ઉત્તર વિલાયતના લેંકેશર પરગણામાં, ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’નાં નેજા હેઠળ, મુખ્યત્વે મુશાયરા પ્રવૃત્તિ દ્વારા, વિલાયત અને યુરોપમાં ગુજરાતી સાહિત્યનાં બીજ રોપાયા હતાં. લંડનના પરિસરમાં તે અરસામાં, ગુજરાતી સાહિત્ય સંઘ અસ્તિત્વમાં. જેનું રૂપાંતર 1975માં ગુજરાતી સાહિત્ય મંડળમાં થયું. ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો ઘણી જગ્યાએ ચાલે. 1964થી તો લેસ્ટર ખાતે ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’ હેઠળ ત્રણેક નિશાળો સપ્તાહ અંતે ધમધમ્યા કરતી. તેવું જ કૉવેન્ટૃી મધ્યે પણ. જોડાજોડ લંડનનાં વિવિધ પરાંઓમાં કેટલીક સંસ્થાઓ ગુજરાતી શિક્ષણનું કામ કરતી. પરંતુ તે વચ્ચે એકવાક્યતા ભાસે નહીં. “ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર”, “નવ બ્રિટન” અને “અમે ગુજરાતી” જેવાં ગુજરાતી સામયિકો પોતાની ગતે હીંડ્યાં કરે. કવિઓ, લેખકો અને લહિયાઓની જમાત ચોમેર. આવાં આવાં વાતવરણ વચ્ચે, ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃતિના પ્રસાર પ્રચારને સારુ એક મસમોટ્ટો અવકાશ. 13 નવેમ્બર 1976માં લેસ્ટરમાંનાં એક કવિસંમેલનથી, અકાદમીની કલ્પનાએ આકાર લીધો. અને 12 ફેબ્રુઆરી 1977ના, સૂર્યકાંત દવેના નિવાસસ્થાને, મંડળ વિધિવત્ રીતે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ બન્યું હતું. ડાહ્યાભાઈ પટેલ, કુસુમબહેન શાહ, નિરંજનાબહેન દેસાઈ, પંકજભાઈ વોરા, કાન્તિભાઈ નાગડા, યોગેશભાઈ પટેલ અને વિપુલભાઈ કલ્યાણી અકાદમીનાં મુખ્ય સ્થાપકો છે.
ગુજરાતી સાહિત્ય, ભાષા અને સંસ્કાર- સંસ્કૃતિનો આમ પ્રજામાં કોઈ પણ પ્રકારના વર્ણ, ધર્મ, જ્ઞાતિ, પંથ, જાતિ અથવા રાષ્ટ્રીયતાના ભેદ વગર પ્રચાર-પ્રસાર કરવો ને કરાવવો એ અકાદમીનો મુખ્ય હેતુ રહયો છે. સાહિત્ય અને કળાના વિવિધ સ્વરૂપો જો અકાદમીના ધ્યેયના સિક્કાની એક બાજુ હોય, તો ભાષા અને શિક્ષણ એની બીજી બાજુ છે. સ્થાપના કાળથી સાહિત્યનાં દરેક અંગના વિકાસ માટે અકાદમી મથામણ કરતી રહી છે. અકાદમીએ ભાષા-સાહિત્ય પરિષદો યોજી છે. આ પરિષદો એટલે આ દેશમાં યોજાતા લિટરરી ફેસ્ટિવલની નજીકનો સાંસ્કૃતિક ઉત્સવ. સંગીત, ચર્ચા, ભાષા શિક્ષણના પ્રશ્નો, કવિ સંમેલન વગેરે અનેક સ્તરે તે વિસ્તરે. ચિત્રકળા પ્રદર્શન દરમિયાન એવો જ ઉત્સવ યોજાય, તો પુસ્તકમેળા દરમિયાન પણ એવું. શિક્ષકો માટેની કોન્ફરન્સથી માંડીને પાઠ્યપુસ્તકો વિશેના સેમિનાર સુધી તેણે વ્યાપ રાખ્યો છે. નૃત્યકળા, સંગીતકળા, હસ્તકળા ઇત્યાદિ દરેક ક્ષેત્રને સ્પર્શતા કાર્યક્રમો યોજાયા છે. અંગ્રેજી કવિઓ, જાણીતા ગુજરાતી કવિઓ, સિદ્ધહસ્ત સાહિત્યકારો, ફિલસૂફો, જાણીતા ધાર્મિક અને રાજકીય વિચારકો, વિવેચકો, તંત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ચિત્રકારો, નાટ્ય દિગ્દર્શકો – એમ અનેક પ્રસિદ્ધ કળાકારો અને વ્યક્તિઓના અકાદમીએ કાર્યક્રમો ગોઠવી પ્રજામાં સાંસ્કૃતિક પ્રચારની અલગ ભાત ઊભી કરી. સાહિત્યના પ્રચાર માટે હરીફાઈઓ પણ રાખવામાં આવી છે.
અકાદમીએ ડાયસ્પોરાની જમાતમાં ગુજરાતી ભાષાશિક્ષણ માટેની પીઠિકા તૈયાર કરી આપી. જેને આધારે ગુજરાતી શીખવવા માટેનો અભ્યાસક્રમ અને છ પાઠયપુસ્તકોની શ્રેણી ઊભી થઈ. શિક્ષકોને તાલીમ આપવાની યોજના ઘડાઈ અને તેને આધારે 400/500 જેટલાં ગુજરાતી શિક્ષકોને તાલીમ અપાઈ. અને પાંચપાંચ સ્તરની પરીક્ષાઓનું નક્કર, જોમવાન આયોજન થયું. આ સઘળું આશરે બે દાયકા લગી સુપેરે ચાલતું રહ્યું. અકાદમીની પરીક્ષાઓ યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત, યુરોપના બે’ક દેશોમાં તેમ જ પૂર્વ આફ્રિકાના કેન્યા દેશમાં ય લેવાતી હતી. અકાદમીએ આપ્યાં પુસ્તકો આજે ય ભારત સમેતના વિધવિધ મુલકોમાં ચાલે છે, તે તેની લબ્ધિ છે. અકાદમી હેઠળ મે માસના પહેલા દિવસની આસપાસના રવિવારે ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ મહોત્સવ’ પણ યોજાતા રહ્યા છે.
સાડા ત્રણ દાયકાનાં પટ ઉપર અકાદમીએ સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર ઉપરાંત નવ ભાષા સાહિત્ય પરિષદો યોજી, “અસ્મિતા”નાં પ્રકાશનો સમેત ડાયસ્પોરિક સમ્પાદનો કર્યાં – આ અને આવી પ્રવૃત્તિઓને લીધે ગુજરાતમાં ને દરિયાપાર અકાદમીને બિરદાવામાં આવી રહી છે. આજે અકાદમી વેબપેજ અને ફેસબુક જેવા ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ પ્રચાર-પ્રસારના સમૂહ માધ્યમો મારફતે વિલાયત અને અન્ય દેશાવરી ડાયસ્પોરિક સાહિત્યને તળ ગુજરાતનાં મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં પ્રવૃત્ત છે.
અકાદમીની પ્રવૃત્તિઓમાં નફા નુકસાનનું નહીં, પણ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર દ્વારા ઘરઘરમાં ગુજરાત ખડું કરવાનું ધ્યેય છે. અને તે દ્વારા ‘ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી જીવીએ’ – સૂત્રને ચરિતાર્થ કરવાની ઉમેદ છે.
*****
‘અકાદમી એટલે ઊહાપોહ, અકાદમી એટલે આંદોલન, અકાદમી એટલે વિદ્યાપીઠ, અકાદમી એટલે ભાષા – સાહિત્ય – કલા – અસ્મિતા – સંસ્કૃતિ – જ્ઞાનનો અવિરત ઉત્સવ. આ અકાદમીનું સ્વરૂપ જ પેલા ગ્રીસના બાગ જેવું છે જેના પરથી અકાદમી શબ્દ ઉતરી આવ્યો છે : Impromptu. અકાદમીની સફળતા – સિદ્ધિનું રહસ્ય તે એનું આ સ્વરૂપ.’
− યોગેશ પટેલ (ભૂતપૂર્વ અકાદમી પ્રમુખ)
સૌજન્ય :”આહ્વાન”, વર્ષ ૧ – અંક ૧; દશાબ્દી મહોત્સવ વિશેષાંક; ઑગસ્ટ 1986