મુકતક / અદમ ટંકારવી
રણમાં ફૂટી છે એક સરવાણી
નામ છે, ગુર્જરી વાણી રાણી
પૂછે સરનામું કો’ યુ. કે.માં તો,
ક્હેજો : કેર ઓફ વિપુલ કલ્યાણી
* * *
યુનાઈટેડ કિંગડમમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જ્યોતિર્ધર વિપુલ કલ્યાણીના સન્માન સમારોહ, પુસ્તક લોકાર્પણ અને મુશાયરા નિમિત્તે
– પંચમ શુક્લ
આમંત્રિત મહાનુભાવો અને સુજ્ઞ શ્રોતાઓ,
સુરેશ દલાલ કહે છે કે : જે પ્રજા જાણવા જેવા માણસોને પામે નહીં એ પ્રજા છેવટે તો સત્ત્વહીન થઈ જાય છે. લેસ્ટરના લિટરરી ગ્રુપના આયોજકો અને અદમ સાહેબ, તમે વિપુલભાઈને જાણવા, પામવાના આ ઉપક્રમે મને બે શબ્દો કહેવાની તક આપી એ માટે તમારો આભાર.

પંચમ શુક્લ
સમયની પાળ બંધાયેલી છે ત્યારે વિપુલભાઈના વ્યક્તિચિત્ર અને પ્રદાનની વાત રસપ્રદ રીતે માંડવા માટે મારે એમના ઘનિષ્ઠ મિત્ર દિવંગત જયંત પંડ્યાના શબ્દલોકનું આહ્વાન કરવું પડશે. જયંત પંડયા એમના પુસ્તક – “સ્મરણો દરિયાપારના”માં ટૂંકા ટૂંકા વાક્યો અને શબ્દ લસરકાઓ દ્વારા યુવાન વિપુલભાઈને આપણી સામે તાદૃશ કરતા લખે છે : વીસેક વર્ષ થયાં હશે એ વાતને જ્યારે વિપુલ ક્લ્યાણીનો પ્રથમ પરિચય થયેલો. ટટ્ટાર શરીર, તામ્રવર્ણના ગોખલામાં બે ચમકતી આંખો, માથે શાહુડીનાં પીંછા જેવા વાળ, દાઢી તેમ જ માથાના વાળ સમાન શીલનાં. ખાદીના સફેદ લેંઘા ઉપર સફેદ અથવા તો આછા રંગનું પહેરણ. પહેરણની ચોકી કરતી બંડી, પગમાં ગ્રામોદ્યોગનાં ચંપલ અથવા સેન્ડલ, ખભે અધમણ વજનનો થેલો કર્ણના કવચ-કુંડલની જેમ વળગેલો! થેલો ભૂલેચૂકે રહી જાય તો એમનું કૌવત હરાઈ જાય! મળે ત્યારે એમનું ખુશહાલ વ્યક્તિત્વ ઊભરાઈને સામાને માથાબોળ તરબોળ કરી નાખે. ખિસ્સામાં વિશેષણોનું પરચૂરણ ભરપૂર માત્રામાં. કોઈ સખી ગૃહસ્થની જેમ એ એને છૂટથી વાપરતા જાય. મનોવૃત્તિ ઝુઝારું અને જોસ્સો નર્મદનો. એમનું હાસ્ય પણ મોકળું અને ચેપી. આ મૂડી ઉપર એમનો કારોબાર રવાલ ચાલ ચાલે. ચં.ચી.ની જેમ કલ્યાણી પણ અલકમલકની ચીજ! (પ્રોજેક્ટર હોત તો આ ઘડીએ નિર્મિશ ઠાકરે દોરેલું વિપુલભાઈનું વ્યંગચિત્ર દેખાડ્યું હોત).

નિર્મિશ ઠાકરે દોરેલું વિપુલભાઈનું વ્યંગચિત્ર
ભાષા-સાહિત્યના જ્યોતિર્ધર વિપુલ કલ્યાણી વિષે જયંતભાઈને જ થોડા શબ્દફેરે ટાંકીને કહું તો : કોઈક તપેશરીની જેમ લગભગ એક અડધી સદીથી એ ‘ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ યુ.કે.’નું સંગોપન અને સંવર્ધન કરતાં રહે છે – વન મેન મિશનની જેમ. એવી જ એકોપાસના ‘ઓપિનિયન’ સામયિક પાછળ. ગાંઠનું ગોપીચંદન ઘસતા જાય અને બન્નેના (વિપુલભાઈ અને કુંજબહેનના) લલાટ ભક્તિથી શણગારતા જાય. લિટરરી એકેડેમી અને ‘ઓપિનિયન’ એ છે એમની જીવનવાડીનાં વૃક્ષો. ‘કુમારસંભવ’માં પાર્વતી જે આરતથી દેવદાર વૃક્ષને ઉછેરે છે, કે ‘મેઘદૂત’માં વિરહિણી યક્ષનારી નાનકડા મંદાર વૃક્ષને ઉછેરે છે એ જ રીતે એમણે એમની વાડીનાં આ બે વૃક્ષો ઉછેર્યાં છે.
જયંતભાઈ સિવાય બીજા ઘણા લેખકોએ ગુજરાતી ડાયાસ્પોરા, ભાષાશિક્ષણ, સાહિત્ય, જાગતિક સમસ્યાઓ સંદર્ભે વિપુલભાઈ વિષે લખ્યું છે; ઈન્ટરવ્યૂ કર્યા છે. જેમાં દીપક બારડોલીકર તેમ જ આરાધના ભટ્ટ સાથેના સંવાદો ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ (www.glauk.org) ઉપરથી મેળવી શકાય છે. વિપુલભાઈ તેમ જ કુંજબહેન સાથે દૃષ્ટિબહેન પટેલના સંવાદની ભાળ યૂટ્યૂબ પર ખાંખાખોળા કરીને મેળવી શકાય. દીપક બારડોલીકરના મતે બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર વિપુલભાઈ સતત કાર્યશીલ રહ્યા છે. તેમણે સાહિત્યની મહેફિલો કે માત્ર મુશાયરા નથી યોજ્યાં. બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે ને પાઠ્યપુસ્તકો તૈયાર કરવા – કરાવવા તથા શિક્ષકો પેદા કરવા જેવાં નક્કર કાર્યો પણ કર્યાં છે. ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. ‘દીપક’ એમની કૃતિ “ગુર્જરીનું છાપરું”માં વિપુલભાઈના મિજાજને સુપરે ઝીલી કહે છે :
કેવો માણસ છે, શું કહું, લોકો
ગુર્જરીનું છે છાપરું લોકો
…
એના અરમાન સહુ ફળો ‘દીપક’
એના યત્નોને યશ મળો ‘દીપક’
તો ત્રણ દેશો(ભારત, ટાન્ઝાનિયા અને બ્રિટન)ના અનુભવો ધરાવનાર વિપુલભાઈને આરાધના બહેન વૈશ્વીક સ્તરે ડાયસ્પોરા સાહિત્યિક પ્રવૃત્તિના પર્યાય તરીકે ઓળખાવે છે. બળવંત જાનીએ વિપુલભાઈના ચૂંટેલા લેખો લઈને ડાયસ્પોરા નિબંધોનો સંગ્રહ પ્રગટ કર્યો છે, પરંતુ એમના અનેક લેખો હજી વ્યવસ્થિત રીતે સંગ્રહિત થવાના બાકી છે. આશા રખીએ એ કેતન રૂપેરા જેવા સંપાદકની લગન અને સૂઝબૂઝના સહારે આપણને વિપુલભાઈનો અપ્રગટ અક્ષરલોક જલદીથી સુલભ થાય.
મારી દૃષ્ટિએ, ‘શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુજરાતી સન્માન’થી સુશોભિત એવા ગુજરાતી ડાયાસ્પોરાના આ મૂઠી ઊંચેરા માનવીનું પ્રદાન બહુઆયામી છે. છેલ્લાં વીસેક વર્ષના મારા પરિચયમાં વિપુલભાઈને મેં જુદા જુદા કિરદારમાં, કિરદારને અનુરૂપ ઓતપ્રોત થઈને જુદી જુદી ભૂમિકાઓ ભજવતા જોયા છે. વિપુલભાઈ એટલે યુનાઈટેડ કિંગ્ડમસ્થિત લગભગ 50 વર્ષ જૂની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સ્થાપક સભ્ય અને છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રમુખ, 1995થી એક અવ્વલ વિચારપત્ર ‘ઓપિનિયન’ના તંત્રી, આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખનાર સજગ પત્રકાર અને લેખક, ગાંધીવિચારને સ્વકીય સમજથી અમલમાં મૂકી જીવનાર કર્મશીલ, જાહેરજીવનના આગેવાન, અને એકસાથે જુદીજુદી જનરેશની વ્યક્તિઓ સાથે લોકશાહી ઢબે સંવાદ રચી શકે એવી વિલક્ષણ પ્રતિભા. વિપુલભાઈના આવા દરેક પાસા પર સ્વતંત્ર બેઠકો ગોઠવી, અધિકારી વ્યક્તિઓ પાસેથી આપણે ઘણું જાણી શકીએ.
પણ અબીહાલ તો સમાપનમાં જયંતભાઈના લેખનો અંત ટાંકું છું. જયંતભાઈ લખે છે : વિપુલ કલ્યાણીના સહયારી-ભાવ વિના ઇંગ્લેન્ડની કલ્પના કરવી મુશ્કેલ છે. એ ઇંગ્લેન્ડે મને નવું જીવન આપ્યું. અનેક કુટુંબોના સ્નેહભાવની સંપદા આપી. એનું નીલ આકાશ, નાચતાં ઝરણાં, તોતિંગ વૃક્ષો, લીલીછમ્મ ધરા, રૂપાળાં ગામડાં અને વિશાળ રાજમાર્ગો, લેઈક ડિસ્ટ્રિક્ટ અને સ્ટ્રેટફર્ડ અપોન એવન મારા નવા જીવનનાં ઘટક તત્ત્વો છે. લેખની પરાકાષ્ઠાએ જયંતભાઈ, લાભશંકર ઠાકરની કાવ્યપંક્તિઓ ટાંકી પ્રકૃત્તિની અવિરત કલબલની વચ્ચે વિપુલભાઈને મધ્યયુગના નાઈટ-એરન્ટ સમા ઉભેલા કલ્પે છે. તેઓ લખે છે: રાણી નાઈટહુડ આપે કે ન આપે, પણ વાણીએ તો આપી જ દીધું છે, સર વિપુલ કલ્યાણી!
* * *
વિપુલવિશેષ
– અનિલ વ્યાસ

અનિલ વ્યાસ
મને આજે વિપુલભાઈ વિશે વાત કરવાની તક આપવા બદલ ‘ગુજરાતી લિટરરી ગ્રુપ’નો હ્રદયપૂર્વક આભારી છું.
વિપુલ કલ્યાણી અંગે વાત કહેવા જાંઉ કે મને પ્રેમાનંદ જીભે ચઢે.
‘પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે …..’ એમ સુદામા ચરિતની યાદ આવે. પછી એક કડવું આંખ સામે ઊભરે …. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે;
“તમ પાસે અમે વિધા શીખતા તને સાંભરે રે?”
સુદામા જવાબ વાળે, “હું મોટો કીધો મહારાજ મને કેમ વીસરે રે.”
આજે આ મોકે તમ સહુએ મને મોટો કીધો છે.
એ જ રીતે વિપુલભાઈએ મને વાર્તા સંદર્ભે મને મોટો કીધો છે. એટલે આ એક અસાધારણ વ્યક્તિત્વના સન્માન અર્થે આપણે મળીએ છીએ. આપણે છીએ એનો અદકેરો હરખ છે.
વિપુલ કલ્યાણી …..જેમનું કાર્ય શબ્દોથી વધુ બોલે છે, જેમનું અડગપણું મર્યાદાઓને ઓળખતું નથી, અને જેની અવિરત પ્રતિબદ્ધતાએ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે.ની અભિવ્યક્તિને એક આગવું સ્વરૂપ આપ્યું છે.
એમના ગુણ દોષ વિષે વિચારું છું ત્યારે એમની એક રીતિ કે; કોઈ સ્નેહી, જૂના મિત્ર, સાહિત્ય સંદર્ભે જાણીતા કે ભારતથી પધારેલા અથવા બીમાર મિત્રો … આ સહુ સાથે મુલાકાત માટે લાંબા અંતર કે સમયની પરવા કર્યા વગર અંત;પૂર્વક મળવા જવાની ક્ષમતા અને નિશ્ચયાત્મકતા .. એમને પોતાને આરોગ્યના અનેક પડકારો હોવા છતાં, એમણે કાયમ આ મુલાકાતોને પ્રાથમિકતા આપી છે. સહુ માટે એમના હ્રદયમાં જે સમભાવ અને પ્રશંસનીય કરુણા છે એ મને અને સહુને મૈત્રી અને નિષ્ઠાની સાચી મહત્તા શીખવે છે.
બીજો ગુણ કે લાક્ષણિકતા ……. અન્યાય પ્રત્યે તેમની અસહિષ્ણુતા! એમના અનોખા વ્યક્તિત્વને આ વૈશિષ્ઠય વધુ ઊંડાણ આપે છે. વિપુલ કલ્યાણી દૂષણ સામે મૌન રહેવાનું સ્વીકારતા નથી, તેઓ સ્પષ્ટતા અને દૃઢ વિશ્વાસ સાથે પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કરે છે. એ માને છે, ‘સાચું સાહસ તે છે જે આપણને ન્યાય અને નૈતિકતાનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે.’
ત્રીજો ગુણ ….. સત્ય અને ગાંધી મૂલ્યોને વણી સ્વીકારેલા સિદ્ધાંતોને આગળ વધારવા હંમેશાં અગ્રેસર.
તેઓ એક દૃષ્ટિવાન મોભી છે; કારણ એ અન્ય લોકોની શક્તિઓને પારખે છે, તેમની ક્ષમતાને ઓળખી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના કાર્ય માટે તેમની પ્રતિભાનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. આ માટે એ વિપુલભાઈ મહેનતપૂર્વક કરવા યોગ્ય કામો શોધી, સૂચવી પ્રેરણા આપી, તેમની આસપાસના લોકોને શક્તિશાળી બનાવે છે અને સફળતા તરફ દોરે છે.
‘ગુજરાતી સાહિત્ય અકાદમી, યૂ.કે.’ના કાર્ય માટે તેમનો ત્યાગ માપી શકાય તેમ નથી. તેમણે આ સંસ્થાને પોતાનાં કિંમતી વર્ષો આપ્યાં છે, વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ એક ઊંડી ફરજ અને સંલગ્નતાની ભાવનાથી.
તેમનો નિ:સ્વાર્થ ભાવ મને યાદ અપાવે છે કે સાચી નેતાગીરી એ પુરસ્કાર શોધવા માટે નહીં, પરંતુ એક મહાન હેતુ માટે સંપૂર્ણપણે સમર્પિત બનવાની વાત છે.
આપણી ગુજરાતી ભાષાનો વૈભવ અને દરજ્જો, ખાસ ડાયસ્પોરાને, સમગ્ર વિશ્વ સમૂહ સુધી પંહોવાડવા એમણે જે પ્રયાસો કર્યા છે એ મિશે ઝાઝુ નહિ બસ …
મને એક ગઝલનો શેર યાદ આવે છે :
ઘણા એવા સહિત્ય પ્રેમીઓ છે મારા જે પુરસ્કાર આપો છતાં ન પધારે
ને આ વિપુલજી જુઓ ડાયસ્પોરા ખાતર રજાઓ લે છે કપાતે પગારે.
(સુધારા મિશે કવિની ક્ષમાયાચના)
તેમનો નિર્ધાર, એકાગ્રતા, અને સમર્પણ આપણને સૌને પ્રેરણા આપે છે.
આજે, એમના સન્માન પ્રસંગે આપણે વિપુલ કલ્યાણી પ્રતિ ઊંડા આત્મા સાથે આભાર વ્યક્ત કરીએ.
કારણ રમેશ પારેખનું એક કાવ્ય છે :
સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે ચાલ એને હું લીલું પાંદડું બની વળગી પડું.
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીના ઝાંઝર પહેરાવી દઉં.
કોઈ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના અંગત કાગળો ફેંકી દઉં,
મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું એ ઝાડને જડું,
પંડના જણ્યા જીવને જેવો પહેલ વારુંકો અડકે માનો હાથ, એવું હું ઝાડને અડું
સાવ રે સુકા ઝાડને જોઈ થાય કે ચાલ હું લીલું પાંદડું બની એને વળગી પડું.
બસ આવો, બરાબર આવો જ … શબ્દ અને સર્જન સાથે નાતો છે આ નિબંધકાર, પત્રકાર મિસ્ટર વિપુલ કલ્યાણીનો.
તેમની પ્રજ્ઞાને અનુસરીએ અને તે જ અનુશાસન, ન્યાય, અને પ્રતિબદ્ધતાને આગળ વધારીએ જે તેમણે આટલી મહાનતાથી સ્થાપિત કર્યું છે.
અંતે, વ્રતકથાઓમાં જેમ અંતે આવે છે એમ ગુજરાતી ભાષાનો ભેખ જેવો એમને જડ્યો એવો સહુને જડજો, એમ કહી વિરમું.
* * *
पंथी हूँ मैं उस पथ का
– વિપુલ કલ્યાણી
‘ગુજરાતી લિટરરી ગ્રુપ, લેસ્ટર’ના ‘બેદાર’ લાજપુરી, યુસૂફભાઈ સિદાત, અબ્દુલકરીમભાઈ ઘીવાલા સમેતના મીઠડા મિત્રો. આજની આ સભાના અતિથિ વિશેષ કાઉન્સિલર ભૂપેનભાઈ દવે, આ અવસરની પછીતે દીવાદાંડી રૂપે સતત કાર્યશીલ અદમભાઈ ટંકારવી, સભાસંચાલક સંધ્યાબહેન, ઉપરાંત મારા સાથીદાર પંચમભાઈ શુક્લ, અહમદભાઈ ગૂલ, ઇલ્યાસભાઈ સિદાત, ભારતીબહેન વોરા અને સાહિદભાઈ પ્રેમી.

વિપુલ કલ્યાણી
સમય સમય પર આવા આવા મેળાવડા થયા કરે તેનું મહત્ત્વ છે. તેની દૂરગામી અસર વર્તાતી રહે છે. મને તો, આથી, 1976ના દિવસો સાંભરી આવે છે. આ જ સભાખંડ હતો. બ્રિટન ભરમાંથી આશરે ત્રણસો સાડાત્રણસો રસિકજનો અહીં ઊમટેલાં હતાં. રમેશ જાની, હરીશ આચાર્ય, હેમેન મોદી, રજની દાવડા શા મિત્રોએ, ‘આર્ટ ઑવ્ ઇન્ડિયા’ નામક સંસ્થાના નેજા હેઠળ, અહીં કવિ સમ્મેલનનું આયોજન કરેલું. ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના મહારથીઓ તેમ જ લેસ્ટરના શહેરીઓ – ભાનુશંકર ઓધવજી વ્યાસ, વિનયભાઈ કવિ, વનુભાઈ જીવરાજ સોમૈયા, ચંદુભાઈ મટ્ટાણી, પ્રવીણભાઈ લુક્કા, વગેરે વગેરે અનેક – પણ હાજર હતા. લંડનથી મારા ઉપરાંત કવિ ડાહ્યાભાઈ પટેલ, બળવંતભાઈ નાયક, નિરંજનાબહેન દેસાઈ, કુસુમબહેન શાહ, યોગેશભાઈ પટેલ, પંકજભાઈ વોરા, વગેરે વગેરે ય હાજર.
અને તેને ઓટલે, ભોજન વેળા, બૉબી રેસ્ટોરાઁમાં બેઠક થઈ, અને પછીને ગાળે, ઇતિહાસ જાણે કે ખડો થયો. વળતા ફેબ્રુઆરી માસે, સન 1977માં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ઉદ્ભવ થયો. તેને ય હવે નજીકમાં પચાસ સાલનું છેટું.
ધીરા ખમીએ : મારે તમને સાતેક દાયકા પાછળ લઈ જવાનું મન છે. ટૅન્ઝાનિયા મારી જન્મભૂમિ. મુલકના ઉત્તર પ્રાંતમાં અરુશા નામે નગર. તે અમારું વતન. તેની નિશાળમાં અભ્યાસ ટાણે નિશાળના આચાર્ય રણજિત આર. દેસાઈ અને વર્ગશિક્ષક બી.સી. પટેલને, મારે આ તકે, નત મસ્તકે, યાદ કરવા જ રહ્યા. અમારી નિશાળનું નામ એ દિવસોમાં ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’. આરંભમાં ગુજરાતી માધ્યમ અને પાછળથી અંગ્રેજી. આવા શિક્ષકોને કારણે ગામમાં જ નહીં, નિશાળમાં પણ ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની પ્રવૃત્તિમાં હું પૂરેવચ રહેલો, તે સાંભરે છે. એ બન્ને શિક્ષકોએ મારામાં ય ગુજરાતી માટેનું વહેણ વહેતું કરેલું. એ આજ લગી સભરસભર રહ્યું છે. એ બન્નેને ય નમન કરી લેવાનું, આથી, મન કરું છું. બસ, એ સમજથી આ વહેણ સતત વહેતું જ રહે તેમ મનસા-વાચા-કર્મણા જોવાનું રાખ્યું છે.
વારુ, કોણ માનશે ? … જોતજોતામાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની પથજાતરાને હવે પાંચ દાયકાનો પટ થશે. 12 ફેબ્રુઆરી 1977ના દિવસે તેની રચના થઈ હતી. આ પટ આનંદની હેલી સર્જે છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે.
આવી આ અકાદમીનું ય હું સંતાન છું. અને વળી, કવિ ડાહ્યાભાઈ પટેલ, બળવંતભાઈ નાયક, યોગેશભાઈ પટેલ, પોપટલાલભાઈ જરીવાળા, વલ્લભભાઈ નાંઢા, ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ કાગળવાળા, તેમ જ સુષમાબહેન શેઠના સરીખાં મારાં પૂર્વસૂરિઓનાં પેંગડામાં પગ ઘાલવાનો યત્ન કરતો કરતો, અહીં લગણ પહોચ્યો છું.
આમ, 1977થી આ પંથનો પંથી રહ્યો છું. અને, વળી, ‘દૂર કા રાહી’ નામક સન 1971માં બની હિન્દી ફિલ્મનો નાયક ગાય છે તેમ મારે ય કહેવાનું થાય છે :
संगी साथी मेरे
अंधियारे उजियारे
मुझको राह दिखाये
पलछिन के फुलझारे
पथिक मेरे पथ के सब तारे …
કોને કોને સંભારું ? … સીધું સાંભરે છે : રમણભાઈ ડી. પટેલ, પોપટલાલ જરીવાલા, હીરાલાલ શાહ, વ્યોમેશ જોશી, જયાબહેન દેસાઈ, વિજ્યાબહેન ભંડેરી, લાલજીભાઈ ભંડેરી, જગદીશભાઈ દવે, નાગેશભાઈ ઓડેદરા, પંચમ શુક્લ, નીરજ શાહ, અનિલ વ્યાસ અને પછી ય કેટકેટલાં બાકી રહી જાય છે ! પણ કુંજ, કુન્તલ, મારાં માતાપિતા, મારા નાના ભાઈ વસંતને, તેમ જ એની પત્ની જયશ્રીને આમાં ન ભેળાં લઉં તો હું નાલાયક ઠરું. આ દરેકને કારણે હું રૂડો દીસું છું, ખરું ને ?
વળી, અકાદમીનાં અનેકવિધ કામો કરતી વેળાએ, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, રોહિત બારોટ, ડાહ્યાભાઈ મિસ્ત્રી, પ્રવીણ લુક્કા, રેણુબહેન માલદે, સુષમાબહેન શેઠના, શૂચિબહેન ભટ્ટ સરીખાં સરીખાં પારખુ ભેરુઓને પ્રતાપે સતત હૂંફ અનુભવાતી રહી.
વારુ, કવિ દલપતરામનાં કાવ્યોમાંથી પસાર થતાં, દલપત ગ્રંથાવલિ-1; દલપત-કાવ્ય : ભાગ 1ના પૃ. 21 પરે ‘એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર’ નામે એક કવિતા છે. સવાસોદોઢસો વરસ પહેલાંની આ રજૂઆતમાં, મનહર છંદમાં, કવિ જણાવે છે :
સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,
સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;
ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
જાણી તેનું દુ:ખ ઘણો દીલગીર દીલ છું;
હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,
સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;
કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત વિવિધ અભ્યાસોના તારણ પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે. મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો વારસો છે અને તે, સ્વભાવગત, આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.
જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.
જાણું છું, બૃહદ્દ ગુજરાતે ગુજરાતી આપણી માતૃભાષા ન પણ હોય; બલકે વારસાની જ ભાષા હોય. અને તેથી જ, કદાચ, અદમ ટંકારવી શા વિદ્વાન કહે છે, તે સમજાય છે : ‘બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાણ થઈ, અને હવે વિલીન થવાને આરે છે, એ વાત સાચી. આ તો પ્રાકૃતિક ઘટનાક્રમ છે. અમેરિકાના વિવિધ ડાયસ્પોરા સમાજોના અભ્યાસને આધારે સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વસાહતીઓનો વારસો ક્ષીણ થાય છે, અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.’
અદમસાહેબનું આ તારણ હચમચાવી જાય છે. છતાં, તેથીસ્તો, વાસ્તવિક્તાનો સ્વીકાર છે. તળ ગુજરાતમાં ય પાણી ડૂકી રહ્યાં હોય તેમ વર્તાય છે !
સમાપન તરફ વળતાં, ગયા ડિસેમ્બરે જેમણે રજા લીધી એ આ નગરનાં શહેરી અને જાણીતાં કવયિત્રી કીર્તિબહેન મજેઠિયા આ તકે સાંભરે છે. લેસ્ટર માંહેની આવી અનેક બેઠકોમાં એમની હાજરી રહેતી. અને હવે એમની ખોટ સાલશે.
વારુ, આ સમૂળી રજૂઆતની પછીતે આ બહુમાનનો આદરભેર સ્વીકાર કરું છું. અને જોડાજોડ સંપૂર્ણપણે સમજું ય છું કે આ સન્માન ફક્ત મારા પૂરતું નથી. એ અકાદમીને નામ, અકાદમીનાં કામેને નામ, અકાદમીનાં કાર્યવાહકોને નામ, તેમ જ મારાં અનેકવિધ સાથીદારોને નામે પણ ખતવાયું છે. એ વગર હું સરિયામ ઓશિયાળો જ સાબિત થયો હોત.
યોજકોને, અહીં હાજર છો તે તમારો સૌનો ય સહૃદય આભારવશ છું.
24 મે 2025
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
છબીઝલક: