નટુભાઈ પટેલનો સન્માન સમારંભ

નાટકોને શ્વસતા રંગકર્મી નટુભાઈ પટેલનું સન્માન

• વલ્લભ નાંઢા

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચાળીસ વર્ષની મજલ પૂરી કરી, એ આનંદરૂપ ઘટના જ ગણાય.તે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ રંગકર્મી નટુભાઈ પટેલને રવિવાર, તા 6 ઓગસ્ટ 2017ના સ્ટેનમોરમાં આવ્યા The Cannons Hallમાં બપોરે 3:00 કલાકે સન્માન્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલાં જાણીતા લેખિકા નંદિનીબહેન ત્રિવેદી અને મુખ્ય પ્રવાહના જાણીતા રંગકર્મી ભાસ્કરભાઈ પટેલની ઉપસ્થિતિ હતી. કાર્યક્રમનું સંચાલન અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીએ કર્યં હતું.

પ્રથમ વક્તા વ્યોમેશ જોશીએ કહેલું: 1978ની એ સાલ હતી. મેં છાપામાં એક જાહેરાત વાંચેલી “નાટ્ય પ્રવૃત્તિમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને નાટકમાં કામ કરવું હોય તો ભારતીય વિદ્યા ભવનમાં પધારે.’’ બીજા દિવસે હું પહોંચી ગયો હતો. એ સમયે ટોટનહામ કોર્ટ રોડ પર આવેલા ભારતીય વિદ્યા ભવનના જૂના મકાનમાં નાટકોનું કામ ચાલતું. અમે ખભેખભા મિલાવીને કામ કરેલું. એ વખતે એક નાટકમાં નટુભાઈએ કાકાનો રોલ કરેલો ત્યારથી અમે એમને નટુકાકા કહેતા થયા. અને ઉષાબહેન મમ્મીનો રોલ કરતાં એટલે ઉષાબહેનને મમ્મી કહેવા લાગ્યાં. ત્યાર પછી મારી વ્યસ્તતા વધતાં હું પોરો ખાતો રહ્યો હતો.

એવામાં એક દિવસ નટુકાકાનો ફોન આવ્યો: “વ્યોમેશ, મને મળી જા, તારું કામ છે.’’ હું મળવા ગયો. તેમણે ધીમે રહીને કહ્યું, “વર્ષો પહેલાં ભવનમાં આપણે નાટ્યપ્રવૃત્તિ શરૂ કરી હતી એ કામ પાછું ઉપાડવું છે.” નટુકાકા સાથે જે જોડાય છે તેને તે પોતાનું માણસ જ ગણી એમની સાથે રાખે. નટુકાકા પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. મારા પિતાશ્રીના અવસાન પછી જો હું કોઈ બીજી વ્યક્તિને આદર આપતો હો ઉં તો એ નટુકાકા છે.

બીજા વક્તા ઉષાબહેન પટેલે આરંભે જ જણાવેલું ‘મને વાત કરવાનો બહુ અનુભવ નથી. મને નાટક કરવાનું કહો તો હમણાં જ કરી આપું. નટુભાઈનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને કેન્દ્રમાં મૂકીને બોલવું એટલે સૂરજ સામે દીવો બતાવવા જેવું છે. થોડી મૂંઝવણ પણ થાય છે. નટુભાઈનો પરિચય કંપાલામાં થયો હતો. કંપાલામાં તેઓ બહેનોની એક સંસ્થા ચલાવતા હતા. દર વર્ષે આ સંસ્થા દ્વારા એક નાટ્યસ્પર્ધાનું આયોજન થતું. એમાં નટુભાઈ એક નાટકનું આયોજન કરી રહ્યા હતા. પાત્રોની વરણી પણ થઈ ગઈ હતી. એમાં વાસણ વેચવાવાળી બાઈનું પાત્ર ભજવી શકે તેવું સ્ત્રીપાત્ર શોધવાનું બાકી હતું. મને જોઈને નટુભાઈ બોલી ઉઠેલા: “આ રોલ માટે આ છોકરી જ ફિટ થશે’’; અને એ રોલ મને મળી ગયો. બસ, નટુભાઈ સાથે ત્યારથી પરિચય. અહીં આવ્યા પછી ભારતીય વિદ્યા ભવનમાં નાટ્યપ્રવૃત્તિનો આરંભ કરી દીધો. ‘અમે બરફનાં પંખી’ જેવાં અનેક નાટકો – નૃત્યનાટિકાઓનાં મંચન-શો થયા. નાટકો તૈયાર તો થાય. એ પબ્લિકને ગમશે કે નહિ, એ વિચાર કરીને નાટકોની પસંદગી કરે. નાટકોની પ્રેક્ટિસ નટુભાઈને ઘેર થાય. ને નાટકો સફળ જ થાય, એમ કહી ઉષાબહેને નટુભાઈને હાર્દિક અભિનંદન આપ્યાં હતાં.

ત્રીજા વક્તા મનીષાબહેન અમીને કહ્યું: “નટુકાકાનું વીસેક વર્ષ પહેલાં ઓળખાણ થયું. હું પાટીદાર સમાજમાં નૃત્યની તાલીમ આપવા જતી, ત્યારે એક એ વખત એમને મળેલી. અને પછી એમના આગ્રહથી હું એમની નાટ્યસંસ્થામાં સંચાલક તરીકે જોડાઈ હતી.

