‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદ્દન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે અને પુરુષાર્થ ખોઈ બેસે છે. ધર્મમાં જે તેજ હતું તે સંસ્કૃતિમાં હજી પ્રગટ નથી થયું. જો માણસ જાતનો આપણે ઉદ્ધાર ચાહતા હોઈએ તો ધર્મનું તેજ, માનવતાની સંસ્કારિતા, ચારિત્ર્યનિષ્ટોની વીરતા અને મહેનત મજૂરીની નિષ્પાપતા એ બધી વસ્તુઓનો આપણે સમન્વય સાધવો જોઈએ. પ્રેમ અને તેજસ્વિતા, ત્યાગ અને ઉદ્યોગિતા એ સૌથી મોટી વસ્તુઓ છે.’ − આચાર્ય કાકાસાહેબ કાલેલકર • • • ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ અનુસાર, ‘સંસ્કૃતિ’ એટલે સભ્યતા; સુધારો; સામાજિક પ્રગતિ; ‘સિવિલિઝેશન’. આની પીઠિકાએ યુનાઇટેડ કિંગ્ડમ સમેતના યુરોપમાં ગુજરાતી સંસ્કૃતિની વિધવિધ અભિવ્યક્તિઓ તપાસવાની રાખીએ. પહેલો ગુજરાતી વિલાયતમાં ક્યારે આવ્યો હશે, તેની સ્પષ્ટ ઐતિહાસિક નોંધ મળતી નથી, પરંતુ, તેને ઓછામાં ઓછું દોઢસો વરસનો સમયગાળો થયો હોવો જ જોઈએ. આજે ગુજરાતી વિશ્વભ્રમણ કરતો થઈ ગયો છે. જગતના મોટા ભાગના દેશોમાં તેની જમાત પથરાઈ પણ છે. વિલાયતની જ વાત કરીએ તો તેની દાસ્તાં છેક ડોસાભાઈ કરાકાકૃત ‘ગ્રેટ બ્રિટનની મુસાફરી’ (૧૮૬૧)થી માંડીને, ૧૮૬૪માં પ્રકાશિત મહિપતરામ રૂપરામકૃત ‘ઇંગ્લૅન્ડની મુસાફરીનું વર્ણન’માં અને વળી, ૧૮૮૬માં …