ડો. દાઉદભાઈ ઘાંચીનો જાહેર સન્માન સમારોહ

સાક્ષરી સંધ્યા

• ઇમ્તિયાઝ પટેલ

સોમવાર, તારીખ 21 અૉગસ્ટે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં તથા અહમદ ‘ગુલ’ના જીવનકાર્યનું બ્રિટિશ ગુજરાતી સમાજ સંદર્ભે મૂલ્યાંકન કર્યું.

આરમ્ભે, સમારંભના પ્રયોજન વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ જણાવ્યું કે, અકાદમી ચાળીસ વર્ષ પૂરાં કરે છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં જેમનું યોગદાન છે તેવી વિભૂતિઓનું બહુમાન કરવાનો પણ ઉપક્રમ છે. દાઉદભાઈએ ઠેઠ ગુજરાતમાં બેઠાં બેઠાં પણ બ્રિટનના ગુજરાતી સમાજની ગતિવિધિની ખેવના કરી છે. “ઓપિનિયન” સામયિકમાં પ્રગટ થયેલ એમનાં ચિંતનીય લખાણો આનું ઉદાહરણ છે. આપણા વસાહતી સમાજ પ્રત્યેની આ નિસબતની કદરરૂપે એમને આ શાલ અને સ્મૃિતલેખ સાદર કરીએ છીએ.

આ પ્રસંગે બોલતાં અહમદ ‘ગુલે’ જણાવ્યું કે, દાઉદભાઈનો બાટલી સાથે ‘ધનિષ્ઠ નાતો’ છે એટલે અકાદમી આ સમારોહ અહીં યોજે છે એમાં ઔચિત્ય છે.

ડૉ. અબ્દુર્રહેમાન રાજપુરાએ પોતાના વક્તવ્યમાં દાઉદભાઈ સાથેની એમની ચર્ચાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કોઈ પણ મુદ્દાની ચર્ચામાં દાઉદભાઈની અભ્યાસનિષ્ઠા અને સમતોલ દૃષ્ટિબિંદુની પ્રતીતિ થાય.

આ પ્રસંગે ભારતથી પધારેલ અતિથિ સારસ્વત ડૉ. બળવંત જાની પણ ઉપસ્થિત હતા. તેમણે ધીરૂભાઈ ઠાકરના સહયોગમાં ગુજરાતી વિશ્વકોશ પ્રકલ્પમાં દાઉદભાઈના યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એની કદરરૂપે એક સમારંભમાં મોરારિબાપુએ પોતે ઓઢેલી શાલ દાઉદભાઈને અર્પણ કરેલી. શિક્ષણશાસ્ત્રી દાઉદભાઈએ ઉપકુલપતિની હેસિયતથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને નવી દિશા ચીંધેલી.

દાઉદભાઈના સુપુત્ર ફારૂક ઘાંચીએ પોતાના ઉછેરને યાદ કરતાં જણાવ્યું કે, પિતા તરીકે દાઉદભાઈ વાત્સલ્યભાવ અને શિસ્તના આગ્રહ વચ્ચે સમતોલ જાળવતા. ફારૂકભાઈએ પોતે જીવનમાં જે સિદ્ધ કર્યું તેનું શ્રેય દાઉદભાઈને આપ્યું.

આદમ ઘોડીવાળા 1964માં દાઉદભાઈના વિદ્યાર્થી હતા. તેમણે શિક્ષક તરીકે દાઉદભાઈની નિષ્ઠા અને નિસબતની શાહેદી આપતાં કહ્યું કે, શિક્ષણ પ્રત્યેની દાઉદભાઈની પ્રતિબદ્ધતાને લીધે તેમના વિદ્યાર્થીઓના માનસ પર ‘શિક્ષકનો જીવ એટલે દાઉદભાઈ’ એવું સમીકરણ દૃઢ થયેલું. એમણે ઉમેર્યું કે, પોતાની ચાર દાયકાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન દાઉદભાઈ એમના ‘રોલ મૉડલ’ રહ્યા.

અકાદમીની કાર્યવાહી સમિતિના બે સભ્યો, મહામંત્રી પંચમ શુક્લ તથા ફારૂક ઘાંચીએ દાઉદભાઈને આ પછી શાલ ઓઢાડી હતી. બીજી પાસ, અબ્દુર્રહેમાનભાઈએ પણ સૌ વતી દાઉદભાઈને શાલ અપર્ણ કરી. વળી, આબીદાબહેન રાજપુરાએ અકાદમી વતી તેમ જ સૌ વતી ખૈરુનબહેન ઘાંચીને પણ શાલ અર્પણ કરી હતી. જ્યારે અતિથિ અદમ ટંકારવીએ અકાદમીવતી દાઉદભાઈ ઘાંચીને સ્મૃિતલેખ અર્પણ કર્યો. દોઢસો જેટલાં સૌ શ્રોતાજનોએ ઊભા થઈ તાળીઓના ગડગડાટ વચ્ચે દાઉદભાઈનું જાહેર અભિવાદન કર્યું.

આ સન્માનનો પ્રતિભાવ આપતા દાઉદભાઈ ઘાંચીએ અકાદમી, ફૉરમ તેમ જ હાજર રહેનાર સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વક્તવ્યો પછી અકાદમીના મહામંત્રી પંચમ શુક્લના આભારદર્શન સાથે કાર્યક્રમના પ્રથમ ચરણનું સમાપન થયું.

•••

અહમદ ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’નું ડૉ. દાઉદભાઈ ઘાંચીના હસ્તે અને ‘બાટલીનો ગુજરાતી મુસ્લિમ સમાજ’ પુસ્તિકાનું અબ્દુલકરીમ ઘીવાળાના હસ્તે લોકાર્પણ થયું, તે સાથે કાર્યક્રમના બીજા ચરણનો આરંભ થયો.

પુસ્તિકાનું અવલોકન કરતાં અબ્દુલકરીમભાઈએ જણાવ્યું કે, આપણા સમાજમાં મોટા ભાગના લોકો અંગ્રેજો પાસેથી કેવળ હાઈ-હલ્લો શીખ્યા, પણ અહમદ ‘ગુલે’ અંગ્રેજો સાથે કામ કર્યું અને તેમની કાર્યશૈલીમાંથી ઘણુંબધું ગ્રહણ કર્યું. એમણે સૂચવ્યું કે, સમાજસેવકોએ સૅમિનારો યોજી આ પુસ્તિકામાં સમાવિષ્ટ મુદ્દાઓની વિશદ ચર્ચા કરવી જોઇએ.

દાઉદભાઈએ આપવીતીની પ્રભાવક શૈલી અને પ્રેરક પ્રસંગોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પોતે પુસ્તક એક જ બેઠકે વાંચી ગયા અને ફોન કરી અહમદ ‘ગુલ’ને પ્રતિભાવ પણ આપ્યો. આ દેશ એક સામાન્ય નાગરિકને કઈ રીતે ‘ઇમ્પાવર’ કરે છે તેનું આ આપવીતી ઉદાહરણ છે.

બળવંત જાનીએ કહ્યું કે, અહમદ ‘ગુલ’ની આપવીતી વાંચતાં એક ક્રાંતિકારી વ્યક્તિત્વનો પરિચય થાય છે. તેમણે સમાજના કુરિવાજોનો વિરોધ કર્યો એટલું જ નહીં પણ સાથેસાથે રચનાત્મક કાર્યો પણ કર્યાં.

વિપુલ કલ્યાણીએ જણાવ્યું કે, આલીપોરથી અૉ.બી.ઈ. એ સંઘર્ષની કથા છે. યોગય તક મળતાં એક છેવાડાનો માણસ જીવનમાં શું સિદ્ધ કરી શકે છે તે આ કથામાં પ્રતિબિંબિત થાય છે. સરળ, સોંસરવી શૈલીને કારણે એમાંથી પસાર થતાં જાણે મારી જ કથા વાંચતો હોઉં એમ લાગ્યું. અહમદ ‘ગુલ’ પોતાની વ્યક્તિગત પ્રગતિથી સંતોષ માની બેસી ન રહ્યા, બલકે તેમણે સમાજના વિકાસ માટે કમર કસી. એક સમાજસેવાને સમર્પિત માણસ સમાજની સમસ્યાઓને હલ કરવામાં કેવું યોગદાન આપી શકે તેનું આ આપવીતી ઉદાહરણ છે. આ પુસ્તકનો ભારતમાં પણ પ્રસાર થવો જોઈએ. ત્યાંની અને અહીંની સમસ્યાઓ સમાન જ છે. વળી, હાલના કલુષિત વાતાવરણમાં સમાજના વિવિધ વર્ગોમાં એકમેક પ્રત્યે જે પૂર્વગ્રહો અને દ્વેષભાવ છે તે પણ આ પ્રકારના સાહિત્યથી દૂર થશે.

અંતે, પોતાનો પ્રતિભાવ આપતાં અહમદ ‘ગુલે’ જણાવ્યું કે, 2005માં આદિલ મન્સૂરી યુનાઇટેડ કિંગ્ડમ પધારેલા ત્યારે બાટલીથી લંડન જતાં વાટે મેં મારા જીવનના બેએક પ્રસંગો કહ્યા. સાંભળી આદિલ સાહેબે સૂચવ્યું કે, તમારી આપવીતી લખો. એ વિચાર મનમાં પડ્યો તે હમણાં આકાર થયો. આ પુસ્તકને ભાવકો તરફથી જે આવકાર મળ્યો છે તે મારા માટે ઉત્સાહપ્રેરક અને પ્રેરણાદાયી છે.

દોઢસો જેટલા ઉપસ્થિત શ્રોતાઓ માટે આ સમગ્ર કાર્યક્રમ સંતર્પક રહ્યો.

બ્લેકબર્ન, 28 અૉગસ્ટ 2017

* * *

ઋષિતુલ્ય દાઉદભાઈ

• અદમ ટંકારવી

 

દાઉદભાઈ ધાંચીએ હમણાં જ આત્મદીપ્ત આવરદાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં. વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાદ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ − આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.

દાઉદભાઈ વલ્લભવિદ્યાનગરની એમ.બી. પટેલ કૉલેજ અવ્ એજ્યુકેશનમાં અધ્યાપક હતા ત્યારે હું એક વર્ષ એમનો વિદ્યાર્થી રહેલો. ઓગણીસસો ચોસઠમાં. વાતને વર્ષો વીત્યાં, પણ ત્યાં જે સંસ્કારો સીંચાયેલા તે શિક્ષક તરીકેની મારી કારકિર્દી દરમિયાન કાયમ અને કાર્યાન્વિત રહ્યા.

શિક્ષણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતાનો પાયો નાંખ્યો પ્રિન્સીપલ આર.એસ. ત્રિવેદીએ. આરમ્ભે વર્ગમાં ત્રિવેદીસાહેબે એક પ્રસંગ કહ્યો : ત્રણચાર વટેમાર્ગુ રસ્તેથી પગપાળા પસાર થતા હતા. એમાં એક ખેડૂતની નજર છેટેના ખેતર પર પડી. ત્યાં રખડતાં ઢોર ઊભો પાક ચરી ભેલાણ કરતાં હતાં. આ ખેડૂત તરત દોડ્યો અને પેલાં ઢોરને હાંકી કાઢ્યાં. પાછો આવ્યો ત્યારે એના સાથીઓએ પૂછ્યું કે, તારા કોઈ ઓળખીતાનું ખેતર છે ? એણે કહ્યું : ના, કોનું ખેતર છે તે મને ખબર નથી પણ મારો ખેડૂતનો જીવ. કોઈનો ઊભો પાક ભેલાય એ મારાથી ન જોવાય.

પોતાના કર્તવ્ય પ્રત્યેની ચાનકની આ વાત મારા મનમાં બેસી ગયેલી. શિક્ષકનો જીવ કેવો હોય એની ગેડ પડવા માંડેલી. ત્રિવેદીસાહેબ ફિલોસૉફી અવ્ એજ્યુકેશન શીખવતા. એમણે વર્ગમાં શિક્ષકની જે વિભાવના બાંધી એનું પ્રત્યક્ષીકરણ અમે દાઉદભાઈમાં જોયું. ત્રિવેદીસાહેબ સૈદ્ધાંતિક ભૂમિકા ખડી કરે અને અધ્યાપક દાઉદભાઈના વ્યવહારમાં અમને એ ચરિતાર્થ થતી દેખાય. જેમ જેમ દાઉદભાઈની કર્તવ્યનિષ્ઠા અને ખેવનાનો અનુભવ કરતા ગયા તેમ તેમ શિક્ષકનો જીવ એટલે દાઉદભાઈ એવું સમીકરણ મનમાં દૃઢ થતું ગયું. વર્ષાન્તે બી.એડ્‌.ની ડિગ્રી તો મળી જ, પણ એથી મોટી ઉપલબ્ધિ દાઉદભાઈરૂપે રોલ મોડેલ મળ્યો તે.

ગ્રેજ્યુએટ થયા પછી મેં હાઇ સ્કૂલમાં શિક્ષકની નોકરી સ્વીકારેલી. પગાર સારો, કામ ઓછું, સમાજમાં થોડો મોભો, વર્ષમાં ચારેક મહિના તો રજાઓ, એવી સાવ વ્યવહારુ ગણતરી. બે વર્ષ પછી થયું કે, બી.એડ્‌.નો સિક્કો લઈ આવીએ તો નોકરી સલામત થાય, પગાર વધે અને ભવિષ્યમાં આચાર્ય બનાય. આવા વિચારે વલ્લભવિદ્યાનગર બી.એડ્‌. કરવા ગયો. સદ્દભાગ્યે, ત્યાં આર.એસ. ત્રિવેદી અને દાઉદભાઈ જેવા ગુરુ મળ્યા. અહીંની અધ્યયનપ્રક્રિયાના પરિણામે શિક્ષકના કર્તવ્ય વિશેનું મારું દૃષ્ટિબિંદુ બદલાયું. નવી સૂઝ પ્રકટી, અભિગમ બદલાયો, મૂલ્યનિષ્ઠ શિક્ષણનો મહિમા સમજાયો. મારામાં શિક્ષકનો જીવ રેડાયો. શિક્ષક તરીકે મારો પુનર્જન્મ થયો.

મારો વિષય અંગ્રેજી. દાઉદભાઈ અંગ્રેજી મેથડ – શિક્ષણપદ્ધતિ ભણાવે. સત્રને આરમ્ભે વલ્લભવિદ્યાનગરની ગો.જો. શારદામંદિર સ્કૂલમાં દાઉદભાઈનો નિદર્શન પાઠ ગોઠવાયો. તે ગાળામાં અમેરિકાની કોઈ યુનિવર્સિટીના પ્રોફેસર વ્હૉલ પણ હાજર હતા. અમે બધા પાઠનું નિરીક્ષણ કરવા પાછળ ગોઠવાયા. નવમાં ધોરણમાં દાઉદભાઈએ પાઠ્યપુસ્તકમાંથી The Magician પાઠ ભણાવવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરી ધીરેધીરે પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા અધ્યયનમાં ઓતપ્રોત કરી દીધા. આખો વર્ગ જીવંત. છેલ્લી પાટલીનો વિદ્યાર્થી પણ શીખવાની આ પ્રક્રિયામાં સામેલ. મૂલ્યાંકનના તબક્કામાં સ્પષ્ટ દેખાયું કે, વિદ્યાર્થીઓએ પાઠને આત્મસાત્‌ કરી લીધો. અત્યાર સુધી મંત્રમુગ્ધ થઈ જોઈ રહેલા પ્રોફેસર વ્હૉલ ઊભા થયા. દાઉદભાઈને અભિનંદન આપતાં કહ્યું, your lesson was a magic. તમારા વર્ગશિક્ષણમાં જાદુઈ અસર છે. નબળા વિદ્યાર્થી પણ મોં ખોલે છે અને અંગ્રેજી બોલે છે. અમને તાલીમાર્થીઓને પ્રથમ પાઠથી જ દાઉદભાઈના વિષયનૈપુણ્યની પ્રતીતિ થઈ. હવે અમારે આને અનુસરવાનું હતું.

પછી તો દાઉદભાઈના માર્ગદર્શન હેઠળ અમારુંપ્રશિક્ષણ ચાલ્યું. વર્ષ આખું એવું ચાલ્યું કે ‘રિગરસ’ શબ્દ પણ કૂણો લાગે. સહેજ પણ બાંધછોડ કે પ્રમાદ નહીં. દિવસભર વર્ગો. રાતે ઉજાગરા કરી પાઠની તૈયારી. તાલીમાર્થીઓ ઘણીવાર મજાકમાં કહેતા કે, ઘાંચીસાહેબ આપણું તેલ કાઢે છે. પણ આ સખતાઈ આપણને સજ્જ કરવા માટે જ છે તેની પાકી ખાતરી.

દાઉદભાઈના નિરીક્ષણ હેઠળ પાઠ આપવાનો હોય તેના બે દિવસ અગાઉ અમારી ઊંઘ ઊડી જાય. પાઠના આયોજનની નોંધમાં જોડણી, વ્યાકરણ કે વિરામચિહ્નની એક પણ ભૂલ ન ચાલે. દાઉદભાઈ નોંધને ઝીણવટથી તપાસે. પાઠ માટે તાલીમાર્થીની કેવી, કેટલી તૈયારી છે તેનો તાગ કાઢી લે. સૂચનો કરે. આટલી તૈયારી છતાં દાઉદભાઈની ઉપસ્થિતિમાં વર્ગ લેવાનો હોય એટલે અમે નર્વસ – ઢીલા ઢફ. વર્ગખંડમાં પાછળ બેસી દાઉદભાઈ વર્ગશિક્ષણની પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના પ્રતિભાવ અંગેનાં સૂચનો નોંધતા રહે. આ નોંધો ‘ફ્યુરિઅસ્‌લિ’ લખાતી જાય. લેસનપ્લાનમાં નોંધ માટેની જગ્યા ઓછી પડે એટલે દાઉદભાઈ વધારાના કાગળો જોડે. નોંધોમાં પાઠનું પ્રાબલ્ય અને નબળાઈ બન્ને હોય. પાઠને અંતે અમારા હાથમાં દાઉદભાઈએ લખેલ નોંધોના કાગળોનો ઝૂડો હોય. અમે આ કાગળોને દાઉદભાઈના ‘લવ લેટર્સ’ કહેતા.

વર્ષને અંતે શિક્ષણકાર્ય અમારા માટે ‘અૉક્યૂપેશન’ મટી ‘મિશન’ થઈ ગયું. મૂલ્યનિષ્ઠ શિક્ષણ, વિષયની સજ્જતા, વર્ગશિક્ષણ માટે પૂર્વતૈયારી, વિદ્યાર્થી કેન્દ્રી અભિગમ, નિસબત − આ બધાથી પરિબૃંહિત થઈ અમે નવેસરથી શિક્ષણકાર્યમાં જોતરાયા. ત્રિવેદીસાહેબ અને દાઉદભાઈએ જે પાથેય બંધાવ્યું તેનાથી શિક્ષક તરીકેની આખી કારકિર્દી દરમિયાન અમારો ગુજારો થયો.

બી.એડ્‌. પૂરું કરી હું અંગ્રેજીના શિક્ષક તરીકે ફરી હાઇ સ્કૂલમાં જોડાયો ત્યારે ગુજરાતભરમાં અંગ્રેજી શિક્ષણ પર દાઉદભાઈનો પ્રભાવ હતો. દાઉદભાઈએ તૈયાર કરેલ અંગ્રેજીનાં પાઠ્યપુસ્તક, દાઉદભાઈ લિખિત ગ્રામરબુક, અને ઘણીબધી માધ્યમિક શાળાઓમાં દાઉદભાઈના વિદ્યાર્થીઓ અંગ્રેજીના શિક્ષક. ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણના એ ગાળાને દાઉદભાઈ યુગ કહી શકાય એટલું માતબર એમનું પ્રદાન.

ગુજરાતમાં આર.એસ. ત્રિવેદી અને દાઉદભાઈની સાખ એવી કે, એમના વિદ્યાર્થી હોવું એ વિશિષ્ટ લાયકાત ગણાય. આ લાયકાતના બળે મને સુરતની ખ્યાતનામ જીવનભારતી સ્કૂલમાં વગર ઈન્ટર્વ્યૂએ નિમણૂંક મળેલી. વિદ્યાનગરની ઇન્સ્ટિટ્યૂટ અવ્‌ ઇંગ્લિશમાં વ્યાખ્યાતા તરીકે પસંદગી થઈ તેમાં પણ આ લાયકાત ધ્યાનમાં લેવાયેલી. સન 1991માં જામનગરની કોલેજમાં આચાર્યના પદ માટેની ‘અૉફર’ અરજી કે ઈન્ટર્વ્યૂ વગર મળી તે ય આ લાયકાતને કારણે. પણ આ તો ભૌતિક લાભોની વાત થઈ. અહીંથી પ્રાપ્ત સંસ્કારોથી પ્રેરાઈ ચાર દાયકા જે શિક્ષણકાર્ય કર્યું તેમાંથી પામેલ ‘જૉબ સૅટિસ્‌ફેક્શન’ – ફરજ બજાવ્યાની પરિતુષ્ટિ એ મુખ્ય ઉપલબ્ધિ. ત્રિવેદી સાહેબ અને દાઉદભાઈએ શિક્ષકની પ્રતિબદ્ધતા પ્રત્યેની જે સભાનતા કેળવેલી તે મારી સમગ્ર કારકિર્દી દરમિયાન પ્રેરકબળ રહી. અહીં યુનાઇટેડ કિંગ્ડમમાં પણ એક નિષ્પ્રાણ અને સરેરાશથી નિજન કક્ષાની હાઇ સ્કૂલને ચેતનવંતી કરવામાં હું યથાશક્તિ યોગદાન આપી શક્યો તે આ પ્રેરણાના પ્રતાપે જ. આજે આ હાઈ સ્કૂલ સિદ્ધિઆંકની દૃષ્ટિએ સમગ્ર બ્રિટનની હાઇ સ્કૂલોમાં પ્રથમ ક્રમે છે. આવી કોઈ કામગીરી બજાવાય ત્યારે દાઉદભાઈના તપનું પુણ્ય હજુ પણ તપે છે એવો ભાવ મનમાં જાગે છે.

હાલમાં ખાનગીકરણ અને લાગવગશાહીને પગલે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અધોગતિ અને અવદશા જોઈએ છીએ ત્યારે તો દાઉદભાઈના જીવનકાર્યનું અને પુરુષાર્થનું મૂલ્ય વધુ તીવ્રતાથી સમજાય છે. હરાયા ઢોર ભુરાંટ થઈ વિદ્યાધામોને ભેલાડી રહ્યાં છે ત્યારે ડચકારો કરી કે ડફણું લઈ એમને તગેડનાર કોઈ શિક્ષકના જીવની રાહ જોવાય છે. શૈક્ષણિક કટોકટીની આ ઘડીએ હૃદયમાં એવી એષણા જાગે છે કે, આપણા દુર્ભાગી દેશને યુગેયુગે દાઉદભાઈઓ મળતા રહે − May his tribe increase.

200 Halliwell Road, BOLTON, Lancs. BL1 3QN [United Kingdom]

(વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ચાળીસી અવસર અન્વયે, અગ્ર શિક્ષણવિદ્દ, લેખક, વિચારક ને મુઠ્ઠી ઊંચેરા સજ્જન દાઉદભાઈ એ. ઘાંચીને સન્માનવાનો સમારોહ વેસ્ટ યૉર્કશરના બાટલી ગામે, સોમવાર, 21 અૉગસ્ટ 2017ના રોજ, યોજાયો હતો. તે પ્રસંગે આપેલું અતિથિ વક્તવ્ય.)

છબીઝલક:

વીડિયો: