સિડનીસ્થિત લેખિકા, રેડિયો સંચાલિકા આરાધના ભટ્ટ જોડે બેઠક (શનિવાર, 07 જાન્યુઆરી 2023)

મારું ઓસ્ટ્રેલિયા ….. મારું વિશ્વ

– આરાધના ભટ્ટ

નમસ્કાર વિપુલભાઈ, પંચમભાઈ, રૂપાલીબહેન અને ઉપસ્થિત સર્વે મિત્રો, આ આભાસી મંચ ઉપર આ સુંદર અવસર રચી આપવા બદલ અને એમાં મને આમંત્રિત કરવા બદલ આભાર.

ઓસ્ટ્રેલિયા એક એવો ખંડ છે જેનો પરિચય છેલ્લાં દસ-પંદર વર્ષથી અહીં આવતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને ભારતથી દેશાંતર કરીને ઓસ્ટ્રેલિયા સ્થિર થનાર વસાહતીઓને કારણે ભારતીયોને વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે. છતાં, પૂર્વભૂમિકા તરીકે કેટલીક પાયાની વિગતો પહેલાં રજૂ કરું છું.

૨૦૨૧માં થયેલી જનગણના પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ૮ લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસે છે. એ લોકોની મધ્યક વય ૩૫ વર્ષની છે, જ્યારે મૂળ ઓસ્ટ્રેલિયાના લોકોની મધ્યક વય ૩૮ વર્ષ છે. ઇટલીમાં મૂળ ધરાવતા લોકોની મધ્યક વય ૭૨ વર્ષની છે, વિયેતનામના મૂળ લોકોની ૪૭ વર્ષ છે. આમ ભારતીય મૂળના વસાહતીઓ મોટેભાગે યુવાન વયે અહીં આવીને સ્થિર થાય છે, જે પૈકી ૬૪ ટકા લોકો પાસે સ્નાતક પદવી છે. ઓસ્ટ્રેલિયાની મૂળ પ્રજા પૈકી ૨૪ ટકા લોકો સ્નાતક પદવીધારી છે. ચીનના લોકોને પાછળ મૂકીને હવે ભારતથી આવતા વસાહતીઓ સંખ્યાની દૃષ્ટિએ બીજા ક્રમાંકે છે, પહેલા સ્થાને બ્રિટનના વસાહતીઓ છે. હિંદુ ધર્મ પાળનારની સંખ્યા અહીં સૌથી વધુ ઝડપથી વધી રહી છે.

૧૯૭૩માં વ્હીટલમ સરકારે ‘વ્હાઈટ ઓસ્ટ્રેલિયા’ નીતિ દૂર કરી ત્યાર પછી ભારતીય લોકોનું દેશાંતર અહીં શરૂ થયું. પહેલાં મોટે પાયે શિક્ષકો, ઈજનેરો અને તબીબો આવ્યા અને ૧૯૯૦થી મોટી સંખ્યામાં અન્ય તજ્જ્ઞ વ્યવસાયાર્થીઓને સરકારે કાયમી નિવાસ માટે વિઝા આપવા શરૂ કર્યા. પછી વિદ્યાર્થીઓ અહીંની યુનિવર્સિટીઓમાં અભ્યાસાર્થે આવવા શરૂ થયા, જે પૈકી ઘણાનો ઉદ્દેશ અહીં સ્થિર થવાનો રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા વડા પ્રધાન જુલિયા ગીલાર્ડે ૨૦૧૨માં ભારતને શાંતિમય ઉપયોગ માટે યુરેનિયમ વેચવાના કરાર કર્યા અને ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ વર્ષમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેનાર પ્રથમ વડા પ્રધાન બન્યા. ભારતીય બજારના ગંજાવર કદથી આકર્ષાયેલી ઓસ્ટ્રેલિયાની સરકારોએ છેલ્લાં થોડાં વર્ષથી ભારત સાથે મીઠા સંબંધો ઊભા કરીને જાળવવાની ભારે જહેમત લીધી છે. સાથેસાથે અહીંનો ભારતીય ડાયસ્પોરા હવે એક નોંધપાત્ર વોટ-બેંક બની રહ્યો હોવાથી રાજકીય નેતાઓ આપણી પ્રજાને જુદીજુદી રીતે રાજી કરવા પ્રયત્નશીલ છે. ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અહીંની યુનિવર્સિટીઓને તગડી કમાણી કરાવી આપે છે. ૨૦૨૨ની સંસદીય ચૂંટણીમાં બધા રાજકીય પક્ષોના નેતાઓ મંદિર-મસ્જિદ-ગુરુદ્બરાઓની મુલાકાતે જઈ ફૂલ-હાર અને ભગવા ખેસ ઓઢીને ફોટા પડાવતા જોવા મળ્યા. તેમ છતાં અહીંના રાજકારણમાં ભારતીય મૂળના લોકોની સક્રિય ભૂમિકા હજુ સુધી નહીંવત રહી છે. મે ૨૦૨૨ની ચૂંટણીમાં ભારતીય મૂળના ૨૫ વ્યક્તિઓએ સંસદ માટે ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી એક મહિલા ઉમેદવાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની એક બેઠક પર વિજયી નીવડ્યાં.

જો કે ઓસ્ટ્રેલિયાના તંત્રમાં હજુ ભારત અને ભારતીયતા વિશેની સાચી સમજણનો અભાવ વર્તાય છે. દિવાળી, તહેવારો, મેળાઓ તેમ જ ત્રણ ક, અર્થાત્‌ ક્રિકેટ, કરી, અને કોમનવેલ્થથી આગળ અહીંનું તંત્ર વિચારતું હોય એમ જણાતું નથી. તે સિવાય ભારતના વસાહતીઓએ હવે અહીં ઠેરઠેર મંદિરો, ગુરુદ્વારા, કરિયાણાની દુકાનો, હોટેલ-રેસ્ટોરાં, ફરસાણ-મીઠાઈની દુકાનો અને કપડાંની દુકાનો તથા અનેક જાતના મંડળોની સ્થાપના કરી છે. આ છે આજનું ઓસ્ટ્રેલિયા!

હવે સમયના ચક્રને ૩૫ વર્ષ ઊંધું ઘૂમાવીએ અને જઈએ ૧૯૮૫માં. એ સમયે નવપરિણિત હું મારા પાકીટમાં ૫૦ અમેરિકી ડોલર અને એક કપડાંની બેગ લઈને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મૂકું છું, જ્યાં પતિ સિવાય હું કોઈને ઓળખતી નથી. એ એવો સમય છે જ્યારે ‘હું ઓસ્ટ્રેલિયા જાઉં છું’ એવું ભારતમાં કોઈને કહીએ તો એમને અચરજ થતું. પહેલી વખત ઓસ્ટ્રેલિયાથી ભારતની મુલાકાત લીધી હતી ત્યારે કોઈકે પૂછેલું ‘ત્યાં તમને રસ્તા પર કાંગારુ જોવા મળે?’ અને સિડનીમાં હાઈસ્કૂલમાં ભણાવતી ત્યારે એક વિદ્યાર્થીએ પૂછેલું ‘મિસ, તમે ભારતમાં હાથીએ ચડીને સ્કૂલે જતાં?’

ઓસ્ટ્રેલિયા આવતાં શરૂ થાય છે પડકારો, સંઘર્ષો અને નવું શીખવાનો નિત્યક્રમ. મુંબઈથી સિડની આવતી વખતે નોન-સ્ટોપ વિમાનમાં નોન-સ્ટોપ આવતી માંસાહારની ગંધથી મન વિચારે ચડેલું કે જ્યાં જાઉં છું એ આખા દેશમાં શું આવી ગંધ હશે? ત્યાર બાદ – અહીં આવીને કરવું શું? કોઈ નક્કર દિશા પકડાય તે પહેલાં માત્ર અનુભવ ખાતર કંઇક કામ કરવું, એ હેતુથી જે જાહેરાત દેખાય એમાં નોકરીની અરજીઓ કરવા માંડી. પોસ્ટલ ખાતાથી લઈને બેંકમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા અને લેખિત પરીક્ષાઓ આપી. એ દરમ્યાન પહેલી વખત એ જાણવા મળ્યું કે કોઈ નોકરી માટે કોઈક પાસે વધુ પડતી ડિગ્રીઓ પણ હોઈ શકે. આપણે તો ગૌરવભેર બધા પ્રમાણપત્રોની ફાઈલ લઈને ઇન્ટરવ્યુ માટે જઈએ. ક્યાંયથી નોકરીની ઓફર આવે નહીં, નાસીપાસ થઇ જવાય. એક બેંકના ઇન્ટરવ્યુના અંતે ઇન્ટરવ્યુ લેનાર એક મહિલાએ સમજાવ્યું કે અહીં બેંકની આ પ્રકારની નોકરી માટે માત્ર ૧૨ ધોરણ પાસ હોય એવા કર્મચારીઓની જરૂર છે, તમને અમે નોકરી ન આપી શકીએ કારણ કે તમારી પાસે ઘણી ડિગ્રીઓ છે અને તમને નોકરી આપીએ તો અમારે તમને ઘણો વધુ પગાર આપવો પડે!

પછી શરૂ થયો યુનિવર્સિટી ઓફ સિડનીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો એક વર્ષનો અભ્યાસ. ભારતમાં એમ.એ., એમ.ફિલની પદવીઓ, ગોલ્ડ મેડલ સાથે અધ્યાપકની નોકરી સામેથી મળેલી અને અહીં આવીને શાળાના શિક્ષક થવાના વિચારે પહેલાં તો સહેજ ખંચકાટ થયો હતો. પણ યુનિવર્સિટીના એ વર્ષ દરમ્યાન અભ્યાસક્રમના વિષયો કરતાં અહીંના સમાજ વિશે મને વધુ શીખવા મળ્યું. યુનિવર્સિટીમાં પહેલો પડકાર હતો મારા નામનો. કોઈ મને આરા-ડાના કહે, તો કોઈ આરા-ડેના, કોઈ વળી અરાડ-હાના કહીને બોલાવે. પણ ક્લાસમાં જ્યારે એક પ્રાધ્યાપિકાએ હાજરી પૂરતી વખતે પહેલા બે-ત્રણ અઠવાડિયા સુધી મારું નામ ‘એડ્રીયાના’ ઉચ્ચાર્યું ત્યારે ક્લાસમાં હું હાજર હોવા છતાં એ ત્રણ અઠવાડિયા સુધી મારી ગેરહાજરી પૂરાઈ, કારણ કે એ મારું નામ બોલે છે એની મને ખબર જ ન પડી! અહીં જીવાતા જીવનની આ પાઠશાળામાં ભણી મેં અહીંની મુખ્ય ધારાની હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષકની નોકરી સ્વીકારી. પણ મારી ભારતીયતાએ મને આ ક્ષેત્રે ઝાઝું ટકવા ન દીધી. રોજેરોજ ટીનએજર્સ સાથે કામ કરવામાં આ સમાજના કેટલાક બહુ મોટા પ્રશ્નોનો સામનો મારે કરવાનો આવ્યો, જેને માટે હું એ સમયે મારી વય અને આ સંસ્કૃતિના મારા અલ્પ પરિચયને કારણે સજ્જ નહીં હોઉં તેથી મને એનો સદમો પહોંચતો.

વળી એ દિવસો મારે માટે તીવ્ર ઘરઝૂરાપાના દિવસો હતા. મારાં મૂળિયાં નવસારી નામના નાના ગામમાં. ત્યાં મમ્મી-પપ્પા સાથે વાત કરવી હોય તો ક્યારેક બે-ત્રણ દિવસે ફોન લાગે, ઓપરેટર મારફત મુંબઈ થઈને કોલ લગાડવા પડે. અને વળી કોલ મોંઘા પણ ખરા. એટલે જે વાત કરવી હોય એ ત્રણ મિનિટમાં કરવાની.

એ સમયે અહીં ભારતીય સમુદાય ખૂબ નાનો, એમાં ય વળી આપણી ભાષા બોલનાર કોઈક મળે તો તો કોઈ અંગત સ્વજન મળ્યું એવું લાગતું. સમાજ નાનો હતો એટલે અમારે માટે બિનભારતીય સમુદાયો સાથે મૈત્રી કરવી સહજ હતી. એ રીતે અહીંના બહુભાષી અને બહુસાંસ્કૃતિક સમાજ સાથે નાતો થયો, મનોજગત વિશાળ બનતું ગયું. દેશ-દેશાવરથી આવેલાં લોકો, મૂળ ઓસ્ટ્રેલિયામાં વસતાં લોકો, એમની ભાતીગળ પરંપરાઓ, એમની સમાજ રચના અને વિચાર પદ્ધતિ વગેરેનો પરિચય ખૂબ નજીકથી, ફર્સ્ટ હેન્ડ થયો અને આપણે મનમાં રચેલ ઘણી બધી રૂઢિબદ્ધ પૂર્વધારણાઓ – સ્ટીરિયોટાઈપ સાવ બિનપાયાદાર જણાવા લાગી. શરૂઆતનાં વર્ષોમાં અહીં કોઈ ભારતીય સંસ્થાનું કે મંડળનું અસ્તિત્વ નહોતું. એથી કોઈ કાર્યક્રમનું આયોજન નહોતું થતું, સંગીત સાથેનો મારો સંબંધ એ દિવસોમાં માત્ર ઘરમાં રિયાજ કરવા જેટલો હતો. વર્ષો જતાં એ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, અને મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાનું શરૂ કર્યું, તેમ ગુજરાતી ભાષાના વર્ગો પણ શરૂ કર્યા. આજે હવે અહીં અસંખ્ય મંડળો અને સંસ્થાઓ કાર્યરત છે અને ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષાના વર્ગો પણ ચાલે છે.

સંતાનોના જન્મ અને ઉછેરનાં વર્ષોની વાત કરું. વૃક્ષની શાખાઓ વિસ્તરે એમ એનાં મૂળ જમીનમાં સજજડ થાય એ ન્યાયે એ સમયગાળામાં મને અહીંનું વાતાવરણ પોતીકું લાગવા માંડ્યું. સંતાનોના વિકાસ માટે બંને ભાષાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય, એમને બંને સંસ્કૃતિઓનાં ઉત્તમ તત્ત્વોનો પરિચય કેવી રીતે થાય એ બધા માટે સજાગપણે વિચાર કરવો જરૂરી બન્યો. એ દરમ્યાન શિક્ષકનો વ્યવસાય બાજુએ મૂકાયો અને પતિના તબિબી વ્યવસાયમાં મેનેજમેન્ટનું કામ સ્વીકાર્યું. એમાં આજ પર્યંત હું સક્રિય છું, અલબત્ત, હવે ખંડ સમયના કર્મચારી તરીકે.

પછી જીવન મને લઇ ગયું રેડિયો તરફ અને છેલ્લાં ૨૫ વર્ષ રેડિયો મારા વિચારોનું અને કાર્યોનું કેન્દ્રબિંદુ રહ્યો. પહેલાં દસ વર્ષ અહીંની સરકારી પ્રસારણ સેવા ઉપર પાર્ટ-ટાઈમ કામ કર્યા પછી સ્વતંત્રપણે ગુજરાતી રેડિયો સેવા શરૂ કરવાની હામ ભીડી એનું મુખ્ય કારણ એ હતું કે ઓસ્ટ્રેલિયાના ગુજરાતીભાષી સમુદાયને એમની ભાષા અને સંસ્કારિતા સાથે સાંકળી આપતી અન્ય કોઈ પ્રસારણ સેવા કે એવી કોઈ કડી નજરે પડતી ન હતી. ‘સૂર-સંવાદ ગુજરાતી રેડિયો’ના નામથી ચાલતી એ સેવાનો એક હેતુ એ પણ હતો કે વાંચન વિમુખ થઇ રહેલી એન.આર.આઈ. ગુજરાતીઓની પહેલી પેઢીને અને ગુજરાતી ભાષાના લેખન-વાંચન સુધી નહીં પહોંચતી એ ગુજરાતીઓનાં અહીં જન્મતાં સંતાનોની પેઢીને શ્રાવ્ય સ્વરૂપે ગુજરાતી પીરસવું. રેડિયોનું જીવંત પ્રસારણ સિડનીના એફ.એમ. બેન્ડ દ્વારા અને એનું પોડકાસ્ટ રેડિયોની વેબસાઈટ દ્વારા થતું હોઈ શ્રોતાવર્ગ વૈશ્વિક બન્યો અને દેશ-વિદેશથી પ્રતિભાવો આવવા લાગ્યા. રેડિયોની આ યાત્રામાં કેટલાંક હોંશિલાં અને કટિબદ્ધ યુવાનો અને યુવતીઓ જોડાયાં અને અમારો પંચ-છ પ્રસારણકર્મીઓનો મજાનો પરિવાર રચાઈ ગયો. રેડિયોના મારા પ્રસારણ દ્વારા હું પોતે એક જુદી રીતે દેશ સાથે અને ભાષા સાથે સંકળાઈ ગઈ. ગુજરાતના અને ભારતના સામાજિક તેમ જ સાહિત્ય-સંગીત-કલાઓને લગતા સાંપ્રત પ્રવાહો સાથે મારું જોડાણ થયું અને એમાં ટેકનોલોજીએ ખૂબ મોટો ફાળો આપ્યો. ટેલીફોન માર્ગે અને સોશિયલ મીડિયા દ્વારા અનેક એવાં વ્યક્ત્તિત્વો સાથે સંપર્કમાં આવવાનું થયું અને રેડિયો માટે વાર્તાલાપો થવા માંડ્યા, જેમનાથી હું પ્રભાવિત અને પ્રેરિત થઇ. સાથે જ વાંચન, લેખન અને સર્જનાત્મકતાને વેગ મળ્યો. આ સમય અંગતપણે મારે માટે સેલ્ફ-ડીસ્કવરીનો સમય બન્યો, એ મારે માટે રેડિયોની સૌથી મોટી અંગત ઉપલબ્ધિ છે.

રેડિયોએ મને લેખન તરફ વાળી અને મારી મુલાકાતો અને એ ઉપરાંત મારા લેખો નિયમિતપણે ભારતીય વિદ્યાભવન પ્રકાશિત સામયિક ‘નવનીત-સમર્પણ’માં પ્રકાશિત થતા આવ્યા છે. રેડિયો પર થયેલી મુલાકાતોને મુદ્રિત સ્વરૂપે સંચયિત કરીને આપણા સંસ્કારજગતનાં નામાંકિત વ્યક્તિઓનો એક દસ્તાવેજ રચવાના હેતુથી મુલાકાતોનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં, જે પૈકી પહેલાં ત્રણ પુસ્તકો નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત છે અને ચોથું પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યું. આ ચાર પુસ્તકો એટલે ‘સુરીલા સંવાદ : નામાંકિત ગુજરાતીઓ સાથેના વાર્તાલાપો’ ભાગ ૧,૨,૩ અને એ સિવાય ‘પ્રવાસિની : દેશાંતરિત નારીઓ સાથેના સંવાદો’. ડાયસ્પોરા સાહિત્યનું પુસ્તક ‘પ્રવાસિની’ એ ગુજરાતી મૂળની દુનિયાના જુદેજુદે ખૂણે વસતી નારીઓએ દેશાંતર વિશે આપેલા પ્રતિભાવોનો આલેખ છે. આ પુસ્તક પર કામ કરતાં કરતાં મારી અંદર વણખેડાયેલા કેટલાક પ્રદેશો મેં ખેડ્યા અને એ રીતે હું અંગતપણે વધુ સજ્જ અને સમૃદ્ધ બની એમ કહી શકું.

સૂર-સંવાદ રેડિયોને પંદર વર્ષનાં વહાણાં જોતજોતામાં વાયાં એ દરમ્યાન રેડિયોના પ્લેટફોર્મ થકી સિડનીમાં ગુજરાતી કાવ્ય સંગીત, ગુજરાતી નાટ્યપ્રયોગો અને નૃત્યના કાર્યક્રમોનાં આયોજનો થયાં, જેમાં ભારતથી આમંત્રિત કલાકારો અને સાહિત્યકારો તેમ જ સ્થાનિક કલાકારોને અહીંના સમુદાય સમક્ષ રજૂ કરવાની તકો પણ આવી.

રેડિયોની પંદર વર્ષની આવી સભર અવિરામ યાત્રા પછી સૂર સંવાદ રેડિયો હાલ વિરામ લઇ રહ્યો છે. કોઈક નવા સ્વરૂપે, કોઈક નવા નામે અને સરનામે ફરી કાર્યરત થવું એવા ખ્યાલમાં હાલ સ્થિર છું.

૩૫ વર્ષના ઓસ્ટ્રેલિયા નિવાસ દરમ્યાન વારંવાર identity – ઓળખ અને loyalty – વફાદારી વિશે પ્રશ્નો પૂછયા છે. જાત સાથે એ વિષયમાં પ્રશ્નોત્તરી કરીને અંતરખોજ કરી છે. એ બધાને અંતે જે નવનીત નીપજ્યું છે તે આ છે – ન ઘરના અને ન ઘાટના હોવાનો ભાવ કદી નથી થતો, કારણ કે મૂળિયાં ખૂબ સજ્જડ છે. ભારત મારે માટે ભૂગોળના નકશામાં કેદ એક જમીનનો ટૂકડો નહીં, પણ એક આદર્શ છે. જે ભારત માટે મને વતન ઝૂરાપો છે, એ સ્વરૂપે ભારત કદાચ મારા અંતરમાં વધુ છે એવું ભારતની વારંવાર થતી મુલાકાતો પરથી જણાય છે. એટલે ‘મારું ઘર કયું’? એવો પ્રશ્ન થાય ત્યારે મારો જવાબ આ હોય છે – ‘મારું ઘર મારી અંદર છે, જ્યાં જાઉં ત્યાં હું મારું ઘર વસાવી દઉં છું’.

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના “હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ” અંતર્ગત, શનિવાર, 07 જાન્યુઆરી 2023ના દિવસે વર્ચ્યુઅલ બેઠકમાં અપાયેલો વાર્તાલાપ]

e.mail : aradhanabhatt@yahoo.com.au

વીડિયો: