ઓડિયો:
Debating India : એક ઊહાપોહ !
• મહેન્દ્ર એન. દેસાઈ
ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનની વાર્ષિક સભા શનિવારે 25 જૂન 2016ના દિવસે યોજાઈ હતી, તેમાં હાજર રહેલા સભાસદોને એક સુંદર ભેટ મળી. જાણીતા કેળવણીકાર અને વિચારક લોર્ડ ભીખુભાઈ પારેખે સુંદર વિચારપૂર્ણ પ્રવચન આપ્યું. તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા “Debating India” પુસ્તક પર એમના વિચારો જાણવા મળ્યા, સાથેસાથે શ્રોતાઓ સાથેની પ્રશ્નોત્તરીથી પણ ઘણું ઘણું ઘણું જાણવા-માણવા મળ્યું.
वादे वादे जायते तत्त्वबोध, વેદના આ શ્લોકથી પ્રવચનની શરૂઆત કરી. ભારતીય સંસ્કૃિતમાં વાદ-વિવાદને મહત્ત્વનું સ્થાન મળેલું છે. અલગ અલગ મત ધરાવતી વ્યક્તિઓ કે વ્યક્તિ સમૂહો વચ્ચે જુદા જુદા વિષયો પર વાદ-વિવાદ દ્વારા તે તે વિષયોના વિવિધ પાસાંઓ ઉઘડતાં જતાં, જ્ઞાન વિસ્તાર થતો હતો. આ પ્રણાલિકા સમગ્ર ભારતમાં અનેક સ્રોતમાં ફેલાઈ જતાં જ્ઞાન સમૃદ્ધિ વધતી ગઈ હતી. બૌદ્ધ ધર્મના આગમન થતાં અને સમગ્ર ભારતમાં સેંકડો વર્ષો સુધી વિસ્તરીત થયેલો હતો તે દરમ્યાન વાદ-વિવાદની પ્રણાલિકા થોડી ક્ષીણ થવા પામી. Buddha was Saint by his own solitude. અમુક ઇતિહાસકારો-વિચારકોએ આ પ્રમાણે ટીકા પણ કરી હતી.
બુદ્ધ મોક્ષદાતા નહિ પણ માર્ગદાતા છે એવું પણ વિધાન છે. અને માર્ગ પર તો એકલો જા ને રે (બુદ્ધ મોક્ષદાતા નહિ પણ માર્ગદાતા એવું વિધાન છે. અને માર્ગ પર તો “એકલો જાને રે” એ જ હોયને ! તેથી વાદ-વિવાદ અસ્થાને બની જાય છે.) ત્યારબાદ મુસલમાનોના આક્રમણ અને પછીના મુસ્લિમ રાજ્યકાળ દરમ્યાન આ પ્રણાલિનો લગભગ અંત આવી ગયો, પણ મજાની વાત એ બની કે મોગલકાળમાં અકબરે એને અન્ય ધર્મો પ્રત્યે જિજ્ઞાસા હોવાથી એના દરબારમાં ધર્મગોષ્ઠી દ્વારા વાદ-વિવાદને ફરીથી જાગૃત કર્યો, જે ઓગણીસમી સદીના અંત ભાગ સુધી જળવાઈ રહ્યો. વીસમી સદી આવતાં સુધીમાં આખાયે ભારતમાં આઝાદીના જંગની શરૂઆત થઈ ગઈ હતી એટલે વાદ-વિવાદ વિસારે પડી ગઈ.
સ્વતંત્રતા બાદ ભારતનું સંચાલન નહેરુજીના હાથમાં આવી ગયું. તેમણે ભારતને નવી દિશાએ લઈ જવા માટે : Socialism, Secularism અને Scientific thinkingનો નવો વિચાર પ્રજાને આપ્યો.
હવે એક આડવાત – સેક્યુલારિઝમ પર
આ સેક્યુલારિઝમના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરવામાં અને તેને ભારતના નવા બંધારણ જોડાવાઈ કરવા સુધીનું મહત્ત્વ આપવા પાછળ નહેરુજીનો શો આશય હશે ? તેનાં અનેક કારણો આપી શકાય, અને તેમાંનું એક કારણ કદાચ એમના ભારતના ઇતિહાસમાંનું અધ્યયન હોઈ શકે ? એ તો સુવિદિત વાત છે કે એમને ઇતિહાસમાં ઊંડો રસ હતો અને તેનું ઘેરું અધ્યયન કર્યું હતું અને તે પરથી એક દમદાર પુસ્તક Discovery of India પ્રજાને ભેટ કર્યું હતું.
હવે આપણે લોર્ડ પારેખના પ્રવચન તરફ વળીએ, ભારતના એક જગવિખ્યાત અને નોબેલ પારિતોષક મેળવનાર અમર્ત્ય સેન રચિત “The Argumentative Indian” પુસ્તકનો લોર્ડ પારેખે ઉલ્લેખ કરતાં અને એના પ્રતિશોધ રૂપે “Debating India” પુસ્તક લખાયું એમ જણાવ્યું. The Argumentative Indian (વાદ-વિવાદી ભારતીય એવું ભાષાંતર થઈ શકે? કે પછી વાદ-વિનોદી ભારતીય?) પુસ્તકમાં અમર્ત્ય સેને બૌદ્ધ ધર્મ અને તેનો ફેલાવો એ બાબત પર અને આગળ જતાં ભારત અને ચીનમાં બૌદ્ધ ધર્મની અસર એ વિશે વિસ્તારપૂર્વક એક આખું પ્રકરણ લખ્યું છે. પાંચમી-છઠ્ઠી સદી દરમ્યાન ચીનથી અનેક મુસાફરો ભારત આવતા હતા. તેઓ ભારતીય સંસ્કૃિતથી ખૂબ પ્રભાવિત થયા અને બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાયા. ત્યારબાદ અનેક અભ્યાસુઓ ચીનથી ભારત આવતા, વર્ષો સુધી રહીને ઊંડો અભ્યાસ કરીને ચીન પાછા ફરતા ત્યારે તેઓને ત્યાંના રાજ્ય તરફથી ઘણાં માન-મરતબો મળતાં હતાં, અને સમાજમાં એમનું બહુમાન થતું હતું. આમ ચીનમાં પણ બૌદ્ધ ધર્મનું વિસ્તરણ થવા લાગ્યું. જો કે તે સમયે ત્યાંના પ્રચલિત ધર્મ-વિચાર Taoismનો સખત વિરોધ સહન કરવો પડ્યો હતો. નવમી સદીમાં હાન-યુ નામના એક ચીની બૌદ્ધિકે બૌદ્ધ ધર્મની વિરોધમાં અનેક લખાણો કર્યાં હતાં, તેમાંથી એક પ્રસંગને અમર્ત્ય સેન એમના પુસ્તકમાં ટાંકતા લખે છે કે લીયાંગ પ્રદેશનો વુ (wu) નામનો એક સમ્રાટ બૌદ્ધ ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયો, એણે એ ધર્મનો સ્વીકાર કર્યો, બૌદ્ધધર્મનો જીવનવ્યવહાર અપનાવ્યો, માંસાહારનો ત્યાગ કર્યો, ફળફળાદિનો આહાર અપનાવ્યો, અને વ્રત-નિયમ, ઉપવાસ વગેરે કરવા લાગ્યો. આમ કરતાં કરતાં શારીરિક રીતે તે સમ્રાટ ખૂબ ક્ષીણ થઈ ગયો. નજીકના પ્રદેશના અન્ય રાજાએ ચઢાઈ કરી, નબળા સમ્રાટને હરાવીને તેનો દેશનિકાલ કર્યો, જ્યાં એ ભૂખ-તરસ્થી મૃત્યુ પામ્યો અને આ બાજુ એનું રાજ્ય પણ નષ્ટ પામ્યું,એ પુસ્તકનો આ પ્રસંગ વાંચતાં મને આપણા ગુજરાતના એક મહાન સાહિત્યકાર ‘ધૂમકેતુ’ની યાદ આવી ગઈ. ધર્મ અને રાજ્યના અરસપરસના ગાઢ સંબંધ વિશે ચૌલુક્ય નવલકથા સંગ્રહમાંની એક નવલકથામાં ‘ધૂમકેતુ’ લખે છે કે, ‘જ્યારે ધર્મ રાજ્યાસન પર સવાર થાય છે ત્યારે રાજ્યનો અને ધર્મનો નાશ થાય છે.’
આડવાત તો ચાલુ જ છે, હવે આપણે સેક્યુલારિઝમ પર આવીએ. ઇતિહાસના ઊંડા અભ્યાસી અને આઝાદીની ચળવળ વખતે વિવિધ પ્રદેશોમાં ફરતાં ફરતાં અનેક વ્યક્તિઓના પરિચયમાં આવતાં નહેરુજીને આ બે પ્રસંગો વિશે જાણવા-વાંચવા મળ્યું હશે ? અને કદાચ એની ઊંડી અસર એમના વિચારો પર પડી હશે ? ખૂબ જ વિચારોના મંથન બાદ કદાચ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હોય કે નવતર ભારતમાં ધર્મને રાજ્ય વહીવટથી અલગ રાખવો એ ઉત્તમ છે અને એટલે એમને આ સેક્યુલારિઝમ પસંદ આવી ગયું હોય.
Secularismનો અર્થ ઓકસફર્ડ ડિક્ષનરીમાં આ પ્રમાણે છે : A doctrine that the basis of morality should be non-religious, અને બીજો અર્થ છે : a policy of excluding religious teaching from schools under state control.
ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ ઉછરેલી – પાંગરેલી અંગ્રેજી ભાષાનો ધર્મની નકારાત્મકની છાંયવાળો આ સીમિત અર્થ છે. ભારત જેવા વિવિધત્તા ધરાવતા દેશમાં જ્યાં અનેક ધર્મો છે, અનેક માન્યતા, સામાજિક રિવાજો અને સાથે સાથે અનેક ભાષાઓવાળા આ દેશને અને પ્રજાને આ સીમિત અર્થમાં ન બાંધતાં, સેક્યુલારિઝમ ને એક નવો જ અને અનેરો શબ્દ મળ્યો – ધર્મનિર્પેક્ષિતા !
ગાંધીજીને પોતાના ધાર્મિક વિચારો હતા અને તેથી આ સેક્યુલારિઝમને તેઓ ધાર્મિક – આસ્તિક દૃષ્ટિથી જોતા હતા જ્યારે નહેરુજીને ધર્મ પ્રત્ય અ-ભાવ હતો એટલે તેઓ નાસ્તિકતાની નજરે જોતા હતા. સ્વતંત્ર ભારત ભવિષ્યમાં ધર્મોની વાડાબંધીમાં ફસાઈ ને અલગ અલગ ટુકડાઓમાં વિખરાઈ ન જાય એવી આશંકા હતી. અને તેથી પ્રજાને આ નવી નીતિ અપનાવવાનો તેમનો અનુરોધ હતો. તેથી જ તેમણે આ નીતિને ભારતના નવા બંધારણમાં સામેલ કરવા સુધી લઈ ગયા.
અને ભારતની પ્રજાને પોતપોતાનો ધર્મ પોતાની રીતે માનવાનો-પાળવાનો સ્વતંત્ર અધિકાર મળ્યો હતો. ધર્મનિરપેક્ષિતામાં ભારતની પ્રજાને સ્વધર્મનો અધિકાર ઉપરાંત એમાં સમાયેલો ગહન વિચાર-ભાવ પસંદ આવી ગયો અને અપનાવી લીધો અને ભારતીય બંધારણમાં સ્વીકારાઈ ગયો.
આમ ધર્મ ને અને રાજ્યવહીવટને અલગ અલગ રાખવાનો આગ્રહ ધરાવતા નહેરુજી એ આખરે તો ધર્મને રાજ્યવહીવટ સાથે બાંધી દીધો. શરૂઆતમાં આ નવી વિચારધારાને પ્રજાએ જુદી જુદી દૃષ્ટિકોણથી વિચારીને નવા નવા પ્રતિભાવો પ્રગટ કરતી ગઈ, રાજ્યકારણીઓ પણ આના સંશોધનમાં સામેલ થયા અને એમણે પણ પોતપોતાના પક્ષની નીતિ દૃષ્ટિકોણથી પોતાના પ્રતિભાવો પણ જણાવતા ગયા. પણ થોડાક રાજકારણીઓને આ નીતિમાં કંઈક નવું જ તત્ત્વ દેખાયું અને ધર્મ નિરપેક્ષિતાને મત-અપેક્ષામાં વાળી દીધું અને એમણે નવો શબ્દ ઉપજાવ્યો – Vote Bank. ધર્મ પ્રત્યે અ-ભાવથી નાસ્તિક વિચારો ધરાવતા નહેરુજીના રાજ્યમાં રાજકારણીઓ “ધાર્મિક” થતા ગયા. પછી તો બધા જ રાજકીય પક્ષોએ આ નવી મત-અપેક્ષા વાળી વિચારધારામાં ઝંપલાવી પોતપોતાના ધર્મો, સમાજો, પ્રજાઓ-ઉપજાતિઓની વાડાબંધી કરીને, નહેરુજી એ આપેલા ધર્મનિરપેક્ષિતાના વાઘા સજીને પોતપોતાની Vote-Bank ઘડતા ગયા. આ અખંડ ભારતના લડવૈયા નહેરુજી ના જ સમયકાળ દરમ્યાન ભારત ખંડ ખંડમાં વિખરાવવા લાગ્યું અને હવે તો આ સેક્યુલારિઝમ – ધર્મ નિરપેક્ષિતા શબ્દ જ હાસ્યાસ્પદ થઈ ગયો ….
ધર્મ જ્યારે સત્તાની ગાદી પર બેસે છે ત્યારે ધર્મનો અને સત્તાનો લોપ થાય છે – ‘ધૂમકેતુ’નું આ વિધાન શું ફરીવાર ભારત માટે સાચું પડશે?
અહીં આડવાત પૂરી થઈ હવે આપણો લોર્ડ ભીખુભાઈના પ્રવચન પર પાછા આવીએ. વાદવિવાદની લાંબી ઐતિહાસિક સફર કરાવ્યા બાદ, લોર્ડ પારેખ આધુનિક ભારતમાં ઊભી થતી પરિસ્થિતિમાં વાદ-વિવાદનું સ્થાન ક્યાં અને કેટલું છે એ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે કે, ‘જે ભારતમાં એક કાળે વાદ-વિવાદ દ્વારા વિચારવિમર્શ થતાં નવા નવા દૃષ્ટિકોણ ઉપજતા નવા અર્થો-ભાવો નિપજતા અને નવું જ્ઞાન પ્રાપ્ત થતું હતું, અને ક્યાંક પ્રશ્નોનું નિરાકારણ પણ થતું હતું એ વાદ-વિવાદનો આજના ભારતમાં લગભગ અંત આવી ગયો જણાય છે. એની જગ્યાએ વિચારોમાં જડતા, હઠાગ્રહતા આવતી જાય છે અને ક્યાંક વિચારોની ઉગ્રતાથી અસહિષ્ણુતા ઊભી થતી જાય છે.
એક ભીતિ સતાવવા લાગે છે કે Debating India ક્યાંક વિસ્ફોટક પરિસ્થિતિ તરફ સમગ્ર દેશને ઘસડી ન જાય.
e.mail : mndesai.personal@googlemail.com
છબીઝલક: