સાહિત્યના કદરદાનો અને મહેરબાનો,
તમે જાણો છો તેમ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘હેરો લાયબ્રેરી સર્વીસીસ’ના કાંધોકાંધ મેળમિલાપે દર મહિનાના પહેલા શનિવારે આપણે સાહિત્યની મટુકી માંહેથી રૂડી વાતુંનું ગોરસ અંકે કરીએ છીએ.
શનિવાર, 1 ઑગસ્ટ 2015 (14.00 થી 16.30) નો દિવસ ‘કાવ્યચર્યા‘ મથાળે કવિતાની જ્યાફત સારુ જોગવેલો છે. દર વખતની જેમ આ ફેર પણ આપણો પાટલો હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરીમાં (The Wealdstone Centre, 38/40 High Street, Wealdstone, HA3 7AE) પડશે.
કવિતાની આ બેઠકને બ્રિટનના મોભી ગઝલકાર ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ‘ શોભાવશે. આપણે એમની સાથે એમની ગઝલોને જાણીશું, માણીશું અને થોડીક અંતરંગ ચર્ચાય આદરીશું. સાથોસાથ તળ ગુજરાતના ધૂરંધર ગઝલકાર અને ‘આઠોં જામ ખુમારી’ના શાયર અમૃત ‘ઘાયલ‘ને એમની શતાબ્દીએ’વિલાયતી અંજલિ’ (છબી સૌજન્ય: વિજય પારેખ) પણ આપીશું.
આપ સહુને આ બેઠકમાં પધારવા હરખથી નોતરું દઈએ છીએ. જરાય ચસકે નહીં એમ આ તિથિ-તારીખ ગાંઠે બાંધી લેવા અરજ કરીએ છીએ. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા PDF સ્વરૂપે અહીંથી ઉતારી શકાશે. [ PDF ]
તમારા સહુની હાજરીએ હુલાતાં ફૂલાતાં, નેણને નેજવું ધરી ઉભેલાં …
પંચમ શુક્લ (સંયોજક)
ભદ્રા વડગામા (મહામંત્રી)
10 જુલાઈ 2015