‘જીવનની આ મીણબત્તી બન્ને છેડે,
વાટ બધી સળગી ગઈ છે પણ મીણ હજુ રહ્યું છે’
• કૃષ્ણકાંત બૂચ
‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો પાંચમો સન્માન સમારંભ 18 નવેમ્બર 2017ના દિવસે વેમ્બલીસ્થિત માન્ધાતા હોલમાં યોજાઈ ગયો. ઠંડી અને વરસાદની પરવા કર્યા વગર રસિકજનો, કવિઓ, લેખકો પંચમ રત્નાવલીના છેલ્લા જાણીતા મણકારરૂપ જગદીશભાઈ દવે સાથે જ્ઞાનગોષ્ટિ કરવા ઉમટી પડેલા. ટીમ અકાદમીએ કરેલી તૈયારી દેખાતી હતી. ઠીક બે વાગ્યે બહારની અમીવર્ષાનાં વાતાવરણ વચ્ચે હોલની અંદરનો કાર્યક્રમ શરુ થયો.
અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ કાર્યક્રમની રૂપરેખા આપી. એમની આગવી શૈલીમાં સમુદાયને સમયના વહેણમાં, યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતમાં 1929ના વરસની કલ્પના કરાવી,.બન્ને સ્થળે કપરી પરિસ્થિતિ હતી. ઇતિહાસને પાને ત્યારે હિન્દુસ્તાનમાં કાર્ય કરતા લોકો અને તે વેળાના વાતાવરણની કલ્પના કરી શકો? આ જ વર્ષે જગદીશભઈનો જન્મ થયો હતો.
વિપુલભાઈએ કાર્યક્રમ શા માટેની સમાજ આપી. 41 વર્ષ સુધી જે સાથીદારોએ અકાદમીને ઝળહળતી રાખી, તેમના સહકારની નોંધ લીધી, જે બતાવે છે, કે તેઓ ‘બોટમઅપ’ની લીડરશિપમાં માને છે. અને તેનો રિસ્પોન્સ સાથીદારોના મુખાર્વિંદપર જાહેર હતો. જે રીતે પહેલા શિક્ષકો અને પત્રકારોનું બહુમાન થયેલું તે જ રીતે ગુજરાતી ભાષાને જીવતી રાખનાર લેખકો, કવિઓ અને સમિતિના સભ્યોનું બહુમાન શા માટે નહિ ?
ધવલ વ્યાસે, અકાદમી વતી, પુષ્પગુચ્છથી જગદીશભાઈ દવેનું જન્મદિવસે અભિવાદન કર્યું. વળી, કાંતાબહેન પટેલે ય જગદીશભાઈને પોંખ્યા. આવેલા અનેક સંદેશાઓ વંચાયા.
માંધતા સમાજના અગ્રણી કાર્યકર તારાબહેન જે. પટેલને હસ્તે પ્રથમ પદક જગદીશભાઈને અર્પણ કરાયું. અને પછી જગદીશભાઈને હાથે હાજર શેષ કવિ-લેખકોને પદક વિતરણ કરાયા. અિશ્વનકુમાર કોટેચા, આશાબહેન બૂચ, ઇબ્રાહિમભાઈ રાઠોડ ‘ખય્યામ’, કલ્પનાબહેન પાઠક, કાંતાબહેન પટેલ, કિરણ પુરોહિત, કુસુમબહેન પોપટ, ગુણવંત વૈદ્ય, ઘનશ્યામભાઈ પટેલ, ચંપાબહેન પટેલ, ’જિગર’ નબીપુરી, ધવલ વ્યાસ, નિરંજનાબહેન દેસાઈ, પંચમ શુક્લ, પ્રફુલ્લ અમીન, ભદ્રાબહેન વડગામા, મનસુખભાઈ શાહ, મોહનભાઈ કાછિયા, મોઈનુદ્દીન મણિયાર, રમણભાઈ ડી. પટેલ, વલ્લભભાઈ નાંઢા, વિજ્યાબહેન ભંડેરી, વ્યોમેશ જોશી, વિપુલભાઈ કલ્યાણી, સુષમાબહેન સંઘવીનો સમાવેશ હતો. જે હાજર નહોતા તેની ય નોંધ પણ કરવામાં આવી.
વિપુલભાઈએ જણાવ્યું કે જગદીશભાઈનો પ્રથમ પરિચય 1984માં થયો. એ કવિ-સંમેલનમાં પ્રફુલ્લભાઈ દવે ય સાથે આવેલા. મળ્યા, અને પછી, ગોપાળ મેઘાણી અને શિવકુમાર જોશી જોડે ઘેર પણ પધાર્યા હતા. તે સંસર્ગ આજસુધી ઉજળો રહ્યો છે. યુનાઇટેડ કિંગ્ડમમાં ગુજરાતી ભાષાશિક્ષણ સારુ પોપટલાલ જરીવાળાની આગેવાનીમાં અભ્યાસક્રમ તૈયાર કરાયો. તેને આધારે પાઠ્યપુસ્તકો તૈયાર થયાં. આશરે પાંચસોએક શિક્ષકોને તાલીમ અપાઈ, અને જુદા જુદા સેન્ટરમાં એક તબક્કે 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી. તે સઘળી ઉત્તરપોથી સચવાયેલી છે, જો કોઈને રખેને રિસર્ચ કરવી હોય તો! આ કાર્ય 18 વર્ષ ચાલ્યું .
પછી અન્ય વક્તાઓએ જગદીશભાઈનો પરિચય વ્યક્તિગત અનુભવ પ્રમાણે આપ્યો.
વિજયાબહેન ભંડેરીએ કહ્યું કે તેમને જગદીશભાઈનો પ્રથમ પરિચય 1984માં થયેલો. પોપટભાઈની એકસૂત્રતાએ અને નિષ્ઠાપૂર્વક ચાલતાં કામને વેગ મળેલો. જગદીશભાઈના અમૂલ્ય ફાળાથી અને ‘દીદ એન્ટરપ્રાઇઝીઝ’ તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ના સહકારથી અકાદમીનાં પુસ્તકો પ્રગટ થયાં, 500 શિક્ષકોની ટ્રેનિંગ અપાઈ, અને મુખ્ય શૈક્ષણિક પદ્ધતિના નવપગરણ આગળ વધ્યાં. તેમના ચહેરા પર તેમના વ્યક્તિગત ફાયદાની ઝાંખી થતી હતી.
બીજું વક્તવ્ય પ્રફુલભાઈ અમીને આપ્યું. જેમણે ગુજરાતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું ટ્રસ્ટ સ્થાપિત કર્યું છે. તેમને એક વાત યાદ આવી કે ગાંધીજી પાસે એક યુવાન ઑટોગ્રાફ લેવા આવેલ, ગાંધીજી કહે પાંચ રૂપિયા આપ તો આપું ! જુવાન કહે હું તો વિદ્યાર્થી છું, પૈસા તો મારી પાસે નથી, તો ગાંધીજીએ વચન માંગ્યુ કે તું જે ભણે તે ભણાવીશ? તે વ્યકતિ તે જગદીશભાઈ ! આમ તેને બાપુના આશીર્વાદ મળેલા. તેમને થયું કે પોતે શિક્ષણકાર્ય નથી કર્યુ તેથી કંઈક ખોટું થાય છે, તેમને પદક દેવામાં! તેમણે હરિવંશરાય બચ્ચનને યાદ કર્યાં
‘દોસ્ત સાથ હો તો રોનેમેં ભી શાન હૈ, દોસ્ત ના હો તો મહેફિલ ભી સ્મશાન હૈ
સારા ખેલ દોસ્તીકા હૈ યે મેરે દોસ્ત, વરના જનાજા ઓર બારાત એક સમાન હૈ ‘
ત્રીજું વ્યક્તવ્ય ભાનુભાઈ પંડ્યાનું હતું. આજે જગદીશભાઈનો જન્મ દિવસ છે. હું બોલી શકું છું, પણ લખી શકતો નથી. વિપુલભાઈનો આભાર માનતા કહ્યું કે આ પ્રવૃત્તિએ મને ઘણું શીખવ્યું, આનંદ આપ્યો. કવિ મિલન, શિક્ષણ શિબિરો, અને લેખકોના પરિચયમાં આવવાથી મને ઘણો ફાયદો થયો છે. જગદીશભાઈ અમારા પાડોશી. દરરોજ 7 વાગ્યે પાર્કમાં ફરવા જઈએ અને સાહિત્ય, સ્વાસ્થ્ય, યોગ, નાટક,સંસ્કૃિત વિષે ય વાતો થાય.
માન્ધાતા સમાજનાં એક અગ્રગણ્ય આગેવાન ચંદ્રકળાબહેને સાહિત્યિક, અલંકારિક ભાષામાં પરિચય આપતાં કહ્યું કે જગદીશભાઈ વિષે હું શું કહી શકું ? એટલું જરૂર કહી શકાય કે તેઓ શબ્દ સમ્રાટ છે, સંસ્કાર અને સંસ્કૃિતના પ ધ, ની સા છે, સરસ્વતીનું દર્શન કરાવે છે, ગિરા ગુર્જરી ગુરુવર્ય છે, સુજલામ સુફલામનો સંદેશ છે, કરોતિ મંગલમ્ અતિ મંગલમ્.
તે પછી ચંદ્રકળાબહેન તેમ જ અકાદમીનાં ઉપપ્રમુખ ભદ્રાબહેન વડગામાએ જગદીશભાઈને શાલ ઓઢાડી. અને પ્રફુલ્લભાઈ અમીન તેમ જ ‘જિગર’ નબીપુરીએ સૌ વતી સન્માન પદક અર્પણ કર્યું.
પ્રતિસાદરૂપે જગદીશભાઈએ તે બાદ પ્રતિભાવ આપ્યો. તેમણે અકાદમીનો આભાર માનતા જણાવ્યું કે ઉપરના જગદીશની આ સઘળી કૃપા છે, અને આ જગદીશે કોઈ દિવસ હાથ લંબાવ્યો નથી. પંચમહાભૂતના સન્માન સમારંભનો હું છેલો ભૂત ! 2017ના વરસનો છેલો મણકો તમે જન્મદિવસ આસપાસ આયોજન કરો છો તેમ લાગે છે.
પ્રથમ એક વિનંતી છે કે સહુ જતાં પહેલાં દરવાજા પાસે ટેબલ છે, ત્યાં રોકાશો અને યથા શક્તિ યોગદાન આપજો, મારું ચેરિટી વર્ક છે. વ્યક્તિ સમાજનો આધાર છે. ફ્રેઈન્ડ ઓફ THE મુર્ફિઇલ્ડ હોસ્પિટલ માટે કંઈક કરી છૂટીએ, આ કામ 50 વર્ષથી થાય છે. ત્યાં 1 કલાક પણ વોલંટીરીંગ થાય તો ઉત્તમ. આ મારા 89માં જન્મ દિવસની ઉજવણી છે.
કવિ, લેખકો અને સાહિત્યકાર વચ્ચે મારું સન્માન! એક ઘા ને ત્રણ લટકા! આ હાલમાં 50 % કાર્યક્રમો થયા છે. ભાષાઓના પડઘા પડે છે. ચન્દ્રકળાબહેન, આ મારું બીજું ઘર છે, માંધાતા સ્કૂલ, ગીતા પ્રવચનો 32 વર્ષ થયા 32 લક્ષણા કહી શકાય. ગાંધીજી કહેતા બધાને મિત્ર ગણીએ, આજ જીવન છે. ભાષા સાહિત્ય એક વિશાળ સમુદ્ર માનીને કાર્ય કરીએ છીએ.
1984-86નો સમય યાદ કરું તો, પુસ્તક પ્રકાશન, રમણભાઈ સારથિ હતા બ્રિટનમાં બધે પુસ્તકો પહોંચે તેનો ખ્યાલ થતો. બધાની મદદ વગર પરીક્ષા, પાઠ્યપુસ્તક, પ્રકાશન, શિક્ષક શિબિર પરીક્ષા વગેરે શક્ય નથી. બધાના સંદેશ માટે આભાર.
એક કાવ્યની પંક્તિ પછી મારું વ્યક્તવ્ય પૂરું કરીશ :
જીવનની આ મીણબત્તી બન્ને છેડે,
વાટ બધી સળગી ગઈ છે પણ મીણ હજુ રહ્યું છે
સમાપનમાં વિપુલભાઈએ નોધ કરી કે આ માંધાતા હોલનો ઉપયોગ 1984થી આપણે કરીએ છીએ. જ્યાં 15 દિવસે મિત્રો ભેગા થાય છે, પ્રવૃત્તિ કરે છે ને જાતે રસોઈ કરી સહભોજન કરે છે, આનંદ માણે છે. આજે તેનો લાભ સહુને મળવાનો છે. તારાબહેન પટેલ અને ગોવિંદભાઈ પટેલની દેખરેખ નીચે છે વ્યવસ્થિત કામ થયું છે, તે આપણે દરેક અનુભવવામાં છીએ. આ ચાળીસીના અવસરનો છેલ્લો કાર્યક્રમ 2018 માં થશે, જે કવિતા, નિબંધ, પત્રકારત્વ અને સાહિત્ય વિશેની સેમિનાર હશે.
અંતમાં, અકાદમીના મહામંત્રી પંચમ શુક્લે આભારવિધિ કરી, અને પછી બધાંનું મિલન થયું અને સૌએ પ્રીતિભોજનની મોજ માણી.
21 નવેમ્બર 2017
e.mail : 71abuch@gmail.com
* * *
ગુજરાતી ભાષાશિક્ષણની દીવાદાંડી જગદીશ દવે
• વિજ્યાબહેન ભંડેરી
ભાષાશાસ્ત્રી જગદીશભાઈ દવે ! − આ નામથી, ભલા, બ્રિટનમાં કયાં ગુજરાતી શિક્ષક અજાણ હશે !
તેમનો પરિચય મને, હું જ્યારે અકાદમીની પરીક્ષાઓલક્ષી ચર્ચા કરવા માટે રાખવામાં આવેલી એક બેઠકમાં, જગદીશભાઈને પ્રથમ વાર મળી, ત્યારે થયો હતો.
જગદીશભાઈની ભાષાશૈલીથી પ્રભાવિત થઈને તેમ જ, ૧૯૮૬માં યાજાયેલી અકાદમીની વાર્ષિક સામાન્ય સભામાં, વિપુલભાઈનો વાર્ષિક અહેવાલ સાંભળ્યા બાદ, હું અકાદમીની આજીવન સભ્ય બનવા આકર્ષાઈ હતી. સમય જતાં, અકાદમીની સમિતિ સભ્ય બની, અને આજ રોજ સુધી મારી ક્ષમતા અનુસાર સેવા આપવા પ્રયત્ન કરતી રહી છું.
બ્રિટનમાં તેમ જ વિશ્વના અન્ય દેશોમાં, ગુજરાતી ભાષા શિક્ષણ ક્ષેત્રે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ, જગદીશભાઈના મહાપુરુષાર્થનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.
બ્રિટનનાં બીન ગુજરાતી પાશ્ચાત્ય વાતાવરણમાં ઉછરતાં, ગુજરાતી ભાષા અને સાહિત્યથી અપરિચિત રહેતાં આપણાં ગુજરાતી બાળકો તેમ જ, આ બાળકોને ભાષા શીખવતાં શિક્ષકોને કેન્દ્રસ્થાને રાખીને, આશરે ૧૯૮૩માં, અકાદમીને પરીક્ષાઓની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી.
ત્યારબાદ, દિવંગત પોપટભાઈ જરીવાળાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ, ૧૯૮૪માં અકાદમીના અભ્યાસક્રમની રચના કરવામાં આવી. આ અભ્યાસક્રમ આધારે, બ્રિટનના માહોલને ધ્યાનમાં રાખીને, ગુજરાતી ભાષા શિક્ષણમાં એકસૂત્રતા સ્થાપવા, પોપટભાઇની આગેવાની હેઠળ, જગદીશભાઈએ પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી સંભાળી.
૧૯૮૬માં, ચાર ધોરણે પાઠ્ય-પુસ્તકો(અક્ષરમાળા, ગુજરાતી ભાષા પ્રવેશ – ૧, ગુજરાતી ભાષા પ્રવેશ – ૨, ગુજરાતી ભાષા પ્રવેશ – ૩, ગુજરાતી ભાષા પ્રવેશ – ૪, તથા સેતુ)ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું. ત્યારબાદ, પુસ્તકોની માંગ વધતાં બીજી બે આવૃત્તિ પણ પ્રકાશિત કરવામાં આવી. આ પાઠ્ય-પુસ્તકોનો, બ્રિટનમાં ગુજરાતી શીખવતી કેટલી ય ગુજરાતી ભણાવતી શાળાઓ વર્ષોથી ઉપયોગ કરે છે. પાઠ્ય-પુસ્તકોનાં પ્રકાશનમાં, Bidd Enterpriseના ભીખુભાઈ શાહ અને સ્વર્ગીય શાંતિભાઈ શાહ તેમ જ, ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ જ સાથ અને સહકાર કેટલાં ય વર્ષો સુધી મળતો રહ્યો. અફસોસ સાથે કહેવું પડે છે કે હવે, આ પાઠ્ય-પુસ્તકો ઉપલબ્ધ નથી. તેથી તેની ખોટ ઘણી ગુજરાતી શાળાઓ અનુભવી રહી છે.
પાઠ્ય-પુસ્તકોની સાથે સાથે અકાદમી આયોજિત પરીક્ષાઓ ક્ષેત્રે પણ, જગદીશભાઈનું પ્રદાન અમૂલ્ય રહ્યું હતું. અકાદમીને પરીક્ષાની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી, તેથી તે માટે પરીક્ષા-તંત્રની રચના કરવામાં આવી, જેના મહામાત્ર તરીકે જગદીશભાઈની નિમણુંક કરવામાં આવી હતી. આ હોદો તેમણે નિષ્ઠાપૂર્વક વર્ષો સુધી સંભાળ્યો હતો. પરીક્ષાતંત્રના મહામાત્ર તરીકે, મુખ્ય પરીક્ષકોને પ્રશ્નપત્રો તૈયાર કરવામાં, જગદીશભાઈ હંમેશાં યોગ્ય માર્ગદર્શન આપતા.
મહામાત્ર તરીકે પરીક્ષા તંત્રના વહીવટ સાથેસાથે, જગદીશભાઈએ લાંબા સમય સુધી અકાદમીની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. તે ઉપરાંત, અકાદમી આયોજિત શરૂઆતનાં ભાષા‑સાહિત્ય પરિષદોનાં સફળ અયોજન, તૈયારી, ગોઠવણી વગેરેમાં જગદીશભાઈએ સક્રિયપણે સામેલ થઈ સહાયતા કરી હતી.
અકાદમી આયોજિત પરીક્ષાઓની તૈયારીઓ માટે જગદીશભાઈના અધ્યક્ષપદે, અવારનવાર પરીક્ષા તંત્રની બેઠકો યોજાતી, અને તેમના અને પોપટભાઇના માર્ગદર્શન અનુસાર પરીક્ષાઓનું સફળ રીતે અયોજન કરવામાં આવતું. ૧૯૮૯માં પાઠ્ય-પુસ્તકો અને અભ્યાસક્રમ આધારે, પ્રથમ વાર પ્રારંભિક પ્રવેશ, પરિચય, આસ્વાદ અને વિશારદ, એમ પાંચ સ્તરે પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો.
ભાષાનાં બોલાતાં અને લખાતાં સ્વરૂપોને કેન્દ્રસથાને રાખીને, તેનાં સાહિત્યિક અને સાંસ્કૃિતક પાસાંઓને યોગ્ય રીતે રજૂ થઈ શકે તેને લક્ષ્યમાં રાખીને, પરીક્ષાઓની ગોઠવણ વિચારાઈ હતી. ગણ્યાં-ગાંઠ્યાં સાધનો હોવા છતાં, અકાદમી અયોજિત વાર્ષિક પરીક્ષાઓ પધ્ધતિસર અને વ્યવસ્થિત રીતે, સફળતાપૂર્વક બ્રિટનમાં અને પરદેશમાં સતત લેવાતી રહી. બદલાતા માહોલ, પરીક્ષાર્થીઓની ઘટતી જતી સંખ્યા, તેમ જ અન્ય કારણોસર છેવટે ૨૦૦૨માં અકાદમીને પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય નાછૂટકે લેવો પડયો. ગૌરવ સાથે એટલું અવશ્ય કહીશ કે, અકાદમી અયોજિત પાંચ સ્તરે લેવાતી પરીક્ષાઓનું ધોરણ, હંમેશાં ખૂબ જ ઉચ્ચું રહ્યું હતું.
પરીક્ષાઓના આરંભથી જ, ગુજરાતી શીખવતાં શિક્ષકો તેમ જ, પરીક્ષકોને તૈયાર કરવા માટે શિક્ષક તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવતું, જેમાં
• ગુજરાતી ભાષા અસરકારક કેવી રીતે શીખવી શકાય,
• વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ
• વિદ્યાર્થીઓને ચાર ક્ષમતાઓના વિકાસ માટે અવનવી વર્ગ પ્રવૃતિઓ
• વિદ્યાર્થીઓને રસ પડે અને પ્રગતિ કરી શકે તે પ્રમાણે પાઠ આયોજન
વગેરે, જગદીશભાઈ માહિતીસભર અને રસપ્રદ રીતે સમજાવી તાલીમ આપતા.
આ શિબિરો લંડન ઉપરાંત Brighton, Birmingham, Leicester, Bedford, Luton, Manchester, વગેરે શહેરોમાં યોજવામાં આવી હતી.
અવારનવાર પોપટભાઈ વ્યાકરણ વિશે તાલીમ આપતા, તો વળી, વિપુલભાઈ ગુજરાતના ઇતિહાસ વિશે માહિતગાર કરતા. પોપટભાઈના સ્વર્ગવાસ બાદ, સ્વર્ગીય કુસુમબહેન વિ. શાહનો પણ ફાળો અમૂલ્ય રહ્યો હતો.
અહીં બ્રિટનમાં, અકાદમીના નેજા હેઠળ આયોજિત ગુજરાતી ભાષા શિક્ષણ શિબિરો દ્વારા, આશરે ૫૦૦ ગુજરાતી શિક્ષકોને, જગદીશભાઈએ ભાષાશિક્ષણલક્ષી તાલીમ આપી હતી. તેથી તેઓ અમારાં જેવાં શિક્ષકોના ગુરુ અવશ્ય કહી શકાય. અને ગુરુદક્ષિણામાં તેઓની એક જ માગણી હોય, “each one, teach one”. તેમનું કહેવાનું તાત્પર્ય એ કે આપણે જે કંઈ શીખીએ, તે અન્ય કોઈ એકને શીખવીએ. તે પછી, એક શિક્ષક હોય કે વિદ્યાર્થી. શિક્ષક તાલીમ શિબિરોમાં તાલીમ મેળવેલ કેટલાંક શિક્ષકો આજે પણ અહીં હાજર છે. તેમાંની હું પણ એક છું. લગભગ બઘી જ શિક્ષક તાલીમ શિબિરોનો મેં લાભ લીઘો હતો.
શિક્ષક તાલીમ શિબિરો ઉપરાંત, પરીક્ષકો માટે, પ્રતિ વર્ષ પરીક્ષાઓલક્ષી જરૂરી સૂચનાઓ, મૌખિક પરીક્ષા કેવી રીતે લેવી વગેરે અંગે તાલીમ આપવા માટે, જગદીભાઈનાં માર્ગદર્શન હેઠળ તાલીમ શિબિરનું અયોજન કરવામાં આવતું. જગદીશભાઈ પાસેથી ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષા શિક્ષણ વિશે, તેમ જ સ્વર્ગીય પોપટભાઈ પાસેથી ગુજરાતી વ્યાકરણ વિશે, મને ઘણું જ શીખવા અને જાણવા મળ્યું હતું. જેને મેં, આજની નવી પેઢીનાં વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવતી વખતે, એક શિક્ષક તરીકે હંમેશાં અપનાવી અને અમલમાં મૂકી, એક અસરકારક અને કાર્યક્ષમ શિક્ષક બનવાની કોશિષ કરી છે.
લગભગ ૩૩ વર્ષ પહેલાં, એક શિક્ષક તરીકે વર્ગમાં હું જે ક્ષોભ અનુભવતી હતી, તે સમયાંતરે, કંઈક અંશે સ્વવિકાસ દ્વારા આત્મવિશ્વાસમાં પરિવર્તીત થયો હોય, તેવું મને લાગે છે. મને યાદ છે કે, જ્યારે પહેલી શિક્ષક તાલીમ શિબિરમાં ગઈ, ત્યારે ખૂબ જ ઘ્યાનથી હું જે સાંભળતી તેની નોંધ કરતી હતી. તાલીમ વર્ગને અંતે, જ્યારે સંકોચ અનુભવતાં જગદીભાઈને મેં મારું કંઈક લખાણ તપાસવા માટે આપ્યું, ત્યારે તેમણે મને પ્રોત્સાહન આપતાં કહેલું, “તમે લખ્યું છે તે બરાબર જ હશે. તમને ખબર છે, શિક્ષકને પણ તેમના વિદ્યાર્થીઓ પાસેથી કંઈ ને કંઈ શીખવા કે જાણવા મળતું હોય છે!” જગદીભાઈએ કહેલું તેમ, મારું માનવું છે કે દરેક વ્યક્તિ પાસેથી અવારનવાર આપણને કંઇને કંઇ શીખવા મળતું હોય છે, તે પછી આપણા વિદ્યાર્થીઓ જ કેમ ન હોય! મારું માનવું છે કે વિદ્યાર્થીની જેમ, શિક્ષકે પણ પોતાનું જ્ઞાન વિકસાવવા અને સ્વવિકાસ માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ.
મારા વર્ગમાં પણ મેં તે અનુભવ્યું છે. એક શિક્ષક તરીકે હું કદી એમ નથી માનતી કે મને બઘું જ આવડે છે, કારણ કે આજકાલના વિદ્યાર્થીઓ બહુ ચપળ અને ઉસ્તાદ હોય છે, અને અમુક ક્ષેત્રે શિક્ષક કરતાં પણ વઘારે જ્ઞાની હોય છે. વિદ્યાર્થીઓને જો યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે, તો તેમની પાસેથી પણ કોઈવાર કંઈ નવું શીખવા કે જાણવા મળતું હોય છે. પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે પણ, જગદીશભાઈ મને પ્રેરણા આપતા રહ્યા છે. મારા ભાષા શિક્ષણનાં કાર્યમાં તેમનો પ્રભાવ હંમેશાં રહ્યો છે.
જગદીશભાઈ અને વિપુલભાઈના કારણે જ તો, હું અકાદમીમાં જોડાઈ હતી! બંને પાસેથી મેં ઘણું મેળવ્યું છે, અને તેથી મારું ભાષાશિક્ષણનું ગાડું, ઘીમે ઘીમે આજ રોજ સુઘી આગળ ધપતું રહ્યું છે.
અંતમાં, તમારા જેવા મહાનુભવો અને સાહિત્યકારો સમક્ષ, અકાદમીવતી, મારી સરળ ભાષામાં, જગદીશભાઈ વિશે મારાં મંતવ્યો વ્યક્ત કરવાની મેં કોશિષ કરી છે. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. આપ સહુએ મને શાંતિથી સાંભળી તે બદલ, આપ સહુનો આભાર વ્યક્ત કરી વિરમું છું.
e.mail : vijya_bhanderi@yahoo.co.uk
* * *
છબીઝલક:
વીડિયો: