ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ …
– કેતન રુપેરા
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત”…
— કવિ અરદેશર ફરામજી ખબરદાર
તળ ગુજરાતથી લઈને ગુજરાત બહાર અને
દેશ-વિદેશ તથા યુનાઈટેડ કિંગ્ડમમાં વસતાં સૌ ગુજરાતી ભાઈઓ-બહેનો …,
દિલ ગુજરાતી ગુજરાતી કરી દેતી, કવિ અરદેશર ફરામજી ખબરદારની આ કવિતાને યાદ કરીને કહેવાનું મન થાય કે ભાગ્યે જ કોઈ એ મુદ્દે અજાણ હશે અથવા અસહમત થશે કે સાહિત્ય હંમેશાં તેના ભૌગોલિક, સામાજિક, મનોવૈજ્ઞાનિકથી લઈને સાંસ્કૃતિક ને કંઈ કેટલાંય પરિવેશો ને પરિબળોની પયદાઈશ હોય છે. જે દેશ-પ્રદેશમાં જે ભાષા સૌથી વધુ લખાતી-બોલાતી-વંચાતી હોય એ પ્રદેશમાં રહીને એ ભાષા સિવાયની અન્ય કોઈ ભાષામાં સર્જન કરવું એ જે તે પ્રદેશની પોતાની ભાષામાં લખવા કરતાં વધુ પડકારભર્યું હોય છે. પછી એ વારસાની કહેવાતી ભાષા કેમ ન હોય, પણ કેમ કે હવે એ ભાષા અને પ્રદેશ સાથે પોતીકાપણાની લાગણી અનુભવવાનાં ગણ્યાંગાંઠ્યાં જ માધ્યમો રહ્યાં હોઈ અને એ માધ્યમો થકી જ પોતાનું એક અલગ વિશ્વ પણ આકાર પામતું હોઈ તે વિશ્વ જ કોઈ પણ સર્જકની ભાષાભિવ્યક્તિ કે સાહિત્ય-સર્જનનો આધાર બની રહેતું હોય છે.
વારસાની એ ભાષા અને વારસાના એ પ્રદેશ સાથે સર્જકનો નાતો ચોક્કસપણે જળવાયેલો રહે છે, પણ એ તળ કે મૂળ પ્રદેશ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવૃત્તિથી આવર્તન પૂરાં પાડે કે જે તીવ્રતાથી ધક્કો મારે તેની માત્રા કે તીવ્રતા, જ્યાં વસવામાં આવ્યું છે એ પ્રદેશમાં એટલાં હર્ટ્ઝ કે એટલા ડેસિબલમાં થોડી વર્તાવાની. તો બીજી પાસ, પોતે જ્યાં રહે છે, શ્વસે છે, જીવે છે એ પ્રદેશ ખુદ પણ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવર્તનો પૂરાં પાડે છે ને જે ધક્કા મારે છે, એની અસર પણ કંઈ ઓછી પ્રભાવી હોય છે?! …
… આવા બે અલગ અલગ પ્રદેશોનાં આવર્તનો ને ધક્કા વચ્ચે અલ્ટર-ટેબ (Alt-Tab) કરતાં કરતાં, બંનેના સામાજિક-સાંસ્કૃતિક પરિવેશને એકસાથે ઝીલતાં ઝીલતાં વારસાની ભાષા, વારસાની સંસ્કૃતિ “કેટલી જળવાય, કેટલી ટકે?” ભક્ત કવિ નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને અખો, ભાલણ કે શામળથી કંઈક વિશેષપણે વિકસતી આવતી ગુજરાતી ભાષા વિકાસના ક્રમમાં ગુજલિશથી આગળ વધીને ઇંગરાતી (કે ઇંગ્રાતી?) એ પહોંચી રહી છે ત્યારે એમેય પૂછવાનું મન થાય કે “ક્યાં સુધી ટકે?!” સ્વાભાવિક જ, આ પ્રશ્ન ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે, એ બધા જ પ્રદેશો માટે છે.
ખરેખર તો ભાષા, પોતાના કોઈ કારણસર ટકવા-ન ટકવા કરતાં વધારે તેનો ઉપયોગ કરનાર-પ્રયોજનાર સમાજના ટકવા-ન ટકવા પર જ વધુ આધાર રાખે છે ને? ગુજરાત બહાર વસતા ગુજરાતી સમાજ માટે વાત કરીએ તો વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યને સમજવા બહુમૂલ્ય એવા ‘એક ગુજરાતી, દેશ અનેક’ (૨૦૨૧) પુસ્તકમાં ‘ડાયસ્પોરા સમાજની વર્તમાન સફળતા અને ભાવિ મર્યાદા’ એવા શીર્ષક તળે પ્રકાશિત લેખમાં અમેરિકન સમાજશાસ્ત્રીઓ અને પ્રો. ભીખુભાઈ પારેખને ટાંકીને લેખક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી કહે છે એ વાતમાંથી કંઈક અંશે એનો જવાબ મળી રહે છે : “અમેરિકા સ્થળાંતરવાસીઓ, નિર્વાસિતોનો બસોત્રણસો વર્ષ જૂનો દેશ છે અને અમેરિકન સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વિવિધ ડાયસ્પોરાના લોકોની શક્તિમાં ક્ષીણતા આવવા લાગે છે. તેમની સફળતાઓમાં, સિદ્ધિઓમાં ઓટ આવવા લાગે છે અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.
“બ્રિટનના વિદ્વાન સમીક્ષક ભીખુ પારેખ આ તારણ સાથે સહમત થતા હોય તેમ, સને ૨૦૦૦ના વર્ષની બિડલા પ્રવચન શ્રેણીમાં કહ્યું હતું એ સંભારવા જેવું છે : ડાયસ્પોરિક સમાજના ભારતીય લોકોની ત્રીજી પેઢીના ફક્ત નવ ટકા પોતાની ભાષામાં વાત કરી શકે છે અને ‘પોતાના દેશ’ની મુલાકાતો ઘણી જ ઓછી થવા માંડી છે. પહેલી પેઢીના માણસો વર્ષમાં એક-બે વખત જઈ આવતા; ત્રીજી પેઢીના લોકો દસ વર્ષમાં એકાદ મુલાકાત ભાગ્યે જ લેતા હોય છે. સાંસ્કૃતિક સંબંધો સૂકાતા જાય છે અને ૨૦-૨૫ વર્ષોના ગાળામાં સાંસ્કૃતિક-સામાજિક સંબંધોમાં કટોકટીની અવસ્થા આવવાનો સંભવ રહે.” સમગ્રપણે અને કોઈ પણ ડાયસ્પોરા સમાજ માટે કહેવાયેલી આ વાત જેટલી અમેરિકામાં વસતા કોઈ પણ ભાષી-સમાજને એટલી જ વિવિધ ભારતીય-ભાષી સમાજને ય લાગુ પડે છે અને તેથી એટલી જ ગુજરાતી સમાજને પણ–આ હાડોહાડ વાસ્તવિકતા વચ્ચે વારસાની ગુજરાતી ભાષાનું, અને વારસાની ગુજરાતી ભાષામાં સર્જાતા સાહિત્યનું એના મૂળ પ્રદેશ-ગુજરાત અને ગુજરાતીમાં થતાં સર્જન વચ્ચે અંતરનું ઉત્તરોત્તર જે છેટું પડે એ તો પડવાનું જ ને …
… ઉત્ક્રાંતિના આ ક્રમને કંઈ થોડો ઉલટાવી કે અટકાવી શકીશું? અને આખરે તે નહીં અટકાવી શકવાની કે બીજી કોઈ પણ ‘ચિંતા સે ચતુરાઈ ઘટે … કહ ગયે દાસ કબીર.’ એટલે ઉત્તરોત્તર વધતાં જતાં આ અંતર મામલે એટલા સ્પષ્ટ થઈ જવું રહેશે કે એ કોઈ ધનથી ઋણ તરફની દિશામાં જતું અંતર નથી. એ તો પોતીકી ઓળખ અને પોતીકી લાક્ષણિકતા દર્શાવતાં દર્શાવતાં ગતિ કરતો કોઈ આંક છે જે ધન-ઋણથી પર છે. એટલે પહેલાં તો તળ પ્રદેશના સાહિત્ય સર્જન અને દૂર દેશાવરમાં થતાં સાહિત્ય સર્જનની એકમેક સમક્ષ કોઈ સરખામણી નથી. અને એ પછી, એ છતાં જો તળ પ્રદેશના સાહિત્ય સર્જન સમક્ષ આ સાહિત્ય કેટલીક મર્યાદા ધરાવે છે, એમ માનવા-કહેવામાં આવે છે, તો સાથે કેટલીક વિશેષતા ને વિશિષ્ટતા લઈને આવે છે, એમ માનવા-કહેવામાં ય હરકત નથી જ. ખરેખર તો, દૂર દેશાવરમાં રહીને વારસાની ભાષામાં થયેલું સર્જન એક અલગ અનુભૂતિમાંથી થયેલું સર્જન હોય છે. દરિયાપાર સર્જાતું ગુજરાતી સાહિત્ય એક અલગ માટી અને એ પર વસતા માણસ અને એનાં મનોભાવોની મહેક લઈને આવે છે. અરે, મૂળ ગુજરાતી પ્રકૃતિથી માંડીને નરી ડાયસ્પોરિક લાક્ષણિકતાનો લાંબો પટ લઈને આવે છે. બે બે ભાષા-સંસ્કૃતિના સમાંતરે નિરમાતા સંગાથ અને સંઘર્ષથી પરિણમતી આ ઓળખની ક્યાંક કોઈ સરખામણી હોય?
માટે જ જ્યારે કોઈ દેશ કે પ્રદેશ, અને આ કિસ્સામાં યુનાઈટેડ કિંગ્ડમમાં સર્જાયેલા ગુજરાતી સાહિત્યની ચર્ચા થાય, એનાં લેખાંજોખાં થાય ત્યારે તેના માપદંડ તળ ગુજરાતમાં થયેલાં સર્જનના માપદંડથી સ્વાભાવિક જ અલગ હોય, આગવા હોય … ને તો પછી, આ સર્જનાત્મક કૃતિઓનાં શિખર અને ધોધનાં ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા પણ ગિરીમાળા હિમાલય-ગિરનાર કે સરિતા ગંગા-નર્મદાના પ્રવાહ રૂપે કેમ હોય; માઉન્ટેઇન બેન નેવિસ-સ્કાફેલ પાઈક (Ben Nevis-Scafell Pike) કે રિવર સેવન-થેમ્સ (Severn-Thames) જ ન હોય! હા, હિમાલય કે ગિરનાર આ સ્વરૂપના સાહિત્ય માટે આદર્શ જરૂર હોય, પહોંચાય તો પહોંચી ય જવાય … ને તો પછી, આનંદનો અવસર યોજી પોંખી ય લેવાય. પણ તળ ગુજરાત ભૂમિ કે એનું સાહિત્યજગત એવી અપેક્ષા રાખે અથવા એ પાર ન પડે તો એનો ધોધ, પ્રવાહ કે શિખરને ઊણાં કે ઊતરતાં ગણે ત્યારે સહજપણે જ “એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી?…” (ઉમાશંકર જોશી) ગાવાનું મન થાય…
… તો, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠ, જ્યારે બ્રિટનમાં ચાર દાયકામાં સર્જાયેલાં ગુજરાતી સાહિત્યનાં તમામ સ્વરૂપોનાં લેખાંજોખાં માંડે છે, પોતે છેલ્લા ચાર દાયકા દરમિયાન ગુજરાતી ભાષા-શિક્ષણ ક્ષેત્રે કરેલાં કામનું સરવૈયું પણ માંડે છે ત્યારે એ કાર્ય અવસર બની રહે છે. અકાદમીની સ્થાપનાની ચાળીસીએ (૧૯૭૭•૨૦૧૭) યોજાયેલો આ એક દિવસીય પરિસંવાદ એક ઓચ્છવ બની રહે છે.
તારીખ સોળ ઑગસ્ટ, બે હજાર અઢાર ને રવિવારના રોજ યોજાયેલા આ પરિસંવાદમાં સાહિત્યનાં સઘળાં સ્વરૂપોનાં લેખાંજોખાં થયાં. અકાદમીની ખુદની વર્ષ ૧૯૮૧થી ચાલેલી ભાષા-શિક્ષણ પ્રવૃત્તિઓની પણ સમીક્ષા થઈ. સર્જનનાં જે ક્ષેત્રમાં જેમનું મુખ્ય પ્રદાન અને સ્વાભાવિક રસ-રુચિ હતાં, અકાદમી દ્વારા તેઓની એ સાહિત્ય સ્વરૂપના વિષય માટે વક્તા તરીકે પસંદગી કરાઈ. વક્તવ્ય દરમિયાન સંબંધિત સાહિત્ય કૃતિના આસ્વાદ માણવાની લોકભોગ્ય ઇચ્છા જતી કરીને મુદ્દાસર રજૂઆત જ થાય એ માટે સમયમર્યાદા પણ અંકાઈ. ન ઓછી, ન વધુ, એવી વીસ મિનિટ્સ રખાઈ. મોટા ભાગનાં વક્તાઓએ તે સાહિત્ય-સ્વરૂપ–અનુક્રમે કવિતા, નવલકથા, સુગમસંગીત, આત્મકથા-જીવનકથા, સાહિત્ય સંસ્થાઓ અને તેની પ્રવૃત્તિઓ, નવલિકા, નિબંધ, ભાષા-શિક્ષણ, નાટક, પત્રકારત્વ–ના પ્રારંભથી માંડીને, સફરની સાથે સંઘર્ષ, ઉપલબ્ધિની સાથે પડકાર અને વિશેષતાની સાથે મર્યાદા પણ વર્ણવી. તળ ગુજરાતના સાહિત્યના પ્રભાવથી માંડીને નખશિખ ડાયસ્પોરા સાહિત્ય કહી શકાય એનાં ઉલ્લેખ-વિગતની રજૂઆત થઈ. સભાસંચાલકોએ પણ પોતાની ભૂમિકા અદ્દલ નિભાવી (કાર્યક્રમની રૂપરેખા, પાના નં. ૨૦). અકાદમી તથા અકાદમી સાથે સંકળાયેલા સૌને હૈયે હરખ હોય એમ, કાર્યક્રમમાં બે મહત્ત્વપૂર્ણ સત્કાર પણ થયા. અદમ ટંકારવીને અધ્યેતા પદ એનાયત તથા પ્રમુખ વિપુલ કલ્યાણીને મળેલા ઉમાશંકર જોશી વિશ્વ-ગૂર્જરી પારિતોષિક (૨૦૧૮) બદલ સન્માન … અને હા, મોડી સાંજે કાવ્યપઠન ને મુશાયરારૂપી અલગથી જલસો.
અકાદમીએ આ સમગ્ર આયોજનનું દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપ અંકે કરી સાચવ્યું, અકાદમીની વેબસાઈટ glauk.org પર પણ ચઢાવ્યું એના ફલસ્વરૂપ–પ્રચલિત અર્થમાં સંપાદન થોડું, પણ વ્યાપક અર્થમાં સંકલન-દસ્તાવેજીકરણ ઝાઝું–એવું માણેક ઝગારા મારતું આ પુસ્તક આપના હાથમાં.
હવે આ પુસ્તકના સંપાદકીય અંગે થોડી વાત. યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને એના વતી પ્રમુખ વિપુલ કલ્યાણીએ આ પુસ્તકની કાર્ય-જવાબદારી સોંપી ત્યારે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનાં પાંચેક પુસ્તકોમાં સંપાદનથી લઈને પુસ્તક-નિર્માણ સુધીની કામગીરી નિભાવી લીધી હતી, એટલે જ્યાં સુધી આ પુસ્તક માટે વિચારસ્પષ્ટતાથી લઈને સંકલ્પના અને નિર્માણ સુધીની વાત છે, સંપાદક તરીકે એ વિશે તો કોઈ ક્ષોભ-સંકોચ ન હતાં. પણ છેલ્લાં ચાર-પાંચ વરસમાં કરેલા આ સંપાદનકાર્ય દરમિયાન ડાયસ્પોરિક સમાજ કે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનાં અભ્યાસીઓ અને એ સંબંધિત અન્ય લેખકો-સાહિત્યકારોને વાંચવાનાં થતાં રહ્યાં હતાં એનાથી બંધાયેલા વિચારપિંડે જ એક ઠહરાવ આપ્યો. મનોમન જ એક પ્રશ્ન થયો.
કોઈ સંસ્થાની પ્રવૃત્તિઓનાં લેખાંજોખાંના દસ્તાવેજીકરણની સંપાદકીય ભૂમિકા બાંધવા માટે પણ કોઈ લઘુત્તમ લાયકાત હોય કે નહીં? ચાર દાયકાની વણથંભી સફર માટે ચાર-પાંચ વરસની સક્રિયતા પર્યાપ્ત કહેવાય? લઘુતમ માક્ર્સે પાસ થઈ જવાય એવો જવાબ એમ મળ્યો કે ચાર દાયકાનાં લેખાંજોખાંના સુપાત્ર સંપાદક હોવા માટે ઓછામાં ઓછા એક દાયકાનો, અને ન માત્ર સાહિત્યિક, પણ ભૌગોલિક અને સાંસ્કૃતિક સંદર્ભ-પરિવેશ હોવો પણ જરૂરી છે. જ્યારે ડાયસ્પોરાનો પાયાનો સંદર્ભ જ એની ભૂગોળ સાથે જોડાયેલો છે, ત્યારે તળ ગુજરાત બેઠાં કરેલાં વાચન-સંશોધન-સંપાદન માત્ર, આ અંતર કાપી શકે?
હા, છેલ્લાં ચાર-પાંચ વરસ દરમિયાન ‘યુગાન્ડા મહીં એશિયન નર-નાર’ (૨૦૧૯, વનુ જીવરાજ), ‘સૌગાત–પાંચ ભાષાનાં કાવ્યો’ (૨૦૧૯, દીપક બારડોલીકર), ‘ઘડતર અને ચણતર’ (૨૦૨૦, ઘનશ્યામભાઈ ન. પટેલ), ‘એક ગુજરાતી, દેશ અનેક’ (૨૦૨૧, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી) અને ‘અમે તો પંખી પારાવારનાં’ (૨૦૨૨, ડૉ. દાઉદભાઈ ઘાંચી) … પુસ્તકોમાં પૂરક-લેખનથી માંડીને સંશોધન-સંપાદન અને પુસ્તક-નિર્માણ સુધીની કક્ષાએ સંકળાવાનું થયું. પાંચેય પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે ત્યારે આ દરેક પુસ્તકનાં વિષયવસ્તુ જોતાં એક તબક્કે પ્રશ્ન થાય કે આમાંના એક પણ પુસ્તકનો પ્રકાશન ક્રમ જે રહ્યો એનાથી એક પણ આગળપાછળ હોત તો એ પુસ્તકો હાલનાં સ્વરૂપની પૂર્ણતા પામ્યાં હોત, અને તો પછી અકાદમીની ‘ચાળીસીએ ઓચ્છવ’ (૨૦૨૩) જેવાં સન્માનજનક સંપાદનની સોંપેલી જવાબદારી માટે યોગ્ય પૂર્વતૈયારી ગણાઈ હોત?!
આ ઉપક્રમને અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીની ક્રમ-અનુક્રમ દૂરંદેશીતા ગણવી કે કુદરત-સહજ ઘટનાક્રમ એ કળવું મુશ્કેલ છે. પણ સંપાદકની આ અવઢવ દરમિયાનના સંવાદને વાચા આપતા આ પુસ્તકમાં પરામર્શક પણ કહેવાય જ એવા પ્રમુખશ્રીએ ખુદ પ્રસ્તાવના લખી આપીને જે પાયો ચણી આપ્યો એના આધાર પર જ સંપાદકીય અને એ પછીનાં વક્તવ્યો શોભશે, એ બદલ સ્નેહાદરપૂર્વક એમનો આભાર. ‘ચાળીસીએ ઓચ્છવ’ના આ પ્રકાશન નિમિત્તે, આગળનાં ય દરેક પુસ્તક માટે વિશ્વાસ મૂકવા બદલ અકાદમી અને તેનાં સૌ હોદ્દેદારોનો આભાર માનવાની તક ચુકાવી ન જોઈએ. સૌનો આભાર …
… અને ગૂર્જરભૂમિ પર બેઠાં બેઠાં તો ગુજરાતી પાઘડીનો વળ છેડે વાળતાં કે સાત હજાર કિલોમીટર છેટે રહીને પણ બે ઘડી યુનાઇટેડ કિંગ્ડમની ટ્રેડિશનલ પોપ્યુલર ‘ફ્લેટ કૅપ’ પહેરતાં, કહેવાનું મન થાય કે કોઈ પણ સંસ્થા કોઈ પણ ભાષામાં પોતે જે દેશ-પ્રદેશની ભાષા-સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, એ દેશ-પ્રદેશમાં એનાં સૌ સભ્યો સાથે મળીને અત્યાર સુધી થયેલા સાહિત્ય સર્જનની તટસ્થતાભરી સમીક્ષા કરે, એનું દૃશ્ય-શ્રાવ્ય રૂપ પોતાના મંચ પર સૌને માટે સુલભ કરે, પછી એનું સંપાદન-દસ્તાવેજીકરણ પણ કરાવે ને એ પ્રક્રિયા વળી માંહોમાંહે પૂર્ણ ન કરતાં જાણતાં-અજાણતાં કંઈક ‘તૃતીય પક્ષ નિરીક્ષણ’ બની રહે તો એની ય તૈયારી દાખવે એ કાબિલેતારીફ કાર્યક્રમ બની રહે છે. એમાં જ ગુજરાતી ભાષા અને ગુજરાતીતાની ઓળખ છે.
અકાદમીની જ વેબસાઇટ પર ઉઘડતે પાને લટાર મારતાં ગુજરાતનાં જ્યોતિર્ધરોનાં સચિત્ર અવતરણમાંથી એક : “ગુજરાત આજે જીવંત વ્યક્તિ છે કારણ કે આપણા આચાર ને વિચારો ગુજરાતીતાની ભાવનાથી પ્રેરાયા આવે છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ભાવનાના ર્નિણયાત્મક પ્રાબલ્યથી પ્રેરાઈને તેઓ બુદ્ધિપૂર્વક ભેગા મળે છે અને આમ ભવિષ્યનું સંકલ્પજન્ય ગુજરાત જન્મે છે.” ગુજરાતની અસ્મિતાના પ્રયોજક કનૈયાલાલ મુનશીનો આ વિચાર અકાદમીના પ્રસ્તુત ઉપક્રમમાં આ પુસ્તક થકી સાર્થક થાય છે. અકાદમીનો ધ્યેય મંત્ર “ગુજરાતી સાંભળીએ • ગુજરાતી બોલીએ • ગુજરાતી વાંચીએ • ગુજરાતી લખીએ • ગુજરાતી જીવીએ.” ચેતના સ્વરૂપે પ્રસરી રહે છે; અને પછી પ્રકાશક અને સંપાદક વચ્ચેની સ્થળ-કાળની મર્યાદા, મર્યાદા ન બની રહેતાં સમભાવ-મિત્રભાવમાં સમાઈ જાય છે.
આશા છે, વાચકો માટે પણ આ પુસ્તક બે બે ભાષા-સંસ્કૃતિનાં સમાંતરે નિરમાતા સંગાથ અને સંઘર્ષથી પરિણમતા સાહિત્યની આગવી ઓળખ સાથેનું એક ઉપયોગી વાચન બની રહેશે, ગુજરાતીતા પંથે ચાલવા-વિહરવામાં એક સુંદર મુકામ બની રહેશે.
સંપાદક
કેતન રુપેરા
Email : KetanRupera@gmail.com
‘ચાલીસીએ ઓચ્છવ’ : પ્રકાશન – ‘હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ : પ્રકાશન-પ્રબંધ – એનહાન્સરઑન્લી, અમમદાવાદ : સંપાદન – કેતન રુપેરા : પ્રથમ આવૃત્તિ – ઍપ્રિલ 2023 : કિંતમત – રૂ. 200 • £ 5 : મુખ્ય વિક્રેતા – ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ – 380 009