કી કર્યું હતું, છતાં એનાથી બોલાઈ જ ગયું … ’હું કહેવાની જ હતી …’

અજયનું સાવ જ પડેલું મોં, તિરસ્કારથી ખરડાયેલો ચહેરો અને અલિપ્ત બનવા મથતી આંખો જોઈને એ ચૂપ થઈ ગઈ. એને ખ્યાલ આવી ગયો, બધું ખલાસ થઈ ગયું !

એ ચૂપચાપ ઊઠી અને પાછળ જોવા મથતા મનને ઠપકારી, આશાના ઊગુંઊગું થતા કિરણને ભવિષ્યકાળના અંધકારમાં ઝબોળી દૂરદૂર નીકળી ગઈ !

એની શ્યામલ ત્વચા અને સાવ જ સામાન્ય દેખાવ, ગરીબ ઘર …. કે નસીબ જે કહો તે ક્રીશ્ના લગ્નની ઉંમર વટાવવા માંડી હતી. એમ કરતાંકરતાં એ ત્રીસની થઈ ! હવે એ બત્રીસની થશે અને ચાળીસની થશે અને ….. અને … ફરી એ આંખનાં આંસુને પી ગઈ.

અજયના નસીબે બબ્બેવાર એના માસૂમ મનને સાવ જ બેરહમીથી પીસી નાંખ્યું. ફરી એ ડૂબતા સૂરજને પૂછવા સુરસાગર પર ગયો. એને ચીસો પાડીને રડવાનું મન થયું, સુરસાગરમાં પડીને – છટ્‌ એ કાયર થોડો છે ?

સામે કિનારે એને ક્રીશ્ના જેવો જ કોઈનો પડછાયો દેખાયો કે ભ્રમ છે ? – વધુ ન વિચારતાં એ રૂમ ઉપર જતો રહ્યો.

આજે સૂર્યાસ્ત જોતાં અજયને એની પત્નીએ ફરી ટોક્યો અને અજયનો અત્યાર સુધી દબાવી રાખેલો – મા તરફનો, એના પ્રથમ પ્રેમ તરફનો અને ક્રીશ્ના તરફનો, જીવન તરફનો ક્રોધ મધ્યાહ્નના સૂર્યની જેમ ફાટ્યો.

એ ભૂલી ગયો કે એ ભણેલોગણેલો પ્રોફેસર છે, એ ભૂલી ગયો કે હંમેશાં સ્ત્રીસન્માનની એ વાતો વિદ્યાર્થીઓને કરતો હતો, એ ભૂલી ગયો કે એ હવે બે પૌત્રોનો ‘દાદા’ છે, એ ભૂલી ગયો કે ઘરમાં પુત્રવધૂ પણ છે !

‘મારે તારી સાથે પરણવું જ નહોતું. મારી ડોસીને લીધે …… ઘરમાં કોઈ કરવાવાળું નહોતું અટલે લાવવી પડી – જીવન બરબાદ કરી નાંખ્યું. બુદ્ધિનો છાંટો ય નથી ! રોજ એ તારી-મારી, ટી.વીની અક્કલ વગરની સિરિયલો અને વણમાગ્યો ઉપદેશ દેવા સિવાય, છે શું તારી પાસે ? એક મિનિટ શાંતિથી નથી જીવતી, નથી જીવવા દેતી !’

આટલાં વર્ષો સુધી પતિનું જોયેલુ રૂપ આ તો નહોતું જ !

શું થઈ ગયું એમને ?

ધીમેધીમે અજયનો દરેક શબ્દ છૂટોછૂટો પડી એની સમજમાં ઊતરવા માંડ્યો ….

રોજ કંકાસ કરતી પત્ની માત્ર ત્રણ જ વાક્યો બોલી, ‘ઘોડે ચઢીને તમે લેવા આવ્યા હતા મને.’

‘મને એ નહોતી ખબર કે વગર પૈસાની નોકરાણી જોઈતી હોય, ત્યારે પોતાને ખૂબ અક્કલવાળા કહેવાતા લોકો લગન નામનો ત્રાગડો રચે છે.’

‘અને રોજરોજ ડૂબતા સૂરજને જુઓ છો, એના કરતાં ઊગતા સૂરજનારાયણને પૂજ્યા હોત તો ……!’

અજયનો ક્રોધ જોઈને કે પછી બાકીનું વાક્ય શું બોલવું તેની ગતાગમ ન પડવાથી એ પગ પછાડતી નીચે જતી રહી.

સંપર્ક : nayna47@hotmail.com

(યુ.કે.ના સમાચારપત્રમાં સાપ્તાહિક ધારાવાહી ’કેડી ઝંખે ચરણ’નાં લેખિકા નયનાબેન પટેલ હાલ લંડનમાં રહે છે. ૧૯૪૭માં ભારતમાં જન્મ અને ઉછેર પામી તથા ગુજરાતી વિષયમાં બી.એ. કરીને ૧૯૬૮માં પતિને પગલે ઇંગ્લૅન્ડ સ્થાયી થયાં. પરદેશમાં રહીને દેશના ઝુરાપાની પોટલીમાં પોતાના અને અન્યોના અગણિત અનુભવોને સમેટતાં રહ્યાં, જે પ્રતિબિંબિત કરવા માટે તેમણે કલમ ઉપાડી અને પ્રથમ વાર્તા આકાર પામી- ‘આરંભ કે અંત ?’ અને યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રથમ વાર્તાહરીફાઈમાં દ્વિતીય સ્થાન પામી. ત્યારપછી એમની કલમે કાંઈ કેટલીય લાગણીઓને શબ્દદેહ આપવા માંડ્યો અને લખાઈ ટૂંકી વાર્તાઓ : ‘રીડ ગુજરાતી’ની ૨૦૧૧ની વાર્તાહરીફાઈમાં પ્રથમ આવી-‘ડૂસકાંની દીવાલ’, પછી ‘મોનિટર’ મેગેઝિનમાં પ્રગટ થઈ ‘કોણ ન્યાય કરે અને કોને’- ૨૦૧૨,  ‘ભીષ્મ થવું પડ્યું’- ૨૦૧૨માં ‘સંદેશ’માં, ૨૦૧૩માં ‘પીળાં આંસુની પોટલી’ પ્રગટ થઈ ‘ફીલીંગ્સ’ મેગેઝિનમાં; અને હવે આપ સમક્ષ આવી રહી છે, ‘આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે ?’.)