ચંદુભાઈ મટાણીનો જાહેર સન્માન સમારોહ

સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન
ચંદુભાઈ મટાણીનું સન્માન

‘સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન’ ચંદુભાઈ મટાણીનું, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, રવિવાર, 28 મે 2017ના રોજ મધ્ય ઇંગ્લૅન્ડના નગર લેસ્ટર ખાતે ઉષ્માભર્યું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ડાયસ્પોરાનાં બે અવ્વલ અગ્રેસરો ને ડાયસ્પોરિક ગુજરાતી આલમનાં બે જાણતલ સાહિત્યકારો – પન્નાબહેન નાયક તથા નટવરભાઈ ગાંધી આ પ્રસંગે અમેરિકાથી ખાસ હાજર રહ્યાં હતાં.

પન્ના નાયક, નટવર ગાંધી ઉપરાંત, ગૌતમ બોડીવાલા, યોગેશ જોશી, નયના પટેલ, સાધના આશર તેમ જ રેખા પટેલે ચંદુભાઈની બહુમુખી પ્રતિભાની વિવિધ વિગતે રજૂઆત કરી હતી. સભા સંચાલન અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ કર્યું હતું.

બેલગ્રેવ નેઇબરહૂડ સેન્ટનો સભાખંડ ખીચોખીચ ભરેલો હતો. શ્રોતા સમુદાય બૃહદ્દ લંડન, બર્મિંગમ, નોટિંગમ જેવા નગરેથી પણ હાજર હતો. પ્રસંગને અંતે દરેકને પ્રીતિ ભોજન પીરસાયું હતું.

ચંદુભાઈ મટાણીને ત્રણ ત્રણ ભૂખંડનો સોજ્જો અનુભવ. માંડવી, મુફલિરા ને લેસ્ટરમાં કોઠી નાખી અને ત્યાંથી જે જે કામો કર્યાં તે તે વાટે આજે ગુજરાતી આલમના એક દીવાદાંડી શા આગેવાન તરીકે એમની ગણના થયા કરી છે. લેસ્ટરમાં ‘શ્રુતિ આર્ટ્સ’ નામક જગજાહેર સંસ્થા હેઠળ એમની દોરવણી હેઠળ ધ્યાનાર્હ કામ થયાં છે. ભારતીય સંગીત, ગુજરાતી ગીતસંગીતને એમણે એક નવું મજબૂત બળ આપ્યું છે.

ચારેક દાયકા પહેલાં, લેસ્ટરમાં ‘નર્મદનગર’ ખાતે, ગુજરાતી સાહિત્ય અકાદમીની બીજી ભાષા-સાહિત્ય પરિષદ બેઠી તેને માટે ચંદુભાઈ અને એમની વ્યવસ્થાશક્તિ કેન્દ્રગામી રહ્યાં. અને પછી અકાદમી સાથે સાથે સંગીત અને સાહિત્યનાં એકમેકથી ચડિયાતાં કામો કરવાના જે અવસર મળ્યા તેમાં ચંદુભાઈ પૂરેવચ્ચ રહ્યા. મોટા ભાગની ભાષા-સાહિત્ય પરિષદોમાંની એમની સામેલગીરી કેન્દ્રસ્થ રહી છે. આ અવસરે સુગમ સંગીતા કાર્યક્રમો એમણે જ આપ્યા છે અને સુપેરે આયોજન પણ એમનું જ રહ્યું છે. વચચ્ચેના ગાળામાં અકાદમીના એ પાંચમાંના એક ટૃસ્ટી ય હતા. આટઆટલાં વરસનું તપ ડાયસ્પોરિક ગુજરાતી જનજીવનના ઇતિહાસનું, હવે, એક સોનેરી પૃષ્ટ બની ગયું છે.

 

* * *

સિંહ ક્યારે ય એકલો ન ફરે

− નયના પટેલ

૧૯૭૭માં સ્થાપાયેલી અને ત્યારથી શરૂ કરી આજ સુધી આર્થિક, સામાજિક અને રાજકીય (internal politics) એવી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થતી થતી, સાહિત્યની અસ્મિતાને ટકાવવા માટે ઝઝૂમી રહેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ૪૦ વર્ષ પૂરાં કરી, ૪૧માં વર્ષમાં પ્રવેશે છે, તેને પહેલાં તો અભિનંદું. અકાદમીને આમે ય લેસ્ટર સાથે જૂનો સંબંધ છે. ૧૯૭૬માં લેસ્ટર ખાતે યોજાયેલા એક કવિસંમેલનમાંથી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની કલ્પનાએ જન્મ લીધો. એને આજે ગૌરૌવિયે.

એ જ સમયગાળામાં મુફલિરાથી આવેલા અને લેસ્ટરમાંની સાંસ્કૃિતક પ્રવૃત્તિઓના ઉદ્‍બોધક અને ‘શ્રુતિ આર્ટસ’ના સ્થાપક આદરણીય ચંદુભાઈ મટાણીને એમના ઘરાઆંગણે આવી, અને સાહિત્ય અકાદમી સન્માને એવો ગૌરવદિન બીજો કયો હોઈ શકે?

ચંદ્રસિંહ મટાણી – સિંહ ક્યારે ય એકલો ન ફરે, એ પોતાના કુટુંબ કબિલા સાથે વિહરે. એટલે જ હું ‘શ્રુતિ આર્ટસ’ને સંસ્થા ન કહેતાં, એક પરિવાર કહીશ. ધંધાર્થે, ભલે, માંડવી અને બહોળો પરિવાર ચંદુભાઈએ છોડવો પડ્યો, પરંતુ જ્યાં ગયા ત્યાં સંગીત અને સાહિત્યના પાયા પર પરિવાર સ્થાપ્યો. આપણા સુરેશભાઈ દલાલે એકવાર કહ્યું હતું કે, ચંદુભાઈના ઘરની દિવાલમાંથી પણ સંગીતની સૂરાવલી વહેતી હોય છે. માંડવી ગામ માટે ચંદુભાઈ ખૂબ સરસ લખે છે, ‘આ જાજરમન ગામે મને પંપાળ્યો, થાબડ્યો, અને મારી અંદર રહેલી અવ્યક્ત સંગીતભાવનાને વિકસવા અનુકૂળ વાતાવરણ આપ્યું.’ એ માંડવી ગામને પણ આજે ધન્યવાદ કહેવું જોઇએ.

કોઈને સંગીત કે સાહિત્ય ગમે, ફાઈન, પોતે પોતે એક શાંત રૂમમાં બેસીને સ્ટેિરયો ઉપર સાંભળી શકે કે જે ગમે તે વાંચી શકે, પરંતુ એમ ન કરતાં એની લ્હાણી કરતા ગયાં. અને એટલે જ આપણને સેમી ક્લાસિકલ અને ક્લાસિકલ સંગીતનો રસ ચાખવા મળ્યો નહીં, તો આપણે પણ કદાચ હજુ પણ બોલીવૂડના કેટલાંક અભદ્ર સંગીતને માણતાં હોત. લોકસંગીત અને ક્લાસિકલ સંગીત તરફ અભિરુચિ કેળવવામાં શ્રુતિ આર્ટસનો ખૂબ મોટો ફાળો છે. તે તરફ આપણી ભૂખ જાગૃત કરી અને પછી વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કરી એને સંતુષ્ટ કરી. આજે આપણને ભારતમાં પણ કદાચ ન મળતી હશે, એવી પારંપારિક નવરાત્રી મળે છે. એ આપવાવાળા આસિતભાઈ-હેમાબહેન અને આલાપનું સેકંડ હોમ એટલે ચંદુભાઈ-કુમુદબહેનનું ઘર. અને એવાં તો કાંઈ કેટલાં ય કલાકારો માટે ચંદુભાઈનું ઘર સેકંડ હોમ બની ગયું છે. એટલે એ બધાં કલાકારોનાં નામો ગણવાં બેસીએ તો અડધો કાર્યક્રમ એમાં જ પતી જાય. એવાં જાણીતાં-અજાણ કલાકારોને માટે આ દરિયાદીલ કુટુંબનો દરવાજો સદાય ખુલ્લો રહે છે.

એક સિક્રેટ આજે જાહેરમાં કહું, કચ્છ સૂક્કો પ્રદેશ કેમ કહેવાય છે. ખબર છે કોઈને? કારણ આવા કચ્છી માડુઓ દરિયાને હૈયે સમાવીને બેઠા છે, એટલે રેતી પડી રહી, અને દરિયો અદૃષ્ય થયેલો લાગે છે !

‘ધરતીનો છેડો ઘર’ પુસ્તકના એમના લેખમાં એક જ્ગ્યાએ તેઓ લખે છે કે, ‘મારી સામજિક અને સંગીતની પ્રવૃત્તિઓને લીધે ઘણાં કલાકારો, સાધુસંતો-કથાકારો કે દેશથી આવતાં અન્ય મુલાકાતીઓની મહેમાનગતિ કરવાનો લ્હાવો મારા સમગ્ર પરિવારે પ્રેમથી લીધો.’ – આ મુફલીરાથી શરૂ કરેલી તેમની સંગીતયાત્રા હજુ ચાલુ જ છે.

કલાકારો, સાધુસંતોને જેમણે રાખ્યાં હોય, તેમને ખબર હશે જ કે તેમને અનુકૂળ ભોજન વ્યવસ્થાથી શરૂ કરી તેમના મૂડ સાચવાથી માંડી તેમને કાર્યક્રમમાં સમયસર પહોંચાડવાથી શરૂ કરી તેમના સાજીંદાઓ કે શિષ્યોની સંભાળ લેવી, અને સાથે વ્યાપાર ચાલુ રાખવો અને ઓછું હોય તેમ તેમાંથી અમુક લોકોને ઈંગ્લેંડની સહેલ કરાવવી – સહેલું નથી જ. એમના સમગ્ર પરિવારને વંદન. કુમુદબહેન અને એમની દીકરીઓ તથા હેમંતભાઈ જેવો દીકરાનું પીઢબળ હોય પછી ભળ્યાં પ્રીતિબહેન અને એમની દીકરીઓએ પણ એ જ રીતે સાથ આપ્યો – એ સૌને અહીં વસતાં સમગ્ર સંગીતપ્રેમીઓનાં ધન્યવાદ.

અને છેલ્લે, હું મારો અંગત અનુભવ કહું. જ્યારે પણ ચંદુભાઈ મારી વાર્તા કે ધરાવાહી વાંચે અને જો ગમે તો એકદમ સરળતાથી, પ્રામાણિકતાથી ફોન ઉઠાવી, મને અભિનંદન જરૂર આપે. આ વાત એટલા માટે કહું છું કે આ એમનો નાનપણથી મળેલો સ્વભાવ છે. બાકી જાનની આગળ બેન્ડ વગાડવાવાળાની કળાને તમે ક્યારે ય કોઈને વખાણતા સાંભળ્યા છે? ‘સંબંધના સરોવર’ પુસ્તકના એક લેખમાં તેઓ લખે છે કે, ‘પીનુ ઉસ્તાદ અને હારૂન ઉસ્તાદની જોડી જ્યારે વરઘોડાની આગળ શહેનાઈ અને ઢોલની રમઝટ બોલાવે ત્યારે સંગીતમાં અભિરુચિ ન રાખનાર પણ ડોલી ઊઠે.’ એમને સંગીતની ક્લબમાં બોલાવી સાંભળે અને બિરદાવે, એ જ રીતે કચ્છના ગૌરવ જેવા સુલેમાન જુમાને સાંભળે, એટલું જ નહીં, એમની કળાને ટેપ પર ઉતારીને હજુ પણ સમય મળ્યે ચંદુભાઈ સાંભળે છે.

આ ઉંમ્મરે ઘૂંટણની તકલીફ હતી, ત્યારે પણ બબ્બે-ત્રણત્રણ કલાક સ્ટેઈજના ફ્લોર પર બેસીને, ભારતથી આવતાં સંગીતકારોને સાથ આપતા અમારા સૌના વડીલ ચંદુભાઈનું સન્માન એટલે અમારા સૌનું સન્માન માની, ગૌરવવાનો લ્હાવો લઈ, હું હવે વિરમું.

* * *

Proud to call the Mattani family ‘our family’

— Rekha Patel

Our father, late Shree Govindbhai Patel and Shree Chandubhai Mattani had known each other since 1956. Although their first introduction was through business dealings, it was in fact their mutual interest in music, literature and other religious and cultural activities that brought them closer and made for a very special friendship that lasted 70 years. We continue to enjoy the special bond between our two families.

Chandubhai was an extremely dependable and supportive friend to our father, day or night. Relatively short distances in Zambia meant they were able to meet in person frequently but in the U.K., they would speak to each other extensively by phone. During these calls, they would very fondly remember Zambian friends and activities. Our father had the greatest of respect for Shree Chandubhai.

Their shared passion for music and other cultural activities meant that they both spent significant amount of time entertaining and organising programmes for artists and religious leaders throughout Zambia most notable of whom were Shree Purushottam Upadhyay and late Rambhakta. During these times the focus on their respective businesses and immediate family was taken over by others especially their spouses Smt Kamlaben C Mattani and late Shantaben G Patel.

In Zambia, they both had the privilege of doing bhajans with a group of about 30 others , all of whom created an atmosphere that was second to none. Shree Chandubhai sang, our father played tabla and most others played manjeera and sang along to create type of vibrations not experienced since. After the bhajans, they would descend upon one of their houses where wives would serve freshly created snacks at about 2am. Both Smt Kamlaben and our mother have had the honour of hosting on numerous occasions .

They enjoyed Zambia life immensely and we are very proud to call the Mattani family ‘our family’.

 

* * *

ચંદુભાઈ સન્માન સમારંભ અવસરે

− ગૌતમ બોડીવાલા

ગુલાબ દાસ બ્રોકરનાં કાવ્યની એક સરસ પંક્તિ યાદ આવે છે:

મારુ હૈયું ખોવાયું એક વેળા
હે રાજ, મારુ હૈયું ખોવાયું
ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં, શોધું હું બહાવરો એને
સાગરના તીરે અને નદીઓના નિરમાં, લાખ લાખ તારલાની વચ્ચે

આ અમદાવાદી વાણિયો ‘૭૦માં ઇંગ્લેન્ડ આવ્યો ત્યારથી, એ અને એની પત્ની ગીતા, એક એવી વ્યક્તિ અને સંસ્થાની શોધમાં હતાં કે તેમની સંગીત અને સાહિત્યની ભૂખ પૂરી કરે. 7 વર્ષ પછી એવા એક કચ્છી ભાટિયા સજ્જન લેસ્ટરમાં મળી ગયા. આજે તેની યશગાથા ગાવાનું મન થાય છે.

વિપુલભાઈ, અકાદમીનાં કારોબારી સભ્યો, પન્નાબહેન, નટવરભાઈ અને મિત્રો

આજે નર્મદનગરીમાં સુવર્ણ પ્રભાત ઊગ્યું છે. યશગાથાની વાત કરતા મને રમેશ ગુપ્તાની કવિતા યાદ આવે છે:

અમર કાવ્યો નર્મદના ગુંજે, ને નરસૈંયો ભુલાય નહિ
મેઘાણીની શૌર્ય કથાઓ મનથી તો વિસરાઈ નહિ
સ્વર્ણ અક્ષરે કવિઓ લખશે યશગાથા ગુજરાતની
આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની

જ્યારે એ યશગાથા લખાશે ત્યારે વિપુલ કલ્યાણી અને તેમના ધુરંધર સાથીઓને યાદ કરીને તે લખાશે, કારણ કે તેમના સાહસથી આ અકાદમીની સ્થાપના થઇ છે.

આજે તેના નેજા હેઠળ અને તેની યજમાનગીરીમાં, આપણે એક એવી વ્યક્તિને સન્માનવા એકત્રિત થયાં છીએ કે જે કોઈ સામેલ છે તે ભાગ્યશાળી છે. એ વ્યક્તિ છે ચંદ્રસિંહ ગોરધનદાસ મટાણી. આપણે તેમને આવકારીએ અને પુરસ્કારીએ. આવે પ્રસંગે વિપુલભાઈએ મને બે શબ્દો બોલવાના કહ્યા તે બદલ આભાર.

સાગર અને નદીમાં ફરક એટલો કે વર્ષાની ગમે તેટલી અભિવૃદ્ધિ થાય પણ સાગર છલકાય નહિ. એવો ફરક સારા અને સાધારણ માણસમાં છે. આજના એ સારા માણસને ચંદુભાઈના નામે આપણે સૌ જાણીએ છીએ.

લાબું કદ ને ચમકતો ચહેરો
શિરે પાઘડી ચાંદીની
ગીત ગાતો તોળી તોળીને
છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી
તન મોટુંને મન પણ મોટું
છે ખમીરવંતી ભાટિયા જાતિ
ભલે લાગતો ભલો ભોળો પણ
એ છે છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી

ચંદુભાઈનો જન્મ ૧૯૩૪માં, અતિરેક વિનાના પણ સંસ્કાર સમૃદ્ધ કુટુંબમાં, થયેલો. ૧૬ વર્ષની ઉંમરે મોટાભાઈના હાર્મોનિયમ ઉપર પ્રયત્ન કરીને જાતે સંગીત શીખેલા. ૧૯ વર્ષની ઉંમરે તો સાગર પાર કારી, ઝામ્બિયા પહોંચી ગયા. 5 વર્ષ બાદ, ફરી પાછા ભારત લગ્ન કરવા આવ્યા અને કુમુદબહેન સાથેનો તેમનો મિલાપ એ લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ પાછા જઈ ઝામ્બિયામાં African અને White Tradeનો વેપાર કર્યો. ત્યાં સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઇ હિન્દુ સમાજના પ્રમુખ બન્યા. ત્યાં પહેલી વાર જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના સંપર્ક માં આવ્યા. આ એ એમની સંગીતની પ્રથમ પગલી.

નસીબની બલિહારી તેમને ૧૯૭૭માં Leicester લાવી, જે તેમની બીજી કર્મભૂમિ થઇ. ચંદુભાઈ માટે ૧૯૮૩નું વર્ષ મહત્ત્વનું રહ્યું. તેમની સૌ પ્રથમ રેકોર્ડ ‘ભક્તિ મૈત્રી’ 1983માં બહાર પડી, એ જ વર્ષમાં શ્રુતિની સ્થાપના કરી. 1983માં જ, પ્રથમ પૌત્રી શેફાલીનો જન્મ થયો અને સોનારૂપાની શરૂઆત પણ થઇ. વર્ષો જતાં એ સોનારૂપા મેલટન રોડના માર્ગદર્શનમાં સીમાચિન્હ બની રહ્યું. ૧૯૮૩ની સાલની માફક મેનો મહિનો પણ તેમના માટે નોંધકારક નીવડ્યો છે. મેમાં આવે તેમની વર્ષગાંઠ, મેમાં પ્રપૌત્રીનો જન્મ થયો અને મેમાં તેમને આ સાહિત્ય અકાદમીનો સરસ પુરસ્કાર મલ્યો.

જે ચંદુભાઈની જીવન યાત્રામાં આધારસ્તંભ રહ્યા તે કુમુદબહેનના આદર્શ પતિ, જેણે તેમના તાલ અને લયનો સાથ આપ્યો, તે હેમંત અને હંમેશ ચહેરા ઉપર સ્મિત ફેલાવનાર દીના / સાધનાના પિતા, ૬ પૌત્ર પૌત્રીઓના પિતામહ (grandfather), અને નવજાત પપૌત્રીનાં પ્રપિતામહ (great grandfather). આ મટાણી કુટુંબના ચંદુભાઈ શિરછત્ર છે. આ જમાનામાં સંયુક્ત કુટુંબ તરીકે રહેવામાં ચંદુભાઈએ ચાંદરવાની શીતળતા આપી છે. પણ પ્રીતિ તેમાં તેમની સાથી બનીને રહી છે. કલા ને સંસ્કૃિતના પ્રતીક એવા ચંદુભાઈ, સંગીતના રખેવાળ છે. સજ્જનતાની મૂર્તિ અને સૌમ્યતાની વ્યાખ્યા એવા આપણા સૌના એ મિત્ર છે. મારા નસીબે અમારી મિત્રતા વ્યક્તિગત/કૌટુમ્બિક મુલાકાતો, Thursday Clubની મીટિંગ્સ અને Seniors’ Lunch Clubના મળવાથી વધુ ગાઢ થઇ.

ઉશનસે સાચું કહ્યું છે:
પૃથ્વી સમું નહિ બેસણું, આભ સમું નહિ છત્ર
પ્રેમ સમી નહિ માધુરી, ચંદુભાઈ, આપ સમો નહિ મિત્ર

ચંદુભાઈની સાહિત્યની મુસાફરી મનુભાઈ પંચોળી(દર્શક)થી માંડી પન્નાબહેન અને નટવરભાઈ ગાંધી, રઘુવીર, સુરેશ દલાલ, ગુણવંત શાહ, જવાહર બક્ષી, સુધી લઇ ગઈ. એમનો ક્રિકેટનો શોખ સુનિલ ગાવસ્કરથી માંડી BCCIના પ્રમુખ રાજ ડુંગરપુર સુધીના સંબંધોને ગાઢ કર્યા.

આફ્રિકાથી ઇંગ્લેન્ડ સુધીમાં તેમને ટોચના સાહિત્યકારો ને સંગીતકારો સાથે ગાઢ સબંધો કેળવ્યા. મિત્રતા તો એવી કે જે લતા મંગેશકરને લોકો મા સરસ્વતી તરીકે માન આપે, તે લતાજી ચંદુભાઈને પોતાના ઘરમાં રસોઈ કરી જમાડે. મારા જેવા મિત્રોને પણ તે ગંગાજળના છાંટા પડ્યા ને શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચોરાસિયા જેવા અનેક મહાન કલાકારોની વ્યક્તિગત મુલાકાતનો લ્હાવો મળ્યો. કોઈ ઉચ્ચતરનો ભારતીય સંગીત કલાકાર નહિ હોય કે જેણે ચંદુભાઈની મિત્રતા અને આગતા સ્વાગત માણી ના હોય. આશિત અને હેમા દેસાઈ આ UKની સંગીત અને કલા જગતનાં એક લાડકાં નામ અને તેના પ્રેમાળ પરિવારને પોતાનું બીજું ઘર સમજે છે.

એક દિવસ કલકત્તાના એરપોર્ટ ઉપર લાઉન્જમાં હું ઇંગ્લેન્ડની ફ્લાઈટની રાહ જોતો બેઠો હતો. ત્યાં અચાનક એક પ્રભાવશાળી વ્યક્તિ દાખલ થઈ. મેં તરત જાણ્યું કે તે પંડિત અજય ચક્રવર્તી છે. સ્મિત સાથે મેં વંદન કર્યું ને કોફી લઇ મારી પાસે આવી બોલ્યા, ‘ડૉક્ટર લગતે હો. કહા જા રહે હો?’ મેં કહ્યું કે ઇંગ્લેન્ડ. ને તરત બોલ્યા, ‘હમારે એક મિત્ર ચંદુભાઈ લેસ્ટરમે હૈ. આપ ઉન્હેં પહેચાનતો હો?’ મેં જેવું જણાવ્યું ‘ચંદુભાઈ તો મારા પરમ મિત્ર છે’ કે તરત તેમની ઉષ્મા ને વાતનો રણકાર બદલાઈ ગયો. આવા ચંદુભાઈના સબંધો!

પણ આ બધામાં સંગીત તેમના જીવનમાં મોખરે રહ્યું છે. તે દ્વારા તેમને આ નગરીને ગુજરાતી સંગીત અને શ્રુતિના માધ્યમે એક નવી દિશા, નવો માર્ગ અને નવું ચેતન આપ્યું. આવનારી પેઢી UKના સંગીતના ઉપાસક તરીકે ચંદુભાઇના ઋણી રહશે।

જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવાં પુષ્પ ઉપર કેવી સવારી હોય છે (ચિનુ મોદી)

એ ઝાકળની વિશિષ્ટ લાક્ષણિકતા ,પ્રેરણાદાયક ગુણ અને તાજગી, ચંદુભાઈ, આ ૮૩ વર્ષે પણ તમારામાં છે. આજે આપણે ચંદુભાઈની ૮૩મી વર્ષગાંઠની સાંજે તેમનું ઉચિત બહુમાન કરવા એકત્રિત થયાં છીએ.

એ ૮૩ વર્ષોમાં આ સજ્જને ત્રણ ત્રણ ખંડોમાં પ્રવાસ કરી, કુટુંબ, મિત્રો અને સમાજને સંગીત અને સાહિત્યની દુનિયાનો એક નવો રંગ આપ્યો. પોતે એક વિખ્યાત કલાકાર હોવા છતાં વિવેક ચંદુભાઈના શ્વાસ માં છે. નમ્રતા તેમનો સ્વભાવ છે.

મકરંદભા ઈએ સાચું લખ્યું છે:
મને લાગે નહિ ક્યાં ય કશું એકલું
મને મારું એકાંત ગમે એકલું

તે એકાંતમાં સંગીત તેમનો પ્રાણ અને સૂરો તેમના મિત્રો થયા છે, સાહિત્ય તેમનું જીવન અને કવિતા ને ગઝલો તેમના માર્ગદર્શકો બન્યા છે. તેમણે લેસ્ટરની સંગીતપ્રેમી પ્રજાને એક નવું ચેતન આપ્યું છે. એક નવો માર્ગ દર્શાવ્યો છે. તેમના હૃદય ઉપર કાવ્યોના અક્ષરો અને સંગીતના સૂરોના હસ્તાક્ષરો ફેલાયેલા છે. સંગીતની સમજણ હોય અને તેને માણવું અને સહજતાથી પીરસવું તે સાત પેઢીનો પ્રતાપ છે. ચંદુભાઈ એ તે સાત પેઢીનાં પુણ્ય કાર્ય હશે. મને તો પહેલી ૬ પેઢીનો અનુભવ નથી, પણ આ પેઢીમાં તેમની મિત્રતા, તેમના સંગીતનો અંગત અનુભવ અને શ્રુતિ દ્વારા સામાજિક દાનનો હું લાભકારી થયો છું. એ ઋણ હું કદી ચૂકવી નહિ શકું.

જ્યારે પણ ઝરણું જુઓ ત્યારે શ્રદ્ધા રાખજો કે ક્યાંક સાગર હશે. શ્રુતિ એ ઝરણું છે અને ચંદુભાઈ સાગર છે.

આજે મારે અભિનંદન આપવા છે ગુજરાતી સાહિત્ય અકાદમી ને, તેના પ્રમુખ અને કારોબારી સભ્યોને કે તેમને આ પુરસ્કારથી ચંદુભાઈને સન્માનિત કરવાનો નિર્ણય લીધો. મારે આભાર માનવાનો વિપુલભાઈનો કે તેમણે મને આમંત્રિત કરી, મારી ચંદુભાઈ તરફની લાગણીઓને વ્યક્ત કરવા અવસર આપ્યો. મારે ચંદુભાઈનો આભાર માનવાનો કે તેમણે મને નિસ્વાર્થ મિત્રતા આપી. તેમના સંગીત અને સાહિત્યના થોડા છાંટાથી મને ગુણકારી બનાવ્યો.

સાચી સફળતા એ છે કે વ્યક્તિ પોતે પોતાનું જીવન પોતાની રીતે જીવે. ચંદુભાઈ, તમારી સફળતામાં અમારો સ્વાર્થ છે.

અમે તો જઈશું અહીંથી, પણ તમે આ ઉડાડેલો ગુલાલ રહેશે
ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે

ચંદુભાઈ, શતં જીવં શરદઃ

28 મે 2017

* * *

સ્વર-સૂર અને શબ્દના ઉપાસક : ચંદુભાઈ મટાણીનું સન્માન

– વલ્લભ નાંઢા

“શ્રુતિ આર્ટ્સ”ના પ્રણેતા, સુગમ સંગીતના મરમી ગાયક અને સાહિત્યના ઉપાસક ચંદુભાઈ મટાણીને સન્માનવા, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ લેસ્ટરના સુખ્યાત બેલગ્રઈવ નેઇબરહૂડ સેંટરમાં, રવિવાર 28 મેના બપોરે 2:00 થી 5:00 દરમિયાન એક સન્માનસમારોહનું આયોજન કરેલું હતું. આ આયોજનમાં આશરે બસો જેટલા ઉત્સુકોએ હાજરી આપી હતી. લંડન સમેત નોટિંગમ, બર્મીગમથી પણ ઘણા સાહિત્યકારો આવ્યા હતા. અમેરિકાની ગુજરાતી વસાહતનાં પ્રતિનિધિ શાં સાહિત્યસર્જકો- પન્ના નાયક તથા નટવર ગાંધી આ સમારોહના અતિથિ હતાં. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ કર્યું હતું.

આતંકવાદનો ભોગ બનેલાઓને શ્રોતાવર્ગે તરફ્થી બે મિનિટ મૌન અંજલિ અપાયા બાદ, વિપુલભાઈએ સંચાલનનો દોર સંભાળતા જણાવ્યું હતું કે, ગુજરાતી સાહિત્ય અકાદમીને 40 વર્ષ થાય છે અને તે ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા ગુજરાતી સાહિત્ય અકાદમીની કારોબારી સમિતિએ આ દેશમાં પંડને ઓરશિયે સુખડની જેમ ઘસીને સમગ્ર ગુજરાતી સમાજ માટે કામ કર્યું છે, એવી ચાર કાર્યશીલ વ્યક્તિઓનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. તેમાં આ બીજો અવસર છે ચંદુભાઈનો.’ આમ કહી સંચાલકે જાણીતાં ગુજરાતી વાર્તાકાર/નવલકથાકાર નયના પટેલને સૌપ્રથમ મંચ પર બોલવા માટે આમંત્ર્યા હતા.

યજમાન સંસ્થાને બિરદાવતાં નયનાબહેને કહ્યું : લેસ્ટરમાં ‘શ્રુતિ આર્ટ્સ’ના સ્વપ્નદૃષ્ટા ચંદુભાઈને અકાદમી આંગણે આવીને સન્માને એવું ગૌરવ બીજું કયું હોઈ શકે? કલાકારો માટે ચંદુભાઈના ઘરનો દરવાજો કાયમ ખુલ્લો જ રહ્યો છે. સુરેશ દલાલ આ જ હોલમાં એક વાર બોલ્યા હતા: “ચંદુભાઈના ઘરની દીવલોમાંથી પણ સંગીતની સૂરાવલિ ઝરે છે.’’ ચંદુભાઈએ પોતાના સંગીતરસની લહાણી કરી એટલે ક્લાસિકલ અને પ્રેકટિકલ સંગીત સાંભળવાનો રસ ચાખવા મળ્યો નહીં તો આપણામાંના કેટલા ય હજુ બોલીવુડના અભદ્ર સંગીતને સાંભળતા હોત.” અને પોતાનાં સંબોધનના અંતે એ બોલ્યાં: “ ઊગતા સૂર્યને તો સૌ કોઇ પૂજે, પરંતુ ચંદુભાઈ તો બેંડવાજા વગાડતા નાના કલાકારોની સરાહના કરાવવાનું પણ ચૂક્યા નથી. સુલેમાન જુમા એ સમયે કચ્છનું ગૌરવ હતું. તેનું રેકોર્ડિંગ કરીને અહીં લાવવું અને તેને સાંભળવું તે જ સંગીત તરફનો સાચો પ્રેમ કહી શકાય. ચંદુભાઈનું સન્માન તે આપણા સૌનું સન્માન છે.’’

એ પછી લેસ્ટર શહેરના જાણીતા લેખક, પત્રકાર વનુ જીવરાજનું પ્રવીણ લુક્કાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અને તેમનાં પત્ની મંજુબહેન સોમૈયાને કુંજ કલ્યાણીએ શાલ ઓઢાડી સન્માનિત કર્યાં હતાં.

પછીનાં વક્તા રેખાબહેને જણાવેલું કે, ઝાંબિયામાં ચંદુકાકા મારા બાપુજીના ખાસ મિત્ર હતા. ત્યાર પછી બન્ને વૈપારિક સંબંધથી જોડાયા હતા. ઉપરાંત બન્ને મિત્રો સાહિત્ય, સંગીત, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સમાન રસવૃત્તિ ધરાવતા હતા. યુનાઇટેડ કિંગ્ડમમાં આવ્યા પછી પણ એમની મૈત્રી ચાલુ રહી હતી. કલાકો સુધી એકબીજા ફોન પર સાહિત્ય અને સંગીતની ચર્ચા કરતા. ઝાંબિયામાં ઘણા આર્ટિસ્ટ્સ આવતા જેમની ચંદુકાકા અને મારા બાપુજી સંભાળ રાખતા. પુરુષોત્તમ ઉપાધ્યાય અમારે ત્યાં રહી ગયા છે. ચંદુભાઇએ 30 જણાની ભજનમંડળી સ્થાપી હતી અને દર અઠવાડિયે મુફલીરાથી 40 માઈલનું ડ્રાઈવિંગ કરી ભજનમંડળી સાથે ન્ડોલા આવતા. રસજ્ઞોને ખબર પડે કે ચંદુભાઈ આવવાના છે, ત્યારે ઘર ચિક્કાર ભરાઈ જતું. લેસ્ટરમાં પણ “શ્રૃતિ આર્ટ્સ’ના બેનર તળે આવી જ પ્રવૃત્તિ ચાલુ રાખી છે. કાકાના બહુમાન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.”

એ પછી ચંદુભાઈનાં સૌથી નાનાં દીકરી સાધના આશરે એક પુત્રીનાં નજરિયાથી મટાણી પરિવાર સાથેનાં પોતાનાં સંભારણાં વાગોળ્યાં હતાં :

“મારા પિતાશ્રીને સન્માનિત કરવા માટે ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પ્રસંગ યોજ્યો છે, જે માટે હું અકાદમીની ખૂબ આભારી છું. મારા પિતાજી થોડો સમય મલાવીમાં રહ્યા હતા અને ત્યાંથી ન્ડોલા અને ન્ડોલાથી શિફ્ટ થઈ મુફલીરા આવી વસ્યા હતા. અમારો ત્રણ ભાઈબહેનનો જન્મ ઝાંબિયામાં થયેલો. ઝાંબિયામાં સ્થાયી થવામાં, ધંધાની શરૂઆત કરવામાં અને તેને વિકસાવવામાં મારાં પપ્પાએ તનતોડ મહેનત કરેલી. ધંધો સંભાળવાની સાથે સાથે મુફલીરામાં લોક્સેવાનાં કામો કર્યાં. અને ગાવાના શોખને પણ જીવંત રાખ્યો.

એ સાથે ઘરમાં એક આદર્શ પિતા તરીકે પોતાની ફરજ બજાવવાનું કદાપિ ચૂકયા નથી. અમને ખૂબ વહાલ કરે અને આંગળી ઝાલી ફરવા પણ લઈ જાય. આજે પોતાનાં પૌત્ર – પૌત્રીઓ પર અનર્ગળ હેતની વર્ષા વર્ષાવે જ છે. પપ્પાના સંગીતશોખને લીધે જીવનમાં ઉચ્ચ કક્ષાનાં કલા-તજ્જ્ઞોને મળવા-કરવાના અનેક પ્રસંગો આવ્યા. કોઈ પણ વ્યક્તિ સાથે સાવ સહજપણે ભળી જવું એ પપ્પાની ખાસિયત હતી.

40 વર્ષ પહેલાં અમારા ભણતર ખાતર, પપ્પાએ ઝાંબિયા છોડ્યું. લેસ્ટરમાં આવી અઠ્ઠે દ્વારકા કર્યા. લેસ્ટરમાંપોતાના સ્વતંત્ર ધંધાનો પાયો નાખ્યો ત્યારે રતનશીભાઈ, કાન્તિભાઈ, અમરશીભાઈ જેવા મિત્રોનો સાથ મળ્યો, ને મમ્મીએ પણ પપ્પાનું ડાબું અંગ બની એક આદર્શ ગૃહિણીને છાજે એ રીતે ઘર સંભાળ્યું. અંતમાં “વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે .. ભજનની પ્રસ્તુતિ દ્વારા સાધનાબહેને ચંદુભાઈને વૈષ્ણવજન તરીકે બિરદાવી બોલવાનું આટોપ્યું હતું.

સાધનાબહેન પછીના વક્તા યોગેશ જોશી પોતાના જોશીલા વાણીપ્રવાહને વહેતો મૂકી બુલંદ અવાજે બોલ્યા: ચંદુભાઈના શોખને આગળ વધારવામાં “શ્રુતિ આર્ટ્સ” એક માધ્યમ બન્યું. છેલ્લા પાંચ વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. ચંદુભાઈની સોચે મને વિચારતો કર્યો છે કે આ માણસ પોતાની સાથે વિચારને લઈને જ જાણે ચાલે છે. પોતાના વિચારનો તણખો સમાજ સુધી પહોંચાડે છે. ચંદુભાઈની આવી આગવી સોચ વિશે ઉદાહરણરૂપે બે ત્રણ દાખલા આપું:

પાંચ વર્ષ પહેલાં બ્રહ્મસમાજ હૉલમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુનું ઉદ્દઘાટન હતું. ત્યાં હાજરી આપી અમે લફબોરો જતા હતા, ત્યારે ચંદુભાઇએ મને કારમાં વાત કરી હતી: “આપણી સાથે જીવનમાં શું રહે છે? નામ નથી રહેતું, પદવી પણ નથી રહેતી, સંગીત પણ નહીં – આપણી સાથે તો રહે છે માત્ર આપણા નિ:સ્વાર્થ સુવિચારો and when selfless thoughts touches some one that makes a selfless life.

ચંદુભાઈને લાગે છે કે, સંસ્થામાં હવે નવી વિચારધારા લાવવી જરૂરી છે. સંસ્થાનું સુકાન નવી પેઢી સંભાળે એવું ઇચ્છે છે. “શ્રુતિ આર્ટ્સ”ના આશ્રયે, ભારતથી લતા મંગેશકર, પંડિત રવિશંકર, ભીમસેન જોશી, પંડિત જશરાજ, નીખિલ બેનરજી જેવાં અનેક વિશ્વપ્રસિદ્ધ કલાકારો સાથે એમનો સંપર્ક રહ્યો છે .. ત્રીસ ત્રીસ વર્ષ સુધી ચંદુભાઈએ ઓરશિયે ચંદન ઘસાય તેમ ઘસાઈને ક્વોલિટી સ્ટાન્ડર્ડ પ્રકારનું કામ કાર્યું છે. આશિત અને હેમા દેસાઈ સાથે મળીને એક યાદગાર કાર્યક્રમનું આયોજન હાથમાં લીધું, અને 2010ની સાલમાં એક ભગીરથ વર્કશોપ ‘Music for all and music for life.’ કરી જે છ અઠવાડિયા પર્યંત ચાલેલી. આ વર્કશોપ આશિતભાઈ અને હેમાબહેન માટે પણ માઈલ્સ્ટોન બની રહી. અને લેસ્ટરની કમ્યુિનટીમાંથી 70 જેટલાં સંગીતરસિયાઓ આગળ આવી આ સંગીતસાધનામાં જોડાયાં એ કાંઈ ઓછા ગૌરવની બાબત કહેવાય? ત્યાર પછી પણ ઘણા કાર્યક્રમો થયા, જેને કારણે “શ્રુતિ આર્ટ્સ” નવી વાઈટાલિટીથી આગળ વધી છે.” યોગેશભાઈએ પોતાના પ્રવચનના અંતિમ પડાવમાં “હું આગ્રહ રાખું છું કે શ્રુતિ આર્ટ્સ’ની દરેક મિટિંગમાં શરૂઆતની દસ મિનિટ ચંદુભાઇને ફાળવવામાં આવે.” એવું સૂચન કરી વાણીને વિરામ દીધો હતો.

એ પછી લેસ્ટરની રોયલ લેસ્ટર ઇન્ફર્મરીના પૂર્વ મુખી ડૉ. ગૌતમભાઈ બોડીવાલા પોતાનું પ્રવચન આપવા મંચ પર આવ્યા હતા. ગૌતમભાઈએ કહ્યું ,”વિપુલભાઈએ વર્ષો પહેલાં આ નગરીને “નર્મદ નગર” તરીકે ઓળખાવી હતી. આજે એ નગરીમાં એક સ્વરસાધક્નું બહુમાન થાય છે તે સૌ માટે ગૌરવની બાબત છે. જ્યારે આ ગાથાની નોંધ લેવાશે ત્યારે વિપુલભાઈ અને તેના સાથીદારોની યશગાથા લખાશે, કારણ કે એમના સાથ વડે ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થપાના થઈ છે.

ચંદુભાઈનો જન્મ 1934માં એક સંસ્કારસમૃદ્ધ ભાટિયા કુટુંબમાં થયો. 16 વરસની ઉંમરે મોટાભાઈના હાર્મોનિયમ પર જાતે પ્રયત્ન કરી સંગીત શીખ્યા. 19 વર્ષની ઉંમરે વહાણ વાટે આફ્રિકા ગયા. પાંચ વરસ પછી પાછા ભારત આવ્યા ને કુમુદબહેનને પરણી પાછા ઝાંબિયા ફર્યા. ઝાંબિયામાં વેપાર સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત રહ્યા. ઝાંબિયામાં પહેલી જ વાર પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયની મુલાકાત થઈ જેમણે એમને સુગમસંગીત તરફ વાળ્યા.

ચંદુભાઇ માટે 1983નું વર્ષ ખૂબ લાભવંતુ પુરવાર થયું કહી શકાય. 1983માં શ્રુતિ આર્ટસની સ્થાપના, એ જ વર્ષમાં પ્રથમ પૌત્રી શેફાલીનો જન્મ, એમની પ્રથમ રેકોર્ડ “ભક્તિમૈત્રી”નું પણ એ જ વર્ષમાં બહાર પડવા જેવી ખુશ ઘટનાઓ બની હતી. ચંદુભાઈ માટે મે મહિનાનું મહત્ત્વ પણ ખાસ રહ્યું છે. મે મહિનામાં એમનો જન્મદિન આવે છે અને જીવનની 83માં વર્ષની મજલ પૂરી કરી 84માં પ્રવેશ કરશે. ચંદુભાઇએ એમના સમગ્ર પરિવારને ચંદરવાની શીતળ છાયા આપી છે. 60 વર્ષનાં દામ્પત્યજીવન દરમિયાન કુમુદબહેન એક સફેદ કમળ જે હંમેશાં ચાંદનીમાં ખીલે તેમ આ કુમુદ ચંદ્રની ચાંદનીમાં 60 વર્ષ ખીલતાં રહ્યાં છે. કુમુદબહેન આખી જિંદગી ચંદુભાઈનો આધારસ્થંભ બનીને એમના તાલ અને રંગમાં સાથ આપ્યો છે.”

સંગીતના મૂર્ધન્ય કલાકારો સાથે ચંદુભાઈનો આફ્રિકાનિવાસથી ઘરોબો રહ્યો હતો. સ્વરકિન્નરી લતા મંગેશકરને બધા ‘મા સરસ્વતી’ તરીકે માન આપે, એ લતાજી ચંદુભાઈને એમના ઘરમાં રસોઈ કરીને ખવડાવે એ શું નાનીસૂની બાબત છે? સંગીત એમના જીવનમાં મુખર રહ્યું છે. લેસ્ટરને ‘શ્રુતિ આર્ટસ’ દ્વારા એક નવું પરિમાણ, નવું ચેતન આપનાર ચંદુભાઈની આવનારી પેઢી સદા ઋણી રહેશે. ચિનુ મોદીની આ પંકતિ ચંદુભાઈના કાર્યને એકદમ સાર્થક કરે છે:

જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે?
પુષ્પ જેવાં પુષ્પ ઉપર તેની સવારી હોય છે.

એ ઝાકળની તાજગી, તેની લાક્ષણિકતા આજે 83 વર્ષના આરંભકાળે પણ ચંદુભાઈના ચહેરા પર ઝળકે છે.” કહી ગૌતમભાઈ ચંદુભાઈને ઉચિત અભિનંદન પાઠવી અટક્યા હતા.

કાર્યક્રમના બીજા દોરમાં પન્ના નાયકનાં બે પુસ્તકો – “વિદેશિની’ અને “દ્વિદેશિની’નું તેમ જ નટવર ગાંધીના ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ પુસ્તકનું વિમોચન અને તેઓને સાંભળવાનો ઉપક્રમ હતો.

પહેલાં પન્ના નાયક બોલવા ઊભાં થયાં હતાં. માઈક હાથમાં લેતાં એમણે જણાવ્યું “સુરેશ દલાલ લેસ્ટરની વાત કરે ત્યારે ચંદુભાઇનો ઉલ્લેખ કરે જ. અમારો ચંદુભાઈ સાથે ઘરોબો બંધાયો તેની જો કડી હોય તો તે સુરેશ દલાલ છે. ચંદુભાઈનું ચૂંબકીય આકર્ષણ અમને અહીં ખેંચી લાવે છે. “શ્રુતિ આર્ટ્સ”ની સ્થાપનાને 40 વર્ષ થયાં હશે પણ જ્યારે આ બીજ વાવ્યું ત્યારે ખબર નહોતી કે આ બીજમાંથી એક દિવસ આવડું મોટું વડલાનું વૃક્ષ થશે. અને આજે એ ખરેખર વડલાનું વૃક્ષ થયું છે. તેનો સમૂળો યશ ચંદુભાઇને જાય છે. આ કાર્યક્રમમાં પધારવા અમને નિમંત્રણ મોકલ્યું તે બદલ તમારા ખૂબ આભારી છીએ.

ભવિષ્યમાં પણ હું કવિ થઈશ, મારા સંગ્રહો બહાર પડશે, એવી કોઈ મને કલ્પના જ નહોતી. હું નાની હતી ત્યારે અમારા ઘરને સાહિત્ય સાથે ઘરોબો હતો ખરો. મારા પપ્પા પ્રેસના ધંધામાં હતા, એટલે ઘણબધા સાહિત્યકારો સાથે પરિચય બંધાયો હતો. કોલેજમાં મેં ગુજરાતી વિષય લીધો હતો, નાટકોમાં પણ ભાગ લીધો હતો. અને કવિતા લખવાની મારામાં સજ્જતા પણ હતી. પણ મેં કોઇ દિવસ કવિતા લખી નહીં. પણ ફિલાડેલ્ફિયા શહેરે મારામાં કોણ જાણે કેવી રીત પરિવર્તન કરી નાખ્યું અને મને કવયિત્રી બનાવી દીધી. મેં થોડી કવિતાઓ લખી અને સુરેશને બતાવી. સુરેશે મારામાં વિશ્વાસ મૂક્યો કે હું કવિ થઈ શકું. સુરેશની નિષ્ઠા, નિસ્બત, મારા પ્રત્યેનો એનો નિ:સ્વાર્થ પ્રેમ અને મારા સર્જનાત્મક કર્તૃત્વ માટે હું એની ઋણી છું.

ફિલાડેલફિયામાં હું યુનિવર્સિટીમાં કામ કરતી હતી. ત્યાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં એક વાર બોસ્ટનથી કવયત્રિ એન સેક્ષ્ટન આવેલાં. ત્યારે એની કવિતા સાંભળવાનો મને લહાવો મળ્યો. તેમણે એમની કાવ્યરચનાઓનું એક પુસ્તક મને આપેલું તે હું વાંચી ગયેલી. તે પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે – એક વાર મને મૅન્ટલ બ્રેક ડાઉન થઈ ગયેલો સાઇક્રિયાસ્ટ પાસે ગઈ તો તેણે કહ્યું કે, ‘તારા મનમાં આવે તે લખ, એ જ એક ઇલાજ છે.’ અને એમ તેણે લખવાનું શરૂ કરેલું. અને પછી જેમ જેમ એમની કવિતા હું વાંચતી ગઈ તેમ તેમ મારી લાગણીઓનો તાળો પણ એની સાથે મળતો ગયો. મને થયું કે હું શા માટે કવિતા ના લખું? અને મેં કવિતા લખવાનું શરૂ કર્યું. મુંબઈમાં ઘણાં બધાં વર્ષો ગાળ્યાં તેના અનુભવનાં કાવ્યો, અમેરિકાની પ્રકૃતિશોભાનાં કાવ્યો, મારી બા વિશેનાં કાવ્યો અને હવે હું ફિલડેલફિયામાં રહું છું અને ભારતને કેવી નજરે જોઉં છું, ઇન્સાઈડર અને આઉટસઈડર તરીકે એ બન્ને પ્રકારનાં કાવ્યો પણ લખ્યાં છે.” એમ કહી પોતાની એક કાવ્યરચના પ્રસ્તુત કરી પન્નાબહેને પોતાનું સંભાષણ સમેટ્યું હતું.

નટવર ગાંધીનો વારો આવ્યો ત્યારે એમણે ઉપનિષદની ઋચાની રજૂઆત ટાંકી માનવહૈયાની વ્યાખ્યા બાંધી આપતાં જણાવ્યું: “માનવ અને પશુમાં તાત્ત્વિક ફેર છે તે આટલો જ કે માણસમાં સાહિત્ય, સંગીત અને કલાની સમજ હોય છે, પશુઓમાં એ હોતી નથી. આ કલાઓનો જેનામાં સર્વોચ્ચ સમન્વય થયો હોય તો તે છે ચંદુભાઈ. હું 30/35 વર્ષ પહેલાં જ્યારે લંડન આવવા વિચાર કરતો હતો ત્યારે સુરેશ દલાલે લખેલું કે લેસ્ટર જાઓ તો ચંદુભાઈને જરૂર મળજો. એ પછી જ્યારે પણ લંડન આવું છું ત્યારે અમારા માટે ત્રણ કુટુંબો અગત્યનાં છે. વિક્રમ અને અલકા શાહ, કુન્જ અને વિપુલ કલ્યાણી અને ત્રીજાં કુમુદબહેન અને ચંદુભાઇ. અમારું સૌભાગ્ય એ છે કે એ જીવનાનંદના પ્રતીક સમા ચંદુભાઇના સન્માનમાં અમે હાજર છીએ.

વિપુલભાઈએ કહ્યું તેમ મારી જે જીવનયાત્રાને આ પુસ્તકમાં લખવાનો મેં પ્રયત્ન કર્યો છે. સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં મારો ઉછેર થયો છે. એવા ગામમાંથી નીકળી હું મુંબઈ આવ્યો અને મૂળજી જેઠા માર્કેટમાં કામ કર્યું અને ત્યાંથી સદ્દભાગ્યે અમેરિકા આવી વસ્યો. હું જ્યારે માનવજીવનના યાત્રાસંઘર્ષ તરફ નજર કરું છું ત્યારે મને બે વસ્તુ સ્પષ્ટ થાય છે. ઘણી વાર માણસ પોતાની સિદ્ધિઓથી હરખાઈ જતો હોય છે. અને તેને માટે કહીએ છીએ કે, ભાઈ, એ તો self made man છે. પણ મારી દૃષ્ટિએ એ એક myth છે. – કપોળકલ્પિત વાત છે. આપણને કોઈ ને કોઈ મદદ કરતું જ હોય છે. બીજી અગત્યની વાત એ છે કે, ગમે તેટલાં પ્લાનિંગ કરીએ પણ આખરે નિયતિ પર બધું નિર્ભર હોય છે ..” આટલું કહી સૂરદાસનાં ભજનની એક પંક્તિ રજૂ કરી, નટવરભાઈએ વાણીપ્રવાહ અટકાવ્યો હતો.

પ્રસંગના અંતિમ ચરણમાં વિપુલ કલ્યાણીએ કહ્યું : લેસ્ટર નગરમાં અકાદમીએ નર્મદની 125મી જન્મજયંતી ઉજવવાનું બીડું ઝડપ્યું હતું ત્યારે ચંદુભાઈ લેસ્ટરમાં હજી પોતાના પગ ખોડી રહ્યા હતા એવે સમયે ચંદુભાઈએ અકાદમીના બે મુખ્ય અતિથિઓ – મનુભાઇ પંચોળી ‘દર્શક’ અને રઘુવીરભાઇ ચૌધરીને પોતાના ઘેર મહેમાન તરીકે રાખ્યા હતા. એ પછી પણ તેઓ તન, મન અને ધનથી ઘસાતા રહ્યા હતા. એમણે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી’ એ ગીત સ્વરબદ્ધ કરી આપ્યું તે તો આપણો જયઘોષ બની ગયો .. ચંદુભાઈનું સન્માન એ આ દેશની ગુજરાતી આલમનું પણ સન્માન છે. એ સન્માનમાં આપણે જોડાઇએ છીએ તેનો આનંદ છે.”

ત્યાર પછી ચંપાબહેન પટેલે ચંદુભાઈને પોતે તૈયાર કરેલું તૈલચિત્ર ચંદુભાઈને ભેટ આપ્યું. તેમ ગુજરાતી સાહિત્ય અકાદમીએ શાલ અને પદક આપીને ચંદુભાઈને સન્માન્યા હતા. “ઓપિનિયન” તેમ જ કલ્યાણી પરિવાર તરફથી પણ ઉપહાર આપી ચંદુભાઈનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માનસમારંભના શેષ ચરણમાં ચંદુભાઈ મંચીય મહાનુભાવોનો તેમ જ શ્રોતાઓનું અભિવાદન કરતા ગદગદ થઈ બોલ્યા હતા : ”કચ્છ માંડવી જેવા એક નાનકડા શહેરમાં એક વૈષ્ણવ પરિવારમાં મારો જન્મ થયો અને ત્યારથી મને સંગીતનો શોખ લાગ્યો. મોટાભાઈ મોઝામ્બિકથી દેશમાં ફરવા આવે ત્યારે હું એમને ટાઈ-સૂટમાં નિહાળું અને હું એમાં મોહી પડ્યો. 19 વર્ષની ઉંમરે મારા મોટાભાઈ રતુભાઈને મને મોઝામ્બિક બોલાવવા માટે મેં પત્ર લખ્યો. અને મોટાભાઈએ મને મોઝામ્બિક તેડાવ્યો.

પરંતુ એ વખતે ભારત અને પોર્ટુગલ સરકાર વચ્ચે તનાવ હતો. એટલે મોટાભાઈએ મલાવીમાં એક જોશી નામના પરિવારની પેઢીમાં માહવાર રૂપિયા 350/-ના પગારવાળી નોકરીમાં લગાડી દીધો. ત્યાર પછી 1976ની આખરમાં નોર્ધન રૉડેશિયા જે અત્યારે ઝાંબિયા કહેવાય છે ત્યાં મારું જવાનું થયું. ઝંબિયામાં અમારા સ્નેહી લખુભાઈ ઉદેશી અને રતનશી વેદની ભાગીદારીમાં રીટેલ સ્ટોર્સ શરૂ કર્યા. ઝાંબિયામાં 23 વર્ષ પસાર કર્યાં. પછી સંતાનોને ભણાવવાની સમસ્યાને અગ્રિમતા આપી, હું 1977માં ઇંગ્લેંન્ડ આવ્યો અને હવે તો ઇંગ્લેંન્ડમાં પણ ચાળીસ જેટલાં વર્ષો થવાં આવ્યાં છે. પણ મને કહેવા દો, કોઇને કોઇ શક્તિ આપણને મદદ કરવા આવે છે. અને આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે? મારા જીવનમાં પણ કોઈ અમોઘ શક્તિ આવી અને મને મદદ કરી ગઈ. ઘણી વ્યક્તિઓની શક્તિએ મને આગળ વધવામાં મદદ કરી છે. મારી સંગીતપ્રીતિ વિશે વાત કરવા બેસું તો મારે ત્રણ વ્યક્તિઓ પ્રતિ મારો ઋણભાવ વ્યક્ત કરવો જોઇએ, એક તો પુરુષોત્તમ ઉપાધ્યાય જેમની સાથે મારી મૈત્રી 1964માં ઝાંબિયામાં બંધાઈ હતી. સુગમ સંગીત શું છે તેની સાચી સમજ અને દિક્ષા મને આ સંગીત વિશારદ મિત્રએ આપી.

બીજો ઋણભાવ મારે આશિત અને હેમા દેસાઈને સારુ વ્યક્ત કરવાનો છે. 1981ની સાલમાં આ સંગીતસાધ્ય યુગ્લ લેસ્ટર આવ્યું, ત્યારથી અમે એકમેક મૈત્રીદોરની અતૂટ ગાંઠે બંધાઈ ગયા. એમના તરફ વિશેષ આકર્ષણ જાગવાનું એક કારણ એ હતું કે આશિતભાઇ પોતે સંગીતકાર, સ્વરકાર અને ગાયક તો ખરા. પણ અમારા “સોન-રૂપા”ના લગભગ દોઢસો મ્યુિઝકલ આલ્બમ્સ એકાદ બે અપવાદ બાદ કરતાં બીજા બધા આલ્બમ્સનું સંગીત આશિતભાઈએ તૈયાર કર્યું છે. આ અલબમ્સ ગુજરાતી આલમમાં ખૂબ ખૂબ લોકપ્રિય થયાં છે. તેનો યશ તો ખરેખર મારા પુત્ર હેમન્તને ફાળે જાય છે અને પ્રીતિ પણ હેમન્તને આ કામમાં સાથ આપે છે.

ત્રીજી વ્યક્તિ કે જેનું મારે ઋણ ચૂકવવાનું છે તે છે ડો. સુરેશ દલાલ. જેણે સાહિત્યની એક નવી દિશા બતાવી છે. એમના થકી ઈંગ્લેન્ડની કન્ટ્રીસાઈડ જોવાનો મોકો મળ્યો. અનેક કવિઓની મુલાકાતો લીધી. જીવનમાં એ મને એક ખૂબ અદભુત ભેટ આપી ગયા. એમણે શ્રીનાથજીનાં આઠ પદો લખેલાં તે પદો મને ગિફ્ટમાં આપેલાં. પછી આશિત દેસાઈ પાસે તેનું સ્વરાંકન કરાવી એક આલ્બમ તૈયાર કરાવેલું, જે ખૂબ પ્રસિદ્ધ થયું. મોટા ગજાના આર્ટિસ્ટો સાથે મુંબઈના ‘નહેરુ સેન્ટર’માં એક દિવસ આ પદો ગાવાનો મને પણ લહાવો મળશે તેની કલ્પના કરી નહોતી. આ પ્રાપ્તિનો યશ પણ હું સુરેશભાઈને આપું છું..

વિપુલભાઈ આગળ કહી ગયા તેમ 1983માં ભાષા-સાહિત્યના અધિવેશન વેળએ પરિષદના બે મોટા અતિથિઓના યજમાન બનવાનું થયું, ત્યાર પછી અકાદમીના ઘણા બધા કાર્યક્રમોમાં મેં હાજરી આપી છે અને સંગીત પીરસ્યું છે.

ડો. હીરાણી તો શરૂઆતથી જ મારી સાથે હતા. “શ્રુતિ આર્ટસ”ની રચના એ એમના જ વિચારો હતા. બીજાએ ઘણા કલાકારો સાથે જોડાયાં હતાં. “શ્રુતિ આર્ટ્સે” સમાજને જોડવાનું ઘણું મહત્ત્વનું કામ કર્યું છે પણ આ કહું છું ત્યારે અદમ ટંકારવીના એક જાણીતા શેયરનું આ મુખડું યાદ આવે છે: “હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં”. અને તેના એક શેયરમાં એવું આવે છે કે: “કટકા કટકા થઈ ગયા પરદેશમાં”. આ દેશમાં આવી આપણે છિન્નભિન્ન થઈ ગયાં છીએ ત્યારે આપણી ભાવિ પેઢીનું શું? વર્તમાન યુવાપેઢી ગુમરાહ બની રહી છે. એમને વ્યવસ્થિત રીતે ગાવું છે પણ એમને શીખવનારું કોઈ નથી.

મારું એક સ્વપ્ન છે. અહીં લેસ્ટર જેવા શહેરમાં ભારતીય વિદ્યાભવન જેવી સંસ્થા સ્થપાય, જેમાં ભારતથી ચાર પાંચ સંગીતનિષ્ણાતોને લાવીને યુવાવર્ગ માટે સંગીતના વર્ગો શરૂ કરીએ. અને એક ધમધમતી સંસ્થા લેસ્ટરમાં સ્થાપીએ એવી મારી ઈચ્છાને તમે બધા પૂરી કરજો, એવી હું અપેક્ષા રાખું છે.” ચંદુભાઈની મહેચ્છાને શ્રોતાજનોએ કર્તલનાદે વધાવી લીધી હતી.

અંતમાં ચંદુભાઈના તાજેતરમાં બહાર પડેલા આલ્બમમાંથી મૂર્ધન્ય સાહિત્યકાર રા.વિ. પાઠેકસાહેબનું એક પ્રસંગોચિત ગીતના પ્રસ્તુતિકરણ સાથે અકાદમી યોજિત સન્માનસમારંભ પૂર્ણતાએ પહોંચ્યો હતો.

કાર્યક્રમના  દીર્ઘ હેવાલની લિંક: http://opinionmagazine.co.uk/details/2736/swar-soor-ane-shabdana-upaasak-chandubhai-mattaninun-sanmaan

26 જૂન 2017

* * *

વીડિયો:

છબીઝલક: