કાવ્ય, નાટક અને લલિત રસિક ભાવવાળું કલ્પનાપ્રધાન વાડ્મય; આનંદ, ઉત્સાહ, ઉપદેશ ને રસ ઉપજાવે એવું મનોરંજક લખાણ. સાહિત્ય એટલે લલિતકળાનું સાહિત્ય સાહિત્યનો બીજો અર્થ વધારે વ્યાપક છે. એમાં ઉપરના કલ્પનાપ્રધાન સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન વગેરે શાસ્ત્રીય સાહિત્યનો સમાવેશ થાય, ત્યારે સાહિત્ય એટલે સફળ વાડ્મય.જ્યાં સુધી સંસ્કૃત ભાષા જીવંત હતી ત્યાં સુધી વિદ્વાનવર્ગ સ્વાભાવિક રીતે એ જ ભાષામાં પોતાનું કલા કૌશલ્ય દર્શાવતો રહ્યો હતો. પરંતુ એ ભાષા મૃતપ્રાય; થતાં અપભ્રંશના નિયમને પરિણામે ગુજરાતી વગેરે બીજી ભાષાઓ ઉત્પન્ન થઈ. વિશેષ પ્રચલિત થઈ અને એ ભાષા બોલનારામાંથી જે વિદ્વાનો થતા ગયા તેઓએ પરાપૂર્વની સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય રચવાની પધ્ધતિ સંસ્કૃત ભાષાના પોતાના અજ્ઞાનને અથવા સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય ઓછું રુચિકર હોવાને કારણે છોડીને પોતાની ભાષાઓમાં કાવ્યાદિક કરવા માંડયાં અને ત્યારથી એ ભાષાઓના સાહિત્યનો પાયો નંખાયો. ગુજરાતી ભાષા રાજ્ય ભાષા નહિ હોવાથી તથા ગુજરાતી બોલનારી પ્રજામાં વિદ્યાના સંસ્કાર બહુ પ્રસર્યા નહિ હોવાથી આ ભાષાનું સાહિત્ય લગભગ ત્રણસો વર્ષ સુધી વિશેષ વધી શક્યું નહિ. ધર્મના વિષય પરના કાવ્યો સિવાય થોડાક કવિઓની કૃતિ બાદ કરતાં નરસિંહ મહેતા પછી ઘણાં કાળ સુધી નવીન પ્રકારનું કાંઈ પણ જાણવા જોગ સાહિત્ય ઉદભવ્યું નથી. દરેક પ્રજામાં સમયે સમયે અવ્યક્ત કારણોથી રત્નો ઉત્પન્ન થાય છે તે નિયમે ગુજરાતી ભાષામાં પણ અંગ્રેજી કેળવણીની સહાયતા વિના જ અખો, પ્રેમાનંદ, દયારામ, ધીરો વગેરે રત્નો નીકળી આવ્યાં અને ગુજરાતી સાહિત્યનું બીજ રોપાયું. આપણા પૂર્વજોએ તો સાહિત્યનું વાડ્મય નામ આપી તેમાં સર્વનો સમાવેશ કર્યો છે. જે કંઈ સ્થાયી ભાષામાં લોકોત્તર લેખ કે કથન તે સાહિત્ય સંજ્ઞાને પાત્ર છે. વર્તમાન યુગના સાહિત્યું નિરીક્ષણ કરતાં પાંચ વિભાગના સાહિત્યું વિસ્મરણ કરવું એ વ્યાજબી નહિ ગણાય. (૧) પારસીઓનું સાહિત્ય, (૨) ખોજા સાહિત્ય, (૩) જૈન સાહિત્ય (૪) સૌરાષ્ટ્રનું સાહિત્ય અને (૫) ખ્રિસ્તી પાદરી વર્ગનું સાહિત્ય. સાહિત્ય એટલે માનવ હૃદયના મોંઘા સંસ્કાર, સાહિત્ય એટલે સત્ય અને સૌંદર્યની શોધ, સાહિત્ય એટલે આત્માનાં ઊંડાં સ્વપ્નાં, સાહિત્ય એટલે કલ્પનાની વીજળીના ચમકારા, સાહિત્ય એટલે માનવજાતિનાં સુખદુ:ખનો ઇતિહાસ , સાહિત્ય એટલે વાણીના સરોવર પર પડતો મનોનયનનો ઝળહળતો ચંદ્રિકાવટ, સાહિત્ય એટલે જગતની સંસ્કૃતિનું સંગ્રહસ્થાન, સાહિત્ય એટલે મનુષ્યમાત્રને બંધુભાવથી સાંકળતું સ્નેહ ભવન. સાહિત્ય એ તો મનુષ્યની પ્રભુતાનું મંદિર છે. એના શબ્દે શબ્દે પ્રભુતાનાં પગલાં પડેલાં છે અને એ પ્રભુતાના પગલા જોતાં જોતાં અને તેમાં આપણાં પગલાં પાછાં પાડતાં પાડતાં આપણે ખુદ પ્રભુધામે જવાના માર્ગ પર પડીએ છીએ. સાહિત્યનું શરીર તે એની વાણીનો શબ્દસમૂહ છે અને એ શબ્દસમૂહની શુદ્ધિ, તેનો યોગ્ય વપરાશ, તેની રચનાનો સંવાદ અને એ સર્વને એકરાર કરી તેમાંથી બહાર પડતી અર્થની સ્પષ્ટતા, એ સર્વ શરીર તત્ત્વોની સંસાર યોજના અને ક્રિયા, એ બધું મળીને સાહિત્યનું સુંદર શરીર બંધાય છે. એ બધી ક્રિયા માટે એક જ મહાગુણની આવશ્યકતા છે અને એ મહાગુણ તે ઔચિત્ય અથવા વિવેકયુક્ત યથાર્થના છે, માટે જ સાહિત્યને યોગ્ય ગણાતા લેખ તે કથનમાં ભાષાશુદ્ધિ, શબ્દશુદ્ધિ અને અર્થશુદ્ધિ મુખ્યપણે આવશ્યક છે. સાહિત્યે ગુજતાં ગુજતાં અનાજ ઉગાડયું છે.સાહિત્યે વસ્ત્ર બનાવ્યા છે, સાહિત્યે સોમરસ પાયો છે. સાહિત્યે સ્નેહનાં રંગભવનોમાં ચિત્ર આલેખ્યાં છે, સાહિત્યે ઉદરનિર્વાહનાં સાધનો આપ્યાં છે. સાહિત્યે ઉદ્યોગ, વેપાર, કળા વગેરે તનમનની ઉન્નતિના માર્ગ બાંધ્યા છે.સાહિત્યે સમાજ સ્થાપ્યા છે, સાહિત્યે રાજ્યો અને મહારાજ્યોની સ્થાપના કરી છે સાહિત્યે પીરામિડો બંધાવ્યા છે, સાહિત્યે તાજમહેલની મૂર્ત સુંદરતા સચેત રાખી છે, સાહિત્યે મંદિરોમાં સ્વર્ગ ઉતાર્યા છે, સાહિત્યે આંખમાં સુધા ઉભરાવી છે, સાહિત્યે પ્રાણનાં ઓજસ ઠલવાવ્યાં છે, સાહિત્યે દિવ્યતામાં માનવતાને ચડાવી છે, સાહિત્યે માનવતામાં દિવ્યતાને ઉતારી છે. સાહિત્યનાં અમૃત દેવોના અમૃતથીયે મીઠાં છે. સાહિત્ય ના હોત તો કહાનાન બંસરીના સૂર ક્યાં ઝીલી રખાત ? સાહિત્ય ના હોત તો ઋષિમુનિઓના આદેશ આપણાં કર્ણમાં કેવી રીતે મૂકાત ? સાહિત્ય ના હોત તો પેગાંબરોના પેગામ કોણ પુગાડત ? દેવો ઊઠી જાત, નંદનવનમાં રેતીનાં રણ ઊડત, દિવસ ધગધગતો જ રહેત, રાત્રિના અંધારામાં તારાની ભાત નહિ જ પડત, ઉપર આકાશ, નીચે ધરતી, તેમાં માનવી પશુ જેવો માત્ર નીચે મુખ રાખી પોતાનું ઉદર ભર્યા જ કરત; અને એક રોજ કાળવાયુના વંટોળિયામાં ઝલાઈને તૂટી પડી ખાકમાં ખાક મેળવી દેત. ગિરનાર પર્વતનું સૌંદર્ય તેની લંબાઈ પહોળાઈના માપ કાઢી બતાવવામાં કે તે કેટલા મણ માટી પથરાનો બનેલો છે તે દર્શાવવામાં નથી, પણ કોઈ પ્રચંડ જોદ્ધો આકાશે પોતાનું શિર અડાડીને ઊભો હોય અને તેના જોનારના મનમાં વીરતા, વિશાલતા, ભવ્યતા, અડગતા, પ્રતાપ આદિ અનેક ગુણોનો આવિર્ભાવ ઉત્પન્ન કરે એવી મૂર્તિ કલ્પનાના ચમત્કારથી વાણીમાં ઊભી કરાય ત્યારે જ તે વાણી પાછી સાહિત્ય નામને યોગ્ય થાય. આ ઉપરથી આપણે જોઈએ છીએ કે એ સત્ય અગર સૌંદર્યના તત્ત્વને કલ્પનાનો સ્પર્શ થાય, ત્યારે જ તેને લગતો લેખ કે તેને લગતું કથન સાહિત્ય તરીકે ગણવાની યોગ્યતા ધારણ કરી શકે.
(“ભગવદ્ગોમંડળ ભાગ – ૯”, પૃ. 8749-8750)
સૌજન્ય : ‘ગુજરાતીલેક્સિકૉન’ જૂથ