‘યુનેસ્કો’એ ૧૭ નવેમ્બર, ૧૯૯૯માં જાહેરાત કર્યા બાદ ૨૦૦૮માં સંયુક્ત મહાસભાએ ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૪ ‘વિશ્વ માતૃભાષા દિન’ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો. આ દિવસના ઘણા મહિના પહેલાં આ લેખ લખવાનો વિચાર કરેલો હતો પણ કોઈ ને કોઈ કારણોને લીધે તે આજે પૂરો થઈ શક્યો નહિ તેથી એક મહિના બાદ પ્રસ્તુત કરું છું.
ભાષાનું મૃત્યુ એટલે એ ભાષા બોલનાર માણસનું, સમાજનું, સંસ્કૃિતનું મૃત્યુ. ગૌણ ભાષાઓ જ્યારે નાશ પામે છે ત્યારે તેનું પરિણામ ઘણું કરુણાજનક હોય છે, જ્યારે મુખ્ય ભાષાઓના નાશથી ઘણું ઓછું નુકસાન થાય છે કારણ કે તેનું પરિવર્તન થઈ નવી ભાષાઓનો જન્મ થાય છે. દાખલા તરીકે લૅટીનનો વાપર ઘણો ઓછો થયેલો છે પણ લૅટીનમાંથી ઉત્પન્ન થયેલી ફ્રેંચ, ઇટાલિયન, સ્પૅનીશ, પોર્ચીગીઝ વગેરે. ફ્રાંસ, સ્પેઈન, ઇટલી, પોર્ચુગલ વગેરે દેશોની સમૃદ્ધ રાષ્ટ્રભાષાઓ બનેલી છે. તેવી જ રીતે સંસ્કૃતમાંથી બનેલી ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે સમૃદ્ધ ભાષાઓ આજે ભારતની મહત્ત્વની ભાષાઓ ગણાય છે. વિવિધ પ્રાંતોની ભાષાઓની અસર અન્ય ભાષાઓ ઉપર થતી રહી છે. ગુજરાતી અને મરાઠી ભાષાઓ ઉપર દ્રાવીડિયન ભાષાની અસર થયેલી છે, દાખલા તરીકે અંગ્રેજી “we” માટે ગુજરાતીમાં “આપણે” અને “અમે” અથવા મરાઠી ભાષામાં “आपण” અને “आम्ही” વપરાય છે તે દ્રવિડ ભાષાઓની અસર છે. જયારે હિન્દી ભાષામાં બંને માટે “हम” શબ્દ વપરાય છે જે સંસ્કૃત શબ્દ “વયમ” પર આધારિત છે.
ભાષાઓના મૃત્યુ વિષે ચર્ચા કરતાં પહેલાં ભાષાની આજની પરિસ્થિતિ વિષે ચર્ચા કરવી જરૂરી છે. એથ્નોલોગ નામની અમેરિકન સંસ્થાના મત પ્રમાણે દુનિયાના ૯૪% લોકો ફક્ત ૬% ભાષાઓ બોલે છે. આનો અર્થ એવો થયો કે ફક્ત ૬% લોકો બાકીની ૯૪% ભાષાઓ બોલે છે. આનું એક કારણ આધુનિક વૈજ્ઞાનિક શોધોની વિશ્વવ્યાપકતા, જેના લીધે થોડી ભાષાઓમાં વધુ અને વધુ લોકો બોલવા લાગ્યા છે. ચીનની ભાષા મેન્ડરીન બોલનારા આશરે ૮૪.૫ કરોડ લોકો, સ્પેનીશ બોલનારા બોલનારા આશરે ૩૨.૯ કરોડ લોકો, અંગ્રેજી બોલનારા આશરે ૩૨.૮ કરોડ લોકો. ભારતમાં આજે હિન્દી ભાષી ૩૬.૬ કરોડ, ગુજરાતી ભાષી ૪.૬ કરોડ લોકો છે. ૧૩૩ ભાષાઓ એવી છે કે જે ૧૦થી ઓછા લોકો બોલે છે. ૧૯૯૨ના લીધેલી ગણત્રી પ્રમાણે આજે વિશ્વમાં ૬,૦૦૦થી વધુ ભાષાઓ બોલાય છે. ‘યુનેસ્કો’ના અહેવાલ અનુસાર આ બધી વિશ્વ ભાષાઓમાંથી આશરે ૩,૦૦૦ ભાષાઓ ૧૦૦ વર્ષમાં નાશ પામેલી હશે. આજે વિચારોનું આદાન પ્રદાન કરાવનું અને સામૂહિક રીતે એકત્ર થવાનું અને રોજ બ રોજનું મુખ્ય માધ્યમ અને સ્થળ બનેલું છે તે વિશ્વજાળું (ઇન્ટરનેટ) દુનિયાની ૯૦% ભાષાઓ માટે ઉપલબ્ધ નથી! ડિસેમ્બર ૨૦૧૪માં પૂરા થનારી ભાષાની ગણતરી (poeple’s liguisttic survey of India-PLSI) પ્રમાણે ભારતમાં ૭૮૦ ભાષા અને બોલીઓ અને ૬૬ લિપિઓ છે. અરુણાચલ પ્રદેશમાં ૯૦ ભાષાઓ, ગુજરાતમાં ૪૮ભાષાઓ, મહારાષ્ટ્રમાં ૩૯ ભાષાઓ, અને પશ્ચિમ બંગાળમાં ૩૮ ભાષાઓ આ રાજ્યોમાં સૌથી વધારે ભાષા વૈવિધ્ય છે.
ભારત સરકારનું વસ્તી ગણતરી ખાતું લોકોની ગણતરી કરે છે. ભાષાઓની ગણતરી કરતા નથી! ૧૦,૦૦૦ માણસોથી ઓછા માણસો બોલતા હોય એવી ભાષાઓને ભાષા પણ ગણતા નથી!
પન્ચમહાલી ભીલ્લી જે એક ગૌણ ભાષા છે અને ભવિષ્યમાં કદાચ નાશ પામશે એ ભાષાના ભાષાના લેખક કાનજી પટેલના મત પ્રમાણે ભાષા શીખવવી, એ ભાષામાં લખેલું સાહિત્ય પ્રકાશિત કરવું, અને અન્ય મુખ્યભાષી લોકોમાં આવી ગૌણ ભાષાઓ વિષે જાગરૂકતા લાવવી એ ખૂબ મહત્ત્વનું છે. આનંદની વાત છે કે ભારતમાં એવા લોકો છે કે જે ગૌણ ભાષાઓની રક્ષા કરવા માટે પ્રયત્નશીલ છે. તેજગઢમાં “ભાષા” નામની સંસ્થાએ સ્થાપેલી આદિવાસી એકેડમી બુધન થીએટર નામની સંસ્થા ચલાવે છે જે ગૌણ ભાષાઓનો પ્રચાર કરે છે. “ભાષા” સંસ્થાના પૂર્વ પ્રકાશ પ્રકાશને લોક ભાષાશાસ્ત્ર સર્વેક્ષણનો આરંભ કરેલો છે જે પૂરો થયા પછી “સર્વભાષી લોકશાહી” નિર્માણ કરવાનો પ્રયત્ન કરશે.
પ્રોફેસર પ્રસન્નાએ ૧૦ ગૌણ ભાષાઓ માટે એક લિપિ બનાવી છે. સ્થાનિક તળપદી લિપિ જે તે ભાષા બોલીના રોજના વ્યવહારમાં વાપરતા ચિન્હો ઉપર આધારિત હોવાથી લોકોને સમજવામાં અને શીખવામાં સહજતા અને સરળતા લાગે છે. આ લિપિ તળપદી ભાષાના ઉચ્ચારો ઉપર પણ આધારિત હોવાથી આ ઉચ્ચારો જાળવી રાખવાનું મહત્ત્વનું કાર્ય પણ થાય છે અને લિપિના લીધે બોલી ભાષા વધારે કાયદેસર બને છે. માઓવાદી સામ્યવાદી સંસ્થાઓ આદિવાસી ભાષા “ગોંડી” માટે લિપિ તૈયાર કરી રહ્યા છે જેના લીધે ઉત્તર ભારતના આદિવાસી વિસ્તારોમાં સામ્યવાદી પક્ષ વિષે આદર નિર્માણ થયો છે.
રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ અનુસાર અંગ્રેજી ભાષા અને રાજ્યભાષા બનેમાં કોને અને કેટલું મહત્ત્વ આપવું એ બાબતમાં ફક્ત માતા-પિતા જ નહિ પણ શિક્ષણ સંસ્થાઓ અને રાજકીય-સામાજિક નેતાઓ માટે પણ આ વિષે એક મોટી સમસ્યા છે. જેના લીધે આ દ્વંદ્વ યુદ્ધ દરેક રાજ્યમાં ચાલુ છે પણ અંગ્રેજી ભાષા વિજેતા બનતી જાય છે એવું જણાય છે, ૨૬ રાજ્યોમાં અંગ્રેજીને પ્રાધાન્ય અપાએલું છે. અંગ્રેજી ભાષાના વધતાં જતાં મહત્ત્વ, પ્રભાવ અને અપાતા પ્રાધાન્યને લીધે શહેરોમાં મધ્યવર્ગીય સમાજમાં અને શિક્ષણને લીધે સમૃદ્ધિ વધી રહી છે. અને ગ્રામ્ય અને શહેરોમાં મજૂરકામ (ઘરકામ કરનારા. રોજીથી કામ કરનારા, કારખાનાઓમાં મજૂરી કરનારા વગેરે) નીચલા વર્ગમાં અંગ્રેજીના અભાવે આર્થિક નિષ્ફળતા વધી રહી છે. બે તદ્દન જુદા ભારત બની રહ્યા છે. જર્મની, પોલન્ડ, રશિયા, સ્વીડન, વગેરે વગેરે લગભગ દરેક દેશમાં સુશિક્ષિત તરુણ વર્ગ અંગ્રેજી ભાષા લખી, બોલી અને સમજી શકે છે, જ્યારે મોટી ઉંમરના પ્રજાજનો ફક્ત માતૃભાષામાં જ વાતચીત કરી શકે છે. એક રસદાયક કિસ્સો યાદ આવે છે. યુરોપમાં સ્વીડીશ, ડચ, ઇટાલિયન દેશોના લોકોએ એક નવી કંપની બનાવી. કંપનીના દૈનંદિન કારભાર માટે અંગ્રેજી ભાષા રાખવી પડી કારણ કે આ એક જ ભાષા કંપનીના દરેક સભ્ય માટે અનુકૂળ હતી!
ભારતની સરખામણી યુરોપ સાથે કરીએ તો ધ્યાનમાં આવે છે કે યુરોપમાં ભલે દરેક દેશની પોતાની ભાષા છે પણ દરેક દેશ સ્વતંત્ર હોવાથી એકબીજા સાથે ભાષાની બાબતમાં વિવાદ થતા નથી જ્યારે ભારતમાં દરેક રાજ્યની પોતાપોતાની ભાષા હોવાથી એકબીજા સાથેના વ્યવહાર માટે સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાને અપનાવી છે જેનો દક્ષિણ ભારતના મોટા ભાગના લોકોનો વિરોધ છે. એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકો સાથે બોલતી વખતે હિન્દી અથવા અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવો પડે છે. પરદેશોમાં વસેલા ભારતીયોને પણ આ જ રીતે એક બીજા સાથે વાત કરવી પડે છે. બ્રિટિશ સમ્રાજ્ય વિશ્વમાં જ્યાં જ્યાં હતું તે દેશોમાં મુખ્ય બે જાતના દેશો હતા. એક બાજુ જેની માતૃભાષા અંગ્રેજી હતી એવા ઓસ્ટ્રેલિયા, ન્યુંઝીલંડ, અમેરિકા વગેરે દેશો અને બીજી બાજુ ભારત જેવા દેશો જ્યાં પ્રત્યેક રાજ્યની પોતાની રાજ્યભાષા હતી અને અંગ્રેજીને સરકારી વ્યવહાર માટે પોતાની સગવડ ખાતર અંગ્રેજી હુકુમતે દાખલ કરેલી. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ૨,૦૦૦ સાલમાં Y2Kની સમસ્યા ઊભી થઈ ત્યારે અમેરિકામાં “કોબોલ” જેવી કમ્પુટરની જૂની ભાષાઓ જાણનારા લોકોનો અભાવ હતો અને તે વખતે રશિયા, તાઈવાન, ફિલીપીન્સ, ભારત વગેરે દેશોમાં ઘણી મોટી સંખ્યામાં યુવાન લોકો આ ભાષા લખી શકતા હતા અને ઉપલબ્ધ હતા પણ ફક્ત ભારત જ એક એવો દેશ હતો જ્યાં એક વખતના બ્રિટિશ સામ્રાજ્યની અસરને લીધે યુવાનોમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન, આ બીજા બધા દેશો કરતાં ઘણું વધારે હતું તેથી આ કામ મોટા ભાગે ભારતની કંપનીઓને આપવામાં આવ્યું. કમ્પુટરની ભારતમાં થયેલી ક્રાંતિની શરૂઆત આ પછી જ થયેલી છે.
ભારતમાં પાલકો જાણે છે કે અંગ્રેજીને મહત્ત્વ આપવાથી પ્રાદેશિક માતૃભાષાને નુકસાન થાય છે પણ એ પણ ખબર છે કે આજના ભારતમાં આગળ વધવું હોય, આર્થિક પ્રગતિ સાધવી હોય તો આવું કરવું અનિવાર્ય છે. યુરોપ, જાપાન, ચીન, કોરિયા વગેરે દેશોમાં શહેરી વિસ્તારોમાં યુવાન મધ્યમ વર્ગીય લોકો અંગ્રેજી ભાષાનું શિક્ષણ ગૌણ ભાષા તરીકે લેવામાં આવે છે પણ પોતાની રાષ્ટ્ર ભાષાઓનું મહત્ત્વ જાળવી રાખવામાં આવ્યું છે આ મોટો ફેર ભારતની પરિસ્થિતિ અને અન્ય દેશોની આજની પરિસ્થિતિમાં છે . .
શિક્ષણ નિષ્ણાત હેલન પીનોક કહે છે કે ..
* કિન્ડરગાર્ટન અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ.
* આવું કરવાથી વિદ્યાર્થીની સમજ અને સમાજની શૈક્ષણિકતા અને સાક્ષરતા અને મનન અને ચિંતન કરવાની ક્ષમતા વધશે.
* શિક્ષકની તાલીમ અને કાર્યસિદ્ધિનું સંચાલન કરવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓની પ્રાદેશિક સંસ્કૃિતની માહિતી મેળવવી જોઈએ.
આ ઉપરાંત હેલેન પીનોક કહે છે કે ભાષાની લિપિ ભાષાને કાયદેસરતા પ્રદાન કરે છે પોતાની પ્રાદેશિક સંસ્કૃિત પ્રત્યે અભિમાન નિર્માણ કરે છે. આદિવાસી લોકોમાં પ્રચલિત પ્રતીકો વાપરીને લિપિનું નિર્માણ કરવાથી સામાન્ય લોકોને લિપિ સમજવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક લિપિ પ્રાદેશિક બોલીના ઉચ્ચારો ઉપર આધારિત હોવાથી શીખવામાં સરળતા આવે છે.
ઝડપી અંગ્રેજીકરણ થઈ રહેલો અને માતૃભાષામાં લખી કે વાંચી ન શકનારો અંગ્રેજી માધ્યમમાં ભણેલો ભારતીય મધ્યવર્ગીય સમાજ ગુજરાતમાં અને અન્ય રાજ્યો ભવિષ્યમાં કેટલી પેઢીઓ સુધી સ્વતઃની ભાષા જાળવી રાખશે એ ઘણો મોટો અને ગહન પ્રશ્ન છે. પણ આના કરતાં પણ મોટો પ્રશ્ન, જે ભાષાઓ નાશ પામવાની વધારે શક્યતા છે એવી લઘુ ભાષાઓનું દુર્લક્ષ થતું આવ્યું છે એનો છે. ૨૨ મુખ્ય ભાષાઓને ભારત સરકારે માન્ય કરેલી છે અને રાજ્યોને આ ભાષાઓનું જતન કરવામાં આર્થિક મદત કરે છે. ૧૯૯૧ની ગણતરી પ્રમાણે ૩,૨૫૯ ભાષાઓ અને બોલીઓ ગણવામાં આવી છે પણ મુખ્ય ભાષાઓ સિવાયની બાકીની ગૌણ ભાષાઓ અને બોલીઓની અવગણના થયેલી છે. એક તરફ મુખ્ય ભાષાઓમાં સાક્ષરતા વધી છે તો બીજી તરફ ગૌણ ભાષાઓ નાશ પામતી જાય છે.
દુનિયાના દેશો જ્યાં દેશની ઘણી મોટી વસ્તીને માતૃભાષામાં શિક્ષણ મળતું નથી એવા દેશોમાં અમેરિકા ઘણા ઊંચા ક્રમાંકમાં આવે છે જ્યાં સ્પૅનીશ ભાષા બોલનારા લોકોમાં શૈક્ષણિક અને આર્થિક નિષ્ફળતા મળે છે. યુરોપના અમારા પ્રવાસો દરમ્યાન અમને હંમેશા અન્ય દેશોની ત્રણ કે ચાર ભાષા નાગરિકો મળેલા જ્યારે અમેરિકામાં અંગ્રેજી છોડીને અન્ય ભાષાનું અજ્ઞાન વધી રહ્યું છે. દુનિયાના સર્વ દેશોમાંથી અમેરિકામાં લોકો આવીને વસેલા છે અને સાથે પોતાની માતૃભાષા અને સંસ્કૃિત લાવ્યા છે. પહેલી પેઢી આ બધું જાળવી રાખવાનો પ્રયાસ કરતી રહે છે પણ આગળની પેઢીઓમાં ધીમે ધીમે અમેરિકન અંગ્રેજી અને અમેરિકન સંસ્કૃિતનો પગડો વધતો જ જાય છે. ૧૦૦ વર્ષ પહેલાં આવેલા લોકોની ઇટાલિયન, યહૂદી, જર્મન, આઈરીશ, વગેરે ભાષાઓ આ વર્ગોની નવી પેઢીઓમાં નાશ પામી છે. પાછલા ૫૦ વર્ષમાં આવેલા ભારતીય, પાકિસ્તાની, દક્ષિણ અમેરિકામાંથી આવેલા લોકો, સામ્યવાદી દેશોમાંથી આવેલા લોકોની પોલીશ, ગુજરાતી, તામિલ, બાંગ્લાદેશી, હંગેરિયન, ચીની, કોરિયન વગેરે ભાષાઓ પણ અમેરિકામાંથી ધીમે ધીમે નષ્ટ પામશે એ પણ ઘણી દુર્ભાગ્યની વાત છે.
ભાષા સમાજની સામૂહિક સાંસ્કૃિતક પ્રણાલિકા પ્રદર્શિત કરે છે અને સાંસ્કૃિતક વારસો છે. એટલા માટે વિશ્વની ભાષાઓનું જતન કરી સાંસ્કૃિતક વૈવિધ્ય સાંચવી રાખવું એ મહત્ત્વનું છે. ભાષાઓના મહત્ત્વ વિષે રાજકીય અને સામાજિક જાગૃતિ થવી ઘણી મહત્ત્વની છે.
રશિયા, ચીન અને માંન્ગોલિયામાં બોલાતી ગૌણ આદિવાસી ભાષા એવંકીના કવિ અલિતેત નેમ્તુશ્કીને લખેલી આ કવિતા તળપદી બોલી વિશેની ભાવના સુંદર રીતે આ રીતે વ્યક્ત કરે છે.
માતૃભાષા અને દેશવાસીઓનાં ગીતો જો ભૂલીશ હું
આંખો, કાન, અવાજ છતાં દૃષ્ટિહીન, શ્રુતિહીન, નિશબ્દ હું
ધરતીની મહેક જો ભૂલીશ હું
હાથ છતાં અપંગ હું,
આવા જીવનનો અર્થ શું?
કેમ માનું મારી ભાષા દુર્બળ છે હું?
જ્યારે મારી માંના છેલ્લા શબ્દો એવન્કી હોય!
ભારતમાં અંગ્રેજી અને અન્ય રાજ્ય ભાષાઓનો સંઘર્ષ ચાલુ જ રહેશે. પ્રત્યેક રાજ્યમાં ત્યાં ત્યાંની સાંસ્કૃિતક, રાજકીય, શૈક્ષણિક, સાહીસ્તિક સંસ્થાઓ અને પાલકોએ મળીને સામૂહિક સતત પ્રયત્નશીલ રહીને કામ કરવું ઘણું જરૂરી છે. આજના તાંત્રિક યુગમાં ઈન્ટરનેટ પ્રેરિત યુવાન સમાજમાં વેબગુર્જરી જેવા બ્લોગ, ગુજરાતી લિક્ષિકોન, ગુજરાતી સાહિત્ય એકેડમી – યુ.કે. વગેરેથી ગુજરાતી ભાષા અને સાહિત્ય જાળવી રાખવાનું ઘણું મહત્ત્વનું અને આદરણીય કાર્ય થઈ રહેલું એ ઘણી આનંદની વાત છે.
– વિજય જોશી (aajiaba@yahoo.com)