જુદી જિંદગી છે મિજાજે – મિજાજે (શનિવાર, 5 જુલાઈ 2014)

મનુભાઈ ત્રિવેદી – ‘ગાફિલ’ ‘સરોદ’  (જન્મ: ૨૬ /૨૭-૭-૧૯૧૪ – મૃત્યુ: ૯-૪-૧૯૭૨)

‘અલખના ઈશારા’ બ્લોગ અને ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી તારવેલી માહિતી મુજબ:

જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કૉલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને થઈને વકીલાત કર્યો બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ કૉઝ કોર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે.

મનુભાઈનો પિતાજી નો વારસો તો માણાવદર રાજ્યના દિવાન ત્રિભોવનદાસના પુત્ર તરીકેનો પિતાના વારસારૂપે પ્રમાણિકતા, કાર્યનિષ્ઠા, વિદ્યાપ્રીતિ ,સાહિત્ય-પ્રેમ  આ બધા સંસ્કારો તેમને મળ્યા . જે તે વખતના દેશી રજવાડાં બીલખા,ધાંગધ્રા,ધ્રોળના રાજવીઓ સાથે ટેનીસ ખેલતા। હોકીના અચ્છા ખેલાડી હતા. તેમનું મિત્રમંડળ વિશાળ હતું . વ્યવસાયે જજની જવાબદારી નિભાવતા , છતાં વાત્સલ્યમૂર્તિ પિતાની જવાબદારી નિભાવી બાળકોનું ખુબ જતન કર્યું.

આ કવિએ ‘સરોદ’નાં ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’નાં તખલ્લુસથી ગઝલો લખી છે.  એમની કવિત્વશક્તિ મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યક્ત થઈ છે. આધ્યાત્મિક રહસ્યછાયાની અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; એમની ગઝલોમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.

બંદગી (1973, “ગાફિલ”), સુરતા (1970, “સરોદ”), રામરસ  (1956, “સરોદ”), પવન પગથિયાં  (“સરોદ”), મીર ખેંચે છે (ગઝલ), પરિચય પુસ્તિકા “મનુભાઈ ત્રિવેદી” વિશે – હરિકૃષ્ણ પાઠક દ્રારા, બાળકાવ્યો, તેમજ બાળનાટ્યોનું સર્જન કર્યું છે. જેમાંથી ઘણી કૃતિઓને પાઠ્યપુસ્તકમાં સ્થાન મળેલું છે.

1935-36 થી ગુજરાતમાં અનેક શહેરમાં સિવિલ જજ તરીકેની સેવા આપી છે। છેલ્લે સેવાકાળના ત્રણ ચાર માસ બાકી હતા ત્યારે  1972 માર્ચ માસમાં બઢતીથી અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટના જજ તરીકે નિમાયા . ત્યારબાદ બીજેજ મહીને અમદાવાદ ટાઉન હોલ ખાતે યોજાયેલા મુશાયરામાં ગયેલા તો શ્રોતા તરીકે પરંતુ કવિમિત્ર અમૃત ઘાયલ તથા અન્ય મિત્રોના આગ્રહને વશ થઇ મંચ પર જઈ પોતાની જ ગઝલ રજુ કરીને પોતાના સ્થાને પાછા ગયા ત્યાં બેચેની થઈ આવી અને બેહોશ બની ગયા। બીજે દિવસે તા। 9-4-72 ના રોજ તેઓનું હેમરેજ કારણે અવસાન થયું . છેલ્લે આ ગઝલ રજુ કરેલી …

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જનાજે – જનાજે…

સાચા શબદ

આપ કરી લે ઓળખાણ
.                       એ સાચા શબદનાં પરમાણ

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
.                       સાચા શબદનાં પરમાણ

કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ –
.                       સાચા શબદનાં પરમાણ

ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ –
.                       એ સાચા શબદનાં પરમાણ

 

ખોલ તિમિરનાં તાળાં

મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં

ગુરુ મળ્યા છે ગરવા

અમને ગુરુ મળ્યા છે ગરવા –
એના શબદ ગયા સોંસરવા:
અમને ગુરુ મળ્યા છે ગરવા.

આભ અવાકની વાણ સુણાવી,
ઝમ્યા નેહ મેઘરવા;
ટીપે ટીપે ધાર ઝવી, એને
ઝીલી થયા અમે નરવા.
અમને ગુરુ મળ્યા છે ગરવા.

અંબરથીય અતિ અતિ ઊંચે
બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
જળી રહી તમ હરવા.
અમને ગુરુ મળ્યા છે ગરવા.

શબદ સોંસરવા સર્યા મૌનમાં,
મોંઘે મોત એ મરવા;
સદ્ ગુરુ, અમને જુગતિ બતાવો
પંડ પાર પરવરવા.
અમને ગુરુ મળ્યા છે ગરવા.

અમથા અમથા

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

ગઝલો:

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;

જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?

જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,

છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,

છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,

છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,

જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?

જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

–  બંદગી (‘ગાફિલ’)

કોઈ સમજે

અમારા જીવનની વ્યથા કોઈ સમજે ;
અમારા પ્રણયની કથા કોઈ સમજે.

અમે માનીએ જેને મહામુલી મૂડી
હૃદયની એ વાતો, વૃથા કોઈ સમજે.

કહી જાય ના આ વાત અહીંયા અમોથી,
કહીએ કંઈ, અન્યથા કોઈ સમજે.

અમારે તો રહી ગૈ છે મનની જ મનમાં.
કે અમ આગવી આસ્થા કોઈ સમજે.

નિરાશા જ મળશે ભરી મહેફીલે શું ?
કે ‘ગાફિલ’ પ્રણયની પ્રથા કોઈ સમજે.

મારી ગઝલમાં

અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

કેટલો વખત ?

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?

સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;
ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?

જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?

ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?

‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?

શાનો રંગ લાગ્યો છે

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.

ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.

મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.

નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.

અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?

થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.

નથી જોયું

વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.

પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.

નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?

મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.

નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.

રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

ભલે ગાફિલ કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.

ઊર્વિ ત્રિવેદી (મનુભાઈ ત્રિવેદીના દોહિત્રી)નાં સંભારણાં:

 

મોહનભાઈ કાછિયાનું કાવ્યપઠન:

 

 

 

છબિઝલક: