વલ્લભ નાંઢા : પંચોતેરમે (30 માર્ચ 2014)

મર્મસ્થાનને પંપાળી જતી વાર્તાઓનો માલિક • અનિલ વ્યાસ

મારા જન્મ પહેલાંથી એટલે ઘણું ખરું છ દાયકાથી સાહિત્ય સેવતા માતબર સર્જક વલ્લભ નાંઢાની વાર્તાકલા વિશે વાત કરવાનો મોકો મળ્યો એનો આનંદ છે. વલ્લભભાઈ વાર્તાકાર તરીકે બ્રિટનના વાર્તાકારોમાં મુઠ્ઠી ઊંચેરા છે. વીસેક વર્ષની વયે ‘ભણેલી વહુ’ નામની વાર્તાથી શરૂ થયેલી સર્જક યાત્રામાં સો ઉપરાંત વાર્તાઓ એમણે લખી હોવાનું જણાય છે.

    જાણીતા વાર્તાકાર મધુ રાય એમને માટે લખે છે – ‘કોઈ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે વલ્લભ નાંઢાની વાર્તાઓ ગુજરાતીની પ્રથમ પંકતિની વાર્તાઓમાં સ્થાન પામે એવી છે.’ વલ્લભ નાંઢાની ડાયસ્પોરિક વાર્તાસૃષ્ટિ વિવિધ તરેહોમાં વહે છે. પ્રણયકથાઓ, પ્રણયત્રિકોણ, સામાજિક-સાંસ્કૃિતગત સવલતો, વિષમતાની વાર્તાઓ, ગુનાહિત માનસ, ગુનો અને દુરિતની વાર્તાઓ, તો સામે પક્ષે જીવનમૂલ્ય અને પ્રામણિકતાની વાર્તાઓ એમ વિવિધ વિષયોમાં એમની વાર્તાઓ વિહરે છે.

    જો કે આજના સમયમાં વાર્તાકારોને જેમાં સહેજ ઓછો રસ પડે છે એવી ભૂતકથાઓ એમણે ખાસી લખી છે. ભૂતકથાથી વાત નીકળી જ છે તો કહું કે કથન, અને કથનની રીત એકમેકમાં ભળે એવી ગદ્ય લઢણ સાથે આસ્વાદકર ગદ્યમાં લખાયેલી ભૂતકથાઓ મને ‘ઓ હેનરી’ અને બીજા ચડિયાતા વાર્તાકારોની યાદ અપાવે છે. એમની ‘ખંડિયેર’, ‘સહવાસ એક રાતનો’, ‘શ્રદ્ધાનો વિષય’ અને રાતવાસો, ખૂબ જ સરસ રીતે લખાયેલી ભૂતકથાઓ છે. અને આ વાર્તાઓ 1990થી 1995માં કે જ્યારે આધુનિક વાર્તા લખવી એ સહુ વાર્તાકારોની પ્રથમ પસંદગી હતી. સુરેશ જોશીએ ઘટનાના તીરોધાનની વાત મૂકી અને એવું વાતાવરણ રચાયું કે ઘટનાના ભારથી વાર્તા દબાઈ ગઈ હોય પણ વલ્લભભાઈ તો પરંપરાગત વાર્તાકળાને જ વર્યા છે. એમણે બેએક વાર્તાઓ આધુનિક શૈલીની આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાં ય ઘટનાનો તાણોવાણો ચૂકાયો નથી. ‘કાયર’, ‘કારણકે’ જેવી વાર્તાઓમાં આ તત્ત્વ નજરે પડે છે.

    એમની પ્રણય કથાઓમાં ‘આઘાત – પ્રત્યાઘાત’, ‘અજાણ્યો ચહેરો’, ‘વિંધાણું ઈ મોતી’, ‘દિલકે તરાને’, પણ સરસ રીતે લખાયેલી છે. એમણે માત્ર પૈસો અને શારીરિક સુખના મોહમાં રાચતી યુવતીની વાત કરી છે ત્યારે ભાવક્ને એક ક્ષણ અલ્પા પર ધિક્કાર કે ઘૃણા જન્મે. પણ લેખકને તો મધુ રાય કહે છે તેમ કલમની શાહીમાં એક જૂદો જ મનહર રંગ ભરવો છે. (વધામણીની પ્રસ્તાવના)

    ‘કોઈ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે વલ્લભ નાંઢાની વાર્તાઓ ગુજરાતીની પ્રથમ પંક્તિની વાર્તાઓમાં સ્થાન પામે એવી છે.

   વલ્લભભાઈ લંડન રહે છે તે વાતે એક રીતે એમને અન્યાય થયો છે, કે હાલ ગુજરાતમાં ઊડતી ક્રિયેટિવિટીની છોળોની વાછટ તે ઝીલી શકતા નથી. પરંતુ સામા પક્ષે એમના લંડનવાસના કારણે, એમની આફ્રિકાની પૃષ્ટભૂના કારણે, એમની વાર્તાઓમાં એક અનન્ય નવીનતા પ્રવેશે છે જે એમની કલમની શાહીમાં એક જુદો મનહર રંગ ભરે છે.

    ‘અલ્પા, તું કોઈ શેઠિયાના દીકરા સાથે લગ્ન કરવા માગે છે પણ એવો છોકરો તને મળશે તોયે હૅન્ડસમ નહીં હોય. નકર તે અત્યાર સુધી કુંવારો રહે?’
‘તો હું શું કરું …? ‘અલ્પાએ કહ્યું,  ‘… તો મને શ્રીમંત પતિ મળે?’
‘છોકરી, પૈસા પૈસાને ઠેકાણે છે, પૈસાની જરૂર નથી એમ નથી કહેતી. પણા પૈસા કમાઈ લેવાય, અને અચાનક ગુમાવી પણ દેવાય.’
‘મને ખબર છે, તને સેક્સની ઘેલછા છે!’ અલ્પા હસવા લાગી.
‘ગરીબ હોય કે પૈસાદાર, જો વરમાં પાણી ના હોય તો જન્મારો ફોગટ જાય, મૂરખી!’ હેમાએ ડાબી ભમ્મર સહેજ ફરકાવી. ‘એટલામાં સમજી જા!’
‘પણ અલ્પાનું શું’ નામની વાર્તામાં અલ્પા શ્રીમંત વર શોધે છે, અને એની બહેનપણી તેને સમજાવે છે કે પૈસા કરતાં સેક્સ વધુ અગત્યની છે. વાર્તાકાર એવી ચતુરાઈથી વાર્તાના પાત્રોને ચક્કર –ભમ્મર ફેરવી અલ્પાને શ્રીમંત પતિ પણ અપાવે છે, સેકસી પ્રેમી પણ અપાવે છે, અને હસીને વાચકને એક ઓચિંતો ઘૂમતો પણ મારે છે વાંસે, જા, મજા કર!’

    મૂળે આ વાર્તાના પાત્રો અને વાતાવરણ ભારતીય હોવા છતાં ભૌતિકવાદ અને આધુનિક જીવન મૂલ્યોની પોકળતા સાથે કૃતક પ્રેમની અભિવ્યક્તિ રચી આપે છે. એમની ‘બિગડે દિલ શેહજાદે’ વાર્તાનાયકનાં બદલાયેલાં વલણ અને વૈર-વૃત્તિની એક પરત નીચે ચાલતી કરુણ પ્રેમગાથા છે. તો ‘ખેપાની ગોધો’માં બળવંત જાની નોંધે છે એમ વીસમી સદીના ઉત્તરાર્ધાથી વધતી રહેલી સ્વકેન્દ્રીતા, દંભાચાર, અનીતિ, અને ભોક્તાવદના નિમિત્તે સાંસ્કૃિતક વિપર્યાસોનું જે વિશ્વ આકાર લઈ રહ્યું છે તેના કારણ રૂપે ઉપસેલાં માનવસંબંધોની અવિશ્વનિયતા આ વાર્તાનું મુખ્ય ધ્વનિ બની રહે છે. તો ‘ત્રીજો આઘાત’માં આકસ્મિક મળતાં જીવન આનંદની વાત છે.

વલ્લભભાઈની કેટલીક મને અત્યંત પસંદ પડેલી વાર્તાઓમાંની એક છે ‘ઇલિંગ રોડ પર ચોરી’. આ વાર્તામાં માણસની સાહજિક દુરિત વૃત્તિને સહેજ રમૂજના લહેજામાં પણ ખૂબ જ કુશળતાથી વ્યકત કરવામાં આવી છે. વિધવિધ પ્રકારની નાનકડી ચોરીઓ કરી શરીફ હોવાનો દંભ કરતા ઝગડતા માણસોની વાત વલ્લભભાઈ તમને કહે છે પણ પેલી ખરી ચોરી તો ગિરધરલાલના મનમાં છે. એ ચોરી સર્જકે ક્યાંય ખુલ્લા બનીને કરી નથી પણ ઈંગિતો આપી જે રીતે વ્યંજનાપૂર્વક વાત મૂકી આપી છે ને ભાવકને પૂછ્યું છે ચોરી કરવાની એક મજા છે કાં? આ સર્જકને જે કહેવું છે એ સાવ અનોખી રીતે કહેવાયું છે. એમની રચનારીતિથી કલાકીય બનતી બીજી વાર્તા છે ‘મૃગતૃષ્ણા’. આ વાર્તામાં પૂનરાવર્તન થકી આવતો અંત ને એમાંથી પ્રગટતી વ્યંજના વાર્તાને એક નવું જ પરિમાણ આપે છે. વલ્લભભાઈ બહુ જા સાદી રીતે વાત કહે છે. પણ એમનું કથન અને કથનની રીત એકમેકમાં સુમેળ ભળે છે. સંવાદોમાં બોલચાલની ભાષા અને વિદ્વતા કે લલિત ગદ્યના મોહમાં પડ્યા વગર વલ્લભભાઈ કલાત્મક વાર્તા રચે છે.

    વાર્તાકાર બધું ઝીણી નજરે તપાસી તમારી સામે એ રીતે રજૂ કરે છે કે બધું તાદૃશ્ય જેમ કે (પાગલ પૃષ્ઠ – 81)

    ‘દસકાઓ પહેલાં સરમુખ્ત્યાર ઈદી અમીને જ્યારે યુગાંડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરી ત્યારે નંદનવન સરખા એ દેશ સાથેનાં માયા-મમતાના વાઘા એકાએક ઉતારી નાખી, એ દેશની ભૂમિ પરથી દેરા-તંબુ વીંટી લેતાં સૌનાં દિલમાં ગભરાટ હતો. એશિયન વસાહત ઊંડી ચિંતામાં પડી ગઈ હતી,પરિવારો તૂટવા લાગ્યા હતા. સમાજ આખો વેરવિખેર થઈ રહ્યો હતો. જેને જેમ સૂઝ્યું તેમ દરેક તેની આવડત મુજબ વહેલી તકે દેશ છોડી જવાની વેતરણમાં હતું. કેટલાંકે યુરોપનાં પ્લેન પકડ્યાં, તો કેટલાંકે અમેરિકાનાં! પરંતુ જેઓ એ દેશના નાગરિક બન્યા હતા તેમની સ્થિતિ કફોડી બની હતી. એમની પાસે દેશ છોડવાનો કોઈ વિકલ્પ નહોતો રહ્યો.’

    વાત સહેજ ફંટાઈ ગઈ પણ એમની બીજી વાર્તા ‘ચામડીનો રંગ’ અહીં વાર્તાકાર અન્યાયની વાત કહેવાની સાથે ન્યાય ન કરવાની વૃત્તિ અને વલણને સહેજે ય મુખર થયા સિવાય સ્પષ્ટ કરી આપે છે. સાથે સાથે એક વિશેષ પ્રજાસમૂહની દોગલી નીતિ અને ઢાંક્પીછોડા ખુલ્લા કરી આપે છે. તો ‘પરી ક્યા ચીજ હૈ’માં સુમનભાઈ અને સુમિત્રાબહેનનાં દુ:ખ અને વ્યથાનો એ જ રીતે રમતરમતમાં ભાવકને અનુભવ કરાવે છે. વલ્લભ નાંઢાના જીવનમાં આવતાં ગયેલા પરિવર્તનનો રાજકીય સામાજિક વાતાવરણ અને ઈંગ્લેન્ડનાં આધુનિક સમાજનું નિરૂપણ તો જોવા મળે પણ ‘ઈશ્કની ગુલામી’, ‘કોનાવા’, ‘સ્મરણ-મંજૂષા’ જેવી વાર્તાઓમાં એમનાં આફ્રિકાના વસવાટ અને અનુભવોનો વારસો પણ અનુભવવા મળે છે.

    વલ્લભ નાંઢા માને છે કે વાર્તાને છેડે ચોટ આવવી જોઇએ. આ સીધું સ્ટેટમેંન્ટ એટલા માટે કે એમની લગભગ બધી જ વાર્તાઓમાં વાર્તાકારનો આ આગ્રહ હોવાનું જણાઈ આવે છે. પરંતુ વાચકોને ઝાટકો આપવો જોઇએ પણ ચોંકાવીને કે વાર્તાને બિનૌપકારક થાય એવી રીતે નહીં.  જેમ કે ‘ત્રીજો આઘાત’ વાર્તામાં અંતે ખાધું પીધું ને રાજ કર્યુંનો અપાયેલો ત્રીજો આઘાત મુખ્યપાત્રના જીવનમાં આવેલા અગાઉના આઘાતથી સાવ નોખો છે. સમગ્ર વાર્તામાં વણાતું આવતું કારુણ્ય અંતે પલટો મારે છે. આ પલટો ચોંકાવનારો છે પણ એથી વાર્તાકલાને હાની પહોંચી છે, એવું નમ્રપણે નોંધું છું. એવી જા રીતે ‘આઘાત-પ્રત્યાઘાત’ વાર્તાને અંતે નાયિકાને કેન્સર થવાની વાત સહેજ વધુ પડતી આકરી રીતે કહેવાઈ છે. અંતે ચોટ આપવાના પ્રયાસમાં સમગ્ર વાર્તામાં પ્રેમની જે નાજુકાઈ અને પ્રતિબદ્ધતા નિરૂપાઈ છે એને તોડે છે. બિભત્સ આલેખન ભાવકને ચોંકાવવા સાથે વિહ્વળ બનાવી મૂકે છે. આ સંબંધે ‘ગોળધાણા’, ‘વિંધાણું ઈ મોતી’ અને ‘ખોવાયેલો ટહુકાર’ કેવી સરસ રીતે રજૂ  થઈ છે એ તપાસવું રસપ્રદ થઈ પડશે.

    વલ્લભભાઈ પ્રજાજીવન અને માણસની આંતરિક વૃત્તિઓના પારખુ છે. એમણે વિવિધ પાસાંઓ ઉજાગર કરી વિશિષ્ટ વાર્તાઓ આપી છે. ઓફિસ જીવન અને સાથી મિત્રોની ચાલાકીની વાતો તો ગુનો અને ગુનાખોરોની વાર્તા, ના ગુનાખોરી નહિ. સદ્દ અને અસદ્દના સંઘર્ષમાં સર્જકને રસ પડે છે. સંસ્કૃિતગત કે સ્વભાવગત દૂષણો વિકસતાં મનુષ્યમાં આવતાં પરિવર્તનો અને સરળતાથી બધું પામી લેવાની લાલચને લીધે વિકસતી વિષમતા અને વર્તૂણકને બહુ ઝીણવટથી તપાસે છે. ‘જોડી તૂટે તો શું થાય?’, ‘ત્રણ પત્તનો જુગાર’, ‘ભણેલી વહુ’ અને ‘કાશીમાં મરણ’, ‘કાનોકાન’, ‘માદળિયું’ જેવી વાર્તાઓમાં માણસની લાલચ, લોભ અને દુરિત વૃત્તિનું સરસ આલેખન જોવા મળે છે.

    તો સામે છેડે નીતિમત્તા અને પ્રામાણિક જીવન જીવવાના સંતોષ અને દુરિતને સમર્પણભાવથી લેતાં સજ્જનોની કથા પણ લેખક સુચારુ માંડે છે. એમની ‘શારદા મંદિર’ના નાયક્નો સીસ્ટમ અને ભ્રષ્ટાચાર સામેનો તીવ્ર આક્રોશ વાચકને સ્તબ્ધ કરી મૂકે છે. ‘કોનાવા’માં સાવ અજાણ્યા દ્વારા મળતી સહાય અને એ સફેદ ખમીસ અને વાદળી પાટલૂન પહેરેલો, કલમે અકાળે ધોળા થતા વાળ, ગાલ પાસે એક તલ અને જમણી ભમ્મર પર એક કાપાના નિશાનવાળો દકુભાઈ …. કોણ દકુભાઈ, નથી ગામ કે નથી માણસ – ને વર્ષો વીત્યે મળે છે ત્યારે એક વાત, સારાં કામની શરૂઆત કોકે તો કરવી જોયે. આ વાત અસદ્દ પર સદ્દનો વિજય. ભૂતકથા લાગતી વાર્તા ‘બારીના કાચમાં દેખાતો ચહેરો.’માં સુંદર રીતે નિરુપાઈ છે. ‘હરિના લાલ’ વાર્તામાં ગાંધીજીની સમગ્ર શીખ એક શબ્દ બોલાયા સિવાય મુકાયેલી દેખાય છે. શરૂથી અંત સુધી એક સરખું દોડતું રસ નિરૂપણ વલ્લભભાઈની સિદ્ધિ છે. કથાપ્રવાહ એવો કે ભાવક ખેંચાતો જાય. એમને કલા પીરસવી છે એમ જ સાદગીથી. અનુભવ કે અનુભૂતિકરણનું વાર્તામાં રૂપાંતર ખાસો કસબ માંગી લે છે. વાર્તાકાર કિરીટ દૂધાત કહે છે : ‘કથાકારે પોતાના સર્જન પાછળ ખુદને એવી રીતે છુપાવી દેવો જોઇએ કે જેવી રીતે ઈશ્વર આ સૃષ્ટિમાં છુપાયો છે.’

    વાર્તામાં ઘટનાના ચોસલા પડે એવી હોવી ઘટ્ટ જોઇએ. કોઇ પણ મૂર્ત કે અમૂર્તની લાગણી સમજવા માટે ઘટના એકદમ મહત્ત્વની વસ્તુ છે, જેમાં માંડીને કથા કહેવાઈ હોય. વલ્લભ (ભગવાન શ્રીકૃષ્ણનું પણ એક નામ વલ્લભ ખરું કે નહિ?) ભાઈની વાર્તામાં ઘટના બરોબર આવી જ રીતે મુકાયેલી છે.

    એમણે શૈલીના વિવિધ પ્રયોગો પણ કર્યા છે. પત્રશૈલી; પાત્રો દ્વારા નહિ, પણ પાત્રોની ગાથામાંથી વાર્તા કહેવાની પધ્ધતિ. એમણે ‘રિવર્સ ટેલીપથી’ લખી છે. તો લોકકથાની શૈલીમાં માંડી છે ‘ઘરડાં ગાડાં વાળે!). વલ્લભભાઈની આ વાર્તા વાંચ્યા પછી થાય છે – લેખકે આજ સુધી ‘બાળવાર્તા’ કેમ નથી લખી?

    વલ્લભભાઈએ લંડનમાં વસી અહીંના સમાજજીવન અને ભારતીય કુટુંબો અહીં વસ્યા પછી કઈ સમસ્યાઓ અને વાતાવરણનો સામનો કરે છે એવી એકાધિક વાર્તાઓ આપી છે. (આ બધી વાર્તાઓને (‘ડાયસ્પોરા વાર્તા ‘એમ કહી વિપુલ કલ્યાણી નવાજી શકે). વધતા જતા ભૌતિકવાદ, સ્વાર્થી રહન-સહન શૈલી, અને ભોગવાદી જીવનની બેફિકરાઈથી નિપજતા પરિણામો. પાશ્ચાત્ય મોહમાં તણાતા યુવાનોની લથડતી – નિષ્ફળ બની જતી જિંદગીની વાર્તાઓ ‘રેતીનોમહેલ’, ‘રેખા રેખા’, ‘ભાગીદાર’, ‘ત્રીજી દુર્ઘટના’, ‘આશરો’, ‘વધામણી’. યાદી લાંબી છે. પરંતુ વલ્લભભાઈ તમારા અહીંના અનુભવોમાંથી નિપજેલું – નીવડેલું સર્જન ભાવક્ને પરિસ્થિતિબોધ ઉપરાંત નવા વલણનાં દુષ્પરિણામોથી ચેતવે છે. વાર્તાકાર વાર્તા તો સમાજમાંથી જ લખે છે. રસ્તા પર થતી નાનકડી બોલાચાલી આપણું કેવું ધ્યાન ખેંચી છે? તો આસપાસ બનતી ઘટનાઓ તો ન આકર્ષે તો જ નવાઈ.’ ‘ખમીર’ વાર્તામાં સંઘર્ષ અને સમાજને ઉપયોગી કાર્યમય જિવાતા જીવનની ગાથા છે. વિષમતામાંથી પણ વિશિષ્ટતા સર્જી શકાય છે એ કેવી સાવ સાદી રીતે કહેવાયું છે?

    ‘ત્રીજી દુર્ઘટના’, ‘રેતીનો મહેલ’, ‘ઝંખના’ સ્ત્રી પુરુષના સંબંધોની બેવફાઈની વાત કરે છે. તો ‘ભાગીદાર’,    ‘રેખા રેખા’ અને ‘વધામણી’ વાર્તાઓમાં સંયુક્ત કુટુંબમાં વડીલોના ંશોષણ કે અવહેલનાનું નિરૂપણ થયું છે.

    વલ્લભ નાંઢાની વાર્તાગાથા તો લાંબી છે. સેંચ્યુરી અમથી થોડી થાય? પણ એટલું અચૂક કહેવાનું મન થાય કે ભલે વલ્લભભાઈ દેશમાં ઉડતી સર્જકતા છોળોથી ભીંજાયા નહિ હોય પણ વહી આવેલી ભીની માટીની સુગંધ એમણે માણી છે. એ ગરમ ગરમ ધરતી પર પડતાં ફોરાંની ભોંય એમના સર્જનમાં અનુભવાય છે.

    હા, સહેજ વસવસો રહી જાય છે. સરસ બનવાની શક્યતા ધરાવતી કેટલીક વાર્તાઓ જાણે એમ જ મુકાઈ ગઈ. તીરંદાઝ્નું નિશાન ચૂકાયું. વલ્લભભાઈ પ્રણય નિરૂપણ સરસ રીતે કરે છે. સેક્સની વાત લખે છે ત્યારે પૂરા આદમીય જોશથી લખે છે. પણ શાંત સરળ વહેતા પ્રેમના વહેણને એ ઠેકી જાય છે.

    એમની વાર્તા ‘ઋણનો બદલો’ અને ‘હિજરાતાં હૈયાં’(બે ઉદાહરણ બસ થશે.)માં આ ધીરે વહેતો કરુણ અને પ્રેમની મધ્ધિમ ફુઆર અનુભવાયા છે. પણ થાય છે ક્યાંક કચાશ રહી ગઈ છે. વળી કેટલીક વાર્તાઓ ઉતાવળે લખાયાનું અનુભવાય છે. ‘ઢીમણું’, ‘સુફોન કોની?’, ‘અધિકાર’, ‘ખૂની’, ‘દિલકે તરાને’ વાંચતાં સહેજ ખટકો જાગે છે. પણ એવા શા રંજ? અમને તો ગમે છે. એમણે ઝીલેલા સ્થળ અને સમયના દૃશ્યો, એમનું નિરૂપણ અને એ થકી અમને પમાતાં પ્રત્યક્ષીકરણ જિવંત દૃશ્યો. એમની ભાષાની લહેક, બળ્યું સહેજ મધુ રાયની છાંટ વરતાય તો … પણ સરળ ભાષા, બોલચાલના સંવાદો, ખોટાં વર્ણનો કે ઉપમાઓનો ભાર નહિ ને પ્રગટ થતી આધુનિક સંવેદના. અમારા મર્મસ્થાનને પંપાળી જતી વાર્તાઓ આપવા બદલ આભાર. ને બળવંત નાયકે કહ્યું એમ :

    ‘What a story is about is a question of how it is told. You cannot separate the tale from telling’ and you did it, story teller Mr. Nandha. Many thanks again.
***
વલ્લભ નાંઢા: પંચોતેરમે • ધવલ સુધનવા વ્યાસ

મુજ અબુધની એટલી શક્તિ નથી કે હું આટલા મોટા ગજાના લેખકની કોઈ મૂલવણી કરું કે નથી તો તમ શ્રોતાઓ સામે મારી એવી કોઈ હેસિયત કે હું તેમની કૃતિઓથી તમને અવગત કરાવું. પરંતુ આ એક વિનમ્ર પ્રયાસ છે કે હું કદાચ આજના આ અવસરનો ઉપયોગ કરી તેમની કૃતિઓનો થોડો રસાસ્વાદ કરાવી શકું અને બાકી આપ સહુને જ્ઞાત કરી શકું કે આપણી વચ્ચે બેઠેલા આ એક ઉમદા વ્યક્તિની કલમ કેટલી વૈવિધ્યસભર છે.

આમ તો આ પુસ્તકની  પ્રસ્તાવનામાં ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલિન પ્રમુખ પોપટલાલ જરીવાલાએ કહ્યું છે કે, “આ લેખો દ્વારા વલ્લભભાઈની રચનાશક્તિનો, જાહેરજીવનમાં એમને થયેલા પરિચયોનો, ઘટનાવૈવિધ્યનો, એમની નિરૂપણશક્તિનો તેમ જ એમાનાં સાહિત્યકસબનો પણ આ લેખો દ્વારા પરિચય થયા વિના નહીં રહે.”
પુસ્તકની શરૂઆત જ પ્રસંગાલેખનરૂપ નિબંધથી થાય છે. આ લેખ આમ તો ગુજરાતી સાહિત્ય અકાદમીની ૨૪/૦૨/૯૫ના રોજ યોજાએલી સ્મૃિતસભાનું રિપોર્ટીંગ છે. પરંતુ વલ્લભભાઈની લેખનકુશળતાનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે વાચકને એ કોઈ પણ દૃષ્ટિકોણથી રિપોર્ટસમું નથી લાગતું. વિષયની પ્રવાહિતા અને વક્તવ્યોની તથા અન્ય આલેખનોની ગૂંથણી એમણે એવી સુપેરે કરી છે કે મારા જેવા અજ્ઞાનીને પણ નિબંધ પૂર્ણ થયે શાંતશીલાબહેન ગજ્જરનાં સમગ્ર જીવનકવનની માહિતી મળી ચૂકી હોય. આ લેખમાં એમણે એટલી તો સુંદર રીતે અને સહજતાથી શાંતશીલાબહેનનાં બાળપણથી લઈને નિધન સુધીની વાત કરી છે. ફક્ત તેઓનાં અંગત જીવનની જ નહિ પણ તેમણે ખેડેલા સાહિત્યસોપાનોની પણ, ખાસ કરીને “સંગના” ત્રૈમાસિકની શરૂઆતથી અંત સુધીની વાત એમણે વિવિધ વક્તાઓનાં શબ્દોમાં અત્યંત તરલતાથી રજૂ કરી છે. અનેક વક્તાઓનાં મંતવ્યો ટાંક્યા હોવા છતાં તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે વાચકને ક્યાં ય માહિતીનું રિપિટેશન ના લાગે. વચ્ચે વચ્ચે પુરવણીરૂપ શાંતશીલાબહેને આફ્રિકામાં કરેલા અન્ય સામાજિક કાર્યોની પણ વાતો ટાંકતા રહીને લેખકે આ પ્રથમ પરિચયાત્મક કે પ્રસંગાલેખનને અત્યંત રસપ્રદ રીતે રજૂ કર્યું છે.

પુસ્તકમાં આવતા બીજા નિબંધને હું પુસ્તક વિવેચન શ્રેણીમાં મૂકીશ. વલ્લભભાઈ લેખનશૈલીના આ પ્રકારના ‘રાજા’ છે તેમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. આ વાત તેમણે કરેલા દરેક વિવેચનમાં સ્પષ્ટ તરી આવે છે. ભલે એ …

  • શ્રી બળવંત નાયક રચિત વાર્તાસંગ્રહ ‘સફરના સાથી’ હોય,
  • વિશ્વપ્રવાસીની અનુભવકથા : થેમ્સ નદીને કાંઠેથી હોય,
  • વસંત-લતા : પ્રણય અને પરિણયનો દસ્તાવેજ હોય કે પછી
  • ‘ઝરમર-ઝરમર’નું રસવિવેચન હોય.

વલ્લભભાઈએ પોતાની આગવી શૈલીમાં આ બધાં જ પુસ્તકોનો રસાસ્વાદ કરાવ્યો છે. ફક્ત એટલું જ નહીં, દરેક વખતે તેઓ આપણને કૃતિ પરિચય કરાવતા પહેલાં કર્તા પરિચય કે લેખકનો પરિચય કરાવવાનું ચુકતા નથી. તેમના પોતાના જ શબ્દોમાં કહું તો આ બધા જ લેખો ‘માહિતી અને માર્ગદર્શન – ઉભય દૃષ્ટિએ સમૃદ્ધ છે’.

‘ધૃતરાષ્ટ્રની આંખોમાંથી આકાશ’ એ વલ્લભભાઈનું પ્રવાસવર્ણન છે. નિબંધની શરૂઆતથી જ લેખકના સાહિત્યિક જીવનનો પરિચય થાય છે. જે સુંદર રીતે તેઓ મધરલેન્ડ, માતૃભૂમિ કે જન્મભૂમિ સાથેના લગાવની અને તેના પ્રત્યેનાં આકર્ષણની વાત કરે છે તેના કરતાં પણ વધુ પોતાની એ વર્ષોથી ઈચ્છેલી મુલાકાત દરમ્યાન પણ તેઓ અન્ય યાદો – સંભારણાઓ સાથે એકાત્મતા કેળવવાને બદલે વિદ્યા અને સાહિત્યના સ્થાનોની મુલાકત લે છે અને દારેસલામની શ્રી ટી.બી. શેઠ લાઈબ્રેરીની તથા મ્વાંઝાની ‘ધ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’ કે જ્યાં તેમણે પોતે અભ્યાસ કર્યો હતો, તેના વિષેનો સવિસ્તૃત અહેવાલ તેઓ આપે છે.

ટાન્ઝાનિયાના તેમના પ્રવાસ દરમ્યાન ત્યાંનાં ગામડાઓમાં વર્ષોથી નહિ થયેલા વિકાસ, અપૂરતી સુવિધાઓની સાથે સાથે તેઓ ગુજરાતી પરિવારોની દુર્દશા ટાંક્યા વગર નથી રહેતા. એટલું જ નહિ, ગુજરાતી પરિવારોની દુર્દશા કેમ છે તેના મૂળમાં પણ તેઓ ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સાંસ્કૃિતક વારસાની કરેલી અવહેલનાને જ જુએ છે. આ લેખક ખરેખર સાહિત્યનો જીવ છે. નિબંધના સમાપન સમયે તેઓ એક હૃદયદ્રાવક કથા કહે છે અને આપણી ભાષા અને સંસ્કૃિતની અવગણના થતી હોય તેવા સંજોગોમાં તાદૃશ એવી અનિલ જોષીની ગઝલપંક્તિઓ જણાવે છે, –

ક્યાં છે આવતી કાલ?
અમારી સામે તો છે

ધૃતરાષ્ટ્રની આંખોમાંનું આકાશ
અને નર્યો રાખનો સૂરજ !

‘પોપટલાલ જરીવાલા : એક નિરાળી પ્રતિભા’માં તેઓએ આપણી અકાદમીના પૂર્વપ્રમુખ ઉપર અત્યંત માહિતીસભર નિબંધ લખ્યો છે. અહીં બેઠેલા મોટા ભાગના તો અકાદમીના ઓફિસ બેરર્સથી સુપેરે પરિચિત હોય જ પણ મારા જેવા નવાગંતુકને આવી પ્રતિભાઓથી જ્ઞાત કરાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય તેઓએ કર્યું છે. જરીવાલા સાહેબ અકાદમીની પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે સંકળાયા તેની રસપ્રદ વાત પણ તેઓએ અત્રે જણાવી છે. સ્થૂળ રીતે એમ કહી શકાય કે Biographical sketch કે વ્યક્તિ પરિચયાત્મક કથાનક શૈલીમાં વલ્લભભાઈએ કરેલું આ એક ઉમદા યોગદાન છે.

ત્યાર બાદ આવે છે તેમના નિબંધનો અન્ય અને એક ઉત્કૃષ્ટ પ્રકાર : સંશોધન નિબંધ.

  • અખો : એક સમર્થ પ્રતિભા
  • નવલરામ : એક પુનર્મૂલ્યાંકન
  • જયશંકર ‘સુંદરી’ : અભિનયકળાના આજીવન સાધક
  • ધૂમકેતુનો વ્યાપક સાહિત્યવેપાર
  • લોકવિદ્યાના પરમ ઉપાસક જયમલ્લ પરમાર

જેવા નિબંધોમાં તેમની સંશોધનવૃત્તિ સ્પષ્ટપણે ઝલકાય છે. તેમણે તૈયાર કરેલા આ પાંચેય અને તે ઉપરાંતના પણ નિબંધોમાં અત્યંત રસિકતાથી તેમણે જે-તે મહાનુભાવ વિષેની રોચક વાતોની રજૂઆત કરી છે. સસંદર્ભ વાત કરવાની તેમની રીત ધૂમકેતુ પરના લેખમાં સ્પષ્ટ તરી આવે છે, જ્યાં તેઓ નિબંધને અંતે એક ઉચ્ચ કોટીના સંશોધનકર્તાની રૂએ સંદર્ભસૂચિ રજૂ કરે છે. મારો વિકિપીડિયા જીવ એ જોઈને અત્યંત હર્ષિત થઈ જાય છે. આ શ્રેણીના લેખોમાં જયશંકર ‘સુંદરી’ પરનો તેમનો નિબંધ એક આગવું સ્થાન ધરાવે છે કારણ કે એ શોધનિબંધ તે તેમના જીવનમાં એક સીમાચિહ્નરૂપ છે. પુસ્તકના નિવેદનમાં તેઓ જણાવે છે કે, ‘લંડનના એક પરિસંવાદમાં ‘જયશંકર સુંદરી’ વિશે બોલવા મને આમંત્રણ આવ્યું હતું, ત્યારે આ પ્રસિદ્ધ નટશિરોમણી કે જેમના નામના એક સમયે ગુજરાતના નાટ્યરસિકોમાં સિક્કા પડતા હતા તેનું મારાથી યથાર્થ મૂલ્યાંકન થશે ખરું? એ વિચારે મનમાં દ્વિધા જન્માવેલી. જાહેરમાં બોલવાનો આ મારો પ્રથમ પ્રસંગ હતો અને વળી એક ઊંચા ગજાના નાટ્યવીરને મૂલવવાના હતા એટલે પ્રતિ ક્ષણ મારી મૂંઝવણમાં વધારો થઈ રહ્યો હતો. એ વખતે ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી મારી મદદે ન આવ્યા હોત તો મારા માટે આ કામ કદાચ વધુ વિકટ બન્યું હોત. વિપુલભાઈ કલ્યાણીએ ‘જયશંકર સુંદરી’ વિષયક કેટલુંક સાહિત્ય હાથવગું કરી આપ્યું. તેના આધારે મેં એક ટૂંકું વક્તવ્ય તૈયાર કરેલું. અકાદમીના મંચ પરથી પહેલી વાર બોલ્યો હતો ત્યારે તો મનમાં કલ્પના પણ ક્યાંથી હોય કે એ નાનકડા વક્તવ્યને જગદીશ દવે, બળવંત નાયક અને ડાહ્યાભાઈ કવિ જેવા વિદ્વાન સાહિત્યકારો સ્ફુરણીય આવકાર સાથે તેને વધાવી લેશે અને એ વક્તવ્ય એક કૃતિનિષ્ઠ વક્તવ્ય બની રહેશે. વિપુલભાઈએ તો એ વક્તવ્યના આધારે “અસ્મિતા” માટે એક સ્વતંત્ર લેખ તૈયાર કરવાનું આમંત્રણ મને ત્યારે જ આપી દીધેલું. આમ આ નાનકડું સંભાષણ એક આસ્વાદ્ય કૃતિરૂપે ગુજરાતી સાહિત્ય અકાદમીના વાર્ષિકપત્ર “અસ્મિતા”માં પ્રગટ થઈ કલમ ચલાવવાનું નિમિત્ત બનશે એવી કલ્પના પણ ક્યાં હતી!’

આ ઉપરાંત પણ તેઓએ અનેકવિધ પ્રકારના નિબંધો રચ્યા છે. મારું ગજું નથી કે હું તે બધાને વર્ણવી શકું. ઉંમર અને લાયકાતની દૃષ્ટિએ પણ હું ખૂબ નાનો છું એટલે આ વાત કરવી મને શોભા નથી આપતી, પરંતુ પ્રસંગની ગરિમા સાચવતા છોટે મુંહ બડી બાત કે, ‘ભગવાન તમને દીર્ઘાયુષ્ય બક્ષે અને તમારી કલમને એટલી શક્તિ આપે કે આવનારાં વર્ષોમાં આપ વધુને વધુ લેખનકાર્ય કરીને આપણી માતૃભાષાની સેવા કરી શકો’.

વલ્લભ નાંઢા – પ્રતિભાવનો વીડિયો:

વલ્લભ નાંઢા – પંચોતેરમે સન્માન સ્વીકરતી વખતે મારો પ્રતિભાવ • વલ્લભ નાંઢા

‘વિલાયતી વાર્તા સંચય’ના લોકાર્પણ વિશેના મારા પ્રતિભાવથી શરૂઆત કરું છું. ગુજરાતી સાહિત્ય અકાદમીના રજતજયંતી વર્ષ અંતર્ગત, ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટલાંક મહત્ત્વનાં આયોજનો હાથ પર ધરવાનું વિચાર્યું હતું. તેમાંનું એક આયોજન એ હતું કે બ્રિટનમાં રહીને વાર્તાક્ષેત્રે સર્જન કરતા વાર્તાકારોનો એક સંગ્રહ અકાદમીની ત્રિ-દશક ટાંકણે પ્રકાશિત કરવો. આ આયોજનને કરોબારી સમિતિ તરફથી લીલી ઝંડી મળતાં મને અને ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામંત્રી વિપુલ કલ્યાણીને એ સંચય સંપાદિત કરવાની જવાબદારી સોંપાઈ હતી. 2008ની સાલમાં વાર્તાઓનું સંપાદન થયું ત્યાં સુધીની વાર્તાઓમાંથી ગુણ અને ઇયતાની કક્ષાએ ‘વિલાયતી વાર્તાસંચય’ માટે વાર્તાઓની પસંદગી થઈ છે. આ પસંદગી કરતી વખતે અમને “ઓપિનિયન”, “ગુજરાત સમાચાર-લંડન”, “ગરવી ગુજરાત”, “નવ બ્રિટન”, “સંગના”, “અસ્મિતા” તેમ જ અડધી સદી પૂર્વે આફ્રિકાથી પ્રગટ થતાં “આફ્રિકા સમાચાર” શા સામયિકોનાં વાંચનમાંથી પસાર થવાનું બન્યું. આટલાં સમસામયિકોમાંથી થોકબંધ વાર્તાઓનું પઠન કર્યા પછી ચાળીસ વાર્તાઓનું પસંદગીકર્મ પણ અત્યંત કઠીન ને પુરુષાર્થ માગનારું રહ્યું. તેમ છતાં સામે પૂર તરીને અમે આ કામ પૂરી તટસ્થા દાખવી પાર પાડ્યું ત્યારે મોટા ભાગની વાર્તાઓથી સંતોષ પામ્યાની સહેજે અનુભૂતિ થઈ. એ સાથે પાંચ-છ દાયકા પહેલાં પૂર્વ આફ્રિકામાંથી પ્રગટ થતાં “શોભા”, “જાગૃતિ”, “મધપૂડો”, “દંપતી” આદિ સામયિકો અપ્રાપ્ય હોવાથી એમાંથી વાર્તાઓ લઈ શક્યા નથી એ બાબતનો અમને રંજ છે. આ સંચયમાં જે કર્તાઓની કૃતિઓની પસંદગી કરવામાં આવી છે તે તમામ વાર્તાકારોનો અત્રે અમે જાહેર ઋણભાવ વ્યક્ત કરીએ છીએ.

આટલી બીજ-ભૂમિકા બાંધી, હવે મુખ્ય વિષય તરફ સરકતાં પહેલાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘માંધાતા યુથ એન્ડ કમ્યુિનટી એસોસિયેશન’ના સહિયારા આયોજનમાં, ‘વલ્લભ નાંઢા – પંચોતેરમે’ કાર્યક્રમ નિયોજી મારા સમગ્ર સાહિત્યને મૂલવવાનો ઉપક્રમ હાથ લેવાયો છે, એ માટે ઉભય સંસ્થાના કર્ણધારો તેમ જ બંન્ને સંસ્થાઓનાં કર્મીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકારનો અભિગમ સાહિત્યક્ષેત્ર તરફ પથગમન કરનારાંઓ માટે  દિશાસૂચક બની રહેશે એવું મને સહેજે લાગ્યા વિના નથી રહેતું.

હું તો કહીશ કે, સર્જકોની સિસૃક્ષાને પોષવા આવા ઉત્સવો પ્રસંગોપાત યોજાતા રહે એ અનિવાર્ય છે. કારણ કે, એક એવી ફરિયાદ છે કે, આપણી ભાષાનો સર્જક એની આસપાસના જગતમાં બનતી કેટલીક ઘટનાઓ કે પરિસ્થિતિને પોતાની ચેતના પર અથડાવા દેતો નથી. આપણને વ્યક્તિગત રીતે સ્પર્શતી ના હોય, છતાં વ્યાપક રીતે માનવજીવનને ભીંસતી હોય તેવી કેટલીક પરિસ્થિતિને શબ્દબદ્ધ કરવામાં આવતી નથી. આને લીધે એક તરફ સર્જકનું અનુભવવિશ્વ સાંકડું લાગે છે, તો બીજી તરફ ઘણા બધા વિષયો સ્પર્શ પામ્યા વિના રહી જાય છે. એવું આપણા લબ્ધપ્રતિષ્ઠિત વાર્તાકાર, નવલકથાકાર સાહિત્યસર્જક વીનેશ અંતાણીનું મંતવ્ય છે.

એક તરફ સર્જકતા વિષે આપણા મુખ્ય સાહિત્યવર્તુળોમાં આવી માન્યતા પ્રવર્તે છે ત્યારે અહીં વિદેશમાં નવો જ અવાજ દેખાય છે. અને એ પણ એમને અહીં નથી મળતો વર્ક-શોપનો લાભ, નથી મળતાં પ્રકાશન-મંદિરો જ્યાં પોતાની અનુભૂતિઓને વહેતી મૂકી શકે, નથી એવાં સમૃદ્ધ વાંચનાલયો અને છતાં તેમની કૃતિઓમાં અહીંની સામાજિક સમસ્યાઓ અને એમની સૂક્ષ્મ દૃષ્ટિનાં નિરીક્ષણો જોવા મળે છે. આથી બળવંત નાયક, અનિલ વ્યાસ, ડાહ્યાભાઈ પટેલ, જગદીશ દવે, દીપક બારડોલીકર, પોપટલાલ પંચાલ, નિરંજના દેસાઈ અને નયના પટેલ આદિ સર્જકોની ગુજરાતે પણ કદર કરી છે. વલ્લભ નાંઢા અને યોગેશ પટેલની વાર્તઓ રઘુવીર ચૌધરી સંપાદિક ‘સ્વાતંત્ર્યોત્તર નવલિકાઓ  ભાગ 1 – 2’માં સ્થાન પામી છે. વલ્લભ નાંઢાના પ્રથમ વાર્તા સંગ્રહ ‘પાગલ’’ની  રઘુવીરભાઈએ સમીક્ષા કરી, સંગ્રહની મૂલવણી પણ કરી છે. આ દેશમાં વાર્તાકારોના તૈયાર થયેલા નવા ફાલની યાદિમાં રમણલાલ પટેલ, કુસુમ પોપટ, ઉપેન્દ્ર ગોર, ફારુક ઘાંચી, ગુણવંત વૈદ્ય વગેરેનાં નામો નિ:સંકોચ મૂકી શકાય. આ નવોદિતોએ એમની વાર્તાઓમાં ગુજરાત-આફ્રિકા-બ્રિટનવાસના પ્રતિબિંબો ઝીલી જે તે દેશની પરિસ્થિતિને તેમની અનુભૂતિમાં નિરદર્શન કરાવ્યું છે. એ દેશોની પ્રવર્તમાન પરિસ્થિતિની સાથોસાથ સામાજિક સમસ્યાઓનો ચિતાર આપી એક નવો અવાજ રજૂ કરવાની દિશામાં પણ ગનીમત ફાળો આપ્યો છે, જે ભાવિ સર્જક પેઢી માટે ઉપયોગી બનશે એવું મને લાગે છે.

અડધી સદીથી ય વધુ સમય પહેલાં આફ્રિકામાં મારી પ્રથમ વાર્તા ‘ભણેલી વહુ’ જેમણે પ્રકાશિત કરી હતી એ “શોભા’’ વાર્તામાસિકના તંત્રી જેકિશનભાઈ વી. પરમાર અનિવાર્ય કારણવશાત્ અત્રે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમને યાદ કરી લેતાં એટલું જરૂર કહી શકું કે, જેકિશનભાઈ તરફથી એ વખતે જો મને પ્રોત્સાહન ના મળ્યું હોત તો કદાચ મારી સર્જંપ્રક્રિયાને ત્યારે જ ફૂલસ્ટોપ આવી ગયો હોત !

વળી સાહિત્યસર્જનની દિશામાં પ્રથમ પગલું માંડ્યા પછી, મેં મારા સ્વને ક્યારે ય સાહિત્યકાર તરીકે ઓળખાવવાની ચેષ્ટા નથી કરી. આજે પણ હું કોઈ નામી સર્જક છું એવો દાવો નથી કરતો. હા, હું લખું છું અવશ્ય; પણ એ તો મારો લેખનશોખ પોષવા સારુ. એક ડઝન જેટલાં પુસ્તકોનું સર્જન કર્યા પછી વધુ ઊંચે ઊડવાને પાંખો નથી ફફડાવી. જે લખાયું છે અને લખાય છે તેનાથી સંતોષ માની લીધો છે અને અંદરથી પ્રેરણાનો ધક્કો આવે છે ત્યારે કમ્પ્યુટર પર શબ્દસાધનામાં બેસી જાઉં છું, અને ગાંડુઘેલું સર્જન થઈ જાય છે.

આ શબ્દસાધનાની શરૂઆત સોળ-સત્તર વર્ષની ઉંમરે થઈ હતી. ટંગાનિકા દેશમાં આવેલું ‘મ્વાંઝા’ નામનું એક નાનકડું શહેર. એ શહેરની ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’માં હું ભણતો હતો ત્યારે એક દા’ડો હું વાર્તા લખવાના રવાડે ચડી જઈશ એવું મેં સ્વપનેય કદી ધાર્યું નહોતું. શાળાના દિવસોમાં મારો નિજી શોખ તો હતો ગાવાનો અને ફિલ્મો જોવાનો! દસ ધોરણ સુધી પહોંચ્યો ત્યાં સુધી એ શોખ અનવરત પોષાતો રહ્યો. પણ અગિયારમાં ધોરણમાં તનિલસાહેબના વર્ગમાં આવતાં મારા શોખના વિષયોએ દિશા બદલી. તનિલ સાહેબ તાજા જ અમારી શાળામાં જોડાયા હતા. મૂળે નાટકનો જીવ, પરંતુ સાહિત્ય પ્રત્યે પણ ખૂબ લગાવ! આ ગુરુજને પ્રત્યક્ષ માર્ગદર્શન આપી અમારા વર્ગના વિદ્યાર્થીઓને ઉત્તમ સાહિત્યકૃતિઓનું જે વાંચન કરાવ્યું તેની સરવાણીઓમાં હું પણ થોડોઘણો ભીંજાયો હતો.

બારમાં ધોરણના મારા બીજા શિક્ષક ગજેન્દ્ર જ. પંડ્યા, ખુદ અચ્છા સાહિત્યકાર હતા. વાર્તાઓ લખતા અને કાવ્યસર્જન પણ કરતા. એમની રચનાઓ પૂર્વ આફ્રિકાના સામયિકોમાં અવારનવાર જોવા મળતી. વળી તેઓ ગાવાનો પણ શોખ ધરાવતા હતા. તેમણે રચેલાં રાષ્ટ્ર્ભાવ વ્યક્ત કરતાં ગીતોની H.M.V.એ રેકર્ડ પણ બહાર પાડેલી. અમારી શાળામાં એમણે સ્કૂલ-મેગેઝિન પણ શરૂ કરાવેલું. આ બંને વિદ્યાગુરુઓનાં માર્ગદર્શન અને પ્રભાવ મારી સાહિત્યરુચિ ઘડવામાં નિમિત્ત બન્યાં.

એક વાર પંડ્યાસાહેબે વર્ગમાં વાર્તાલેખનની સ્પર્ધા યોજેલી. સ્પર્ધામાં ભાગ લેવાની મારી ઇચ્છા નહોતી, પણ પંડ્યા સાહેબ તરફથી દબાણ આવ્યું, ‘લ્યા, તું આટલા સરસ નિબંધો લખે છે પછી તારે આ સ્પર્ધામાં કેમ ભાગ નથી લેવો? તારે આ સ્પર્ધામાં ભાગ લેવો જ પડશે.’ છેવટે  પંડ્યા સાહેબના દબાણને વશવર્તી મેં એક સામાજિક વાર્તા તૈયાર કરી. અને મેં લખેલી ‘ભણેલી વહુ’’ વાર્તાએ વાર્તા-સ્પર્ધામાં ત્રીજું ઈનામ મેળવ્યું. પંડ્યા સાહેબ ખૂબ પ્રસન્ન થયા અને એમણે એ વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ કરવાની મને સલાહ આપી. પણ મારી મૂંઝવણ એ હતી કે આ વાર્તા ક્યા સામયિકમાં મોક્લવી. પચાસના દાયકામાં નાઇરોબીથી ભટ્ટ બંધુઓ “આફ્રિકા સમાચર’’ સાપ્તાહિક સમાચારપત્ર, કંપાલાથી ડાહ્યાભાઈ પટેલ “જાગૃતિ”, અને ધનજી કાનજી ગાંધી “મધપૂડો”નામક વાર્તામાસિકો બહાર પાડતા હતા. આ સામયિકો આફ્રિકાના ગુજરાતી સમાજમાં ઠીક ઠીક જાણીતાં હતાં. આ માસિકો મારા જેવા એકડો ઘૂંટી રહેલા છોકરા-ભાયડા નવોદિતની વાર્તા નહીં સ્વીકારે એવી દહેશતે ત્યાં મોકલવાની હિંમત ન થઈ.

એ ગાળામાં જેકિશનભાઇ વી. પરમાર અને નેમચંદભાઈ વી. શાહના તંત્રીપદ હેઠળ, નાઇરોબીથી “શોભા’’ નામનું એક નવું જ વાર્તામાસિક શરૂ થયું હતું. નવું નવું શરૂ થયું છે એટલે કદાચ આપણો નંબર લાગી જશે એવી ધારણા સાથે મેં એ વાર્તા “શોભા’’ને મોકલી આપી. અઠવાડિયા પછી નાઈરોબીથી જેકિશનભાઈનો પત્ર આવ્યો : ‘તમારી વાર્તા ‘ભણેલી વહુ’ અમે “શોભા”ના દીપોત્સવી અંક માટે સ્વીકારી છે. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સત્વરે મોકલી આપો.’ આમ 1958માં ‘ભણેલી વહુ’ “શોભા”ના દીપોત્સવી અંકમાં પ્રગટ થતાં મારા વાર્તાલેખનનાં મંગળાચરણ થયાં.

આમ તો ઘરમાં બા-બાપુજીને વાચનશોખ ખરો. બાને મોટે ભાગે ધાર્મિક પુસ્તકો વાચવાની રુચિ અને બાપુજીને ઐતિહાસિક નવલકથાઓ વાચવાનો શોખ. ધૂમકેતુ, મુનશી, મોહનલાલ ધામી, ગુણવંતરાય આચાર્ય, ગોકુળદાસ રાયચુરા આદિ એમના પ્રિય લેખકો. ઘરમાં આ સાહિત્યકારોનાં પુસ્તકો પણ વસાવેલાં અને જે પુસ્તક બજારમાંથી ના મળી શકે તો ગામના ‘લધા મેઘજી પુસ્તકાલય’માંથી લાવીને વાચતા. આમ બા-બાપુજીનો વાચન શોખ પણ મને સાહિત્ય સર્જનની કેડી તરફ દોરી જવામાં નિમિત્ત બન્યો.

1949 થી 1969 સુધીનાં બે દાયકાઓનો ગાળો આફ્રિકામાં ગાળ્યો, એ દરમિયાન શિક્ષકના વ્યવસાયની સમાંતરે વાર્તાઓ રચાતી ગઈ અને આફ્રિકાના વિધવિધ સામયિકો ઉપરાંત ગુજરાતમાંથી પ્રકાશિત થતાં એ સમયનાં વાર્તામાસિકો “સવિતા’’ અને “કંકાવટી”માં સમાંતરે પ્રકાશિત થતી રહેલી. આફ્રિકામાં બળવંત નાયક, ડાહ્યાભાઈ પટેલ, જેકિશનભાઇ પરમાર સાથે પત્રો દ્વારા સાહિત્યિક સંપર્ક ચાલુ રહેલો, આ સર્જકોને મળવાની ઝંખનાએ દિલમાં માળો પણા બનાવ્યો હતો, પરંતુ ભૌતિક દૂરીને લીધે કદી પ્રત્યક્ષ મળવાનું બન્યું નહોતું.

1969માં લંડનનિવાસી થયો. થોડા ગાળા માટે વાર્તાલેખન નહિવત્ થઈ ગયું. પાંચ-સાત વર્ષો તો નવા મુલકમાં ઠરીઠામ થવામાં વહી ગયાં. રોજીરોટી કમાવા માટેની દોડધામ, સાહિત્યિક વાતાવરણની ઓછપ, અને લેખનપ્રવૃત્તિને તોષે એવી સાહિત્યિક સંસ્થઓની ઉણપ, ગુજરાતી સામયિકોને નામે તો મીંડુ! લખવું તો ક્યાં છપાવવું? એવી સમસ્યાઓ મારી જેમ આ દેશમાં આવીને સ્થિર થયેલા અન્ય સાહિત્યસર્જકોને પણ મૂંઝવી રહી હતી. વળી કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયાથી આવેલા આ સર્જકો એકબીજાથી દૂર દૂર ફેંકાઈ ગયા હતા. કોઈ સ્કોટલેંડ તો કોઇ વેલ્શ, કોઇ લેસ્ટર તો કોઈ બર્મિંગહામ!

એ જ અરસામાં બળવંત નાયકને મળવાનો યોગ સધાયો અને આ સંપર્ક દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય બનવાનું બન્યું. બળવંતભાઈએ મને ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ હોવાની જાણકારી આપી અને તેના આગામી કાર્યક્રમમાં આવવાની ભલામણ કરી. વળતા શનિવારે અકાદમીની સભામાં હાજરી આપવા વેમ્બલીના માંધાતા સમાજના હૉલમાં પહોંચી ગયો. તે દિવસ ગુજરાતી સાહિત્ય અકાદમીના અનિયતકાલ પત્ર “અસ્મિતા’’નું લોકાર્પણ કુમારપાળ દેસાઈને હસ્તે થવાનું હતું. ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામંત્રી વિપુલ કલ્યાણી સાથે પ્રથમ મુલાકાત પણ આ કાર્યક્રમમાં જ થયેલી. એ વખતે વિપુલભાઈએ મને અકાદમીની વિકસી રહેલી વિવિધ સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓથી અવગત કરેલો અને એ દિવસે ગુજરાતી સાહિત્ય અકાદમીનો હું સામાન્ય સભ્ય બની ગયો.

અકાદમીની પ્રવૃત્તિઓમાં રસ લેવા લાગ્યો અને વરિષ્ઠ સારસ્વત બળવંત નાયક, મસ્ત કવિ ડાહ્યાભાઇ પટેલ,  જગદીશ દવે, નિરંજના દેસાઈ, ટી.પી. સૂચક, શાંતશીલા ગજ્જર, યોગેશ પટેલ, વિનોદ કપાસી આદિ સાહિત્યકારોના પરિચયમાં મુકાવાનું બન્યું. આગળ જતાં અકાદમીની કાર્યવાહક સમિતિમાં જોડાયો અને વિવિધ હોદ્દાઓ સંભાળતાં રહી યથાશક્તિ સેવારત રહ્યો. સાહિત્યોત્કર્ષક હરીફાઈઓ અને રીડર્સગ્રુપનું સંયોજક્પદ સંભાળ્યું અને શાંતશીલા ગજ્જર સ્મૃિત પારિતોષિકના નિયમો ઘડવામાં વિપુલભાઈની ટેકણલાકડી બન્યો, અકાદમીની પરિષદોમાં સક્રિય રહી વૈચારિક યોગદાન આપ્યું .. પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી શારીરિક નાદુરસ્તીને કારણે 2007ની સાલમાં અકદમીના પ્રમુખસ્થાનેથી સેવાનિવૃત્ત થયો.

આટલાં વર્ષોમાં અકાદમી પાસેથી ઘણું પામ્યો છું. વિપુલ કલ્યાણી, જગદીશ દવે, ડાહ્યાભાઈ પટેલ, પોપટલાલ પંચાલ, અનિલ વ્યાસ, પંચમ શુક્લ, રમણભાઈ પટેલ આદિ સાહિત્યના મર્મી મિત્રોની હૂંફ મળી, અને મારે કહેવું જોઇએ કે આ મિત્રોના સંગલાભે મારી લેખનકળામાં નવા પ્રાણ ફુંકાયા. વાસ્તવમાં મારા લેખન સ્વાધ્યાયનો આરંભ અકાદમીમાં જોડાયા પછી જ થયો ગણાય. આફ્રિકાવાસ દરમ્યાન વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. પરંતુ હકીકતે વાર્તાસંરચનાની કલા અને માહિરતની દીક્ષા તો હું અકાદમીની નિશ્રામાં રહી જ પામ્યો છું એમ જણાવતાં મને સહેજે સંકોચ નથી થતો. અકાદમીને મેં એક સ્વાધ્યાયપીઠ માની છે. એ સંસ્થા સાથે જોડાયેલો રહી કશુંક પામવાનો વિદ્યાર્થીભાવ સદૈવ દિલમાં પોષતો રહ્યો છું. વિપુલભાઈ, જગદીશભાઈ અને મધુ રાય જેવા સાહિત્યના તપસ્વીઓનાં માર્ગદર્શન મળતાં રહ્યાં જેની ફલશ્રુતિ એટલે બે નવલકથાઓ, છ વાર્તાસંગ્રહો, બે સંપાદનો અને એક  લેખોનો સંગ્રહ !

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃિતના વિકાસ અને જાળવણી અર્થે વિપુલ કલ્યાણીના મહામંત્રી તરીકેના હોદ્દા તળે દરેક ગુજરાતીએ પોરસવાનું મન થાય તેવાં અનેક ટકોરાબંધ કાર્યો અકાદમીએ કર્યાં છે. વિદેશનિવાસી સાહિત્યકારો જે કંઈ લખે તે પ્રકાશિત થાય અને એમના સર્જનનો અવાજ મુખ્યપ્રવાહ સુધી પહોંચે એવા ઉદ્દેશે એમણે “ઓપિનિયન” શરૂ કર્યું હતું, જે આજે પણ ડિજિટલ સ્વરૂપે અકાદમીની વેબસાઈટ પર હજારો સાહિત્ય- પિપાસુઓની પિપાસા પોષી રહ્યું છે. પૂર્વે સાહિત્યોત્કર્ષક હરીફાઈઓ અને ફિરહાલ અકાદમીના નેજા હેઠળ ચાલતા ‘રીડર્સ ગ્રુપ’’ અંતર્ગત વાર્તાવર્તુળ, ઓટલો અને વાદ-સંવાદની બેઠકો, અહીંના સર્જકોને જોડવાનાં નિયોજનમાં વિપુલભાઈ મોખરે રહી કર્મશીલતા દાખવી રહ્યા છે.

આફ્રિકે રહી જે વાર્તાઓ લખી હતી તે વાર્તાઓ એક દિવસ ડરતાં ડરતાં મેં વિપુલભાઈને તપાસવા આપી .. એ વાર્તાઓ વાંચી પોતાનો મતા આપતાં એમણે મને જણાવ્યું : ‘સંગ્રહ છપાવો.’
‘મારા જેવા અપ્રસિદ્ધ વાર્તાકારની વાર્તાઓ છાપવાની કયો પ્રકાશક હિંમત કરશે?’ મેં મારી દ્વિધા એમની સમક્ષ રજૂ કરી તો એમણે જ ઉકેલ સૂચવ્યો, ‘નવભારતમાં પ્રયત્ન કરી જુઓ.’ વિપુલભાઈની સલાહ ગાંઠે બાંધી મેં નવભારત સાથે પત્રવ્યવહાર કર્યો અને એ પ્રયત્ન સફળ રહ્યો. મારો પ્રથમ વાર્તાસંગ્રહ 1994ની સાલમાં નવભારતે પ્રકાશિત કર્યો તેનું શ્રેય મારે મિત્ર વિપુલ કલ્યાણીને જ દેવું જોઇએ. હું મારું કોઇ પણ પુસ્તક પ્રકાશન માટે મોકલાવું છું તે પૂર્વે જગદીશભાઈ અને વિપુલભાઈ તે પુસ્તક્નાં જોડણીદોષો તપાસી આપે છે. અહીં હું એ પણ સ્પષ્ટ કરવા માગું છું મારી મોટા ભાગની વાર્તાઓ “ઓપિનિયન” અને “અસ્મિતા”માં પ્રગટ થઈ છે, અને આ વાર્તાઓ “ઓપિનિયન”ના સંપાદક મહોદયે હોંશેહોંશે છાપી છે. આશરે સો કરતાં ય વધારે વાર્તાઓ ગુજરાત, આફ્રિકા, અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમના વિવિધ સામયિકોમાં છપાઈ અને ગુજરાતમાં પણ તેની નોંધ લેવાઈ એનાથી બીજો મોટો સંતોષ એક વાર્તાકારને બીજો ક્યો હોઈ શકે?

ટૂંકી વાર્તાઓનું આટલું ખેડાણ થયા પછી મને લાગ્યું કે હવે મારે નવલકથાના સર્જન તરફ વળવું જોઇએ. આ ઉપક્રમનો આરંભ કરતાં પહેલાં આ દેશમાં નવલકથા ક્ષેત્રે જેમણે પ્રદાન કર્યું હતું એમની નવલકથાઓ આત્મસાત કરી. બળવંત નાયક, શાંતશીલા ગજ્જર, વિનોદ કપાસી, પોપટલાલ પંચાલ, દીપક બારડોલીકર, જયંતીલાલ થાનકી, ગજેન્દ્ર પંડ્યા આદિ સર્જકોની નવલકથાઓના તુલનાત્મક સ્વાધ્યાય બાદ, 1999માં ‘કાળજે કોતરાયેલી પીડા’ નવલકથા લખવાનું શરૂ કર્યું. નવલકથાસર્જન ટૂંકી વાર્તાના સર્જનની સરખામણીએ કઠિન જણાયું. પહેલી નવલકથા લખતાં લખતાં એક દાયકો પસાર થઈ ગયો. અને છેવટે પાર્શ્વ પ્રકાશને મારી પ્રથમ નવલકથા ‘કાળજે કોતરાયેલી પીડા’ 2009ની સાલમાં પ્રગટ કરી. ‘મૂળ વતન ગુજરાત અને ત્યાર બાદ આફ્રિકા, તેમ જ યુનાઇટેડ કિંગ્ડમમાં  સ્થળાંતર સાથે સંકળાયેલી નવલકથા છે. અતીત અને યુવકની અનુભૂતિને અસરકારક અભિવ્યક્તિ અર્પતી આ નવલકથા એક એવા ભારતીય કુળના ગુજરાતી પરિવારની વાત કરે છે જેમાં પાગલ બનેલા યુવકની મનોદશાનો ચિતાર કથાબીજનો આધાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાધ્યાપક બળવંત જાની સાહેબે આ નવલકથામાં ઊંડો રસ લઈ ઉપોદ્દઘાતરૂપે તેની આસ્વાદ્યમૂલક સમીક્ષા પણ કરી છે, જે સદ્દભાવ માટે હું જાનીસાહેબનો ઋણ્સ્વીકર કરું છું.

મારી બીજી નવલકથા ‘પ્રીતમ આન મીલો’ નવભારત સાહિત્ય મંદિરે 2011માં પ્રસિદ્ધ કરેલ છે. એ આફ્રિકા, યુનાઇટેડ કિંગ્ડમ અને ગુજરાત – ત્રણ પ્રદેશો વચ્ચે વહેતી એક પ્રણયકથા છે. આ નવલકથાનું લોકાર્પણ 9 માર્ચ 2012ના  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (એકેડેમિક હૉલમાં), ‘ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડાયસપોરા સ્ટડીઝ’ ‘ગ્રીડ્ઝ’ના ઉપક્રમે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં થયું હતું. આ કાર્યક્રમની યોજનામાં બળવંત જાની કેન્દ્રગામી રહ્યા. જ્યારે નવલકથા વિશે કૃતિલક્ષી આસ્વાદ અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિષયના અધ્યક્ષા ઊષાબહેન ઉપાધ્યાયે કરાવ્યો હતો.

આમ સાહિત્ય સર્જન થતું રહ્યું છે પણ મેં સાહિત્યસર્જન દ્વારા વાહ વાહ મેળવવાની અપેક્ષા કદી રાખી નથી. એ પાછળ દોડ્યો પણ નથી. પરંતુ આજે ગુજરાતી સાહિત્ય અકાદમી અને માંધાતા યુથ એન્ડ કમ્યુિનટી એસોસિએશન દ્વારા મને સન્માનિત કરી, મારી શબ્દસાધનાને પોંખી, એ મારા માટે એક રસાનુભવનો પ્રસંગ બન્યો છે. એથી  ગદ્દગદ્દિત થઈ જવાય છે. આ સન્માન એ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ ઉપહાર બની રહેશે.

ઉપર જણાવી બેઉ સંસ્થાના સંયુક્ત આયોજનમાં મારું સન્માન અને મારા સાહિત્યની મૂલવણી કરવા ઉપરાંત અમારા સહિયારા સંપાદન – ‘વિલાયતી વાર્તા સંચય’ના લોકાર્પણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણી તથા મહામંત્રી ભદ્રા વડગામાનો તેમ જ ‘માંધાતા યુથ એન્ડ કમ્યુિનટી એસોશિએશન’ના પ્રમુખ જવાહરભાઈ પટેલ અને મંત્રી અશોકભાઈ ઉકાભાઈ પટેલનો, તેમ જ ઉભય સંસ્થાઓની કારોબારી સમિતિના સભ્યો સમેત સંસ્થાના એકનિષ્ઠ કાર્યકર્તા ચંદ્રકળાબહેન પટેલ અને માંધાતના પૂર્વપ્રમુખ ગોવિંદભાઈ પટેલના અમે બેઉ સંપાદકો ઋણભાવ વ્યકત કરીએ છીએ.

વિશેષ ઋણભાવ ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી ભદ્રાબહેન વડગામાનો માનવો રહ્યો. મહામંત્રીપદની ખુરશી પર બેસી સંસ્થાનો વહીવટ સંભાળવો એટલે મસ્તક પર કાંટાળો મુગટ પહેરવા જેવી બાબત જ ગણાય!  કંધા પર ઢગલાબંધ જવાબદારીઓનો અનવરત બોજ લદાયેલો હોય અને એમાંથી અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો એ કંઈ રમતવાત નથી. પરંતુ ભદ્રાબહેને ચૂસ્ત વ્યસ્તતા વચ્ચે પણ થોડી ફુરસદ અમને ફાળવી અમારું આમંત્રણ સ્વીકાર્યું અને પુસ્તકને વિમોચિત કર્યું એ બદલ ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી ભદ્રાબહેન વડગામાનો અમે બંને સંપાદકો આભાર માનીએ છીએ.

જયભાઈ(જય કાન્ત)ને સોંપવામાં આવેલા વિષય ‘વિલાયતી વાર્તા સંચય’નું વિશ્લેષણાત્મક વિવરણકર્મ દિગ્ગજ વિવેચકને પણ અકળાવી મૂકે એવું કષ્ટસાધ્ય તો હતું જ. સંચયમાં સંગ્રહિત ચાળીસ વાર્તાઓની સામગ્રીને તંતોતત જાળવી રાખીને તેની કલાત્મક અને રસાત્મક ઢબે ભાવકો સન્મુખ રજૂઆત કરવાનું વિવેકકર્મ કોઈ પણ વિવેચક માટે આકરા પડકારરૂપ બને એ સહજ છે. અમુક શારીરિક મર્યાદાઓ હોવા છતાં જયભાઈએ એ પડકાર ઝિલ્યો અને અમારા પુસ્તકને નીરક્ષીર ન્યાય આપીને નવનીત તારવી આપ્યું. ચાલીસ વાર્તાઓનાં પઠનકર્મમાંથી પસાર થયા બાદ આ વાર્તાઓને ગુણવત્તાની દૃષ્ટિએ તેના ઉચિત સંદર્ભમાં તપાસવાની સાથોસાથ તેનાં શીર્ષક, શૈલી, ભાષાકર્મ, સંવાદલેખન, પાત્રાલેખન, ઉઘાડ, સંઘર્ષ, અંત વગેરે વાર્તાકૃતિના ઘટકો ગણતાં તત્ત્વોને પણ ધ્યાનમાં રાખી દરેક કૃતિનું હૃંદ્ય પૃથ્થકરણ કરી, જય કાન્તે આ વાર્તાઓને તેના યોગ્ય સંદર્ભમાં મૂલવી આપી છે. પૂરા સમર્પણભાવ વિના આવું પરિણામ ન સંભવે. એ બદલ જય કાન્તભાઈ, અમે તમારા પણ આભારી છીએ.

મારા વાર્તાસંગ્રહોની કૃતિનિષ્ઠ અને વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરવા બદલ અનિલ વ્યાસે લીધેલા પરિશ્રમની કદર કરું છું. અનિલભાઇ મેઇનસ્ટ્રીમમાં આગલી હરોળના ટૂંકી વાર્તાના સર્જક તરીકે ગણનાપાત્ર સ્થાન પામ્યા છે. સાત સંગ્રહમાંથી પસાર થયા બાદ વાર્તાઓની ટિપ્પણી કરવાનો ઉપક્રમ કંટાળાજનક અને ચુસ્ત વિવેકકર્મીને પણ હંફાવનારો પૂરવાર થતો હોય ત્યારે અનિલભાઈએ આ વાર્તાઓ તટસ્થ અભિગમ અને આવશ્યક સૂચન, માર્ગદર્શન અને પૂરી નિષ્ઠા સાથે રસપૂર્વક નાણી –તપાસી – ચકાસી છે, એ માટે અનિલ વ્યાસનો હું સહૃદય આભાર માનું છું.

મારી નવલકથાઓ વિષે ગુલાબ મિસ્ત્રી અને વિપુલ કલ્યાણીએ સંયુક્ત વ્યાખ્યાન પેશ કરી તેના ગુણદોષ દર્શાવી આપ્યા હતા. એ માટે આ વિવેચક બેલડીનો આભાર માનું છું.

હું ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખસ્થાને હતો ત્યારે અકાદમીને યુવાકાર્યકરોની ઊણપ વરતાતી હતી. પરંતુ આજે અકાદમીએ ધવલ વ્યાસ, પંચમ શુક્લ, નીરજ વ્યાસ સરખા યુવાપેઢીના પ્રતિનિધિઅો, તરવરિયા યુવાનોને, અકાદમીની કારોબારીમાં સમાવી એ ખોટ દૂર થતી જોઈ રહ્યો છું. એ જોઈને સંતોષ થાય છે. ધવલભાઈ સાથે ટૂંકો પરિચય છતાં ખૂબ જહેમત ઉઠાવી મારા લેખોનો સંગ્રહ ‘બે કિનારા’નું રસપ્રદ રસપાન કરાવ્યું  એ માટે ધવલભાઈનો ઓશિંગણ છું.

પિતા શબ્દ અને પિતા – પૂત્રના સંબંધને ચોક્કસ શબ્દ કે ચોક્કસ જગ્યામાં પ્રસ્તુત કરવો અશક્ય છે. બાપની ચિંતા, વ્યગ્રતા, અધિરાઈ, અભિવ્યક્તિ નથી થઈ શકતી, કારણ કે, એ બાપ છે! પુરુષ છે. દરેક પિતા વાસુદેવ બનીને સંતાનોને કાળી અંધારી રાતમાં દુ:ખ, દર્દ, તકલીફો, ને મૂંઝવણોની યમુનાઓ પાર કરાવે છે. પોતાનાં અધૂરાં સ્વપનો, અધૂરી મહેચ્છઓ સંતાનો થકી પૂર્ણ કરવાની ઇચ્છા ધરાવનાર પિતાને લાગણીશૂન્ય સમજવાની ભૂલ ન કરીએ. પિતાની મહત્તા બાપ બન્યા પછી નહીં, સંતાન હોઇએ ત્યારથી સમજાઈ હોય તો આપણું અહોભાગ્ય ગણાય. દીપકે જીવનના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થતાં એક પિતાનું અર્થાત્ મારું પ્રેરક વ્યક્તિત્વ ઉપસાવી આપ્યું, એ માટે પુત્રને મારે આશીર્વાદથી વધુ તો શું કહેવાનું હોય? અત્યારે તો હું એટલું જ કહીશ, ‘સન, આયમ પ્રાઉડ ઑફ યુ. આયમ પ્રાઉડ ટુ બી યોર ફાધર. થેંક યુ માય સન.’
વિપુલભાઈને અનેક સંચાલનોમાં સંચાલનદોર સંભાળતા નિહાળ્યા છે. એમને સભા-સંચાલનનું નૈપુણ્ય હાથવગુ છે. આજના અવસરના સુભગ સફળ સંચાલથી આજના અવસરમાં સોનામાં સુગંધ ભળી અને કાર્યક્રમ સાદ્યંત જિવંત રહ્યો, તેના મૂળમાં વિપુલભાઈનું કાર્યદક્ષ સંચાલનની જ અા કરામત! કાર્યક્રમની ગોઠવણી અને નિર્વહનમાં પણ એમની કાર્યશીલતાએ મહદ્દ ફાળો આપ્યો જ છે. આજના સંપૂર્ણ અવસરનું આટલું સચોટ અને સરસ સંચાલન હાથ ધરવા માટે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીનો પણ જાહેર આભાર વ્યકત કરું છું.

અંતમાં મારા પરિવારના દરેક સભ્યોનો પણ આભાર માનું છું. રસોડામાં મદદ કરનારા સર્વે ભાઈ બહેનોનો તેમ જ તમે બધા આટલી મોટી સંખ્યામાં મારી કૃતકતાને વધાવવા અત્રે પધાર્યાં એ માટે તમારા સૌનું પણ નતમસ્તકે અભિવાદન કરું છું. ધન્યવાદ …
****