શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણીનો સન્માન સમારંભ (રવિવાર, 9 એપ્રિલ 2017)

અકાદમીનો શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણી સન્માન સમારંભ

ભદ્રા વડગામા

નાત, જાત, ધર્મ, સંપ્રદાય, જાતિપાંતિ કે ભૂગોળની પેલે પાર રહી, ગુજરાતી ભાષા, સાહિત્ય તેમ જ સંસ્કૃિત ક્ષેત્રે સર્વસમાવેશક કાર્યક્રમો સંવારતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચચ્ચાર દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાન ભાષાસંવર્ધન, સાહિત્યસર્જન તથા સંસ્કૃિતસેવન ક્ષેત્રે સેવામય રહેલાં ચારેક મહારથીઓને પોંખવાના અને બિરદાવવાના અવસરો યોજવાનું નક્કી કર્યું છે.

એના અનુસંધાને આ સાલ દરમિયાન, આરંભે, શ્રાવિકા મંડળ તેમ જ વિલાસબહેન ધનાણીનું ઉચિત સન્માન કરવાનો એક કાર્યક્રમ ઇકનમમાં આવેલા ઇકનમ વિલેજ હૉલમાં નવમી અૅપ્રિલ 2017ના યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ બપોરે ત્રણેક વાગ્યે શરુ થઈ સાડાપાંચેક વાગ્યે પૂર્ણ થયો હતો; ત્યાર બાદ સૌએ અલ્પાહારને ન્યાય આપ્યો હતો.

કાર્યક્રમ બે દોરમાં પ્રસ્તુત થયો હતો. પહેલા દોરનું સંચાલન અને પ્રસ્તુિત શ્રાવિકા મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યાં હતાં. મંડળના યોગનાં શિક્ષિકા કુમુદબહેન પટેલે બેઠકની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરાવી. ત્યાર બાદ ભદ્રાબહેન વડગામા અને જશવંતીબહેન શેઠે વિલાસબહેનના નામનો મહિમા સમજાવ્યો. ‘નામ તેવા ગુણ’ કહેવતને વિલાસબહેને ખોટી પાડી છે કેમ કે તેમનામાં મોજમજા કે વિલાસનું નામનિશાન નથી, પણ આનંદની વાત એ છે કે ગુજરાતી લેક્સિકોનમાં આંતરિક વિલાસનો આમ અર્થ આપ્યો છે : ‘આત્માનું જે જ્ઞાન સ્વાભાવિક વિલાસરૂપ છે તે અંદર જ છે, તેને કોઈ બાહ્ય સામગ્રીની જરૂર પડતી નથી’. આ અર્થ વિલાસબહેનની પ્રકૃતિને ખૂબ જ અનુકૂળ છે.

ત્યાર બાદ જશવંતી શેઠ લિખિત મંડળની બહેનોને વર્ણવતું એક ગીત રજૂ થયું, જેના પર કુમુદબહેન પટેલ અને ઉષાબહેન મહેતાએ દીવા નૃત્ય કર્યું. આ ગીત અહીં આલેખું છું જેથી મંડળના નૈતિક વિચારો અને વલણનો ખ્યાલ આવે.

અમે શ્રાવિકા સત્સંગ મંડળનાં સ્વપનાં સારવનારાં
અમે જ્યોત જગાવી સૃષ્ટિનાવલીમાં સહજ વહેનારાં

અમે ગગનકુસુમ કર ધરનારાં, અમે યોગ આસન કરનારાં
વડીલોને પ્રેરણા દેનારાં, દૈન્યતિમિરને હરનારાં ….

અમે સ્વાસ્થ્યની ઉન્નતિ માટે જાગૃત રહેનારાં
સાત્ત્વિક ભોજન ખાનારાં અમે આનંદમંગલ કરનારાં ….

અમે અમારાં ગુરુના જ્ઞાનદીપને ઉજ્જવલ કરનારાં
યુગયુગ જીવો ગુરુજી અમારાં એવી પ્રભુને પ્રાર્થના ….

વિલાસબહેનના 80મા જન્મદિવસની ઉજવણીને ધ્યાનમાં લઈ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ આ બહુમાન અવસર યોજ્યો હોઈ, દરેક રજૂઆતમાં વિલાસબહેન ધનાણી પ્રતિ ગુણસંકીર્તનનો ભાવ વહેતો રહ્યો.

ભાનુબહેન શાહે કહ્યું કે આ મંડળનું નામ ભલે સત્સંગ મંડળ હોય પણ તેમાં ન તો કોઈ માળા ફેરવવામાં આવે છે કે ન તો કોઈ પૂજાપાઠ થાય છે. આ અનોખા મંડળમાં આયુર્વેદિક ઈલાજો અને પૌષ્ટિક ભોજન બનાવવાની રીતોની આપ-લે થાય છે. જ્ઞાનગોષ્ટિ, યોગ, મનન, ચિંતન, એક્યુપ્રેશર અને આધ્યત્મિક વાંચન થાય છે. સમૂહ વાંચનથી અક્ષરજ્ઞાન વિનાની બહેનોને અમૂલ્ય લાભ મળે છે, પણ તે સાથે વાંચનમાંથી નીતરતા મુદ્દાઓ પર ચર્ચામાં ભાગ લઈ, બહેનોમાં પોતાના વિચારો વ્યક્ત કરવાનો સંકોચ પણ દૂર થાય છે. રાધાબહેન અને ધનીબહેને વિલાસબહેનના સંપર્કમાં આવ્યા પછી જે શીખ્યાં તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘વિલાસબહેને અમને પહેરતાં ઓઢતાં શીખવાડ્યું, અમને શિક્ષાપત્રિકાના વાંચન સિવાયના વિશાળ સાહિત્યનો ખજાનો બતાડ્યો, અમને લંડનના રસ્તા ઓળખતાં, ટ્યુબનો નકશો વાંચતાં, તેમની કારમાં અમને જુદીજુદી જગ્યાએ ફેરવી નવી દુનિયા બતાડી અને 60 વર્ષની ઉંમરે પહોંચ્યાં હતાં તોયે અમને પબ્લિક સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી તરતાં શીખવ્યું’.

ભદ્રાબહેને મંડળની બીજી પ્રવૃત્તિઓ વર્ણવતાં બહેનોએ મ્યુિઝયમ ઑફ લંડનના ‘વીમેન મેઇકીંગ હિસ્ટરી’, લંડનના વિશ્વવિખ્યાત ક્યૂ ગાર્ડનના ‘સાઉથ એશિયન પ્લાન્ટ ક્લચર’, તેમ જ ‘મુવિંગ હિયર’ નામના પ્રોજેક્ટ્સમાં સક્રિય લીધેલા ભાગને વર્ણવતાં કહ્યું કે આ રીતે મંડળની બહેનોનો ફાળો બ્રિટનના નેશનલ આરકાઈવ્ઝમાં નોંધાયેલો છે જે ભવિષ્યના સંશોધકો માટે આપણી બહેનોના આ સમયગાળા દરમિયાનના પ્રગતિમય જીવનનો ખ્યાલ પૂરો પાડશે. તેમણે એ પણ જણાવ્યું કે બહેનોને ઉત્તમ પ્રકારની ફિલ્મો, નાટકો કે અન્ય પ્રવૃત્તિઓમાં હાજરી આપવા માટે વિલાસબહેન સતત પ્રયત્ન કરતાં જ હોય છે. એમના પ્રોત્સાહનથી ઘણી બહેનો સાહિત્ય અકાદમીના કાર્યક્રમમોમાં ઉપસ્થિત પણ રહે છે.

ત્યારબાદ કુમુદબહેને યોગ – માનસિક અને શારીરિક – અને વિપશ્યનાના ધ્યાનની પ્રવૃત્તિમાં વિલાસબહેને કેવી રીતે તેમને તેમ જ અન્ય કેટલીયે બહેનોને ભાગ લેતાં કર્યાં તેની વિગતો આપી.

પહેલા દોરના આખરી ભાગમાં કુસુમબહેન પોપટે ક્રોયડનના ‘જાગૃતિ એશિયન ઓર્ગનાઈઝેશન’ના પ્રતિનિધિ તરીકે બોલતાં તેમના પ્રથમ આયોજક સ્વ. શારદાદેવી પટેલનો ઉલ્લેખ કર્યો અને તેમનાં અને વિલાસબહેન વચ્ચે રહેલાં સામ્યનો અને એકબીજાંને પીઠબળ આપવાનો અને બન્ને મંડળ વચ્ચે રહેલા મીઠા સમ્બન્ધોનો ઉલ્લેખ કર્યો. આ સમયે સ્વ. જયાબહેન દેસાઈને પણ યાદ કરવામાં આવ્યાં હતાં અને તેમણે શ્રાવિકા મંડળમાં કરેલા યોગદાન અને વિલાસબહેન સાથેની મૈત્રીને સંભારવામાં આવી હતી.

કાર્યક્રમના બીજા દોરનું સંચાલન અકાદમીના સભ્ય નીરજભાઈ શાહે હાથ ધર્યું હતું.

તે દિવસે મહાવીર જ્યંતી હોવાનો ઉલ્લેખ કરતા અકાદમી-પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ કહ્યું કે શક્ય છે કે વિલાસબહેનમાં મહાવીર જેવી મહાન વ્યક્તિના ગુણો વિકસ્યા હોય. તેમણે વિલાસબહેનના પતિ રતિભાઈએ પણ વિલાસબહેનની જાહેર પ્રવૃત્તિઓમાં કેટલો બધો ભોગ આપ્યો હશે તેની વાત કરી બીજા દોરની માંડણી કરી.

શરૂઆતમાં વિલાસબહેનના અંગત કૌટુંબિક જીવનમાં તેમનો અનન્ય ફાળો, નાનાંમોટાંને માર્ગદર્શન આપવાની જવાબદારી, કેન્યામાં સાધારણ પરિસ્થિતિમાં પતરાના છપરાવાળા ઘરમાં, ઈલેક્ટ્રીસીટી વિના, આફ્રિકન પ્રજાની વસ્તી વચ્ચે રહીને ત્યાંની ગ્રામ્ય બહેનોને ભરતગૂંથણ શીખવાડતાં અને પતિને વેપારમાં સાથ આપતાં વગેરેની વાતો તેમનાં ભાભી લલિતાબહેન માલદેએ કરી. અને પછી વિલાસબહેનની પુત્રી લીના માલદેએ વિલાસબહેને માતા અને પત્ની તરીકેની એક સામૂહિક કુટુંબમાં બજાવેલી ફરજો સાથેસાથે, પતિના વેપારમાં, ઓશવાળ સમાજમાં આર્થિક મદદ અને અન્ય સ્ત્રીઓને શક્તિમાન બનાવવાની ભાવનાને કેવી રીતે વિકસાવી તેનો સચોટ અને ભાવવિભોર ખ્યાલ આપ્યો. તેમણે કહ્યું કે વિલાસબહેને પ્રેમથી સાચવેલા સમ્બન્ધો વર્ષો સુધી જળવાઈ રહ્યા છે. પતિની સાથે વિલાસબહેને ઘણાં દેશોની મુસાફરી કરી છે અને હજુ પણ મનગમતી મુસાફરીઓ ઘડી, હરવાફરવા નીકળી પડે છે. તેમણે કુટુંબના દરેક સભ્યને માનવતાના ગુણો શીખવ્યાં છે.

અકાદમીના બે અતિથિઓ – નીમા બહેન શાહ અને બ્રિટનના સુપ્રસિદ્ધ શહેરી નેમચંદ ભાઇ ચંદરયા – એ પોતાનાં વક્તવ્ય રજૂ કર્યાં હતાં. વિલાસબહેનના સ્વ. પતિ રતિભાઈ ધનાણીના મિત્ર તરીકે અને વિલાસબહેનની પ્રગતિ વિષે બોલતાં નેમુભાઈએ ભારત તેમ જ બ્રિટનમાંની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓને આપેલી આર્થિક મદદનું વર્ણન કર્યું. 1972માં બ્રિટન આવ્યા પછી તેમણે જે રીતે મંડળની સ્થાપના કરી તેની વાત કરી અને બહેનોને અંગ્રેજી શીખવા માટેની પ્રેરણા આપી, તેમને રીફ્લેક્સોલોજીમાં 800 જેટલી બહેનોને કેળવણી આપી, છેલ્લાં 40 વર્ષોમાં 40,000 પાઉન્ડ જેટલી રકમનું દાન શ્રાવિકા મંડળની બહેનો વતી કર્યું છે, જેનો ચિતાર આપ્યો. 1,000થી વધુ બહેનોને તેમના માર્ગદર્શનનો લાભ મળ્યો છે. તેમણે જે આપ્યું છે તેનો તેમને ન તો જશ જોઈએ છે કે ન તો માન. પણ તેમની કદર જનતાએ કરી છે અને તેમને બ્રિટનની નવનાત વણિક સંસ્થા અને લંડનની બ્રેન્ટ કાઉન્સિલ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સન્માનપત્રો મળ્યા છે.

નીમાબહેને વિલાસબહેન સાથે બાળપણથી સાધેલી મૈત્રીના સતત વહેતા સ્ત્રોતની વાત કરી વિલાસબહેનને દીર્ઘાયુની શુભેચ્છા પાઠવી હતી.
ત્યારબાદ ભારતથી વરસો પહેલાં બ્રિટનની મુલાકાતે આવેલા સ્વ. જયંતભાઈ પંડ્યાએ વિલાસબહેન વિષે લખેલા એક ચરિત્રલેખનું વાંચન કુંજબહેન કલ્યાણીએ કર્યું, જેમાં શ્રાવિકા મંડળની પ્રવૃત્તિઓનો તેમનો અનુભવ તેમણે ખૂબ સુંદર રીતે વર્ણવ્યો હતો. તેમણે મંડળની બીજી બહેનોની ક્ષમતાને પણ દાદ આપી હતી. વિલાસબહેન અસંખ્ય સ્ત્રીઓનો વિસામો છે. એવું એમને લાગ્યું હતું.

છેવટમાં, વિપુલભાઈએ અકાદમી સાથે વિલાસબહેન અને રતિભાઈના સહકારનો આલેખ કર્યો. મંડળમાં હરહંમેશ ભારતથી પધારેલા ગુજરાતી લેખકો, કવિઓ, આધ્યાત્મિક વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો – સૌ શ્રાવિકા મંડળની મુલાકાત લીધા વિના રહે જ નહીં. અકાદમીની ગુજરાતીની પરીક્ષાના પાયામાં વિલાસબહેનનો ફાળો બહુ મહત્ત્વનો હતો. આજે ગુજરાતી સાહિત્ય અકાદમીને જે સ્વરૂપ મળ્યું છે તેમાં જે દેખાતાં નથી પણ જેમનો ટેકો અમૂલ્ય રહ્યો છે તે નામોમાં અગ્રગણ્ય નામ વિલાસબહેનનું છે. એ માટે અકાદમી વતી ફોટોગ્રાફર શાન્તુભાઈ મારુએ ખાસ લીધેલી, શ્રાવિકા મંડળની સમૂહ છબિ, વિલાસબહેનને નેમચંદભાઈ ચંદરયા દ્વારા અર્પણ કરવામાં આવી. વળી, નીમાબહેન શાહને હસ્તે અકાદમી વતી વિલાસબહેનને તથા શ્રાવિકા મંડળને પ્રશસ્તિ-પદક પણ એનાયત કરવામાં આવ્યો.

મહેન્દ્ર મેઘાણીના ‘મિલાપ’ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સામયિક ‘મિલાપ’ની સીડી વિલાસબહેનને વિપુલભાઈએ ભેટ આપી. બધાનો આભાર માનતાં વિલાસબહેને કહ્યું કે તેમની ઈચ્છા વિરુદ્ધ આ પ્રસંગ યોજાયો છે, પણ તે પ્રેમના સંબંધે તેમાં હાજર રહેવા માટે કબૂલ થયાં હતાં. તેમણે કહ્યું કે મૈત્રી ભાવનાં પવિત્ર ઝરણાંને જીવનમાં અપનાવવાની વૃત્તિ દ્વારા મંડળની બહેનોમાં પ્રેમ, મૈત્રી, બીજાનાં કામોની પ્રસંશા, અને ફકીરી – સુખ દુઃખ પ્રત્યે સમાન ભાવ – કેળવાય એ જ તેમનો આશય છે. જાગૃતિ સાથે આત્મબળ વધે એ જ તેમની આકાંક્ષા છે. તેમણે ઉમેર્યું કે આપણે બધાં એક ‘સુપર પાવર’ – એક ભવ્ય શક્તિ – થી જોડાયેલાં છીએ જે કોઈ નષ્ટ નથી કરી શકતું. વાંચનના મહત્ત્વનું દર્શન પણ તેમણે કરાવ્યું. સત્ય અને શક્તિ એકબીજા વચ્ચે વહેંચવાથી ઓછાં નથી થતાં. તેમનું માનવું છે કે જે શ્રાવિકા સત્સંગ મંડળમાં હાજર રહે તેમને એક જાતની જાગૃતિ અને ઉત્કૃષ્ટતા મળે એ જ તેમની ઈચ્છા છે. તેમણે મંડળની બીજી બહેનોનાં અનેક – જે સામાન્ય રીતે મુશ્કેલ લાગે તેવાં – કાર્યો પાર પાડવા માટેની પ્રસંશા કરી, દા.ત. અમુક બહેનો માનસરોવરની જાત્રાએ ગઈ હતી, એક બહેન બિહારમાં અંધજનો માટેના કેમ્પમાં જઈ મદદ કરી આવી હતી. તેમનો અને બિન્દુબહેન ગુજરાતમાં જે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામ કરી રહ્યાં છે તેનો ઉલ્લેખ કર્યો, અને હાલમાં બિન્દુબહેન સાથે તે સંસ્થાઓની તેમની મુલાકાતનું વર્ણન કર્યું.

અંતમાં અકાદમીના મહામંત્રી પંચમ શુક્લએ આભારદર્શન કરી સભાનું સમાપન કર્યું હતું. તેમણે વિલાસબહેનના ભવ્ય સ્વરૂપનું દર્શન થયું જેની રજૂઆત કરનાર તેમ જ હાજર રહી જે શ્રોતાઓએ ભાગ લીધો તેમનો અને તેને સફળ બનાવનાર કાર્યકરો – સૌનો આભર માન્યો.

e.mail : bv0245@googlemail.com

વીડિયો:

છબીઝલક: