વાર્તા-વર્તુળ (શનિવાર, 2 જુલાઈ 2016)

“અખંડ આનંદ”ની એક વાત

 • પ્રકાશ લાલા

મુરબ્બીઓ ને મિત્રો, આપ સૌને મળીને ધન્યતા અનુભવું છું. વતનથી દૂર વસવા છતાં આપ સૌનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો લગાવ તથા ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રતિનો પ્રેમ અને તે માટેની આપની પ્રવૃત્તિને સલામ છે.

આજે વિપુલભાઈ કલ્યાણીએ તથા અનિલભાઈ વ્યાસે ‘વાર્તાવર્તુળ’ના ઉપક્રમે આપની સાથે વાતો કરવાનો જે અવસર ઊભો કરી આપ્યો છે તે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
મારે આજે અહીં આપની સાથે વાત કરવાની છે “અખંડ આનંદ”ના સહતંત્રી તરીકે. “અખંડ આનંદ” માટે કૃતિઓની ખાસ કરીને વાર્તાઓની પસંદગીની પ્રક્રિયા વિશે અને “અખંડ આનંદ”ની આ માટે વાર્તાકારો પાસે શું અપેક્ષા છે એ વિશે વાત કરવાની છે.

પ્રથમ કહીશ કે “અખંડ આનંદ” માટે કૃતિઓની પસંદગીની પ્રક્રિયા સામાન્યત: અન્ય સામાયિકો જેવી જ હોય છે. કૃતિની પસંદગી સંદર્ભે ત્રણ મુદ્દા ધ્યાનમાં લેવાતા હોય છે. દરેક સામાયિકનો ચોક્કસ વાચક વર્ગ હોય છે. એટલે પોતાના મોટાભાગના વાચકોની શી રસ-રૂચિ છે, તેમને કયા પ્રકારની કૃતિઓ પસંદ પડે એવી કૃતિઓ જ પ્રકાશિત કરાતી હોય છે એટલે પ્રથમ તો તેની પસંદગી સમયે આ મુદ્દો ધ્યાનમાં લેવાતો હોય છે.

બીજું, દરેક સામાયિકના પ્રકાશન પાછળ તેના સંચાલકોનો ચોક્કસ હેતુ હોય છે. સવિશેષ ધ્યેય-હેતુ સાથે સામાયિક ચલાવવાનું હોય છે. એટલે સીધી વાત છે કે એમાં પ્રગટ કરાતી કૃતિઓ સામયિકના એ ધ્યેય-હેતુને જાળવી રાખે – તેની પુષ્ટિ કરે તેવી જ હોવાની. તેથી કૃતિઓની પસંદગીમાં આ બાબતનો પણ ખ્યાલ રાખવાનો રહે છે. અને ત્રીજી મહત્ત્વની વાત તે સામાયિકનાં પાનાંની મર્યાદાનો ખ્યાલ રાખીને પણ કૃતિઓની પસંદગી કરવી પડે છે.

“અખંડ આનંદ” માટે વાર્તાઓ – લેખો જે કંઈ અમને મળતાં હોય છે તેની પસંદગી પ્રક્રિયા સમયે મેં જણાવ્યા તે મુદ્દાઓ નજર સમક્ષ રાખીને કૃતિનો સ્વીકાર-અસ્વીકાર કરવામાં આવે છે.

“અખંડ આનંદ” ચુસ્તપણે સાહિત્યિક સામાયિક નથી – એટલે કે “શબ્દ સૃષ્ટિ” કે “પરબ” પ્રકારનું મેગેઝિન નથી. એટલે સાહિત્યકાર કે વિવેચકની દૃષ્ટિએ જે વાર્તા – નવલિકા ગણાય તે જ વાર્તા અમારા માટે વાર્તા છે એવું નથી. પરંતુ “અખંડ આનંદ”ના ધોરણ મુજબ માનવજીવનને ઊંચે લઈ જનાર, પ્રેરણાદાયી, માનવીય મૂલ્યોનું જતન અને સંવર્ધન કરે, માનવીય સંબંધોને સંસ્થાનો રચનાત્મક – હકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપે તેવી વાર્તાઓ વધુ આવકાર્ય અને પસંદગીપાત્ર છે. તેથી જ્યારે અમે કોઈ વાર્તા સ્વીકારતા નથી ત્યારે એ સારી નથી – નબળી છે એવો મતલબ ક્યારે ય અમને અતિપ્રેમ નથી હોતો. અને એટલે જ કૃતિ-વાર્તાની અસ્વીકૃતિની જાણ તેના સર્જકને કરીએ છીએ ત્યારે ‘આપની વાર્તા “અખંડ આનંદ”ને અનુકૂળ જણાઈ નથી’ એમ જ કહીએ છીએ. શક્ય છે કે એ જ કૃતિ-વાર્તા અન્ય સામયિકમાં કે દૈનિકની પૂર્તિમાં સ્વીકારાય, પ્રગટ થાય ને પ્રસંશા પણ પામે.

“અખંડ આનંદ”ના ધારાધોરણ મુજબના વિષય ટ્રીટમેન્ટવાળી વાર્તામાં પણ વિષયવસ્તુ ઉપરાંત પ્લોટની ગૂંથણી, રજૂઆતની શૈલી, પાત્રાલેખન, ઘટનાઓ, સંવાદો, સંઘર્ષ, અણધાર્યા વળાંક ને અંત – આ બધાં પાસાં ઉપર અવશ્ય ભાર મૂકવામાં આવે જ એ સ્વાભાવિક છે.

આપનામાંથી જે કોઈ નિયમિત રીતે “અખંડ આનંદ” વાંચતા હોય કે તેના અંકો જોતા હશે તેમને ખ્યાલ હશે કે પહેલાં જેવું દળદાર એનું કદ હવે નથી. ગુજરાતની પ્રજાને સસ્તા દરે સદ્વાચનનો લાભ મળે તે માટે ભિક્ષુ અખંડ આનંદજીએ સસ્તુ સાહિત્ય પ્રકાશનનો પ્રારંભ કરેલો એ વાતથી આપ સુપરિચિત છો જ. એ પછી ભિક્ષુ અખંડ આનંદજીએ પ્રેરણાદાયી અને સુમેળભર્યા માનવીય મૂલ્યો મઢ્યાં. સુદૃઢ સમાજઘડતરના શુભાશયથી 1947માં સદ્વાચન ઘરે ઘરે પહોંચે – બહોળા વાચક વર્ગને એનો લાભ મળે તે હેતુથી 1947માં “અખંડ આનંદ” માસિકનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું.

એ સમયે લોકોમાં સદ્વાચનની ભૂખ હતી, ઝાઝાં સામાયિકો ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં ન હતાં એટલે સ્પર્ધા ન હતી. તેથી ગ્રાહકો – જાહેરખબરો ખૂબ મળતાં. પરિણામે “અખંડ આનંદ” દળદાર વાચન સામગ્રી અને જાહેરાતનાં પૃષ્ઠો તથા જોવાં ગમે એવાં ચિત્રોથી માઇપ્લેટસ સાથે પ્રતિ અંક પ્રગટ થતો.

પરંતુ આજે સામાયિકોની સ્પર્ધા વધી છે, લોકોની એક બાજુ વાચનભૂખ ઘટી રહી છે અને બીજી બાજુ માનવીય મૂલ્યો કથળતાં જઈ રહ્યાં હોવાથી મૂલ્યદાયી – પ્રેરણાદાયી સાહિત્યના વાચનમાં રસ ઓછો થઈ રહ્યો છે. વળી, “અખંડ આનંદ” એની જૂની પરંપરાને એનાં ચોક્કસ હેતુ – ધોરણોને વળગીને જ પ્રગટ થાય છે.. એટલે કે એમાં રાજકારણની ગરમાગરમ ચર્ચાઓ, કૌભાંડો, ખૂની ખટલાની સ્ટોરીઝ, ગલગલિયાં કરાવે તેવા વિષયો પરના લેખો કે વાર્તાઓ, એવી તસવીરોના પ્રકાશનથી દૂર જ રહે છે. એટલે એ રીતે નવા વાચક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરાતો નથી પરિણામે જાહેરખબર ઓછી મળે છે. એની સામે કાગળ, પ્રિન્ટિંગ, પોસ્ટેજ, કાર્યાલય વગેરે ખર્ચ સતત વધતો જતો હોય છે. તેથી સરભર કરવા પાનાંની સંખ્યા ઓછી કરવા જેવા ઉપાયો યોજવા પડ્યા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં તો 120 પાનાંની સંખ્યા ઘટાડીને 108 (4 ટાઇટલ સાથે) આર્થિક સંકડામણને પરિણામે કરવી પડી છે.

આમ, સામાયિકના અંકનું કદ – પાનાં ઘડવાથી એટલી કૃતિઓ ઓછી સમાવી શકાય તે સ્વાભાવિક છે અને તેથી વાર્તાઓ – લેખોની પસંદગીમાં આ ફેક્ટર પણ ભાગ ભજવી જાય છે.

“અખંડ આનંદ”ના 104 પાનાં પૈકી અનુક્રમણિકા તથા જાહેરાતો મળી 4-5 પાનાં અને ખાસ વિષયો આપીને લખાવાતા લેખો તેમ જ કાયમી વિભાગોને ફાળવાતાં 40 પૃષ્ઠો બાદ થતાં પ્રત્યેક અંકમાં 60 પાનાં રહે છે. “અખંડ આનંદ” ડાઇજેસ્ટ પ્રકારનું સામાયિક હોવાથી અને બાળકો વૈવિધ્યપૂર્ણ વાચન સામગ્રીની અપેક્ષા રાખતા હોવાથી સત્યઘટના, જોયેલું ને જાણેલું, અધ્યાત્મ, જીવનદર્શન, સમાજદર્શન, લલિત નિબંધ, આરોગ્ય, અર્થશાસ્ત્ર, હાસ્ય, પ્રેરણાકથા, વ્યક્તિચિત્ર, સંસ્થા પરિચય વગેરેને આવરી લેતાં લેખો-કૃતિઓ પણ દરેક અંકમાં સમાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વાચકો વાર્તાઓ પણ માગે જ છે એટલે નવલિકાઓ – લઘુકથાઓ પણ પીરસવી જ પડે ! એ માટે સામાન્યત: દરેક અંકમાં 35 પાનાંની જોગવાઈ રખાય છે. અને બને ત્યાં સુધી આ 35 પાનાંમાં અલગ અલગ આઠેક વાર્તાઓ પ્રગટ કરી શકાય તેનો ખ્યાલ રખાય છે.

“અખંડ આનંદ”માં પ્રકાશનાર્થે અમને મળતાં લેખો – વાર્તાઓની સંખ્યા વિપુલ છે, પણ અમને મળતું બધું જ સાહિત્ય પાનાંની મર્યાદા સંદર્ભે સમાવી ન શકાય અને સામાયિકનાં ધોરણોનો ખ્યાલ રાખતાં સમાવવા જેવું પણ ન હોય એવું બને. તેથી એમાંથી જે શ્રેષ્ઠ લાગે – જે કાંઈક નવું અલગ લાગે તે પસંદ થાય છે.

શ્રેષ્ઠ વિષયવસ્તુ પ્રસ્તુિતની દૃષ્ટિએ, વિચાર – સ્ટાઇલની દૃષ્ટિએ, અભિવ્યક્તિની દૃષ્ટિએ અને “અખંડ આનંદ”ના વાચકોની રસ-રૂચિને અનુકૂળ હોય તે દૃષ્ટિએ અલબત્ત શ્રેષ્ઠ એટલે અમારો કહેવાનો અર્થ એ કે સાહિત્ય જગતમાં જે કાંઈ લખાય છે, સર્જાય છે તેમાંથી શ્રેષ્ઠ નહીં પરંતુ અમને જે કંઈ મળે છે તેમાં જે સારું હોય તે દર મહિને અમને મળતી વાર્તાઓમાંથી સામાયિકની અપેક્ષા મુજબની 10થી 12 વાર્તાઓ પસંદગી પામી શકે છે. દરેક અંકમાં આઠેક વાર્તાઓ પ્રકાશિત કરાય છે એટલે દર મહિને 3 થી 4 સ્વીકૃત વાર્તાઓ પેન્ડિંગ રહે છે. તેથી જ સર્જકે – લેખકે “અખંડ આનંદ”માં સ્વીકારાયેલ કૃતિના પ્રકાશન માટે 3 થી 4 માસ રાહ જોવાની રહે છે. સ્વીકૃત કૃતિની જાણ કરતી વખતે આ મુદ્દો સવિનય એમના ધ્યાનમાં મૂકવામાં આવે છે.

પસંદગીની પ્રક્રિયા વિશે જણાવું તો અમને મળેલ કૃતિઓ – વાર્તાઓ પ્રથમ તો હું એક વાચક – ભાષક તરીકે જ વાંચતો હોઉં છું. કયા લેખકની વાર્તા છે – નવોદિત કે નીવડેલ કલમની છે તેવા કોઈ ભાર કે પૂર્વગ્રહ વગર જ. એ પ્રથમ વાચનમાં મજા આવે – વાહ કે સરસ બોલાઈ જાય – હૃદયને સ્પર્શે તેવી વાર્તાઓ અલગ કર્યા પછી બીજા વાચનમાં સંપાદકીય દૃષ્ટિથી ચકાસાય છે. તેમાં મને ગમી પણ “અખંડ આનંદ”ના મોટાભાગના વાચકોને ગમશે? એ માલિકપક્ષે અપનાવેલ ધોરણો – અપેક્ષા મુજબની છે? વાર્તા ગમી છે પણ પાનાંની મર્યાદામાં સમાવી શકાય તેવી છે ? સુવાચ્ય છે? જોડણી – વ્યાકરણની બધી ક્ષતિઓ વાળી નથીને? આ સઘળા સવાલોના સંતોષકારક – હકારાત્મક જવાબો મળે તો તે વાર્તા સ્વીકાર્ય બનતી હોય છે.

ખૂબ ગમી હોય પણ લાંબી હોય તો લેખકને તેનું હાર્દ સચવાઈ રહે તે રીતે ટૂંકાવીને મોકલવા પણ જણાવાય છે. ક્યારેક લેખક સંપાદકને તે અધિકાર સોંપતા હોય છે. આ રીતે જોઈએ તો પ્રત્યેક વાર્તાની લંબાઈ વધુમાં વધુ “અખંડ આનંદ”ના પ્રિન્ટેડ 4 કે 5 પાનાંની હોય તે આવશ્યક છે. ટૂંકી વાર્તા એટલે સાવ લઘુકથા નહીં તેમ લઘુનવલ પણ નહીં તે સમજી લઈએ.

“અખંડ આનંદ” માટે કયા પ્રકારનું વિષયવસ્તુ આવકાર્ય છે તે મેં જણાવ્યું તેમ વાર્તામાં સરળ – બોલચાલની ભાષા પ્રયોજાયેલી હોય, અલંકારિક ભાષા વૈભવ ન હોય, લાંબાં વર્ણનો ન હોય, સંવાદોના માધ્યમથી વાર્તાનો અતિપ્રવાહ આગળ વધતો હોય, અતાર્કિક ઘટનાઓ કે બીનાઓ ન હોય, સરળ રીતે પ્રવાહ વહેતો હોય અને મહત્ત્વની વાત વાર્તા સીધી હૃદયને અસર કરી જતી હોય અને વાંચ્યા પછી લાંબા સમય સુધી વાચકના મન ઉપર છવાયેલી રહે તેવી હોય તેવી વાર્તા જરૂર સૌને ગમે.

આશા છે કે આપ “અખંડ આનંદ” માટે આપની કલમે સર્જાયેલી “અખંડ આનંદ”ના આ ધોરણો સભર વાર્તા મોકલશો તો અવશ્ય સ્વીકારાશે.

ફરી ‘વાર્તાવર્તુળ’ના માધ્યમથી આપની સાથે વાતો કરવાનો અને મારા વિચારો રજૂ કરવાનો મોકો આપવા બદલ અકાદમીના પ્રમુખ વિપુલભાઈનો આભાર. વિપુલભાઈ એવા વડીલ મિત્ર છે કે હું જ્યારે લંડન આવું છું ત્યારે યાદ કરીને અને અકાદમીના કાર્યક્રમોની જાણ કરે છે અને પ્રેમપૂર્વક તેમાં જોડાવવાનું નિમંત્રણ પાઠવે છે.

e.mail : lala.prakash@gmail.com

(યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠક અંતર્ગત, ‘વાર્તા વર્તુળ’ને ઉપક્રમે, શનિવાર, 02 જુલાઈ 2016ના રોજ હેરો વિલ્ડસ્ટૉન લાઇબ્રેરીમાંની રજૂઆત)