સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ… અશોક મેઘાણી સંગાથે બેઠક (શનિવાર, 07 ઑગસ્ટ 2021)

સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ

-અશોક મેઘાણી

સૌ પ્રથમ તો મને મારી અનુવાદ-ચર્યાની વાત કરવા આમંત્રણ આપવા બદલ ‘ગુજરાતી લિટરરી ઍકેડેમી’ – યુ.કે.નો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈને માંદગી હાઉકલું કરી ગયું પણ એને બહુ સહેલાઈથી તગડી શક્યા એ આપણા સહુના સદ્દનસીબ. વિપુલભાઈને મળવાનું ત્રણ-ચાર વાર જ બન્યું છે પણ એમની સાથે જ્યારે જ્યારે વાત થાય ત્યારે બહુ જૂની અને ઘનિષ્ઠ મિત્રતાનો અહેસાસ થાય. મારા વડિલબંધુઓ સાથેના એમના મીઠા સંબંધોનો લાભ મને અનાયાસે મળ્યો છે.

મેંજે થોડું કામ કર્યું છે એને અનુવાદવિશ્વ કહેવું એ અતિશયોક્તિ છે, પણ એ પ્રયત્ન શરૂ કર્યાને 25 વર્ષ થઈ ગયાં છે એટલે સ્મરણની જે નાનકડી કેડી પરથી પસાર થયો છું એની થોડી વાતો કરવી ગમશે. સાહિત્યમાં રસ લેનારાઓ માટે એમાં કાંઈ જ નવું નહીં હોય, એટલે મારા એકના જ અનુભવોની વાત કરવાની ગુસ્તાખી માટે મને ક્ષમા કરશો.

મારી પુસ્તક વાર અનુવાદો અને અનુભવોની વાત કરી લઉં પછી કોઈને સવાલ હોય તો જવાબ આપવા મને ગમશે. સમય હોય તો થોડું વાંચવાનું પણ કરી શકાય.

ચાર પ્રકાશિત અને ત્રણ હજી સુધી અપ્રગટ એવા સાત અનુવાદોમાંથી 6 ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલા છે, અને એક હિંમત અંગ્રેજીમાંથી ગુજરાતીમાં એક ખૂબ જ સન્માનિત લેખકના પુસ્તકને ઉતારવાની કરી છે. એ ઉપરાંત એક પુસ્તકના અનુવાદનું કામ 80 ટકા થઈ ગયું છે.

અંગ્રેજીમાં અનુવાદો કરવાની કોઈ જ પૂર્વતૈયારી હતી નહીં. શાળાનું ભણતર બધું જ ગુજરાતી માધ્યમમાં, અંગ્રેજી તો સાતમા ધોરણથી શરૂ કરીને એક વિષય તરીકે શીખાયું. કૉલેજનું પહેલું વરસ પણ જેને ‘મગન માધ્યમ’ કહેવાતું એ ગુજરાતીમાં ગયેલું. ઇજનેર થવું હતું એટલે તુક્કો ચડ્યો કે ઇંટર સાંયન્સનું વરસ અંગ્રેજી માધ્યમમાં કરવું. અમદાવાદની સેઇંટ ઝેવિયર્સ કૉલેજમાં ઍડમિશન લેવા ગયો ત્યારે પ્રિંસિપાલ ફાધર ડિસોઝાએ કહ્યું કે આવા અગત્યના વરસમાં માધ્યમ બદલવું એ તો ‘ખટ્ટર’ છે. છતાં એ કર્યું. એ પછીનો ઇજનેરી અભ્યાસ અંગ્રેજીમાં થયો પણ ભાષા તરીકે એને વધુ ભણવાનું થયું નહીં. આટલું બધું કહેવાનો આશય એ કે મેં અંગ્રેજી મુખ્યત્ત્વે મારા વાચનમાંથી જ શીખેલું છે. મારા શરૂઆતના બે-ત્રણ અનુવાદોને મારાં સંતાનો બેલા અને સાગર શબ્દેશબ્દ જોઈ ગયાં છે અને એમાં સુધારા આપ્યા છે. મારી મુખ્ય નબળાઈ અંગ્રેજી ઉપપદ – article – ના વપરાશની હતી અને હજી છે.

એ બધું તો ઠીક પણ કામેકાજે ઇજનેર અને સાહિત્ય સાથેના ફક્ત વાંચવા પૂરતા જ સંપર્કવાળા માણસને અનુવાદકાર્યમાં દાખલ થવાનું કેમ બન્યું એની વાત કરું.

1969માં અમેરિકા આવ્યા પછી કોઈ કારણસર ‘વેવિશાળ’ પુસ્તક ઘરમાં નહોતું એટલે બહુ વર્ષો સુધી વંચાયેલું નહીં. નિવૃત્ત થયા પછી 1996માં ભાવનગરમાં પહેલી વાર નિરાંતે વાંચવાનો સમય મળતાં ‘વેવિશાળ’ એકી બેઠકે વંચાઈ ગયું. મને પહેલેથી જ ખૂબ ગમતું 25મું પ્રકરણ ‘મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી’ વાંચતો હતો ત્યારે જ મનમાં સોલો ચડ્યો કે આ પ્રકરણનો અનુવાદ કરવો. એના ઉપર ત્રણેક દિવસ કામ કરીને મને સંતોષ થાય એવી હાલતમાં એ પ્રકરણનો અનુવાદ પહોંચ્યો એટલે એ જ બપોરે વડિલ બંધુઓ મહેન્દ્રભાઈ અને જયંતભાઈને વાંચી સંભળાવ્યું. બન્ને થોડી વાર તો કાંઈ જ બોલ્યા નહીં એટલે મારી અનુવાદક કારકિર્દી જાણે શરૂ થતા પહેલાં જ પૂરી થઈ ગઈ. ત્યાં તો કાંઈક તદ્દન અણધાર્યું સાંભળવા મળ્યું. મહેન્દ્રભાઈ બે જ વાક્યો બોલ્યાઃ “બાપુજીએ પોતે અનુવાદ કર્યો હોત તો આવો થયો હોત. ભાઈ, હવે બીજા બધા નખરા છોડીને આના ઉપર લાગી જાઓ!” મારા પરની એમની મમતા જ આવું બોલાવી ગઈ હશે, પણ એની અસર મારા પર મોટી થઈ.

પણ અનુવાદ ક્ષેત્રે થયેલી આ શરૂઆત હજી ડગુમગુ હતી. હજી મન ઘણી દીશાઓમાં ખેંચાતું હતું. ફોટોગ્રાફીમાં ઊતરવું હતું, દુનિયા ફરવી હતી, વેબ ડિઝાઇન શીખવાની શરૂઆત કરી દીધી હતી, ક્યાંક જૂનિયર કૉલેજમાં ભણાવવાના વિચાર પણ આવતા હતા. આ બધાના કારણે અનુવાદના કામમાં ગંભીરતાથી આગળ વધતા એકાદ વરસ નીકળી ગયું.

The Promised Hand

‘વેવિશાળ’થી શરૂઆત થઈ એટલે જે અનુભવો થયા એની થોડા લંબાણથી વાત કરું.

  • ‘વેવિશાળ’ પર ગંભીરતાથી કામ શરૂ કર્યું 1997માં અને 1998માં પૂરું કર્યું. આ પહેલો પ્રયત્ન એટલે પાછળથી થોડું જે સમજાયું એ ત્યારે સમજાયું હોત તો જે બધી કચાશ રહી ગઈ તેમાંથી થોડી ઓછી થઈ શકી હોત. દા.ત. લેખક મેઘાણી જે સરળતાથી કાઠિયાવાડી ગુજરાતી, મુંબઈનું ગુજરાતી, મરાઠી, ઍંગ્લો-ઇંડિયન નર્સની અંગ્રેજી બોલી અને લહેકાનો ઉપયોગ કરી શકે છે એ ફક્ત અંગ્રેજીમાં થતા અનુવાદમાં લાવવા માટે કોઈ જ્હોન સ્ટાઇનબેકની આવડત જોઈએ. પણ, મરાઠીભાષી પાટીવાળા કે નર્સ લીનાના મૂળ ભાષાના ટૂંકા ઉદ્ગારો મૂકીને એની થોડી ફ્લેવર આપી શકાઈ હોત.
  • પછીનું પગલું પ્રકાશકને શોધવાનું હતું. અનુભવે સમજાયું કે આ તો લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે. નસીબે થોડી યારી આપી, અને વડીલ મિત્ર સિતાંશુ યશશ્ચન્દ્રએ – મારા અનુવાદના થોડાં પાનાં જોયાં પછી – મારો હાથ ઝાલ્યો અને દિલ્હીમાં એક-બે પ્રકાશકો પાસે લઈ ગયા. એમાંથી બીજી મુલાકાત સાહિત્ય અકાદમીની હતી. અકાદમીના સેક્રેટેરી કવિ સચ્ચિદાનંદન સિતાંશુભાઈના મિત્ર અને કદાચ મેઘાણી નામથી પણ પરિચિત. એ કહે કે આનું પ્રકાશન અકાદમી જ કરે, તમે બીજે ક્યાં ય જવાનું રહેવા દ્યો. પણ નિયત વિધિ તો પૂરી કરવી પડે, અને કોઈ જાણકાર પાસે અનુવાદ ચકાસાવવો પડે.
  • અકાદમીની જેવી સરકારી ઢબે કામ કરતી સંસ્થા સાથે પડેલી મુશ્કેલીઓની વાત કરવા માટે બીજી પંદર મિનિટ જોઈએ. ટૂંકમાં કહું તો મેં છાપેલી મૅન્યુસ્ક્રિપ્ટની સાથે ફ્લૉપી ડિસ્કેટ પર (હજી એ જમાનો હતો!) Microsoft Word document આપેલો. કોઈ કારણસર એ ડૉક્યુમેંટ ખોલી ન શકાતા, આખું પુસ્તક ફરીથી ટાઇપસેટ થયું … અસંખ્ય ભૂલો સાથે. મેં એ સ્વીકારવાની ઘસીને ના પાડી, અને એ પછીની દિલ્હીની મુલાકાત દરમ્યાન માથે બેસીને મારી ડિસ્કેટમાંથી અકાદમીના કંપ્યુટરમાં કૉપી કરી આપી.
  • એ બાદ મહીનાઓ નીકળી ગયા, પછી જેમને એ અનુવાદ ચકાસવાનું સોંપાયું એ જાણકાર હતા ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજીના જાણીતા અધ્યાપક દિગીશ મહેતા. જેમનાથી વધુ અધિકૃત માણસ મળવાની શક્યતા ઓછી એવા દિગીશભાઈએ ઝીણવટથી પહેલાં પાંચ પ્રકરણ વાંચીને ઘણા સવાલો કર્યા અને એમના સમાધાન મળ્યા પછી પોતાની અનુમતિ આપી.
  • એ પછીનો તબક્કો અકાદમીના અંગ્રેજી એડીટરની ચકાસણી અને સુધારા-વધારાનો હતો. વધુ વાત નહીં કરતાં એક જ દાખલો આપુઃ સોપારીનો ચૂરો ચાવવાની પ્રક્રિયાનો મારો અનુવાદ સાવ સાદો “…chewing…” બદલાવીને “masticulating” જેવું ક્રિયાપદ ત્યાંની યુવાન એડિટરે મૂક્યું. મેં તો એ શબ્દ કોઈ દિવસ જોયેલો નહીં પણ જન્મથી જેમણે અંગ્રેજી ભાષા વાપરી છે એવાંને પૂછતાં લાગ્યું કે મોટા ભાગના વાચકો એ શબ્દના અર્થની અટકળ જ કરી શક્યા હોત. મારે મક્કમ રહીને એ અને બીજા ઘણા ફેરફારો રદ્દ કરાવવા પડ્યા.
  • ‘The Promised Hand’ અંતે ચાર વરસે 2002માં બહાર પડ્યું.

Sant Devidas – the Story of a Saintly Life

  • એ સમયે તો મેઘાણીનાં પુસ્તકોના અનુવાદ પર જ કામ કરવાનો ઇરાદો હતો. નાનપણથી મારા સૌથી વધારે ગમતા પાત્ર (અને પ્રમાણમાં નાનકડા પુસ્તક તરીકે) ‘સંત દેવીદાસ’નો અનુવાદ ‘વેવિશાળ’ જ્યારે ટલ્લે ચડેલું હતું એ ચાર વરસોમાં થયો. ‘વેવિશાળ’ પછી થવા છતાં, ‘સંત દેવીદાસ’નો અનુવાદ 2000માં પ્રગટ એટલા માટે થયો કે અમેરિકાની ગુજરાતી લિટરરી ઍકેડેમીએ અનુવાદના પોતાના કાર્યક્રમના પહેલા પુસ્તક તરીકે એને પસંદ કર્યું.
  • મૂળ ‘સંત દેવીદાસ’ મારી ખૂબ જ પ્રિય વાર્તા છે. મારું પહેલું પ્રકાશન પામેલું પુસ્તક છે એટલે નહીં પણ દેવીદાસ મારા માનીતા પાત્રોમાં પણ બહુ ઊંચે વસે છે એટલા માટે મારા હૃદયમાં એ અનુવાદનું સ્થાન ઊંચું છે. અનુવાદ પણ મને સંતોષકારક લાગ્યો છે. સમય રહે તો એમાંથી થોડું વાંચવાની ઇચ્છા છે.
  • દેવીદાસની પરબ-વાવડીની જગ્યા જોવાની અદમ્ય ઇચ્છા હતી, પણ આજની એ ‘જગ્યા’ને અને વાર્તામાંની ‘જગ્યા’ એ એક જ સ્થળ છે એમ માની શકાયું નહીં. આજના ભવ્ય મંદિરના સાંકડા ભોંયરામાં એક જાળી પાછળની નાનકડી ઓરડીમાંની ચાર સમાધિઓ જોઈને દિલ ભરાઈ આવ્યું.

એ પછી શું હાથમાં લેવું એ સવાલ આવ્યો. ‘તુલસી-ક્યારો’ મનમાં હતી, પણ મહેન્દ્રભાઈ કહે કે હવે સામાજિક કરતાં ઐતિહાસિક નવલકથા તરફ જાઓ. જયંતભાઈને ‘સમરાંગણ’ માટે પૂછ્યું તો એમણે તરત જ સંમતિ આપી. હું ફરીથી વાંચી ગયો, અને જ્યારે કહ્યું કે ‘સમરાંગણ’ તો બહુ જ અઘરી પડે ત્યારે જયંતભાઈનો જવાબ હતો કે જો અનુવાદ કરવા જેવું પુસ્તક હોય અને આપણે અઘરું માનીને નહીં કરીએ તો બીજું કોણ એ કરવાનું? મારી પાસે જવાબ નહોતો.

Samaraangan

  • વાર લાગી પણ એ અનુવાદ થયો. જેમ ‘વેવિશાળ’નું હૃદયભેદક લાગેલું 25મું પ્રકરણ, એમ ‘સમરાંગણ’નું ભૂચર મોરીના યુદ્ધનું પ્રકરણ. હજી પણ હું સ્વસ્થ રહીને એ વાંચી નથી શકતો. જ્યાં સૌરાષ્ટ્રના ઇતિહાસમાં મોટામાં મોટી લડાઈ જ્યાં થયેલી એ ધ્રોળ પાસેનું યુદ્ધક્ષેત્ર જોવા, કોઈ vibrations મળે તો અનુભવવા, હું ત્યાં ગયો. પરબ-વાવડી જેમ જ ફરી એક વાર નિરાશ થયો. પણ આ નિરાશાનું કારણ તો કદાચ મારી પોતાની જ એ વાતાવરણને અનુભવવાની અશક્તિ હતી.
  • Manuscript 95% તૈયાર થયેલી ત્યારે ભારતમાં હતો એટલે એને માટે પ્રકાશક શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો. અંગ્રેજી પુસ્તક માટે વધારે સારું – ખાસ કરીને પરદેશમાં પણ પહોંચેલું – distribution network મેળવવા ભારતના Penguin અને Harper-Collinsને એમના માગ્યા પ્રમાણે synopsis અને sample પ્રકરણો મોકલ્યાં. થોડા સમયમાં એકની ના આવી ગઈ, અને બીજાના જવાબની આજે પંદર વરસે પણ રાહ જોઉં છું. એ પછી મન ઊઠી ગયું અને બાકીનું 5% કામ પૂરું કર્યા વગર પુસ્તકને છોડી દીધું.
  • ગયા વરસે COVIDના રાજ્યમાં નવરાશ જ નવરાશ હતી ત્યારે એ રહેલું 5% કામ પણ કરી નાખ્યું છે પણ અમેરિકા બેઠા ભારતના કોઈ પ્રકાશક મળવાની અશા છોડીને પોતે જ પ્રકાશન કરવા Amazon કે એવી કોઈ On Demand વ્યવસ્થા કરવા ઇચ્છા છે. અંગ્રેજી શિર્ષક હજી નક્કી નથી. મારા અપ્રકાશિત અનુવાદોની સ્લાઇડમાં ‘સમરાંગણ’નો સમાવેશ હતો.

આ સમય સુધી મેઘાણીના અનુવાદો જ મનમાં હતા, પણ એમાં થોડું પરિવર્તન આવ્યું. ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાના 2010ના સંમેલનમાં પધારેલા મહેમાનો નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલને રામભાઈ ગઢવીએ ઍકેડેમીના અનુવાદ પ્રકલ્પ માટે પુસ્તકની પસંદગી માટે સલાહ માગી, અને બંને મહાનુભાવોએ એકી અવાજે કહ્યું ‘હિમાલયનો પ્રવાસ’. એ પછી, ભોળાભાઈ પાસેથી એ પુસ્તક વિશે અને કાકાસાહેબ વિશે ઘણી રસપ્રદ માહિતી સાંભળી. કાકાસાહેબનો દેખાઈ આવતો અહમ્ એમને સ્વામી આનંદનું મોવડીપણું ઉલ્લેખવા પણ નથી દેતો અને બીજી ઘણી વાતો જાણવા મળી. મેં ભોળાભાઈને કહ્યું કે આ બધું તો જ્યારે અનુવાદ બહાર પડે ત્યારે વાચકોને માટે તમારે લખવું જ જોઈએ. એમનો જવાબ હતો કે ‘હું જરૂર લખું … જો આ અનુવાદ અશોક મેઘાણી કરે.’ ફરી એક વાર મારી પાસે કોઈ ઉત્તર નહોતો રહ્યો. અંતે, મારે બિન-મેઘાણી કૃતિનો અનુવાદ કરવાનું નક્કી થયું. પોતાનું વચન પાળવા એ રહ્યા નહીં એ આપણી બધાની ઘણી મોટી ખોટ રહેશે.

HIMALAYA – A Cultural Pilgrimage

  • મહેન્દ્રભાઈને ‘હિમાલયના પ્રવાસ’ના અનુવાદની વાત કરી તો એમનો અભિપ્રાય એવો મળ્યો કે ‘કાકાસાહેબની અલંકારિક ભાષાનો અનુવાદ શક્ય જ નથી.’ એમનો ઉદ્દેશ જે હોય તે, પણ મને તો બમણું જોર ચડ્યું.
  • પહેલાં સાત પ્રકરણોનો અનુવાદ કર્યો. મારું મન હજી નહોતું માનતું કે હું આગળ વધું, એટલે મેં એ પ્રકરણો નટવર ગાંધીને જોવા મોકલ્યાં. એમણે ભારતથી પુસ્તક વાંચવા મગાવ્યું. એ પછી એમનો જવાબ બહુ જ સીધો હતો. ‘I am underwhelmed by the original Gujarati.’
  • મારો અનિશ્ચય ઘણો વધ્યો. પણ ભોળાભાઈ અને બીજા વડિલ સિતાંશુ યશશ્ચન્દ્ર એક જ નિશ્ચયના હતા, કે મારે આ પૂરું કરવું જ. એ બંને જીત્યા.
  • કાકાસાહેબની અલંકારિક ભાષા તો અનુવાદમાં અઘરી હતી જ, પણ એમના સંસ્કૃત અને મરાઠી શ્લોકો-સુભાષિતો એથી પણ વધારે કામ માગી લેતાં હતાં. કવિ વિનોદ જોશી, મિત્ર અશોક વિદ્વાંસ અને અન્યની મદદ વગર અર્થની દૃષ્ટિએ સાચા અનુવાદો થઈ ન શક્યા હોત.
  • નગીનદાસ પારેખની એમના વિદ્યાર્થીઓ માટેની ‘ટીપ્પણી’ મને અનુવાદના કામમાં ખૂબ જ ઉપયોગી રહી. જયંતભાઈ અને બીજા વાચકો પાસેથી જાણેલું કે એ લોકો વખતોવખત ‘હિમાલયનો પ્રવાસ’ ખોલીને એકાદ પ્રકરણ વાંચતા હોય છે. એ ધ્યાનમાં રાખીને મેં અનુવાદમાં મારી પોતાની પ્રકરણવાર ‘glossary’ મૂકી. જૂદાંજૂદાં પ્રકરણોમાં એક ને એક જ વાત ફરી ફરી આવતી હોય (દા.ત. જગદ્ગુરુ શંકરાચાર્ય) તો એ દરેક પ્રકરણમાં ફરી ફરી મૂકી. પ્રકાશકના editorએ પુનરાવર્તન કાઢવા ઇચ્છ્યું, પણ મેં એનો આગ્રહ રાખ્યો.
  • પુસ્તકમાં વર્ણવાયેલી યાત્રા/મુસાફરી 1912માં થયેલી. એ વિષેની લેખમાળા લખવાનું શરૂ કર્યું 1919માં, અને એ પછી 15 વરસ સુધી લખાતી રહી. કાકાસાહેબ પોતે જ કહે છે તેમ ‘એ જૂનાં સ્મરણો બધાં જ તાજાં ન રહી શકે, અને જે સ્મરણો તાજાં ન હોય તે આપવામાં રસ કદી નથી હોતો.’ એ ન્યાયે, મોડેથી લખાયેલા આ પુસ્તકના પાછળનાં પ્રકરણોમાં એમને યાદ ન રહેલી પ્રવાસની વિગત ઓછી થતી જણાય છે અને એમની ફિલસૂફી વધારે દેખાય છે. શિર્ષક ‘Himalaya, a Cultural Pilgrimage’ રાખવાનું કારણ જ આ પ્રવાસવર્ણનને બહાને થયેલું સુંદર સંસ્કૃતિદર્શન છે.
  • મરાઠીભાષી કાકાસાહેબનું આ ‘પ્રવાસવર્ણન’ કટકે કટકે જરા મોડું લખાયું. સહયાત્રી સ્વામી આનંદે મરાઠીમાં લખેલું પ્રવાસવર્ણન (ગુજરાતી અનુવાદ ‘હિમાલયની યાત્રા’) પ્રવાસ પછી તરત જ કોઈ સામયિકમાં પ્રગટ થયેલું. કાકાસાહેબની સ્મરણશક્તિએ જ્યાં એમને દગો દીધો છે ત્યાં સ્વામી આણંદના વર્ણનનો પણ અંગ્રેજી અનુવાદમાં સમાવેશ કર્યો છે (દા.ત. ‘ઉત્તરકાશી’ પ્રકરણમાં ધોધનું વર્ણન.)
  • મારા માટે ખૂબ જ યાદગાર વાત તો એ રહી કે મૅન્યુસ્ક્રિપ્ટ ખૂબ જ ઝીણવટથી જોઈ જઈને ભોળાભાઈ અને સિતાંશુભાઈએ નહીં જેવા ફેરફાર સૂચવ્યા, એટલું જ નહીં, શાકુંતલના એક શ્લોકનો મારો અનુવાદ શુદ્ધ નહોતો પણ લખાણના સંદર્ભમાં મેં યોગ્ય માનેલી છૂટને બદલવાની બંનેએ ના પાડી.
  • આજ સુધીમાં મારી પાસેથી સહુથી વધારે મહેનત આ અનુવાદે માગી છે, અને મને પોતાને સહુથી વધુ સંતોષ પણ આ અનુવાદથી જ થયો છે.

Draupadi

  • બિન-મેઘાણી સાહિત્યનો અનુવાદ કરવાની અનિચ્છા છતાં કોઈ સારા પ્રકાશક સાથે નાતો કેળવવાના પ્રયાસ રૂપે કાજલ ઓઝા વૈદ્યના પુસ્તક ‘દ્રૌપદી’ના અનુવાદનું કામ હાથમાં લીધું. 2014માં શરૂ કરેલું કામ 2015માં પૂરું કરેલું. મૂળ ગુજરાતીમાંથી જે થોડા ફેરફારો મને જરૂરી લાગ્યા એની સાથે લેખિકા પણ સંમત થયેલાં.
  • પહેલાં કૉપીરાઇટના મતભેદને કારણે, અને પછી પ્રકાશકની શોધમાં, અને એ નક્કી થયા પછી પણ એક યા બીજા કારણે એ મૅન્યુસ્ક્રિપ્ટ 100% તૈયાર હાલતમાં પ્રકાશક પાસે પડી છે, અને પ્રકાશન પામશે કે નહીં એ અત્યારે તો અનિશ્ચિત લાગે છે. આ અનુવાદે પણ ઘણો અભ્યાસ અને ઘણી મહેનત લીધાં છે, અને મને પોતાને અનુવાદ સંતોષકારક લાગ્યો છે.
  • પ્રકાશનની વાસ્તવિકતાઓ અને કૉપીરાઇટ કાયદાઓ વિષે જે જાણવા મળ્યું એ મારા મનથી બહુ જ મોટો લાભ આ અનુવાદ પ્રોજેક્ટમાંથી મળ્યો.

છેલ્લા બે અનુવાદો સ્વયંસ્ફુરિત નહોતા, પસંદગી મારી નહોતી, બંનેની શરૂઆત બાહ્ય અસરથી થયેલી. આ પછીના અનુવાદ માટે પણ શરૂઆત એમ જ થઈ. બળવંતભાઈ જાનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસાહિત્ય સંશોધન કેંદ્ર વતી ઇચ્છા દર્શાવી કે મેઘાણીના પુસ્તક ‘રંગ છે, બારોટ!’નો અનુવાદ થાય. લગભગ એ જ સમયે મહેન્દ્રભાઈએ કહ્યું કે ‘દાદાજીની વાતો’નો અનુવાદ થવો જોઈએ. બંને પુસ્તકોમાં કંઠસ્થ સચવાયેલી, લોક-વાર્તાકારોને મોઢેથી સાંભળેલી વાર્તાઓને મેઘાણીએ એ જ શૈલીમાં લખવાનો યત્ન કર્યો છે. વોઇસ રેકોર્ડિંગની જ્યારે કોઈ જ સુવિધા નહોતી, ત્યારે વાર્તા સાંભળતાં સાંભળતાં ટપકાવેલી નોંધોના જ આધાર પરથી લખાયેલી આ વાર્તાઓ એ બંને સંગ્રહોમાં છે. આમાંથી આવ્યો આ અનુવાદ –

Folk Tales from the Bard’s Mouth

  • ‘દાદાજીની વાતો’ની પાંચે પાંચ વાર્તાઓ, અને ‘રંગ છે, બારોટ!’ની બારમાંથી પાંચ વાર્તાઓ પસંદ કરીને આ અનુવાદ શરૂ કર્યો. બંને પુસ્તકોમાં લેખકે મૂકેલા ‘પ્રવેશક’ આ વાર્તાઓની ઉત્પત્તિ, એમાં રહેલું રચનાકૌશલ અને શ્રોતાઓનો રસ જાળવવા વપરાતી તરકીબો (જેને પાશ્ચાત્ય વિદ્વાનો ‘મોટિફ’ તરીકે ઓળખાવે છે) એ બધાની પદ્ધતિસરની છણાવટ આપે છે. લોકસાહિત્યના સંશોધનના અભ્યાસીઓને વાર્તાઓ જેટલો જ રસ આ પ્રવેશકોમાંથી મળવો જોઈએ.
  • અંગ્રેજી અનુવાદોમાં મૂળ વાર્તાકારે વાપરેલી ભાષા અને શૈલી મૂકવાનો પ્રયત્ન કર્યો છે.
    એક દાખલોઃ
    ગરુડ પંખી અને પંખણી વાત કરે છે. ગરુડ કહે છે કે મહેમાન રાજાનું રાજ રાંડી જવાનું છે. પંખણી પૂછે છેઃ
    કે’ “કેમ?”
    કે’ “આ રાજાને માથે આવતી કાલ્ય છ ઘાતો છે.”
    કે’ “કઈ કઈ?”
    Says, “Why so?”
    Says, “The king faces six lethal perils tomorrow.”
    Says, “What perils?”
    મને ખાતરી છે કે જે એડિટરે આ વાંચ્યું એને મારા અંગ્રેજી પર ખૂબ હસવું આવ્યું હશે કારણ કે મને જે સુધારેલા પ્રૂફ મોકલાયા એમાં વ્યાકરણના બધા સુધારા કરીને મને પાછું મોકલાયું … જે મેં મારું કારણ સમજાવીને રદ્દ કરાવ્યું.
  • મેં કરેલા અનુવાદોમાંથી આ સહુથી વધારે અઘરો રહ્યો. એના કારણમાં કોઈ પણ સંદર્ભમાં ન મળે એવા શબ્દો, વાર્તાઓમાં ઠેરઠેર મૂકાયેલા છંદો અને અર્થ વગરના પણ વાર્તાનો વેગ વધારવા માટે મૂકેલા મંત્રો, વગેરે.
    પોતે જ ઉત્તમ વાર્તાકાર અને વિદ્વાન એવા દરબાર પૂંજા વાળાએ ચાર કલાક મારી સાથે બેસીને મને મારી બધી જ શંકાનું સમાધાન આપ્યું. થોડા જ મહીના પહેલાંના એમના મૃત્યુથી મને મોટી ખોટ પડી છે.
    DK Printworld નામના સરસ પ્રકાશક મળ્યા, ખૂબ સરસ કામ થયું, પણ એમની નેમ ફક્ત પૈસા કમાવાની હોવાથી સારા પ્રકાશક સાથે સંબંધ બાંધવાની મારી ઇચ્છા હજી પૂરી નથી થઈ.

નહીં ધારેલી રીતે એક નવીન સાહસમાં ઉતરવાનું થયું. મારા અનુવાદો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં થયા હતા. પણ ગુજરાતીમાં એકાદ લેખ સિવાય કાંઈ જ લખ્યું નહોતું. ખૂબ જાણીતા અંગ્રેજી લેખક અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ લખેલા પુસ્તક PRINCE OF GUJARAT: THE EXTRAORDINARY STORY OF PRINCE GOPALDAS DESAIનો ગુજરાતી અનુવાદ થાય એવી એમની ઇચ્છા છે, અને એ અનુવાદ મારે કરવો એવો આગ્રહ દરબાર ગોપાળદાસના પુત્ર બારીનભાઈએ કર્યો. મારા ગુજરાતીમાં લખવાના કોઈ જ અનુભવ વગર આટલું મોટું કામ લેવાની અશક્તિ દર્શાવ્યા છતાં બારીનભાઈ ન માન્યા, અને અમે નક્કી કર્યું કે હું એક પ્રકરણના અનુવાદનો પ્રયત્ન કરું અને પછી નિર્ણય લઉં. અને અંતે તો આ સાહસ કરવાનું થયું.

એક અનોખો રાજવી

  • આ પુસ્તકનો અનુવાદ ‘એક અનોખો રાજવી’ શિર્ષક હેઠળ તૈયાર થઈને લગભગ દોઢેક વરસથી ‘નવજીવન’ પાસે છે. COVID અને બીજાં કારણોસર પ્રગટ થવાનું પાછું ઠેલાતું ગયું છે પણ 2021 દરમ્યાન પ્રકાશનની આશા છે.
  • આ પુસ્તકમાં માહિતી-દોષની તો સંભાવના જ નહોતી, પણ મહેનત પડી ચળવળો, જૂથો, વગેરેનાં ગુજરાતી નામો શોધવામાં. એમાં નારાયણ દેસાઈનું ચાર ભાગમાં લખાયેલ ‘મારું જીવન એ જ મારી વાણી’ ઘણું ઉપયોગમાં આવ્યું, પણ સમય સારો એવો ગયો.
  • ગુજરાતીમાં લખવાનો મહાવરો ન હોવાથી અંગ્રેજી કર્મણી વાક્યરચના ગુજરાતીમાં ન આવી જાય એ માટે સતત સંભાળ રાખવી પડી.
  • એક નવું ભાન થયું. ગુજરાતી પુસ્તક વાંચું ત્યારે એક શબ્દ પણ ન સમજાય એવું ભાગ્યે જ બને, એનો અર્થ એ કે ગુજરાતી શબ્દભંડોળ મગજમાં ઠીકઠીક છે. પણ જ્યારે લખવાનું થાય ત્યારે શબ્દો સૂઝતાં એટલી બધી વાર લાગે કે એ શબ્દભંડોળ ક્યાં ગયું એવું અચરજ થાય. કંપ્યુટરના ક્ષેત્રમાં જો થોડાં આવાં માર્યાં છે એની પરિભાષા વાપરીને કહું તો QUICKLY ACCESSIBLE MEMORYમાં મગજમાં સંગ્રહાયેલા શબ્દભંડોળનો અમુક જ ભાગ રહેતો હશે. જેમ જેમ પુસ્તકમાં આગળ વધતો ગયો એમ એ ACCESSIBLE VOCABULARY પણ વિકસતી જતી હોય એવું લાગ્યું અને લખવાની ઝડપ વધી. શરીરના કોઈ પણ સ્નાયુ વપરાશ વગર atrophy પામે એમાં કાંઈ નવું નથી એટલે આ પણ એનો જ દાખલો હશે. આ અનુભવ મારો જ છે, બધાની આ પરિસ્થિતિ હોવાની જરૂર નથી.

એક ચાલૂ પ્રૉજેક્ટની વાત ટૂંકમાં કરી દઉં. મારા ભાઈ જયંતભાઈ ડિસેમ્બર 2021માં એમનું મૃત્યુ થયું ત્યારે મિત્તલ પટેલે લખેલ ‘સરનામાં વિનાનાં માનવીઓ – વિચરતી પ્રજાની વ્યથા-કથાઓ’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા. એમનું અધૂરું રહેલું પ્રિય કામ પૂરું કરવાની મને મારી ફરજ લાગી. મિત્તલબહેનની અનુમતિ લઈને મેં એ અનુવાદનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. બહુ થોડી માહિતી ખૂટે છે એ મળે પછી એકાદ મહિનામાં એ મૅન્યુસ્ક્રિપ્ટ તૈયાર થઈ જશે એમ હું માનું છું.

અનુવાદકની પોતાની ફરજ વિશેના વિચારોઃ

  • કૉપીરાઇટનો કાયદો: અનુવાદકને ‘creator of original work of literature’ ગણીને કૉપીરાઇટ અપાય છે. પણ સાથે સાથે એની જવાબદારી પણ વધે છે. મારા મતે અનુવાદકની ફરજ બની રહે છે કે અનુવાદ વાચકને એક સંપૂર્ણ અનુભવ કરાવે. દા.ત. કાકાસાહેબ એમ લખે કે ‘યમુનારાણી’ લેખમાં અમુક વર્ણન આપ્યું છે એટલે અહીં એને દોહરાવવાની જરૂર નથી. પણ અંગ્રેજી અનુવાદના વાચક એ લેખ વાંચી શકવાના નથી … એટલે કાં તો એ ઉલ્લેખ જ અનુવાદમાંથી બાદ કરવો, અથવા વધારે સારો વિકલ્પ એ લેખમાંથી અવતરણ આપવાનો છે. મેં એ અવતરણનો વિકલ્પ લીધો છે. એ જ પ્રમાણે ‘ઉત્તરકાશી’ના ધોધનું વર્ણન જેની વાત આપણે કરી.
  • મૂળ લેખકે આપેલી ‘માહિતી’ જ્યાં બરાબર ન લાગે ત્યાં પાદટીપમાં એ વિષે ખુલાસો કરી શકાય. દા.ત. કાકાસાહેબ લખે છે કે ‘કેદાર બદરી વચ્ચે … પાંચ જ માઇલનું અંતર છે.’ અક્ષાંશ-રેખાંશ માહિતી પરથી ગણતરી કરીએ તો એ અંતર 22.5 માઇલ છે, એમ પાદટીપથી સમજાવ્યું છે.
  • જ્યાં માહિતી-ભૂલ સાવ દેખીતી હોય ત્યાં એ સુધારી લેવી એ મારે મન અગત્યનું છે. ‘વેવિશાળ’ના એક જ પ્રકરણમાં પોટ્ટી નામની બાળકીની ઉંમર એક જગ્યાએ બે વરસની અને બીજી જગ્યાએ ચાર વરસની લખી છે. લેખકની પરવાનગી લેવાનું શક્ય હોય તો એ લેવી, પણ એ મંજૂરી ન હોય તો આગળ કહ્યાની જેમ પાદટીપમાં દર્શાવવાની ચોક્કસ જરૂરી છે. અનુવાદમાં રહેલી અને સમજાવ્યા વગરની ભૂલો માટેની જવાબદારી અનુવાદકની જ છે એવું હું માનું છું.
  • મારા મનથી સારો અનુવાદ એ કે જે અનુવાદ છે એમ એની ભાષા પરથી કહી શકાય નહીં. અનુવાદકનો પ્રયત્ન એ આદર્શ તરફ જવાનો હોય, પણ એથી કેટલા નજીક પહોંચી શકાયું છે એ તો વાચકે જ નક્કી કરવાનું રહે.

મારી રીતઃ

  • એક જ વાત પહેલેથી સુજેલી કે ભાષા બોલચાલની જ વાપરવી, જે હું મારી વાતચીતમાં ન બોલતો હોઉં એવા શબ્દો લખવા નહીં.
  • બોલચાલની ભાષાની વાત કરીએ તો કૉલેજનાં ચાર વર્ષો અને પછી ભારતમાં નોકરીનાં છ વર્ષો દરમ્યાન અંગ્રેજીનો વપરાશ થયો, પણ 1969માં અમેરિકા આવ્યા પછી સતત જે અંગ્રેજી વાંચ્યું, સાંભળ્યું અને બોલતાં શીખ્યો એ બધું અમેરિકન અંગ્રેજી હતું, એટલે બહુ જલદી રિપોર્ટ વગેરે લખવામાં પણ એ જ આવી ગયેલું.

મને પડેલી મુશ્કેલીઓઃ

  • પ્રકાશક, પ્રકાશક, પ્રકાશક.
  • ગુજરાતના પ્રકાશકોનું distribution network અંગ્રેજી અનુવાદો માટે કેટલું કામનું એ સમજાયું નથી.
  • ભારતમાં દર વરસે બેએક મહીના જવાનું થાય ત્યારે સમયની મારામારીને લીધે મોઢામોઢ સાહિત્યક્ષેત્રના સંપર્ક બહુ જ ઓછા થઈ શકે. અમેરિકામાં બેઠા બેઠા કોઈને છાપેલી મૅન્યુસ્ક્રિપ્ટ પહોંચાડવી હોય તો પણ એ કેવી રીતે કરવું? ઈમેઇલથી PDF મોકલી શકાય પણ એને તો જૂએ કે વાંચે પણ કોણ?
  • કૉપીરાઇટઃ અનુવાદ પરનો કૉપીરાઇટ કાયદેસર અનુવાદકનો હોય એ હકીકત હજી પણ ભારતમાં સ્વીકાર્ય નથી મનાતી. દિલ્હીની સાહિત્ય અકાદેમી તો એ ઑપ્શન આપતી જ નથી. મેં ‘વેવિશાળ’નો થઈ ગયેલો કૉન્ટ્રાક્ટ જો મને કૉપીરાઇટ ન મળે તો રદ્દ કરવાની વાત કરી ત્યારે પછી આગળથી અપાતી રકમ પાછી લઈને વેચાણ પર રૉયલ્ટીના ધોરણે પહેલી આવૃત્તિ વેચાઈ જાય એ પછી જ કૉપીરાઇટ અનુવાદક તરીકેનો મને મળે એવો દસ્તાવેજ થયો. 2002માં બહાર પડેલ ‘The Promised Hand’ની એક હજાર નકલ વેચાઈ ગયા પછી 2020માં જ્યારે મેં તપાસ કરાવી ત્યારે કાયદેસર મને મળવો જોઈએ એ લેખિત થયું નથી. અને ત્યાં તો SCO માટે ભારતની દસ ભાષાઓનાં એક એક પુસ્તક રશિયન અને મૅંડેરિન ચીનીમાં પ્રસિદ્ધ કરવાની યોજનામાં ‘વેવિશાળ’ની ગુજરાતી પુસ્તક તરીકે પસંદગી થઈ અને અંગ્રેજીમાં પણ નવી આવૃત્તિ બહાર પડતાં કૉપીરાઇટની પરિસ્થિતિ હવે ફરીથી શંકાસ્પદ રહે છે.

e.mail : ashok@meghani.com

07 ઑગસ્ટ 2021

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા યોજાયેલી વર્ચ્યુલ બેઠકમાંની રજૂઆત; શનિવાર, 07 ઑગસ્ટ 2021

વીડિયો: