વિપુલ કલ્યાણી (રધુવીર ચૌધરી, જેવા જોયા ને જાણ્યા):
અનિલ વ્યાસ (રધુવીરનો વાર્તાવૈભવ):
પંચમ શુક્લ (રધુવીરનું કાવ્યજગત):
જે લોકો ચાહે છે • રઘુવીર ચૌધરી
જે લોકો કોઈ ને કોઈને
ચાહે છે
એ મને ગમે છે
હેમન્તની વહેલી સવારથીય વધુ.
સવાર એટલે ઝાકળભર્યો તડકો.
વૃક્ષ, વેલ કે ફૂલછોડને
પાંદડે પાંદડેથી ફૂટતું અજવાળું,
કુંપળનો રંગ કાંટાને મળે
એય મને ગમે છે.
કેમ કે પ્રેમનો સમય કુમાર કાર્તિકેય શો નાનો
પણ છલાંગો ઊંચી અમાપ.
જેની કોથળી ખાલી હોય
એ કાંગારુની આ વાત નથી.
તેમ છતાં
ચાહીને જે કશું પામ્યા નથી
એ લોકો મને ગમે છે.
ઈલા સાત વર્ષ પહેલા બળી મરેલી
વિદુલાના નામે લખીને:
‘સુખી થજે હવે તું તારે.’
સાચું કહું તો એ જાત ખાતર મરી હતી
ભારે લોભથી રૂંધાઈને.
હું ઈલા કે વિદુલાને વખાણતો નથી,
એટલું જ નહિ, ઓળખતો પણ નથી
છતાં જીવ બાળું છું સાત વરસથી.
સાત વરસમાં તો ઈલા
સમજણી થઈ ગઈ હોત પૂરતી.
પ્રેમનો લોભ જતો કરી શકી હોત.
જે લોકો પ્રેમીને જ નહિ
પ્રેમને પણ જતો કરે છે પ્રેમ ખાતર
એ મને ગમે છે.
હું મરી જવામાં માનું છું
તેમ છતાં જે મરીને પ્રેત થાય છે
ચાહવા માટે
એય મને ગમે છે.
આ વાત જ એવી છે કે
ગઈ કાલે ન ગમેલું
આજે ગમે છે.
1978
‘વહેતાં વૃક્ષ પવનમાં’, પૃ 18-19, 1984, રંગદ્વાર પ્રકાશન
* * *
રઘુવીર ચૌધરી શબ્દના સાધક – ધ્વનિ ભટ્ટ
સૌ પ્રથમ તો આજે ઘણા સમય પછી આટલાં સાહિત્યરસિકો સાથે સાહિત્યની ગોષ્ટિ કરવાની તક મળી તે બદલ હું અકાદમીનાં સંચાલકોની આભારી છું.
ડૉ. રઘુવીર ચૌધરીનાં સાહિત્યિક યોગદાનની ઝાંખી આપવી એ સૂરજની વાત દીવડો બતાવીને સમજાવવા જેવી છે. આપણી એક કહેવત છે ને કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોચે કવિ’ ! જ્યારે આટલી મોટી ઉપમા તો કવિને જ અપાયેલી છે; તો રઘુવીરજીને શું ઉપમા આપવી એ જ પ્રશ્ર થઈ પડે.
કેટકેટલું ખેડાણ એમનું સાહિત્યિક ક્ષેત્રે ! કવિ, વાર્તાકાર, નવલકથાકાર .. બસ ! ના રે ના, આટલેથી જો અટકે એ રઘુવીરજી શાના ! એ તો મુસાફર રહ્યા વિસામા વિનાની વાટના ! કવિ, વાર્તાકાર, નવલકથાકારની સાથે સાથે જ તેઓ એટલા જ સક્ષમ અને સફળ નાટ્યકાર, નિબંધકાર અને વિવેચક પણ ખરા જ. કદાચ સાહિત્યનો કોઈ પ્રકાર રઘુવીરમય થયા વગરનો નહીં જ રહ્યો હોય ! અને એટલે જ એમને એક સક્ષમ, સફળ અને ફળદ્રુપ સાહિત્યકારની ઉપમા આપવી ઉચિત રહેશે.
રઘુવીર ચૌધરી શબ્દના સાધક. શબ્દને જાણે એમણે સાધી લીધો અને જે ઢાંચામાં ઢાળવા ચાહ્યો, ઢાળી લીધો. એમનાં લખાણની એક ખાસિયત એ રહી છે કે તેઓ ફક્ત એમની કલ્પનાના આધારે જ નથી લખતા. જે જગ્યા કે પરિસ્થિતિનું એમણે વર્ણન કે ઉલ્લેખ કર્યો છે, મહદ્દ અંશે ત્યાં તેઓ જાતે ગયા છે. ભાવનાઓનાં તાલમેળમાં કલ્પના આવશ્યક ખરી, પણ વાત ત્યાં જ ન અટકે. જાગૃત ચેતના આબેહૂબ શબ્દોમાં કંડારવા અને કાગળ પર ઊતારવા સ્વાનુભાવો અનિવાર્ય છે. એ ભાવ-વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થાય અને એ અનુભવની શાહીએ જ્યારે કાગળ છૂંદાય ત્યારે જ સાચી લાગણી પડઘાય એવું તેઓ સ્પષ્ટપણે માને છે.
રઘુવીરજીને નાનપણથી જ નાટકમાં ખૂબ રસ. પોતે એક પરોપકારી જીવ અને એમાં ય એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવું, એવું તેઓ પોતાની ફરજરૂપ ગણતા. અને એટલે જ, વિદ્યાર્થીઓ ભાવવાહી વાંચન કરે, શુધ્ધ ઉચ્ચારો કરે એ માટે થઈને જ કદાચ એમણે નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરેલી. એમનાં લોકપ્રિય નાટકોમાંનુ એક ‘સિકંદરસાની’ કે જે આખા દેશમાં ભજવાયું હતું. એમણે વળી એકાંકી નાટકો ય લખ્યાં. એમાંનું એક એ ‘ ડિમલાઈટ’ કે જે લોક બોલીમાં છે, એ પણ ખૂબ સફળ રહ્યું. તેઓએ દૂરદર્શન માટે પણ નાટ્યશ્રેણીઓ લખી છે.
રઘુવીરજી કુદરતી સૌંદર્યનાં ય ચાહક. પ્રકૃતિને ય એમણે આબેહૂબ ઊતારી છે એમનાં પ્રવાસવર્ણનોમાં. એમણે સ્વાનુભાવે ઘણાં પ્રવાસવર્ણન લખ્યા છે.
ગુજરાતી સાહિત્યમાં સૌથી સફળ નીવડેલો ગદ્યપ્રકાર એટલે નિબંધ. એ વાતમાં કોઈ શંકા નથી. રઘુવીરજી એ લલિત નિબંધો, માર્મિક, ચિત્રાત્મક ચરિત્ર નિબંધો લખ્યા. સર્જક રઘુવીરની દ્રષ્ટિ વેધક અને વાણી માર્મિક છે. વ્યક્તિનાં ગુણ-દોષની આર-પાર થઈ, એની સિધ્ધિ- અસિધ્ધિઓનો ક્યાસ એ પળવારમાં કાઢી શકે છે. એમના નિબંધોમાં ઝીણી પણ રસભરી વિગતો, અંગત સ્પર્શવાળા વાર્તાલાપ, વિશિષ્ટતા ને મર્યા
એમનાં એક નિબંઘસંગ્રહ ‘ વન અને ઉપવન’નો એક નાનકડો અંશ રજૂ કરું છું :
” નાનપણમાં એક આનંદ રમવાનો હતો અને બીજો દર શનિવારે અને અગિયારસે મહાદેવનાં મંદિરે ભજનમંડળીમાં ગાવા-નાચવાનો. ક્યારેક રાસ પણ રમાય. બધી ચાલ આવડે. રાસ રમતાં કદી થાક લાગે જ નહીં. કિશોરવયે પહોંચતાં બાજરી કે ઘઉં વાઢતી વખતે પાળિયું પૂરું કરી સહુથી આગળ રહેવાનો પણ એક આનંદ હતો. પછી કોરા મોરિયાનું પાણી અને રાયણ જેવા ઝાડનો છાંયો ! એથી ચઢિયાતા સુખની તો કલ્પના જ ક્યાંથી આવે ! ખેતરમાં ટાઢ કે તાપ નડે જ નહીં. પગને અડીને ક્યારેક છાનુંમાનું વહી જતું માટોડી પાણી તો ક્યારેક ઝાંખરામાંથી ફુટી આવેલો કલબલ કરતો આસમાની રેલો. તાજા ઘાસની પાંદડીઓમાંથી ફુટેલી જુદી જુદી વાસ સાથે ઘેરી વળતી ભીની ભીની હવા. વરસાદ રોકી સૂરજ વાદળ બહાર ડોકિયું કરે ને સામી દિશા ઇન્દ્રધનુ લઈ એનું સ્વાગત કરે ત્યારે આપણને એ ભવ્ય ધટનાનાં સાક્ષી બનવાની તક મળે, અનેકવાર. ગળથૂંથીમાં ઘણું મળ્યું છે. સૂરજનું તેજ અને પાણીએ પ્રગટાવેલો ધરતીનો પ્રેમ આજે ય સ્મરણોમાં લીલો છે. જે. કૃષ્ણમૂર્તિનાં ચિંતનનો હું ઓશિંગણ છું પણ એમનાં સૂચન છતાં ભવ્ય ભૂતકાળને બાદ કરી શક્યો નથી.”
વિવેચન સાથે નિબંધલેખન ને ગાઢ સંબંધ છે. વિવેચકની પૃથ્થક્કરણ શક્તિ અને મર્મગ્રાહી અવલોકન કરવા પ્રેરતી વેઘક દ્રષ્ટિ નિબંધકારોમાં ખાસ જોવા મળે છે અને રઘુવીર ચૌઘરી એમાંના એક. વિવેચન પણ એ જ કરી શકે ને કે જેને વિષયવસ્તુનું પૂરું જ્ઞાન હોય ! એક વિવેચક તરીકે રઘુવીરજી કહેછે કે ”મેં જે વિવેચન લખ્યું છે એ આસ્વાદમૂલક છે. એમાં વાચક ને રસ પડે એ ભાગ હું ઉપસાવી આપતો પણ માત્ર કપોળકલ્પિત હોય એવા સાહિત્યમાં મારો રસ ઓછો ! કલ્પના મોટી વસ્તુ છે એમ હું માનું ખરો પણ મને તો જીવનલક્ષી સાહિત્ય હોય એમાં જ ખરો રસ.
આ અને આ સિવાયનું ઘણું ઘણું કે જે અહીં ઉલ્લેખી નથી શકાયું, ના ખાલી ગુજરાતીમાં પણ રાષ્ટ્રભાષા હિન્દીમાં પણ એમનું સાહિત્યિક યોગદાન રહ્યું છે. રઘુવીર ચૌધરીનાં આ અમૂલ્ય યોગદાન બદલ એમને શત વંદન.
છબિઝલક: