આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો

પરિષદધર્મ અને પરિષદકર્મઃ એક મીમાંસા

-સિતાંશુ યશશ્ચન્દ્ર 

આદરણીય સ્નેહી જનો, પરિષદના નવનિર્વાચિત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ન. શાહ, આપણા અનોખા અતિથિવિશેષ શ્રી વિપુલભાઈ કલ્યાણી, પરિષદના સર્વ સમાદરણીય પૂર્વપ્રમુખો, ટ્રસ્ટી મંડળના સન્માન્ય સભ્યો, હાલની અને આગામી મધ્યસ્થ સમિતિના સર્વ માનનીય સભ્યો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ, ઉપસ્થિત અન્ય સાહિત્ય રસિક ભાઈ બહેનો,

કોરોના મહામારીના આ સમયે આ પચાસમા અધિવેશનનું કામ બહુધા વીજાણુ-પ્રત્યક્ષ રીતે, ન કે દર વર્ષ જેમ મોટા શામિયાણામાં, આ વખતે થાય છે. આ વીજાણુ મંડપ વિશાળ છે અને એકઠા થવું, એકઠા રહેવું એ તો જેવો કર્મનો તેવો વિચાર અને ભાવનાનો વિષય છે. સાહિત્ય, એટલે કે સહિતપણું અભિધામાં સીમિત નથી હોતું, એ વાત તો આજે આપણા પ્રથમ ડાયાસ્પોરિક અતિથિવિશેષ, વિપુલભાઈ, છેક લંડનથી અહીં પ્રત્યક્ષ છે, એ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. પરિષદનો વીજાણુ માધ્યમમાં થતો પ્રવેશ એવા વ્યાપનને શક્ય બનાવે છે. વિપુલભાઈએ ભારત બહાર ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો એક પ્રજ્વલિત, તેજે દીપતો ધૂણો આજ દશકોથી અખંડ રાખ્યો છે. સાહિત્યયોગાસને એ રીતે અડોલ, સ્થિર બેસવું એ જે તે વાત નથી. એ યે નિશ્ચેનો એક મહેલ છે. એવા વિપુલભાઈ કલ્યાણીનું હૃદયપૂર્વક સ્વાગત.

આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ પોતાના આજીવન સભ્યોની દોરવણી પ્રમાણે ચાલતી સંસ્થા છે. આજીવન સભ્યોની સામાન્ય સભાનાં મંતવ્યો, એ આ પરિષદ માટે મૂળ અને અંતિમ પ્રમાણ છે. એ પ્રમાણિકતા તો ગુજરાતી પ્રજાના આંતર જીવવનની રખેવાળી આજ સુધી કરતી આવી છે. પરિષદના આજીવન સભ્યોની સામાન્ય સભાએ ઠરાવ્યા મુજબ પરિષદનાં સર્વ સત્તામંડળો આજ સુધી વર્તે છે, અને હંમેશ વર્તશે, એ વિશ્વાસ. એ મર્યાદાપાલન આપણા દરેકની બૌદ્ધિક, ભાવનાત્મક પ્રમાણિકતા (intellectual and emotive honesty) જાળવવા માટે અનિવાર્ય છે. પરિષદની સામાન્યસભાનું સર્વોપરિપણું એક વ્યાપક અર્થવત્તા ધરાવે છે. ગુજરાતની કોઈ પણ સાહિત્યિક સંસ્થામાં 1975 જેવી ઇમર્જંસી દાખલ કરવા માટેની કોઈ પણ કુચેષ્ટા કોઈ પણ ન કરે, એ જોવાની જવાબદારી આપણી સહુની છે. ઉમાશંકર જોશી, યશવંત શુક્લ અને મનુભાઈ પંચોળીના, નારાયણભાઈ દેસાઈ અને નિરંજન ભગતના સ્મરણ સાથે.

31મી ડિસેમ્બર, 2020ના દિવસના અંત સાથે નિવૃત્ત થતી પરિષદની મધ્યસ્થ સભાના સભ્ય અને પરિષદ પ્રમુખ તરીકે જ નહીં, આપણી માતૄભાષાના એક અદના લેખક અને ભાવક રૂપે પણ મને હાલ એક વાતનો ભારે સંતોષ છે, બલકે ધરપત છે. એ વાત એ કે પરિષદના હાલના આજીવન સભ્યોએ 2021થી 2023ના મહત્ત્વના સમયગાળા માટે પરિષદ પ્રમુખ રૂપે શ્રી પ્રકાશભાઈ ન. શાહને ચૂટ્યા છે. સાહિત્ય સર્જનના મૂળમાં માનવ ગરિમા, માનવ સ્વાતંત્ર્ય અને સહુ કોઈની સર્જકતા માટેનો જે આગ્રહ રહેલો છે, જે અણનમતા પડેલી છે અને જે નિષ્કલંક નિસ્વાર્થ એવી, ગાંધીનો શબ્દ યોજું તો ‘આપભોગ’ આપવાની કે ત્યાગ કરવાની જે તૈયારી જરૂરી છે, એ આગ્રહ, એ અણનમતા અને એ સહજ ત્યાગવૃત્તિનો સરવાળો એટલે પ્રકાશ ન શાહ, પરિષદના ચૂટાયેલા પ્રમુખ. એમનું સ્વાગત અને ગણતરીના દિવસોમાં આરંભાતા એમના કાર્યકાળ માટે એમને સાધનોની સોંપણી અને સર્વ શુભેચ્છા હું વ્યક્ત કરું છું.

નવનિર્વાચિત મધ્યસ્થ સમિતિ અને કારોબારીના સભ્યોને, મહામંત્રી, અન્ય સર્વ મંત્રીને, બન્ને ઉપપ્રમુખોને, સર્વેને સ્નેહવંદન, અભિનંદન અને શુભેચ્છા. પરિષદનાં મૂલ્યોને, બંધારણને, એની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિએ કરેલા ઠરાવોને દ્રઢાવવામાં અને પરિષદના (ન કે કોઈ પણ અન્યના) ઉદ્દેશો પાર પાડવામાં, આપ સર્વની સહિયારી શક્તિ કામે લાગશે, એ વિશ્વાસ. નિવૃત્ત થતા પ્રમુખ તરીકે જ નહીં, પરિષદની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિના કાર્યાન્વિત સભ્ય તરીકે પણ મારી એ શુભેચ્છા છે.

પરિષદના અનુબંધોની યોજના પર ધ્યાન અપાશે, તો પરિષદનું સ્વરૂપ બહુકેન્દ્રી, ગુજરાતીભાષી પ્રજાના નાનાં ગામોથી વિદેશનાં મહાનગરો સુધી વ્યાપક અને લયબદ્ધ બનશે. પંચમહાલના કાલોલથી ડાયાસ્પોરાના કેલિફોર્નિયા સુધીના પરિષદના વૈવિધ્યસભર અનુબંધોનો હું આજે આભાર માનું છું. એ પરિષદ-ઊર્જાની કેન્દ્રોત્સારી ગતિ છે. આ વર્ષોનાં બે જ્ઞાનસત્રો, સૂરત અને પાલનપુરમાં યોજાયાં, એમાં કેટલીક આંતર્બાહ્ય પહેલ કરવી જે શક્ય બની, એ શક્યતાનાં મૂળમાં પડેલી, અવરોધોને વિવેકપૂર્વક છતાં દૃઢતાથી ઓળંગતી સર્જક ઊર્જાનું હવે નિરંતર જતન કરવા જેવું છે. સાથોસાથ, આયોજનનું જે કૌશલ્ય, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે, સૂરતની નિમંત્રક સંસ્થાએ દાખવ્યું, એ શક્ય ત્યાં અજમાવવા જેવું છે. આ વર્ષના કોરોનાકાળના વીજાણુ મંડપ વ્યાપ્ત અધિવેશનને પણ સૂરતની એ ક્ષમતાનો ટેકો છે. તો પરિષદની શક્તિની કેન્દ્રગામી ગતિ ‘આનંદની ઉજાણી’-ના (નવલરામના એ શબ્દોએ સૂચવેલી આસ્વાદમૂલક વિવેચનના) કાર્યક્રમો, પરિષદની અગાસીમાં યોજાયા, એમાં અને પરિષદના ગ્રંથાલયમાં જે કાર્યક્રમો નિરંતર યોજાયા, એમાં છે. ‘આનંદની ઉજાણી’ના અનુસંધાને, વીજાણુ માધ્યમનો વ્યાપક ઉપયોગ કરી, ‘નોળવેલની મહેક’ની બેઠકો રચાઈ. એના નિયમિત કાર્યક્રમો કોરોના મહામારીના શરૂઆતના સમયથી, એપ્રિલ 15, 2020થી આજ પર્યંત દર પંદર દિવસે વર્ચ્યુઅલ સ્પેસમાં એકત્ર થતી બેઠકોમાં થયા. વિશ્વભરની ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, શિલ્પ, સિનેમા જેવી કલાઓ અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓની ઉત્તમ કૃતિઓ સાથે યુવાચેતનાના, બલકે સહુ રસિકજનોના આ રસભર્યા અનુબંધો હતા. ‘નોળવેલ’-ની દ્રઢનિશ્ચય, ખંતીલી, નિસ્વાર્થ, કાર્યકુશળ ટીમનો આભાર માનીએ એટલો ઓછો. પરિષદની વિવિધ સ્વાધ્યાયપીઠોમાં કેટલુંક ઉત્તમ કામ, રસજ્ઞ વિદ્વાનોનો સાથ મેળવીને, નિશ્ચયપૂર્વક પાર પાડી શકાયું. આ બધામાં અને અન્ય કામોમાં પરિષદને ‘ન કે ના’વ્યાં વિષ, વિષમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ . . .’. સાહિત્યની એ સંજીવની વિદ્યા આપણા સહુનું રક્ષણ કરો અને આપણે એ વિદ્યાનું રક્ષણ કરીએ.

ગુજરાતના આજના રાજકીય આગેવાનો અને સામાજિક શક્તિના સંરક્ષકો માટે ગુજરાતના એક અનોખા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની એક કવિતાનો ઉલ્લેખ કરી આ વક્તવ્ય આટોપું. એ કૃતિનું શીર્ષક છે, ‘સ્વરાજ રક્ષક.’ કથા કાવ્ય છે અને આજે પણ એ સહુને અને બીજાં સહુને કામ લાગે એવું છે. કથા એ છે કે શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ એક વાર એમને મળવા સવારના સમયે ચાલતા જતા હતા. સાથે એમના બીજા યુવાન ચેલાઓ અને છત્રપતિ મહારાજના થોડા સૈનિકો પણ હતા. જુવાનિયાઓ, સવારે ચાલતાં થોડા ભૂખ્યા થયા. પાસે શેલડીનું ખેતર આવ્યું. આપણને આજે ગુજરાતની સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓ યાદ આવે. સહુ જુવાનિયા, ચેલાઓ અને સૈનિકો, ખેતરમાં ઘૂસ્યા અને સાંઠા કાપી ચૂસવા લાગ્યા. પણ ખેડૂત મજબૂત હતો. દૂરથી આ વર્તન જોઈ એ લાઠી લઈને દોડ્યો. જવાનિયાઓને ચાતરી એમના મુખિયા જેવા લાગ્યા એ સ્વામીજી પાસે જઈ એમને વાંસે બેત્રણ ફટકા લગાવ્યા. ‘મારી શેરડી મને પૂછ્યા વગર કેમ કાપી? પૂછત તો રસ કાઢીને પીવડાવત!’ ચેલા અને સિપાઈઓ ઝાઝા હતા, ખેડૂતને પકડીને સ્વામીને પૂછે, વાઢી નાખીએ આને? સ્વામી મધુર હસીને કહે કે સાથ લે લો, મહારાજ સે મિલાયેંગે. ગયા. શિવાજીને સહુએ વાત કરી. છત્રપતિ મહારાજ ગુરુ રામદાસને પૂછે, તમને ફટકા મારનારનો હાથ કાપી નાખું કે ગરદન વાઢું? સ્વામી હસીને કહે, શિવાજી, આનું બહુમાન કર. આણે પોતાના ખેતરનું રક્ષણ કર્યું. એ તારો ખરો સાથી છે, ખરો સ્વરાજ રક્ષક છે. ઔરંગઝેબ સામે લડવામાં તારી પડખે એ પહેલો હશે. – આજે એ કાવ્ય યાદ આવે છે. સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓની સ્વાયત્તાતાનું રક્ષણ કરવા ખડા થયેલાઓની વાત, આજની સત્તા પાસે રજૂ કરનાર સ્વામી રામદાસ કોઈ નજરે પડતા નથી. અને જે છે એ સ્વાર્થવશ સલાહકારોમાં સ્વામીનું દૂરંદેશીપણું કે નિસ્વાર્થતા ક્યાંથી હોય?

આપણે અણનમ રહી સ્વાયત્તતાનું રક્ષણ, ઔરંગઝેબી તાકાતો સામેની લડત આપી, કરતા રહીએ, અને જોઈએ છત્રપતિ આજે શિવાજી જ છે ને, સાહિત્ય અને વિદ્યા ક્ષેત્રે લાંબું જોનારો અને નગુરો નહીં એવો?

24 ડિસેમ્બર, 2020. સમા, વડોદરા.

* * *

 

આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો

– વિપુલ કલ્યાણી

આદરણીય સિતાંશુભાઈ, આદરણીય પ્રકાશભાઈ, આદરણીય પ્રફુલ્લભાઈ તેમ જ હમસફર દોસ્તો,

એકસો પંદરની આવરદાએ પહોંચેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું આ પચાસમું અધિવેશન છે, પરંતુ પહેલવહેલું ‘વર્ચ્યુઅલ’ – ઑનલાઈન અધિવેશન. અને રા.વિ. પાઠક સભાગૃહમાં મળતાં આ અધિવેશન સારુ અતિથિ વિશેષ તરીકે મને નોતર્યો છે, તે ફક્ત મારું જ નહીં, બલકે આશરે અડધી સદીથી કાર્યરત વિલાયત માંહેની અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું તેમ જ ગુજરાતી ડાયસ્પોરે થતાં અનેકવિધ કામોનું ય બહુમાન હોવાનું સમજું છું. પરિસ્થિતિ તો જુઓ, સાહિત્યકારના દાયરામાં હું આવતો નથી, પત્રકારને નાતે લેખક હોઈશ તો હોઈશ; પણ અહીંની અકાદમીનો કાર્યભાર સંભાળતા સંભાળતા મને ય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિનો જબ્બર નેણો લાગ્યો છે, તે કબૂલ.

પરિષદ જોડેના સીધા લગાવને હવે છપ્પન-સત્તાવન વર્ષ થશે. દશેક અધિવેશનોમાં હાજર પણ રહ્યો હોઈશ. સન 1981માં હૈદ્રાબાદ અધિવેશનમાં દિવંગત મિત્ર હરીન્દ્ર દવેના સૂચને તત્કાલીન પરિષદ પ્રમુખ મનુભાઈ પંચોળી ‘દર્શકે’ વિલાયતની વાત રજૂ કરવા કહેલું તે સાંભરી આવે છે. તે ઘડીથી ‘દર્શક’ જોડે અને તત્કાલીન મહા મંત્રી રઘુવીર ચૌધરી જોડે અંગત અનુસંધાન થયું તે સતત, ચન્દ્રકલા શું, મહોરતું રહ્યું. સન 1986 વેળા અમરેલી જ્ઞાનસત્ર ટાંકણે અમારી અહીંની રજૂઆતની પછીતે ઉમાશંકરભાઈ જોશીએ જાહેરમાં પીઠ થાબડેલી તે ય સાંભરી આવે છે. 1989ના રાજકોટ અધિવેશનમાં જયન્તભાઈ મ. પંડ્યા, વસુબહેન ભટ્ટ, વર્ષાબહેન અડાલજા તેમ જ અન્યો સંગાથે જાહેરમાં રમૂજનો ફુવાર કરતાં રહેલાં તે ય હવે પડઘાય છે. 1995ના જામનગર અધિવેશનમાં તો તે વેળાના મહા મંત્રી પ્રકાશ ન. શાહે તો નાદુરસ્તીને કારણે ન આવી શકેલા પ્રાધ્યાપક ચી.ના. પટેલને ઠેકાણે, છેલ્લી ઘડીએ મીરાંબહેન ભટ્ટ જોડાજોડ વક્તા તરીકે મને બેસાડી દીધેલો તે કેમ ભુલાય ?

વળતી સાલનું અધિવેશન અમારા માટે ઐતિહાસિક અધિવેશન બનતું હતું. એક પા તત્કાલીન ઉપપ્રમુખ જયન્ત મ. પંડ્યા અને તત્કાલીન મહા મંત્રી પ્રકાશ ન. શાહ જોડે અમે અધિવેશન પ્રમુખ નિરંજનભાઈ ભગતને સાથે રાખીને, કાર્યસૂચિમાં ન હોવા છતાં, ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જકોની જ એક બેઠક ભોજન વિરામના સમયે ગોઠવી દીધેલી ! વિલાયત તેમ જ અમેરિકા સમેતના ભારત બહારના સર્જકોનો ત્યારે મેળો જામેલો. એ ભાતીગળ બેઠકના પડઘા હજુ આજે ય ગાજતા ભાળું છું. વચ્ચેના ગાળે પાટણ ખાતે 2001 વેળા જેમનો હું સતત ઋણી છું તેવા મારા સન્મિત્ર રઘુવીર ચૌધરી પ્રમુખપદે બિરાજતા હતા. તે અવસરે, છેલ્લી બેઠકમાં એક ઠરાવ રજૂ કરવા મને જ ઊભો કરવામાં આવેલો, તે ય સ્મરણે ચડે છે. વારુ, મુંબઈના ઉપનગર કાંદિવલી ખાતે 2005માં અધિવેશન મળતું હતું. બકુલ ત્રિપાઠી પ્રમુખપદે હતા. પરંતુ નિવૃત્ત થતાં પ્રમુખ ધીરુબહેન પટેલની કુનેહને કારણે અમેરિકાનિવાસી પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા તેમ જ બ્રિટન નિવાસી વિપુલ કલ્યાણીને વક્તા તરીકે નોતરવામાં આવેલા. બન્નેની સોજ્જી રજૂઆત હતી. પરંતુ કેટલાક મુદ્દે મારું વક્તવ્ય વિવાદનો મધપૂડો છંછેડી બેઠું હતું. વિચારતાં વિચારતાં તે વખતની મારી વાત આજે પણ ખરી છે તેમ લાગ્યાં જ કરે છે.

હવે આ પચાસમું અધિવેશન. નિવૃત્ત થતા પ્રમુખ સિતાંશુભાઈ તો મારી યુવાવસ્થામાં ફાર્બસ સભાની અનેક બેઠકોમાં મને મળતા અને પોરસાવતા રહેતા. તે દિવસોમાં નવોસવો, ઉચ્ચાભ્યાસ માટે હું મુંબઈ ગયેલો. ત્યારની એ મૈત્રી ફોરતી આવી છે. નિર્વાચિત પ્રમુખપદનો કાર્યભાર મિત્ર પ્રકાશભાઈ ન. શાહ સ્વીકારે છે, ત્યારે માંહ્યલો રાજીના રેડ છે. પ્રકાશભાઈનો પરોક્ષ પરિચય તો પાંચેક દાયકાને આંબીને રહ્યો છે. અંગત સંબંધને ય હવે ચચ્ચાર દાયકા થયા હોય. એ તો બે ય કાંઠે સભર સભર વહેતો અનુભવીએ છીએ. એમનું અગાધ વાંચન. એમનું તરબતર કરતું વિશ્લેષણ. તલસ્પર્શી તેમ જ તાગ મેળવતું સોજ્જું લખાણ અનેકોની જેમ મને ય મોજ કરાવે છે. સતત ખીલખીલ સ્મિત કરતા રહેતા પ્રકાશભાઈ સૌને જોડવાનો કસબ, કાચુંપાકું હોય ત્યાં સાંધવાનો કસબ સુપરે સમજે છે, જાણે ય છે. તેથી સાંપ્રત પરિષદને પણ લાભવાનું જ થશે, તેવી શ્રદ્ધા.

પરિષદ જોડેના લગાવને કારણે કેટલાક નિસબતે ભરેલાં મિત્રો સાંપડ્યાં છે તેનું સ્મરણ કરી લઉં. મનુભાઈ પંચોળી સાથેનો નાતો એમના બ્રિટન પ્રવાસોને કારણે મજબૂત થયેલો. પણ રઘુવીર ચૌધરી, જયન્ત મ. પંડ્યા, રમેશ ર. દવે ખાસ સાંભરી આવે. આજે પારુબહેન નથી તેનો અસાંગરો ઓછો નથી.

ભલા, ઇતિહાસની એરણે, કેટલાને સાંભરે 1909નું એ રાજકોટ અધિવેશન ? અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપદે મળેલા અધિવેશન ભણી મારો અંગૂલિનિર્દેશ છે. દોસ્તો, તમને સાંભરતું ય હોય, તે વેળા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પરિષદના મહામંત્રી હતા અને એમણે જગત ભરે પથરાયા ગુજરાતીઓને ઉદ્દેશીને એક કાગળ પાઠવેલો. આવો એક કાગળ જપાનના કોબો શહેરે સ્વીકાર્યો અને જાહેર સભા કરેલી તેમ, અમારા આ મુલકના પાટનગર લંડન ખાતે પણ પચાસેક ગુજરાતીઓની એક સભા બોલાવાયેલી. દક્ષિણ આફ્રિકાના રંગભેદના અટપટા કોયડાઓના ઉકેલ શોધવા મોહનદાસ કરમચંદ ગાંધી અહીં પ્રતિનિધિમંડળ લઈને પધારેલા. એમણે આ સભા બોલાવી હતી. કારણ ? આ ત્રીજા અધિવેશનને સારુ ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિ પ્રત્યે આગ્રહ કેળવવા તથા લખાણો તપાસવા માટે વિદ્વાનોની નિમણૂક કરવા સભામાં ઠરાવ કરી ગાંધીએ મોકલી આપેલો. પછી તે ઠરાવનું શું થયું ? કોણ કહશે ?

અમને સવાલ થાય : તે દિવસોમાં જે સંપર્ક બ.ક.ઠા. અને મિત્રો કરતા, જાળવતા, તે ભલા, આજે કેમ ગેરહાજર છે ? આજે તો પ્રત્યાયનનાં સાધનો તો આંગળીને વેઢે જ છે ને ? વિજ્ઞાને આપણને 1909 પછીના ગાળામાં આજે વધુ નજીક મૂકી દીધાં છે. આજે જોતજોતામાં આપણે જગતને કોઈ પણ દેશ ઝડપથી આવી જઈ શકીએ છીએ. હવે તો વીજાણુ માધ્યમ વાટે સતત સંપર્ક જાળવી શકાય છે. દેશ દેશના ગુજરાતીઓ નજીક આવ્યા છે. આથી તળ ગુજરાત એકલું રહી નહીં શકે. આમ પરિષદ સમેતના ગુજરાત પ્રત્યે અપેક્ષાઓ સકારણ વધી છે. આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ ગુજરાતના ભૌગોલિક સીમાડા વળોટીને બહારના ગુજરાતની પણ પરિષદે સક્રિય ચિંતા હવે તો કરવી જ રહી.

મુંબઈ, કોલકત્તા, કોઈમ્બતૂર, સરીખા સરીખા ભારત માંહેનાં નગરો અને વિસ્તારો ઉપરાંત પાકિસ્તાન, ઑસ્ટૃલિયા – ન્યુઝિલૅન્ડ, વિલાયત સમેત યુરોપ, તથા કેનેડા સમેત અમેરિકા તેમ જ આફ્રિકા ખંડના દક્ષિણ ને પૂર્વ વિસ્તારના દેશોનો ય સમાવેશ કરવો રહ્યો. આ વિસ્તારે ભાષાસાહિત્યની ફક્ત ચિંતા જ સેવવામાં આવી નથી, ત્યાં નક્કર કામો પણ થયાં છે. અમારે ત્યાં જ 1964ના અરસાથી ગુજરાતીનું શિક્ષણ અપાતું રહ્યું છે. અમારી અકાદમીએ જ 18 વર્ષ વિવિધ પરીક્ષાઓનું અયોજન કર્યું જ હતું ને. આથી અમે ય ગાઈએ છીએ : ’કહે દલપતરામ રાજા અધિરાજા સુણો, / રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’ વળી અમે તો નવેક ભાષા-સાહિત્ય પરિષદો ય ભરી છે અને તેમાં નક્કર રજૂઆતો થઈ છે. ‘અસ્મિતા’ના અંકો તેની સાહેદી પૂરશે. આ તો અમારી એક વાત બની. પરંતુ આ દેશોએ કેવા કેવા સરસ કવિલેખકો આપ્યાં છે, જેણે આપણી વાણીને ન્યાલ કરી છે. તે દરેકને પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. કોઈક ઉચિત માનઅકરામોથી તેમને વંચિત ન રખાય તે જોવાનું કામ પણ તળ ગુજરાતે કરવું રહ્યું.

વીજાણું માધ્યમમાં પરિષદે પ્રવેશ કર્યો છે તે બહુ મોટી વાત છે. તમારી ‘નોળવેલની મહેક’ હવે ચોમેર પ્રસરી છે. તે સતત પ્રસરતી રહો. તમે સરસ વેબસાઈટ તૈયાર કરી અને તેમાં ‘પરબ’ને ય સામેલ કર્યું છે. વીજાણું માધ્યમનો લાભ લેનારા મિત્રોને સારુ આ અગત્યનું ઓજાર બની રહે છે. સોશિયલ મીડિયાના બાજોઠે જે સાહિત્ય વહેતું રહ્યું છે, તેમાં ક્યાંક ક્યાંક ચમકારા જોવા મળે છે. તે ભણી બેધ્યાન ન રહેવાય તેમ થવું જોઈએ. તમે તો વળી આ અધિવેશનમાં, આજને સારુ, બહુભાષી કવિમિલન’નું આયોજન કર્યું છે; અને આવતીકાલની બેઠકમાં ‘મહામારીના સમયમાં સાહિત્ય’ નામે એક પરિસંવાદ પણ કરવાના છો ને ! બહુ સરસ. આનંદ આનંદ. આ મહામારીને કેન્દ્રમાં રાખીને કેટલાં સરસ કાવ્યો, નિબંધો, લેખો, વાર્તાઓ રચાયાં છે તે દરેક ભણી પણ આપણે ધ્યાન આપવું રહ્યું. હકીકતે આ ઉપક્રમ પરિષદ માટે હરણફાળ જ છે. તેને માટે તમને જેટલાં બીરદાવીએ તેટલું ઓછું પડે.

વિરામ લઉં તે પહેલાં, એક અગત્યના મુદ્દે નિર્દેશ કરવાની રજા લઉં છું. પરિષદ અને પરિષદનાં વિવિધ સ્તરોનાં નાનાંમોટાં કામો અંગે ‘ગાંધીજીનું તાવીજ’ યાદ રાખવા જેવું છે. તેમ કરવાથી કોઈ પરાયા નહીં હોય, સૌ કોઈ પોતીકા હશે. તળ ગુજરાતે તેમ જ બૃહદ્દ ગુજરાતે પણ.

1936માં, આ અમદાવાદ નગરે, પરિષદનું 12મું અધિવેશન મળેલું. એ અધિવેશનના પ્રમુખપદે બીરાજમાન મોહનદાસ કરમચંદ ગાંધીએ, સન 1948માં કહેલું, “તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?

“ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”

આમ જનતાની, ગરીબાઈની વાત હું અહીં નથી છેડતો; વિસ્તારે વિસ્તારે, કસબે કસબે, ગામે ગામે જ શા માટે, ખંડે ખંડે ય વિસ્તરેલી આપણી જમાતની વાત કરું છું. તે દરેક પરાયી નહીં રહેવી જોઈએ. આ ‘ગાંધી તાવીજ’ આપણા દાયરામાં કેન્દ્રસ્થાને રહેવું જ રહ્યું. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો : ‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

પ્રકાશભાઈ, સિતાંશુભાઈ, આ ભાતીગળ અધિવેશનને સર્વાંગી સફળતા મળજો, તેમ અંતરમનથી પ્રાથું છું; અને ભાવિનાં કામોને સારુ આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો.

હેરૉ, 18-21 ડિસેમ્બર 2020

વીડિયો:

* * *

 

રણજિતરામના સિપાહી હોવું એટલે

-પ્રકાશ ન. શાહ

તે સાંજે હું ગોમાત્રિ ખંડના ઉંબરે પહોંચ્યો ન પહોંચ્યો ત્યાં તો સન્માન્ય ચૂંટણી અધિકારીની એ વિધિવત જાહેરાત આવી પડી હતી કે પ્રમુખપદે હું ચુંટાઉં છું. ઉંબર ઓળંગી અધિકારી સમક્ષ હાજર થયો અને જોઉં છું તો મીડિયા પણ હાજરાહજૂર, પ્રસંગસહજ પ્રતિભાવ માટે. ચૂંટણી અધિકારીએ મીડિયા જોડે મોઢામોઢ થવાની અનુજ્ઞા આપી ત્યારે મારો સહજોદ્‌ગાર હતો કે નર્મદકીધો કડખેદ હોઉં કે ન હોઉં પણ રણજિતરામનો સિપાહી ખસૂસ છું.
મનોવિજ્ઞાની માસ્લો જેને આત્મઆવિષ્કાર(સેલ્ફ એક્ચ્યુઅલાઈઝેશન)ની પ્રક્રિયા કહે છે તે દિશામાં સાધનાપથ પર ચાલતી વ્યક્તિ અક્ષરજીવન અને જાહેરજીવનના સંગમતીર્થે કેમ વિહરે અને વિલસે, રણજિતરામ એના સલામી સીમાપુરુષ જેવા હતા. એથી સ્તો કહું કહું થાય છે કે એમનો સિપાહી છઉં.

સહજોદ્‌ગારની એ ક્ષણોએ જોગાનુજોગ હતું તો ગોરજટાણું. એક એવો સંક્રાન્તિકાળ જ્યારે ‘લિ. હું આવું છું’ એ ઐતિહાસિક પત્રની સાખે કહું તો ‘વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી .. આ ગોધૂલિને સમયે અંધકાર ને પ્રકાશની મારામારી વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે.’

ટોકરી અને ઝાલરની દિલી આપલે થકી ઉભરવા કરતો અને હૃદયમાં ઉતરવા કરતો એ કર્ણમધુર સાદ શો હશે વારુ. એના સગડ કાઢવા મથું છું તો એમનો મરણોત્તર સંચય ‘રણજિતકૃતિ સંગ્રહ’ સાંભરે છે. સંગ્રહના ઉપોદ્‌ઘાતમાં ક.મા. મુનશીએ સંભાર્યું છે કે ‘રણજિતરામ મુંબઈમાં આવી મારી પડોશમાં રહ્યા ત્યારથી એમની મૈત્રીનો લાભ મેળવવા હું ભાગ્યશાળી થયો. તે વખતે રા. ઇન્દુલાલ યાજ્ઞિક પણ અમારી પાસે જ રહેતા. અને નવરા પડતાં અમે ત્રણે જણ ભેગા મળી અનેક વાતની ચર્ચા કરતા, એક એકના લેખોનું પારાયણ કરી રસ લેતા ને જે કાંઈ નવું દૃષ્ટિબિંદુ કોઈને સૂઝ્‌યું હોય તે બધા આગળ મૂકતા. આ અરસાનું માનસિક સાહચર્ય હું વિસરી શકું એમ નથી.’

આ જ સાહચર્યમાંથી ઉપસવા કરતી જે રણજિત-છબી, એમાંથી પેલો સાદ પ્રગટવા કરે છે. એને વ્યાખ્યાયિત કરવા હું ફરીને મુનશીની મદદ લઉં તો ૧૯૧૭માં રણજિતરામ ગયા ત્યારે ‘વીસમી સદી’માં મુનશીએ લખ્યું હતું : ‘રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(સેલ્ફ – કૉન્શ્યનેસ)ના એ અવતાર હતા. તેને માટે જ જીવતા … તેના હૃદયમાં એક વિચાર હતો … આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે – આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય – આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકૂળતા ક્યારે સંધાય – અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે.’

આ જે નવું ગુજરાત, ખાતેપીતે બેસતે ઉઠતે લડતે ઝઘડતે પણ અસ્મિતે વિલસતું ગુજરાત, કેમ કીધે ભાંગે એની ભાવઠ ? અઢાર સો સત્તાવનનો સંગ્રામ અને મુંબઈ યુનિવર્સિટી બંને એક સાથે આવ્યાં છે. એક જાણે સંકેલાતા જમાનાનું શહૂર કંઈક આક્રમકપણે પ્રગટ કરતી ઘટના છે તો બીજી જાણે આવતા જમાનાનું ઇંગિત છે. મુનશીએ રણજિતરામની જે ભાવ-છબી ઝીલી છે એવું જ હુલસતું હૈયું ઇન્દુલાલનું યે છે. ૧૯૧૫ના જુલાઈમાં એ ‘નવજીવન અને સત્ય’ માસિક લઈને આવે છે, અને એના અગ્રલેખમાં પાયાનો પ્રશ્ન ઉઠાવે છે : ‘ગુજરાતનું ખરું હૃદય હાલનાં પત્રોમાં પ્રતિબિંબિત થાય છે ? અને પોતે જ આ નવા માસિકની ભૂમિકા સ્ફુટ કરતો ઉત્તર આપે છે : ‘ઘણા બુદ્ધિશાળી અને સુશિક્ષિત લોકોને તે (હાલનાં પત્રો) નીરસ લાગે છે અને થોડા ઉત્સાહી દેશભક્તોને તેમાં ઉપયોગી વસ્તુની ભયાનક ન્યૂનતા જણાય છે. ગુજરાતના હૃદયકમલની જે પાંખડીઓ નવીન પ્રકાશથી ઊઘડવા માંડી છે તેનું સૌરભ આ પત્રમાં ઝીલવું અને પ્રોત્સાહક વિચારોથી તે પાંખડીઓને વધારે ને વધારે વિકસાવવી એ અમારો એક પવિત્ર અભિલાષ છે.’

આ ‘પવિત્ર અભિલાષ’ અંગે કોઈ નુક્તેચીની કે દાખલાદલીલમાં જઉં તે આગમચ એક હકીકતનાં દુખણાં લઉં જરી ? આ મુંબઈગરા જુવાનિયા ‘નવજીવન’ એ શબ્દ ક્યાંથી લઈ આવ્યા એની ઇન્દુલાલદીધી માહિતી એકદમ એકદમ ઝક્કાસ છે. પેઢીકૂદકે ઝક્કાસ જેવો પ્રયોગ કીધો; જેમ કે ‘નવજીવન’ એ પ્રયોગનું પગેરું ક્યાં પહોંચે છે એ જિજ્ઞાસાનો ઉત્તર મને ખરે જ સાક્ષાત્કારક અનુભવાય છે. શંકરલાલ બૅન્કર દાન્તે(ડેન્ટી)ના ‘નોવા વિવા’ (નવું જીવન) એ સૂત્રશબ્દ પર મોહિત હતા. “આ શબ્દ ગુજરાતીમાં ઊતારતા ‘નવજીવન’ શબ્દ અમે સહેલાઈથી ઘડી કાઢ્યો.”

હમણાં આ માસિકના જુલાઈ ૧૯૧૫માં પ્રકાશિત થયેલા પ્રથમ અંકની જિકર કરી. ઑગસ્ટ ૧૯૧૫ના બીજા અંકમાં ઇન્દુલાલ ઓર બુલંદીથી પેશ આવતા જણાય છે : “… જે મહાન કાર્ય ગુજરાતના પાછલા લેખકોએ કર્યું નથી તે ગુજરાતનું નવું લેખકમંડળ હાથ ધરશે. નવા સૈકાનું પ્રભાત થતાં નવું જીવન દેશમાં સ્ફુર્યું છે અને ગુજરાત તે જીવન આતુરપણે ઝીલે છે. રાષ્ટ્રીય આવેશથી પ્રેરાયેલા ગુજરાતીઓ ગુજરાતની કમજોર છતાં બુદ્ધિશાળી અને વહેમી છતાં વહેવારિક પ્રજાને પોતાની ગણી ચાહશે, અને ગુજરાતી સાહિત્યકૃતિઓને ચોમેર જામેલા અંધકારમાં પ્રકાશના થોડા દીવા’ ગણી તેને માટે મગરૂર થશે. ગુજરાત તથા હિંદના ઇતિહાસનાં ઉજ્જવળ પાનાં ઉઘાડી પ્રજાને ફરીથી મહત્ત્વાકાંક્ષી અને મહાન તેઓ બનાવશે – લાગણીભર્યા વિચારોથી અને પ્રોત્સાહક કલ્પનાથી હિંદના ઉદયનો દિવસ સમીપ લાવશે !” (હકીકતમાં આ લેખ ૧૯૧૫ના જૂન માસમાં સુરત ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયો હતો.)

‘નવજીવન અને સત્ય’ના સ્વરૂપ અને સામગ્રીની ચર્ચામાં રણજિતરામ બેલાશક સહભાગી હતા, અને ઇન્દુલાલ જ્યારે અખબારી પ્રતિનિધિ તરીકે ઈરાક ગયા ત્યારે તો તંત્રીની જવાબદારી પણ એમણે જ નભાવી હતી. ગુજરાતની સર્વાંગી જાગૃતિ એ એમનો સર્વાગ્ર હૃદયભાવ હતો. ગોમાત્રિની અધ્યક્ષતામાં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું એમનું આયોજન એ દિશામાંની કોશિશ હતી, માસ્તર નંદનપ્રસાદ જેવાના લાભાર્થે.

યુનિવર્સિટીનાં પગરણ સાથે આપણે ત્યાં જે બધા આરંભકાળના નવસ્નાતકો આવ્યા, એમાંના એક હિસ્સાની મૂંઝવણ ને મનોદશા રણજિતરામે ‘માસ્તર નંદનપ્રસાદ’ નામે શિક્ષકના પાત્ર દ્વારા પરંપરાગત વાર્તા દેખીતી ઓછી અને વાગ્મિતા વધુ એ પેરે કહી છે. એક રવિવારે કોટની રાંગે રાંગે ચાલ્યા જતા નંદનપ્રસાદને ચેન નથી:

“…. અમારી ગણતરી નહીં, અમને સુખ નહીં, વૈભવ નહીં, વિલાસ નહીં, પ્રતિષ્ઠા નહીં, કીર્તિ નહીં, માન નહીં, અકરામ નહીં, જિંદગીમાં મીઠાશ નહીં, હોંસ નહીં, ઊલટ નહીં, આગ્રહ નહીં, શ્રદ્ધા નહીં, પરોણો નહીં, અંકુશ નહીં, ઉત્તેજન નહીં, ઉલ્લાસ નહીં, હતાશા, કડવાશ, મૂંઝવણ, યંત્રણા, સ્તબ્ધતા, પ્રવંચના, સભ્ય દોગાંઈ રેંસી નાખે છે. જીવતાં અમને શબ જેવા ફેરવે છે.

“આમાં મારો તો પત્તો જ નથી ખાતો. Ennui ખાઈ જાય છે. Lotuseatersના દ્વીપમાં જઈ વસવાની ઉમેદ, શેખચલ્લીઓની ઉમેદ જેવી જન્મે એવી જ નાશ પામે છે ….”

આજથી પાંચછ દાયકા પાછળ જઈએ તો આન્વી(એન્યુઈ)ની અનુગુંજ આપણી એ સમયની બૌદ્ધિક ચર્ચાઓમાં અને સર્જક વર્તુળોમાં સંભળાતી જણાશે. પણ લગભગ સ્વગતોક્તિ/મનોગતોક્તિએ માસ્તર નંદનપ્રસાદની વાર્તામાં આ પ્રયોગ સૈકાથી પણ વધુ વર્ષો પર આપણે ત્યાં થયેલો છે. એનાં મૂળ અલબત્ત રણજિતરામના કિંચિત વિશ્વસાહિત્યસંપર્કમાં તો સ-ભાન વિચારણામાં હશે. પણ આન્વીની વિશેષ ચર્ચા આપણે ઘડીક રહીને કરીશું.

મનોગતના છેક છેલ્લા જેવા અંશમાં આન્વીની સાથે લોટસ ઇટર્સનોયે ઉલ્લેખ આવે છે. આમ તો છેક ગ્રીક પુરાકલ્પન લગી પહોંચતો આ ઉલ્લેખ છે. જો કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણા નવશિક્ષિતોને એનો પરિચય ટેનિસનની રચનાને આભારી હશે એમ માનવામાં હરકત નથી. લોટસની ચોક્કસ ઓળખનો અભાવ છતાં લગરીક છૂટ લઈને આપણે લોટસ ઇટર્સને ‘કમલજીવી’ પ્રજા કહીશું. કમલભોગી માત્રને મળેલું વરદાન સ્વપ્નવિલાસની સુખનીંદરનું હોય છે. કશી લપ્પનછપ્પન વગર દરકાર વગરની મનઃસ્થિતિમાં દાયિત્વ કહો, ઉત્તરદાયિત્વ કહો એ તો બચાડું માર્યું ફરે. વિલાસી ને વૈભવી જીવનને અને કશી નિસબતને શો સંબંધ વળી.

માસ્તર નંદનપ્રસાદ એની સઘળી મર્યાદાઓ વચ્ચે અને છતાં સુખની નીંદરના સહેલા રસ્તે આન્વીનું વારણ નથી શોધતો એ સૂચક છે. પણ તે વિશે વધુ કહું તે પહેલાં મારે આન્વી વિશે થોડું દિલખુલાસ કહેવું જોઈએ. આન્વી સંદર્ભે ખિન્નતા કે અન્યમનસ્કતા જેવા શબ્દાર્થને અવશ્ય અવકાશ છે. પણ આપણે જે ધોરણે ચર્ચા છેડી છે એમાં હું એને વિ-મનતા કહેવું વધુ પસંદ કરીશ. દિલોદિમાગની કંઈક ઉખડે ઉખડે તાસીરની રીતે હું એને ઘટાવું છું. તમે મૂળ જુઓ એનું – ક્યારે સવિશેષ ચલણી બન્યો એ ! યુરોપના યુવજનોમાં ઓગણીસમી સદી અધવચ તે ચર્ચામાં આવ્યો. ફ્રેન્ચ ક્રાન્તિએ જગવેલી આશાઅપેક્ષા તેમ જ નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા બાબતે જે ભોંઠામણ બલકે પછાડ અનુભવાઈ, જે પ્રભાતમાં જીવવું આપણા કવિને મન પરમાનંદની અનુભૂતિ શું હતું – અને એમાં ય યુવાન હોવું એ તો સ્વર્ગ સાક્ષાત્‌. (ખુશાલી એ બડી કે આ જમાને જીવવું / સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં.) પણ એ વિપરીત પરિણામી જણાઈ ત્યારે યુવજન ખિન્ન, ઉદાસીન અને વિમન બની ગયા .. અને આન્વી એને વાચા આપતો સહજ શબ્દપ્રયોગ ! માસ્તર નંદનપ્રસાદ ઉખડે ઉખડે અને બિગડે દિલ હોતે છતે કમલભોગના ખેંચાણમાંથી તત્કાળ બહાર આવતા માલૂમ પડે છે તે એમના પાત્રનો વિશેષ છે, અને અલબત્ત રણજિતરામનો પણ.

મને લાગે છે, આ તબક્કે ‘આન્વી’ અને ‘લોટસ ઇટર્સ’ એ બેની સાથે એક ત્રીજું વાનું પણ જોડવું જોઈએ – એલિયેનેશન, વિસંબંધન. નરદમ નિજી સંદર્ભમાં તમે એને અલગાવ પણ કહી શકો. પણ સમાજને સ્તરે એ પ્રક્રિયા વિસંબંધનની છે, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાન્તિ સાથે પલટાતા સંદર્ભમાં : ખેતરેથી કારખાને અને ગામડેથી શહેરે એમ જે બદલાવ આવ્યો એણે મનુષ્યને એક અલગાવની, કહો કે સંદર્ભવછોયાની, પરિસ્થિતિ અને મનઃસ્થિતિમાં મૂકી આપ્યો. આ વિધાન પરત્વે ભાષ્ય કે વાર્તિકમાં નહીં સરતાં સંક્ષેપમાં એટલું જ કહેવું બસ થશે કે, દાખલા તરીકે, ઇશ્વરથી મનુષ્ય છૂટો પડી ગયાની માન્યતામાં જે અલગાવ હોઈ શકે એના કરતાં ગુણાત્મક રીતે ઘણું આગળ જતું આ વિસંબંધન છે.

ગમે તેમ પણ ઉત્તર માર્ક્‌સની છાયામાં તેમ માર્ક્‌સવાદ-લેનિનવાદની સોવિયેત પ્રાણપ્રતિષ્ઠામાં આપણી સમક્ષ જે એક જડબેસલાક અને ચુસ્તંચુસ્ત દર્શન આવ્યું અને એકંદરે સ્થિતપ્રતિષ્ઠ થઈ ગયું એને વિશે પુનર્વિચાર અને અંશતઃ પણ નવસંસ્કરણની એક સર્જનાત્મક સંભાવના વીસમી સદીના ચોથા દાયકામાં તરુણ માર્કસની ૧૮૪૪ની જે ટિપ્પણ અને ટાંચણ તરેહની હસ્તપ્રતો મળી તે સાથે ઊઘડી છે. માર્ક્‌સવાદપૂર્વ માર્ક્‌સ, માર્ક્‌સ બીફોર માર્કિસઝમ, લગીર છૂટ લઈને કહીએ તો માર્ક્‌સીય માનવવાદ, એવી કાંક આ સંભાવના છે.

જાતથી જુદાગરો અને માંહ્યલાનો અસાંગરો એવું કેમ એ પ્રશ્નનો ઉત્તર પૂર્વમાર્ક્‌સ એ મતલબનો આપશે કે નવા યંત્રઔદ્યોગિક સમાજમાં તમે સ્વાયત્ત શ્રમજીવી મટી જઈ એક પુરજો બની જાઓ છો. તમારું આપોપું અળપાઈ જાય છે અને તમે નરદમ નરી ક્રયવસ્તુ કેવળ બની રહો છો. (સાંભરે છે, એરિસ્ટોટલે ગુલામોને ટેબલ-ખુરસી પેઠે સાધન ગણાવેલા, માણસ નહીં. યંત્ર ઔદ્યોગિક સમાજમાં શ્રમિકમાત્રની નિયતિ ‘અ થિંગ’ બની રહે છે.)

૧૮૪૪ની, માર્ક્‌સવાદપૂર્વ માર્ક્‌સના આ ટાંચણ ટિપ્પણની લીલાભૂમિ અર્થાત્‌ યુરોપની સાથોસાથ અને સમાંતરે જરી ભારતમાં, ખાસ તો આપણે ત્યાં ગુજરાતમાં ડોકિયું કરીએ તો એ જ દસકામાં દુર્ગારામ મહેતાજી માનવધર્મ સભા લઈને આવ્યા છે. (હિંદમાં રેનેસાંના નકશા પર કોલકાતા પછીના કાલક્રમે સુરત છે તે ઇતિહાસવસ્તુનાં ઓસાણ આપણા પૈકી કેટલાને હશે, ન જાને.) મોટી વાત તો દલપતરામનું અને ફાર્બસનું મળવું છે. ગુજરાતી શીખવા ઈચ્છતા ફાર્બસ વાસ્તે ભોળાનાથ સારાભાઈના તેડાવ્યા દલપતરામ વઢવાણથી અમદાવાદ માટે પગપાળા નીકળ્યા ત્યારે એમણે કાપેલું અંતર ગાઉઓમાં નહીં એટલું સૈકાઓમાં છે … અને એમાંથી સ્તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આવી છે. (હજુ જો કે થંભેલાં મનજળ ઝટ ડહોળવાની હાકલ કરતા કડખેદ નર્મદનો ઉદય બાકી છે.)

રણજિતરામ અને નંદનપ્રસાદને રેઢા મૂક્યાનો વહેમ વહોરીને પણ હું કહું કે યુરોપમાં આ દસકો માર્ક્‌સ-એન્ગલ્સની પહેલી પહેલી મુલાકાત અને જામતી આવતી કર્મબાંધવીનો છે. તરુણ માર્ક્‌સે વિસંબંધનની થિયરીની રીતે કામ કર્યું છે તો એંગલ્સે કામદારોના વાસ્તવજીવનનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો છે. વિસંબંધન શી અનવસ્થામાં ઉત્તરોત્તર મુકાતાં જીવતર તે શું એનો એન્ગલ્સને અભ્યાસઅહેસાસ છે – જેમ કે, લંડન સ્લમ્સના એના અભ્યાસમાં ‘અનફીલિંગ આઈસોલેશન’, લાગણીશૂન્ય એકાકીપણા જેવું આબાદ આકલન છે. દલપત-ફાર્બસ અને માર્ક્‌સ-એન્ગલ્સ બંને જોડીઓની અહીં સમાંતરે પણ એક સાથે જિકર કરી, પણ બેઉની કામગીરીનાં ક્ષેત્રો સ્વાભાવિક જ જુદાં છે, પણ એક સાથે એમને સંભારવાનો સંદર્ભ એ છે કે બેઉ છેડે અભાન કે સભાન ધોરણે આન્વી અને વિસંબંધન સાથે કામ પાડવાનું ચાલે છે.

રણજિતરામે નંદનપ્રસાદના પાત્ર દ્વારા આન્વીનો સવાલ ઉઠાવી કમલજીવી નહીં થતાં કશોક ઉગાર ઉપાય શોધવા મથી શકતી નવશિક્ષિત પેઢી તરફે ઇશારો કર્યો છે. પૂર્વસૂરિ દલપતરામે શરૂ કરેલી અને નર્મદ આદિએ દૃઢાવેલી બઢાવેલી વિચારમથામણ રણજિતરામ આવતે આવતે અસ્મિતાની વિભાવના અને એને અનુલક્ષતી પ્રવૃત્તિઓની ફરતે ગઠિત થવા કરે છે. એક રીતે એ વિસંબંધનનું વારણ છે. અલબત્ત, એ વિચારક્ષેત્રે ચાલતી ચહલપહલ છે જેને માર્ક્‌સીય પરિભાષામાં જાડી રીતે આપણે સુપર સ્ટ્રક્ચર કહી શકીએ તે સ્તરની કામગીરી છે.

યંત્રઔદ્યોગિક ક્ષેત્રે સપાટાબંધ ધસમસી રહેલા યુરોપમાં તરુણ માર્ક્‌સ એલિયેનેશનથી પરિચાલિત છે અને વાસ્તવજીવન સાથેની સંડોવણી સોતો એંગલ્સ એને આવી મળે છે. આ સંડોવણી, આ યુક્તતા કદાચ એ સંસ્કૃત નાયિકા શી છે જેના પાદ પ્રહારે થિયરી પુષ્પિત થઈ ઊઠે છે. યુરોપના બૌદ્ધિકોમાં જ્યારે વિસંબંધન કહેતાં એલિયેનેશનનો ભાવ પ્રબળપણે જાગ્યો ત્યારે એ માત્ર સ્થિતિદર્શને નહીં અટકતાં, આવી અનવસ્થા ન હોય તે રીતની નવી ને ન્યાયી વ્યવસ્થા માટે વિચારતા ને મથતા માલૂમ પડે છે.

નંદનપ્રસાદની આન્વી ક્ષણો અને વિસંબંધન શી અનુભૂતિનો સમય સ્વાભાવિક જ ઔદ્યોગિક ક્રાંતિના યુરોપીય કાળથી કંઈક મોડો છે. આર્થિક-સામાજિક સંબંધોની અનવસ્થા, આપણે ત્યાં માર્ક્‌સ-એન્જલ્સના યુરોપથી વિપરીત એવી એક શોષણશૂરી સંસ્થાનશાહીનો સંદર્ભ ધરાવે છે. નવભણેલ જેવો લગરીક શહેરી પાસનો જે નવો વર્ગ અને પરંપરાગત ગ્રામજીવન એ બે વચ્ચેનું અંતર નિદર્શિત કરતા વિસંબંધનનો જ એક નમૂનો અંબાલાલ સાકરલાલ દેસાઈએ વીસમી સદી બેસતે આપ્યો, ‘શાન્તિદાસ.’

ઇતિહાસદર્જ લેખાતી રહેલી પ્રથમ નવલિકા મલયાનિલકૃત ‘ગોવાલણી’ હશે. પણ એનાથી એક દસકા કરતાં પહેલાં ‘શાન્તિદાસ’ સાથે નવી ભોં ભાંગે છે તે એ અર્થમાં કે સાંસ્થાનિક શાસન તળે ગ્રામજીવનમાં કેવી અનવસ્થા આર્થિક સંબંધોમાં ને અન્યથા પણ ઊભી થઈ છે. ગામડેથી પહેલી જ વાર એકમાત્ર જુવાનિયો મુંબઈ ભણવા ગયો છે. રજાઓમાં એ ચમચમતા બુટ સાથે ગામમાં આવે છે. ગામના જુવાનિયા માટે પરંપરાગત મોજડી જેવાં જૂતાંની સામે બુટની ચમકદમક એ નવા જમાનાના પ્રભાવક પ્રતીકરૂપે આવે છે, અને રજાએ રજાએ મુંબઈની ખેપ સાથે આપણો એકનો એક ભણતો જણ ચમચમતી બુટ-જોડી જથ્થાબંધને ધોરણે તે સૌને સારુ ખરીદતો આવે છે. પરિણામે ગામના મોચીનો ધંધો ભાંગે છે. એ જેમનાથી પોસાતા અને જેમને પોસતા તે સૌના કામધંધાને હાણ પહોંચે છે અને ગ્રામસમાજના આંતરસંબંધ અને અર્થકારણનું આખું માળખું તળેઉપર થવા લાગે છે. નવભારતમાં આર્થિક રાષ્ટ્રવાદના ઉદયની અભ્યાસકથા કોઈ આલેખવા ચાહે તો એના એક વૈતાલિકની ગરજ સારી શકે એવી વાર્તા આ તો છે.

નંદનપ્રસાદની આન્વીને બૂજવા સારુ આપણા સાહિત્યમાં જરી આગળ જઈને નજર નાખીએ તો મુકુંદરાયનો મેળાપ થશે. શાન્તિદાસની દાસ્તાંમાં ગ્રામસમાજ સમસ્તનો સમાવેશ છે તો રા.વિ. પાઠકના મુકુંદરાયમાં નવી કેળવણીથી વતનગામમાં ભાંગતા કુટુંબજીવનની ને બાપ દીકરાને ગુમાવે બલકે પોતે નિઃસંતાન હોય તો કેવું સારું એમ નિસાસો નાખે એની છે. પણ નંદનપ્રસાદને મળેલું રણજિત વરદાન એ છે કે એ નથી તો ચમચમતા બુટનો બંદીવાન કે નથી કુટુંબવિચ્છેદનો કાયલ.

રણજિતરામે અસ્મિતાની આબોહવા જગવી આન્વીના શમન અને શોધનની એક ભૂમિકા લીધી અને એનાં આર્થિક, સામાજિક પાસા સંબંધે અંબાલાલ સાકરલાલે શાન્તિદાસનું ઓઠું લઈ વાત મૂકી. એમના પૂર્વે દલપતરામ-ફાર્બસ-દુર્ગારામ-નર્મદ આદિએ સંસાર સુધારા ઉપરાંત રેનેસાંશાઈ સુપર સ્ટ્રક્ચરની આરંભિક કોશિશ કીધી.

જે એક વાનું આ બધાંથી પકડાય છે તે એ છે કે લેખન, કેમ કે તમે વાચકની અપેક્ષાએ લખો છો એટલા સીમિત અર્થમાં જ સામાજિક પ્રવૃત્તિ નથી. આ સંદર્ભમાં તમે ગોવર્ધનરામના સાક્ષરજીવનના આદર્શને પણ સંભારી શકો. આમ તો, સાક્ષરજીવન કહેતા સામાન્યપણે તરત જાગી શકતો પ્રતિભાવ જનસમાજથી અલગ અને અળગા, કંઇક અસ્પૃષ્ટ તાટસ્થ્યમંડિત સાક્ષીજીવનોયે હોઈ શકે. પણ જોવાનું એ છે કે ગોવર્ધનરામે પ્રવૃતિ પરાયણ સાક્ષરજીવનનો વિકલ્પ બાદ નથી કર્યો, બલકે, રાજકીય, સાંસારિક અને અન્ય વ્યવહાર કાર્યોમાં ગુંથાયેલ પ્રવૃત્તિ પરાયણ જીવનમાં ‘સરસ્વતીની પ્રતિષ્ઠા’ જોવા મળે એવો વિકલ્પ એમણે ખુલ્લો રાખ્યો છે એટલું જ નહીં પણ આવા સાક્ષરજીવનને એ સરસ્વતીના વાહન મયૂરની ઉપમા આપી બિરદાવે છે. દાયકાઓ પર, ૧૯૪૪માં એટલે કે તેત્રીસ વરસની વયે ઉમાશંકર જોશીએ ઓગણત્રીસ વરસના દર્શકમાં ગોવર્ધનરામના સાક્ષરજીવનનો નાયક જોયો હતો તેમાં ગોમાત્રિએ ખુલ્લા રાખેલા વિકલ્પનો ધક્કો હશે, એમ પાછળ નજર કરતાં સમજાય છે.

સરસ્વતીની ઉપાસના અને ‘જાહેર સંડોવણી’ એ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તો પણ પરસ્પર ઉપકારક હોઇ શકે છે. બલકે, તમે જેને સારસ્વત જીવન કહો, સાક્ષરજીવન કહો એમાં આપણા સમયના ‘બૌદ્ધિક’ની વ્યાખ્યામાં તો એ કદાચ અપરિહાર્ય જણાય છે. કડખેદ બોબ ડિલનને અપાયેલ નોબેલ લક્ષમાં લો કે નોબેલ પારિતોષિક સ્વીકારતાં હેરોલ્ડ પિન્ટરે આપેલું વક્તવ્ય જુઓ, આ વાત એકદમ સામે આવી ઊભી રહે છે.

પાંચછ દાયકા પર, તે કાળના ઘણા મિત્રોની જેમ ઘડતરકાળના અમારા વીરનાયક કહો કે વિનાયક, સાર્ત્ર ને કામુને પણ મારતી કલમે (દોડતી જીભે) સંભારી લઉં જરા ? સાર્ત્ર નિઃશક સાર્ત્રોપમ ઢબે કહે છે કે તમે અને હું ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ – ગુજરાતીમાં શું કહીશું, પસંદગી કરવા સારુ અભિશપ્ત – છીએ. પણ તે સાથે એમની નવલસૃષ્ટિમાંથી પસાર થાઓ તો તરત સમજાય છે કે દુનિયા દુઃખોથી ને અનિષ્ટોથી ભરેલી છે એ સાચું; પણ આપણે આપણી જવાબદારી સમજી જીવનસંઘર્ષમાં પડવું જોઈએ એ પણ સાચું. ફ્રેન્ચ બૌદ્ધિકો એંગેજમેન્ટના ખયાલે હંમેશ વર્તતા પ્રવર્તતા રહ્યા છે. ‘મિથ ઑફ સિસિફસ’ કે ‘રિબેલ’ના લેખક કામૂ હાર નક્કી હોય તો પણ પ્રતિકાર તો કરવો જ જોઈએ એમ માનતા માલૂમ પડે છે. એમની પ્રથિતયશ નવલ ‘આઉટસાઈડર’ અને હમણાં કોરોનારણ્યે સતત સંભળાતી રહેલ ‘પ્લેગ’ બેને સાથે મૂકીને જોઈએ તો ‘આઉટસાઈડર’માં લાગણીઓથી અસ્પૃષ્ટ જેવો રહેતો હૃદયશૂન્ય નાયક છે. ઊલટ પક્ષે, ‘પ્લેગ’માં રોગચાળાનો પ્રતિકાર કરવા કટિબદ્ધ એેવા સમર્પિત ડૉક્ટરની વાત છે. દુનિયા દૂષિત છે એ જો સાચું છે તો દૂષિતતા દૂર કરવા મથવું, મથતા રહેવું તે ધર્મ્ય છે.

સાર્ત્ર – કામૂ વિશે અતિસરલીકરણની રીતે ને ક્વચિત સપાટ લાગે એવા શબ્દોથી વાત કરી મારે ‘આઉટસાઈડર’ને મિશે એક મુદ્દો કરવો છે. કામૂની નહીં પણ હાવર્ડ ફાસ્ટની ‘આઉટસાઈડર.’ ફાસ્ટ કૉમ્યુનિઝમની કંઠી બાંધી સોવિયેત સાક્ષાત્કારવશ મુક્ત થયેલા સંઘર્ષ – અને – સ્વાધ્યાય-શીલ અક્ષરકર્મીઓ પૈકી છે. એમણે એક રબીની જીવનકથા આલેખી છે. જીવન અને જાહેરજીવનના એક અલગ અલગ સંઘર્ષ મુકામે પ્રવૃત્ત થઈ એ પોતે જીવનનું એક સમાધાન પામે છે. કામૂની સર્જક પ્રતિભા ફાસ્ટ કને નથી, પણ ‘આઉટસાઈડર’ એક બળબળતો સર્વવિછોયો જણ મટી પોતાના આલોચનાત્મક દૃષ્ટિબિંદુ સાથે અને છતાં કેવી રીતે સૌની સાથે જોડાયેલો બની રહે છે એ ફાસ્ટે અચ્છુ નિરૂપ્યું છે.

મને લાગે છે, ઉતાવળે અધકચરે પણ હવે મારે વાતનો બંધ તો વાળવો જ જોઈએ. માસ્તર નંદનપ્રસાદની ‘આન્વી’ની ભાળ લેતે લેતે આપણે ક્યાં ય આગળ ચાલી ગયા નહીં ? પણ રણજિતરામના સિપાહીને સારુ એ કદાચ વિધિનિર્મિત ભવાટવી હશે. સાર્ત્ર ભલે ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ની ભાષા બોલે રણજિતરામનો સિપાહી તો કહેશે કે આઈ એમ કન્ડેમ્ડ ટુ ક્રિયેટ !

[ગુજરાતી સાહિત્ય પરિષદના પચાસમા અધિવેશનનું પ્રમુખીય વક્તવ્ય (27 ડિસેમ્બર 2020)]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 01-02 તેમ જ 14-15

* * *

Gujarati Sahitya Parishad – Suresh Joshi Vyakyanmala 26th Dec 2002 Shirish Panchal & Sunil Kothari

Gujarati Sahitya Parishad – Bahubhashi Kavi Milan – 27.12.2020

 

Gujarati Sahitya Parishad organised a seminar on Literature in Pandemic Time