“અમે તો પંખી પારાવારનાં“– જાહેર લોકાર્પણ સમારંભ (શનિવાર, 19 ફેબ્રુઆરી 2022)

અમે તો પંખી પારાવારનાં : નાગરિક અભિજ્ઞતા

– પ્રકાશ ન. શાહ

“ઓપિનિયન” − “નિરીક્ષક”માં પ્રકાશિત, દાઉદભાઈ ઘાંચીના લેખોના સંપાદિત સંચય ‘અમે તો પંખી પારાવારનાં’ના, 19 ફેબ્રુઆરી 2022ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, થયેલા લોકાર્પણ પ્રસંગે અપાયેલું વક્તવ્ય

દાઉદભાઈ વિશે શું વાત કરવી? આ પુસ્તક નિમિત્તે અને અન્યથા પણ. આપણે બધા એમના એટલા ઓશિંગણ છીએ અને એક લાંબા પથ પર આપણને એમનું એક અજવાળું મળતું રહ્યું છે અને સદ્ભાગ્યે અજવાળું એવું છે કે sound, light put together કારણ કે બુલંદ અવાજ છે અને વિચારની બુલંદી છે. આમ, આ રીતે શરૂઆત કરાય કે નહીં તે હું જાણતો નથી. પણ એકવાર અસગરઅલી એન્જિનિયરે સૈયદ શાહબુદ્દીન વિશે પ્રશ્ન કર્યો હતો, કે તમે ‘મુસ્લિમ ઇન્ડિયન’ છો કે ‘ઇન્ડિયન મુસ્લિમ’ છો? અને પછી કહ્યું, “હું ઇચ્છું કે તમે ઇન્ડિયન મુસ્લિમ હો.” દાઉદભાઈ આ બધા સવાલની બહાર છે, કારણ કે એક નાગરિક તરીકેનું એમનું વ્યક્તિત્વ જે રીતે વિકસ્યું છે એ રીતે એ આ છેડે કે પેલે છેડે કોઈ પણ કુંડાળું કે કોઈ પણ પ્રકારનું exclusion, એમાં તે જઈ શકે નહીં. એમની એ એક મોટી વિશેષતા છે. ખરું પૂછો તો આ સહજ છે, અને એમને માટે આપણે આવો જુદો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરવો પણ પસંદ ન કરીએ. પણ જે દોરમાંથી, જે દિવસોમાંથી, આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં this needs to be stressed એમ મને લાગે છે.

આ અંગ્રેજી વાકય આવ્યું પછી હું ગભરાયો કે દાઉદભાઈ હોય અને આપણે અંગ્રેજીમાં લગાવવું અને પાછા ઇંગ્લૅન્ડ-અમેરિકાના શ્રોતા હોય! આની સાથે મારે બીજી એક વાત કહેવી છે. હમણાં આપણી અકાદમીએ ત્રણ પુસ્તકો પ્રગટ કર્યા, એ દરેકે દરેક પોતાની રીતે એકદમ નોંધપાત્ર છે. ઘનશ્યામભાઈ પટેલનું પુસ્તક, ડાહ્યાભાઈ મિસ્ત્રીનું પુસ્તક અને દાઉદભાઈનું પુસ્તક. તમે જુઓ કે ડાહ્યાભાઈના પુસ્તકનું જે સંપાદન કર્યું, ‘એક ગુજરાતી દેશ અનેક’, દાઉદભાઈમાં તો એવો ખુલાસો કરવો જ નથી પડતો. એ એક એવા ગુજરાતી છે કે જે વિશ્વ ગુજરાતીની જેમ દેખાય. અને ઘનશ્યામભાઈ જેવા પટેલ. (આજના ગુજરાતમાં પટેલ હોવું એ પણ અગત્યનું છે) અને એમણે જે ‘ઘડતર અને ચણતર’ની વાત કરી અને જે રીતે આપણે એમને વિકસતા જોયા, મને યાદ છે કે નારાયણભાઈ કહેતા હતા કે મેં ગાંધીચરિત્ર લખ્યું એને આટલું ધ્યાનથી વાંચનારા મને પહેલા મળ્યા. જો કે રચાતું’તું અને દક્ષાબહેન પટણી વાંચતાં હતાં પણ પુસ્તક રૂપે બહાર આવ્યું અને કોઈએ આટલું બધું ધ્યાનથી વાંચ્યું હોય તો એ કેવળ અને કેવળ ઘનશ્યામભાઈ હતા.

આ ત્રણ પુસ્તકો હવે ગુજરાતમાં એની રીતસર નોંધ લેવી પડે એવા થયાં છે. એટલે કે ગુજરાત બહારથી આવ્યા, અકાદમીએ કર્યા કે હવે એને આશ્વાસન ઇનામ આપો એ પ્રકારનાં આ પુસ્તકો નથી. અને જે આપણી લંડનની અકાદમી એણે જે પહેલેથી એક વસ્તુ સ્પષ્ટ કરી છે કે અમે ગુજરાતી માત્રની સંસ્થા છીએ, કોઈ એક દેશના ગુજરાતીઓ માટેની સંસ્થા નથી. બક્ષીએ લખેલું, મૌલિક સાવ નહીં હોય, ઇંગ્લૅંડના કોઈ ગામમાં ગયા ત્યાં ભારતના મુસ્લિમો અને પાકિસ્તાનના મુસ્લિમો એ બન્નેની જુદી મસ્જિદ હતી. હોય તેમ માનું છું. કહેવાનો મતલબ કે એક વિશ્વ ગુજરાતી અભિગમ ઘનશ્યામભાઈમાં અલગ રીતે આવ્યો, ગુજરાત, આફ્રિકા અને લંડન. વિપુલભાઈમાં અલગ રીતે આવ્યો, જે માણસે પોતાના આફ્રિકી મુલકમાં સ્વાહિલીમાં સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો હોય, એ મુંબઈમાં ઉછર્યો હોય, આફ્રિકામાં ઉછર્યો હોય અને આજે વિલાયતવાસી હોય. અને વિલાયતવાસી હોવું એટલે શું, દાઉદભાઈ કહેશે કે, “ઘણી ખમ્મા, લંડન તને, તારી વિલાયતને.” આ એક અસામાન્ય ઉદ્ગાર છે અને આખી વાતને આ એક જ વાક્યમાં જે પકડી એ તો દાઉદભાઈની જ એક સિદ્ધિ છે, એમનું જ કૌશલ છે અને દૃષ્ટિ છે એમ કહેવું જોઈએ. મને દાઉદભાઈને મળવાનું મોડેથી થયું, પણ નારાયણભાઈ દેસાઈના મુખે એમની વાત સાંભળી હતી. એ મોડાસામાં રમખાણો વખતે concern citizen. દાઉદભાઈએ જે ચિંતા કરી હતી ભારતીય નાગરિક તરીકે અને જે જવાબદારીનો ખ્યાલ, એ નારાયણભાઈને બહુ સ્પર્શી ગયો હતો. અને દાઉદભાઈનું જે આખું વિશ્વદર્શન, મેં બે કે ત્રણ વાર એમને સાંભળ્યા એ જે વિશ્વદર્શન છે તે આ સંકલિત લેખોમાં પણ દેખાય છે. સંકલિત-સંપાદિત લેખોમાં પણ એ એક ન્યાયી દુનિયાનું છે, નવી દુનિયાનું છે અને જ્યાં ઊભા છીએ ત્યાં સાંકડામાં સમાવાનું નથી એટલે કે દિલ સાંકડા કરવાનું નથી, ચિત્ત સાંકડું કરવાનું નથી. જગ્યા સાંકડી હોઈ શકે પણ એક વ્યાપકતા એટલે કે ઉપનિષદ પરંપરામાં કહીએ કે ભૂમાથી મોટું કોઈ સુખ નથી એ તમને આમાંથી પસાર થતાં પણ દેખાશે.

હું તમને એક જુદી જ વાત કહું, મેં નારાયણ દેસાઈનો ઉલ્લેખ કર્યો. એટલે નારાયણભાઈ જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ એટલે કે ચાન્સેલર થયા એ વખતે એમણે પોતે કેમ આ સ્વીકારે છે અને શું ઇચ્છે છે એની એક વાત કરી હતી અને ગુજરાતભરમાં ખરું જોતાં ઘણી જગ્યાએ વંચાઈ હશે, વિદ્યાપીઠમાં તો ખરું જ, નાની સંસ્થાઓમાં ખરી, સર્વોદયના મિત્રો-પરિચિતોમાં ખરી બધામાં, પણ આ આખી વાત પકડી, એને આત્મસાત કરી, હસ્તામલકવત્‌ મૂકી આપવાનું કામ અને એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં આગળ કરવાનું કામ એ ગુજરાતમાં કદાચ એક માત્ર દાઉદભાઈએ કર્યું એવી મારી છાપ છે અને નારાયણભાઈના એ પછી, કુલપતિ રહ્યા ત્યાં સુધી જે વ્યાખ્યાનો થયાં, અલગ અલગ વખતે જે જુદા જુદા વિષયો લેતા હતા એ બધાનો એક જાણે બંધાયો હોય એવી એક મારી લાગણી હતી તે અત્યારે હું નિવેદિત કરું છું.

બીજું એક મારે એ કહેવું જોઈએ કે દાઉદભાઈને આપણે ગુજરાતના જાહેરજીવનમાં તો એમનાં વકતવ્યોથી ઓળખ્યા પણ ઘડતરમાં તો આપણું મોડાસા કૅમ્પસ – ઉમાશંકરે જેને વ્હાલમાં આપણું ઑક્સફર્ડ કહ્યું હતું. એ કવિ હતા એટલે વહાલ તો ઊભરાય, પણ ઉમાશંકર પાછા જરા ઝીણું પણ જોનારા, એટલે એમણે કહ્યું અને સાધારણ રીતે આપણે ધીરુભાઈ ઠાકરને યાદ કરીએ તે બરાબર જ છે પણ મોડાસા કૅમ્પસ, એનો જે સ્પિરિટ બંધાયો એમાં ઘણા અર્થમાં મને એમ લાગે છે એ વખતના મિત્રો પાસે સાંભળ્યું હોય, ભૂપેશ અધ્વર્યુ બહુ વહેલો ગયો, આ બધા પાસે, તો મોડાસાની જે હવા બંધાઈ એમાં દાઉદભાઈનો હિસ્સોએ ધીરુભાઈની સાથે બરોબરીનો, ખભેખભા અને દિલોદિલનો હતો એ આપણે ઇતિહાસવસ્તુ તરીકે નોંધવું જોઈએ. પછી દાઉદભાઈની સેવા યુનિવર્સિટીને પણ મળી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને. ત્યાં પણ એક પ્રણાલિકા કાયમ થઈ, કુલીનચંદ્ર યાજ્ઞિકે એક પ્રણાલિકા શરૂ કરી હતી એમાં દાઉદભાઈના પ્રવેશ સાથે એક વિશેષ ઉષ્મા આવી અને જે પાયો નંખાયો હતો એનામાં એક નવો નિખાર અને નવું સિંચન આવ્યાં, એ આપણે નોંધવું જોઈએ. એટલે આમ તો સહેલામાં સહેલું વાક્ય એ છે કે ગુજરાતમાં જ છોકરાઓની કેટલી પેઢી એમની ચોપડી વાંચી અંગ્રેજી શીખી હશે.

પણ આ લખાણોમાં એમનો જે અભ્યાસ પ્રગટ થાય છે એ એક વસ્તુ બતાવે છે કે એમની શિક્ષાદીક્ષા અંગ્રેજીભાષા સાહિત્યની હશે એથી ઓછી સમાજવિદ્યાની નથી, એ એમણે આત્મસાત કરી છે. અર્થશાસ્ત્રના સ્નાતક એ તો એક વિગત થઈ પણ એમણે જે સમાજપ્રવાહો છે એને એક અંદર ક્યાંક ખેંચાતા અને ક્યાંક બહાર રહીને એમ બે રીતે જોયા છે એ જાણે કે એક પ્રકારની કોઈ શાસ્ત્રીય દૃષ્ટિ પણ એમણે કેળવેલી છે અને સાથે એક ઇન્‌સાઇડર અને આઉટસાઇડર બન્ને છે એવી પણ એક છાપ આમાંથી આવે છે. મેં કોઈ પણ એક આમાંનો લેખ એ અલગ કરીને તારવ્યો નથી અત્યારે, હું મારી એક જે સામાન્ય છાપ છે, સ્વાભાવિક છાપ એ અત્યારે મૂકું છું અને થોડુંક વધારે ચર્ચાશે, ગુજરાતમાં આમે ય પુસ્તકોની ચર્ચા જોઈએ એવી થતી નથી, એક કાળે ‘ગ્રંથ’ હતું, અમુક સમયે યશવંત દોશીના ‘ગ્રંથ’ પછી અમુક સમયે રમણ સોની ‘પ્રત્યક્ષ’ લઈને આવ્યા પણ જોઈએ એટલી ચર્ચા થતી નથી, અને જેવી જોઈએ તેવી થતી નથી. છતાં હું આશા રાખું છું કે અકાદમીના હમણાંનાં પ્રકાશનો અને ખાસ તો અત્યારે જેની વાત આપણે કરી, ‘અમે તો પંખી પારાવારનાં’ એની કોઈ ચર્ચા થશે. આમાં એક અભિજ્ઞતા છે, કેતને [સંપાદકીયમાં] મુકામ નાગરિકતા કહી, આ ‘મુકામ નાગરિકતા’ એ પ્રકારાંતે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ પાસે જે એક રાજકીય અભિજ્ઞતાનું પરિમાણ જોઈએ એનો નિર્દેશ કરે છે. નાગરિક શબ્દ દેખીતો, આમ બહુ નિર્દોષ છે પણ રાજકીય અભિજ્ઞતા એનું અનિવાર્ય એક અંગ છે અને એ રીતે હું જોઉં તો આપણે ગુજરાતી વાચકો, હમણાં જ મેં ભુજના જ્ઞાનસત્રમાં કહ્યું હતું, તદ્દન દાખલા તરીકે અને ઑફહૅન્ડ કે કોઈ મોટો સર્વે કરીએ એમ નહીં પણ સામાન્ય છાપ તરીકે – છેલ્લાં દસ-બાર વર્ષમાં આપણે ત્યાં રાજકીય અભિજ્ઞતાવાળી બે કિતાબ આવી. પણ હું જે કહેતો હતો તે ઉમાશંકરની વિચારયાત્રા, એક સાહિત્યકારના શતાબ્દી ગ્રંથમાં રાજકીય અભિજ્ઞતાનો મુદ્દો કરીને ચાલી અને એ જ રીતે હિમાંશીબહેનનો વાર્તાસંગ્રહ ૨૦૧૮માં જે આવ્યો, ‘ધારો કે આ વાર્તા ન હોય’ એ એક રીતે તમારા પ્રકાશનો જોઈએ – હમણાંના ત્રણ. એમાં પણ ખાસ કરીને ડાહ્યાભાઈ અને દાઉદભાઈના, તો એમાં એક રાજકીય અભિજ્ઞતા છે અને એ અસાધારણ વસ્તુ છે અને તળ ગુજરાતે એ એક શીખવા જેવી વાત છે એવું મને લાગે છે. અત્યારે આશ્વાસન લાયક કૃતિઓ ડાયસ્પોરાની જે હશે તે હશે, આશ્વાસન ઇનામને લાયક, પણ આ કૃતિઓ એ ચર્ચાની બહાર નીકળી ગઈ છે, આ પુસ્તકો એની બહાર નીકળી ગયા છે. સૌને માટે વિચારસામગ્રી અને એક નાગરિકતાના વ્યાપક સંદર્ભમાં જેમ ઉમાશંકર કહેતા હતા કે પોલિટિક્સ પોલિટિક્સ શું કરો છો, હું જે વાત કરું છું તે ‘પબ્લિક અફેર્સ’ની કરું છું, પણ એ જે રાજકીય અભિજ્ઞતા એ ઉમાશંકરનો એક નાગરિક સ્વાંગ હતો, પણ હતી તો રાજકીય અભિજ્ઞતા. એ રાજકીય અભિજ્ઞતા તમને આમાં દેખાય છે અને એવું માનું છું કે આપણી ચર્ચામાં આજે નહીં તો કાલે પણ એ વસ્તુને લેવી પડશે, નોંધમાં – રીતસરની ચર્ચામાં.

આપણે ત્યાં ચર્ચાઓ નથી થતી એ સંજોગોમાં આને કેવી રીતે મૂકી શકાય પણ હું માનું છું કે આપણે આજે જે વાતની શરૂઆત કરી છે એનાથી આપણે દાઉદભાઈનું જે જીવનકાર્ય, જે લેખનમાં પ્રગટ થયું અને એમના બુલંદ વકતવ્યોમાં થતું હોય છે, એ કોઈ વાર We shall overcomeના સ્પિરિટમાં વાત કરે, પછી ટાગોર યાદ કરે, બધું આમ આખું આપણી સામે હવે આવ્યું છે લેખિત રૂપે. પહેલા એમના વિશેના સ્મરણોનો આખો એક ગ્રંથ થયો, હવે આ થયો અને આપણી વચ્ચે દાઉદભાઈ હજુ છે અને તમે સમયમર્યાદા ના આપો તો એમને વાંધો નથી.

[દાઉદભાઈ] ૯૪-૯૫ વર્ષના. ૧૯૨૭માં જન્મેલા એટલે એમણે ’૪૭ના પહેલાં એક આખી વીસી વટાવી છે. એટલે વીસે વાન પ્રાપ્ત કરેલું છે. અને સોળે સાન આવ્યું હોય કે ના આવ્યું હોય પણ સાન મળે એ પ્રકારે સ્વરાજ પછીનો પણ એક ઘડતર કાળ છે. એટલે સ્વરાજસંઘર્ષ સંગ્રામ અને સ્વરાજ નિર્માણ એ બન્નેના જે ગત્યંતર-સ્થિતયંતર અને એક સંવેદનશીલ સ્વાધ્યાયપુત માણસને એના મળતા પ્રતિભાવો, જાગતા પ્રત્યાઘાતો આ બધું એ થઈને આપણે આજે આ અભિજ્ઞતાવાળા ગ્રંથની પાસે પહોંચ્યા છીએ, જે આખો ગાળો એમાં નિમિત્ત બનાવામાં જેમ વ્યક્તિગત સંસ્થાગત રીતે અકાદમીના ફેલો તરીકે મને એક વિશેષ આનંદ થાય છે. મારો આનંદ અને દાઉદભાઈ પ્રત્યે એક ઋષિઋણ ઉતારવામાં આપણે સામેલ થઈ શક્યા એવી મારી લાગણી પ્રગટ કરી અને આ પારાવારના પંખીને – એ તો પિંજરમાં હોય જ નહીં – પણ ઊડતું મૂકું છું. ધન્યવાદ.

લિપિયાંતર : મૈત્રી શાહ-કાપડિયા

અમે તો પંખી પારાવારનાં : લેખક – દાઉદભાઈ ઘાંચી, સંપાદક – કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી 2022, પાકું પૂઠું, સાઈઝ : 5.75” x 8.75”, પૃ. 256 , રૂ.400 • £ 5, $ 7.5

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 13-14

 

* * *

અત્યારના સંજોગોમાં વિશ્વકુટુંબ તરીકે વિકસવાનો આપણો સંકલ્પ

-દાઉદભાઈ ઘાંચી

‘ઓપિનિયન’−‘નિરીક્ષક’માં પ્રકાશિત, દાઉદભાઈ ઘાંચીના લેખોના સંપાદિત સંચય ‘અમે તો પંખી પારાવારનાં’ના, 19 ફેબ્રુઆરી 2022ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, થયેલા લોકાર્પણ પ્રસંગે પુસ્તકના લેખકે આપેલું પ્રતિભાવ વક્તવ્ય

‘અમે તો પંખી પારાવારનાં’, પંખીનું જીવન એક મુક્ત જીવન, એક આનંદનું જીવન, એવું જીવન કે જે અન્યને પ્રાસાદિક અનુભવ કરાવે. અન્યને સમજવા માટે કોશિશ કરે, એને સ્વીકારે … એવું જીવન એ પંખીનું પારાવારનું જીવન મેં ગણ્યું છે.

મને ઇંગ્લેન્ડમાં મુલાકાત માટે – ખાસ કરીને ‘ઇંગ્લૅન્ડ, ૯૦ના દાયકાથી અત્યાર’ સુધી વારંવાર પ્રસંગો પ્રાપ્ત થયા છે. અને એ મુલાકાતોમાં ત્યાંની ‘ગુજરાતી લિટરરી અકાદમી’ કે યોર્કશાયરના કવિઓનું ફોરમ કે સંગઠનો અને એમની પ્રવૃત્તિઓનો મને લાભ મળતો રહ્યો છે. એને કારણે મને લોકોનું જીવન જોવા અને સમજવા માટેની તક મળી છે. આમ તો એક ઊંડા અહોભાવથી કેટલીક મુલાકાતો થતી. એની આભા હંમેશાં રહેતી અને ત્યાં બધું જ, સારી, ઉદાર, તપોબળ (સમી) સુંદર વ્યવસ્થા, ત્યાંના નાગરિકોનાં સંગઠનો, યુવકોનાં સંગઠનો, લાઇબ્રેરી, મ્યુઝિયમ, થિયેટર અને સાંસ્કૃતિક કેન્દ્રો – એ બધાનાં પરિચયમાં આવવાના કારણે એક ઉદાર વર્લ્ડ વ્યૂ, દૃષ્ટિબિંદુ કેળવવાની તક મળી. એ દૃષ્ટિબિંદુથી ત્યાંના લોકોનું જીવન જોવાનો મેં મારી દરેક મુલાકાત વખતે પ્રયત્ન કર્યો છે. એમાં વસવાટીઓના, મારા સાથીઓ એવા ડાયસ્પોરાના આપણા નગરજનો, એમના પરિવારો, એમના વ્યવસાયો, ત્યાંના રાજકારણની અંદર, સ્થાનિક સમાજની વ્યવસ્થાની અંદર નેતૃત્વનો અસરકારક ભાગ ભજવાયો …. એ બધું જોવાનો અને જોઈને તેના પર ચિંતન કરવાનો મેં હંમેશાં પ્રયત્ન કર્યો છે.

ત્યાં જઈને વસેલા આપણા ગુર્જરજનોએ એમની વિશિષ્ટ ગુજરાતીતાને ત્યાં આગળ પ્રતિબિંબિત કરવા અને ત્યાંના જીવનમાં એના અંશો પરોવવા માટેનો પ્રયત્ન કરવા માટે હંમેશાં ઉદ્યોતપણે તૈયાર હોય તેવું મને જોવા મળ્યું છે. અને પરિણામે ઇંગ્લૅન્ડના, યુનાઇટેડ કિંગ્ડમના સ્થાનિક લોકો પણ ખૂબ આભાર સાથે આપણા ત્યાંના ડાયસ્પોરા ગુજરાતી નાગરિકોને કારણે ત્યાંનું જીવન કેટલું ધન્ય બન્યું છે, તેના અનુભવો વર્ણવતા જોવા મળ્યા છે. એની સામે આપણા સ્થાનિક લોકો, તળ ગુજરાતના લોકો, ખાસ કરીને, જ્યારથી એ ઇંગ્લૅન્ડમાં, યુનાઇટેડ કિંગ્ડમના જુદા ભાગોની અંદર સ્થિર થવા લાગ્યા, ત્યાં આગળ સ્થાયી થયા, પોતાના કુટુંબને ઉછેર્યા, એની શિક્ષણ વ્યવસ્થામાં બને તેટલો લાભ પોતાનાં સંતાનોને મળે એ માટે જરૂરી વ્યવસ્થા કરી. ત્યાંની જાહેર સંસ્થાઓની અંદર કામકાજ કરવા માટેની તકો, નીતિ અને રીતિ પ્રમાણે ઇમાનદારીથી એ તકોનો લાભ સ્થાનિક સમાજને આપ્યો, એ બધું જોવાનું બન્યું. એ જ જોયા ઉપરથી હું એમ કહે રાખું કે તળ ગુજરાતમાંથી ગયા હોય, સુરત જિલ્લાના, ભરૂચ જિલ્લાના લોકો દાખલા તરીકે, એવા સમયે જતા હોય કે જ્યારે મિલકામદાર તરીકે તેમને કામ કરવું પડતું હોય, ઔપચારિક શિક્ષણની એમની પાસે પૂરતી સુવિધા કે સજ્જતા નહોતી, એવા સમયે એ પોતે ત્યાં ‘આઇસબ્રેકર’ તરીકેનો રોલ ભજવ્યો અને સમાજની અંદર મૂળ નાખ્યાં, એ એમની બહુ મોટી સિદ્ધિ રહી.

ગુજરાતી ભાષી ભાઈઓ-બહેનો અહીંથી ત્યાં આગળ ગયાં, એની સાથે તળ ગુજરાતની ગુજરાતી ભાષા લઈ ગયા અને એ ભાષાને પોતાનો અંગત અનુભવ અને અંગત લાગણીઓને વણી લઈ અને આંગ્લ પ્રદેશના પ્રભાવવાળી, અસરવાળી ગુજરાતી ભાષામાં જે લેખનો આપ્યા, કાવ્યો આપ્યાં, વાર્તાઓ આપી, નવલકથાઓ આપી, ભાષાંતરો આપ્યાં અને એમણે એમનું કર્તવ્ય ત્યાં આગળ બજાવ્યું. આ કર્તવ્ય બજાવતાં બજાવતાં એમને ત્યાં આગળ મુશ્કેલીઓ પડી, દેશના પોતાના પરિવારજનો, સગાં-સંબંધીઓ એ બધાના માટે એક ઝુરાપાની લાગણી અને એ લાગણીની વેદના પણ એમણે અનુભવી, અને એને એમણે પોતાનાં લખાણો દ્વારા વાચા આપી. અને તે બંને પરિણામે, ઇંગ્લૅન્ડ અને ગુજરાત અને ભારત, એમનું એક પ્રકારનું કૉમનવેલ્થ રચાયું. એટલે કે એવી એક સમાજરચના ઊભી થઈ, જેના સભ્યો વચ્ચે એમના હેતુઓ, ઉદ્દેશ્યો અને કામગીરીનું સાયુજ્ય હતું, સંકલન હતું અને એ બંનેની વચ્ચે ઘણી બધી મિલનની તકો હતી મિશ્રણ કરવાની અને એક જાતનું નવું સ્વરૂપ ઊભું કરવાની, એમને એવી મંછા રહેતી અને એવું એ કરી શક્યા.

આ મેં ત્યાં આગળ, એ સંસ્થાઓના સંપર્કમાં આવી, ત્યાંની વ્યક્તિઓના સંપર્કમાં આવીને જોયું. અને પછી એમની અપેક્ષાઓ અને એમની આકાંક્ષાઓ અને એમનાં સ્વપ્નો સાકાર કરવા માટે જે રીતે તેઓ ત્યાંના જીવનમાં પરોવાયા અને ત્યાંના પ્રકારની અર્થવ્યવસ્થા, ત્યાંના પ્રકારનો કામદાર માણસ, ત્યાંના પ્રકારના ફાયનાન્સિયલ ધિરાણની વ્યવસ્થા કરનારો વ્યવસ્થાપક, ત્યાંના પ્રકારનો ઉદ્યોગધંધાનો સાહસિક એન્ટરપ્રિન્યોર … આ બધાં વિવિધ પ્રકારનાં કર્મો કરવાને માટે એમણે એ આખી કામગીરીમાં પોતાની જાતને જોતરી. અને બહુ સુંદર નમૂના એમણે સફળ વેપારીઓના, સફળ ઉદ્યોગપતિઓના, સફળ મૅનેજમેન્ટ કરનારાઓના અને એની સાથે સાથે સફળ એક બીજાને મદદ કરનારા એવા દાનવીરો, એવા મદદગારો તરીકે ઉભરી આવ્યા સાથે કામગીરીની જવાબદારી ઉપાડનારા એ વર્ગો અને આપણે ગુજરાતના લોકો, ત્યાં જે સ્વીકાર પામ્યા અને એને પરિણામે ત્યાંની સ્થાનિક સંસ્કૃતિમાં હળ્યા-મળ્યા-ભળ્યા એણે એક બહુ સારી છાપ પાડી, એક ઇમેજ ઊભી કરી કે આ પ્રજા આપણે માટે આશીર્વાદરૂપ પ્રજા છે. (એમને) આપણી પ્રતિસ્પર્ધી ન ગણતા આપણા સહકાર્યકરો, સહાયકો, મિત્રો ગણીશું અને એને કારણે શક્તિઓ અને એને એ જે ક્ષમતાઓ લઈને આવેલા છે એનું સીધું આરોપણ, એની સીધી રોપણી ત્યાંની સાંસ્કૃતિક ભૂમિકાની અંદર થશે (એમ માનતા થયા) અને એ થઈ શક્યું. મને આ જ્યારે જોવા મળ્યું, ધીરે ધીરે વ્યાપક રીતે જોવા મળ્યું ત્યારે મને મારા મનથી, એક શિક્ષક અને અધ્યાપક તરીકે એવી પ્રતીતિ થઈ કે મારો સમાજ, એક પરિવાર તરીકે, કુટુંબ તરીકે સમાનતાના ધોરણે આપેલા સિદ્ધાંત ઉપર સહયોગની માંડણી કરીને એક સારો સુખી સંપન્ન સમાજ બની શકશે. અને એ ત્યાંના સ્થાનિક સમાજ સાથે ભળી જઈ, સ્થાનિક સમાજને એમની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.

મેં મારા એક લેખની અંદર ‘સામાજિક નિષ્કાષન’નો અને એક લેખની અંદર ત્યાંના લોકોને સમાજની અંદર નડતી સમસ્યાઓ, એની અસરો, જે અસરોને કારણે એમના સમાજનું જાણે કે વિઘટન થાય અને સમાજમાંથી બહાર ફેંકાઈ જાય, સમાજ એને સ્વીકૃતિ ના આપે એવા માહોલ ઊભા થાય અને પરિણામે એ માર્ગે વળતી ખાસ કરીને યુવાપેઢી એ માદક દ્રવ્યો, નશાખોરી કે બીજી નાની-મોટી ગુનાખોરીની પ્રવૃત્તિઓ કરી એમાં પ્રવૃત્ત બને અને પોતાની જાતને એક જાતનું એક વિરોચક … આપતા અને ત્યાંના સમાજ, તેના વ્યક્તિગત કુટુંબો અને એના અંદર રહેતી વ્યક્તિઓ પતિ-પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા, સંતાનો, બીજી પેઢીનાં સંતાનો એ બધાંને કેવી રીતે સમાજવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, પરિવાર સંબંધોની વ્યવસ્થા ગોઠવવી એનું એમને દૃષ્ટાંત જોવા મળ્યું. પડોશમાં રહેતા વસવાટીઓ, ગુજરાતીઓ, બીજા, ભારત દેશના ત્યાં સ્થાપિત થયેલા લોકો, એમણે પોતાની જીવનશૈલી એવી રીતે વિકસાવી કે એમને જોવાનું મળ્યું કે જીવનના પ્રશ્નો, જીવનની અંદર આવતા ઉબડ-ખાબડ રસ્તાઓ, જીવનની અંદર આવતી ચડતી-પડતી, જીવનની અંદર આવતા ખોટ અને લાભના પ્રસંગો, વિખવાદ અને સંવાદના પ્રસંગો, આ બધા જ્યારે આપણે અંતર-સમાજ, Intersociety relationship ઊભી કરીએ અને એ સવાલોની અને સમસ્યાઓની ચર્ચા કરી ખુલ્લા મને એકબીજાના અનુભવોની આપ-લે કરીએ (ત્યારે) સારો સંવાદી-સુસંવાદી સમાજ ઊભો થઈ શકે છે.

એટલું છે કે આજનું ઇંગ્લેન્ડ, આજનું યુનાઇટેડ કિંગ્ડમ એ ટોની બ્લેયર જેને કહેતા હતા ને, ‘મલ્ટી કલ્ચરિઝમ’ – બહુ સાંસ્કૃતિકવાદ, એ તબક્કાની અંદર પ્રવેશી ચૂક્યું, એટલે યુનિકલ્ચર રાખે, પોતાની જ સંસ્કૃતિ અને પોતાની જ આબાદી એ જ માત્ર મારા જીવનનું ધ્યેય છે એને બદલે હું સહકાર અને સહયોગથી એને શેરિંગ કરું અને give and take કરું અને પરિણામે કાળા-ગોરાનો ભેદ ન બને અને એની અંદર આસાનીઓ દાખલ થાય, સહિષ્ણુતાની આસાની દાખલ થાય, સ્વીકારની આસાની દાખલ થાય અને એ માટેની વાચા આ સાહિત્યની અંદર મળે એવો માહોલ થાય અને એટલા માટે જ સ્થાનિક પોલીસતંત્ર, સ્થાનિક કાઉન્સિલનું તંત્ર, સ્થાનિક કાઉન્ટીનું તંત્ર એ બધાની અંદર વસવાટીઓને ગુજરાતી ડાયસ્પોરા અને ગુજરાત સિવાય બીજા ભારતના ડાયસ્પોરામાં સંમેલિત કરવાની ઘણી બધી તકો એમણે ઊભી કરી છે. સાથે જીવનને મૂલવ્યું છે અને જીવનનો આનંદ મેળવ્યો છે. આ વાતો મેં મારી આ જુદી જુદી વાર્તાઓની અંદર કહી છે. આ તળગુજરાતના અનુભવો ત્યાં આગળ લઈ ગયા છે, ત્યાંના અનુભવો અને ત્યાંની બીજી સુવિધાઓ અહીંયા આગળ આપણે લાવ્યા છીએ. ખેડા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, પંચમહાલ, સુરત, ભરૂચ આ જિલ્લાઓ, હવે ઉત્તર ગુજરાતના થોડા ભાગો એની અંદર આપણા ત્યાંના વસવાટી, વ્યવસાયી વસવાટી પરિવારોની ખૂબ ઉદારતાથી દાન આપી, ઉદારતાથી સહાય કરી અને એમણે પોતાના બનાવી લીધા છે.

હમણાંનો જ દાખલો, જેમ કૅનેડાની સરહદ ઉપર એક પરિવારનો બન્યો, એવા કષ્ટભર્યા અનુભવો, ડિપોર્ટેશન, સુધીના ઇંગ્લેન્ડમાં પણ થયેલા છે અને ત્યારે જે સધિયારો સ્થાનિક લોકો તરફથી મળતો, ત્યાંના આપણાં ભાઈઓ-બહેનોએ ત્યાં મૂળિયાં નાખી એ સમાજને માતબર બનાવ્યો છે. અને એ સમાજ, એને કારણે આપણા એ વસવાટીઓ ડાયસ્પોરાનું ઋણ ભૂલતો નથી, એ ઋણને અદા કરવા માટે જાત જાતની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. વાંકાનેરના હૉસ્પિટલમાં ચાલતું મહેતા ટ્રસ્ટ એ યોર્કશાયરના આંખના દાક્તરોને ફેલોશિપ આપે છે. એમને અસાઇનમેન્ટ આપે છે. અને ત્રણ મહિનાથી માંડીને છ મહિના સુધીના એમના સેવાના કાર્યક્રમોનો લાભ સ્થાનિક પ્રજાને મળે અને તેમની આંખોની સારવારની સુવિધા મળે એવું ત્યાં આગળ થઈ શકે એમ છે. એમણે એ સિદ્ધ કર્યું છે કે આદાન કે પ્રદાન ઉપર આભારી સમાજવ્યવસ્થા એ એક બહુ સારી, અત્યારની ઉપલબ્ધ વ્યવસ્થાઓની અંદર ઉત્તમ ગણી શકાય અથવા ઉત્તમમાંની એક ગણી શકાય. મારો પોતાનો પણ આ અનુભવ વિદેશપ્રવાસ અને વિદેશમાં શિક્ષણ કાર્ય કરવાનો અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવવાનો અવસર મળતાં, એ પ્રકારે રહ્યો છે. એને કારણે મારા ચાર સંતાનો પૈકી ત્રણ સંતાનો વિદેશોની અંદર સ્થાયી થયાં છે. એ પોતે વ્યવસાયીઓ છે, પ્રોફેશનલ્સ છે અને એમણે પોતાની પ્રોફેશનલ્સ સ્કિલસ ખૂબ શાર્પન, બરાબર તીક્ષ્ણ ધારદાર બનાવી અને ત્યાંના સમાજને પણ એમની એ ક્ષમતાનો લાભ, એક્સ્પર્ટાઇઝનો લાભ આપ્યો છે અને પોતે પણ એ લાભ પ્રાપ્ત કરી શકયા છે. ત્યાં આગળ એમનું કામ, સંશોધનનું કામ અને પ્રકાશનનું કામ યથાશક્તિ કરતા આવ્યાં છે. અત્યાર સુધી એમાંના એક ફારુકભાઈ અથવા આજના આપણા આ વેબિનારની અંદર જોડાયેલા છે. એટલે હું પોતે આશાવાદી વ્યક્તિ તરીકે, આશાવાદી નાગરિક તરીકે હંમેશાં સમાજની પોઝિટિવ સાઇડ–સકારાત્મક બાજુ જોવી, એને વધારે મજબૂત બનાવવી અને એમાંથી જે શક્ય બને એનું સંક્રમણ આપણે આપણા દેશની તળગુજરાતની અંદર અને શક્ય હોય તો ભારતના બીજા હિસ્સાની અંદર પણ કરીએ અને એ કામ થઈ રહ્યું છે. એ મેં મારા લેખો દ્વારા પણ પ્રતિપાદિત કરવા માટે પ્રયત્ન કરેલ છે.

આખરે, માણસમાં જે માનવકુટુંબ છે, એક વિશ્વપરિવાર છે અને એની અંદર પરિવારના સરખાપણાના, સમાનતાના, અભેદના સંબંધો એવા મીઠા સંબંધો કેળવાય એ માટે બન્ને રીતે, બન્ને તરફથી આપણે આ શક્યતાઓને બરાબર પિછાણવાની છે. પિછાણીને એમાંથી પસંદ કરવાની છે. એ પસંદ કરી અને એને આપણે ત્યાં આગળ રોપવાની છે. અને એ કામ સારી રીતે થવા લાગ્યું છે એ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળે છે. ભારતના પણ અમુક સમસ્યાઓવાળા વિસ્તારોની અંદર દુઃખી લોકો, રોગગ્રસ્ત લોકો, બીજી મુસીબતગ્રસ્ત લોકો, વંચિતો એમના કલ્યાણ માટેની કામગીરીઓ અને પ્રવૃત્તિઓ એ ત્યાં પૂરી થાય છે. આખરે વિશ્વકુટુંબ તરીકે વિકસવાનો આપણો જે સંકલ્પ છે અને ‘વસુધૈવ કુટુંબકમ’નો આપણો પુરાણો સાંસ્કૃતિક સિદ્ધાંત એટલો જ કારગત, અત્યારના સંજોગોમાં બની શકે છે અને એ આપણે કરવું જોઈએ. મેં આ વાત, કોશિશ કરી છે. ઘણું બધું એના વિશે કામ થઈ શકે.

આ પુસ્તક દ્વારા પણ અને મારા લેખો દ્વારા એ કોશિશ મેં કરી છે. અને મારા મિત્રોએ, એના સંપાદકોએ, પરામર્શકોએ એને બહુ સારું રૂપ આપ્યું છે. અને મારા એ લખાણો પ્રસ્તુત અને અસરકારક બનાવ્યા છે એ માટે હું એમનો આભાર માનું છું. હું અકાદમીનો આભાર માનું છું કે અકાદમીએ પણ આ કામ ઉપાડ્યું અને આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે જરૂરી સુવિધા ઊભી કરી આપી. આ પુસ્તકનું પ્રસારણ થાય એ માટે પણ જરૂરી માળખું ઊભું કર્યું છે એ માટે પણ હું આભાર માનું છું. હું ફરીથી સૌનો, આજના પ્રસંગે મને મળ્યાનો જે આનંદ થયો છે એ માટે મારી આભારની વિનંતી સ્વીકારી લાગણી વ્યકત કરી, આપ સૌની રજા લઉં છું.

જય ભારત, જય ગુજરાત અને જય વિશ્વછબી.

લિપિયાંતર : મૈત્રી શાહ-કાપડિયા

અમે તો પંખી પારાવારનાં : લેખક – દાઉદભાઈ ઘાંચી, સંપાદક – કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી 2022, પાકું પૂઠું, સાઈઝ : 5.75” x 8.75”, પૃ. 256 , રૂ.400 • £ 5, $ 7.5

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 11-12

* * *

 

પુસ્તક-પરિચય

‘અમે તો પંખી પારાવારનાં’ : વિશ્વનાગરિકતાનું ઘોષણાપત્ર

– અદમ ટંકારવી

‘અમે તો પંખી પારાવારનાં’; લેખક – દાઉદભાઈ ઘાંચી; સંપાદક – કેતન રુપેરા; પરામર્શક – વિપુલ કલ્યાણી; પ્રકાશક – 3S Publication; પ્રાપ્તિસ્થાન – ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-380 009; પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2022; પાકું પૂઠું; સાઈઝ : 5.75” x 8.75”; પૃ. 256; રૂ. 400 • £ 5 • $ 7.5

‘અમે તો પંખી પારાવારનાં’ દાઉદભાઈ ઘાંચીના ‘ઓપિનિયન’માં પ્રકાશિત થયેલા લેખોનો સંચય છે. પુસ્તકનું પરામર્શન વિપુલ કલ્યાણીએ અને સંપાદન કેતન રુપેરાએ કર્યું છે. પુસ્તક હાથમાં લેતાં એનું સોહામણું રૂપ આપણને આકર્ષે છે, અને એમાંથી પસાર થતાં લેખોની ઊંચાઈ અને ઊંડાણ હૃદયને સ્પર્શે છે. ગુજરાત અને ગુજરાતી ડાયસ્પોરા દાઉદભાઈને આજીવન શિક્ષક તરીકે, મૂલ્યનિષ્ઠ ચિંતક તરીકે, ભાવિ નાગરિકોના ઘડવૈયા તરીકે સુપેરે ઓળખે છે, અને એમની આ મુદ્રા પુસ્તકના પાનેપાને પ્રતિબિંબિત થાય છે. વિપુલભાઈ ઉચિત રીતે દાઉદભાઈને મૂલ્યોના મશાલચી કહે છે, અને ગુજરાતના વૈચારિક ઘડતરમાં તથા બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં એમના યોગદાનને સરાહે છે.

કેતનભાઈ આ લેખોમાંથી ‘અવિરત ફોરતા’ દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિના મૂળગામી તત્ત્વને ચીંધતાં કહે છે કે, એનો ગર (pith) હર્યોભર્યો છે ‘નાગરિકતા’થી.

પુસ્તકમાં સમાવિષ્ટ બાવીસ લેખોને સંપાદકે અભિવ્યક્તિ-આલેખન અનુસાર વર્ગીકૃત કર્યા છે : પત્ર, નિબંધ, વિચાર-વિમર્શ, ચિંતન-મનન-સંશોધન, વ્યક્તિચિત્ર, અને રસાસ્વાદ-વિવેચન. આ વિષયવૈવિધ્યથી ચિંતક તરીકે દાઉદભાઈના ક્ષેત્રવિસ્તાર (range) અને બહુશ્રુતતા(versatility)નો ખ્યાલ આવે છે.

૨૦૦૫માં લંડન પર આત્મઘાતી હુમલો થયો તેના પ્રતિભાવરૂપે દાઉદભાઈએ ‘ઓપિનિયન’ને લાંબો પત્ર લખ્યો. આ કટોકટીના પ્રસંગે લંડનના નાગરિકોએ વિચાર, વાણી અને વર્તનનું જે ‘સંતુલન’ જાળવ્યું તેને પત્રલેખક ‘હેરતંગેજ’ કહે છે. આ ‘પ્રમાણભાન’ના મૂળમાં બ્રિટિશ પ્રજાની ‘આંતરિક તાકાત’, જે એની મૂલ્યનિષ્ઠામાંથી જન્મે છે. આ છે લંડનની ચેતના, લંડનની આગવી ઓળખ. દાઉદભાઈના શબ્દોમાં આ મહાનગરની ‘લંડનિયત’(Londonness). વિલાયતની આ આન, બાન, શાનને સલામ કર્યા પછી પત્રનું સમાપન આ વાક્યથી થાય છે, ‘તારી એ વિલાયતનો એકાદ અંશ મારા હૃદયમાં સંઘરી હવે હું ભારત પાછો જઈશ.’ આ પત્રમાં દાઉદભાઈના વ્યક્તિત્વનાં બે પાસાં બરોબર ઊપસે છે : ગુણદર્શન અને ગુણગ્રહણ. એ આ મૂલ્યોને આત્મસાત્‌ કરવા ચાહે છે, એનો અર્થ એ કે દાઉદભાઈ આજીવન શિક્ષક જ નહીં, આજીવન વિદ્યાર્થી પણ ખરા. આમાં બ્રિટનના ગુજરાતી સમાજ માટે પણ સંદેશ છે. દાઉદભાઈએ જે મૂલ્યોની કદર બૂઝી તે આ સમાજનાં કેટલાંકને દેખાતાં નથી. કારણ એ કે, દાઉદભાઈને બ્રિટન સાથે, તેની મૂલ્યનિષ્ઠા સાથે ‘દિલનો નાતો’ છે, જ્યારે આમને માત્ર ‘પાઉન્ડનો નાતો’ છે. જે લોકો આ મૂલ્યનિષ્ઠ સમાજરચનાને લીધે અહીં તાગડધિન્ના કરે છે તે જ લોકો ભારતમાં આ મૂલ્યોનું રોજેરોજ હનન કરતાં તત્ત્વોનો અહીં બેઠાં જયજયકાર કરે છે, આરતી ઉતારે છે. અહીં એમને જોઈએ સમાનતા, અને ત્યાં ઊંચનીચ ચાલે. સાચી દેશદાજ એ કે, આ માનવતાવાદી મૂલ્યોની એન.આર.આઈ. સમાજ ભારત ખાતે નિકાસ કરે જેથી ત્યાં મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની પ્રક્રિયા વેગવંતી બને, તેને બદલે ત્યાંનાં અનિષ્ટોની અહીં આયાત કરનારા ય પડ્યા છે.

દાઉદભાઈ એવો સમાજ ચાહે છે જે લોકશાહી અને માનવતાવાદી મૂલ્યોને વરેલો હોય, સમાવેશી (inclusive) હોય, જ્યાં કાયદાનું શાસન હોય, જ્યાં માનવગરિમા સચવાતી હોય. આવા સુસંસ્કૃત (civilised) સમાજના નિર્માણની પ્રક્રિયાની વિશદ ચર્ચા આ લેખોમાં મળે છે. આની પ્રથમ શરત છે ‘જાત સાથેની પ્રામાણિકતા’.

દાઉદભાઈ ‘ખમ્મા, વિલાયતને!’ કહી એના ઉપર ઓળઘોળ થાય છે ત્યારે એ કોઈ મુગ્ધ Anglophile-બ્રિટનઘેલાનો ઉદ્‌ગાર નથી. એ મહિમા કરે છે બ્રિટિશ મૂલ્યોનો. કાયમી વસવાટ ભારતમાં, પણ બ્રિટનના એકાધિક પ્રવાસો દરમિયાન એમણે આ મૂલ્યો પર આધારિત સમાજજીવનનો જાતઅનુભવ કર્યો, અને વિપુલ કલ્યાણીને એક પત્રમાં જણાવ્યું કે, ‘હું બ્રિટનમાં હોઉં તો વૈચારિક નવજન્મ પામું.’

મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની પ્રક્રિયા વિશે દાઉદભાઈ પાસેથી જે સૂચનો મળે છે તે સૂક્ષ્મ સૂઝવાળાં – Insightful છે. રાષ્ટ્રીય ઉત્થાનના આ ભગીરથ કાર્યમાં સમાજના દરેક વર્ગના ઉત્તરદાયિત્વને એ અધોરેખિત કરે છે.

દાઉદભાઈમાંનો શિક્ષક આ પરિબળોમાં અગ્રક્રમે મૂકે છે શિક્ષણને. કહે છે, ‘શિક્ષણને માનવ પુનરુત્થાનનું સાધન બનાવવું આવશ્યક છે.’ બ્રિટનની શિક્ષણપ્રથામાં બ્રિટિશ મૂલ્યો અભ્યાસક્રમનું અભિન્ન અંગ છે, અને પ્રત્યેક શાળા વિદ્યાર્થીઓમાં એની સભાનતા કેળવે છે. વર્તમાન ભારતની શિક્ષણપ્રથા આ માનવતાવાદી, ઉદાર મૂલ્યોને કોરે મૂકી ‘સંકીર્ણ વિચારધારા વડે દૂષિત’ થઈ છે તે સુવિદિત છે. જે દેશની શિક્ષણપ્રથા દૂષિત થાય તેની શી વલે થાય તે સમજવા સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીના પ્રવેશદ્વારે કોતરેલ નેલ્સન મંડેલાના શબ્દો પ્રસ્તુત છે : Destroying any nation does not require the use of atomic bombs or the use of long-range missiles. It only requires lowering the quality of education and allowing cheating in the examinations by the students. (કોઈ પણ રાષ્ટ્રનો વિનાશ કરવા અણુબોમ્બ કે દીર્ઘ અંતર સુધી ફેંકાતા અસ્ત્રોની જરૂર નથી. જરૂર છે ફક્ત એના શિક્ષણની ગુણવત્તાને નિમ્ન કરવાની અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટથી ચોરી કરવા દેવાની.)

‘સર્જકનો ધર્મ’, ‘બજાર, માણસ અને કવિ’, તથા ‘કવિ લૂંટાયા’ નિબંધોમાં લેખક સાહિત્યસર્જકનું કર્તવ્ય ચીંધતાં કહે છે, ‘એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે.’ ગુજરાતી ડાયસ્પોરાના ચિંતકો, કવિઓ, લેખકોને હાકલ કરતાં દાઉદભાઈ કહે છે કે, તેઓ ફક્ત એમના વસવાટી મુલકોને જ નહીં, બલકે ‘તળ ગુજરાત અને ભારતને, અને હિંસા તથા નફરતથી ખદબદતા અનેક દેશોને તેમનો પ્રેમપંથનો સંદેશ હરકોઈ શક્ય રીતે, વણથંભ્યા આપતા રહેશે.’

ભારતમાં સભ્ય સમાજના નિર્માણમાં બ્રિટનમાં વસતા એન.આર.આઈ. સમાજના ઉત્તરદાયિત્વની ચર્ચા કરતાં દાઉદભાઈ પ્રોફેસર ભીખુ પારેખે આ બાબતે આ સમાજની નૈતિક નબળાઈનો નિર્દેશ કરતાં જે કહેલું તેની યાદ અપાવે છે : ‘હાલના શાસન હેઠળ ભારતને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના અતિસંકીર્ણ મનોવૈજ્ઞાનિક રોગનો ભોગ બનાવવામાં આવી રહેલું છે. ભારતનું એક ગૌરવશાળી રાષ્ટ્ર તરીકેનું હિત તો એ સંકીર્ણ વિચારધારામાં નહીં, પણ ઉદાર અને સહિષ્ણુ એવા કલ્ચરલ યુનિવર્સાલિઝમમાં રહેલું છે. શું એન.આર.આઈ. સમાજ આ સંદેશનો પ્રહરી બનશે?’

આ લેખો ગુજરાતી ભાષામાં ચિંતનાત્મક નિબંધો(reflective essays)ના ઉત્કૃષ્ટ નમૂના છે. લેખક સભ્ય સમાજની અનિવાર્યતા – the why, વિભાવના – the what, અને નિર્માણરીતિ – the howનું સુરેખ આલેખન કરે છે. દાઉદભાઈએ સ્વપ્નેલ ‘સમાનતાનું, સ્વતંત્રતાનું, સૌહાર્દનું આવું કૉમનવેલ્થ’ રચાય તો આપણાંમાંનો પ્રત્યેક જણ એનો વિશ્વ-નાગરિક હશે. તેથી જ સંપાદક કેતન રુપેરા આ પુસ્તક ‘વિશ્વ-નાગરિક બનવાની આપણા સૌની મથામણમાં ઉપયોગી નીવડશે’, એવો વિશ્વાસ પ્રકટ કરે છે ત્યારે આપણે ‘અસ્તુ’ જ કહેવાનું હોય.

બૉલ્ટન, યુનાઇટેડ કિંગ્ડમ,16 February 2022
e.mail : ghodiwalaa@yahoo.co.uk

પ્રગટ : “કુમાર” 1129; માર્ચ 2022; પૃ. 44-46

 

વીડિયો: