એક વિહંગાવલોકન :
– વિપુલ કલ્યાણી
ગુજરાતી સાહિત્ય અકાદમીના અસ્તિત્વને 46 સાલ થયા; ખરેખર ! … કોણ માનશે ? અકાદમીની ચાળીસી ટાંકણે, એક લેખ કરેલો. તેમાંથી લીધા આ ફકરાઓથી જ આદર કરીએ :
આ ચાર દાયકાના પટનો વિસ્તાર જેમ જેમ સ્મરણપટે ફિલ્માયા કરે છે, તેમ તેમ કેટકેટલાં સ્મરણો ને અવસરોનો ગંજ ખડકાતો અનુભવાય છે.
ગુજરાતી જબાનમાં આ દેશે લખનારાં કેટકેટલાં નામો સાંભરી આવે છે. કવિતાઓ કરતાં કવિમિત્રો, વાર્તા લખતાં વાર્તાકારોનું એક જૂથ હતું. માસિકી બેઠકોનો એ સિલસિલો હતો. આદાનપ્રદાન તેમ જ ભોજનવાળી મિજલસ બેસતી, જામતી. ‘ગુજરાતી પ્રકાશન લિમિટેડ’ની કેડીએ, ‘ગુજરાતી સાહિત્ય મંડળ’, અને પછી તેની પછીતે, 12 ફેબ્રુઆરી 1977ની એક સુભગ ઘડીએ, આપણી આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો શુભારંભ.
કાન્તિ નાગડા, કુસુમબહેન શાહ, ટી.પી. સૂચક, ડાહ્યાભાઈ પટેલ, પંકજ વોરા, પોપટલાલ જરીવાળા, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, નિરંજના દેસાઈ, યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી, હીરાલાલ શાહ − શાં અનેક અગ્રસૂરિઓએ અકાદમીનું સુપેરે ઘડતર ને ચણતર કરેલું છે.
… પછી, અકાદમીનો વ્યાપ વધતો ગયો, ફાલતો રહ્યો, ફૂલતો રહ્યો. સાહિત્ય સર્જન ઉપરાંત ગુજરાતી ભાષા સંવર્ધન તેમ જ વિવિધ લલિત કળાઓ સમેતનો સાંસ્કૃતિક વારસો અકાદમીના કાર્યવ્યાપમાં સમાવેશ થયો. આ લંબાયા પટે અકાદમીએ નવ ભાષા-સાહિત્ય પરિષદો આપી. અનેક સ્તરે પાંચસો ઉપરાંત ગુજરાતી શિક્ષકોને તાલીમબદ્ધ કર્યાં. ગુજરાતી ભાષાશિક્ષણને સારુ અભ્યાસક્રમ ઘડીને આપ્યો. પાઠ્યપુસ્તકો તૈયાર કરાયાં. અઢાર અઢાર સાલ સુધી સ્વાયત્તતાથી સ્વતંત્ર પરીક્ષાતંત્ર ચલાવ્યું. દર સાલ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેની પરીક્ષાઓમાં બેસતાં. અને તેની ક્ષિતિજ યુરોપ ઉપરાંત આફ્રિકે તેમ જ એક દા મુંબઈને સીમાડે અડતી. પ્રકાશનો કર્યાં. “અસ્મિતા”ના જાજરમાન આઠ અંકો દીધા, જેની સામગ્રી તળ ગુજરાતે પણ લાંબા અરસા લગી કામમાં આવે તેવી છે.
આ સમો પણ કેવા પોરસનો હતો. ઉત્તર ઇંગ્લૅન્ડે ગઝલને પકડીને આશરે 1968થી ગુંજારવ આરંભાયેલો અને લંડનમાં “ગુજરાત સમાચાર”નું પાક્ષિકીકરણ થયું. તેની જોડાજોડ “ગરવી ગુજરાત”નો પડઘમ વાગતો થયો. અને ઉત્તરે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ’ રચના થઈ. આ મુલકમાં આપણી નવીસવી વસાહતનો તે હણહણતો સમયકાળ.
* * *
‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના અનિયતકાલીન “અસ્મિતા”ના સન 1996માં પ્રગટ થયેલા આઠમા અંકમાં, ‘ભાનુશંકર ઓધવજી વ્યાસ નગર પાંચમી ભાષા-સાહિત્ય પરિષદ : એક અવલોકન’ નામક હેવાલ પ્રસિદ્ધ થયો છે, તેમાંથી આ એક અવતરણ ઉદ્ધૃત લઈએ :
પ્રાધ્યાપક ભીખુભાઈ પારેખ પરિષદના અધ્યક્ષપદેથી કહેતા હતા, ‘જે દેશ પાસે સાહિત્ય નથી એની પાસે કોઈ યાદશક્તિ નથી. અને યાદશક્તિ વગર ભૂતકાળ નથી. ભૂતકાળના અનુભવ વગર વર્તમાન અને ભવિષ્યની યોજના કેવી રીતે કરી શકાય ? એવો સવાલ પેશ કરીને આ વિચારશીલ શિક્ષણશાસ્ત્રીએ પરદેશે વસેલી ગુજરાતી વસાહતે પોતાનું સાહિત્ય રચ્યું નથી, એનો રંજ વ્યક્ત કર્યો હતો. આપણા અનુભવો, આપણી વેદનાઓ, આપણાં સ્વપ્નાંઓ, આપણી રોજ-બ-રોજની સમસ્યાઓને વાચા આપતું સર્જન કરવા સાહિત્યકારોને એમણે અનુરોધ કર્યો હતો. આવા સાહિત્યમાં નવા શબ્દો, નવા સંવેદનો, નવી ભાષાનું જોમ આવવાં જોઈએ. આવી યાદશક્તિથી જ આપણી એકતા બની શકશે, એવો સૂર એમણે વ્યક્ત કર્યો હતો.’
ડાયસ્પોરિક સાહિત્ય, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય અંગે ભીખુભાઈના વિચારો, એમનું ચિંતન ઊંડું છે અને તેની પાયાગત સુદૃઢ રજૂઆત આ પહેલા આપી છે. જ્યારે બક્ષીનું લખાણ હાથવગું ન હોઈ તેને સરખામણી સારુ અહીં લઈ ન શકવાનો રંજ છે.
વારુ, ભીખુ પારેખની એ ભાષા-સાહિત્ય પરિષદમાં સન 1994ની રજૂઆતની પૂંઠે, એક પા, ગુજરાતી સાહિત્ય અકાદમીએ, અને બીજી પા, “ઓપિનિયન” સામયિકે આ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની બાબતને પોતાના પાયાગત મુદ્દામાં સક્રિયપણે વણી લીધી છે, તેમ જ તેના મશાલચી બનીને સતત કાર્યપ્રવૃત્ત રહેવાનું રાખ્યું છે.
‘ગુજરાત રાજ્ય બિન-નિવાસી પ્રતિષ્ઠાન’ માટે ગુજરાતી ડાયસ્પોરાની કેટલીક ચૂંટેલી વાર્તાઓ અને કવિતાઓનું એક સંપાદનકામ મિત્ર દીપક બારડોલીકર જોડે કરવાની તક સાંપડેલી. એ સંપાદનમાં આ ગુજરાતી ડાયસ્પોરાની પ્રમાણમાં સારી વ્યાખ્યા બાંધવામાં આવી છે. આ સમૂળું લખાણ, અલબત્ત, દીપક સાહેબનું જ વળી :
‘ગુજરાતી ડાયસ્પોરા, યાને ગુજરાત બહારના ગુજરાતી સમાજો, આજે આફ્રિકાથી લઈને અમેરિકા સુધીના અનેક નાનામોટા દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. આ સમાજો તે ગુજરાતી પ્રજાના છે, જે ક્યાં તો અર્થોપાર્જન ખાતર યા માફકસરની નહીં એવી રાજકીય પરિસ્થિતિ તથા વિપરીત સંજોગોને કારણે દેશવટો કરી ગયા હતા યા ઉખેડાઈને બીજા અને ત્યાંથી ત્રીજા દેશોમાં ફેંકાઈ ગયા હતા. આજે એમની મોટી વસ્તી બ્રિટન, અમેરિકા, પાકિસ્તાન, ઑસ્ટેૃલિયા તથા આફ્રિકી દેશોમાં આવેલી છે.
‘આમ તો છે એ ગુજરાતી ડાયસ્પોરા, પરંતુ તેમનું કોઈ એક ચોક્કસ રૂપસ્વરૂપ નથી. દેશે દેશે તથા ધર્મભેદે તેમની ભાત કંઈક નોખીનોખી જોવા મળે છે. આ સમાજોને એક તરફ પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા યા એમ કહો કે તેને રક્ષવા માટે ભારે મથામણ કરવી પડી રહી હોવાનું જોઈ શકાય છે, તો બીજી તરફ તેમને સ્થાનિક પ્રવાહો સાથે પણ કદમ મિલાવવા આવશ્યક હોય છે. આ સમાજોને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રંગભેદ, સેક્સ, શરાબ, લૂંટ તથા અન્ય સામાજિક બદીઓના નિરંકુશ થપેડાઓનો પણ સામનો કરવો પડતો હોય છે, જે અનેક પ્રશ્નો ઊભા કરી જાય છે. આવી વિષમતા વચ્ચે પોતાની મૂળ ઓળખ યાને ગુજરાતીતા જાળવવા-રક્ષવાનું સહેલું હોઈ શકે નહીં. આમ માહોલ, પરિસ્થિતિ અને સંજોગોના કઠોર પ્રવાહોની પ્રબળ અસરો હેઠળ તેમના વિભિન્ન ઘાટો ઘડાતા જઈ રહ્યા છે. ગઈ કાલે જે રંગ હતો તે કદાચ આજે ન પણ મળે. રીતભાત, ખાનપાન, ભાષા વગેરેમાં પણ ફેરફારો દૃશ્યમાન થઈ રહ્યા છે.
‘વિદેશોમાં આપણા સાહિત્યકારો જે-તે દેશોમાંના ગુજરાતી ડાયસ્પોરાના જ સભ્યો છે. પોતાના સમાજ, માહોલ, પરિસ્થિતિ અને સંઘર્ષની નીપજ સમાં અવનવાં અનુભવો, અસરો તેમને આગવી રીતે વિચારતા અને લખતા કરે એ સ્વાભાવિક છે. આજે અમેરિકા, બ્રિટન વગેરે દેશોમાં જે ગુજરાતી સાહિત્ય સર્જાઈ રહ્યું છે તેની અંદર ત્યાંના ગુજરાતી સમાજોના, તેમના માહોલના પ્રશ્નોની ચર્ચા હોઈ શકે છે. ધબકાર પણ એ જ ધરતીનો હોવાનો. ઉડાનને તથા કલાતત્ત્વને લાગેવળગે છે ત્યાં સુધી કહી શકાય કે એનો સંબંધ અભ્યાસ અને સાધના સાથે હોય છે. અને એવી એંધાણી આપણા આ સાહિત્યકારોની કૃતિઓમાં અવશ્ય મળે છે. તેઓ કંઈક નોખી ઢબે, કંઈક નોખી વાત કરે છે. ભાષાની છાંટ પણ નોખી છે.
‘આ વિદેશવાસી ગુજરાતી લેખકોએ ઘણું લખ્યું છે, લખી રહ્યા છે. વાર્તા, લેખ, નિબંધ, નાટક, વિવેચન, પ્રવાસવર્ણન બધું તેમની કલમને સાધ્ય છે. તેમના પ્રામાણિક પ્રયાસોથી આજે વિદેશોમાં ગુજરાતી ભાષાઓના દરિયા ઘૂઘવાટા મારી રહ્યા છે ત્યાં ગુજરાતી ભાષાના ડાયરા પણ ઠાઠથી જામી રહ્યા છે. ગુજરાતી ગીત-ગઝલ તથા સંગીતની મહેફીલો પણ યોજાઈ રહી છે અને નાટકોના પડદાયે ઊંચકાઈ રહ્યા છે. આ આ કંઈ નાનીસૂની વાત નથી. એક નોંધપાત્ર ઐતિહાસિક ઘટના છે.’
* * *
વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.
અકાદમીએ અભ્યાસક્રમ ઘડી આપ્યો. પાઠ્યક્રમની સગવડ કરી આપી. તેને આધારે પાંચ સ્તરનું ભાષાશિક્ષણનું કામ આદરાયું. પાઠ્યપુસ્તકો થયાં. અઢારઅઢાર વરસો સુધી સર્વત્ર પરીક્ષાઓનું આયોજન કરાયું. શિક્ષણકામની સરળતાને ધ્યાનમાં રાખી, વિલાયતની તાસીર અનુસાર, શિક્ષક તાલીમની જોગવાઈ કરવામાં આવી. આશરે પાંચસોક શિક્ષકોને તાલીમબદ્ધ કરાયાં અને તે ય વિલાયતને ખૂણે ખૂણે. એક સમે એકાદ લાખ બાળકો અહીં ગુજરાતીનું શિક્ષણ લઈ રહ્યાં હતાં.
બ્રિટનના એક અવ્વલ ગુજરાતી શિક્ષિકા અને અકાદમીનાં સહમંત્રી વિજ્યાબહેન ભંડેરીના કહેવા મુજબ, બ્રિટનનાં બિન ગુજરાતી પાશ્ચાત્ય વાતાવરણમાં ઉછરતાં, ગુજરાતી ભાષા અને સાહિત્યથી અપરિચિત રહેતાં આપણાં ગુજરાતી બાળકો તેમ જ, આ બાળકોને ભાષા શીખવતાં શિક્ષકોને કેન્દ્રસ્થાને રાખીને, આશરે ૧૯૮૩માં, અકાદમીને પરીક્ષાઓની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. આથી, દિવંગત પોપટલાલ જરીવાળાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ, ૧૯૮૪માં અકાદમીના અભ્યાસક્રમની રચના કરવામાં આવી. આ અભ્યાસક્રમને આધારે, બ્રિટનના માહોલને ધ્યાનમાં રાખીને, ગુજરાતી ભાષા શિક્ષણમાં એકસૂત્રતા સ્થાપવા માટે, પોપટભાઇની આગેવાની હેઠળ, જગદીશભાઈ દવેએ પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી સંભાળી. ૧૯૮૬માં, ચાર ધોરણે પાઠ્ય-પુસ્તકોની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. ત્યારબાદ, પુસ્તકોની માંગ વધતાં બીજી બે આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી. આ પાઠ્ય‑પુસ્તકોનો, બ્રિટનમાં ગુજરાતી શીખવતી કેટલી ય ઐચ્છિક શાળાઓ વર્ષોથી ઉપયોગ કરે છે. પાઠ્ય-પુસ્તકોનાં પ્રકાશનમાં, મધ્ય ઇંગ્લૅન્ડમાં આવ્યા વેલિંગબરૉસ્થિત ‘બીદ એન્ટરપ્રાઇસ’ના ભીખુભાઈ શાહ અને સ્વર્ગીય શાંતિભાઈ શાહ તેમ જ, મુંબઈના ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ જ સાથ અને સહકાર કેટલાં ય વર્ષો સુધી મળતો રહ્યો.
ઇતિહાસ સાહેદી પૂરે છે કે બ્રિટનમાં સન 1964થી ગુજરાતી શિક્ષણ અપાવું શરૂ થયેલું અને તેનો યશ લેસ્ટર શહેરને ફાળે છે; પરિણામે ‘ઇન્ડિયન એજ્યકેશન સોસાયટી’ તેને સારુ મગરૂબી અનુભવે તે તદ્દન સ્વાભાવિક છે. એ દિવસોમાં આ સંસ્થા હેઠળ મોટા કદની પાંચપાંચ નિશાળોમાં ભરચક્કપણે દર સપ્તાહઅંતે ગુજરાતીનું શિક્ષણ અપાતું.
યુનાઇટેડ કિંગ્ડમના મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતી શીખવવાના વર્ગો ધમધમતા હતા. આજે તેમાં ઓટ આવી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ અનુસાર, દરમિયાન, અહીંની અકાદમીએ પરીક્ષા લેવાનું સમેટી લેવાનું રાખ્યું. બીજી બાજુ, શનિવાર-રવિવારે ચાલતી આ ઐચ્છિક શિક્ષણ પ્રવૃત્તિઓ સારુ ભાડૂતી જગ્યાઓ પણ મોંઘી થવા લાગી. બાકી હતું તો ખાનગી ટ્યૂશનોનું જોર વધવા લાગ્યું. અને તેની અસરે સામૂહિક જોમ ઓસરવા માંડ્યું. પરિણામે, હવે ગણીગાંઠી જગ્યાએ ગુજરાતી શિક્ષણ અપાતું હોય તો અપાતું હોય. વિજ્યાબહેનના મત અનુસાર, બદલાતા માહોલ, ગુજરાતી શીખવા પ્રત્યે વાલીઓ તેમ જ, બાળકોની અરુચિના પરિણામે પરીક્ષાર્થીઓની ઘટતી જતી સંખ્યા, એમ કેટલાંક આનુષંગિક કારણોસર છેવટે, ૨૦૦૨માં અકાદમીને પરીક્ષાઓ સ્થગિત કરવી પડી.
* * *
આ ચોપડીમાં, વારુ, 16 સપ્ટેમ્બર 2018ના યોજાયેલા અવસરના વક્તાઓનાં વક્તવ્યો આવરી લેવાયાં છે. બે બેઠકોમાં અગિયારેક વક્તાઓ હતાં. પહેલી બેઠકનું સંચાલન નયનાબહેન પટેલે કરેલું. જ્યારે બીજી બેઠકનું સંચાલન શૂચિબહેન ભટ્ટે કર્યું હતું. વક્તાઓ હતાં : પંચમભાઈ શુક્લ, વલ્લભભાઈ નાંઢા, ભદ્રાબહેન વડગામા, ઇમ્તિયાઝભાઈ પટેલ, કૃષ્ણકાન્તભાઈ બૂચ, અહમદભાઈ લુણત ‘ગુલ’, અનિલભાઈ વ્યાસ, આશાબહેન બૂચ, વિજ્યાબહેન ભંડેરી, વ્યોમેશભાઈ જોશી તેમ જ સુષમાબહેન શેઠના. ડૉ, અદમ ટંકારવી અવસરે અતિથિ વિશેષ હતા.
અહીં મોટા ભાગના વક્તવ્યોને સ્થાન છે, બે વક્તવ્યો વિષ્યાન્તરને કારણે લઈ નથી શક્યા તેનો રંજ છે. વળી, સંપાદનકામને સારુ, પ્રકાશનકામને સારુ EnhancerOnly તેમ જ કેતનભાઈ રુપેરા ભણી અકાદમી ઓશિંગણભાવ વ્યક્ત કરે છે.
હેરૉ, 24 માર્ચ 2023
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
‘ચાલીસીએ ઓચ્છવ’ : પ્રકાશન – ‘હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ : પ્રકાશન-પ્રબંધ – એનહાન્સરઑન્લી, અમમદાવાદ : સંપાદન – કેતન રુપેરા : પ્રથમ આવૃત્તિ – ઍપ્રિલ 2023 : કિંતમત – રૂ. 200 • £ 5 : મુખ્ય વિક્રેતા – ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ – 380 009