૧. અહેવાલ
નવમી ભાષા સાહિત્ય પરિષદ : અહેવાલ
મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર ખાતે મળેલી બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા સાહિત્ય પરિષદ : અહેવાલ
~ આશા બૂચ
તારીખ 29 અને 30 અૉગસ્ટ 2015 દરમ્યાન બ્રિટનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ઉપક્રમે, નવમી ભાષા સાહિત્ય પરિષદ લંડનના વેમ્બલી પરગણામાં આવેલ માંધાતા યૂથ અને કમ્યુિનટીના સભાખંડમાં, મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર ખાતે, યોજાયેલી. એ બે દિવસો આનંદ અને ઉત્સવથી ભર્યા ભર્યા રહ્યા જે આવતી પરિષદ સુધી હાજર રહેલાં સહુને માટે વિચારોનું ભાથું પૂરું પાડશે. કહેવાય છે કે એકલા એકલા ખાય તેને ગાલ પચોળિયા થાય, એ ન્યાયે આવી સુંદર પરિષદની લ્હાણ માત્ર હાજર રહેલા પ્રતિનિધિઓ માણે તો તેમને પણ વિચાર વિસ્ફોટ થાય એ વાતને ધ્યાનમાં લઈને બંને દિવસનો અહેવાલ ટૂંકમાં આપવાનો અહીં પ્રયાસ છે.
આમ તો 29મી અૉગસ્ટ એ મનુભાઈ પંચોળીની પુણ્યતિથિ છે, તેથી તેમના સાહિત્ય વિશ્વને પોંખીને સાચી શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર આ પરિષદનું આયોજન કરેલું. સવારે દસના સુમારે પરિષદના આયોજકો, શ્રોતાઓ અને મહેમાનોની હાજરીમાં અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ પોતાની આગવી શૈલીથી આરંભ, અભિવાદન અને ઉદ્દબોધનથી સભાનો પ્રારંભ કર્યો. એ બેઠકના અધ્યક્ષ કવિ અને લેખક એવા અદમ ટંકારવી તથા પરિષદના મુખ્ય અતિથિ તરીકે વિચારક, કર્મશીલ, પત્રકાર અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહનો વિધિવત્ પરિચય આપ્યો. સાથે જ કાર્યક્રમની રૂપરેખા આપી.
12 ફેબ્રુઅરી 1977ના શુભ દિને ગુજરાતી સાહિત્ય અકાદમીના મંડાણ થયાં. લગભગ ચાર દાયકાની સફર દરમ્યાન અનેક થીમેટિક કાર્યક્રમો દ્વારા ઘણાં કવિઓ, લેખકો, પત્રકારો અને નિબંધ લેખકોને માર્ગદર્શન અને વિચાર ભાથું પૂરું પાડવાનો તેનો હેતુ રહ્યો છે. 1979માં પહેલી પરિષદ ચં. ચી. મહેતાના અતિથિપદે લંડનમાં મળેલી. બીજી પરિષદ 1983 વેળા લેસ્ટરમાં મળી ત્યારે કવિ નર્મદની 125મી જન્મ જયંતી ઉજવાઈ રહી હતી. અકાદમીને આંગણે આવેલ મહેમાનોમાં રઘુવીર ચૌધરી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’નો પણ સમાવેશ થાય છે. તળ ગુજરાતમાં તેમ જ ડાયાસ્પોરા સાહિત્ય જગતમાં ‘દર્શક’ તેમનાં સાહિત્ય, મુલાકાતો, પ્રવચનો, વિચારો દ્વારા હજુ આજે પણ પ્રસ્તુત હોવાને કારણે ‘દર્શક’ની જન્મ શતાબ્દી નિમિત્તે તેમને શબ્દાંજલિ આપવા એક ખાસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે મોકલેલ સંદેશમાં મનસુખભાઈ સલ્લાએ યોગ્ય જ લખ્યું, “દર્શક પાસે મનુષ્ય અને સમાજના પ્રશ્નોના વૈષ્વિક સંદર્ભ હતા જેને તેઓ ગહન અભ્યાસ અને અભિવ્યક્તિની કળાથી શબ્દરૂપ આપતા રહ્યા. દર્શકને સાચા સ્વરૂપમાં ઓળખવા એ આપણી જરૂરિયાત છે.”
માંધાતા સમાજના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલે ચંપાબહેન પટેલનાં ચિત્રોનાં પ્રદર્શનનું ઉદ્દઘાટન કરતા કહ્યું, “ઝાંબિયામાં જન્મેલાં ચંપાબહેનનાં લગ્ન નાની વયે થયેલાં. ગૃહસ્થાશ્રમની તમામ ફરજો બજાવી અને વિધવા થયાં બાદ નાનપણનો શોખ ફરી જાગૃત કરીને કેનવાસ પર વોટર કલરથી કુદરતી દ્રશ્યો અને છબિચિત્રો [portait] કરવાનું શરુ કર્યું. તેમનાં ચિત્રોમાં એક પ્રકારની સજીવ કલાત્મકતા ઉપસી આવે છે.” બે દિવસ દરમ્યાન સહુ પ્રતિનિધિઓએ એ કળા પ્રદર્શન માણ્યું.
ત્યાર બાદ અકાદમી વતી અકાદમીના ખજાનચી લાલજીભાઈ ભંડેરીએ પ્રકાશભાઈ શાહને માનદ્દ અધ્યેતા પદ(ફેલોશીપ)ના પ્રતિક રૂપે એક સ્મૃિતચિન્હ અર્પણ કર્યું અને તેમનું તથા અદમ ટંકારવીનું શાલ અર્પણ કરી સ્વાગત કર્યું. આજ સુધીમાં અકાદમીએ રઘુવીર ચૌધરી જેવા ગુજરાતી ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરી ચુકેલા અનેક લેખક-કવિઓને માનદ્દ અધ્યેતાપદથી નવાજ્યા છે, જેમાં હવે પ્રકાશભાઈ શાહનું નામ ઉમેરાયું. પરિષદના તમામ વક્તાઓને ફૂલોના હાર પહેરાવવાને બદલે દર્શકનાં પુસ્તકો આપવામાં આવ્યાં, જે અનુકરણીય છે.
અધ્યેતા પદની સ્વીકૃતિ કર્યા બાદ તે વિષે પ્રતિભાવ આપતાં પ્રકાશભાઈએ ગુજરાતી સાહિત્યમાં ડાયાસ્પોરિક ગુજરાતી સાહિત્યના અને ખાસ કરીને ‘ઓપિનિયન’ના પ્રદાનની મહત્તા વિષે વાત કરી. જયંતી દલાલે કહેલું, “એકેડેમી એટલે એક આદમી અને બીજા ડમી” એવી હાલત હાલ ગુજરાતમાં પ્રવર્તે છે, જ્યારે અહીંની અકાદમી નાત-જાત, ધર્મ-કોમ કે રાષ્ટ્રીયતાના વિવાદ-વિભાજનને ઓળંગીને ગુજરાતી ભાષાની સેવા કરે છે એ આનંદની વાત છે. વારસાની ભાષા ગુજરાતી છે તેવા લોકો મથામણો કરીને પણ વિદેશોમાં તેની જાળવણી કરે છે તેનું મૂલ્ય તળ ગુજરાતને નથી. નવોદિત લેખકોનાં ઉદ્રેક, ઉન્મેશ અને ઉરબોલને વ્યક્ત કરવા ‘ઓપિનિયન’માં સ્થાન છે. કોણ, કયા દેશમાંથી શાના વિષે લખે છે તેનો વિવાદ કરવાને બદલે કેવી કોટિનું સાહિત્ય નિર્માણ થાય છે, કેવી રીતે તે વાચકો સુધી પહોંચે છે અને તેના થકી ગુજરાતી ભાષાની જાળવણી અને સંવર્ધન થાય છે કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને એ કાર્યમાં યત્કીન્ચિત યોગદાન આપતા સહુનું અભિવાદન કરીએ તો તળ ગુજરાતી કે ડાયાસ્પોરિક ગુજરાતીના સર્જકો સહુનો આદર જળવાશે, એવું એમની વાતો પરથી ફલિત થયું. આ સાથે ગુજરાતી લેક્સિકોન દ્વારા ‘ઓપિનિયન’ના 18 વર્ષના અંકોનું ડિજિટલાઈઝેશન થયું તેની ડિવીડી પણ પ્રકાશભાઈના હાથે લોકાર્પિત કરવામાં આવી.
અધ્યક્ષ અદમ ટંકારવીના સારા ય વક્તવ્ય દરમ્યાન શાયરીઓ હાજરી પુરાવી જાય જેનાથી તેમનું ભાર વિનાનું ભાષણ વધુ લિજ્જતદાર બનતું હોય છે. તેમણે કહ્યું, મુશાયરામાં 600થી 700 માણસો ન હોય તો મરીઝ યાદ આવી જાય, “બે જણાં દિલથી મળે એક મજલીસ છે મરીઝ, દિલ વિના લાખો મળે એને સભા કહેતા મરીઝ”. વળી આ વર્ષ કવિ ઘાયલનું પણ શતાબ્દી વર્ષ હોતાં તેમને પણ યાદ કર્યા, “સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા, જીગરથી ઝંપલાવ્યું તો કિનારા દોડતા આવ્યા।” મહેમાન તરીકે પ્રકાશભાઈ માટે એક વધુ પંક્તિ, “વ્યવસ્થા એમના માટે બીજી શી હોય કરવાની? હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા.”
અધ્યક્ષપદેથી વક્તવ્ય આપતાં અદમ ટંકારવીએ ઉમાશંકર જોશીની બે કાવ્ય પંક્તિઓ ‘ગયાં વર્ષો તેમાં’ અને ‘રહ્યાં વર્ષો તેમાં’નો આધાર લઈને અકાદમીની ગઈ કાલ અને આવતી કાલને ચિત્રિત કરી બતાવી. પાંચ-છ દિવાનાઓએ મળીને 1977માં અકાદમીની શરૂઆત કરી. ઇંગ્લિશની ફ્લડલાઈટ સમી રેલમ છેલ રોશની વચ્ચે ગુજરાતીનો ટમટમિયો દીવો પ્રગટાવીને તેની જ્યોત જલતી રાખવાનું કામ 38 વર્ષથી થયું છે તે નોંધનીય છે. તેનો પહેલો પડકાર હતો ગુજરાતી ભાષાનું બ્રિટનમાં જતન કરવાનો. ભાષા શિક્ષણ અંતર્ગત ગુજરાતીના વર્ગો લેવા, શિક્ષકોને તાલીમ આપવી, અભ્યાસક્રમ ઘડવો, પરીક્ષાઓ લઈ મૂલ્યાંકન કરવું, વગેરે કાર્યો હાથ ધરાયાં. એ મોટું કામ હતું. વિવિધ વિષયો પર વક્તવ્યો, પરિસંવાદો, શિબિરો અને સાહિત્યગોષ્ઠી દ્વારા સર્જકો તૈયાર થયા. સાહિત્ય સર્જન માટે ‘ઓટલો’ અને પ્રકાશન માટે ‘છાજલી’ પૂરાં પાડ્યા.
આ થઈ વાત ગયાં વર્ષો તેની. હવે વાત છે રહ્યાં વર્ષો તેની. 2009માં વિસામા વગરની યાત્રાનો થાક વર્તાયો. પરિવર્તનનાં કપરાં ચઢાણ ચડવાના આવ્યાં. સર્જક જમાત તૂટવા લાગી. વાચક કે સર્જકની બીજી પેઢી તૌયાર નથી કરી શક્યા એ સ્વીકારવું રહ્યું. જાત તપાસ કરીને પોતાની મર્યાદા નાણી, પરિસ્થિતિને માપી જોવાની જરૂર લાગી. માનવ સ્વભાવ છે કે એનું ધ્યાન બીજાની ત્રુટીઓ તરફ જાય, પોતાના તરફ નહીં. ખલીલ ધનતેજવી કહે છે, “પહેલાં તારા પૂર્વજોના મૂળ જો, પછી આવીને મારું કૂળ જો, મારાં મેલાં વસ્ત્રોની ટીકા ન કર, તારા જીવતરમાં પડેલી ધૂળ જો.” આપણી બીજી-ત્રીજી પેઢી ગુજરાતીનો ઝાઝો ઉપયોગ કરતી નથી, સર્જનાત્મક ક્ષેત્રે ઝાઝું પ્રદાન કરી શકીએ તેમ નથી તો ભાષા પ્રત્યેનો અભિગમ અને અગ્રતાક્રમ બદલવો પડે. ઈ.સ. 1909માં ત્રીસેક માણસોની હાજરીમાં અહીં ઈંગ્લેન્ડમાં જ મો.ક.ગાંધીએ એક ઠરાવ રજૂ કરેલો, “ગુજરાતીમાં એક તસુ રસ હોવો જોઈએ।” ગુજરાતી સાહિત્યની કાયાપલટ કરવા તેને વિશ્વ સાહિત્યનો પરિચય કરાવવો પડે અને તો જ તે વિશ્વ સાહિત્યના ફલક પર પહોંચી શકે અને તે માટે અદમ ટંકારવીએ ટર્નીંગ પોઈન્ટ લાવનારી ઈંગ્લિશ કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ અકાદમીને હસ્તક થાય તે વિચાર રજૂ કર્યો. તેમને લાગ્યું કે આજે તો માનવ માત્રની સ્થિતિ પ્રત્યે આપણું સર્જન સજાગ નથી. ઉમાશંકરે ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે એમ લખ્યા પછી એવો જઠરાગ્નિ અનેક વખત જાગ્યો પણ સર્જક સૂતો છે, તેમનામાં સંવેદનશીલતા મરી પરવારી છે, જે જગાડવાની હાકલ કરીને તેમણે આ મનનીય પ્રવચન પૂરું કર્યું.
બપોરના સ્વાદિષ્ટ ભોજન બાદ ભદ્રાબહેન વડગામાના સંચાલન હેઠળ બીજી બેઠક શરુ થઈ. ઈન્ટરનેટ જગતમાં પ્રતિષ્ઠિત સ્થાન પામી ચુકેલ ગુજરાતી લેક્સિકોનમાં મહત્વની કામગીરી બજાવતા અશોકભાઈ કરણિયાએ સૌ પ્રથમ સ્વ. રતિભાઈ ચંંદરિયાના જીવનની તવારીખ, ગુજરાતી લેક્સિકોનના ઉદ્દભવ માટેની પૃષ્ઠભૂમિ, તેને ડિજિટલ જગતમાં પ્રસ્થાપન કરવામાં નડેલી મુશ્કેલીઓ અને મળેલ સફળતાની વિગતે માહિતી આપી. દસ વર્ષ સુધી ડિજીટલ ગુજરાતીના ભીષ્મપિતામહ ગણાય તેવા સ્વ. રતિલાલ ચંદરિયાની નિશ્રામાં રહીને અશોકભાઈએ સાર્થ જોડણી કોશ અને ભગવત્ ગોમંડળના ડિજિટલાઈઝેશનું ભગીરથ કામ પાર પાડ્યું. અશોકભાઈએ કહ્યું કે ગુજરાતી એ વિશ્વની 30 મુખ્ય ભાષાઓમાંની એક છે, લગભગ પાંચ મિલિયન લોકો બોલે છે તેથી તેને આધુનિક સંસાધનો દ્વારા સાચવશું તો દેશમાં અને વિદેશમાં પણ વધુ ફેલાશે. ગુજરાતીઓ મૂળે ઉદ્યોગપ્રિય, સાહસિક અને બુદ્ધિવાન ખરા એટલે જુદા જુદા ક્ષેત્રોમાં નામના કાઢનાર પ્રજાની ભાષા સમજવી અન્ય માટે પણ જરૂરી છે, કેમ કે ભાષા સંસ્કૃિત, સમાજ અને રાજકારણ વગેરેની સમજણને અસર કરે છે. ઈ.સ. 1960થી ટેકનોલોજીમાં ભાષાકીય ક્ષેત્રે ઉત્ક્રાંતિ થઇ રહી છે. પહેલાં ઘણી લિપિઓ વપરાતી, ત્યારે એક લખાણ બધા માટે વાંચવાનું સુલભ નહોતું જે યુનિકોડ આવવાથી સરળ બન્યું. 1990માં ગુજરાતી ઈન્ટરનેટને પડદે આવ્યું ત્યાર પછી તો વેબ સાઈટ, બ્લોગ્સ, સમાચાર પત્રો, સામયિકો, પુસ્તકો અને જીવનપોષક સાહિત્ય ઉપલબ્ધ થવા લાગ્યું. એ બધાનો યશ રતિભાઈ ચંદરિયા અને મધુ રાયને જાય છે. કોઇપણ નવી ટેકનોલોજીને લોકભોગ્ય બનાવવા ચાર પરિબળો જરૂરી હોય છે; એકેડેમીશિયા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભણાવતી યુનિવર્સિટી, સરકારી માળખાની સાનુકૂળ મદદ અને કોમર્શિયલ એસોસિયેશન. રતિભાઈ પોતે આ ચારેય સંસ્થાનું કામ કરતા. પા સદી જેટલાં લાંબાં વર્ષો સુધી ઈન્ટરનેટ પર શબ્દકોશ, સાર્થ જોડણીકોશ, થિસોરસ અને ભગવદ્દ ગોમંડળને લોકોને ચરણે ધરવા રતિભાઈ થાક્યા હાર્યા વિના પ્રયત્નશીલ રહ્યા. એક ઉદ્યોગવીર, દાનેશ્વરી અને અતિ નમ્ર એવા કર્મશીલ ચંદરિયાની ઈન્ટરનેટ જગતમાં ગુજરાતી ભાષાને એક આગવા સ્થાને બેસાડવાની દેણગી, એ સમગ્ર ગુજરાતી સમાજ માટે એક અમૂલ્ય વારસો બની રહેશે.
એ બેઠકના બીજા વક્તા નીરજભાઈ શાહે ગુજરાતી વાંચન અને લેખન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતી વેબ સાઈટ અને બ્લોગ કઈ રીતે કરી શકાય તે વિગતે સમજાવ્યું. વેબ સાઈટ થોડી ખર્ચાળ હોવાથી કોઈ સંસ્થા, યુનિયન કે કંપની તેનો ડોમેઈન ખરીદી શકે. વ્યક્તિ માટે પોતાના વિચારો રજૂ કરવાની શક્યતા 1994માં ઓન લાઈન ડાયરી લખવાની શરૂઆતથી થઈ. વેબ અને લોગના સંયોજનથી બ્લોગ શબ્દ પ્રચારમાં આવ્યો. યુનિકોડની શોધથી ભારતની ઘણી ભાષાઓ કમ્પ્યુટર પર આવી. પહેલો બ્લોગ અમેરિકાથી શરુ થયો. પછી તો કવિતા, ટૂંકી વાર્તા, બાળ સાહિત્ય આવતું થયું. આજે હવે ઘણાં મૂલ્યવાન પુસ્તકોનું ડિજિટલ સ્વરૂપ કમ્પ્યુટર પર વાંચવા મળે છે તેવી જ રીતે સામયિકો પણ ઉપલબ્ધ થયાં છે. સંગીતના બ્લોગ પણ શરુ થયા. હાલ 2500થી 3000 બ્લોગ્સ હશે, તેમ કહી શકાય. આ નવીન ટેકનોલોજીનો એક ફાયદો એ થયો કે ઘણા નવોદિત લેખકો અને કવિઓને બ્લોગ દ્વારા પોતાના સર્જનો અન્ય સુધી પહોંચાડવાની તક મળે છે.
જો કે નીરજભાઈએ એ વાત તરફ પણ ધ્યાન દોર્યું કે એ સિક્કાની બીજી બાજુ જોઈએ તો કહેવું પડે કે કેટલાક બ્લોગર્સ થોડી ઊતરતી કક્ષાનું સાહિત્ય પીરસતા થઈ ગયા છે, વાચકો કરતાં કવિઓ વધી પડ્યા છે. હાઈકુના જવાબમાં લાંબી કવિતા આવી પડે, તો કોઈ વાંચ્યા વિના પણ અભિપ્રાય આપી બેસે. આથી ગુજરાતી સાહિત્યના જાણકારોના મોઢામાં બેસ્વાદ મીઠાઈ ખાધાનો ભાવ જાગે તેમાં નવાઈ નથી. આમ છતાં આ ટેકનોલોજીનો ફાયદો પણ થયો છે, જેની પાસે ગુજરાતી સાહિત્ય પહેલાં નહોતું પહોંચ્યું તેઓ વાંચતા થયા છે, બ્લોગ્સ વાંચનારા લોકોમાંથી 55% ભારતની બહાર વસનારા છે અને ગુજરાતી ભાષાથી અપરિચિત એવા નાની ઉંમરના લોકો તથા નિવૃત્ત થયેલા લોકો પણ માણી શકે તે એનો ફાયદો છે. દુનિયામાં લગભગ 3.17 બિલિયન લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
કમ્પ્યુટર હવે ગયા જમાનાનું સાધન છે, આવતો જમાનો મોબાઈલ અને ટેબ્લેટનો છે. નીરજભાઈએ આ નવા જમાનાની માગને પહોંચી વળવા ગુજરાતી તૈયાર છે? એવા પ્રશ્ન સાથે સહુને વિચાર કરતા કરી મુક્યા.
બીજી બેઠકના ત્રીજા વક્તા હતા ધવલ વ્યાસ જેમણે વિકિસ્રોત વિષે સુંદર માહિતી આપી. વિશ્વકોષ=એન્સાઇક્લોપીડિયા. હવાયન ભાષામાં વિકીનો અર્થ છે, મુક્ત અથવા મફત. એક સમયે બ્રિટિશ એન્સાઇક્લોપીડિયા વસાવવા ઠીક ઠીક ખર્ચ કરવું પડતું. ઈન્ટરનેટના આગમનથી આ અમૂલ્ય જ્ઞાન અને માહિતી ભંડાર લોકોને વિનામૂલ્ય આપવાની યોજના થઈ. ઇંગ્લિશમાં એ ઉપલબ્ધ થયું અને આજે તો 12-13 લાખ લેખ તેમાં મળી આવે છે. ગુજરાતીમાં માહિતી મેળવવા કોઈ સંસાધન નહોતું. કંઈ પણ સાહસ હોય કે વ્યાપારની શક્યતા ઊભી થાય તો કયો ગુજરાતી બચ્ચો પાછળ રહે? વિકિપીડિયાના દર્શન થતાં જ ગુજરાતી પ્રજાના કેટલાક ભેજાબાજ યુવાનો તેને સમાંતર ગુજરાતીમાં માહિતી ભંડાર ઊભો કરી શકાય કે નહીં તેની મથામણમાં પૂરેપૂરા ઉત્સાહ અને જોશથી રત થયા. એ માટે વિકિમીડિયા ફાઉન્ડેશન પાસેથી મંજૂરી મેળવવી અનિવાર્ય હતી. સાહિત્યમાંથી જ્ઞાન મળી શકે પણ માહિતી સાહિત્યના અન્ય પ્રકારથી જુદી તરી આવે એ સમજવું જરૂરી બન્યું. વિકિપીડિયામાં મન ફાવે તે નહીં પણ ગમે તે લખી શકાય, જો લખનાર તેના પુરાવા રૂપે સંદર્ભ પૂરો પાડે તો અને એ નિયમ લખનારે સ્વીકારવો અનિવાર્ય બન્યો. વિકિપીડિયા એક હકીકતને આધારે પ્રાપ્ત થતી માહિતીનો સ્રોત છે જેમાં મૌલિક રચનાને અવકાશ નથી, એ સમજનારા પ્રદાન કરવા લાગ્યા. આવી અનેક અડચણો હટાવતાં આખર 2012માં વિકિસ્રોત નામના ગુજરાતી વિકિપીડિયાને કેમ સુલભ બનાવી, તેની રામ કહાણી ધવલભાઈએ ખૂબ રસભરી અદાથી રજૂુ કરી.
અહીં એક વાતની ગૌરવપૂર્વક નોંધ લેવી રહી. ઉપરોક્ત ત્રણેય યુવાનોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ણાત છતાં શ્રોતાઓને સમજાય તેવી રીતે ગુજરાતી લેક્સિકોન, બ્લોગ અને વિકિસ્રોત વિશેની વિગતો અત્યંત સરળ શબ્દોમાં, સહજતાથી અને આત્મવિશ્વાસથી રજૂ કરીને સહુને સાનાન્દાશ્ચર્યનો અનુભવ કરાવ્યો.
સાદાં છતાં સ્વાદિષ્ટ ભોજન બાદ બ્રિટનના વરિષ્ઠ શાયર ઈબ્રાહિમ ઓ. રાઠોડ ‘ખય્યામ’ની મેજબાની હેઠળ, ‘ઝૈનાહ-બિલાલ’ નામે મુશાયરાની મહેફિલ જામી હતી. ભારતથી બ્રિટનની મુલકાતે આવેલા જાણીતા કવિ-સાહિત્યકાર ચિનુભાઈ મોદી મુશાયરાના મુખ્ય મહેમાન હતા. વળી, મુશાયરાનું સંચાલન ગુજરાતી ડાયસ્પોરાના અવ્વલ દરજ્જાના ગઝલકાર અદમભાઈ ટંકારવીના હાથમાં હતું. બ્રિટનભરના, ઠેરઠેરથી આવેલા, વીસેક જેટલાં કવિઓ અને શાયરોએ મુશાયરામાં ભાગ લીધો હતો. સાંજનો સમય રાતમાં પલટાતો રહ્યો અને કવિતાની રંગત સહુનું મનોરંજન કરતી રહી.
તારીખ 30મીની સવારની બેઠક ‘દર્શક’નું સાહિત્યવિશ્વ કવિ પંચમ શુક્લના સભાપતિ પદ હેઠળ પ્રારંભ થઈ. એ બેઠકના પ્રથમ વક્તા અનિલ વ્યાસ એક વાર્તાકાર તરીકે જાણીતા છે જેઓ તુરંતમાં એક નવલકથા પણ આપવાના છે. તેઓએ ‘દર્શક’ની નવકથાઓ વિષે એક સુંદર વિવેચનાત્મક, અભ્યાસપૂર્ણ અને રસાળ વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું કે ‘દર્શક’ની નવલકથાઓ વાંચતાં અહેસાસ થયા વિના ન રહે કે તેમણે હંમેશ સદ અને અસદના સંઘર્ષ વિષે લખ્યું. તેઓએ ભદ્ર સંસ્કૃિત અને લોક સંસ્કૃિતનાં મૂલ્યોને ઉપાસ્યા. લેખકની સમાજ પ્રત્યેની જવાબદારી, કળા તરફની વફાદારી અને ઘડાયેલી વિચારધારા સર્જનમાં આત્મસાત થાય તો સર્જક કેવું સંસ્કારી સાહિત્ય રચી શકે તે તેમની નવલકથાઓની લિજ્જત લેતાં સમજાય છે. આમ તો ‘દીપ નિર્વાણ’, ‘બંદીઘર’, ‘1857’, ‘બંધન અને મુક્તિ’, ‘સોક્રેટીસ’ અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી એક એકથી ચડિયાતી નવલકથાઓના રચયિતા એવા ‘દર્શક’ની દરેક કૃતિનું વિગતે વિવરણ કરવાનો લોભ થાય. સ્વ. ડોલરરાય માંકડે કહેલું તેમ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં લેખકે બુદ્ધના કરુણા, મુદિતા અને ઉપેક્ષાના ભાવોને તેનાં સબળ પાત્રો દ્વારા વાચકો સમક્ષ મૂકી આપ્યા છે. ઉમાશંકર જોશીએ કહેલું કે એ નવલકથાના પ્રારંભનાં 130 પાનાં અતિ રસાળ છે અને જો એ જ પ્રકારે આખી નવલકથા લખાઈ હોત તો ગુજરાતમાં હાહાકાર થઇ ગયો હોત. પરંતુ એ આખી નવલકથામાં રસ જમાવવાની તેમની અનેરી શક્તિને કોણ નકારી શકે?
‘સોક્રેટીસ’ વિષે વાત કરતાં અનીલ વ્યાસે સાચું જ કહ્યું કે ‘દર્શક’નો સત્ય અને શીલના વિભૂતિ તત્ત્વનાં મૂલ્યોનો ઉઘાડ કરવાનો હેતુ અને નવલકથા લખવાનો અનુરાગ દુગ્ધ-શર્કરા યુક્ત છે. અને એટલે જ તો ગ્રીકના ગણરાજ્યો, લોકશાહી અને કેળવણી જેવા વિભિન્ન તાણાવાણાથી રેશમ જેવું પોત એ નવલકથાનું વણાયું. પેરેક્લીસનું સ્વપ્ન એથેન્સને આદર્શ લોકશાહી નગર રાજ્ય બનાવવાનું હતું. જ્યારે સોક્રેટીસને લોક સાથે પ્રેમ હતો અને ‘શાહી’ સામે વાંધો હતો જેનું નિરૂપણ ‘દર્શકે’ અજબ કુશળતાથી કર્યું, જેમાં તેમના પર ગાંધી મૂલ્યોની અસર થયાની ઝલક મળે. એટલે જ તો ઇશુની દયા અને સ્નેહ તો વળી બુદ્ધની કરુણા અને વ્યથા એ સોક્રેટીસમાં ભાળી શક્યા અને તેને ઇતિહાસના છત્રમાં જોઈ શક્યા.
પોતે વ્યવસાયે કેળવણીકાર અને દિમાગથી ચિંતક એટલે સત્ય અને સૌન્દર્યનો સમન્વય કરી સત્ય અને પ્રેમનો વિજય ‘સોક્રેટીસ’માં બતાવી શક્યા. પોતાની બહેનના લગ્નમાં નાણાંની જરૂરિયાતને પૂરી કરવા ‘દર્શકે’ ‘દીપ નિર્વાણ’ નવલકથા એક મહિનામાં પૂરી કરેલી તે સહુ જાણે છે. મગધમાં વિલીન થતા નાનાં રાજ્યોના દીપના નિર્વાણની એ કથાનાં તાદ્રશ્ય વર્ણનો, કથાનું લાઘવ અને સંસ્કૃતના તદ્દભવ તથા તત્સમ શબ્દોનો ઉચિત ઉપયોગ એ તેની સિદ્ધિ છે. આ અનુપમ નવલકથા દ્વારા તેમણે વાચકોને ઇતિહાસ ભેટ ધર્યો. ‘બંદીઘર’ જેલયાત્રાના અનુભવોની કથા છે. અહીં ત્રણ પ્રકારના સંઘર્ષનું ચિત્રણ થયું છે, એક ભારતની સ્વતંત્રતાનો સંઘર્ષ, બીજો જેલમાં થતા દમન અને ત્રીજો સંઘર્ષ તે સાથી કેદીઓની વિચારધારા વચ્ચેનો. ‘બંધન અને મુક્તિ’ એ ‘1857’ની પૂર્વભૂમિકા રૂપે આવે છે અને બંનેમાં જાતિ, સંપ્રદાય, પ્રદેશના સીમાડા ઓળંગી જઈ રાજકીય સ્વતંત્રતા સંગ્રામ સાથે પ્રેમકથાનો વિનિયોગ માત્ર ‘દર્શક’ જ કરી શકે. ‘દર્શક’ના સર્જનમાં ખંડ દ્વારા અખંડની યાત્રા જોઈ શકાય છે. તેમની નવલકથામાં સાત્ત્વિક ગુણો માણસને માનવીય વિકાસ તરફ લઈ જતા અનુભવી શકાય. ‘દર્શક’ સર્જક સંસ્કૃિતના સજગ પ્રહરી હતા એ વિધાન સાથે અનિલભાઈએ પોતાનું ઉચ્ચ વિચારો, સમૃદ્ધ શબ્દ ભંડોળ અને શ્રદ્ધાપૂર્ણ અંજલી સાથેનું વક્તવ્ય સમાપ્ત કર્યું.
બીજા વક્તા આશા બૂચ કે જેમનો જન્મ અને ઉછેર રચનાત્મક કાર્યમાં રત એવા માતા-પિતાને ઘેર થયો અને જેમનું આંગણું ઢેબરભાઈ તથા જયાબહેન-વજુભાઈ શાહના નિવાસ સ્થાન સાથે જોડાયેલું અને રાજકોટની રાષ્ટ્રીય શાળા રમતનું મેદાન હતું. આવા માહોલમાં અનેકવિધ પ્રાંતીય અને રાષ્ટ્રીય કર્મશીલોની આસપાસ જીવનનાં પ્રથમ વર્ષો ગાળવાનું સદ્દભાગ્ય મળવાથી જે વિચારો ઘડાયા તે તેમના લખાણ અને કાર્યમાં વ્યક્ત થાય છે.
આશા બૂચે ‘દર્શક’નાં કથેતર સાહિત્ય વિષે વાત જરા જુદા ઢંગમાં કરી. એક શોધ નિબંધ લખનારી વિદ્યાર્થિની પોતાના અભ્યાસનો નિચોડ આપવાની સાથે સાથે ‘દર્શક’ને કેટલાક પ્રશ્નો પૂછે છે એવો સંવાદ તેમણે ભજવી બતાવ્યો. ‘દર્શક’ કેળવણી વિચાર, ધર્મ દર્શન, ચરિત્રો, સમાજ ચિંતન, રાષ્ટ્ર ચિંતન, ઉપરાંત સમાજ, દેશ અને વિશ્વની ઘટનાઓને આવરી લે તેવા બહુ આયામી સાહિત્યનુ સર્જન કરી શક્યા તેની પાછળ કયું પ્રેરક બળ કામ કરી ગયું, ઐતિહાસિક ઘટનાઓનું આવું સમુચિત દર્શન તેઓ જાણે વાર્તા કહેતા હોય તેમ સહજ રીતે સમજાવી શક્યા તેની પાછળ શું રહસ્ય છે, શાસ્ત્રોમાં ઉદ્દબોધાયેલ મૂલ્યોને આ રીતે સમજીને રજૂ કરવાનો દ્રષ્ટિકોણ તેમને ક્યાંથી સાંપડ્યો, કેળવણી વિષયક સાહિત્ય પ્રકાર પર તેમના વિચારોનાં કયાં પાસાંની મહદ્દ અંશે અસર છે, સામયિકોમાં લેખ લખવા અને તંત્રીપદ સંભાળવાનું કાર્ય અન્ય અનેકવિધ જવાબદારીઓ છતાં શા માટે સ્વીકાર્યું અને ગાંધીજીના જીવનના અંતિમ વર્ષોની તેમની એકલતા અને પોતાના સાથીઓ માટે કાળબાહ્ય થઈ જવાની પરિસ્થિતિને તેમણે યુધિષ્ઠિરની અંતિમ જીવન યાત્રા સાથે સરખાવીને એક નવો આયામ આપ્યો, એ દ્વારા તેઓ વાચકોને શું કહેવા માગે છે એવા પ્રશ્નો ‘દર્શક’ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ‘દર્શકે’ પોતાની આગવી લાક્ષણિક ભાષા અને બોલવાની લઢણથી તેના સમુચિત ઉત્તરો આપ્યા (‘દર્શક’ની હયાતીમાં આ સંવાદ રચાયેલો એવી કલ્પના કરવામાં આવી છે). છેવટ વેદ, ઉપનિષદ, રામાયણ-મહાભારત અને ગીતાપઠનના પરિપાક રૂપે સન્યસ્ત લઈ ભગવાં ધારણ કરવાને બદલે ‘દર્શકે’ ગ્રામ અને નગરવાસીઓને, ખેડૂત અને કસબીઓને એમની જ ધીંગી ધરા પર જઈને સાહિત્યની અમૃતગંગાનું પાન કરાવ્યું, વિકાસ અને જ્ઞાનના દર્શન કરાવી આપ્યાં અને એ રીતે આપણી સંસ્કૃિતના ખરા દર્શક બન્યા એવી શબ્દાંજલિ સાથે એ વક્તવ્ય વંદન સહિત પૂરું થયું.
એ બેઠકના ત્રીજા વક્તા તે ગુજરાતના નામાંકિત કવિ, પત્રકાર અને નાટ્યલેખક ચિનુ મોદી હતા જેમનો પરિચય ગુજરાતી સાહિત્ય રસિકોને ભાગ્યે જ આપવો પડે તેમ છે. આજે ગણ્યા ગાંઠ્યા નાટ્ય લેખકો એવા છે જેમની કલમે દર્શકોની વિભાવનાને પોષે અને વિકસાવે એવાં નાટકો લખાય, તેમાંના એક ચિનુભાઈ મોદી છે જેમણે પ્રયોગાત્મક અને ભજવી શકાય તેવાં નાટકો ગુજરાતને આપ્યાં છે. તેમણે ‘દર્શક’ના નાટકો વિષે અનોખી રીતે વાત કરી. ‘દર્શક’ લિખિત નવલકથા ‘સોક્રેટીસ’નું નાટ્ય રૂપાંતર ભરત દવેએ કરેલું. એ વિષે વાત કરતાં ચિનુભાઈએ કહ્યું કે એક કલા પ્રકારમાંથી બીજા કલા પ્રકારમાં ઢાળવામાં આવે ત્યારે મૂળ કૃતિ બીજા કલા પ્રકારમાં બંધ બેસતી થાય તેમ છે કે નહીં તે જોવું અગત્યનું છે. પરંતુ રમેશ ર. દવે કહે છે તેમ ‘સોક્રેટીસ’ તો ‘દર્શક’નું સંવાદ કળાનું ઉજળું ઉદાહરણ છે. ‘પરિત્રાણ’ કરતાં વધુ સારા સંવાદો આ નવલકથામાં છે. બીજી એક બાબત એ ધ્યાનમાં લેવા જેવી ખરી કે નવલકથાનું નાટક બની શકે? નવલકથાનું સૌન્દર્ય નાટકમાં જળવાવું જોઈએ. જો તેનું નાટ્યરૂપાંતર ન થયું હોત તો ‘સોક્રેટીસ’ અધૂરી કે નિષ્ફળ કહેવાત? પણ આપણે જાણીએ છીએ કે એ તો નવલકથા તરીકે જેવી ઉત્તમ તેવી નાટક તરીકે પણ અજોડ નીવડી.
ગિરીશ કર્નાડની કેડીએ ભરત દવે ચાલ્યા એટલે નાટકમાં રૂપાંતર થવાથી મૂળ કૃતિને અધિક સુંદરતા પ્રાપ્ત થઈ. ભરત દવે ‘દર્શક’ની વાક્છટા, મિજાજ, અને વિચાર શક્તિને કારણે ઉપસતા દ્રઢ વ્યક્તિત્વથી સુપરિચિત હોવાને લીધે નાટકને પૂરો ન્યાય આપી શક્યા. ટેલીવિઝન સિરિયલ કે ટૂંકી ફિલ્મ બનાવવાને બદલે તેમણે રંગમંચ પર પ્રયોગ કરવાનું ઠરાવ્યું. નવલકથાના 270 દ્રશ્યોનું માત્ર 24 દ્રશ્યોમાં રૂપાંતર કરવું એ સહેલી વાત નહોતી. તેમાં ય પહેલું પ્રકરણ ભરત દવેએ ગેય કોરસ રૂપે રજૂ કરીને તો કમાલ કરી બતાવી. તેનાથી આખા નાટકનો અદ્દભુત ઉઠાવ આવ્યો. એક ઠોસ પશ્ચાદ્દભૂ ખડી કરી. ચિનુભાઈએ પોતાની વિશિષ્ટ કલા શૈલીથી એ કોરસ ગાઈને અમ સહુ શ્રોતાઓના મન હરી લીધાં. ઘટનાઓના ઘટાટોપ વચ્ચેથી કેડી રચી નાટક બનાવવું, પ્રેક્ષકોનો રસ સતત જાળવી રાખવો એ એક પડકાર છે. ‘દર્શક’થી દૂર ગયા વિના સંવાદોની અદલાબદલી કરી, ક્રુરતાથી મહત્ત્વના લાગે તેવા સંવાદો છોડીને સોક્રેટીસના વ્યક્તિત્વના ઉત્તમ પાસાને ઉજાગર કરે, કથાને પ્રકાશમાં લાવે તેવા સંવાદો જાતે ઉમેરવાનું કામ ભરત દવે જ કરી શકે. સોયમાં દોરો પરોવતાં માત્ર છિદ્ર જોવાનું હોય, સોય નહીં. તેવી એકાગ્રતાથી પાત્રો અને સંવાદની પસંદગી થઈ. ઉદાહરણ તરીકે દાયોસીદને પેરેક્લીસ મોતની સજા કરે છે તેની જાણ દાંડી પીટીને કરી એટલું જ ‘દર્શકે’ લખેલું, તેમાં શું કહેવું અને કેવી રીતે તે ભરત દવેએ ઉમેર્યું. અહીં ભરત દવેની રૂપાંતર કલાની જેટલી સરાહના કરીએ તેટલી જ અથવા એથી ય વધુ ‘દર્શક’ની લેખન કલાની કરવી રહી. ‘દર્શક’ નવલકથાનો ઉપાડ નાટક જેવો કરે છે. જેમ કે સોક્રેટીસને મૃત્યુદંડ અપાયો ત્યારે સ્પાર્ટાના અધિપતિ કહે, “સોક્રેટીસ નિર્દોષ છે, એને મૃત્યુદંડ આપી તમે હજાર વરસ સુધી માનવ ઇતિહાસના ગુનેગાર થશો.”
ત્યારબાદ ચિનુભાઈએ નાટકના કથાવસ્તુની વિગતે ઝાંખી કરાવી. ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી તેમાં લોકશાહીના લીરેલીરા ઊડી ગયા તેના પ્રત્યુત્તર રૂપે ‘સોક્રેટીસ’ રચાઈ. ઉમાશંકરે કટોકટી વખતે કહેલું, “આખો હિમાલય કાળો થઇ ગયો.” રોટલી ખાઓ ત્યારે ખાતરની વાસ ન આવવી જોઈએ તેમ કટોકટીનો સીધો વિરોધ નોંધાવ્યા વિના લોકશાહીને ઇતિહાસની આંગળીએ લોકમાનસમાં પાછી લાવે તે ‘દર્શક’. આજે પણ એવી પરિસ્થિતિ છે કે તે ઈતિહાસ આવાં પાત્રો દ્વારા ફરી જીવતો કરવો જોઈએ તેવી ટકોર ચિનુભાઈએ કરીને પોતાનું અતિ રસપ્રદ વક્તવ્ય સમેટ્યું.
30ની સાંજ ‘મનુભાઈ પંચોળીની સમાજ્ચર્યા’ને નામ હતી. એ બેઠકનું સંચાલન ગોવર્ધનરામ ત્રિપાઠી અને મન:સુખરામ ત્રિપાઠીના વંશજ એવા એક બળુકા પત્રકાર અને લેખક સલિલ ત્રિપાઠીના કુશળ હાથમાં હતું. તેમણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિષે ટૂંકમાં પણ મુદ્દાની વાત કરી. ‘દર્શક’ એક લેખક હતા તે આપણી સંસ્કૃિત અને મૂલ્યોના. તેઓ હિંદુ, જૈન, પારસી કે મુસલમાન નહીં, ખરા ભારતીય હતા. એક સ્વાતંત્ર્ય સેનાની જરૂર હતા પણ વધુ સારા શિક્ષક અને તેથી ય વધુ સારા ખેડૂત પુરવાર થયા. એમ તો તેઓ ઇતિહાસકાર અને સમાજ સુધારક પણ હતા. બીજું શું શું નહોતા? સ્વતંત્રતાની રજત જયંતી નિમિત્તે મળેલ તામ્ર પત્ર કટોકટી સમયે પાછું મોકલતા કહેલું, “તમે લોકશાહીને મૂળથી ઉખેડી કાઢી છે માટે પાછું મોકલું છું.” આવા નિર્ભીક અને લોકશાહીના પ્રહરી એવા મનુભાઈ તેમના અવસાન બાદ એટલે કે 2001 બાદ ગુજરાત, ભારત અને દુનિયામાં બનેલ ઘટનાઓ માટે આક્રોશ વ્યક્ત કરવા આગેવાની લેત તેમ જરૂર કહી શકાય. સલિલ ત્રિપાઠીએ આ બેઠકના વક્તા પ્રકાશભાઈનો પરિચય આપતાં કહ્યું, રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસના વિદ્યાર્થી, એચ.કે. આર્ટસ કોલેજના અધ્યાપક, અનેક વૈચારિક આંદોલનો સાથે જોડાયેલા તથા ‘નિરીક્ષક’નું તંત્રી પદ સંભાળતા એવા પ્રકાશભાઈ આજે આપણી વચ્ચે પૈસા વિના સાહિત્યને સાચવનારા જે રડ્યાખડ્યા માણસો પડ્યા છે તેમાંના એક તરીકે અને મનુભાઈ સાથે નિકટથી કામ કર્યું છે એવા એક સદ્દભાગી કર્મશીલ તરીકે આપણી વચ્ચે છે તેનો આનંદ છે.
મનુભાઈ પંચોળીની બહુમુખી પ્રતિભાનું એક પાસું તેમના કાર્યોનો સમાજહિત સાથેનો અજોડ તંતુ. આ વિષે વાત કરતાં પ્રકાશભાઈએ કેટલીક રસપ્રદ વાતોનો ઉઘાડ કર્યો. નાનાભાઈ ભટ્ટ પાસે ગૃહપતિ તરીકે મનુભાઈ જોડાયેલા. તેમના મનમાં ગુરુનું માન ખરું પણ ગુરુડમ ન ચાલે, જ્યારે નાનાભાઈ નથુરામ શર્માના રૂઢીચુસ્ત વિચારો તરફ ખેંચાયેલા તેથી તેમનો સાથ મનુભાઈએ નિર્ભય થઈને છોડ્યો. તેમને ગામડામાં નિશાળ નહોતી કાઢવી, ગામડાંની નિશાળ કાઢવી હતી. અહીં સમાજ પ્રત્યેની ફરજનું ભાન દેખાઈ આવે છે. સમાજની જરૂરિયાતો અને નવી કેળવણીનો માનવીય મેળ કરવાની તેમની ધગશ હતી. જ્ઞાન વિસ્તાર માટે કલમ લઈને ગયા. ગાંધીએ ઉદ્યોગ માટે ચરખો આપ્યો, તો નાનાભાઈ અને મનુભાઈએ ખેતી અને ગોપાલન આપ્યાં. આમ જે સમાજને શિક્ષિત કરવો હતો તેમનુ હિત સાધવા નવાં સાધનો, મૌલિક વિચાર અને આચાર લઈને ગયા. ઉમાશંકર જોશીના સમયના એટલે કે ‘20 અને ‘30ના દાયકાના કવિઓ ‘હાલોને ગામડે જઈએ’ ગાતા આવ્યા, તે રોમાંચક ખ્યાલ હતો જેનો વાસ્તવિકતા સાથે યોગ થવો જરૂરી હતો. આ કામ મનુભાઈએ કર્યું. તેમને લાગ્યું, યુક્ત થાઓ તો સમાજ મુક્ત થાય. મનુભાઈએ ગાતા ગાતા કામ કરવાનું અને કામ કરતાં કરતાં ગાવાનું કામ કર્યું.
ગામમાં ઘર કેટલાં એમ પૂછો તો છેવાડેના ચમાર, ઘાંચી અને હરિજનોના ઘરને બાદ કરીને સંખ્યા કહે એવા સમયમાં હરિજનોના બાળકોને ગામના વિરોધ છતાં દાખલ કર્યા. આમ નવો સમાજ રચવાની જુદી રીત અપનાવી. મનુભાઈ મુખોમુખ સમાજ રચવા મથ્યા, ઝૂઝ્યા અને પોતાની કલ્પના, ઈચ્છા આમ સાકાર કરી. એ જમાનામાં પણ આજની જેમ ગામમાં બધી જાતના માણસો રહે પણ કોઈ નાગરિક નહોતો. પોતાના સમાજના નાગરિકને જાગૃત અને રાજ્યનો પણ વિવેચક બનાવવા કૃષિ-ગોપાલન સાથે ઇતિહાસ, રાજકારણ અને વિજ્ઞાન ભણાવીને આગામી સદી માટે સજ્જ કરવા મનુભાઈ પ્રયત્નશીલ રહ્યા.
જો સાહિત્યના વિકાસ સાથે સમાજોત્થાનની વાત પ્રજાને સમજાવાઈ હોત તો ગોવર્ધનરામ ત્રિપાઠીના સમયના કલ્યાણગ્રામથી સેવાગ્રામ રચવાને આટલો સમય ન લાગ્યો હોત. દરેક માનવીનું જીવન સ્થાનિક તેમ જ વ્યાપક સ્તરે વિકસવું જોઈએ અને ખેડૂત એક કર્મશીલથી જુદો ન હોય તેવી માન્યતાએ મનુભાઈના કેળવણી, સાહિત્ય અને સમાજને લગતા કામને એક્સૂત્રી બનાવ્યું. મન:સુખરામના સમયને આમ આદમીની ખબર નહોતી જે રમણલાલ દેસાઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા જાણ થઈ, જ્યારે મનુભાઈએ આમ આદમીને કેન્દ્ર સ્થાન આપ્યું. ભદ્ર અને સંત સંસ્કૃિત વચ્ચે હિલ્લોળા લેતા સમાજ સામે મેઘાણીએ લોક સંસ્કૃિત ઉઘાડી આપી. ‘દર્શક’નો નાયક લોક સંસ્કૃિતમાંથી આવે છે. કનૈયાલાલ મુનશી ઉચ્ચ વર્ણના પાત્રો અને રાજા રજવાડા પાસે ગયા, તો ‘દર્શક’ ગણતંત્ર અને આમ વર્ગના પાત્રો પાસે ગયા. આમ વંશાનુક્રમ, વર્ગાનુક્રમ અને વર્ણાનુક્રમ વગરની દુનિયાની વાત ‘દર્શકે’ કરી. મહાભારતમાં વસ્ત્રાહરણની વાત સહુ જાણે છે. આપણે માનીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યાં।પણ ‘દર્શક’ કહે છે, એક નારીની લુંટાતી લાજથી ગાંધારી વ્યથિત થઈ એટલે બીજી રાજ સ્ત્રીઓએ તેની સાથે મળીને વસ્ત્રાવરણ (વસ્ત્ર આવરણ) પૂર્યું. આવું દર્શન ‘દર્શક’નું જ હોય. નવા યુગની નારી શક્તિનું મહત્ત્વ તેમણે આમ લોક માનસમાં રોપ્યું. મનુભાઈ પંચોળી એક કેળવણીકાર, ઇતિહાસવિદ્દ અને સમાજહિત ચિંતક તરીકે પોંખાયા અને ‘દર્શક’ ઉપનામ હેઠળ ઉત્તમ સાહિત્યકાર તરીકે પંકાયા, પણ તેમને પોતાને મન તો પોતાની સમાજચર્યાની ચોપાસ તેમનાં બધાં કાર્યો અને સિદ્ધિઓ ગરબે ઘુમતી રહી એવું પ્રકાશભાઈના વક્તવ્ય પરથી ફલિત થયું.
પરિષદનું સમાપન કરવાનું કાર્ય વિપુલ કલ્યાણી, પ્રકાશ ન. શાહ અને અદમ ટંકારવીએ સુપેરે પાર પાડ્યું. પ્રકાશભાઈએ જેમ બંગાળમાં બંકિમચન્દ્રથી ટાગોરનો એક યુગ ગણાય છે તેમ ગુજરાતમાં ક.મા. મુન્શીથી ‘દર્શક’નો એક સમયગાળો ગણાવી શકાય તેમ પ્રતિપાદિત કર્યું. બીજી પણ એક સુંદર વાત કરી. એક વખત બનારસના પંડાઓ ભાંગથી તૃપ્ત થઈ મોજમાં આવીને આખી રાત હલ્લેસાં મારતાં કશેક જવાનો મનસૂબો લઈને નીકળ્યા. સવાર પડતાં આસપાસ નજર ફેરવતાં બોલી ઊઠ્યા, “ખરેખર ઈશ્વર દયાળુ છે, આ જગ્યા આપણા બનારસ જેવી જ લાગે છે.” એક પંડાને ભાંગ ઓછી ચડેલી, તેણે સત્ય પ્રકાશ્યું, “મૂર્ખાઓ, આપણે હલ્લેસાં માર્યાં પણ લંગર નહોતું છોડ્યું.” એમ ભારતમાં યુગાનુકુલ રચનાઓ થઈ, ગુજરાતીઓ દેશ-વિદેશ ગયા અને યથાશક્તિ ભાષાની જાળવણી કરી પણ તપાસવું રહ્યું કે હલ્લેસાં માર્યાં પણ લંગર છોડ્યું છે કે નહીં?
ગુજરાતી સાહિત્ય એકેડેમીની હોંશ, મથામણ અને મૂંઝવણ આ લંગર છોડવાની છે એ વિષે વાત કરવા સહુ ભેળા મળ્યા અને નવા મિત્રો કાર્ય ભાર સંભાળવા તૈયાર થાય છે એ જોઈને પ્રકાશભાઈએ આનંદ વ્યક્ત કર્યો.
અદમ સાહેબે ‘હવે ક્યાં અને શું?’ એ પ્રશ્ન આગળ ધર્યો. ‘દર્શકે’ સોક્રેટીસ આજે હોત તો રાજ્ય પદ્ધતિ વિષે એનો અભિગમ કેવો હોત તેની વાત નવલકથામાં કરી. તેમ જ આપણે ‘દર્શક’ હોત તો તેમનો સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અને રચનાકારોના તળ ગુજરાત તથા ડાયસ્પોરામાં સ્થાન-માન વિષે કેવો અભિગમ હોત તે વિચારવું રહ્યું. ‘દર્શક’ “હવે આગળ શું કરવાના છો?” એમ જરૂર પૂછત. નજીકના ભવિષ્યમાં અનુવાદિત ગ્રંથ પ્રગટ કરવાનો સંકલ્પ લેવાની હાકલ અદમ ટંકારવીએ કરી.
“પરબ” તેમ જ “શબ્દસૃષ્ટિ” સરીખાં સાહિત્યિક સામયિકો પૂરેપૂરાં પુન: અૉનલાઈન ઉપલબ્ધ કરાવવા વિનંતી કરતા ઠરાવો પણ પસાર થયા.
વિપુલભાઈના મતે આપણા પછીની પેઢી ભાષા વિમુખ થયાનો વસવસો કરીએ છીએ પણ આપણે પોતે વાંચવાનું છાંડ્યું, વિચારવાનું છોડ્યું તેનો એકરાર કેમ ન કરીએ? અંતરમાં ઝાંકીએ તે જરૂરી. વિનોબાજી કહેતા તેમ સરકારી હોય તે અસરકારી ન હોય, એ ન્યાયે અકાદમી લોકાધારિત છે, તો એને ટકાવવા, આગળ ધપાવવા લોકનું પ્રદાન અનિવાર્ય છે અને તે પણ માત્ર આર્થિક નહીં, ભાષાકીય પણ.
આમ આ દ્વિ દિવસીય ગુજરાતી ભાષા-સાહિત્ય પરિષદની સમાપ્તિ થઈ. પરંતુ મનમાં ‘દર્શક’ અને રતિભાઈ ચંદરિયાનાં અણમોલ પ્રદાનનું રટણ ગુંજ્યા કરશે.
e.mail : 71abuch@gmail.com
21 અૉક્ટોબર 2015
૨. ઉદ્દઘાટન બેઠક
વીડિયો
પ્રકાશભાઈ શાહ
ગતિના માણસ, પ્રગતિના માણસ, સંક્રાતિના માણસ અને પરિવર્તનની રગ જાણનાર દર્શક
− પ્રકાશ ન. શાહ
આપણા અધ્યક્ષ અદમભાઈ, વિપુલભાઈ અને સૌ મિત્રો.
તેમણે કહ્યું છે કે બે બોલ. ટૂંકમાં થોડી વાત કરીશ. એક તો વ્યક્તિગત રીતે એક આનંદ અને આભારની લાગણી, કે આપણી અકાદમીએ મને એક ફેલો તરીકે પોતાનો કર્યો. અકાદમી શબ્દ તો મોટો છે. એકેડેમી ધાતુ તો વેદમાંથી આવ્યો. એમાં પણ વળી ક્યાંકથી હશે. પણ આ વાત કરું છું, ત્યારે મને કોલેજના છાત્ર તરીકેના દિવસો યાદ આવે છે. બૅરિસ્ટર નાથ પૈ અમારે ત્યાં આવ્યા હતા કોલેજમાં. એક ઝૂઝારુ સાંસદ. જ્યારે સમાજ્વાદી આંદોલન જેવું કાંઈ હોઈ શકતું હતું, તે સમયના સાંસદ. અને અમારા આચાર્યે એમને આવકાર આપ્યો. તો પહેલું જ વાક્ય નાથ પૈએ કહ્યું કે, હું તો ઉપકૃત છું કે એકૅડૅમીમાં આવ્યો છું. અને પછી એકૅડૅમીની વ્યાખ્યા કરી. એણે એમ કહ્યું કે એકૅડૅમીની વ્યાખ્યા શું. પ્લેટો કહેતો હતો, નાથ પૈએ ફોડ કર્યો, એનો ગુરુ સોક્રેટિસ, સોક્રેટિસ ઈઝ ધ ડિયર બટ ડિયરેસ્ટ ઈઝ ધ ટ્રૂથ. સોક્રેટિસ મને પ્રિય છે, પણ સત્ય પ્રિયતર છે. આ એકૅડૅમી, તો એવું મોટું નામ એકૅડૅમી જોડે શું શું દુર્વ્યવહરો થાય, એ વળી આપણા તળ ગુજરાતનો જુદો જ અનુભવ છે.
આપણાં મોટા લેખક અને કર્મશીલ જયંતિ દલાલ કહેતા કે અકાદમી એટલે શું. એક આદમી અને બાકી બધા ડમી ડમી. અત્યારે ગુજરાતમાં અમે એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. ગુજરાત કે અહીંયા, જે મોટી વાત મને લાગી આજે પ્લેટોના ઉદ્દગારોની, એવા ઉદ્દગારો સ્વરાજની લડતના છેક શરુઆતના તબક્કામાં વીસમી સુધીના શરૂઆતના દાયકાઓમાં રવીન્દ્રનાથે વાત કરી કે, હું દેશને ચાહું છું, પણ સત્યને દેશથી ઉપર મૂકું છું. વંદન તો સત્યને. આ અત્યારે કેમ મેં યાદ કર્યું. એટલા માટે યાદ કર્યું કે આપણી અહીંની જે આ અકાદમી છે, એનો એક વિશેષ મને હંમેશ સ્પર્શે છે. એ વિશેષ આ છે કે અહીં ગુજરાતી એટલે ગુજરાતી. એણે નાત-જાત કહો ને રાષ્ટ્રીયતા એ બધાને ઓળંગી જઈ એક ગુજરાતી એટલે ગુજરાતી. નર્મદે પ્રશ્ન કર્યો હતો ને, કોની કોની છે ગુજરાત. અને એના જવાબમાં એણે તે વખતે જેટલું એને સૂઝ્યું તેટલું બધું આવરી લીધું હતું. પણ તે નાત-જાત-કોમનીની વ્યાખ્યામાં બંધ નહોતું. એ છેલ્લાં બસો વર્ષનો ઇતિહાસ અને છેલ્લા બે વિશ્વ યુદ્ધનો ઇતિહાસ એ રાષ્ટ્રવાદ અને એની જોડે સંકળાયેલી બાબત, સંસ્થાનવાદ. હવેના જમાનામાં નેશન પણ જો એક વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સ્વીકાર ના કરે, તો એ ન ચાલે, સિવાય કે અાપણે ઇતિહાસમાં પાછા જવું હોય.
ટોયેનબીએ ‘સ્ટડી અૉવ્ હિસ્ટ્રી’ જે કર્યો, એમાં પણ એણે એક સાદી દલીલ આપી છે. બહુ સુંદર દાખલો આપ્યો છે. એણે એક કહ્યું છે કે કોઈ પણ દેશનો ઇતિહાસ ભણવો હોય, અભ્યાસ કરવો હોય, તો માત્ર એ દેશનો જ સંદર્ભ નહીં ચાલે. એણે સગવડ ખાતર એમ કહ્યું કે આજુબાજુના દેશોનો આખો ગુચ્છ કરવો, અને એ આખા સંદર્ભમાં તમે વાંચો એ દેશને, તો તમે એના હિતને સમજશો. અને આજે જે આપણે આ વસ્તુ કહીએ છીએ, સોક્રેટિસ પ્રિય છે, સત્ય પ્રિય છે, દેશને ચાહું છું, પણ સત્યને વંદન કરીશ. અને આ અકાદમી જોડે હું જોડાઉં, તમે ને હું, ત્યારે એ નાત-જાત-કોમ અને રાષ્ટ્રને વટી જતી વાત છે.
ખરું જોતાં ‘કોમ’ અને ‘રાષ્ટ્ર’ એ બે શબ્દ જુદા ન બોલવા જોઈએ, કેમ કે મૂળમાં તો કોમ એટલે આખી પ્રજાની જ વાત છે. પણ આપણે ગુજરાતમાં એને કોમ એટલે કોમવાદની જોડે આખી વાત ચાલી ગઈ. એ કૉમ્યુનલ કહેતાં કૉમ્યુિનટીનો જે ખ્યાલ હોય, સમગ્ર સમાજનો, એ ન રહ્યો. બાદશાહખાન આવ્યા, 1969માં શતાબ્દી વર્ષમાં, અને અમદાવાદમાં. અને અમદાવાદ તો એ વખતે જુદી સ્થિતિમાં હતું. 1969માં રમખાણો હતાં. ઉમાશંકર, બાદશાહખાનનું ભાષણ પતી ગયા, પ્રસંગ પડ્યે લખવાનું થયું, બોલવાનું થયું, ત્યારે આ શબ્દનો અર્થ, ખાસ પોતે, સમજાવતા. કેમ કે બાદશાહખાન તશબ્દુદ બોલે, એ ઉર્દૂ બધાને પરિચિત ન હોય, એટલે શાંતિ ના કહેવાય. તશબ્દુદનો અર્થ શાંતિ એમ વાત. બીજું ખાસ કહેતા બાદશાહખાન કોમ શબ્દ વાપરે છે, કે કોમ ને ક્યા કિયા, એટલે કે, Where are we going as a nation ? Whither the nation ? એ અર્થમાં કોમ શબ્દ. પણ જેમ શેલીએ કહ્યું ને કે પ્રેમ શબ્દ બહુ સારો છે, પણ વાપરીશ નહિ, કારણ કે ઘણા લોકોએ વાપરી વાપરીને પ્રોફેન કરી નાખ્યાં છે. બર્નાડ શો કદાચ કે સી.ઈ.એમ. જૉડ કદાચ સમાજવાદ વિશે આવું કહેતા કે એ એવી ટોપી છે, એટલા બધા માથાએ પહેરી કે એનો ઘાટ નથી રહ્યો. [વધારે માટે, આપણે છે ને શું કહેવાય, ટોની બ્લેરને પૂછવું હોં.] પણ હું જે વાત કરતો હતો કે અહીંની અકાદમીનો આ જ અભિગમ, જેમાં દીપકસાહેબ, કે અદમસાહેબ, કે વિપુલ કલ્યાણી કે પંચમ શુક્લ જેવા મિત્રો, બધા જ મિત્રો, એક ગુજરાતી તરીકે મળી શકે. અને એ એક અધિકારની ધારાધોરણસરની વાત છે.
હમણાં કુસુમબહેનને મેં જોયાં તો મને એમની ‘કોબીનો દડો’ વાર્તા યાદ આવી. આપણે ક્યાંથી ક્યાં આવ્યા, શેમાંથી પસાર થયા, અને અનેક રીતે. તો એક સંસ્થાનવાદનો અનુભવ. આફ્રિકામાં આપણે પણ કોઈક રીતે કરેલા સમાંતર અને અંતરિયાળ સંસ્થાનવાદનો અનુભવ. અહીંયા આવીને મુક્તતાનો અનુભવ. પેલા બળવંત નાયકના નાયકની જેમ ક્યાંથી આવી ને ક્યાં ગયા, અને તે ‘પેસેજ ટૂ યુગાન્ડા’ ને ? એટલે એક અર્થમાં કદાચ તળ ગુજરાત પાસે છે, એના કરતાં જે વારસાની ભાષા જ્યાં ગુજરાતી છે, ત્યાં, કદાચ, વધારે ભાવસમૃદ્ધિને અવકાશ છે. અને એ રીતે જેની કદાચ તળ ગુજરાતને પૂરી ખબર નથી.
હું અક્ષરશ: કહું છું કે તળ ગુજરાત છે. આજે, એને આ વિશ્વ પ્રવાહોમાં જઈને, ગુજરાતી મિત્રો જે નોસ્ટેલજિયા-સ્મૃિતઝંખના-થી આગળ નીકળી જઈ અને જે નવી રચનાની મથામણ કરે છે, ઓછું વત્તું, એનું પૂરું એપ્રિિસયેશન એ તળ ગુજરાતને નથી. તળ ગુજરાતને કદાચ એમ છે કે અમેરિકા આમંત્રે છે, બ્રિટન આમંત્રે છે અને આપણે રાજી રહીએ છીએ. મોડાં વહેલાં એ એપ્રિસિયેશન પણ આવશે.
મનુષ્ય જાતિ છે, એણે ઘણી કિંમત ચૂકવીને પોતાની ઇંદ્રિયો કેળવવાની હોય છે; ત્યારે ઉમાશંકરની કવિતામાં આવે છે, એમ આપણે સમકાલીનોએ એક બીજાની પ્રશંસા વગર ચલાવી લેતાં શીખી જવું પડે. સૌરાષ્ટ્રમાં તો શું કહો છો, વાંસો કરીએ છીએ. આપણે સમકાલીનોએ એક બીજાની પ્રશંસા વગર ચલાવતા શીખવું જોઈએ. [એમાં થોડા બે-ત્રણ મોટા મુદ્દા કે શબ્દ મેં વાપર્યા હોય કે બે ચાર મોટાં નામો લીધાં હોય, તો તે એટલા માટે કે અકાદમીને સારું લાગે કે આપણે જે ભાઈને ફેલો બનાવી છીએ, તે ભાઈને થોડું ઘણું સમજાય છે …]
પણ આજે મેં ત્રણ વાત કહી, એમ જ સ્વાભાવિક યાદ આવી એટલે, − સોક્રેટિસ, રવીન્દ્રનાથ અને આ, એનો “ઓપિનિયન” જોડે સંબંધ છે. “ઓપિનિયન” છે, એ ગુજરાતીમાં લખાતું એ અર્થમાં, ગુજરાતી પત્ર છે. પણ એ નાત-જાત-કોમ અને રાષ્ટ્રના સીમાડાની બહાર નીકળી ગયું. “ઓપિનિયન” છે, એનો ઇતિહાસ છે, કે ભાઈ, ગાંધીજીએ “ઓપીનિયન” કાઢ્યું હતું, પણ અહીંયા આપણે, એક વાર અહીંયા આગળ, “ઓપિનિયન”નાં કેટલાં વરસ થયાંને કાર્યક્રમ કર્યો તો કેમ કે મારે પણ એક ઓપિનિયન હોય. આપણે પણ એક ઓપિનિયન ધરાવીએ છીએ.
નર્મદ અને નવલરામની વાતમાં આવે છે ને કે પેલાએ કહ્યું ત્યારે જવાબમાં પેલાએ કહ્યું કે હું પણ એક ક્યારેક્ટર છઉં, આ ગામમાં હું પણ એક ક્યારેક્ટર છઉં. તો મારે પણ એક ઓપિનિયન હોય, અને આ “ઓપિનિયન” તમે જોશો, તો આમ એક રીતે કદાચ નોસ્ટેલજિયા લાગે. પેલું અવનિનું અમૃત લઈ આવેલા જૂના જૂના આફ્રિકાના બધા એ વખતના આપણા મિત્રો, સાથીઓ, આગલી પેઢી, એમનાં મીઠાં સ્મરણો, પણ એમાં જે વિચાર કરવાનો છે, એ વિચાર પ્રવાહ તો આ પલટાતા વિશ્વમાં અને વ્યાપક વિશ્વમાં, આપણે ક્યાં ઊભા છીએ અને ક્યાં જવું છે, એની માથાકૂટ એની જોડે “ઓપિનિયન”ના લગાવનો છે. એટલે એમાં કાચી કલમો, કાલીઘેલી કલમો, વિપુલભાઈ તો લખતા હતા, એમાં હજુ પણ લખતા હશે કે કોઈએ ભાષાની ચિંતા ના કરવી અમે સુધારીને છાપીશું. બહુ સારો શબ્દ છે બાળોતિયાં ધોવાંનો. સંસ્કૃતમાં અમુક સંસ્કૃત બોલીને છટકી જાય બાલઉત્તરીય, પણ કારણ કે પ્રગટ થાઓ, અભિવ્યક્તિ. કંઈ સામાન્ય કામ નથી, પણ એ કરે શું, પણ જો કોઈ રીતે કંઈ પ્રગટ થતું હોય. એક વાર ધીરુબહેને સરસ કહ્યું હતું. કદાચ તમારા લેક્સિકોનના ફંકશનમાં જ કદાચ કહ્યું હતું કે મારી પેલી નાની છોકરી છે, એ ગુજરાતી જાણતી નથી. કહે કે મને પોયમ આવે છે, મને પોયમ આવે છે, હું શું કરું એમ. એ જે ઉદ્રેક, એ જે ઉન્મેષ અને એ જે ઉરબોલ એનું પણ “ઓપિનિયન”માં સ્થાન છે અને ચિંતા આખા વિશ્વની છે.
હવે ચારે બાજુ બધા જે વાત કરે છે, ભગવાનો એને સાંભળે છે. મને પણ થયું મારે પણ આ લાઇન લેવી હોય તો એકાદ ભગવાનનું નામ લેવું. તો આમાં “ઓપિનિયન”માં તમને એક પ્રકારે વિશ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. જે સાક્ષાત્કાર મહાભારતકારે બે લાયક માણસોને કરાવ્યો છે, મહાભારતકાર અને ભાગવતકાર. એક વાર જશોદા મૈયાને કરાવ્યો છે, બાલકૃષ્ણના મોંમાં માટીનો લોંદો છે, વિકસિતે શિશુમુખે. મોં ખૂલી જાય ત્યારે અંદર ઈશ્વર. અને પછી આ કૃષ્ણે, મહાભારતના યુદ્ધ વખતે, અર્જુનને કરાવ્યું છે, વિશ્વરૂપ દર્શન. તો હું અને તમે, તમારી ને મારી, ઉદ્રેક, ઉન્મેષ, ઉરબોલ, ઉચાટ, જે જે આ બધું, એને આને જાગતિક સમસ્યાઓ, જાગતિક પરિવર્તન અને જાગતિક પ્રશ્નો જોડે સાંકળીએ અને જોતાં શીખીએ, એવી ઘણી સામગ્રી “ઓપિનિયન”ની છે.
અને એક બીજી વાત કહું; અને પછી બે બોલની મારી વ્યાખ્યા પ્રમાણે પૂરું કરવા પ્રયાસ કરું. એ બીજી વાત આ છે કે અહીં જે સામગ્રી મળી, એ સામગ્રી આ વિશ્વ સમસ્યાઓ જોડે એના સંદર્ભમાં ક્યાં બેસે છે એક રસનો, તપાસનો વિષય છે. દર્શકનગરમાં મળ્યા છીએ. આજે 29મી ઑગષ્ટ છે. દર્શકને ગયે ચૌદ વરસ થયાં. જેને આપણે અસાંગરો કરીએ ને, આ ચૌદ વરસનો એક એવો ગાળો. દર્શક જે દિવસે ગયા, એ દિવસે, પંચાગ પ્રમાણે પરિવર્તિની એકાદશી. જળઝીલણી અગિયારસ. ઉમાશંકર ગયા 19 ડિસેમ્બરે, એ દિવસે, એ વરસે 88માં, ત્યારે મોક્ષદા એકાદશી હતી. ઉમાશંકરે કામ કરતાં કરતાં, લાઇક એ પ્રોવર્બિયલ સોલજર, કવિ કર્મ કરતાં કરતાં ગયા. હી વૉઝ અૅ વેરિલી ફોર્સ (verily force). એ એમની મુક્તિ હતી. રચનાકર્મી હતા. દર્શક છે એ પરિવર્તિની એકાદશી, રચનાધર્મી હતા. ઇતિહાસના જે પ્રવાહો એમાં અતીતમાં અવગાહન અને ભવિષ્ય પર નજર અને વર્તમાનમાં ખોડાઈને અને એ રીતે સંક્રાતિ અને પરિર્વતની રગ એ દર્શકનો વિષય હતો.
ઉમાશંકરે પોતે દર્શકને પહેલીવાર ક્યારે જોયા હતા એનું જે વર્ણન કર્યું છે કે, હું પન્નાલાલ માંદા હતા અને જિથરી એમને દાખલ કરવા ગયો, તો ક્ષયની સારવાર માટે ત્યારે બાજુમાં એક લેખક રહે છે, મનુભાઈ પંચોળી નામે, એને મળી એને ભલામણ કરતો આવું કે આપણા એક લેખક મિત્રને સાચવજો. એ રીતે હું જિથરીથી જવા નીકળ્યો (આંબલા કે સણોસરા) ત્યાં સામે ઘોડા પર આવતાં મનુભાઈને મેં પહેલીવાર જોયા. દર્શક છે તે ગતિના માણસ, પ્રગતિના માણસ, સંક્રાતિના માણસ અને પરિવર્તનની રગ જાણનાર. એટલે આવતીકાલે એના વિશે નિરાંતે વાતો કરીશું.
પણ અકાદમી જોડે મારું એક વિધિવત્ સંકળાવું, “ઓપિનિયન”ની વેબસાઇટનું લોન્ચ થવું અને ‘દર્શક’ગણને મળવું. એ નિમિત્તે આ થોડોક સમય આપનો મેં લીધો છે. આપણે બધા અદમભાઈને સાંભળવા સ્વભાવિક આતુર છીએ. ધન્યવાદ.
e.mail : prakash.nirikshak@gmail.com
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી નવમી ભાષા-સાહિત્ય પરિષદના અતિથિવિશેષ તરીકે આપેલું, આશીર્વચન રૂપ વ્યાખ્યાન. શનિવાર, 29 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : આર્નિયૉન ટેકનોલોજીસ, અમદાવાદ – 380 009
અદમભાઈ ટંકારવી
ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ. કે. : ગયાં વર્ષો – રહ્યાં વર્ષો
— અદમ ટંકારવી
ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે.ની નવમી ‘ભાષા – સાહિત્ય પરિષદ’ (29-30 ઑગષ્ટ 2015) ટાણે અકાદામી વિશે ઉમાશંકરની કાવ્યપંક્તિના ટેકે બે તબક્કે વાત કરીએ; ગયાં વર્ષો તેમાં – રહ્યાં વર્ષો તેમાં.
લગરીક રંગદર્શી થઈ કહીએ તો, ગુજરાતથી દૂર 4,700 માઈલને અંતરે બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદામીનો સ્થાપના થાય (12-02-1977) અને તે અદ્યાપિપર્યંત કાર્યરત રહે એ ઘટના જ રોમાંચક છે. વળી આ ટૂંકા સમયગાળા દરમિયાન બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જતન, સંવર્ધન માટે અકાદામીએ જે અથાગ પુરુષાર્થ કર્યો તે સરાહનીય, પ્રશસ્ય છે. એની ઉપલબ્ધિ પોરસાવે તેવી છે.
અંગ્રેજી ‘ફલડ લાઇટ’ના ઝગઝગાટ અને આંજી નાખે એવી રેલછેલ રોશની સામે ગુજરાતીનો ડગમગિયો દીવો પેટાવવો એ પ્રથમ પડકાર. આડત્રીસ વર્ષો અગાઉ આ પડકાર ઝિલાયો અને 2 બીચક્રૉફટ ગાર્ડન્સને ટોડલે એક દીપક પ્રકટ્યો અને પોતાના તેલે બળતો રહ્યો.
ભાષા-સાહિત્યની આનુપૂર્વી દર્શાવે છે તેમ, પ્રથમ કાર્ય બ્રિટનમાં ગુજરાતી સાંભળવા, બોલવા, વાંચવા, લખવા માટેનું ‘ભાષાવરણ સર્જવાનું હતું. અકાદમીએ આ માટે ભાષાશિક્ષણનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધર્યો. આને અંતર્ગત બ્રિટનભરમાં ગુજરાતી ભાષાશિક્ષણના વર્ગોનું નેટવર્ક ઊભું થયું. શિક્ષકોની તાલીમ, પાઠ્યપુસ્તક નિર્માણ, પરીક્ષા – મૂલ્યાંકન આદિ સુવિધાઓ ઉપલબ્ધ થઈ.
બ્રિટનમાં સર્જાતા ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહિત કરવાની ખેવના પણ અકાદમીએ રાખી. કવિસંમેલન, પરિસંવાદ, સર્જનશિબિર, ભારતથી નિમંત્રિત સર્જકો સાથે સાહિત્ય ગોષ્ઠિ, ‘અસ્મિતા’ પ્રકાશન આદિ પ્રવૃત્તિઓ દ્વારા સર્જકતાને પોષક વાતાવરણનું નિર્માણ થયું. અકાદમી એ બ્રિટનના ગુજરાતી સર્જકોને સાહિત્યક ચર્ચાઓ માટે ‘ઓટલો’ અને તેમનાં પ્રકાશનો માટે’ છાજલી’ પૂરાં પાડ્યાં.
અકાદમીના આડત્રીસ વર્ષો તો ઉમાશંકરના શબ્દોમાં ‘ગયાં સ્વપ્નોલ્લાસે’ એમ કહેવાય. મૂઠીભર માથાફરેલ માણસોએ એક સ્વપ્ન જોયું અને તે વત્તેઓછે અંશે સાકાર પણ થયું. કિન્તુ આજે એ કાવ્યપંક્તિના અલ્પવિરામ પછીના શબ્દો – ‘મૃદુ કરુણ હાસે વિરમિયાં’ જેવી અનુભૂતિ થાય છે. વિસામા વગરની આ યાત્રાનો થાક અનુભવાય છે. કેડી કાંટાળી અને ચઢાણ કપરાં લાગે છે. લોગ સાથ આતે રહે ઔર કારવાં બનતા ગયાથી વિપરીત પ્રક્રિયા શરૂ થઈ હોય એવાં એંધાણ છે. છેક 2009માં આ ખતરાની ઘંટડી વગાડતાં વિપુલ કલ્યાણીએ કહેલું કે, ‘બ્રિટનમાં આપણી કવિ, લેખકોની જમાત તૂટી રહી છે, અને આપણે એ પછીની પેઢીને તૈયાર કરી શક્યા જ નથી.’
બ્રિટનના વર્ગખંડોમાં કોઈપણ સ્વાધ્યાય કે પ્રોજેક્ટ પછી વિદ્યાર્થીઓને reflectionનો સમય અપાય છે. વિદ્યાર્થી પોતે કરેલ પ્રવૃત્તિને વાગોળે, એ વિશે મંથન કરે, એનું મૂલ્યાંકન કરે, એમાંથી શું શીખ્યો તે બતાવે. આ પ્રવૃત્તિનું લક્ષ્ય શું હતું, એ હાંસલ કરવા શું કર્યું, કઈ રીતે કર્યું, શું સુપેરે થયું, ક્યાં ગોથું ખાધું, મારે નવેસરથી આ પ્રવૃત્તિ કરવાની હોય તો કઈ રીતે કરું ? આમ આખી પ્રક્રિયા Look Back અને Look forwardની, કંઈક આવી જ પ્રક્રિયા માટે આપણને સાબદા કરતા હોય તેમ વિપુલભાઈ કહે છે; ‘આપણે આપણી કેટલીક મર્યાદાઓ જોવાતપાસવાની છે.’
આવી તપાસ પીડાકારક અને અંતે જે તારણો મળે તે અન્પૅલિટેબલ – અરોચક હોય એમ બને. તે છતાં આ મનોયત્ન કરવા જેવું છે કેમ કે, એમાંથી જ ‘રહ્યા વર્ષો તેમાં’ માટેનું દિશાસૂચન મળવાની સંભાવના છે.
બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશાની મોઢામોઢ થઈએ તો કંઈક આવા સંકેત મળે છે: બ્રિટનમાં જન્મી ઊછરેલ આપણી બીજી, ત્રીજી પેઢી પ્રત્યાયન માટે ગુજરાતી નહીં પણ અંગ્રેજીનો વધુ ઉપયોગ કરે છે. બ્રિટનમાં સર્જાતા ગુજરાતી સાહિત્યની ઈયત્તા દિવસે દિવસે ઘટતી જાય છે, અને લાંબે ગાળે નામશેષ થાય એમ બને. આ વર્તમાન પરિસ્થિતિનું યથાર્થ ચિત્ર છે. ડૂમ્ઝ ડે કે પ્રલયકાળની આગાહી નથી. બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના ભેખધારી કે વિપુલભાઈના શબ્દોમાં ‘માદરેજબાનના સિપાઈઓ’ સાવ અપ્રસ્તુત થઈ ગયા એવું નથી. બલકે, લવચીક થઈ બદલાતી પરિસ્થિતિને અનુરૂપ અગ્રતાક્રમ અને અભિગમ અપનાવીએ તો અકાદમી, મૂલ્યવાન પ્રદાન કરી શકીએ.
આપણે બ્રિટનમાં બેઠા છીએ અને અહીં સર્જાતું અંગ્રેજી સાહિત્ય આપણને હાથવગું છે. આ સાહિત્ય સમૃદ્ધ, માતબર, ચેતનમય અને ખમતીધર છે. એના વ્યાપ અને ઊંડાણ સંતપર્ક છે. ઉમાંશંકરે કહેલું, “મને અંગ્રેજ પ્રજા એની ત્રણ વસ્તુઓ માટે ગમે છે; એક તો એનું લોકશાહી ખમીર, બીજી એની કવિતા, અને ત્રીજી એણે નિબંધનો જે કલા પ્રકાર ખીલવ્યો છે તે ..” આમાંનું કેટલુંક અનુવાદરૂપે ગુજરાત સુધી પહોંચાડીએ તો આપણા મુખ્ય પ્રવાહના સાહિત્યકારો અને ભાવકો ન્યાલ થઈ જાય.
અકાદમીની ચોથી ભાષા સાહિત્ય પરિષદ પ્રસંગે યશવંત શુક્લએ કહેલું કે, “ઇતિહાસ જોઈએ તો ગુજરાતી ભાષાનો વિકાસ અંગ્રેજીને લીધે થયો છે. બ્રિટિશ સંપર્કનો આપણા સાહિત્ય ઉપર મોટો પ્રભાવ છે.” યશંવતભાઈને તે વખતે પણ આપણી અકાદમી દ્વારા “બ્રિટન અને ગુજરાત વચ્ચે સેતુ” રચાતો હોય એમ લાગેલું.
આ સેતુની થાંભલી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રોપાય એવી ટહેલ વિપુલ કલ્યાણીએ વર્ષો સુધી નાંખી, પણ એનો કોઈ ઉત્સાહજનક પ્રતિભાવ મળ્યો નહીં. આ કટુ અનુભવે વિપુલભાઈ એવા તારણ પર આવ્યા કે, ‘આ સંસ્થાઓની શિથિલ વૃત્તિ વધતી ચાલી છે; તે વધુને વધુ એકલગંધી, સંકુચિત થતી ગઈ છે.’
ખેર, આપણી નિસબત ગુજરાતી ભાષા-સાહિત્ય સાથે છે. એકલગંધી સંસ્થાઓને કોરેમોરે રાખી આપણે ગુજરાતના સર્જક અને ભાવક સાથે સીધો સેતુ રચીએ. કઈ રીતે? અનુવાદ દ્વારા. અંગ્રેજીનાં જે Seminal Works છે, એવી ખમતીધર કૃતિઓ જેના પ્રભાવે આપણા સાહિત્ય માટે નવી દિશાઓ ઊઘડે – એમાંથી થોડીકનું ગુજરાતી રૂપાંતર કરીને ત્યાં પહોંચાડીએ. આ આજની તાકીદની જરૂરિયાત છે. આપણે ત્યાં સર્જાતા સાહિત્યનું ભાવવિશ્વ સીમિત અને બંધિયાર છે. એમના સમયમાં ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્ય માટે ‘ગરીબડું’ શબ્દપ્રયોગ કરેલો. તે પછી ઉમાશંકરે વેધક પ્રશ્ન પૂછેલો કે, ‘પાંચ – સાત કૃતિઓ પણ સાતમી ગાળણીએ ગાળતાં ટકી રહે એવા સંગ્રહો કેટલા ?’ પછીના ગાળામાં સદ્દભાગ્યે સુરેશ જોષીએ અનુવાદો દ્વારા વિશ્વસાહિત્ય સાથે આપણો મોંમેળાપ કરાવ્યો. પરિણામે ગુજરાતી સર્જનમાં નવોન્મેષ પ્રકટ્યો, પણ વળી પાછા આપણે કૂપમંડૂકતામાં સરી પડ્યા.
સહિત્ય સર્જનના કેન્દ્રમાં માનવ છે. મહાન કૃતિઓ આ માનવનું તેના તમામ સંદર્ભોમાં નિરૂપણ કરી તેને કળારૂપ આપે છે. ઍઝરા પાઉન્ડ કહે છે : Literature does not exist in a vacuum. Writers as such have a definite social function. જીવનલક્ષી સાહિત્યનો અનુરોધ કરતાં દર્શક કહે છે, ‘જીવનના અનુભવ વિનાનું સર્જન વેરવિખેર, ફિસ્સું કે વાતુલ બની જાય છે,’
આપણું સાહિત્ય નિષ્પ્રાણ છે તેનું કારણ સુરેશ જોષી કહે છે તેમ, આપણા સર્જકનો ‘જગત સાથેનો સંવાદ તૂટ્યો છે,’ આજે ય આપણા સમાજનો અદનો આદમી જે યાતના ભોગવે છે તેને આપણા સાહિત્યમાં ક્યાં ય વાચા મળતી નથી. રોજેરોજ એની Space – મોકળાશ પર આક્રમણ થાય છે, એના વિકલ્પો છીનવાય છે, એના અધિકારો પર તરાપ મરાય છે કે એની સ્વાયત્તાનું દહન થાય છે. એની કોઈ જિકર આપણા સાહિત્યમાં નથી. નિભ્રાંતિની આયાત કરવી પડે એવું નથી. ક્યૂમાં તમારી બાજુમાં ઊભેલા જણને પૂછશો તો કહેશે કે, મારા સ્વજને મને દગો દીધો. પ્રજા સાથે દિલસોજીથી વાત કરશો તો કહેશે કે, હાકેમે અમને સપનાં બતાવ્યાં ને પછી છેદ દીધો. કાન માંડી સાંભળશો તો કોક ભક્તનો આર્તનાદ સંભળાશે કે, મેં જેને ઈશ્વર માનેલો તે ધોકાબાજ નીકળ્યો. આ બધી નિભ્રાંતિની ક્ષણો છે. દરેકમાં એક કથા કોઈ એને કળારૂપ આપે તેની રાહ જોતી પડી છે.
અદના આદમીની આ યંત્રણાની ચર્ચા, તે અંગેના ઊહાપોહ વૈચારિક સ્તરે ‘નિરીક્ષક’માં તો અલબત્ત થાય જ છે. પણ એને કથારૂપ આપી સાહિત્યકૃતિ નીપજાવવાનું ટાળીને આપણો સાહિત્યકાર એનો સર્જકધર્મ ચૂકે છે.
તો આ મંદપ્રાણ સાહિત્યમાં નવી ચેતના ફૂંકવાનો ઇલાજ શો ? જવાબમાં ટી.એસ. ઍલિયટ કહે છે; અનુવાદ – Translation is rejuvenation – ભાષાંતર કાયાકલ્પ છે.
એઝરા પાઉન્ડને લાગ્યું કે, તેમના સમયનું અંગ્રેજી સાહિત્ય insular – એકાકી, એકાંગી, સંકીર્ણ હતું. તે માનતા કે દુનિયાની વિવિધ ભાષાઓમાં અભિવ્યક્તિના જે પ્રયોગો થાય છે તેના પરિચય વિના મહાન કૃતિ સર્જી શકાય નહીં. અંગ્રેજી કવિઓને તેમણે કહ્યું કે, દુનિયાની કવિતાનો સાગર તમારા કૂવાની બહાર ઊછળે છે. વિવિધ ભાષાઓના સાહિત્યનાં ભાવવિશ્વો, સંવેદનો, નિરૂપણ શૈલીઓ, અભિવ્યક્તિની તરાહો અને કસબોથી અંગ્રેજ સાહિત્યકારોને પરિચિત કરવા પાઉન્ડે ઝનૂનપૂર્વક અનુવાદપ્રવૃત્તિ હાથ ધરી, અને એ દ્વારા અંગ્રેજીનો સાહિત્યિક સંદર્ભ વિશાળ કરી નાંખ્યો.
અંગ્રેજીની અનૂદિત કૃતિઓના પરિચયથી ગુજરાતના સર્જક સામે ચેતનાનાં અવનવાં પરિણામો ખૂલશે કેમકે, ડબલ્યુ. એચ. ઑડન કહે છે તેમ, Translation introduces new kinds of sensibilities એને અભિવ્યક્તિનાં નવાં ઉપકરણો અને કસબો હસ્તગત થશે. ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તરશે.
અંગ્રેજીની નીવડેલી કૃતિઓ અનુવાદરૂપે વાંચવાથી આપણા ભાવકનીએ રુચિ ઘડાશે. શુદ્ધ સાહિત્ય પદાર્થ વિશેની સમજ કેળવાશે. પાઉન્ડે અંગ્રેજી સાહિત્યની કાયાપલટ માટે કર્યો તેવો જ પુરુષાર્થ સુરેશ જોષીએ ગુજરાતી સાહિત્ય માટે કર્યો. વિશ્વસાહિત્યના ઉદાહરણોથી સુરેશ જોષીએ આપણને સાહિત્યકૃતિમાં ઘટનાનું તિરોધાન અને રૂપનિર્મિતિનું મહત્ત્વ સમજાવ્યું, તેમણે કહ્યું કે, કવિતા કહેતી નથી, કરે છે. આ ઊહાપોહને પરિણામે આપણને લેખક અને લહિયા વચ્ચેનો ભેદ સમજાયો.
સુરેશ જોષી પછી શૂન્યાવકાશની ભીતિ હતી, પણ સદ્દભાગ્યે 2011માં હરીશ મીનાશ્રુએ ‘દેશાટન’માં વિશ્વકવિતાના અનુવાદ આપ્યા. ‘કવિતાની સાટે કવિતા’ની એમની નોંધમાં હરીશ જણાવે છે કે, અનુવાદક Bilingual ઉપરાંત Bicultural પણ હોવો જોઈએ. મૂળ ભાષા (Source language) અને અનુવાદની ભાષા(Target language)ની જાણકારી ઉપરાંત બન્ને ભાષાઓના સાંસ્કૃિતક પરિવેશથી પણ માહિતગાર જોઈએ.
આ શરત પૂરી કરી શકાય એવી લાભદાયી પરિસ્થિતિમાં આપણે છીએ. અકાદમી સાથે સંકળાયેલા સાહિત્યરસિકોમાંનાં ઘણાં ગુજરાતી અને અંગ્રેજી બેઉ ભાષાઓના માહેર છે. તેઓ બ્રિટનના સાંસ્કૃિતક પરિવેશમાં જ શ્વસે છે. એટલે Modest રીતે, નાના પાયે અકાદમીના ઉપક્રમે આવો અનુવાદયજ્ઞ આદરી શકાય. Urgency – તાકીદ એટલા માટે કે, બ્રિટિશ ગુજરાતીઓની હાલની પેઢી જ આ કરી શકશે. આપણી આવતી પેઢીઓનું અંગ્રેજી ઉપર પ્રભુત્ત્વ હશે તો ય એમની પાસે અનુવાદ કરવા જેટલું ગુજરાતી નહીં હોય.
અનુવાદ માટે કૃતિની પસંદગી વિશે એઝરા પાઉન્ડ કહે છે કે, Choose for translation writers whose work marked a significant turning point in the development of world literature, યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત – પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફકા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.
(સમ્પૂર્ણ)
e.mail : ghodiwalaa@yahoo.co.uk
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી નવમી ભાષા-સાહિત્ય પરિષદના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન. શનિવાર, 29 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : આર્નિયૉન ટેકનોલોજીસ, અમદાવાદ – 380 009
૩. બીજી બેઠક
વીડિયો
અશોકભાઈ કરણિયા
e.mail : ashokmkarania@gmail.com
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની, ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી, નવમી ભાષા-સાહિત્ય પરિષદની પહેલી બેઠકના (વિષય : “રતિલાલ ચંદરિયા : દેણગી. ઈન્ટરનેટ જગત, ભાવિનો પથ તેમ જ દશા ને દિશા”) પહેલા વક્તા તરીકે આપેલું વક્તવ્ય. શનિવાર, 29 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : આર્નિયૉન ટેકનોલોજીસ, અમદાવાદ – 380 009
નીરજભાઈ શાહ
અશોકભાઈની વાતને આગળ વધારતાં, આજે મારે ગુજરાતી બ્લોગ જગત વિષે થોડી વાત કરવી છે. ગુજરાતી બ્લોગજગત સાથે પ્રથમ એક વાચક તરીકે અને પછીથી એક વેબસાઈટના સંચાલક તરીકે, તેનાં પ્રારંભ કાળથી, જોડાયેલા રહેવાનું મારે બન્યું છે.
તો આ બ્લોગ એટલે શું? બ્લોગમાં અને વેબસાઈટમાં શું ફેર? મૂળભૂત રીતે ‘વેબસાઈટ’ અને ‘બ્લોગ’માં ઘણો તફાવત છે. ખાસ કરીને ‘વેબસાઈટ’ એ જે તે સંસ્થાનું ઈન્ટરનેટ ઉપર વ્યવસાયિક સરનામું કે ઓળખ છે. વેબસાઈટ પર તે સંસ્થા પોતાના કારોબાર વિષે, પોતાની સેવાઓ કે પોતાની ઉત્પાદિત વસ્તુઓ વિષે માહિતી પૂરી પાડે છે. એ ઉપરાંત તેનો ઉપયોગ તે સેવાઓ કે ઉત્પાદન નાં વેચાણ માટે અને ગ્રાહકો જોડે સંપર્ક રાખવા માટે પણ કરવામાં આવે છે. ઈન્ટરનેટનાં શરૂઆતના સમયમાં, વ્યક્તિગત વેબસાઈટ્સ બનતી ન હતી. માત્ર કોમર્શિયલ કે ધંધાદારી કંપનીઓ વેબસાઈટ બનાવતી. ધીમે ધીમે ચેરિટેબલ સંસ્થાઓ, શાળા-યુનિવર્સિટીઓ, અખબારો અને વ્યક્તિગત વેબસાઈટ બનવા લાગી. ત્યારે પોતાની વેબસાઈટ ધરાવવી એ ઘણું ખર્ચાળ કામ હતું.
૧૯૯૪ની આસપાસ અંગ્રેજી ભાષામાં વેબસાઈટ પર ઓનલાઈન ડાયરી લખવાની શરૂઆત થઈ હતી. તેમાં મોટાભાગના લોકો પોતાની રોજબરોજની ઘટનાઓનો વૃત્તાંત રાખતા. અહીં સુધી, એ વેબસાઈટનું એક અંગત પાનું માત્ર હતું. કોઈ એક વેબસાઈટ પર એક અંગત વિભાગ. ત્યાર બાદ માત્ર ડાયરી રાખવાના કે નોંધ રાખવાના આશયથી વેબસાઈટ્સ બનવા લાગી જેને ‘વેબલોગ’ નામ મળ્યું. જે સમય જતા, ટૂંકાઈને બ્લોગ તરીકે ઓળખાવા લાગ્યા. જેથી બ્લોગ એટલે મુખ્યત્વે તો ઓનલાઈન જર્નલ કે ડાયરી, એમ કહીએ તો ખોટું નથી. ઈન્ટરનેટ ઉપરનો એક એવો ખૂણો જેમાં તમે તમારી મનગમતી વાતો, તમારા વિચારો તમારા મિત્રો સાથે વહેચી શકો. એમાં તમે કંઈ પણ લખી શકો, પછી એ, મનગમતું સંગીત હોય, કોઈ સ્થળની મુલાકાત વિષે હોય કે કોઈ ફિલ્મ વિષે હોય. કોઈ મર્યાદા નહીં. કોઈ પણ વ્યક્તિ સરળતાથી માત્ર ગણતરીની મિનિટોમાં બ્લોગ બનાવી શકે છે. બ્લોગના ઉદ્દભવ ટાણે બ્લોગીગ એક મનોરંજન શોખની પ્રવૃત્તિ હતી, પણ આજે તેનો ઉપયોગ એટલેથી સીમિત ન રહેતા શિક્ષણ, પત્રકારત્વ, વ્યવસાયિક વેબસાઈટ બનાવવા અને એવા બીજા અનેક ક્ષેત્રોમાં ફેલાયો છે. જેમ જેમ ટેક્નોલોજી વિકસતી જાય છે તેમ તેમ તેનો પ્રસાર વધતો રહેવાનો છે, અને વેબસાઈટ અને બ્લોગ વચ્ચેની ભેદરેખા વધુ ને વધુ થતી જવાની છે.
છેક ૧૯૯૭-૯૮માં કિશોર રાવળે શરૂ કરેલી ‘કેસૂડાં.કોમ’ એ ગુજરાતીની પ્રથમ વેબસાઈટ હતી. જેનું સ્વરૂપ મેગેઝિનનું હતું અને તેની પર વાર્તા, કવિતાઓ, ચિત્રો અને સંગીત પીરસવામાં આવતું. એ જ સમયગાળામાં ચિરાગ ઝાએ ‘ઝાઝી.કોમ’ નામે વેબસાઇટ તથા ‘યાયાવાર’ નામે કવિતાનું માસિક શરૂ કર્યું હતું. આ ઉપરાંત આદિલ મન્સૂરીની ‘ગઝલ ગુર્જરી’ નામે સ્વરચિત કાવ્યોની પ્રથમ વેબસાઈટ બની. એ ઉપરાંત ‘રેડીફ.કોમ’, ‘યાહુ.કોમ’, ‘વેબદુનિયા’ જેવી વેબસાઈટસનાં પ્રાદેશિક વિભાગમાં ગુજરાતીમાં સમાચાર તેમ જ સાહિત્ય પ્રકાશિત કરવામાં આવતું. આ ઉપરાંત ‘Angelfire’, ‘Google Sites’ જેવી સેવાઓનો ઉપયોગ કરી ઘણાં છૂટાછવાયાં વેબપેજ ગુજરાતીમાં તૈયાર થયાં હતાં. આ તમામ વેબપેજ યુનિકોડનાં અભાવે અલગ અલગ ફોન્ટ્સનો ઉપયોગ કરતા અને જે તે વપરાશકર્તાને વેબપેજ વાંચવા માટે તે ફોન્ટ્સ ડાઉનલોડ કરવાનાં રહેતા. તો કેટલીક વેબસાઈટનાં સંચાલક ફોન્ટની માથાકૂટથી બચવા માટે ગુજરાતી લખાણને પિક્ચર ફોરમેટ જેમ કે ‘જેપેગ’ અથવા તો ‘પીડીએફ’ બનાવીને મૂકતા. તે સમયે ગુજરાતીમાં ટાઈપ કરવા માટે હજી પૂરતાં સાધનો પ્રાપ્ય ના હતાં. કેટલાક ફોનેટિક સોફ્ટવેર બનેલા, પણ ગુજરાતી કિશોર રાવળે બનાવેલ ‘ગુજરાઈટી’ ટાઈપ પેડ તે સમયના બ્લોગર્સ/વેબસાઈટ સંચાલકોમાં ઘણું લોકપ્રિય થયેલ.
ત્યારબાદ યુનિકોડની શોધ થઈ અને ગુજરાતી ફોન્ટ્સની માથાકૂટમાંથી છૂટકારો મળ્યો. Microsoftએ બનાવેલ ‘ભાષાઇન્ડિયા’ વેબસાઈટ પરથી ભારતની ઘણી ભાષાઓમાં ટાઈપ કરવા માટેના સોફ્ટવેર ઉપલબ્ધ થયા. યુનિકોડની સાથે સાથે જુદી જુદી બ્લોગ સેવાઓ જેમ કે ‘ટાઈપપેડ’, ‘ગુગલ’નું ‘બ્લોગસ્પોટ’ તથા ‘વર્ડપ્રેસ’નો પણ ફેલાવો થયો.
યુનિકોડમાં પ્રથમ ગુજરાતી બ્લોગ અમેરિકાથી સોનલબહેન વૈદ્યએ ‘SV’ નામે, ટાઈપપેડની બ્લોગ સેવાનાં ઉપયોગથી, શરૂ કર્યો. જે પાછળથી ‘ફોરએસવી’ નામે સ્વતંત્ર વેબસાઈટ બની. ચાલુ કર્યો. તેમાં તેઓ જાણીતા કવિઓની પ્રસિદ્ધ કવિતાઓ અને ગીતો પ્રકાશિત કરતાં હતાં. થોડા સમય બાદ, વડોદરાથી મૃગેશભાઈ શાહએ ‘રીડગુજરાતી’ નામે વેબસાઈટ શરૂ કરી, જેમાં ટૂંકી વાર્તાઓ, નિબંધો, પ્રવાસવર્ણનો, બાળસાહિત્ય જેવા જુદા જુદા સાહિત્ય પ્રકારનો સમાવેશ કરવામાં આવ્યો. ૨૦૦૬માં અમેરિકા સ્થિત જયશ્રી ભક્તાએ બે અલગ અલગ બ્લોગ્સ, કવિતાનો બ્લોગ ‘મોરપિચ્છ’ અને સંગીતનો બ્લોગ ‘ટહુકો’ શરૂ કર્યા જે ‘ટહુકો.કોમ’માં સમાવેશ પામ્યા. એ જ દરમ્યાન ઊર્મિસાગરનો બ્લોગ, ગુજરાતી કવિતાની વેબસાઈટ ‘લયસ્તરો.કોમ’ અને વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની વેબસાઈટ પણ શરૂ થઈ.
૨૦૦૬-૭નાં સમયગાળામાં વિશાલ મોણપુરાએ ‘પ્રમુખ ટાઈપપેડ’ નામે ૧૧ ભાષામાં ટાઈપ કરી શકાય એવું ટાઈપપેડ બનાવ્યું. જેમ જેમ ગુજરાતીમાં ટાઈપ કરવાનું સરળ બનતું ગયું તેમ તેમ ગુજરાતી વેબસાઈટ અને બ્લોગ્સની સંખ્યામાં વધારો થતો ગયો. શરૂઆતમાં ગૂગલનું બ્લોગસ્પોટ ગુજરાતી બ્લોગર્સ માટે ખૂબ લોકપ્રિય થયેલું અને મોટાભાગના બ્લોગ્સ બ્લોગસ્પોટની સુવિધાનો ઉપયોગ કરતા. સમય જતા, વર્ડપ્રેસમાં વધુ સારી સુવિધાઓ મળતા અને એ વધુ સરળ થતા એનાં ઉપયોગમાં વધારો થયો. ઘણા બ્લોગર્સે પોતાના બ્લોગ અન્ય સેવાઓમાંથી વર્ડપ્રેસ પર તબદિલ કર્યા. આજે મહત્તમ ગુજરાતી બ્લોગ્સ કે વેબસાઈટ વર્ડપ્રેસનો વપરાશ કરે છે. માર્ચ ૨૦૦૭માં મેં ‘રણકાર’ નામે માત્ર સંગીતબદ્ધ થયેલાં ગુજરાતી ગીતો માટેની વેબસાઈટ શરૂ કરી. તે ઉપરાંત ઘણાખરા ગુજરાતી અખબારોએ પણ પોતાની વેબસાઈટ કરી. ગુજરાતી સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી, ફાર્બસ સભા જેવી સંસ્થાઓ તથા ઝવેરચંદ મેઘાણી, આદિલ મન્સૂરી, ઉમાશંકર જોશી જેવા જેવા કવિઓની વેબસાઈટ પણ થઈ. ઘણાખરા કટારલેખકોના પણ બ્લોગ્સ થયા. ૨૦૧૩માં યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઈટ તૈયાર થઈ.
શરૂઆતમાં યાહુ ઈ-મેઈલ પર ગુજરાતી પોએટ્રી ગ્રુપ કાર્યરત. તેમાં બ્લોગર્સ પોતાના બ્લોગ અપડેટ્સ, લિન્ક્સ વગેરે વહેચતા અને એ દુનિયાના જુદા જુદા ભાગોમાંથી બ્લોગર્સ અને વાચકો એકબીજાના સંપર્કમાં રહેતા. ત્યારબાદ બ્લોગ પર ફીડની વ્યવસ્થા ઉમેરાતા કોઈ પણ બ્લોગને ફોલો કરવાનું કામ સરળ બન્યું. ફીડ એટલે કોઈ પણ વેબસાઈટનાં સતત અપડેટ આપતી વ્યવસ્થા. તમે જે તે બ્લોગનાં ફીડ ને સબસ્ક્રાઈબ કરી લો એટલે જ્યારે પણ એ બ્લોગ પર નવી કૃતિ મુકવામાં આવે કે તરત તમને એની જાણ ફીડરીડર મારફતે કે જો ઈ-મેઈલ આપ્યું હોય તો ઈ-મેઈલ પર થાય. તે સુવિધાનો ઉપયોગ કરીને સોનલબહેન વૈદ્ય એ ગુજરાતી બ્લોગ્સનું સૌપ્રથમ એગ્રીગેટર સંમેલન નામે બનાવ્યું. એનાથી એક જ જગ્યાએથી અનેક બ્લોગ્સની નવી કૃતિઓની જાણ મળી રહેતી. એ પછી વિનય ખત્રીએ ફન એન જ્ઞાન ટુલબાર બનાવ્યું અને એ જ નામે એક બ્લોગ એગ્રીગેટર પણ બનાવ્યું. આ ઉપરાંત કાન્તિલાલ કરશાળા, વિજયકુમાર શાહ, જિજ્ઞેશ અધ્યારુએ ભેગા મળીને ‘ગુજરાતી બ્લોગ જગતને એક તાંતણે બાંધતી કડી’ નામે શક્ય હોય એટલા બ્લોગ્સની યાદી તૈયાર કરી, અને તેને બ્લોગનાં નામ પ્રમાણે તેમ જ બ્લોગરનાં નામ પ્રમાણે એમ વર્ગીકૃત કરી. આજે તે યાદીમાં ૧૫૦૦થી વધુ નામોનો સમાવેશ થાય છે. જો કે ગુજરાતી બ્લોગ્સની કૂલ સંખ્યા એનાથી ઘણી વધારે છે. આ ઉપરાંત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ જેમ કે પહેલાં ‘ઓરકુટ’ અને હવે ‘ફેસબુક’ ઉપર પણ જુદા જુદા ગ્રૂપ્સ કાર્યરત રહ્યા છે.
તો આ થઈ બ્લોગની વાત. હવે વાત કરીએ એની દશાની. આ ૨૫૦૦-૩૦૦૦ બ્લોગ્સ છે તે એની પર લોકો પિરસે છે શું? આપને ગુજરાતી બ્લોગ્સ/વેબસાઈટની જમાતમાં લટાર મારવા નીકળીએ તો શું મળે? તો ત્યાં તો વિવિધ વિવિધ વાનગીઓ ચાખવા મળે. ક્યાંક કોઈ પોતાની મનગમતી કવિતાઓ વહેંચે, તો ક્યાંક સરસ મજાની વાર્તાઓ ને લેખો, કોઈ વળી ફિલમની વાત્યું કરે ને કોઈ સાવ જ સામાન્ય પોતાની રોજ-બરોજની અગંત વાતો કરે.
ટેકનોલોજીને લગતાં ને શિક્ષણને લગતા બ્લોગ છે, તો નેટ પર વેપારના પણ બ્લોગસ છે. અન્ય ભાષાઓની જેમ ગુજરાતીમાં પણ મોટાભાગના બ્લોગ્સ પર એક જ પ્રકારનાં વાંચનનું પુનરાવર્તન થતું જોવા મળે છે. શરૂઆતથી જ કવિતાને લગતાં બ્લોગ્સનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. સમય જતા એમાં એક મૂળભૂત ફેર થયો છે. પહેલાં પ્રસિદ્ધ કવિઓની રચનાઓ પ્રકાશિત કરતા હોય એવા બ્લોગ્સ વધુ હતા, જ્યારે આજે મૌલિક કવિતાઓનાં બ્લોગ્સ વધુ છે. ઘણીવાર તો એમ લાગે કે વાચકો કરતાં કવિઓ વધારે છે. હજી પણ ગુજરાતીમાં સાહિત્યિક વિષય સિવાય અન્ય વિષયોમાં બહુ જુજ ખેડાણ થયું છે. વિજ્ઞાન, ટેકનોલોજી, કળા, ઇતિહાસને લગતા બ્લોગ કે વેબસાઈટ એકાદ અપવાદને બાદ કરતા નહીંવત્ છે.
આમાંથી ઘણાબધા બ્લોગ્સ લાંબો સમય સુધી ચાલુ રહેતા નથી. કેટલાક ક્યાં તો બંધ થયા છે અથવા તો લાંબા સમયથી અપડેટ થયા નથી. તો બીજીબાજુ ‘લયસ્તરો’, ‘રીડગુજરાતી’, ‘ટહુકો.કોમ’ જેવી વેબસાઈટ્સ આરંભથી હજી લગી નિયમિત રીતે કાર્યરત છે. ‘અક્ષરનાદ’ અને ‘પુસ્તકાલય.કોમ’ જેવી વેબસાઈટ પર ઘણાં પુસ્તકોની ઈ-બુક કરવાનું કામ થયું છે અને હજી ચાલુ છે.
એ ઉપરાંત “ગુજરાત સમાચાર”, “સંદેશ”, “દિવ્ય ભાસ્કર” તથા અન્ય અખબારોની વેબસાઈટ્સ કાર્યરત છે. પરંતુ જેટલું મહત્વ અને ચીવટ પ્રિન્ટ એડિશનને અપાય છે તેટલી ચીવટ તેની ઓનલાઈન આવૃત્તિમાં જોવા મળતી નથી. એમાં અધૂરાં લેખો, જોડણીદોષ, વિગતદોષની ભરમાર જોવા મળે છે. આ વેબસાઈટ્સને યોગ્ય વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી નથી. એમાંથી જરૂરી કન્ટેન્ટ શોધવી એ કપરું કામ બને છે.
તેમ છતાં ય ૧૦૦એ ૧૦ તો ૧૦ પણ વાંચવા ગમે એવા બ્લોગ્સ અને વેબસાઈટ્સ છે. કોઈ પણ વ્યક્તિ પોતાને ગમતી કૃતિ એક ક્લિકનાં સહારે વાંચી શકે છે. ઘણાંખરાં અખબારો, સામાયિકો હવે ઓનલાઈન વાંચવા મળે છે. તો “પ્રકૃતિ”, “વીસમી સદી”, “નિરીક્ષક” જેવાં મેગેઝિનનોના જૂના અંકોને ડિજિટલાઈઝ કરીને ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આજે સવારે, પહેલી બેઠકમાં જ આપણે “ઓપિનિયન” મેગેઝિનની ડિવીડીનું લોકાર્પણ કર્યું. તેમાં “ઓપિનિયન”ની પ્રિન્ટ એડિશનના તમામ અંકોને સરળતાથી સર્ચ કરી શકાય, એ રીતે ડિજિટલાઈઝ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત નવા ડિજિટલ અવતારમાં “ઓપિનિયન”ની વેબસાઈટ તો સતત કાર્યરત છે જ. આ બધું ઇન્ટરનેટનાં સહારે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી શક્યું છે.
જ્યારે આ દુનિયા સુધી પહોચ્યાની વાત કરું છું, ત્યારે મારે આ બ્લોગ્સનાં વાચકવર્ગ વિષે પણ વાત કરવી છે. મારા પોતાની અને અન્ય ઘણીબધી વેબસાઈટની માહિતી પ્રમાણે અડધાથી પણ વધુ વાચક વર્ગ ભારત બહારનો છે. અને એ કોઈ નાનીસૂની વાત નથી જ. આ એવો વર્ગ છે જેના સુધી ગુજરાતી સાહિત્ય બીજા કોઈ માર્ગે પહોંચી શકતું નથી. તેમાં યુવાનોથી લઈને નિવૃત્ત થયેલા વડીલોનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેટનાં માધ્યમથી આ એક નવો જ સેતુ બંધાયો છે જે એની ખૂબ જ મોટી લબ્ધિ છે.
બ્લોગનું મહત્ત્વનું અંગ છે પ્રતિભાવ આપવાની સુવિધા. બ્લોગના વાચકો બ્લોગ પરના કોઈ પણ લેખ પર સીધો જ પ્રતિભાવ લખી શકે છે. પ્રતિભાવ કે જેને કોમેન્ટ કહે છે એ ખૂબ જ અસરકારક માધ્યમ છે. અહીં વાચકને પોતાના વિચારો પ્રગટ કરવાની અઝાદી મળે છે. સારામાં સારા લેખકની કૃતિ પણ નબળી જણાઈ હોય તો વાચકો નિ:સંકોચ એમનું મંતવ્ય રજૂ કરી દે છે. આ કારણે ઘણીવાર કોમેન્ટને બ્લોગની સફળતાના માપદંડ તરીકે પણ જોવામાં આવે છે. જેટલી કોમેન્ટ વધારે એટલા બ્લોગના વાચકો વધારે એવી એક સામાન્ય ધારણા છે. અને એટલે ઘણીવાર તો કોમેન્ટ કરના વાટકી વ્યવહાર પણ જોવા મળે છે. તમે અન્યના બ્લોગ પર જઈને પ્રતિભાવો આપો તો એ તમારા બ્લોગ પર આવીને પ્રતિભાવ આપે. ઘણીવાર તો મૂળ કૃતિથી પણ લાંબો પ્રતિભાવ આપનારા મળી આવે છે. તો વગર વાંચે પ્રતિભાવ કરનારા પણ છે. એવા પણ વાચકો છે જેઓ માત્ર વાંચવાનું જ પસંદ કરે છે અને ક્યારે ય પ્રતિભાવ આપતા નથી. અહીં એક બાજુ જ્યાં દેશ-વિદેશની, જાહેર જીવનની બૌદ્ધિક ચર્ચાઓ છે તો બીજી બાજુ કોપીરાઈટ અને ઊઠાંતરીનાં આક્ષેપો, બિનજરૂરી દલીલો ને તો ક્યાંક પ્રસિદ્ધિ માટેની યોજનાઓ પણ છે. તો ય જેમ સારાં પુસ્તકને વગર માર્કેટીંગ વાચકો મળી જ રહે છે તેમ સારા બ્લોગ્સ કે વેબસાઈટને પણ વાચકો મળી જ રહે છે. આ ઈંટરનેટી દુનિયામાંથી આપણને કેટલાક સારા કવિઓ અને લેખકો મળ્યા છે અને તેઓનાં પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.
આ બધું જ હવે માત્ર બ્લોગ કે વેબસાઈટ પૂરતું સીમિત ન રહેતા સોશિયલ નેટવર્કિંગની સેવાઓ સુધી ફેલાયું છે. અગાઉ કહ્યું એમ શરૂઆતના સમયમાં ‘ઓરકુટ’ પર ગુજરાતીમાં ગ્રૂપ્સ હતા. હવે ‘ફેસબુક’ પર જુદા જુદા વિષયોને લઈને અનેક ગ્રૂપ જોવા મળે છે. કેટલાક લોકો બ્લોગ કે વેબસાઈટ ના બનાવતા, ‘ફેસબુક’ પર જ પોતાની કૃતિઓ બીજા સાથે વહેંચે છે. અહીં જાહેરજીવનની, રાજકારણની કે પુસ્તકો વિષેની ચર્ચાઓ સતત ચલાતી રહે છે. ‘ફેસબુક’ ને ટ્વીટર ક્યારેક પ્રમોશનનાં માધ્યમ તરીકે પણ કામ કરે છે. ઘણી સંસ્થાઓ એ પોતાની વેબસાઈટને તેમના ‘ફેસબુક’ પેજ સાથે સાંકળી લીધી છે. નવા સમાચાર, કે આવનારા કોઈ કાર્યક્રમની માહિતી વહેચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ‘ફેસબુક’ના જગતમાં આપણી અકાદમી સૌથી મોખરે છે એમ કહેવું ખોટું નથી. અકાદમીના ફેસબુકના” પાના સાથે આજની તારીખે ૩૪,૦૦૦થી પણ વધુ લોકો જોડાયેલા છે. તેની પર મુકવામાં આવતા ચિંતનાત્મક લેખો અને કવિતાઓ એક જુદી જ ભાત ઉપજાવે છે.
ભાવિનો પથ :
આવનાર સમયમાં ઈન્ટરનેટનો ફેલાવો અમર્યાદ રીતે વધતો જવાનો છે, એ એક ચોક્કસ હકીકત છે. એક અંદાજે દુનિયામાં ૩.૧૭ બિલિયન લોકો આજે ઈન્ટરનેટનો વપરાશ કરે છે તથા ૪૦૦ મિલિયનથી વધુ લોકો નિયમિત બ્લોગ વાંચે છે. આજની પેઢી વધુ ને વધુ સમય મોબાઈલ પર ગાળે છે. આજના યુવાનો પુસ્તક કરતાં ઓનલાઈન વાંચવાનું વધુ પસંદ કરે છે. તેઓ પોતાના ટેબલેટ કે મોબાઈલ દ્વારા જ મેગેઝિન, ચોપડીઓ, સમાચાર વાંચવા ટેવાયેલા છે. ને આ જમાના માટે હજુ આપણે પૂરી રીતે તૈયાર નથી. મોટા ભાગના બ્લોગ્સ હજી મોબાઈલ ફ્રેન્ડલી લેઆઉટ ધરાવતા નથી. ખાસ કરીને સાહિત્યિક સંસ્થાઓ અને અખબારોની વેબસાઈટ્સ હજુ પણ ખૂબ જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કેટલાંક અખબારો આજે પણ ‘પીડીએફ’ કે પિક્ચર ફોર્મેટમાં પ્રકાશન કરે છે.
જેને ખરા અર્થમાં ઈ-પુસ્તક કહી શકાય, એવાં પુસ્તકો પ્રકાશિત કરતી વેબસાઈટ આંગળીના વેઢે ગણી શકાય એટલી જૂજ છે. ‘ઇ-શબ્દ’ તથા ‘એકત્ર’ અને એવા જે થોડા ઘણા પ્રયાસો થયા છે એમાં એના ફોરમેટ બાબતે એકવાક્યતા ભાસતી નથી.
જો કે ધીમે ધીમે એમાં બદલાવ આવતો દેખાય છે. આજે “ચિત્રલેખા”, “સફારી”, “નવનીત સમર્પણ”, “સાર્થક જલસો” વગેરે સામાયિકો જે તે મોબાઈલ કે ટેબલેટનાં એપ સ્ટોરમાંથી ખરીદીને વાંચી શકાય છે. અશોકભાઈએ કહ્યું એમ વધુ ને વધુ મોબાઈલ એપ્સ ગુજરાતીમાં સુલભ થતી જાય છે. બ્લોગના વિષયોમાં પણ વૈવિધ્ય દેખવા મળ્યું છે. ઈન્ટરનેટનાં માધ્યમ દ્વારા આવનારી પેઢીઓ સુધી આપણે જો આ સાહિત્યને પહોચતું કરી શકીએ તો એ એની સૌથી મોટી દેણગી હશે.
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની, ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી, નવમી ભાષા-સાહિત્ય પરિષદની પહેલી બેઠકના (વિષય : “રતિલાલ ચંદરિયા : દેણગી. ઈન્ટરનેટ જગત, ભાવિનો પથ તેમ જ દશા ને દિશા”) બીજા વક્તા તરીકે આપેલું વક્તવ્ય. શનિવાર, 29 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : નીરજભાઈ શાહ
ધવલભાઈ વ્યાસ
− ધવલ સુધન્વા વ્યાસ
એક એવો સમય હતો જ્યારે મને પોતાને અને બીજા ઘણા બધા લોકોને એમ લાગ્યું કે બ્લૉગ બનાવાય કે વેબસાઇટ બનાવાય. પરંતુ બ્લૉગ બનાવવા માટે થોડું ઘણું આવડવું જોઈએ. મારા સહિત ઘણાબધા લોકો એવા હશે કે જેમને કોઈક વિષય પર નવેસરથી લખવું હોય તો અઘરું પડે પરંતુ જો કોઈ વિષય ચાલતો હોય તો તેના પર લખવું એટલે કે એક પ્રવાહ વહી જતો હોય, તો તેની સાથે વહેવાનું વધારે ફાવે. કોઈક ટોપિક ચાલતો હોય તેને વાંચીએ કે તેના વિષે સાંભળીએ ત્યારે એમ થાય કે એને વિષે તો હું પણ બે શબ્દો બોલી શકું એમ છું, પછી આપણે એમાં જોડાઈ જઈએ અને હાંક્યે રાખીએ.
એવું હાંક્યે રાખનારાઓમાં એક સમય એવો હતો કે જ્યારે એમ લાગવા લાગ્યું કે મારે હવે કાંઈક કરવું છે, પણ શું કરવું છે એ ખબર ન હતી. એની સાથે સાથે જ વિકિપીડિયા વિષે જાણ થઈ. આજે તો બધાને ખ્યાલ જ હશે વિકિપીડિયા એટલે શું, જે લોકોને ખબર ન હોય તેમને માટે : વિકિપીડિયા એ એક જ્ઞાનકોશ છે, વિશ્વકોશ છે. સામાન્ય વિશ્વકોશમાં અને વિકિપીડિયામાં ભેદ શું એ જાણવા માટે મારા અનુભવમાંથી એક દાખલો આપું. જ્યારે ગુજરાતી વિશ્વકોશ લખાવાની શરૂઆત થઈ ત્યારે મેં પણ એમાં એકાદ-બે ટૂંકા આર્ટિકલ્સ લખેલા. હું વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો ત્યારે મારા પ્રોફેસરને ગુજરાતી વિશ્વકોશમાં યોગદાન કરવાનું આમંત્રણ આવ્યું હતું. એમણે અમને પૂછ્યું કે તમારે લખવું છે? અને મેં હા પાડી. બે બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રીઓ પર વિશ્વકોશનાં પાનાંના એક કોલમના ૧/૨ કે ૧/૪ ભાગમાં સમાય એટલું લખાણ લખીને આપવાનું હતું. આ લખીને આપી દીધા પછી હું વખતોવખત પ્રોફેસરને પૂછતો કે “સાહેબ, પેલું મારું લખેલું ક્યારે છપાશે?” મેં લખાણ આપી દીધાના લગભગ વરસેક પછી તેમણે જણાવેલું કે ગ્રંથ હવે પ્રેસમાં છે અને ટૂંક સમયમાં છપાઈને આવી જશે. મેં ‘ગ’ શ્રેણીના ગ્રંથમાં લેખો લખેલા, એ ગ્રંથ મેં લખ્યાના તો લગભગ દોઢેક વર્ષે બહાર પડ્યો. અને એ પછી પણ મોટેભાગે તો તે ગ્રંથ પુસ્તકાલયોમાં અને શાળા-કોલેજોમાં એમ જ પહોંચ્યો.
આમ જો જ્ઞાનકોશનું લખાણ લખાયાંનાં દોઢ-બે વર્ષે છપાઈને બજારમાં આવે અને આવ્યા પછી પણ મહદંશે તો સામાન્ય જનતાને દુર્લભ જ રહે, કે ફક્ત પુસ્તકાલયો કે સંદર્ભસંસ્થાઓમાં જ ઉપલબ્ધ થાય અને એ બન્યા પછી પણ બે-પાંચ વર્ષે એ લખાણની શું હાલત થાય? એ તો બદલાયા વગરનું એમનું એમ જ રહે. મેં જે લેખો લખ્યા હતા તે તો કોઈ વ્યક્તિવિશેષ પરના હતા, જેમાં કાંઈ ખાસ બદલાવ થવાનો ન હતો કેમ કે તે બંને મૃત્યુ પામેલા હતા, પરંતુ જો લેખન કોઈ જીવિત વ્યક્તિ પર હોય, તો એ લખાણમાં એમ જ લખ્યું હોય કે તેઓ હાલમાં આટલી ઊંમરના છે, આ વિષય પર કાર્ય કરી રહ્યા છે, વગેરે. હવે શક્ય છે કે આવું લખ્યા પછીના છ મહિનામાં એ વ્યક્તિનું અવસાન થાય, તો પણ ગ્રંથના પ્રકાશનમાં જેટલો સમય લાગે છે તે અનુસાર જ્યારે ગ્રંથ પ્રગટ થાય ત્યારે તેમાં તો વ્યક્તિના અવસાનની નોંધ લેવાઈ જ ન હોય અને વાચકને ખ્યાલ પણ ન આવે કે એ વ્યક્તિ અવસાન પામી છે. જ્યારે વિકિપીડિયા એ એવો જ્ઞાનકોશ છે જેમાં ઘટનાઓની વિગતો સમયાંતરે અને જ્યારે ઘટના ઘટે ત્યારે ઉમેરાતી રહે છે. એટલે કે હંમેશાં માહિતી તાજીને તાજી જ રહે છે.
મેં જ્યારે વિકિપીડિયા વાપરવાની શરૂઆત કરી, અથવા તો એમ કહી શકાય કે વિકિપીડિયા જેવું કંઈક છે એમ જાણ્યું તે લગભગ ૨૦૦૫ના અરસામાં. તે સમયે ગુગલ તો હજું નવુંસવું હતું, સર્ચ એન્જીન તરીકે યાહુ, આસ્ક, વગેરે જેવા સર્ચ પ્રોવાઇડર્સ હતા. તેમાં જ્યારે કોઈક શબ્દ વિષે શોધીએ (સ્વાભાવિક છે કે તે સમયે અંગ્રેજીમાં જ ટાઈપ કરવું પડતું હતું, ગુજરાતીમાં ટાઈપ થાય અને સર્ચ પણ કરી શકાય એવી તો ત્યારે કલ્પના પણ નહોતી કરી શકાતી) ત્યારે શોધ પરિણામોમાં મોટેભાગે (અંગ્રેજી) વિકિપીડિયાના લેખ જોવા મળતા. આમ વિકિપીડિયા વિષે જાણકારી મળી હતી. એવામાં એક વખત કદાચ ‘અશોકા’ ફિલ્મ જોઈને સમ્રાટ અશોક વિષે વધુ જાણકારી મેળવવાની ઈચ્છા થઈ હતી, કેમ કે એ પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય અને કદાચ સમ્રાટ અશોક વિષે કોઈક નવલકથા કે એમ કાંઈક વાંચેલું અને ‘અશોકા’ ફિલ્મ જોયા પછી લાગ્યું કે આ ફિલ્મમાં બતાવ્યું છે એવું તો કાંઈ વાંચ્યાનું યાદ આવતું ન હતું. આમ અશોક વિષે શોધતા તેના અંગ્રેજી વિકિપીડિયાના પેજ પર પહોંચ્યો. વિકિપીડિયામાં કોઈ પણ લેખ અન્ય કઈ-કઈ ભાષામાં ઉપલબ્ધ છે તે દર્શાવવા માટે પૃષ્ઠની ડાબી બાજુના હાંસિયામાં જે-તે ભાષાની કડીઓ આપવામાં આવેલી હોય છે. આ કડીઓમાં ગુજરાતી પણ જોયું અને એના પર ક્લિક કરીને સમ્રાટ અશોકના ગુજરાતી વિકિપીડિયામાં બનેલા લેખ પર ગયો. એ રીતે હું પહેલી વખત પહોંચ્યો ગુજરાતી વિકિપીડિયા પર. ગુજરાતી અને અંગ્રેજી લેખો વચ્ચે તફાવત એટલો જ હતો કે, એ સમયે અંગ્રેજીનો લેખ જો કાગળ પર પ્રિન્ટ કરવા બેસીએ તો ૨-૩ પાનાંમાં છપાય, જ્યારે ગુજરાતી લેખ એક જ પાનામાં અને એ પણ ફક્ત એક જ ફકરામાં સમાઈ જાય એટલો હતો.
આ વાત છે લગભગ ૨૦૦૬ના અરસાની કે જ્યારે ગુજરાતી વિકિપીડિયાનો પરિચય થયો. જો કે તે સમયે હું આ દેશ(યુ.કે.)માં આવી ચુક્યો હતો. વર્ષ ૨૦૦૭માં મેં નોકરી બદલી. નવી નોકરીમાં ડેસ્ક પર જ કમ્પ્યૂટર હતું, નવી-નવી નોકરી હતી એટલે ટ્રેઈનિંગ ચાલતી હતી, કામ ઘણું ઓછું હતું અને નવરાશનો સમય વધારે. મને ખાવાનો જરા વધારે શોખ, જેમણે મને રૂબરૂ જોયો છે તેને તો મારું પેટ જોઈને સમજાઈ જ જતું હશે. આમ આ ખાવાના શોખને લીધે ગુજરાતી વિકિપીડિયા પર વિવિધ ખાદ્યલક્ષી લેખો શોધવાનું અને વાંચવાનું શરૂ કર્યું. શરુઆત કરી દાળ-ભાતથી. દાળ વિષેના ગુજરાતી વિકિપીડિયાના લેખમાં એ સમયે ઘણુંબધું ખૂટતું હતું. જો કે એ અરસામાં ગુજરાતી વિકિપીડિયા પર કુલ લેખોની સંખ્યા લગભગ ૧૭૦ જેટલી હોવાનું મને યાદ છે, આ વાત છે આજથી લગભગ ૭-૮ વર્ષ પહેલાંની. એ સમયે અંગ્રેજી વિકિપીડિયા પર કદાચ અંદાજે ૩-૪ લેખો હતા. આજે એ આંકડો ૧૨-૧૩ લાખની આસપાસ છે. હવે તમે જ વિચાર કરો કે જ્યાં ૧૭૦ જ લેખો હોય ત્યાં તમારે જોઈએ એ ખાવાની વસ્તુનો લેખ તમને ત્યાં મળી રહે એની શક્યતા કેટલી? આમ મારી ગુજરાતી વિકિપીડિયાની સફર ચાલુ થઈ.
જેમજેમ શોધતો ગયો તેમતેમ નવા લેખો બનાવતો ગયો. નસીબજોગે ફાયદો એ થયો કે વિકિપીડિયામાં શરૂઆતથી જ ગુજરાતી ટાઈપ કરવાની સગવડ હતી. આગળ જણાવ્યું તેમ તે સમયે સર્ચ એન્જીનમાં કે ઇમેલમાં ગુજરાતી કે અન્ય ભારતીય ભાષાઓમાં ટાઈપ થઈ શકે એવી સુવિધા વિશેષ કરીને હતી નહિ. ટેક્નોલોજી હતી, પરંતુ તે લોકભોગ્ય બની ન હતી. હું અહીં આવ્યો તે પહેલાં અમદાવાદમાં એક એન.જી.ઓ. હતી, સૃષ્ટિ નામની, તેમાં કામ કરતો. સંસ્થા ગુજરાતનાં ગામડાંઓમાં કામ કરતી અને ‘લોકસરવાણી’ નામનું પોતાનું ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતી, તેથી અમારે ત્યાં ગુજરાતી ડી.ટી.પી. ઓપરેટર હતા અને ગુજરાતી સોફ્ટવેર હતાં જે મેં થોડાઘણા શીખેલા અને એ કારણે શ્રુતિ-કૃતિ જેવા કોઈકે એકાદ ગુજરાતી ટાઈપીંગ માટેના કિ-બોર્ડનું લે-આઉટ (બકમ .. વાળું નહિ) થોડુંઘણું પરિચિત થયેલું. પરંતુ વિકિપીડિયાની જે ગુજરાતી ટાઈપ કરવા માટેની સુવિધા હતી (અને આજે પણ છે) તે ઘણી સરળ. ‘kem’ ટાઇપ કરો એટલે ‘કેમ’ છપાય, chho ટાઇપ કરો એટલે ‘છો’ લખાય. ધ્યાનમાં એક જ વાત રાખવાની કે ગુજરાતી સંસ્કૃતની જેમ લખવાની, એટલે કે દરેક અક્ષર ખોડો. એના પછી ‘અ’ એટલે કે ‘a’ ન ઉમેરો તો તે ખોડો જ રહે. અને દ/ડ કે ત/ટ માટે પણ સહેલું હતું, t વાપ્રો તો ત થાય અને T વાપરો તો ટ, d વાપરો તો દ અને Dથી ડ. કાન્તિલાલ લખવું હોય તો kaantilaala ટાઈપ કરવું. આમ કિબોર્ડ લે-આઉટ સહેલું હતું એટલે પહેલા દિવસે જ અડધો-એક કલાક પ્રેક્ટિસ કરવાથી ગુજરાતીમાં ટાઈપ કરવાની ફાવટ આવી ગઈ. અને થઈ ગઈ લખવાની શરૂઆત.
વિકિપીડિયાનું સૂત્ર જ છે કે “કોઈ પણ, કાંઈ પણ લખી શકે છે”. આમાં “કાંઈ પણ”નો ઘણા લોકો પોતાને અનુકૂળ એવો અર્થ કરતા હોય છે, કે મનફાવે તે લખી શકાય. પરંતુ એવું નથી. હા, કાંઈ પણ લખી શકાય છે, પરંતુ જ્ઞાનકોશને લગતું, જ્ઞાનકોશના દાયરામાં રહીને, વિકિપીડિયાની નીતિઓને અનુસરીને, કોઈને પણ સ્વાભાવિક રીતે વાંધાજનક ન હોય તેવું કાંઈ પણ લખાણ.
ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત થઈ જુલાઈ ૨૦૦૪માં, ત્યારથી ૨૦૦૭ના અંત સુધીમાં ૨૦૦ કરતાં પણ ઓછા લેખો બન્યા હતા. અને એ ૨૦૦૭થી આજે ૨૦૧૫ના ઓગષ્ટ સુધીમાં ગુજરાતી વિકિપીડિયાના કુલ લેખોની સંખ્યા ૨૫,૦૦૦થી પણ વધી ગઈ છે. શરૂઆતના ત્રણ વર્ષની સરખામણીએ ૨૦૦૭ પછી ઘણી ઝડપથી લેખોની સંખ્યામાં વૃદ્ધિ થઈ, એની પાછળનું કારણ છે માર્ગદર્શન, સલાહ અને સહકાર. કોઈ પણ ઓફિસમાં તમે જાવ તો ત્યાં હેલ્પડેસ્ક કે રિસેપ્શન જેવી સગવડ હોય, તમારે જેનું કામ છે એ ક્યાં મળશે, તમારું કામ કેવી રીતે થશે વગેરે માહિતી આપવા માટે. અરે, મંદિરમાં જાવ ત્યારે ત્યાં પણ બારણે કોઈક બેઠેલું હોય, “ચંપલ ઊતારીને જ અંદર જજો” એમ કહેવા માટે. આમ વિકિપીડિયામાં પણ એવું ચંપલ ઊતારીને જજો કહેનારું ૨૦૦૭ પહેલાં નહોતું, જ્યારે મેં કીધું તેમ મેં શરૂઆત કરી ત્યારે હું નવરો જ હતો. જે કોઈ આવે જાય એને ટપલી મારવાનું કામ મારું. કોઈ એક નાનો ફેરફાર કરીને જાય તો કોઈ વળી વારેઘડીએ આવે અને થોડું વધારે યોગદાન કરે. કાંઈ પણ લખાય એટલે મનફાવે એમ અર્થ કરનારાને મારે તે સમયે કહેવું પડતું કે આમ ન કરાય. એમ કરતા કરતા ૮-૧૦ જણાનો અમારો સમુદાય એવો તૈયાર થઈ ગયો, ૨૦૦૮-૨૦૦૯નાં વર્ષોમાં કે એ લોકોને કોઈ કશું કહે તો તે સાંભળી પણ લેતા, તેનો અમલ પણ કરતા અને ક્યાંક મુંઝાય તો પૂછી પણ લેતા.
જો કે એ વેળા એવું થતું કે મોટે ભાગે લોકો એમ માનતા કે મારે જે લખવું છે તે હું લખીશ. લોકો એવા પણ હતા જે બ્લૉગ લખતા તથા વાંચતા અને વિકિપીડિયામાં પણ યોગદાન કરતા. બ્લૉગ અને વિકિપીડિયા એ બંને માધ્યમોમાં ગુજરાતી ભાષામાં સાહિત્ય ઉપલબ્ધ થતું, તફાવત હતો એ બંને સ્થળનાં લખાણની લેખનશૈલીનો અને તેની ઉપયોગિતાનો. વિકિપીડિયા જ્ઞાનકોશ હોવાને નાતે તેમાં ફક્ત ફેક્ટ બેઝ્ડ કન્ટેન્ટ એટલે કે સત્યાર્થતાપૂર્ણ સામગ્રી જ પીરસી શકાય, એટલે કે જે લખાણની સત્યાર્થતા સાબિત કરી શકીએ, તેવી જ માહિતી ત્યાં મૂકી શકીએ. સત્યાર્થતા પૂરવાર કરવા માટે સંદર્ભની આવશ્યકતા રહે. ત્યાં કોઈ મૌલિક લખાણ ન લખી શકાય. જ્યારે બ્લૉગમાં મૌલિક લખાણની પણ છૂટ છે. ત્યાં તમે ખરા અર્થમાં મનફાવે તેમ લખી શકો. ચાહો તો કોઈના પર આકરા પ્રહારો પણ કરી શકો અને આરોપ પણ મૂકી શકો કે પછી સારી ભાષામાં અપશબ્દો પણ લખી શકો. જ્યારે વિકિપીડિયામાં તટસ્થ લેખો જ લખી શકાય, કોઈના પર આક્રમણ ન કરી શકાય. કોઈ એમના બ્લૉગ પર એમ લખી શકે કે ધવલ વ્યાસ એક નંબરનો ડફોળ માણસ છે કે નરેન્દ્ર મોદીમાં બુદ્ધિ નથી. એમ લખવા બદલ હું કે બીજું કોઈ પણ એ વ્યક્તિને કશું કરી શકીએ નહિ. પણ આ જ બે વાતો વિકિપીડિયામાં ન લખી શકાય, ત્યાં તમે વ્યક્તિગત રીતે શું માનો છો, તે ન જણાવી શકો. જે કોઈ વિધાન ત્યાં લખો તે કોણે કહ્યું છે તે સ-સંદર્ભ જણાવવું પડે. બધી જ માહિતી માટે સંદર્ભ આપવાનો રહેતો નથી, પણ જે સંદેહાત્મક માહિતી હોય તેના માટે સંદર્ભ આવશ્યક છે. જો સંદર્ભ ન આપ્યો હોય તો એવી માહિતી ગમે તે ઘડીએ ત્યાંથી હટાવવામાં આવે. આ વિકિપીડિયાની સૌથી અગત્યની નીતિ છે. ગમે તેને ગમે તે લખી શકે છે, એ વ્યાખ્યા અહીં અટકી જાય છે. આ જ વસ્તુ છે જે ઘણા લોકોને વિકિપીડિયામાં લખતાં અટાકાવે છે. કેમ કે ત્યાં તેમણે કોઈક દાયરામાં રહીને લખવું પડે છે, મૌલિક વિચારો રજૂ કરવાની છૂટ નથી. છેલ્લાં ૭-૮ વર્ષમાં એવા ઓછામાં ઓછા સોએક નામો જો હું પ્રયત્ન કરું તો મને યાદ આવે કે જેમના સંપર્કમાં હું વિકિપીડિયા મારફતે આવ્યો. પરંતુ એ ૧૦૦માંથી આજે વીસેક એવા છે જે હજુ સક્રિય છે, વીસેક એવા છે જે વિકિપીડિયામાં આવ્યા અને ગયા પણ આજે બ્લૉગજગતમાં સક્રિય છે અને એમનો સારો એવો ડંકો વાગે છે. તેઓ ઘણું સારું લખે છે. એમને જ્યારે હું પૂછું કે તમે હવે વિકિપીડિયામાં કેમ નથી આવતા તો જવાબ મળે છે “ત્યાં બહુ બધા બંધનો છે, આમ ન કરાય ને આવું ન લખાય, વગેરે”. પરંતુ એ બંધનોને કારણે જ વિકિપીડિયાની ગરિમા સચવાઈ છે અને જે લોકો વિકિપીડિયામાં ભરોસો રાખે છે તેમનો ભરોસો બરકરાર રહ્યો છે. ગુજરાતી ભાષામાં એ સમયે જ્ઞાન માટે સામગ્રી મળી રહે એવું કશું ન હતું, જો કે હજુ આજે પણ ઘણું ઓછું છે. સાહિત્ય ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે. અંગ્રેજીમાં કહે છે તે ફિક્શન અઢળક મળે છે, એના સ્રોત પણ અનેક છે, પરંતુ નોન-ફિક્શન નથી મળતું. વિકિપીડિયા આ નોન-ફિક્શનની જરૂરિયાત પૂરી પાડે છે.
માહિતી એટલે શું અને એની ખોટ કેવી વરતાય, એનું ઉદાહરણ મારા અન્ય એક જાત અનુભવ દ્વારા આપું. મેં આગળ કહ્યું તે મારી એન.જી.ઓ.ની નોકરી શરૂ કરી, ત્યારે તેના ભાગરૂપે મારે ગામડાંઓમાં ફરવાનું થતું. હું જન્મેલો અમદાવાદમાં. અમારું મૂળ વતન પણ અમદાવાદ શહેરનો ખાડિયા વિસ્તાર. મેં તો નહિ પણ મારા દાદાના દાદાના દાદા પણ ગામડામાં રહેલા નહિ, અમે નવ પેઢીઓથી અમદાવાદમાં. પોળમાં રહેતા ત્યારે વેકેશનમાં પોળના બધા છોકરા ગામડે કે એમ એમના મામાને ઘેર કે માસીને ઘેર એમ સગાંઓના ઘેર જાય. અમારે તો મામાનું ઘર હોય કે કાકાનું, બધું અમદાવાદમાં. મામાના ઘેર જવું હોય તો ખાડિયાથી નીકળીને રાયપુર જવાનું. અમારી આખી નાત ખાડિયા-રાયપુર-સારંગપુરમાં સમાઈ જતી. ગામડું એવું કશું અમારા માટે હતું નહિ. ભણ્યો હું વનસ્પતિશાસ્ત્ર પણ આખી જિંદગીમાં પોળના પથ્થરો વચ્ચે કોઈ વનસ્પતિ નહિ જોયેલી. વનસ્પતિનાં નામે તુલસીનો છોડ એકલો; અને હા, પીપળો. આખા ખાડિયા વચ્ચે એક પીપળો હતો, જ્યાં શ્રાદ્ધના દિવસે લોટો પાણીનો રેડવા અમે જતા. આમ ઝાડનાં નામે તુલસી અને પીપળો બે જોયેલાં, અને ગામડાના નામે તો કશું જ નહિ જોયેલું.
આવા પાક્કા અમદાવાદીને એ નોકરીમાં બાલારામ-જેસોર અભયારણ્યના પ્રોજેક્ટ પર કામ કરવાનું આવ્યું હતું. ૩-૪ મહિના તો ઓફિસમાં બેસીને કામ કર્યા પછી બોસે કહ્યું કે તારે સેન્ક્ચ્યુરી વિસ્તારમાં રતનપુર ગામમાં ફલાણાભાઈને મળવા જવાનું છે. હવે એ સમયે બાલારામ ક્યાં આવ્યું એ પણ ખબર નહિ. એટલે ૨-૩ દિવસ સુધી લોકોને પૂછપૂછ કર્યું કે આ રતનપુર ક્યાં આવ્યું ,ત્યારે કોઈકે કહ્યું છે એ પાલનપુરમાં છે. પપ્પાને પૂછીને પાલનપુર કેવી રીતે જવાય એ સમજીને હું પાલનપુર પહોંચ્યો. પાલનપુરથી રતનપુર જવા માટે ત્યાંથી જીપો ઉપડે. જીપવાળાને કહ્યું કે રતનપુર જવું છે તો એ પૂછે કયું રતનપુર? આ સાંભળીને મારા બાર વાગી ગયા. કયું રતનપુર એટલે શું? એક કરતાં વધારે રતનપુર હશે એવો તો સ્વપ્ને ય ખ્યાલ નહિ. પેલા લોકોએ પૂછ્યું કે કઈ બાજુ આવ્યું તો એની પણ મને ખબર નહિ. નસીબજોગે મારે જેને મળવા જવાનું હતું એ ગામમાં વૈદ્યનું કામ કરતા એટલે વિસ્તારમાં જાણીતા અને એમનું નામ લેવાથી જીપવાળા સમજ્યા કે મારે કયા રતનપુર જવું હતું. એ સમયે વિકિપીડિયા હતું નહિ. આજે જો કોઈને કોઈ પણ ગામ વિષે જાણવું હોય તો વિકિપીડિયામાંથી એના વિષે માહિતી મળી રહે. ગુજરાતના ૧૮,૦૦૦ ગામો છે, એમાંથી મોટાં ભાગનાં ગામ વિષે વિકિપીડિયામાં એક એક લેખ છે. જો હું આજે રતનપુર શબ્દ વિકિપીડિયામાં સર્ચ કરું તો એ નામનાં બધાં જ ગામોનું લિસ્ટ મને આપે અને એમાંથી મારે કયા ગામે જવાનું એ હું ચોક્સાઈ કરીને જઈ શકું. આ આખી વાતનો સાર એ કે વિકિપીડીયા એ આવી માહિતી આપતું માધ્યમ છે, નહિ કે મૌલિક સાહિત્યનું.
અમારા એ શરૂઆતનાં વર્ષોમાં જે ટૂકડી બની હતી તેમાં એક ભાઈ હતા, જેમને સાહિત્યિક અલંકૃત ભાષામાં લખવાનો શોખ. મારે ઘણી વખત એમને ટોકવા પડતા કે ભાઈ અહીં સરળ ભાષામાં મુદ્દાસર માહિતી આપવાની હોય છે. જો કે તેઓ મારા મિત્ર બની ગયા હોવા છતાં તેમને એ સલાહ ગમતી નહિ. એ જ ભાઈને જરા આધ્યાત્મમાં પણ વધારે રસ. એટલે તેઓ જે કોઈ લેખ બનાવે તેને લગતું ભજન એમની પાસે હોય જ અને એ ભજન પણ તેઓ વિકિપીડિયાના લેખમાં ઉમેરી દે. પછી તો એવો સમય આવ્યો કે તેઓ ફક્ત ભજન માટે એક આખો લેખ બનાવે. તેમણે ગંગાસતીનાં ઘણાં ભજનોનાં પાનાં બનાવ્યા. નરસિંહ મહેતાનાં ભજનોનાં પણ. દા.ત. જાગને જાદવા નામે લેખ બનાવે, એમાં ફક્ત જાગને જાદવા ભજન જ હોય, બીજું કશું નહિ. મેં અને અન્ય વિકિમિત્રોએ એમને સમજાવવા માંડ્યા કે જ્ઞાનકોશમાં જે તે વિષય પર માહિતી આપવાની હોય, ભજન મૂકી દેવાથી વાચકને કોઈ માહિતી મળતી નથી. વિકિમિત્રો એટલે વિકિપીડિયામાં તે સમયે યોગદાન કરી રહેલા સક્રિય સભ્યો.
વિકિપીડિયાનું સંચાલન કરતી કોઈ ઓફિસ નથી કે નથી તો એનો કોઈ પગારદાર માણસ કે જે તેની નીતિઓ ઘડે. નીતિ નિર્ધારન, નિયમપાલન, વગેરે બધાં જ કામો મારા તમારા જેવા સ્વયંસેવકો જ કરે અને તે પણ નિ:શુલ્ક, પોતાના નવરાશના સમયમાં. હું ગુજરાતી વિકિપીડિયાનો પ્રબંધક છું, એ પણ સ્વયંસેવક તરીકે જ, પગારદાર નહિ. ઘણી વખત અમારે ત્યાં ઝઘડા પણ થાય, દલીલબાજી પણ થાય, રિસામણાં-મનામણાં પણ થાય. વિકિપીડિયામાં બધું જ છે, એ બ્લૉગ જેવું પણ છે, સોશિયલ મીડિયા પણ છે, કોમેન્ટ્સ પણ લખવા દે અને માહિતી પણ આપવા દે.
પાછો મૂળ વાત પર ચઢું તો, એ મિત્રને જ્યારે અમે કહ્યું કે આમ આખેઆખા ફક્ત ભજનો માટે વિકિપીડિયામાં લેખ ન બનાવાય, હા એ ભજનને લગતી કોઈક માહિતી હોય, જેમ કે તે કોણે રચ્યું, ક્યારે રચ્યું, કેવા સંજોગોમાં રચ્યું, વગેરે, તો તેવી માહિતી ધરાવતો લેખ બનાવાય. આમ કહ્યું ત્યારે પ્રશ્ન ઊભો થયો કે આ ભજનો પણ સાહિત્ય તો છે જ. જેમ મને ગામડાંઓ વિષે જાણ ન હતી તેમ જ ગંગાસતીનું નામ પણ મેં જ્યારે આ મિત્રએ એમનાં ભજનો લખવા માંડ્યા ત્યારે જ થઈ. એટલે મારા જેવા અબુધ લોકોને આ ભજનો પણ મળી રહે તેમ કરવું તો જરૂરી હતું જ. જો એ ભજનો વિકિપીડિયા પર ન મૂકી શકાય તો ક્યાં મૂકી શકાય?
આ પ્રશ્નના ઉત્તર રૂપે અમને સુઝ્યું કે અન્ય ભાષાઓમાં સાહિત્યના સ્રોતના સંગ્રહ માટે વિકિસોર્સ અસ્તિત્વમાં છે. જેમ વિકિપીડિયા એ વિકિ + એન્સાયક્લોપીડિયા, એ રીતે વિકિ + (લિટરેચરનો) સોર્સ એટલે વિકિસોર્સ. વિકિ શબ્દ મૂળ હવાઈયન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે મૂક્ત, મફત. એ શબ્દ સોફ્ટવેરની દુનિયામાં ઘણાં વર્ષોથી વપરાતો હતો. વિકિપીડિયા બન્યું તે પહેલાં પણ. એ સોફ્ટવેર જગતમાં વપરાતો શબ્દ લઈને જ વિકિપીડિયા શબ્દ બનાવ્યો હતો. વિકિપીડિયા જેમ મૂક્ત/મફત જ્ઞાનકોશ છે એમ જ એના જેવી બીજી પણ ઘણી વિકિ સાઇટ્સ છે, જેમ કે વિકિસોર્સ (ગુજરાતીમાં વિકિસ્રોત), વિક્શનરી (ડિક્શનરી-શબ્દકોશ), વિકિઉક્તિ (વિકિક્વોટ), વગેરે. આમ એ ભજનોના માધ્યમથી અમને ગુજરાતીમાં વિકિસ્રોત બનાવવાની પ્રેરણા મળી. અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓમાં એમનું અલાયદું વિકિસોર્સ હતું જ. ગુજરાતી માટે પણ હતું, પરંતુ તે સામૂહિક વિકિસોર્સમાં જ્યાં અનેક ભાષાઓનું સાહિત્ય હોય. ગુજરાતી વિકિપીડિયા gu.wikipedia.org એમ લખવાથી અને અંગ્રેજી વિકિપીડિયા en.wikipedia.org લખવાથી ખૂલે છે, આમાં gu અને en એ ભાષાસંજ્ઞા છે જે વેબ એડ્રેસમાં સબડોમેન તરીકે વપરાય છે. આમ અમારે વિકિસ્રોત માટે પણ અમારું પોતાનું ઠેકાણું જોઈતું હતું, જે guથી શરૂ થતું હોય. મેં કહ્યું કે વિકિપીડિયાનું નિયમન કરતી કોઈ સંસ્થા ઓફિસ કે પેઢી નથી. પણ વિકિપીડિયા, વિકિસ્રોત, વિક્શનરી, વગેરે વેબસાઇટો ચલાવવા અને તેનું સંચાલન કરવા માટે તો સંસ્થા છે જે આર્થિક ખર્ચાઓ કરે. આ સંસ્થાનું નામ છે વિકિમીડિયા ફાઉન્ડેશન. હવે જ્યારે આપણે gu.wikisource.org નામે અલાયદું ગુજરાતી સબડોમેન માંગીએ ત્યારે આ ફાઉન્ડેશને આર્થિક મૂલ્યાંકન કરવું પડે કે અમારી પાસે એવું સભ્યબળ છે જે એ વિકિસ્રોતને આગળ વધારી શકશે અને એને જીવંત રાખી શકશે? એ માટે એમના ઘણા નિયમો છે, જેને અમારે અનુસરવા પડે અને એમની માંગણીઓ સંતોષવી પડે. આ માંગણીઓ નીતિ વિષયક હોય, જેમ કે બધા જ સંદેશાઓનું ભાષાંતર થયેલું હોવું જોઈએ, અમુક સંખ્યામાં સાહિત્ય તૈયાર હોવું જોઈએ, અમુક સંખ્યામાં સભ્યો હોવા જોઈએ જે સક્રિય હોય, વગેરે. સૌથી મોટી જરૂરિયાત હતી આખી વેબસાઇટ ગુજરાતીમાં તૈયાર કરવાનું. જેમ તમે કોઈ વેબસાઇટ પર જાવ તો ત્યાં Homepage, save, print, વગેરે સંદેશા/બટનો અંગ્રેજીમાં દેખાય. પરંતુ જો હું ગુજરાતી વેબસાઇટ બનાવું તો એ વાંચનારા ગુજરાતી લોકોને અંગ્રેજી આવડવું જરૂરી નથી માટે એમને આ શબ્દોનું ભાષાંતર દર્શાવવું ઘણું અગત્યનું બની રહે. અમે થોડા સભ્યોએ ભેગા મળીને આવા આઠ-નવ હજાર શબ્દોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું જેથી વિકિપીડિયા કે વિકિસ્રોતમાં તમને બધા જ સંદેશા, બટનો, એરર કોડ બધું જ ગુજરાતીમાં વંચાય.
આમ કરતા બધી જ ટેકનિકલ જરૂરિયાતો સંતોષાતા, બે વર્ષની જહેમતને અંતે, ૨૦૧૨માં અમને ગુજરાતી gu ડોમેનવાળું વિકિસ્રોત મળ્યું. ૨૦૧૨થી ૨૦૧૫ એમ ત્રણ વર્ષમાં અમે કુલ ૭૫ પુસ્તકો યુનિકોડ ફોન્ટમાં ટાઇપ કરીને વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવ્યાં છે. ગુજરાતી ક્લાસિકલ સટાયર ભદ્રંભદ્ર, ગાંધીજીની આત્મકથા, ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર એવા ગુજરાતી સાહિત્યના સીમાચિહ્નરૂપ અનેક પુસ્તકો આજે ગુજરાતી વિકિસ્રોતમાં ઉપલબ્ધ છે, જે ઓનલાઇન વાંચી શકાય તેમ છે તથા પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકાય છે. ગાંધીજીનાં લગભગ બધાં જ પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે. ઝવેરચંદ મેઘાણીનું પણ ઘણુંબધું સાહિત્ય ઉપલબ્ધ છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની ક્લાસિકલ નવલકથા સરસ્વતીચંદ્ર પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આ ૭૫ તો આખેઆખા પુસ્તકો. એ સિવાય સેંકડો લોકગીતો, ગરબા, નરસિંહ અને મીરાંના ભજનો, દયારામની કવિતાઓ, આરતીઓ, સ્તોત્રો, વગેરે તો છે જ. જેમ વિકિપીડિયાની મર્યાદા સંદર્ભ સાથેની માહિતી છે, તેમ વિકિસ્રોતની મર્યાદા છે પ્રકાશનાધિકારથી મૂક્ત સાહિત્ય. એટલે કે એવું કોઈ પણ સાહિત્ય કે જેના પર હજુ પણ કોઈના કોપીરાઇટ્સ હોય તે અમે વિકિસ્રોત પર ચડાવી શકતા નથી. બીજા અર્થમાં હાલમાં હયાત સર્જકોની કૃતિઓ કે જે સર્જકોના દેહાવસાનને હજુ ૬૦ વર્ષ થયાં નથી તેવા સર્જકની કૃતિઓ સરળતાથી વિકિસ્રોત પર મૂકી શકાતી નથી. હા, જો કોઈ સર્જક લેખિતમાં અમને પરવાનગી આપે, તેમના પ્રકાશનાધિકાર જતા કરીને તે સાહિત્યને આ માધ્યમથી લોકો સમક્ષ મૂકવાની, તો અમે અવશ્ય વિકિસ્રોત પર તે કૃતિ મૂકી શકીએ.
e.mail : dsvyas@gmail.com
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની, ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી, નવમી ભાષા-સાહિત્ય પરિષદની પહેલી બેઠકના (વિષય : “રતિલાલ ચંદરિયા : દેણગી. ઈન્ટરનેટ જગત, ભાવિનો પથ તેમ જ દશા ને દિશા”) ત્રીજા વક્તા તરીકે આપેલું વક્તવ્ય. શનિવાર, 29 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : ધવલભાઈ સુધન્વા વ્યાસ
૪. મુશાયરો
વીડિયો
૫. ત્રીજી બેઠક
વીડિયો
અનિલભાઈ વ્યાસ
‘દર્શક’નું સાહિત્યવિશ્વ
‘દર્શક’ની નવલકથાઓ, એમનાં નાટકો, એમની વાર્તાઓ, એમનું વિવેચન સાહિત્ય
− અનિલ વ્યાસ
આજે બોલવા ઊભો થયો છું ત્યારે મારી સામે પ્રકાશભાઈ બેઠા છે એટલે ‘દર્શક’ વિશેની વાત કરવાની હોય પ્રકાશભાઈની સામે, આશાબહેનની સામે, અદમભાઈની સામે કરવાની હોય, ત્યારે સંકોચ થાય એવો એક સંકોચ અનુભવું છું.
વિપુલભાઈએ એવું કહ્યું કે 30% અને 70%. મેં ‘દર્શક’ને એક જ વાર મારી જિંદગીમાં 1978માં જોયેલા. અલપઝલપ, વાત તો કરી ન હતી પણ મેં એમને સાંભળ્યા હતા. એમના વ્યક્તિત્વનો પ્રભાવ જ એવો હતો કે માત્ર વંદન સિવાય હું બીજું કશું કરી શકું નહિ. અને મેં એમના આખા વ્યક્તિત્વમાં એમને જ્યારે જોયા ત્યારે એક અદના માણસ તરીકે જ જોયા કે જે સતત એવું ઇચ્છતા હતા હું એ જ લાગું. ના કેળવણીકાર લાગું ના સાહિત્યકાર લાગું. અને એમના સમગ્ર સાહિત્યમાં હું જેટલું જેટલું વાંચી શકું છું એમાં મેં એ જ છાપ તેમની ઉપસ્થિત થતી જોઈ છે. સતત સત અને અસતના એક સંઘર્ષની અંદર છે. સત સાથે જોડાયેલા રહેવું, સત સાથે ચાલવું.
આપણે જોઈશું આગળ જેમ થશે એમ. પણ હું થોડી મારી વાત કરવાની ઇચ્છા રાખું છું કે હું જ્યારે કશુંક લખવા બેસું જેમ કે વાર્તા કે હમણાં નવલકથા લખું છું ત્યારે એક સવાલ મારી સામે આવીને ઊભો રહે છે કે આ સર્જન કરવાનું કામ શું. શું કામ લખવું પડે. અને લખવું જ છે તો તારું કોઈ કર્તવ્ય ખરું આ લખવા માટે. નિજાનંદ સિવાય શું. અને એ સમયે પંચોળી દાદા મારી સમક્ષ આવી ઊભા રહે છે. પંચોળી દાદાની વાત કરીએ એટલે સહજપણે રમેશભાઈ દવે સાંભરે. એ મારા મિત્ર છે અને એ સંદર્ભે પાછું થોડુંક એ એમના મામા થાય અને એવું બધું. થોડાંક સંદર્ભો જોડાયેલા છે મારી સાથે. પણ એ મનોમસ્તિષ્કમાં આવીને ઊભા રહે. કારણ કે એમણે આખી જિંદગી ભદ્ર સંસ્કૃિત અને લોક સંસ્કૃિતનાં મૂલ્યોને ઉપાડ્યાં છે અને એમના સાહિત્યનો વિષય પણ એ જ. રઘુવીરભાઈ લખે છે કે શબ્દકાર તરીકે સુધારાવાદી, સામાજિક પ્રશ્નોમાં અટવાતા જાહેર કાર્યકર નથી એ સ્વપ્નદૃષ્ટા છે. એ લખે છે ત્યારે સ્વામી આનંદ, નાનાભાઈ ભટ્ટ અને કાકાસાહેબ કાલેલકરના વારસદાર તરીકે વર્તે છે. આવા ઉચ્ચ સર્જકને મૂલવવાનું મારું તો શું ગજું. મારી એ જરા ય સજ્જતા નથી કે હું દર્શક વિશે વાત કરું કે એમની નવલકથાઓનું વિવેચન કરી શકું. હા જે કંઈ મને ગમ્યું છે, મારે મન જે વસ્યું છે તેને આપણે વહેંચીએ અને ગમતાંનો ગુલાલ કરીએ એવી મારી અપેક્ષા છે.
અને સર્જકનું કર્તવ્ય શું એ સવાલ ફરી મારા મગજમાં પાછો આવે છે, અને એ વખતે થાય છે કે લેખકની સમાજ પ્રત્યેની જવાબદારી, કલા તરફની વફાદારી અને વિચારધારા એ જો સર્જનમાં આત્મસાત થાય તો પછી સર્જન સંસ્કારને અનુરૂપ બને. એટલે આ નિમિત્તે એક પ્રસંગની વાત કરવાનું મન થાય છે.
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં એક વિદ્યાર્થીએ દર્શકને એક સવાલ પૂછયો કે નવલકથાકાર દર્શક અને નિયામક મનુભાઈ પંચોળી વચ્ચે અંતર કેમ છે. દર્શકે બહુ સરસ જવાબ આપ્યો કે, તમારો નિયામક મનુભાઈ એ તો ઝેર તો પીધાં છે જાણી જાણીનો દર્શક એ બન્ને એક નથી. એ વસે છે એક જ ખોળિયામાં. તમે રોજ જતાં-આવતાં, મળતાં હળાવતાં દુનિયાભરની જળોજથાથી વિંટળાયેલા, નાની મોટી મર્યાદાઓથી ભરેલા આ મનુભાઈને તો જુઓ પણ એ મનુભાઈએ સારા-નરસા સમાજની કેળવણી ત્યારથી જે ઉઘાડા આંખ-કાન જોયું, જાણ્યું, વાંચ્યું, વિચાર્યું અને જીવન જીવ્યું એ તમામમાંથી એક ઉદાત માનવીની કલ્પનામૂર્તિ બની. મારા મનમાં એ ઉદાત માનવીની કલ્પનામૂર્તિ બની જેને સૌ પ્રેમ કરે છે, કે જેને સૌ ચાહે, જેને સૌ વ્હાલાં નવલાં ન ગણે, ન કદી ગુસ્સે થાય, ના કદી ભાંગી પડે એવા માણસ થવાની લગની લાગી હતી. પણ હું ય તમારી જેમ માણસ એટલે રાગ-દ્વેષ, માન-અભિમાન આ બધું મારામાં છે. અને એનાથી ઘેરાયેલા તે આ મનુભાઈ ને પેલી કલ્પનામૂર્તિમાં જે માણસ હતો તેનું નામ દર્શક. એ દર્શક બનીને ઉદ્દાત જીવન જીવવાની ઝંખના પાર પાડવાનું થયું એટલે હું સર્જક તે દર્શક. અને આ તમારી સામે ભાંગેલો-વિખરાયેલો, રાગ-દ્વેષથી ઘેરાયેલો, માન-અભિમાનથી વીંટળાયેલો ઊભો તે મનુભાઈ.
આ મનુભાઈને મન વ્યક્તિ અને સર્જકનું અંતર કેવું મોટું હતું. જો કે રઘુવીરભાઈ કહે છે કે, મનુભાઈ પંચોળી અને દર્શક વચ્ચે એ પોતે ધારે છે તેવો ભેદ નથી. જે કહેવાનું છે તે શોભે તે રીતે કહી શકાતું હોય તો ગોવર્ધનરામના સંસ્કૃિત સંગમ અને મુનશીના રાષ્ટૃીય પ્રેમનું સેવન કરનાર મનુભાઈ પંચોળી દર્શકે એ પરંપરા એ ઔચિત્યની જે સમજણ કેળવી છે તેના નિર્વાહ સાથે સર્જન આપ્યું છે. દર્શક કહે છે એમ એમને મન સાહિત્ય સર્જન એક ઉપાસના છે. જે ગમે તે અવસ્થામાં, ગમે ત્યાં કે ગમે ત્યારે થઈ શકતું નથી. અંદર વસનારું ને લખાનારું એક નિર્મળ અને ઉજ્જડ તત્ત્વ એકાગ્ર અખંડ ઉપાસના માંગે છે.
દર્શકની નોંધપાત્ર કૃતિ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’થી સુરેશ જોશી ખાસા અસંતુષ્ટ હતા. એમણે એ નવલકથામાં કથરોટની ગંગા અને કથાનક સુકથાનો મદિરારસ અનુભવ્યા છે. એમને તો અચ્યુત અને રોહિણી વિદ્યાપીઠીય પ્રેમપ્રસંગોમાં ગાંધીજીને ઉપસ્થિતિ પણ નડી છે. પણ એ આ વિવેચન કરતી વેળાએ એના ગુણો અને સર્જનની ક્ળાત્મકતા એમના ધ્યાન બહાર રહી ગઈ હશે? એ જવા દઈએ.
મારી તો એમની નવલકથા સર્જન વિશે વાત કરવાની છે. એમની નોંધપાત્ર નવલકથાઓમાં ઝેર તો પીધાં છે જાણી જાણી, દીપનિર્વાણ, બંદીઘર, બંધન અને મુક્તિ, સોક્રેટિસ આટલી મને ખ્યાલ આવે છે. ડોલરરાય માંકડના મતે ચતુર્વિત બ્રહ્મ વિહારની વિકાસકથા છે. બૌદ્ધ ધર્મના ચાર બ્રહ્મ વિહાર – મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના ઉપર મનુભાઈએ આખી એ નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણીનું સર્જન કર્યું છે.
રોહિણીનો જેટલો વિસ્તાર નાનપણથી જ કેવો સ્પષ્ટ છે. હેમંતને સાપ કરડે છે અને રોહિણી એ ઝેર પોતાના મોંએ ચૂસી લે છે. આ પ્રસંગમાં મૈત્રી અને કરુણાની ભાવના દેખાય છે. જે આગળ જતાં વધુ ને વધુ ખીલવાનું છે. પ્રકૃતિ સાથેનું તાદાત્મય પણ અદ્દભુત છે છતાં હેમંતને પરણવાનું નક્કી કરે છે એમાં પ્રેમ તો છે જ નહીં. એણે હેમંતને કહ્યું હતું કે હું તો બળી ગયેલું બી છું અને હેમંત પણ જાણે છે કે તે આવતી હતી માતાની સંભાળ લેવા. પવનથી દીવો ઓલવાઈ ના જાય એટલા સારું આડશ થવા. પણ એના પર મુગ્ધ થઈ એના તાલે તાલે નાચનારી એ પ્રેયસી એ ક્યારે ય ન હતી. રોહિણી દયાની મૂર્તિ હતી. પરંતુ સત્યકામની સાથે એનો ચેતોવિસ્તાર એક અભેદ્ય અવસ્થામાં પડ્યો રહ્યો છે. રોહિણીના અચ્યુત સાથેના સંબંધોમાં વાત્સલ્યની અનુકંપા વર્તાય છે. દર્શકની ઝેર તો પીધાં છે જાણી જાણી ખબર નથી મને કેટલા લોકોએ વાંચી છે. પણ એના પ્રારંભના 130 કે 140 પાના સુધી એ નવલકથા એટલી બધી રસાળ છે. મને સાંભરતું નથી કે ઉમાશંકરભાઈએ લખ્યું હતું કે રઘુવીરભાઈ લખ્યું હતું પણ કોઈએ લખ્યું છે કે એ જ પ્રકારે આખી નવલકથા લખાઈ હોત કોઈ અદ્દભુત, આખા ગુજરાતને હચમચાવે તેવી, સુંદર નવલકથા બની હોત.
રોહિણીના અચ્યુત સાથેના સંબંધોમાં વાત્સલ્યની એક અનુકંપા છે. મુદિતા અને ઉપેક્ષા એના પાત્રમાં નથી વર્તાતા, જે સત્યકામમાં દેખાય છે. એ સ્વઉપેક્ષા છે કે અનાસક્તિ એ આપણે વિચારવાનું છે. માનવ જે ભૂમિકાએ વસે છે ત્યાંથી ઊંચે જવાનું છે. એટલે ઉત્તરોઉત્તર યુગમાં મનુષ્યની જવાબદારી વધે છે. આ માણસનું ઉર્ધ્વીકરણ અને સાદા કર્મનું વિમૂલીકરણ આ બન્નેનો સમન્વય કરવાનો પ્રયાસ દર્શકે આ નવલકથામાં કર્યો છે. અને આનું પ્રતિબિંબ નવલકથામાંથી એટલે મને દેખાય છે કે કહ્યું છે કે હવે આપણી દુનિયા તો મોટી થઈ ગઈ છે. તે ઉકેલવા માટે આપણે તથાગતના જમાનાના સાધુઓ કરતાં સો ગણા મહાન થવાનું છે. સત્યકામનું આ એક વાક્ય છે, સાંભળો – માણસનું ઉર્ધ્વીકરણ અને સાદા કર્મનું વિમૂલીકરણ આ બન્નેના સમન્વયનું પ્રતીક મને એ રીતે આમાં જણાય છે. આ નવલકથાની નિર્વ્યાજ કથનશૈલીને લીધે લેખકે નિરૂપેલા ભાવો હૃદયગામી બન્યા છે. રસ જમાવવાની શક્તિ દર્શકમાં અનેરી છે. એક મોટા પ્રોજેક્ટ તરીકે નવલકથાને સ્વીકારી સામગ્રીનું જે રીતે સર્જનમાં રૂપાંતર થયું છે એ કલાની દૃષ્ટિએ નોંધપાત્ર બન્યું છે. વધુ પડતી વિગતો આપવાનો મોહ જતો કરી શકાયો હોત. અને સમગ્ર નવલકથામાં પ્રથમ 130 પાનાં જેવી જ રીતે આગળ વધી હોત તો ઉમાશંકર જોશી કહે છે તેમ ગુજરાતમાં હાહાકાર થઈ ગયો હોત. સંસારમાં વ્યથા, વિસંગતિ, વ્યાધિનું નિરૂપણ કરતાં મનુભાઈની હથોટી સાચા કલાકારની છે. શાંતિ, સ્વસ્થતા દુનિયાની આટલી બધી વિસંગતિમાં પણ શાંતચિત્ત, પ્રેમાળ એવા કૃષ્ણાયન છે – આ બધા પાત્રો છે – રોહિણી છે, સત્યકામ છે, હેમંત છે. જગતમાં જાણે કે સ્વરૂપચિત્તતાનું એક અંતરપ્રવાહ ચાલી રહ્યો છે. પ્રકૃતિ દૃશ્યનાં વર્ણનનું નિરૂપણ અદ્દભુત છે. ડોલરરાય માંકડના મતે કાલિદાસની આશ્રમ જીવનમય શકુંતલાને ભૂમિકા રૂપે વણી પ્રકૃતિજન્ય પરિતોષમાં ગ્રામજીવનમય રોહિણીની આ કથા એક સંવાદિ મનોરમ્ય સૃષ્ટિ રચે છે.
હવે સોક્રેટિસની વાત કરીશું. સોક્રેટિસ નવલકથામાં સત્ય અને શીલના એ ઉપાસકના વિભૂતિ તત્ત્વ તથા નવલકથા લેખનકળા માટેનો દર્શકનો અનુરાગ દુગ્ધશંકરાયોગ પામે છે. એથેન્સ અને સ્પાર્ટા વચ્ચેના સંઘર્ષથી શરૂ થતી આ નવલકથામાં પ્રકૃતિ અને પાત્રનું નિરૂપણ એક અજબ કસબથી વણાયેલું છે. રેશમનું પોત વણાય એમ સર્જન વણાતું આવે છે. મને ગમે તો છે ઝેર તો પીધાં છે જાણી જાણી પણ જ્યારે હું એને કલાની ફૂટપટ્ટીથી જોઉં છું ત્યારે સોક્રેટિસ વધારે ગમે છે. કારણ કે એમાં એમણે એટલી બધી કોમળ કોમળ વસ્તુઓ લીધી છે કે તમે આમ વિચારી ના શકો. એ ગ્રીકના ગણરાજ્યો, લોકશાહી, કેળવણી આ બધું આપણને બોરિંગ વિષય લાગે. કોઈ તમને એમ કહે તમારે કેળવણી વિશે ચાર-પાંચ કલાક બોલવાનું છે તો મને એમ કાંઈ રૂચે નહિ. રસ બહુ ના પડે; કરીએ કદાચ કરવા માટે, પણ એવું જ કામ જીવનભર કરવું એવા માણસો ઘણાં બધા છે તેમાંના દર્શક એક છે. રેશમનું પોત વણાય એમ સર્જન વણાતું આવે છે. વાત્સલ વિચારક સોક્રેટિસને ગમે તેવી પીડામાં પણ દુ:ખ દીસતું નથી. એ હંમેશાં અનઅપેક્ષ જીવ્યા છે.
સત્યપ્રેમ અને સૌંદર્યપ્રેમ ગ્રીક જીવનદૃષ્ટિનાં વિશિષ્ટ મૂલ્યો હતાં. ગાંધીજી કહે છે એમ, સત્ય એ એક સ્વયં ક્રિયાશીલ શક્તિ છે. Truth is a self acting force. અને એથી કોઈ જીવન, કોઈના જીવનમાં કે કોઈ જીવનમાં એના શુદ્ધ સ્વરૂપનું દર્શન કરે ત્યારે આપણા બુદ્ધિ અને હૃદય તેને ઓળખે છે અને તેનું આકર્ષણ અનુભવે છે. સોક્રેટિસની કથા એક આવા સત્યવીરની કથા છે. સોક્રેટિસ નવલકથાની સૃષ્ટિના બીજા પાત્રો છે – પેરિક્લીસ, એસ્પેિશયા, મીડિયા અને એપોલોડોરેસ.
પેરિક્લીસનું જીવન સ્વપ્ન એથેન્સને આગળ લોકશાહી બનાવવાનું છે. સોક્રેટિસને એના એ સ્વપ્નમાં શ્રદ્ધા નથી. ‘લોક’ જોડે મને પ્રેમ છે ‘શાહી’ જોડે છે મને વાંધો. એ એસ્પેિશયાને કહે છે પણ સ્વપ્નની સુંદરતા એ અનુભવે છે. ક્રિસિયસને કહે છે લોકોને પૂછતાં છતાં લોકોને ઊંચે લેવાની પેરિક્લીસની કળાની મને મોહિની છે. એ કહે છે એથેન્સ પેરિક્લીસની સાચી પ્રિયતમા છે તેને રીઝવી, તેની વૃત્તિ તેની જાતિ બન્ને પેલા પ્રાર્થિનોન જેવી સપ્રમાણ અણિશુદ્ધ કરવા એણે પ્રભાતના પ્રથમ કિરણે જ આપણને સૌને દેખાય તે સારું એક્રોપોલિસની ટોચે બાંધેલ છે. ખુદ પોતાની સામે એનો બબરચી જાહેર અદાલતમાં આક્ષેપ કરી શકે એમાં પેરિક્લીસને લોકશાહીનો કીર્તિધ્વજ લાગે છે. અને સોક્રેટિસ પણ એમાં અદ્દભુત કાબેલિયત જુએ છે. એટલે જ રઘુવીર કહે છે એમ દર્શકની સોક્રેટિસ લોકશાહીના સંદર્ભમાં સાંસ્કૃિતક મૂલ્યો ઉપસાવવાં પ્રયોજાયેલી કૃતિ છે. કથાને અંતે આપેલા ઉપસંહારમાં સોક્રેટિસનું ગૌરવભર્યું વિષપાન, દેશદ્રોહ બદલ એપોલોડોરસે એના પિતા એનેટસ પર મૂકેલો આરોપ, દરિયામાં તણાઈ ખવાઈ મૃત્યુ પામેલો કિલીથોન અને એનેટસની આત્મહત્યા અને ગરુડનીડ પહોંચતા એપોલોડોરસ, એની માતા કેસેન્ડૃા, એસ્પેિશયાનો ઉલ્લેખ છે. લેખકે ઘણી બધી ગૂંચો ઉકેલી આપી છે. એમણે સૌને ચાહ્યા, વધુ ભૂલો કરનાર ક્રિશ્યસને વધુ ચાહ્યો. એટલું જ નહિ ક્રિશ્યસના ગુનાઓનું પ્રાયશ્ચિત પણ સોક્રેટિસે કર્યું. જુઓ એ સમજથી કે પ્રેમ બલિદાન વગર અધૂરો છે. શેક્સપિયરનાં નાટકો પણ આ સંદર્ભે તપાસવાં જેવાં છે. મને ઘણી વાર અનિષ્ટનું હિત જોતાં દર્શકને જોઉં છું ત્યારે જાણે અજાણે શેક્સપિયરનાં નાટકોમાં જે અનિષ્ટો છે અને એ અનિષ્ટમાં રહેલા સદનું ગૌરવ શેક્સપિયરે ક્યાંક ક્યાંક જોયું છે તે અને આ બે સીમાલારિટી હું જોઉં છું. પ્લૂટો તો એમને આકર્ષતા હતા, એ બધું હું જોઈ શકું છું.
ગ્રીકનો ઇતિહાસ આલેખતા સર્જક મનુભાઈએ જાણે અજાણે ગાંધીવાદી મૂલ્યોની પણ ખેવના કરી છે. જો કે ગાંધીવાદી મૂલ્યો આપણે કહીએ છીએ પણ ગાંધીજીએ તો કહ્યું હતું કે હું નવું કશું કહેતો નથી. એટલે જો કદાચ તમે એવું કહેતાં હો કે આ ગાંધીવાદી મૂલ્યો અહીં દેખાય છે પણ ગાંધીએ કહ્યું નથી કે આ મારાં મૂલ્યો છે. સત્ય, અહિંસા એ બધું તો પરાપૂર્વથી આવે છે. તમને દેખાય છે કે આ ગાંધીવાદી છે પણ ગાંધીજીએ તો બધું જે વેરવિખેર અહીંતહીં પડ્યું હતું તે બધું એક જગ્યાએ મૂકી, એસ્ટાબ્લિશ કરી સારી રીતે કહ્યું કે જો આ છે, આનું નામ આ અને આમ જુઓ તો આમ. એટલે તમને એ લાગે કે આ ગાંધીવાદી મૂલ્યો છે. એટલે ગાંધીજીનાં મૂલ્યો જે દર્શક ભારતીય સૃષ્ટિમાં વણે છે ત્યારે ઈશુનાં દયા અને સ્નેહ, બુદ્ધની કરુણા અને વ્યથા, કોન્ફ્યુશિયસની વ્યવહાર પરસ્તી સોક્રેટિસમાં વણી દર્શકે સોક્રેટિસને ઇતિહાસ પુરુષને બદલે લોકશાહીના ચિત્રના પરિપેક્ષમાં જોયા છે. સોક્રેટિસના અસામાન્ય વ્યક્તિત્વનું રહસ્ય બુદ્ધિ નથી સમજતું ત્યારે પણ હૃદય એનો પ્રભાવ અનુભવે છે. સોક્રેટિસમાં બુદ્ધિ પરની શ્રદ્ધા સાથેની ભક્તિ અને સ્થિતપ્રજ્ઞતાના હૃદયગુણો ભળ્યા છે. સત્ય અને પ્રેમ એ મૂળ તત્ત્વોને ભાવસૃષ્ટિમાં રાખી સૌંદર્ય અનુભૂતિને જીવનની વાસ્તવિકતાઓ અને એના વિનાશક પળોનો અનુભવ મળ્યો છે. જીવનના ઉત્કર્ષ, સાધક અને સંહારક બળો વચ્ચેના આ સંઘર્ષમાં ભલે આપણને અનિષ્ટનો વિજય વર્તાય પણ નવલકથાના અંતે આપણું હૃદય તો સત્ય અને પ્રેમનો વિજય અનુભવે છે. જુઓ આ કલાની સિદ્ધિ છે આ વ્યંજના છે. અને આ વ્યંજનાનું નિરૂપણ એ દર્શકની સર્જક સિદ્ધિમાં જોવાય છે. દર્શક પ્રકૃતિનો ચિંતક છે અને વ્યવસાયે કેળવણીકાર છે. એટલે એમના સર્જનમાં આ સમન્વય પણ સત્ય અને સંવેદનની જેમ વણાતો આવે છે.
દીપનિર્વાણ વિશે વિપુલ કલ્યાણીએ મને સહેજ યાદ અપાવેલી કે આ કૃતિ સર્જકે એક મહિનામાં પૂરી કરી દીધેલી. અને રમેશભાઈ ર. દવેનાં માતાના લગ્ન માટે રૂપિયાની જરૂર હતી ત્યારે મદદરૂપ થાય એ રકમ. એ સંદર્ભે એના મને કોઈ ઉલ્લેખો નથી મળ્યા. પણ આ વાત એક આડવાત છે કે બહેનના લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે એમણે આ દીપનિર્વાણ નવલકથા લખેલી.
શતલજ અને સિંધુ કાંઠે, માનવ, બ્રાહ્મણક, કઠ વગેરે વાયુપ્રદેશના ગણરાજ્યો વચ્ચે આ નવલકથા લખાઈ છે. વિકસતા જતા મગર સામ્રાજ્યમાં નાના ગણરાજ્યો જે રીતે વિલિન થયા તેના ભભકતા ઓર બંધ થતા દીપ કેમ નિર્વાણ પામ્યા એની રોચક વીરતા ભરી ગાથા દીપનિર્વાણમાં જોવા મળે છે. દર્શકે ભારતીય ગણરાજ્યો વિશે સાંભળ્યું હતું. એમનું રાષ્ટ્ર પણ એક ગણ રાજ્ય હતું. એટલે જ દર્શકની ગ્રીક પ્રજાસત્તાક રાજ્યો અને ગણરાજ્યો વચ્ચેનું સામ્ય આકર્ષે છે. એટલે જ દર્શકની ગ્રીક પ્રજાસત્તાક રાજ્યો અને ગણ રાજ્યો વચ્ચેનું સામ્ય, પરદેશી આક્રમણો કરતાં અંગત લોભ, સત્તામદ અને સત્તા સામેનો વિજય, ગણ રાજ્યો વિલોપ પામ્યા. એના નિર્વાણની આ કથામાં આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણય ત્રિકોણમાં લેખકે પૂર્વાધનો કથાતંતુ વણ્યો છે. દ્વિતિય ખંડમાં આનંદ તક્ષશિલા પહોંચે છે. ત્યાં ગ્રીક સત્તા છે. છતાં એ યમનો, મહર્ષિ ઐલ, સરસ્વતી રાજ્ય સચવાઈ રહ્યું છે. આનંદ ભવ્ય છે અને સુદત્ત સુંદર. પુરુષ આથી વધુ સુંદર હોઈ શકે એ પ્રશ્ન બ્રાહ્મણક સેનાની સ્વયં આનંદનો જ છે. જે ભવ્ય છે અને સુંદરનો વિરોધ નથી પણ જે સુંદર છે એ અહીં ભવ્યની સામે જઈ વિનાશ નોતરે છે. નવલકથામાં આ અદ્દભુત રસના અવસરો સહિત ભૂતકાળનાં કાવ્યોનું આખંડ પાન થયું છે. અહીં આગંતુક ન લાગે તે રીતે બલકે કથાપ્રવાહને પોષે તે રીતે અદ્દભુત પ્રસંગોની ગોઠણી લેખક એક અનેરા કસબથી કરે છે. તેમાં ઘણી વાર તેનું માપ મળી આવે છે. નવલકથાના પ્રસંગોની અનુરૂપ ગોઠવણી, અરસપરસ સંકળાતું આલેખન જે સંયમથી આલેખાયેલું છે જે ધનાર્હર છે. આનંદ સુરુચિતાના મુખ્ય પાત્રો બીજા ખંડમાં છેક અંતે જતાં મળે છે. આનંદની માતાની વાત પ્રથમ ખંડમાં આવી એ જ.
હવે ચાલીસ મિનિટમાં બધું કરવાનું છે એટલે મારે બધું બહુ થોડું થોડું લેવું પડે છે. મને એવી ઇચ્છા હતી કે હું જે નવલકથા વિશે વાત કરું એ નવલકથાનો ટૂંકસાર આપું. મને એવું હતું કે બધાએ આ નવલકથાઓ નહીં વાંચી હોય પણ મને એવું સત્તાકીય રીતે કહેવામાં આવેલું કે તમારે બધી નવલકથાઓ વિશે બોલવાનું છે. આનંદ અને શીલભદ્રનું છેક કથાના અંતે થતું મિલન. આચાર્ય મનીન્દ્રના શકુનિને હરાવવા. હરોવતી તરફ વિહાર કરવાનું સ્વીકારે છે. ત્યારે આપણે મનોમન સમજી શકીએ છીએ કે ઐલની સમન્ય દૃષ્ટિનો વારસો પામેલા પિતાથી હંમેશાં અસંતુષ્ટ આનંદને એ સૌથી વધુ ઋણી બનાવી રહ્યા છે. આ બધું હું બોલું છું પણ જેને વાંચ્યું ના હોય એને ખબર ના પડે કે આ ઐલ કઈ રીતે ઋણી બન્યો. તેથી મારા ટૂંકાણમાં આપેલા આ બોલથી જો તમને આ નવલકથાઓમાં જવાનું મન થાય તો મારું બોલેલું લેખ લાગશે.
અહીં ભાષાકરણ એક અલંકૃત ગદ્ય એક નવી જ સૃષ્ટિ રચે છે. તાદૃશ્ય વર્ણનો એ દીપનિર્વાણનું એક સબળ પાસું છે. ઝેર તો પીધાં છે જાણી જાણીનો પ્રકૃતિ પ્રેમ અને રાજકીય સૃષ્ટિ એ બે છે, જ્યારે અહીં જે વર્ણનો છે તાદૃશ્ય વર્ણનો અને વર્ણનોનું લાઘવ એ બે તપાસવા જેવા છે. ભાતીગળ ભાષામાં સંસ્કૃત તત્સમ અને તદ્દભવો સાથે તળપદા શબ્દો ઉચિત રીતે વપરાયા છે. ગણરાજ્યો કાળધર્મ પામ્યા. ઇતિહાસમાં શબ્દસ્થ થયા. આંત્રે કહે છે તેમ ગણો એકલપંથી હતા. આ એકલપંથીતા મનુષ્ય જીવનનું અવિભાજ્ય અંગ છે. સમગ્ર માનવજાતિમાં એ સમાવિષ્ટ છે. જે અનેક નવીન રંગો સાથે જીવિત થતું વિલિન થતું આવ્યું છે. ગણજાતિનો વિકાસ, વિનાશ એ નિયતિ છે. આ નિયતિનું એક સંવાદિત આલેખન સમજાવી દર્શકે આપણને એક અનુપમ કૃતિ આપી છે. અને આજના યુગમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા બધા સંહારક બળો, નવું ઉપસવું એ બધી પ્રકિયાઓ જાણે કાળથી ચાલી આવતી હોય તેમ લાગે છે. દીપનિર્વાણ આપણી ઐતિહાસિક નવલકથાઓમાં એક સીમાચિહ્ન છે. આ ઇતિહાસનું પુસ્તક નથી નવલકથા છે છતાં દર્શકનો ઇતિહાસનો ઇષ્ટ ખ્યાલ અહીં મૂર્તિમંત થયો છે. એક યુગની સાંસ્કૃિતક સમર્થતાનો આભાસ કલાની વાસ્તવિકતામાં એ સર્જી શક્યા છે. સાંસ્કૃિતક ઘટકોના સમવેદ ચિત્ર રૂપે નિરુપાયેલી આ ગાથા તે કાળની સમગ્ર ભારતીય નવલકથાઓનો સંદર્ભે પસંદ કરવામાં આવે તો પણ સુચારુ થશે. હીરાબહેનનું આ મંતવ્ય છે.
દર્શકની ચીરકાલિન આ ત્રણ કૃતિઓ પછી થોડી વાત એમની બીજી નવલકથાઓની. બંદીઘર, બંધન અને મુક્તિ, પ્રેમ અને પૂજા, કુરુક્ષેત્ર અને મુક્તિ મંગળા. આ વિશે પણ વાત કરવી જોઈએ. બંદીઘર આઝાદીની ચળવળરૂપે જેલયાત્રાના અનુભવની ગાથા છે. આ નવલકથા ત્રણ સંઘર્ષોને આલેખે છે. ભારતની સ્વતંત્રતાનો સંઘર્ષ, જેલમાં થતા દમન સામેનો સંઘર્ષ અને સાથી કેદીઓની વિચારધારાનો સંઘર્ષ. પ્રદ્યોત, પ્રકાશ, મનોરમા, દાદા અને રામુની આ નવલમાં વિરોધી પ્રકૃતિ ધરાવતા પ્રદ્યોત અને પ્રકાશની લાગણી જીતતો મનોજ યજ્ઞની આહુતિ રૂપે રજૂ થયો છે. દાદાનું પાત્ર રઘુવીર ચૌધરીએ પથેરદાભીના સબ્યસાચી સાથે સરખાવ્યું છે. પાત્રો દ્વારા સંકલિત થતી જતી આ કથા સુખાંત બની તંગદિલી હળવી કરી નાખે છે. સ્વાતંત્ર સેનાનીઓને મુક્તિના આનંદના પર્વની આ નવલકથા મનોરમ્ય છે. પરેશ નાયકને આની સાથે થોડોક વાંધો છે. એને એવું લાગે છે જો આ સુખાંત બનાવવાને બદલે દુખાંત બનાવી હોત તો અનેરી કૃતિ સર્જી શકાઈ હોત. કેમકે આ સુખાંત બનાવવા માટે જે જે મનુભાઈએ પ્રયત્નો કર્યા એમાં એને આયાસ દેખાય છે. ક્યાંક રઘુવીરભાઈ પણ એમાં સંમત થયા હતા એવું મને યાદ આવે છે.
બંધન અને મુક્તિમાં 1857ના મુક્તિસંગ્રામની પૂર્વભૂમિકા આલેખાયેલી છે. રાજકીય સ્વાતંત્ર માટેની પહેલી લડાઈમાં પણ જાતિ, સંપ્રદાય અને પ્રદેશના સીમાડાઓને ઓળંગી જતી હૃદય ધર્મની આબોહવાનું લેખક અહીં વિનિયોગ સાધી શક્યા છે. વિપ્લવના મંત્રદૃષ્ટા વાસુદેવ, અર્જુન, રાજા શ્રીવર્ધન, રાજશેખરની આ ગાથામાં શેખર સુધાનો મુક્ત પ્રેમ કથામાં નિર્મળ ગતિએ વિકસી રહ્યો છે. રાજા શ્રીવર્ધન સુખના મુદ્રમાં વધુને વધુ પરાધીન થઈ રહ્યા છે. કેવું સરસ લખેલું છે જુઓ. સુખના મુદ્રમાં વધુને વધુ પરાધીન થતા ગયા. આ દર્શક જ લખી શકે. એમના ભાઈ અર્જુનનો વાસુદેવને સશસ્ત્ર બળવા અંગે જાણ થાય છે. એ પછી આલેખાયેલું ગદ્ય, એમના લખેલા ગદ્યનો નમૂનો આપું છું.
ઈશ્વરના દરબારમાં જવાનો મારો રસ્તો આ ફાંસીના માંચડામાં થઈને જાય છે. એ રસ્તે જ મારા વ્યક્તિગત જીવનની સાર્થકતા સાધના છે. એમ મારા હૃદયમાં મેં કોલાહલ શૂન્ય, નિસ્તબ્ધ રાત્રીએ, મૂંગા નદી-ડુંગરાઓની સાક્ષીએ અનેકવખત સાંભળ્યો છે.
આવા અનેક ગદ્યખંડો આ નવલકથાને વિચારપ્રધાન બનાવે છે. અનુરૂપ પાત્રાલેખન અને દર્શકીય વર્ણનશક્તિ સવિશેષ ધ્યાન પાત્ર છે. અહીં વિપ્લવની પીઠિકા પર રજૂ થતી સર્વોદાત્ત માનવધર્મની કથા છે. આ નવલકથામાં બંધન અને મુક્તિની વાત વિવિધ સ્થૂળ સ્થળો પર કહેવાઈ છે.
કંપની સરકારની પરાધીનતાના બંધનમાંથી મુક્તિ, જાતિધર્મના વળગણનું બંધન જેમ કે રાજશેખરનું હિંદુત્વનું અભિમાન,
એમીલી રાજશેખર ચાહે છે. પણ શેખર સુગભા સાથે જોડાયેલો છે. આ સ્નેહબંધન અને એમીલીને પ્રેમબોજથી મુક્તિ, વાસનાથી મુક્તિ. માનવધર્મને માનવમૂલ્યો થકી રાજશેખરની ન્યોછાવરથતી આત્મમુક્તિ. આમ સૂક્ષ્મસ્તરે ચાલતી બંધન અને મુક્તિની કથા અને આ આ બન્ને હું એક સમાન રીતે જોઉં છું.
એક કલ્યાણયાત્રા નામની કથાને દર્શકે પુન:પ્રગટ કરવી અયોગ્ય લેખી હતી. એમણે કલ્યાણયાત્રા નામની એક નવલકથા લખી હતી. જો કે એનો સંબંધ પ્રેમ એક પૂજા સાથે હતો. અને બન્ને સ્વતંત્ર કૃતિઓ. અને કલ્યાણયાત્રાને અંતે એ જ પાત્ર સૃષ્ટિ સાથે પ્રેમ એક પૂજા નવા સ્વરૂપે લખાઈ છે. નીલકંઠ અને ભક્તિ, વસુબંધુ અને અનિરુદ્ધ તેમ જ રતિભાઈ દંપતી. સૌ ત્રીજા-ચોથા દાયકાના સામાજિક ઇતિહાસનું આ નવલકથામાં પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીયુગના ગુજરાતી સમાજનું ચિત્રણ આ નવલકથામાં સુરેખે થયું છે. આ નવલકથામાં ગાંધીજીની ખાસ પ્રભાવી થયેલા સમાજના અંગને વણી લઈ એક આદર્શ સમાજ રચવાનો વિચાર જોવા મળે છે. બે સંઘર્ષ છે. એક છેક ગામડા સુધી જવું, ગામડાંઓમાં સેવા કરવી અને સેવક બની પોતાની જાતને ગ્રામોન્નતિમાં ઠારવી. આ બધું બકવાસ છે એવું એક આખો વર્ગ માનનારો છે. એનું આમાં બહુ સરસ નિરુપણ જોવા મળે છે.
લેખકની અન્ય બે નવલકથાઓ કુરુક્ષેત્ર અને અધૂરી રહી ગયેલી મુક્તિમંગળા વિશે અહીં મને કશું ઉપલબ્ધ બન્યું નથી. પરિત્રાણ નાટકની કથા વસ્તુ કુરુક્ષેત્ર સાથે મળતું છે. મહાભારતના પાત્રોના વ્યવહાર, ઇષ્ટ અને અનિષ્ટને સમજવા સર્જકનો હેતુ હોય એમ હું ધારું છું. પરિત્રાણ મે વાંચ્યું છે. દર્શકને સતત ખોજ રહી છે માણસમાં પડેલી સર્જનાત્મકતા કે ખંડનાત્મક શક્તિના ઉપયોગથી સદનું પલ્લું કઈ રીતે ભારે બને છે. ધર્મ વિશેની દર્શકની સમજ અને એ દ્વારા સત્યની તેમની ખોજ કુંતીના મુખે રજૂ થઈ છે. શું ધર્મ ન્યાયની સાથે નથી રહેતો? આવો એક સવાલ કુરુક્ષેત્રમાં કુંતીએ કર્યો છે. આ વાત પરેશ નાયકે મને થોડી વાતો મોકલી હતી તેમાંથી મને મળ્યું છે. જો કે કૃષ્ણ ધર્મમાં એવી સવલત નથી એ મતલબનો જવાબ વાળે છે. કુંતી પૂછે છે કે ધર્મ ન્યાયની સાથે નથી રહેતો પણ દર્શકે કૃષ્ણનો એવો જવાબ મૂક્યો છે કે ધર્મમાં એવી સવલત નથી. અહીં ભાવકને અવઢવમાં મૂકે એવી વાત છે. પરિત્રાણમાં ધર્મ પ્રત્યેની આસ્થાનો ડંકો વગાડવો હોય એમ માનવાનું મન થાય છે. ધર્મના પક્ષપાતી વિદુર, સંજયના આલેખનમાં પ્રારંભથી જ એક વિદ્યયાત્મક અભિગમ સચવાયો છે.
દર્શક જાણે છે કે ધર્મના દેખીતા પરાજયની શક્યતા સર્વત્ર રહેલી છે. પણ એ સદને ઉપાસે છે. અસત અને સતના સંઘર્ષમાં સતનો વિજય પરાપૂર્વથી મનુષ્ય ઇચ્છે છે. મહાભારતને દર્શકે કૌરવ-પાંડવો વચ્ચેના યુદ્ધની કથાને બદલે બળ અને ધર્મ, શકુની અને કૃષ્ણની ટક્કર તરીકે વર્ણવ્યું છે. રઘુવીર ચૌધરી પરિત્રાણને સ્વાતંત્ર રંગભૂમિની પ્રયોગશીલતાથી અલગ રૂઢમાર્ગો ધરાવતી નાટ્યકૃતિ લેખે છે. એમણે સપાટી પરની વર્ણનાત્મક લાગતી નાટ્ય ક્ષણોને ઉપયોગમાં લઈ નાટકને સુંદર બનાવવાની શક્યતાઓ ભારોભાર લાગે છે. 13 એપ્રિલ 1919ના જલિયાવાલા બાગના હત્યાકાંડથી પ્રેરિત નાટ્યરચનામાં નાના પ્રસંગોથી ગુંથી 21 દૃશ્યોમાં ગૂંથી જલિયાવાલા નામની એક નાટ્યકૃતિ પણ દર્શકે લખી છે. રઘુવીર ચૌધરી એના વિશે પણ લખે છે કે દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાપર્ણની ભાવના જગાવવા સાથે હિંદુ મુસ્લિમ એકતા વિશે પણ દર્શકે અહીંયા વિચાર કર્યો છે.
13 એપ્રિલ 1919ના જલિયાવાલા બાગના હત્યાકાંડથી પ્રેરિત નાટ્યરચનામાં નાના નાના પ્રસંગોથી ગુંથી 21 દૃશ્યોમાં જલિયાવાલા નામની નાટ્યકૃતિની એક ઇતિહાસકથા પણ દર્શકે લખી છે. રઘુવીર ચૌધરી એના વિશે પણ લખે છે કે દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાપર્ણની ભાવના જગાવવા સાથે હિંદુ મુસ્લિમ એકતાના પ્રશ્ન વિશે પણ દર્શકે અહીંયા વિચાર કર્યો છે. એક બીજું નાટક 1857, એ આ જલિયાવાલા બાગના જે 21 નાટકો છે એની સાથે સમવિષ્ટ છે. ચિનુભાઈ કદાચ મારા કરતાં વધારે સારી રીતે એ કહી શકશે. તે ભયંકર કતલની લેખનથી બંધ કરવાની મારી યોગ્યતા જોતો નથી. એટલે સ્નેહ કે ઇતર ભાવે જો મને યોગ્યતા વિનાનાને કોઈ એ માન આપતું હોય તો પણ નમ્રતાપૂર્વક હું એનો ઇન્કાર કરું છું. આ દર્શકે કોઈએ પ્રતિભાવ આપ્યો છે હિંદુ ધર્મ અને આ ધર્મ એકતા છે, આ છે તે છે, પણ જો કલમથી હું આ અટકાવી શકતો હોત તો મેં ક્યારનું ય અટકાવી દીધું હોત. પ્રકાશભાઈને ખબર છે કે કલમથી કેટલું અટકાવી શકાય છે.
વિનાશકતા કે ખંડનાત્મકતા વચ્ચે પણ એક સુંદર જીવન વહે છે એવું દર્શક માને છે. અને એ વાત એમના સઘળા સર્જનોમાંથી હું પ્રસ્ફુિરત થતી જોઉં છું. 1857માં પણ એમનો એ અભિગમ ક્યાંક ને ક્યાંક તો દેખાય છે. આ એમના નવલકથાઓ અને નાટકો વિશેની વાત થઈ. દર્શકના સર્જનમાં ખંડ દ્વારા અખંડની યાત્રા જોઈ શકાય છે. એમના લખાણોમાં ખાસ નવલકથામાં સાત્ત્વિક ગુણો માનવીય વિકાસ તરફ લઈ જાય છે અને એ અસત પર સતનો જય કલાકીય રીતે સિદ્ધ થતો દેખાય છે. એમને મન કલા માત્ર નિજાનંદ નહીં પણ ચિત્તને શુદ્ધ કરે એ અપેક્ષા પણ છે. માનવીના ચિત્તને વ્યાપક કરવું, અભેદનો અનુભવ કરાવવો એને દર્શક સાહિત્યકારનું નિજી કર્તવ્ય ગણે છે. દર્શકને સંસ્કારિતા, જીવનમૂલ્ય અને આદર્શ ઇષ્ટ છે. એમને મન સર્જક સંસ્કૃિતનો પ્રહરી છે.
એક કેળવણીકાર સર્જકને મૂલ્યસંઘર્ષમાં રસ છે. એમનું અંતર સમાજના પ્રાણપ્રશ્નો સાથે જોડાયેલું હતું. એ સમાજદર્શન કરી સામાજિક ક્ષેત્રના અને સંઘર્ષની ગોઠડી માંડે છે. આ ગોઠડીમાં માનવ કેન્દ્ર સ્થાને છે. મનુષ્ય કઈ રીતે જગતને જુએ છે એની એક શ્રેષ્ઠ ઊર્મિ નિર્વ્યાજ સ્નેહની જગત પરની, મનુષ્ય પરની અસર એમના સર્જનનો કેન્દ્રસ્થ વિષય છે. એમને મન અનિષ્ટમાં પણ ઇષ્ટ સમાયેલું છે. અને એ ઇષ્ટનું એમને કુતૂહલ છે. ખલ પાત્રો પણ એમના સ્નેહાધિકારી બને છે. દર્શકે કહ્યું કે સાહિત્ય એ હૃદયની નીપજ છે અને પ્રશ્નોનો ઉકેલ એ બુદ્ધિનો વિષય છે. એમણે સર્જનને હૃદયનું દ્વાર ઠેલવયું છે.
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આ દર્શક પર્વ નિમિત્તે મને દર્શકના હૃદયના દ્વાર સુધી જવાની તક મળી એ ઋણ હું સ્વીકારું છું. આભાર વ્યકત કરીને એને ઊતારવા કરતાં એ ઋણ ભલે આજીવન રહે.
e.mail : anilvyas34@gmail.com
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની, ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી, નવમી ભાષા-સાહિત્ય પરિષદની બીજી બેઠકના (વિષય : “‘દર્શક’નું સાહિત્યવિશ્વ”) પહેલા વક્તા તરીકે આપેલું વક્તવ્ય. રવિવાર, 30 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : આર્નિયૉન ટેકનોલોજીસ, અમદાવાદ – 380 009
આશાબહેન બૂચ
‘દર્શક’નું સાહિત્યવિશ્વ
‘દર્શક’ – એકોક્તિ
− આશાબહેન બૂચ
આજે આપણે સહુ સ્વ. મનુભાઈ પંચોળી ’દર્શક’ની જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તેમના સાહિત્યનું રસપાન કરવા ભેળા મળ્યા છીએ.
ઘડીભર કલ્પના કરો કે મધ્યમ કદની ઊંચાઈ, પહોળું કાઠું, તેજ બુદ્ધિશક્તિનું દ્યોતક એવું મોટું કહી શકાય તેવું મસ્તિષ્ક, સિંહની કેશરાશી જેવા વાળ, સારાય વિશ્વથી ઓછું કંઈ ન જોતી એવી સ્વપ્નીલ આંખો, સોક્રેટીસના વંશવારસ હોય તેવો ગંભીર ચહેરો અને બોલે ત્યારે થોડા તીણા કહેવાય તેવા અવાજ સાથે રમૂજ પીરસતી વાણીના ધણી એવા મનુભાઈ આપણી વચ્ચે બેઠા છે.
આપણામાંથી જેઓએ તેમને પ્રત્યક્ષ સાંભળ્યા હશે તેમને યાદ હશે કે ‘દર્શક’ વ્યવહારમાં થોડા ગામડિયા જેવા લાગતા. વાર્તાલાપ કે ભાષણ દરમ્યાન વારંવાર માથું અને પીઠ ખંજવાળતા જોતા ત્યારે અમ બાળકોને રમૂજ થતી. પણ મનસુખભાઈ સલ્લા કહે છે તેમ તીક્ષ્ણ મેધા અને વિશાળ વાંચનના પરિપાક રૂપે બહુવિધ ઉત્તમ સાહિત્ય સર્જન કરનાર ‘દર્શક’ એક ઉત્તમ વક્તા અને મૌલિક વિચારક હતા. એમનામાં અજોડ દેશપ્રીતિ અને દૂરંદેશી હોવાને લીધે એક કરતાં વધુ કાર્યક્ષેત્રો સંભાળી શકે તેવી શક્તિ ધરાવતા હોવાને કારણે એક સંગઠક અને સંઘટક તરીકે બીજાથી પાંચ આંગળ ઊંચા ઉઠ્યા. રામાયણ-મહાભારત, ગાંધી વિચાર અને ખેત-ગોપલનમાં તજ્જ્ઞ તરીકે પ્રતિષ્ઠિત થયેલા ્’દર્શક’ને તરવું, પત્ત્તા રમવાં, ગમ્મત કરવી વગેરે શોખ હતા તેનો તો જાત અનુભવ છે અને તેથી જ તેઓ વિદ્યાર્થી વત્સલ અને મોહક વ્યક્તિત્વ ધરાવનાર શિક્ષક તરીકે લોકપ્રિય બની ગયેલા.
મનુભાઈ વિષે વાત કરીએ અને તેમાં રસ પ્રધાન ન હોય તે કેમ બને? આજનું મારું આ વક્તવ્ય જરા જુદી રીતે રજૂ કરવા ધારું છું. પોતાના શોધ નિબંધનો વિષય ‘દર્શકનું સાહિત્ય વિશ્વ’ છે એવી એક વિદ્યાર્થીની રંજના મનુભાઈ સાથે પ્રશ્નોત્તરી કરે અને ‘દર્શક’ તેમની આગવી લાક્ષણિકતાથી જવાબ આપતા હોય તેવી કલ્પના કરી છે. આ વાર્તાલાપ મનુભાઈની હયાતીમાં બનેલો એવું સ્વીકારી લેવા વિનંતી છે. આ બંને પાત્રોના સવાલ-જવાબ અન્ય અદાકારની ગેરહાજરીમાં મારે એકને ભાગે ભજવવાનું આવશે તો ક્ષમ્ય ગણશો.
રંજના : નમસ્તે મનુભાઈ, આજે આપની પાસેથી નવલકથા, વાર્તા, નાટકો અને વિવેચન સિવાયના આપના સાહિત્ય વિશ્વ વિષે પ્રશ્નોત્તરી કરીએ તેવી મારી વિનંતી છે. આપની અનુમતિ હોય તો તેનો પ્રારંભ કરીએ?
મનુભાઈ પંચોળી : સારું, બેસ. પહેલાં એ કહે કે મારે બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે? અને બીજું, આ કસોટીને અંતે સોમાંથી સો ગુણ મળે તો મને શું ઇનામ મળશે?
રંજના : હાજી, મારા બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે અને આ કસોટીના અંતે ઇનામ રૂપે આપને આપના માટે યોજાયેલ એક સાહિત્ય સભામાં હાજર રહેવાની તક આપવામાં આવશે.
આપનું વ્યક્તિત્વ અને કાર્યક્ષેત્ર એક વટવૃક્ષ સમાન છે. સામાન્ય રીતે વૃક્ષનાં મૂળ ઊંડાં હોય તેના પર તેની ઘટાનો ઘેરાવો અને તેના દીર્ઘ આયુનો આધાર રહે. તેવું જ તેની શાખાઓની મજબૂતાઈ અને પર્ણોના રંગ રૂપનાં વખાણ થતાં હોય છે. પરંતુ આપની બાબતમાં તો આપના જીવન રૂપી વટવૃક્ષના પાને પાને પ્રસરેલી નસો પણ એટલી જ ખમતીધર છે જેટલાં આપનાં મૂળિયાં, થડ અને શાખાઓ છે. એટલે જ તો ક્યાંથી શરુ કરું તેની વિમાસણ અનુભવું છું. આપે સર્જનાત્મક કરતાં વિચારપ્રધાન સાહિત્ય વધુ લખ્યું છે એવું કહી શકાય. કેળવણી વિચાર, ધર્મ દર્શન, ચરિત્રો, સમાજ ચિંતન, રાષ્ટ્ર ચિંતન, ઉપરાંત સમાજ, દેશ અને વિશ્વની ઘટનાઓને આવરી લે તેવા બહુ આયામી સાહિત્યનું સર્જન કરી શક્યા તેની પાછળ કયું પ્રેરક બળ કામ કરી ગયું?
મનુભાઈ પંચોળી : જો બહેન, મને મૂળે વાંચનનો ગાંડો શોખ. વાંકાનેરના પુસ્તકાલયની સભ્ય ફી ભરવા ટ્યુશન કરેલાં અને આખી રાત જાગીને પુસ્તકો વાંચેલાં. વળી મારા મન પર કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરુવાળા, રવીન્દ્રનાથ ટાગોર, લિયો ટોલ્સ્ટોય અને ગાંધીજીનાં જીવન-સાહિત્યની ઘણી અસર. વિદેશી લેખકોમાં ગણાવું તો વિક્ટર હ્યુગોનું લા મિઝરેબલ, કે જે ઋષિવાણી જેવું લાગ્યું, તે અને શરદચંદ્રની કથાઓથી મારો સાહિત્ય પ્રત્યેનો સાચો દ્રષ્ટિકોણ કેળવાયો. એમ તો ટાગોરના ઘરે બાહિરેથી ગાંધીની સાધનશુદ્ધિની વાત વધુ સારી રીતે સમજી શક્યો. ઇંગ્લિશ ભાષામાં લખાયેલ ઇતિહાસ અને સમાજવિદ્યાનાં પુસ્તકો બહોળા પ્રમાણમાં વાંચ્યાં અને અર્થશાસ્ત્રના ગ્રંથોનું વાચન કર્યું જેમાંથી આદમ સ્મિથ, જોન સ્ટુઅર્ટ મિલ્સ, કાર્લ માર્ક્સ અને જોહ્ન રસ્કિનના વિચારો વધુ સુપાચ્ય લાગ્યા જે તને અને બીજા વાંચનારાઓને કદાચ દેખાઈ આવતું હશે.
રંજના : નારાયણભાઈ દેસાઈએ આપના વિષે કહેલું યાદ આવે છે, “મનુભાઈ ઇતિહાસના ભારે અભ્યાસી છે એમ કહેવા કરતાં તેઓ ઇતિહાસના મૌલિક ભાષ્યકાર છે તેમ કહેવું વધુ સાચું ઠરે.” એ સંદર્ભમાં કહીએ તો આપે ઇતિહાસનો માત્ર ઊંડો અભ્યાસ કર્યો છે એવું નથી, પરંતુ તેનો સમાજ જીવન અને રાજકારણ પર શો પ્રભાવ પડે એ વિષે વિશદ વિવરણ કર્યું છે. ઇતિહાસ મીમાંસાનું નિરૂપણ કરતા ગ્રંથો જેવા કે ઇતિહાસ અને કેળવણી, ઇતિહાસ કથાઓ: ગ્રીસ અને રોમ, મધ્યકાલીન ઇતિહાસ, મરાઠા ઇતિહાસ, મરાઠા યુગ, મરાઠા સત્તા – શિવાજી ક્રાંતિ, મહારાષ્ટ્ર લક્ષ્મી અને માનવકુળ કથા આપે લખ્યાં, પરંતુ તેના શિરમોર સમા પુસ્તક ‘આપણો વારસો ને વૈભવ’ની વાત કરું તો તેમાં વેદ પહેલાંના યુગથી માંડીને મધ્યયુગ સુધીના કાળને સ્પર્શતા રાજકીય અને સામાજિક-સાંસ્કૃિતક ચિત્રને અસંખ્ય ગ્રંથોના અભ્યાસ બાદ આધાર પૂર્ણ વિગતો લઈને વાચકો સમક્ષ મુક્યું છે. ઐતિહાસિક ઘટનાઓનું આવું સમુચિત દર્શન આપ જાણે વાર્તા કહેતા હોય તેમ સહજ રીતે સમજાવી શકો છો તેની પાછળ શું રહસ્ય છે?
મનુભાઈ પંચોળી : એમાં એવું છે બહેન, એ પુસ્તકમાં તું જોઈ શકીશ કે હડપ્પા અને મોહેંજો-દરોની સંસ્કૃિતથી મંડાણ કર્યું છે, પછી વેદોની રચના અને તેનો પ્રજાના ઘડતરમાં ફાળો શું હતો, આર્યો-અનાર્યો વચ્ચેના સંઘર્ષોનાં કારણો અને પછીથી તેમની વચ્ચેના સુમેળ અને સમન્વયની પ્રક્રિયા કેવી રીતે આગળ ચાલી એ બધું આલેખાયું છે. એ જ પુસ્તકમાં આગળ જતાં રામાયણ-મહાભારત યુગનું મહત્ત્વ ભારતના જન જીવન પર કેવું ચિરકાળ ટકી રહ્યું, બ્રાહ્મણયુગના મૂલ્યોની લાંબાગાળાની અસરો શી થઈ, ઉપનિષદની ભારતના તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના ઘડતર પર થયેલી મહત્ત્વની અસર, બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રાદુર્ભાવ અને તેને આનુષંગિક રાજ્યપ્રણાલીઓનું ય થોડુંઘણું વિવરણ કર્યું છે. આમ જુએ ને બહેન, તો ઐતિહાસિક ઘટનાઓ અને ધાર્મિક કે પૌરાણિક ગ્રંથોનું જે રીતે અર્થઘટન કરવામાં આવે છે એ જ વ્યક્તિ અને પ્રજાને સાચે કે ખોટે માર્ગે વાળનાર બને છે, એવું મારું માનવું છે તેથી જ તો ઐતિહાસિક ઘટનાઓનું વર્તમાન સમાજના સંદર્ભમાં અર્થઘટન કરી શકું છું.
રંજના : આથી જ મનુભાઈ, આપના સાહિત્યને પીછાણનારાઓ કહે છે કે મનુભાઈ જેવા સાચા ઇતિહાસ અને ધર્મના ભાષ્યકાર દરેક ધર્મના અનુયાયીઓને યુગે યુગે સાંપડ્યા હોત તો જે તે ધર્મનો સવળો અર્થ લોકની સમજમાં આવ્યો હોત અને ધર્મ કે સંસ્કૃિતને નામે થતાં દુષ્કૃત્યો થવાનો સવાલ જ ઊભો ન થયો હોત. ખેર, આપે ધર્મ દર્શનમાં પણ ચંચુપાત કરીને ધર્મચક્ર પ્રવર્તન, ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ, મધ્યકાલીન સંતોનો સાંસ્કૃિતક ફાળો, મધ્યે મહાભારત, મહાભારતનો મર્મ, રામાયણનો મર્મ, યુધિષ્ઠિરનું સ્વર્ગારોહણ અને મંગલ કથાઓ જેવાં રસાળ પુસ્તકોનો થાળ ધર્યો છે.
1980ના અરસામાં ગુજરાતના એક ગામડામાં રામમંદિરના ઉદ્દઘાટન પ્રસંગે આપે વાલ્મીકિ અને તુલસીદાસ રચિત રામાયણના મર્મનું પણ ઉદ્દઘાટન કર્યું. વાલ્મીકિ રામના સમકાલીન હતા અને તેમની નજરમાં રામ ઉત્તમ નર પુન્ગવ હતા, ભગવાન નહીં, એ આપે લોક માન્યતાને જરા પણ ધક્કો માર્યા વિના સુંદર રીતે સમજાવ્યું છે. તે માટે દશાવતારની માન્યતા સમજાવતાં આપે કહેલું, “આપણે બધાએ ભૂલમાં માની લીધું કે મનુષ્યોનું ઊર્ધ્વગમન નથી થતું, પણ દેવ ઉપરથી નીચે આવે છે. ખરેખર એ દેવત્વનું અવતરણ નથી, માનવનું ઉર્ધ્વીકરણ છે.” આગળ જતાં આપે એમ પણ કહ્યું, “કશ્યપ અને દિતિનાં સંતાનો તે દૈત્યો. કશ્યપ અને અદિતિનાં સંતાનો તે આદિત્યો. દિતિએ કટાણે શરીર સમાગમ માગ્યો જે અસામાજિક હતું – તેમાંથી દૈત્યો જન્મ્યા. પણ મૂળે તો બંને એક જ પિતાનાં સંતાનો છે.” આવું અર્થઘટન કરવામાં એક અપૂર્વ સંકેત રહ્યો છે કે દૈત્યો અને આદિત્યો બન્ને ભાઈઓ છે, બંનેમાં મૂળ એક બીજ રહ્યું છે. અસામાજિક કે અસંયમના વલણે દૈત્ય ભાવનાને બહાર લાવી. હવે મારું કહેવું એમ છે કે દૈત્ય-આદિત્ય વિષે જાણકારી ઘણા શાસ્ત્રના નિષ્ણાતોને હશે, પણ કેટલાકે ઊંડું મનન કરીને આવું અર્થઘટન કર્યું હશે? આપના જેવા મનીષીઓ જ મંદિરને મનુષ્યને આદિત્ય થવા કેળવણી, સંસ્કાર અને પુરુષાર્થની જોગવાઈ કરવાની હાકલ કરી શકે. તો શાસ્ત્રોમાં ઉદ્દબોધાયેલ મૂલ્યોને આ રીતે સમજીને રજૂ કરવાનો દ્રષ્ટિકોણ આપને ક્યાંથી સાંપડ્યો?
મનુભાઈ પંચોળી : જો, ખરું કહું તો આદર્શવાદી કે આદર્શ ઘેલા થવાનો કશો અર્થ હું સમજતો નથી. જેનો અમલ અશક્ય હોય એવી ગગનવિહારી સૈદ્ધાંતિક કલ્પનાઓમાં રાચવાથી ન તો કોઈ સાહિત્ય કૃતિ કે ન તો કોઈ ઐતિહાસિક હકીકતો પ્રજાને લાંબે ગાળે આનંદ આપનારી હોય છે. મને તો અમલ કરી શકાય તેવા સિદ્ધાંતોનું જ મૂલ્ય છે અને એથી જ તો શિક્ષણ અને સમાજ સેવાના સ્વધર્મને નભાવાતાં જ સાહિત્ય સેવન કર્યું અને સાહિત્યનું અર્થઘટન પણ સમાજના દરેક સ્તરને સમજાય, ઉપયોગી થાય અને અમલમાં મૂકી શકાય તેવા ખ્યાલો આગળ ધરી શકાય તે રીતે કર્યું. રામાયણ અને મહાભારતના મારા વાચન અને મનન સમયે મારા દિલમાં આજની પ્રજાને તેમની ધર્મ વિશેની સમજ અને શ્રદ્ધાને ઉપયુક્ત સાર આપવાનો હતો, જે મોટે ભાગે સર્યો છે તેમ મને લાગે છે. બીજાને શું લાગ્યું તે તો તમારા જેવા અભ્યાસુ લોકોને ખબર.
રંજના : આપના સાથીદાર અને ઉત્તમ અધ્યાપકોમાંના એક ન.પ્ર. બૂચનું કથન અહીં ટાંકું છું, તેમણે કહેલું, “દર્શકનું જીવન ત્રિપાર્ષશ્વ ગણાવી શકાય. શિક્ષક-લોક શિક્ષક, રાજનીતિજ્ઞ-રાજકારણી અને સાહિત્ય સર્જક. આ ત્રણેય કાર્યક્ષેત્રો એકબીજાને સરખા જ ઉપકારક રહ્યા. સાહિત્ય સર્જનની જન્મજાત શક્તિ પ્રભુની દેણ, રાજકારણ-સમાજ્કારણના કાર્યક્ષેત્રની પસંદગી એ તત્કાલીન ગાંધી વિચારની ઉપજ અને શિક્ષણની કાર્યક્ષેત્ર તરીકેની વરણી નાનાભાઈ ભટ્ટની દેણ હતી તેમ કહી શકાય.” તેમનું આપના વિશેનું આ આલેખન આપના કેળવણી વિષયક પુસ્તકો, ચરિત્ર લેખન, રાજનીતિ વિમર્શ અને સમાજ ચિંતનને આવરી લેતાં લગભગ વીસ-બાવીસ પુસ્તકોમાં દ્રષ્ટિગોચર થાય છે. શિક્ષક અને ગુરુ વચ્ચેનો ભેદ જાણનારા કહી શકશે કે વિષય જ્ઞાન આપે તે શિક્ષક અને જીવન દર્શન આપે તે ગુરુ. વેદ અને પુરાણકાળમાં ગુરુ પોતાના શિષ્યોને માનવ તરીકે અનુસરવા લાયક નીતિ નિયમો અને નીતિમત્તાનાં મૂલ્યો સમજાવી તેમનું ચારિત્ર્યનું ઘડતર અને ચણતર કરીને જીવન દર્શન કરાવી શકતા. જ્ઞાન મૂલ્યોને જીવન મૂલ્યો સાથે રસવાથી જ સાચા માનવનું ઘડતર થાય; માત્ર માનવાકૃતિ મળવાથી અવતાર સિદ્ધ ન થાય તેમ જ વિષયના વસ્તુલક્ષી તત્ત્વજ્ઞાનને માનવ જીવનના સનાતની તત્ત્વજ્ઞાન સાથે અનુબંધ કરાવી આપવાનું કામ આપે શિક્ષણ, સાહિત્યસર્જન અને અનેકવિધ રચનાત્મક કાર્યો દ્વારા કર્યું. તો શિક્ષણ, રાજકારણ, રચનાત્મક કાર્યો અને સાહિત્ય જેવાં વિવિધ ક્ષેત્રોને આટલી સહેલાઈથી સાંકળી લેવાની સમન્વયકારી ક્ષમતા આપનામાં પહેલેથી જ હતી કે અનુભવ વધતાં વિકસી એ કહી શકશો?
મનુભાઈ પંચોળી : તેં તો બહેન, સારો એવો અભ્યાસ મારાં લખાણો વિષે કર્યો હોય એવું લાગે છે. મારી જાતને પોરસ ચડાવ્યા સિવાય કહું તો મારી પોતાની શક્તિ અણદીઠને જોઈ શકવાની છે. સાહિત્ય અને શિક્ષણ એ મારા બે પગ સમાન છે એટલે કયો આગળ માંડું અને કયો પાછળ રહે તે સવાલ જ નથી. હવે ગાંધીજીએ અનેક વખત કહેલું કે તમે રચનાત્મક કાર્ય કરો, રચના એટલે નાગરિકના મનની રચના. તો ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, નઈ તાલીમ દ્વારા માનવીના મનની નવી રચના કરો એવો એનો અર્થ મેં ઘટાવ્યો. એટલે શિક્ષણ પદ્ધતિ એવી અપનાવી જેમાં માનવ મનની નવ રચના થાય અને સાહિત્ય એવું રચાય કે જે તેને પુષ્ટ કરે તે મારા માટે સહજ હતું. રહી વાત મારા સાહિત્યની. તો સાહિત્યકારના મનમાં કેટલાક પાત્રો-પ્રસંગો સળવળાટ કરતા હોય છે. વિચારો આનુષંગિક છે. કોઈ પણ માણસ વિચાર કરે છે, એ વિચાર કર્યા વિના બોલતો નથી. એ મુખ્ય વસ્તુ નથી, સાહિત્યમાં મુખ્ય વસ્તુ રસ છે. એ રસના બે મુખ્ય વાહનો – ઘટના અને પાત્રો. મારા જેવા સાહિત્યકારો અમુક પ્રકારનો સમાજ સુધારો થાય કે અમુક પ્રકારના વિચારો ફેલાય એટલા માટે મુખ્યત્વે લખતા નથી. મનુષ્ય વિશેની વેદિક કાળથી ચાલી આવતી કલ્પના એવી છે કે આખા વિશ્વને કે બ્રહ્માંડને ભેગું કરો તો ય મનુષ્ય-પુરુષ દશ આંગળાં ઊંચો જ રહેશે. મનુષ્યનો એ મહિમા સાહિત્યમાં વ્યક્ત ન થાય તો સાહિત્ય એટલું ઊણું ઊતરે.
રંજના : આપની સમગ્ર સાહિત્ય રચનાઓ પૈકી ઇતિહાસ મીમાંસાના વિભાગમાંથી ‘આપણો વરસો અને વૈભવ’ અને ‘રામાયણનો મર્મ’ એ વિષે ટૂંકમાં વાત કરી. હવે આપના પત્ર સંચય વિષે વાત કરીશું?
આપના ‘આત્મપ્રાણા આત્મજા’ તરીકે જાણીતા થયેલાં એવાં સ્વ. મૃદુલાબહેન મહેતા સાથેના પત્રોનો ‘પત્રતીર્થ’ અને ‘ચેતોવિસ્તારની યાત્રા’માં સંચય થયો છે. ‘પત્રતીર્થ’માં પ્રવાસ વર્ણનો છે જે મુંબઈથી માંડીને સ્વીત્ઝર્લેન્ડ સુધીના વિશ્વ પ્રવાસને આવરી લે છે. પ્રદાન પ્રસાદી વિભાગમાં મૃદુલાબહેન મહેતાના આપના પરના પત્રોનો સમાવેશ થયો છે. ‘ગ્રંથ ગરિમા’ વિભાગ પુષ્કળ ઇંગ્લિશ અવતરણોથી ભરપૂર છે અને તેમાં આપનાં વાચનના વિષયોની વિવિધતા, સમજની ગહનતા અને રસાળ શૈલીથી લદબદતા પત્રોનો સમાવેશ થયો છે.
‘ચેતોવિસ્તારની યાત્રા’માં સાહિત્ય, ચિંતન, ઇતિહાસ અને શુભકામના એવા વિભાગોમાં પત્રો વહેંચાયેલા છે. એ પત્રોનો વ્યાપ નોંધનીય છે. 1970માં ઇઝરાયેલ જતાં પત્ર લખ્યો હતો, તો વળી માઈધારથી પણ લખ્યો હોય. ‘60માં લખેલ એક પત્ર પુસ્તકનાં દસેક પાનાં ભરાય તેવડો છે જેમાં મૃદુલાબહેનના લગ્ન વિશેના તેમના પોતાના વિચારો અને તે વિષે આપના મંતવ્યો સમજાવવા અનેક પુસ્તકોના આધાર ટાંકેલાં આપનાં મંતવ્યો છે. તો વળી ‘76નો એક પત્ર માત્ર ચાર લીટીનો પણ છે. ઉપરાંત તેમાં ટૂંકી અને અવતરણો વાળી ઇંગ્લિશ કવિતાઓનો પણ સમાવેશ થયો છે. તેમાં એક પત્ર વિશેષ કરીને ધ્યાન ખેંચે તેવો છે જે રચનાત્મક કાર્યકર રતિભાઈ ગોંધિયાના પુત્ર અશોકભાઈના અવસાન સમયે આપ સુરત ગયેલા ત્યાંથી ઘેર આવીને જે પત્ર અને કાવ્ય લખ્યું તે હૃદયદ્રાવક છે. એ કાવ્ય આપ સંભળાવશો?
મનુભાઈ પંચોળી : એ એક બહુ કરુણ ઘટના હતી. અમારામાંના જ એક રતિભાઈ ગોંધિયાનો એકનો એક પુત્ર ગુજરી ગયો. તાજો જ પરણેલો, હોંશે હોંશે ઘર બાંધેલું. એનો કાકાનો દીકરો, પત્ની અને મા તેવે વખતે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય, તેમાં આશ્વાસન કોણ આપી શકે? તે અંગે કાવ્ય લખ્યું તે તારા કહેવાથી સંભળાવું :
“શું આ ઘર ગણો? નહીં નહીં જ ભૂલ છે આ વડી, અમે પરમ સખ્યનો સુઘડ નીડ આ બાંધ્યો.
રસોઈઘર, ઓસરી, શયનખંડ, હીંચોળવા ઝૂલા, જતી અગાશીએ પગથી સ્નિગ્ધ લજ્જાભરી.
રચ્યું ભવન રમ્ય મૂર્તિ અમ હેતનું રૂપ શું; સ્મરી જ શકતો મૂકેલ ઘર તાતનું ઉત્તરે.
ઘડ્યું મનોરમ છજું ધવલ હિમના અદ્રી શું, પરંતુ સહુ વ્યર્થ એ બન્યું કાળદ્રષ્ટિ ખૂલ્યે.
ભીંસી કચકચાવી દાંત યમ ત્રાટક્યો એ પરે : રડું, તરફડું, ધરું શિર, ઘરનું ઉંબરે
જેવા લઈ મને ય નિજ સાથમાં વ્યર્થ સૌ, નિરર્થક હવે નીડ, ને જીવન મારું વ્યર્થ હા!
જહીં અનલ શાની સરવારિમાં પ્રજવલ્યો, અશોક ઘરમાં સશોક સ્મૃ િત ર્દગ્ધ અર્ધાંગના
વિલાપ કરતી ઝૂરે વિધુવિહીન જ્યોત્સ્ના સમી.
રંજના : આમ સાથી કાર્યકરના પુત્રના અવસાન સમયે માત્ર એક આશ્વાસન આપતા બે શબ્દો નહીં પણ દિલને વલોવી નાખતી ચીસ પાડતી કવિતા રચી નાખે એવું કોમળ હૃદય આપનું છે અને કદાચ એ કોમળ ભાવ શૌર્ય ભરી નવલકથાઓ, નાટકો અને વાર્તાઓમાં પણ અંત:સ્રાવ બનીને વ્યક્ત થાય છે.
અહીં દાદા ધર્માધિકારીએ આપના વિષે કહેલું તે ટાંકું : “દર્શકનું હૃદય સાહિત્યકારનું, હાથપગ રચનાત્મક કાર્યકરના અને માથું વિચારક-ચિંતક તથા રાજકારણીનું.” આપના જીવન, કાર્ય અને સાહિત્યને જોતાં એમનું આ કથન તદ્દન સાચું લાગે. વાંચન માહિતી અને જ્ઞાન આપે, મનન તેનું ઊંડાણ માપે અને ચિંતનથી નવનીત નીકળે. જો આપને મનન અને ચિંતનની આદત ન હોત તો સાહિત્ય અને અન્ય ક્ષેત્રમાં આટલી ઉચ્ચ કક્ષાનાં પ્રદાન અમને સાંપડ્યા ન હોત. કૃષ્ણવીર દીક્ષિત કહે છે તેમ આપે સાહિત્યને તો આપના જીવનનો 30% અંશ જ ફાળવ્યો છે, બાકીના 70% એક પ્રજાપુરુષ તરીકે ખરા સમાજ હિતલક્ષી ચિંતક અને એક સાચા જગત નાગરિકની હેસિયતથી જીવ્યા છો. આપની સહુથી મોટી દેણગી કેળવણીના ક્ષેત્રે રહી તેમ કહેવામાં હકીકત દોષ નથી. એવી જ રીતે આપના સાહિત્ય સર્જનમાં પણ કેળવણી વિષયક સાહિત્ય ઉત્તમ કોટિનું હોવાથી અન્ય પ્રકારો જેટલું જ મહત્ત્વનું સ્થાન મેળવી શક્યું છે. આ સાહિત્ય પ્રકાર પર આપના વિચારોનાં કયાં પાસાંની મહદ્દ અંશે અસર છે તે સમજાવશો?
મનુભાઈ પંચોળી : તેં મારા સાહિત્યનો સારી પેઠે અભ્યાસ કર્યો છે અને સંસ્થાઓ પણ જોઈ તેના પરથી સમજી શકી હોઈશ કે મારે મન શિક્ષણ અને કેળવણી મનુષ્યના વિચારો ઘડનાર અને જીવન બદલનાર હોવા જોઈએ. કેળવણીમાં મારી નિષ્ઠા નાનાભાઈ ભટ્ટને કારણે, પણ કેળવણીનો માનવીય ચહેરો એ મારા પર ગાંધી વિચારના પ્રભાવનું પરિણામ છે. મારું ઇતિહાસનું અધ્યયન સાચા જીવનની ખોજના વૈષ્વિક પરિપેક્ષ્યને કારણે – તે એને લગતા સાહિત્યમાં પણ એ જ પ્રતિબિંબિત થાય છે. જેવા કેળવણી વિષયક વિચારો તેવું જ તેને અનુષાંગિક સાહિત્ય – કેમ કે બંને માનવ ઘડતરના સાધનો. શ્રમનું મહત્ત્વ અને શોષણ વિહીન સમાજ રચના કરવા જેવી શિક્ષણ સંસ્થા ઊભી કરી તેવો જ સંદેશ કેળવણી વિષયક સાહિત્ય અને ‘કોડિયું’ તથા ‘સ્વરાજધર્મ’ જેવાં સામયિકો દ્વારા આપ્યો એ પણ તું જોઈ જજે તો ખ્યાલ આવશે.
રંજના : આપે ‘કોડિયું’ તથા ‘સ્વરાજધર્મ’ જેવા સામયિકોનો ઉલ્લેખ કર્યો તો એના વિષે થોડી વાત કરીએ. મનસુખભાઈ સલ્લાએ આપના વિષે કહ્યું છે, “ભલભલાને દેખાય નહીં તે પળવારમાં પરખે, પારખે અને પચાવે તે દર્શક.” અને આપના પળવારમાં પરખી, પારખી અને પચાવેલા વિચારો સંખ્યાબંધ પુસ્તકો ઉપરાંત સામયિકોમાં પણ પ્રકાશિત થયા છે. ગ્રામદક્ષિણા મૂર્તિ ટ્રસ્ટ એ લોકાભિમુખ નઈતાલિમી કેળવણી દ્વારા સંતુલિત વિકાસ સાધવા પ્રયત્નશીલ એવી સંસ્થા છે. ‘કોડિયું’ એ સંસ્થા દ્વારા પ્રકાશિત માસિક છે જેના આદ્ય તંત્રી નાનાભાઈ ભટ્ટ હતા, પછી આપે તેની ધુરા સંભાળી. એવી જ રીતે ‘સ્વરાજધર્મ’નું તંત્રીપદ વજુભાઈ શાહના અવસાન બાદ આપે સંભાળ્યું. તો સામયિકોમાં લેખ લખવા અને તંત્રી પદ સંભાળવાનું કાર્ય અન્ય અનેકવિધ જવાબદારીઓ છતાં શા માટે સ્વીકાર્યું એ જાણવાનું મન થાય.
મનુભાઈ પંચોળી : જો, વાત એમ છે કે કોડિયું માસિક અને સ્વરાજધર્મ પાક્ષિક એ મારા રાજકીય અને સમાજ ચિંતન વિશેના વિચારો વ્યક્ત કરવાનાં મહત્ત્વનાં માધ્યમ બની રહ્યાં. ’સ્વરાજ ધર્મ’નું તંત્રી પદ વજુભાઈ શાહના અવસાન પછી સંભાળ્યું પણ તેમાં લખવાનું તો એ પાક્ષિકના પ્રારંભથી જ કરેલું. દુખદ વાત એ છે કે અંગ્રેજો ગયા, ગોરા સાહેબોને બદલે ઘઉંવર્ણા સાહેબો આવ્યા. પણ સામાજિક લોકશાહી હજુ જન્મી નથી એવું અમને લાગતું. બ્રિટિશ રાજ ગયું પણ ગુલામી માનસના લીસોટા રહી ગયેલા એટલે તત્કાલીન ઘટનાઓ, નીતિઓ અને જીવનના રુખ વિષે સ્વરાજધર્મમાં મારા વિચારો મુક્ત પણે રજૂ કરતો, જે કૈંક અંશે તે સમયે અસામાન્ય પણ લાગતા. ભારતના નાગરિકોનાં જીવનને સ્પર્શતાં તમામ પાસાંઓને ઝીણવટથી તપાસીને તેની છણાવટ કરવાથી રાજકીય સ્વરાજને સામાજિક અને આર્થિક રીતે બળવત્તર બનાવી શકાશે તેમ મેં માનેલું.
રંજના : હા, આપે તે વિચારો એવા સચોટ રીતે રજૂ કર્યા કે જેનાથી દીર્ઘકાલીન અસર પેદા થઇ શકી જેના પરિણામો તે સમયે અપ્રગટ હતા પરંતુ લાંબાગાળે એ સામયિકોના વાચકો અને કર્મશીલો પર તેની ઘેરી અસર મૂકી ગયા. સામાન્ય રીતે સામયિક તત્કાલીન બનાવોને આવરી લેતું વિચાર પત્ર હોવાને કારણે પુસ્તકની માફક લાંબા ગાળાની અસર નીપજાવી ન પણ શકે. પરંતુ આપની તો કલમ કાગળને સ્પર્શે ત્યાં વિચારોનું દીર્ઘાયુ નિર્માણ અનાયાસ થઈ જ જાય, આપનું હિંદુ ધર્મનું દર્શન સ્વરાજધર્મમાં પ્રગટ થયેલ ભાગવત્ ગીતા અને હિંદુ ધર્મ વિશેના હપ્તાવાર લખાણોમાં સ્પષ્ટ થાય છે.
આપે ચરિત્ર લેખનનું પણ ખેડાણ કર્યું અને પરિણામે ગોસ્વામી તુલસીદાસ, ટોલ્સટોય, ત્રિવેણીતીર્થ, નાનાભાઈ, રેખાદર્શન, સદ્ભી: સંગ:, સોક્રેટીસ અને દેશ-વિદેશ જેવા ગ્રંથો ઉપલબ્ધ થયા. ‘ત્રિવેણી તીર્થ’ના પ્રકરણ ‘શીલ, સમન્વય અને સત્યાગ્રહ’માં આપે ગાંધીની વિશ્વકર્મા તરીકેની પ્રતિમા ખડી કરી. એમના કર્મ અને મૃત્યુને કેવો ગાઢ સંબંધ હતો તે વર્ણવ્યું છે. તેઓ આમ આત્મા હતા કે મહાત્મા એ જીવનના અંત સુધી કહી ન શકાય તે સમજાવવા આપે લખેલું, “માનવીનું જીવતર રાંધેલાં ધાન જેવું. બગડી જતાં શી વાર લાગે? સંસારની કાળકોટડીમાંથી જીવ વગર ડાઘે નીકળે ત્યારે કહી શકાય કે આ મુક્ત જીવ હતો કે બદ્ધ।” બીકણ, ચોરી કરેલ, બીડી પીવાની અને માંસાહાર કરવાની ભૂલ કરેલ એવા સાધારણ મોહનમાંથી મહાત્મા કેવી રીતે થયા એ દરેકે સમજવું જરૂરી છે કેમ કે આપે કહ્યું તેમ તેઓ જન્મથી મુક્ત પુરુષ નથી, પ્રયત્નથી મુક્ત પુરુષ છે અને તેથી તેમને અનુસરવામાં સરળતા છે. ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોની તેમની એકલતા અને પોતાના સાથીઓ માટે કાળબાહ્ય થઈ જવાની પરિસ્થિતિને આપે યુધિષ્ઠિરની અંતિમ જીવન યાત્રા સાથે સરખાવીને એક નવો આયામ આપ્યો. એ દ્વારા આપ વાચકોને શું કહેવા માગો છો?
મનુભાઈ પંચોળી : તારી અને તારા પહેલાની પેઢીના લોકો કે જેમને ગાંધીજીના કાળખંડમાં જીવવા-કામ કરવાની તક નથી મળી તેવા લોકોને ગાંધીની એક સામાન્ય બાળકમાંથી એક અસાધારણ વિશ્વકર્મા તરીકેની સફર કેવી રીતે થઈ એ કહેવાનો મારો પ્રયાસ રહ્યો છે. આમ જુઓ તો તે વખતના શિક્ષિત વર્ગે તો ગાંધીના કેટલાક વિચારો ને જ અપનાવ્યા કે જે તેમને પોત પોતાના લક્ષ્ય સુધી લઈ જનારા હતા. ગાંધીજીના જીવન અને કાર્યને સમગ્રતયા ન સમજવા અને સ્વીકારવાને કારણે તેમની રાજકીય હેતુસર ખપ પૂરતી આંગળી પકડીને ચાલનારા તેમના જ કહેવાતા અનુયાયીઓએ એ હેતુ સર્યે કેવા તેમને હાંસિયામાં ધકેલીને ગાંધી મૂલ્યોથી માત્ર અળગા નહીં, તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં તેમની જ હયાતી દરમ્યાન ચાલવા શું, દોડવા લાગ્યા એની સખેદ નોંધ લેવી રહી. એક આપણા દેશની આમ જનતાએ જ તેમને પોતાના મસીહા તરીકે સ્થાપ્યા એટલે શિક્ષિત વર્ગને ન છૂટકે ગાંધીને પગલે ચાલવું પડ્યું એમ મને તો લાગે છે. વ્યક્તિ માત્રનું જીવન બહુ આયામી હોય છે તો સમાજ આખાનું તો હોવાનું જ ને? હવે જે લોકો માત્ર રાજકીય સ્વતંત્રતા મેળવવા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યા અને તેમના સમાજ ઘડતર, આર્થિક સુધારણા અને આધ્યાત્મિક ઉન્નતિના કાર્યક્રમોમાં શ્રદ્ધા ન કેળવી શક્યા તેમણે પેલા છ આંધળાની માફક ગાંધીના સંદેશનું માત્ર એક પાસું પકડ્યું અને તેથી જ તો દેશની જનતાના સર્વાંગી વિકાસ અને પ્રગતિમાં નિષ્ફળ ગયા, તે તમારી પેઢી પણ જોઈ શકે તેમ છે. મારા આ લખાણ ઉપરથી વાંચનારને ગાંધીજી જન્મ્યા ત્યારે માનવ હતા, પણ ગયા ત્યારે મહાત્મા હતા તો એ માનવ મહા માનવ કેમ કરીને થયો એ સમજાય તો ઘણું.
રંજના : આધુનિક જગતના મુખ્ય પ્રશ્નો શિક્ષણ પદ્ધતિની વિફળતા, બેકાબૂ બનેલ બેરોજગારી અને વધતી વિધ્વંસકતા છે. આપના કેળવણી વિષયક ખમતીધર વિચારો પાંચ-સાત પુસ્તકોમાં વ્યક્ત થયા છે. બાળકેળવણી વિશેનાં ત્રણ વ્યાખ્યાનોમાં આપે કહ્યું છે, “માસ્તર બાળકની હથેળીમાં મારે ત્યારે વિદ્રોહના બી ચિત્તમાં વવાઈ જાય પછી શાંતિ માટે રાતદી દોડાદોડી કરીએ તે કેમ ચાલે?” લોક કેળવણી અને સમાજ કારણ-રાજકારણ વિશેના આપના વિચારો જરા વિગતે સમજાવશો?
મનુભાઈ પંચોળી : આજે જગતમાં શાંતિના નામે શસ્ત્રાસ્ત્રો પાછળ કરોડો રૂપિયાનું આંધણ થાય છે, તેના પ્રમાણમાં બાળક માટીનાં રમકડાં કે નાની મોટી વસ્તુઓ તોડે એ કંઈ વિસાતમાં નથી એ સમજીએ તો બેડો પાર થાય. મેડમ મોન્ટેસોરીને ડંખ વગરની મધમાખો કરતાં ડંખ વગરનો માણસ પેદા કરવામાં રસ હતો. એવું જ ‘યુનેસ્કો’ના ખતપત્રકની શરુઆતમાં કહ્યું છે, યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરુ થાય છે, એને ત્યાં જ ડામવું જોઈએ. આવી શિક્ષણ પદ્ધતિ આપણે ક્યાં અપનાવી છે? જમાનાઓથી સાધુ-સંતો, મહાપુરુષોએ ઉપદેશો આપ્યા, પણ તેનાથી બહુ ઓછાનું જીવન પરિવર્તન થયું, સમાજમાં તેની અસર ચિરસ્થાયી ન બની, બહુજન સમાજની ઉન્નતિ ન થઈ કેમ કે તેમણે બાળકોને ઉદ્દબોધન કરવાને બદલે પ્રૌઢ લોકોનું પરિવર્તન કરવામાં ધ્યાન આપ્યું, એમ હું તો કહું છું. બાળ શિક્ષણનું કામ એક ધાર્મિક કામ છે. આજે દુનિયાની અથડામણોનું મૂળ એ છે કે ચોરસ કાણાંમાં ગોળ ખૂંટીઓ ભરાવાય છે. આથી બાળ મનને આત્મ સંતોષ નથી થતો અને મોટપણે વિધ્વંસક અને આક્રમક પ્રવૃત્તિમાં જોડાય છે. રુસોએ કહેલું એ તું જાણે છે? તેમણે કહેલું, “મારો વિદ્યાર્થી લશ્કરમાં, દેવળમાં કે ન્યાયાલયમાં જશે તે મને બહુ સ્પર્શતું નથી; પહેલાં તે માણસ થશે.” જે સારો માણસ નથી તે સારો સિપાહી, ધર્મગુરુ કે સારો ન્યાયાધીશ ન થઈ શકે એ હકીકત સમાજ જ્યારે સમજશે ત્યારે તેનો ઉધ્ધાર થશે.
રંજના : મનુભાઈ, આ પ્રશ્નોત્તરીનું સમાપન કરતાં આપનાં સાહિત્યના ચાહકો વતી કહીશ કે આપે પ્રખર યાદશક્તિ અને કલ્પનાશક્તિની મદદથી કાલ્પનિક કથા સાહિત્યનું સર્જન કર્યું, તો વળી મનન, ચિંતન, વિશ્લેષણ અને સંયોગીકરણ કરવાની અજોડ શક્તિને કારણે સર્જનાત્મક અથવા કહો કે કથેતર સાહિત્યને પ્રમાણભૂત અને ગહન બનાવ્યું.
આપને દર્શક કહેવા કે દાર્શનિક? વેદ, ઉપનિષદ, રામાયણ-મહાભારત અને ગીતા પઠનના પરિપાક રૂપે સન્યસ્ત લઈ ભગવાં ધારણ કરવાને બદલે આપે ગ્રામ અને નગરવાસીઓને, ખેડૂત અને કસબીઓને એમની જ ધીંગી ધરા પર જઈને સાહિત્યની અમૃતગંગાનું પાન કરાવ્યું, વિકાસ અને જ્ઞાનનાં દર્શન કરાવી આપ્યાં અને એ રીતે આપણી સંસ્કૃિતના ખરા દર્શક બન્યા.
આથી જ તો આપની જન્મ શતાબ્દી ઉજવણીમાં એક અદ્દભુત ગરિમા અને ભવ્યતાના દર્શન થાય છે. આપની પ્રતિભાને લાખ લાખ વંદન સાથે વિરમું.
e.mail : 71abuch@gmail.com
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની, ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી, નવમી ભાષા-સાહિત્ય પરિષદની બીજી બેઠકના (વિષય : “‘દર્શક’નું સાહિત્યવિશ્વ”) બીજાં વક્તા તરીકે આપેલું વક્તવ્ય. રવિવાર, 30 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : આશાબહેન બૂચ
ચિનુભાઈ મોદી
‘દર્શક’નું સાહિત્યવિશ્વ
દર્શકની સંવાદકળાનું ઉજળું ઉદાહરણ સોક્રેટિસ
− ચિનુ મોદી
દર્શકદાદા સાથે મારો પહેલો પરોક્ષ પરિચય કેવી રીતે થયો એની હું વાત કરું. દીવા પાંડે હવે દીવા ભટ્ટ એ આવી અમદાવાદ વિદ્યાપીઠમાં અને પહેલીવાર દર્શક દાદા વિશે વાતો એની પાસેથી મેં સાંભળી. એ મારી એવી બહેન કે જેની સાથે મેં ગઈકાલે રક્ષાબંધનના દિવસે પણ વાત કરવી જ પડે. એ મારા ફોનની રાહ જોતી હોય. બીજો પરિચય તે ગુજરાત વિદ્યાપીઠમાં હું વિદ્યાવાચસ્પતિ(પીએચડી)ની ડિગ્રી માટે અભ્યાસ કરતો હતો. મોહનભાઈ શંકરભાઈ પટેલ અને એ અહીંયા અમેરિકા આવેલા. એ અમેરિકા આવેલા ત્યારે એ દરમ્યાન મારે થોડાં વર્ગો લેવાના આવ્યા અને આ વર્ગોમાં કોણ હતું. યોગેશ ભટ્ટ હતા, મનસુખ સલ્લા હતા. આ બધા એ સમયમાં હાજર હતા. ભણાવવાનું શું, એમની સાથે વાતો કરવાની મજા આવે. એ સૌથી જુદી વાત થઈ. યોગેશ સાથેનો પરિચય પાછો વધારે સઘન થયો. એના ભાઈ પુલકનના કારણે. અને હું જ્યારે જ્યારે નાલીકર જાઉં ત્યારે પંકજ, એના પત્ની અને બાળકો એ બધાં મારી સાથે એટલા બધા હળીમળી જાય કે ના પૂછો વાત.
પણ દર્શકદાદાનો સીધો પરિચય પ્રકાશભાઈ, મને પહેલીવાર દાહોદમાં થયો. ઓરંગઝેબ જ્યાં જન્મયો હતો ત્યાં. એ દોસ્તોવસ્કીની ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ ઉપર બોલવાના હતા. મને થાય આ ગાંધીવાદી માણસ અને શું બોલશે ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ ઉપર. અને પેલો તો દોસ્તોવસ્કી એટલે જેણે જીવનમાં ક્યારે્ ય કોઈ આચાર માન્ય રાખ્યો નહતો એવો માણસ, એવો સાહિત્યકાર. અને એના વિશે દર્શકદાદા બોલવાના. અદમ, છક થઈ જાવ તમે. આત્મસાત કરેલા દોસ્તોવસ્કીના ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ ઉપર જે એમણે વ્યાખ્યાન કર્યું, ચંદ્રકાન્ત ટોપીવાળાથી માંડીને, સુમન શાહથી માંડીને અમે સૌ એક અવાજે પ્રભાવિત થઈ ગયેલા હતા. બસમાં બીજે દિવસના સવારના અમે લોકો ગોધરા પહોંચ્યા. ગોધરા ગોટા સરસ મળે. એટલે મેં લીધા મેં દર્શકદાદા સામે ધર્યા અને મેં કીધું કે આ તો તમારે નહીં ચાલેને. તો કહે, કેમ નહીં ચાલે. લઈ લીધા, પછી ખાધા અને પછી કહે મોઢું તીખું થયું છે ને તારે. તો મેં કહ્યું હા. તો ગજવામાંથી ચોકલેટ કાઢીને આપી એમણે. મેં કહ્યું આ તો કમાલ છે. મેં કહ્યું આપણે જેમને ગાંધીવાદી ગણતા હતાં તે ગાંધીવાદી તો છે જ નહિ. વધારે પરિચય તો અકાદમી દ્વારા થયો. સાહિત્ય અકાદમી, ત્યારે સુરેશ દલાલ ઉપપ્રમુખ. અમે મિટિંગ પતી જાય ને, પ્રકાશભાઈ, ત્યાર પછી સુરેશભાઈ ગુલાબદાસ બ્રોકરની મીમીક્રી કરે. Why Suresh, આમ વાત ચાલુ થાય. આ બધું પતી જાય પછી હસુ યાજ્ઞિક exact દર્શકદાદા. દર્શકદાદાના અવાજમાં એમની પાસે દરેક વખતે મીમીક્રી કરાવડાવી એ જ.
થોડોક સમય થયો અને સ્વાયત્ત અકાદમી થઈ. સ્વાયત્ત અકાદમીમાં પણ હું કારોબારી એટલે દર્શકદાદા સાથે કેટલીબધી મીટિંગોમાં જવાનું થયું. સાથેને સાથે હોઈએ, એ ગાંધીનગરમાં પણ રાખે મીટિંગ અને ક્યારેક લોગાર્ડન પાસેની ગાંધીહાટ છે ત્યાં પણ રાખે. એમને મળ્યા કરવાનું થયા કરે. ક્રમશ: મને દીવા અને આ બધા મિત્રોએ કહેલી વાત સાચી લાગે કે આ માણસ સાચકલો માણસ છે. એ સાહિત્યકાર છે, શિક્ષક છે કે જે કંઈ છે સચ્ચાઈ એ એના વ્યક્તિત્વનું એક વિલક્ષણ તત્ત્વ છે. અને સચ્ચાઈ આજે સર્ચલાઇટ લઈને શોધવા જાવ તો પણ જડે નહીં. ત્યારે આ માણસ તમને રુબરુ થાય. આનાથી વધારે સદ્દભાગ્ય, આશાબહેન, બીજું કશું હોઈ ના શકે. આટલું શરૂઆતમાં કહું. હવે જેની વાત કરવાનો છું.
હું એક જે એમના એટલે સોક્રેટિસ ઉપરથી ભરત દવેએ નાટ્યાંતર જે કરેલ છે જે તમારા માટે હું લઈને આવેલ છું. તમે જોઈ શકશો ક્યારેક ભવિષ્યમાં. તો આ નાટ્યાંતરના સંદર્ભમાં હું વાત કરવાનો છું. દર્શકે એમ કહેલું હું ભૂલભરેલીને લીધે મને મહત્ત્વની લાગેલી કૃતિ સોક્રેટિસ લાગે છે. પણ રમેશ દવે દર્શકની સંવાદકળાનું ઉજળું ઉદાહરણ એ સોક્રેટિસ છે એમ એમણે કહ્યું. એટલે પરિત્રાણ કરતાં પણ વધારે સારા સંવાદો આ નવલકથામાં દર્શકદાદાએ આપેલા છે. આપણે એની પણ વાત કરીશું.
આંબલામાં મેં ડિરેક્ટ કરેલું અને લખેલું નાટક મોનજીનું ઘર, વિજયા દેસાઈ સાથે મેં કરાવડાવેલું. અને આંબલામાં ભજવેલું. એ ભજવ્યા પછી દર્શકદાદાએ મને તું બધી કવિતા બવિતા લખવાનું છોડી દે અને આ નાટક લખ. નાટક કર બહુ મજા પડે. આ વાત અત્યારે યાદ આવે છે.
પરબ દવે તો ત્યાંજ ઉછરેલા. એની પાસે રહેલા એટલે સોક્રેટિસ કશુંક ભાળી ગયેલો માણસ, એવું શીર્ષક નીચે રાજુ બારોટે આના થોડાંક શો કર્યા. નાટક તો હું જોઈ શક્યો નહતો કેમ કે મારી હવે એવી તબિયત નથી રહી કે રાતના બહુ મોડે સુધી હું જાગી શકું. પણ મેં એણે કરેલું નાટક જોયું પણ ખરું અને હસ્તપ્રત પણ મેળવી. અને ત્યારપછી હું અહીંયા તમારી સાથે વાત કરું.
અનિલ, વાત એવી છે કે જ્યારે એક કળામાંથી બીજી કળામાં જ્યારે રૂપાંતર કરવાનું આવે ત્યારે અસંખ્ય પ્રશ્નો ઊભા થતા હોય છે. સૌથી પહેલો પ્રશ્ન હતો તે એ કે મૂળ કૃતિ અન્ય કળામાં ઢળી શકે એમ છે ખરી? એટલે આ નવલકથાનું નાટક બની શકે એમ છે ખરું કે નહિ. કેટલી ય નવલકથાઓ એવી છે કે જેનું નાટક શક્ય જ નથી. પણ આ નાટકમાં રમેશ દવે કહે છે એમ, સંવાદકળાનું ઉજળું ઉદાહરણ દર્શકદાદાએ આપેલું છે. એટલે મૂળ કૃતિને નાટ્યની કળામાં લઈ જવાની વાત પરબ દવેને કેમ સૂઝી હશે એ પહેલો પ્રશ્ન થાય.
બીજું, જ્યારે પણ તમે એક કલામાંથી બીજી કલામાં રૂપાંતર કરતાં હો, આશ્રય લેતા હો બીજી કલાને ત્યારે દા.ત. ગાલિબની ગઝલ બેગમ અખ્તર ગાતી હોય અને એ બેગમની ગઝલ બની જાય. આ ગાયકી, આ સંગીત એને આશ્રય એવી રીતે આપે કે ગઝલનું સૌંદર્ય જે છે, શબ્દનું સૌંદર્ય એ એમાં પ્રગટ થાય. અહીં આપણે જોઈએ ઉદાહરણના સ્વરૂપે કે આ નવલકથાનું નાટ્યાંતરણ જે થયું એ બીજી કલાનો આશ્રય લઈને થયું ત્યારે નાટ્યાંતર તરીકે કેવી રીતે ટકી શક્યું આ સોક્રેટિસ જે ઓરિજિનલ લખાયેલું નવલકથા [રૂપમાં] છે. મૂળ કૃતિ સોક્રેટિસ તેનું નાટક ના થયું હોત તો, એ અધૂરી કહેવાત? મારી ગઝલ કોઈ ગાય નહીં એટલે હું કંઈ સારો ગઝલકાર નથી એમ તો ના કહેવાયને. પણ આ કૃતિ સોક્રેટિસ નાટક તરીકે જેટલી ઉત્તમ છે એટલી જ ઉત્તમ નવલકથા તરીકે પણ છે. એટલે આ અધૂરી કૃતિ નથી. એટલે કે નાટક થાય તો જ આ કૃતિ પૂરી થાય એવું નથી એમ મારું કહેવું છે. હવે છેલ્લો પ્રશ્ન એવો થાય કે મૂળ કૃતિ, આ જે કૃતિનું નાટ્યાંતર થયું એનાથી મૂળ કૃતિને અધિક સુંદરતા પ્રાપ્ત થઈ કે નહીં તે જોવાનું છે. મુખ્ય વાત તો એ છે કે એનાથી એ અધિક સુંદર બને છે કે નથી બનતી. આ બધાની ઝાઝી ચર્ચા કર્યા વગર બે ઉદાહરણ લઈએ.
ફણીશ્વરનાથ રેણુ મારા ઘરે આવેલા. ગુલફામ એ એની વાર્તા જેના આધારે તીસરી કસમ ફિલ્મ થઈ. બાસુ ભટ્ટાચાર્યે એનું દિગ્દર્શન કર્યું. ઓરિજિનલ વાર્તા 16 પેજ ઓનલી. અને એના ઉપરથી 15 રીલની ફિલ્મ બની. મૂળ કૃતિને આધારે લખાયેલી પટકથા ટૂંકી વાર્તાની સીમાને કારણે વણવિકસેલા રહેલા અને વિકસવાક્ષમ ભાવબિંદુઓ જે હતા એને પ્રસ્તુત કરે છે કે જે ટૂંકીવાર્તાના પોતાના ફોર્મને કારણે કેટલા ય ભાવબિંદુઓને એને જતા કરવા પડ્યા કે જેનો એને માત્ર ઉલ્લેખ કરેલો. આ બધાને લઈને એની કથા લખાઈ છે, પટકથા અને એની ફિલ્મ બને છે. અને બધા જ આયામો ફિલ્મકળાના ફોટોગ્રાફીથી માંડીને સંવાદો, અભિનયમાં પણ કોણ તમે જાણો છો કે રાજકપૂર અને વહીદા રહેમાન. આ બન્ને મોટા એક્ટરોએ આ રોલ કર્યા. અને આખી આ કૃતિ ઉત્તમ થઈ.
હવે બીજું ઉદાહરણ લઈએ, દેવદાસ. સાયગલનું પછી દિલીપકુમારનું, પણ પછી જ્યાં સંજય લીલા ભણસાળી દેવદાસને સ્પર્શે છે અને દેવદાસ તરીકે પહેલવહેલી વાર શાહરુખખાનને જોવાનો આવે છે ત્યાં મારા એસ્ટેિથક્સના છોતરે છોતરા ઊડી ગયા એમ મને લાગે. કે આ માણસે કેવી રીતે તમે દેવદાસ બનાવી શકો. આ ચાલે એમ જ નથી; કોઈ રીતે ચાલે નહિ. આના કરતાં ય વધારે ખરાબ તો, પ્રકાશભાઈ, સરસ્વતીચંદ્રની એણે જે સિરિયલ કરી, ગોવર્ધનારામ કે કાન્ત હોત તો એને મારત. ખરેખર કહું છું. સંજય ભણસાળીને ગુજરાતી હોવા છતાં પણ મારત. પણ કાન્તે એક વખત એવું કરેલું. કાન્ત પાસે નાટક લખાવવા દેશી નાટક સમાજના લોકો આવેલા અને એમને કહેલું કે તમે નાટક લખી આપો. કવિ પ્રસન્ન થઈ ગયા અને લખી આપવાની હા પાડી. એક અંક લખીને મોકલ્યો એ લઈને પાછા આવ્યા એ લોકો અને કહે કે આટલા સુધારા આમાં કરવા જેવા છે. કાન્ત ઊભા થયા, દરવાજો બંધ કર્યો બાજુમાં પડેલી મોટી લાકડી ફટકારી પેલા બધાને. સંજય ભણસાળીની આ જ પરિસ્થિતિ ગોવર્ધનરામે કરી હોત એ નક્કી વાત છે.
પણ મને લાગે છે કે દર્શકની સંગતિમાં ઉછરેલા અને એન.એસ.ડી દિલ્હીમાં નાટકનું ભણી આવેલા અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રંગભૂમિ પર સાતત્યપૂર્ણ નાટકો કરનાર ભરત દવે સંજય જેવા બેહૂદા નથી. બાસુ અને સત્યજીત રે કરતાં ઉત્સવમાં સશક્ત અભિનય, લેખક દિગ્દર્શક ગિરીશ કર્નાડની કેડીએ ભરત દવે ચાલેલા છે. જે ઉત્સવ ફિલમ બની તેમાં ગિરીશ કર્નાડે જે ડિરેક્ટ કરી અદ્દભુત. દર્શકના મિજાજને એમની વાક્શક્તિને આશાબહેને પરિચય આપ્યો, એમની વિચારશક્તિને આ સૌથી નીપજતા દૃઢ વ્યક્તિત્વથી સુપરિચિત હોવાથી ભરત દવે દર્શકને સહેજ પણ અન્યાય ના થાય તે રીતે આ નાટ્યાંતર કરી શક્યા છે. એ પહેલી વાત છે. ભરત દવે આમ તો ગુજરાતના ઇસરોમાં અમે લોકો સાથે નોકરી કરતા હતા પીજમાં, એટલે અમદાવાદના ઇસરોમાં. ખેડાના ટેલિવિઝન ઉપર. એ ટીવી સિરિયલ પણ આથી કરી શક્યો હોત. પણ એ એણે ના કરી. નાની નાની ફિલ્મો પણ અમે લોકો બનાવતા હતા. એક એક કલાકની. એના પરથી એક કલાકની ફિલ્મ પણ બનાવી શક્યો હોત, પણ આ બધાને જતા કરીને, આ બધા સ્વરૂપ આ બધાથી એ માહેર હોવા છતાં એણે નાટકનું ફોર્મ પસંદ કર્યું. અને સોક્રેટિસ નવલકથાને એણે નાટકના રૂપમાં ઢાળી. એને દિલ્હી સરકારની એક ફેલોશિપ મળેલી એ દરમ્યાન એણે આ સ્ક્રિપ્ટ તૈયાર કરેલી.
લગભગ 270 પૃષ્ઠોની આ નવલકથા, અહીં આ સામે જ પડેલી છે. 270 પૃષ્ઠો એણે માત્ર 24 દૃશ્યોમાં આખું નાટ્યાંતર કરેલું. અને આ નાટ્યાંતર કર્યું ત્યારે એણે કેવા ફેરફારો કર્યા છે, એણે કેવી રીતે નાટક બનાવવાના પ્રયત્નો કર્યા છે એની વાત આપણે કરી. પહેલું આખું પ્રકરણ જે છે એનું આખું એણે કોરસ કર્યું. લખાવડાયું કોરસ અને કેવું કોરસ.
ઈ.સ. પૂર્વે ચોથી સદીના એથેન્સની આ વાત,
જ્યાં ગણતંત્રનું ગુણગાન ગાતું પેરિક્લીસનું રાજ.
સુનો સુનો ભાઈ એક અનોખા ગ્રીસ દેશની વાર્તા.
એથેન્સ નામે એક રાજ્ય અને બીજું નામે સ્પાર્ટા.
એથેન્સ જેવા કલારાજ્યમાં લોકશાહીનું વલણ.
સ્પાર્ટા જ્યાં ઉમરાવશાહી અને અમીરશાહીનું ચલણ.
વહાણવટું, વેપાર, સાહિત્યથી એથેન્સ છે પ્રખ્યાત.
સ્પાર્ટા, જ્યાં લશ્કર શાસન અને યુદ્ધ કલામાં જ્ઞાત.
બન્ને વચ્ચે અહમ અને ઈર્ષાની નદીઓ વહેતી.
બન્ને રાજ્યો વચ્ચે હરદમ લડાઈ થાતી રહેતી.
લડતાં લડતાં વીતી ગયાં વર્ષો સત્યાવીસ.
મૂક બન્યા જ્યાં ચિંતક પ્લેટો, લેખક યુરીપીડીઝ.
પેલોપોનેશિયન વોરની વચ્ચે બળ્યું સત્યનું ફાનસ
જેના અજવાળે ઉજ્ઝવળ થાતું ‘ગ્યું યુવાન માનસ
જેના વિચાર-વાણીએ ઢંઢોળ્યું આખું ગ્રીસ
એથેન્સનોએ તત્ત્વચિંતક નામ છે સોક્રેટિસ.
ઘણા ચુસ્ત રૂઢિવાદીઓએ લેવા માટે બદલો,
નિર્દય થઈ સોક્રેટિસ સામે માંડ્યો હતો ખટલો.
દેવ-દેવીમાં માને નહિ અને પોકારે છે બંડ,
સોક્રેટિસને ભર્યા નગરમાં આપે મૃત્યુદંડ.
સત્યની ખાતર રહ્યો અડગ ને થયો મોતનો વ્હાલો,
સોક્રેટિસે હસતાં મોઢે પીધો ઝેરનો પ્યાલો.
આજે પણ સોક્રેટિસ છે ને આજે પણ છે ગ્રીસ.
આજે પણ છે અસત્યની વચ્ચે સત્ય પાડતું ચીસ.
આમ, પહેલાં આખા પ્રકરણને એણે ગીતમાં ઢાળી દીધું, કોરસ. એટલે આ કોરસ જ્યારે તમને સંભળાય ત્યારે એની વાત, એની પશ્ચાદ્દભૂ કેવી છે તેની આખી વાત તમને સમજાઈ જાય.
હવે તમે જુઓ કે ચોવીસ દૃશ્યો, ઘટનાઓના ઘટાટોપ વચ્ચેથી કેડી રચવી અને નાટક બનાવવું અને સતત પ્રેક્ષકો કંઈ વાચકો નથી એ તો સિસોટી પણ મારે, બેસાડી પણ દે તમને, એ તાળીઓ પણ પાડે, ઘોંઘાટ પણ કરે. આ નાટકની જે શિસ્ત છે અથવા તો ગ્રેસીસ છે આ બધાને જાણે છે ભરત દવે. અને એટલે આ 24 દૃશ્યોમાં એણે આખી સોક્રેટિસ [નવલકથા] ઉતારી આપી અને કેટલાં બધાં દૃશ્યો એવાં નવલકથામાં જે એમ કહે કે મને નાટકમાં ઢાળો, મને નાટકમાં ઢાળો ભરત દવે એ બધાંને વર્જ્ય ગણે છે અને જેટલાં જરૂરી છે સોક્રેટિસના વ્યક્તિત્વને જે ઉજાગર કરી આપે તેવાં જ દૃશ્યો લઈને એણે આખું આ નાટક કર્યું. એટલે જેમ આપણે સોયમાં દોરો પરોવવો હોય ત્યારે માત્ર છિદ્ર અને એમાં દોરો પરોવાય એટલું જ જોવાનું, આખી સોયને જોવાની નહિ. એના જેવું આ માણસે માત્ર જે દૃશ્યો, જે ઘટનાઓ, જે કેરેક્ટર્સ બહુ અનિવાર્ય હતા સોક્રેટિસને ઉજાગર કરવા માટે, એને લઈને જે એણે આખું નાટક કર્યું. એટલે ઘણીબધી વખત એણે ઉત્તમોત્તમ સંવાદોને જતા કરી દેવા પડ્યા છે. અને આ ઉત્તમ સંવાદોને જતા કર્યા, પાછા કેટલાંક ઉમેર્યા પણ ખરા.
હવે દાખલા તરીકે તમને બીજું પ્રકરણ કહું. બીજા પ્રકરણમાં દર્શક લખે છે, જુઓ આ વાક્ય કાઢવું અઘરું પડે. દર્શકે કેટલું સુંદર લખ્યું છે કે આપણને થાય કે આ વાક્યને કોઈ રીતે સમાવી લઈએ. તો આ વાક્ય જે છે – ‘એટિકાના મેદાન પર સંત્રીની જેમ ઝળૂંબી રહેલા પહાડો પર સૂર્યના કિરણ કેડી પાડતા હતા.’ હવે આ કેવું સુંદર વાક્ય છે, હવે આ વાક્યને કેમ કરીને જતું કરવું. મારું તો હૃદય જ ના ચાલે પણ ભરત દવે ધડાકા કાઢી નાખે છે, આખું વાક્ય કાઢી નાખે છે. અને આથી શરૂ થતો આખો પરિચયને અતિશય કાવ્યાત્મક શૈલીમાં મૂકાયેલો છે. પણ આ વિકટ પ્રતિકતા, આ કાવ્યત્મકતા આ બધાને એ નાટકનો ભોગ લે એની એને ખબર છે એટલે એ બધાને જતું કરીને એણે એક માત્ર નાનકડો અમસ્તો ઉલ્લેખ કરેલો છે કે, દાંડી પિટાય છે, હવે આ દાંડી પિટાય છે તો કેવી પિટાય. તો દાંડી પિટનારની ભાષા દર્શકદાદા નથી લખતા. આ આખો સંવાદ ઉપજાવે છે ભરત દવે અને એ દાંડી કેવી રીતે પિટાય એની વાત.
સાંભળો, સાંભળો, સાંભળો … એથેન્સના દેશદ્રોહી દાયોમિદને સ્પાર્ટા જોડે કાવતરું કરવા માટે પેરિક્લીસ મોતની સજા આપે છે. સાંભળો, સાંભળો, સાંભળો … કારાગારમાં લઈ જતી વખતે આવી દેવી હીરોના મંદિરમાં દાયોમિદ નાસીને ઘૂસી ગયો છે. અને ત્યારે ભરત જે વાક્ય ઉમેરે છે તે :
મંદિર પવિત્ર સ્થાન છે. ત્યાંથી ગુનેગારને બહાર ખેંચી લાવવાનો અધિકાર નથી. આથી પેરિક્લીસનું ફરમાન છે કે દાયોમિદને અંદરને અંદર ભૂખ્યો તરસો મારી નાખવા મંદિરની ચો તરફ દીવાલ ચણી લેવામાં આવે. સાંભળો … સાંભળો … સાંભળો ..
આ આખી નાટ્યત્મકતા થઈ. માત્ર એને તો દાંડી એવું જ લખેલું છે, આનાથી વિશેષ કંઈ લખ્યું નથી. આ આખી ય રૂપાંતર કલાની એક કલામાંથી બીજી કલામાં રૂપાંતર લેવાયેલી ચીવટની વાત થઈ. ભરત દર્શકદાદાથી દૂર પણ નથી જતો, પણ સાથે સાથે દર્શકદાદાના વર્ણનને, ક્યારેક એમના નવલકથામાંના સંવાદને અદલે બદલે પણ છે અને રંગભૂમિ સમ બનાવે છે. આ બીજા પ્રકરણમાંના જ દર્શકદાદાના કેટલાક સંવાદોને ભરતે કઈ રીતે કાપકૂપ કરી નાટ્યાત્મક બનાવ્યા છે તેનું ઉદાહરણ જોઈએ.
‘સોક્રેટિસ પોતાની બે ઈંટો મૂકવા જતો હતો, ત્યારે એક વૃદ્ધા તેને ખસેડી કહે, થોભો, પહેલાં મારો વારો. સલાટો અને સિપાહીઓ તરફ ફરીને કહે મારી ઈંટ પહેલી મૂકજો હું છું દાયોમિદની મા.
પ્રતિમાની નિશ્ચલતાથી મંદિર તરફ જોઈ એ ચાલી નીકળી.
આ સોક્રેટિસ નવલકથામાંના દર્શકના વાક્યો છે. પ્રતિમાની નિશ્ચલતાથી મંદિર તરફ જોઈ દાયોમિદની મા પથ્થર આપી ચાલી નીકળી. શેના માટે ચાલી નીકળી, પોતાના જ દીકરાને ભૂખે મારવા માટે જે દીવાલ ચણાય છે એના માટે ઈંટ આપવા ગયેલી હતી. અગર આ સંવાદ આખો ભરત, સલાટો અને સિપાહીઓને બાકાત કરી નાખે છે. એટલે દાયોમિદના દીકરા ક્રિશ્યસને મૂકીને દાયોમિદની મા દોડતી નીકળી જાય છે, એ ક્રિયાનું સૂચન ભરત ઉમેરે છે. ‘પ્રતિમાની નિશ્ચલતા’ ઇત્યાદિનું વર્ણન એ જતું કરે છે.
આટલું પિંજણ માત્ર ભરત દવેની રંગભૂમિ અંગેની ઊંડી સૂઝબૂઝ પ્રગટ કરવા માટે છે.
પણ ભરતે દર્શકને કોરાણે મૂકીને એક હરફ પણ લખ્યો નથી. દર્શકદાદા ધરાર ખીજવાય એવો કોઈ શાબ્દિક ફેરફાર પણ સંવાદોમાં નથી કર્યો. અને જે રીતે કથાગ્રથન નવલકથાનું દર્શકે કર્યું છે, એ મુજબ જ વસ્તુસ્ફોટ રંગભૂમિ પર ભરત લાવે છે. અને ત્યારે ભરત દવેને જેટલા બિરદાવવાનું મન થાય છે એટલું જ દર્શકદાદાની નાટ્યાત્મક વસ્તુગ્રથન શક્તિને બિરદાવવાનું મન થાય છે. કે ક્યાંથી શરૂઆત કરી એમણે આ નવલકથાની, વિચારો તો ખરા કે દર્શકદાદા આ પ્રસ્તારિત ઘટના તત્ત્વવાળી નવલકથાનો કેવો નાટ્યાત્મક આરંભ કરે છે. જે દૃશ્યો ક્રિશ્યસને નાનપણમાં હચમચાવી દે છે્, એ દૃશ્યને ઘનીભૂત કરી દર્શકદાદા નાટક જેવો ઉપાડ નવલકથાનો કરે છે. આ બહુ મોટી વાત છે કે ક્રિશ્યસ આખા એથેન્સની સામેના વિરોધમાં સ્પાર્ટા સાથે ભળી જાય છે એના બીજના આરોપણ આ દૃશ્યથી થાય છે્, આ ક્રિયાથી થાય છે. કે એના પિતાને ભૂખે મારી નાખવામાં આવે, ઈંટો લાવવાનું પેરિક્લીસે કહેલું અને દાયોમિદ તો સ્પાર્ટા તરફનો હતો નહિ. છતાં એના પર એવો આરોપ આવ્યો. તો પિતાને કારણ વગર એથેન્સનો દ્રોહી ઠરાવી ને સ્પાર્ટાનો સાગરિત ગણાવવામાં આવે છે અને એની કેડી બનાવવામાં આવે છે. કારાગૃહમાં જતાં જતાં ક્રિશ્યસના પિતા પેસી જાય છે ત્યારે તેને ભૂખ્યો તરસો મારી નાખવાનો દંડ જાહેર થાય છે. આ ચૂકાદો લોકશાહીપૂર્ણ લેખવામાં આવે છે એથી ક્રિશ્યસના મનમાં એથેન્સ અને આ દંડ આપનાર પેરિક્લીસ ,બેય તરફ વેરભાવનાં બીજ વવાય છે. એથેન્સની કહેવાતી લોકશાહી પરનો હિંસક ન્યાય ક્રિશ્યસને એથેન્સ દ્રોહી બનાવવા ખપ લાગે છે. નવલકથાનો આવો નાટક જેવો ઉપાડ પરિત્રાણના લેખકને શોભે એવો છે.
આપણે જાણીએ છીએ કે સોક્રેટિસની ફિલસૂફીથી પ્રભાવિત પણ સોક્રેટિસની સાધન શુદ્ધિને તુચ્છ લેખતો ક્રિશ્યસ સોક્રેટિસને મૃત્યુદંડની સજા થાય તેવું વર્તે છે. સાધન શુદ્ધિ ક્રિશ્યસ રાખતો નથી એ સાધ્ય શુદ્ધિને જ માને છે. અને આ સાધન અને સાધ્ય આ બન્ને જો શુદ્ધ ના હોય તો શું દશા થાય એનું અહીં સરસ ચિત્રણ આપ્યું છે અને ભયાનક છે. સોક્રેટિસને મૃત્યુદંડની સજા થાય છે ત્યારે સ્પાર્ટાના અધિપતિ એજીસને લઈને સોક્રેટિસને કારાગારમાંથી મુક્તિ અપાવવા ક્રિશ્યસ આવે છે અને પકડાય છે અને ત્યારે એ કહે છે આ દર્શકદાદાના શબ્દો છે, ‘મને એનું દુ:ખ છે કે મારા કૃત્યોને લીધે સોક્રેટિસને લોકમત સમજી નથી શક્યો.’ અને ઉમેરે છે, ‘હું ગુનેગાર છું, એનેટસ ગુનેગાર છે, પણ સોક્રેટિસ નિર્દોષ છે. એમને મૃત્યુદંડ આપી તમે હજાર વર્ષ સુધી માનવ ઇતિહાસના ગુનેગાર ઠરશો.’
હવે આપણે આ નાટકના કથાનક વિશે થોડી વાત કરીએ. સ્પાર્ટા અને એથેન્સ અલગ અલગ વિવરણોવાળા બે નગર રાજ્યો છે. સ્પાર્ટા શારીરિક બળનો મહિમા કરે છે. જ્યારે એથેન્સ ઇસ્થેટિકનો એક્સ્પીરિયન્સ કરાવડાવે છે. સ્પાર્ટામાં કુલીનશાહી છે અને એથેન્સમાં લોકશાહી છે પણ એક ક્ષણ એવી આવે છે જ્યારે ક્રિશ્યસ જેવા સોક્રેટિસના આદરણીય શિષ્યને એમ લાગે છે કે સ્પાર્ટાની કુલીનશાહી એથેન્સની સ્વાર્થી, અહિંસક રીતે હિંસક લોકશાહી કરતાં વધારે સારી છે. અને આ સંઘર્ષ બિંદુની આસપાસ આખું કથાનક એકાદિક પાત્ર-પ્રસંગોને લઈને રચાય છે. એક તરફ સોક્રેટિસ, ક્રિશ્યસ, એપોલોડોરસ, મીડિયા, ક્રિટો, ઝેન્થેપી, એસ્પેિશયા અને પેરિક્લીસ છે. તો સામે મેનો, એનેટસ, મેલેટસ આસપાસ કથા રસપ્રદ બને છે.
વિષ્ણુભાઈ ત્રિવેદી કહે છે કે, આ નવલકથામાં વૈચારિક સંઘર્ષના ત્રણ કેન્દ્રો છે. એક એથેન્સનો મહિમા, બે પ્રજાતંત્ર અને ત્રીજું સત્ય ધર્મનો આદર. મને એવું લાગે છે કે ઇંદિરા ગાંધીના કારણે તેમણે કટોકટી જાહેર કરી ત્યારે લોકશાહીના જે લીરેલીરા ઊડી ગયેલા અને ઉમાશંકરે એમ કહેલું કે આખો હિમાલય કાળો થઈ ગયો. આ જાહેરાતથી આખો હિમાલય કાળો થઈ ગયો. દર્શકદાદાને આ પરિસ્થિતિએ સોક્રેટિસ લખવા પ્રેર્યો. આજના સમયમાં સોક્રેટિસ હોય તો શું થાય. એની વાત માટે આ આખી ય સોક્રેટિસ નવલકથા લખાઈ. જુઓ બહુ મજા પડે તેવી વાત એ હોય છે કે રોટલી ખાતાં હોઈએ ત્યારે ખાતરની વાસ ના આવવી જોઈએ. એટલે સીધેસીધી કટોકટીની વાત આ માણસ આમાં નથી કરતો. એ ઇતિહાસમાં જાય છે પાછળ અને કહે છે કે આ જે કટોકટી દાખલ થઈ એ કોઈ રીતે લોકશાહી સાથે ના જાય તે પ્રકારની છે. અને એટલે એ પાછું વળીને સોક્રેટિસને આજના સમયમાં લઈ આવે છે અને હરતો ફરતો કરે છે. અને આજના સમયમાં હરતો ફરતો થાય છે. નવલકથામાં પણ નાટ્યાંતર તો ઘણાં બધા વખત પહેલાં થયેલું પણ રાજુ બારોટે આ નાટક ભજવ્યું ક્યારે. આજે જે પ્રકારે ભારતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સોક્રેટિસને ફરી પાછો જીવતો કરવો પડે એ નક્કી વાત છે. એટલે આજે જે પ્રકારે આપણે ભારતમાં ગુંગળાઈ રહ્યા છીએ, જીવી રહ્યા છીએ આ બધાને લઈને રાજુ બારોટ ભરત દવેની આ સ્ક્રિપ્ટને આજે પસંદ કરે છે. પણ વધારે દુ:ખદ વાત તો એ છે કે આ સરકારી પૈસે જ સંગીત નાટ્ય કલા અકાદમીના નેજા હેઠળ જ આ નાટક ભજવાય છે. એટલે કેવું અંધેર રાજ ચાલે છે એની તમને વધારે પ્રતીતિ થશે. છેલ્લે મને કેટલીક મજા પડે તેવી ઉક્તિઓ લાગેલી છે તેમાંથી એકાદ બે હું તમારી પાસે વાંચી સંભળાવું.
દર્શકદાદા વકીલ પણ થયા હોત તો ય ચાલે તેવું હતું. મેનોન જે ગુલામ છે જેણે પેરીક્યુલસની પત્ની ઉપર એવો આરોપ મૂક્યો છે એણે આ બધી, હતી આમ્રપાલી જેવી નગરવધુ હતી. એની સાથે પેરીક્યુલસ પરણ્યો છે અને મેનો કહે છે કે આખાય તે નગરની સ્ત્રીઓને આ બગાડી રહી છે. અને એ વખતે પેરીક્યુલસ પણ આ સ્ત્રીઓ સાથે ખરાબ સંબંધ રાખે છે. આ કેમ એણે કહ્યું તો કહે પગાર નહોતો આપ્યો એના માટે. અને એના કારણે આ જે એપોલોડોરસ છે એ મેનોને જરા કઈ રીતે ભરમાવે છે તેનું નાટક એણે શરૂ કર્યું.
મેનો તમે તો ડાહ્યા માણસ છો. આમાં એવું પણ બને કે તમે જે જોયું તેથી જાણ્યું તેની જાણ એસ્થેશિયાને હોય જ નહીં.
ન પણ હોય. સ્ત્રીઓના મનની વાત કોણ જાણી શક્યું છે.
તો પછી એસ્પેિશયાની જાણ બહાર આવું ચાલી શકે ને.
બાઈ સાહેબ એમ તો ચતુર છે. એમની નજર બહાર આવું ચાલવું મુશ્કેલ તો ખરું.
તમે એવા કિસ્સા જાણો છો કે પત્નીની નજર બહાર કશુંક ચાલતું હોય.
અમારા ત્યાં તો આવું બધું બહુ ચાલે. ઘેર ઘેર માટીના ચૂલા સાહેબ.
હમણાં કહેવાયું છે કે નોકરોમાં આ વાત ચર્ચાતી.
અરે મોટા ઘરોમાં નોકરો ઘણું કામ કરતા ને ખાતા-પીતાં આવી જ વાત કરતાં હોય છે સાહેબ.
એપોલોડોરસ કહે છે તમે હમણાં કહ્યું કે પેરિક્લીસ નગરની સ્ત્રીઓ સાથે અણછાજતાં વર્તાવ કરતાં એવું તમે દારૂ આપવા જતાં ત્યારે જોયેલું ને. તમને એવું પૂછું કે આવી મહેફિલમાં તમે દારૂ પીતાં ખરાં. મેનોન પૂછે છે.
ચોરીછૂપીથી બધું ય ચાલે સાહેબ. મોટાં ઘરોમાં કામ કરવાનો એ તો ફાયદો હોય છે સાહેબ. આમ ફસાવે છે મેનોનને. અને આ દર્શકદાદાને સૂઝે એ પ્રકારનું આખું છે.
એ જ રીતે સોક્રેટિસ ઉપર કેસ છે અને આ કેસ ચાલે છે ત્યારે ન્યાયાધીશ એનેટસને પૂછે છે,
‘એનેટસ તમારે શું કહેવું છે.’
‘નામદાર, મારે તો સૌ પહેલાં સોક્રેટિસની આ વાત છે તેમાં કોઈ ના ફસાય તેમ કહેવું છે.’ તેને સારા ને ખરાબ અને ખરાબ ને સારું સાબિત કરતાં આવડે જ છે.’
એટલે તમે એમ કહેવા માંગો છો કે આખું નગર નીરોગી છે અને હું જ એને બગાડું છું.
હા મારે એ જ કહેવાનું છે.
આ યુવાનોને સુધારે છે કોણ.
કાયદા.
કાયદાનો કયો માણસ.
કાયદો ઘડવાવાળા સૌ.
મારા સિવાય બધા જ યુવાનો ને સુધારે છે અને હું એમને બગાડું છું એમ ને.
એમ જ.
એમ ન હોત તો બીજા બધા પર પણ એવો આરોપ મૂક્યો હોત.
ભાઈ એનેટસ, તમે સોક્રેટિસ માટેનું કથન મને લગાડો છો. હું તો તેમના વિચારનો વર્ષોથી પ્રતિવાદ કરું છું. કોઈ ન છેતરાય, કોઈ ના દોરવાઈ જાય તેમ કહું છું ચાલીસ વર્ષથી.
હશે, પણ સભાસદો સમાજ કે રાજ્ય તો જ ટકી શકે કે મૂળ પાયાની માન્યતા વિશે બધા એકમત હોય. કોઈ આ માન્યતાને ઉખેડી નાખે તો કોઈ ધારાધોરણ રહે નહિ અને એટલે સોક્રેટિસને દંડ થવો જોઈએ.
અંતે સોક્રેટિસના ઉપર ખટલો ચાલે છે, ન્યાયાધીશ છેલ્લે પૂછે છે એને કે સોક્રેટિસ દોષી છે કે નહિ, સૌ પોત પોતાનો મત આપે છે. ત્રીસથી વધુ મત સોક્રેટિસ ગુનેગાર છે એમ આવે છે.
સોક્રેટિસ તમે પોતાને ડાહ્યા ગણો છો અને લાગો છો પણ હું આરોપ મૂકનારે સૂચવેલી સજા જાહેર કરું એ પહેલાં ફરી એકવાર તમને ચેતવું કે તમે તમારો ગુનો કબૂલ કરો છો.
ત્યારે સોક્રેટિસ કહે છે, ના હું ગુનેગાર છું જ નહિ.
એટલે કહે છે કે તમે ફરી એકવાર વિચાર કરી જુઓ. તમે કહેશો તમે અમે તમને છોડી દઈશું.
ત્યારે સોક્રેટિસ કહે છે, સદગૃહસ્થો, મારું મોં બંધ કરી દેવાની શરત સાથે મને છોડી મૂકવા તૈયાર થયા છો એ માટે આભારી છું. પણ અત્યંત દિલગીર છું, કે તમારી આ દરખાસ્ત હું સ્વીકારી શકતો નથી. આપનો વફાદાર સેવક છું. પણ તમારા કરતાં ભગવાન પ્રત્યેની મારી વફાદારી મોટી છે. મને …. ના દેવતાઓએ ડાહપણ ખોવાનું અને બીજાઓને તે ખોતાં શીખવવાનું સોંપ્યું છે એ દેવતાની આજ્ઞાને હું ના માનું તો એનેટસના આક્ષેપો સાચા ઠરે કે હું નાસ્તિક છું. એટલે મારામાં શ્વાસ છે ત્યાં હું ડહાપણની શોધ કરતાં અટકાઈશ નહીં.
છેલ્લે સ્પાર્ટાના એજીસ, ક્રિટો, ક્રિશ્યસ આવે છે જેલમાંથી છોડાવવા માટે. આજે પણ જેલમાંથી છૂટી જવાય છે. સાબરમતીમાં સુરંગો મોટી થયેલ છે તેમ તમે જાણો છો. એમ એ સમયમાં પણ એમ જ હતું. બધે રાજકાજ તો એક જ છે. એટલે એજીસ, ક્રિશ્યસ અને ક્રિટો એ બધા જે જેલના કર્મચારીઓ છે તેમને ફોડી નાખ્યા છે અને આવીને સોક્રેટિસને કહે છે કે ચલો તમે અમારી જોડે તમને સ્પાર્ટા લઈ જઈએ.
ત્યારે સોક્રેટિસ કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. પણ પછી મારામાં અને ક્રિશ્યસમાં ફેર શું. રાત અને દિવસ જેટલો, તમને અન્યાય થયો છે ક્રિશ્યસે અન્યાય કર્યો હતો, ક્રિશ્યસ પોતે કહે છે. ક્રિશ્યસના પિતાને જે સજા થઈ તે પણ ક્રિશ્યસને તો અન્યાય ભરી જ લાગી હતી. એટલે જે એણે પોતાના નગરને અન્યાય કર્યો. હું જો સ્પાર્ટા આવું તો લોકો સાચા ઠરે. ક્રિશ્યસના કુટુંબ માટે હું જવાબદાર હતો. તેને અન્યાય લાગ્યો એટલે તે સ્પાર્ટા નાસી ગયો. મને અન્યાય લાગ્યો એટલે હું પણ સ્પાર્ટા નાસું. જેવો શિષ્ય તેવો ગુરુ એમ થાત. પણ તમે મિત્રોની લાગણીનો તો વિચાર કરો, એજીસ કહે છે સ્પાર્ટાનો અધિપતિ. એજીસને પૂછે છે સોક્રેટિસ,
‘આભાર તમારા સૌની લાગણીનો પણ એજીસ, મને એટલું કહો કે, તમે માનો છોને કે માણસોએ સ્વેચ્છાથી કરેલા કરાર પાળવા જોઈએ.’
માનું છું.
તો આ નગરના કાયદાઓ પાળવાનું મેં સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. કાયદા મને પસંદ ન હોત તો આ નગર હું અગાઉ છોડી શક્યો હોત. હું તો અહીં ખાસ્સા સિત્તેર વર્ષથી રહ્યો છું. અહીંના કાયદા નીચે સુખસલામતી માણ્યા છે. અને એ જ કાયદા જ્યારે મને સજા આપે ત્યારે હું નાસી જાઉં.’
પણ તેમણે તમારી સાથે ખોટું કર્યું છે ક્રિટો કહે છે.
કદાચ, પણ તેમણે સાચી રીતે ખોટું કર્યું છે. આ દર્શક સિવાય કોઈ લખી ના શકે. મને એનો વિરોધ છે માટે તો હું અહીં છું. તેમને સમજાશે કે તેમણે સાચી રીતે પણ ખોટું કર્યું છે. કાયદામાંથી છટકીને કાયદાને દગો દઈને હું એથેન્સ ન બચાવી શકું. કાયદા તોડીને છટકી જનારા જ એથેન્સનો નાશ કરે છે.
તમે સાચા અમે ખોટા બસ, પણ ભગવાનને ખાતર અમારી વાત સ્વીકારો અને અહીંથી નીકળી જાવ. સ્પાર્ટા તમને સાચવશે.
એવું ના બોલો એજીસ, તમને કેમ સમજાવું કે આ નગરનો કાયદો ભાંગી તમારા ત્યાં સ્પાર્ટા આવું તો પછી ત્યાંના કાયદાઓને પણ દગો નહિ દઉં તેની લોકોને ખાતરી કેવી રીતે પડશે. અને એજીસ, એથેન્સ જેવું એથેન્સ જો મારી સત્ય શોધવાની રીત ન પચાવી શક્યું તો કયું નગર એ પચાવી શકશે. આ સોક્રેટિસ કહે છે.
અને એજીસ કહે છે કે સાચી વાત છે તમારી.
અને સોક્રેટિસ કહે છે મને મારા રસ્તે જવા દો મને તો કાનમાં દેવોની વાંસળી સંભળાઈ રહી છે. અને આમ આ નાટક પૂરું થાય છે.
Thank you very much.
છેલ્લે એક વાત કરી લઉં. આના આધારે મેં લખેલું સોક્રેટિસ નાટક અને એમાં પ્લેટો આવે છે અને જુએ છે કે સોક્રેટિસ જેલમાં કંઈક કામ કરે છે, દંડ થઈ ગયો છે મૃત્યુદંડ. તો કહે છે કે શું કરી રહ્યા છો તમે. તો કહે છે કે હું અનુવાદ કરી રહ્યો છું. શેનો અનુવાદ કરી રહ્યા છો. તો કહે કે ઈસપની નીતિકથાઓનું હું અનુવાદ કરી રહ્યો છું. કે શેના માટે તો કહે ગ્રીસ માટે, એથેન્સ માટે. જે એથેન્સે તમને મૃત્યુદંડ આપ્યો એના માટે તમારે શું કામ આ કરો છો. સોક્રેટિસ કહે છે કે, એમણે એમનું કામ સંભાળ્યું, મારો એથેન્સ તરફનો પ્રેમ એમનો એમ છે. આ મૃત્યુદંડથી મારો પ્રેમ ઓછો નહી થાય. અને એ જે ગીત કરે છે, સોક્રેટિસ પદ્યાનુવાદ કરે છે.
ઊંચે ઊડે, નીચે જુએ ઝાપટ મારી ઝૂંટવે,
એવી સમડી ઘરડે ઘડપણ માંદી થઈને રૂવે.
માંદી સમડી માને કહેતી સાંભળ તું એ માતા,
દેવ રીઝવ તું મારા માટે, થાય મને તે શાતા.
દેવ મને સાજી કરશે તો રાજી રાજી થઈશ,
ફરી આભમાં ઊંચે ઊંચે હું પણ ઊડતી રહીશ.
પણ આ તો ઈસપની નીતિકથાની કવિતા કરી રહ્યા છો. કથાની કવિતા કરો છો.
શાણી માતા કહેતી બેટા, યાદ નથી એ પાપ,
દેવોના નૈવેધ સદા તે ઝૂંટવ્યા મારી તરાપ.
હવે થઈ છે ઘરડી, એથી ઊડી નથી તું શકતી,
નથી રહી શક્તિ એ ટાણે, દેવની ભક્તિ કરતી.
હોય બાવડે શક્તિ ત્યારે, ભક્તિ જેને સૂઝે,
ભક્ત ગણે છે માત્ર એમને, દેવ વધું એ બુઝે.
પ્લેટો કહે છે કે દેવ ક્યાં બધું બુઝે નહીં તો તમારે આવું હોય. બધું એટલે કેવું. સામે મૃત્યુ છે ને તમે હસો છો. મૃત્યુ માત્ર મારી જ સામે છે પ્લેટો. તું અમરપટો લખાઈને આવ્યો છું. અરે દોસ્ત, જન્મે એને મૃત્યુ તો હોય જ. તારે છે એમ મૃત્યુ મારે પણ છે. આમ આ નાટક મેં રેડિયો માટે કરેલું એક કલાકનું અને દેશની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ થઈને ભજવાયા ને પ્રસ્તુત થયા.
વિપુલભાઈ, thank you very much. મજા પડી તમારા સૌ સાથે સંવાદ કરવાની. મને એમ હતું કે હું આટલી તૈયારી કરીને જઉં છું પણ સાંભળશે કોણ મને. કારણકે અહીંયા તો અંગ્રેજી બોલાતું હોય. એટલે તમે લોકોએ મને શાંતિથી સાંભળ્યો મને બહુ જ આનંદ થયો. અને અનિલ અને આશાબહેન બન્ને પણ બહુ સરસ કામ કરીને લઈ આવ્યા. અને એણે જે કહ્યું કે 120 જે રીતે જાય છે ઝેર તો પીધાં જાણી જાણી, ઉત્તમ નવલકથા થવાની હતી. મેં એને કહ્યું કે સરસ્વતીચંદ્રનો પહેલા પછી બીજો ભાગ જો ગોવર્ધનરામે ના લખ્યો હોત અને એવા જ પ્રકારે સરસ્વતીચંદ્ર નવલકથા લખી હોત તો આજે સરસ્વતીચંદ્રની વાતો ના થતી હોત. એટલે એ જે છે ગોવર્ધનરામના ચિત્તમાં જે છે એ વાત જેમ ગોવર્ધનરામમાં હતી તેમ દર્શકમાં પણ છે. એના જે ચિત્તમાં છે, નવલકથા તો એના માટે સાધન છે એ સાધ્ય નથી. અને સાધ્ય નહીં હોવાના કારણે ઘણી વાર આવું બધું બનવાનું. પણ આપણે તો સાધન શુદ્ધિ અને સાધ્ય શુદ્ધિ બન્ને જોઈતી હોય ત્યારે જરાક અઘરી વાત તો થવાની. પણ દર્શકદાદાને એની કોઈ ચિંતા નહોતી. કોઈ વાત ફિકર નહોતી એટલી વાત નક્કી. Thank you very much.
[ગુજરાતી સાહિત્ય અકાદમી’ની, ‘મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર’ ખાતે મળેલી, નવમી ભાષા-સાહિત્ય પરિષદની બીજી બેઠકના (વિષય : “‘દર્શક’નું સાહિત્યવિશ્વ”) ત્રીઝા વક્તા તરીકે આપેલું વક્તવ્ય. રવિવાર, 30 ઑગસ્ટ 2015]
મુદ્રાંકન સહયોગ : આર્નિયૉન ટેકનોલોજીસ, અમદાવાદ – 380 009
૬. ચોથી બેઠક
વીડિયો
૭. સમાપન
વીડિયો
છબિ ઝલક:
ફોટો – વીડિયો: શરદભાઈ રાવલ, પંચમભાઈ શુક્લ, નીરજભાઈ શાહ