રાવજી: તારા ‘ખેતરને શેઢેથી’ (શનિવાર, 7 ડિસેમ્બર 2013)

કાવ્યચર્યા(ડિસેમ્બર)ની બેઠકમાં દિવંગત કવિ રાવજી પટેલને એમની ૭૫મી જ્ન્મજયંતિ નિમિત્તે સંભારવાનો ઉપક્રમ હતો. જોગાનુજોગ તાજેતરમાં જ અવસાન પામેલા કવિ અને લેખક પવનકુમાર જૈનને સંભારવાનો પણ અવસર સાંપડ્યો. ભારતથી વિલાયતની મુલાકાતે આવેલા ૠતુલભાઈ જોશીએ પવનકુમાર જૈનના કાવ્યોને એમના કાવ્યપાઠ અને ચર્ચા દ્વારા ઉઘાડી આપ્યા હતા. પવનકુમાર જૈનની કેટલીક કવિતાઓને કેન્દ્રમાં રાખીને લખાયેલો લેખ આ સાથે પ્રસ્તુત છે.

જીવનના કરુણ વાસ્તવની ચોખ્ખી કવિતા • મણિલાલ હ. પટેલ

’65 કાવ્યો’, 2012 : પ્રકાશક પોતે, વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ – 2, અમદાવાદ – 1, મૂલ્ય રૂ. 150/-

ચાળીસ-બેતાળીસ વર્ષો (1970થી 2012) બાદ પવનકુમાર જૈન ’65 કાવ્યો’ લઈને ગુજરાતી કવિતાના ભાવકો સામે હાજર થયા છે. ત્યારે એ પણ ખ્યાલ અાવે છે કે ઘણું અોછું લખનારનું પણ બધું સર્જન ઉત્તમ કે ‘વરેણ્ય’ નથી હોતું, છતાં સાનંદ કહેવાનું મન થાય છે કે પવનકુમારના અા સંચયમાંની અડધોઅડધો રચનાઅો કોઈ ને કોઈ વિશેષને કારણે ધ્યાનપાત્ર છે. પવનકુમારનાં કેટલાંક નોંધપાત્ર કાવ્યો ભાવકને રોકે છે ને થોડાંક તો ભાવકને જે તે કવિતામાં વધુ સમય રોકી રાખે છે. … ભાવક અાવાં કાવ્યોને પોતાની સાથે રાખીને વિચારતો વિચારતો અાગળ વધે છે. અા કવિતા સંવેદન અને વિચાર બેઉ જગવે છે.

હા, પવનકુમારની કવિતા વિચારવા પ્રેરે છે − બલકે એની ઠંડી તાકાતથી વિચારવા મજબૂર કરે છે. એમાંની વેદના-સંવેદના પણ ભાવકમનમાં અાંદોલનો જગવે છે. પવનકુમારને કશુંક પોતાની ભીતરમાં પજવતું, અજંપ કરતું રહે છે તે ભાવકોને જણાવવું છે − જુદી રીતભાતે વર્ણવવું છે − સંકેતો પણ ઝાઝા પ્રયોજ્યા વિના એને વિધાનો વડે જ વ્યંજનાઅો રચીને ભાવજગતને − વિચારનો સંસ્પર્શ અાપીને અભિવ્યક્ત કરવું છે, એટલે અા કવિતામાં ભાષાનો મૂળ સંકેત સાચવીને પ્રત્યક્ષ પ્રયોગ કરવામાં અાવ્યો છે. લાભશંકર ઠાકર જેવી ભાષા-રમતો કર્યા વિના, શબ્દાળુ જલ્પનો-પ્રલાપો કર્યા વિના પવનકુમાર ભાષાની − શબ્દની, જીવનની કરુણ નિરર્થકતાની તથા હોવાપણાની વ્યર્થતાની અને એની પીડાની પોંસરી-સોંસરી વાત કરે છે; એ કવિતાની ભૂમિકાએ મજાની વાત છે.

દાખલા તરીકે 1 : ‘પ્રતિસાદ’, (પૃ. 64) કાવ્યરચના નોંધીએ :

શબ્દો નાનાં બાળકો જેવા નથી
કે મારે એમને ફોસલાવવા પડે
કે ધમકાવવા પડે;
ન તેઅો મારા દુશ્મન જેવા છે
કે મારે એમની સાથે લડવું પડે;
તેઅો કળણમાં ખૂંપતા
વટેમાર્ગુઅો જેવા પણ નથી
કે મારે એમને બહાર ખેંચી કાઢવા
મથામણ કરવી પડે.

વસ્તુત: તેઅો મારા
એ સરળ દેશવાસીઅો જેવા છે,
જેમને હું કોઈ ઘર, શેરી કે
ઠેકાણા વિશે પૂછું
ત્યારે તેઅો તદ્દન ભાર વિના
મને અભિપ્રેત
રસ્તો બતાવી દે છે.

ને અાપણે યાદ રાખીએ કે કવિનો અભિપ્રેત રસ્તો વળવળાંકોથી ભરપૂર હોય છે. ભાષા સામાજિક વારસો છે ને બધા જ સાંસ્કૃિતક સન્દર્ભો રજૂ કરવા સારુ સક્ષમ બલકે સમર્થ પણ છે. નરી શબ્દાળુ રમતો રમીને કવિતાને નામે, ભાષાને નામે ભાવકોને, પોતાને મળેલી કીર્તિથી ભરમાવતા કવિશ્રેષ્ઠીઅોને અા કવિતા પડકારે છે.
*
દાખલા તરીકે 2 : હોવાનો અર્થ (પૃ. 25) કાવ્ય વાંચીએ :

હમણાં હમણાંનો હું
હોવાનો અર્થ શોધવા માંડ્યો છું.
કેમ ?
કદાચ, ઘરડાપો અનુભવાય છે.

શબ્દ-કોયડા ઉકેલું છું,
દાળ-ઢોકળી ખાઉં છું,
એક પડોશી સાથે મળી
બીજાની કૂથલી કરું છું,
દરિયાકિનારે સૂર્યાસ્ત જોઉં છું,
રાતાં ગુલાબ ઉછેરું છું,
ચોપડીઅોનાં પ્રૂફ્સ વાંચું છું,
ભગવાન ન હોવા વિશેની
તર્કપૂર્ણ દલીલો સમજવા
મથું છું,
યા નિશા સર્વ ભૂતાનામ્-માં
જાગતો રહી
પાછલા પહોરે ઊંઘું છું,
ગમે તે કરું છું −
હોવાનો અર્થ નથી સાંપડતો.

હવે અા ફીફાં ખાંડવાનું
બંધ કરું, અને માથેથી
રોજ કેટલા વાળ ખર્યા,
તે એક પોથીમાં નોધવા માંડું,
તો કેમ રહેશે ?

*
અાપણે સેંકડો અર્થપૂર્ણ કાર્યો કરીએ છીએ − એમ માનીએ છીએ તે ખરેખર સાચું છે ખરું ? અા કવિતા તમને વિચારતા અને વિમાસતા કરી મૂકે છે ! અાપણા જીવનવ્યવહારોમાંથી પણ ‘હોવાનો અર્થ’ મળતો નથી; હોવાપણાનો અા પીડાનો કશો બીજો વિકલ્પ નથી. … જે છે તે ફીફાં ખાંડવા જેવું જ છે ! એટલે છેલ્લે કવિ નિરર્થક પ્રવૃત્તિ વડે જ નિરર્થકતાઅોનો છેદ ઉરાડી દેવા ચાહે છે. અહીં હળવાશ છે ને એની ભીતરમાં પીડાનો પારાવાર છે. કશાં પ્રતીક-કલ્પનોના ઠઠારા વિના કવિ પોતાની સંવેદનાને વિચાર સુધી લઈ જઈને ભાવકમાં એક પલીતો ચાંપી દે છે. હજી શબ્દચાતુરીમાં રાચતા અાધુનિકો અામાંથી કશુંક તો જરૂર સમજશે.

કવિતા કરવાની જો એકસો એક રીતિઅો છે તો પવનકુમાર પાસે એનાથીય અાગળની અને અઘરી નહીં એવી નોખી ને નવી નિજી રીતિ છે. અા કવિ કશુંક ખાસ કહેવા-પહોંચાડવા માગે છે. ઉદાહરણ તરીકે અાપણે ‘અોત્તારીનો !’ (પૃ. 15) રચના જોઈ શકીશું. પહેલાં જન્મવાની પીડા પછી હોવાપણાની પીડા. દુનિયા પાસે તો એનાં ચશ્માં, એની રીતરસમો છે. તો ભલે, કોઈ એમાંથી બચી શકતું નથી, પણ અા કવિ અાપણને એ પીડાઅોની સામે સમાજજીવનના (નિરર્થક) વ્યવહારોને juxtapose કરી બતાવે છે − અાથી અાપણી પીડાઅોનો ચહેરો અાપણે વધારે ચોખ્ખો જોઈ શકીએ છીએ. …

પવનકુમાર પાસે વિડંબના અને એને રજૂ કરવા સારુ વક્રોક્તિનું અોજાર છે. … ને એમને અોજાર વાપરતાં અાવડે છે. ‘ભાઈઅો’ કાવ્યો તથા શાકભાજી-શાકબકાલુવાળાં કાવ્યો વાંચતાં અાપણે ચૉંકી જઈએ છીએ. ‘ફળ અને શાકભાજી’ (પૃ. 46) કાવ્યમાં શાક કે ફળની પસંદગી કરવાની અાપણી સાવ સાદી દેખાતી પ્રવૃત્તિને વર્ણવતાં વર્ણવતાં પવનકુમાર એમાં અાપણી વૃત્તિને − રતિસંદર્ભિત વૃત્તિને − ચીંધી અાપે છે ત્યારે અાપણે છાનામાના સંકોચાઈએ છીએ ને મનોમન કાવ્યનો નાયક જે વાત કહે છે તેમાં રાજીરાજી સંમત થઈ જઈએ છીએ. … જાતીયતાની રસપેશીઅોને અા કવિ બરોબર પ્રમાણી અાપે છે.

કવિની વાત મૂકવાની સહજ સરળ રીતિ પણ તિર્યક થઈ ઊઠે છે. જુઅો :

અાછી લીલી, કૂણી
દૂધી દેખાય છે.
હાથમાં લઉં છું.
નખ મારું છું.
ચમકી જાઉં છું.

પોતાને કહું છું :
ના, એ કેવળ દૂધી છે.
બસ, કેટલી કૂણી છે
એ જોતો હતો.

મોટાં, કેસરી સંતરાં છે.
હથેળીમાં લઈ સહેજ
ઉછાળું છું.
હથેળી, અાંગળીઅો વડે
નજાકતથી દબાવું છું.
સભાન થઈ ઊઠું છું.

પોતાને કહું છું :
બીજી કોઈ વાત નથી.
સંતરાં સૂકાં ને પોચાં
તો નથી એટલું જ
જોતો હતો.
*

કવિ લીંબુ અને લીલું નાળિયેર પણ અા રીતે રજૂ કરે છે ને અંતે અાખી રચનામાં બીજા મસૃણ દેહને અાપણી સામે −બલકે ભીતરમાં અાપણે અનુભવતા રહીએ છીએ. … કવિતાનો અા કુંવારો અાનંદ મજા કરાવે છે.
અમારા નજીકના પૂર્વજો એટલે કે અાધુનિકો જે કાવ્યનો ઉલ્લેખ કરવાનું ટાળે એ કાવ્ય હું અહીં અાખે અાખું (પૂર્ણકદના દૃષ્ટાંત લેખે) ટાંકું છું :

દાખલા તરીકે, ઘરડા ભીંડા (પૃ. 51)
મોટા અને બીથી
ફાટફાટ થતા હોય છે.
છોડ પર રહી જાય,
તો સુકાઈને નક્કી ફાટે છે.

ઘરડા ભીંડાના શાકમાં
લહેજત નથી આવતી.

પણ શિખાઉ બકાલું
લેનારો મોટું કદ
જોઈ હરખાય છે.
કૂણા ભીંડાની તાજપને
એ કઈ રીતે વરતે?
સભ્ય સમાજમાં
ભીંડા અને સાહિત્યકારોની
સરખામણી નથી થતી.

તથાપિ, આ અળવીતરું મન
ભીંડામાં સાહિત્યકારને
જુએ છે.
*
અાપણે ત્યાં, અા કાવ્યમાં દર્શાવ્યા છે તેવા ‘ભીંડા’ ઉપલબ્ધ છે. ખેર. પણ કવિની અા વ્યંગોક્તિઅો અાસ્વાદ્ય છે. ‘ઘરડા ભીંડાના શાકમાં / લહેજત નથી અાવતી.’ − અા વિધાન વાંચતાં મને હજુય કૃતક અાધુનિક રીતિમાં રેકર્ડ વગાડ્યા કરતા વડીલકવિઅો કેમ યાદ અાવતા હશે ? કેટલાક સમકાલીનો પણ અા જ હરોળમાં ઊભા છે. વિધાનો વડે કવિતા કરનાર પાસે વસ્તુ અને મર્મ બંનેની પહેચાન જોઈએ. પવનકુમારમાં એ ભરપૂર માત્રમાં છે.

સાવ ઘરેલુ અને સાદીસીધી વાતને કે વસ્તુને પવનકુમાર કવિતાના ચીપિયાથી પકડીને રજૂ કરે છે ત્યારે ભાવકના મનમાં જાદુઈ અનુભવ થાય છે. અાવાં બે કાવ્યો તો ખાસ નોંધવાનું મન થાય છે. 1. ‘નકશાની વાત’ (પૃ. 32) અને 2. ‘મનમાં ગાંઠ વાળો’ (પૃ. 34). પહેલા કાવ્યનો માત્ર એક ખંડ ટાંકું છું :

‘નકશામાં નદીઅો અને
પહાડો હોય છે,
ખારાપાટ અને
રણ હોય છે,
દિવસે પણ જ્યાં કંઈ
ન સૂઝે એવાં ગાઢ
જંગલો હોય છે,
ઉચ્ચપ્રદેશો અને
મેદાનો હોય છે,
મહાસાગરો, ટાપુઅો,
અખાતો અને ભૂશિરો હોય છે;
અક્ષાંશ-રેખાંશ,
ધ્રુવ-પ્રદેશો, સમશીતોષ્ણ કટિબંધો
અને ઉષ્ણ કટિબંધ હોય છે.’

હું અાટલું લખી
રહ્યો ત્યારે,
મારા મિત્રે કહ્યું :
‘નકશા’ની જગ્યાએ
‘નારીદેહ’ મૂકી જો.
જાદુ થઈ જશે.
*
અાપણે ત્યાં નારીને પૃથ્વી સાથે, ધરતી માતા સાથે, જુદે જુદે સન્દર્ભે સરખાવી છે. પણ ના, અહીં એ વાત તો છે જ નહીં ! અહીં તો પૃથ્વી અને નારીદેહને અમસ્તાં juxtapose કરી જોતાં જ એક જુદું ને જાદુઈ વિશ્વ ખૂલી અાવે છે ને એની સ્તો મજા છે. જયંત પાઠક તથા અન્યોની કવિતામાં પૂર્વે અાવાં અન્યોક્તિઅો, રૂપકો કે પ્રતીકો પ્રયોજાયેલાં છે, પણ અહીં અછાંદસ-બલકે ગદ્યકાવ્યના લિહાજમાં જે રીતે અભિવ્યક્તિ થઈ છે તે રોમાંચક બની રહી છે. પવનકુમારની કવિતામાં મર્માળુ હાસ્ય ઘણી વાર સૂચક બની રહે છે. દાખલા તરીકે, ‘બાપલિયા, માણસ છું’ (પૃ. 27) રચના. જીવન જીવવા વિશે સલાહ અાપનારાઅોની સલાહ પ્રમાણે જીવીએ તો પથ્થરનું પૂતળું થઈ જવાય. એટલે કવિ તો શિખામણખોરોને ગાંઠવાની જ ના પાડે છે, કેમ કે અાપણે માણસ છીએ − મશીન નહીં.

‘મને મરી જવાનું મન થાય છે.’ (પૃ. 28) કાવ્યમાં પણ તીખો-તીણો વ્યંગ છે. અાપણે સાવ સાધારણ કાર્યોને જાણે કે મહાન કાર્યો કરતા હોઈએ એમ ઘટાવીને; જાતને વ્યસ્ત ગણાવીને પોરસાવીએ છીએ. શમણાં જોઈએ છીએ ને એમ દિવસો-વર્ષો ફોગટ જીવ્યા કરીએ છીએ. … જો કે અા માયાના જગતમાં અા જ તો માણસની નિયતિ છે. … ન મરી શકીએ − ન તો બાવા બની શકીએ − કળાની કાણી થેલીમાં બધી વાતો ભરીને નિરાંતવા જીવવા મથતો માણસ કેવો તો નિ:સહાય છે. હોવાપણાનું અા કરુણ સત્ય છે. ‘કાગળની હોડી’ (પૃ. 62) કાવ્યમાં પણ કવિલેખક હોવાની નિયતિ દર્શાવી છે. અસ્તિત્વ પીડામુક્ત કદી નથી હોતું − એવું સત્ય અા કવિની કવિતામાં સહજ-સરળ રીતે અભિવ્યક્ત થાય છે.

અાગળ વધવા તથા સુખી થવા સારુ માણસો મનમાં ગાંઠ વાળે છે. … પણ માણસોનાં મન તો છેવટે ગાંઠોથી જ ભરાઈ, ગૂંચવાઈ જાય છે. કવિ ગાંઠ વાળવાની નિર્ર્થકતા સમજી ચૂક્યો છે એટલે એ ગ્રંથમુક્ત થવાની નિષ્ફળ મથામણ શરૂ કરે છે :
દાખલા તરીકે, 4 : ‘મનમાં ગાંઠ વાળો’ − (પૃ. 34)

કાચી વયે દાદીમાએ
કહ્યું હતું : ‘બેટા, મનમાં
ગાંઠ વાળ, કે … ’

પછી તો બા-બાપુજી,
નાના-નાની, મામા-માસી,
કાકા-કાકી, પડોશીઅો,
મિત્રો, પરિચિતો,
જ્ઞાનીઅો, સહુ કહેતા
ગયા : ‘મનમાં ગાંઠ
વાળો, તો કામો પાર પડશે.
અાગળ વધશો. સુખી થશો.’

હું વર્ષાનુવર્ષ મનમાં
ગાંઠો વાળતો રહ્યો.

અાજે જોઉં છું તો
તમારા, મારા, અાપણા
સહુના મનમાં
ગાંઠો જ ગાંઠો છે …

કોઈ કામ પાર નથી પડતું.
તસુય ખસી નથી શકાતું.

ના, હવે કામો પાર
નથી પાડવાં,
અાગળ નથી વધવું,
સુખી પણ નથી થવું.

નવરા બેઠા
અમસ્તું
જરાક મથી જોઉં,
એકાદ ગાંઠ
ખૂલતી હોય તો …
*
અાપણે, સૌ ભાવકોએ પણ અા કામ કરવા જેવું છે. … કવિતા ગ્રંથિમુક્ત કરીને સૌન્દર્યલોકમાં લઈ જતી હોય તો અા ’65 કાવ્યો’ એ દિશામાં પ્રસ્થાન કરાવે છે.
***
(તા. 19-20મી મે, 2013, વિદ્યાનગર)

(કમલ વોરા – નૌશિલ મહેતા સંપાદિત “એતદ્દ”, 200, પૃ. 49-50, અૉક્ટોબર-ડિસેમ્બર 2013)

પવનકુમાર જૈનના કાવ્યસંગ્રહ “૬૫ કાવ્યો”ની પીડીએફ ‘એતદ્’ના તંત્રી કમલભાઈ વોરાના સૌજન્યથી સાદરઃ[ PDF ]