‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
— નંદિતા મુનિ
‘ઈટ ઈઝ અ ટ્રૂથ યુનિવર્સલી ઍક્નોલેજ્ડ’, કે જેઈન ઑસ્ટિનની નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન ધરાવે છે. આ નવલકથા લેખિકાની પણ પ્રિય કૃતિ હતી, જેને એણે લાડથી ‘માય ઑન ડાર્લિંગ ચાઈલ્ડ’ તરીકે ઉલ્લેખી છે. દુનિયાની ચાલીસથી વધુ ભાષામાં આ કૃતિના અનુવાદો થયા છે, અને મોટા ભાગે એકથી વધારે વાર. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ના અનેક ‘સ્પિન-ઑફ્સ’ અને વેરિએશન્સ લખાયા જ કરે છે. ‘રિજન્સી રોમાન્સ’ અને ‘એનિમીઝ ટૂ લવર્સ’ જેવા નવલકથાના sub-genresને એણે જન્મ આપ્યો છે. એ જુદા જુદા સ્વરૂપે રંગમંચ પર ભજવાતી રહી છે. અનેક દેશોમાં એને સિનેમાના રૂપેરી પડદે અને ટેલિવિઝનના સ્ક્રીન પર વારંવાર ઉતારવામાં આવી છે. અત્યારે જ નેટફ્લિક્સ દ્વારા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પર આધારિત એક વધુ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે – જો કે જેઇન ઑસ્ટિનની ‘પર્સ્વેશન’ની નેટફ્લિક્સ પર જે દુર્દશા થઈ હતી એ પરથી આ સમાચાર મને ભય્જનક લાગે છે. એની વે, જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી નિમિત્તે, એની આ મને સૌથી પ્રિય નવલકથા વિશે વાત કરવાની આ તક બદલ હું આભાર વ્યક્ત કરું છું.
16 ડિસેમ્બર, 1775માં હેમ્પશાયરના એક પાદરીના કુટુંબમાં જન્મેલી જેઇન 16 વર્ષની ઉંમરથી જ ગંભીરતાથી લખવા લાગી હતી. સાવ પ્રારંભિક તબક્કામાં તો એણે પરિવારના મનોરંજન માટે લખ્યું. 1796માં, એકવીસ વર્ષની વયે એણે પોતાની પહેલી નવલકથા ‘એલેનોર એન્ડ મેરિએન’ લખી નાખી હતી, જે સુધારા-વધારા સાથે 1811માં ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ના નામે પ્રકાશિત થઈ. આ નવલકથા વખણાઈ, એનાથી પ્રોત્સાહિત થઈને જેઇને પોતાની એક અન્ય નવલકથા ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન્સ’માં પણ સુધારા-વધારા કર્યા. એ સમયની એક લોકપ્રિય નવલકથાકાર ફેની બર્નીની નવલકથા ‘સિસિલિયા’ના એક સંવાદ પરથી જેઇને આ નવલકથાને ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’નું શીર્ષક આપ્યું. ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન’ને કોઈ પ્રકાશક મળ્યો નહોતો; પણ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ 1813માં લંડનના થોમસ એજર્ટને પ્રગટ કરી. પ્રગટ થયાના કેટલાક મહિનામાં તો એનું પુન:સંસ્કરણ બહાર પાડવું પડ્યું. ત્યારથી માંડીને અત્યાર સુધી એની લોકપ્રિયતાને આંચ આવી નથી.
પહેલાં તો ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ના કથાનક પર બહુ ઝડપથી નજર દોડાવી લઈએ.
ઇંગ્લેન્ડના હર્ટફર્ડશાયર પરગણામાં મેરીટન ગામની પાસે ઉચ્ચ મધ્યમ વર્ગના એક જમીનદાર મિ. બેનેટની, લોંગબોર્ન નામની નાનકડી જાગીર છે. મિ. બેનેટને પાંચ પુત્રીઓ છે; પણ પુત્ર ન હોવાથી તે સમયના સામાન્ય રિવાજ મુજબ એ જાગીર ‘એનટેઈલ’ થયેલી છે. અર્થાત્, મિ. બેનેટનું મૃત્યુ થાય તો બધી મિલકત એમના સૌથી નિકટના પુરુષ વારસદાર, દૂરના પિતરાઈ મિ. કોલિન્સને મળે; અને મિસિસ બેનેટ તથા એમની પુત્રીઓ બેઘર બની જાય. આ કારણસર મિસિસ બેનેટનું સૌથી અગત્યનું જીવનધ્યેય એમની પુત્રીઓ માટે સારી આર્થિક સ્થિતિવાળા પતિઓ શોધવાનું છે. એક રીતે જોતાં એમના માટે એ અસ્તિત્વનો સવાલ છે.
આવી પરિસ્થિતિમાં મેરીટન પાસેની એક એસ્ટેટ નેધરફિલ્ડ પાર્કમાં ચાર્લ્સ બિંગલી નામનો એક ધનિક યુવક રહેવા આવે છે; અને ત્યાંથી આ કથાનકની શરૂઆત થાય છે – It is a truth universally acknowledged, that a single man in possession of a good fortune must be in want of a wife. આ વાક્યએ વિશ્વસાહિત્યના અમર પ્રારંભિક વાક્યોમાં સ્થાન મેળવ્યું છે. જેઇન ઑસ્ટિનની કટાક્ષ સાથે ગાંભીર્યના મિશ્રણવાળી જે આગવી શૈલી છે એ પણ આ પ્રથમ વાક્યથી જ દેખાવા લાગે છે.
મિસિસ બેનેટ આશા સેવે છે, અને પ્રયત્નો પણ કરે છે કે એમની સૌથી મોટી પુત્રી, જે સૌથી સ્વરૂપવાન અને ગુણવાન હોય છે (અને જેનું નામ બાય ધ વે, જેઇન ઑસ્ટિને ‘જેઇન’ જ રાખ્યું છે); એની સાથે મિ. બિંગલીનાં લગ્ન થાય. સરળ, મિલનસાર સ્વભાવનો બિંગલી અને એવા જ સ્વભાવવાળી જેઇન એકબીજાને પસંદ કરવા લાગે છે. પણ બિંગલીની બહેનોને, અને બિંગલીના એક ખાસ મિત્રને આ સંબંધ પસંદ નથી.
મિ. બેનેટની બીજા ક્રમની પુત્રી એલિઝાબેથ કે લિઝી આ નવલકથાની નાયિકા છે. બિંગલીનો અતિધનિક, ખૂબસુરત, ઊંચો, ઉચ્ચ કુળનો, અને અતડાપણાના કારણે અભિમાની દીસતો મિત્ર ફિટ્ઝવિલિયમ ડાર્સી આ નવલકથાનો નાયક છે. ડાર્સી ધીમે ધીમે સુંદર, બુદ્ધિશાળી, સ્વાભિમાની અને રમતિયાળ સ્વભાવની લિઝી પ્રત્યે આકર્ષાવા લાગે છે. પરંતુ પ્રથમ મુલાકાતમાં જ, પોતાની શ્રેષ્ઠતાથી સભાન મિ. ડાર્સીએ પૂર્વગ્રહના કારણે જાણ્યે-અજાણ્યે લિઝીના અભિમાનને ઠેસ પહોંચાડી છે. આથી લિઝીને પણ ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ બંધાયો હોય છે. ડાર્સીને લિઝીના કુટુંબની રીતભાત પસંદ નથી. લિઝીની માતાના અસંસ્કારી વર્તનથી પણ ડાર્સી ચીડાય છે. આવાં બધાં કારણોસર ડાર્સી લિઝી પ્રત્યેનું પોતાનું આકર્ષણ ખાળવાના પ્રયત્નો કરે છે. પણ અંતે પ્રેમથી વિવશ થઈને ડાર્સી લિઝીને લગ્નની દરખાસ્ત કરે છે. લિઝી એકથી વધારે કારણોસર એ પ્રણયનિવેદનને ધુત્કારી દે છે. લિઝીના જ શબ્દોમાં, You were the last man in the world whom I could ever be prevailed on to marry!
આ નકારના કારણો પૈકી એક કારણ એ પણ છે કે બિંગલીને જેઇનથી દૂર કરવામાં ડાર્સીની ભૂમિકા હોવાનું લિઝીએ જાણ્યું છે. બીજી તરફ, પોતાના ઉચ્ચ સામાજિક અને આર્થિક દરજ્જાના કારણે, પોતાને કોઈ ના પણ પાડી શકે એ વાત ડાર્સીની કલ્પના બહારની હોય છે.
ના પાડતી વખતે લિઝીએ ડાર્સી પર કેટલાક સાચા તો કેટલાક ગેરસમજણથી ઊભા થયેલા આક્ષેપો કર્યા હોય છે. એ વિશે સ્પષ્ટતા કરવા માટે ડાર્સી લિઝીને એક પત્ર લખે છે. એ પત્ર વાંચીને ધીરે ધીરે મિ. ડાર્સી વિશેનો લિઝીનો અભિપ્રાય સુધરવા લાગે છે. બીજી તરફ, લિઝીએ જે આક્ષેપો કર્યા હતા એનું વ્યાજબીપણું ધ્યાનમાં રાખીને ડાર્સી પણ પોતાનું વર્તન સુધારવા લાગે છે.
ફરી એક વાર ડાર્સી અને લિઝીની મુલાકાત થાય છે; ત્યારે એ બન્ને એકબીજાને વધુ સમજી શકે છે અને નિકટ આવવા લાગે છે. પણ એ જ અરસામાં લિઝીની સૌથી નાની અને સ્વચ્છંદી બહેન લિડિયા એક દુષ્ચરિત સૈનિક જ્યોર્જ વિકમની સાથે ભાગી જાય છે. વિકમના પિતા ડાર્સીના કુટુંબના નોકર હતા તથા વિકમ અને ડાર્સી નાનપણમાં મિત્રો હતા; પણ વિકમ નબળું ચારિત્ર્ય ધરાવતો હોય છે, જ્યારે ડાર્સીના નૈતિક ધોરણો ઊંચા હોઈ એ દોસ્તી ટકી શકી નહીં. વળી વિકમે ડાર્સીની નાની બહેન, પંદર વર્ષની જ્યોર્જિઆનાને બહેકાવીને નસાડી જવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરેલો. એ કારણસર આ દોસ્તી દુશ્મનીમાં પલટાઈ ગઈ હોય છે. લિઝીના મનમાં ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ દૃઢ કરવામાં પણ કેટલાક અંશે વિકમનો ફાળો હોય છે. વિકમ પ્રત્યે નફરત હોવા છતાં, એલિઝાબેથ પ્રત્યેના પ્રેમના કારણે ડાર્સી વિકમને શોધી, સમજાવી, આર્થિક મદદ કરીને લિડિયા અને વિકમનાં લગ્ન કરાવે છે; અને એ રીતે બેનેટ કુટુંબને ભારે સામાજિક નામોશીમાંથી બચાવી લે છે. આ વાતની બેનેટ પરિવારને ખબર હોતી નથી. પરંતુ થોડા સમય પછી લિઝીને અકસ્માતે આ વાતની ખબર પડતાં ડાર્સી વિશેનો એનો સુધરેલો અભિપ્રાય દૃઢ બને છે. લિઝી ડાર્સીને સાચી રીતે ઓળખવા લાગે છે અને પૂર્વગ્રહથી મુક્ત થઈને એના ગુણોની કદર કરતાં શીખે છે.
વિલિયમ શેક્સપિયર ‘ટ્વેલ્ફ્થ નાઈટ’માં લખે છે : Journeys end in lovers’ meeting, every wise man’s son doth know. જેઇન ઑસ્ટિનની આ નવલકથાની સફર પણ એમ જ પૂર્ણ થાય છે : જેઇન બેનેટનાં લગ્ન મિ. બિંગલી સાથે, અને એલિઝાબેથ બેનેટનાં લગ્ન મિ. ડાર્સી સાથે થાય છે. દેશી ભાષામાં કહીએ તો, ઘીના ઠામમાં ઘી પડી રહે છે!
જેઇન ઑસ્ટિનની નવલકથાઓની વાર્તા, સામાન્ય રીતે આ પ્રકારની હોય છે : અપરિણિત યુવાનો અને યુવતીઓ સંજોગોવશાત્ એક સ્થળે એકઠાં થાય અને પરિચયમાં આવે. પરસ્પર આકર્ષણ જન્મે. સ્પર્ધા, ગેરસમજણો, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, વ્યક્તિત્વમાં રહેલી ભિન્નતાઓ વગેરે જેવાં પરિબળો એમને દૂર રાખવામાં કારણભૂત બને. આ બધાં સંજોગોના કારણે એક બહુ મહત્ત્વનો મુદ્દાનું આલેખન શક્ય બને છે – અને એ છે પાત્રોનો આંતરિક વિકાસ. એ વિકાસ થઈ રહ્યા પછી, એ માટે નિમિત્તરૂપ બનેલા સંજોગો બદલાયા હોય કે ન બદલાયા હોય, આ બદલાયેલાં નાયક અને નાયિકા એકબીજાને સ્વીકારતા હોય છે. હું દૃઢતાપૂર્વક માનું છું કે જે વાચકો જેઇનનાં પુસ્તકોનું ઊંડાણપૂર્વકનું વાચન કરતા નથી અને એની નવલકથાઓને છેલ્લે લગ્નમાં પરિણમતી હોય એવી પ્રણયકથાઓ માત્ર માને છે; એ વાચકો પાત્રોના નિરૂપણમાં માનસશાસ્ત્રીય સત્ય આલેખવાની જેઇનની જે અદ્ભુત કુશળતા છે, એનો રસ માણવામાંથી વંચિત રહે છે. ઉપરછલ્લી રીતે સામાન્ય અને એકવિધ લાગતા આ પ્લોટને ધ્યાનથી – વિધાઊટ પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ – વાંચવામાં આવે તો જેઇન ઑસ્ટિનની પ્રતિભાનો સાચો પરિચય મળી શકે છે.
પાત્રોના આંતરિક વિકાસનું નિરૂપણ આમ જેઇનની લાક્ષણિકતા છે, અને એની બીજી કોઈ પણ નવલકથા કરતાં આ તત્ત્વ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં સૌથી વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ‘એમ્મા’ને જોઈએ તો એમાં નાયિકા એમ્મા વૂડહાઉસનો આંતરિક વિકાસ થાય છે, પણ નાયક મિ. નાઈટલી પ્રથમથી જે છે તે જ રહે છે. બીજી તરફ, ‘મેન્સફિલ્ડ પાર્ક’ જોઇએ તો એની નાયિકા ફેની પ્રાઈસનો આવો વિકાસ નથી નિરૂપાયો, અને નાયક એડમન્ડ બર્ટ્રામમાં પરિવર્તન આવે છે, પણ એ પરિવર્તન આંશિક છે. જ્યારે ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં નાયક અને નાયિકા, બન્ને વિકાસ પામે છે: બન્ને પોતાના અભિમાનનો ત્યાગ પણ કરે છે, અને પૂર્વગ્રહોનો પણ.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ‘પ્રાઈડ’ને મિ. ડાર્સી સાથે જોડવામાં આવે છે અને પૂર્વગ્રહને એલિઝાબેથ સાથે. પણ હકીકતે તો આ બન્ને વસ્તુ બન્નેમાં ઓછા-વત્તા અંશે રહેલી છે. ડાર્સીને સ્વાભાવિક રીતે જ એના ધનના કારણે એની તરફ આકર્ષાતી કન્યાઓ અને એમની માતાઓ પ્રત્યે પૂર્વગ્રહ છે. બીજી તરફ. લિઝીમાં પણ અભિમાન કહો તો અભિમાન, અને આત્મગૌરવ કહો તો તે, રહેલું છે. જ્યારે લિઝીની સખી મિસ લ્યુકસ એને કહે છે કે ડાર્સીનું વ્યક્તિત્વ, આર્થિક સ્થિતિ, અને સામાજિક દરજ્જો જોતાં એનામાં અભિમાન હોય એ ક્ષમ્ય નહિ તો પણ, સ્વાભાવિક તો છે જ; ત્યારે લિઝી એ વાત સાથે સંમત થાય છે, પણ ઉમેરે છે કે : ‘I could easily forgive his pride, if he had not mortified mine.’
જેઇન ઑસ્ટિનને લિઝી બેનેટનું પાત્ર પ્રિય હતું. એક પત્રમાં એ લિઝીને ‘As delightful a creature as ever appeared in print’ તરીકે ઓળખાવે છે. એ વાત સાથે સંમત થવું જ પડે. લિઝી ચંચળ, બુદ્ધિશાળી, વિનોદી, સ્પષ્ટવક્તા, અને આત્મવિશ્વાસ ધરાવતી વીસ વર્ષની યુવતી છે. એન્ટેઇલના કારણે ભવિષ્ય અનિશ્ચિત હોવા છતાં, એ માત્ર આર્થિક અને સામાજિક સુરક્ષા ખાતર લગ્ન કરવાનું સ્વીકારતી નથી, જે હકીકત એને એ યુગના સંદર્ભે વિશિષ્ટ અને મૌલિક અભિગમવાળી બનાવે છે. પૈસા કરતાં લિઝી નૈતિકતા તેમ જ પોતાની વૈયક્તિક સ્વતંત્રતાને વધુ મહત્ત્વ આપે છે. પ્રેમ, આદર, અને સમાનતાવાળા લગ્નની ઈચ્છા રાખતી લિઝી પ્રચલિત પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓને અવગણવાનું સાહસ ધરાવે છે. વળી વિરોધ સહન કરીને પણ એ પોતાને જે સાચું લાગતું હોય એને વળગી રહે છે. આ કારણે લિઝીને એક ‘પ્રોટો-ફેમિનિસ્ટ આઈકન’ માનવામાં આવે છે તે યોગ્ય જ છે.
એ જ રીતે, ફિટ્ઝવિલિયમ ડાર્સી એક proto-feminist romantic hero છે, અને એની અત્યાર સુધીની અદ્દભુત લોકપ્રિયતાનું એ જ રહસ્ય છે! શરૂઆતના અભિમાની અતડાપણાને ત્યજીને ડાર્સી એલિઝાબેથના અભિપ્રાયને સમજી, મહત્ત્વ આપીને પોતાનામાં આવશ્યક પરિવર્તન લાવે છે. પહેલી વાર એ લગ્નની દરખાસ્ત કરે છે ત્યારે એ એલિઝાબેથને ચાહે છે, પણ લિઝી પ્રત્યે એને આદરની ભાવના નથી હોતી. ધીમે ધીમે લિઝીની અસરથી ડાર્સીમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અત્યારની માનસશાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો ડાર્સી ‘ઈમોશનલ ઈન્ટેલિજન્સ’ શીખે છે. એ પોતે એલિઝાબેથને કહે છે કે મને બચપણથી નીતિમત્તાના સિદ્ધાંતો અનુસાર જીવવાનું શીખવવામાં આવ્યું, પરંતુ અન્ય વ્યક્તિઓ પ્રત્યે તુચ્છકારને બદલે આદરથી જોવાનું તેં મને શીખવ્યું. એલિઝાબેથના સ્વતંત્ર વિચારો અને અરૂઢિગત વર્તનને પસંદ કરતો, ચીલાચાલુ લગ્નને સ્થાને પ્રેમ, સમાનતા, અને પરસ્પર આદરવાળા લગ્નને પસંદ કરતો ડાર્સી કઈ સ્ત્રીને ન ગમી જાય?
અન્ય પાત્રોની બહુ વિગતમાં જવાનો સમય આપણી પાસે નથી એટલે હું એટલા ઉલ્લેખથી સંતોષ માનું છું, કે જેઇન ઑસ્ટિન મુખ્ય પાત્રોના જે જે લક્ષણો નિરૂપે છે, એ લક્ષણો અન્યથા કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ ગૌણ પાત્રો દ્વારા એણે આબાદ બતાવ્યું છે. જેમ કે, ચંચળતા અને મનસ્વિતા લિઝીમાં પણ છે અને લિડિયામાં પણ; પરંતુ લિઝીની નૈતિકતા અને બુદ્ધિના અભાવે લિડિયા વગર વિચાર્યે વિકમ સાથે ભાગી જવામાં અને લગ્ન કર્યા વગર એની સાથે રહેવા લાગવામાં ખચકાટ અનુભવતી નથી. એ જ રીતે, ડાર્સી જેવી બુદ્ધિ, ગુણો, અને ખુલ્લા મનના અભાવમાં અભિમાન કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ ડાર્સીની માસી લેડી કેથરિન ડી બર્ગનું પાત્ર દર્શાવે છે. લિઝીની મિત્ર મિસ લ્યુકસ આર્થિક અને સામાજિક સલામતી મેળવવા માટે પારસ્પરિક પ્રેમ અને આદર વગરનાં લગ્ન સ્વીકારી લે છે, જે લિઝીથી વિરોધાભાસી નિર્ણય છે અને લિઝીના સાહસને ઉજાગર કરે છે. વળી લગ્ન વિષયમાં લાગણી કરતાં આર્થિક બાબતને આપવામાં આવતું મહત્ત્વ સ્ત્રીઓ પૂરતું જ મર્યાદિત નથી. સ્ત્રીઓની જેમ મજબૂર ન હોવા છતાં તત્કાલીન સમાજમાં પુરુષો પણ મોટા ભાગે પ્રેમના સ્થાને ધનને મહત્ત્વ આપતા દેખાય છે. જેમ કે ડાર્સીનો કઝિન કર્નલ ફિટ્ઝવિલિયમ ઉમરાવ કુટુંબનો છે, પણ બીજા ક્રમનો પુત્ર હોવાથી એ ધનિક સ્ત્રી પસંદ કરશે- લિઝી પ્રત્યે ખૂબ આકર્ષણ હોવા છતાં. જ્યારે નાયક અને નાયિકા બન્ને લગ્નને માત્ર સામાજિક કે આર્થિક સુરક્ષાના સ્રોત તરીકે ન જોતાં, વ્યક્તિગત ખુશી અને વિકાસનો સ્રોત પણ માને છે, જે એમને વિશિષ્ટ બનાવે છે.
તત્કાલીન આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂના સંદર્ભે લગ્ન અને પ્રેમ – આ મુખ્ય વિષય ઉપરાંત જેઇને ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં સામાજિક વર્ગભેદ અને પ્રતિષ્ઠા, પારિવારિક સંબંધો અને એની જે-તે પાત્રના નિર્ણયો પરની અસર, નૈતિક મૂલ્યો, જેંડર અને સમાજ, પસંદગીનો અધિકાર અને વૈયક્તિક સુખ, વ્યક્તિગત વિકાસ અને સ્વબોધનું મહત્ત્વ, એ સ્વબોધ દ્વારા વ્યક્તિત્વની વધુ પરિપૂર્ણતા તરફની ગતિ – આવા અનેક ગૌણ વિષયોને પણ વણી લીધા છે. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પ્રણયકથા કરતાં પણ, વધુ તો એક મોરલ કૉમેડી છે એમ કહેવું યોગ્ય છે. અને આ તમામ વિષયો, જેઇને એ સમય સુધી લખાતી રહેલી નવલકથાઓની જેમ લાંબા ઉપદેશોથી કે મેલોડ્રામાથી કે ગળે ન ઉતરે એવી ઘટનાઓથી નથી આલેખ્યા. જેઇનની પ્રતિભા છે કે આ બધા વિષયો સાવ સ્વાભાવિક રીતે, શક્ય હોઈ જ શકે એવી ઘટનાઓથી, સ્વાભાવિક સંવાદો વડે, અને ખાસ તો પાત્રોના વર્તનથી અને એ વર્તનના પરિણામોથી બતાવાયા છે.
શેક્સપિયરમાં એવી સર્ગશક્તિ હતી કે એ દરેક પાત્રને પોતાનું આગવું, પોતીકું, સંપૂર્ણ વ્યક્તિત્વ આપી શકતો – પછી એ કોઈ મુખ્ય પાત્ર હોય, કે એકાદ વાક્ય બોલીને ફરી ક્યારે ય તખ્તા પર ન ડોકાતું અતિ ગૌણ પાત્ર હોય. શેક્સપિયરની જેમ જેઇન પણ પાત્રાલેખનની આવી સિદ્ધિ ધરાવે છે. આથી જ વિવેચક હેરલ્ડ બ્લૂમે એને ‘The most Shakespearean Novelist’ તરીકે ઓળખાવી છે. જેઇન પોતે પોતાના કામને ‘A little bit of ivory, two inches long, on which I work with so fine a brush with much labour’ – એ રીતે વર્ણવે છે. જેઇનની નવલકથાઓમાં દેખીતી રીતે વિષયોના વ્યાપ કે વૈવિધ્યનો અભાવ લાગે – પરંતુ એમાં માનવનું અને એના ચિત્તવ્યાપારોનું વૈવિધ્ય અનેરું છે. ‘હાથીદાંતના બે ઈંચના ટુકડા’ પર એણે ‘સો ફાઈન અ બ્રશ’ થી ઊભી કરેલી સૃષ્ટિ વિશાળ છે, અનવદ્ય છે અને અમર છે.
આભાર.
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]
e.mail : nandita.muni@gmail.com
* * * * *
જેઇન ઑસ્ટિન : ‘એમા’
— આરાધના ભટ્ટ
આજની સભામાં મને નિમંત્રિત કરી એ બદલ આભાર. વિપુલભાઈ, પંચમભાઈ અને યુનાઇટેડ કિન્ગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ કર્તાહર્તાઓ તેમ જ આવી સત્ત્વશીલ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઊલટભેર અને વર્ષોથી સહભાગી થનાર સૌ સભ્યો, તમે અભિનંદનને પાત્ર છો.
હું લખું છું ગુજરાતીમાં, મારી પ્રસારણને લગતી સકળ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગુજરાત અને ગુજરાતીઓ છે, પણ મારી યુનિવર્સિટીની પદવીઓ માટે મેં અભ્યાસ કર્યો અંગ્રેજી સાહિત્યનો અને પછી આવીને વસવાનું બન્યું ઓસ્ટ્રેલિયામાં. એટલે એ રીતે જેઇન ઑસ્ટિન સાથે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી અને ભાવક તરીકે નાતો છે એમ કહી શકું. વળી ઇંગ્લેન્ડની મારી પહેલી મુલાકાત દરમ્યાન બાથની મુલાકાત લીધી ત્યારે ત્યાંની હવામાં જાણે કે જેઇન ઑસ્ટિનની હાજરી પામી શકાતી હતી. ત્યાંના જેઇન ઑસ્ટિન સેન્ટરે મન મોહી લીધું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ૧૮૦૧થી ૧૮૦૬ દરમ્યાન એમણે બાથમાં વસવાટ કરેલો અને આ સુંદર સ્થળ એમને એટલું પ્રભાવક લાગેલું કે એમની બધી જ નવલકથાઓમાં એના ઉલ્લેખો છે અને બે નવલકથાઓ ‘નોર્થેન્ગર એબી’ અને ‘પર્સ્વેઝન’ની પાર્શ્વભૂ બાથ શહેર છે.
જેઇન ઑસ્ટિનની નવલકથાઓને સમજવા અને માણવા માટે પહેલાં તો એમના યુગને, ત્યારની અંગ્રેજી સમાજરચનાને અને એની ખાસિયતોને સમજવી જરૂરી છે. સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ રજૂ કરતું હોય છે અને સમાજને અમુક રીતે ઘડતું પણ જાય છે, એ હકીકત પણ સર્વવિદિત છે. જેઇન ઑસ્ટિન ૧૮મી સદીમાં જીવ્યાં – જેને અંગ્રેજી સાહિત્યનો જ્યોર્જિયન પિરિયડ કહેવાય છે. માત્ર ૪૧ વર્ષની વયે એમણે જીવનલીલા સંકેલી એ દરમ્યાન એમણે છ નવલકથાઓ લખી. એ જાણીતી થયેલી છ નવલકથાઓ ઉપરાંત એમના મૃત્યુ પછી કેટલીક અપ્રગટ હસ્તપ્રતો પણ મળી આવી હતી. એ સમય એવો હતો જ્યારે સાહિત્યની વર્ણ વ્યવસ્થામાં નવલકથાનો વર્ણ બહુ આદરપાત્ર નહોતો, કવિતાનો અને કવિઓનો મહિમા હતો. ઉપરાંત સ્ત્રીઓ લેખન કરે એ ઇચ્છનીય નહોતું ગણાતું, તેથી એમણે એમની નવલકથાઓ સૌ પ્રથમ anonymous – પોતાના નામ વિના પ્રગટ કરી હતી. જેઇન ઑસ્ટિનની નવલકથાઓ એ ૧૮મી સદીની સમાપ્તિ અને ૧૯મી સદી તરફના પ્રયાણની નવલકથાઓ છે, અર્થાત એમાં વાસ્તવવાદ તરફનો ઝોક જોવા મળે છે. સામાજિક દરજ્જા માટે સ્ત્રીઓ લગ્ન સંસ્થા પર નિર્ભર હતી, લગ્ન એમના જીવનનું કેન્દ્રબિંદુ હતું અને ૧૮મી સદીમાં સમાજનો જમીનદાર ગર્ભશ્રીમંત વર્ગ કેવો હતો એનું ચિત્રણ એમની નવલકથાઓનું વિષયવસ્તુ બન્યું છે. એમાં એ સમયની સામાજિક માન્યતાઓ અને પ્રથાઓની ક્યાંક માર્મિક આલોચના પણ છે.
‘એમા’ નામની નવલકથા એમની પ્રગટ થયેલી ચોથી નવલકથા છે. એનું પ્રકાશન ડિસેમ્બર ૧૮૧૫માં થયું, જો કે પહેલી આવૃત્તિના પહેલા પાને પ્રાગટ્યનું વર્ષ ૧૮૧૬ નોંધવામાં આવ્યું છે. આજે આપણને જાણીને આશ્ચર્ય થશે કે એની પ્રથમ આવૃત્તિમાં એની ૨,૦૦૦ પ્રત છપાઈ હતી અને એના પ્રકાશક હતા લંડનના ખ્યાત પ્રકાશક જ્હોન મરી. ‘એમા’ પુસ્તક ઘણું ચાલ્યું, એનું વેચાણ સારું થયું પણ ત્યાર પછીની ‘મેન્સફીલ્ડ પાર્ક’ નવલકથા ન ચાલી. ‘મેન્સફીલ્ડ પાર્ક’ એમના જીવનકાળમાં પ્રગટ થયેલી છેલ્લી નવલકથા છે. વોલ્ટર સ્કોટ જેવા એ સમયના મોટા ગજાના નવલકથાકારે ‘એમા’ પ્રગટ થતાંની સાથે એનો રિવ્યુ લખ્યો. વોલ્ટર સ્કોટે નવલકથાના સાહિત્યિક સ્વરૂપનો મહિમા કર્યો અને ‘એમા’ નવલકથાની પ્રશંસા કરી.
હવે કરીએ ‘એમા’ નવલકથાની વાત – એને novel of manners કહેવામાં આવી છે. તો શું છે આ novel of manners? બ્રિટાનિકા એની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – A novel of manners is a work of fiction that re-creates a social world, conveying with finely detailed observation the customs, values, and mores of a highly developed and complex society. The conventions of the society dominate the story, and characters are differentiated by the degree to which they measure up to the uniform standard, or ideal, of behaviour or fall below it. The range of a novel of manners may be limited, as in the works of Jane Austen, which deal with the domestic affairs of English country gentry families of the 19th century and ignore elemental human passions and larger social and political determinations. એને ‘કોમેડી ઓફ મેનર્સ’ પણ કહેવાઈ છે.
નવલકથાની ઘટનાઓ કાલ્પનિક હાઇબરી, હાર્ટફિલ્ડ અને આસપાસનાં કાલ્પનિક ગ્રામ્ય વિસ્તારોમાં ઘટે છે. કોઈક વિવેચકોએ એવું પણ નોંધ્યું છે કે હાઇબરી એ સ્થળ ન રહેતાં એક પાત્ર બનીને આપણી સમક્ષ આવે છે. નવલકથાનાં પાત્રો ત્યાંના થોડા શ્રીમંત અને સમાજમાં અગ્રગણ્ય પરિવારોનાં સભ્યો છે અને એ રીતે નવલકથાનો વ્યાપ થોડો સીમિત છે. એમા નામની યુવતી એનું મુખ્ય પાત્ર છે. એમા અને એની આસપાસની સ્ત્રીઓના લગ્નને લગતા પ્રશ્નોને જેઇન ઑસ્ટિન આ નવલકથામાં નિરૂપે છે. નવલકથા લખતાં પહેલાં ઑસ્ટિને કહેલું કે તેઓ એક એવા પાત્રનું સર્જન કરવા જઈ રહ્યાં છે જે એમના સિવાય અન્ય કોઈને ખાસ ગમશે નહીં. અને પછી નવલકથાના પહેલા જ વાક્યમાં એ એમાને આ રીતે પ્રસ્તુત કરે છે “Emma Woodhouse, handsome, clever, and rich, with a comfortable home and a happy disposition, seemed to unite some of the best blessings of existence; and had lived nearly twenty-one years in the world with very little to distress or vex her.” આ પહેલા વાક્યમાં મને seemed શબ્દ નોંધપાત્ર લાગે છે. જે જણાય છે અથવા જે લાગે છે એ હંમેશાં હકીકત અથવા વાસ્તવિક હોય એ જરૂરી નથી. એમા એ તત્કાલીન સમાજના એક એવા વર્ગની ૨૧ વર્ષીય નાયિકા છે જેણે ખાસ કશું વેઠવું પડ્યું નથી. આખી નવલકથાના કથાનકનો સારાંશ અહીં રજૂ નથી કરતી, કારણ કે તમારામાંના ઘણાએ એ જરૂરથી વાંચી હશે અથવા એના કથાનકથી પરિચિત હશો.
એમાની મિત્ર અને ગવર્નેસ મિસ ટેઇલર અને મિસ્ટર વેસ્ટન એકમેકના પરિચયમાં આવે છે અને લગ્ન કરે છે એનું શ્રેય એમાને જાય છે. કારણ કે એમનો મેળાપ કરાવનાર એમા છે. જેમ આપણા સમાજમાં કેટલાક પરગજુઓ હોય છે જે સતત કોઈને કોઈનું ચોકઠું ગોઠવી આપવાની ગોઠવણમાં હોય છે અને એમાં પોતાની ધન્યતા માનતા હોય છે, એવું જ કંઈક એમાનું છે. એમાને એક મોટી બહેન છે, ઈસાબેલા, જે પરીણિત છે. નવલકથાનાં પાત્રો હેરિયટ સ્મિથ, મિસ્ટર એલ્ટન, ફ્રેંક ચર્ચિલ, મિસ્ટર નાઇટલી, મિસ બેટ્સ અને મિસિસ બેટ્સ, રોબર્ટ માર્ટિન્સ પોતાનાં પ્યાદાં હોય એમ એમનાં લગ્નને અને જીવનને ગોઠવવાના પ્રયત્નો એ એમાની પૂર્ણ સમયની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિઓને પરિણામે એ પોતાને માટે અને અન્યોને માટે અનેક વિચિત્ર પરિસ્થિતિઓ સર્જે છે. અનેક ગેરસમજો ઊભી થાય છે. કોઈનું તૂટે છે, કોઈનું સંધાય છે. અંતે ભારતીય રોમેન્ટિક ચલચિત્રોમાં બને છે એમ સૌ ખાઈ પીને રાજ કરે છે. એમા વુડહાઉસ જે નવલકથાની શરૂઆતમાં પોતાને લગ્ન સંસ્થાથી અલિપ્ત ગણાવતી હતી તે સ્વયં પ્રેમમાં છે એ વાત આખરે જાત સાથે કબૂલે છે અને લગ્ન કરી લે છે. કથાનક જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એમાનું પાત્ર પણ વિકસે છે. નવલકથાની શરૂઆતની એમા અને સમાપનની એમા જુદી છે. શરૂઆતમાં ક્યાંક ઉદ્દંડ-માથાભારે લાગતી, ક્યાંક અવ્યવહારુ લાગતી એમા અંતમાં પોતાની મર્યાદાઓ સમજતી થઈ જણાય છે. થોડી વધારે વિનમ્રતા અને સ્થિરતા એના વ્યક્તિત્વમાં આવેલી જણાય છે. નવલકથાનો પટ એ એમા વુડહાઉસનો self discovery – આત્મખોજનો પટ છે. એટલે એ રીતે જોતાં એમા એ પાત્રકેન્દ્રી નવલકથા બની છે – novel of characters. એક એવી નવલકથા જેના કેન્દ્રમાં લગ્ન અને સામાજિક દરજ્જો એ બે મુખ્ય વિષયો છે.
શેક્સપિયરની કરુણાંતિકાઓ સંદર્ભે hamartia – tragic flawનું વિભાવન સાહિત્યમાં પ્રચલિત છે, જેનાં મૂળ ગ્રિક સાહિત્યમાં છે. જે તે પાત્રની એક અથવા એકથી વધુ લાક્ષણિકતાઓ એ પાત્રની દુર્દશા કરે એને હેમર્શિયા hamartia કહે છે. એમા માટે એ શબ્દપ્રયોગ ન થઈ શકે કારણ કે એ કરુણાંતિકા નથી અને એમાની દુર્દશા નથી થતી પરંતુ એના પાત્રનું ચિત્રણ જેઇન ઑસ્ટિને આ રીતે કર્યું છે. એમા વિશે એ કહે છે કે “Emma possesses “the power of having rather too much her own way, and a disposition to think a little too well of herself.” પોતાનું ધાર્યું કરવાની ટેવ અને પોતાના વિશે વધારે પડતો ઊંચો અભિપ્રાય – એમાના એ બે પ્રશ્નો આ નવલકથામાં ઘણા સંઘર્ષો અને તકલીફોનું કારણ બને છે.
એમા વુડહાઉસનું પાત્ર રચીને જેઇન ઑસ્ટિન કદાચ એક સશક્ત નારીનું ચિત્ર રજૂ કરી રહ્યાં હતાં, એક એવી નારી જે લગ્ન ન કરવાનો ઇરાદો રાખે છે, એટલું જ નહીં એમાના પિતા હેન્રી વુડહાઉસ, એમાને લગ્ન ન કરવાની સલાહ આપે છે. અંતે જ્યારે એમા અને મિસ્ટર નાઇટલીનાં લગ્ન થાય છે, ત્યારે મિસ્ટર વુડહાઉસ દીકરી એમા વિના એકલા પોતાનું જીવન ચલાવી નહીં શકે એવું જણાતાં મિસ્ટર નાઇટલી ઉદારતા દર્શાવીને લગ્ન પછી એમના ઘેર રહેવા આવી જાય છે. આપણી ભાષામાં આપણે એમને ઘરજમાઈ કહીશું. જેઇન ઑસ્ટિન નારીવાદી હતાં કે કેમ અથવા એમની આ નવલકથા દ્વારા એ ફેમિનિસ્ટ વિચારધારા માટે પોતાનું અનુમોદન રજૂ કરવા માંગતાં હતાં કે કેમ એ પ્રશ્ન વારંવાર વિદ્વાનોમાં અને વિવેચકોમાં ચર્ચાય છે. પણ મને લાગે છે કે એનો જવાબ આપતાં પહેલાં આપણે નારીવાદની વિભાવના અને વ્યાખ્યા તરફ જવું પડે અને એને આપણી ક્ષમતા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરવો પડે.
૧૯મી સદીના ઇંગ્લેન્ડમાં સામાજિક દરજ્જો, જેમ ભારતીય સમાજમાં છે એમ, અનેક જુદાજુદા પરિબળોનાં આધારે નક્કી થતો – નામ/અટક, લિંગ – સ્ત્રી/પુરુષ, સમાજમાં પરિવારની આબરૂ, સંપત્તિ. અને વ્યક્તિનું જીવન કેવું જાય એ આ દરજ્જો નક્કી કરતો. કદાચ એવું પણ કહી શકાય કે આ નવલકથા દ્વારા જેઇન ઑસ્ટિન એ સમયની આ સમાજ વ્યવસ્થા વિશે ટિપ્પણી કરી રહ્યાં હતાં, એમાં કદાચ થોડો કટાક્ષનો ભાવ પણ ભળેલો હતો.
વિષયવસ્તુની દૃષ્ટિએ જોતાં ‘એમા’ નવલકથામાં નવીનતા ઓછી છે, અથવા નથી. નિરૂપણ શૈલીની વાત કરીએ તો એ સમયની નવલકથાઓ મુખ્યત્વે પહેલા પુરુષમાં અથવા ત્રીજા પુરુષમાં લખાતી. જ્યારે જેઇન ઑસ્ટિન એમની ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ અને પછી ‘એમા’માં વાચકને નવલકથાના મુખ્ય પાત્રની ખૂબ નજીક લઈ જાય છે. એના મનોગત સુધી પહોંચવામાં લેખિકા વાચકની મદદે આવી છે. અમુક પ્રસંગોએ તો વાચક પરીસ્થિતિ, પ્રસંગ અથવા બીજાં પાત્રોને એમાની નજરથી જોવા લાગે છે. એટલે નવલકથામાં એમા ભલે કથક નથી, છતાં વાચક એની નજરે ઘણું બધું જુવે છે. સાહિત્યિક પરિભાષામાં એને free indirect discourse કહે છે, જેમાં કથક પાત્રના મનોજગતમાં પ્રવેશે અને પ્રસંગનું આલેખના જાણે કે એ પાત્રના શબ્દોમાં કરે.
કોઈ પણ સર્જન જ્યારે આટલો લાંબો સમય – ૨૦૦ વરસથી પણ વધારે જીવિત અને જીવંત રહે અને સમયની કસોટીમાંથી ખરું ઊતરે ત્યારે એના વિશે ઘણું કહેવાઈ ગયું હોય. અનેક વિદ્વાનોએ અને વિવેચકોએ એની મૂલવાણી કરી હોય. આપણે જાણીએ છીએ કે વિવેચકો પર એવો આરોપ છે કે ક્યારેક મૂળ લેખકે ન ધાર્યું હોય એવા અર્થોનું આરોપણ વિવેચકો કૃતિ પર કરતા હોય છે. ‘એમા’ વિષે પણ આવું થયું હોય એ શક્ય છે. કોઈક વિવેચકે એમાના પાત્રમાં સજાતીયતાનાં લક્ષણો પણ જોયાં છે. મેં આ સર્જન સંબંધે જીવંત શબ્દ હમણાં જ વાપર્યો એ સકારણ છે. ‘એમા’ નવલકથા પરથી એકથી વધારે ચલચિત્રો બન્યાં છે. અને જ્યારે કોઈ પણ કૃતિ પરથી ફિલ્મ બને ત્યારે એ કૃતિમાં કેટલાક સૂક્ષ્મ તો ક્યારેક બહુ સ્થૂળ ફેરફારો થતા હોય છે. ભલે આજે એને આપણે પિરિયડ ફિલ્મના ખાનામાં મૂકીએ, નવલકથાનું ૧૮મી સદીનું નિરૂપણ ૨૧મી સદીના ફિલ્મના પ્રેક્ષકને સદે એ જોવાનું હોય છે. અને એ અર્થમાં હું એને જીવંત કહું છું.
જેઇન ઑસ્ટિનની અઢીસોમી જન્મ જયંતી આ વર્ષે ઉજવાઈ રહી છે અને એમનાં સર્જનોનું સત્ત્વ એવું છે કે એ આવતી સદીઓમાં વાંચતાં અને ચર્ચાતાં રહેશે.
મને લાગે છે કે મને ફાળવેલો સમય મેં પૂરો કર્યો છે. મારી સમજણ અને ક્ષમતા અનુસાર હું જેઇન ઑસ્ટિનને અને એમની નવલકથાઓને જે રીતે સમજી છું એ પ્રમાણે રજૂઆત કરવાનો મારો આ પ્રયત્ન છે. આશા છે કે એ યથાર્થ નીવડ્યો હશે. મને આમંત્રિત કરવા બદલ વિપુલભાઈ અને તમારી સંસ્થાના સર્વનો અને આપ સૌ શ્રોતાઓનો ફરી એક વખત આભાર, સૌને વંદન.
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]
e.mail : aradhanabhatt@yahoo.com.au
* * * * *
જેઇન ઑસ્ટિન અમર રહો !
— રૂપાલી બર્ક
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનિલાલ ભાષાણી સ્વાધ્યાયપીઠ’ના અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી પ્રસંગે યોજાયેલા આજના કાર્યક્રમનું સંચાલન કરવાની તક માટે ખૂબ આનંદ અનુભવું છું. બ્રિટિશ ભૂમિ પર સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ગુજરાતી ભાષા-સાહિત્યનું સંવર્ધન કરીને માતૃભાષાનું ગૌરવ કરે છે, એ રીતે બ્રિટિશ મહિલા નવલકથાકાર જેઇન ઑસ્ટિનની ૨૫૦મી જયંતી ઉજવીને અંગ્રેજી ભાષાનું ગૌરવ કરે છે. ૨૦૧૨માં સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા ચીની સાહિત્યકાર મો યૅન મુજબ લેખકની રાષ્ટ્રિયતા હોય છે, સાહિત્યને ભૌગોલિક સીમાઓ નડતી નથી. આથી આજનો કાર્યક્રમ ખૂબ આવકાર્ય અને બીરદાવવા યોગ્ય, અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમ યોજીને એક મિસાલ ઊભી કરવામાં આવી છે અને આવા ક્રૉસ-કલચરલ કાર્યક્રમો વધુ યોજાય એવી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.
અંગત ધોરણે હું ખૂબ આનંદિત છું કારણ કે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક-અનુસ્નાતક થઈ છું અને બ્રિટિશ પોઅટ્રીમાં એમ. ફિલ. અને પીએચ.ડી. કરેલું છે. દોઢ દસકો અંગ્રેજી સાહિત્યના ગાઢ સાનિધ્યમાં મેં ગાળ્યા છે. પરંતુ બાદમાં અન્ય સાહિત્યોનાં વાચન, અભ્યાસ અને અનુવાદ તરફ વળી જવાનું બન્યું. આ નિમિત્તે લગભગ ચાર દાયકા બાદ બ્રિટિશ સાહિત્યના વિશ્વમાં ફરીથી પ્રવાસ કરવાનો થયો એથી પુલકિત છું.
૮૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે હું બી.એ. ઇંગ્લિશ ભણતી હતી, ત્યારે તમામ પેપર બ્રિટિશ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો અને બ્રિટિશ વિવેચન આધારિત હતાં. અમે નખશિખ બ્રિટિશ સાહિત્યિક જગતમાં ઓતપ્રોત રહેતા. તે ગાળામાં ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ અમેરિકન, ઇન્ડિયન રાઈટિંગ ઈન ઇંગ્લિશ, ટેકસ્ટ્સ ઈન ટ્રાન્સલેશન, કોમનવેલ્થ-આફ્રિકન-કેનેડિયન કે પછી દલિત, વગેરે હાંસિયાકૃત સાહિત્ય અભ્યાસક્રમમાં હોતું નહીં. એમ.એ.માં આમાં ફેરફાર થતો અને સાહિત્યનું ફલક સહેજ વિસ્તરતું. તરુણાવસ્થામાં સ્વાભાવિકપણે બ્રોન્ટે બહેનો, જેઇન ઑસ્ટિન, ટોમસ હાર્ડીની નાયક-નાયિકા કેન્દ્રિત નવલકથાઓ વાંચવી ખૂબ ગમતી.
બાદમાં નારીવાદના અભ્યાસ દરમ્યાન ખ્યાલ આવતો ગયો કે એ સદીઓમાં લેખિકા હોવું એ કેટલી મોટી સિદ્ધિ હતી. કેટલો સંઘર્ષ, કેટલી અવહેલનાનો સામનો કરવો પડતો. ૨૦૨૪માં રેમી ટારગૉફ લિખિત પુસ્તક ‘શેક્સપિયર્ઝ સિસ્ટર્ઝ’ પ્રકાશિત થયું છે. વર્જિનિયા વુલ્ફે પોતાના પુસ્તક ‘અ રૂમ ઑવ વન્ઝ ઓઉન’માં વિલિયમ શેક્સપિયરની કાલ્પનિક બહેન ‘જ્યુડિથ’ વિશે લખાયું છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો શેક્સપિયર જેટલી જ પ્રતિભા ધરાવતી એમની બહેન લેખિકા બનવા ચાહતી તો શું થાત? અને અનુમાન કરે છે કે એને ડાકણ ગણવામાં આવી હોત, પાગલ કહેવામાં આવી હોત અને એટલી હદે સતામણી કરવામા આવી હોત કે એણે આત્મહત્યા કરી લીધી હોત. રેમી કહે છે કે વુલ્ફે ૧૯૨૦માં આમ લખ્યું કારણ કે ત્યાં સુધી એમ જ માનવામાં આતું હતું કે તે કાળમાં કોઈ લેખિકાઓ હતી જ નહીં અને વુલ્ફે રેર બુક્સ લાઈબ્રરીમાં જઈને જૂની હસ્તપ્રતો જોઈ નહોતી. રેમીએ સંશોધન કરી ને ચાર લેખિકાઓ વિશે દુનિયાને ઉજાગર કરી. એમના મુજબ રાણી એલીઝાબેથ પહેલા પોતે વિદ્વાન હતાં, ઘણી ભાષાઓ જાણતાં હતાં, અનુવાદક અને લેખિકા હતાં પરંતુ ૧૬મી સદીના ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓ માટે અભ્યાસની સુવિધાઓ નહોતી. ખૂબ ઓછી છોકરીઓને પ્રાથમિક શિક્ષણની તક હતી. છોકરીઓ માટે માધ્યમિક શાળાઓ કે કૉલૅજોની તો વાત જ નહીં. રેમી લખે છે કે જે છોકરીઓ વધુ અભ્યાસ કરતી તે પરિવારની દરકારને લીધે, ઘરે રહીને માતાપિતા કે ટ્યુટરને કારણે કરી શક્તી. કોઈ પણ પ્રકારના સામાજિક-સાંસ્કૃતિક હક કે લાભથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવતી. પ્રકાશન અને પ્રસિદ્ધિના લાભાર્થીઓ માત્ર પુરુષો હતા. પરંતુ રેમી નોંધે છે તેમ સ્ત્રીઓની કલ્પના અને એમની કલમ કોઈ છીનવી શકતું નહીં. આ સ્ત્રીઓએ એમના લખાણમાં એમને ગૂંચવતા પ્રશ્નો પુછ્યા જેવા કે કેમ પુરુષ ડાઈવોર્સ માગી શકે અને સ્ત્રી નહીં? કેમ પુરુષ યુનિવર્સિટીમાં ભણી શકે અને સ્ત્રીએ ઘરે રહીને બાળકો ઉછેરવાના? પરંતુ આ બાબતો હસ્તપ્રતોમાં જ કેદ રહી. સૅન્ડ્રા ગિલબર્ટ અને સુસન ગુબારે ૧૯૭૯માં એક પુસ્તક લખ્યું જેનું શિર્ષક હતું The Mad Woman in the Attic: The Woman Writer and the Nineteenth-Century Literary Imagination. આ પુસ્તકમાં એમનો ચર્ચાનો વિષય છે કે કેવી રીતે પુરુષ પ્રધાન સાહિત્યિક જગતમાં લેખિકાઓને સામાજિક ધોરણે ગેરલાયક ઠેરવીને એમની પર અંકુશ રાખવામાં આવતો. જેઇન ઑસ્ટિનની નવલકથાઓ રોમેન્ટીક ઍજમાં (બ્રિટિશ સાહિત્યના ઇતિહાસના વર્ગીકરણ મુજબ) અજ્ઞાત તરીકે પ્રકાશન પામતી. ત્યારબાદના વિક્ટૉરિયન ઍજમાં પણ લેખિકાઓની કૃતિઓ પ્રકાશકો છાપવા તૈયાર ન થતાં. બ્રોન્ટે બહેનો, શાર્લટ, ઍમીલી અને ઍન અનુક્રમે ક્યુરર, ઍલિસ અને ઍક્ટન બૅલના ઉપનામથી પોતાની હસ્તપ્રતો પ્રકાશકોને મોકલતાં. મૅરી ઍન ઍવન્ઝે (૧૮૧૯-૧૮૮૦) પોતાનું સમગ્ર લેખન જ્યોર્જ ઍલિયટના ઉપનામથી કર્યું. જેઇન ઑસ્ટિન લખતાં એ રોમૅન્ટિક ઍજ પૂર્વેની ઑગસ્ટન અથવા ઍનલાઈટનમૅન્ટ ઍજમાં બ્રિટિશ નવલકથાનો જન્મ થયો. તે ગાળામાં પણ અજ્ઞાત તરીકે ઘણી સ્ત્રીઓ સારું લખતી પરંતુ એમની ક્યાં ય નોંધ લેવાતી નહીં. અંગ્રેજીમાં સાહિત્યમાં મુખ્ય લેખકો અને એમની કૃતિઓ માટે અનુક્રમે સંજ્ઞા canon અને વિશેષણ canonical વાપરવામાં આવે છે. તે સદીની canonમાં આફ્રા બૅન અને ઍલાઈઝા હેવૂડ, વગેરેની વ્યવસ્થિત રીતે બાદબાકી કરવામાં આવતી.
ત્યારબાદ મોડર્ન ઍજ દરમ્યાન (૧૮૯૧થી) પરિસ્થિતિમાં થોડો ઘણો સુધાર થવા લાગ્યો. ૧૯૧૧માં કૅથરીન મૅન્ઝફીલ્ડની ટૂંકી વાર્તાનો સંગ્રહ In a German Pension બહાર પડ્યો. વર્જીનિયા વુલ્ફનું દીવાદાંડી સમાન પુસ્તક A Room of One’s Own ૧૯૨૯માં બહાર પડ્યું અને સ્ત્રીલેખનમાં ક્રાંતિ સર્જાઈ. આમ છતાં, વર્જિનિયા વુલ્ફ જણાવે છે તેમ એમના સમયમાં સ્ત્રીઓને લખવાની મનાઈ નહોતી, પરંતુ લેખન કરવા સ્ત્રીએ ‘angel in the house’ની હત્યા કરી રાતના પોતાના આરામના સમયમાં લખવું પડતું. વુલ્ફે કહ્યું છે કે જેટલી કૃતિઓ અજ્ઞાતના નામે વંચાતી તે બધી સ્ત્રીઓ દ્વારા લખાયેલી હતી. આમ, અસંખ્ય અજ્ઞાત લેખિકાઓનાં બલિદાન અને તપથી કંડારેલી કેડી લેખિકાઓ નિશ્ચિંતપણે આગેકૂચ કરવા લાગી.
જેઇન ઑસ્ટિનની નવલકથાઓ પણ ‘By a lady’ નામે પ્રકાશિત થયેલી કારણ કે એમના સમયમાં સ્ત્રી માટે નવલકથા લખવી એ યોગ્ય પ્રવૃતિ ગણાતી નહીં અને સામાજિક નિંદાનું કારણ બનતું. એ તો ઠીક એમનાં ચરિત્ર પર શંકા કરવામાં આવતી અને એમને સંસ્કારવિહિન ગણવામાં આવતી. પિતૃસત્તાનો આવો સિતમ એ જમાનામાં સ્ત્રીઓ વેઠતી એ વિચાર માત્ર કમકમાટી ઉપજાવે છે.
જીવતા જીવ નહીં પરંતુ છેક ઑસ્ટિનના મૃત્યુ બાદ એમની નવલકથાઓનો શ્રેય એમને મળ્યો. એમના ભાઈ હેનરી ઑસ્ટિને એમની છેલ્લી બે નવલકથાઓ Northanger Abbey અને Persuasion ૩ ડિસેમ્બર, ૧૮૧૭માં પોતાની બહેનના વિગતવાર પરિચય ‘Biographical Notice of the Author’ સાથે પ્રકાશિત કરી. આ પરિચય વાંચવો એક લાહવો છે. 1833માં રિચર્ડ બેન્ટલીએ જેઇન ઑસ્ટિનની નવલકથા ‘Sense and Sensibility’ પ્રકાશિત કરી એમાં હેનરી લિખિત ‘Memoir of Jane Austen’નો સમાવેશ કરવામાં આવેલો. જેઇન ઑસ્ટિનના જીવન-કવનની માહિતી માત્ર આ બે દુર્લભ સ્રોતમાંથી મળે છે, એ આપણું સૌભાગ્ય છે. Tributeની શરૂઆત કરતા હેનરી લખે છે, “The following pages are the production of a pen which has already contributed in no small degree to the entertainment of the public. And when the public, which has not been insensible to the merits of Sense and Sensibility, Pride and Prejudice, Mansfield Park, and Emma, shall be informed that the hand which guided that pen is now mouldering in the grave, perhaps a brief account of Jane Austen will be read with a kindlier sentiment than simple curiosity.” હેનરી નોંધે છે કે ૧૮૦૯માં એમના પિતાના મૃત્યુ બાદ જેઇન એમનાં માતા અને બહેન સાથે ચૉટન રહેવા ગયાં. “From this place she sent her novels into the world.” અજ્ઞાત રહી સર્જન કર્યાનું આથી ઉતકૃષ્ટ દાખલો ક્યાં મળે? તે વખતના વિખ્યાત નવલકથાકાર સર વૉલ્ટર સ્કૉટે માર્ચ ૧૮૧૬માં જેઇન ઑસ્ટિનની Emmaનો રિવ્યુ ‘Quarterly Review’માં કરેલો : He hailed this ‘nameless author’ as a masterful exponent of the ‘modern novel’ in the realist tradition. એમને સર્જકનું નામ જાણવાની જિજ્ઞાસા નહીં થઈ હોય? તે વખતના પ્રિન્સ રિજન્ટ, બાદમાં કિંગ જ્યોર્જ IVએ ખાનગી રાહે રાજવી આદેશ મોકલી Emma એમને અર્પણ કરવાનું કહેલું. પ્રશ્ન એ થાય કે આદેશ કોને મોકલ્યો હશે? આદેશનું પાલન કરવામાં આવ્યું. To His Royal Highness / The Prince Regent, / This work is, / By His Royal Highness’s Permission, / Most respectfully / Dedicated, /By His Royal Highness’s / Dutiful / And Obedient / Humble Servant, /The Author.
હેનરી એમની બહેનની તેજસ્વીતાનું વર્ણન કરતાં લખે છે, “In the present age it is hazardous to mention accomplishments; our authoress would probably have been inferior to few in such acquirements, had she not been so superior to most, in higher things … She became an authoress entirely from taste and inclination. Neither the hope of fame nor profit mixed with her early motives.” એ સમયમાં ઉપર દર્શાવેલા કારણોને લીધે અતિ પ્રતિભાશાળી અને વિદ્વાન હોવા છતાં જેઇન ઑસ્ટિન પ્રસિદ્ધિ કે નફો એ ચાહતા તો ય પ્રાપ્ત થઈ શકે એમ નહોતા. પરંતુ એમની ક્ષમતા પર ગ્રહણ ન લાગી શક્યું અને એટલે જ ૨૫૦મી જયંતી આટલા રંગેચંગે સમગ્ર બ્રિટનમાં ઉજવાઈ રહી છે.
ડેવિડ ગિલસન ‘Henry Austen’s Memoir of Jane Austen’ પર એમની ટિપ્પણીમાં નોંધે છે કે ‘જેઇન ઑસ્ટિનના ઘણા સમકાલિન નવલકથાકારો એમનાથી પ્રભાવિત થયેલા અને એમાં પુરુષો નવલકથાકારો પણ હતા. પરંતુ જેઇન ઑસ્ટિન “the undisputed mistress” હતાં એવા તારણ પર ગિલસન આવે છે. જેઇન ઑસ્ટિનના ંસર્જનને સમજવા માટે પ્રસ્તુત સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસની ભૂમિકા ખૂબ ઉપયોગી છે. જેઇન ઑસ્ટિન માટે “The novel was a weapon to reform humanity.” એમની નવલકથાઓના અમુક લક્ષણ અગાઉના નવલકથાના પ્રણેતા યુગમાંથી લીધેલા હતા જેવાં કે સંવેદનશીલતા, નૈતિકતા, શિષ્ટાચારનું આલેખન. આ ઉપરાંત એમના સમયમાં પ્રચલિત રોમૅન્ટિક મૅલોડ્રામાનું તત્ત્વ હતું, જેનાથી દૂર જઈને એમણે તાજગીભરી ઘરેલું વાસ્તવિક્તાનું આલેખન કર્યું, જેનાં કારણે એમની નવલકથાઓ લોકપ્રિયતા પામી હતી. જેઇન ઑસ્ટિન બળકટ સાહિત્યિક વ્યંગ, પાત્રો અને સમાજનું રમૂજી આલેખન કરી વાચકોને મનોરંજન પૂરું પાડતાં. ઑસ્કર વાઈલ્ડે The Picture of Dorian Gray (1891)માં કહ્યું છે, “If you want to tell people the truth, make them laugh, otherwise they’ll kill you.” જેઇન ઑસ્ટિનની નવલકથાઓ નાયિકાપ્રધાન છે અને એમની આગળ થઈ ગયેલા નવલકથાકારો હેનરી ફીલડીંગ અને ફ્રૅન્સીસ બર્નીમાંથી અપનાવેલી free indirect speechની લેખન શૈલી જેમાં લેખક અને પાત્રોના વિચારો, મંતવ્યોનો તાણોવાણો વણાતો જાય એમ નવલકથાનું પોત તૈયાર થાય. એમના બાળપણમાં સ્ટીવનટન હાઉસમાં ભજવેલા હાઉઝ પ્લેઝની ઊંડી અસર એમની નવલકથાઓમાં પમાય છે. પાત્રો અને ઘટનાઓ નાટકમાં હોય એવા જીવંત. સંવાદોની વિપુલ માત્રા પણ એટલે જ જણાય છે. Mansfield Parkમાં એક સંવાદ આ બાબતની શાહેદી પૂરે છે : “A love of the theatre is so general, an itch for acting so strong among young people.” જેઇન ઑસ્ટિન ખૂબ સારું નૃત્ય પણ કરતાં. એમની ૬ નવલકથાઓ પર ફિલ્મો બનેલી છે. નામાંકિત દિગ્દશર્ક ઍંગ લીએ બનાવેલી Sense and Sensibility જેઇન ઑસ્ટિનનો વિકટ જમાનો તાદૃશ્ય રજૂ કરે છે.
નિજાનંદ માટે અને પરિવારજનો અને મિત્રો સુધી સિમિત જેઇન ઑસ્ટિને ૩ નોટબૂકમાં લખેલા ૧૩ કાવ્યો, ૩ નાટકો : The Visit, The Mystery અને The First Act of a Comedy છે. આ ઉપરાંત, એમની કલમથી શૅક્સપિયરનાં નાટકોનો આધાર લઈ લખેલી A History of England મળે છે જેમાં પોતાના નામની જગ્યાએ એ By a partial, prejudiced and ignorant Historian લખેલું છે. એમની સાતમી નવલકથા Sanditon અધૂરી મૂકીને ૧૮ જુલાઈ, ૧૮૧૭માં ૪૧ વર્ષની ઉંમરે જેઇન ઑસ્ટિન મૃત્યુ પામ્યાં. એમના ભાઈ શ્રદ્ધાંજલિ લેખમાં લખે છે, “She wrote whilst she could hold a pen, and with a pencil when a pen became too laborious. The day preceding her death she composed some stanzas replete with fancy and vigour.
આવાં મહાન, આમર્ણાંત લેખિકાની સ્મૃતિને શત શત વંદન સાથે વિરમું. Long live the memory of Jane Austen!
07 જૂન 2025
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, સભાસંચાલન કરતાં કરતાં, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]
e.mail : rupaleeburke@yahoo.co.in
* * * * *
વીડિયો: