પ્રકાશકીય
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.”
આના અનુસંધાને, આ પરિષદે ઠરાવેલું કે સાહિત્ય ક્ષેત્રે ચુનંદા નૉબેલ પારિતોષિક વિજેતાઓનાં પ્રવચનોના ગુજરાતી અનુવાદોનો એક સંચય તૈયાર કરવો; આ કામનું સંપાદન અદમ ટંકારવી અને પંચમ શુક્લને સોંપવું; તેમ જ અકાદમીના ચાર-સાડા ચાર દાયકાના પડાવે આ સંચયને સાંપ્રત અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીના ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયાસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદર રૂપે પ્રગટ કરવો.
આ પુસ્તક માટે સંપાદકોએ સહસ્રાબ્દીના સંધિકાળની આસપાસના વર્ષો(૧૯૯૧થી ર૦૧૬)ની પસંદગી કરી હતી. નૉબેલ પ્રવચનોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ માટે યોગ્ય અનુવાદકોની પસંદગી અનૌપચારિક રીતે સંપાદકો અને અકાદમીના સંપર્કો દ્વારા સર્વસમાવેશક અભિગમને અનુસરીને કરવામાં આવી હતી. અલબત્ત, વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; સંપાદકો અને અકાદમી સાથે નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે એવી દેશ-પરદેશની (બ્રિટન, નૉર્થ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત) વ્યક્તિઓને નિમંત્રણ મોકલવામાં આવ્યા હતા. મોટાભાગના સ્વીકૃત નિમંત્રણો સમયાંતરે અનુવાદ મેળવવામાં સફળ થયાં હતાં. સાથોસાથ કેટલાક અનુવાદક મિત્રોએ એકથી વધુ અનુવાદો કરી આપી, ન મેળવી શકાયેલા અનુવાદોની ખોટ પડવા દીધી ન હતી. ર૧ અનુવાદકો પાસેથી મળેલા ર૬ અનુવાદોમાં ભાષાની વિવિધ લઢણો, વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરિવેશ અને ડાયાસ્પોરિક અનુભવોની ઝાંય ઝીલતું આ પુસ્તક એટલે અમારી આ દરિયાપારની ગુજરાતી સંસ્થાની આગવી મથામણનો એક અનોખો પ્રયત્ન.
આ બધા અનુવાદો The Nobel Prizeની સત્તાવાર વેબસાઈટ nobelprize.org પરથી વક્તવ્યો ઉતારીને કરવામાં આવ્યા છે. જ્યાં ખપ પડ્યો ત્યાં છબીઓ પણ મોટે ભાગે એમાંથી જ વાપરવામાં આવી છે. એ રીતે વર્તમાન અને આવનારી પેઢી માટે આ ઉજ્જવળ અને ઉમદા ખજાનો ખુલ્લો મૂકનાર નૉબેલ ફાઉન્ડેશન માટે સાભાર સૌજન્યની લાગણી અને ફરજ બની રહે છે.
આ પુસ્તકના પ્રકાશનની યોજનાને, આરંભથી અંત સુધી નાણાકીય અને આયોજનની તમામ ગતિવિધિઓમાં, ગુજરાતી સાહિત્ય અકાદમીના અધિકારીગણ અને કાર્યવાહી સમિતિ દ્વારા સાંપડેલા સંપૂર્ણ પીઠબળને સહર્ષ વધાવું છું. અક્ષરે અક્ષરે પાનાંઓ પ્રગટાવી, પ્રકાશન પ્રકલ્પને સાકાર કરી આપવા માટે તમામે તમામ અનુવાદકોનો અંતરમનથી આભાર માનું છું. અકાદમી વતી સંપાદકોના સમય, શક્તિ, ધીરજ અને અનુવાદકો સાથેના સુચારુ પત્રવ્યવહારની કદર કરું છું. ‘Enhancer Only’ના અધિપતિ કેતન રુપેરાએ સાબરમતીના તીરેથી આ પુસ્તકને આખરી ઓપ આપ્યો છે. ઉપરાંત, સજાવટ, મુદ્રણ અને વિતરણ સહિતની તમામ જવાબદારી સંભાળી સંસ્થા અને સંપાદકોને જે ગોવર્ધન-ટેકો કરી આપ્યો છે તેની ઓશિંગણ ભાવે નોંધ લઉં છું. આખરે, આ પ્રકલ્પના દરેક ચરણે જેમણે સતત માર્ગદર્શન અને હૂંફ આપી છે એ અકાદમીના પ્રમુખ અને ગુજરાતી ડાયાસ્પોરાની દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણીને સ્નેહવંદન કરી આ પુસ્તક સંપાદકો અને સંસ્થા વતી એમને અર્પણ કરતાં ગૌરવ અનુભવું છું.
પંચમ શુક્લ
મહામંત્રી
ગુજરાતી સાહિત્ય અકાદમી (યુનાઇટેડ કિંગ્ડમ)
હેરો, ર૮ ડિસેમ્બર, ર૦ર૧
સાહિત્યત્વ – સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016); સંપાદક : અદમ ટંકારવી – પંચમ શુક્લ; સંવર્ધક : કેતન રુપેરા; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી – યુનાઇટેડ કિંગ્ડમ; પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022; પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”; પૃ. 432 (30 + 402); રૂ. 675 • £ 8 • $ 10
* * * * *
પરિષ્કૃતિ
ઉપક્રમ
૧૮૯પમાં આલ્ફ્રેડ નૉબેલના વસિયતનામામાં પાંચ ક્ષેત્રે ઇનામો આપવાનું સૂચવેલું, તે પૈકીનું એક તે સાહિત્ય માટેનું પારિતોષિક. આ ઇનામ પ્રતિવર્ષ ‘આદર્શ દિશામાં સૌથી વિશિષ્ટ સાહિત્યસર્જન’ માટે અપાય એવો નિર્દેશ હતો. આનું સંચાલન ‘સ્વિડિશ અકૅડમિ’ના હસ્તે. આરંભે જ ‘આદર્શ દિશામાં’ના અર્થઘટન વિશે મૂંઝવણ ઊભી થઈ. નૉબેલના મનમાં ‘આદર્શ’નો શો અર્થ હશે?
૧૯૦૧થી ૧૯૧રના ગાળામાં આદર્શ એટલે ‘ઉદ્દાત્ત અને અણીશુદ્ધ આદર્શવાદ’ એવી સમજ રહી – એવો સનાતની આદર્શવાદ જેમાં દેવળ, રાજ્ય અને કુટુંબની પવિત્રતાનો સ્વીકાર હોય. પ્રથમ વિશ્વયુદ્ધના આરંભે આ દૃષ્ટિબિંદુ બદલાયું અને ‘સાહિત્યિક તાટસ્થ્યની નીતિ’ અપનાવાઈ. યુદ્ધખોર મહાસત્તાઓને કોરે મૂકી નાનાં રાષ્ટ્રો તરફ ધ્યાન ગયું. ૧૯ર૦થી ત્રીજો ગાળો શરૂ થયો જેને ‘ઉત્કૃષ્ટ શૈલી’નો ગાળો કહી શકાય. આના પાયામાં હતાં પ્રશિષ્ટનાં લક્ષણો. પછીથી આ અર્થઘટનનો વ્યાપ વધારી એમાં ‘ઉદાર દિલનું માનવ્ય’નો સમાવેશ કરાયો. ૧૯૩૦ના ગાળામાં ‘માનવજાત માટે મહત્તમ લાભકર્તા’ સંદર્ભે અકૅડમીએ નૂતન અભિગમ અપનાવ્યો. ‘માનવજાત’ એટલે જે તે કૃતિના ભાવકો, એવું અર્થઘટના સ્વીકારાયું. આમાં દરેકની પહોંચમાં હોય એવા સર્વદેશીય સાહિત્યનો સમાવેશ થયો. આને કારણે પર્લ બૅક અને સિન્કલૅર લૂઇસ જેવાં સર્જકો પોંખાયાં અને પૉલ વાલૅરિ જેવા કવિ બાકાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૬માં લોકભોગ્યનો મહિમા ઘટ્યો અને ‘અગ્રિમો’ પર લક્ષ કેન્દ્રિત થયું. આ ‘અગ્રિમો’ એટલે નવી પ્રણાલી માટે કેડી તૈયાર કરનારા સર્જકો. એવા અગ્રગામી સર્જક જે સાહિત્યમાં વિશ્વદર્શન અને નિરૂપણશૈલીની નવી શક્યતાઓ ઉઘાડી આપે. ૧૯૭૮થી આ નીતિમાં ‘વ્યવહારુ વિચારણા’નું નવું પરિમાણ ઉમેરાયું. ‘મહત્ત્વના પણ અજાણ્યા સર્જકો અને સાહિત્યો’ને ધ્યાનમાં લેવાયાં. ૧૯૮૦ પછી તો આમાં વિશ્વસાહિત્યને આવરી લેવાયું. નૉબેલના વસિયતનામાનો નિર્દેશ પણ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજોનો જ હતો. લાંબા ગાળા સુધી આ પારિતોષિક મહદંશે ‘યુરોપીય ઘટના’ હતી, તે સ્થિતિ હવે બદલાઈ અને બિનયુરોપીય સર્જકો તરફ પણ ધ્યાન ગયું. ૧૯૯૦ના દાયકામાં ‘આદર્શ દિશામાં’ના શાબ્દિક અર્થને બદલે, ‘એવું સાહિત્ય જે માનવ અને માનવનિયતિ વિશેની સભાનતા વધારે, અને માનવજીવનને સમૃદ્ધ કરવા મથે’, એવું ઉદાર અર્થઘટન થયું. આ પ્રક્રિયાને અંતે આજે એમ કહી શકાય કે, સાહિત્યનું નૉબેલ ઇનામ ‘સાહિત્યિક પારિતોષિક’ છે. ૧૯૭૦ના ગાળામાં પ્રયોગશીલતાના ભોગે નૈતિક મૂલ્યોનો જે મહિમા થતો હતો તે હવે નથી. સાહિત્યનું નૉબેલ પારિતોષિક આજે એના નામને ચરિતાર્થ કરતું ઇનામ છે.
૧૯૯૧-ર૦૧૬ દરમિયાન સાહિત્યના નૉબેલ પારિતોષિકથી પુરષ્કૃત સર્જકોએ ઇનામ સ્વીકારતાં જે વક્તવ્યો આપેલાં તેના ગુજરાતી અનુવાદોનું આ પુસ્તક છે. આ વક્તવ્યોમાં આ સર્જકોની સાહિત્યની વિભાવના, સાહિત્યનું પ્રયોજન, સર્જનપ્રક્રિયા, ભાષાકર્મ તથા ભાવક સાથેના સેતુ અંગેની વિચારણા પ્રકટ થાય છે. આપણી ભાષાના સર્જકો અને ભાવકો માટે આ મંતવ્યોના અવગાહનનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. આ સર્જકોએ વિશ્વસાહિત્ય ક્ષેત્રે નવી દિશાઓ ચીંધી છે, અને એઝરા પાઉન્ડની સલાહ છે કે સાહિત્યિક બાબતોમાં ‘જેમણે પોતે નોંધપાત્ર સર્જન નથી કર્યું તેમનું મંતવ્ય ન સ્વીકારો.’ નૉબેલ પારિતોષિકથી વિભૂષિત સર્જકોના ચિંતનના પરિશીલનથી આપણી ભાષાના સાહિત્યકારની સર્જકચેતના પરિષ્કૃત થાય અને આપણા ભાવકની રુચિ સંમાર્જિત થાય એવો આ ઉપક્રમ છે.
સાહિત્યપદાર્થ
કોઈપણ સજાગ સાહિત્યકારના મનમાં ‘સાહિત્ય શું છે?’ ‘સાહિત્ય શું કરે છે?’ એ પ્રશ્નો ઊઠવાના. નેડીન ગોર્ડીમરના મતે, સાહિત્યસર્જન એટલે શબ્દ દ્વારા ‘વ્યક્તિ તથા સમષ્ટિને પામવાનો પ્રયાસ’. માનવીના હોવાપણાની જે સંકુલ છતાં રળિયામણી દાસ્તાન છે તેના ઉપર મશાલ ધરીને અજવાળું કો’ક વિરલ, પ્રતિભાસંપન્ન સર્જક જ કરી શકે. વિસ્લાવા સિમ્બોર્સકા સાહિત્યસર્જનને ખોજરૂપે જુએ છે, અને કહે છે કે ‘પ્રેરણા’ નામનું તત્ત્વ ગમે તે હોય, પણ તે સતતપણે ‘મને જાણ નથી’ના બીજમાંથી જન્મે છે. ડેરેક વૉલકોટ પણ કહે છે કે કવિતાની પ્રક્રિયા એટલે ઉત્ખનન અને આત્મખોજ. માનવીના રોજિંદા જીવનમાં એક ચોક્કસ પ્રકારની રહસ્યમયતા નિહિત છે. પેટ્રિક મોદિયાનો કહે છે કે સાહિત્યકાર વ્યક્તિના ઊંડાણમાં છુપાયેલી આ ‘અંધકારમાં પ્રકાશની ઝલમલ ઝાંય’ સમાન રહસ્યમયતાને અનાવરિત કરે છે.
સર્જક એના શબ્દ દ્વારા ‘લગભગ ઝીલી ન શકાય એવી માનવનિયતિને’ તાદૃશ કરે છે. શેયમસ હિની ‘બાહ્ય વાસ્તવના પ્રભાવને વફાદાર અને કવિના હોવાપણાના આંતરિક નિયમન પરત્વે સંવેદનશીલ’ હોય એવી કવિતાને સાર્થક કવિતા કહે છે. કવિ મૂલ્યોનો ખોજી અને સંગ્રાહક છે. સાચી કવિતા આપણને યાદ અપાવે છે કે ‘આપણી એકલતાઓ અને પીડાઓ પણ આપણું જમાપાસું છે, કેમ કે તે આપણા યથાર્થ માનવ હોવાની એંધાણી છે.’ આપણી ચોતરફ અનિષ્ટના પુરાવા મોજૂદ છે, તે છતાં આપણી ભીતરના પેલા નિર્બળ, ભેદ્ય અંશને એના સાચાપણા વિશે આશ્વાસ્ત કરવાની તાકાત મહાન સાહિત્યમાં હોય છે. હોરે મારિયો પેદરો વરગાસ લોસા અનુસાર, આપણે સાહિત્યિક કૃતિઓમાં ‘જિંદગીની અધૂરપની પૂર્તિ ખોજીએ છીએ’. માનવનિયતિની પૂર્ણ પ્રાપ્તિની ઝંખનાને સંકોરવા આ જરૂરી છે. ડોરિસ લેસિંગ કહે છે કે સાહિત્યનું ‘વાચન પૂર્ણ મનુષ્યનું સર્જન કરે છે’. એને શ્રદ્ધા કહે છે કે, ‘જ્યારે આપણે ખંડિત થઈશું, ઘવાઈશું, કે નાશ પામીશું ત્યારે આપણી વાર્તાઓ જ આપણું નવસર્જન કરશે’.
ઉત્તમ સાહિત્ય માનવસમૂહો વચ્ચેના અલગાવને દૂર કરી તેમને એકબીજાની નજીક લાવે છે. મારિયો વરગાસ લોસા કહે છે, ‘વિવિધ ભાષાઓ, માન્યતાઓ, ટેવો, રીતરિવાજો, આગ્રહો-પૂર્વગ્રહો જે આપણામાં અલગાવ પેદા કરે છે તેમને ઉત્તમ સાહિત્ય સુખ-દુઃખ, આનંદ-ઉલ્લાસ, વિસ્મયની અનુભૂતિ સાથે સાંકળી લઈ નજીક લાવે છે’. સર્જનકલા કેવળ મનોરંજન નથી પણ તેથી વિશેષ છે. સાહિત્ય માનવજીવનનું જે શ્રેષ્ઠ છે તેનું નવસર્જન, સંવર્ધન ને જતન કરે છે. એ એવી દુનિયા સર્જવા મથે છે જે આપણી માટીનાં શમણાંથી મંજિત ‘સ્વથી સમષ્ટિ અને સ્વાર્થથી પરમાર્થ’ તરફની ગતિની ક્ષમતા ધરાવતી હોય. સંસ્કૃતિના જતન ઉપરાંત, સાહિત્યકાર પોતાની ભાષાનો પણ સંરક્ષક છે. તે ભાષાને જીવતી રાખવાનું કામ કરે છે. તે માત્ર શબ્દો વાપરે છે એવું નથી, તે ભાષાની ધાર કાઢે છે, એનું રૂપાંતરણ કરે છે, અને જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો કહે છે તેમ, ‘ભાષાને ઉજવે છે’.
ભાષા સર્જકની ભીતર અને એના થકી જીવે છે. હવે, સંસ્થાનવાદના અસ્ત પછીના આ યુગમાં, સાહિત્ય આધુનિક માનવો માટે પોતાની ઓળખ છતી કરવાનું, અભિવ્યક્તિનો પોતાનો અધિકાર સ્થાપિત કરવાનું, અને બધી વિવિધતાઓ સમેત પોતાની વાત કહેવાનું માધ્યમ બન્યું છે. આ અવાજ વગર આપણે એક મૂક-બધિર દુનિયામાં જીવતા હોત. સાહિત્ય આપણને ‘કંપાયમાન’ કરે છે, આપણામાં પ્રાણ ફૂંકે છે. એમાં એવું તત્ત્વ છે જેને જોં – મારી વાયુ સમ અદૃષ્ટ, વાદળ સમ અપાર્થિવ અને સાગર સમ સીમાહીન કહે છે. ઉદાહરણ રૂપે કહે છે કે, આ એ તત્ત્વ છે જે જલાલુદ્દીન રૂમીની કવિતામાં આંદોલિત થાય છે. સાચો સર્જક માત્ર શુભ કે વિધેયાત્મક જ જુએ છે એવું નથી. શેયમસ હિની કહે છે, “સાવ મૂરખ કે મૂઢ હોય તે જ એટલું ન સમજે કે સંસ્કૃતિના દસ્તાવેજો લોહી અને આંસુથી લખાયા છે”. એટલે હિનીએ પોતાના સર્જનમાં ‘ઉત્કૃષ્ટ’ અને ‘અધમ’ બન્ને માટે અવકાશ ઊભો કર્યો. ગાઓ શિન્ગજિયાન ચેતવે છે કે સાહિત્યનો સર્જક સર્જનહાર નથી. એ અતિમાનવ પણ નથી. એ પ્રજાના પ્રવક્તા તરીકે બોલતો નથી. એનો અવાજ ‘વૈયક્તિક’ હોય છે.
જ્યારે સાહિત્ય રાષ્ટ્રનું ગાણું, જાતિની ધજા, રાજકીય પક્ષનું મુખપત્ર કે કોઈ વર્ગ અથવા એકાદ સમૂહનો અવાજ બને ત્યારે તે સાહિત્ય મટી જાહેરખબર બની જાય છે. રાજકારણ પ્રેરિત સાહિત્ય સાચું સાહિત્ય નથી. ગાવ વધુમાં કહે છે કે સાહિત્ય કોઈ વિચારસરણી, રાષ્ટ્રીય સરહદો કે વંશીય ચેતનાથી ઉપરવટ છે, અને આ કે તે ‘વાહ’માં બંધાતું નથી. કારણ એ કે માનવનું અસ્તિત્વ જીવન વિશેની કોઈ પણ અવધારણાઓ અને સૈદ્ધાંતિક સૂત્રોથી ઉચ્ચતર છે. માનવ ઊર્મિતંત્ર સાથે જટિલ રીતે જોડાયેલું સૌંદર્યશાસ્ત્ર એ જ સાહિત્યસર્જનનો એકમાત્ર અનિવાર્ય માપદંડ છે. એટલે સર્જક બજારુ પ્રવાહો કે માંગને અનુસરી સર્જન કરે છે ત્યારે સાહિત્યનું અપમૃત્યુ થાય છે. ભૂતકાળમાં સર્જકે જુલમી સત્તાધીશો અને અત્યાચારી સમાજરચના સામે લડવાનું હતું; આજે વિધ્વંસક વાણિજ્ય અને બજારુ સંસ્કૃતિ સામે ઝઝૂમવાનું છે.
સર્જકે આ કે તે ‘વાદ’થી અળગા થઈ માનવ અસ્તિત્વની ‘ત્રિશંકુ સ્થિતિ’ તરફ વળવાનું છે. આ ત્રિશંકુપણું જ સાહિત્યનો સનાતન વિષય છે. ગાઓ શિન્ગજિયાન કહે છે કે, ઉત્કૃષ્ટ સાહિત્ય પોતાના ‘સ્વાતંત્ર્ય’ સંદર્ભે અચલ હોય છે, એ માનવયાતના કે રાજકીય અત્યાચારને નજરઅંદાજ કરતું નથી, અને કદી રાજકારણનું ‘દાસત્વ’ સ્વીકારતું નથી.
ઍલ્ફ્રિડ યેલિનેક સાહિત્યસર્જનને વાળની ગૂંચો ઊકેલવા જેવી ક્રિયા કહે છે. સર્જક વાસ્તવને વાળની જેમ ઓળી સરખું કરવા મથે છે, પણ એ વળી પાછું જથરપથર થઈ જાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. હોવાપણાનાં રહસ્યોને ઉકેલવા આવી નિરંતર મથામણ કરનાર સર્જકોને વિસ્લાવા સિમ્બોર્સકા ‘સતપતિયા, લમણાઝીંક્યા આત્માઓ’ કહે છે. ‘મને જાણ નથી’ની રટણામાંથી જ સાહિત્ય સર્જાય છે. ગોર્ડમર કહે છે તેમ, સાહિત્યકાર ‘શું?’ અને ‘કેમ?’ એવા પ્રશ્નો પૂછી હોવાપણાના રહસ્યને ઉકેલવા મથતો રહે છે. આ ખોજ અનંત છે કેમ કે સિમ્બોર્સકા પૂછે છે તેમ, ‘અસલમાં અસંદિગ્ધ, પ્રત્યક્ષ કે સુસ્પષ્ટ વિશ્વ જેવું કંઈ છે ખરું?’ સર્જન દ્વારા સ્વને અને સમષ્ટિને પામવાની આ મથામણને ઓરહાન પામુક ‘સોયથી કૂવો ખોદવા’ જેવી પ્રક્રિયા કહે છે.
‘તમે શા માટે લખો છો?’ એવો પ્રશ્ન સાહિત્યકારોને વારંવાર પૂછાય છે. આના ઉત્તરમાં પામુક કહે છે : “હું લખું છું, કેમ કે એ મારી આંતરિક જરૂરિયાત છે! હું લખું છું, કેમ કે હું બીજા લોકોની જેમ સામાન્ય કામ કરી શકતો નથી. હું લખું છું, કેમ કે મારે હું લખું છું એવાં પુસ્તકો વાંચવાં છે. હું લખું છું, કેમ કે મને તમારા બધા પ્રત્યે ગુસ્સો ઊપજે છે. હું લખું છું, કેમ કે આખો દિવસ ઓરડામાં પૂરાઈ લખલખ કરવાનું મને ગમે છે. હું લખું છું, કેમ કે હું વાસ્તવિક જીવનને બદલીને જ એમાં સહભાગી થઈ શકું. હું લખું છું, જેથી અન્યો, આપણે સૌ, આખું જગત જાણે કે આપણે કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ. હું લખું છું, કેમ કે મને કાગળ, પેન અને શાહીની સુવાસ ગમે છે. હું લખું છું, કેમ કે મને સાહિત્યમાં, નવલકથાસર્જનમાં સૌથી વધુ શ્રદ્ધા છે. હું લખું છું, કેમ કે એ ટેવ છે, ધખના છે. હું લખું છું, કેમ કે મને ભુલાઈ જવાનો ડર છે. હું લખું છું, કેમ કે લખાણથી જે કીર્તિ મળે છે તે મને ગમે છે. હું એકાકી રહેવા લખું છું. તમારા પ્રત્યે, દરેક પ્રત્યે મને આટલો બધો ગુસ્સો કેમ છે એ સમજવાની આશાએ હું લખું છું. હું લખું છું, કેમ કે મને વંચાવું ગમે છે. હું લખું છું, કેમ કે એકવાર મેં નવલકથા, નિબંધ, પૃષ્ઠ લખવાનું શરૂ કર્યું તો મારે એને પૂરું કરવું છે. હું લખું છું, કેમ કે બધા હું લખું છું એવી અપેક્ષા રાખે છે. હું લખું છું, કેમ કે મને પુસ્તકાલયો અને જે છાજલી પર મારાં પુસ્તકો છે તેમના અમર્ત્ય હોવામાં છોકરવાદી શ્રદ્ધા છે. હું લખું છું, કેમ કે જીવનનાં સૌંદર્ય અને સમૃદ્ધિને શબ્દસ્થ કરવામાં રોમાંચ છે. હું વાર્તા કહેવા નહીં પણ વાર્તા સર્જવા લખું છું. હું એવા અનિષ્ટ અણસારથી છટકવા લખું છું કે, એવી કો’ક જગ્યા છે જ્યાં મારે જવું જોઈએ પણ – સ્વપ્નમાં થાય છે તેમ – હું ત્યાં પહોંચી શકતો નથી. હું લખું છું, કેમ કે હું કદી સુખી થઈ શક્યો નથી. હું સુખી થવા લખું છું.” આ પ્રલંબ જવાબમાં આપણને સાહિત્યના પ્રયોજન વિશેના સંકેતો સુપેરે મળી રહે છે.
એલિસ મુનરો રસનિષ્પત્તિને સાહિત્યનું પ્રયોજન ગણાવતાં કહે છે, “મારી દૃષ્ટિએ પુસ્તકમાંથી પ્રેરણા મેળવવા કરતાં આનંદ મેળવવો વધારે જરૂરી છે. મને તો માત્ર એટલું જ જોઈએ છે કે લોકોને મારાં પુસ્તકો ગમે અને તેઓને પોતાના જીવન સાથે એની સરખામણી કરવાનું મન થાય.” આ સરખામણીમાં પણ ભાવકમાં હોવાપણાની સભાનતા સતેજ કરી આત્મભાન જગાડવાનો જ સંકેત છે. કેન્ઝાબૂરો ઓએ ‘માનવતાવાદ’ને સાહિત્યના કેન્દ્રમાં રાખતાં કહે છે કે સાહિત્યની મદદથી લોકોના આત્મા પર પડેલા વ્રણ રુઝાય અને તેઓ વેદનામાંથી ઊગરી નિરામય પ્રાપ્ત કરે એવી મારી સતત ખેવના છે. આ સર્જક કલાની રોગમુક્ત કરવાની શક્તિમાં શ્રદ્ધા મૂકે છે. વિશ્વમાં હાંસિયાના, સીમાંત, છેવાડાના, પરિઘ પર જીવતા લોકોની સાંત્વનાના પ્રયાસોમાં સર્જક તરીકે પોતે કેવું યોગદાન આપી શકે એ જ એની ખોજ છે.
હેરોલ્ડ પિન્ટર આપણા યુગમાં મહાસત્તાઓ દ્વારા જે નરસંહાર થાય છે તેનો ઉલ્લેખ કરી પૂછે છે, “આપણી નૈતિક ચેતનાને શું થઈ ગયું છે?” આ વિનાશ અને અત્યાચારને કારણે આપણે જે માનવગરિમા ખોઈ બેઠાં છીએ તેની પુનઃપ્રાપ્તિ માટેની ખોજ એ જ સાહિત્યકારનું ઉત્તરદાયિત્વ. સ્વેતલાના એલેક્સિયેવીચ ૧૯૮૯ના યુદ્ધગ્રસ્ત કાબુલની મુલાકાતની વાત કરે છે. ત્યાં એરપોર્ટ નજીક તેણે જસતની શબપેટીઓ જોઈ. એની સાથેના રશિયન સૈનિકે કહ્યું, “કોણ જાણે … મારી શબપેટી પણ ક્યારેક અહીં પડી હશે … તેઓ મને એમાં પૂરી દેશે.” એ સૈનિકે પ્રશ્ન પૂછ્યો, “હું અહીં શા માટે લડી રહ્યો છું?” પછી પોતાના જ શબ્દોથી છળી/ડરી જઈ એ સૈનિકે લેખિકાને કહ્યું, “આ વાત લખશો નહીં”. સ્વેતલાનાએ કાબુલના કબ્રસ્તાનમાં એક વૃદ્ધ અફઘાની સ્ત્રીની ચીસ સાંભળેલી. તે પછી મિન્સ્ક નજીકના ગામડામાં જસતની શબપેટી ઘરે આવી ત્યારે એક માતાએ પાડેલી કારમી ચીસ સાંભળી. કાબુલના કબ્રસ્તાનમાં સાંભળેલી તેવી જ આ ચીસ હતી. આ અનુભવ પછી તે પોતાની જાતને પ્રશ્ન પૂછે છે, “યુદ્ધ વિશે મારે કયા પ્રકારનું પુસ્તક લખવું છે?” જવાબ મળે છે, “મારે એવા જણ વિશે લખવું છે જે ગોળી નથી ચલાવતો, જે બીજા મનુષ્યને ગોળી નથી મારી શકતો, જેને યુદ્ધના વિચારથી કમકમાં છૂટે છે. પણ એ જણ છે ક્યાં?” લેખિકાની આવા જણ માટેની ખોજ છે.
પેટ્રિક મોદિયાનો કહે છે કે સાહિત્યકારનું કામ પોતાની સ્મૃતિકળા દ્વારા લગભગ ઝીલી ન શકાય એવી માનવનિયતિને મૂર્તિમંત કરવાનું છે. સાહિત્યનો વિષય છે માનવચેતના. ઓરહાન પામુક કહે છે, “સાહિત્યકાર ઓરડામાં પુરાઈ પોતાની ભીતર પ્રવાસ શરૂ કરે છે, અને એ પ્રક્રિયાને અંતે સાહિત્યનો સનાતન નિયમ શોધી કાઢે છે. આ નિયમ છે : એક લેખક પાસે એવી કળા હોવી જોઈએ કે એ પોતાની વારતા એ રીતે કરી શકે કે જાણે એ બીજા કોઈની હોય અને બીજાની વારતા કંઈ એમ કરે કે જાણે એની પોતાની હોય.” પામુક કહે છે કે આનું જ નામ સાહિત્ય. સર્જક તરીકે એને શ્રદ્ધા છે કે આપણે બધા માનવો એક સરખા છીએ. બધા જ પોતાની ભીતર છૂપા જખમો લઈને જીવે છે. સાહિત્યકાર આ જખમોને ખોજે છે, એનું અવગાહન કરે છે, એને ઉજાગર કરે છે, એને પોતીકા બનાવે છે, અને એને આપણી ચેતના અને સાહિત્યના અંશ બનાવે છે. માનવચેતના સર્વત્ર એકસરખી છે એટલે જ સાહિત્ય માનવીને સ્પર્શવાનું. આજે ભૂમિહીનોની, મકાનવિહોણાંની, ભૂખ્યાંજનોની વાત તો ટેલિવિઝન અને સમાચારપત્રો ત્વરાથી અને સરળ રીતે કરે જ છે. સાહિત્યે તો માનવજાતની ‘મૂળભૂત દહેશતો’ને ઉજાગર કરવાની છે. આ દહેશતો તે; વંચિત રહેવાની ને હાંસિયામાં ધકેલાઈ જવાની દહેશત, નગણ્ય થઈ જવાની દહેશત, ક્ષુદ્ર હોવાની લાગણી, સામૂહિક હડધૂતતા, ભેદ્યતા, ધૂત્કાર-છટ્કાર. પૃથ્વી પરના મોટા ભાગના લોકો આવી દહેશતો સાથે જીવે છે. એને ઉજાગર કરે તે સાહિત્ય આધારભૂત, યથાર્થ.
જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો કહે છે, “પોતે દુનિયાને બદલી શકશે એવું માનવા જેટલી ધૃષ્ટતા લેખકોમાં છેલ્લા કેટલાક સમયથી રહી નથી”. હવે તેમનું કામ વિશ્વના વાસ્તવના ‘સાક્ષી’ બનવાનું છે. દુનિયા અર્થહીન, અપૂર્ણ કે દાધારંગી છે એ વાસ્તવ લેખક તાદૃશ કરી શકે, અને મારિયો પેદરો વરગાસ લોસા કહે છે તેમ, વાચકોને વધુ સારી દુનિયાની શક્યતા બતાવી શકે. વાચક વર્તમાન જિંદગીના અંધકારથી અવગત થાય, નીરક્ષીર વિવેકથી તોળવા લાગે, અને મનોમન તુમુલ સંઘર્ષ અનુભવે અને વિકલ્પો શોધતો થાય, આ જ સાહિત્યનો લોકપ્રભાવ. શાસકો આ સમજે છે. તેમને આવું સાહિત્યસર્જન રાજદ્રોહ જેવું લાગે છે. સાચો સર્જક સત્તાધીશોની ખફગી વહોરીને પણ આવું સાહિત્ય સર્જે છે. ચોતરફ ઝનૂનપૂર્વક રાષ્ટ્રવાદનાં ઢોલ પિટાતાં હોય તેની વચ્ચે પણ મારિયો પેદરો વરગાસ લોસા ચેતવે છે કે ‘ધર્મ’ સાથે રાષ્ટ્રવાદ જોડાવાથી બે વિશ્વયુદ્ધ અને મધ્યપૂર્વના વર્તમાન રક્તપાતની જેમ ઇતિહાસની સૌથી ખરાબ કતલેઆમ સર્જાય છે. સત્તાધીશોની ધાકે કદાચ આવું ન લખાય તો પણ જૉં મારી કહે છે, “લેખકની કલમમાં એક સદ્ગુણ તો હંમેશાં હોવો જ જોઈએ કે ક્યારે ય, ભૂલથી પણ, સત્તાધારીઓની પ્રશંસામાં એનાથી એક આછોપાતળો અક્ષર પણ ન લખાય.”
ઉત્કૃષ્ટ સાહિત્યનો સર્જક હોવાપણાનાં રહસ્યોને અનાવરિત કરે છે, અને તેનું નિરૂપણ એ રીતે કરે છે કે એનું શ્રવણ/વાચન ભાવકને કંપાયમાન કરે, હચમચાવે, દ્રવિત કરે. આ સંદર્ભે બૉબ ડિલન કહે છે, “મારું ગીત તમને ‘કંપાયમાન’ કરે તે જ અગત્યનું છે. ગીતનો શું ‘અર્થ’ થાય તે મારે જાણવાની જરૂર નથી.” અસ્તિત્વનાં રહસ્યોનું અન્વેષણ કરી તેને શબ્દ દ્વારા વ્યક્ત કરવાની આ મથામણ સતત ચાલતી રહે છે. આ રહસ્યો અનંત છે, અતાગ છે. તેથી જ વિસ્લાવા સિમ્બોર્સકા કહે છે, “મેં બધું જ નોંધી લીધું છે, મારી પાસે ઉમેરવાલાયક કશું જ બચ્યું નથી”, એવું દુનિયાનો કોઈ કવિ કહી ન શકે. શેયમસ હિની પોતાની કવિતાના દરેક આગમનબિંદુને અંતિમસ્થાન નહીં પણ સોપાન જ ગણે છે. અને ગુન્ટર ગ્રાસ તો પોતાના વક્તવ્યનું શીર્ષક જ આપે છે, ‘વધુ, હવે પછી’.
આત્મભાન
ડેરેક એલટન વૉલકોટ આફ્રિકન-યુરોપિયન મિશ્ર વંશમાં જન્મ્યા હતા. એમને પોતે અંદરથી ‘વિભાજિત’ હોવાનો અનુભવ થાય છે, અને પોતાનાં મૂળિયાં ખોજવા મથે છે. આફ્રિકા સંદર્ભે પોતાના હોવાપણાને અર્થ આપતાં પૂછે છે : ‘આફ્રિકાને ત્યજીને હું ક્યાં જાઉં અને કેમ જીવું?’ નેડીન ગોર્ડીમર કહે છે, “શાપ કે વરદાન જે ગણીએ તે, પણ સમસ્ત પ્રાણી જગતમાં સ્વ-નું ભાન માત્ર મનુષ્યને જ છે.” સાહિત્યકાર શબ્દના આધારે એને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. યુગેયુગે હોવાપણા વિશેના નવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અગાઉ આ પરિબળોને વાચા આપવાનો પ્રયત્ન દંતકથા કરતી હતી, આજે એ પ્રયાસ લેખક કરે છે.
દારિયો ફો ઇટાલિયન મહાકવિ સેવિનિઓના શબ્દો – ‘આપણી પોતાની વાર્તા કહો’ – યાદ અપાવતાં કહે છે કે લેખકોને ‘પોતાની વાર્તા કહેતાં આવડવું જોઈએ. કોઈ પણ થિયેટર, સાહિત્ય કે કળા જો પોતાના સમયની વાર્તા નહીં કરે તો એનું કશું મૂલ્ય નથી.’ ગાઓ શિન્ગજિયાન ‘પોતાની જાત સાથેના સંવાદ’ને સાહિત્યસર્જનનું ‘આરંભબિંદુ’ ગણે છે. ભાષા દ્વારા અભિવ્યક્તિ તો એ પછી આવે છે. ગાઓના મતે, લેખકની સ્વ-ની પરિપૂર્ણતાની ખ્વાહિશમાંથી જ સાહિત્ય જન્મે છે. આ મુદ્દાને દોહરાવતાં ગાઓ કહે છે કે ‘સાહિત્ય એટલે પોતાની જાત પર નજર કેન્દ્રિત કરવી’ – આત્મનિરીક્ષણ.
વી. એસ. નાયપોલ પોતાને ‘અંતર્જ્ઞાન’ પ્રેરિત લેખક ગણી કહે છે, “હું મારાં પુસ્તકોનો સરવાળો છું.” ઇમરે કરતેઝ પૂછે છે કે લેખક કોના માટે લખે છે? અને સ્પષ્ટ જવાબ આપે છે : ‘પોતાની જાત માટે’. એક જમાનામાં લોકો જેને પ્રેરણા કહેતા તેને ઇમરે કરતેઝ ‘અસ્તિત્વને લગતી આત્મખોજ’ કહે છે. ઓરહાન પામુક સર્જકની વ્યાખ્યા આપતાં કહે છે, “તે એવો જણ છે જે પોતાની ભીતરના બીજા જણને ખોજવામાં વરસો વિતાવે છે”. ડોરિસ લેસિંગ સર્જનને ‘અંતરનાદ’ સાથે જોડે છે, અને લેખકને પૂછે છે : ‘તમારી પાસે હજુ તમારો અવકાશ છે? તમારું અંતરતમ, તમને જરૂરી મોકળાશ, જ્યાં તમારો અંતરનાદ તમારી સાથે વાત કરે, જ્યાં માત્ર તમે હોવ’. જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો જેક લંડનના ‘વગડાનો નાદ’ પુસ્તકનો સંદર્ભ આપતાં કહે છે કે એનું એક પાત્ર ચોમેર વરૂઓથી ઘેરાયેલું હોય છે ત્યારે જ એ કાતિલ ઠંડીના આક્રમણને તાબે થવા લાગે છે. એ પોતાના થીજી ગયેલા હાથ સામે જુએ છે અને બધી આંગળીને એક પછી એક હલાવવાનો પ્રયત્ન કરે છે. બાળક તરીકે જૉં મારી માટે આ પ્રસંગનું વાચન એક જાદુઈ શોધ બની – ‘આત્મભાનની શોધ’. એ આને સાહિત્ય શું હોઈ શકે એની પ્રથમ અનુભૂતિ ગણે છે. એ મો યાન પોતાને પામવાની મથામણની વાત કરતાં કહે છે, “બાળપણમાં હું ઢોર ચરાવવા જતો ત્યારે ક્યારેક ગાયોની બાજુમાં વાંકો વળી એમની ઘેરી ભૂરી આંખોમાં ટીકી ટીકીને જોયા કરતો, જેમાં મારું પ્રતિબિંબ ઝિલાતું. કેટલી ય વાર આકાશનાં પંખીઓ સાથે હું વાતો કરતો, તેમના અવાજોની નકલ કરતો, અને મારી આશાઓ અને ઇચ્છાઓ એકાદા વૃક્ષ આગળ પ્રગટ કરતો.” એલિસ મુનરો પણ એની વાર્તાઓના કેન્દ્રમાં એ ‘સ્વયં’ છે એ બતાવતાં કહે છે, “શાળાએ જવા માટે મારે લાંબો રસ્તો કાપવો પડતો, અને એ સમયે ચાલતાં ચાલતાં મોટે ભાગે હું મારા મનમાં વાર્તા જ ઘડતી રહેતી. જેમજેમ હું મોટી થતી ગઈ, તેમતેમ એ વાર્તાઓ મારા પોતાના વિશે જ બનતી ગઈ.” સ્વેતલાના એલેક્સિયેવીચ પોતાના સર્જનને ‘આત્માનો ઇતિહાસ’ ગણાવતાં કહે છે, “આત્માના રોજિંદા જીવન વિશે, એ હકીકતો જે વિશાળ ચિત્રપટ પર આલેખાતી નથી, અથવા ઇતિહાસ જેની ઉપેક્ષા કરે છે, એ અલિખિત ઇતિહાસ સાથે હું કામ કરું છું.” સાહિત્યકૃતિ પ્રથમ તો સર્જકની ભીતર જ ઊગે છે, પછી એની અભિવ્યક્તિ થાય છે. બૉબ ડિલન હોમરને ટાંકી કહે છે, “હે, કલાદેવી મારામાં ગા, અને મારા માધ્યમે વારતા કહે.” લેખન એ લેખકના હોવાપણા સાથે અવિનાભાવે જોડાયેલું છે, એ મુદ્દાને ઉજાગર કરતાં મારિયો પેદરો વરગાસ લોસા ફ્લોબર્ટનું આ વિધાન દોહરાવે છે : “લેખન એ જીવનશૈલી છે”.
સમાજદર્શન
લેખકના જીવનકાર્યના પ્રયોજન વિશે નેડીન ગોર્ડીમર કહે છે, “શબ્દ દ્વારા, જે સમાજ અને વિશ્વનો અમે એક અંશ છીએ એને ઉકેલવાનો આયુષ્યભર પ્રયત્ન કરતા હોઈએ છીએ.” હોવાપણું ભૌતિક પરિસ્થિતિ અને ચૈતન્યના વિવિધ સ્તરનાં ખેંચાણ પર આધારિત છે, તેથી લેખકનું ‘પોતાના અસ્તિત્વ’ તરફ અને ‘એક સમજદાર માણસ તરીકે સમાજમાં પોતે જે જવાબદારી ઉપાડવાની છે,’ એ તરફ એમ બેવડું ઉત્તરદાયિત્વ છે. આજે દુનિયામાં ચોતરફ દમનનું સામ્રાજ્ય છે, જે લેખકોને ગૂંગળાવે છે. પણ ‘જેમ દરિયાનો મિજાજ દરિયાખેડુનું જીવન ઘડે છે તેમ જ અનિવાર્યપણે, દમન અને વિકૃતિ જેવાં સામાજિક પરિબળો લેખકની કથાના વિષય અને પાત્ર ઘડે છે.’ ઇમરે કરતેઝ હોલોકોસ્ટ પછીની દુનિયાની વાત કરતાં કહે છે, “ભયાવહ સ્વપ્નોવાળી રાત પૂરી થયા પછી, ચોતરફ દૃષ્ટિપાત કરતાં એક હણાયેલી, નિરાધાર દુનિયા નજરે પડે છે.” હેરોલ્ડ પિન્ટર બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની દાદાગીરીએ દુનિયાની કેવી વલે કરી છે તે દર્શાવતાં કહે છે કે, “યુ.એસ. પાસે ૮,૦૦૦ જીવતા ન્યુક્લિયર બૉમ્બ છે. ૨,૦૦૦ તો ચાંપથી વાળ જેટલે જ છેટે છે. … તેનું નિશાન કોણ છે? ઓસામા બિન લાદેન? તમે? હું? જો ડોક્સ? ચીન? પૅરિસ? કોને ખબર.”
પોતાના લેખનની મૂળભૂત શૈલીની વાત કરતાં કેન્ઝાબૂરો ઓએ જાપાની સમાજ સાથેના તેના સંબંધોનો ઉલ્લેખ કરે છે, અને કહે છે, “વ્યક્તિગત અનુભવથી વાતનો આરંભ કરીને હું આગળ જતાં સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સાથે તેને સાંકળી લેતો હોઉં છું.” તેઓ પોતાના સર્જન દ્વારા ‘આજના જાપાનની સંદિગ્ધતા’ ઊકેલવા મથે છે. કેન્ઝાબૂરો જીવનમાં અને લેખનમાં પોતાને વાટાનાબેના શિષ્ય ગણે છે, અને કહે છે, “દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્વેના ગાળામાં અને તે દરમિયાન, જ્યારે દેશભક્તિ એક ગાંડપણની હદે ફેલાયેલી હતી, ત્યારે વાટાનાબે એકાકી સ્વપ્નદૃષ્ટા હતા, જેમણે જાપાનની સૌંદર્યવિભાવના અને પ્રકૃતિપ્રેમની પરંપરાના … છોડ પર માનવતાવાદી વિચારણાની કલમ ચઢાવીને તેનું જ જતન કર્યું.”
શેયમસ હિની ૧૯૬૮-૭૪ દરમિયાનના ઉત્તર આયર્લૅન્ડના બનાવોની બાહ્ય વાસ્તવિકતા અને આંતરિક ગતિશીલતાનો ઉલ્લેખ કરી એની પોતાના સર્જન પર કેવી અસર પડી તેની વાત કરે છે. આપણી આસપાસ જે થઈ રહ્યું છે તેની માનવચેતના પર શી અસર થશે તેની ચિંતા દારિયો ફો કરે છે. જૈવિક તત્ત્વમાં ફેરફારના પ્રયોગોને પરિણામે ‘માનવભૂંડ’નું સર્જન થશે. જોસે સરમાવોનું નિરીક્ષણ છે કે દરરોજ દુનિયાના બડેખાંઓ માનવગરિમાની ઐસીતૈસી કરે છે, અને બહુરૂપ સત્યોનું સ્થાન વૈશ્વિક જૂઠાણાએ લીધું છે. ગુન્ટર ગ્રાસ કહે છે કે દરેક લેખક પોતાના કાળનો લેખક હોય છે. એ જર્મન ઇતિહાસના ગર્ભનું ફળ ઉકેલવા મથે છે, જેમાં ખંડિત અવશેષો અને મડદાંના પહાડો હતા. એ એને ખોદતો ગયો કેમ કે એને અણદેખ્યું કરી શકાય એમ હતું જ નહીં. ગાઓ શિન્ગજિયાન વીસમી સદીના ચીની સાહિત્યને ઘસાયેલું, ગૂંગળાયેલું કહે છે કેમ કે ‘એ રાજકારણ પ્રેરિત હતું’. ગાઓના મતે, લેખકના કાળ અને સમાજના સમર્થ પ્રતિભાવરૂપે થયેલું સર્જન જ ‘ટકાઉ’ હોય છે. નાયપોલ પોતાના જન્મસ્થળ ત્રિનિદાદની આસપાસના ‘અંધારિયા વિસ્તારો’ની વાત કરે છે, અને મૂળનિવાસીઓ, સંસ્થાન, ઇન્ડિયા, મુસ્લિમ જગત, આફ્રિકા અને ઇંગ્લૅન્ડને પોતાના સર્જનનાં ઉદ્ગમસ્થાન ગણે છે. ઇમરે કરતેઝ ૧૯૬૦ના દાયકાની હંગેરીની સરમુખત્યારશાહીની વાત કરતાં કહે છે, “ઉબકા આવતા હોય તેવી લાગણી અને માનસિક ખિન્નતા સાથે દરરોજ સવારે હું ઊઠતો અને મારે જે દુનિયાનું વર્ણન કરવું હતું એ તરફ હું સત્વરે દોરાઈ જતો.” એ કબૂલે છે કે પશ્ચિમના સ્વતંત્ર સમાજમાં રહીને પોતે કદાચ Fateless નવલકથા ન લખી શક્યો હતો.
જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો ‘દુનિયાની અર્થહીનતા, દુનિયાની અપૂર્ણતાઓ, દુનિયાની માયાજાળ, દુનિયાની સુંદરતા, દુનિયાની અધમતા’ના સાક્ષી બની જે લેખકોએ ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન કર્યું છે તેનાં ઉદાહરણો આપે છે. દુનિયાના સરમુખત્યારો રોજરોજ જેમની ગરિમા છીનવી લે છે એવા દરેક જણ માટે એકેક વાક્ય બોલી શકવાની ઇચ્છા હેરતા મ્યુલર પ્રકટ કરે છે. પેટ્રિક મોદિયાનો કબજા હેઠળના – occupied પૅરિસમાં જન્મેલા. એમના સર્જનમાં એમણે આ ‘કબજા હેઠળના પ્રદેશના જીવનવિશ્વને ઉજાગર કર્યું છે.’ એમના માટે એ પૅરિસ હંમેશાં ‘આદિમ અંધકાર’ જેવું હતું. સ્વેતલાના એલેક્સિયેવીચ બાળપણમાં અનુભવેલ યુદ્ધગ્રસ્ત વિશ્વની વાત કરે છે. એના ગામના મોટાભાગના પુરુષો યુદ્ધમાં ખપી ગયેલા. તે પછી ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટના કિરણોત્સર્ગથી થયેલ જાનહાનિની વાત કરી જાતને પૂછે છે, “જીવન અને મૃત્યુ આટલાં લગોલગ કેમ છે?” આસપાસ યુદ્ધની તબાહી અને માનવનું ઘાતકીપણું જોઈ સવાલ થાય છે કે શેમાં શ્રદ્ધા રાખવી? બૉબ ડિલન એનાં ગીતોના પ્રેરકબળ તરીકે બે વાનાં ગણાવે છે : ચેતના, અને જાણકારીવાળું, માહિતગાર વિશ્વદર્શન. વિશ્વમાં માનવગરિમાનું હનન કરે એવાં પરિબળો હોવાનાં – યુદ્ધખોરી, તાનાશાહી, ઝનૂની રાષ્ટ્રવાદ, સાંપ્રદાયિકતા, શોષણ, ધર્માંધતા, અસહિષ્ણુતા, અત્યાચાર. આ પરિબળો સામે સર્જકે નિર્ણાયક ભૂમિકા લેવી પડે છે. કો’ક લેખક આની સામે કુર્નિશ બજાવી એને છાવરે કે એનો મહિમા કરવા લાગે. પણ આવો લેખક સાહિત્યકાર નથી. હેરોલ્ડ પિન્ટર કહે છે તેમ, એ ‘રાજકારણી બની ગયો.’ કેટલાક લેખકો મીંઢું મૌન ધારણ કરી ગુન્ટર ગ્રાસ કહે છે તેવો ‘પક્ષ લેવાનું’ ટાળે છે. એવા માટે કેન્ઝાબૂરો ઓએ ક્રિસ્ટોફર નાઈરોપને ટાંકી કહે છે કે, ‘જેઓ યુદ્ધ સામે વિરોધ નોંધાવતા નથી તેઓ યુદ્ધમાં સહભાગી છે.’ કેટલાક કઠોર વાસ્તવથી પલાયન કરી લલિત સાહિત્યને નામે ગુન્ટર ગ્રાસ કહે છે તેવું ‘નિરૂપદ્રવી ને લોકરંજક’ લખાણ કરતા રહે છે. સાચો સર્જક આ પરિબળોની સામે પડી વિદ્રોહનું સાહિત્ય સર્જે છે, અને તેની સામે એ પ્રશ્ન રહે છે કે શી રીતે વિદ્રોહનું-ઉન્મૂલનનું સાહિત્ય યુગપત રીતે બારુદી સુરંગ પણ બને અને સાહિત્યિક મૂલ્યો ધરાવનારું પણ બને?
દૃષ્ટિબિંદુ
ઉત્કૃષ્ટ સર્જનમાં લેખકનું દૃષ્ટિબિંદુ પ્રકટ થાય છે, અને આ દૃષ્ટિબિંદુ પોતીકું અને સચ્ચાઈભર્યું હોય છે. ગાઓ શિન્ગજિયાન કહે છે, “જવલ્લે જ જ્ઞાત, અર્ધજ્ઞાત, કે જ્ઞાત મનાતું પણ સાચી રીતે જ્ઞાત નહીં એવા માનવવિશ્વના સત્યને ખોજવામાં અને ઉજાગર કરવામાં જ સાહિત્યનું મૂલ્ય રહેલું છે.” સર્જક કોઠાસૂઝથી આ સત્યને પારખે એમાં જ એના સર્જનની ગુણવત્તા રહેલી છે, “શબ્દરમત કે લેખનકસબો એના અવેજ બની શકે નહીં.” ગાઓ કહે છે, “માનવજીવનના સત્યનું ચિત્રણ જ સાહિત્યકૃતિને ચિરંતન બનાવે છે. આ જ કારણે ગ્રીક કરુણાંતિકા ને શેક્સપિયર કદી વાસી, અપ્રસ્તુત થશે નહીં.” સર્જક પોતે પોતાની કૃતિ વિશે શ્રદ્ધેય હોવો જોઈએ. ગાઓ કહે છે, “કૃતિ સ્વયં સર્જક માટે જ પ્રતીતિજનક ન હોય તો તે ભાવકને સ્પર્શી શકે નહીં.” જીવનમાં અને સાહિત્યમાં સચ્ચાઈની આવશ્યકતા વિશે નેડીન ગોર્ડીમર કહે છે, “આખરે તો સત્યનો આગ્રહ જ વ્યક્તિના હોવાપણાને સાર્થક બનાવે છે.” એની સલાહ છે, “સર્જક જેવું દેખાય તે સ્વરૂપમાં અસ્તિત્વને સ્વીકારે, સત્યના અંશની દિવેટ તરીકે એને અંતરના ઊંડાણમાં ઢબૂરી રાખે જેથી જ્યાં અને જ્યારે જરૂર હોય ત્યાં કલા સાથે એનો નાતો જોડી શકે.” શેયમસ હિની ‘જીવન સંદર્ભે એની સચ્ચાઈ બદલ’ કવિતાને શ્રેય આપે છે. ગુન્ટર ગ્રાસ કહે છે કે લેખકની સચ્ચાઈ જ ‘શિખરે ચઢી બેઠેલા બળિયાઓના કંસારની થૂલી’ કરી દે છે. સાચો સર્જક ‘સત્તાના સ્તંભો પર મૂતરે છે’, અને ‘વિજેતાઓની યશસ્વી કૂચને અવગણી એમને આંટી મારી ગબડાવવા પગ લાંબો કરે છે.’
હેરોલ્ડ પિન્ટર પોતાના વક્તવ્યમાં ઇરાક પરના અમેરિકા અને સાથી રાષ્ટ્રોના હુમલાને ‘ડાકુગીરી, નિર્લજ્જ રાજ્યપ્રેરિત ત્રાસવાદ અને આંતરરાષ્ટ્રીય કાયદાની ધરાર અવજ્ઞા’ ગણાવી કહે છે, “ઇન્સાફ તો એ છે કે, બુશ અને બ્લૅર આરોપીઓ તરીકે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ખડા થાય.” ઇમરે કરતેઝ ભાષા અને તેના રૂપને, અને પોતે જે વિષય પર લખે છે તેને ‘વફાદાર રહેવું’ એને જ પોતાનું એક માત્ર લક્ષ્ય ગણે છે. ઓરહાન પામુક પોતાના લખાણની વિશ્વસનીયતા અને ‘ખરાપણા’ વિશે સતત ચિંતિત રહે છે. ડોરિસ લેસિંગ બાહ્ય પરિબળોના દબાણથી મુક્ત એવા ‘અવકાશ’ની આવશ્યકતા ચીંધે છે. પોતાની પ્રતીતિને વફાદાર રહેવાના ઉદાહરણરૂપે મારિયો પેદરો વરગાસ લોસા કહે છે, “છેલ્લી સરમુખત્યારશાહી સામે મેં દુનિયાભરની લોકશાહી સરકારોને રાજકીય અને આર્થિક પ્રતિબંધ દ્વારા પાઠ ભણાવવા અનુરોધ કરેલો તેના કારણે મારા દેશબાંધવોએ મારા પર દેશદ્રોહનો આરોપ મૂકેલો અને હું મારી નાગરિકતા ખોવાને આરે આવી ગયેલો.” એ મો યાન સાહિત્યસર્જનમાં ‘પોતીકી પ્રેરણા’ને અનુસરવાનું આવશ્યક ગણે છે.
સર્જનપ્રક્રિયા
એલિસ મુનરોએ બાળપણમાં નાનકડી મત્સ્યકન્યાની વાર્તા સાંભળી, અને એ વાર્તાના કરુણ અંતથી તે આકળવિકળ થઈ ગઈ. વાર્તા પૂરી કરી એ તરત બહાર ગઈ અને એણે સુખદ અંતવાળી એક વાર્તા બનાવી. આમ, એના વાર્તાલેખનની શરૂઆત થઈ. એની વાર્તાઓની વિવિધ પરિસ્થિતિઓની નાયિકા એ પોતે જ હતી. એ કહે છે, “મારે કોઈ પ્રેરણાની જરૂર પડી નથી. મેં વિચાર્યું કે, આ દુનિયામાં વાર્તાઓનું ખૂબ મહત્ત્વ છે, અને મારે એમાંની થોડી વાર્તાઓનું સર્જન કરવું છે.” એલિસ વાર્તા શરૂ કરે ત્યારે એના મનમાં એની રૂપરેખા તૈયાર હોય, પણ એ લખતી વખતે ઘણીવાર બદલાઈ જાય. પણ વાર્તાના વિષયવસ્તુ બાબતે સ્પષ્ટતા રહે. એલિસ કહે છે કે એણે જો યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કર્યો હોત તો લેખક થવા બાબતે એ વધુ પડતી સાવચેત થઈ જાત અને નાહિંમત પણ. એને થાત કે, આ હું નહીં કરી શકું. સર્જન બાબતે એ કોઈ વિચારધારાને અનુસરતી નથી. ‘જાતને સંતોષ અને આનંદ મળે’ એ રીતે કામ કરે છે. પોતાનાં પ્રગટ થઈ ગયેલાં પુસ્તકો ફરી વાંચતી નથી કેમ કે ‘એમાં ઠેરઠેર સુધારા-વધારા કરવાના જોરદાર ઉથલા આવે છે.’
મારિયો પેદરો વરગાસ લોસા વાંચતાં શીખ્યો ત્યારથી શબ્દોએ એના પર ‘જાદુઈ’ અસર કરેલી. વાર્તાઓના અંત અને ‘વ્યથિત’ કરતા અને એ ‘બદલવા હતા’. નેડીન ગોર્ડીમર પ્રશ્ન પૂછે છે કે લેખક ‘લેખક’ શી રીતે બને છે? અને પોતાના અનુભવથી કહે છે, “તટસ્થ રહેવું અને કશામાં ઓતપ્રોત થવું એ બે વચ્ચેના તણાવમાંથી જે કલ્પના સ્ફૂરે તે જ બદલાવ લાવે છે … એમાં જ સત્યનું દર્શન હોય છે.” ડેરેક એલટન વૉલકોટ કવિતાના નિર્માણની પ્રક્રિયાને ખંડિત અંશોને જોડવાની પ્રક્રિયા સમાન ગણે છે, અને કહે છે, “એને નિર્માણ નહીં પણ પુનઃનિર્માણ કહેવું જોઈએ.” કેન્ઝાબૂરો ઓએ પોતાની વેદનાઓને નવલકથારૂપે રજૂ કરી વિટંબણાઓમાં ટકી રહેવાનું સામર્થ્ય મેળવે છે, અને મનોમન કહે છે, “હું ફરીથી માનવીમાં રૂપાંતર પામ્યો છું.” શેયમસ હિની કાવ્યસર્જનની મથામણની વાત કરતાં કહે છે, “આપણે ઇચ્છીએ છીએ કે કાવ્ય આસ્વાદ્ય રીતે સાચું હોય એટલું જ નહીં પણ પ્રજ્ઞાવાનેય હોય.” હિનીના મતે, “કાવ્યસ્વરૂપ વહાણું અને લંગર બેઉ છે. એ એક સાથે જુસ્સો અને સ્થૈર્ય છે. મસ્તિષ્ક અને દેહમાં જે કંઈ કેન્દ્રવિમુખ અને કેન્દ્રોન્મુખ છે તેને એકસાથે પરિતૃપ્ત કરે છે.” ગુન્ટર ગ્રાસના ચિત્તમાં ‘સાહિત્યના મૌખિક ઉદ્ગમ’ની સ્મૃતિ તાજી છે, કેમ કે ‘તમામ વાર્તાકથનો આવે છે તો હોઠ દ્વારા જ.’ ‘લખતાં જતાં મોટેથી વાંચતા જાઓ’ એ સૂચનને અનુસરી ‘લેખન નામનું કપૂરનું વૈતરું કરતાં કરતાં હું વાક્યખંડોના કઠણ રેષાઓને મમળાવીને, અનુકૂળ પડે તેવો ગૂંદો કરી દઉં છું, ને આનંદભર્યા એકાંતવાસ મારી જાત સમક્ષ બબડી લઉં છું ને જ્યારે યોગ્ય કાકુ, સ્વરભાર, અનુગુંજ ને પ્રતિધ્વનિ સાંભળવા મળે ત્યારે જ કાગળને પેન અડકાડું છું.’
ઇમરે કરતેઝ માટે લેખન ‘અત્યંત વ્યક્તિગત અને અંગત’ પ્રક્રિયા છે. ઓરહાન પામુક માટે લેખકનું રહસ્ય પ્રેરણા નથી – કેમ કે એ ક્યાંથી આવે છે તે કદી સ્પષ્ટ નથી – એ તો છે એનું જિદ્દીપણું, એની તિતિક્ષા. ડોરિસ લેસિંગ સાહિત્યસર્જન માટે ‘પુસ્તકાલયો, પુસ્તકો અને પરંપરા સાથેના ગાઢ સંયોજન’ને આવશ્યક ગણે છે. તમે ભલે કલમથી, ટાઈપરાઈટરથી કે વર્ડપ્રોસેસરથી લખો પણ મૂળભૂત રીતે તો તમે લખો ત્યારે તમારે ‘અવકાશની જરૂર હોય છે.’ હેરોલ્ડ પિન્ટર પોતાનાં નાટકોના સર્જન વિશે કહે છે, “ઘણાં નાટકો એકાદ વાક્ય, શબ્દ કે કલ્પનમાંથી ઉદ્ભવે છે. જે તે શબ્દની પાછળ કલ્પન આવે છે.” પિન્ટર પાત્રોને અ, બ, ક કહી નાટકની માંડણી કરે છે. સર્જનની ક્ષણ વિલક્ષણ છે – આ ક્ષણ સુધી જેમનું અસ્તિત્વ ન હતું તે પાત્રો સર્જવાની ક્ષણ. આ પાત્રો સર્જકને ગાંઠતાં નથી. સર્જક તેમના પર હુકમ ન ચલાવી શકે. સર્જક જાણે એમની સાથે ઉંદર-બિલાડીની રમત માંડે છે. જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો ‘સ્વપ્નો જોવાની અને એ સ્વપ્નોને શબ્દોમાં ઉતારવાની ઇચ્છા’ને સર્જનનું પ્રેરકબળ ગણે છે.
ટોમસ ટ્રાન્સ્ટ્રોમર વિદ્યાર્થી હતો ત્યારે વર્ગમાં ભણવાનું અઘરું લાગે તે સમયે ને મિત્રો સાથે કવિતાની કાપલીઓની આપ-લે કરતો. ટોમસ આને કાવ્યસર્જનની મૂળગત સ્થિતિ ગણે છે, “વ્યવહારુ જીવનનો પાઠ ગડગડાટ ચાલતો રહે છે, અને આપણે સ્ફુરિત ચબરખીઓ એકમેકને મોકલતા રહીએ છીએ.” એ મો યાને વૃત્તાંતકથાઓમાં દરેક પ્રકારના પ્રયોગો કર્યા પણ છેવટે ‘પોતાની પરંપરાઓ તરફ પાછા ફર્યા.’ અલબત્ત, એમાં સુધારા-વધારા કરીને. પેટ્રિક મોદિયાનો કહે છે કે નવલકથાકાર પોતાની આસપાસના વાતાવરણને આત્મસાત્ કરવા ઇચ્છતો હોય તો એણે જનસમુદાયમાં ભળવું પડે. આમ તો લેખન એકાકી પ્રક્રિયા છે. ક્યારેક હતોત્સાહિત કરી દે છે. નવલકથાનાં પ્રારંભનાં થોડાંક પૃષ્ઠો લખાતાં હોય ત્યારે વારંવાર એવી લાગણી થાય કે તમે ખોટા માર્ગે ચડી ગયા છો, અને પાછા વળી જવાની પ્રબળ ઇચ્છા થઈ આવે. પણ એવી ઇચ્છાને તાબે થયા વિના તમે આગળ વધતા રહો. સ્વેતલાના એલેક્સિયેવીચ કહે છે, “હું માનવકાન છું. રસ્તામાં ચાલતાં શબ્દો, ઉદ્ગારો પકડી પાડું ત્યારે મને થાય છે કે કેટલી ય નવલકથાઓ વણલખી લુપ્ત થઈ જાય છે. આપણે મનુષ્યજીવનના વાર્તાલાપોને સાહિત્યમાં આવરી લેતાં શીખ્યાં નથી. આપણે એની કદર કરતાં નથી. તેનાથી નવાઈ પામતાં નથી કે નથી ખુશ થતાં. પણ હું એનાથી મંત્રમુગ્ધ થઈ, એની કેદી બની જાઉં છું.”
સ્વેતલાનાને નાનાં માણસોમાં રસ છે. એનાં પુસ્તકોમાં “આ નાનાં માણસો પોતાનો નાનો ઇતિહાસ કહે છે, અને તેની સાથે જ મોટો ઇતિહાસ કહેવાઈ જાય છે.” સ્વેતલાનાને ઘણીવાર પૂછવામાં આવે છે, “તમે હંમેશાં કરુણ વિષયો પર કેમ લખો છો?” એમનો જવાબ, “કેમ કે અમે એ રીતે જીવીએ છીએ.” મારિયો પેદરો વરગાસ લોસા માટે ‘સાહિત્ય શબ્દરમત ન બનતાં અસહ્ય પરિસ્થિતિમાંથી છુટકારો મેળવી બળવાખોરીની દિશાનું જીવનધ્યેય બની રહ્યું.’ મારિયો માટે ક્યારેક સર્જનપ્રક્રિયા ‘લોહીપાણી એક કરીને લકવાગ્રસ્ત કરી દે’ એવી સ્થિતિ છે. વર્ષો સુધી કોરીકટ ને સૂઠીભઠ ધરા જેવી કલ્પનાઓના કારણે વાર્તાસર્જનના તરફડાટે એને ‘હરખવંચિત’ રાખ્યો છે. એની ‘ઊંઘ હરામ’ કરી છે, પણ ‘નવલકથાના ગર્ભકાળનું બીજ જ્યારે આકારિત થાય ત્યારે કોઈ માનુનીના પ્રેમમાં પડી વર્ષો સુધી અવિરત એને ચાહ્યા કરો’ એવા આનંદની અનુભૂતિ થાય છે. ફ્લોબર્ટનું વિધાન ટાંકી મારિયો કહે છે, “લેખન એ જીવનશૈલી છે”.
ભાષા
ટૉની મોરિસન એક વૃદ્ધ, અંધ અને શાણી સ્ત્રીની કથા માંડે છે. કેટલાક યુવાનો આ સ્ત્રીની પારગામી દૃષ્ટિને જૂઠી સાબિત કરવા એને પ્રશ્ન પૂછે છે, “હે ડોસીમા, મારા હાથમાં એક પક્ષી છે. તું કહે, એ જીવિત છે કે મૃત.” લાંબો સમય મૌન ધરી આખરે એ સ્ત્રી બોલી, ‘મને ખબર નથી કે તમે જે પક્ષીને તમારા હાથમાં લઈ ઊભા છો તે જીવિત છે કે મૃત, પરંતુ એટલું કહી શકું કે તે તમારા હાથમાં છે.’ ટૉની મોરિસન એ પક્ષીને ભાષા તરીકે અને પેલી વૃદ્ધાને લેખિકા તરીકે ઓળખાવે છે. એને એ બાબતે ચિંતા છે કે જન્મથી પોતાના જે ભાષા આપવામાં આવી છે અને જે ભાષામાં પોતે સ્વપ્નાં જુએ છે, એને એ કેવી રીતે સંવારે છે. લેખિકા માટે ભાષા એક રીતે ‘વ્યવસ્થા’ છે, તો બીજી રીતે ‘એક જીવંત વસ્તુ’ છે. ટૉની મોરિસન ભાષાને લકવાગ્રસ્ત કરનારાં કે એનો ખાતમો બોલાવનારાં પરિબળોનો ઉલ્લેખ કરે છે : આપખુદ શાસકની ભાટાઈ કરતી ભાષા, બાલિશ નેતા અને સત્તાના સોદાગરની પોકળ ભાષા, પ્રસારમાધ્યમોની બનાવટી ભાષા, શસ્ત્રસજ્જ થવા ઉશ્કેરનારી ભાષા; હત્યા, બળાત્કાર, રિબામણીને પોરસાવતી રાજદ્વારી ભાષા. છટાદાર વાકપટુતા, સાક્ષરો સાથેની સાંઠગાંઠ હેઠળ ગમે તેટલી મોહક હોય તો પણ, એવી ભાષાનું હાર્દ ક્ષીણ થયેલું હોય છે. ભાષાએ માત્ર જીવવા ખાતર જીવવાનું નથી. એની જીવનઊર્જા એની વાસ્તવિકતાને ચિત્રિત કરવાની ક્ષમતામાં રહેલી છે. નેડીન ગોર્ડીમર કહે છે તેમ, એ જ શબ્દ સાચો સર્જક પ્રયોજે ત્યારે એ ‘અંતરિક્ષમાં ગતિ કરે છે, ઉપગ્રહ પરથી પરાવૃત થાય છે, અને આ અગાઉ ક્યારે ય ન પહોંચ્યો હોય એવી ઊંચાઈ આંબીને, જ્યાંથી એ સહુ પ્રથમ ઉદ્ભવેલો ત્યાં-સ્વર્ગમાં-પહોંચે છે’. ડેરેક વૉલકોટ કહે છે કે કવિતાની ભાષા વરસાદનાં ટીપાં જેટલી તરોતાજા હોવી જોઈએ. સાહિત્યકારની ભાષા સત્તાધારીની, પુસ્તકાલયની, શબ્દકોશની, અદાલતની, દેવાલયની, વિશ્વવિદ્યાલયની, રૂઢિગત સંસ્થાઓની, બોલવાની શૈલીને પડકારે છે – પોતીકી લઢણથી. ગુન્ટર ગ્રાસ પણ ‘નાઝી શાસને ભ્રષ્ટ કરેલી જર્મન ભાષા’ને સર્જકોએ કઈ રીતે ઉગારવાની, અને પુનઃ અંકે કરી એમાં વૃદ્ધિ કરવાની હતી તેની વાત કરે છે.
ગાઓ શિન્ગજિયાન કહે છે કે સર્જક માટે ભાષા કેવળ સંજ્ઞા કે પદવિન્યાસ નથી. “શાપ કે આશીર્વાદની જેમ ભાષામાં પણ તનમનને હલબલાવી દેવાની શક્તિ છે. … ભાષા ચમત્કારોથી સજ્જ છે અને એની અભિવ્યક્તિની ક્ષમતા અપાર છે.” નાયપોલ પણ ભાષાને ભ્રષ્ટ કરવાનું ઉદાહરણ આપતાં કહે છે કે તેઓ જ્યારે ગેરીલા કટોકટીના સમયે આર્જન્ટીના ગયેલા ત્યારે એક માણસે કહ્યું, “સારી રિબામણી અને ખરાબ રિબામણી હોય છે. સારી રિબામણી એટલે તમે શત્રુને કરો તે, અને ખરાબ રિબામણી એટલે શત્રુ તમને કરે તે.” નાયપોલ આને યુરોપ પાસેથી ઊછીની લીધેલ ‘જાર્ગન’-બડબડાટ કહે છે. ઇમરે કરતેઝ ભાષાના નવસંસ્કરણની વાત કરતાં કાફકાનું ઉદાહરણ આપી કહે છે, “કાફકાના હાથે જૂની ભાષાનું વિઘટન થઈ ગયું – એવું લાગતું હતું કે તે એને ખુલ્લી ભઠ્ઠીમાં આમથી તેમ ફરેવી રહ્યો છે, અને છેવટે તેની ભસ્મ સિવાય કશું જ રહ્યું નથી, જેની અંદરથી નવા અને અગાઉ ન જોયેલા આકારો પ્રગટ્યા છે.” હેરોલ્ડ પિન્ટર સાહિત્યની ભાષા અને કળણને ટ્રેમ્પલીન – ઉછાળજાળ સાથે સરખાવી કહે છે, “એ ગમે ત્યારે લેખકના પગ તળેથી ફસકી જાય.” એ રાજકરણીઓની ભાષાને ‘જૂઠાણાંના તાણાવાણાં’ કહે છે, જે લોકોને અબુધ રાખવા વપરાય છે. ડોરિસ લેસિંગ કહે છે કે ભાષા આપણી ‘વિરાસત’ છે જે ક્યારે ય ખૂટશે નહીં. જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો માટે શબ્દકોશ એ ‘અદ્ભુત પ્રવેશદ્વાર’ હતો. તે લેખકોને ‘ભાષાના સંરક્ષક’ ગણે છે, કેમ કે ભાષા એમની ‘ભીતર અને એમના થકી જીવે છે.’
ઍલ્ફ્રિડ યેલિનેક ભાષા દ્વારા વ્યક્ત થવાની સર્જકની મથામણની વાત શ્વાનનું રૂપક પ્રયોજી કરે છે. “આ શ્વાન-ભાષા, જેણે મારું રક્ષણ કરવાનું છે, તે જ ઘૂરકાટ કરી મને એડીએ કરડે છે … મારો એક માત્ર રક્ષક જ મારી વિરુદ્ધ જાય છે.” મારે વારંવાર એને પંપાળવી પડે છે, કેમ કે એને લાડકોડ ગમે છે. ભાષાની તકલીફ એ છે કે એ સતત કશુંક કહે છે, પણ કશું કહેતી નથી. મારી ભાષા જો મને જ કશું કહેતી ન હોય તો એ અન્યોને તો શું કહે? મારી ભાષા બેશરમ પણ છે, અને મને એનો પછવાડો બતાવે છે. સર્જક જે કહે તે એ જે કહેવા માંગે છે તેની સાવ નિકટ ન હોવું જોઈએ. સર્જકે પોતાની ભાષાની વધુ પડતા નજીક ન જવું જોઈએ. ઍલ્ફ્રિડ કહે છે, “હું મારી ભાષાની કેદી છું, અને એ મારી જેલર છે.” કેન્ઝાબૂરો ઓએ માનવભાષાની મર્યાદા ચીંધતાં કાવાબાતાની કાવ્યરચનાઓનું ઉદાહરણ આપી કહે છે, “તેમાંનાં ઘણાં બધાં કાવ્યોનો તંતુ ભાષા દ્વારા સત્યનું નિરૂપણ કરવાની અશક્યતાનો નિર્દેશ કરે છે.” કારણ એ કે આપણા શબ્દો પોતાના કોચલામાં સીમિત થયેલા હોય છે. તેથી જ તો ટોમસ ટ્રાન્સ્ટ્રોમર ખોજે છે, ‘શબ્દશૂન્ય ભાષા’.
ભાવક
કોઈ પણ સાહિત્યકૃતિ ભાવકને સર્જકની અનુભૂતિમાં સહભાગી થવાના નિમંત્રણરૂપ હોય છે. લેખક માટે વાચકની અગત્યતા બલકે, અનિવાર્યતા સ્વીકારતાં ગાઓ શિન્ગજિયાન કહે છે, “તેને વાચકો મળતા રહે ત્યાં સુધીનું જ એનું આયુષ્ય”. લેખક લખે અને વાચક એને વાંચે એ ક્ષણોમાં જ સાહિત્યનું પ્રત્યક્ષીકરણ થતું હોય છે. સાહિત્ય જીવંત વ્યક્તિ અને તેના વર્તમાનની ખરાઈ કરવા માટે છે. આ સનાતન વર્તમાન અને વ્યક્તિના હોવાપણાની પ્રતીતિને કારણે જ સાહિત્ય સાહિત્ય છે. અલબત્ત, લખતી વખતે તો લેખક એટલો લેખનમગ્ન હોય છે કે એ શા માટે અને કોના માટે લખે છે એનાથી સભાન હોતો નથી. ગાઓ સાહિત્યના બિનઉપયોગાત્મક પાસાને એનું મૂળભૂત લક્ષણ ગણે છે. સૌથી વધુ વેચાતું પુસ્તક એટલે સાહિત્ય, એવું નથી, અને ટી.વી. ચેનલો જેનાં ઢોલ પીટે એ સાહિત્ય, એવું પણ નહીં. એ જાહેરાત પણ હોઈ શકે. આજે તો બજારુ સંસ્કૃતિની બોલબાલા છે, અને પુસ્તકો પણ બજારુ ‘માલ’ ગણાય છે. ગાઓ સર્જક અને વાચક વચ્ચેના સંબંધને ‘આધ્યાત્મિક પ્રત્યાયન’ કહે છે. એમણે રૂબરૂ મળવાની કે સામાજિક સંબંધો કેળવવાની જરૂર નથી. આ પ્રત્યાયન કેવળ સાહિત્યકૃતિ દ્વારા થાય છે. સાહિત્ય એવી માનવીય પ્રવૃત્તિ છે જેમાં વાચક અને લેખક પોતાની મરજીથી જોડાય છે, તેથી ‘સાહિત્યની જનસમૂહ પ્રત્યે કોઈ ફરજ નથી.’ જે સાહિત્યને સમાજ ગૂંગળાવવા મથે છતાં તેને ગાંઠતું નથી તેને ગાવ ‘નિઃસ્પૃહી સાહિત્ય’ કહે છે. જે સમાજમાં આવા સાહિત્ય માટે અવકાશ નથી તે સમાજની એ કરુણતા ગણાય. જે સર્જક થવા સર્જાયો છે તેની કલ્પનાશક્તિને નવી ક્ષિતિજ સાંપડે છે, તે પારકાનું મન જાણવા શક્તિમાન થાય છે, અને પરકાયા-પ્રવેશ કરી શકે છે. નેડીન ગોર્ડીમર કહે છે કે આના મૂળમાં ‘અન્ય વ્યક્તિ સુધી પહોંચવાની તીવ્ર ઝંખના જ છે.’ પણ ઇમરે કરતેઝ વાચકો સંદર્ભે જુદી જ વાત કરે છે. એ કહે છે, “ન તો મારા કોઈ વાચકો હતા કે ન તો હું કોઈ પર પ્રભાવ પાડવા માંગતો હતો. મેં કોઈ ખાસ કારણસર લખવાનું શરૂ નહોતું કર્યું, અને મેં જે લખ્યું તે કોઈને અનુલક્ષીને નહોતું લખ્યું. મારા માટે જો કોઈ લક્ષ્ય હોય; તો એ હતું કે મારે ભાષા અને તેના રૂપને, અને જે વિષય પર લખું છું તેને વફાદાર રહેવું, તે સિવાય બીજું કશું નહીં.”
ડોરિસ લેસિંગનું મોટા ભાગનું વક્તવ્ય પુસ્તક વાચક પર શી અસર કરે છે, તે વિશેનું છે. દક્ષિણ આફ્રિકાના ગરીબ વિસ્તારની એક ભારતીયની દુકાને દારુણ ગરીબીમાં જીવતી એક શ્યામ મહિલા પોતાનાં બે બાળકોને લઈને આવે છે. ત્યાં પુસ્તકમાંથી ફાડેલો કાગળનો ટૂકડો જુએ છે, અને એ લઈ વાંચવા લાગે છે. એ ફાટેલ કાગળ ‘એના કેરેનિના’નો છે. એ વાચનમાં મગ્ન થઈ જાય છે, અને વિચારે છે કે ‘હું પણ એ રૂસી છોકરી જેવી બની શકું. એક પુરુષ આવશે અને મને આ બધાથી દૂર લઈ જશે.’ વાંચી રહ્યા પછી એ પોતાનાં ચીંથરેહાલ બાળકો તરફ જોઈ વિચારે છે કે, ‘હું એમને પુસ્તકાલયમાં લઈ જઈશ. એ લોકો મોટા પુસ્તકાલય નજીક રહેશે, અને સારું જીવન જીવશે.’ મારિયો વરગાસ લોસા પાંચ વર્ષની ઉંમરે વાંચતા શીખ્યા તેને પોતાની ‘જિંદગીની સર્વોત્તમ ઘટના’ ગણે છે, કેમ કે વાચને સપનાંને જિંદગીમાં અને જિંદગીને સપનાંમાં તબદીલ કરી દીધી. મારિયો કહે છે, “કાલ્પનિક સાહિત્યિક જૂઠાણાંનો પાસ વાચકને લાગે છે ત્યારે તે એની વાસ્તવિક સામાન્યતાને પડકારી એનું સત્ય બની રહે છે.” એલિસ મુનરોને પૂછવામાં આવ્યું, “જે લોકો, ખાસ કરીને જે સ્ત્રીઓ તમારી વાર્તાઓ વાંચતી હોય, એમના પર તમારી જે અસર પડતી હોય એ વિશે તમે શું માનો છો?” તેમણે કહ્યું, “મારી વાર્તાઓ લોકોને હચમચાવી દે એવું મને જોઈએ, પછી ભલે એ વ્યક્તિ પુરુષ, સ્ત્રી કે બાળક હોય. …. વાંચ્યા પછી એ લોકોને કંઈક પ્રાપ્ત થયાનો આનંદ મળવો જોઈએ, એનો અર્થ એ નથી થતો કે કોઈ વાર્તાનો અંત સુખદ જ હોવો જોઈએ. પણ એ વાર્તામાં જે કંઈ કહેવાયું હોય એના કારણે વાર્તા પૂરી થયે, તમે કોઈ અન્ય વ્યક્તિ જ છો, એવી ભાવના થવી જોઈએ.”
પેટ્રિક મોદિયાનોને નૉબેલ પારિતોષિક મળ્યું તે એમના પોતાના માટે અકલ્પ્ય ઘટના હતી. એમને જાણવું હતું કે આ પસંદગી કયાં કારણોસર શક્ય બની. પછી એમને અહેસાસ થયો, “એક નવલકથાકાર પોતાની કૃતિઓ વિશે કેટલી હદે અજાણ હોય છે, અને એની સરખામણીએ એના વાચકો એ કૃતિ વિશે વધુ જાણકારી ધરાવતા હોય છે.” નવલકથાકાર ક્યારે ય પોતે પોતાનો વાચક થઈ શકે નહીં. પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરતાં મોદિયાનો કહે છે, “તમે જ્યારે પુસ્તક પૂરું કરવામાં છો, ત્યારે તમને એવી લાગણી થયા કરે છે કે જાણે પુસ્તક સ્વતંત્રતાનો શ્વાસ લેવાનું શરૂ કરી દે છે ને તમારા હાથમાંથી છટકી જવાની તૈયારી કરે છે; … હવે એને તમારી જરૂર નથી, એણે તો ક્યારનું ય તમારું વિસ્મરણ કરી દીધું છે, હવે પછી તે વાચકો દ્વારા પોતાની ઓળખ ઊભી કરશે.” મો યાન પોતાના બાળપણને યાદ કરતાં કહે છે, “જે લોકો વાંચી શકતા એમને માટે મારી અભણ માને ખૂબ માન હતું. અમે એટલા ગરીબ હતા કે ઘણી વાર અમને એ ય ખબર નહોતી પડતી કે અમારું બીજા ટંકનું ખાવાનું ક્યાંથી આવશે, તે છતાં ય એણે ક્યારે ય મારી પુસ્તક ખરીદવાની કે લખવા માટેની કોઈ ચીજ ખરીદવાની આજીજીને ઠુકરાવી નહોતી.” એ મો યાન પોતાની શરૂઆતની કૃતિઓને સ્વગતોક્તિઓ જેવી ગણે છે, ‘જેમાં કોઈ વાચકને ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી.’ પણ પછીની નવલકથામાં એ જાણે ‘જાહેર જગ્યાએ ઊભો રહી શ્રોતાઓનાં ટોળાંને વાત કહેતો’ હોય એવું અનુભવે છે.
લેખક માટે સૌથી મહત્ત્વનું કામ છે લખવું. એ મો યાન વાચકોને સંબોધી કહે છે, “હું ઇચ્છું છું કે તમે મારાં પુસ્તકો વાંચવાની ધીરજ કેળવો. હું તમને એ માટે બળજબરી તો ન કરી શકું. ધારો કે, તમે એ વાંચો અને તો ય તમારો મારા માટેનો અભિપ્રાય બદલાય એવી આશા પણ હું નથી રાખતો. હજી સુધી દુનિયામાં એક પણ એવો લેખક પાક્યો નથી કે જેના બધા જ વાચકોને એ ગમતો જ હોય.” ગાઓ શિન્ગજિયાને જેમ સર્જક અને વાચક વચ્ચેના ‘આધ્યાત્મિક પ્રત્યાયન’ની વાત કરી તેમ, પેટ્રિક મોદિયાનો કહે છે, “લેખકની મૂળ કૃતિના વાચન દ્વારા વાચક લેખક સાથે ‘આત્મીયતા’ અનુભવી શકે છે.” મોદિયાનો લેખક અને વાચકો વચ્ચે ‘સંવાદિતા’ના તત્ત્વનું મહત્ત્વ સ્વીકારે છે, પણ તરત સાવચેતીરૂપે ઉમેરે છે, “તેમ છતાં એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે વાચકનું મહત્ત્વ વધુ પડતું ન અંકાવું જોઈએ.”
– અદમ ટંકારવી • પંચમ શુક્લ
યુનાઇટેડ કિંગ્ડમ
Email: ghodiwalaa@yahoo.co.uk
Email: spancham@yahoo.com
સાહિત્યત્વ – સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016); સંપાદક : અદમ ટંકારવી-પંચમ શુક્લ; સંવર્ધક : કેતન રુપેરા; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી-યુનાઇટેડ કિંગ્ડમ; પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022; પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”; પૃ. 432 (30 + 402); રૂ. 675 • £ 8 • $ 10
ઝલક: