પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે?

ગુજરાતી સાહિત્ય અકાદમી: (લંડન) 3-10-2020

વિષય:પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને

ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે?

1920 થી 1950 –  રજૂઆત: શ્રી દામિની શાહ

1951 થી 2000 –   રજૂઆત: શ્રી નિમીષા શુક્લ

2000 થી 2020 –   રજૂઆત: દામિની અને નિમીષા

 

આદરણીય વિપુલભાઈ, પંચમભાઈ, નિરજભાઈ અને સાથી મિત્રો,

આજના કાર્યક્રમનું શીર્ષક છે ‘શતાબ્દીની પૂર્વ સંધ્યાએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે?’

આજની વાત કરવા માટે હું કેટલી લાયક કે અનુભવી છું તે ખબર નથી કારણ, મારા કરતાં અનુભવી ઘણાં છે, પણ તમે અમને પસંદ કર્યા અને તક આપી તેનો આનંદ અને તે માટે આપના આભારી છીએ.

ગાંધીજીએ કહ્યું હતું કે “હું મર્યા પછી પણ કબરમાં શાંત રહેવાનો નથી અને તમને પણ શાંત રહેવા દેવાનો નથી.” તેમની વાત તો સાચી જ છે. આજે આપણે અને દુનિયાના દેશો નાના-મોટા અનેક સંકટોમાંથી અને હિંસાના માહોલમાંથી  બહાર નીકળવા ગાંધીના વિચારોમાંથી જ તો રસ્તો શોધવાની કોશિશ કરીએ છીએ.

ગાંધીના જીવનમાં સત્યાગ્રહના બીજ ૧૮૯૩માં પીટર મેરિત્સબર્ગના સ્ટેશન પર વવાયા. અલબત્ત સત્યાગ્રહ શબ્દ તેમણે ૧૩ વર્ષ પછી વાપર્યો. ગાંધીજી અને કસ્તુરબા સત્યાગ્રહનો પહેલો પાઠ તો  દ.આફ્રિકામાં જ શીખ્યા અને ઘડાયા પણ ત્યાંજ.

ગૂ.વિ.ની સ્થાપના પહેલાં ૧૯૧૫માં અમદાવાદના કોચરબ ગામમાં સત્યાગ્રહ  આશ્રમની સ્થાપના ગાંધીએ કરી તે આપણે સૌ  જાણીએ છીએ.

ગૂજરાત વિદ્યાપીઠ જેવી  સંસ્થાનો 100 વર્ષનો ઇતિહાસ દોઢેક કલાકમાં કહેવો તે થોડું અઘરું જરૂર છે પણ છતાં અમે કોશિશ કરી છે. વિદ્યાપીઠની વાત અમે એકલાં જ કરીએ તે બરાબર નથી. કારણકે આ ઐતિહાસિક મહત્વ ધરાવતી સંસ્થા સાથે અનેક મહાનુભાવો સંકળાયેલા હતાં અને છે. તેમનો વિદ્યાપીઠ સાથેનો નાતો અમારા કરતાં વધારે ગાઢ અને જૂનો પણ. તેથી તેમના વિચારોને-અભિપ્રાયને  વિડીઓ રેકોર્ડીંગ દ્વારા જાણવાની કોશિશ અમે કરી છે.

શરૂઆત કરીશું વડલાને જોઇને શિખરીણી છંદમાં રચાયેલી સુકૃતની આ કવિતાથી, જે અમને વિપુલભાઈએ જ મોકલી હતી.

ગાંધીજી મુંબઈ બંદરે ઉતર્યા ત્યારે એમનો વેશ જોઈને પારસીબાઈને હસવું આવ્યું હતું કિશોરલાલ મશરૂવાળાએ આ વાત નોંધી છે એમ પ્રકાશભાઈ જણાવે છે. કાઠિયાવાડી લિબાસનું અર્થઘટન શ્રી પ્રકાશભાઈ ન. શાહ (તંત્રી, નિરીક્ષક)  કેવી રીતે કરે છે અને તેને  ઋષિકાર્ય સાથે જોડે છે? આવો સાંભળીએ.

ગાંધીજી કહે છે, “આ વિદ્યાલયની કસોટી માટે તમે જુદો આંક મુકજો. આની પરખ કરવાને સારું તમે જુદી પથરી શોધો એમ ઈચ્છું છું. સામાન્ય પથરી ઉપર કસોટી કરશો તો આભાસ પિત્તળનો માલૂમ પડશે. પણ ચારિત્ર્યની કસોટી ઉપર તપાસશો તો તમને પિત્તળ નહીં પણ સોનું જણાશે.

આનું કારણ નથી ગુજરાતનું ધન, નથી ગુજરાતની વિદ્યા, પણ એનું કારણ એ છે કે અસહકારની ઉત્પત્તિનું સ્થાન ગુજરાત છે; અસહકારનું મૂળ ગુજરાતમાં રોપાયું છે; તેના ઉપર સિંચન ગુજરાતમાં થયું છે એને માટે તપસ્યા ગુજરાતમાં થઇ છે. મેં તો કેવળ મંત્ર આપ્યો છે, એક વણિક પુત્ર કરી શકતો હોય તો મે ઋષિનું કાર્ય કર્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના ખાતમુહુર્ત માટે જાણીતા વૈજ્ઞાનિક શ્રી પ્રફુલચંદ્ર રાય ૯\૩\૧૯૨૩ના રોજ ગૂ.વિ.માં આવ્યા હતા. ભારતમાં વિજ્ઞાનના વિકાસની ગતિ ક્યારથી અને કેમ ધીમી પડી તે વિશેના પ્રફુલચંદ્ર રાયના વિચારો વિષે વાત કરતા શ્રી પ્રકાશભાઈ ન. શાહ કહે છે …

૧૮૩૫થી હિંદુસ્તાનમાં પ્રચલિત કેળવણીનું મંડાણ થયું. તેના તરફના અસંતોષના ભાગરૂપે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ. બંગભંગની ચળવળથી અને અસહકારના આંદોલનથી તેને બળ મળ્યું.

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો મૂળ આધાર તો ગુજરાતમાં મળેલી ચોથી રાજકીય પરિષદમાં થયેલો ઠરાવ છે.  તેમાં વિદ્યાર્થીઓને સ્વદેશાભિમાની, સ્વાશ્રયી, ચારિત્ર્યવાન હિંદીઓ બનાવવાની તાલીમ આપવાને સરકારથી સ્વતંત્ર ધોરણ પર રાષ્ટ્રીય કેળવણીની સંસ્થાઓ રચવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે તેમ ઠરાવ્યું હતું. આવો, ઇતિહાસ અને દફ્તરવિદ્યાના બિંદુવાસીની જોશી પાસેથી વિદ્યાપીઠની ઈતિહાસ સંભાળીએ.

પ્રાણજીવનદાસ મહેતાના રૂપિયા અઢી લાખના દાનમાંથી પ્રાણજીવન વિદ્યાર્થી ભવન શરૂ થયું તે આપણે જોયું. પણ, આ પ્રાણજીવન વિષે વાત કરતાં ગાંધીએ કહેલું કે, “તેમણે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરીને સોનાનો ચાંદ લીધેલો. પછી,વધુ અભ્યાસ માટે વિલાયત ગયા. ત્યાં દાક્તરેય થયા અને બેરિસ્ટર થયા.  હીરાના વેપારી, દિવાન પણ થયેલા, વહાણ બાંધવાનો ધંધો પણ કરે પ્રામાણિકપણે કમાયા અને કમાણીનો મોટો ભાગ દેશને માટે વાપર્યો છે.”

‘જાહેરનો પૈસો વધારે કંજુસાઈથી વાપરવો જોઈએ.  કોઈનામાં કમાવાની શક્તિ હોય તે પોતાનો પૈસો ઉદારતાથી વાપરે તોપણ જાહેરનો પૈસો તે પોતાના પૈસાની જેમ વાપરી નથી શકતો.’ એમ ગાંધીજી માનતા.

ગાંધીજીએ વિદ્યાપીઠ વિષે કહ્યું કે, “આ જાતવાન ‘બી’ આપણે ખાસ સાચવી રાખવું જોઈએ.  એ આપણી જવાબદારી છે. શિક્ષણનો ઉદ્દેશ શિસ્ત અને ચારિત્ર્ય છે.  શિક્ષણમાં સેવા અને  ઉદ્યોગ તથા જાત મહેનતના ગૌરવની ભાવના વણાવી જોઈએ.  તો ચારિત્ર્ય ખીલશે, અને તો જ સ્વરાજની લોકશાહીને યોગ્ય નાગરિક પેદા કરી શકીશું.”

 

રાષ્ટ્રીય શિક્ષણ યુગના સ્વાભાવિક રીતે ત્રણ ભાગ પડે છે.

૧) ૧૮૭૫-૧૯૦૦ : સરકારી માન્યતાવાળી રાષ્ટ્રીય શાળાઓ :  પહેલા કાળમાં અલીગઢની મુસ્લિમ કોલેજ, પૂનાની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, લાહોરની ડી.એ.વી. કોલેજ, અને કાશીની સેંટ્રલ હિન્દુ કોલેજ જેવી સંસ્થાઓ સ્થપાઈ હતી. તેમનો હેતુ સરકાર સાથે સંબંધ ચાલુ રાખીને શક્ય તેટલા ધાર્મિક અને સાંસ્ક્રુતિક સુધારા કરવાનો હતો.

૨) ૧૯૦૦-૧૯૨૦ : સ્વતંત્ર રાષ્ટ્રીય શાળાઓ : બીજા કાળમાં પ્રેમ મહાવિદ્યાલય, વૃંદાવન,અને ગુરુકુળ કાંગડી જેવા ગુરુકુલો સ્થપાયા હતાં. તેમનો હેતુ સરકારથી સ્વતંત્ર રહીને ધાર્મિક અને કેળવણી વિષયક સુધારા કરવાનો હતો. આ સમયમાં બંગભંગની ચળવળે અને થિયોસોફીની હિલચાલે પણ સ્વતંત્ર શિક્ષણમાં રસ લીધો. તેમાની કેટલીક ૧૯૨૦ સુધી ચાલુ રહી.

૩) ૧૯૨૦ પછી સ્વરાજ્યના ધ્યેયવાળી શાળાઓ : રાષ્ટ્રીય શિક્ષણનો વ્યાપક પ્રયોગ ગાંધીજીએ ૧૯૨૦માં શરૂ કર્યો. તે દ્વારા તેમણે રાષ્ટ્રના સમગ્ર જીવનમાં ક્રાંતિના બીજ રોપ્યા, જેના ફળ આજે આપણે ખાઈએ છીએ. ૧૯૨૦ એટલે અસહકારના યુગનો પ્રારંભ. તે સમયની સંસ્થાઓનું ધ્યેય સુધારા ઉપરાંત સ્વતંત્રતા અને સ્વરાજપ્રાપ્તિનું હતું. તે સમયમાં અગાઉની કેટલીક સંસ્થાઓ ચાલુ રહી અને નવા ધ્યેયની નવી રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થઈ.

વિદ્યાપીઠને પોતાની શરૂઆત મહાવિદ્યાલયથી કરવાની આવી અને પ્રાથમિક શાળાઓ પછીથી તેને મળી, એ તે વખતની રાજકીય પરિસ્થિતિને કારણે હતું.

આ મહાવિદ્યાલયની પ્રતિષ્ઠા કરવાનો હેતુ કેવળ વિદ્યાદાન આપવાનું નથી, પણ આજીવિકાની પ્રાપ્તિને સારું સાધન કરી આપવાનો પણ છે.

ગાંધીજીએ કહ્યું, “તમારી દ્રષ્ટિથી હિન્દુસ્તાનમાં પડેલી કોલેજોની સામે આ મહાવિદ્યાલય અણુવિદ્યાલય લાગતું હશે. વિદ્યાપીઠ આપણે શું કામ સ્થાપી? અસહકારને માટે. એ અસહકાર કોની સાથે? સરકારી કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે? ના આપણો અસહકાર પદ્ધતિની સામે છે.”

‘સા વિદ્યા યા વિમુક્તયે’ એ સૂત્ર આપણો આદર્શ છે. જે આ મુક્તિ મેળવી શકે તેને જ પેલી મુક્તિ મળી શકે. મુક્તિના પ્રાકૃત અને ખરેખરા બંને અર્થમાં મુક્તિ એ જ આપણો આદર્શ છે.

ચારિત્ર્ય બળ વધે એ જ શરતે વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓ હસ્તીમાં આવી.

છઠ્ઠા પદવીદાન સમારંભ (તા.૧૫\\ ૧૯૨૮)દરમિયાન ગાંધીજીએ કહેલું કે, “વીરતા અને ધીરજ વિના શ્રદ્ધાનો પાક નથી ઊતરતો. આપણે  આપણા સિદ્ધાંતો પર કાયમ રહીએ અને વિશ્વાસ રાખીએ.  આ વિદ્યાપીઠની હસ્તી માટે મારે ઓલવાઈ જવું પડે, દફનાઈ જવું પડે તો તેમ કરવા તૈયાર છું.”

કેટલીક અગત્યની તવારીખ:

આમ તો આ તવારીખમાં શું લેવું અને શું નહીં? બહુ અઘરું કામ છે કારણ, ગાંધીજી પોતે હાજર હતા અને વિદ્યાપીઠમાં અનેક મહાનુભાવો આવતાં અને વિવિધ કાર્યક્રમો થતાં. 1920 થી 1950 સુધીની તવારીખ વિષે બિંદુબહેને નાની પુસ્તિકા પણ લખી છે. તેમાંથી કેટલીક તારીખ જોઈએ.

  • ૧૫/૧૧/૧૯૨૦ ગૂજરાત મહાવિદ્યાલયની  સ્થાપના
  • ગૂજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના ૨૨\૧૨\૧૯૨૦ : તેનો હેતુ પ્રાચીન હકીકતોનું સંશોધન કરવાનો હતો.
  • નિયામક સભાનું પાકું બંધારણ ઘડાયું.૧૫\૧૦\૨૨
  • ૧૪\૧\૨૫ના રોજ ગાંધીજીએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનું ઉદ્ઘાટન કર્યું.
  • ૧૯૩૦-’૩૪ ચાલુ શિક્ષણ કામ બંધ અને ૧૯૩૨ થી’૩૪ સુધી વિદ્યાપીઠ સરકારના કબજામાં
  • ૧૯૪૨-’૪૫ સ્વરાજની લડતને લીધે ચાલુ શિક્ષણ કાર્ય બંધ રહ્યું.
  • ૧૯૩૫ થી ૪૨ માં શિક્ષણ કામ ચાલ્યું.

વિદ્યાપીઠના  ગ્રંથાલયની એક આગવી ઓળખ છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, સંશોધકો, પત્રકારો, ઇતિહાસવિદો અને બીજા વાચકોને માટે તે તીર્થસ્થાન છે. જેની વાત આપણને જાણીતા પત્રકાર, અને વિદ્યાપીઠના વિદ્યાર્થી રહી ચુકેલા શ્રી ઉર્વીશભાઈ કોઠારી કરશે.

લડતમાં વિદ્યાપીઠનો ફાળો:

વિદ્યાપીઠ સ્વરાજ માટે જ સર્જાઈ હતી. સ્વરાજની લડત વિદ્યાપીઠના લોહીમાં વણાઈ હતી. જે પૈકીની કેટલીક લડત જોઈએ તો…(સમયના અભાવે આપણે વિગતે વાત નથી કરતાં)

  • નાગપુર સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
  • ૧૯૩૦ની લડત જુદી જાતની હતી. તે વખતે બીજું કામ અટકાવીને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેમાં જોડાયા હતા. દાંડીકૂચ શરૂ થઈ તે પહેલા પૂર્વતૈયારી માટે દસ-દસની બે અરુણ ટુકડી બનાવવામાં આવી હતી. જે આગળથી નીકળી હતી. લોકોમાં જાગૃતિ લાવવા અધ્યાપકો અને વિદ્યાર્થીઓની છ ટુકડીઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફેલાઈ હતી. કુલ ૪૨ અધ્યાપકો અને સેવકોમાથી ૨૮ દાંડીની લડતમાં એક યા બીજી રીતે ભાગ લીધો હતો. તેમાથી ૧૮ને જેલ મળી હતી. વિદ્યાર્થીઓમાં ૧૬ વર્ષથી નીચેના ૨૬ ને બાદ કરતાં બાકીના ૭૭ માંથી ૬૫ વિદ્યાર્થીઓએ લડતમાં જોડાયા હતા. તેમાથી ૪૩ ને જેલ મળી હતી.
  • ૧૯૩૮ હરિપુરાની મહાસભામાં પાંચ અઠવાડીયા કામ બંધ કરીને વિદ્યાર્થીઓએ અને અધ્યાપકો ગયા હતા.

તે સમયે વિદ્યાપીઠમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો: 

વિદ્યાપીઠમાં વિવિધ વિષયો શીખવવામાં આવતા હતાં. ભાષામાં જોઈએ તો  ગુજરાતી, બંગાળી, મરાઠી,સંસ્કૃત,અંગ્રેજી, આ ઉપરાંત દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા    (રાજકારણ), સંપત્તિશાસ્ત્ર, તત્વજ્ઞાન, વાણિજ્ય, આર્યવિદ્યા-(ધર્મ અને તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ અને આર્યસંસ્કૃતિ), લલિતકલા જેવા વિવિધ વિષયોમાં  વિશારદની પદવી આપવામાં આવતી હતી.

તે સિવાય  સામાન્ય જ્ઞાન, કાંતણવિદ્યા, ખાદીવિદ્યા, સુથારી, સીવણ, ચંપલકામ, પુસ્તક બાંધણી, વ્યાયામ સંગીત, કસરત, ચિત્રકળા જેવા વિષયો વિનય મંદિરના ઔપચારિક વિષયો ઉપરાંત શીખવવામાં આવતા. વિષય વૈવિધ્ય અહીં આપણને જોવા મળે છે.

વિવિધ પ્રકાશનો:

પ્રકાશનના કામને ગાંધીજી બહુ મહત્વ આપતાં. વિદ્યાપીઠમાંથી પણ અનેક પુસ્તકો પ્રકાશિત થયેલાં. ૧૯૨૧થી ૧૯૫૦ સુધીમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલ ૧૬૪ પ્રકાશનો થયાં. જેમાં મુખ્યત્વે પાઠ્યપુસ્તકો (૩૧), ગ્રામ સમિતિ અંગેના (૫), પુરાતત્ત્વ ગ્રંથાવલી (૨૯), જૈન ગ્રંથમાળા (૨૨), વિદ્યાપીઠ ગ્રંથાવલી (૪૩), તારાગૌરી  ગ્રંથમાળા (૪), આચાર્ય ગિદવાની સ્મારક માળા (૧૦), ચકુબેન સ્મારક માળા (૬), રેવાભાઈ સ્મારક માળા (૬), સુરજબેન સ્મારક માળા (૪), અને પરચૂરણ પ્રકાશનો (૩) નો સમાવેશ થાય છે.

ગાંધીજી આચાર્ય-સેવક વિષે, શિક્ષણ કે વિદ્યાર્થીઓ વિષે શું માનતા કે કહેતા તે પણ આપણે જાણીએ.

આચાર્ય પ્રત્યે પ્રાર્થના:

“હિન્દુસ્તાનમાં પૈસો આપવાની શક્તિ તો ઘણી છે. પૈસાને અભાવે કોઈ પ્રગતિ નથી રોકાતી. પ્રગતિ રોકાય છે, તે તો મનુષ્યને અભાવે, અધ્યાપક અથવા મુખીને અભાવે, મુખી હોય તો તેના શિષ્યોને- એટલે કે સિપાઈઓને અભાવે. મુખી પણ ખરેખરો કારીગર હશે તો જેવી વસ્તુ મળેલી હશે તેવીમાંથી, દેશની માટીમાંથી સુવર્ણ ઉત્પન્ન કરી શકશે. આચાર્ય પ્રતિ મારી એ પ્રાર્થના છે.

“શિક્ષકો પરસ્પર સખાભાવથી વર્તે એ જ તો સ્વરાજ કહેવાય.”

શિક્ષણનું કામ

“ખેડૂત બીજ વાવે પણ એના જે છોડ થાય એમાંથી ખરાબ,પીળાં ને મરેલાં તે કાઢી નાંખશે.  હવે શક્તિ અને ગુણ વધારવાનું કરી લેવું જોઈએ. બીજું કામ તે રેટિયાનું અને અસ્પૃશ્યતાનું. ત્રીજું, હિંદુ મુસલમાન એકતાનું. અંત્યજ શાળાઓ આપણી નામોશીની  નિશાની છે.”

સેવકો સાથે 1934માં વાત કરતાં જણાવેલું કે, “મૂળથી જ હું એમ માનતો અને કહેતો આવ્યો છું કે વિદ્યાપીઠનું ખરું કામ ગામડામાં છે. તેના વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગામડામાં જ  જઈને બેસે. એ જ વિચારથી એમને તૈયાર કરો. ભલે થોડા આવે તો થોડા તોય હરકત નહિ.”

“વિદ્યાને તમે કેવળ આજીવિકાનું સાધન ગણતા થાવ તો વખતે તમારી અધોગતિ પણ થાય. વિદ્યાની જે વ્યાખ્યા વિદ્યાપીઠે  સ્વીકારી છે તે એ છે કે, જે મુક્તિ આપે તે વિદ્યા. વિદ્યા છે તે મન શરીર અને આત્માની ઉન્નતિ માટે છે.”

સંખ્યાબળ કરતાં ગુણબળ વધારે મહત્વનુ છે. વીરતા અને શ્રધ્ધાના ગુણ ગાંધીજી વિદ્યાર્થીઓમાં મૂર્તિમંત થયેલા જોવા ઇચ્છતા હતાં. સેવકનું  કામ તો આરોગ્ય કેમ જળવાય એ એમને શીખવવાનું છે એમને સંયમ સ્વચ્છતા શીખવવાં આરોગ્યના નિયમો શીખવવા એ સેવા છે.

“વિદ્યાર્થીઓ તો વસ્તુસ્થિતિનું આભલું છે. જો તેમની અંદર પુરુષાર્થ નથી, સત્ય નથી, બ્રહ્મચર્ય નથી, અસ્તેય નથી, અપરિગ્રહ નથી, અહિંસા નથી -તો એ દોષ તેમનો નથી દોષ મા-બાપનો છે; અધ્યાપકોનો છે; આચાર્યનો છે; રાજાનો છે. માતા-પિતાએ આચાર્યનું કાર્ય છોડી દઈ પોતાનો ધર્મ છોડી દીધો છે.”

વિદ્યાર્થીઓને ઉદ્દેશીને ગાંધી કહે છે કે………

“જો તમે તમારા આચાર્યને કે શિક્ષકોને બલહીન જુઓ તો તે સમયે તમે પ્રહલાદના જેવા અગ્નિથી એ  આચાર્યને અને એ અધ્યાપકોને ભસ્મ કરી નાખજો. ભવિષ્યમાં આજીવિકાનું શું થશે એનો વિચાર ન કરવો. પુરુષાર્થ કરીને આજીવિકા મેળવીશું, પણ નામોશી ભરેલું કામ કદી નહીં કરીએ, કોઈને બારણે યાચના કરવા નહીં જઈએ.  વિદ્યાદાન કોઈ નથી આપવાનું, વિદ્યાદાન કોઈથી આપી જ ન શકાય. અધ્યાપકનુ કામ તમારામાંનું ઝવેરાત પારખવું અને ખેંચી કાઢવું એ છે. એ ઝવેરાતને દીપાવીને વધારી તો તમે જ શકો. અંદર હોય તો બહાર ખેંચી કાઢવું.”

“બીજી બધી વસ્તુઓથી એ સર્વોપરી છે. એ વસ્તુઓ એટલે રેંટિયો, અંત્યજને  ભેટવું અને હિન્દુ મુસલમાન પારસી કોમની એકતા સાધવી. મહાવિદ્યાલયમાં તેમને માટે અવકાશ છે? તેમને મહાવિદ્યાલયમાં આવવાને વિનવો છો? અસ્પૃશ્યતાનો બહિષ્કાર થયો છે કે નહીં? રેંટિયો, અસ્પૃશ્યતા અને હિન્દુ મુસ્લિમ એકતા એ બધાં અંગો ફૂલેલાંફાલેલાં કોઈ પણ પ્રેક્ષકને દેખાવાં જ  જોઈએ. એ સિવાયની વસ્તુઓથી તમે પાસ થાવ તો તેમાં કશું નથી. હિંદુ, મુસલમાન,  પારસી, ખ્રિસ્તી, યહુદી એ બધા તમારા ભાઈઓ છે એવી શ્રદ્ધા તમારામાં ન હોય અને તે પ્રમાણે વર્તવાની તૈયારી તમારામાં ન હોય તો તમે ખુશીથી મહાવિદ્યાલયનો ત્યાગ કરજો. વિદ્યાપીઠ તો તમને માત્ર મુસીબત સામે ટકી રહેવાની ને તેમાંથી નીકળી જવાની શક્તિ આપે છે.  ખરું જોતાં તો વિદ્યાપીઠ તમને કંઈ આપી શકે નહીં.  તમારા માં જે કઈ હશે તેની ખીલવી શકશે.”

વિદ્યાપીઠમાં સગવડો નથી તે જ તેની વિશેષતા છે. અહીં સગવડો પેદા કરીએ તો મુસીબતો ઓળંગતા નહીં શીખીએ અથવા અહીં જુદા પ્રકારની સગવડો છે અહીં કંઈક વિશેષતા તો હોવી જોઈએ. એટલે તમે માનતા થઇ જાવ કે વિદ્યાપીઠમાં આવીને તમે કંઈ ખોવાના નથી.  રાગ હશે ત્યાં સુધી વિદ્યાપીઠની સરખામણી અન્ય શાળા-મહાવિદ્યાલયો જોડે કર્યા જ કરવાના. દરેક વખતે મન કહેશે કે ત્યાં આટલી સગવડો છે તે અહીં નથી. પણ, બોદા રૂપિયાની શું કિંમત? જે જ્ઞાન લઈશું તે ગુજરાતી મારફતે જ લઈશું.  વિજ્ઞાન પણ આપણી ભાષા મારફતે જ શીખીશું. ચેતનરુપ થઈને ઉદ્યોગ કરશો તો જોશો કે એમાં રસ ઘણો છે. એનું પણ શાસ્ત્ર છે એ સિદ્ધ કરી શકશો.  મારે વણકર થવું છે, સુથાર થવું છે, નોકરી નથી કરવી, મહેતા નથી થવું, એવો નિશ્ચય કરજો.”

“તમે ભલે ખોબા જેટલા લાગો તોય તમે સાગર છો, અને પેલા સાગર જેટલા લાગે તોય તે ઝાંઝવાના નીર છે એમાં સ્વરાજ લેવાની શક્તિનું સિંચન કરવું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ.  વિદ્યાપીઠ સ્થાપીને આપણે કશું ખોયું નથી તેને માટે જે પૈસા આપેલા તે આપણે વ્યાજ સુદ્ધા વસુલ કર્યા છે.”

“આ લડતમાં મૃદુલાબેન,મણીબેન, ઇન્દુમતી શેઠ, ચિ તારા, વસુંધરા, જ્યોત્સના, ચિ. પ્રમીલાનો ફાળો નાનોસૂનો નથી. એમણે પણ કિંમતી ફાળો આપ્યો છે.”

વિવિધ આફતોમાં  સેવા:

દેશમાં જયારે કુદરતી  આફતો આવી ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમાં ફાળો ઉઘરાવવાનું કામ અને રાહતના કાર્યમાં મદદ કરી છે. ૧૯૨૭ના ગુજરાતનાં રેલ સંકટ વખતે ૧માસ મહાવિદ્યાલય બંધ રાખવામા આવ્યું હતું, અને રેલ રાહતમાં મદદે પહોંચ્યા હતાં. જે કામની નોંધ  મુંબઈ સરકારના નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે લીધી હતી.

૧૯૨૯ના આસામના રેલ સંકટ વખતે વિદ્યાપીઠના ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ સડકના રોડા ફેરવવાની મજૂરી કરીને અને બીજી ઉઘરાણી કરીને ૨૧૭ રૂ. રેલ રાહતમાં આપ્યા હતાં.

૧૯૩૯ના તુર્કસ્તાન ઉપર ધરતીકંપની આફત ઉતરી ત્યારે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મજૂરી કરી ઉઘરાણું મોકલી આપ્યું હતું.

અહીં તમે જોશો કે આવા કામમાં રકમ કરતાં ભાવનાની કેળવણીની કિમત વધારે છે. તેના જે સંસ્કાર ચિત્ત ઉપર પડે છે તેની અસર ચિરંજીવી હોય છે. ઉચ્ચ ભાવના ઉપર કોઈ પણ વ્યાખ્યાન કે પુસ્તક વાચન કરતાં તેની અસર વધારે થાય છે.

અત્યારે એટલે કે, મે 2020થી  વિદ્યાપીઠના સમાજકાર્યના 39 વિદ્યાર્થીઓ સરકારી દવાખાનામાં જીવના જોખમે તેમના વાલીની મંજૂરીથી કોરોનાના દર્દીઓનું કાઉન્સેલીંગનું  કામમાં જોડાયા અને હાલ આ કામ કરી રહ્યા છે. તેનાથી દર્દીઓને ઘણી રાહત થઇ છે. તેમના કામની નોંધ અનેક ઠેકાણે લેવાઈ છે. આ સિવાય પણ નાની-મોટી આફતોમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા છે. જેની વાત વિવિધ વિડિયોમાં તમને સાંભળવા મળશે.

મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને ૧૨/૬/૨૪ નવા સત્રના આરંભ પ્રસંગે

ગાંધીજી વિદ્યાર્થીઓને રસ પડે તેવી રીતે એક કિસ્સા અને વાર્તા દ્વારા કહે છે કે,…..

‘એક અંગ્રેજી ચિત્રકારે એક કિસ્સો વર્ણવ્યો છે.  એકવાર વિનોદને ખાતર એણે પોતાનું એક ચિત્ર બજારમાં ટંગાવ્યું અને લખ્યું કે એમાં જેને જ્યાં એબ લાગતી હોય તે ત્યાં તેની ઉપર નિશાની કરે. બીજે દિવસે ચિત્રમાં એક તસુ પણ જગા ખાલી રહી નહોતી. પણ પેલાએ કહ્યું: મને પોતાને એ ચિત્રથી સંતોષ છે ત્યાં સુધી હું એને નહીં જ બાળું.’

 ટીકાઓ શોધવા બેસતાં કંઈ પાર નથી આવવાનો.

‘એક વાત વાઘ બકરાની. વાઘ પાંજરામાં હતો બકરો છૂટો હતો. બકરાને સરસ ખાવાનું મળે  છતાં બકરો હંમેશા સોસાતો જ જાય. મારા જેવા વિચક્ષણ માણસે જોયું કે બકરો પુષ્ટ  નથી થતો તેનું કારણ એ કે એને પડખે વાઘ  છે. વાઘની નજર આગળથી દૂર થયા પછી બકરો ગમે તેવું ખાવાનું ખાઈને પણ નાચવા લાગ્યો અને રુષ્ટપુષ્ટ થયો. કોઈપણ પ્રાણી સ્વતંત્રતામાં ફાલી શકે પરતંત્રતામાં નહીં.’

સરદાર વલ્લભભાઈ પટેલે16-8-1950ના રોજ લખેલું કે, ગુજરાતે  રાષ્ટ્રની સેવામાં કરેલા અનેક કામોમાં વિદ્યાપીઠની સ્થાપનાનું કામ એક નોખી જ ભાત પાડે છે.  આજે યાદ દેવડાવવા જેવું છે કે, તે સંસ્થાને અસહકાર યુગમાં શરૂ કરી તે એક અખિલ ભારતીય કામ તરીકે કરી હતી.

આ મહાન કાર્યમાં મૂળ પ્રેરણાબળ તેના સંસ્થાપક અને કુલપતિના પવિત્ર જીવન કાર્યનું હતું.  સાધન તરીકે એમણે બે-ત્રણ પાયાની વાતો આ સંસ્થામાં શરૂ કરી.  એક તો એ કે શિક્ષણ સ્વધર્મ,સ્વદેશ  અને સ્વભાષાની ઉન્નતીને અર્થે હોય; તે વગર ચારિત્રેય બંધાય નહીં’

મહાવિદ્યાલયમાં ૧૯૨૧ થી ૧૯૪૨ દરમિયાન કુલ ૧૧૮૫ વિનીત અને ૧૯૨૨ થી ૧૯૩૬ દરમિયાન ૩૦૬ વિદ્યાર્થીઓ સ્નાતક તરીકે ઉત્તીર્ણ થયા હતાં.

મહાદેવ દેસાઇ મહાવિદ્યાલય, અમદાવાદની સ્થાપના જવાહરલાલ નહેરૂના હસ્તે 28-6-1947 ના રોજ થઈ.જેમાં ૧૯૪૭ થી ૧૯૫૦ સુધીના ત્રણ વર્ષના કુલ ૨૭ ભાઈઓ અને ૫ બહેનો ભણતા હતાં. જે પૈકી ૨૨ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી. 1963માં વિદ્યાપીઠ યુજીસી સાથે જોડાઈ.

 

વિદ્યાપીઠના ધ્યેયો :

  • ચારિત્ર્યવાન, શક્તિ સંપન્ન્ન સંસ્કારી અને કર્તવ્ય નિષ્ઠ કાર્યકરો તૈયાર કરવા.
  • શિક્ષકો અને સંચાલકો અહિંસા અને સત્યને સ્વીકારનારા અને અમલમાં મુકનારા.
  • અસ્પૃશ્યતાને કલંકરૂપ માનનારા
  • શિક્ષક વર્ગ, સંચાલકો અને માન્ય કરેલી સંસ્થાઓ રેંટિયાની પ્રવૃત્તિમાં માનનારા અને અનિવાર્ય કારણ વિના નિયમિત કાંતનારા અને નિયમિત ખાદી પહેરનારા .
  • બધું જ શિક્ષણ સ્વભાષામાં આપવામાં આવશે.
  • હિન્દી હિંદુસ્તાનીને આવશ્યક સ્થાન.
  • ઔધ્યોગિક શિક્ષણને બૌધ્ધિક શિક્ષણ જેટલું જ મહત્વ
  • વિદ્યાપીઠના શિક્ષકોનો મુખ્ય ઉપયોગ ગામડામાં
  • ગ્રામવાસીઓની હાજતોને પ્રાધાન્ય
  • બધા પ્રચલિત ધર્મોને સરખો આદર.
  • શારીરિક વિકાસને અર્થે વ્યાયામ અને અંગ મહેનતની તાલીમ આવશ્યક ગણાશે.

વિદ્યાપીઠનું મોવડી મંડળ આ ધ્યેયોની પરિપૂર્તિ માટે સતત સભાન છે અને તેને ધ્યાનમાં રાખીને આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે.

દામિની શાહ (વિદ્યાપીઠની 100 વર્ષની યાત્રા નિમિત્તે)

 

વીડિયો: