કાવ્યચર્યા: ચંદ્રકાન્ત શેઠનું જીવન-કવન (શનિવાર, 4 જાન્યુઆરી 2025)

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ

– યોગેશ જોષી

 

મૂળની સાથે મેળ ને સત સાથે સુમેળ ધરાવતા કવિ ચંદ્રકાન્ત શેઠ વિશે વાત કરવાની તક આપી એ બદલ યુ. કે. સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, પંચમભાઈ, વિપુલભાઈ તથા અન્ય હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ચંદ્રકાન્ત શેઠ – નમણો લંબગોળ મધુર ચહેરો, શામળો વાન. મોટું કપાળ, આછા-લાંબા વાળ, ચશ્માં પાછળ ચમકતી, ઊંડું-અઢળક-મબલક જોતી-પરખતી, હદમાં અનહદ નીરખતી આંખો – એમાં અધ્યાત્મનું તેજ, સં-વેદનનો ભેજ. વાણીમાં હૈયાનો ઉઘાડ. અવાજમાં સચ્ચાઈનો રણકો. ચહેરા પર ધીર ગંભીર પ્રસન્નતા, ભીતર કવિતાના સતનો જાણે દરિયો, મોજાં ૫૨ મોજાં ૫૨ મોજાં આવ્યાં કરે ને કવિતા ઊતર્યા કરે – અવતર્યા કરે. ખાદીનો ઝભ્ભો-લેંઘો. ભીતર ગાંધી-સંસ્કાર ભર્યા ભર્યા. હોઠ પર મીઠું-મધુરું સ્નેહસભર સ્મિત, મારી નવી લખેલી કવિતા હું એમના હાથમાં આપું ત્યારે શરૂમાં એમનો ચહેરો કડક વિવેચક જેવો દેખાય (વાંચતાં વાંચતાં જોડણીની ભૂલો સુધારતા જાય), પછી સહૃદય ભાવક જેવો, પછી અસલ સર્જક જેવો. ચહેરા ૫૨ પ્રસન્નતા છલકાય, હોઠ પર વળી મધ-મીઠેરું સ્મિત લહેરાય. આ સ્મિતમાં ઠાકોરજીના મધુ૨ સ્મિતનો અણસાર પણ ક્યારેક ફરકતો જણાય.

જેમ પુત્રનાં લક્ષણ પારણાંમાંથી એમ કવિનાં લક્ષણ પણ પારણાંમાંથી. એમના પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ. ઘરમાં પુષ્ટિસંપ્રદાયનું વાતાવરણ. મોટીબહેન સુરીલા કંઠે હલકથી દયારામનાં પદો ગાતી. હવેલીમાં અને ઘરમાંયે સેવા-ઉત્સવ-કથા-કીર્તનનો માહોલ. મંદિરમાં રાસ-હીંચ રમાતાં… – આ બધાના સ્વાદ થકી, કહો કે ઠાકોરજીના પ્રસાદ થકી તેમના તન-મનનો પિંડ બંધાતો ગયો.

ગુજરાતી ગદ્યમાં નોખી પગલીઓ પાડતી સ્મરણકથા – ‘ધૂળમાંની પગલીઓ’માં આપણને બાળક તથા કિશોર ચંદ્રકાન્તનાં, કહો કે બચુડાનાં, ચંદરિયાનાં, ચંદુડિયાનાં અનેક રૂપો જોવા મળે છે –

લાલજીને પહેલી વાર પ્રસાદ ધરાવવાની વાતે રુદન સાથે વિરોધ કરતો બચુડો, પણ ધરાવેલા પ્રસાદમાંથી લાલજી જરીકે ખાતા નથી તેની ખાતરી થતાં ઉત્સાહથી પ્રસાદ ધરાવતો બચુડો; પોતાના હાથમાંની લાડુડીય લાલજી ખાતા નથી એ ઠીક ન લાગતાં એમનો હાથ વાળીને લાડુ ખવડાવવાના ઉપાયો કરતો ચંદરિયો; લાલજીને નવડાવતો, સુવાડતો ને લાલજી સાથે વાતો કરતો ચંદરિયો, ઠાકોરજી માટે રાયણ, ગોરસ આમલી તથા કેસૂડાં વીણી લાવતો ચંદરિયો; મા-બહેન પતરાળાં-પડિયાં બનાવતાં તો એમના માટે ખાખરાનાં પાનનો ભારોય લઈ આવતો ચંદુડિયો; ગાડી આવી રહી છે કે નહીં તે નક્કી કરવા સ્ટેશને પાટા પર કાન માંડતો ચંદુડિયો; આરતી ટાણે મંદિરે નગારું ને ઘંટ વગાડવાની હુંસાતુંસી કરતો ચંદુડિયો; ‘પુજારી જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી, તેને નમણા મરોડ આપતો’ એના પર વારી જતો ચંદુડિયો; કહો કે વાણીના લય-મરોડની જેમ દૃશ્યના લય-વળાંકોનેય નીરખી શકતો ચંદુડિયો; દાઉદખાની ઘઉંમાંના કાંકરામાંથી બુદ્ધ અને કૃષ્ણની મૂર્તિઓ બનાવતો ચંદુડિયો! – આવો ચંદુડિયો મોટો થઈને શબ્દોના કાંકરામાંથી મૂર્તિઓ ન ઘડે તો જ નવાઈ! આવી મૂર્તિઓમાં સર્જન-શક્તિ થકી શક્તિપાત કરીને મૂર્તિઓને પ્રાણવંત ન બનાવે તો જ નવાઈ.  આવો ચંદુડિયો મોટો થઈને પ્રશિષ્ટ કવિ ચંદ્રકાન્ત શેઠ ન થાય તો જ નવાઈ.

‘બા’ શબ્દ બોલવાનું શરૂ થયું ત્યારથી જ તેમની શબ્દાયનની કથા શરૂ થઈ, ‘પહેલીમાંનો અક્ષર પહેલો બા, બા, બા’ આજેય તેઓ ભૂલ્યા નથી. શબ્દ સાથેનો સંબંધ એમને મા સાથેના સંબંધ જેવો લાગે છે. આથી જ તેમણે નોંધ્યું છેઃ
‘…આપણી માતૃભાષા કાવ્યભાષા બને છે ત્યારે તેમાં વિશ્વભાષાનો આત્મા ધબકતો પામી શકાય છે.’
(‘શબ્દ સાથે મારો સંબંધ’, સં. હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા, પૃ. ૫૪)

એમનો જન્મ તા. 3-2-1938ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં, કણજરીના દરબાર જૂની રંગભૂમિના આશક, નાટ્યકાર ને કવિ. દરબારમાં રોજ મિજલસ થાય. તરુણ ચંદ્રકાન્તની કવિતા અંગેની પાત્રતાના કારણે મિજલસમાં હાજર થવા નોતરું મળે. પિતાજી ખિજાય. આમ તો સાતમા ધોરણથી કવિતાની શરૂઆત. ૧૯૪૮માં ગાંધીજીનો દેહાંત થતાં કાવ્ય લખેલુંઃ ‘એવા બાપુ અમર રહો!’. કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા ને ખાદી પહેરવાની ઇચ્છા થતી. ૧૯૫૦ પછીથી આઠમા ધોરણથી અમદાવાદમાં કાંકરિયાની પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં. રવીન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મૅટ્રિક સુધીમાં પ્રચલિત છંદો ૫૨ ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધેલું. શાળાજીવન દરમિયાન કવિતાના વ્યાયામથી પાંચ-સાત નોટો ભરી દીધેલી. શાળાના વાર્ષિક અંકમાં એમનું કાવ્ય મા શારદે!’ છપાયેલું. પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં તેઓ ભણતા ત્યારે કવિ શ્રી ઉમાશંકર જોશીનાં દર્શન થયેલાં. ઉમાશંકર સ્કૂલમાં આવેલા ને વ્યાખ્યાન આપવા સાથે ‘ભોમિયા વિના’ ગીત ગાયેલું.

તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા ત્યાર પછી એમની કાવ્યયાત્રાને દિશા અને વેગ મળ્યાં. તેઓ જુનિયર બી.એ.માં હતા ત્યારે લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા સિનિયર બી.એ.માં હતા. એમની મૈત્રી કાવ્ય૨સે પુષ્ટ થતી ગઈ. લાભશંકરે એમને ‘કુમાર’ની ‘બુધસભા’નું ડહેલું બતાવ્યું ને પછી તો જાણે ગગન ખોલતી બારી ખૂલી ગઈ! કાવ્યપદાર્થની સમજણ વિકસતી ચાલી. મુ. બચુભાઈની ‘બુધસભા’માં સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, બાલમુકુન્દ દવે જેવા ઘણા કવિઓની કવિતાને પ્ર-માણવા મળી. રઘુવી૨ ચૌધરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી જેવા મિત્રો મળ્યા તો ઉમાશંક૨ જોશી, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, મોહનભાઈ શં. પટેલ જેવા ગુરુજનો મળ્યા ને એમના સર્જનની ક્ષણોનું વૈશ્વિકતા સાથે સૂરસંધાન (ટ્યૂનિંગ) શરૂ થયું.

છંદો પરનું એમનું પ્રભુત્વ જોતાં થાય કે પહેલા સંગ્રહ પછી છંદોબદ્ધ કાવ્યો એમની પાસેથી પ્રમાણમાં ઓછાં મળ્યાં. હા, અક્ષરમેળ છંદોમાં પ્રમાણમાં ઓછાં કાવ્યો મળ્યાં, પણ કટાવ, પરંપરિત હરિગીત તથા અન્ય માત્રમેળ છંદોમાં ઘણાં કાવ્યો મળ્યાં છે. એમના રમ્ય કટાવનું એક ઉદાહરણ જોઈએ ઃ

‘ચણીબોર ચાખીને ચાખ્યો સમય,
હવે તો શબ્દે શબ્દે એની મીઠી વાત કહેવી…’

ઝરણાની જેમ સહજ વહેતા વસંતતિલકામાં રચાયેલ કાવ્ય ‘રાત્રી થતાં…’ની આ પંક્તિઓ નીરખીએ :

‘શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને આ હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું,
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યા કરે…!
કૈં કેટલાયે યુગથી આમ જ એ મને તો
તાક્યા કરે…!’

પોતાનામાંથી જ બહાર આવેલું પશુ જો પોતાને મારી નાખે તો તો કોઈ પ્રશ્ન જ નથી; પણ આ તો મારવાને બદલે, પંજોય ઉગામવાના બદલે, ‘કૈં કેટલાય યુગથી’ લોભાયેલી નજરે કેવળ તાક્યા કરે છે, તાક્યા જ કરે છે! જાત સાથેનું આ confrontation એમની કવિતામાં સતત ચાલ્યા કરે છે.

એમનું બાળપણ વીત્યું હાલોલ-કણજરીમાં ને વિશેષ ઘડતર થયું અમદાવાદમાં. આ સંદર્ભે એમણે નોંધ્યું છે –

‘મારામાં ગામડું અને શહેર બેય ભળ્યાં છે. કેટલોક વણાટ શહેરમાં, પણ મૂળભૂત દ્રવ્ય રૂ-સૂતર તો ગામડાનું. મારો કેટલોક વણાટ શહેરમાં એટલે બધું બરોબર એવું નહીં જ. વણાટમાં કેટલાક ગરબડગોટાળાયે ખરા જ. કેટલાંક તો હું સમજું છતાંયે ચાલવા દઉં, ગેરસમજના જોખમ છતાં! મને ગેરસમજ પોસાય છે. અસત હરગિજ નહીં.’
(‘સર્જકની આંતરકથા’, પુનર્મુદ્રણ, ૨૦૧૧, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦)

અસત એમને હરગિજ પોસાતું નથી આથી જ એમને મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ, એમની એક ગીત-પંક્તિ છે –

‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું.’

બધે જ સતનો ૨કાસ થતો લાગે છે એવા આ સમયમાં આ કવિ મૂળની સાથે મેળ સધાય, આંતરચેતનાના સૂક્ષ્મ તાર સમષ્ટિ-ચેતના સાથે જોડાય એ માટે શું કરે છે?! —

‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ;
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ.
— બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
દેશકાળને દર્પણ એના ડાઘ પડે છેઃ
ચંદ્રકાન્તનો ચહેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
*
ચંદ્રકાન્તના મન પર લીલ ચઢી છે
એક માછલી, વ૨સોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
*
ચંદ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચંદ્ર કા ન્ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ…
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૫-૧૬)

જાતને શોધવાની અને પામવાની આ સર્જનાત્મક પ્રક્રિયા એમના અપૂર્વ અને અનન્ય અંગત નિબંધો ‘નંદ સામવેદી’માંય ચાલે છે. લાભશંકરે યથાર્થ નોંધ્યું છે :

‘આ નિબંધોમાં ચંદ્રકાન્તનાં બાહ્ય રૂપોનો ભુક્કો કરી અસલ, આંતરિક ચંદ્રકાન્તને પામવાનો, નિબંધકારનો શોધપુરુષાર્થ છે.’

ચંદ્રકાન્ત શેઠની ભીતર ધૂણી ધખાવીને એક કવિ જો બેઠેલો ન હોત તો કદાચ ‘નંદ સામવેદી’નો જન્મ થયો ન હોત, કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી’માં પહેલું કાવ્ય છે – ‘ક્યાં છો ચંદ્રકાન્ત?” એના ઉત્તરની શોધ સતત ચાલતી રહી છે. નિબંધકાર તરીકેની કેફિયત આપતાં આ કવિએ કહ્યું છે –

“મારામાં કોઈ સાચુકલો – અસલી ચંદ્રકાન્ત હોય તો તેની ખોજ માટેના ઉધામા આદર્યા અને તેનું સીધું પરિણામ તે ‘નંદ સામવેદી’ ”

‘ ‘નંદ સામવેદી’ને મારી અધર સેલ્ફ કહી શકાય.’
(‘શબ્દયાત્રા: ચંદ્રકાન્ત શેઠ’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૧૦૨)

આમ કવિ ચંદ્રકાન્ત શેઠ અને ‘નંદ સામવેદી’ એક જ અસલ સિક્કાની બે બાજુઓ છે, એમાં સતનો રણકાર છે. ‘નંદ સામવેદી’, ‘આર્યપુત્ર’, ‘બાલચંદ્ર’, ‘દક્ષ પ્રજાપતિ’ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો ?! પોતાનાં જ અનેક બાહ્ય રૂપોને તપાસવાં સ્તો ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો!

‘ગોરંભો’ કાવ્યમાં કવિ કહે છે –

‘જાતે પોતાનું દર્પણ થવું.
પોતે જ પોતાની સામે ઊભા રહી
પોતાને રંગે હાથ પકડવો….
– આ પ્રક્રિયા જ મને તળે-ઉપર કરી નાખે છે..
(પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૫૮)

જાતને તળે-ઉપર કરવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહી છે.

‘ક્યાં છો ચંદ્રકાન્ત?’માં કવિ પોતાનાં બાહ્ય રૂપો વચ્ચે ‘અસલ ચંદ્રકાન્ત’ને શોધવા કેવા કેવા કીમિયા કરે છે! —

‘કેટલાય કૅમેરાની આંખો પ્હેરી,
અંધકારો આંજી આંજી,
પ્રકાશોથી રંગી રંગી,
પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;
ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારે કોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
– એમાં હું જ હોઉં સાચો
એક તો બતાવો મને,
ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. 2)

ભાવકચિત્તમાંય ‘ક્યાં છે?’ ‘ક્યાં છે?’ના પડઘા પડતા રહે છે.

ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીને એના ટુકડાઓ કવિ જાણે કૅલિડોસ્કોપમાં ભરે છે, તળે-ઉપર કરે છે, ફેરવી ફેરવીને નીરખે છે ને એમ શબ્દલીલા, સ્વલીલા ને શબદલીલા ચાલતી રહે છે.

‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે –

‘હું શું કરું છું?
બનાવટ — શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.
સમય છે. શક્તિ છે. સાધન છે, પ્રોત્સાહન છે,
તો લખીએ છીએ.
*
એક કવિસંમેલનની તાળીઓથી ચઢી ગયો ચંદુડિયો વૈકુંઠ લગણ;
પણ કવિતાથી નહિ ચઢેલો તે બચાડો ઊંધે માથે પડ્યો ને
પટકાયો પથ્થરિયા ભોંય ૫૨.
ને કુદરતનું કરવું તે વાગ્યું તો પાર વિનાનું
પણ ખોપરીનો મસાલો જળવાઈ રહ્યો અકબંધ !’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૪૨-૪૩)

એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વા૨ કરે છે :

‘અંદરથી આ કટાર નીકળી,
અંદરથી તલવાર,
ચંદુડિયાની હવે ખેર ના,
કરું સોંસરો વા૨!’ —

*
સિતાંશુએ ચંદ્રકાન્ત શેઠની સર્જકતાને વૃક્ષ સાથે નહીં, પણ નદી સાથે સરખાવી છે. વૃક્ષ અને નદીના રૂપક થકી સિતાંશુએ નોંધ્યું છે :

‘ચંદ્રકાન્ત શેઠની કવિતા એક વૃક્ષ માફક વિકસી નથી, એ એની મર્યાદા છે. પણ એની શક્તિ છે એક બે કાંઠે વહેતી નદીની જેમ અનેક વહોળા અને અન્ય નદીઓને પોતાના પ્રવાહમાં સમાવતાં સમાવતાં ‘પુષ્ટ’ થઈ આગળ વધવાની એની ક્ષમતા. બે મુખ્ય પ્રવાહો, પુષ્ટિમાર્ગના બાળપણના, જીવનના અંતિમ તબક્કા સુધી ટકીને એક મધુર ગરિમા એમને આપનાર પરિબળ તે પહેલો પ્રવાહ. ‘રે મઠ’ના સહવાસથી ઊગતી જુવાનીથી મેળવેલો–કેળવેલો આધુનિકતાનો પ્રવાહ તે બીજો. એ બેના સંગમતીર્થે ચંદ્રકાન્ત શેઠની ઉત્તમ કવિતાના ઓવારા બન્યા છે.’

*
‘એમણે બંને ટેકાઓ છોડ્યા : પરંપરાનો અને આધુનિકતાનો. એમના વ્યક્તિત્વમાં અને કવિત્વમાં એક ઓછાબોલું પણ મક્કમ સ્વાતંત્ર્ ય હતું.’
(‘ચંદ્રકાન્ત શેઠ : એક ભક્ત અને વિભક્ત કવિ’, સિતાંશુ યશશ્ચન્દ્ર, ‘નવનીત સમર્પણ’, સપ્ટેમ્બર 2024)

શબ્દમાં અને શબદમાં આ કવિને અપાર શ્રદ્ધા છે. શબ્દને તેઓ કઈ રીતે નીરખે છે? – ગુજરાતી સાહિત્ય પરિષદના તેત્રીસમા અધિવેશનમાં સર્જનવિભાગના અધ્યક્ષપદેથી ૨જૂ કરેલ વ્યાખ્યાન – ‘મારા મનની વાત’માં તેમણે કહેલું –
‘આપણે બરોબર સમજી લેવું રહ્યું કે પગ નીચે જેમ ધરતી છે તેમ આપણા શબ્દ નીચેય ધરતી છે – શ્રદ્ધાની – સત્-શ્રદ્ધાની. એના વિના સ્થિરતા નથી, દૃઢતા નથી, ઉઘાડ ને વિકાસ નથી કે ઉડાણ નથી.’
(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૬૯)

‘હું જોઉં છું — શબ્દ એક શર છે. હું એના માટેની પ્રત્યંચા. એ શ૨નું લક્ષ્ય મારી બહાર નથી, એ શરનો છોડણહાર પણ મારી બહાર નથી. બાંધવાનું અને છોડવાનું. બેય રીતે સ્વાદ તો સર્જનનો જ માણવાનો.’
(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૭૩)

કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં એમણે કહ્યું છે :

‘હું મારી કાવ્યસર્જનની પ્રક્રિયાને આંતરસાધના – આત્મસાધના જ લેખું છું. સાપની સામે લડતો નોળિયો જેમ ઝેર ઉતારવા નોળવેલ પાસે જાય, એમ હુંયે જીવનમાં નાનામોટા સંઘર્ષોનો મુકાબલો કરતાં કરતાં અવારનવાર મને ઠીક કરવા માટે મારી અંદર વળું છું. કવિતાના ચરણે માથું મૂકું છું.”
(‘શબ્દયાત્રા’, પૃ. ૯૮)

આ જ લેખમાં તેઓ નોંધે છે –

‘કાવ્યદેવતાનું થાનક બને તેટલું ચોખ્ખુંચણક ને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ-ભાવ હોય છે. કાવ્યસર્જન દરમિયાન મારો ‘હું’ મને ઓછામાં ઓછી ડખલ કરે, એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાપટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સૂરસંધાન (ટ્યૂનિંગ’) કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતરિત થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ નિર્મળ ને નમણા સ્વરૂપે પ્રગટવી જોઈએ.’
(‘શબ્દયાત્રા’, પૃ. ૯૯)

એમની એક ગીત-પંક્તિ છે :

“હું તો મારા હું ને કહું છું : બ્હાર નીકળ, તું બ્હાર !”
‘હું’ને બ્હાર કાઢવા માટેનો આ સમજણભર્યો કવિમિજાજ વિરલ છે.
કॅફિયતમાં પણ તેઓ અહમ્ વિશે કહે છે — ‘અંદર અહંરોગ તો ખરો જ.’
(‘શબ્દયાત્રા’, પૃ. ૮૨)

‘હું મારા અહંકારના ભારથી પણ ત્રાસું છું. આધુનિકતાનો અંચળો પહેરી ઉન્નતભ્રૂ થઈને ફરવું કે બૌદ્ધિકતાના બખ્તરમાં જકડાઈને બંધિયારપણું દાખવવું એ મારા સ્વભાવમાં નથી. પ્રાચીન હોય, મધ્યકાલીન હોય કે અર્વાચીન – આધુનિક હોય સર્વ વિચારધારાઓ સમજવાની અને એ બધામાંથી જે કંઈ સાર્થક જીવન જીવવામાં લાભદાયી હોય તે ગ્રહણ કરીને પંડને કેળવવાની કોશિશ હંમેશાં કરતો રહું છું.’
(‘શબ્દયાત્રા’, પૃ. ૧૦૬)

આથી જ તો એમના પંડમાં જાગેલો ટહુકો ગગન ખોલે છે ને વૈશ્વિક ઉઘાડ સાથે સૂર મેળવે છે. પંડને સતત કેળવતા રહેલા ને ‘સ્વ’ની તથા ‘કવિતા’ની શોધ કરતા આ કવિ આધુનિકતાના કે કોઈ વાદના કે અન્ય કોઈ ચોકઠામાં પુરાય તેમ નથી. કારણ, આ કવિને સ્વધર્મ’ સૂઝો છે. ‘એ જ મને સૂઝેલો સ્વધર્મ” કાવ્યમાં કવિ કહે છે:

‘તારે આમ ચોકઠામાં ઢળવાનું હોય નહીં,
ચાર ચાસ વચ્ચે તારે ઝૂમવાનું હોય નહીં.
દેખ, એ ક્ષિતિજ પાર,
ઊઠ, એ આકાશ પાર; …
*
રસનો પ્રકાશ ક્યાંથી અનાયાસ સ્ફુરે?
*
હું તો એક ગુહા,
જ્યાંથી ઊઠે રસ-ધ્વનિ!
હું તો એક ઘર,
જેની ઈંટે ઈંટે છૂપેલી આકાશકણી,
*
ભલે મારું બધુંયે તણાય;
મારે વ્હેતાં વ્હેતાં,
ખોતાં ખોતાં,
મૂળથી તે ફળ લગી
રસનું જે ચાલતું તોફાન;
એનો પામી લઈ મર્મ
ખૂલવું છે શબ્દે શબ્દે
મૌને મૌને,
એ જ મારું કર્મ.
એ જ મને સૂઝેલો સ્વધર્મ,
(પડઘા અને પડછાયા વચ્ચે’, પૃ. ૭૫, ૭૬, ૭૭)

કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ચહેરા ભીતરના ચહેરા’ની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની, શબ્દના ચહેરાની.
તો, ‘સત્યનો ચહેરો’ કાવ્યમાં આ કવિ અન્યને મન પોતે કોણ છે તે તપાસે છે! —

‘કદાચ રસ્તાઓને મન હું કીડી છું,
કદાચ મકાનોને મન હું ઘુવડ છું.
કદાચ આકાશોને મન હું ધુમ્મસ છું,
કદાચ સમયને મન હું શૂન્ય છું.
મારી પગલી – મારી સ્મૃતિઓ – મારા શબ્દો –
બધું જ – બધું જ બનાવટ ?”
*
અરીસાઓ ભેદી રીતે ચૂપ છે.
ને મારું સત્ય અપમાનથી મૂક છે.
મેં એનો ચહેરો લઈને ચાલવાનું કર્યું આ સરિયામ રસ્તેથી, તેથી,
ક્યારે આવશે અંત આ પ્રતિકૂળ ચાલનો?
ક્યારે સત્ય પોતે આવશે, આદરણીય રીતે, મારો ચહેરો લઈને?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૭-૬૮)

આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ… બધાંમાં રસ છે. આથી એમની કવિતામાં પ્રકૃતિ ઉપરાંત સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે. સત્-કૃતિ માટેનો એમનો ૨સ વધતો રહ્યો છે ને એ માટેનું તપ પણ સતત ચાલતું રહ્યું છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કૅફિયત – ‘મારો વાગ્યોગ’માં નોંધે છે –

‘ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન રહે છે, મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ. મારા શબ્દમાં જે કંઈ સામર્થ્ય કે પ્રભાવ આવે તે સત્-તત્ત્વ સાથેના યોગે કરીને જ આવી શકે.’
(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પુનર્મુદ્રણ ૨૦૧૧, પૃ. ૧૦)

ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ ઝળહળે છે ને કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ અધ્યાત્મના ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે, આ કવિને ૧૯૭૪માં પ્રશ્ન થાય છે  :

“છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસોચુમ્મોતેરને કેમ ચલાવવો?”

આ સમસ્યા કવિએ કઈ રીતે ઉકેલી? તો કૅ ‘મેં મારા છંદને ખોલી, એ દ્વારા જ અછાંદસમાં પ્રવેશ મેળવ્યો.’

આ કવિ કાજે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે ને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે ને ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે! આકાશનો સોદો કરવા નીકળેલા આ કવિએ એમની કાણી હોડીથી ઇકોતેર પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી હવે છોડી દીધી છે. આ કવિની સંવેદનશીલતા એવી તીવ્ર છે કે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી સીધી પછી કવિની અંદર ઊંડે ઊતરે છે! આથી જ તો એમની કવિતાની range – એની સીમા, વિષય તથા બાનીના સંદર્ભે વિસ્તરતી જાય છે. ‘કક્કાજીની અ-કવિતા!’ રચનાર આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર વિશેય કવિતા રચે. ચિત્રકળામાંનો એમનો રસ ‘ચિત્રચેતનાના અજવાશે’ જેવી કવિતાય પ્રગટાવે. એમની તીવ્ર સંવેદનશીલતા ‘સંવેદન-ચિત્રો’ જેવી વિલક્ષણ કૃતિઓય રચાવે. એમની કવિતામાં ખીલતા ફૂલ જેવો બાળક ગાંધીની લાકડીનો છેડો પકડીને કહી શકેઃ

‘ચાલો, બાપુ! આપણે જઈએ
પેલા સૂરજદાદા કને!’

એમની ભીતરનો હાસ્યકાર, જાતની તથા બનાવટી કવિતાની વિડંબના કરતી હળવી શૈલીની કૃતિઓ પણ રચાવે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમને બીક નથી, બલકે, એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું અરમાન છે! ક્યારેક કશી ધીર ગંભી૨ વાત આ કવિ બાળકોની શૈલીમાંય પ્ર-ભાવક રીતે ૨જૂ કરી દઈ કાવ્ય-વિસ્મય જગવે છે! —

‘બેસ, બેસ, દેડકી!
ગાવું હોય તો ગા,
ને ખાવું હોય તો ખા;
નહીં તો જા…
મારે તો પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી છે.
*
દેડકી! ડાહી થા,
મળે તે ખા,
સૂઝે તે ગા
ને નહીંત૨ જા… પાવલો પા…’
(પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)

‘થા, ખા, ગા, જા, પા’ જેવા પ્રાસ પણ વિરલ. આ કવિને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે. આ કવિને ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, ‘ગગન ખોલતી બારી’યે લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. સ્વપ્નાં તેમ જ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્ય પામવા તેઓ મથે છે. ‘ચિદાકાશનાં ચાંદરણાં’ એમના ભીતરને અજવાળતાં રહ્યાં છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! (‘એક શબદ જો સધાય સાચો, / ગઢ ભાષાનો ભેદું’) આ કવિને અજબ ઇલમ લાધ્યો છે. આથી તેઓ ઘટમાં ગગન ઉડાડે છે! આથી જ આ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે. સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!

આ કવિ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુ યશશ્ચંદ્રે લખ્યું છે —

“..વહેવારુ અંતિમો તરફથી આવતાં દબાણોને એ વશ થતા નથી. એમની કવિતાના મૂળને એક શોધક ચેતના અને એક શોધનપ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે. શોધતો ફરે છે. સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે. નિર્મળ થતો રહે છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’ અને ‘ઊંડું જોયું, અઢળક જોયું’ બંને પંક્તિઓના કવિ એક જ છે. જળ અને જાળ, બંનેને એ જાણે છે અને જાળવે છે…’

આધુનિક કવિઓ તો ઈશ્વરનો છેદ ઉડાડનારા. અને ચંદ્રકાન્ત શેઠ પાસેથી આધુનિક કાવ્યો પણ મળે છે અને અધ્યાત્મના ઊંડાણવાળાં કાવ્યો પણ! સિતાંશુ યશશ્ચન્દ્રે એમના લેખ ‘ચંદ્રકાન્ત શેઠ : એક ભક્ત અને વિભક્ત કવિ’માં નોંધ્યું છે :

‘ચંદ્રકાન્ત શેઠની ઓળખ એક ભક્ત અને વિભક્ત કવિરૂપે મને વરતાઈ છે… …

શ્રદ્ધાળુ, ટ્રેડિશનલ ‘ભક્ત’ અને સંશયપ્રવણ મૉડર્ન ‘વિભક્ત’, એ આમ તો જુદાં જુદાં કવિતા-ઘરોમાં રહે. નરસિંહ અને નિત્શે. દરેકની સેમિઑટિક ઑર્બિટ કહેતાં સંકેતનની ભ્રમણકક્ષા પોતીકી અને એકબીજાથી હંમેશાં અલગ. ચંદ્રકાન્ત શેઠની કવિતામાં પહેલી નજરે જોતાં આ બંને પ્રકારનાં કાવ્યો જોવા મળે છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’ જેવી યાદગાર આધુનિક કાવ્યપંક્તિના કવિ, ‘ઢળતાં ઢળતાં ઢળી / આંખ આ કયા ઊંડાણે વળી // ગગન આખુંયે રોમરોમમાં / લખ લખ અકળ ઉજાશે, / હદ અનહદમાં ગળી! // ઢળતાં  ઢળતાં ઢળી’ – એવી અધ્યાત્મરંગી પંક્તિઓ પણ લખે છે.

એમની બે ભ્રમણકક્ષાઓ છે. એક ‘ભક્ત’-પણાના ભાવોમાં રમે છે અને બીજું ‘વિભક્ત’-પણાના વિચારોમાં ભમે છે.

પેલાં બે ઑર્બિટ્સ ચંદ્રકાન્ત શેઠની રચનાઓમાં હંમેશાં અલગ નથી રહેતાં; એ ક્યાંક એકબીજાને છેદે છે, એકબીજા સાથે ટકરાય છે. અને ત્યારે વાચકને ખ્યાલ આવે છે કે આવી ટકરામણ તો આજના ભારતના (બલ્કે અનેક દેશોના) મનોજગતનું એક મહત્ત્વનું લક્ષણ છે.’’
(‘નવનીત સમર્પણ’, સપ્ટેમ્બર 2024)

શિખરિણીમાં રચાયેલ કાવ્ય ‘થાઉં બળિયો’માં ચંદ્રકાન્ત શેઠનો લાક્ષણિક કવિ-ચહેરો પ્રગટે છે – કવિના મિજાજને વ્યક્ત કરતી પહેલી પંક્તિ :

‘મનસ્વી છું, ધાર્યું મગજ મહીં જે તે જ કરતો,’
અને બીજી જ પંક્તિમાં શરણાગતિ –
‘અને જ્યારે ભૂલું, તુરત તમને યાદ કરતો;’!

સિતાંશુએ આ બે પંક્તિ બાબતે નોંધ્યું છે : ‘અરે, આ તો જબરું! એક જ કાવ્યની બે પંક્તિઓમાં આટલી મોટી ટકરામણ? આ કવિ, સાચે જ, અનોખો છે. – O, You sweet rogue! O, that enigmatic smile of sheth Saheb’s Poetry!’
(‘નવનીત સમર્પણ’, સપ્ટેમ્બર 2024)

મોનાલિસાના સ્મિત જેવું જ રહસ્યમય છે આ કવિની કવિતાનું મીઠડું સ્મિત. ‘ચંદુડિયા’ અને ‘ચંદ્રકાન્ત શેઠ’ વચ્ચેની, પરંપરા અને આધુનિકતા વચ્ચેની, શ્રદ્ધા અને સમજપૂર્વકના વિદ્રોહ વચ્ચેની, self અને other self વચ્ચેની ટકરામણથી જે વીજળીઓ અને મેઘગર્જનાઓ થાય છે એ છે આ કવિની કવિતા. આ ટકરામણ એ જ તો છે એમની કવિતાની સચ્ચાઈ; આ ટકારમણ એ જ તો છે એમની integrity; આ આટઆટલી ટકરામણ શાને કાજે?! – તો કે, અસલ ચંદ્રકાન્તની સાચુકલી શોધ માટે સ્તો!

રઘુવીર ચૌધરીએ ચંદ્રકાન્ત શેઠ વિશે નોંધ્યું છેઃ

‘…ગુફાવાસી રહી કામ કરવું, ધૂળધોયાનાં કામ કરવાં, નેપથ્યે રહી પોતાનો સદર્થે ઉપયોગ થવા દેવો; એટલું જ નહીં, પ્રસિદ્ધિની પરેજી પાળવાની ટેવ પણ ખરી. એ સંન્યાસીની મનોદશા ધરાવે છે એવું કહેવાનો આશય નથી. જીવનરસની એમણે કદાપિ ઉપેક્ષા કરી નથી. દાઉદખાની ઘઉંમાંથી નીકળેલી માટીમાંથી એમણે ભગવાન બુદ્ધ બનાવ્યા હતા. વિરલ હતું એ શિલ્પ. ગાવાનું કહીએ તો ટાળે, પણ એક વાર ગાતાં ગાતાં સૂરો શાસ્ત્રીય બની ગયા. આલાપમાં પણ ઊણપ ન રહી.’

ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના, પંડમાંથી ઊઠતી ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓ પ્રગટી જ ના શકે.

‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?’
આમ ગોરંભો કેટલો તેં કીધો ને વીજળી જ બાકી?
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૦)

‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨)

“મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)

‘પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)

અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦)

‘ઊંડું જોયું. અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો,
ધૂણી ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું
હદમાં જોયું, અનહદ જોયું
ઊંડું જોયું, અઢળક જોયું.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪)

‘શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭)

‘જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન’
(પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯)

બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખઃ
સાદ ના પાડો.’
(પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧)

‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧)

‘બેડાને ઝાઝું અજવાળ ના!
જોનારો જોશે ‘લી કંચનની કાયાને, પિત્તળમાં જીવ તું લગાડ ના!’
*
‘અજિબ ઇલમ હૈ હમરે અંદર;
કણ કણ દેખો મસ્ત કલંદર!’
આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં ૫૨ મોજાં ૫૨ મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું —
‘કોઈ ભીતરનાં તલ ભેદીને
સૂતાં ઝરણ જગાવે,
કોઈ ઘાટ પર આવી ઘટમાં
નભગંગા પ્રગટાવે,
એવી આજે લ્હેર ચઢી જે
મૂળથી મને ઉઠાવે!”
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬)

કાવ્ય-કુંડલિની જાગી હોય એવા કવિને જ આવી લ્હેર ચઢે, જે મૂળથી ઉપર ઉઠાવે!

ક્યારેક ગઝલ પણ આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર –

‘એક પંખી શોધતું આકાશમાં
નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪)

*
‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા,
ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો !’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭)

*
‘પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાન્ત છે!’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦)

*
આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ – નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે :

‘મધપૂડો હજુય ઝયા કરે છે ઊંડે ઊંડે
ને તેથી જ ફૂલોના ડંખ હજી જી૨વાશે
ને પડઘાની પેલે પા૨ નીકળી શકાશે હસતાં હસતાં.’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)

કવિ આશાવાદી છે, પણ ભીતર ભારોભાર વેદના, પીડા ને ભીંસ પણ છે.

અસહ્ય ભીંસ અને ગૂંગળામણ ‘રસ્તો ક્યાં છે?’ કાવ્યમાં અનન્ય કલ્પનો સાથે આમ પ્રગટ થાય છે :

‘બ્હાર નીકળવું મારે,
રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
નભમાં બારી ક્યાં છે?’
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪)

આ કવિને એમના વિદેશ-પ્રવાસોય ફળદાયી નીવડ્યા છે. એમનાં પ્રવાસ-કાવ્યોમાં જે તે દેશનો પ્રકૃતિ-સંસ્કૃતિસંદર્ભો સાથેનો એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે.

ચારેક વર્ષ તેઓ કૅન્સર સામે ઝઝુમ્યા. આ કવિએ સ્વસ્થતા સાથે, સ્મિત સાથે, કૅન્સરની અસહ્ય પીડાનો તથા આવનારા મૃત્યુનો સ્વીકાર કર્યો હતો. આ અનુભવનાં કેટલાંક કાવ્યો એમના અંતિમ કાવ્યસંગ્રહ ‘શ્વાસ કવિતાના… પ્રાસ પ્રભુતાના’માંથી મળે છે. મૃત્યુસમીપે હોવા છતાં તેઓ કવિતાના શ્વાસ લેતા રહ્યા ને પ્રભુતા સાથે પ્રાસ મેળવતા રહ્યા.

1980માં પ્રગટ થયેલ ‘નંદ સામવેદી’ના એક નિબંધમાં તેઓ કહે છે :

‘રોગ થશે તો પાંચ મહાભૂતોના આ કોટડાને થશે; મને શું થવાનું છે?’

આમ લખ્યાના ચાલીસ વર્ષ પછી એમને કૅન્સર થયું. આ દરમિયાન કૅન્સરના કારણે અનુભવાતી લાચારી અને કવિની ખુમારી વચ્ચે ટકરામણ થતી રહી. છેલ્લા કાવ્યસંગ્રહમાંથી એકાદ-બે ઉદાહરણ જોઈએ :

‘ખંડેર સરખા ખોળિયે
ક્યાં સુધી રહેશો સૂબાજી, ક્યાં સુધી?

ઝંખવાતી દીવડાની આંખ :
પિંજરામાં પંખીની પછડાય પામર પાંખ.
ના સમય આ ટહુકવાનો
આ સમય તો ઊપડવાનો.’

એક ગીતમાં તેઓ કહે છે :

‘જર્જર ઘરમાં ઘણું રહ્યા, અવ રાહ જુએ જમનાતટ;
ઘૂંઘટપટની જેમ ખોલવો અનંતનો અંતરપટ.’

અને આ કવિ મૃત્યુથી ભયભીત થયા વિના, મધુર સ્મિત સાથે, ઘૂંઘટની જેમ અનંતનો અંતરપટ ખોલી ચાલ્યા ગયા… ગગન ખોલતી બારીમાંથી જાણે ઊડી ગયા…

એમની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડા ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં–વિકસતાં ગયાં છે. આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા, કલ્પનો અને રૂપકો; તર્ક, વિચાર અને પ્રતીકો; લયનો ઉજાસ અને શબ્દનું સત, ચંદુડિયો અને ચંદ્રકાન્ત શેઠ… બધુંયે એમના કાવ્યમાં ઓગળતું જાય છે ને નવાં પરિમાણો સિદ્ધ થતાં જાય છે. એમનું સર્જન ઊંડે અને ઊંચે, પેલે પા૨ ભણીની ગતિ સાધે છે. શબ્દના અને સત્યના સાધક એવા કવિશ્રી ચંદ્રકાન્ત શેઠને વંદન.

 

 

* * * * *

 

વીડિયો: