(ડૉ. નટવર ગાંધીના, “સંધિ” સામયિકના અંક -૧૪, અૅપ્રિલ – જૂન ૨૦૧૦, પાનાં ૭૭-૮૪ પરે, પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ ‘Gujarati Diaspora Writing — A Call for Independence’નું ગુજરાતી રૂપાંતર. મૂળ અંગ્રેજી પરથી રૂપાંતરકાર : વિપુલ કલ્યાણી)
દર સાલ, વસંત ઋતુમાં અને ઉનાળાની મોસમ વેળા, ભારતીય મુલાકાતીઓનું એક ખાસ પ્રકારનું જૂથ, યાયાવરી પંખીઓની જેમ, નિયમિતપણે, ઉત્તર અમેરિકાની ભૂમિ ઉપર ઊતરી આવે છે. આમાં સાધુઓ છે, સ્વામીઓ છે, શિક્ષકો છે, લેખકો છે, કવિઓ છે, અરે, સબ બંદરના વેપારીઓ પણ નીકળી પડે છે. વસવાટીઓની અનેકવિધ આતુરતાઓને મલમપટ્ટા જાણે કે કરતા રહે છે. આપણે આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી અને તેમાં ય આપણી ભાષા અને આપણા ધર્મથી દિવસે ને દિવસે વંચિત થતા જઈ રહીએ છીએ, તેવો આપણને સતત ભય વસેલો છે. આપણે જ્યારે ભારતમાં હતા ત્યારે આપણને તે વિષેની વિશેષ દરકાર રહેતી, એમ તો બનતું જ નહોતું, પરંતુ એક વાર વિદેશી મુલકમાં આવ્યા પછી તેની ચિંતા વધી છે. વતનમાં સંસ્કૃતિ સ્વાભાવિકપણે ચોમેર હતી. જાણે આપણે શ્વાસોશ્વાસમાં, સ્વાભાવિકપણે, જેમ હવા લેતા હોઈએ છીએ તેમ. આપણે તેને ગૃહિત માની લીધું હતું. કોઈ જ ખાસ મહેનત કરવાની જરૂર જ નહોતી.
એક વાર અમેરિકી ભૂમિ પર આવી રહ્યા, કે આપણી સંસ્કૃતિ નવા વાતાવરણનો ભાગ હોય તેમ અનુભવવા મળતું જ નથી. આથી આપણે તેના પુન: સર્જન માટે લાગી પડીએ છીએ. આપણે સામાજિક સંસ્થાઓ પણ ઊભી કરી નાખીએ છીએ કે જેથી આપણા જેવા વિચારવાળા બીજાત્રીજા લોકો હળેમળે અને આદાનપ્રદાન કરે. આપણે એક સરખા ભગવાનને ભજવા મંદિરોની પણ સ્થાપના કરીએ છીએ. અને વળી, હિન્દવી પંડિતોનાં મંડળોની પણ રચના કરીએ છીએ અને તેમાં વાયકાઓ અને બાતમીઓની આપ-લે કરીએ છીએ. જે જે ભારતીય વસવાટીઓને સાહિત્યિક રસ છે તેવાઓએ વળી રસની મંડળીઓ રચી છે અને તેમાં વખતોવખત હળતાં-મળતાં-ભળતાં રહે છે. તેઓ અરસપરસ રચનાઓનું પઠન કરે છે અને કવિઓ મુશાયરાઓ ગજવે છે. કેટલાંક વળી તેમની રચનાને નિયમિત પ્રગટ પણ કરતાં રહે છે. તેમાંના કેટલાંક સારાં નવલકથાકાર પણ બન્યાં છે, તો વળી કેટલાંકને નામે કાવ્યસંગ્રહો અને પ્રવાસવર્ણનો ય બોલે છે. બીજા લોકો જેમ સ્વામીઓ અને સાધુઓને દેશથી બોલાવે છે તેમ આવાં મંડળો પ્રતિષ્ઠિત સાહિત્યકારોને ભારતથી તેડાવે છે.
અલબત્ત, ગુજરાતી એન.આર.આઈ.ઓની આગળ પડતી એક સંસ્થા એટલે ‘ગુજરાતી લિટરરી એકેડમી અૉવ્ નૉર્થ અમેરિકા’. ભારતથી લેખકો અને કવિઓને બોલાવવાની આ સંસ્થાની બહુ જ જૂની પ્રણાલિકા છે. વળી યુનાઇટેડ સ્ટેટ્સમાંના અને કેનેડામાંના ગુજરાતીઓને, આ સૌનો લાભ મળી રહે તે સારુ તેમના ઉત્તર અમેરિકાના આ કિનારે અને તે કિનારે, એક છેડેથી બીજે છેડે પ્રવાસ કાર્યક્મોની વ્યવસ્થા કરે છે. વધુમાં, દર એકાંતરા વરસે એકેડમી પરિષદોની ગોઠવણી કરે છે, જ્યાં એક સરખા વિચારવાળા ગુજરાતીઓ ભેગા મળે છે, વિચારોની આપ-લે કરે છે અને પોતાનાં સર્જનોની માંહે માંહે વહેંચણી પણ કરે છે. અહીં પણ ભારતથી વિદ્વાન લેખકોને તેડાવવામાં આવે છે અને શ્રોતાગણને ઉદ્દબોધન કરવાની તક ઊભી કરી આપે છે. આપણે અહીં જે કંઈ કરીએ છીએ તેને પુષ્ટિ મળે તેવો જ આમાં ઉપક્રમ રહેલો છે. આપણે સઘળું સમુસૂતરું રાખીએ છીએ તેવો ઘાટ પેદા થયો છે અને તેનો ભારત સ્વીકાર કરે તેવા, ટૂંકામાં, આપણને ઓરતા રહેલા છે.
ડાયસ્પોરા પર મદાર : ગુજરાતી એન.આર.આઈ. લેખકો, પોતાનાં લખાણને સારુ, માન્યતા મેળવવા ઘર ભણી નેજવું કરે છે. તે સૌ સારી સમાલોચના મેળવવા કોશિશ કરતાં રહે છે અને તેમને તે આસાનીએ ભારતમાંથી સાંપડી રહે છે. ઉત્તર અમેરિકાનું કોઈક સરનામું દર્શાવતું પરબીડિયું કે પછી અમેરિકાથી ગયેલા ટેલિફોન સંદેશાઓ કામ કરી જાય છે. તમે પૈસા જોડવાના હો, તો ભારતના પ્રકાશક પ્રકાશન કરવાને રાજી જ હોય છે, પછી ભલે ને તમે કચરોકૂડો ય આપો અને તેથી લેખક તરીકે ય સ્થાપિત થઈ જાઓ છો. વળી, તમારે ખરચે તે લોકો જાહેર વિમોચન કાર્યક્રમ પણ ગોઠવી આપે છે. ઓવારણાં લેવાને સારુ જાણીતા માનીતા સાહિત્યકારો પણ હજરાહજૂર રહે છે. અવસરના ફટાફટ ફોટાઓ લેવાય છે અને યોગ્ય ભાવતાલ અનુસાર, સમસામયિકોએ આવા સમાચારને ‘યોગ્ય ન્યાય‘ આપ્યો હોય છે. ચોપડીઓને માટે પૈસા દેતા અનુકૂળ આમુખ લખી અપાય છે અને પછી સમાલોચના પણ આપવામાં આવે છે. એન.આર.આઈ. દાક્તરો, ઈજનેરો અથવા હિસાબનીસો હવે સ્થાપિત નવલકથાકાર કે કવિ બની જાય છે ! અને પછી ટેલિવીઝન અને રેડિયો મુલાકાતોનો સિલસિલો શરૂ થયો જ સમજવો.
આ રમત ઉભય પક્ષને માટે સંતોષકારક છે. લેખક બનવાનાં એન.આર.આઈ.નાં સુષુપ્ત સપનાં આમ સાકાર બને છે અને પ્રકાશક અથવા પુરસ્કર્તા ય બે પૈસા રળી ખાય છે. સર્વાંગી ખર્ચની કાળજી લેવાતાં પુરસ્કર્તા યુનાઇટેડ સ્ટેટ્સની શુભેચ્છા યાત્રાએ આવી શકે તેની વ્યવહારુ જોગવાઈ પણ થઈ જાય છે. ખુશખુશાલ કરી દેવાય તેવો આમુખ લખી અપાય અને એકાદબે કૉલમ ભરીને અવલોકન મળે અને તેની પછીતે ઈનામબીનામની જોગવાઈ થઈ જાય તો બહુ જ આસાનીએ આવો પ્રવાસ કુંડળીએ યોગ ઊભો કરી દે છે. અરધી સદી પહેલાં ઉમાશંકર જોશી અથવા કાકા કાલેલકર સરીખા સાહિત્ય તારકોને વિદેશ પ્રવાસનો આવો મહામૂલો લ્હાવો મળતો. ઉત્તર અમેરિકાના તાલેવંત એન.આર.આઈ. ગુજરાતી આલમ સંબંધે, હવે ઘણાં લેખકો તેમ જ પુરસ્કર્તાઓ માટે આવા પ્રવાસની જોગવાઈ બહુ સરળ બની ગઈ છે. અલબત્ત, ગુજરાતી લેખક વિમાન વાટે દુનિયાની સરળ સહેલગાહે નીકળી પડ્યો છે !
મોટા ભાગના આમુખો અને પ્રસ્તાવનાઓ એન.આર.આઈ. લેખકોને કુશળતાએ ભરમાવે છે અને દુષ્ટતાએ કપટી કરી મૂકે છે. આ આમુખ લખનારાઓ મોટે ભાગે અપ્રસ્તુત જબાનમાં બોલે રાખે છે. આ એન.આર.આઈ. લેખકો મોટે ભાગે દાક્તરો, ઈજનેરો કે પછી હીસાબનીસ હોવાના અને પછી તેમના સાહિત્યની તારીફ સંભળાતી રહે છે. વળી, ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના યુનાઇટેડ સ્ટેટ્સ ખાતેના તે એલચી છે તેવી રજૂઆત પણ તેમને પોરસાવતી આવે છે. હવે મજાની વાત એ છે કે આ આમુખમાં ક્યાંક અછડતી રીતે જ ચોપડીના પદાર્થ બાબતની વાત છેડવામાં આવી હોય છે અને પછી, તેમાં આશા બાંધવામાં આવી હોય છે કે લેખક પોતાનું સર્જનકામ ચાલુ રાખશે અને ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યને પુષ્ટ કરતા રહેશે. ટૂંકામાં, આ ઢોંગનો સરિયામ આચાર છે.
આ રમતના નીતિનિયમનોની ઘર આંગણાંના વિવેચકોને ભારે સમજણ હોય છે અને પોતાને જાતફાયદો થાય તે જ રીતે સઘળાં ખેલ તે ખેલે છે. તેમાંના કેટલાંકના નસીબ જોર કરતા હોય તો તે યજમાનને પૂરે ખરચે અમેરિકાની જાતરાએ નીકળી આવે છે. આતુર અને શ્રધ્ધાળુ એન.આર.આઈ. લેખક માટે તો આ સઘળો ઉપક્રમ ઉત્તમ ગૃહસંચાલનનો મુદ્દો છે કેમ કે દેશના કોઈક મોભાદારના સ્વીકારની મુદ્રા તેને સાંપડે છે. હવે તેને માટે સાહિત્યજગતનાં બારણાં ખૂલી ગયાં છે તેવી તેવી છેતરપિંડીનો ભોગ લેખક બનેલો છે, અને તેથીસ્તો, નવા જોમજોશથી પોતાની બેઠકે બિરાજી લેખનમાં પરોવાઈ જાય છે. આ રીતે તેને પોરસાવવામાં આવે છે, તેથી અમારે ત્યાં, ઉત્તર અમેરિકામાં, એવા અનેક એન.આર.આઈ. લેખકો છે જેને નામ ડઝનબંધી ચોપડીઓનો ફાલ ઊતરે રાખ્યો છે. વળી, તે સાહિત્યનાં નવાં નવાં પાસાંઓ ય અજમાવી જૂએ છે. આને લીધે વિપુલતાવાળા પ્રવાસ વર્ણનો લખનારાઓ, બરોબરીએ બહુફલદાયકત્વપણે નવલિકાઓ ય લખે છે અને કવિતા ય રચે છે. અને આપણી વચ્ચે નવલકથાકારો ય છે જે સમાન ભાવે કવિતાઓની તેમ જ ટૂંકી વાર્તાઓની રચના કરતાં રહે છે.
અને બદનસીબી તો જૂઓ, જગત ભરે છવાઈ જવાય તેવી ‘વેબ’ની સુવિધાને કારણે તેમ જ ‘બ્લૉગ’ પ્રભાવક ક્ષેત્રને લીધે, હવે, વળી, પ્રકાશકની તે, ભલા, શી જરૂરત હોય ? કોઈ પણ મૂર્ખ સુધ્ધાં હવે બ્લૉગ ચલાવી શકે છે અને પોતાને રુચે તેવું લખાણ તેમાં તરાવી શકે છે. હજારોની સંખ્યામાં લોકો રોજ-બ-રોજ આવી વેબ દુનિયાની લટાર માર્યા જ કરે છે અને તે ય આવું આવું જોયા કરે છે, વાંચ્યા કરે છે. આવી સંખ્યા બહુ મોટી છે. બીલાડાના ટોપાની જેમ, આવાઆવા અસંખ્ય બ્લૉગ આમતેમ, અહીંતહીં ઊગી નીકળેલા છે. દરેક બ્લૉગ ચાલક પોતાને મનપસંદ વિધવિધ પ્રકારનાં કાવ્યો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને વળી પોતીકા ચિંતનલેખો ય તેમાં ખડકતા રહે છે. આમ જોઈએ તો આ રેલમછેલનો જ ઉછાળો છે. (ગુજરાતી ભાષાના સૂચિત મરણનાં મરશિયાં ગાતાં તમામને સારુ આ જવાબ હોવાનું પણ કહી શકાય. હવે જગતને ચોક સેંકડો લોકો નિયમિતપણે લખતા થયાં છે અને બીજાં હજારો તે વાંચતાં રહ્યાં છે.)
પરંતુ મહાભારત સવાલ એ છે કે આ સઘળું શું સાહિત્ય બને છે કે ? આ સઘળા બ્લૉગનું સાહિત્ય-મૂલ્ય કેટલું ? અને આંતરરાષ્ટૃીય સ્તરે જે ગુજરાતી સાહિત્યની આપ-લે થતી રહે છે તેની તે વળી શી સાહિત્યિક ઉપયોગિતા ? અને હવે હું એવા મત પર આવ્યો છું કે ભારતથી આવતા રહેતા મુલાકાતી લેખકો તેમ જ અહીંથી ભારત જતાં પ્રવાસી એન.આર.આઈ. લેખકોની આવનજાવન ફાયદામંદ છે જ નહીં, બલકે વાસ્તવમાં તે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યને સારુ નુકસાનકારક છે. હવે જો ભારતમાંના વિવેચકો આવા એન.આર.આઈ. લેખક માટે ભલી લાગણી ધરાવતા રહ્યા હોય તો તેમણે આ લેખકોને ગુજરાતી સાહિત્યના તેમ જ અન્ય સાહિત્યના ધૂરંધર શિરોમણિઓની રચનાઓનો અભ્યાસ કરવાનું કહેવું યોગ્ય બને છે. અને એન.આર.આઈ. લેખક હાથમાં કાગળ અને પેન ધારણ કરે, તે પહેલાં, તેમણે સિરીલ કોનૉલીનું અવતરણ તે દરેકને ટાંકી બતાવવું જોઈએ. સિરીલ કોનૉલીએ કહેલું : ‘જેમ જેમ વધુ ચોપડીઓનું સેવન આપણે કરશું, તેમ તેમ સ્પષ્ટ થવાનું કે દરેક લેખકે શ્રેષ્ઠ કૃતિ આપવાની છે અને તેને સારુ બીજું સઘળું ગૌણ બની જાય છે.’ અલબત્ત, આવી સલાહ આપવી ભારે અઘરી છે અને તેને અનુસરવું ય કઠણ બને છે, પરંતુ શ્રેષ્ઠ કૃતિ મેળવવાનું ધ્યેય સામે રાખવું જ રહ્યું. આમ થશે તો હોઈ શકે છે કે કોઈક એન.આર.આઈ. લેખક કનેથી આપણને ધ્યાનાકર્ષક ચીજ સાંપડી આવે.
ગુજરાતમાં ડૂકેલાં સાહિત્યનાં ધોરણો : મોટા ભાગની વીસમી સદી દરમિયાન આપણી સામે એકમેકથી ચડિયાતા, પ્રતિષ્ઠિત વિવેચનો હતા જેમણે દ્વારપાળની હેસિયતથી ગુજરાતી સાહિત્યનાં ધોરણો કંડારી આપેલાં. એ લોકો સામયિકોનું સંપાદન કરતા. આવાં સામયિકોમાં નવોદિત લેખકો અને કવિઓ સ્થાન મેળવવાં તડપતાં રહેતાં. “કુમાર”, “સંસ્કૃતિ” અથવા “ક્ષિતિજ” જેવાં જેવાં સામયિકોમાં કાવ્ય કે ટૂંકી વાર્તા પ્રગટ થાય તો જ તમે સ્વસ્થ બની શકો. તો તમે કવિ ! રામાનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય, ઉમાશંકર જોશી, બચુભાઈ રાવત અને સુરેશ જોશી જેવા જેવા વિવેચકો અને લેખકો ધોરણો સ્થાપિત કરતાં. કવિતા કેમ બને છે તે આવા આવા વિવેચકોને બરાબર સમજાતું અને આવડતું. આ દરેક સાહિત્યને વરેલા હતા. એક વાર એમને ક્યાંક કસબી જોવાનો સાંપડે, તો એ દરેક તે કલમચીને ઘડવાને સારુ પૂરતી કાળજીસંભાળ લેતા. “કુમાર”ના પ્રતિષ્ઠિત તંત્રી સંપાદક બચુભાઈ રાવતે એકલે હાથે ‘બુધવારિયું’ નામે કવિતાની અઠવાડિક કાર્યશાળા કુશળતાએ ચલાવી હતી. આમાંથી ગુજરાતી સાહિત્યને કેટલી બધી પેઢીઓ સુધી ગુજરાતી કવિઓ સાંપડયાં છે. તે જ રીતે, આપણા બીજા પ્રતિષ્ઠિત કવિ રાજેન્દ્ર શાહે, મુંબઈમાં આવ્યા પોતાના છાપખાનામાં, દર રવિવારે આવી કાર્યશાળા ચલાવી જાણી હતી.
આવા પ્રતિષ્ઠિત વિવેચકો અને સંપાદકોની વિદાય બાદ, ગુજરાતી સાહિત્યનું મેદાન ખાલ્લીખમ્મ પડ્યું છે. છે કોઈ ખેલે એવો સાહિત્યવીર ? તળ ગુજરાતમાં આમ દિન પ્રતિ દિન સાહિત્યનાં ધોરણો ડૂકી ગયાં છે, અને આજકાલ, ત્યાં ‘કંઈ પણ ચાલે !‘નું સૂત્ર ચલણમાં હોય તેમ લાગે છે. ચોપાસ નજર દોડાવો અને તમને નજીવી મૂડીએ વેપલો કરતા લહિયાઓ છાતી કાઢી કાઢી, જીવનના પ્રવાહો તથા સાંપ્રત બાબતે આડંબરી લખાણ કરતા રહે છે. આવા લોકો ચિંતક અને તત્ત્વવેતા તરીકે સ્થાપિત બની બેસે છે અને પછી આ કે તે પારિતોષિક હાંસલ કરી લે છે ! આ સૌ શું કરે છે તે ય સમજવા જેવું છે – વારે પરબે તે નામસ્મરણ કરતા રહે છે અને પછી ચવાઈ ગયેલાં આધ્યાત્મિક સૂત્રો છાંટતાં છાંટતાં નીરસ ગદ્ય લખતાં રહે છે. આ ઓછું હોય તેમ, આ બધું નવાં ધોરણો તરીકે નીખરી આવે છે ! આવી જ કથડેલી હાલત કવિતા અને નવલકથાને ક્ષેત્રે ય પ્રવર્તે છે.
પ્રકાશન જગતમાં તમારે કોઈ ઓળખાણ પરિચય હોય તો તમે કંઈ પણ મુદ્રિત કરાવી શકો છો. અખબારો અને સામયિકોને પાનાં ભરવાનાં હોય છે. નક્કર સમાચારો મેળવવા અંગે તેમ જ તેના હેવાલ તૈયાર કરાવવાનું કામ સમય માગી લે છે. વળી, તેમાં શક્તિ અને પૈસાનો ય વ્યય થાય છે. ઝીણવટભરી તરતપાસ કરવાની હોય તેવું પત્રકારત્વ આથી પણ અઘરું હોય છે. માટે આપમતિયા કટારો જો સાંપડતી હોય, તો ભલા, પેલો કૂટાડો કોણ કરે ? કટાર લખવા માટે, ગઝલ રચવા સારુ કે પછી ગીત આપવા બાબત ઝાઝો સમય લાગતો નથી. આવાં લખાણ માટે છંદના જે સંસ્કૃતે આપ્યા નીતિનિયમનો છે, શિસ્ત છે કે તે સારુ જે અભ્યાસ જરૂરી બને છે તેની સામે કવિતામાં અછાંદસ પ્રથા લવાઈ છે તેનો દાખલો હું આપીશ. વિકૃતિઓ તથા અંકુશો સામે વ્હીટમૅનના અનુભવો શો આ કોઈ ઉદાત્ત તિરસ્કાર તો નથી. આ નરી મેદવૃત્તિ છે. અનુભવી હાથ હોય તેમ તે લખવા મંડી નથી પડતો; તેમ લખવાને પ્રેરણા જાગવી જોઈએ ! અડધીપડધી બુદ્ધિવાળા માણસને છસ્સો શબ્દોવાળી કટાર ચીતરતાં તે શી વાર ? કે ગઝલ કે ગીત રચતાં કેટલી વાર લાગે ? અને આવું ઘણાં કરે છે અને પરિણામે અખબારોમાં તેમ જ સામયિકોમાં કચરોકૂડો છવાઈ જાય છે. કોઈ પણ ગુજરાતી અખબાર કે પછી સમસામયિક તમે ઉઘાડો અને હું તમને જે કંઈ જણાવી રહ્યો છું, તે તમને ચોમેર પ્રદર્શિત થતું દેખાશે.
ગુજરાતી સાહિત્યમાં મોટાં ગજાની કોઈ ચોપડીનું અવલોકન કરાતું હોય તેવું દ્વારપાળ શું કામ આજે થતું નથી. કૂદકે અને ભૂસકે વિકસી રહેલો પુસ્તક પ્રકાશનનો વેપારધંધો આજે હોવા છતાં, ત્યાં પણ એક જ આવું સામયિક ચાલી રહ્યું છે. અગાઉના દિવસોમાં, અગ્રગણ્ય અખબારોમાં પણ દર અઠવાડિયે નિયમિત અવલોકનોની કટારો આવતી રહેતી. ત્યારે “પ્રસ્થાન”, “કૌમુદી”, “સંસ્કૃતિ” અને “ક્ષિતિજ” જેવાં જેવાં પ્રતિષ્ઠિત સામયિકો હતાં, જેમાં ચોપડીઓનાં અવલોકનો છપાતાં રહેતાં. આ બધી હવે ગઈ કાલની વાત છે. ચોપડીઓનાં અવલોકન આપતાં સમસામયિકોમાં પુસ્તકોનાં વેંચાણની તક વધારવાને સારુ જાહેરાત આપવાનું ય પ્રકાશકોને આજકાલ સૂજતું પણ નથી.
સાહિત્યિક સ્વાતંત્ર્ય માટે એમરસનની હાકલ : ઓગણીસમી સદીમાં, અમેરિકી સાક્ષરોની એક બાજુ પાકટતા જામતી જતી હતી તો બીજી તરફ પોતીકા સ્વીકારને માટે તેઓ ‘માતૃભૂમિ’ ભણી નજર રાખતા હતા. ઇંગ્લૅન્ડમાં જે કંઈ પ્રકાશિત થતું રહેતું તેનું વાંચન તેઓ કરતા રહેતા હતા. બ્રિટિશ સમસામયિકોમાં તેમનાં લખાણો છપાય તે માટે તે પ્રયત્ન કરતા રહેતા. જે લોકોને સુલભ હતું, તેઓ વરસે દહાડે પોતાના સાહિત્યિક વારસાને પ્રજ્વળિત રાખવા યુરોપની અને ખાસ કરીને ઇંગ્લૅન્ડની જાતરાએ જતા આવતા. વળી, પોતાનાં સંતાનોને ઇંગ્લૅન્ડ અને યુરોપની ઉત્તમ બૉર્ડિંગ સ્કૂલમાં ભણવાને ય મોકલતા રહેતાં.
તો વળી, કેટલાકે અંગ્રેજી સાહિત્યમાં પોતાનું નામસ્થાન જાળવવા માટે હકીકતે ઇંગ્લૅન્ડ જઈ વસવાટ કરેલો. વીસમી સદીના આરંભે, પ્રતિષ્ઠિત કવિ અને વિવેચક એઝરા પાઉન્ડે તેમના સાહિત્ય-શિષ્ય ટી.એસ. એલિયટને લંડનમાં જઈ વસવાટ કરવાનું તેમ જ અંગ્રેજી સાહિત્યમાં નામના કાઢવા સલાહસૂચન કરેલાં. અને એલિયટે એમ જ કરેલું, અને પછી છેવટે, અંગ્રેજ નાગરિક પણ એ બની ગયેલા. પોતાને જેની શોધ હતી, તે સાંસ્કૃતિક આધાર એમને યુરોપના વાતાવરણમાંથી જ મળી શકે, તેવી એમની માન્યતા હતી. પ્રતિષ્ઠિત નવલકથાકાર હેનરી જેમ્સે પણ અમેરિકાની જગ્યાએ ઇંગ્લૅન્ડ અને યુરોપની જ પસંદગી કરી હતી. એલિયેટે તેમ જ જેમ્સે બન્નેએ તો ત્યાં ભારે આદર મેળવ્યો હતો અને અંગ્રેજી સાહિત્યમાં એ પછી બન્ને અસામાન્ય કક્ષાના સાક્ષર પ્રસ્થાપિત થઈ ચૂકેલા. વીસમી સદીની અધવચ્ચે, એલિયટને નૉબેલ પારિતોષિક એનાયત થયેલું અને સાહિત્યજગતમાં મોટા ભાગનાઓનું મંતવ્ય હતું કે હેનરી જેમ્સને પણ આ પારિતોષિક એનાયત થવું જોઈતું હતું.
ઓગણીસમી સદી વેળા, મુઠ્ઠી ઊંચેરા અનુભવાતીત અને ગહન ચિંતક રાલ્ફ વાલ્ડૉ એમરસને અમેરિકી લેખકોને સ્વાશ્રયી બનવા પડકાર ફેંકેલો અને કહેલું કે તે સૌએ મૂળ વતનની ભૂમિ પર આધારિત સાંકળ તોડીફોડી કાઢવી જરૂરી છે. એમણે તે દરેકને સ્વતંત્ર બનવા હાકલ કરેલી અને સ્વીકૃતિ માટે ઇંગ્લૅન્ડ તેમ જ યુરોપ ભણી નજર નહીં નાખવા જણાવ્યું હતું. વળી, એમણે સૌને ચાનક આપતાં કહેલું કે ‘પોતાની ભૂમિના મબલખ જીવન’માંથી જ તેમણે પ્રેરણા લેવાની રાખવી જોઈએ. અને પછી એમણે વધુમાં કહ્યું : ‘આપણી સ્વતંત્રતાનો દિવસ, હવે, નજીકમાં ઢૂંકાઈ રહ્યો છે; બીજા મુલક પાસેથી શીખવાની આપણી લાંબી ઉમેદવારીનો દિવસ, હવે, નજીકમાં આથમી જવાનો છે. આપણી ચોપાસ જીવનના ધબકારમાં ધસી રહેલા લાખ્ખો લોકો છે તેમને વિદેશી ધરતીનાં ઉત્પન્નમાંથી હંમેશાં આપણે ભાણું ધરી શકવાનાં નથી. અવસરો, ઉદ્દભવતાં કૃત્યો અંગે ગીતો ગવાવાં જોઈએ, અને તે ખુદ પોતે રણકી ઊઠશે … તેને સારુ સર્જનાત્મક આચરણ હોવું જોઈએ, તેમ સર્જનાત્મક કૃત્યો હોવાં પડવાનાં છે અને સર્જનાત્મક શબ્દો પડવા જોઈએ … અને આ છે માનસપટેથી સ્વયંસ્ફૂર્ત ઉછળી આવતી, સૂચક પ્રણાલિકાઓ અથવા પ્રમાણભૂત આધારોને પેલે પારવાળી પોતીકી સારપ અને ન્યાયી સમજણ.’ પોતાના નવયૌવન વતનના દેશબાંધવોને ઉદ્દેશીને એમરસન આહ્વાન કરે છે : ‘તમારા ખુદ પર જ મદાર રાખજો; ક્યારે ય કોઈની નકલ કરશો નહીં. દરેક પળે તમે તમારી જાતને, સમગ્ર જીવનના ખેડાણમાંથી, ઉત્તરોત્તર વર્ધિત, જોમપૂર્વક ભેટ સોગાદ ધરી શકશો … ’
વૉલ્ટ વ્હીટમેન, હેનરી ડેવિડ થૉરૉ કે પછી એમિલી ડિકીન્સન જેવાં જેવાં અમેરિકી લેખકોને લેખક અથવા કવિ તરીકેની ગણના સારુ ઇંગ્લૅન્ડનાં કોઈ પ્રમાણપત્રની જરૂર નહોતી. ખરેખાત, એમરસને તો વ્હીટમેનના ‘લીવ્ઝ અૉવ્ ગ્રાસ’ નામક કાવ્યસંગ્રહને વધાવતાં કહેલું, ‘અમેરિકાએ હજુ સુધી આપેલાં સઘળાં સર્જનોમાં સૌથી વિશેષ કલ્પનાતીત બુદ્ધિચાતુરી તેમ જ ડહાપણવાળું આ કામ થયું છે. જેમ મહા શક્તિવાન આપણને સુખી કરે છે, તેમ તે વાંચતા મને ભારે આનંદ આવ્યો છે.’ અને આમ વ્હીટમેન પ્રમાણભૂત અમેરિકી કવિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા.
ગુજરાતી એન.આર.આઈ.એ વારસાની ભૂમિ ભણી નજર દોડાવવાનું છાંડવું જોઈએ : ઉત્તર અમેરિકાના ગુજરાતી લેખકોએ હવે અવસ્થાવાન બનવું જોઈએ અને પોતા પર જ આધાર રાખવો જોઈએ. પોતાના મૂળ વતનનાં કોઈક પ્રમાણપત્રની તેમણે આશા અપેક્ષા રાખવી નહીં જોઈએ કેમ કે તેવાં તેવાં ઉછીનાં સઘળાં પ્રમાણપત્રોની કિંમત સહજ સ્વાભાવિક કોડીની પણ ઠરતી નથી. તેમની અહીંની સાહિત્યિક પ્રવૃત્તિઓની સરાહના મેળવવા સબબ ભારત ભણી સતત ગોઠવાયેલી તેમની નજર ઊઠાવી લઈ, તેમણે તેમની આ સાહિત્યિક સાંકળ તોડી કાઢવી જોઈએ. તેમના આ વસવાટી જીવનમાં જાતભાતની રસિક વાતો ભરી પડી છે. તે વિશેનાં લખાણો તેમણે કરવાં જોઈએ. આ બધા અનુભવોને બોલતા કરવા જોઈએ. ભારતી મુખરજી અને જુમ્પા લાહિડી સરીખાં લેખકોએ આવું આવું કરતાં રહીને જ પોતાની મુદ્રા ઉપસાવી જાણી છે. પોતાની આસપાસના જગતથી આપણો ગુજરાતી એન.આર.આઈ. લેખકગણ કેમ આંખ મીચી બેઠો છે ? મહેરબાની મેળવવા આજીજી કરતો હોય તેમ તે દૂરના મુલક ભણી કેમ ગોઠવાયો છે ?
સાહિત્યિક સંસ્થાઓએ તેમ જ અકાદમીઓએ અહીંનાં વાતાવરણને સાનુકૂળ સાહિત્યલેખન થાય તે માટે સક્રિયપણે લાગી પડવું જોઈએ. અહીંના વાતાવરણને ધ્યાનમાં લઈને પુસ્તક પ્રકાશનનાં તેમ જ સામિયક પ્રગટ કરવાંનાં કામ હાથ લેવાં જોઈએ. વતનથી લેખકો તેમ જ કવિઓને જંગી ખરચ કરીને મહેમાન તરીકે તેડાવવાને ઠેકાણે, તેમણે જેમનો અવાજ ક્યાં ય સંભળાતો નથી તેવાં તેવાં સ્થાનિક ગુજરાતી લેખકો અને કવિઓની સભાબેઠકો રાષ્ટૃીય સ્તરે ભરવી જોઈએ. તદુપરાંત, અહીં સર્જાતાં ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખવાનું ગુજરાતી લેખકોએ અને સાહિત્યિક સંસ્થાઓએ કામ કરવું રહે છે. બે સદી પહેલાં, એમરસને જે પ્રકારે અમેરિકી સાહિત્યનો ઓચ્છવ કરી જાણેલો, તેવી જ રીતે, ચાલો, આપણે ય આપણાં વાતાવરણની છાપવાળાં અમેરિકી ગુજરાતી સાહિત્યને વધાવી જાણીએ.
14625, Stonewall Drive, SILVER SPRING,MD 20905, U.S.A.
(સૌજન્ય : “ઓપિનિયન”, 26 નવેમ્બર 2010)
* * * * *
સાહિત્યસર્જન પ્રવૃત્તિ મહદ્દ અંશે કોઈ ફતવા કે આદેશને અનુલક્ષીને હાથ નથી ધરાતી – હરીશ ત્રિવેદી
નટવરભાઈ ગાંધીના ‘Gujarati Diaspora Writing – A Call for Independence’ (ગુજરાતી ડાયસ્પોરા લેખન – સ્વતંત્રતાની હાકલ) લેખ વિશે થોડું વિચારમંથન રજૂ કરું છું.
પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્ય વિશે વોશિન્ગટન (ડી.સી.) વસતાં નટવરભાઈ ગાંધીનો એક વિચારપ્રેરક લેખ થોડા વખત પહેલા એક અમેરિકન પાક્ષિકમાં ‘Gujarati Diaspora Writing – A Call for Independence’ નામે છપાયો હતો. આ લેખમા તેમણે પરદેશ વસતા ગુજરાતી લેખક, પરદેશ સર્જિત ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય અકાદમી ઓવ નોર્થ અમેરિકા વિશે તેમના અભિપ્રાય જણાવ્યા છે. મને આ લેખની નકલ એક મિત્રે મોકલાવી હતી.
નટવરભાઈ માને છે કે પરદેશમાં વસતા અને ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતી સાહિત્યકારો ગુજરાતમાં વસતા વિવેચકો અને સાહિત્યકારો તેમનાં સર્જનની માત્ર નોંધ નહીં પણ વખાણ પણ કરે તેવુ ઈચ્છે છે. નટવરભાઈ આ ગુજરાતી સાહિત્યકારોને તેમના અમેરિકી અનુભવોની અનુભૂતિ કરાવે તેવું સાહિત્ય સર્જવાનું સૂચવે છે અને તે પડકારના સમર્થનમાં ૧૯મી સદીના અમેરિકી સાહિત્યકાર રાલ્ફ વાલ્ડો ઇમરઝન/ઇમરસન(?)ને – (જન્મ મે ૨૫, ૧૮૦૩ અવસાન એપ્રિલ ૨૭, ૧૮૮૨) ટાંક્યા છે.
નટવરભાઈએ આ લેખ દ્વારા આપણા સૌને તે વિશે વિવેચન તથા ચર્ચા વિચારવાની તક આપી છે. તેનો લાભ લેવા હું થોડો લલચાયો છું. વર્ષો પહેલાં નટવરભાઈ સાથે એક પરિસંવાદમાં ભાગ લેવાનો મને લ્હાવો મળ્યો હતો અને ત્યાર બાદ, તેમના વિશે અનેક વખત વર્તમાન પત્રોમાં અને મિત્રો દ્વારા તેમની વ્યવસાયાત્મક પ્રવૃત્તિની સિદ્ધિઓ તેમ જ ગુજરાતી સાહિત્ય સેવાના સમાચાર મેં આનંદપૂર્વક માણ્યા છે.
પરદેશમા જે કાંઈ ગુજરાતી ભાષામાં લખાય છે તે બધું જ ગુજરાતી સાહિત્ય છે તેમ માનવું મારા મતે ભૂલ ભરેલું છે અને વળી તે જુદો વિષય છે. પણ નટવરભાઈએ જાણે તેમના લેખની એક પીંછીથી અમેરિકામાં વસતા દરેક ગુજરાતી લેખક ગુજરાતના વિવેચકો / સાહિત્યકારોના આવકારની, આશીર્વચનોની, વખાણની ખેવના રાખે છે, તેવું ચિત્ર રજૂ કર્યુ છે. અંગ્રેજી ભાષામાં લખાયલા અને રંગાયેલા આ લેખથી સામાન્ય રીતે ઘણાં પ્રભાવિત થાય તે શક્ય છે. પણ આ ચિત્રને વાસ્તવિકતાથી કાંઈ સંબંધ નથી તેવો મારો નમ્ર અભિપ્રાય છે. ‘ગુજરાતી ડાયસ્પોરા લેખન – સ્વતંત્રતાની હાકલ’ (Gujarati Diaspora Writing — A Call for Independence) નામક અા લેખ દ્વારા, નટવરભાઈનો ઉદ્દેશ કદાચ જૂનો હિસાબ વસૂલ કરવાનો હોય તેવું અનુમાન કરી શકાય. પણ તે બાબતની ચર્ચાથી દૂર રહી હું નટવરભાઈએ જે થોડા મુદ્દા રજૂ કર્યા છે, તે વિશે મારો અભિપ્રાય સાદર કરું છું.
દર વર્ષે અમેરિકા આવતા ગુજરાતી સાહિત્યકારોની નટવરભાઈ ‘quacks of all sorts’ કહી હાંસી ઉડાવે છે. અમેરિકા આવતા ગુજરાતી સાહિત્યકારો શું આમંત્રણ સિવાય આવી પહોચતા હશે? ના, ના તેવું નથી. ગુજરાતી સાહિત્યપ્રેમી અને સાહિત્યિક સંસ્થાઓના આમંત્રણથી આ સાહિત્યકારો અને સાધુ-સંતો આવે છે. ઘણાં તેમનાં દર્શનથી ’પાવન’ થાય છે, ઘણાં આ આમંત્રિતો સાથે બેસી ભોજન-પીણાં કરી નિજ નિજની સાહિત્ય અભિરુચિની અને જાણકારીની જાણે જાહેરાત કરે છે. વરસ દહાડો ચાલે તેવો સાહિત્ય અને સંસ્કૃિતનો જાણે ’બુસ્ટર શોટ’ લે છે. આ બધું કાંઈ ખોટું નથી. મિયાં બીબી રાજી …નો નિયમ યાદ છે ને? જો કે આ પ્રકાશનના વાંચકોને કશું યાદ કરાવવાની જરૂર નથી.
હવે નટવરભાઈએ ચર્ચેલા વિષયો વિશે થોડુંક : સંસ્કૃિત સંબંધે નટવરભાઈ લખે છે કે ‘Once on American soil, our culture is no longer in the environment. We have to make a special effort to recreate it’. (એક વાર અમેરિકી ભૂમિ પર અાવી રહ્યા, કે અાપણી સંસ્કૃિત નવા વાતાવરણનો ભાગ હોય તેમ અનુભવવા મળતું જ નથી. અાથી અાપણે તેના પુન: સર્જન માટે લાગી પડીએ છીએ.)
આ વિધાનના સંદર્ભમા મારે કહેવું જોઈએ કે one cannot ‘recreate’ culture. Culture is not a piece of clay that one can mold and remold in various shapes and sizes. Culture is not static. It is in a constant state of evolution.
સંસ્કૃિત શાશ્વત નથી, સંસ્કૃિત સ્થાઈ નથી. ઇતિહાસના પ્રવાહો, ઐતિહાસિક બનાવો, રાજકારણની આંટીઘૂટી, ભાષા-સમૃદ્ધિ ધાર્મિક વિચારો, કળા-કારીગીરી, સામાજિક રીતરિવાજો જેમ બદલાય તેમ માનવ અનુભૂતિ પણ બદલાય છે, બદલાયા કરે છે. અને પરિણામે આપણે જેને સંસ્કૃિત કહીએ છીએ, તે સંસ્કૃિતને અને મહાભારતના યુદ્ધ સમયની સંસ્કૃિત સાથે કશું સામ્ય નથી.
પરદેશમાં વસતો ગુજરાતી લેખક કે લેખિકા જો સંપૂર્ણપણે તે દેશના સામાજિક જીવનમાં ઓતપ્રોત ન થાય અને ફક્ત ગુજરાતી સમાજ જીવનમાં જ વ્યસ્ત રહે, દેશને યાદ કરી કરી ઝુરાયા કરે, ગુજરાતી પાક્ષિક, દૈનિક કે સામાયિક, ગુજરાતી નવલકથા-નવલિકા, કાવ્યો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કટારો કે કતારો સિવાય જે દેશમાં વસતા હોય તે દેશના સમાજ-સાહિત્યના પ્રવાહોથી અળગા રહે – ટૂંકમાં પરદેશી સામાજિક જીવનથી અલિપ્ત રહે તો તેમનાં સર્જનમાં પરદેશની વિશિષ્ઠ અનૂભૂતિની નટવરભાઈ જે આપેક્ષા રાખે છે તેનું પ્રતિબીંબ જોવા નહિ મળે. આવા લેખકો/લેખિકાઓને ઇમરસન/ઇમર્ઝન(?)ના અવતરણોથી ટાંકતાં ટાંકતાં કદાચ નટવરભાઈ થાકશે, પણ તે જે ચાહે છે તેવું ગુજરાતી સાહિત્ય પરદેશમાં વસતાં સાહિત્યકારો સર્જી નહિ શકે. બીજું ઇમરઝનના જમાનામાં જ તેમના આદેશની અવગણના પણ થઈ હતી. સાહિત્યકારો જે લખે – સર્જે તે એક સ્વતંત્ર પ્રક્રિયા છે. સાહિત્યસર્જન પ્રવૃત્તિ મહદ્ અંશે કોઈ ફતવા કે આદેશને અનુલક્ષીને હાથ નથી ધરાતી.
પણ જ્યારે જ્યારે પરદેશના સમાજજીવનના પ્રવાહો સાહિત્યકારોને વિશિષ્ઠ રીતે સ્પર્શી જાય છે, ત્યારે જરૂર તે અનુભૂતિનાં દર્શન તેમની કૃિતમાં જોવા મળે છે. ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં એક યુવતીની હત્યાના સમાચારના પ્રત્યાઘાત આદિલ મન્સૂરીના એક કાવ્યમાં જોવા મળે છે. પરદેશમાં વસતા ભારતીય કવિની કવિતાનો એક સંગ્રહ Poetry : India ડેટનના ‘ઇન્ડીઆ ફાઉન્ડેશન’ના ઉપક્રમે ૧૯૮૯મા પ્રસિદ્ધ થયો હતો. તેમાં આ પ્રકારની કવિતા જોવા મળે છે. ચન્દ્રકાંત શાહ સંપાદિત ‘અમેરીકાવ્યો’માં પણ આ પ્રકારની કૃતિઓ જોવા મળે છે. આ સિવાય પણ બીજા અનેક ઉદાહરણ ટાંકી શકાય.
મધુ રાય અને પન્ના નાયક (અને બીજાં ઘણાં પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારો) વિવેચકોને રિઝવવા સાહિત્ય-સર્જન નથી કરતાં, એમ નિ:શંક કહી શકાય. પણ બધાં જ સ્વ-ખર્ચે, સ્વ-પ્રકાશિત લેખક/કવિ/નવલકથાકાર પ્રશંસાની આપેક્ષા સિવાય આ પ્રવૃત્તિ હાથ ધરે છે, તે માનવા હું તૈયાર નથી. અમેરિકા અને પશ્ચિમના દેશોમાં સ્વખર્ચે પ્રકાશન અને પ્રકાશકોને Vanity Printing તથા Vanity Publishing તરીકે ઓળખાય છે. આ ઉપરાંત છેલ્લા દાયકામાં e-publishing, self-publishing અને publishing on demandની પ્રથા પણ શરૂ થઈ છે. મુંબઈના એક ગુજરાતી પ્રકાશકે સ્વ-પ્રકાશનને ગૃહ-ઉદ્યોગમાં ફેરવી નાખ્યો છે. આ પ્રકાશક ઉત્સાહી અથવા અંગ્રેજીમાં જેને wanna be (want to be) સાહિત્યકારોને પ્રકાશન ઉપરાંત ભારોભાર વખાણથી ભરપૂર વિવેચન(?) અને પુસ્તક વિમોચનનું package deal આપે છે. આ પ્રકાશન સંસ્થાના વડીલ સંચાલક દર અઠવાડિયે એકાદબે પ્રસિદ્ધ વર્તમાનપત્ર માટે કતાર પણ લખે છે અને તે કારણે જાણે તેમને તેમનાં પ્રકાશનનાં વખાણ કરવાનો જાણે ઈજારો મળી ગયો છે. દુ:ખદ વાત એ છે કે આ વર્તમાનપત્રના તંત્રી તથા અન્ય સાહિત્યકારો/વિવેચકો આ કૌભાંડ આંખ આડા – કાન કરી નિભાવી લે છે. મને મળેલ માહિતી પ્રમાણે કોઈ wanna be સાહિત્યકારને જો રાતોરાત વિવેચનમાન્ય સાહિત્ય સર્જકનો ’ખિતાબ’ મેળવવો હોય તો તે આશરે લાખ ડોલરમા મળી શકે છે. આ બધાને નટવરભાઈ કે વિપુલભાઈ શુ કહેશે, તેની પરવા નથી. (હું આ વિષયની ચર્ચામાં આડે રસ્તે ચઢી ગયો છું, તો તે દરગૂજર કરશો. અને આ જ સંદર્ભમાં નીચે એક બીજું ઉદાહરણ આપું છું, તે નિભાવી લેશો.)
૯/૧૧ની હોનારત સમયે ન્યૂયોર્ક શહેરના સંખ્યાબંધ પોલીસ અને ફાયરમેને જાન ગુમાવ્યા અને તે વિષય પર અંગ્રેજીમાં અનેક કાવ્યો લખાયાં અને પ્રસિદ્ધ થયાં છે. આવી ત્રણ-ચાર કવિતાના ઋણસ્વિકાર સિવાયના ગુજરાતી અનુવાદ અમેરિકાસ્થિત ગુજરાતી કવિના સ્વ-ખર્ચે છપાવેલ એક કાવ્ય-સંગ્રહમાં જોવા મળ્યા છે અને આ બાબતની જાણ થયા બાદ પણ અમેરિકા તેમ જ ગુજરાતમાં વસતાં વિવેચકો, પત્રકારો, તંત્રી મહાશયોએ મૌન જ સેવ્યું છે. (આ વિશે ફરી ઉચિત સ્થળે વિગતથી ચર્ચા કરીશું.)
હવે ફરીથી, નટવરભાઈના લેખ વિશે થોડું વિશેષ : આ જ લેખમાં નટવરભાઈએ ગુજરાતી બ્લોગ તથા ઈન્ટરનેટ, ગુજરાતી ભાષાની ગતિ અધોગતિ, ગુજરાતી વિવેચન સાહિત્યની સ્થિતિ-પરિસ્થિતિ, ગુજરાતી વર્તમાન પત્રોમાં ગુજરાતી સાહિત્ય વિવેચનની ઉણપ અને સ્વ-ખર્ચે સ્વ-પ્રકાશિત સાહિત્ય વિશે બહુ જરૂરી અને સમયસર કહી શકાય, તેવો આક્રોશ દર્શાવ્યો છે. તે ઉચિત જ છે.
વિશેષમાં, ગુજરાતીમાં – ખાસ કરીને વર્તમાનપત્રોમાં વપરાતી/લખાતી ગુજરાતી ભાષામાં વપરાતા અંગ્રેજી શબ્દો, પરદેશી ભાષાના શબ્દોના ઉચ્ચાર, પરદેશ પ્રવાસ બાદ આમંત્રિત સાહિત્યકારે લખેલા પ્રવાસ વર્ણનો અને છેલ્લે પરદેશમાં વસતા અને પરદેશમાં સર્જાતાં ગુજરાતી સાહિત્ય અને તેના આનુષંગિક વિષય પર અર્થપૂર્ણ અને ગંભીર ચર્ચા-વિચારણા અને મનન ચિન્તનની જરૂર છે. એટલું જ નહિ પણ તે બાબત તાત્કાલીક શ્રદ્ધાશીલ પ્રયત્ન થાય તેવી આશા સેવીએ છે.
ગુજરાતી સિવાય અન્ય ભાષામા જે ભારતીય સાહિત્યકારો લખે છે અને ખાસ કરીને ડાયાસ્પોરા અંગ્રેજી સાહિત્યમાં પણ અમેરિકાના વસવાટની વિશિષ્ટ અનુભૂતિનાં દર્શન નથી થતાં.
ઉદાહરણ તરીકે મનીલ સુરી, જુમ્પા લહેરી, સંજય નિગમ, અરુન્ધતી મુખરજી દિવાકરુણી અને બીજા ઘણાં સાહિત્યકારોનો ઉલ્લેખ થઈ શકે.
The Glass Palace: A Novel <http://www.amazon.com/Glass-Palace-Novel-Amitav-Ghosh/dp/0375758771/ref=cm_lmf_tit_23> by Amitav Ghosh, The God of Small Things <http://www.amazon.com/God-Small-Things-Arundhati-Roy/dp/0060977493/ref=cm_lmf_tit_20> by Arundhati Roy, Bombay Time: A Novel <http://www.amazon.com/Bombay-Time-Novel-Thrity-Umrigar/dp/0312277164/ref=cm_lmf_tit_13> by Thrity Umrigar, Difficult Daughters: A Novel <http://www.amazon.com/Difficult-Daughters-Novel-Manju-Kapur/dp/0571196349/ref=cm_lmf_tit_11> by Manju Kapur and many other writers write about the experiences and emotions, the sights and sounds that have touched them the most – and that is from their home towns and environs in India.
Ms. Roy <http://en.wikipedia.org/wiki/Arundhati_Roy> and other such writers have show a direction towards contextuality and rootedness in their works. Arundhati Roy’s award winning book is set in the immensely physical landscape of Kerala <http://en.wikipedia.org/wiki/Kerala> . David Davidar sets his The House of Blue Mangoes <http://en.wikipedia.org/w/index.php?title=The_House_of_Blue_Mangoes&action=edit&redlink=1> in Southern Tamil Nadu <http://en.wikipedia.org/wiki/Tamil_Nadu> . In both the books, geography and politics are integral to the narrative. In his novel Lament of Mohini (2000), Shreekumar Varma <http://en.wikipedia.org/wiki/Shreekumar_Varma> touches upon the unique matriarchal system and the sammandham system of marriage as he writes about the Namboodiris and the aristocrats of Kerala.
આ સંદર્ભમાં વિગતથી અને માહિતીસભર ચર્ચા-વિચારણા The Expatriate: Indian Writing in English (In 3 Volumes), Author(s) : T. Vinoda (ed.) <http://www.bagchee.com/en/search/results?module=books&author_name=T.+Vinoda+%28ed.%29> , P. Shailaja (ed.) <http://www.bagchee.com/en/search/results?module=books&author_name=P.+Shailaja+%28ed.%29> વાંચવા મળશે.
* * * * *
ડૉ. નટવરભાઇ ગાંધીના Gujarati Diaspora Writing – A Call for Independence લેખની મેં અંગ્રેજીમાં વિગતે ચર્ચા કરી છે. તે જિજ્ઞાસુઓને મારા બ્લોગ પર વાંચવા મળશે.
બ્લોગની અાઈડી અા મુજબ છે : –
http://harishtrivedi.blogspot.com/2010/08/natwar-gandhi-on-gujarati-diaspora_34.html
− હરીશ ત્રિવેદી, ડેટન, ઓહાયો, યુ.એસ. એ. © 2010
સૌજન્ય : “ઓપિનિયન”, 26 નવેમ્બર 2010, પૃ. 04-05