નટુકાકાએ 15 વર્ષની ઉંમરે પી.એલ. સંતોષી, પી.એસ. લુહાર, યોગેનભાઈ દેસાઈ જેવા સંગીતકારો, નૃત્યકારો પાસેથી નાટયસર્જનની તાલીમ મેળવી હતી. ફેડરેશનમાં સંગીત અને નૃત્યની તાલીમ ચાલે. નટુકાકાને એક જ ધૂન, નવી પેઢીને કોઈ પણ રીતે આ કામમાં જોડવી. સ્વપ્ન સાકાર કરવા નટુકાકાએ એન.સી. એકેડેમી સ્થાપી. એક વાર મારા મામાના દીકરાના લગ્નમાં અમે સાથે હતાં, ત્યારે નીકળતી વખતે મને કહે, “વર્ષા અડાલજાની આ ‘અણસાર’ નવલકથા પરથી એક નાટક તૈયાર કરવું છે.” પછી તે કથાવસ્તુનું નાટ્યરૂપાંતર પણ જાતે જ કર્યું , ગુજરાતમાં રક્તપિતનો ભોગ બનેલી એક ડોક્ટરની પત્નીને તેના પરિવાર ને સમાજ તરફથી થયેલી ઉપેક્ષા ને આંતરિક પીડાને જીવંત બનાવેના એવું સ્ત્રીપાત્ર કોને સોંપવું, નટુકાકાની આ દ્વિધા હતી. પછી.એ સ્ત્રીપાત્ર મળ્યું. એક એવી સ્ત્રી કે જેણે મંચ પર કદી પગ પણ મૂક્યો ન હતો, બધાંને એમ હતું કે, નટુભાઈએ આ પાત્રની પસંદગી કરવામાં મોટું જોખમ વહોરી લીધું છે. પરંતુ કાકાના મજબૂત મનસુબાના કારણે એ નાટક સફળ રહ્યું અને તેના ઘણા બધા શો થયા. ગુજરાતી સાહિત્ય અકાદમી આવા કાર્યક્રમો યોજીને ગુજરાતનું ઋણ ઉતારે છે, ખૂબ ખૂબ અભિનંદન નટુકાકાને અને ગુજરાતી સાહિત્ય અકાદમીને.’’

એ પછી.પાટીદાર સમાજની વાત કરવા રમેશભાઈ પટેલ આવ્યા: વાતની માંડણી કરીને જણાવ્યું, “હું 1954માં યુગાન્ડા ગયો. 1956માં નટુભાઈ યુગાન્ડા આવ્યા, ત્યારે અમે સાથે ખૂબ ફર્યા છીએ. આ દેશમાં તો એ મારી પહેલાં આવેલા. 1977માં જ્યારે યુનાઇટે કિંગ્ડમમાં પાટીદાર સમાજનું સંમેલન થયેલું, તેમાં અમે એક નાનકડું એકાંકી રજૂ કરવાના હતા. અમે નટુભાઈને વિનંતી કરેલી કે, તમે સંમેલનમાં આવો અને અમારું નાટક જુઓ. એટલે એ આવ્યા હતા. અમારા પ્રયાસ માટે પ્રસન્નતા વ્યક્ત કરેલી. અને પછી એમણે આ બધા કલાકારોને કેળવીને નાટકોની શરૂઆત કરી હતી.

ભવનમાં અનેક નાટકો થયાં પછી ફેડરેશનનું મકાન તૈયાર થયું, ત્યારે ફેડરેશનની અંદર પણ ઘણાં નાટકો કર્યાં. ફેડરેશનમાં બેલે અને નૃત્યનાટિકાઓની અદ્દભુત પ્રસ્તુિતઓ થઈ. નાટ્યક્ષેત્રે નટુભાઈનું ઘણું મોટું પ્રદાન છે. નટુભાઈને હાર્દિક અભિનંદન પાઠવું છું.’

સુરેન્દ્ર પટેલ મંચ પર હાજર થયા ત્યારે બોલ્યા હતા: ”હી ઇઝ અ ઓલરાઉન્ડર. મારો 1961થી લંડનમાં વસવાટ રહ્યો હોવાથી, નટુભાઈએ પાટીદાર સમાજની સ્થાપના કરી ત્યારથી એમને હું ઓળખું. નટુભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. Indo- British Cultural Exchange વિશે કહી દઉં. પ્રફુલ્લભાઈ પટેલ ખૂબ એબલ પરસન, પણ સમાજમાં તે બહુ પોપ્યુલર નહિ. એટલે એકલા હાથે બધી સંસ્થાઓને ભેગી કરવી, તે તેમના વશની વાત ન હતી. નટુભાઈની સહાય મેળવી. મુંબઈથી એક પાટીદાર સ્ત્રી-સમાજની નૃત્યનાટિકા “વાંસલડી વાગી” યુનાઇટેડ કિંગ્ડમ લાવવામાં આવી. તેના અનેક શો થયા, અને સફળમાં સફળ નૃત્યનાટિકા બની. ત્યાર પછીની બીજી નૃત્યનાટિકા “રામાયણ’’ પણ ખૂબ સક્સેસફૂલ રહી. નટુભાઈએ ભારતીય વિદ્યા ભવનમાં રહીને ઘણાં મંચનો કર્યાં. જેમાં આમ્રપાલી, શકુંતલા, મીરાં શ્યામ દુલારી જેવાં નાટકો કીર્તિસ્થંભ બની રહ્યાં.

નટુભાઈ નાટ્યસર્જનને સ્પર્શતી બધી જ ટેકનિક બાબતોને ધ્યાનમાં રાખે. દેશમાંથી દિગ્દર્શકોને બોલાવે અને નાટકોનાં રીહર્સલો કરાવે. મને પોતાને પણ બેકગ્રાઉન્ડ કામ કરવામાં મજા પડતી. આથી હું પણ નટુભાઈને સાથ આપું. પછી તો નરેશભાઈ, પ્રવીણભાઈ, ઉષાબહેન, તરુબહેન, પી.આર., વગેરે નટુભાઈના બેન્ડમાં જોડાયાં અને એક સફળ ટીમ બની ગઈ. સંજીવકુમારને બોલીવુડમાં લાવનાર નટુભાઈ જ હતા. એમણે જ સંજીવકુમારને ‘કલાપી’માં રોલ આપ્યો હતો. નટુભાઈ બીઝનેસ પરસન હતા. ગોલ્ડર્સગ્રિનમાં ચોવીસ કલાક ચાલતી ફાર્મસીના તેઓ માલિક હતા. ભારતમાં ખેતીકામ સંભાળે. પોર્ટુગલમાં પણ એમણે એક ફાર્મ રાખ્યું છે, જેમાં તેઓ ગુજરાતી શાકભાજી વાવે છે. બધાં સાથે મૈત્રી જાળવી શકે છે.

કેટલાક કલાકારો દેશમાંથી આવી ભવનમાં તેમ જ એન.સી. એકેડેમીમાં સામેલ થયા હતા. તેમાં કિરણ પુરોહિતનું નામ જોડવું પડે. તેમણે નટુભાઈ સાથેના સંબંધોનાં તાણાવાણાં ગૂંથતાં કહ્યું: “નટુભાઈને 1971માં સૌ પ્રથમ ‘ભાઇદાસ’ અને એ પછી ‘બેલાડ પોઇન્ટ’માં મળવાનું થયું હતું. ડિસેમ્બરમાં નટુભાઈ ભાઈદાસ અને બેલાડ પોઈન્ટ નાટકો જોવા આવે. અને ભવન માટે સારા સારા નાટકો પસંદ કરે. એ વખતે હું એક નાટક કરું. “રમતશીલ ચોકડી’’. નટુભાઈ “રમતશીલ ચોકડી” જોવા આવ્યા હતા. પ્રીતમભાઈ- ઉષાબહેન પણ સાથે હતાં. નટુભાઈ શૈલેષ દવેને કહે: “આને લંડન લઈ જાઉં.’’ પછી 1985માં આવ્યા ત્યારે તો એમને ખરેખર નાટકમાં જરૂર હતી, એટલે પાછી જૂની માગણી કરી. એટલે સુરેશભાઈએ કહ્યું, “કિરણ પુરોહિતને લઈ જજો.’’ સુરેશભાઈ તરફથી મને કહેવામાં આવ્યું, તારે લંડન જાવાનું છે. પણ ઘરમાં વાત કરતાં બીક લાગે. પણ મારા સદ્દનસીબે તે દિવસે પ્રીતમભાઈ ને ઉષાબહેન સમજાવવા ઘેર આવ્યાં. નટુભાઈ કારમાં નીચે ઊભા હતા. મારા મમ્મીને અને મારા માસા માસીને પ્રીતમભાઈ અને ઉષાબહેને વચન આપ્યું કે, આ છોકરાને અમે ઘરના છોકરા તરીકે રાખીશું.’’ ત્યારે માંડ માંડ રજા મળી.

નટુભાઈ સાથે કામ કરતાં મેં એમનામાં એક એકટર, એક ડિરેકટર અને એક શોમેન પણ છુપાયેલો જોયો છે. નટુભાઈ સાહિત્ય – કલા સંગીત અને નાટ્યલક્ષી પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત રહેનારા આર્ટિસ્ટ હતા, દિગ્દર્શનની અસાધારણ સૂઝ અને સમજને મેં પ્રત્યક્ષ જોયા છે. સમાજને શું આપવું, તેનું સતત ચિંતન કરતા રહે.

એમની છત્રછાયા નીચે કામ કરવાની મને અનેક તકો મળી છે, નાટ્યકલાને પૂરેપૂરી રીતે સમર્પિત વ્યક્તિ એટલે નટુભાઈ! વિદ્યા ભવનમાં જ્યારે ‘શાકુન્તલ’ બનતું હતું ત્યારે હું તેનું ડિરેકશન કરતો હતો. તે દિવસે રીહર્સલ રાતે 12:00 વાગ્યે પૂરું થયેલું. બે વાગે હું સડબરી પહોંચું છું ને ત્રણ વાગ્યે પથારી ભેગો થાઉં છું, ત્યાં નટુભાઈનો ફોન આવ્યો. અરે, કિરણ! આ થિમ છે તેમાં આ રીતે ફેરફાર કરીએ તો? નાટકને કેટલા લેવલ સુધી લઈ જવું એ નટુભાઈની આ ક્ષેત્ર પ્રત્યેની સમર્પિતાનું પ્રમાણ છે. એમણે નાટકોનાં નિર્માણ દ્વારા એક લિગસી ઊભી કરી. આ લિગસીને અખંડ દીવાની જેમ ચાલુ રાખી, પોતાનાં સંતાનોને ય આ પ્રવૃત્તિમાં રસ લેતાં કીધાં.

આટલી ઉઁમરે ઘણા લોકો તો નિવૃત્ત થવાનું વિચારતા હોય, ત્યારે નટુભાઈને ઉંમરનો કોઈ બાધ નડતો નથી. ફાર્મિંગનો બહુશોખ .. ભારતીય વિદ્યા ભવનનો એક 3 દિવસીય વર્કશોપ કરવા હું પોર્ટુગલ ગયો હતો. ત્યારે નટુભાઈએ તૈયાર કરેલું ફાર્મ પ્રત્યક્ષ જોયું. દેશી શાકભાજી ઊગાડીને એમણે રણ જેવી ભૂમિને ઉપવન બનાવી હતી. આ માણસે દરેક કામને શક્ય કરી દેખાડ્યું છે. નટુભાઈ, અમે તમારા ઋણી છીએ. આમ ઋણભાવ વ્યક્ત કરી કિરણ પુરોહિતે વાણીને લગામ તાણી હતી.

એ પછી મીનુબહેન પટેલપોતાના કુટુંબને રજૂ કરવા સ્ટેજ પર આવ્યાં : ‘આ દેશમાં મને 54 વર્ષ થયાં. પપ્પાએ નાટ્યપ્રવૃત્તિના માધ્યમ વડે નવી પેઢીને સંસ્કારવાનું બીડું ઝડપ્યું છે. નાટ્ય પ્રવૃત્તિમાં કંઈ નાવીન્ય હોય તો નવી પેઢીને જરૂર આકર્ષણ થાય. પપ્પા કાર્યક્રમો ગોઠવે તેમાં અમે બધાં ભાઈબહેનો જઈએ. નાટક માટે પપ્પા એવો વિષય સિલેક્ટ કરે, કે જેમાંથી નવી પેઢીને પોષણ મળે. તે માનતા કે આપણી પાસે જે જ્ઞાન છે તે નવી પેઢીમાં વહેંચતાં રહેવું જોઈએ; નહીં વહેંચો તો નવી પેઢી ખોવાઈ જશે. પપ્પાને આ દેશ પ્રત્યે ખૂબ જ માયા. અમારાં ચાર ભાઈ બહેનોનાં કુટુંબોને પણ અહીં વસવાટ કરાવ્યો છે. મારા મોટાભાઈના કુટુંબની રહેણીકરણી જોઈ આવો તો લાગશે કે એ પૂરા ઇન્ડિયન છે. પપ્પા જે ફિલ્ડમાં ઝંપાલવે તેમાં એ ડૂબી જતા હતા. દરેક સાથે તટસ્થ ને પ્રેમાળ વર્તન રાખે. એમનાં નાટકો અનેકોના દિલોદિમાગને સ્પર્શી ગયાં . આજે એમને પૂછીએ છીએ નવું કંઈક કરીએ, તો તેઓ કહે છે – તમે ભેગા થઈને કંઈક વિચારીને આવો. ઉષાબહેને એક વાર્તા લખી. એ વાર્તાને અમારા થ્રૂ ડિવેલોપ કરાવીને છ મહિના પછી “સપને અપને’’ નાટક પ્રોડ્યૂસ કર્યું.

એમના ડોક્યુમેન્ટેશનની વાત થઈ. પપ્પા જો ઓકે આપે, તો છ જ મહિનામાં ડોક્યુમેન્ટેશન તૈયાર થઈ શકે એમ છે. I feel very proud ..’’

નટુભાઈનાં એક જૂનાં સાથીદાર, તરુબહેન દેવાણી એ પછી મંચ પર બોલવા હાજર થયાં. તરુબહેને રજૂઆત માંડી : મારે એમના માટે એક ગીત ગાવાનું છે. મને યાદ આવે છે બેલે ડાન્સ માટે અમે અમેરિકા ગયા હતાં. અદ્દભુત રજૂઆત થઈ હતી.. રાત્રે અમે બધાં બેસતાં અને નટુભાઈ અમને દોરવણી આપતા. 1977માં અમારું ઓરિજિનલ ગ્રુપ,“આનંદ એન્ટરપ્રાઈઝ’’ જેમાં પ્રામુખ્યે નરેશ પટેલ, પ્રવીણભાઈ આચાર્ય, શશી દેવાણી અને હું. ‘મારા વરની વહુ કોણ?’ અને એવાં બીજાં ઘણાં નાટકો અમે કરેલાં. નટુભાઈએ અમને પાંચે જણાને ભારતીય વિદ્યા ભવનમાં જોડાવા આમંત્રણ આપ્યું. “અમે બરફનાં પંખી’’થી નટુભાઈ સાથે મારી ઓળખાણ આરંભાઈ હતી. “એન.સી. એકેડેમી’’ના સ્થાપક અને વર્ષોથી અમારા પિતાતુલ્ય જેવા ને અખંડ છત્ર જેવા વડીલ માટે તો જેટલું કહું તેટલું ઓછું પડશે. સાથેસાથે અકાદમીના સ્થાપનાકાળને આજે 40 વર્ષ થયાં. મને એ દિવસ પણ બરાબર યાદ છે, જ્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના માટે એક મિટિંગ કરી હતી. તે વખતે મારી સાથે નરેશ, શશી અમે બધાં હાજર હતાં. અને આજે હવે અકાદમીને 40 વર્ષ થાય છે ત્યારે હું અહીં ઉપસ્થિત છું.

કોઈ પણ નાટકની રજૂઆત પછી અમે બધાં ગ્રીનરૂમમાં ભેગાં થતાં ત્યારે રજૂ થયેલાં નાટકની ચર્ચા માંડતાં. પ્રીતમ પંડ્યા નાટકમાં કયું ગીત ક્યાં મૂકવું તેની પસંદગી કરતા. આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમને બહુ મિસ કરું છું. એ પછી તરુબહેને એક ગીત ગાયું હતું અને તે ગીત નટુભાઈને સમર્પિત કરી પોતાનું સંભાષણ સમેટ્યું હતું.

આ પછી આ અવસરના અતિથિ, ભાસ્કરભાઈ પટેલે મંચ પર આવી પોતાની વાતની રજૂઆતમાં જ્ણાવ્યું : ‘મને આ દેશમાં 17 વરસ થયાં. દેશમાં મારા ગામમાં નાટકો તો ઘણાં કરેલાં. પણ નાના ગામમાં પ્રોત્સાહન આપવાવાળું કોઈ નહિ. કોઈને કદર પણ નહીં કે આ છોકરાને નાટકોનો આટલો ચસકો છે તો તેનો હાથ ઝાલીએ. ગામના એક મંદિરમાં હાર્મોનિયમ હતું. પણ કોઈ વગાડવાનું કહેતું નહિ.

પછી મહેફિલો કરવાનું શરૂ કર્યું અને ગામમાં નાટકો ભજવાય ત્યારે એમાં હું ભાગ લેવા લાગ્યો. મેટ્રિક સુધી ગામની નિશાળમાં ભણેલો. હિન્દી, ગુજરાતી, સંસ્કૃત વગેરે ભાષાઓ ઉપર કાબૂ ખરો પણ અંગ્રેજી બોલવું લખવું બહુ ફાવે નહિ. અમારા ગામમાં દર વર્ષે જે મિટિંગો થાય તેમાં અમે પ્રોગ્રામ કરીએ. દર ત્રણ મહિને પત્રિકા નીકળતી. એમાં એક વખત જાહેરાત આવી હતી: લખ્યું હતું, જો કોઈને મ્યુિઝકમાં કે નાટકમાં રસ હોય તો નટુકાકાનો સંપર્ક કરવો. મને થાય સંપર્ક કરું ન કરું. પછી નટુકાકાએ મને પૂછ્યું: “તારે શું કરવું છે?’’ મે કહ્યું: “મારે સંગીત શીખવું છે.’’ નટુભાઈએ મારી રુચિ પારખી લીધેલી. ત્યાર પછી લંડનમાં જ્યારે નટુકાકાએ નાટકો કરવા માંડ્યાં ત્યારે એમાં જોડાઈ ગયો. નટુકાકા કલાકારોને સાચવે, ગુસ્સો કરે નહિ. એકવાર આઈ.ટી.વી.વાળા મારી પાસે પ્રસ્તાવ લઈને આવ્યા. મને કહે ‘તું એક વર્સેટાઈલ એક્ટર છે. અમારી કંપની તરફથી તારે માટે સાત રોલ ભજવવાની ઓફર લઈને આવ્યા છીએ.’ મેં જવાબ આપ્યો: “ના, ભાઈ, હું તો એક જ રોલ કરતો આવ્યો છું. હું નાટકોમાં ભાગ લઉં છું અને તે પણ નટુકાકાને લીધે. મારે એમને પૂછવું જોઈએ. I cannot pull out like that’. કલાકારોની આવી લોયાલ્ટિ આજે ક્યાં જોવા મળે? નાટકમાં કામ કરનારા અમે બધા જ કલાકરો નોકરી-ધંધા વાળા. અમે બધા રાતના રીહર્સલો કરીએ. જ્યારે નૃત્ય નાટિકા ‘રામાયણ’ને ભારત લઈ જવાની યોજના ઘડાઈ રહી હતી, ત્યારે બધાને શંકા હતી આ નાટિકા ઇન્ડિયા કેવી રીતે લઈ જઈ શકાશે? પણ નટુકાકાએ “લોર્ડ માઉન્ટબેટન ફંડ’’ની આર્થિક સહાય મેળવીને એ કામ પણ પાર પાડ્યું..

I am here because of Natukaka. Natukaka never ever bullied some one. He never blackmailed any body.’’ આમ કહી ભાસ્કર પટેલે ભાષણ સમેટ્યું હતું.

પછીનાં અતિથિ નંદિનીબહેન ત્રિવેદીનો વારો આવ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે જયંત પંડ્યાનો સારો ઘરોબો હતો. એમના પુત્રી નંદિનીબહેન ત્રિવેદી “મેરી સહેલી’’ સામયિકનાં સંપાદક છે. એમણે સ્ટેજ પર પગ મૂકતાં કહ્યું: ‘હું પ્રવાસે નીકળી છું. ઘણા વકતાઓ બોલી ગયાં કે, જે વ્યક્તિ આપણી તદ્દન નજીક હોય તેના વિશે શું બોલવું? તે સવાલ મૂંઝવણ ઊભી કરતો હોય છે, તેમ મારા પપ્પા પણ વિપુલભાઈના એટલા બધા સાંનિધ્યમાં કે એમના વિશે કહેવાનું ઘણું હોય પણ બોલવા ટાણે કશું યાદ ન રહે. અત્યારે મારી સ્થિતિ એવી છે. અકાદમીને 40 વર્ષ થયાં, અભિનંદન. અહીંયા પણ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. મારા પપ્પા અકાદમી સાથે ખૂબ સંકળાયેલા હતા.

પત્રકારત્વ સાથે સંકળાયેલી છું. સંગીત પણ મારો રસનો વિષય હોવાથી મુંબઈના લગભગ દરેક થિયેટર, કલાકારો અને સંગીતકારોના સંપર્કમાં રહેવાનું થાય છે. આ કલાકારો સાથે બેસીને સંગીતવિષયક ચર્ચા કરવાનું પણ થાય છે., મુંબઈમાં થિયેટરની જનરેશન છે તે ખૂબ કામ કરી રહી છે. તમે બધાંએ અત્યારે અહીંની પ્રવૃત્તિઓની વાત કરી ત્યારે મને જણાવતાં ખુશી થાય છે કે આવી પ્રવૃત્તિઓ મુંબઈમાં પણ થાય છે. અને નટુભાઈનું સન્માન કરવાની બહુ સરસ તક અકાદમીએ ઝડપી લીધી છે. અને મને આ પ્રસંગે હાજર રહેવાની તક આપી એ બદલ વિપુલભાઈ હું ખૂબ આભારી છું.

નટુભાઈવિષે અહીં જે રજૂઆત થઈ થઈ તેનાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું. ગુજરાતી ડાયસ્પોરા પ્રજાએ વિદેશમાં રહીને એક પ્રકારની યુનિવર્સિટી વસાવી દીધી છે.નટુભાઈની બે વાતો મને બહુ જ સ્પર્શી ગઈ. એમનું determination અને professionalism. એમણે વિદેશમાં નાટકોનું જે સ્થાપન કર્યું તે ખરેખર કાબિલે દાદ છે. આ વિદેશની ધરતી પર રહીને આ કરવું તે ખૂબ જ ડિફિકલ્ટ છે. ગુજરાતી ભાષા કેટલી બધી સમૃદ્ધ છે! આમાંથી નવી જનરેશન કંઈક એડપ્ટ કરે એની જવાબદારી નટુભાઈએ લીધી, નટુઅભાઈનાં સંતાનોએ લીધી. નવી પેઢીમાં આ વારસો ઊતરી આવે એ માટે મારા પ્રયાસો પણ ચાલુ રહ્યા છે.નટુભાઈના પ્રદાનનું Documentation કરવાનો પ્રસ્તાવ સાંભળી મને કહેવાનું મન થાય છે, નટુભાઈનાં પ્રદાન વિશે આવું કંઈક ડોક્યુમેંટેશ થાય તો તે કામમાં હું મદદરૂપ બનવા તૈયાર છું.

એ પછી નંદિનીબહેન ત્રિવેદી અને ભાસ્કરભાઈ પટેલે નટુભાઈને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. વળી, ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી, ઉષાબહેન પટેલે અને પ્રવીણભાઈ આચાર્યએ નટુભાઈને પદક એનાયત કરી સન્માનિત કર્યા. પદક પર અંગ્રેજીમાં લખાયેલા શબ્દોમાં નટુભાઈ પટેલની સમાજ પ્રત્યેનીવિવિધ સેવાઓની કદરનોંધ કોતરવામાં આવી હતી.

આ બહુમાનનો સ્વીકાર-પ્રતિભાવમાં નટુભાઈ પટેલે કહ્યું કે ‘આજથી 75 વર્ષ પહેલાં, જ્યારે મારી ઉંમર13 વરસની હતી, ત્યારે વિલે પાર્લામાં ગોકળીબાઈ સ્કૂલમાં રમણલાલ દેસાઈની નવલકથા “શંકિત હૃદય’’ ઉપરથી એક અર્ધા કલાકનો એપિસોડ રસિકભાઈ વીરભાઈ તૈયાર કરાવી રહ્યા હતા, ત્યારે મને પહેલી વાર એકટિંગ કરવા માટે એમણે મને સ્ટેજ પર મૂક્યો. પછી મેટ્રિક થયો અને કોલેજમાં દાખલ થયો. કોલેજના કંપાઉન્ડમાં એક તરફ ચાદરનો પરદો કરી જમીન પર મિત્રો સાથે નાટકોના રીહર્સલો કરતા. અમારી આ કામગીરી જોઈને વડીલોએ પાટીદાર હોલમાં નવરાત્રી ઉત્સવ કરવા માટે તક આપી. અને ઉત્સાહ વધતો રહ્યો. રમણલાલ દેસાઈની બીજી એક નવલક થા – ‘ભારેલો અગ્નિ’ પરથી એક બીજો એપિસોડ તૈયાર કર્યો. અમારા ઘરની બાજુમાં જાણીતા ફિલ્મ નિર્માતા પી.એલ. સંતોષી રહેતા હતા. અને બીજી ફિલ્મી હસ્તીઓની અવરજવર પણ ઘરમાં રહેતી એટલે ફિલ્મી વાતાવરણની મારા પર અસર પડેલી. એટલે મારા નાટકોમાં Cinematic effectsનો પ્રભાવ જોવા મળે. પછી કોણ જાણે કેમ મને એમ.એ. કરવાની ધૂન જાગી અને થોડું વોલન્ટરી વર્ક કર્યું, અને આફ્રિકા જવાનું થયું. અહીં કલા કેન્દ્રમાં ઉષાબહેન, પ્રીતમભાઈ અને થોડાં બીજાં નાટકોમાં રસ ધરવાતાં કલાકારો મળ્યાં અને ત્યાં પણ ઘણાં નાટકો કર્યાં. લોકોને થાય અમે આ પ્રવૃત્તિ પૈસા કમાવા ખાતર કરીએ છીએ. નામ દીધા વિના કહી શકું કે એક નાટક ટિકીટબારીની દૃષ્ટિએ ફેઈલ ગયેલું. કેવળ 15 પ્રેક્ષકો જોવા આવેલા !

1975/1976માં લંડનમાં જે નાટકો થયાં તેમાં એક નૃત્યનાટિકા “રામાયણ’’ વેમ્બલી કોન્ફરન્સ હોલમાં રજૂ કરેલી. નૃત્યનાટિકાની વેશભૂષા, અભિનય, બેકગ્રાઉન્ડ સંગીત, અભિનિવેશ, લાઈટિંગ ઇફેકટ્સ બધું જ સુપર્બ! બધાંને લાગતું હતું કે આ નાટકને પ્રેક્ષકો તરફથી બહુ રિસપોન્સ નહીં મળે! . પણ જ્યારે પ્રસ્તુિત થઈ ત્યારે અડધા જ કલાકમાં ટિકિટબારી પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું ચડાવવું પડેલું. રમણલાલ દેસાઈની નવલકથાઓ તરફ મને પહેલેથી જ ઘણું આકર્ષણ. પિનાકીને મને “મીરા”નાં જીવન આધારિત નૃત્યનાટિકા કરવાનું સૂચન કર્યું. ત્યારે મારી પહેલી નજર રમણલાલની “બાલા જોગણ’’ તરફ ગયેલી. 350 પાનાંની નવલકથા નિરાંતે બે ચાર વાર વાંચી ગયો. અને તેના પર કામ શરૂ કર્યું. પટકથા, નૃત્યશૈલી, સંગીત, સેટસ, ડ્રેસિસ, બધું તૈયાર થયું. એ નાટક પણ ટિકિટબારીએ ખૂબ જ સક્સેસ્ફુલ રહ્યું, વિદેશમાં ટોરોન્ટો, શિકાગો વગેરે શહેરોમાં પણ ધૂમ મચાવી દીધેલી. હું જ્યારે કોઈ પણ વિષય પર કામ કરતો હોઉં છું ત્યારે મારું ફોકસિંગ પોઇન્ટ ઓડિયન્સ હોય છે. મારાં નાટકોને સફળતા મળવાનું રહસ્ય પણ આ જ છે. અંતમાં નાટકની દુનિયામાં પ્રવેશનાર કોઈ પણ વ્યક્તિને મારી આટલી શીખ દેવી છે -નાટ્યજગતમાં સફળતા મેળવવા, તેમાં ડૂબી જવું પડે, ફના થઈ જવાની તૈયારી હોય તો જ સફળતા કદમ ચૂમે છે.

જગદીશ દવેએ સમગ્ર કાર્યક્રમના સમાપન કરતાં જણાવ્યું હતું: ‘પાંત્રીસ વર્ષથી હું અકાદમી સાથે જ છું અને અત્યારે અકાદમીને 40 વર્ષ થયાં, એ કંઈ મોટી ઉંમર તો ન કહેવાય, અને હજી બીજાં ઘણાં વર્ષો સુધી આ કાર્ય ચાલુ જ રહેવાનું છે, તેવું હું માનું છું . હું ઝાઝું લખી શકતો નથી એટલે જેટલું લખાયું છે તેના આધારે સમાપન કરીશ. “અમે બરફનાં પંખી’ નાટકથી નટુભાઈએ આરંભ કર્યો. તે નાટક અત્યંત જાણીતું બન્યું. આ પ્રકારનાં જ નાટકો થઈ શકે એવો ઉષાબહેને અને પ્રવીણભાઈએ અભિપ્રાય વ્યકત કર્યો. વ્યોમેશે નટુભાઈને આદર્શ નાટકોના પ્રણેતા તરીકે બતાડ્યા, મનીષાબહેને આટલી સરસ રજૂઆત કરી શકે તે પાછળ કોઈ શક્તિ કામ કરતી હોય છે – નહીં તો આ કામ આ કક્ષાએ પહોંચ્યું જ ન હોત, એમ કહ્યું. સુરેન્દ્રભાઈએ પણ કહ્યું કે, નટુભાઈ વિશે બોલવાનું આવે તો સવાર પડી જાય! એમણે નૃત્યનાટિકા “રામાયણ’’ની સફળતાની પણ વાત કરી. મીનુબહેને પપ્પા નટુભાઈને જે પરિપ્રેક્ષ્યમાં જોયા હતા તેની વાત કરી કે પપ્પાનો હંમેશાં પોઝિટિવ અભિગમ રહેતો. દરેક વ્યક્તિમાં રહેલી શક્તિને જોઈને તેને આગળ વધારી શકાય એવું એ દૃઢપણે માનતા. નટુભાઈની નેતાગીરીમાં જે નાટકો થયાં તેનો હું બત્રીસ વર્ષથી સાક્ષી છું નંદિનીબહેનના પિતાશ્રી સાથે પણ મારે ઘણો જૂનો સંબંધ હતો. નંદિનીબહેનની રજૂઆતે જયંતભાઈની યાદ તાજી કરાવી.

આજથી 35 વરસ પહેલાં આ દેશમાં આવ્યો ત્યારે નટુભાઈએ, એમની ગોલ્ડર્સગ્રિનમાં દુકાન હતી ત્યાં મને બોલાવ્યો. મારી સાથે કરેલી વાતચીતમાંથી એ પામી ગયેલા કે, આ માણસ પાસેથી કશુંક મેળવી શકાશે. મને કહે કે, અમે બધાં નાટકો કરીએ છીએ અને તેના વર્ગો ચાલુ કરવા છે. અને આ વર્ગોનું સંચાલન તમે કરો અને સાથે સાથે આ નાટકની પ્રવૃત્તિ છે તેમાં પણ જોડાઈ જાવ. હું જોડાયો. એ વખતે સેક્રેટરી તરીકેની જવાબદારી હું સંભાળતો. શિસ્ત બધાંમાં ઊતરે અને માણસને કેવી રીતે એમાં ઢાળવો અને રજૂ કરવો તેની બરાબર સૂઝ નટુભાઈમાં હતી.

નૃત્યનાટિકાઓ કરી, નાટકો કર્યાં, તેના વર્ગો કર્યા એ વખતે પણ એમની સાથે રહેવાનું થયું. એકાંકીઓની સ્પર્ધા શરૂ કરી, ત્યારે પણ તેની વ્યવસ્થા મારે ઉપાડવાની હતી . આમ એક કાર્ય એમના મનમાં ઊગે અને તે અમારી સામે મૂકતા જાય.

ગુજરાતી સાહિત્ય અકાદમીએ પણ નાટકોના ક્ષેત્રમાં થોડુંક કામ કર્યું છે. ત્રણ નાટકો આ દેશમાં ભજવ્યાં છે. અને નટુભાઈને પણ સાહિત્ય સાથે નાતો રહ્યો હતો. ઇચ્છું છું અકાદમી આવી જાતનાકાર્યક્રમો કરતી રહે, અને આ કાર્યક્રમ યોજવા માટે અકાદમીનો હું ફરીથી આભાર માનું છું. નટુભાઈ 100માં પહોંચવાના જ છે. અને આજે કાને ઓછું સંભળાય છે તો પણ એ જ ઉત્સાહથી નાટકોની વાતો કરે છે. નાટકોને શ્વસ્તા આ રંગકર્મીને બહુમાન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન.

અને છેલ્લે ગુજરતી સાહિત્ય અકાદમીનાં સહમંત્રી વિજ્યાબહેન ભંડેરીના આભારદર્શન પછી સન્માન સમારંભ પૂરો થયો હતો. અવસરને અંતે દરેક માટે પ્રીતિભોજનની વ્યવસ્થા કરાઈ હતી.

18 November 2017
e.mail : vallabh324@aol.com

* * *

A Great Warrior of the Gujarati Stage

Whichever organization Natukaka was attached, promoting Performing Arts, be it Dance, Music & Theater was his primary concern/objective. He worked with Bhavans London, EnCee Academy, and before that in the decade 1960-1970 with Triveni Baroda and in Baroda he directed a play POONAM NI RAAT (A Murder Mystery), produced by Rachana Theater (an off shoot of Triveni), and performed in erstwhile Music College (now Performing Arts Faculty) play box Vadodara.

Prior to his London journey as a young man he pursued Theater in Africa and invited the leading stalwarts of then Gujarati Theater, Dinabahen Gandhi (Dina Pathak Film actress) Pragji Dosa, Vishnukumar Vyas, Prof Markand Bhatt and others to Africa. In Africa he was popular as Natubhai Natakwala, and all his social mooring of Africa came in handy when he moved to London, since most of his acquaintances had also then migrated to London, and then he weaved his African contacts in UK to organize his cultural extravagance across United Kingdom.

His African connections helped him establish his hold over Bhavans and also the EnCee Academy, and most importantly not only creating the Cultural Centers but also raising capital funds, seeking financial support for the EmCee Academy from industrialist and business acquaintance and a long term planning. His forays of performing arts were deeply rooted in Indian/Gujarati ethos be it Garba, ballet or Theater. He relentlessly phone/visited people for ticket selling of Bhavans programme, without any personal gains.

Right from 1980 to 2010 he met theater stalwarts in India like Kanti Madia, Arvind Joshi, Varsha Adalja, Praveen Solanki and many more exploring the possibilities of training young talent in United Kingdom.

Thus he laid the foundation stone for all the professional Gujarati show of modern times.

He hosted all the visiting guests in his house sharing his personal space, comfort and time, be it Vishnukumar Vyas, a Parsi choreographer of Ballet, Mansukh Joshi. Prof Markand Bhatt, Kiran Purohit, Tushar Joshi, P S Chari, Sambhavnath Trivedi, Lajja and many more.

Whenever in India, he would tour Mumbai, Ahmedabad, Vadodara spotting talent to be taken for future production in United Kingdom, like Vishnukumar Vyas, Kiran Purohit, Tushar Joshi, another Tushar, P S Chari, Sambhav, lajja. He also produced Sanjeev Kumar’s first movie, Kalapi (Based on the life of Kavi Kalapi) in Gujarati.

He also spotted young, energetic new talent from the migrating diaspora of Gujarati in United Kingdom like Rikin Trivedi, Manisha Amin, Bobby Khetia, Kavita, Payal Patel and there may be many more.

Normally a very stiff and adroit man, he would immediately make amends and compromise for his productions and ensured all his artists got their dues both in publicity and finance.

He really vibewed well and was really fond of, took great care of all his female artists including his both daughters Minooben and the younger one, Renuben, Kavita, Payal Patel, Manisha Amin were his all time favourites.

In fact for ANSAAR (Adhura Maanvi) for EnCee in 2004, we were half way through the rehearsals, the performance dates announced and there was not casting for the lead role (which Manisha Amin essayed later), but he was confidant that he would convince Manisha, to take up the lead (Manisha was on a holiday/travelling) when Manisha returned he relentlessly pursued with her to take up the lead, coaxed, cajoled & convinced her to say yes, He was not ready to take a NO from MANISHA AMIN, and I remember his wrinkled face with a deja vu when Manisha confirmed, and he also made her comfortable with extra rehearsal, comforting her and fiercely protecting her from the team of experienced theater artists so that she is not caught up in their showmanship.

The first show of ANSAAR I think was at Waterman Theater, the wrinkled face swelled with fresh blood on the face and energy oozed and he talked the whole night after returning home sharing his joy of mission accomplished for launching the EnCee academy and all the future plans of securing the talents and the finance from the Government and other agencies.

Even when artists travelled from United Kingdom to India he ensured that the artists from United Kingdom met their Indian counterpart during their visit.

This is all that comes to my mind at the moment…

07 August 2017
Panisai S Chari
e.mail : chariphani@gmail.com

* * *

કાર્યક્રમના  દીર્ઘ હેવાલની લિંક: http://opinionmagazine.co.uk/details/3043/naatakone-shwasataa-rangkarmee-natubhai-patelnun-sanmaan

* * *

છબીઝલક:

વીડિયો: