પુરુષોત્તમ ઉપાધ્યાય – ગુજરાતી સુગમ સંગીત અને તેની આવતીકાલ

નંદિનીબહેન ત્રિવેદી

વિપુલ કલ્યાણી

રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલાં નંદિનીબહેન ત્રિવેદીએ પત્રકારત્વ પણ કર્યું છે અને પોતાના ઇશ્વરીય બક્ષિસ સમાન સ્વરને લીધે સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. મધુર સ્વર ધરાવતાં નંદિનીબહેનને પરિવારમાં સંગીતનું વાતાવરણ મળ્યું એ કેવો સંજોગ!

તેમણે શાસ્ત્રીય સંગીત તરફ યુવાવર્ગને આકર્ષવા માટે અનેક રાગ ઉપર આધારિત ફિલ્મી ગીતોનાં નોટેશન લખી ‘મીલે સૂર’ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. તેની ત્રણ આવૃત્તિ બહાર પડી છે. જે યુવાવર્ગને ખૂબ પ્રિયકર બની છે. ‘મન કાહે ના ધીર ધરે’, ‘ચંદન સા બદન ચંચલ ચિતવન’ કે ‘તુમ દિલ કી ધડકન મેં રહતે હો’ આ ગીતના નોટેશન વાંચતાં વાચકો બોલી ઊઠે, ‘અરે! આ ગીત યમનમાં ગાયેલ છે?!’ તો તો મારે જરૂર યમન રાગ શીખવો પડશે.’

૧૯૬૦માં જન્મેલાં નંદિનીબહેનના પિતા પ્રાદ્યાપક જયંતભાઇ પંડ્યા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અગ્રગણ્ય નામ ધરાવતા હતા. માતા રાસેશ્વરી પંડ્યા પણ થોડુંઘણું સંગીત ગાઇ જાણતાં. નંદિનીબહેનનો ઇશ્વરે આપેલો કંઠ પારખી એને ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીત શીખવા લઇ ગયાં. ત્યાર બાદ રેડિયો પર યુવાવાણીમાં ઓડિશન પાસ કરી યુવા નંદિનીબહેને કાર્યક્રમો આપવા માંડ્યા. નંદિનીબહેને રવીન્દ્ર સંગીત પણ ખૂબ મીઠું અને રુચિકર લાગતું હતું એટલે તારાશંકર બંદોપાધ્યાયજી પાસે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં શીખવાનું શરૂ કર્યું. તેમણે સંગીતની સાથે સાથે પોલિટિકલ સાયન્સમાં એમ.એ. અને ડિપ્લોમા ઇન જનૉલિઝમ કરી પત્રકારત્વમાં પણ આગવી પ્રતિભા દાખવી છે.

આમ નંદિનીબહેનને સંગીતનો અનોખો માહોલ મળી ગયો. ૧૯૯૦માં તેઓ મુંબઇ આવ્યાં અને સંગીતજ્ઞાતા અને વાયોલિનવાદક મોહનભાઇ બલસારા પાસે તેઓ સુગમ સંગીત અને રાગદારી શીખવા લાગ્યાં. ૨૦૦૧માં કિરાના ઘરાનાના મહાન ગાયિકા પ્રભા અત્રેજીને મળવાનું થયું. પ્રભાજીએ કંઇક સંભળાવવાનું કહ્યું અને નંદિનીબહેને પ્રભાજીની ગાયેલી ‘તન મન ધન તોપે વારુ’ રાગ કલાવતીની બંદિશ સંભળાવી. પ્રભાજીએ તેમને સંગીત શીખવાની અનુમતિ આપી. તેઓ કહે છે, ‘૬૪ લલિતકળામાં સર્વશ્રેષ્ઠ કળા સંગીત છે અને I am blessed કે સંગીત મને મળ્યું છે.’

નંદિનીબહેને એકદા કહેલું, ’સંગીત એવી કળા છે જેમાં બુદ્ધિની સાથે હૃદયની પણ જરૂર પડે છે. એ બંનેનો સમન્વય થાય તો જ ઇશ્વર સુધી પહોંચી શકાય છે.’

એમને નામ કેટલાંક પુસ્તકો બોલે છે : ‘માતૃતીર્થ’, ‘હૈયાને દરબાર’, ‘ગીત ગુર્જરી’, ‘ગૌરવ ગુર્જરી’, ‘મિલે સૂર’ ઉપરાંત ‘સ્મરણો દરિયા પારના’ નામે સંપાદન.

વળી, ‘સ્વર ગુર્જરી’નું ઇન્ટરનેટી પ્લેટફોર્મ એમનું છોગું છે.

ગુજરાતી સુગમ સંગીતનાં આવાં ખ્યાતનામ ઇતિહાસકાર, જાણકાર, ગાયક આજની બેઠકનું સંચાલન કરે છે એ જ આપણા માટે ગૌરવકર છે.

05 ઍપ્રિલ 2025

 

* * * * *

 

પુરુષોત્તમ ઉપાધ્યાય : ગુજરાતી સુગમ સંગીત અને એની આવતીકાલ

– નંદિની ત્રિવેદી 

સુગમ સંગીત ક્ષેત્રે પુરુષોત્તમભાઈ માત્ર ગુજરાતનું જ નહીં, ભારતનું ગૌરવ છે. ઉર્દૂ ગઝલ પણ એ જ લહેજા સાથે ગાય. એ આલા દરજ્જાના સંગીતકાર તો છે જ પણ વ્યક્તિત્વ હસમુખું. તમે એમની પાસે જાઓ તો તમારા દુઃખ ભૂલાવી દે. એમની પાસે બેસીએ તો એટલું હસાવે કે આપણે પ્રસન્ન થઈ જઈએ. શેખર સેન કહેતાં કે ગુજરાતીઓમાં જેમ મુખવાસ હોય ને એમ પુરુષોત્તમ ઉપાધ્યાયને મળવું એ સુખવાસ બની રહે.

પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને ગુજરાતી સુગમ સંગીતનો પર્યાય કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. અઢળક ગીતો, અનહદ કાર્યક્રમો અને અપાર કીર્તિના સ્તંભ સમાન પુરુષોત્તમભાઈના સંગીતની યશોગાથા કહેવા માટે એક પ્રવચન નાનું પડે પરંતુ પુરુષોત્તમભાઈ પાસે તો કહેવા જેવા કેટકેટલા પ્રસંગો હતા! એમને જ્યારે પણ મળવાનું થાય ત્યારે ગીતો, ગીતકથાઓ અને મજેદાર વાતોનો ખજાનો ખૂલે.

પી.યુ.ના હુલામણા નામે ઓળખાતા પુરુષોત્તમ ઉપાધ્યાયનાં ગુજરાતી ગીતોનાં સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં આજે ય રણઝણે છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર જેવાં આલા દરજ્જાનાં ગાયકોએ પુરુષોત્તમભાઈનાં સ્વરાંકનો ગાયાં છે.

15 ઑગસ્ટ, 1934માં ખેડાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. નાના હતા ત્યારે નાટકમાં કામ કરતા. દાદા પ્રખર વિદ્વાન. મા પણ સારું ગાય. સ્કૂલ દરમિયાન તેમને સંગીતમાં અનેક અવૉર્ડ્સ મળ્યા. તેમને ભણવા કરતાં સંગીતમાં વધુ રસ હતો એટલે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કરિયર બનાવવા મુંબઈ જતા રહ્યા. સંઘર્ષ કરતા કલાકાર માટે કહેવાય કે એણે ચણા ખાઈને દિવસો ગુજાર્યા પણ પી.યુ. પાસે ચણા લેવાના પૈસા ય નહોતા. ચાલીમાં રહીને પાણી ભરવા જેવાં કામો પણ એમણે કર્યાં હતાં. પણ ગજ ન વાગતા વતન પાછાં ફર્યાં. માસ્ટર અશરફ ખાનનું પીઠબળ હોવાથી એમની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ ક્ષણ તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. થોડા સમય બાદ ફરીથી મુંબઈ ગયા ને નાનું-મોટું કામ મળવા લાગ્યું.

એક વાર ઉસ્તાદ સલામતઅલી ખાન અને નજાકતઅલી ખાનસાહેબ કાર્યક્રમ માટે મુંબઈ આવ્યા હતા. પાકિસ્તાન પાછાં જતાં પહેલાં એમણે ખય્યામ સા’બ, એમનાં પત્ની જગજિત કૌર અને લતા દીદીને એમની સાથે જમવાનું નિમંત્રણ આપ્યું હતું. સલામતજી-નજાકતજીને પુરુષોત્તમભાઈ ગુરુ માને એટલે એ પણ ત્યાં હાજર. ડિનર પછી બધાએ નક્કી કર્યું કે દરેકે એક એક ગીત ગાવું. સલામતજીએ પી.યુ. તરફ ઈશારો કરતાં કહ્યું કે આ છોકરો સરસ ગાય છે. ઉપસ્થિત મહારથીઓ સામે એ તો સાવ નાના હતા છતાં એમણે તાજું કરેલું સ્વરાંકન ‘હૈયાને દરબાર’ સંભળાવ્યું.‌ સૌને ખૂબ પસંદ આવ્યું. પછી તો લતાદીદીએ ઉસ્તાદ સલામત અલી ખાન સાહેબ દ્વારા પી.યુ.ને ઘરે આવવા નિમંત્રણ આપ્યું અને કહ્યું કે તારા કમ્પોઝિશન મને સંભળાવ. હૈયાને દરબાર … સાંભળ્યાં બાદ લતાજીએ કહ્યું, “તુમ્હે માલૂમ હૈ કિ તુમ કિતના સુર મે ગાતે હો? યે ગાના બહુત લાજવાબ હૈ.” આનાથી વધારે મોટો સરપાવ બીજો શું હોઈ શકે? ઓલ ઇન્ડિયા રેડિયો પરથી લતાદીદીને કોન્ટ્રેક્ટ લેટર મોકલવામાં આવ્યો અને, રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી.‌ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ગીત લતાજીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં ગાયું. આ ગીતની અરેન્જમેન્ટ વિશિષ્ટ છે.‌

1967માં પ્રતિષ્ઠિત ઝવેરી પરિવારનાં ચેલના ઝવેરી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાયનાં પ્રેમ લગ્ન થયાં. ચેલનાબહેનની સંગીત સૂઝ પણ ખૂબ સારી એટલે એમને પારિવારિક જીવન ઉપરાંત સંગીતમાં પણ ચેલનાબહેનનો સાથ સંગાથ મળતો રહ્યો.

પિતાનો વારસો પામેલી સંગીતસમૃદ્ધ દીકરીઓ વિરાજ-બીજલે પિતા પુરુષોત્તમ વિશે એક સ્થાને બિલકુલ યથોચિત વાત લખી છે. “એમની પાસેથી અમે સંગીતની ઘણી બારીકાઈ શીખ્યાં છીએ. હારમોનિયની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ શીખ્યાં છીએ. પપ્પા બેસ્ટ પરફોર્મર છે. ઉત્તમ ગાયક, ઉત્તમ સ્વરાંકન, ઉત્તમ કવિતા – આમ, બધું જ ઉત્તમ ભેગું થાય ત્યારે ‘શ્રેષ્ઠ’–પરફોર્મરનો જન્મ થાય છે. એમનાં ગીતો અમે હજ્જારો વાર હજ્જારોની સંખ્યામાં એમના જ કંઠે સાંભળ્યા છે છતાંયે અમને ‘કાન છુટ્ટો’ કરવાનું મન ક્યારેક નથી થયું. પપ્પાનું સંગીત અમને વધુ ગુજરાતી બનાવે છે. પપ્પાથી સંગીત જેટલું નજીક એટલાં જ નજીક અમે. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ-બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે ‘સા’ ઘૂંટી શકો એવો સૂરીલો માહોલ ..!” કેવો સરસ‌ માહોલ!

આવું નસીબ ભાગ્યશાળીને જ મળે. સંગીતના જ નહીં, જિંદગીના આરોહ-અવરોહ જેમણે જોયાં છે એ યુવા પુરુષોત્તમભાઈની અવિનાશ વ્યાસ સાથે મુલાકાતની વાત પણ રસપ્રદ છે.‌ અવિનાશ વ્યાસને પહેલીવાર એ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં મળ્યાં અને તેમનું સમયચક્ર ફરી ગયું. અવિનાશ વ્યાસ સાથે શરૂમાં તો કોરસમાં ગાવાનું શરૂ કર્યું. એક ગીતના રૂપિયા 10 મળે. એ રીતે મહિને સો દોઢસો રૂપિયાની કમાણી થવા લાગી. સાથે ગીતો સ્વરબદ્ધ કરવાની અગત્યની તાલીમ પણ તેઓ પામતા ગયા. અવિનાશ વ્યાસની સાથે રહીને લતા મંગેશકર, આશા ભોંસલે જેવાં અનેક કલાકારોના પરિચયમાં આવવાનું થતું ગયું. એ વખતે મંગેશકર ફેમિલી નાના ચોકમાં રહે અને આશા ભોસલે ત્યારે મુંબઈના ગામ દેવીમાં આવેલી રેશનિંગ ઓફિસમાં કામ કરતાં હતાં. મંગેશકર પરિવાર સાથે પણ પરિચય વધી રહ્યો હતો.‌

સંગીતમય વાતાવરણમાં પુરુષોત્તમભાઈનું ઘડતર થતું ગયું ને પછી તો દેશવિદેશમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના નામનો ડંકો પડવા માંડ્યો. હંસા દવે જેવાં સંગીતસાથી મળવાથી પુરુષોત્તમ ઉપાધ્યાય-હંસા દવેની સંગીત જોડીએ સાથે મળીને અનેક કાર્યક્રમો કર્યાં.

ગુજરાતે અનેક ઉત્તમ સ્વરકાર અને ગાયકો આપ્યા છે. સહુ પોતપોતાના સ્થાને પ્રતિષ્ઠિત છે, પરંતુ, પુરુષોત્તમભાઈની એક આગવી મુદ્રા છે, જે બધાથી એને અલગ તારવે છે. પી.યુ.નાં મારાં પ્રિય ગીતોની એક ઝલક સંભળાવીને પછી સુગમ સંગીતની વાત તરફ આગળ વધીએ.

૧ હવે સખી નહીં બોલું

૨ હૈયાને દરબાર

૩ મેં તજી તારી

*****

ગિરિ તળેટી ને કુંડ દામોદર કે જાગને જાદવાથી શરૂ થયેલી ગુજરાતી ગીતોની યાત્રા આજે ગુજરાતી રૅપ સોંગ, ગોતી લો … સુધી પહોંચી છે.

ગોતી લો, ગોતી લો, તમે ગોતી લો

ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો

નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં

એવો હાડનો પ્રવાસી ગોતી લો …

અહીં સુધીની સંગીતયાત્રામાં કેટકેટલાં પડાવ અને પરિવર્તન આવ્યા!

મુખ્ય તબક્કાઓ વિશે વાત કરું તો ચૌદમી સદીમાં નરસિંહ-મીરાંથી શરૂ થયેલું કાવ્ય સંગીત પછીથી મધ્યકાલીન સંગીત, રંગભૂમિ, નાટ્ય, ફિલ્મ સંગીત, સુગમ સંગીત, દેશભક્તિ ગીતો, ગાંધી કથા ગીતો, આધુનિક કે અર્બન મ્યુઝિક સુધી વિસ્તાર પામ્યું. સુગમ સંગીત અથવા કાવ્યસંગીતમાં શબ્દ અને સૂર બન્નેની અભિવ્યક્તિ છે. સાહિત્યના તમામ પ્રકારોમાં ‘ગીત’ હજારથી વધુ વર્ષનો દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ગવાય તે ગીત એમ સાદો અર્થ કરી શકાય. પરંતુ, ગુજરાતી ગીત-ગઝલોનું માધુર્ય આગવું છે, અનોખું છે.

મારી સ્મૃતિમાં પહેલું ગીત અવિનાશ વ્યાસનું મારી ગાગરડીમાં. મમ્મીના કંઠે આ ગીત મેં પહેલી વાર સાંભળ્યું અને ગાતી થઈ હતી. પપ્પાને સાહિત્યમાં રુચિ એટલે એ આશ્રમ ભજનાવલી લઈ આવ્યા હતા. એનું મૂલ્ય એ વખતે નહોતું સમજાયું, જે હવે સમજાય છે. ગાંધીજી કહેતા કે દરેક ધર્મની પ્રાર્થના એક જ ઈશ્વરની ઉપાસના શિખવાડે છે. આશ્રમ ભજનાવલિમાં એવાં કોઈ ભજન નથી જે મૃત્યુનો ડર બતાવે, સાંપ્રદાયિક હોય કે સ્ત્રીઓની નિંદા કરનારા હોય. જે ભજનમાં ભક્તિભાવ ન હોય અથવા કૃત્રિમ હોય એવાં ભજનો એમાં સમાવિષ્ટ નથી. વેદવાણીનું મહત્ત્વ સમજીને ઈશાવાસ્યમ ઈદમ્ સર્વમ્ ગાંધીજીનો પ્રિય મંત્ર હોવાથી સવાર-સાંજની પ્રાર્થનામાં અંતર મમ…નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પપ્પા જયંત પંડ્યા સાહિત્યકાર અને લેખક એટલે ઘરમાં સાહિત્યકારોની, કવિઓની અવર-જવર તો હંમેશાં રહેતી એટલે મારી સ્મૃતિમાં સૌથી પહેલી જે કવિતા કાને પડી હતી એ અમારા લાભશંકર કાકાની વહી જતી પાછળ રમ્ય ઘોષા … પપ્પા ખૂબ સરસ પઠન કરતા અને એ પછી તો અમારે ત્યાં કવિ રાજેન્દ્ર શુક્લ આવે, ચિનુ મોદી આવે એટલે કવિતાનો સત્સંગ નાનપણથી જ થયા કર્યો. રાજેન્દ્ર શુક્લની તો હજો હાથ કરતાલ અને ચિત્ત ચાનક જેવી કવિતાઓ સાથે મારું ઘડતર શરૂ થયું.

એ પછી સંગીત શોખ વિકસ્યો બંસરી બહેન અને યોગેનભાઈને લીધે. અમારી પ્રોફેસર કોલોનીમાં બંસરીબહેન અને યોગેનભાઈ નામનું એક સરસ સંગીતમય યુગલ રહેતું હતું. યોગેનભાઈની સંગીતની સૂઝ જબરજસ્ત અને બંસરી બહેનનો અવાજ ખૂબ સરસ. હું તો સ્કૂલમાં હતી પણ બંસરીબહેન લગ્ન ગીતો ગાવાં જાય તો ક્યારેક મને પણ સાથે લઈ જાય. આપણાં ગુજરાતી ગરબા કે લગ્ન ગીતો એ બધાનો પરિચય થયો અને પછી તો સૌથી પહેલું સુગમ સંગીત મારા કાને પડ્યું એ બંસરીબહેનની કેસેટ દ્વારા.‌ હરેશ બક્ષીનાં કમ્પોઝિશન ખૂબ સરસ એટલે અમારા ઘરમાં સતત એમની કેસેટ વાગે. એમનું સૌથી વધુ ગમેલું ગીત એટલે ક્યાંક તું છે

સુગમ સંગીતના પાયાના સ્તંભ : Pillers of Gujarati sugam sangeet: Avinash Vyas, Dilip dholakia, Kshemu Divedia, Rasbihari Dedai, Gaurang vyas, Purushottam Upadhyay, Ajit merchant, Ajit Sheth, Ninu Mazumdar, Ashit Desai, Mahesh Naresh etc.

1950માં આરંભ અવિનાશ વ્યાસથી : એમણે ગુજરાતને ગાતું કર્યું ને એમના દીકરા ગૌરાંગ વ્યાસે ગુજરાતી પ્રજાને સાંભળતી કરી.

છેલાજી રે, છાનું રે છપનું, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, તારી બાકી રે પાઘલડી, કહું છું જવાની, પંખીડાને આ પિંજરું જેવાં અસંખ્ય ગુજરાતી ગીતોએ ગુજરાતને ઘેલું કર્યું કારણ કે અવિનાશ વ્યાસના શબ્દ અને સંગીતમાં સરળતા હતી. એમણે ફિલ્મોમાં પણ જે સંગીત આપ્યું એ પણ એટલું લોકપ્રિય રહેતું કારણ કે પ્રોડ્યુસરને એ કોઈ દિવસ નિરાશ ન થવા દે. બાકી એમણે ક્લાસિક ગીતો પણ કમ્પોઝ કર્યા છે, પરંતુ એ હંમેશાં માનતા કે નિર્માતા ને નુકસાન ના થવું જોઈએ એટલે ચાર ગીત નિર્માતાને ગમે એવા અથવા તો લોકોને ગમે એવાં અને એક કે બે ગીત પોતાની પસંદગીનાં ગીતો એટલે એ બેલેન્સને લીધે ગુજરાતી ગીતો અને ગુજરાતી સંગીતને અવિનાશ વ્યાસે ઘરઘરમાં ગૂંજતું કર્યું.  અંબાજી માતાના પરમ ભક્ત. માડી તારી સામે કેમ કરી મીટ માડું … અદભુત ગરબો. રાખના રમકડાં ગીતનો 18 ભાષામાં અનુવાદ થયો. એ જમાનામાં અવિનાશ વ્યાસને રૂ. પચીસ હજારની રોયલ્ટી મળી હતી જે આજે લાખ કહેવાય. એ રીતે રાખનાં રમકડાં લાખના રમકડાં બની ગયાં હતાં.

એ પછી અમદાવાદમાં ક્ષેમુ દિવેટિયા, દિલીપ ધોળકિયા, રાસબિહારી દેસાઈએ સુગમ સંગીતને જુદો જ સ્પર્શ આપ્યો. આ દરેકના સ્વરાંકનોમાં કાવ્યને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું.  1950માં ઠાકુર જયદેવસિંહે રેડિયો પર સુગમ સંગીત શબ્દ ‘કોઈન’ કર્યો હતો પરંતુ, આ ત્રણેય સંગીતકારોએ ભારપૂર્વક એમ કહ્યું કે સુગમ સંગીત એ ક્લાસ માટે છે જેમને ભાષા માટે પ્રેમ હોય, ભાષા અને સમજવાની ક્ષમતા હોય ઈચ્છા હોય તત્પરતા હોય એ લોકો આ સંગીતને માણી શકે. દિલીપભાઈ માનતા કે સસ્પેન્સ ઊભું કરી શકે એક સાચું કમ્પોઝિશન. દિલીપ ધોળકિયાના સર્વ શ્રેષ્ઠ ગીતોમાં એક રજગણ સૂરજ થવાની શમણે, રૂપલે મઢી છે સારી રાત અને એકલા જ આવ્યા મનવા એકલા જવાના ઉત્તમ કાવ્ય ઉત્તમ કમ્પોઝિશન ઉત્તમ પ્રેઝન્ટેશન. ક્ષેમુભાઈ કહેતા કે લોકોને જ ગમે એવું સંગીત આપવા જઈએ તો ગાડી આડે પાટે ચડી જાય. એમનાં ઉત્તમ ગીતો એટલે કેવાં રે મળેલા મનના મેળ, હે જી વાલા સાવરે અધૂરું, રાધાનું નામ. રાસબિહારીભાઈ તો હંમેશાં કહેતા કે પોપ્યુલરિટીના બહાને આપણે સહેલું કે સરળમાંથી સસ્તી લોકપ્રિયતામાં તો નથી સરી પડતાં ને? ટૂંકમાં એ વખતના સંગીતકારોની દૃષ્ટિ જુદી હતી એ દરેકને એમ લાગતું કે પબ્લિક ટેસ્ટ ઇઝ સમથીંગ ટુ બી કલ્ટીવેટેડ. આજે પરિસ્થિતિ તદ્દન જુદી છે. અમદાવાદમાં અવિનાશ વ્યાસનો વારસો જાળવ્યો પુત્ર ગૌરાંગ વ્યાસે.‌ ગૌરાંગ વ્યાસની એરેન્જમેન્ટ અદ્દભુત. એમનાં લાજવાબ ગીતો સાંવરિયો, હુતુતુ જામી રમતની ઋતુ વિના એક કે મહેફિલ પૂરી નથી થતી એ સિવાય એમણે ખૂબ બધાં સુંદર ગીતો આપ્યાં છે પણ આ બંને ગીતો એમના અજર અમર બની રહ્યાં. અત્યારે ગુજરાતમાં શ્યામલ-સૌમિલ મુનશી, નયન પંચોલી, નૈનેશ જાની, સંજય ઓઝા, અમર ભટ્ટ, વડોદરાના રવિન નાયક, વિહાર મજમુદાર, સૌરાષ્ટ્રમાં પણ અનંત વ્યાસ, પીયૂષ દવે, ભરત પટેલ સહિત અનેક સંગીતકારો ખૂબ સુંદર કામ પોતપોતાની રીતે કરી રહ્યા છે.

મુંબઈના સંગીતકારો

બીજી બાજુ મુંબઈમાં નિનુ મઝુમદાર, અજિત શેઠ, અજિત મર્ચન્ટ, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈનો સિતારો સમાંતરે ચમકી રહ્યો હતો. એ પછીની પેઢીમાં ઉદય મઝુમદાર, સુરેશ જોશી, સોલી કાપડિયા સહિત અનેક સંગીતકારો નોંધપાત્ર દેખાવ કરી રહ્યા છે. સાથે સાથે ગુજરાતી ગઝલ ક્ષેત્રે ઘણો ખેડાણ થઈ રહ્યું હતું.

ગઝલયુગ :

ગઝલ એ સાહિત્યનું અદ્ભુત સ્વરુપ છે. ગઝલના એક શેરની બે પંક્તિમાં ઘણું બધું કહેવાઇ જાય છે. પોતપોતાની શક્તિ મુજબ બધાં સમજે. ગુજરાતી ભાષામાં કેટલાક ગઝલકારોએ સુંદર ગઝલોનું સર્જન કર્યું છે અને એ ગઝલ કર્ણપ્રિય સુરાવલિઓમાં ઘૂંટીને આપણા સંગીતકારોએ ગેય ગઝલ રૂપે આપણી સમક્ષ મૂકી આપી છે. ગઝલના મુખ્ય ત્રણ તબક્કા, જેમાં પંડિત યુગ, શયદા યુગ અને આધુનિક યુગનો સમાવેશ થયેલો છે. ગુજરાતી ગઝલ ક્ષેત્રે અનેક પ્રતિષ્ઠિત ગઝલકારોએ ખેડાણ કર્યું છે તો યુવા ગઝલકારોની ગવાતી ગઝલોનું પ્રદાન પણ એટલું જ મહત્ત્વનું રહ્યું છે. જાણીતા અને વરિષ્ઠ ગઝલકારોમાં મરીઝ, શૂન્ય, ઘાયલ અને બેફામ પછી કેટલા ય આધુનિક ગઝલકારો જેમ કે જલન માતરી, આદિલ મનસૂરી, અદી મિરઝા, શેખાદમ આબુવાલા, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, ભગવતી કુમાર શર્મા, જવાહર બક્ષી, મનોજ ખંડેરિયા, નયન દેસાઈ, મુકુલ ચોકસી, શોભિત દેસાઈ, ડો. હેમેન શાહ, હનીફ સાહિલ, હર્ષદ ચંદારાણા, અદમ ટંકારવી, રાજેશ રેડ્ડી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અશરફ ડબાવાલા જેવા ગઝલકારોની ગઝલ ગવાઈ છે તો એ પછીની પેઢીના ગઝલકારો હિતેન આનંદપરા, મુકેશ જોષી, દિલીપ રાવલ, સંજય પંડ્યા, સંદીપ ભાટિયા અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, પ્રણવ પંડ્યા સહિત અનેક ગઝલકારોએ સુંદર ગઝલો લખી છે અને એ ગઝલો ગવાઈ પણ છે. મહિલા કવયિત્રીઓ પણ હવે પાછળ નથી. પન્ના નાયક, ડૉ. ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, યામિની વ્યાસ, પારુલ મહેતા, આશા પુરોહિત જેવી અનેક કવયિત્રીઓએ ગઝલ ક્ષેત્રે ખેડાણ કર્યું છે. મનહર ઉધાસે ગઝલને ઘરેઘર સુધી પહોંચાડી. નયનને બંધ, શાંત ઝરુખે … ઈત્યાદિ. જવાહર બક્ષીએ પણ ખૂબ પ્રયોગો કર્યા જેમાં એમણે ગઝલમાં રે લોલ શબ્દ પ્રયોજ્યો હતો ઉપરાંત રૂપજીવીની ગઝલ કદાચ ગુજરાતી ગઝલમાં ભાગ્ય જ ખેડાઈ હશે છે જવાહર બક્ષે ખૂબ સરસ લખી હતી અને હેમાંગીની દેસાઈએ એને સુંદર રજૂ કરી હતી.

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે,

રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

રહસ્યોના પરદા ગઝલ ગુજરાતી ગઝલોની સર્વશ્રેષ્ઠ ગઝલોમાંની એક છે. અંગતપણે ખૂબ પ્રિય. નસીબને ચેલેન્જ કરવાની ખુમારી એકેએક શેરમાં પ્રગટ થાય છે. પ્રારબ્ધ કરતાં પુરુષાર્થનું માહાત્મ્ય કેટલું અગત્યનું છે એ વાત કવિએ એમના આગવા મિજાજમાં રજૂ કરી છે.આ ગઝલ અરેબિક સ્ટાઈલમાં આશિત દેસાઈએ કરી હોવાથી જુદી જ અસર સર્જે છે. અરેબિક અને ઇજિપ્શિયન સંગીતનો યથાયોગ્ય સ્પર્શ ધરાવતી આ ગઝલ પહેલી વાર સાંભળી ત્યારે થયું કે કોણ કહે છે કે સુગમ સંગીત ઢીલું ઢાલું છે! આ ગઝલ આજના ટીનેજરને સંભળાવો તો એ ય ઝૂમી ઊઠે એવું જબરજસ્ત ઓરકેસ્ટ્રેશન એમાં છે. ગુજરાતી લોક સંગીત અને અરેબિક મ્યુઝિકમાં સામ્યતા જોવા મળે છે.

હવે થોડી વાત મારાં પુસ્તકો ગીત ગુર્જરી, ગૌરવ ગુર્જરી અને હૈયાને દરબાર અને ગીતોની સર્જન પ્રક્રિયા વિશે. ગીત: સપનાં વિનાની આખી રાત.

ભારતની તમામ ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનારી અભિષેક શાહ લિખિત-દિગ્દર્શિત ‘હેલ્લારો’ એવી ફિલ્મ છે જેમાં બ્લેક એન્ડ વ્હાઈટ પુરુષપ્રધાનતાની સામે સ્ત્રીઓની લાલ ચટ્ટક સંવેદનશીલતા કસુંબલ આશાવાદ જગવે છે. ઢોલ એ આ ફિલ્મનું એવું પાત્ર છે જે લયબદ્ધ જીવતાં શીખવે છે. સંગીત, સિનેમેટોગ્રાફી અને સંવાદ એ આ ફિલ્મનાં ઉજળાં પાસાં. દરેક ગીતની પોતાની એક કથા છે.સૌમ્ય જોશી સપનાં વિનાની રાત વિશે હ્રદયસ્પર્શી વાત કરે છે. એ કહે છે, “ગીતની પહેલી પંક્તિ છે, તારી નદીઓ પાછી વાળજે …

તારી નદીઓ પાછી વાળજે

તારી વીજળી ભૂંસી નાંખજે

ને માવડી પાસે માગજે ખાલી રાત રે

સપનાં વિનાની આખી રાત

સિચ્યુએશન પ્રમાણે કચ્છના રણમાં ભૂંગા(એક પ્રકારનાં માટીનાં ખોરડાં-ઘર)ની બહાર પુરુષો ગરબા કરી રહ્યા છે અને ભૂંગાની અંદર સપ્રેશન છે, સ્ત્રીનું સપ્રેશન, એનો દબાવી દેવામાં આવેલો કચડાયેલો અવાજ. 1975ના સમયની આસપાસ ગૂંથાયેલી આ કથા મુજબ એ વખતે સ્ત્રીઓને ગરબા કરવાની પરવાનગી નહોતી. આ વાત મને ફિલ્મ ડિરેક્ટર અભિષેક શાહે કહી ત્યારે મને થયું કે ઘરની બહાર પુરુષો ભલે ગરબા લેતા હોય પણ ગીત તો ઘરની અંદર છે! એટલે હાલરડા રૂપે ગીતને મૂકવાનો વિચાર આવ્યો કારણ કે, સ્ત્રી મુક્ત મને બોલી ના શકતી હોય તો ગાવાની ક્યાંથી? તેથી હાલરડું જ ગવડાવવું પડે. હાલરડાં હેતનાં અને હૂંફનાં હોય. એમાં સલાહ આપો તો ગરબડ થઈ જાય. એટલે પરોક્ષ રીતે મા તેની દીકરીને ઉંઘાડતાં કહે છે કે સપનાં જોઈશ નહીં. નહીં તો તને ય જાતજાતની ઇચ્છા થશે. એટલે માવડી પાસે એટલું જ માંગજે કે સપનાં વિનાની રાત દે. “મારી દૃષ્ટિએ આ ટેરર સોંગ છે. અથવા હોરર સોંગ. સ્ત્રીના મનમાં જે ભય છે એ ઘૂંટાઈને સ્વર દ્વારા બહાર આવે છે.” સૌમ્ય જોશીએ આ કહ્યું હતું.

મેહુલ સુરતીએ સંગીતમાં કચ્છીપણું જળવાઈ રહે એ માટે જોડિયા પાવા, વાંસળી, સ્થાનિક વાદ્યોનો જ વધારે પ્રયોગ કર્યો. જુદા જુદા વયજૂથની બહેનો પાસે કોરસ ગવડાવ્યું છે જેથી દરેકની અલગ ટોનલ ક્વોલિટી સામૂહિક રીતે જુદી જ એનર્જી સર્જી શકે.

(આ જ ફિલ્મનું ખૂબ ગમી ગયેલું બીજું ગીત એટલે વાગ્યો રે ઢોલ …! ભૂમિ ત્રિવેદીના અવાજની ફ્રેશનેસ તથા બોલ્ડનેસ અદ્ભુત રીતે વ્યક્ત થઈ છે આ ગીતમાં. સજ્જડ બમ્મ પાંજરું પહોળું થયું … એ પંક્તિએ તો હાહાકાર મચાવી દીધો છે. પરંતુ તમને ખબર છે, આ સજ્જડ બમ્મ શબ્દ ગીતમાં બેસાડવો અને સ્વરબદ્ધ કરવો કેટલો અઘરો છે! બીજું, પાંજરું ખૂલી ગયું કહેવાને બદલે પહોળું થયું એ પણ સૂચક છે. વર્ષોથી  પિંજરામાં પૂરાયેલુ પંખી પણ પાંજરું ખૂલતાંની સાથે તરત ન ઊડી શકે. એની પાંખ સંકોચાઈ ગઈ હોય.‌ એ જ રીતે સ્ત્રીને ઊડવા માટે પહેલાં તો માનસિક રીતે તૈયાર કરવી પડે. એ રીતે પહોળું શબ્દ યોગ્ય છે. આગળ ગીતની પંક્તિઓ તો જુઓ! સપનાં અને ઓરતાંનો ગર્ભપાત ના થાય એ માટે ઓરતાના ગાલ પર કાળો ટીકો લગાવવાની વાત પણ કેવી સૂચક!

ઊંઘી નહીં, હું તો ઊંઘી નહીં

થોડાં સપનાં જોવાને હાટું ઊંઘી જ નહીં

કાળો ટીકો રે એક કાળો ટીકો

મારાં ઓરતાંના ગાલ પર કાળો ટીકો ..!

વાગ્યો રે ઢોલ એ રાગ ભૈરવીમાં રજૂ થયેલું ગરબા નૃત્ય છે જે ફિલ્મનો માસ્ટર સ્ટ્રોક કહી શકાય.)

*****

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોમાં પણ કાલાનુક્રમે પરિવર્તન આવતા ગયા.

સમયના બદલાતા પ્રવાહ સાથે મનોરંજનનાં માધ્યમો બદલાતાં ગયાં. અઢારમી સદીની ભવાઈનું સ્થાન ૧૯મી સદીમાં વ્યાવસાયિક રંગભૂમિએ લીધું અને વીસમી સદીમાં શોર્ટ ફિલ્મ્સ અને ફીચર ફિલ્મ્સનો યુગ આરંભાયો. આરંભની ઘણી ગુજરાતી ફિલ્મોમાં મહદંશે સામાજિક કોમેડી અને સામાજિક રીત-રિવાજોની બોલબાલા હતી. એ પછી ઐતિહાસિક અને ધાર્મિક ફિલ્મોનો જમાનો આવ્યો. વચ્ચે એક સમયગાળામાં ઉત્તમ સાહિત્યિક કૃતિ પરથી બનેલી માલવપતિ મુંજ, કંકુ, ઝેર તો પીધાં જાણી જાણી, ગુણસુંદરીનો ઘરસંસાર, કાશીનો દીકરો તથા ભવની ભવાઈ, માણસાઈના દીવા, હું, હુંશી, હુંશીલાલ જેવી કેટલીક ઓફબીટ અને પ્રયોગાત્મક ગુજરાતી ફિલ્મોએ ઉન્નતભ્રૂ ગુજરાતીઓને ગુજરાતી ફિલ્મો જોતાં કર્યાં હતાં. આમ છતાં, ગુજરાતી ફિલ્મોની લગભગ આઠ દાયકાની વિકાસયાત્રામાં ચિરસ્મરણીય ગુજરાતી ફિલ્મો બહુ ઓછી બની હતી. જો કે, ગુજરાતી ફિલ્મનાં ગીત-સંગીતની બોલબાલા ઘણી હતી.‌ ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રે સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસનું રહ્યું. લતા મંગેશકર, આશા ભોંસલે, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, સુમન કલ્યાણપુર જેવાં અગ્રગણ્ય ગાયકોએ ગુજરાતી ફિલ્મોમાં ગાયું. છતાં, પ્રજાનાં રસ-રુચિ કેળવવામાં ગુજરાતી ફિલ્મો સદંતર નિષ્ફળ નિવડી. મહેશ નરેશે પડી ભાંગેલા ફિલ્મ ઉદ્યોગને બેઠો કર્યો. સજન મારી, ગરજ ગરજ જેવાં ગીત આપ્યાં. પછી ૨૦૦૫ પછી નવી ફિલ્મો તાજી હવા લઈને આવી.

સુગમ સંગીતની આવતીકાલ 

હવે ગુજરાતી મનોરંજન ઉધોગનું જબરજસ્ત મેકઓવર થઈ ગયું છે.‌ અનેક પડકારો છતાં ગુજરાતી અર્બન મ્યુઝિક માટે અઢળક એવન્યૂ ખૂલી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોનું ક્લેવર બદલાતાં સંગીત પણ આપોઆપ બદલાયું છે. સંગીતકારોને વધુ સારા કલાકારો, ટેકનીશિયનો અને અનુકૂળ બજેટ સાથે કામ કરવાની શક્યતાઓ ઊભી થઈ છે. સંગીત હવે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ બની ગયું છે જેમાં ગ્લેમર, લોકેશન, ડાન્સ ઉમેરાય અને ગીત પ્રચલિત થતું હોય છે. અત્યારના સમયમાં વીડિયો જ કેન્દ્રસ્થાને છે. મ્યુઝિક પ્રમાણમાં ઓછું છે. હું અંગત રીતે માનું છું કે મેલડી અને લિરિક્સની વેલ્યુ હોય તો એક પરફેક્ટ ગીત બને છે. અલંકારિક લખવું જરૂરી નથી પણ હ્રદયસ્પર્શી અને સામેની વ્યક્તિના હૃદય સુધી પહોંચે એવું કનેક્ટિંગ ગીત હોય, ભાવવાહી તા હોય એ જ સંગીત અમર રહે છે. અત્યારનો ટ્રેન્ડ ભલે એ હોય પણ ટ્રેન્ડસેટર ના બને. છેવટે તો લોકો ક્વોલિટી વર્કની જ કદર કરે છે.

આદિત્ય ગઢવીના ગોતી લોને મળી રહી છે. ગાયન ક્ષેત્રે તો ઐશ્વર્યા મજમુદારથી લઈને હિમાલી વ્યાસ, ગાર્ગી વોરા, નિશા ઉપાધ્યાય, રેખા ત્રિવેદી, પાર્થ ઓઝા, આલાપ દેસાઈ, અક્ષત પરીખ સહિત અનેક ગુજરાતી કલાકારોએ કાઠું કાઢ્યું છે

ગુજરાતમાં તો ગુજરાતી ફિલ્મોને ખરેખર મોટું ઓડિયન્સ મળી રહ્યું છે.‌ સંગીત ક્ષેત્રે કેદાર ભાર્ગવ, પાર્થ ભરત ઠક્કર, ઋષિ વકીલ, નિશીથ મહેતા ખૂબ સરસ કામ કરી રહ્યા છે.

બોલીવૂડ સિવાય વૈશ્વિક બૅન્ડ્ઝ સુધી પહોંચવું આસાન બન્યું હોવાથી ગુજરાતી કલાકારો માટે એ ક્ષિતિજો વિસ્તરી છે. બૅન્ડ કલ્ચર વિકસવાને લીધે તથા મ્યુઝિક ફેસ્ટિવલો થવાથી સંગીતમાં નવી દિશાઓ ખૂલી છે. આજના ડિજિટલ યુગનો ફાયદો એ છે કે ગીતો અત્યાધુનિક ટેકનોલોજી સાથે રેકોર્ડ થાય છે અને વિશ્વભરના લોકો સુધી આસાનીથી પહોંચે છે. એટલે ગુજરાતી સંગીત માટે ડિજિટલ યુગ આશીર્વાદરૂપ છે.

અત્યારના ગુજરાતી સંગીતમાં મેલડી અને કાવ્યાત્મકતા ઓછી જોવા મળે છે. મેલડી અને લિરિકલ વેલ્યુ સાથે ઘણાં સમાધાનો થાય છે. મોટાભાગે તો મીડિયોકર લિરિક્સ જ આવે છે.

ગમતાં ગીતોની યાદી બનાવીએ તો બાય ડિફોલ્ટ જે ગીતના શબ્દો સુંદર હશે એ ગીતો આપણને વધારે પસંદ આવ્યા હશે. એટલે લિરિક્સનું મહત્ત્વ હંમેશાં રહ્યું છે અને સો વર્ષ પછી પણ રહેશે. ગુજરાતીમાં સારું કન્ટેન્ટ અને નયનરમ્ય પ્રેઝન્ટેશન જરૂરી છે. ઘણીવાર ગીતના ઉચ્ચારો સાવ ખોટા હોય. તો ય આપણે હરખપદુડા થઈ એમની પ્રશંસા કરીએ. બંગાળ કે મહારાષ્ટ્રના શોમાં કોઈ ખોટું બંગાળી કે મરાઠી ગાઈ શકે? આપણે ગુજરાતીઓ ભલે ઉદાર છીએ પણ પાક્કી તૈયારી વિના આવનાર કલાકારને ચલાવી ન શકાય.

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે મારા બીજા સાહિત્યનું જે થવાનું હોય તે થાય પણ મારાં ગીતો તો બંગાળને ગાવાં જ પડશે. આ ઉક્તિમાં ઘમંડ નહોતો, માતૃભાષાનું સ્વાભિમાન હતું. એવો કોઈ બંગાળી નહીં હોય જેને રવિ ઠાકુરની રચના ન આવડતી હોય. તો પછી આપણું ગુજરાતી સુગમ સંગીત ફિલ્મી ગીતો, રવીન્દ્ર સંગીત કે મરાઠી ભાવગીતો જેટલું લોકપ્રિય કેમ નથી થયું? વાંક કોનો? કવિઓનો? સંગીતકારો કે ગાયકોનો? શ્રોતાઓનો? આ સૌની માતૃભાષા પ્રત્યેની નિષ્ઠાનો કે માતૃભાષાથી વિમુખ થઈ રહેલી નવી પેઢીનો? મીડિયાનો કે રેકોર્ડિંગ કંપનીઓનો?

સુગમ સંગીત હવે જ્યારે મિશનમાંથી પ્રોફેશન બન્યું છે ત્યારે નવો શ્રોતા વર્ગ ઊભો થવો જરૂરી છે. છેલ્લે, જયન્ત પંડ્યા રચિત ગીતથી સમાપન કરું છું.‌

સમુદ્રના તટે પટે, પ્રલંબ મારી આ ભૂમિ

જને વને ફળે ફૂલે, વિહંગ મેં હરી ભરી

અનેક વર્ણ જાતિનાં સુલક્ષણો વિલક્ષણો

નિભાવીને રહી હસી, નમું તને હું ગુર્જરી …

*****

e.mail : nandini103@gmail.com

 

 

 

* * * * *

 

વીડિયો: