“સ્મૃતિસંપદા” – ખાસિયત અને કેફિયત’ (શનિવાર, 01 જૂન 2024)

સ્મૃતિસંપદા : ખાસિયત અને કેફિયત

– રેખા સિંધલ

સૌ પ્રથમ તો ‘સ્મૃતિસંપદા’ પુસ્તકની વાત કરવાની મને અહીં તક આપવા બદલ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ખૂબ ખૂબ આભાર!

આ પુસ્તકમાં પંદર લેખકોએ પોતાની જીવનકથા લખી છે. ગુર્જરી પબ્લિકેશન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સહયોગથી પ્રકાશિત થયેલ આ પુસ્તકનું સંપાદન મેં કિશોરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કર્યું છે. એ માટે વડીલ કિશોરભાઈની અને બધા લેખકોની હું ખૂબ આભારી છું. આ લેખકોમાંથી જયંતભાઈ મહેતા, દેવિકાબહેન ધ્રુવ, પ્રીતિબહેન સેનગુપ્તા, સરયૂબહેન પરીખ એવાં કેટલાંક લેખકોનો સાથ અને સહકાર મને છેવટ સુધી મળતો રહ્યો છે. એક વાંચક તરીકે નેશવીલના તરુણભાઈ સૂરતી પણ જોડાયા, એટલે એક રીતે તો આ ટીમવર્ક જ કહી શકાય, જેમાં સદ્દભાગ્યે લીડ લેવાની તક મને મળી. આ તક કઈ રીતે મળી તે વાત કરું તો …

૨૦૨૦ના કોરોના કાળમાં જીવનમાં એક એવો વળાંક આવ્યો કે જેને કારણે મારા વિચારોની દિશા બદલાઈ ગઈ. આ સમયમાં મેં નવા વિસ્તારમાં નવું ઘર લીધેલું. અજાણ્યા વિસ્તારનાં અજાણ્યાં પડોશીઓ વચ્ચે, અજાણી પરિસ્થિતિમાં, અજાણ્યા અને અદીઠ વાયરસથી બચવાની અને સૌને બચાવવાની તકેદારી સતત રાખવી પડતી હતી. ટી.વી. પર મૃત્યુનું તાંડવ જોઈને અનુભવાતી સતત વેદનાના આ સમયમાં બ્રુસ ફૈલર લિખિત ‘Life is in the transition’ નામની એક ઓડિયો બુક મારા હાથમાં આવી. આ બુકમાં સત્ય ઘટનાઓ છે જેમાં અણધારી મોટી આફતોનો સામનો કરવાની અલગ રીતોનાં અલગ પરિણામોના સાચા કિસ્સાઓ છે. ‘તમસો મા જ્યોતિર્ગમય’ સૂત્ર પ્રમાણે નિરાશામાંથી નીકળી જીવનને ઉર્ધ્વગામી કર્યું હોય તેવા સામાન્ય લોકોનાં અસામાન્ય જીવનની વાતો એમાં હતી. પરિસ્થિતિનો સામનો કરવાની એમની અલગ રીતને કારણે જ તેઓએ નિરાશામાંથી બહાર આવીને સફળતા પ્રાપ્ત કરી શક્યા હતા. કોરોનાએ સાબિત કર્યું હતું કે પરિસ્થિતિ બદલવી આપણા હાથમાં નથી પણ તેનો સામનો કઈ રીતે કરવો તે આપણા હાથમાં છે. વેક્સીન લેવી ન લેવી તે નિર્ણય વ્યક્તિગત હતો અને તેનાં પરિણામો આપણે સૌએ જોયાં તથા અનુભવ્યાં. કોરોનાકાળમાં ઘરેથી કામ કરવાના વિકલ્પને કારણે ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધ્યો અને એક નવી દિશા ખૂલી. આપણી સામે જે વિકલ્પો છે તેમાંથી પસંદ કરેલ વિકલ્પ જ આપણને સારા કે માઠાં પરિણામ તરફ દોરી જાય છે તે આ સમયમાં સૌએ સ્પષ્ટપણે જોયું અને અનુભવ્યું. મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ વિકલ્પ ન દેખાય તો સમજવું કે એ આપણી જ નિરાશાનું અંધારું છે. પ્રથમ તો આપણી અંદરની નિરાશાને જ દૂર કરવાની છે.

કેટલાંક એવી દલીલ કરે કે ક્યાંક ફસાઈ જઈએ અને કોઈ વિકલ્પ ન જ હોય તો? આના જવાબમાં મેં વાંચેલી એક વાત કહેવાનું મન થાય કે, માનો કે તમે ટ્રાફીકમાં stuck થઈ ગયા છો. તમારે સમયસર જોબ પર પહોંચવાનું છે અને ટ્રાફીક જામ છે તેથી નથી તમે આગળ જઈ શક્તા કે નથી પાછળ જઈ શક્તા. શું કરવું? છે કોઈ વિકલ્પ? હા, છે અને ઘણા છે. કોઈ અકળાઈને હોર્ન વગાડશે તો કોઈ શાંતિથી ગીત-સંગીત સાંભળશે. કોઈ કારણ જાણવા કે મદદ કરવાના હેતુથી કારમાંથી ઉતરીને લટાર મારશે તો કોઈ પુસ્તક કે ફાઈલ બાજુમાં હોય તો તેનાં પાનાં ફેરવશે. કોઈને બગાસા ખાતા ખાતા ઝોકું પણ આવી જાય તો વળી કોઈ ફોન જોડી મિત્ર સાથે વાતો કરશે. આ બધા વિકલ્પો સામે જ છે છતાં પરિસ્થિતિનો ફરજિયાત સ્વીકાર કરવો પડે ત્યારે જે માણસ અકળાઈ જાય છે તેને હોર્ન મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ જલ્દી નહીં સૂઝે.

અહીં અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં કેટલાંકને લાગે છે કે તેઓ અહીં આવીને ફસાઈ ગયાં છે તો કેટલાંકને પ્રગતિની દિશાઓ ખૂલતી જણાઈ છે. હરેક નવા વસાહતીની શરૂઆતની મુશ્કેલીઓ ભલે અલગ અલગ પ્રકારની હોય પણ પરિસ્થિતિ એક રીતે સમાન છે કે અજાણ્યા લોકો વચ્ચે રાષ્ટ્રીયતાની અલગ ઓળખ સાથે અજાણી ભૂમિ પર ઘર વસાવવાના પડકારનો સામનો દરેકને કરવો પડે છે. તકો સામે જ હોય તો પણ સ્વનિર્ભર થવા માટે સમય, સ્થળ અને ઓળખના જે પડકારોનો સામનો કરવાનો આવે છે, તે આપણી કલ્પના અને માન્યતાઓથી જુદા હોય છે. એટલે બહારની નવી દુનિયામાં પ્રવેશતાં જ મનોવિશ્વમાં દ્વિધાઓની પરંપરા સાથે મૂળથી ઊખડ્યાની વેદના શરૂઆતમાં તીવ્રપણે અનુભવાય છે. સ્થાયી થયા પછી દેશની મુલાકાતે વેકેશન ગાળવા જઈએ ત્યારે પશ્ચિમી સંસ્કૃતિ અને અહીંના જીવન વિષેના ખોટા ખ્યાલો સાંભળીને હા એ હા કરવી ગમે નહીં અને દલીલ કરવી પણ નિરર્થક લાગે. એ જ રીતે અહીં અમેરિકન લોકોમાં પણ ભારત દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિ વિષેના અજ્ઞાનને જાણી દુઃખ થાય. આ કારણે મને મારી જીવનકથા લખવાનો વિચાર ઘણા વખતથી હતો કે જેમાં બંને સંસ્કૃતિની ખૂબી, ખામીઓના અનુભવો હોય. બંને દેશમાં સ્વનિર્ભર થવા માટે મેં જે સંઘર્ષ વેઠ્યો છે તેને કારણે વૃદ્ધિ પામેલી આંતરિક સમૃદ્ધિનો વારસો મારી પછીની પેઢીને આપવાની ભાવના જાગે અને તેથી તેનો ઇતિહાસ પછીની પેઢી માટે લખવાનું મન થાય. મારી સાથે સાથે બીજાના અનુભવો જોડવાનું મન પણ થાય એમાંથી ‘સ્મૃતિસંપદા’ના સંપાદનનો વિચાર સ્ફૂર્યો.

આવનારા યુગમાં ઈલેક્ટ્રોનિક્સ વગરના વિશ્વની કલ્પના પણ મુશ્કેલ હશે, જ્યારે આપણા દાદા-દાદી ઈલેક્ટ્રીસિટી વગરનાં ગામડાંઓમાં સુખ-શાંતિથી રહેતાં હતાં તે આપણે જોયું છે અને માણ્યું પણ છે. સમયના ફેરફારની ગતિ ખૂબ ઝડપી થઈ ગઈ છે. અને તેથી ગઈકાલની દુનિયા અને આવતી કાલની દુનિયા વચ્ચેના વર્તમાનનો સેતુબંધ નવરચના માંગે છે. મહાસતા અમેરિકાની સંસ્કૃતિના melting potમાં આપણે આપણી સંસ્કૃતિને પણ તાવણી પર મૂક્યા વગર છૂટકો નથી. અને તો જ નવી સંસ્કૃતિમાં એના ઉત્તમ અંશો ઉમેરાશે. આ વાત ‘સ્મૃતિસંપદા’ના દરેક લેખકની જીવનકથામાં છે. સંઘર્ષનો સામનો કરવાની અલગ અલગ રીતો અને અલગ અલગ અનુભવો કેવી રીતે સફળતા તરફ લઈ જાય છે તે આ જીવનકથાઓમાં વાંચ્યા પછી સફળતા વિષેની આપણી સમજ પણ બદલાઈ જાય છે.

આવી જીવનકથાઓના સંચયનો મને વિચાર આવ્યો, એ જ અરસામાં લેખક જયંતભાઈ મહેતા રિટાયર્ડ થઈ નેશવીલમાં રહેવા આવ્યા. કોરોનાને કારણે અમે રૂબરૂ મળી શકીએ તેમ ન હતા, તેથી ફોનમાં મેં એમને મારો વિચાર જણાવ્યો. ત્યારથી એમનો સાથ મને સતત મળતો રહ્યો છે. જરા જેટલી યે મૂંઝવણ હોય તો હું એમની સાથે પહેલાં વાત કરું. એમની જીવનકથા પણ આ પુસ્તકમાં છે. જેની વાત આપણે આગળ કરીશું. જયંતભાઈ મહેતાએ મને પ્રોત્સાહિત તો કરી જ પણ મારો ઉત્સાહ પણ એમના સાથ સહકારને કારણે વધતો રહ્યો તે માટે એમની હું વિશેષ આભારી છું.

થોડા સમય બાદ તરુણભાઈ સૂરતીનો ફોન આવ્યો. તેમણે મને સ્વર્ગસ્થ પ્રમોદાબહેન જોશીના પ્રેરણાત્મક જીવન વિષે લખવા અનુરોધ કર્યો. ૧૯૬૦ની આસપાસના સમયમાં પ્રમોદાબહેન સ્ટુડન્ટ વીઝા પર અમેરિકા આવેલ. કદાચ તેઓ પહેલાં ગુજરાતી મહિલા હશે કે જેને વ્હાઈટ હાઉસમાં ડીનર માટે આમંત્રણ મળ્યું હોય. આ દસ્તાવેજી નોંધ સાથે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી ઑવ્‌ નોર્થ અમેરિકા’ની સ્થાપનામાં એમનું પ્રદાન અને કેટલીક ઉત્તમ કામગીરી વગેરે વિશે ક્યાંક લખાય અને સચવાય તેવું તરુણભાઈ ઈચ્છતા હતા. તે માટે તેઓ કોઈકની શોધમાં હતા. પ્રમોદાબહેન તો હવે નથી; એમના જીવન વિષે એમણે જ લખ્યું હોત તો વધારે યોગ્ય થયું હોત. હવે એમના શરૂઆતના સંઘર્ષની માહિતી તો ક્યાંથી મળે? પણ આવી પ્રેરણાત્મક જીવનગાથાઓનો સંચય થવો જોઈએ તે આથી વધુ સ્પષ્ટ થયું. પછી તો દેવિકાબહેન ધ્રુવ, પ્રીતિબહેન સેનગુપ્તા, સરયૂબહેન પરીખ વગેરે જોડાતાં ગયાં અને મારો ઉત્સાહ વધતો ગયો. આ બધાંએ રસપૂર્વક મને ઘણી મદદ કરી છે, તે માટે આ બધાની હું ખૂબ આભારી છું.

જે પંદર લોકોએ ‘સ્મૃતિસંપદા’માં પોતાની જીવનકથા લખી છે તે દરેકે દેશ છોડ્યો તે વખતની પાર્શ્વભૂમિકા, ધ્યેય અને ઉંમર અલગ અલગ છે. સૌના અલગ પ્રકારના અનુભવોમાં અનૂભૂતિઓની સમાનતા હોવાથી આપણને તે સ્પર્શી જાય છે.

આ દરેકની વાત ટૂંકમાં કરું તો સૌથી પહેલી કથા મને નટવરભાઈ ગાંધીએ મોકલી. એમની કથા મળ્યા પછી સારી કથાઓ મેળવી શકાશે એવો વિશ્વાસ બંધાયો. નટવરભાઈએ બંને દેશની સંસ્કૃતિના શ્રેષ્ઠ અંશો આત્મસાત કર્યા છે. મુંબઈની ગરીબી જોઈને પૈસાદાર થવા માટે અમેરિકા આવેલા એક મહત્ત્વાકાંક્ષી યુવાને પૈસા તો બનાવ્યા જ પણ સાથે ‘સત્યમેવ જયતે’ના રાષ્ટ્રીય આદર્શને અમેરિકાની રાજધાનીમાં દૃઢતા અને પ્રમાણિકતા સાથે કઈ રીતે કાર્યાન્વિત કર્યો તેની વાત એમાં છે. કોઈ પણ યુવાનને પ્રેરણા પૂરી પાડતી તેમની જીવનકથામાં સાહિત્યની અભિરુચીની સાથે સાથે આત્મકલ્યાણ માટેનો તલસાટ પણ જોવા મળે છે. પરિસ્થિતિનો સ્વીકાર અને સંતોષ હંમેશાં ફળદાયક નથી હોતો એની સામે ઝઝૂમવાની હિંમત પણ હોવી જોઈએ. સત્‌ અને અસત્‌ વચ્ચે જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે ભૂલમાં ય થાપ ન ખાઈ જવાય તેવી સજાગતાનો ગુણ કેળવવો કેટલો જરૂરી છે, તે વાંચકને સ્પષ્ટ રીતે દિલમાં ઊતરી જાય તે રીતે તેમણે લખ્યું છે. નટવરભાઈ ગાંધીને વિશ્વના એક ઉત્તમ નાગરિક કહી શકાય.

વિશ્વના ઉત્તમ નાગરિક કહી શકાય તેવા બીજાં લેખક છે પ્રીતિ શાહ – સેનગુપ્તા કે જેઓ એકલાં આખી પૃથ્વીનો ખોળો ખૂંદી વળ્યાં છે અને તેથી ‘વિશ્વપ્રવાસિની’ તરીકે જાણીતાં છે. પ્રીતિબહેન વિષે તો ઘણું લખાયું છે. તેમણે પોતે પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે. એમણે જે રીતે મારા આ વિચારને મૂલવ્યો તે પરથી મને ખાતરી થઈ કે સફળતાના શિખરે પહોંચેલા બીજા લોકો પણ એમની જીવનકથા લખશે. પ્રીતિબહેને કહ્યું કે, ‘આપણા જીવન વિશે જાતે લખવું સહેલું નથી, પણ લખ્યા પછી દિલમાં ઘણી રાહત અનુભવાય છે.’ એમની જેમ મારી જીવનકથા લખતી વખતે મેં પણ અનુભવ્યું કે લખતી વખતે કેટલીક પીડાઓ પણ ઊભરી આવે અને કેટલીક નકામી યાદોને પણ ખંખેરવી પડે એ પછી અનુભૂતિ સાથેનું આપણું સત્ય આપણે જાતે લખીએ ત્યારે તે દસ્તાવેજી બની જાય છે. નવી પેઢી માટે આપણા એ સમયખંડની મુશ્કેલીઓ વિસ્મયકારક બની રહે છે. પ્રીતિબહેન જે સમયમાં ઉત્તરધૃવ પર ગયાં ત્યારે પાંચ યાત્રીઓની ટૂકડીમાં સ્ત્રી તરીકે તેઓ એકલાં જ હતાં. બીજા ચાર સાહસવીરો અને પાંચ ગાઈડની ઉપસ્થિતિમાં ભારતનો ધ્વજ તેમણે જ્યારે ત્યાં ફરકાવ્યો, તે સમયમાં ભારતનાં ઘણાં ગામોમાં સ્ત્રીઓને એક ગામથી બીજે ગામ એકલાં જવામાં પણ તકલીફ પડતી હતી. ઘર, કુંટુંબ, સમાજ, દેશ અને દુનિયાના કેટકેટલા વાડાઓ કૂદાવીને એકલા વિહરવા માટે જે આત્મબળ જોઈએ તેની વૃદ્ધિ એમની જીવનકથામાં જોવા મળે છે. ફક્ત ગુજરાતીઓ માટે જ નહીં વિશ્વના દરેક નાગરિક માટે આ જીવનકથા પ્રેરણારૂપ છે. આવા સાહસ માટે મનને કેળવવા કેટકેટલું ત્યાગવું પડે છે. ખમીરવંતી એમની જીવનકથા લખવા તેઓ તૈયાર થયાં પછી મને થયું કે હવે લેખકો શોધવા નહીં જવું પડે અને થયું પણ એવું જ! પછી યાદી લંબાતી ગઈ.

જયંતભાઈ મહેતાની જીવનકથા વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે હ્રદયમાં સાચી સેવા ભાવના હોય તો જ નાનાં ગામડાંઓ સુધી મહત્તમ સેવાઓ કેમ પહોંચે તેનો વિચાર આવે એટલું જ નહીં એ વિચારને અમલમાં મૂકવા માટે અમેરિકાના સરકારીતંત્રને ડાકોરના એક ગુજરાતી બ્રાહ્મણ પાસેથી મંત્ર મળે તે ગૌરવ લેવા જેવી વાત તો ખરી જ, પણ ગામડાંના અભણ લોકોની સેવા કરતા કરતા અમેરિકાના કાયદાની કેટલી ય આંટીઘૂંટીઓ અને બીજી કેટલી ય કસોટીઓમાંથી તેમને પાર ઉતરવું પડ્યું છે, તે વાંચીને સાચી દિશામાં કાર્ય કરવા માટે ઝઝૂમવાની પ્રેરણા ન મળે તો જ નવાઈ! પચીસેક જેટલા પારિતોષિકોને તેમણે ઊંચે માળિયામાં મૂકી દીધાં છે પણ એમનો સેવાયજ્ઞ હજુ ય ચાલુ છે. જયંતભાઈ આપણી ધાર્મિક સંસ્કૃતિમાં પણ ઘણો રસ ધરાવે છે. ધર્મમાં વ્યાપ્ત દંભ અને ગોમતી સ્નાનની ગંદકી તેમણે નજરે નિહાળી છે તેથી તેમની ‘સ્મરણગંગા’માં હિન્દુ ધર્મ વિષેનું સત્ય જોવા મળે છે. અંગ્રેજી લેખો દ્વારા અમેરિકન સમાજમાં પણ આપણી ધાર્મિક સંસ્કૃતિનો પરિચય તેઓ આપતા રહે છે.

ચોથા લેખક કમલેશભાઈ લુલ્લાની વાત તો વળી બહુ જ નિરાળી છે અવકાશ ક્ષેત્રે સુનિતા વિલિયમ્સના નામથી ઘણા ગુજરાતીઓ પરિચિત છે પણ નાસામાં એનાથી ય ઊંચો હોદ્દો ધરાવતા આ અવકાશી વિજ્ઞાની કે જેમણે અનેક પારિતોષિકો મેળવ્યાં છે તેમને આપણામાંના કેટલા જાણે છે? ડો. લુલ્લા કવિ હૃદયના એક ઉત્તમ વૈજ્ઞાનિક છે. જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળી શકે તે માટે એમણે એમના અત્યંત વ્યસ્ત જીવનમાંથી જીવનકથા માટે સમય ફાળવ્યો છે. સિદ્ધિ અને સફળતાને તેઓ પચાવી શક્યા છે. એમને મળેલા દુર્લભ પારિતોષિકો વિષે જાણીએ ત્યારે આશ્ચર્ય સાથે એક ગુજરાતી તરીકે ગૌરવ થાય. આ પુસ્તક નિમિતે તેમને રૂબરૂ મળી શકાયું તેનો મને ખૂબ આનંદ છે. નમ્રતા જેને સહજ છે તેવા ‘સ્મૃતિસંપદા’ના લેખકોએ મને વધુ નમ્ર થતા શીખવ્યું છે. ‘સ્મૃતિસંપદા’ના સંપાદનનો આ એક ન દેખાય તેઓ મોટો ફાયદો મને થયો છે.

ભાષાવિજ્ઞાની બાબુ સુથારનું નામ તો ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતું છે. ‘કાચબાની કથા’ શિર્ષક હેઠળ તેમણે પોતાની જીવનકથા આ ‘સ્મૃતિસંપદા’ માટે લખી છે. પ્રથમ તો આ શિર્ષક જ વાંચકને એમની કથા વાંચવા પ્રેરે તેવું છે. સ્ફટિક જેવી એમની કથામાં કેટલી ય જગ્યાએ વાંચકને પોતાનું પ્રતિબિંબ દેખાય. નાનપણમાં એમણે ગરીબાઈ જોઈ છે અને અનુભવી પણ છે. એ સાથેની ગરિમા અને ગુજરાતનું ખમીર એમની જીવનકથામાં છલકાય છે જે ઘણા માટે પ્રેરણારૂપ બની રહે તેમ છે. વિશાળ વાંચન અને ભાષાના ઊંડા અભ્યાસ થકી ઘડાયેલા તેમના જીવનની વાતો એમના શબ્દોમાં વાંચીને વાંચકને પણ વધુ જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા જાગૃત થાય.

દિનેશભાઈ ઓ. શાહની ‘જીવનઝરમર’માં સફળતા પહેલાંનો સંઘર્ષ અને સફળતા પછી સ્વભૂમિ માટે કંઈક વિશેષ કરી છૂટવાની ભાવના વગેરે વાંચકને એક ઉદાત્ત વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. તેઓ એક ઉત્તમ વૈજ્ઞાનિક હોવાની સાથે કવિ પણ છે. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે ઉદાર દિલથી દાન અને સેવાઓ વડે જન્મભૂમિનું ઋણ અદા કરતી તેમની પ્રવૃત્તિઓ પ્રેરણાત્મક છે. તેઓ અનેક એવોર્ડ્સથી સન્માનિત થયા છે અને તેમણે પોતે પણ ઘણા વિદ્યાર્થીઓને પુરસ્કારોથી નવાજ્યા છે. ‘Leed by an example’ જેવી એમની જીવનકથા વાંચીને વાંચકનું મસ્તક ઝૂકી પડે.

‘સેકંડ ઈનિંગ્સ’ નામે એક રસપ્રદ જીવનકથા અશોકભાઈ વિદ્વાંસે પણ લખી છે. એમના પત્રકાર પિતા સ્વ. ગોપાળરાવ વિદ્વાંસ એમના સમયના એક પ્રતિષ્ઠિત પત્રકાર હતા. ગાંધી મૂલ્યો અશોકભાઈના ઉછેરમાં વણાયેલા હોવાથી સ્વાભાવિક જ એમનું જીવન પ્રેરણારૂપ હોવાનું. આઝાદી પછીના ગુજરાતી સમાજનું પ્રતિબિંબ એમની જીવનકથામાં સુંદર રીતે ઝીલાયું છે. આસપાસનાં સામાજિક દૂષણોથી ઘર અને કુંટુંબને અલિપ્ત રાખી ગાંધી વિચારો જાળવવા સરળ નથી તે એમની જીવનકથા વાંચીએ ત્યારે સ્પષ્ટ સમજાય છે. આ ગુણો કોઈ પણ દેશમાં ઉપયોગી નીવડે તેવા છે. તેઓ મરાઠી પરિવારના ગુજરાતી છે અને ગુજરાતથી આવેલ ભારતીય અમેરિકન છે. ઈતર ભાષા ગુજરાતી અને અંગ્રેજી પરનું એમનું પ્રભુત્વ પ્રભાવિત કરે તેવું છે. બીજી ભાષાઓને આત્મસાત કરવા માટે બીજી સંસ્કૃતિઓ સાથે સમન્વય પણ આવશ્યક છે. અલગ અલગ સંસ્કૃતિના સારા નરસા તત્ત્વોમાંથી સારું ગ્રહણ કરી ખરાબ તત્ત્વોનો ત્યાગ જ વિકાસની કેડી કંડારી શકે. અમેરિકા આવ્યા પછીના સંઘર્ષમાં દેશની મૂળ સંસ્કૃતિનાં આ બીજ વધુ વિકસ્યાં છે અને તકની આ ભૂમિમાં વટવૃક્ષ થઈ એમને ફળ્યાં છે.

દેવિકાબહેન ધ્રુવ, સપના વીજાપુરા, ઇંદુબહેન શાહ, સરયૂબહેન પરીખ અને હું અમે બધી સ્ત્રી લેખિકાઓએ આ દેશમાં આવીને સાંસ્કૃતિક સંઘર્ષ ઘરમાં પણ વેઠ્યો હોય કારણ કે અમારી ટોપ પ્રાયોરિટી કુંટુંબની સંભાળ હોય. સ્કૂલેથી બાળકો રોજ નવા વિચારો લઈને આવે અને આસપાસના સમાજ માટે પણ અલગ દૃષ્ટિકોણ હોય એટલે સાંસ્કૃતિક સંઘર્ષ તો હોય જ પણ જુદા પ્રકારનો હોય. એમાં વળી ઈંદુબહેન શાહની પાર્શ્વભૂમિકામાં તો ભારત પાકિસ્તાનના ભાગલા વખતે વિખરાયેલા કુંટુંબનો ઇતિહાસ પણ વંચાય છે. એ જ રીતે સપના વીજાપુરાની કથામાં દેશમાં અનુભવેલી હિંદુ-મુસ્લિમ વચ્ચેના પ્રણયની કરુણતા ઉપરાંત શિક્ષણક્ષેત્રે નવો ચીલો પાડવાની ખુમારી સાથે અનેક મુસીબતોનો સામનો તેમણે કર્યો છે. ઊગતી યુવાનીના આ સંઘર્ષોમાંથી ઊગેલી સમજનાં બીજ એમને અમેરિકામાં જુદી સંસ્કૃતિની જુદા પ્રકારની સ્ટ્રગલમાંથી બહાર લાવી અલગ કેડી પર ચાલવાનું બળ અને સમજ આપે છે. આ બધી વાતો વાંચી વાંચકને પણ બળ મળે છે ‘સ્મૃતિસંપદા’ વાંચ્યા પછી વાંચકને જીવનની નાની-મોટી મુશ્કેલીઓ સામે ઝઝૂમવાનું બળ મળી રહે છે.

કલા સાહિત્યનો વારસો જેના લોહીમાં છે તે સરયૂબહેન પરીખની જીવનકથામાં એમનાં માતા સ્વ. ભાગીરથી મહેતા એમના સમયમાં એક સુધારાવાદી હિંમતવાન મહિલા હતાં. તેમનું જીવન દર્શાવે છે કે સુધારાઓ આપણાથી શરૂ કરવાના હોય. જો આપણે બદલીશું તો સમાજમાં બદલાવ આપોઆપ આવશે. ઘર અને સમાજના વાડાઓ કૂદાવી નવા વિચારો સાથે નવજીવન રચવાની કેળવણીનો વારસો સરયૂબહેનને માતા પાસેથી મળ્યો હતો. અમેરિકામાં આવ્યા પછી શિક્ષણ અને કલાનું મહત્ત્વ જાળવવાની એમને પ્રેરણા થાય છે. પરણીને પતિ સાથે અમેરિકા આવેલી સ્ત્રીઓને શરૂઆતના સંઘર્ષ સાથે જે ગૃહત્રાસ વેઠવો પડે છે તેની અનુકંપાથી આવી સ્ત્રીઓને મદદ કરવાની પ્રેરણાદાયી પ્રવૃત્તિ પણ સરયૂબહેન કરે છે. એમના સંગીતપ્રેમી પતિ એક ઉત્તમ ચિત્રકાર પણ છે. દેશમાંથી આવેલા કેટલા ય પ્રખ્યાત કલાકારોએ આ દંપતીનું આતિથ્ય માણ્યું છે. આપણી કલા અને સંસ્કૃતિનો વારસો પરદેશની ભૂમિ પર પાથરવાની પ્રેરણા એમની જીવનકથામાંથી મળે છે.

દેવિકાબેન ધ્રુવની જીવનકથામાં એક અલગ દૃષ્ટિકોણ જોઈ શકાય છે. દેવિકાબહેન એક સારાં કવયિત્રી પણ છે. અમેરિકાની નવી અને અલગ સંસ્કૃતિનો સ્વીકાર એમના માટે ઘણી મોટી સમસ્યા હતી કારણ કે તેઓ વિચારશીલ છે. દરેક બાબતના સારા અને નરસા બંને પાસા તટસ્થતાથી જોવાની પ્રેરણા એમની જીવનકથામાંથી મળે. સંસ્કૃતિનું આંઘળું અનુકરણ નહીં પણ પ્રેમથી સ્વીકાર કરીએ તો પરદેશની ભૂમિ માશી એટલે કે મા જેવી લાગવા માંડે. જે માને ચાહે તે માશીને ચાહી જ શકે. અમેરિકાને એમણે વ્હાલથી સ્વીકારી વ્હાલ પાથર્યું છે. આ કંઈ સહેલું તો નથી જ, ભલે પછી બીજી કોઈ મોટી સ્ટ્રગલ જીવનમાં ન આવી હોય. અમેરિકામાં જન્મીને ઊછરતી નવી પેઢીને જ્યારે આપણી પૂર્વીય સંસ્કૃતિ જાળવવાની મુશ્કેલ લાગે ત્યારે સમન્વયના દસ્તાવેજી પુરાવા જેવી આવી જીવનકથા દિશાસૂચક જ નહીં કાવ્યમય પણ બની રહે તે એમની ‘સ્મૃતિસંપદા’ વાંચીને સ્પષ્ટ થાય છે. આ પુસ્તકનું નામ દેવિકાબહેનની જીવનકથાના શિર્ષક પરથી આપવામાં આવ્યું છે. એમણે ‘આથમણી કોરનો ઉજાસ’ નામના પુસ્તકમાં લેસ્ટરના નયનાબહેન પટેલ સાથે મળી પત્રશ્રેણી રૂપે જે સ્વાનુભવો લખ્યાં છે તેમાં પણ વિદેશની ઘણી વાતો છે. ‘સ્મૃતિસંપદા’ના સંપાદનમાં ભાષાશુદ્ધિ વગેરેમાં ખૂબ ઊંડો રસ લઈ દેવિકાબહેને ઘણી મદદ કરી છે. દર અઠવાડિયે કમલેશભાઈ લુલ્લા સાથે નિયમિત એક કલાકની ફોન મુલાકાત દ્વારા એમની જીવનકથા લખવા-લખાવવામાં દેવિકાબહેનનો ફાળો ઘણો મોટો છે એ વગર અવકાશ સુધી વિસ્તરેલા આવા સવાયા ગુજરાતીનો આપણને પરિચય પણ ન થયો હોત.

હવે મારી જીવનકથાની થોડી વાત કરું તો એમાં અશિક્ષિત અને અવગણીત સમાજની કન્યાની કથા છે. અભણ જ્ઞાતિની સ્ત્રીને માખણ વલોવવા અને રોટલા ઘડવા સિવાય બીજી શું શીખવાનું હોય? એવું જ્યારે સાસરીમાં અને સમાજમાં બધા માનતા હતા, ત્યારે મારાં માબાપે દીકરીને ભણાવી ગણાવી અમેરિકા સુધી મોકલી તે ઘટના જ ઘણી મોટી હતી. વિજ્ઞાન, ગણિત અને સાહિત્ય ક્ષેત્રે જે તકો મને અમેરિકામાં મળી તે સ્વદેશમાં મળી હોત કે કેમ તે પ્રશ્ન છે. જુદા જુદા ક્ષેત્રના અભ્યાસને કારણે અમેરિકા આવ્યા પછી મારો વિકાસ સમગ્રપણે થયો. લઘુમતિ કોમના નાગરિક તરીકે સ્વદેશમાં ઘણી મુશ્કેલીઓ વેઠી હતી તેથી અહીંની એવી સ્થિતિ માટે સહનશીલતા કેળવાયેલી હતી. ભારત દેશમાં વ્યાપ્ત જ્ઞાતિપ્રથાનાં દૂષણો અને અમેરિકામાં વ્યાપ્ત રંગભેદનાં દૂષણોમાં ઘણું સરખાપણું જોવા મળે છે. મારી આગામી પેઢીને એમના આ મૂળની વાતો કરવાની ઝંખનાએ મને મારી જીવનકથા લખવા પ્રેરી. એમાં હજુ ઘણું ઉમેરી શકાય પણ બધા લેખકો માટે મેં નક્કી કરેલી શબ્દોની મર્યાદામાં રહીને મારે લખવાનું હતું. એ જ રીતે બધા માટે મેં નક્કી કરેલી સમય મર્યાદામાં લખવાની પણ મને જ ખૂબ મુશ્કેલી પડી હતી. એક તો ભૂતકાળમાં ડૂબકી મારતાં જ વિચારોનું પૂર ઉમટે એમાં કલમ તણાવા લાગે અને સાથે નજરસમક્ષ કેટલું ય તરવા માંડે. ઘણો કચરો પણ હોય તેને દૂર કરી સ્ફટિક જેવું સત્ય તારવવાની મથામણ કરવી પડે. વળી કોરોનાને કારણે મારા grand-childrenને સ્કૂલમાં મોકલી શકાય તેમ નહોતા તેથી આખો દિવસ બે બાળકોનું બેબીસિટીંગ અને સાંજે વિદ્યાર્થીઓને ઝૂમ પર ગણિત શીખવાનું કામ! આમ સમયની ખેંચ પડવાથી મારી કથા મેં બીજા ભાગ માટે મુલત્વી રાખવાનું વિચાર્યું હતું પણ મારા પતિએ જીદ કરીને રસોઈનું બધું કામ મારા હાથમાં લઈ લીધું અને મને લખવાની ફરજ પાડી. એમના આ પ્રેમને કારણે હું લખી શકી તે મારું સદ્દભાગ્ય છે.

જગદીશભાઈ પટેલની જીવનકથા અમેરિકામાં વસતા ગુજરાતીઓના એક આખા સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પૈસાદાર થવાની તકોનો ઉપયોગ કરી જીવન બહુ સરળતાથી જીવ્યું છે. એમની જીવનકથામાં સંસ્કૃતિના સમન્વય અને સંઘર્ષમાં પ્રમાણિકતા અને સચ્ચાઈનો રણકો છે. બન્ને સંસ્કૃતિના સારા-નરસા પાસામાંથી પસંદગી તો અંતે વ્યક્તિગત જ હોય છે અને જ્યારે આ વ્યક્તિગત જવાબદારી આપણે લઈએ છીએ ત્યારે જ ભારતમાં રહીને અમેરિકાને અને અમેરિકામાં રહીને ભારતને ચાહી શકીએ. વિચારોની દિશામાં યોગ્ય પરિવર્તનની પ્રેરણા જગદીશભાઈના ‘જીવનનાં ઝરણાં’માંથી મળી શકે.

મુંબઈથી અમેરિકા આવીને વસેલા એક લેખક મનસુખભાઈ વાઘેલાએ બાળપણ મા હોવા છતાં માથી વિખૂટા થવું પડ્યું હતું. વર્ષો સુધી માતાનું મુખ જોવા તેઓ પામ્યા ન હતા. આ વ્યથા છતાં ઊંચા ધ્યેયને કારણે તેઓ વિકાસ સાધી શક્યા. એક રૂઢિપ્રયોગ અહીં યાદ આવે કે, ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’. મનસુખભાઈની જીવનકથામાં પણ એક રાહ અને તરાહ છે. સાહિત્યપ્રીતિ સાથે સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ તેઓ અત્યારે નિવૃત્તિકાળમાં પણ કરતા રહે છે. વિકાસની કેડી પર ફંટાતા માર્ગો પર ઉજાસ પાથરે તેવી તેમની ‘સહકારની કેડીએ’ નામની જીવનકથા વાંચવા જેવી છે.

અ પુસ્તકમાં છેલ્લી એટલે કે પંદરમી જીવનકથા ‘અમદાવાદથી અમેરિકા’ અરવિંદભાઈ ઠેકડીએ લખી છે. આ જીવનકથામાં અમેરિકા વિષે વાંચકને ઘણું જાણવા મળશે. તેઓ ૧૯૬0-૭૦ના દાયકાની ગુજરાતી સંસ્કૃતિ લઈને અમેરિકા આવ્યા ત્યારે અમેરિકાની સંસ્કૃતિ અત્યાર કરતાં ઘણી અલગ હતી. નવા વસાહતીઓનો સ્વીકાર મોટા ભાગના લોકો ખૂબ પ્રેમથી કરતા. ઇમિગ્રાંટ્સ પ્રત્યે ઓરમાયું વર્તન હાલના સમયમાં જણાય છે તેવું ત્યારે ન હતું. સમયના બદલાવ સાથેના અનુભવોનાં અમૃતનું ભાથું એમની જીવનકથામાંથી મળે છે. અત્યારે ગુજરાતમાં કે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિ બહુ ઝડપથી બદલાઈ રહી છે. કોરોનાની વિશ્વવ્યાપી બિમારી અને એ સમયની તાતી જરૂરિયાતે વિકસેલી ટેકનોલોજીની અસરથી બદલાયેલી સંસ્કૃતિના સ્વીકાર સાથે કેડી કંડારતી વખતે જીવનમાર્ગની બંને તરફ લુપ્ત થતી જતી જૂની સંસ્કૃતિનાં બીજ રોપીશું તો આપણા પછીની પેઢીને જરૂર એનાં ફળ મળશે. વધુને વધુ વ્યસ્ત થતા જતા જીવનમાંથી સમય ફાળવી આપણાં બાળકોને વાંચવા-લખવાની પ્રેરણા મળે તે માટે પણ આવી જીવનકથાઓ તેમને વંચાવવી જોઈએ એવું હું માનું છું.

આ દસ્તાવેજી જીવનકથાઓના સંચયના વિચારબીજને પોષણ આપતા પરિબળોની થોડી વાત કરું તો એમાં લેખક મિત્રો તો ખરા જ અને વાંચકો વગર તો એનો પ્રસાર જ ન થાય, વળી જેને વધુ ઉપયોગી છે તે નવી પેઢી માટે English translation કરવું પડે તે પણ સમજાય પણ જે મુખ્ય પરિબળ છે તે ભૂતકાળ અને ભવિષ્યની જોડાયેલી કડીઓ છે. ભૂતકાળની પરિસ્થિતિમાં પસંદ કરેલા વિકલ્પોને કારણે આજે હું અહીં છું અને ભવિષ્યનું ધ્યેય નક્કી કર્યા વગર સામે રહેલા વિકલ્પોમાંથી પસંદગી કેવી રીતે થઈ શકે? આપણે જે જીવન જીવીએ છીએ તે આપણા પસંદ કરેલા વિકલ્પોથી જ ઘડાયું છે તો પણ નટવરભાઈ ગાંધી એમની જીવનકથામાં લખે છે તે પ્રમાણે આપણને ક્યારેક નિષ્ફળતા શા માટે પીડે છે? જીવનકથા લખવા વાંચવાથી શરૂ થતું આ આત્મમંથન જીવનને ઉજાસ તરફ લઈ જાય છે અને હ્રદયની ભાવનાઓ એથી વિસ્તરે છે. આ વિસ્તારનો અનુભવ જીવનના કોઈને કોઈ તબક્કે આપણને થાય જ છે જો ઉપલબ્ધ વિકલ્પોમાંથી આપણે યોગ્ય વિકલ્પો પસંગ કરીએ તો!

દરેકના જીવનમાં નાની મોટી તકલીફો તો હોવાની જ, આંતરિક શક્તિઓ વડે તેને પાર કરી કેટલાંક ઉત્તમ જીવન જીવી જાય છે. આવા લોકોની જીવનકથાઓ વાંચકને નવો રાહ પસંદ કરી એ રસ્તે આવતી મુસીબતો સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે. દુ:ખના ટ્રાફીકમાં ફસાયા પછી અકળાઈને હોર્ન પર હોર્ન મારી ઘોંઘાટ કરવો કે સંગીતના સૂર વહાવવા એ પસંદગી તો આપણી જ છે. મંજીલે પહોંચીએ ત્યારે થાક લાગવા ન લાગવાનાં કારણો મુખ્યત્વે આવા જ હોવાના.

આ જીવનકથાઓમાં પણ તમે જોઈ શક્શો કે દેશ છોડ્યાની એક સરખી પરિસ્થિતિમાં જ્યારે કેટલાં ય વિકલ્પો નજર સામે હોય ત્યારે કોણ કયો વિકલ્પ પસંદ કરે છે અને તેનું તેને શું પરિણામ મળે છે. જે ફેર છે તે આપણી પોતાની પસંદગીનો છે.

છેલ્લે, થોડીક મારી અંગત વાત કરું તો અમેરિકા આવવાની પ્રથમ તક મને ૧૯૭૬માં કોલેજ ગ્રેજ્યુએટ થયા પછી તરત મળી હતી. એ સમયે છ મહિનામાં વિઝા મળી જતાં હતાં. ત્યારે મારી માન્યતા એવી હતી કે અમેરિકા ભૌતિકવાદી દેશ છે અને ભારત જેવી આધ્યાત્મિકતા જગતમાં બીજે ક્યાં ય નથી. વળી મારું સ્વપ્ન એક આદર્શ ગૃહિણી થવાનું હતું આથી મેં ભારત જેવા મહાન દેશમાં જ રહેવું એવું નક્કી કરેલ પણ પછી બે બાળકો સાથે ઘરની જવાબદારી ઉપરાંત આવક-જાવકના બે છેડા ભેગા કરવાની ફરજ પડી, ત્યારે અનુભવ્યું કે ધર્મમાં દંભનું વાતાવરણ આસપાસના લોકોમાં સામાન્ય નાગરિકથી લઈને ધર્મગુરુઓ અને સત્તાધીશો સુધી એ સમયે પણ વ્યાપ્ત હતું. જાતિવાદ અને ધર્મ સાથે જોડાયેલા ગુરુતાગ્રંથિ અને લઘુતાગંથિનાં મૂળ વિશ્વભરમાં ખૂબ ઊંડા છે અને ભારત પણ એમાં બાકાત નથી.

હું જ્યારે બાર તેર વર્ષની હતી ત્યારે મારા પિતાએ સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવા માટે સૌરાષ્ટ્રમાં આવેલા માતાજીના પાંચ મઢોમાં રહેતા ભુવાઓ સામે કોર્ટમાં કેસ કરેલો, કારણ કે ભુવાઓ દર વરસે પુંજના ધાર્મિક ઉત્સવ વખતે માતાજીને નામે જ્ઞાતિજનો પાસેથી પૈસા ઊઘરાવતા અને એમાંથી પોતાની મિલ્કતો ખરીદતા હતા. ભુવાઓએ નક્કી કરેલ માણસો દરેકના ઘરે જઈ નક્કી કરેલા પૈસા ઊઘરાવી લાવે. આ રકમને ધૂપેડો નામ અપાય. નાતબહાર થવાની બીકે ગરીબ માણસ કરજ કરીને પણ ધુપેડો આપે. ભેગા થયેલા આ પૈસામાંથી ભુવાઓ પુંજના ઉત્સવનો ખર્ચ બાદ કરીને વધેલી મોટી રકમમાંથી પોતાની અંગત મિલ્કતો ખરીદે અને જ્ઞાતિજનોને માતાજીના કોપથી ડરાવ્યા કરે. આ પ્રથાનો સૌ પ્રથમ વિરોધ કરનાર મારા પિતા હતા. એમણે ધુપેડો આપવાની ના પાડવાની શરૂઆત કરી એટલું જ નહીં જ્ઞાતિબંધુઓ પાસેથી ઉઘરાવેલા પૈસાનો જાહેર હિસાબ એમણે કોર્ટમાં ભુવાઓ પાસે માંગ્યો. ખોટા સાક્ષીઓને કારણે સમાજ સુધારાનો આ કેસ મારા પિતા કોર્ટમાં હારી ગયા પણ સમાજમાં જાગૃતિ લાવવામાં તેઓ સફળ રહ્યા. મૃત્યુની ધમકીઓને અવગણીને તેઓ જીવ્યા ત્યાં સુધી આ લડત ચાલુ રાખી હતી. આજે હવે કેટલાં ય લોકો ધૂપેડાના પૈસા નથી આપતા. ખાસ તો ગરીબો કે જેઓ મજૂરી કરીને બે ટંકનું ભોજન પામે છે. આવા કોઈ ગરીબના ઘરની દીવાલ પર માતાજીની સાથે સાથે મારા પિતાની છબી જોઈને ગૌરવ અનુભવાય. તેમનું જીવન પૂરના સામા પ્રવાહમાં તરવા સમાન હતું. અમને બાળકોને આત્મનિર્ભર થવાની જે તાલિમ મળી એમાં દુઃખ સામે લડવાની તાલિમ વધુ અને સુખ મેળવવાની ઝંખના ઓછી હતી. સંતોષ રાખવો પણ નિષ્ક્રિયતા નહીં. આ બધી કેળવણી અહીં અમેરિકા આવીને બહુ ઉપયોગી નીવડી.

એક બીજી વાત કે દરિયાપારના ગુજરાતી સાહિત્ય માટે ડાયાસ્પોરા શબ્દ ઘણી ગૂંચો ઊભી કરે છે. ડાયાસ્પોરાને બદલે વિદેશી, દ્વિદેશી કે દરિયાપારનું ગુજરાતી સાહિત્ય એવો કોઈ શબ્દ પ્રચલિત થાય તે માટે પ્રખ્યાત સાહિત્યકારો સજાગ પ્રયત્ન કરીને મારા જેવાને સાથ આપે તેવી આશા છે.

આપ સૌએ કિંમતી સમય ફાળવી મને શાંતિથી સાંભળી તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને અહીં મને મારી કેફિયત રજૂ કરવાની તક આપવા બદલ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ યુ. કે.નો અને ખાસ તો વિપુલભાઈ કલ્યાણી અને પંચમભાઈ શુક્લનો વંદન સહિત આભાર. નમસ્તે!

e.mail : rekhasindhal@gmail.com

(યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 01 જૂન 2024ના યોજાયેલી ઝૂમ બેઠકમાં, ‘સ્મૃતિસંપદા : ખાસિયત અને કેફિયત’ નામે વિષય પર રેખાબહેને આપેલું વક્તવ્ય)

* * * * *

 

ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં એની સીમાઓ વિશાળ બની ગઈ છે.

– રૂપાલી બર્ક

નમસ્તે. આ અવસરનું સમાપન સોંપવા બદલ આપનો આભાર, વિપુલભાઈ. સૌ પ્રથમ, રેખાબહેન સિંધલ અને એમણે સંપાદિત કરેલા ખૂબ મહત્ત્વના સંપાદન ‘સ્મૃતિસંપદા : અમેરિકા નિવાસી ગુજરાતીઓની જીવનગાથા’માં સમાવિષ્ટ એમના સહિત પંદર લેખકોને આપણા સૌ વતી અઢળક અભિનંદન. નોંધવુ રહ્યું કે અહીં પુસ્તકને બહોળા પરિફેક્ષ્યમાં મૂકવાનો ઉપક્રમ છે, રિવ્યુ કરવાનો આશય નહોતો. આથી એમાં સમાવિષ્ટ જીવનકાથાઓનાં ગુણ-દોષની સમીક્ષા હાથ ધરી નથી.

આ સંપાદનનું વિશિષ્ટ મહત્ત્વ એટલા માટે છે કે અમેરિકામાં સ્થાયી થયેલી ગુજરાતી વ્યક્તિઓની testimonies છે. These are memoirs of first generation Gujarati immigrants who migrated to America in the 60s, 70s and the 80s. આ સંપાદન અંગે વિચાર કેમ આવ્યો એની વાત રેખાબહેન, પુસ્તકમાં એમના નિવેદનમાં, કરે છે. તેઓ લખે છે :

“અમેરિકાની સંસ્કૃતિ વિશે કે અહીં વસેલા ગુજરાતીઓ વિષે મેં અત્યાર સુધી ગુજરાતીમાં જે કાંઈ વાંચ્યું છે તેમાં વિગતો અપૂરતી લાગે. ગુજરાતમાં મિત્રો અને સગાંવહાલાંઓને પણ સમજાવવાનું મુશ્કેલ કે તેઓની માન્યતાઓ અનુભવના સત્યથી દૂર છે. હા એ હા કરવી ગમે નહીં અને વૅકેશનમાં આનંદ કરવા જઈએ ત્યારે અહીંના સંઘર્ષોની વાતો કરવાનું મન પણ ન થાય. થોડા સમય પછી એવી સ્થિતિ થઈ કે અમેરિકામાં કોઈ ભારતની ટીકા કરે તે ન ગમે અને ગુજરાતમાં રહી કોઈ અમેરિકાની ટીકા કરે તે પણ આકરી લાગે. આ કારણે મારા અનુભવો લખવાનો વિચાર ઘણા સમયથી હતો … અમેરિકામાં વસેલા ગુજરાતીઓની અનુભવકથાઓ ગ્રંથસ્થ કરવાનો વિચાર તો મનમાં હતો જ … પરદેશની ધરતી પર પાંગરતા વસાહતીઓની પહેલી પેઢીનો સંઘર્ષ ગ્રંથસ્થ કરી અલગ દૃષ્ટિકોણથી વિચારતા કરવાનો નમ્ર પ્રયાસ છે. ભારતથી આવેલા મુલાકાતીઓ અહીંના વસાહતીઓના જીવનને જે રીતે જુએ છે અને લખે છે તથા વિઝિટર વિઝા પર આવેલા પ્રવાસીઓના અનુભવો અને વસાહતીઓએ જાતે લખેલા સ્વાનુભાવોમાં ઘણો ફર્ક હોય તે સ્વાભાવિક છે. આત્મકથાના અંશોથી લખાયેલી આ જીવનકથાઓ હવે પછી આવનારી પેઢી માટે પ્રેરણાત્મક બની રહે એવી આશા છે.” (‘સ્મૃતિસંપદા’, પૃ. ૬-૭).

તમામ જીવનગાથાઓ અત્યંત રસપ્રદ રીતે અને વિગતે લખાયેલી છે. લેખકોએ એમના ગજા મુજબ ભારે જહેમત લીધી છે એ અનુભવાય છે. અમુક લેખોમાં આત્મચિંતન અને આત્મતપાસ પણ દર્શાવવામાં આવ્યાં છે. ઘણા લેખકોએ એમની સ્મૃતિ અને ઓળખને સુંદર રીતે contextualise and philosophise કરેલી છે જેના કારણે લેખોમાં ઊંડાણ પમાય છે. દેવિકાબહેન ધ્રુવ કહે છે એમ આ ‘સ્મરણકથાઓ’ છે. અથાગ પરિશ્રમ અને સાહસની કથાઓ છે. આ લેખો વાંચ્યા પછી આપણે લેખકોને સલામ અને વંદન કર્યા વિના રહી શક્તા નથી. અશ્કયને શક્ય બનાવવાનો એમનો જુસ્સો અને હિંમત આપણને પ્રેરણા પૂરી પાડે છે. These are tales and trails of blood, sweat and tears. આપણે ગુજરાતીમાં લોહી-પસીનો પાડ્યો એમ કહેતા હોઈએ છીએ. તમામ લેખકો અંગ્રેજીમાં કહે છે તેમ down memory lane જઇને એમની જીવન કિતાબને આપણી સાથે ખૂબ નિખાલસતા અને સહજતાથી શેર કરી છે. સિદ્ધિઓની વાત કરી છે, પરંતુ નિષ્ફળતાની એથી વધુ પ્રામાણિક્તાથી વાત કરી છે. Diasporic experiences firsthand વાંચવા મળે એનાથી વધુ લહાવો શું હોય શકે? મકરંદભાઈ મહેતા અને શિરિનબહેન મહેતાએ ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ પુસ્તક આપ્યું છે. એમણે ગુજરાતી ડાયસ્પોરા વિશે લખેલું છે. જેમ રેખાબહેને લખ્યું છે પ્રવાસીઓનાં અને વસાહતીઓનાં લખાણોમાં ફરક હોય છે. સ્મૃતિસંપદામાં first hand accounts છે, થોડી હળવાશ સાથે કહું તો straight from the horse’s mouth લખાણો છે. બે સંસ્કૃતિઓ વચ્ચેના આદાન-પ્રદાનની કથાઓ છે. એમાં ય સંસ્કૃતિઓના પાછા પેટા વિભાગો છે. Indian Culture હોય કે American Culture એમાં પણ વૈવિધ્ય છે જે આ પુસ્તકમાં વિદિત થાય છે.

રેખાબહેન ‘ડાયસ્પૉરા’ શબ્દ અંગે ઘણા મતભેદો તરફ ધ્યાન દોરે છે. આ શબ્દની ઉત્પતિ ભલે અલગ અર્થમાં થઈ હતી, આધુનિક સંદર્ભે જેમ Collins Dictionaryમાં નોંધેલું છે, “People who come from a particular nation , or whose ancestors came from it, but who now live in many parts of the world.” એટલે diaspora એક umbrella term છે જેની હેઠળ ઉજ્વળ ભવિષ્ય માટે પોતાનો દેશ છોડીને વિદેશ સ્થળાંતર કરેલા લોકોનો પણ સમાવેશ થાય છે, જેમ મધુસૂદન કાપડિયા એમના પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’માં નોંધે છે, “સાહસિક વસાહતી (immigrant) ગુજરાતીઓ પૃથ્વીના મહાસાગરોને જાણે સરોવર જેવડા બનાવી દીધા છે પણ હવે તો ડાયસ્પોરા શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે. ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં એની સીમાઓ વિશાળ બની ગઈ છે. ડાયસ્પોરા એટલે ‘યહૂદીઓની પરાણે હકાલપટ્ટી’ એવો પુરાણો અર્થ તો હવે ભૂંસાઈ જવાની રાહમાં છે. માત્ર યહૂદીઓ જ નહીં, અન્ય પ્રજાઓનાં પણ ધર્મ, ભાષા, સંસ્કૃતિ, જાતિ કે એવાં કોઈ કારણ કે બહાના હેઠળ થયેલાં સ્થળાંતર એવો સીમિત અર્થ પણ આજકાલ રહ્યો નથી.” (૮-૯) એટલે કે diaspora શબ્દનો અર્થ expand થયો છે, evolve થયો છે. અંગ્રેજીમાં Diaspora Studiesમાં diaspora માટે હવે expatriate અને transnational શબ્દો વપરાય છે. પણ diaspora પ્રસ્થાપિત અને પરિચિત હોવાને કારણે એનું ચલણ વધુ છે.

દલિત સાહિત્યને મુલવવા માટે સંસ્કૃત સૌંદર્યશાસ્ત્ર માફક ના આવતા જેમ મરાઠી દલિત વિદ્વાન શરણકુમાર લિંબાલેએ Towards an Aesthetic of Dalit Literature : History, Controversies and Considerations લખ્યું અથવા જેમ શ્વેત નારીવાદમાં અશ્વેત નારીઓના સંઘર્ષોની બાદબાકી થયાના કારણે આફ્રિકન-અમેરિકન લેખિકા Alice Walkerએ અશ્વેત નારીવાદની વિભાવના Womanism સમજાવવા In Search of Our Mother’s Garden લખ્યું એમ રેખાબહેનનું સૂચન કે “ડાયસ્પોરા કહેવાતા આ દ્વિદેશી (જેને અંગ્રેજીમાં transnational કહે છે) સાહિત્યનો પ્રસાર વધે તે પહેલાં એની વિભાવના વધુ સ્પષ્ટ થાય અને એક આગવી ઓળખ વિદેશી ગુજરાતી લેખકોની કૃતિઓને મળે તેવી શુભકામના છે” એ દિશામાં આગળ કામ કરવાનો અવકાશ છે. કદાચ જ આ જ બધાં લેખકો મળીને અથવા એમાનાં અમુક આ વિષય પર લેખ કરી શકે અથવા બાબુભાઈ સુથાર આવી આગવી થિયરી અને એના થકી આગવું શબ્દ ભંડોળ ઉપલ્બધ કરી આપવા સક્ષમ છે. તેઓ આ બીડું ઝડપી શકે છે.

મધુસૂદન કાપડિયા એમના પુસ્તકની પ્રસ્તાવનામાં ડાયસપૉરિક લેખો-સાહિત્યકારો સંદર્ભે નોંધે છે :

“ભારતીયો / ગુજરાતીઓએ સ્વેચ્છાએ ‘દેશવટો’ લીધો છે. મોટા ભાગનાં ગુજરાતીઓ તો અંગત ઉત્કર્ષ માટે આવ્યાં છે. વર્ષો વીતતાં જાય છે તેમ વતનથી મૂળિયાં ઊખડતાં જાય છે. આ સ્થિતિમાં ઘરઝુરાપાની થોડીક સારી કૃતિઓ અવશ્ય મળી છે. પણ બસ, ડાયસ્પોરા એટલે માત્ર ઘરઝુરાપો, વતન-જન્મસ્થળ-માતૃભૂમિ માટેનો નોસ્ટેલ્જિયા? માત્ર વ્યતીતરાગ કહેતાં સમય માટેનો નોસ્ટેલ્જિયા? એમ જ હોય તો પછી અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં? સમન્વય ક્યાં? નવવસાહતીઓના પારાવાર સંઘર્ષોની વેદના અને ગૌરવ-ગાથા ક્યાં? અમેરિકાવાસી કેટલાંક ગુજરાતી સર્જકોની કૃતિઓ વસાહતીઓના સાંકડા વર્તુળમાં ફર્યા કરે છે. એમાં અમેરિકાની સંસ્કૃતિ, કળા, વિજ્ઞાન, જીવનશૈલીનો અંશ સુધ્ધાં આલેખાયો નથી. અમેરિકન પ્રજાનાં સાહસ, વ્યક્તિસ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, વ્યાપક અને મોકળાશભર્યાં જીવન-અભિગમ અને રસવૃત્તિ, જીવનનાં અનેક ક્ષેત્રોમાં, સવિશેષે વિજ્ઞાન અને ટેકનૉલોજીમાં પદાર્પણ અને સિદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ અને ભોગવિલાસ, આર્થિક ક્ષેત્રે ઉત્થાન અને પતન, રાજકીય ક્ષેત્રે લોકશાહીની સફળતા અને મર્યાદા, સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નીવડેલા અમેરિકન સંગીતના અનેક પ્રકારો, વસાહતીઓ માટેનું અજોડ ઔદાર્ય — આ સઘળાંનું સ્વાનુભૂત નિરૂપણ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની રચનાઓમાં થવું બાકી છે. અરે ખુદ ભારતીયોએ અમેરિકામાં અનેક ક્ષેત્રે મેળવેલી સફળતાઓ અને સિદ્ધિઓની વાત પણ ક્યાં થઈ છે?” (૯)

મધુસૂદનભાઈએ સાહિત્યના સંદર્ભમાં બતાવેલી ઉણપો આ લેખોમાં લગભગ પૂર્ણતહ આવરી લેવામાં આવી છે. મધુસૂદનભાઈ હયાત હોત તો ખૂબ રાજી થાત. It is in this sense that this compilation has filled a huge gap. પણ બની શકે કે અમેરિકાવાસી ગુજરાતી સર્જકોના સાહિત્યમાં આ બધાં પાસાં ઉજાગર થવાનાં બાકી હોય. સાહિત્યમાં વાસ્તવનું પ્રતિબિંબ વર્જ્ય છે? સાહિત્ય અને વાસ્તવને તાલમેલ ના હોય શકે?

યુનિવર્સિટીઓના અંગ્રેજી વિભાગોમાં Diaspora Studiesમાં acculturation, assimilation અને integration, memory, individual and collective past, identity, physical, social and mental borders, double consciousness, subjectivity, gender, race and class experiences, multicuturalism, cosmopolitansim, globalisation, multiculturalism, અને melting pot, salad bowl જેવાં food metaphors વગેરે અનેકો મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવે છે અને એમ.ફિલ. કે પીએચ.ડી. માટે ઉપયોગ થાય છે, અલબત્ત, એને Diaspora Literature, Culture Studies, ક્યારેક સમાજશાસ્ત્રના સંદર્ભે થતું હોય છે. આ પુસ્તક જેને non-ficiton categoryમાં મૂકી શકાય એની પર ગુજરાતી વિભાગમાં એમ.ફિલ. કે પીએચ.ડી કરી શકાય અથવા સમાજવિદ્યા વિભાગમાં પણ સંશોધન માટે ઉપયોગમાં લઈ શકાય. મધુસૂદનભાઈનું પુસ્તક અને આરાધનાબહેન ભટ્ટનું દેશાંતરિત નારીઓ સાથેના સંવાદોનું પુસ્તક ‘પ્રવાસિની’ એમ મળીને પર્યાપ્ત સામગ્રી હાજર છે. ઉપર યાદીમાં દર્શાવેલા Diasporaના discourse કે theoryમાં વપરાતા મુદ્દાઓ ‘સ્મૃતિસંપદા’માં આલેખાયેલા narrativesમાં વ્યવ્હારિક ધોરણે ખૂબ જ અસરકારક રીતે ઉજાગર થાય છે. અહીં ફાધર વાલેસના પુસ્તક Two Countries, One Life : Encounter of Culturesનું પ્રકરણ ‘A Word to America’ યાદ કરવા જેવું છે. વધુમાં, અંગ્રેજીમાં અભ્યાસ-સંશોધન માટે, અંગ્રેજી વાચકો માટે, અને ખાસ તો અમેરિકાની નવી પેઢીઓ વાંચી શકે એ માટે આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ થવો જોઈએ, જેથી એનો વ્યાપક લાભ મળે.

‘સ્મૃતિસંપદા’ multidisciplinary પુસ્તક છે. એમાં અનેક વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કરેલી વ્યક્તિઓના વતન છોડીને વિદેશમાં સ્થાયી થવાના સંઘર્ષ, પીડા, સફળતા, નિષ્ફળતાનો ચિતાર છે, નવા દેશમાં જીવનના ઉતાર-ચઢાવનો આલેખ છે. મોટા ભાગના લેખકો સાહિત્યકાર પણ છે, પ્રીતિબહેન સેનગુપ્તાનું કલા-પ્રવાસ ક્ષેત્ર, નટવરભાઈ ગાંધીનું નાણાં ક્ષેત્ર, ડૉ. જયંત મહેતાનું આરોગ્ય ક્ષેત્ર ચિવટ અને પ્રતિબદ્ધ શૈલીમાં, ડૉ. કમલેશ લુલ્લાનું અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર, દેવિકાબહેન ધ્રુવનું બેંકીંગ ક્ષેત્ર, બાબુભાઈ સુથારનું ભાષાશાસ્ત્ર ક્ષેત્ર, ડૉ. દિનેશ શાહનું કેમીસ્ટ્રીનું ક્ષેત્ર, અશોકભાઈ વિદ્ધાંસનું મિકેનિકલ અને માર્કેટીંગ એન્જિનિયરીંગનું ક્ષેત્ર, સરયુબહેન પરીખનું સંગીત, રિયલ એસ્ટેટ, મેડિકલ ટેકનોલોજી ક્ષેત્ર, રેખાબહેન સિંધલનું મેડિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરી, ગણિત શિક્ષણ ક્ષેત્ર, ડૉ. ઇન્દુ શાહનું તબીબી ક્ષેત્ર, મનસુખભાઈ વાઘેલાનું મિકેનિકલ એન્જીન્યરીંગ, સપનાહેન વિજાપુરાનું સેલ્સ, બેંકીંગ ક્ષેત્ર, જગદીશભાઈ પટેલનું ન્યુક્લિયર એન્જિનિયરીંગ ક્ષેત્ર, અને અરવિંદભાઈ થેકડીનું એન્જિનિયરીંગ, ક્મબશન, એનર્જી ક્ષેત્ર. તે સિવાય give back to societyના અંદાજમાં દરેકના અન્ય સેવાકાર્યો તો ખરા જ સ્વદેશમાં અને અમેરિકામાં પોતાના સમાજના, બહોળા ગુજરાતી સમાજના, જાહેર જીવનના વિવિધ ક્ષેત્રમાં.

દરેક કથામાં અમેરિકાની એટલી જ સ્વદેશની પણ ઝીણી ઝીણી વિગતો છે. મોટા ભાગના લેખકોની જીવન સફર ગામડાંમાંથી શરૂ થાય છે. ગરીબી, સામાજિક રૂઢિચુસ્તતા, વ્યક્તિગત અને કૌટુંબિક કટોકટીઓ અને કરુણતાઓ, વગેરેની આડશોને પાર કર્યાના વર્ણનો હચમચાવી નાખનાર છે. બધાં જ લેખકોએ સ્વદેશમાં પોતાના વતનના અનેક ગામ-શહેર અને વિદેશના અનેક ગામ-શહેરની ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, નાગરિક જીવનની ખૂબ મહત્ત્વની વિગતો આપી છે. પોતાના lifetimeના સ્થળ-કાળનું દસ્તાવેજીકરણ કરેલું છે. ભારતના, અમેરિકાના તથા વિશ્વભરના વિવિધ સ્થળોના પ્રવાસોથી પોતાના મન, વ્યક્તિત્વની ક્ષિતિજોનું થયેલું વિસ્તરણ આ લેખો દર્શાવે છે. આથી આ પુસ્તકની archival value છે. સ્વદેશ અને વિદેશનાં સારાં-નરસાં પાસાંઓનું પ્રામાણિક આલેખન બિરદાવવા લાયક છે. આથી રેખાબહેનનો પુસ્તક તૈયાર કરવાનો આશય સિદ્ધ થાય છે. પ્રસંશનીય બાબત એ છે કે અપ્રિય થવાના જોખમે આમ કરેલું છે. પોતે સ્વદેશમાં હતા ત્યારની ગેરમાન્યતાઓ કે પૂર્વગ્રહો ખોટા સાબિત થયાની પણ ખુલ્લા મને કબૂલાત કરેલી છે. ઘટનાઓનું વર્ણન દર્શાવે છે કે generalisation કરવું ખોટું છે. કોઈ બે વ્યક્તિ કે સંજોગ એકસરખા હોતા નથી. દેવીકાબહેન ડૉ. લુલ્લાનું વૃત્તાંત તૈયાર કરે અને નવનીત શાહ અરવિંદભાઈના અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ કરી આપે. આ પુસ્તક collaborative effortનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

અંતમાં પુસ્તક માટે પસંદ કરેલા યોગ્ય epigraphsનો* ઉલ્લેખ કરતા કહેવું છે કે સદીઓથી વિશ્વના અન્ય દેશોના લોકોની માફક ભારતીયો પણ American Dream સેવતા આવ્યા છે. આ પુસ્તકના લેખોમાં પણ એ બાબત સ્પષ્ટ થાય છે. સ્વદેશમાં જે શક્ય નહોતું તે અમેરિકામાં શક્ય બન્યું. ૬૦ના દાયકાથી આજે ૨૧મી સદીના ૨૦૨૪માં પણ આ જ પરિસ્થિતિ છે. ૧૬૨૦માં ટી.એસ. એલિયટના પૂર્વજો સહિત pilgrim fathers ઇંગ્લૅન્ડના પ્લીમથથી Mayflower વહાણમાં તે વખતે New World કહેવાતું જે પાછળથી અમેરિકા કહેવાયું એને “new promised land” માનતા હતા, તેનું આકર્ષણ આજે પણ એટલું જ છે એ કેટલી અજાયબ હકીકત છે. સ્વદેશના વતનને છોડ્યા બાદ લેખકોએ પૂરા મન-હૃદયથી અમેરિકાને પણ વતન તરીકે અપનાવ્યું છે એ હૂંફ એમના થકી આપણને અનુભવાય છે. સીમાઓ આપણને જુદા પાડે છે અને જોડે પણ છે. આપણે ગુજરાતમાં હોઈએ કે અમેરિકાના કોઈ રાજ્યમાં, કે વિશ્વના અન્ય કોઈ પણ ભાગમાં વસતા હોઈએ છીએ, તો આપણે બધાં આપણા પૃથ્વી ગ્રહના નિવાસી.

સમગ્ર વિશ્વને વંદન કરી વિરમું છું.

*No matter who you are or what you look like how you started off, or how and who you love, America is a place where you can write your own destiny.
— President Barak Obama

I received a letter just before I left office from a man. I don’t know why he chose to write it, but I’m glad he did. He wrote that you can go to live in France, but you can’t become a Frenchman. You can go to live in Germany or Italy, but you can’t become a German, an Italian. He went through Turkey, Greece, Japan and other countries. But he said anyone from any corner of the world, Can come to live in the United States and become an American.
— President Ronald Reagan

e.mail : rupaleeburke@yahoo.co.in

(‘સ્મૃતિસંપદા’ – ખાસિયત અને કેફિયત’ વિષય પર શનિવાર, 01 જૂન, 2024ના રોજ યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી – હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ આયોજીત પુસ્તકનાં સંપાદક રેખાબહેન સિંધલ જોડે જાહેર સંવાદ ટાણે આપેલું સમાપન વક્તવ્ય)

* * * * *

 

વીડિયો: