પરિચયનોંધ
– વિપુલ કલ્યાણી
હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠની નિશ્રામાં યોજાતી આ બેઠક ભાતીગળ છે કેમ કે પ્રાધ્યાપક નિરંજન ભગતના બે નિજી મિત્રો − શૈલેશભાઈ પારેખ અને પ્રફુલ્લભાઈ અનુભાઈ – આપણી વચ્ચે છે અને એ બન્ને આજની બેઠકના આદરમાન વક્તાઓ છે. આ બન્ને મહાનુભાવોનું આપણે ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ.
શૈલેશભાઈ પારેખ વ્યવસાયે કેમિકલ એન્જિનિયર છે. અને વળી, એમને નામ કેટલાક સંશોધિત લેખો બોલે છે. તેમાં કેન્દ્રવર્તી રવીન્દ્રનાથ ટાગોર છે. ટાગોર સાહિત્યના એ અભ્યાસી છે. વૂ ઈઝ રવીન્દ્રનાથ ટાગોર નામે એક પુસ્તક પણ એમણે આપણને આપ્યું છે. વળી એ એક અચ્છા અનુવાદક પણ છે.
રવીન્દ્રનાથ ટાગોર અને તેમની રચનાઓને સમજવા માટે નિવૃત્ત જીવન જાણે કે એમણે સમર્પિત કર્યું છે. 1993થી રવીન્દ્રનાથ ટાગોરનાં પુસ્તકોના અનુવાદની શરૂઆત તો એમણે કરી અને 2001થી સ્વપ્રયત્નથી બંગાળી પણ શીખ્યા.
નિરંજન ભગત માત્ર અંગત મિત્ર જ નહોતા; શૈલેશભાઈએ નિરંજન ભગતની કેટલી ય ગુજરાતી કવિતાઓને અનુવાદને જરિયે અંગ્રેજીમાં ઊતારી આપી છે.
પ્રફુલ્લભાઈ અનુભાઈ આપણી અહીંની લંડન સ્કૂલ ઓવ્ એકોનોમિક્સના વિદ્યાર્થી હતા. અમદાવાદના સૂતરાઉ ઉદ્યોગમાં એકરૂપ બની જઈ એના અનેકવિધ સંચાલનોમાં ખૂંપી ગયેલી એ વ્યક્તિ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ મેનેજમેન્ટ, અમદાવાદ જોડે પાંચ દાયકાનો કેન્દ્રવર્તી સંસર્ગ એમને રહ્યો. અને એમણે આ બધાના પરિપાક રૂપે ‘ધ આઈ.આઈ.એમ.એ. સ્ટોરી : ધ ડી.એન.એ. ઓવ્ એન ઇન્સ્ટિટ્યૂશન’ નામે 2011માં એક પુસ્તક આપ્યું છે.
અમદાવાદની જગપ્રસિદ્ધ ‘સપ્તક’ સંસ્થાના પ્રફુલ્લભાઈ સ્થાપક છે. અમદાવાદ યુનિવર્સિટીની બોર્ડ ઓવ્ મેનેજમેન્ટમાં સ્થાપક અધ્યક્ષપદે ય રહી ચુક્યા છે. વળી, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના એક ટૃસ્ટી પણ છે.
નિરંજનભાઈ ભગતના એ પણ નિજી મિત્ર રહ્યા છે.
ભગતસાહેબનું આ શતાબ્દી વરસ છે. અને પ્રેમાનંદની પેઠે આ બન્ને, નિરંજનભાઈ ભગતના આગવા મિત્ર કનેથી, હવે પછી ‘શામળિયોજી બોલિયા તુંને સાંભરે રે?… હા જી, નાનપણાનો નેહ મુને કેમ વીસરે રે?’ વાતો સાંભળીએ અને માણીએ.
પધારો, પ્રફુલ્લભાઈ, પધારો શૈલેશભાઈ. .
* * * * *
નિરંજનભાઈની શતાબ્દી પ્રસંગે અંજલિ
– પ્રફુલ્લભાઈ અનુભાઈ
આદરણીય વિપુલભાઈ, પંચમભાઈ અને મિત્રો,

પ્રફુલ્લભાઈ અનુભાઈ
આજે જ્યારે આપણે નિરંજન ભગતની શતાબ્દી ઉજવી રહ્યા છીએ, ત્યારે મારા હૃદયમાં 55 વર્ષના એક અનોખા સંબંધની સ્મૃતિઓ તાજી થાય છે. મારે ખુલાસો કરવો જોઈએ કે હું એમના જીવન અને લાક્ષણિકતાઓ વિશે વાત કરવાનો છું, સાહિત્યસર્જન વિશે શૈલેષભાઈ વાત કરશે.
પ્રથમ મુલાકાત – એક યાદગાર ક્ષણ
1961માં લંડનથી અભ્યાસ પૂર્ણ કરીને હું પરત ફર્યો. 1962માં લગ્ન થયા. મારી પત્ની રૂપા એક પ્રતિભાશાળી નૃત્યાંગના હતી અને ‘દર્પણ’ સાથે ગાઢ રીતે જોડાયેલી – વિદ્યાર્થિની તરીકે, કલાકાર તરીકે અને શિક્ષક તરીકે. આ સંબંધની ભેટ સ્વરૂપે ‘દર્પણ’માં આવવા-જવાનો સિલસિલો શરૂ થયો.
તે સમયે લંડનમાં દાયકાઓથી “માઉસ ટ્રેપ” નાટક ચાલતું હતું, જે મેં જોયેલું. ‘દર્પણે’ તેનું સુંદર ગુજરાતી રૂપાંતર “એક બે ત્રણ” શીર્ષક હેઠળ રજૂ કર્યું હતું. 1963માં તેના એક show પછી સ્ટેજ પર નિરંજનભાઈને પ્રથમ વખત મળ્યો. તે પ્રથમ મુલાકાતમાં જ તેમની મસ્તી, મિજાજ, નિખાલસતા અને વિવેચનાત્મક દૃષ્ટિકોણનો પરિચય થયો. બહુ જ આનંદ આવ્યો! આ જ ભાવ અને આનંદ તેમની પ્રસિદ્ધ કવિતા “હું તો બસ ફરવા આવ્યો છું”માં પ્રતિબિંબિત થાય છે.
સંબંધની ગહેરાઈ
શરૂઆતમાં મેં તેમને માર્ગદર્શક તરીકે જોયા, પણ ધીરે-ધીરે મુલાકાતો વધતી ગઈ અને સંબંધ ઘનિષ્ઠ બન્યો. ઘરે આવવા-જવાનું વધ્યું. કુટુંબના બધા સાથે મિત્રતા થઈ. વડીલ મિત્ર ઉપરાંત સલાહકાર તરીકે સંબંધ વિકસ્યો. મારા કુટુંબની ચારેય પેઢી – પિતાથી માંડીને પૌત્ર સાથે ભળી ગયા હતા.
સાથે ફિલ્મો જોવી, ઉત્તરાયણ માણવી, વિશ્વ સાહિત્યની ચર્ચા કરવી – આ રીતે સંબંધ વધુ ઊંડો થતો ગયો. તેમની કુતૂહલ વૃત્તિ, ખુલ્લું મન અને માનવીય સંબંધોની ઊંડી સમજે મારા પર આગવી છાપ પાડી.
મારી વ્યક્તિગત સમસ્યાઓ વિશે વાત કરતા મને હળવાશ અને માર્ગદર્શન બંને મળતા. સાહિત્યના માણસ અને તેમાં પણ કવિ અને વિવેચક છતાં પણ તેમનું વ્યક્તિત્વ જુદું તરી આવતું હતું. લાગણીઓ પર તર્ક છવાય, આવેગ પર વ્યવહાર કુશળતા, અને આદર્શવાદની જગ્યાએ “art of the possible”ની સભાનતા. કઠોર તર્ક અને ઊંડા વિવેકનું આ અનોખું મિશ્રણ અત્યંત આકર્ષક હતું.
જીવનના મોટા વળાંકો
આ વર્ષોના સંબંધમાં મેં જોયું કે તેમના જીવનમાં ઘણા મોટા વળાંકો આવેલા. માત્ર 1૦ વર્ષની ઉંમરે પિતાનું ઘર છોડીને જવું, અંગત સંબંધોની ભારતીઓટ, અને સૌથી વધુ દુઃખદાયક – તેમના પ્રિય અને પ્રતિભાશાળી અર્થશાસ્ત્રી નાના ભાઈ અજીતભાઈનું અમેરિકામાં અકાળે અવસાન.
પહેલાથી નાની ઉંમરે જવાબદારીની સભાનતા, આઝાદીની ચળવળમાં હાડકુ ભાંગ્યું ત્યારથી સભાનતા વધુ મજબૂત થઈ. ઉપરાંત મોસાળમાં રહેવાનું થયું. એની પણ અસર રૂપે ચોપડીઓ તરફ શરણું. કાકાની અંગ્રેજી ચોપડીઓનો વારસો. માંની સહનશીલતાના સાક્ષી. ઉપરાંત સંજોગોને અનુકૂળ થવાની વૃત્તિ કેળવાઈ.
બીજાથી માનવીય સંબંધોમાં ચઢ-ઉતારના કારણે આનંદ અને વિષાદની વારંવારની અનુભૂતિ, અને ત્રીજાથી માનવ જીવન પર ઊંડું મંથન અને તેમાંથી ઉદ્ભવતી એક પ્રગાઢ સમજ – આ બધું તેમના વ્યક્તિત્વ અને ઘડતરનો અદૃશ્ય પાયો હતો. થોડા સમય માટે જરા અંતરમુખ ચોક્કસ થયા હતા. પરંતુ આવા દુઃખદ બનાવો જરા પણ કડવાશ, અસ્વસ્થતા, નેગેટિવિઝમ કે ઉદાસીનતા વગર ઝીલી લીધા હતા.
અસાધારણ વ્યક્તિત્વ
આ તમામ વાંચન, વિચાર અને અનુભવોના સરવાળાથી તેમનામાં માણસને પરખવાની અજોડ શક્તિ ઊભરી આવી. વેધક દૃષ્ટિ હોવા છતાં, બીજાની ખામીઓ તરત જોવા છતાં, પ્રેમપૂર્વક તેને સ્વીકારવાની ઉદારતા – પછી ભલે ને તે પન્નાલાલ પટેલ હોય.
તેમની વાત કરવાની શૈલી અનોખી હતી – ઊંચો અવાજ અને મક્કમ વિધાનો. જુસ્સો ઘણો પણ ગુસ્સો નહીં. સાંભળનાર ગેરસમજ કરી બેસે. દંભ અથવા સ્વાર્થ સામે ઉશ્કેરાય. ધારદાર વ્યક્તિત્વ – વાત કરતા વિચાર કરવો પડે. મને યાદ છે એકવાર કોઈ સમસ્યાની ચર્ચા કરતા તેમણે કહ્યું હતું : “આપણને સ્પર્શતા જટિલ પ્રશ્નો સમજવા માટે ક્લિનિકલ દૃષ્ટિ રાખવી જોઈએ – એટલે કે સાક્ષીભાવ, અલિપ્તતા. તો વાત સ્પષ્ટ સમજાય અને નિરાકરણ સહેલું બને.” તે સમયે તેમણે મને ઉમાશંકરભાઈએ અનુવાદ કરેલું ટિપ્પણી સાથેનું “ઈશાવાસ્ય ઉપનિષદ” પુસ્તક આપેલું જે મેં વારંવાર વાંચેલું.
અધ્યાપક અને વિદ્વાન
એમના વિદ્યાર્થીઓ કહેતા કે જ્યારે તેઓ વ્યાખ્યાન આપે ત્યારે સમયની મર્યાદા જ ભૂલી જાય. એક વિષય પર કલાકો સુધી બોલે. સાંભળનારા મુગ્ધ થઈ જાય અને તેમની વાતમાં ડૂબી જાય. આ વાત વિદ્યાર્થી પૂરતી મર્યાદિત નહોતી, મિત્રો સાથે પણ એ જ પ્રમાણે ધોધ વહે. એમની ‘હેવમોર’ ખાતેની બેઠકો યાદ આવે. બેઠકમાં જોડાયેલા મિત્રો તરબોળ થાય. એમની હાજરી માત્રથી ઊર્જા ઊભરે.
પુસ્તકોમાં તેમની નોંધો જોવી એ પણ એક અનોખો અનુભવ હતો. પાના પર જેટલું છપાયેલું હોય તેના કરતાં વધુ તેમની નોંધો હાંસિયામાં હોય. તેમણે મને T.S. Eliotની “Four Quartets”ની પોતાની નકલ ભેટ આપી હતી. તેમની નોંધો વાંચતાં ગહન અર્થ સમજાતા. એવું લાગતું જાણે કવિ સાથે ઊભા રહીને વાત કરતા હોય. તેવી જ રીતે “ચિત્રાંગદા”ની Textual Studiesની આવૃત્તિ જોઈને સમજાયું કે તેમણે લેખકના મર્મને કેટલા ઊંડાણથી પકડ્યો છે.
આમ તો એ સંસ્થાના માણસ નહીં પણ એમના જીવનમાં તેઓ ત્રણ સંસ્થા સાથે જોડાયેલા; ગુજરાતી સાહિત્ય પરિષદ જેના આ એ પ્રમુખ બનેલા, ‘દર્પણ’ જેની નાટ્ય પ્રવૃત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલા અને ગુજરાતી સાહિત્ય એકેડેમી જે એમણે નીતિવિરોધના કારણે છોડી દીધેલી. એમાં ય ‘દર્પણ’નું સ્વપ્નવાસવદત્તા નૃત્યનાટક જે ન્યૂયોર્કમાં ભજવાયેલું તેનું અંગ્રેજી translation એમણે કરેલું અને Penguinએ છાપેલું. આ વાત ઘણા લોકો જાણતા નથી.
આ સાથે એ પણ નોંધવા જેવું છે કે પહેરવાનાં કપડાંથી માંડીને લખવાની પેન સુધી દરેક વસ્તુમાં તેમની આગવી નજર અને રુચિ પ્રગટ થતી. સાથેસાથે એ પણ નોંધવું જોઈએ કે તેઓ એમના નોકર જગત સાથે બહુજ માનભર્યો સંબંધ રાખતા. જગતે એમની વર્ષો સુધી સેવા કરી, કુટુંબનો સભ્ય હોય તે રીતે રાખતા. એના ભવિષ્યનો ખ્યાલ રાખી એમના વિલમાં એમનું મકાન પણ જગતને આપતા ગયા.
અજીતભાઈની યાદમાં ટ્રસ્ટ
અજીતભાઈના અવસાન પછી તેમણે એક ટ્રસ્ટ સ્થાપ્યું હતું. હેતુ એ કે અમદાવાદમાં અર્થશાસ્ત્ર વિષય પર દર વર્ષે એક આંતરરાષ્ટ્રીય સ્તરનું વ્યાખ્યાન યોજાય. પ્રથમ વર્ષે જગપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી Galbraithને આમંત્રણ આપ્યું હતું. આ વ્યાખ્યાનથી અમદાવાદના શિક્ષણ જગત અને દેશના વ્યાપારી વર્તુળમાં ઘણો પડઘો પડ્યો હતો. Galbraithના ધ્યાન પર આવ્યું કે નિરંજનભાઈ પણ તેમની માફક એક પ્રોફેસર છે. થોડાં વર્ષો પછી Galbraith ફરી એક વખત બીજા વ્યાખ્યાન માટે અમદાવાદ આવ્યા હતા. તે વખતે જ્યારે તેઓ નિરંજનભાઈને મળ્યા ત્યારે પૂછ્યું: “What are you doing these days, Professor?” નિરંજનભાઈએ કહ્યું: “I have now retired.” Galbraithએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું: “Professors do not retire. Does not the society need their wisdom?”
વ્યક્તિત્વની વિશેષતાઓ
મેં આગળ જુસ્સાની વાત કરી. આ તેમના ઊંડા અભ્યાસ અને દૃઢ માન્યતાઓની ઉપજ હતી. વિજ્ઞાન અને તર્કના માણસ, પૂજાપાઠ અને ચમત્કારમાં માને નહીં. જ્યારે એમની હાર્ટ સર્જરિ અને ત્યારબાદ આંતરડાની જટિલ સર્જરિ કરવાની સલાહ ડૉક્ટરે આપી ત્યારે એક પળનો પણ વિલંબ કર્યા વગર તરત જ તૈયાર થઈ ગયા. સાથેસાથે એ પણ હકીકત છે કે તેમનું વલણ તર્કસંગત હોવાની સાથે નિશ્ચિતતાના રંગથી રંગાયેલું હતું. સંશયવાદને સ્થાન ઓછું.
બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે ઉમાશંકરભાઈ, જયંતીભાઈ દલાલ કે એસ.આર. ભટ્ટસાહેબની જેમ સમાજના આર્થિક કે સામાજિક પ્રશ્નોમાં પ્રમાણમાં રસ ઓછો હતો. આર્થિક-સામાજિક મુશ્કેલીઓ અને જનજીવનમાં તેના કારણે ઊભા થતા તણાવ તરફ ધ્યાન કંઈક સીમિત લાગે. રાજકીય રીતે ઉદારવાદી વિચારધારા અને વ્યક્તિગત સ્વતંત્રતાના પ્રખર હિમાયતી. જીવનના અંતિમ શ્વાસ સુધી વ્યક્તિગત સ્વાતંત્ર્યના મૂલ્યને દૃઢતાપૂર્વક વળગી રહ્યા.
1960ના દસકામાં જ્યારે રાજદ્વારીઓએ અંગ્રેજીની મહત્તા ઘટાડવાનો વિચાર ગજવ્યો અને એ બાબતે મોટી ચર્ચાઓ થઈ. અમે બધા એ વખતે મિક્સમીડિયમમાં ભણેલા. મેથ્સ, સાયન્સ અંગ્રેજીમાં અને ઇતિહાસ ભૂગોળ ગુજરાતીમાં. અમને બધાને આગળ અભ્યાસ કરવામાં કોઈ તકલીફ કે રૂકાવટ આવી ન્હોતી. ત્યારે એમણે એક સ્લોગન આપેલું ’માધ્યમ ગુજરાતી પણ ઉત્તમ અંગ્રેજી’. આ વિચાર પરથી અમે Niranjan Bhagat Memorial Trustની એક અગત્યની પ્રવૃત્તિ રૂપે અંગ્રેજી શિક્ષણ ઠોસબંધ કરવાની દૃષ્ટિએ એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. ત્રણ વર્ષનો પાયલોટ પ્રોજેક્ટ હમણાં પૂરો થયો છે અને ઘણાં સારાં પરિણામ મળ્યાં છે.
સંબંધનો સાર
નિરંજનભાઈને કેટલાકે સાહિત્યકાર તરીકે જોયા છે તો મારા જેવા કેટલાકે પ્રમુખપણે એક વ્યક્તિ તરીકે જોયા છે. કેટલાકમાં ભક્તિનો ભાવ છે તો કેટલાકમાં આદરનો. કેટલાકે એમના પ્રવાહમા તણાઇને આનંદનો અનુભવ કર્યો છે તો કેટલાક એમના વિચારો અને દલીલોને છાણીને સત્ય શોધવા મથ્યા છે. વ્યક્તિત્વ, છટા, યાદશક્તિ, વ્યાપ અને તિક્ષ્ણ બુદ્ધિથી ખેંચી જાય. ક્યારેક તટસ્થતાથી advocacy તરફ વળી જાય એવું જોખમ, પણ એકંદરે ખૂબ જ સમતોલપણું. વ્યક્તિગત વ્યવહારમાં ચીવટ, dignity, મદદરૂપતા અને positivism. વ્યથાને ઊંડી રીતે પચાવવાની શક્તિ અને બીજાને વ્યથિત નહિ કરવાની સભાનતા. – a very deep dignity. કદીયે સ્વાર્થ કે લાલચ સંબંધોમાં આવવા ન દે એટલા આંતરિક રીતે મજબૂત. શહેરના કવિ ગ્રામ્યજીવનનું રોમેન્ટિસિઝમ નહીં. It may sound a bit like an oxymoron, but he was a rational rebel, would always challenge authority. If I were to sum up my overall impression I would put it thus. Though not a fakir, an urban saint!
આ સમગ્ર વ્યક્તિત્વને થોડા શબ્દોમાં સમજાવવું હોય તો આમ કહી શકાય :
બધું ગમે પણ કશાથી ભીંજાય નહીં
બધું જુએ પણ કશાથી અંજાય નહીં
બધું જાણે પણ કશાથી છલકાય નહીં
બધું બોલે પણ વિશ્વાસ તોડે નહીં
બધું સમજે પણ કશું ખોલે નહીં
તેમના માટે હર પળ જીવનનું એક કોરું પાનું હતું.
વ્યક્તિત્વનો વિકાસ
મેં જોયું કે 55 વર્ષના આ સમયગાળામાં તેમના વ્યક્તિત્વનો મૂળભૂત ભાગ અથવા કેન્દ્ર અકબંધ રહ્યા હતા પણ વિચારો અને અભિવ્યક્તિનો ઝોક બદલાયો હતો :
આવેશથી → ઠહેરાવ તરફ
ઉત્તેજનાથી → ગંભીરતા તરફ
પ્રતિબદ્ધતાથી → સંતુલન તરફ
વાચાળતાથી → મૌન તરફ
વિદ્યાથી → પ્રજ્ઞા તરફ
અંતિમ શ્રદ્ધાંજલિ
અંતમાં તેમના અવસાન પછી તેમના જીવનના સાર રૂપે થોડા શબ્દો મને સ્ફૂર્યા હતા તે વાંચું છું: શીર્ષક એમની કવિતામાંથી ઉછીનું લીધું છે.
હું તો બસ મળવા આવ્યો છું,
હું તો બસ મળવા આવ્યો છું,
મનગમતી વાતો કરવા આવ્યો છું,
સાહિત્ય જનજીવનની ચર્ચા કરવા આવ્યો છું,
મારું તમારું મન ખોલવા આવ્યો છું,
ક્યાં કંઈ પદ પૈસા માટે આવ્યો છું?
હું તો બસ મળવા આવ્યો છું …
સાફો કે બોદલેર,
ઇલીયટ કે રિલ્કે,
ટાગોર કે ઉમાશંકર,
સૌનું રસપાન કરવા આવ્યો છું,
સંસ્કૃતિનો વારસો નિભાવવા આવ્યો છું,
ક્યાં કોઈ ખિતાબ લેવા આવ્યો છું?
હું તો બસ મળવા આવ્યો છું …
મગનભાઈ કે મોરારજી,
ઇન્દિરા કે મોદી,
રામદેવ કે યોગી,
સહુને પ્રશ્ન કરવા આવ્યો છું,
ભેદભ્રમ ભાંગવા આવ્યો છું,
ક્યાં કોઈ ઝંડો લઈને આવ્યો છું?
હું તો બસ મળવા આવ્યો છું …
જરા વિચારો, જરા સમજો,
ફગાવો એ ભાવુકતાનું દોદળાપણું,
અને લાગણીવેડાનું ખોખલાપણું,
God does not play dice,
વિજ્ઞાન અને તર્કની દીવાદાંડીએ આવ્યો છું,
ક્યાં કોઈ મંત્ર-જાપ કરવા આવ્યો છું?
હું તો બસ મળવા આવ્યો છું …
માનવ સહજ નિર્બળતા સમજવા આવ્યો છું,
વેશ્યા અને ભિખારીનો મનોભાવ જાણવા આવ્યો છું,
જીવનની વિષમતા અને સંઘર્ષ વધાવવા આવ્યો છું,
Hell is other people ને ઇન્કારવા આવ્યો છું,
માનવપ્રેમનું ગીત ગાવા આવ્યો છું,
ક્યાં કોઈ ઉપદેશ આપવા આવ્યો છું?
હું તો બસ મળવા આવ્યો છું …
આગવી જગા અને નિશ્ચિત સ્થાન,
ન સંકોચ ન શિષ્ટાચાર,
પેટ છૂટી વાતો કરવા આવ્યો છું,
સાથે બેસી જમવા આવ્યો છું,
ક્યાં કોઈ ભાવિનો નકશો ચીતરવા આવ્યો છું?
હું તો બસ મળવા આવ્યો છું …
બસ મળવા આવ્યો છું …
બસ મળવા આવ્યો છું …
આ બધી વાત એક પ્રાર્થના ભાવથી બોલ્યો છું. આપ સૌને પ્રણામ અને શુભેચ્છાઓ.
આભાર
સૌજન્ય : યુનાઇટેડકિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની નિશ્રામાં, હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ અંતર્ગત, શનિવાર, 04 ઑક્ટોબર 2025ના દિવસે, ‘નિરંજન ભગત: જીવન, વિચાર અને સર્જન’ અવસરે રજૂઆત
* * * * *
નિરંજન ભગતનાં નવવસંતનાં કાવ્યો
– શૈલેશ પરીખ
પ્રફુલ્લભાઈએ તમારી સમક્ષ ધરી દીધેલા સાક્ષાત્ નિરંજન ભગત પછી તરત જ નિરંજનભાઈનાં કાવ્યો વિશે વાત કરવી અને તે પણ શ્રોતાઓનો રસ જળવાઈ રહે તે રીતે – થોડું મુશ્કેલ કામ તો છે જ, પણ પ્રયત્ન તો કરવો જ રહ્યો!
પ્રફુલ્લભાઈ અને નિરંજનભાઈનો સંબંધ ૫૫ વર્ષનો હતો, તો મારો માત્ર ૨૦નો! આ ટૂંક સમયમાં પણ નિરંજનભાઈ મારી રવીન્દ્રયાત્રાના પથદર્શક તેમ જ ‘પાંથ જનેર સખા’ હતા. પણ આજે મારે નિરંજનભાઈ વિશે નહીં પણ તેમની કાવ્યસૃષ્ટિની નવવસંતની વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે નિરંજનભાઈએ ૧૭થી ૩૨ વર્ષની વય સુધી – ૧૫ વર્ષ કાવ્યો લખ્યા પછી ૪૫ વર્ષ સુધી તેમનો કાવ્યનો પ્રવાહ સ્થગિત થઇ ગયો હતો. આ મૌનના કારણોની વાત કરતાં તેઓ કહેતા કે જ્યારે લખાતું હતું ત્યારે કેમ લખાય છે તેની ખબર ન હતી તો કેમ નથી લખાતું તેનું કારણ શી રીતે સમજાય! તેમણે બીજી વાત પણ એકથી વધારે વાર કહી હતી કે હવે લખવું તો ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોથી ચડિયાતું જ લખવું. અમારો સંબંધ વિકસી રહ્યો હતો ત્યારે તેમનો આ મૌનનો સમય ચાલતો હતો અને મેં તેમને જન્મદિવસની શુભેચ્છા આપતાં વિનંતી કરી હતી કે તમારા હૃદયમાં ઘણાં ય કાવ્યનાં પતંગિયાં ફરક્યાં હશે, તેને પણ પાંખો આપીને ઉડવાની તક આપો – તમારી આ ઉત્તમની આરાધના પડતી મૂકો અને તમારાં નવાં કાવ્યો સાંભળવાના અમારાં સ્વપ્નોને સાકાર થવા દો.
ઓગસ્ટ ૨૦૦૩માં તેમની બાયપાસ સર્જરી થઇ અને ઓક્ટોબર ૨૦૦૩માં તેમણે એક સુંદર કાવ્ય લખ્યું જેમાં તેમણે ઉમાશંકરના ૫૦ વર્ષ પહેલાં લખેલા કાવ્યનો અદ્ભુત જવાબ આપ્યો હતો. આને યોગાનુયોગ કહેવા કરતાં મને એમ માનવું ગમે છે કે તેમની રક્તવાહિની ખુલી જતાં તેમનો કાવ્યનો પ્રવાહ પણ નિર્બંધ ચાલુ થઇ ગયો!
તેમની કાવ્યસૃષ્ટિમાં ફરી એક વાર વસંત આવી અને બાકીનાં ૧૫ વર્ષમાં તેમણે ૧૨૦ જેટલાં કાવ્યોની રચના કરી. આ કાવ્યોની વાત કરીએ તે પહેલાં મારે બે વાત કરવી છે.
પહેલી વાત કે આ કાવ્યો ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો કરતાં ચડિયાતા છે કે નહીં. હું પોતે તો સાહિત્યનો વિદ્યાર્થી કે અભ્યાસુ નથી એ વાત સૌ કોઈ જાણે છે. માટે મારે તો આ અંગે નિરંજનભાઈનો પોતાનો અભિપ્રાય જાણવો હતો. મારે અને રાજેન્દ્ર પટેલને તેમની સાથે આ વિષય ઉપર વિગતે ચર્ચા થઈ હતી અને સદ્દભાગ્યે તેનું રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે જે આજે તમારી સાથે શેર કરીશ.
બીજી વાત, તેમનાં આ કાવ્યો વિશે તેમણે ૨૦૦૭માં પ્રગટ થયેલા ‘પુનશ્ચ’ની પ્રસ્તાવનામાં વિગતવાર વિશ્લેષણ કર્યું છે તે જોઈએ :
‘‘પુનશ્ચ’માં પ્રેમ અને મૈત્રી વિશેનાં કાવ્યો છે. આ સૌ કાવ્યો ઊર્મિકાવ્યો છે. એથી મોટા ભાગનાં કાવ્યો પ્રાસયુક્ત છે. મૈત્રીમાં પ્રેમની ચરિતાર્થતા છે. પ્રેમ મૈત્રીમાં પર્યવસાન પામે એમાં પ્રેમની ધન્યતા છે. પ્રેમ વિશેનાં કાવ્યગુચ્છમાં સ્ત્રી-પુરુષ સંવાદ, પુરુષને સંબોધન રૂપ સ્ત્રીની ઉક્તિઓ, સ્ત્રીને સંબોધન રૂપ પુરુષની ઉક્તિઓ તથા પ્રેમ વિશે કેટલાક દ્વિધાપ્રશ્નો એવા ચાર ગુચ્છો છે. એમાં સ્ત્રી અને પુરુષનાં જે પાત્રો છે તે સભાન, સ્વમાની, સુસંસ્કારી અને સંવેદનશીલ એવાં આધુનિક નગરનાં સંતાનો છે. એમનામાં આધુનિક નાગરિક માનસ અને મિજાજ છે. એમાં જે પ્રસંગો છે તે નાટ્યાત્મક છે. પ્રેમ એ મનુષ્યનો જન્મથી મૃત્યુ લગીનો આજીવન અનુભવ છે કારણ કે પ્રેમ એ દૈહિક કે હાર્દિકથી વિશેષનો ચૈતસિક અનુભવ છે. એથી કેટલાંક કાવ્યોમાં ઉત્કટ ઊર્મિ છે, પણ મોટા ભાગનાં કાવ્યોમાં વ્યંગ અને વક્રતા છે, કાકુ અને કટાક્ષ છે. પણ સૌ કાવ્યોમાં સ્ત્રી અને પુરુષમાં પરસ્પર પ્રત્યે સમભાવ અને સહાનુભૂતિ છે, સૌજન્ય અને સહૃદયતા છે. એ એમની વાણી અને એમના વર્તનમાં વ્યક્ત થાય છે, સૌથી વિશેષ તો પરસ્પરના સંવાદો અને સંબોધનોમાં જે માનાર્થે બહુવચન છે એમાં પ્રગટ થાય છે. જન્મદિન અંગેના કાવ્યગુચ્છમાં મૈત્રીના અનુભવને કારણે જીવનની ધન્યતા અને ચરિતાર્થતા વ્યક્ત થાય છે. જગતમાં કશું પણ દુર્લભ હોય તો તે મૈત્રી. મનુષ્યના જીવનમાં બે ક્ષણ માટે પણ સુખ હોય તો તે મૈત્રીને કારણે. દેવો અને ગ્રહો નહિ, પણ મિત્રો જ મનુષ્યને જિવાડે છે. માનવસંબંધોમાં મૈત્રી જ એક માત્ર નિર્દોષ અને નિસ્પૃહ સંબંધ છે. મૈત્રી થવી, મિત્રો હોવા – એકાદ પણ મિત્ર હોવો – એ મનુષ્યનું મોટામાં મોટું સદ્ભાગ્ય છે. આમ, ‘પુનશ્ચ’માં શૈલીસ્વરૂપ અને વસ્તુવિષય બન્નેના સંદર્ભમાં મારા પૂર્વેના સૌ કાવ્યસંગ્રહોમાં જે કાવ્યો છે તથા ગુજરાતી ભાષામાં અર્વાચીન યુગમાં પ્રેમ અને મૈત્રીનાં જે કાવ્યો છે એ કાવ્યોથી કંઈક જુદું, કંઈક નવું નીપજી આવ્યું છે.’
આ જ વાત તેમનાં ‘૮૬મે’ અને ‘અંતિમ કાવ્યો’ના કાવ્યોને લાગુ પડે છે.
નિરંજનભાઈ જેવા મૂર્ધન્ય અને અંતર્મુખી કવિ પોતાના સર્જન વિશે અત્યંત નિખાલસતાથી મિત્રો સાથે અનૌપચારિક વાત કરે અને તેનું રેકોર્ડિંગ કવિની સંમતિથી થાય અને તે સચવાય એ ઘટના જ અનન્ય છે. ૧૫ મિનીટ લાંબું હોઈને પણ આ રેકોર્ડિંગ રસપ્રદ રહેશે એવી મને આશા છે. આ સાંભળ્યા પછી હું નિરંજનભાઈના નવાં કાવ્યો વિશે થોડી વાત કરીશ.
* * * *
આ નવવસંતનાં કાવ્યોની ગુણવત્તાની વાત ઉપર આજે આપણે અહીં પૂર્ણવિરામ મૂકી દઇશું કારણ કે નિરંજનભાઈના સ્પષ્ટ અભિપ્રાય પછી તે માટે મારે કાંઈ પણ કહેવું એ નરી ધૃષ્ટતા જ કહેવાય.
હવે જોઈએ થોડાં કાવ્યો. સૌથી પહેલાં હું વાત કરીશ ૧૨મી માર્ચ ૨૦૦૫ના દિવસે લખાયેલા ૬ પંક્તિ અને ૨૪ શબ્દોમાં ફેલાયેલા નાનકડા કાવ્યની :
શીર્ષક છે, વિરહમાં મિલન, મિલનમાં વિરહ
સામસામા તટ,
વચમાં હોય વૈતરણીનો પટ,
ત્યારે વિરહમાં જ મિલન થાય.
એનો એ જ તટ,
વચમાં ન્હોય વૈતરણીનો પટ,
ત્યારે મિલનમાં ય વિરહ થાય.
૧૨ માર્ચ ૨૦૦૫
૨૪ શબ્દોમાં આટલી મોટી વાત ભાગ્યે જ કહેવાઈ હશે. ત્રણ ત્રણ પંક્તિના બે ગુચ્છમાં કહેવાયેલી વાતમાં બંને ગુચ્છની દરેક પંક્તિમાં એકબીજાનું અનુરણન સંભળાય છે. ‘સામસામે તટ’ની સાથે ‘એનો એ જ તટ’, ‘વચમાં હોય વૈતરણીનો પટ’ સાથે ‘વચમાં ન્હોય વૈતરણીનો પટ’ અને ‘ત્યારે વિરહમાં જ મિલન થાય’ સાથે ‘ત્યારે મિલનમાં ય વિરહ થાય’. અહીં તદ્દન બોલચાલની ભાષામાં ગહન કવિતા લખાઈ છે. ગુજરાતી ભાષાની ખૂબી ‘હોય’, ‘ન્હોય’, ‘જ’ અને ‘ય’ના સૂક્ષ્મ પ્રયોગથી પ્રગટ થાય છે. અહીં કવિતાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે વચમાંની વૈતરણી – આ નામ માત્રથી કવિતાનાં પરિમાણો વિસ્તરે છે. વૈતરણીના સામસામા તટ તરત જ બે વ્યક્તિ વચ્ચેના કાયમના વિરહની વાત સ્પષ્ટ કરી દે છે – પછીની પંક્તિનો ‘જ’ – ‘વિરહમાં જ મિલન’ – આ વાત પર ભાર મૂકે છે. આ વિરહમાં થતું મિલન કેવું હોય? કવિ આને માટે મૌન ધરે છે અને વાચકની કલ્પનાના આકાશને ખુલ્લું કરી દે છે. હું માનું છું કે અગણિત શક્યતાઓને અહીં છૂટો દોર મળે છે – દરેક વાચકનો પોતાનો આગવો જવાબ હોઇ શકે. અલબત્ત, અનુભવી વાચકનો જ જવાબ સ્વીકાર્ય હોઇ શકે! પછી તરત જ કવિ વૈતરણીને વચ્ચેથી ઉપાડી લઈને ‘જ’ને બદલે ‘ય’નો પ્રયોગ કરીને ‘મિલનમાં ય વિરહ’ની વાત કરે છે જે એક સર્વસામાન્ય અનુભૂતિ હોય છે!
આ આખી વાત માત્ર ૨૪ શબ્દો અને ૬ પંક્તિમાં કરવા માટે કવિ વૈતરણી અને ગુજરાતી ભાષાના સૂક્ષ્મ, સટલ (subtle) શબ્દપ્રયોગોનો આશ્રય લે છે અને એક સુંદર કાવ્ય રચે છે.
અહીં મારે ધ્યાન દોરવું છે અંતે આપેલી તારીખ પ્રતિ. સામાન્ય રીતે કાવ્યની નીચે નિરંજનભાઈ માત્ર વર્ષ લખતા હતા. જ્યાં વધુ વિગત હોય તો તે કોઈ ખાસ દિવસ હતો એવું મારું માનવું છે. ઉદાહરણ તરીકે જુઓ ‘પુનશ્ચ’નું કાવ્ય, ‘પ્રતીક્ષા’, જેની નીચે લખ્યું છે ‘રોકી હિલ, ૨૫ ઓગસ્ટ, ૨૦૦૬’. સંદીપ ભગત, નિરંજનભાઈના અમેરિકામાં રહેતા ભત્રીજાના જણાવ્યા મુજબ ૨૫ ઓગસ્ટ તેમના પિતા, નિરંજનભાઈના નાના ભાઈ, અરુણ ભગતના અવસાનની તારીખ છે અને ૨૦૦૬માં, જ્યારે નિરંજનભાઈ સંદીપ ભગતને ઘરે, રોકી હિલમાં હતા, ત્યારે આ કાવ્ય લખાયું હતું. આમ આ તારીખ સંશોધકો માટે અંગુલિનિર્દેશ કરનારી છે.
હવે જોઈએ ૨૦૦૬માં લખાયેલું ‘એંશીમે’:
ચાલીસ વર્ષ થયાં’તાં ત્યારે ૧ એંશી વર્ષ થયાં ત્યારે ૧૩ ઘરના કબાટમાં ને ટેબલમાં, ૨ મનના ખૂણે ખૂણામાં, ૧૪ પેટીમાં ને પટારામાં ૩ ચિત્તના સ્તરે સ્તરમાં ૧૫ ને છાજલીમાં ને માળિયામાં ૪ ને હૃદયના કોષે કોષમાં ૧૬ જે કૈં હતું ૫ જે કંઈ છે ૧૭ કામનું ને નકામનું — ૬ સારું ને નરસું — ૧૮ ચિઠ્ઠીઓ, ચબરખીઓ, ૭ રાગ, દ્વેષ, ૧૯ કાપલીઓ, કાગળિયાં, ૮ ગમા, અણગમા, ૨૦ પત્રો, નોંધો, ૯ તિરસ્કાર, પુરસ્કાર, ૨૧ કવિતાની હસ્તપ્રતો સુધ્ધાં- ૧૦ હર્ષ, શોક — ૨૨ બધું અગ્નિને અર્પણ કર્યું હતું ૧૧ એ બધું આજે હવે વિસ્મરું ૨૩ ને અતીતનું તર્પણ કર્યું હતું. ૧૨ અને અનાગતનું સ્વાગત કરું. ૨૪
કાવ્યમાં પ્રથમ બાર પંક્તિમાં કવિ વાત કરે છે ૪૦ વર્ષ પહેલાં પોતે કરેલાં અતીતના તર્પણની અને અંતિમ બાર પંક્તિમાં જણાવે છે તેઓ આજે કેવી રીતે અનાગતનું સ્વાગત કરે છે. પ્રથમ વાત આવે છે પોતે ૪૦ વર્ષ પહેલાં આદરેલી ભૌતિક સફાઈની અને પછીથી ૮૦ વર્ષે કરવા ધારેલી આધ્યાત્મિક સફાઈની. વર્તમાન ક્ષણમાં ઊભા રહીને અતીતના તર્પણનું અવલોકન કરતા અને અનાગત માટેના નિર્ધાર દ્વારા તેનું સ્વાગત કરતા કવિ બિલકુલ બોલચાલની ભાષામાં પહેલી નજરે સામાન્ય લાગે તેવી કવિતામાં મોટી વાત કરી જાય છે. અહીં કાવ્યના સ્વરૂપ ઉપરની કવિની અદ્ભુત પકડ પણ પ્રગટ થાય છે. બંને બાર પંક્તિનાં ગુચ્છમાં દરેક પંક્તિમાં પરસ્પરનું અનુરણન સંભળાય છે. પ્રથમ અને તેરમી પંક્તિમાં સમયની વાત છે : ‘ચાલીસ વર્ષ થયાં’તાં ત્યારે’ અને ‘એંશી વર્ષ થયાં ત્યારે’. બીજીથી ચોથી અને ચૌદમીથી સોળમી પંક્તિમાં સ્થળની વાત છે : ‘ઘરના કબાટમાં ને ટેબલમાં, પેટીમાં ને પટારામાં ને છાજલીમાં ને માળિયામાં’ અને ‘મનના ખૂણે ખૂણામાં, ચિત્તના સ્તરે સ્તરમાં ને હૃદયના કોષે કોષમાં.’ પાંચમીથી દસમી અને સત્તરમીથી બાવીસમી પંક્તિમાં વસ્તુની વાત છે: ‘જે કૈં હતું કામનું ને નકામનું — ચિઠ્ઠીઓ, ચબરખીઓ, કાપલીઓ, કાગળિયાં, પત્રો, નોંધો, કવિતાની હસ્તપ્રતો સુધ્ધાં’ અને ‘જે કંઈ છે સારું ને નરસું —રાગ, દ્વેષ, ગમા, અણગમા, તિરસ્કાર, પુરસ્કાર, હર્ષ, શોક’. અગિયાર અને બાર તેમ જ ત્રેવીસ અને ચોવીસમાં ક્રિયાની વાત આવે છે. ‘બધું અગ્નિને અર્પણ કર્યું હતું ને અતીતનું તર્પણ કર્યું હતું.’ અને ‘એ બધું આજે હવે વિસ્મરું અને અનાગતનું સ્વાગત કરું.’
હું સમજું છું ત્યાં સુધી આ નિરંજનભાઈની આગવી રચનારીતિ – ટેકનીક – છે અને તે તેમણે આત્મસાત કરી છે. હવે આપણે જોઈશું બે વર્ષ પછી (૨૦૦૯) લખાયેલાં બીજાં બે કાવ્યો – ‘અભિસારિકા–1’ અને ‘અભિસારિકા–2’. આમ તો આ બંને કાવ્યો સ્વતંત્ર કાવ્ય તરીકે પ્રસ્તુત થયાં છે. એકમાં પુરુષ ૮ પ્રશ્નો પૂછે છે અને બીજામાં સ્ત્રી પોતાને વિશે ૮ વાક્યો કહે છે. બે કાવ્યો સાથે મૂકીને જોતાં તરત જ ખ્યાલ આવે કે આ તો પ્રશ્નોત્તરી છે – પુરુષના પ્રશ્નોના સ્ત્રીએ આપેલા જવાબોથી એક આધુનિક સ્ત્રીનું જાજરમાન વ્યક્તિત્વ પ્રગટ થાય છે. અહીં પણ ઉપરોક્ત રચનારીતિનો આગવો ઉપયોગ થયેલો કહી શકાય.
અભિસારિકા-1
પુરુષ:
તમે શું અંધકારની અભિસારિકા છો?
તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
તમને પૂર્ણિમાના પ્રકાશની એવી તે આ શી લજ્જા?
તમે પ્રદીપશૂન્ય શયનખંડની વાસકસજ્જા?
તમે શું અકલ્પ્ય કો એકાન્તની કારિકા છો?
તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે?
તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે?
તમે શું તમિસ્રલોકના પૌરજનોની પરિચારિકા છો?
અભિસારિકા–2
સ્ત્રી:
હું તો પ્રકાશના પથની અભિસારિકા,
હું તો યુગેયુગે દિગ્દિગંતે ધવલોજ્જવલ ધ્રુવતારિકા.
હું પૃથ્વીની પાન્થ, ચિરચંચલ, હું નથી ગૃહવાસી;
હું વૈશાલીમાં, વિદિશામાં, સર્વત્ર હું નિત્યપ્રવાસી;
હું તો વાસવદત્તા, વસંતસેના, કેટકેટલી કારિકા.
હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણક્ષણાર્ધની સંગિની,
હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ, હું તો અપ્તરંગિની;
હું તો વિસ્મયલોકના મનેર માનુષની પરિચારિકા.
અહીં એક પ્રશ્ન જરૂર ઊભો થાય છે કે જો આ બે કાવ્યો ભેગા કરીને સવાલ-જવાબ તરીકે પંક્તિઓ મૂકવામાં આવે તો કવિતા આટલી જીવંત રહે?
અંતમાં જોઇશું ૨૦૦૯માં લખાયેલાં બીજાં બે કાવ્યો – ‘સ્વપ્ન’ અને ‘સ્મૃતિ’. અહીં પણ બંને કાવ્યોની પંક્તિઓ એકબીજાને સમાંતર ચાલતી રહે છે. બંને કાવ્યોને સાથે વાંચતાં આનંદ અને સંતૃપ્તિમાં વૃદ્ધિ પણ થાય છે અને અર્થઘટનની ક્ષિતિજો પણ વિસ્તરતી લાગે છે. હું પહેલાં બંને કાવ્યો વાંચીશ :
સ્મૃતિ
ઘરની અંદર
વર્ષોથી એક ખૂણામાં બેસી રહું.
મારો ખંડ સુશોભિત,
છત પર બિલોરી ઝુમ્મરો,
ભોંય પર ગૂંથેલી જાજમો,
બારી પર રેશમી પડદા,
ભીંત પર મઢેલા અરીસા,
ટેબલ પર રંગીન ફૂલો;
મારો ખંડ ભર્યો ભર્યો.
ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,
મને ઘડી હસાવી, ઘડી રડાવી,
જાણું નહિ ક્યારે એ વિદાય થયું;
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.
હવે મારો ખંડ ખાલી ખાલી,
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.
આખું કાવ્ય વાંચતાં થયું કે ૮૦ વર્ષના કવિ હજી રોમેન્ટિક રહ્યા છે. મોંઘા દાટ રાચરચીલાથી શણગારેલો ખંડ કોઈકની ક્ષણિક હાજરીથી ખાલી થઈ જાય છે અને કોઈકની ઘડીક હાજરી માત્રથી તેની સ્મૃતિથી ભરાઈ જાય છે. સાદી, બોલચાલની ભાષામાં લખાયેલાં, આ કવિના શ્વાસ-પ્રાણ સમા અંત્ય પ્રાસથી પણ વંચિત, એવાં આ કાવ્યમાં કવિનું રોમેન્ટિસિઝ્મ મને નોંધપાત્ર લાગ્યું. હવે જોઈએ ‘સ્વપ્ન’:
સ્વપ્ન
ઘરની બહાર
વર્ષોથી રસ્તાઓ પર ભમી રહું.
મારા રસ્તા લાંબા પ્હોળા,
જ્યાં ત્યાં ટોળેટોળાં,
વાહનોની દોટંદોટ,
ધુમાડાના ગોટંગોટ,
અવાજોની ચીસાચીસ
મકાનોની ભીંસાભીંસ;
મારા રસ્તા ભર્યા ભર્યા.
ત્યાં ઓચિંતું કોઈક પસાર થયું,
બોલ્યું ન બોલ્યું, હસ્યું ન હસ્યું
ત્યાં તો એ રહસ્યની જેમ અલોપ થયું;
મારી આંખોમાં એ સ્વપ્ન બની ગયું.
હવે મારા રસ્તા ખાલી ખાલી,
હવે માત્ર સ્વપ્નથી જ ભર્યા ભર્યા.
સાદી, બોલચાલની ભાષામાં લખાયેલાં આ કાવ્યમાં કવિ તેમના પ્રિય અંત્ય પ્રાસનો પ્રયોગ કરે છે. અહીં પણ એક ક્ષણિક હાજરીથી કવિના ભરચક રસ્તા ખાલી થઈ જાય છે અને તેનું સ્થાન એક સ્વપ્ન લઈ લે છે. ધ્યાનપૂર્વક વાંચતાં મને સમજાયું કે આ બે કાવ્યોની દરેક પંક્તિ વચ્ચે અનુરણન સંભળાય છે. આપણે હવે બંને કાવ્યોને સાથે મૂકીને જોઈએ:
સ્વપ્ન
ઘરની બહાર
વર્ષોથી રસ્તાઓ પર ભમી રહું.
મારા રસ્તા લાંબા પ્હોળા,
જ્યાં ત્યાં ટોળેટોળાં,
વાહનોની દોટંદોટ,
ધુમાડાના ગોટંગોટ,
અવાજોની ચીસાચીસ
મકાનોની ભીંસાભીંસ;
મારા રસ્તા ભર્યા ભર્યા.
ત્યાં ઓચિંતું કોઈક પસાર થયું,
બોલ્યું ન બોલ્યું, હસ્યું ન હસ્યું
ત્યાં તો એ રહસ્યની જેમ અલોપ થયું;
મારી આંખોમાં એ સ્વપ્ન બની ગયું.
હવે મારા રસ્તા ખાલી ખાલી,
હવે માત્ર સ્વપ્નથી જ ભર્યા ભર્યા.
સ્મૃતિ
ઘરની અંદર
વર્ષોથી એક ખૂણામાં બેસી રહું.
મારો ખંડ સુશોભિત,
છત પર બિલોરી ઝુમ્મરો,
ભોંય પર ગૂંથેલી જાજમો,
બારી પર રેશમી પડદા,
ભીંત પર મઢેલા અરીસા,
ટેબલ પર રંગીન ફૂલો;
મારો ખંડ ભર્યો ભર્યો.
ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,
મને ઘડી હસાવી, ઘડી રડાવી,
જાણું નહિ ક્યારે એ વિદાય થયું;
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.
હવે મારો ખંડ ખાલી ખાલી,
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.
આ રચનારીતિ કવિની પ્રયોગશીલ વૃત્તિ પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. તેના ઉપયોગથી કવિતામાં એક વ્યવસ્થા (ઓર્ડર) ઉપસી આવે છે. જયારે તેનો ઉપયોગ બે કાવ્યોમાં થાય છે ત્યારે બે કાવ્યોને સાથે મૂકીને વાંચતાં કાવ્યની અર્થઘટનની ક્ષિતિજો વિસ્તરતી લાગે છે.
ખાસ નોંધવું ઘટે કે આ સંપૂર્ણ કે સર્વગ્રાહી અભ્યાસ નથી[1] અને ઉપરોક્ત કાવ્યો માત્ર ઉદાહરણ તરીકે લેવામાં આવ્યા છે.
કવિ વાત કરે છે ‘ઘરની બહાર’ના રસ્તા અને ‘ઘરની અંદર’ના ખંડની પણ કહેવા માંગે છે બહારના જગત અને અંદરનાં અંતર વિશે.
બહારના જગતમાં ભીડ અને વિસંવાદ છે. આ ભીડ, વિસંવાદથી બહારનું જગત ભરેલું છે. અચાનક ‘કોઈક’ – અજાણી વ્યક્તિ – ઘડી, બે ઘડી માટે પસાર થાય છે. બહારના જગતમાં તે ચૂપચાપ – સંવાદ વિના – ચાલી જાય છે. બહારના જગતમાંથી પસાર થનાર પ્રેરણાસ્રોત છે અને માત્ર તેની હાજરીથી જ – કોઈ પણ જાતના સંવાદ કે પરસ્પર પ્રક્રિયા વિના જ – ભીડ અને વિસંવાદ દૂર થઈ જાય છે અને તેના સ્થાને એક સ્વપ્ન – આદર્શનું સ્વપ્ન? – બહારના જગતને ભરી દે છે.
હવે વાત કરીએ ‘સ્મૃતિ’ વિશે. મોંઘાદાટ રાચરચીલાથી – આત્માહીન શણગારથી અંદરનું અંતર ભરેલું છે. અચાનક ‘કોઈક’ – અજાણી વ્યક્તિ – ઘડી, બે ઘડી માટે પસાર થાય છે. અંતરમાં તે થોડું હસાવી, થોડું રડાવી – સંવાદ કરીને – ચાલી જાય છે. આ સંવાદથી અંતરના આત્માહીન શણગાર અદૃશ્ય થઈ જાય છે અને અંતર, માત્ર આ અજાણી વ્યક્તિની સ્મૃતિથી ભરાઈ જાય છે.
માળખા/ઢાંચા વચ્ચે તરત ઓળખાય તેવું સામ્ય ધરાવતા બે કાવ્યોમાં વહેંચાયેલી ત્રીસ પંક્તિમાં કવિ પ્રસ્તુત કરે છે આંતરિક અને બાહ્ય જગત વચ્ચેનો તફાવત અને દર્શાવે છે સ્વપ્ન અને સ્મૃતિનો પોતાનો આદર્શ. સીધી, સાદી બોલચાલની ભાષામાં, આવી ગહન અને હૃદયસ્પર્શી વાત આટલી સંક્ષિપ્તમાં અને એટલી સહજતાથી અને સરળ રીતે પ્રસ્તુત કરવી એ જ આ કાવ્યો તેમ જ તેમના કવિની સિદ્ધિ છે.
આશા રાખું છું કે આ નવવસંતના કાવ્યોની વિશિષ્ટતાનો આછો ખ્યાલ આપવાનો મારો પ્રયત્ન સફળ રહ્યો હશે અને તેમાં રહેલું કાંઈક નવું, કાંઈક જુદું વત્તેઓછે અંશે પ્રગટ થયું હશે.
અંતમાં મને નિરંજનભાઈનાં કાવ્યો વિશે વાત કરવાની તક આપવા માટે હું વિપુલભાઈ, પંચમભાઈ અને ગુજરાતી લિટરરી અકાદમીનો હાર્દિક અભાર માનું છું અને આપ સૌ શ્રોતાઓનો નિરંજન ભગત શતાબ્દી પર્વે યોજાયેલા આ પ્રકલ્પમાં જોડાવા માટે પણ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું
[1] ૨૦૦૪માં રચાયેલાં ‘નામ’ અને ‘ચહેરો’ તેમ જ ‘એક ફૂલ’ અને ‘એક ફળ’ કાવ્યયુગ્મોમાં આ જ રચનારીતિ અજમાવવામાં આવી છે.
સૌજન્ય : યુનાઇટેડકિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની નિશ્રામાં, હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ અંતર્ગત, શનિવાર, 04 ઑક્ટોબર 2025ના દિવસે, ‘નિરંજન ભગત: જીવન, વિચાર અને સર્જન’ અવસરે રજૂઆત
* * * * *
વીડિયો:

