યુગપ્રવર્તક સુરેશ જોષી
• સુમન શાહ
પ્રિય વિપુલભાઈ, પંચમભાઈ, ગુજરાતી સાહિત્ય અકાદમીના અન્ય પદાધિકારીઓ અને આ વાર્તાલાપમાં જોડાયેલા યુનાઇટેડ કિંગ્ડમ તેમ જ ગુજરાતના સૌ સુરેશ જોષી-સૃષ્ટિના પ્રેમી, સાહિત્યકલારસિક, દર્શક-શ્રોતાઓ : સૌને, નમસ્કાર.
સુરેશ જોષી જો હયાત હોત તો આયુષ્યનાં એમણે ૯૯ વર્ષ પૂરાં કર્યાં હોત. આ એમનું ૧૦૦-મું વર્ષ છે. જન્મ: ૧૯૨૧; અવસાન : ૧૯૮૬; ૬૫ વર્ષનું આયુષ્ય. આ વાર્તાલાપમાં કેટલાક સંકેતો વડે હું તમને સુરેશ-સૃષ્ટિ માં લઈ જવા માગું છું અને એમના એ શબ્દલોકનાં વિવિધ સ્મરણો સાથે આપણે એમને એક ભાવાંજલિ અર્પીશું.
વિપુલભાઈ, સુરેશભાઈ વિશે તમે વાર્તાલાપ કરવાનું નિમન્ત્રણ આપ્યું તેનો આનન્દ છે, પણ આ ક્ષણે મારી હાલત સારી નથી : શિંગડાંભીડ છે, ડાયલેમા. જો હું સુરેશભાઇને સરળતાથી રજૂ કરવાનું વિચારું છું તો જમણી બાજુનું શિંગડું વાગે છે -એમ કે, સુરેશભાઈને અન્યાય કરી બેસીશ. અને મને જો જરાક પણ અઘરું કહેવાની લાલચ થાય છે તો ડાબી બાજુનું શિંગડું વાગે છે – એમ કે, સભા બોર થઇ જશે. એટલે મારે જો લઈ શકાય તો જમણું કે ડાબું એકેય શીગડું ન વાગે, એવો વચલો રસ્તો લેવો છે.
સુરેશ-સૃષ્ટિમાં, મૌલિક અને અનૂદિત કૃતિઓની સંખ્યા ૫૮ જેટલી થવા જાય છે. એમાં ૧૪ જેટલાં સમ્પાદનો ઉમેરવાં પડે. એમાં, આટલા સાહિત્યપ્રકારો આવરી લેવાયા છે : કવિતા કથાસાહિત્ય નિબન્ધ વિવેચન આસ્વાદ અનુવાદ અને સમ્પાદન.
મોટે ભાગે હું એમની ટૅક્સ્ટ્સને જ આગળ કરીશ, એ ટૅક્સ્ટ્સનું ભાવપૂર્ણ વાચન કરીશ, એને વિશેનાં મારાં વિશ્લેષણો ને તારણો આપીશ, પણ બહુ નહીં. કેમ કે આ જન્મશતાબ્દી વર્ષમાં એમના શબ્દને યાદ કરીને જેટલા એમની નિકટ જઈ શકાય એટલું સારું છે. એટલો આપણો લાભ પણ છે. મને શ્રદ્ધા છે કે એથી આપણી ભાવાંજલિને આપણે વધારે પવિત્ર રાખી શકીશું.
સૌ પહેલાં, હું એમના વ્યક્તિત્વ વિશે કહું. મને એમની પાંચ ઓળખ મળી છે : ૧ : અતિ સંવેદનશીલ. ૨: મેધાવી ચિન્તક. ૩ : વરેશ્યસ રીડર. ૪ : ઉત્તમ અધ્યાપક, અને ૫ : સાત્ત્વિક વિદ્રોહી, વિદ્રોહ તો એમનો સ્વભાવ હતો.
કોઈ મને પૂછે કે સાહિત્યસર્જનમાં મુખ્યત્વે સુરેશભાઈ શું હતા, તો મને લાગે છે કે મારે એક જ શબ્દ કહેવો જોઈશે કે સુરેશભાઈ સાહિત્યકલામર્મજ્ઞ હતા – connoisseur. લલિતકલાઓના જ્ઞાતા, સાહિત્યિક રસરુચિના જાણતલ, એવા નિપુણ કે કલાસૌન્દર્યનાં બરાબરનાં તોલમોલ કરી શકે. એમની આ વ્યક્તિતાનો એમની સમગ્ર સૃષ્ટિ પર પ્રભાવ છે, એટલે લગી કે એ વ્યક્તિતા એમની સૃષ્ટિનો મૂળાધાર છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે એમણે આપણા સાહિત્યકારને કલાસૌન્દર્યની દિશા દેખાડી. સાહિત્યલેખન સાંસ્કૃતિક પ્રવૃત્તિ ભલે છે પણ એના પાયામાં કલાદૃષ્ટિ અને સૌન્દર્યને માટેની સૂઝબૂઝ હોવાં જોઈશે. બલકે, વાચકથી સાહિત્ય તો જ અનુભવાશે; તો જ હું અહીં જીવનને એના અસલ સ્વરૂપમાં ઓળખાવી શકાશે; અને માનવજાતને તો જ સાહિત્યમાંથી કશુંક જીવનોપયોગી સાંપડશે.
એમનાં વધારે નૉંધપાત્ર સર્જન-લેખનક્ષેત્રો ૬ છે : ટૂંકીવાર્તા અને નવલ, એટલે કે કથાસાહિત્ય, કવિતા, નિબન્ધ, સમીક્ષા – એટલે કે સિદ્ધાન્ત અને પ્રત્યક્ષ વિવેચના, આસ્વાદ અને અનુવાદ. હું આજે આસ્વાદ અને અનુવાદની વાત નહીં કરું કેમ કે બહુ જ સમય જાય.
કથાસાહિત્યમાં, સુરેશભાઈએ અનોખા સ્વરૂપની ટૂંકીવાર્તા સરજી અને એમનું એ સર્જનસાહસ ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક પ્રકરણ બની ગયું. પાંચ સંગ્રહો છે : ‘ગૃહપ્રવેશ’, ‘બીજી થોડીક’, ‘અપિ ચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’, ‘એકદા નૈમિષારણ્યે’. એમનો એક સર્જક સંકલ્પ હતો : કહેલું કે ‘ઘટનાનો હું બને એટલો હ્રાસ કરવા માગું છું’. એટલે કે ઘટનાને ગૌણ ગણવી અને એથી જે અવકાશ સરજાય તેમાં સર્જક સંકલ્પને આકારવો. સુરેશભાઇનો કથાસર્જન પાછળનો રસ જુદો હતો. સનસનાટીભરી ઘટનાઓથી કથાને ઉત્તેજક બનાવવાનું સહેલું છે. સુરેશભાઇ ઇચ્છતા હતા કે જે ઘટી ચૂક્યું છે ને એ પછી જે ભાવજગત પ્રગટ્યું છે તેનું નિરૂપણ કરવું મુશ્કેલ હોય છે. એ માટે એમણે ઘટનાને ઑગાળીને ડુબાડી દેવાની, એટલે કે ઘટનાના તિરોધાનની વાત કરેલી. ટૅક્સ્ટ સાથે રાખીને એ વાર્તાઓની વાત થઈ શકે, એટલે અહીં નથી કરી શકતો.
એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ સૌને અઘરો પડેલો ને એક ભાઇએ લેખ કરેલો – ‘ગૃહપ્રવેશ આમ ન મળે’. જાણે ગુજરાતી સાહિત્યસમાજના એ ભાઇ રણીધણી ન હોય ! એ લેખ ‘સંસ્કૃતિ’-ના તન્ત્રી ઉમાશંકર જોશીએ પ્રકાશિત કરેલો. કોઇએ એમ પણ કહેલું, સુરેશ જોષીએ ગુજરાતી ટૂંકીવાર્તાને મારી નાખી. સત્ય અવળું છે, એમને કારણે ગુજરાતી ટૂંકીવાર્તા નવપ્રાણિત થઇ છે.
કથાસાહિત્યમાં, સુરેશભાઈની લઘુનવલ જેવી બે કૃતિઓ ખૂબ નૉંધપાત્ર છે : ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ (1973). મનુષ્યજીવનનાં બે મહાન પરિબળો છે, પ્રેમ અને મૃત્યુ. ‘છિન્નપત્ર’ પ્રેમની કથા છે અને ‘મરણોત્તર’ મૃત્યુની. બન્ને આશરે ૧૫-૨૦ લાઇનના નાના નાના ખણ્ડોથી બની છે. ‘છિન્નપત્ર’-માં ૫૦ ખણ્ડ છે અને ‘મરણોત્તર’-માં ૪૫. એટલે એ બન્ને ચાલુ અર્થસંકેત પ્રમાણે નવલકથા નથી. કહેવું જ હોય તો કહી શકાય કે લઘુનવલ છે.
સુરેશભાઇ આપણા સાહિત્યના મોટા ટીકાકાર ખરા પણ એટલા જ મોટા આત્મપરીક્ષક અને આત્મટીકાકાર હતા. પોતે જ પોતાનું વિવેચન કરી શકતા. પોતે જ પોતાને પાસ-નપાસ જાહેર કરી શકતા. આ માણસે પોતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ‘ જાતે જ રદ જાહેર કરેલો !
આ ‘છિન્નપત્ર’ માટે એમણે કેવીક ટૅગ લગાવી છે, જાણો છો? – ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’. એટલે કે એ ડ્રાફ્ટ છે. કાચી સામગ્રી. કાચી સામગ્રી જરૂર ખૂબ જ કીમતી છે. પણ એ પર કામ કરવાનું બાકી છે. એ પર નવલકથાની ઈમારત નથી રચાઇ. કથા માગે એ સ્થાપત્ય અને શિલ્પ બાકી છે.
રચનાનું શીર્ષક ‘છિન્નપત્ર’ એ કારણે છે કે અજય અને માલા આમ તો સાથે હતાં પણ હવે નથી. બન્ને છિન્ન થઇ ગયેલાં પત્રો છે. એટલે કે, ખરી પડેલાં પાંદડાં.
અહીં અજય છે, માલા અને લીલા છે. એ ત્રણેય વચ્ચેના પ્રેમની છે આ કથા. છતાં એ પ્રેમલા-પ્રેમલીની કથા નથી. અજયને બન્ને ચાહે છે એટલે પ્રણય-ત્રિકોણ છે, છતાં એ ત્રિકોણ સામાન્ય નથી, અસામાન્ય છે. અજય માલાને વધારે ચાહે છે – ત્રિકોણની એ રેખા ઊંચી થઇ ગયેલી છે. લીલા પણ અજયને વધારે ચાહે છે – ત્રિકોણની એ રેખા પણ ઊંચી થઇ ગયેલી છે. વળી, ત્રણેયની વચ્ચેના પ્રેમનું કશું પરિણામ તો આવ્યું જ નથી. એનું કારણ દરેકનો સ્વભાવ છે. માલા પ્રેમને સંતાડી રાખવામાં, ગુહ્ય રાખવામાં માને છે. ઘણી વાર માલા પોતાની જોડે જ વાત કરતી હોય છે. ત્યારે અજયને લાગે કે પોતે કેવળ નિમિત્તરૂપ છે. અજય એને સાંભળવા જેટલો ય સભાન નથી થઇ શકતો. એ પોતે કહે છે એમ, ખરે પ્રસંગે જ અનુપસ્થિત થઇ જવું એ એનો સ્વભાવ છે. હળવા સ્વભાવની લીલા એને જ અજયની ભૂલ ગણે છે.
અજયે કહેલું એમ એમના ‘પ્રેમને માથે છાપરું નથી, બંધ બારણાં પાછળનું વિશ્રમ્ભપૂર્વકનું એકાન્ત નથી, એનો અન્ધકાર પણ એનો પોતાનો નથી’.
સૌ મિત્રો છે. બધાં વચ્ચે મન-મેળાપ છે. છતાં બધાં વચ્ચે અન્તર છે. કેમ કે બધાંને શંકાઓ છે, દહેશતો છે. એટલે, ‘છિન્નપત્ર’-માં વ્યક્તિના પ્રેમનો વિજય ને સમાજનો પરાજય એવું સીધુંસટ પરિણામ નહીં જોવા મળે. અહીં પ્રેમ એક શક્યતા છે છતાં જાણે એક અશક્યતા પણ છે. અહીં પ્રેમ હાંસલ કરી લેવા જેવી સ્થૂળ વસ્તુ નથી, પ્રાપ્તિ નથી, પણ વ્યાપ્તિ છે. જેમ કે, અજય વિસ્તરવા માગે છે. માલાને એણે કહેલું : ‘દરેક એકાન્ત આંધળું હોય છે. અન્ધતાના અન્તહીન સમુદ્રમાં કશું મૂલ્યવાન મોતી તાગવા મેં ઝંપલાવ્યું નથી. મારા નક્કર અન્ધકારને ઓગાળવા જ મેં એમાં ડૂબકી મારી છે. મારા અન્ધકારને માંજીને એ ઝગઝગતા હીરા જેવો કરી આપશે.
ધીરે ધીરે રચનામાં એક ભાવજગત આકાર લે છે. એમાં પ્રેમ, આંસુ, શબ્દ, મૌન, એકાન્ત, એકલતા, ભય, શૂન્યતા, વેદના, સ્મૃતિ, પ્રાપ્તિ, વ્યાપ્તિ, વગેરે ઘણું છે. એ સઘળાથી રસાયેલું એ એક ભાવસંકુલ છે.
વિપુલભાઈ, આ રચનામાં પ્રગટેલા ત્રણ વિચારો મને ખૂબ સ્પર્શી ગયા છે:
નાયક અજય કહે છે : My love, you yield to absences, I will not return.
હે મારા પ્રેમ ! (એટલે કે માલા) તું હવે જે ઉપસ્થિત નથી તેના, અનુપસ્થતિઓના શરણે ચાલી જા, હું હવે પાછો નથી આવવાનો. પ્રેમી પ્રિયાને આમ મુક્ત કરી દે છે. પુરવાર એમ થાય છે કે પ્રેમ કશી સ્થૂળ ચીજ નથી. એમાં સફળ થવાય તો સારી વાત છે, પણ આમ નિષ્ફળતા મળે તો એ વાતનું પણ આવું સુન્દર શમન અને સમાપન કરી શકાય છે.
પ્રેમી અને પ્રિયા ઘણી વાર ચડસાચડસી કરતાં હોય છે, અહંકાર ટકરાતા હોય. પણ અજય માલાને કહે છે : One who loves is inferior and must suffer. પણ પ્રેમ કરનારે સ્વીકારી લેવાનું છે કે પોતાનો દરજ્જો ઊતરતો છે, પોતે ગૌણ છે. એણે એ પણ સ્વીકારી લેવાનું છે કે પ્રેમમાં પોતાને વેઠવું પડશે, સહન ઘણું કરવું પડશે. પ્રેમ આવી શરણાગતિ માગે છે, વિનમ્રતા માગે છે.
નાયિકા માલા અજયને કહે છે : પુરુષને મન નારી, એકાન્તનું ધન છે. એ એને બહાર નથી કાઢતો. નારી અસૂર્યમ્પશ્યા છે.
રાજાઓ રાણીઓને અન્ત:પુરમાં રાખી મૂકતા, ન તો એ સૂર્યને જોઈ શકે કે ન તો સૂર્ય એમને. માલા આ વિધાન વડે સમગ્ર પુરુષ-સભ્યતા પર ભારે કટાક્ષ કરી રહી છે. અલબત્ત, રચના એ દિશામાં નથી જ જવાની; જુઓને એટલે જ અજય કહે છે : જોને, અહીં તો સમુદ્ર તારી કાયાને આલિંગે છે, પવન તારું વસ્ત્રાહરણ કરે છે ને સૂર્ય તારા અણુ અણુને ચૂમે છે.
સુરેશ જોષીએ કાવ્યો લખ્યાં છે. ‘ઉપજાતિ’, ‘પ્રત્યંચા’ ‘ઇતરા’ ‘તથાપિ’ સંગ્રહો પ્રકાશિત છે, પણ પહેલા સંગ્રહ ‘ઉપજાતિ’-થી પોતાને સંતોષ નહીં થયેલો એટલે એ સંગ્રહને એમણે જાતે જ રદ કરેલો. મારા શોધગ્રન્થ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-માં ‘કવિ-વિવેચકનું કવિતા-સ્વપ્ન’ કહીને મેં એમના કાવ્યસર્જનને ઓળખાવ્યું છે. મતલબ, સ્વપ્ન, જોઈએ એવું સિદ્ધ નથી થયું. એમની સૃષ્ટિમાં કવિતા ક્ષીણકાય રહી છે. કેમ કે કથાસર્જનની સરખામણીએ કાવ્યસર્જનનો વ્યાપાર તૂટક તૂટક ચાલ્યો છે. તેની સિદ્ધિ પણ નિબન્ધ અને ટૂંકીવાર્તાની સિદ્ધિની તુલનાએ અલ્પ છે. તેમ છતાં, ‘એક રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ દીર્ઘકાવ્ય બેનમૂન છે. હું એને ગુજરાતી કાવ્યસાહિત્યનું ઘરેણું ગણું છું.
વિપુલભાઈ, એક જમાનામાં આ કાવ્યનો પાઠ સુરેશભાઈ કરતા એ જ રીતે હું કરી શકતો, પણ હાલ બરાબર નથી કરી શકતો કેમ કે કેટલાયે સમયથી એના પઠનની મને તક નથી મળી.
એક અંશ રજૂ કરું :
મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું?
તને મેં જોઈ હતી એક વાર
લીલીછમ તળાવડી / ને લીલો લીલો ચાંદો
લીલી તારી કાયા ને લીલો એનો ડંખ
લાલચટ્ટક ઘા મારો / ને ભર્યું એમાં લાલચટ્ટક મધ
એને ચાખે લાલ લાલ કીડીઓની હાર
એની સંખ્યા ગણે ભૂવાની જમાત
મારી આંખે લીલો પડદો / ઢળે લીલો ચારે કોર અન્ધાર.
મૃણાલ જો ને, ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા….
થોડીક નિબન્ધસાહિત્યની વાત કરીએ. આમ તો, નિબન્ધ શબ્દ સાંભળતાં જ આપણા મૉં પર કંટાળો ઊપસી આવે, પણ કોઈ જાણકાર બોલે કે સુરેશ જોષીનો નિબન્ધ, તો એના મૉં પર મલકાટભરી તાઝગી છવાઇ હોય. એનું કારણ શું? કારણ એ જ કે એમનો નિબન્ધ નિબન્ધ હોવાછતાં સર્જકતાથી રચાયો છે, રસપ્રદ છે, સુન્દર છે, લલિત છે. એમાં ક્યારેક કિંચિત્ કાવ્યત્વ છે, કંઈક કથાતત્ત્વ છે, નાટ્યત્વ પણ છે. એમની કેટલીક સુખ્યાત નિબન્ધ-રચનાઓનો તમને પરિચય કરાવું.
સાંભળો, આ એક સાત લીટીની નિબન્ધ-રચના :
ઊડતાં પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એણે હવામાં, ખરતાં ખરતાં, જે અદૃશ્ય રેખાઓ આંકી, તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું ચિત્ર અંકાઈ ગયું;
બોલતાં બોલતાં, બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ;
ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલિસ્પર્શનો અનુભવ થયો.
ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે એમ નથી.
(ઈશ્વરનું ચિત્ર : પૃ. ૪૦)
આ વિલક્ષણ પ્રકારની આસ્તિકતા છે. કહેવાતા આસ્તિકોની શ્રદ્ધા સાથે એનો મેળ નથી. એ આસ્તિકતા નિરાળી છે.
એક આ સાંભળો :
રાતે એકધારો વરસાદ ટપકે છે -પૃથ્વી ટચુકડી બાળા હતી, ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે, તેની ધારા જેવો.
હમણાં જ પ્રગટેલી આ કૂંપળ -હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધાં પૂરું ઉકેલ્યું નથી- એના પરથી હાથ પસારીને એક પછી એક બિન્દુ સરી જાય છે, એ સાંભળીને ટચુકડી કૂંપળ ડોકું હલાવીને હૉંકારો પૂરે છે, તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વ્હૉરી લઉં.
તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે -જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે.
પણે આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મૅલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે.
વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે.
પગ નીચે બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે.
(એકધારો વરસાદ : પૃ. ૬૪)
વર્ષાના દિવસોમાં બીજ ફૂટે તે આપણે જાણીએ છીએ પણ ફૂટે ત્યારે એની પાંખોનો ફફડાટ? નથી જાણતા. સાંભળવાની તો વાત જ શી !
એક આવી જ જાણીતી રચના છે, ‘મધુમાલતીનું દુ:સ્વપ્ન’ ( ૯૪ : જના ). એ બાળવાર્તાની શૈલીએ કહેવાઈ છે.
મધુમાલતીની ગભરુ કળીને દુ:સ્વપ્ન આવ્યું હોય છે. એ કહે છે : આવતી કાલે સૂરજ નહીં ઊગે. એની એ વાતમાં પવન દેડકો સાપ ઢીંગલી ઘુવડ દરિયાદાદા આગિયો વગેરે બધાં જોડાય છે.
એવું લાગે કે સુરેશ જોષી, માત્ર લાલિત્યસભર, સુન્દર અને આસ્વાદ્ય ગદ્ય સરજે છે, પણ ના,એવું નથી. એમને જીવનની કે સંસ્કૃતિ-સભ્યતાની સમીક્ષામાં કે તેની ટીકાટિપ્પણીમાં પણ એટલી જ રુચિ છે. ‘નિ’-નો અર્થ છે, વિચાર. નિબન્ધ એટલે વિચારોનો એક કાળજીપૂર્વક રચેલો બન્ધ. એટલે સુરેશ-સૃષ્ટિમાં એક હળવું પણ અસરકારક ચિન્તન પણ પ્રગટે છે. ’જનાન્તિકે’ અને તે પછીના સંગ્રહો ધ્યાનથી જોનારને આ હકીકતની પ્રતીતિ થશે.
જુઓ, બુદ્ધિવાદે અને વિજ્ઞાને સરજેલાં સંકટોના સંદર્ભમાં સુરેશભાઈ આધુનિક માનવ-સ્થિતિની એક વ્યાપક સ્વરૂપની સમીક્ષા કરે છે. એવો બુદ્ધિવાદ એમને સ્વીકાર્ય નથી. એમની વિચારણાના કેન્દ્રમાં માનવી છે, અને એમને ચિન્તા છે કે માનવીને માનવીથી શી રીતે બચાવી શકાય. કેટલાંક વિધાનો સાંભળો :
સંસ્કૃતિ-વિકાસમાં આખું એક ચક્ર પૂરું કર્યા બાદ માનવી પાછો આદિકાળની બર્બરતા આગળ આવીને ઊભો છે. (૨૮: ઇદમ્ )
આદિ માનવ જંગલી હતો, બર્બર હતો એમ નહિ પણ આજનાં રાષ્ટ્રસંઘ અને લોકશાહીનાં નાટકો ભજવીને જીવનારો માનવી તો ખતરનાક રીતે બર્બર છે. (૨૪ : ઈદમ્)
આખરે બુદ્ધિએ પોતે જ થોડી ગૂંચ ઊભી કરવા માંડી. પૃથક્કરણના અન્તિમે પહૉંચ્યા પછી વિજ્ઞાન અનિશ્ચિતતા આગળ આવીને ઊભું. આથી વળી ભ્રાન્તિના ઉદયની આશા બંધાઈ. ધીમે ધીમે બુદ્ધિ સામેનો પ્રત્યાઘાત ઉગ્ર બનતો ગયો. (૨૦ : ઇદમ્)
એક રચનામાં (૩૪ : ઇદમ્) કહે છે : માનવીએ પ્રાકૃતિક પ્રતિકૂળતા સામે ઝૂઝીને સ્થાપેલા વર્ચસ્ ની વાત તો ગવાશે, સાથે સાથે આત્મવિનાશક યુદ્ધોની પરમ્પરા, સંહારક શસ્ત્રોની શોધ, પોતે જ ઊભા કરેલા સાર્વત્રિક ભયથી થર થર ધ્રૂજ્યે જવાની અવદશા અને માતા કહીને વેદકાળથી માણસ સત્વતો આવ્યો છે તે પૃથ્વીને નરી વિષમય બનાવી દઈને વ્હૉરી લીધેલું આત્મવિલોપન…આનું મહાકાવ્ય કે આની કરુણાન્તિકા કોણ લખશે?
આવાં જ રસપ્રદ વિધાનો :
લોકશાહીમાં બુદ્ધિ હાથ ઊંચો કરવા સુધી પહોંચી છે.
શાસનનો દણ્ડ અને સત્યની આણ એ બે વચ્ચે ધ્રુવ જેટલું અન્તર પડી જાય છે ને એની વચ્ચે માનવી રહેંસાાઈ જાય છે. એક બાજુથી વ્યક્તિનો લોપ ને સમષ્ટિ નું હિત, તો બીજી બાજુ વિભૂતિપૂજા – આ અનિષ્ટોમાંથી માનવી ઊગરી શક્યો નથી.
કેટલાક નિબન્ધો વ્યક્તિચેતનાની ભૂમિકાએ વિસ્તર્યા છે. એક તરફ છે, વૈયક્તિક સ્તરે વિકસેલું વિશ્વ અને બીજી તરફ છે, જાગતિક સ્તરે વિકસેલું વિશ્વ. બન્ને વચ્ચે વિરોધ છે અને તેને વિશેની વેદનાનો એક આર્ત્ત સૂર સંભળાયા કરે છે.
‘ત્રણ અકસ્માત’ (૪૭ : જના) નામનો એક એકદમ સરળ નિબન્ધ છે, છાપાના રીપોર્ટરની શૈલીમાં છે. સાંભળો :
બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘર છોડીને બહાર નીકળી ગયો.
બે મુદ્દા કહેવા જરૂરી છે : એક તો એ કે આ નિબન્ધોમાં સુરેશભાઈનો એક પ્રકર્ષક ‘હું’ અનુભવાય છે, જેનું હૃદય અતિ સંવેદનશીલ છે, જેનું ચિત્ત અત્યન્ત વિચારશીલ છે.
બીજી વાત : પહેલા સંગ્રહનું શીર્ષક ‘જનાન્તિકે’ રાખ્યું છે, એ સમજવા જેવું છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નટો દ્વારા થતા એક ઉચ્ચારણને જનાન્તિકે કહ્યું છે. બે પાત્રો ત્રીજા પાત્રની હાજરીમાં કાનમાં વાત કરે છે. ત્રીજું પાત્ર ન સાંભળવાનો ડૉળ કરે છે. આ વાતને સુરેશભાઈએ પોતાની રીતે વિકસાવી છે, કહે છે :
આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય છે તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઇચ્છીએ છીએ. આ બે હૈયાં સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, માટે આ વાત છેક કર્ણમૂળ પાસે જઈને કહીએ, ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે.
એમની સમગ્ર નિબન્ધસૃષ્ટિ માં હૈયેથી છલકાતી અને અનુકૂળ હૈયામાં સંઘરાતી વાતો છે અને તેમાં કર્ણમૂળની રતાશનો રંગ પણ છે.
સમીક્ષા સંદર્ભે, એમની સૃષ્ટિ માં પ્રગટેલા કેટલાક આવિષ્કારોની નૉંધ લેવી જોઈએ : એમણે રજૂ કરેલો રૂપવિચાર, એમણે ઝંખેલો ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનો હ્રાસ, એમણે કરેલું વિવેચનનું વિવેચન, ધંધાદારી તેમજ અધ્યાપકીય વિવેચનાને વિશેની એમની સૂગ, વિશ્વસાહિત્યને માટેનો એમનો અનુરાગ, વગેરે. જીવન વિશે સાહિત્ય આપણને જુદી જ રીતે અભિજ્ઞ બનાવે છે. સાહિત્યનું અધ્યાપન એ હેતુસર વિકસવું જોઈએ. સુરેશભાઈ તરફથી સાહિત્યના શિક્ષણની સર્વાંગી ચિન્તા કરતું પુસ્તક પણ મળ્યું છે, ‘વિદ્યાવિનાશને માર્ગે’.
એમની સાહિત્યસૃષ્ટિના પ્રભાવે કરીને, મુખ્યત્વે, ગુજરાતી ટૂંકીવાર્તા નિબન્ધ અને સમીક્ષા એટલે કે સિદ્ધાન્ત તેમજ પ્રત્યક્ષ વિવેચના બદલાયાં છે, તેમાં નવોન્મેષો પ્રગટ્યા છે, તેથી આપણું સાહિત્ય વિકસ્યું છે. પશ્ચિમના અને વિશ્વ સાહિત્યના એમણે કરેલાં આસ્વાદાત્મક લેખનો તેમ જ અનુવાદોને કારણે ગુજરાતી સાહિત્યકારો વિશ્વસાહિત્યને જાણવા-માણવા લાગ્યા બલકે એ બધી વાતોને ગુજરાતીમાં મૂકવા લાગ્યા. ગુજરાતી સાહિત્યનો ક્ષિતિજ-વિસ્તાર થયો. એમના એક અત્યન્ત પ્રભાવક સામયિકનું નામ જ ‘ક્ષિતિજ’ હતું.
કોઈ સમર્થ સાહિત્યકારના કલાસર્જન અને જીવનદર્શનના પ્રભાવે કરીને સાહિત્યકલાક્ષેત્રે યુગ બદલાય છે. તેને અન્યો અનુસરે છે, નવી નવી દિશાઓ ખૂલે છે, બધું બદલાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, સુધારકયુગ પણ્ડિતયુગ ગાંધીયુગ અને આ આધુનિકયુગ એ રીતે સંભવ્યા છે. સુરેશભાઈ આધુનિક યુગના પ્રવર્તક છે. હું એમને યુગપ્રવર્તક કહું છું પણ આ એક જ વાર્તાલાપ વડે હું એ હકીકતને તન્તોતન્ત નહીં વર્ણવી શકું. એ વ્યવહારુ મુશ્કેલી છે છતાં હું કેટલીક વાતો કરું જેથી એમની એ છબિની લગીર ઝાંખી થાય.
એમના પ્રદાન વિશે હું ત્રણ મુખ્ય વસ્તુઓ જણાવું :
એક તો, સર્જક અને વિવેચક સુરેશ જોષીએ આપણા પરમ્પરાગત સાહિત્યવિચારનું નવેસરથી ઘડતર કર્યું છે. એમણે સમગ્ર ગુજરાતી સાહિત્યને ધરમૂળથી બદલ્યું છે. એથી એક નૂતન આધુનિક યુગનો પ્રારમ્ભ થયેલો.
બીજું, એ નૂતન યુગને ઝીલતું અને પ્રસરાવતું હતું તે એમનું સાહિત્યિક પત્રકારત્વ. ઉમાશંકરે એક વાર કહેલું કે સુરેશ હશે ત્યાંલગી એમના નામે ‘ક્ષિતિજ’ જેવું કોઈ ને કોઈ સામયિક હશે. સુરેશભાઈના તન્ત્રીપદે એકાધિક સામયિકો પ્રગટ્યાં છે. હું માત્ર નામો ગણાવી દઉં : સુધાસંઘ પત્રિકા, ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, સમ્પુટ, ઊહાપોહ, એતદ્ (હજી ચાલુ છે), ‘વિશ્વમાનવ’-ના રવીન્દ્રનાથ વિશેષાંક, જપાની વાર્તા અંક, ‘નવભારત’ દિવાળી અંક. સાયુજ્ય, સેતુ, વગેરે. આ જંગી સાહિત્યિક-પત્રકારત્વ હતું, એ ભૂમિકાએ એમણે આપણને ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખ્યાલથી છોડાવ્યા. આપણને વિશ્વસાહિત્યની ક્ષિતિજ દેખાડી. એમના ‘ક્ષિતિજ’ સામયિકને હું સાહિત્યિક સામયિકોના ઇતિહાસમાં આગવા પ્રકરણનું અધિકારી ગણું છું. એ માટે વિશ્વની કૃતિઓના અનુવાદ, આસ્વાદ, સર્જકોના તેમ જ વિવેચકોના પરિચય, સિદ્ધાન્તચર્ચા જેવી પૂરક પ્રવૃત્તિઓ વગેરે ઘણું છે. સુરેશભાઈએ આપણા સર્જકને, વિવેચકને તેમજ સાહિત્યના અધ્યાપકને સંકુચિતતાથી મુક્ત કરીને વિશ્વસાહિત્યના વિહારનો માર્ગ ચીંધ્યો છે.
ત્રીજું, એમણે ઇચ્છ્યું કે સાહિત્યપદાર્થની હમેશાં ચર્ચા ચાલવી જોઇએ, પરમ્પરાઓની સમીક્ષાઓ થવી જોઇએ, જુદા જુદા વાદ જાણવા જોઇએ, વિવાદ થવા જોઇએ, પત્રચર્ચાઓ થવી જોઇએ. ઊહ અને અપોહ ચાલુ રહેવો જોઇએ. એમના એવા જ એક બીજા સામયિકનું નામ, ‘ઊહાપોહ’ હતું.
સુરેશભાઈના સર્જન અને લેખનોને પ્રતાપે આપણા સાહિત્યમાં આધુનિક યુગના મંડાણ થયાં. આધુનિકતાવાદી સંવેદનશીલતા અને દર્શન સાથે જોડાવાનું બન્યું.
જુઓ, શબ્દને પૂરો શુદ્ધ અને સર્જનાત્મક બનાવે એવા પુરુષાર્થની પહેલી વાર સ-સંકલ્પ ગવેષણા થઈ.
પહેલી વાર સાહિત્યનો યુગચેતના સાથે આન્તરિક યોગ રચાયો.
સહૃદયત્વ કેળવાય એ માટે વિશ્વ-સાહિત્યના આસ્વાદ અને અનુવાદ શરૂ થયા.
સર્જકતાને અને વિદ્વત્તાને નવા અર્થ મળ્યા છે. લગભગ પહેલી વાર સર્જન અને વિવેચનનું સામંજસ્ય રચાયું .
જીર્ણ પરમ્પરાનો નાશ થયો. દમ્ભ અને જૂઠાણાંને સ્થાને નિખાલસતા અને પ્રામાણિકતાનો મહિમા થયો.
એમના કેટલાક મુખ્ય વિચારોની માત્રનોંધ લઇને આ વાતને સમેટી લઉં :
સુરેશ જોષી વિસ્મયના સર્જક હતા. કલાસર્જનમાં વિસ્મયને પરમ સત્ય ગણતા હતા. એટલે સર્જકમાં એમણે, એક શિશુમાં હોય એવી સહજતાની અપેક્ષા રાખેલી.
એટલે, એમની દૃઢ માન્યતા હતી કે સાહિત્યકાર દૃષ્ટા નથી, પણ સ્રષ્ટા છે. સાહિત્ય કંઇ જીવનનાં શ્રેય, આદર્શો, ઉચ્ચગ્રાહો કે માનવકલ્યાણનું સાધન નથી. સાધ્ય તો છે, કલાસૌન્દર્યનું સર્જન.
એટલે, એમનો ખાસ આગ્રહ એ હતો કે સર્જકે કન્ટેન્ટ -સામગ્રી- પર નહીં પણ ફૉર્મ – રૂપનિર્મિતિ – પર ધ્યાન આપવાનું છે. જીવન છે એટલે સામગ્રી તો મળી રહેશે. પણ એને નવાં રૂપ આપવાં એ સર્જકનું કામ છે બલકે એ એનો ધર્મ છે. વિવેચકનો પણ ધર્મ છે કે એ રૂપનિર્મિતિની ચર્ચા પહેલી કરે.
આ માટે એમણે ભાષા પ્રત્યેની સભાનતા અને સર્જનમાં પ્રયોગશીલતા જેવા અનેક વાનાં રજૂ કરેલા છે. એમાં મુખ્ય વિચાર એ છે કે સાહિત્યને રેડિમેડ કે સેકન્ડહૅન્ડ ચિન્તનના વાઘાથી બચાવવું અને જીવનના તળને સ્પર્શી શકે એવું કલાસૌન્દર્ય સરજીને તેને મૂલ્યવાન બનાવવું. મેં તો એમને કલ્પનનિષ્ઠ સાહિત્યકાર કહ્યા જ છે. આ સંદર્ભમાં મુખ્યત્વે એમણે સર્જનમાં કલ્પનનો આગ્રહ રાખેલો. કેમકે કલ્પન સીધાં જ આપણી જ્ઞાનેન્દ્રિયોને સ્પર્શે છે ને સાહિત્યરસનો નિરાળો અનુભવ કરાવે છે.
એમના સમગ્ર સર્જનમાં આસ્વાદ્ય કલ્પનોનો મધુર વિલાસ છે. શહેર વિશેના એમના એક કાવ્યનાં આ કલ્પનો જુઓ :
આ શહેર –
સૂકી ડાળ જેવી એની શેરીઓ,
સ્વગતોક્તિ ઉચ્ચારતો આ એકાકી ફુવારો,
… ટોળાંમાં રહીને ચહેરો ભૂંસતાં માણસો,
આસ્ફાલ્ટની ચાદર ઓઢીને પોઢેલાં તૃણશિશુ
… પદયાત્રાનો આરમ્ભ કરવા ઈચ્છતી ગાંધીજીની પ્રતિમા,
વગેરે. શહેરને માટે કહે છે -‘તકલાદી સ્વર્ગના ઝળહળાટથી અજવાળાયેલું આ નરક -‘ ને પછી જણાવે છે
‘આ બધાં વચ્ચે હું મૌનના પહાડ પર આરોહણ કરું છું,
ધાકથી મારાં અસ્થિ ગાઇ ઊઠે છે
મરણનું મહિમ્નસ્તોત્ર.’
કાવ્યનું શીર્ષક છે, ‘મહિમ્નસ્તોત્ર’. એમનું -‘ભૂલા પડેલા રોમૅન્ટિક કવિ નું દુ:સ્વપ્ન’ એક કલ્પન અને કલ્પન શ્રેણીઓથી રસાયેલું એક નિતાન્ત સુન્દર દીર્ઘકાવ્ય છે. હું એને ગુજરાતી કાવ્યસાહિત્યનું અણમોલ ઘરેણું ગણું છું.
નવલકથા અને ટૂંકીવાર્તા વિશે પણ એમણે કેટલાક ક્રાન્તિકારી વિચારો રજૂ કરેલા :
આ માણસે ૧૯૫૫-માં કહેલું કે ‘આપણી નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે’. એટલે કે, ગુજરાતી નવલકથા મરવા પડી છે. આ વાતનો બહુ ઊહાપોહ થયેલો. વિદ્યમાન નવલકથાકારો ચીડાઇ ગયેલા. વિવેચકો ધૂંધવાઇ ગયેલા. જોકે કેટલાકને તો, નાભિશ્વાસ ચાલે છે એટલે શું ચાલે છે એનીયે ગમ નહીં પડેલી.
અમને ભણાવતા ત્યારે કહેતા -મુનશી તો એક જ નવલકથાના નવલકથાકાર છે. અમને થતું, મુનશીએ કેટલી બધી નવલકથાઓ લખી છે -ઐતિહાસિક પૌરાણિક સામાજિક; છતાં આપણા સાહેબ આમ કેમ કહે છે. એમણે સમજાવેલું કે ભલે અનેક લખી છે પણ મુનશી પાસે બીબું એક જ છે.
કહેતા, આપણા નવલકથાકારો સ્વાનુકરણમાં પાવરધા છે -એટલે કે એક-નું-એક જ લખ્યે રાખે છે. કહ્યું છે ‘કથા કહેવાની કોઇ એક ધાટી લેખકને એટલી ફાવી જાય કે નિરૂપણના નવા અખતરા અજમાવવા જ છોડી દે’. કેમકે કથયિતવ્ય માંદલું હોય, એ એને રેઢિયાળ ચીલે ચાલી જતાં રોકે નહીં. કહેતા, યોજકસ્તત્ર દુર્લભ: -જેમ અક્ષરમાં મન્ત્રનું સામર્થ્ય ન હોય, જેમ મૂળિ યાંમાં ઔષધગુણ ન હોય, તેમ જો લેખકમાં યોજકની સર્જકતા ન હોય, તો લખવું વ્યર્થ છે.
આ આખું ઘડતર મૂળગામી હતું, રૅડિકલ. એથી આમૂલ પરિ વર્તનો થયાં. સાહિત્યિક રુચિ, વેદનશીલતા, સર્જકતા, નિર્ભીકતા, આધુનિકતા, ઊહાપોહ અને પ્રકાર પ્રકારની અભિનવતાથી ધમધમતા એ બે દાયકા, the late 1950s to earlier 1970s-નાં ૨૦ વર્ષ, નવપ્રસ્થાનનાં વર્ષો હતાં. એથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક જુદી જ સાહિત્યિક સંસ્કૃતિ પ્રગટેલી. સુરેશભાઈ આ ઘટમાળના જનક હતા અને અનેક આધુનિકો અને સમકાલીનોનું પ્રીતિભાજન હતા
સુરેશભાઇને એમના આવા સાત્ત્વિક વિદ્રોહોને કારણે જીવનભર ઘણું વેઠવું પડેલું. એક વાર અમદાવાદમાં સુરેશભાઇનો વ્યાખ્યાન-કાર્યક્રમ હતો. એના અધ્યક્ષે સમાપનમાં આવું કંઇક કહેલું : હિન્દમાં વિદેશી પુસ્તકની એક જ નકલ નથી આવતી : અધ્યક્ષનો મતલબ એમ હતો કે એમને ત્યાં પણ આવે છે; તેઓ પણ વિદેશી સાહિત્ય વાંચે છે. મેં એ બાબતે લખેલું કે ગાયો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ લાવી આપે છે, એનો મહિમા છે. કોઇ એમના પ્રેમીએ જ કહેલું -સુરેશ જોષીને હવે વખારે નાખો -એમ કે એને ખૉળે લો.
જો કે સુરેશભાઇએ આવાં મૅંણાંટૉણાંને સહજ ભાવે વધાવી લીધેલાં. મને કહેતા, સુમન, વિદ્રોહ આપણે હમેશાં જવાબદારીના ભાન સાથે કરવો અને એના પરિણામમાં જે મળે એનો સહર્ષ સ્વીકાર કરી લેવો. આપ સૌનો આભાર.
* * *
‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની [Skype માધ્યમ વાટે યોજાઈ] શનિવાર, 04 જુલાઈ 2020ના દિવસે પહેલવહેલી વર્ચયુઅલ બેઠકમાં, ડૉ. સુરેશ જોશી જન્મશતાબ્દી ઉપલક્ષે, ‘યુગ પ્રવર્તક સુરેશ જોશી’ વિષય પર આપેલું વક્તવ્ય.
વીડિયો: