માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી એસોસિયેશન, વેમ્બલીનું નામ પડતાં જ ચારપાંચ દાયકાનો ઇતિહાસ ગડીબંધ સામે ખડકાઈ જાય છે. અને જોતજોતામાં કેટકેટલાં અવસરો, માંધતા સમાજનાં કર્મશીલ આગેવાનો નજરે તરવા માંડે છે. આ દેશની એક ભારે અગત્યની માતબર વસાહતી સંસ્થા તરીકે તેની ઓળખ જળવાતી ગૌરવભેર અનુભવું છું. દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાંથી આવેલી આ મૂળ પ્રજાએ અહીં પણ એ જ સંસ્કૃતિ, એ જ વિચારધારાને, એ જ ઊંચાઈને અહીં વિસ્તારી જાણી છે.
હીરાભાઈ પટેલ, કેશવભાઈ જે. પટેલ, નારણભાઈ એમ. પટેલ, છીતુભાઈ પટેલ એ વેળાના સમાજના આગેવાનો અને અકાદમીના હામી સાથીસહોદરો. તેમાં ચન્દ્રકળાબહેન પટેલ, ચંપાબહેન પટેલ, કુસુમબહેન પટેલ તેમ જ અનેકોએ આજ લગી અમર્યાદ યોગદાન દીધાં જ કર્યું છે. અકાદમીનું માન્ધતા જોડે સહયોગનું જીવન ઘડાતું ગયું તેમ ગોવિંદભાઈ પટેલ સરીખાએ તેમ જ અન્યજનોએ પણ આપણી આ પોઠને આગળ ધપાવ્યા જ કરી.
માન્ધાતા સમાજની ગુજરાતી શાળાએ આરંભથી અકાદમીના ભાષાશિક્ષણ પ્રકલ્પમાં સામેલ થવાનું જોયું. શિક્ષકોને તાલીમબદ્ધ કરવા તાલીમશિબિરોમાં ય જોડાવાનું રાખ્યું. પાઠ્યક્રમથી માંડી પરીક્ષાઓ સુધી એકરૂપ થવાની સક્રિયતા સાંચવી જાણી.
બાકી હોય, તેમ અકાદમીને સારુ માન્ધાતા સમાજનો હૉલ પણ વિનામૂલ્યે વપરાશ માટે ખૂલો મૂક્યો. આ સમૂળો ઓશિંગણભાવ શેં ભુલાય ?
જનાબ અહમદ લુણત
ગુજરાતી રાઇટર્સ ફૉરમ, બૉટલી
27 James Street
BATLEY
West Yorkshire
WF17 7PS
પામી સદી આજે પામો સદી સૌખ્ય સ્વાસ્થ્ય અને સેવાભરી
પાંચેક દાયકાઓ પહેલાં મારા એક જિગરી દોસ્ત અને તેના સમગ્ર પરિવારે આમ લખી શુભ કામનાઓ બક્ષી હતી. આજે તેવી લાગણીઓ તમારા ભણી રવાના કરતાં ભારે આનંદ અનુભવાય છે.
જુઓને, લેન્કેશરમાં ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ’ અને પાટનગરમાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની પછીતે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અસ્તિત્વમાં આવ્યાં તેને હવે ચારેક દાયકાઓ થશે. અને પછી યૉર્કશરમાં ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’ હરતું ફરતું રમતું થયું. હવે તેને ય અઢી દાયકાઓ થઈ ગયા. … વાહ !
ફૉરમના લગભગ આરંભથી તેની સાથેનો એક પ્રકારનો ઘનિષ્ટ નાતો રહ્યો છે. એ દિવસોમાં ય કેવા કેવા બડભાગી અવસરો તમે યોજતા હતા. કેવા કેવા કવિગઝલકારોને નોતરતા હતા. અરે, હવે તો આ બધું – ते हि नो दिवसा: …।
તમારાં આ પચીસ વરસો ફળદાયી રહ્યાં છે. તમે સંસ્થા હેઠળ ધ્યાનાર્હ પ્રકાશન પણ આપ્યું. જુઓને બારેક ચોપડીઓ ફૉરમ હેઠળ પ્રગટ થઈ. તમારો અંગત પ્રકાશન-ફાલ પણ નાનેરો નથી. બારેકની આસપાસ તો તમારે નામે ચોપડીઓ બોલે છે. તે સિવાય બીજાં કેટકેટલા સ્થાનિક કવિગઝલકારોની ચોપડીઓ પણ આ આંદોલનને કારણે આવી મળી.
બહુ સરસ, દોસ્ત, તમારી સંસ્થાની ફોરમ તો ચોમેર પ્રસરી છે તે ચોમેર વધુ પ્રસરે અને પમરે તેવી અમારી સહૃદય શુભ કામનાઓ સ્વીકારજો.
આ રજતજયંતીનો અવસર સર્વાંગી સફળ થાય અને તમે હજુ બડભાગી કામો કરવાં સારુ સફળ બનો તેવી મનોકામનાઓ વ્યક્ત કરીએ છીએ.
મારી સમજ મુજબ, ‘વિકિસ્રોત’ એ ‘વિકિસોર્સ’ના મૂળ નામ તળે વિકિમીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નફા-રહિત ચલાવવામાં આવતો ગુજરાતી ભાષા માટેનો ઑનલાઇન ભંડાર છે જેમાં કૉપીરાઈટ મુક્ત લોકવાંગ્મય, સાહિત્ય, લખાણો તેમજ અન્ય દસ્તાવેજી કૃતિઓનો સંચય કરવામાં આવે છે. આ સંસ્થા, વિકિપીડિયા (મુક્ત જ્ઞાનકોષ), વિક્શનરી (મુક્ત શબ્દકોષ), વિકિવિદ્યાલય (મુક્ત વિદ્યાલય) જેવી બહુભાષી તથા પ્રકાશન-અધિકાર-મુક્ત પરિયોજનાઓ પણ ચલાવે છે.
ગુજરાતી ભાષામાં પોતાનું અને પોતીકું કહી શકાય તેવું ‘વિકિસ્રોત સબડોમેઈન’ કે ‘પોર્ટલ’ પ્રાપ્ત થયું તેની પહેલી વરસી 27 માર્ચ 2013ના છે. એનો જાહેર ઓચ્છવ ગિરનારની તળેટીમાં, ભવનાથમાં આવેલા રૂપાયતન ખાતે રવિવાર 31 માર્ચ 2013ના થઈ રહ્યો છે. આ અવસરનું, વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ વતી, થેમ્સના કિનારેથી, અમે સહૃદય સ્વાગત કરીએ છીએ. આ અંગે યોજાયેલા આ આગવા કાર્યક્રમને અમારી વધાઈ પણ પાઠવીએ છીએ. આ આખું આંદોલન ઊભું થઈ શક્યું તેનો મહદ્ યશ ડૉ. ધવલ સુધન્વા વ્યાસ તેમજ તેમના સાથી સહોદરોને જાય છે. તે દરેકને આ ન્યોચ્છાવરી સારુ અમે શાબાશી આપીએ છીએ અને અનેકાનેક શુભ કામનાઓ વ્યક્ત કરીએ છીએ.
અકાદમીની ‘ઓટલો’ નામની બેઠકના સંયોજક ડૉ. ધવલ વ્યાસ સાથે થયેલી વાતચીત મુજબ, વિકિસ્રોતના અસ્તિત્વને કારણે, આપણા માટે આપણાં સાહિત્યની સાચવણ અને પ્રસાર કરવાનું કાર્ય ઘણું સરળ થઈ ગયું છે. આજની યુવાપેઢી પુસ્તકોથી દૂર ભાગી રહી છે એવી ફરિયાદ કરવી હવે યોગ્ય નહીં ગણાય, કારણ કે હવે ગ્રંથાલય જ તેમનાં લેપટોપ પર આવવાનું છે. વાંચવાનો શોખ ધરાવનારાઓને, ઐતિહાસિક, પૌરાણિક કે પછી ધાર્મિક એવાં અનેક પ્રકારનાં સેંકડો પુસ્તકો ક્મ્પ્યુટર પર માત્ર ક્લિક કરવાથી મળી રહે એવું માળખું ગોઠવાઈ ગયું છે. શરૂઆતમાં શ્લોકો, સંતસાહિત્ય, પૌરાણિક- આધ્યાત્મિક- અને ઐતિહાસિક ગ્રંથો વગેરે તેમ જ જૂના અને દુર્લભ ફોટાઓ પણ આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. વળી આ બધું સાહિત્ય ‘યુનિકોડ’માં અક્ષરાંકિત હોઈ જુદા જુદા ફોન્ટની કડાકૂટ વગર વાચકોને સહજ રીતે ઉપલબ્ધ રહેશે.
વિકિસ્રોતના વેબપેજ પર આંટાફેરા કરતા માલુમ પડે છે કે આ સમૂહ-સહકાર્ય-પ્રકલ્પ પર ડૉ. ધવલ વ્યાસ ઉપરાંત અશોક મોઢવાડિયા, વ્યોમ મજમૂદાર, સુશાંત સાવલા, મહર્ષિ મહેતા અને સતીષચંદ્ર પટેલ એમ પાંચેક જેટલા ટેક્નિકલ જાણકારી ધરાવતા સક્રીય વ્યવસ્થાપકોની દેખરેખ હેઠળ અનેક સભ્યો પોતાનું યોગદાન આપી રહ્યાં છે. વિકિસ્રોત દ્વારા 2300થી વધુ કૃતિઓ યુનિકોડમાં મુદ્રિત થઈ ચૂકી છે. વિકિસ્રોત દ્વારા પાર પડેલી પરિયોજનાઓમાં મહાત્મા ગાંધીની ‘સત્યના પ્રયોગો’ જેવી આત્મકથા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ કૃત ‘કલાપીનો કેકારવ’ જેવો કાવ્યસંગ્રહ, ઝવેરચંદ મેઘાણી દ્વારા આલેખિત ‘માણસાઈના દીવા’ જેવો ચરિત્રગ્રંથ અને રમણલાલ નીલકંઠ કૃત ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્ય-નવલકથા ઉપરાંત આ પ્રકારનાં વિધવિધ સાહિત્યનો સમાવેશ થાય છે. વિકિસ્રોતની પ્રસ્તાવિત પરિયોજનાઓમાં હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, અખો, દયારામ, દલપરામ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા, ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક સાહિત્યકારોની કૃતિઓને ઑનલાઈન સુલભ કરી આપવાની નેમ નજરે ચઢે છે. હજુ તો ગુજરાતી પોર્ટલને બાર મહિના જ થયા છે. અત્યાર સુધીમાં અહીં ગણનાપાત્ર કાર્ય થયું છે તે આંકડાકીય માહિતી જોતાં સમજાય છે.
ગુજરાતી શિક્ષણ આપવા માટેના અધિકૃત સાધનો વિશેની વિષદ વિગતમાહિતીઓ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન, પત્રકારત્વ અને ગુજરાતી ભાષામાં જ્ઞાનવર્ધક હોય, માહિતીપોષક હોય તેવી સાહિત્ય સહિતની વિવિધ સામગ્રીઓ આપણને આ પોર્ટલમાંથી મળશે, ત્યારે આપણી ભાષાનાં મરશિયાં ગાતાં લોકોને ફટાણાંથી ખાળી શકાશે. મને તો થાય કે ગુજરાતીમાં મળતું આપણું તમામ કાવ્યધન આ એક ઠેકાણે મળી જાય તો ગુજરાતી તરીકે ધન્ય થઈ જવાય. આાવું વાર્તા, આત્મકથા, જીવનકથા અને ઇતર તમામ સાહિત્યનુંય બની શકે … ખેર!
આવાં આવાં માતબર કામને સારુ, અમારી સંસ્થા – ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ બબ્બે હાથે તમને થાબડે છે. તમારું આ મહાયજ્ઞ શું કામ ખૂબ તપો અને ખૂબ વિસ્તરો.
“તમે તો કેવળ સંદેશો જ માંગ્યો છે; પણ હું થોડુંક દોઢ ડહાપણ ડહોળીને ભેગી થોડીક શિખામણ પણ મોકલું છું, ગમે તો ગળે ઉતારવાની; નહીંતર ઝાંપા સુધી લઇ જવાની જરૂરત નથી. એ હાથમાં આવે એવી જ તેને ગળાટૂંપો દઈ ફાવે ત્યાં ફેંકી દેવી.
સંદેશો તો એ જ દેવાનો હોય કે હું તમારી સફળતા ઇચ્છું છું. એ તો ઇચ્છું છું જ; પણ તમે ત્યાં અંગ્રેજી ભાષાની વિશાળ ઉદ્દાત ધરતી ઉપર ગુજરાતી ભાષાનું જે આમ્ર વૃક્ષ રોપ્યું છે અને હવે એના ઉપર થોડોક થોડોક મોર પણ લાગવા માંડ્યો છે, એ જોઇને તમારા અને તમારા સાથીદારોના વાંસા બબ્બે હાથે થાબડવાનું મન થાય છે. ક્યારેક ત્યાં આવવાનું થયું તો એ પણ કરીશ જ.
રહી શિખામણની વાત. તો એ શબ્દ ઉદ્ધત લાગતો હોય તો એને શિકાયત પણ ગણી શકો છો. કહેવાનું કેવળ એટલું જ કે તળ ગુજરાતમાં ગુજરાતી ભાષાના સમર્થકોએ અને ગુજરાતી સાહિત્યના સર્જકોએ જે મોટી ભૂલ કરી છે એવી ભૂલ તમે કરતા નહીં.
એમણે કરેલી ભૂલ એ છે કે તેમણે ગુજરાતી સાહિત્યનું મોં ચંદ્રની સૂરજમુખી બાજુની જેમ સતત પોતાના ઉજળિયાત વર્ગના ચંદ્રમુખો તરફ જ માંડેલું રાખ્યું છે. ગુજરાતના ઉજળિયાત વર્ગ સિવાયના બાકીના અર્ધા કે એથીયે વધુ ગુજરાતી ભાષીઓ, ગુજરાતી સાહિત્ય પૂરતા, એ કારણે હજી લગી નર્યા અંધકારમાં જ પડેલા છે. એ બધા કેવી રીતે જીવે છે, શું કરે છે, શું વિચારે છે, શી એમની જીવન અનુભૂતિ છે અને શી એમની જીવન આકાંક્ષાઓ છે, એની તળ – ગુજરાતના ગુજરાતી સાહિત્યને હજી લગી ખબર પડી નથી.
ત્યાંનું ગુજરાતી સાહિત્ય એના કારણે સારા જેવું ઊણું રહી ગયું છે. એના કારણે જ ગુજરાતી ભાષા પોતે પણ હજી લગી એના નબળા મોર-પગ ઉપર જ ઊભેલી છે. જે ભાષા અને જે સાહિત્ય પોતાના અર્ધા જેટલા લોકો તરફ ઊંચી આંખ કરીને ન જુએ એને બીજી ભાષાઓ અને એમના સાહિત્ય તરફ નીચી આંખ રાખીને જ જોવાનું રહે છે.
તમે ધારો તો તળ – ગુજરાતની ત્રુટિને દૂર કરી શકો છો.
તમારે એ વાટે, તમે ત્યાં પેટાવેલી ગુજરાતી ભાષાના દીવાની વાટને એટલી ઊંચી રાખવી પડશે કે જેથી તમામ ગુજરાતી ભાષીઓ સુધી તેનું તેજ પહોંચી શકે અને ત્યાં સરજાતા ગુજરાતી સાહિત્યના તમામ દરવાજા એટલા બધા ખુલ્લા રાખવા પડશે કે બધા ગુજરાતીઓના શ્વાસોશ્વાસ એમાં પ્રવેશી શકે.
તમે જો એવું કર્યું તો વખત જતાં ગુજરાતી ભાષાના મોર-પગ સિંહ-પગ બની શકે છે અને તેનું સાહિત્ય સભર અને તત્ત્વવંતુ પણ બની શકે છે. ”