‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ – વાર્ષિક વ્યાખ્યાન (15 ફેબ્રુઆરી 2025)

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીઆયોજિત હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ વ્યાખ્યાન : 15 ફેબ્રુઆરી 2025

 

બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા

– અદમ ટંકારવી

 

સન ૧૮૬૩માં દલપતરામ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં હાજર થઇ ગુજરાતી વાણીની વકીલાત ઉચ્ચારે છે :

કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,
રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું

ત્યારે કોને ખબર હતી કે, એકસો ચૌદ વરસ પછી, ગુજરાતથી પાંચ હજાર માઇલ દૂર લંડનમાં દલપતરામના ‘ઉરની ઇચ્છા’નો પડઘો ગુંજશે – ‘ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી જીવીએ’. આપણો આજનો ઉપક્રમ એનો જ પ્રતિઘોષ છે.

આ જે ‘વડું કૌતુક’ થયું તેની માંડી ને વાત કરવી છે.

બ્રિટનમાં ‘રુડી ગુજરાતી વાણી રાણી’નાં પગરણ ઓગણીસસો સાઠના ગાળામાં મંડાયાં. દક્ષિણ ગુજરાતથી દેશાટન કરી કેટલાક સાહસિકો બ્રિટન આવ્યા અને ઉત્તરીય ઇંગ્લૅન્ડનાં લૅન્કેશર, યૉર્કશર પરગણાંમાં વસ્યા. આ વિસ્તારમાં સુતરાઉ અને ઊનની મિલો અને ગુજરાતી વસાહતીઓ અર્થોપાર્જન માટે આવેલા economic migrants. 1962માં આવેલા સૂફી મનુબરી કહે છે :

‘ભરયુવાનીમાં જ હું તો યુ.કે.માં આવ્યો હતો,
ગોદડી સાથે ફક્ત ત્રણ પાઉન્ડ હું લાવ્યો હતો.

બ્રિટનની ઠૂઠવાવે એવી ઠંડીમાં ઓઢવા ભરુચની સૂજની, અને તે જમાનામાં સરકારી રૂએ મળતું ત્રણ પાઉન્ડનું હૂંડિયામણ.

પણ આ ગોદડી, ત્રણ પાઉન્ડ ઉપરાંત એ baggageમાં ગુજરાતી ભાષા પણ લાવેલા. આ પ્રથમ વસાહતીઓમાં મોટા ભાગના અશિક્ષિત, થોડા અર્ધશિક્ષિત અને કોક જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આવેલા.

એમનો પારસ્પરિક વાણી વ્યવહાર ગુજરાતીમાં થાય અને જરૂર પડ્યે અંગ્રેજો સાથે ઈશારાથી કે broken Englishથી કામ ચલાવે.

આ પૈકીના કેટલાક શેરશાયરીના શોખીન. રજાના દિવસે ભેગા થાય તો વાતચીતમાં ગઝલના શેર સંભળાય. મોટા અવાજે ચર્ચાઓ થાય, અને ગુજરાતી બોલીની લઢણ સાંભળી ગોરો પડોશી મૂંઝાય. સૂફી મનુબરી કહે છે :

આ ગોરો પડોશી પૂછે છે વલીને,
તું વાતો કરે છે કે ઝઘડો કરે છે ?

સન 1966માં રાંદેર-સુરતથી હઝલકાર ‘બેકાર’ બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં બોલ્ટનના સ્પિનર્સ હોલમાં મુશાયરો યોજાયો, જેમાં બ્રિટનના ચાર ગુજરાતી ગઝલકારોએ ભાગ લીધેલો − કદમ ટંકારવી, મહેક ટંકારવી, સૂફી મનુબરી અને અંજુમ વાલોડી. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો. પાંચ શાયરો અને પચીસ શ્રોતા, એટલે ‘બેકાર’ એને ‘મુશાયરી’ કહેતા.

સન 1967માં લૅન્કેશરમાં કદમ ટંકારવી અને મહેક ટંકારવીએ ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના કરી. કદમ ટંકારવીની પ્રેસ્ટન ખાતેની ઓફિસના ઉપલા માળે ગાદલા તકિયા પથરાયા અને ગઝલકારો તથા ગઝલરસિકોની મહેફિલ જામે.

1973માં જર્મનીસ્થિત જાણીતા ગઝલકાર શેખાદમ આબુવાલા બ્રિટનના પ્રવાસે આવેલા. આ પ્રસંગે યોજાયેલ ગઝલગોષ્ઠિ વિશે શેખાદમ લખે છે :

‘બપોરથી શરૂ થયેલી મહેફિલ રાતના એક સુધી ચાલી. ચાલી જ નહીં, જામી પણ. તરન્નુમ ગુંજે છે. શબ્દની ફૂલઝડીઓ છૂટે છે. લૅન્કેશરમાં ગુજરાતી ધબકારા સંભળાય છે. ગુજરાતથી દૂર ગુજરાત જીવી રહ્યું છે.’

આ જ બેઠકમાં શેખાદમના સૂચનથી ‘ગુજરાતી સાહિત્ય મંડળ’નું ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’માં રૂપાંતર થાય છે. આ પછી ગિલ્ડનું કાર્યક્ષેત્ર વિસ્તર્યું. બ્રિટનનાં વિવિધ નગરોમાં સંખ્યાબંધ મુશાયરા યોજાયા અને કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. ઇતિહાસકાર મકરન્દ મહેતા આને ‘બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરાના ઇતિહાસમાં વિરલ ઘટના’ કહે છે.

બ્રિટનનું પ્રથમ ગુજરાતી સામયિક પણ લૅન્કેશરથી પ્રકાશિત થયું. માર્ચ, 1968માં બ્લૅકબર્નમાં સિરાજ પટેલ અને અબ્દુલ્લાહ પટેલના તંત્રીપદે ‘વીસમી સદી’ નામક માસિક શરૂ થયું. એ સુરતમાં કંપોઝ થતું અને ડાર્વિનમાં એની એક હજાર નકલો છપાતી. આ સામયિક છ મહિના ચાલ્યું, પછી નાણાંભીડ અને વાચકોના અભાવે બન્ધ થયું.

યૉર્કશરના બાટલી નગરમાં અહમદ ગુલની પહેલથી રવિવાર, 15મી ઑગસ્ટ, 1971ના રોજ પ્રથમ ગુજરાતી મુશાયરો યોજાયો. ઓલ્ડ પીપલ સેન્ટરમાં. હોલનું ભાડું પાંચ પાઉન્ડ. સો જેટલા શ્રોતાઓ. લૅન્કેશરના કવિઓ ઉપરાંત બાટલીના સ્થાનિક કવિ અહમદ ગુલ અને સોમજી મુંબઈવાળા.

1990માં બાટલીના કવિઓ સાથે મળી અહમદ ગુલે ‘ગુજરાતી રાઇટર્સ સર્કલ’ની સ્થાપના કરી જેનું 2004માં ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’માં રૂપાંતર થયું. આ સંસ્થાની પ્રવૃત્તિઓ અનેકવિધ છે, જેમ કે પુસ્તક પ્રકાશન, અનુવાદ, સર્જનાત્મક લેખન શિબિરો, ભારત તથા યુ.એસ.એ.થી અતિથિ કવિઓને નિમંત્રણ, સાહિત્યકાર સન્માન, તથા બાટલીના ગુજરાતી સમાજની યુવા પેઢીને અંગ્રેજીમાં કાવ્યસર્જન દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રોત્સાહિત કરી તેના સંચયો પ્રકાશિત કરવા.

1972માં યુગાન્ડાતી નિષ્કાશિત થયેલ ગુજરાતીઓ બ્રિટન આવી વસ્યા. તેઓ મોટેભાગે લંડન, લેસ્ટર જેવાં મહાનગરોમાં ઠરી ઠામ થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા-સાહિત્યનો વારસો લઈ આવેલા. આનાથી ગુજરાતી ભાષી સમાજ વિસ્તર્યો, અને ગુજરાતીના પ્રસારની પ્રક્રિયાને વેગ મળ્યો. લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના થઈ.

12 ફેબ્રુઆરી, 1977ની એક સુભગ ઘડીએ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો શુભારંભ થયો. આ ઘટના બ્રિટનના ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસનું સીમા-ચિહ્ન. અકાદમીની સ્થાપનાથી બ્રિટનમાં ગુજરાતી ભાષા – સાહિત્ય – સંસ્કૃતિના જતન, પ્રસારના અભિયાનને રાષ્ટૃીય વ્યાપ પ્રાપ્ત થયો, પ્રવૃત્તિઓમાં એકસૂત્રતા આવી. બળવંત નાયકે અકાદમીની સ્થાપનાને ‘વામનનું પહેલું પગલું’ કહી વધાવી, જે એક દાયકાના ટૂંકા સમયગાળામાં હરણફાળમાં પરિણમી. મુંબાઈમાં બેઠેલા હરીન્દ્ર દવેએ અકાદમીના અભિનિવેશમાં ‘ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ પ્રત્યેના અનુરાગનું પ્રમાણ’ જોયું, અને ઠેઠ કરાંચીમાં રહ્યે મહંમદ બેગને આ આગેકૂચમાં ‘નર્મદી જોસ્સા’ની પ્રતીતિ થઈ.

‘ગુજરાતી સાંભળીએ − ગુજરાતી બોલીએ − ગુજરાતી વાંચીએ − ગુજરાતી લખીએ − ગુજરાતી જીવીએ’ના ધ્યેયસૂત્ર સાથે 1981માં અકાદમીનો ભાષાશિક્ષણ પ્રકલ્પ આરમ્ભાયો. અભ્યાસક્રમ ઘડાયો, પાઠ્યપુસ્તકો તૈયાર થયાં, શિક્ષકોના તાલીમવર્ગો યોજાયા અને પરીક્ષા તંત્ર ઊભું થયું. પાંચસો જેટલા શિક્ષકો તાલીમબધ્ધ થયા, અને એક સમે વિલાયતને ખૂણે ખૂણે એકાદ લાખ બાળકો ગુજરાતીનું શિક્ષણ લઈ રહ્યા હતા.’ દર સાલ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં બેસતા, અને એની ક્ષિતિજ યુરોપ ઉપરાંત આફ્રિકા તેમ જ એક તબક્કે મુંબાઈના સીમાડે અડતી.

અકાદમીના નિર્દેશાત્મક સિદ્ધાન્તોમાં ‘ગુજરાતી સાહિત્યના સર્જનાત્મક અને વિવેચનાત્મક પાસાંઓ અને પ્રવૃત્તિઓને વેગ આપવો’નો પણ સમાવેશ. આને સિદ્ધ કરવા પરિષદો, શિબિરો, પ્રવચનો, કવિસંમેલનો, વાર્તા – કવિતા સ્પર્ધાઓ, અને ભારતથી લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોને નોતરવા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા સાહિત્યસર્જન માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું.

અકાદમીની સ્થાપનાની ચાળીસીએ, 16 ઑગસ્ટ, 2018ના રોજ લંડનમાં પરિસંવાદ યોજાયો, જેમાં ચાર દાયકા દરમિયાન બ્રિટનમાં સર્જાયેલ ગુજરાતી સાહિત્યનાં સઘળાં સ્વરૂપોનાં ‘લેખાંજોખાં’ થયાં. આનો, વક્તવ્યો સમેતનો, સમ્પૂર્ણ અહેવાલ કેતન રૂપેરા સંપાદિત ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકમાં સમાવિષ્ટ છે.

વિલાયતમાં ગુજરાતી વાણી રાણીના વકીલ વિપુલ કલ્યાણી. અકાદમીની પ્રવૃત્તિઓ પાછળના driving force – પ્રેરક બળ. હું 1991માં વસવાટ માટે બ્રિટન આવ્યો ત્યારે બ્રિટનનો ગુજરાતી સમાજ ભાષા – સાહિત્યની પ્રવૃત્તિઓમાં રમમાણ હતો. વિપુલ કલ્યાણી ઉચિત રીતે આ ગાળાને ‘હણહણતો સમયકાળ’ કહે છે. હવામાં ગુજરાતી સાંભળીએ – બોલીએની ગુંજ હતી. આ રોાંચક અનુભૂતિની ગઝલ થઈ તેના થોડા શેર પ્રસ્તુત છે :

તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે
તો મારા કાને એક ટૌકો પડે છે

તું ગુજરાતીમાં જો વાતો કરે છે
તો તારા હોઠથી ફૂલો ઝરે છે

લખી’તી ગુજરાતીમાં તેં ચબરખી
ને એમાંથી હવે કંકુ ખરે છે

ઊડે છે આ ગુજરાતી છાપાનો કાગળ
અને આખી ય શેરી મઘમઘે છે

આ મારા કાનમાં રેડાય અમૃત
તું ગુજરાતી ગઝલ જો ગણગણે છે

મને તો એ ય લાગે અર્થગર્ભિત
તું ગુજરાતીમાં જે લવરી કરે છે

છીએ આ હું ને મારી ભાષા એક જ
ગલત તું એક ને એક બે ગણે છે

સન 2007માં ડૉ. બળવંત જાનીએ બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા અધ્યયન પ્રકલ્પ હેઠળ બ્રિટિશ ગુજરાતી સાહિત્યના એકત્રીકરણ, ચયન, સંપાદન, મૂલ્યાંકન, પ્રકાશનનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. સાત વર્ષના ક્ષેત્રકાર્ય અને સંશોધનના પરિપાકરૂપે 2014માં બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય સંચય શ્રેણીના અઢાર ગ્રંથો પ્રકાશિત થયા, જેમાં ત્રણ ધારારૂપ-સર્વગ્રાહી : બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા − વાર્તા ધારા – નિબંધધારા. અડધી સદીનું છૂટુંછવાયું સાહિત્ય સંચિત થઈ અનુશીલન, વિવેચન, મૂલ્યાંકન માટે હાથવગું થયું. પણ બેપાંચ એમ.ફિલ., પીએચ.ડીના અભ્યાસોને બાદ કરતાં ગુજરાતના સાક્ષરોનું એ તરફ ઝાઝું ધ્યાન ગયું નહીં. 2018માં નયના પટેલે કરેલ બ્રિટિશ ગુજરાતી સાહિત્યને ‘હાંસિયામાં ધકેલી દેવાયા’ની ફરિયાદ કાયમ રહી.

બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્ય સામે ખતરાની ઘંટડીઓ તો આઠમા દાયકામાં જ વાગવા માંડેલી. ઓગસ્ટ, 1986માં કવિ ડાહ્યાભાઈ પટેલે અંગ્રેજી ભાષાના onslaught – જીવલેણ હુમલાથી સાવચેત કરતાં કહેલું કે, ‘અંગ્રેજી ભાષાના ગ્રસિત કરતા પ્રબળ પ્રવાહમાં આપણી માતૃભાષા વિલીન ન થઈ જાય’ તે જોવાનું છે. અકાદમીના વાર્ષિક ‘અસ્મિતા’ના 1987ના અંકમાં હઝલકાર સૂફી મનુબરીની ‘ભૂલી ગયો’ રદીફની હઝલ પ્રગટ થયેલી, એના શેર છે :

બ્રેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો,
ચૂસતો’તો કેરીનો તે ગોટલો ભૂલી ગયો

ઇંગ્લૅન્ડની મેડમના બૉબ્ડ હેર જોઈને ‘સૂફી’
તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો

‘અસ્મિતા’ના 1987ના એ જ અંકમાં બ્રિટનમાં સર્જાતા અધકચરા ગુજરાતી સહિત્ય તરફ અંગુલિનિર્દેશ કરતાં યોગેશ પટેલે ‘બ્રિટનના ગુજરાતી સાહિત્યકારની દિશાશૂન્યતાનો પ્રશ્ન ઉઠાવેલો. 1996માં સુમન શાહે પ્રમાણોસહ જણાવેલું કે, ‘ઇંગ્લૅન્ડમાં સાહિત્યને નામે જે લખાય છે અને છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી.’ તેમના મતે, આ સાહિત્ય સાવ ‘પ્રાથમિક’ કક્ષાનું છે. સન 2000ના ગાળામાં બ્રિટનમાં ગુજરાતી ભાષાની દુર્દશા જોઈ જે ગ્લાનિ થઈ તેની ગઝલના કેટલાક શેર :

વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી

લેસ્ટરમાં સ્હેજ ઊંચા સાદથી
શોપમાં રકઝક કરે છે ગુર્જરી

બોલ્ટનમાં જાણે બોમ્બેમિક્ષ છે,
ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી

એક મૅડમ ક્યારથી ક્‌હે છે, શટ્અપ
તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી

વાસીકૂસી થઈ ગઈ બારાખડી
ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી

હાશ ક્‌હીને બાંકડે બેસી પડે
એકલી બબડ્યા કરે છે ગુર્જરી

સાંજ પડતાં એને પિયર સાંભરે
ખૂણે બેસીને રડે છે ગુર્જરી

આંખ મીંચી નર્મદાનું નામ લઈ
ટૅમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી

જીવ પેઠે સાચવે એને અદમ
ને અદમને સાચવે છે ગુર્જરી

બ્રિટનમાં ગુજરાતી વસાહતની પ્રથમ પેઢીએ ગુજરાતી ભાષાને સાચવવાના સન્નિષ્ઠ પ્રયાસો કર્યા, પણ અહીં જન્મેલ – ઊછરેલ બીજી પેઢીએ એ મંદપ્રાણ અને ત્રીજીએ નિષ્પ્રાણ થઈ ગઈ. વિદ્વાન સમીક્ષક ભીખુ પારેખે સન 2000ના બિડલા પ્રવચન શ્રેણીના એમના વ્યાખ્યાનમાં કહ્યું : ડાયસ્પોરિક સમાજના ભારતીય લોકોની ત્રીજી પેઢીના ફક્ત નવ ટકા પોતાની ભાષામાં વાત કરી શકે છે.

હકીકતમાં તો આ પેઢી ગુજરાતી પોતાની માતૃભાષા છે એમ માનતી નથી. ફિલાડેલ્ફીઆની એક સભામાં ગુજરાતી મૂળની એક છોકરીએ સુમન શાહને કહેલું : માય મધરટન્ગ ઇઝ ઇંગ્લિશ, ધો આયેમ ગુજરાતી − ગુજરાતી ઇઝ માય મધર્સ મધરટન્ગ. આ બ્રિટનની ત્રીજી ગુજરાતી પેઢી માટે પણ એટલું જ સાચું છે.

સન 2010માં અમેરિકામાં ગુજરાતી ભાષા-સાહિત્ય સંદર્ભે નટવર ગાંધીએ જે નિરીક્ષણ કરેલું તે બ્રિટનને તથારૂપ લાગુ પડે છે. એમણે કહેલું કે, વિદેશમાં ગુજરાતી ભાષાને લાંબા સમય માટા ટકાવવી એ નાયગ્રાના ધસમસતા પ્રવાહમાં નૌકા તરાવવા જેવું છે. એમના મતે, અહીં સર્જાતું ગુજરાતી સાહિત્ય અધકચરું, ઉપરછલ્લું છે. ભાષા-સાહિત્યને નામે ચાલતી આ ચેષ્ટા ‘પહેલી પેઢીની રમત’ માત્ર છે. આવું જ બ્રિટનનું. બ્રિટિશ ગુજરાતી સમાજની પહેલી, બીજી પેઢી આ રમત રમી પણ ત્રીજી પેઢી થૂઈથપ્પા કહી રમતમાંથી બહાર નીકળી ગઈ − ઑપ્ટિડ આઉટ.

આ અવદશાનો હું સાક્ષી. આજે હવે ગુજરાતી ભાષાવ્યવહાર નગણ્ય અને સાહિત્ય સર્જન નહિંવત્‌. ઘરઝુરાપો, નોસ્ટાલ્જા, એ બધું તો ઠીક, પણ ભાષાઝૂરણની લાગણી તીવ્ર રહી. આ સંવેદનની જે ગઝલ થઈ તેને બ્રિટનની ગુજરાતી ભાષાનું મરસિયું કહી શકાય :

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.

તેં ય અંગ્રેજી મૂઠ મારી છે,
હું ય એનો ઉતાર શોધું છું.
ક, ખ, ગ, ધ – ના ગળે શોષ પડે,
પહેલા ધાવણની ધાર શોધું છું.

જડી છે એક લાવારિસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.
ગુર્જરી જામ છલોછલ છે, અને
સાથે બેસી પીનાર શોધું છું.

ગુજરાતીમાં લખી છે એક ગઝલ
ને હવે વાંચનાર શોધું છું.

ફેબ્રુઆરી, ૨૦૨૭માં અકાદમી અર્ધશતાબ્દીએ સુવર્ણ મહોત્સવ ઉજવશે, એ ટાણે બ્રિટનમાં ગુજરાતી ભાષા- સાહિત્યનો સાડા છ દાયકાનો સર્વગ્રાહી ઇતિહાસ ગ્રંથસ્થ થાય, અને એની ગુજરાતી – અંગ્રેજી આવૃત્તિઓ પ્રકાશિત થાય તો એક અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ અને સંદર્ભગ્રંથ ઉપલબ્ધ થશે. અંગ્રેજી version દ્વારા આપણી ભાવિ પેઢીઓ આપણા સાહિત્યિક વારસાથી જ્ઞાત થશે, અને મલ્ટિકલચરલ બ્રિટનની હેરિટિજ છાજલી પર આપણી જગા અંકે થશે.

(સમ્પૂર્ણ)

[મુદ્રાંકન : વિ..]

* * * * *

 

વીડિયો: