‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વર્ષ 2016ની વાર્ષિક સામાન્ય સભા

વહાલાં અકાદમીનાં હમસફરો

ચાળીસમાં વરસમાં પ્રવેશેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 39મી વાર્ષિક સામાન્ય સભામાં, હમ સફરો, તમારું સહૃદય સ્વાગત હો.

આવો, પધારો અને ચચ્ચાર દાયકાને ઓવારે પહોંચતી અકાદમીની હયાતીને આપણે સૌ સહિયારી પોંખીએ.

રાબેતા અનુસાર, વાર્ષિક સભાની કાર્યવાહી તો પાર પાડીએ, અને સાથોસાથ આપણી વસાહતને એક પોતીકી ઢબછબે અંકે કરી જતા આપણા એક અવ્વલ આગેવાન, અધ્યાપક અને લેખક, ભીખુ પારેખની વાત સાંભળીએ અને સમજીએ. કોને ખબર છે અરસપરસ કોને કોને, કેટલો કેટલો, લાભફાયદો થશે? ભીખુભાઈ તો બ્રિટનની ઉમરાવ સભાના માનાર્હ સભ્ય પણ છે. એટલે ઓર જામશે. આપણે સૌ જાણીએ છીએ તેમ એ સારા લેખક છે અને સારા વક્તા પણ …

તમને વિદિત હશે, અસંખ્ય પુસ્તકો આપનાર ભીખુભાઈ પારેખનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ નામક પુસ્તક પ્રકાશિત થયું છે અને લેખકે જાહેર જીવનને અનુરૂપ નિબંધો ય અહીં આપ્યા છે. આ પુસ્તક વિશેની લેખકની રજૂઆત પહેલાં આપણા જાણીતા લેખક-વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી તથા વિપુલ કલ્યાણી આરંભે માંડણી કરશે.

આ ફેરે વળી કારોબારી સમિતિની ચૂંટણી પણ થનાર છે. ……  અને સામાન્ય સભામાં સૂચિપત્રક જોડે લાવવાનું ચૂકશો નહીં. આ વાર્ષિક સામાન્ય સભા માટેની સામગ્રી પણ છે. [  PDF  ] વાંચજો. વિચારજો, પણ અકાદમીને હૂંફટેકો દેવાનું ચૂકશો મા!