આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ (મે 2013)

દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ (મે 2013) નો અહેવાલ.

”પડઘાતા હતાં ટહુકા જેનાં અહીં, આજ મોંઘેરા એ મહેમાન આવ્યા અમ આંગણે”

૫ મે ૨૦૧૩ એટલે આંતરરષ્ટ્રીય ગુજરાતી દિવસ. લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા એની ઉજવણી ૫ મે ૨૦૧૩નાં રોજ ઇકનમ વિલેજ હૉલમાં રાખવામાં આવી. અતિથિ વિશેષ તરીકે અમેરિકાથી પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધી પધાર્યા હતાં. દીપ પ્રાગટ્યની વિધિથી કાર્યક્રમની શરૂઆત થઈ.

અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ એમની આગવી છટામાં કાર્યક્રમનાં સંચાલનનું સૂકાન સંભાળ્યું. સમયાંતરે તે કાર્યક્રમનો દોરી સંચાર કરતા રહ્યા, વાત કરતા રહ્યા એ ગુજરાતની – ગુજરાતીની ગરિમાની, આપણી ઓળખની. આવાં જ એક વ્યક્તિત્વની – ભોળાભાઈ પટેલની – યાદ તાજી કરાવવા એમણે અનિલભાઈ વ્યાસને મંચ ઉપર નિમંત્ર્યા.

અનિલભાઈએ, બ-ખૂબીથી, ભોળાભાઈને વર્ણવ્યા. એમના ગુજરાતી સાહિત્યમાંના યોગદાનની ઝાંખી કરાવી. એમનાં અમુક લખાણો, નિબંધોને પણ ઉલ્લેખ્યાં. ભોળાભાઈના પ્રવાસ નિબંધની એ ખાસિયાત કે કર્તા એક જ કૃતિમાં, થોડાક જ શબ્દોમાં, વર્તમાનથી ઇતિહાસની સફર કરાવી દે તથા તેમના નિબંધોના વિષયો ચર્ચવાનું પણ ન ચુક્યા. ખરેખર, અનિલભાઈએ જે વિષયમાં મુઠ્ઠી ઊંચેરાની વાત હતી, એ વિષયને પણ મુઠ્ઠી ઊંચેરો કરી આપ્યો.

અનિલભાઈના વક્તવ્ય પર આધારિત લેખ “ઓપિનિયન મેગેઝિન” વેબસાઈટ પર વાંચી શકાશે: અહીં ક્લિક કરો.

વાત જ્યાં ગુજરાતી સાહિત્યની થતી હોય, ત્યાં સુરેશ દલાલનો ઉલ્લેખ ન આવે, એ ભલા શક્ય છે ખરું ? આપણે સહુ સુરેશ દલાલને એક કવિ તરીકે જાણીએ, પણ ‘સુરેશ દલાલ – એક જલસાનો માણસ’ એમ તો પન્ના નાયક જ વર્ણવી શકે. પન્નાબહેન કહે છે કે એ અને સુરેશ દલાલ ગાઢ મિત્રો. સંબંધ આત્મિયતાનો એટલે એક-બીજાને ‘તું’ કહેવા સિવાયનાં બીજા કોઈ ભારેખમ વિષેષણો એ વાપરી શકતાં નહીં. સુરેશ દલાલ હાજર નથી એ હજુ ય પન્નાબહેન માની શકતાં નથી, સ્વીકારી શકતાં નથી, અને એટલે જ એમણે સુરેશ દલાલની બધી ય વાત વર્તમાનમાં જ કરી, જાણે એ હજી ય હયાત ન હોય ! એમની વાત કરતાં કરતાં પન્નાબહેન થોડાં ભાવુક થઈ ગયાં હતાં, એ એમનાં અવાજ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. પન્નાબહેને એમની અને સુરેશભાઈની મિત્રતાની ડાયરીનાં ઘણાં પાનાં ખોલ્યા હતાં. એ સ્વદેશ આવતાં, ત્યારે અને સુરેશભાઈ પરદેશ – અમેરિકા જતાં, ત્યારની પણ ઘણી વાતો કરી. પન્નાબહેનના શબ્દોમાં તેઓ ‘એક-બીજાનાં અવગણોને ઓળંગી જનારાં મિત્રો’ હતાં. સુરેશ દલાલ વિષે વધુ જણાવતાં તેઓ કહે છે કે ‘સુરેશ એટલે મૈત્રીની મમતા અને કવિતા. સુરેશ દલાલ એટલે ગુજરાતીઓને ગુજરાતી પુસ્તકો વાંચતા કરનાર જાદુગર. પાંચ આંગળીઓએ પુણ્ય કર્યા હોય એને સુરેશ જેવા મિત્ર મળે.’ પન્નાબહેને પોતાના પુસ્તકોનાં પ્રકાશનોનું શ્રેય પણ સુરેશ દલાલને આપ્યું. એ કહે છે કે સુરેશ દલાલનું મૃત્યુ પણ એક લેખકને છાજે તેવું હતું. અંતમાં એમણે સુરેશ દલાલે પોતે જ પોતાનાં મૃત્યુ વિષે લખેલી કવિતાની રજૂઆત પણ કરી.

કાર્યક્રમમાં આગળ વધતા, ગુજરાતની અસ્મિતાની ઓળખ જેમણે અમેરિકામાં કરાવી એવા નટવરભાઈ ગાંધીએ વિપુલભાઈનાં કામને અને આટલાં વરસોથી “ઓપિનિયન” પત્રિકા ચલાવવા બદલ બિરદાવ્યા. નટવરભાઈએ ગુજરાતી સાહિત્યની સાથે સાથે અમેરિકી સાહિત્ય અને સાહિત્યકારોની પણ ઘણી રસપ્રદ વાતો કહી. એમણે ગાંધીજીની વિચારધારા અને ઈમરસનની વિચારધાર, રહેણી-કરણીની આબેહૂબ તુલના કરી. એમના ઉપર ગુજરાતી સાહિત્યની સાથે અમેરિકી સાહિત્ય અને વિભૂતિઓનો પણ પ્રભાવ નજરે પડ્યો.

આ કાર્યક્રમમાં કનૈયાલાલ મુનશી કે જેમની ૧૨૫મી જન્મતિથિનું આ વરસ છે, એમની ઝાલર નિરંજનાબહેન દેસાઈએ વગાડી. એ કહેતા હતાં કે કનૈયાલાલ મુનશી એક સફળ કારકિર્દી ધરાવતા લેખક, સફળ ધારાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક અને સાહિત્યકાર હતા. એમણે સાહિત્યના જુદા જુદા વિષયોમાં ખેડાણ કર્યું, એની ય વાત કરી. એમણે મુનશીનાં નાટકનાં પાત્રોને શેક્સપિયરનાં નાટકોનાં પાત્રો સાથે સરખાવ્યાં તથા ધૂમકેતુ અને મેધાણી જેવા માંધાતા સાહિત્યકારોને પણ મુનશીનાં સર્જનોમાંથી પ્રેરણા મળતી તથા સ્વરાજની લડત તેમ જ, એ પછી પણ, મુનશીનો દેશ – સમાજ માટે શું ફાળો રહ્યો એ ટાંકવાનું પણ નિરંજનાબહેન ન ચુક્યાં.

ત્યારબાદ, કુસુમબહેન પોપટે એમનાં પુત્રનાં સ્મર્ણ અર્થે અકાદમીને ૧૦૦૦ પાઉન્ડનો ચેક દાનરૂપે અર્પણ કર્યો. જે ભદ્રાબહેન અને લાલજીભાઈએ સપ્રેમ સ્વીકાર્યો હતો. ત્યારબાદ મધ્યાંતરે પડાવ નાખ્યો.

મધ્યાંતર બાદ, ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટનું વિધિવત્ વિમોચન – મંગલાચરણ ભદ્રાબહેન વડગામા, વિજ્યાબહેન ભંડેરી તથા લાલજીભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું. એ માટે સમય અને શ્રમ ફાળવવા બદલ પંચમભાઈ શુક્લ તથા નીરજભાઈ શાહને તાળીઓથી વધાવવામાં આવ્યા. પંચમભાઈ અને નીરજભાઈએ વળી વેબસાઈટ વિષેની ટૂંકી માહિતી આપી હતી.

ત્યારબાદ, ગુજરાતી સાહિત્યનું ગૌરવ અને ખુદ જાણે ડાયસ્પોરિક કવિતા એવાં પન્નાબહેન નાયકનો ટૂંકો પરિચય આપવાનું અને એમનાં સર્જનોની થોડીઘણી ઝાંખી કરાવવાનું બીડું નીરજભાઈ શાહ અને ભદ્રાબહેન વડગામાએ ઉપાડ્યું. એમનો પરિચય આપતા નીરજભાઈ કહે છે કે આ તો સૂરજને દીવો બતાવવા જેવી વાત. એમનાં જન્મ અને કારકિર્દીની સફર તથા ચાર દાયકા લાંબી એમની સાહિત્યયાત્રાનાં જુદાં જુદાં પાસાઓ, એમનાં સાહિત્યિક ખેડાણો અને તેમનાં કાવ્યમય મિજાજને નીરજભાઈએ બ-ખૂબી વર્ણવ્યો. ભદ્રાબહેને પન્નાબહેનનાં ખુમારી અને નારી સંવેદનને પ્રગટ કરતાં કાવ્યોની રજૂઆત કરી. સાથે સાથે એમણે અન્ય લેખકોનાં આ વિષયો ઉપર લખાયેલાં અનુરૂપ થોડાં કાવ્યો, ઘટનાઓ પણ ટાંક્યાં.

નીરજભાઈના વક્તવ્ય પર આધારિત લેખ “ઓપિનિયન મેગેઝિન” વેબસાઈટ પર વાંચી શકાશે: અહીં ક્લિક કરો.

ભદ્રાબહેનના વક્તવ્ય પર આધારિત લેખ “ઓપિનિયન મેગેઝિન” વેબસાઈટ પર વાંચી શકાશે: અહીં ક્લિક કરો.

અને પછી, કવયિત્રી પન્નાબહેન પોતે જ એમનાં અમુક કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો. અમુક કાવ્યો એમણે ક્યારે, કયા સંજોગોમાં અને કઈ પ્રેરણાથી લખ્યાં તથા એમની કાવ્યો લખવાની શરૂઆત અને એ માટે કઈ પ્રેરણા અને પરિબળ જવાબદાર હતાં એની રસપ્રદ વાતો કરી. હકીકતે, આ અવસર એમની ૮૦મી જન્મદિનની ઉજવણીનો અવસર બની રહ્યો.

પંચમભાઈએ નટવરભાઈ ગાંધીનો ટૂંકો પરિચય, કારકિર્દીનો પરિચય આપ્યો : ‘કામ નાણાંનું, અભિરુચિ કવિતાની’. એમનાં કાવ્યસંગ્રહો, એમની કવિતાઓ, એનું ઉંડાણ અને લાગણીઓ, કટાક્ષ અને એ કવિતાઓ -કાવ્યસંગ્રહોનાં જુદા વિષયો અને અમુક કાવ્યોનાં રસાસ્વાદ કરાવ્યા. ત્યાર બાદ નટવરભાઈએ ખૂબ જ ટૂંકમાં પણ સરસ વાત કરી. ગાંધીજી વિશે એમણે લખેલા અનેક સોનેટોમાંથી એક સોનેટની, સાબરમતી આશ્રમની તથા દાંડીકૂચના એક નાનકડા પ્રસંગની ચર્ચા કરી તથા પન્નાબહેન રચિત એક સોનેટ રજૂ કર્યું.

કાર્યક્રમનાં અંતિમ દોરમાં, વિજ્યાબહેન ભંડેરીએ મુખ્ય મહેમાનો પન્નાબહેન અને નટવરભાઈનો, કાર્યક્રમનું સંચાલન કર્તા વિપુલભાઈ કલ્યાણીનો, ગોઠવણી માટે ભદ્રાબહેન વડગામાનો, માઈક ઇ.ની સેવાઓ આપાનાર શાંતિભાઈ મારુનો, સર્વે વક્તાઓનો, તેમ જ નટુભાઈ કાપડિયાનો અલ્પાહાર માટે તથા કાર્ય સમિતિ અને હાજર રહેનાર તમામ સહિત્ય રસિકોનો આભાર માન્યો.

– ધ્વનિ ભટ્ટ

વીડિયો:

 

છબિ ઝલક:

ફોટો – વીડિયો: શરદભાઈ રાવલ, પંચમભાઈ શુક્લ, નીરજભાઈ શાહ