મારી સમજ મુજબ, ‘વિકિસ્રોત’ એ ‘વિકિસોર્સ’ના મૂળ નામ તળે વિકિમીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નફા-રહિત ચલાવવામાં આવતો ગુજરાતી ભાષા માટેનો ઑનલાઇન ભંડાર છે જેમાં કૉપીરાઈટ મુક્ત લોકવાંગ્મય, સાહિત્ય, લખાણો તેમજ અન્ય દસ્તાવેજી કૃતિઓનો સંચય કરવામાં આવે છે. આ સંસ્થા, વિકિપીડિયા (મુક્ત જ્ઞાનકોષ), વિક્શનરી (મુક્ત શબ્દકોષ), વિકિવિદ્યાલય (મુક્ત વિદ્યાલય) જેવી બહુભાષી તથા પ્રકાશન-અધિકાર-મુક્ત પરિયોજનાઓ પણ ચલાવે છે.
ગુજરાતી ભાષામાં પોતાનું અને પોતીકું કહી શકાય તેવું ‘વિકિસ્રોત સબડોમેઈન’ કે ‘પોર્ટલ’ પ્રાપ્ત થયું તેની પહેલી વરસી 27 માર્ચ 2013ના છે. એનો જાહેર ઓચ્છવ ગિરનારની તળેટીમાં, ભવનાથમાં આવેલા રૂપાયતન ખાતે રવિવાર 31 માર્ચ 2013ના થઈ રહ્યો છે. આ અવસરનું, વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ વતી, થેમ્સના કિનારેથી, અમે સહૃદય સ્વાગત કરીએ છીએ. આ અંગે યોજાયેલા આ આગવા કાર્યક્રમને અમારી વધાઈ પણ પાઠવીએ છીએ. આ આખું આંદોલન ઊભું થઈ શક્યું તેનો મહદ્ યશ ડૉ. ધવલ સુધન્વા વ્યાસ તેમજ તેમના સાથી સહોદરોને જાય છે. તે દરેકને આ ન્યોચ્છાવરી સારુ અમે શાબાશી આપીએ છીએ અને અનેકાનેક શુભ કામનાઓ વ્યક્ત કરીએ છીએ.
અકાદમીની ‘ઓટલો’ નામની બેઠકના સંયોજક ડૉ. ધવલ વ્યાસ સાથે થયેલી વાતચીત મુજબ, વિકિસ્રોતના અસ્તિત્વને કારણે, આપણા માટે આપણાં સાહિત્યની સાચવણ અને પ્રસાર કરવાનું કાર્ય ઘણું સરળ થઈ ગયું છે. આજની યુવાપેઢી પુસ્તકોથી દૂર ભાગી રહી છે એવી ફરિયાદ કરવી હવે યોગ્ય નહીં ગણાય, કારણ કે હવે ગ્રંથાલય જ તેમનાં લેપટોપ પર આવવાનું છે. વાંચવાનો શોખ ધરાવનારાઓને, ઐતિહાસિક, પૌરાણિક કે પછી ધાર્મિક એવાં અનેક પ્રકારનાં સેંકડો પુસ્તકો ક્મ્પ્યુટર પર માત્ર ક્લિક કરવાથી મળી રહે એવું માળખું ગોઠવાઈ ગયું છે. શરૂઆતમાં શ્લોકો, સંતસાહિત્ય, પૌરાણિક- આધ્યાત્મિક- અને ઐતિહાસિક ગ્રંથો વગેરે તેમ જ જૂના અને દુર્લભ ફોટાઓ પણ આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. વળી આ બધું સાહિત્ય ‘યુનિકોડ’માં અક્ષરાંકિત હોઈ જુદા જુદા ફોન્ટની કડાકૂટ વગર વાચકોને સહજ રીતે ઉપલબ્ધ રહેશે.
વિકિસ્રોતના વેબપેજ પર આંટાફેરા કરતા માલુમ પડે છે કે આ સમૂહ-સહકાર્ય-પ્રકલ્પ પર ડૉ. ધવલ વ્યાસ ઉપરાંત અશોક મોઢવાડિયા, વ્યોમ મજમૂદાર, સુશાંત સાવલા, મહર્ષિ મહેતા અને સતીષચંદ્ર પટેલ એમ પાંચેક જેટલા ટેક્નિકલ જાણકારી ધરાવતા સક્રીય વ્યવસ્થાપકોની દેખરેખ હેઠળ અનેક સભ્યો પોતાનું યોગદાન આપી રહ્યાં છે. વિકિસ્રોત દ્વારા 2300થી વધુ કૃતિઓ યુનિકોડમાં મુદ્રિત થઈ ચૂકી છે. વિકિસ્રોત દ્વારા પાર પડેલી પરિયોજનાઓમાં મહાત્મા ગાંધીની ‘સત્યના પ્રયોગો’ જેવી આત્મકથા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ કૃત ‘કલાપીનો કેકારવ’ જેવો કાવ્યસંગ્રહ, ઝવેરચંદ મેઘાણી દ્વારા આલેખિત ‘માણસાઈના દીવા’ જેવો ચરિત્રગ્રંથ અને રમણલાલ નીલકંઠ કૃત ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્ય-નવલકથા ઉપરાંત આ પ્રકારનાં વિધવિધ સાહિત્યનો સમાવેશ થાય છે. વિકિસ્રોતની પ્રસ્તાવિત પરિયોજનાઓમાં હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, અખો, દયારામ, દલપરામ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા, ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક સાહિત્યકારોની કૃતિઓને ઑનલાઈન સુલભ કરી આપવાની નેમ નજરે ચઢે છે. હજુ તો ગુજરાતી પોર્ટલને બાર મહિના જ થયા છે. અત્યાર સુધીમાં અહીં ગણનાપાત્ર કાર્ય થયું છે તે આંકડાકીય માહિતી જોતાં સમજાય છે.
ગુજરાતી શિક્ષણ આપવા માટેના અધિકૃત સાધનો વિશેની વિષદ વિગતમાહિતીઓ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન, પત્રકારત્વ અને ગુજરાતી ભાષામાં જ્ઞાનવર્ધક હોય, માહિતીપોષક હોય તેવી સાહિત્ય સહિતની વિવિધ સામગ્રીઓ આપણને આ પોર્ટલમાંથી મળશે, ત્યારે આપણી ભાષાનાં મરશિયાં ગાતાં લોકોને ફટાણાંથી ખાળી શકાશે. મને તો થાય કે ગુજરાતીમાં મળતું આપણું તમામ કાવ્યધન આ એક ઠેકાણે મળી જાય તો ગુજરાતી તરીકે ધન્ય થઈ જવાય. આાવું વાર્તા, આત્મકથા, જીવનકથા અને ઇતર તમામ સાહિત્યનુંય બની શકે … ખેર!
આવાં આવાં માતબર કામને સારુ, અમારી સંસ્થા – ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ બબ્બે હાથે તમને થાબડે છે. તમારું આ મહાયજ્ઞ શું કામ ખૂબ તપો અને ખૂબ વિસ્તરો.
વિપુલ કલ્યાણી
પ્રમુખ: ગુજરાતી સાહિત્ય અકાદમી
હૅરો, મિડલસેક્સ, યુનાઈટેડ કિંગ્ડમ, 13 માર્ચ 2013