“તમે તો કેવળ સંદેશો જ માંગ્યો છે; પણ હું થોડુંક દોઢ ડહાપણ ડહોળીને ભેગી થોડીક શિખામણ પણ મોકલું છું, ગમે તો ગળે ઉતારવાની; નહીંતર ઝાંપા સુધી લઇ જવાની જરૂરત નથી. એ હાથમાં આવે એવી જ તેને ગળાટૂંપો દઈ ફાવે ત્યાં ફેંકી દેવી.
સંદેશો તો એ જ દેવાનો હોય કે હું તમારી સફળતા ઇચ્છું છું. એ તો ઇચ્છું છું જ; પણ તમે ત્યાં અંગ્રેજી ભાષાની વિશાળ ઉદ્દાત ધરતી ઉપર ગુજરાતી ભાષાનું જે આમ્ર વૃક્ષ રોપ્યું છે અને હવે એના ઉપર થોડોક થોડોક મોર પણ લાગવા માંડ્યો છે, એ જોઇને તમારા અને તમારા સાથીદારોના વાંસા બબ્બે હાથે થાબડવાનું મન થાય છે. ક્યારેક ત્યાં આવવાનું થયું તો એ પણ કરીશ જ.
રહી શિખામણની વાત. તો એ શબ્દ ઉદ્ધત લાગતો હોય તો એને શિકાયત પણ ગણી શકો છો. કહેવાનું કેવળ એટલું જ કે તળ ગુજરાતમાં ગુજરાતી ભાષાના સમર્થકોએ અને ગુજરાતી સાહિત્યના સર્જકોએ જે મોટી ભૂલ કરી છે એવી ભૂલ તમે કરતા નહીં.
એમણે કરેલી ભૂલ એ છે કે તેમણે ગુજરાતી સાહિત્યનું મોં ચંદ્રની સૂરજમુખી બાજુની જેમ સતત પોતાના ઉજળિયાત વર્ગના ચંદ્રમુખો તરફ જ માંડેલું રાખ્યું છે. ગુજરાતના ઉજળિયાત વર્ગ સિવાયના બાકીના અર્ધા કે એથીયે વધુ ગુજરાતી ભાષીઓ, ગુજરાતી સાહિત્ય પૂરતા, એ કારણે હજી લગી નર્યા અંધકારમાં જ પડેલા છે. એ બધા કેવી રીતે જીવે છે, શું કરે છે, શું વિચારે છે, શી એમની જીવન અનુભૂતિ છે અને શી એમની જીવન આકાંક્ષાઓ છે, એની તળ – ગુજરાતના ગુજરાતી સાહિત્યને હજી લગી ખબર પડી નથી.
ત્યાંનું ગુજરાતી સાહિત્ય એના કારણે સારા જેવું ઊણું રહી ગયું છે. એના કારણે જ ગુજરાતી ભાષા પોતે પણ હજી લગી એના નબળા મોર-પગ ઉપર જ ઊભેલી છે. જે ભાષા અને જે સાહિત્ય પોતાના અર્ધા જેટલા લોકો તરફ ઊંચી આંખ કરીને ન જુએ એને બીજી ભાષાઓ અને એમના સાહિત્ય તરફ નીચી આંખ રાખીને જ જોવાનું રહે છે.
તમે ધારો તો તળ – ગુજરાતની ત્રુટિને દૂર કરી શકો છો.
તમારે એ વાટે, તમે ત્યાં પેટાવેલી ગુજરાતી ભાષાના દીવાની વાટને એટલી ઊંચી રાખવી પડશે કે જેથી તમામ ગુજરાતી ભાષીઓ સુધી તેનું તેજ પહોંચી શકે અને ત્યાં સરજાતા ગુજરાતી સાહિત્યના તમામ દરવાજા એટલા બધા ખુલ્લા રાખવા પડશે કે બધા ગુજરાતીઓના શ્વાસોશ્વાસ એમાં પ્રવેશી શકે.
તમે જો એવું કર્યું તો વખત જતાં ગુજરાતી ભાષાના મોર-પગ સિંહ-પગ બની શકે છે અને તેનું સાહિત્ય સભર અને તત્ત્વવંતુ પણ બની શકે છે. ”
− નૂર મોહમ્મદ જમાલ ‘નૂર’
તત્કાલીન તંત્રી : “વતન” દૈનિક ગુજરાતી, કરાંચી
સૌજન્ય :”આહ્વાન”, વર્ષ ૧ – અંક ૧; દશાબ્દી મહોત્સવ વિશેષાંક; ઑગસ્ટ 1986